અમારું મૌન….એક ભાવ એક અનુભવ
क्या आपने कभी मौन की मधुर वाणी को सुना है?
क्या कभी आपने उसकी गहराई को परखा है ?
क्या कभी मौन की मिठास को मुंह मे रखकर चखा है ?
क्या कभी उसकी व्यापकता पर आपने मन से हाथ रखा है ?
(સ્વરચિત)
મૌન…..મૌન શું છે કેવું હોય છે ? મારા ખ્યાલથી તો મૌન એક ભાવ છે …એક અનુભવ….છે જેને હું બહુ સારી રીતે સમજી શકું છુ. અમારી આ ધરતી પર મૌનનો પર્યાય કેવળ મૌન જ છે અન્ય કશું નહીં. જ્યાં તમારું બોલેલું કેવળ ન કોઈ સાંભળનાર છે અને ન કોઈ પરત જવાબ દેનાર છે. છે તો એક બસ સન્નાટાથી ભરેલી શાંતિ. જેમાં શબ્દો, ભાવ, આંસુ, ખુશી બધુ જ દીવાલ સાથે પછડાઈને પાછું ફરે છે. એક સમય હતો આ ઘરમાં દેવર-દેવરાણી ને એના ત્રણ બાળકો, અમે બે ને અમારા ત્રણ બાળકો અને પાપાનો અવાજ ગુંજારતો રહેતો હતો. આજે આ ઘરમાં હવે અમે ફક્ત રહી ગયા છીએ. દેવર-દેવરાણીની બદલી થઈ ગઈ, બાળકો એમની નવી મંઝિલ શોધવા નીકળી ગયાં, અને પાપા પણ લાસ્ટયર સાથ છોડી ગયાં. હવે આ ઘરમાં કોઈ શોર નથી કરતું. ઘર જેમ છે એજ રીતે દિવસો સુધી પડ્યું રહે છે, ન કોઈ કચરો કરનાર છે ન કોઈ ઘર સાફ કરવામાં મદદ કરનાર છે. જે કંઇ છો તે કેવળ તમે જ છો અને તમે જ રહો છો. એક સમયે ગુંજતા રહેતા અને કલરવ કરતાં રહેતા ઘરની એવી આદત પડી ગયેલી છે કે આજે પણ પ્રત્યેક નાના મોટા એ એ કલરવને સાંભળવા કાન તરસી ઊઠે છે પણ મૌનનો ઘેરાવો તૂટતો નથી, બલ્કે દિવસ ઢળવાની સાથે એ વધારે ને વધારે ઘેરો બનતો જાય છે. એમાંયે ઠંડીના દિવસોમાં તો આ ઘેરાવો ત્યાં સુધી તૂટતો નથી કે જ્યાં સુધી ઘરમાં આવીને કોઈ એ ખામોશીને ન તોડે. અમેરિકાની ધરતી પર જે મૌન તૂટવામાં ઘણો સમય લાગે છે તે મૌનને આત્માની વાણી અને ભાષાનું શાસ્ત્ર માનવામાં આવ્યું છે. ઘણીવાર જ્યાં ભાષા કામ નથી આવતી ત્યાં મૌનની ભાષાને અને ભાવનાને વ્યક્ત કરવા આંખ અને ચહેરોના ભાવ સાથ આપે છે. કોઈના પ્રેમમાં હોઈએ ત્યારે મૌન માદક બની જઇ આંખમાંથી ટપકતો હોય છે, જ્યારે પ્રિયજનો મળે છે ત્યારે મૌન વાચાળતા બનીને વરસે છે, પ્રિયજનની વિદાય વખતે મૌન ગળામાં ડૂમો બનીને અટકી જાય છે, પ્રિયજનો જ્યારે દૂર જાય છે ત્યારે મૌન હૃદયના ધબકારાને વધારી દેતું હોય છે, ક્યારેક પ્રિયજનોની યાદ સાથે મૌન મૂક વિરહ કરાવતું હોય છે. આમ મૌનના અનેક ભાવો હોય છે. આ દરેક ભાવોને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવ કરતો જ હોય છે. તેમ છતાં યે મૌનની એ ભાષાને સમજનારા કેટલા લોકો હોય છે ? શ્રી કૃષ્ણકાન્તભાઈ ઉનડકટે સુંદર લખ્યું છે કે “હું બોલવાનું તો બે વરસે શીખી ગયેલો પણ મૌન રહેવાનું આજેય શીખ્યો નથી.” કૃષ્ણકાન્તભાઈની જેમ આજે ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેઓ મૌન નહીં રહી શકતા હોય. કૃષ્ણકાન્તભાઈએ આતો વ્યક્તિઓની વાત કરી, પણ ઘણીવાર એવા સંજોગો પણ આવી જતાં હોય છે કે જ્યારે માણસને ઘણી વખત ઘણી બધી વાતો કરવી હોય છે તેમ છતાં એ મૌનના એવા ડરામણા માર્ગ ઉપર આવી જતો હોય છે કે તેમને ઘણું બધુ કહેવું હોય છે તેમ છતાં પણ તે પોતાના શબ્દો સ્ફુરિત કરી શકતો નથી. મૌનનો એ ડરામણો પ્રસંગ મારે માટે ૨૦૧૧ માં બનેલો. ૨૦૧૧ ની ૨ જી તારીખની એ ખુશનુમા સવાર……પણ મારે માટે સ્તબ્ધતાનો અહેસાસ લઈને આવી હતી. પાકિસ્તાનની મેરિયેટ હોટેલ રૂમમાં એકલી બેઠેલી હું હજુ મારી સવારની સુસ્તી ખંખેરી જ રહી હતી ત્યાં જ મને સમાચાર મળ્યા કે ઓસામા બિન લાદેનને અમેરિકા દ્વારા ઠાર કરવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળતા જ મને જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ લાગ્યું, રૂમમાં એ.સી ચાલું હોવા છતાં મને પસીનો છૂટી ગયો હતો, ચહેરા પર ડરનો સાયો પોતાની પરછાઇ છોડી ચૂક્યો હતો અને હું મૌન અને શૂન્યમસ્તક થઈ થોડી પળો માટે હું પૂતળું બની ચૂકી હતી. હજુ તો અમેરિકાથી પાકિસ્તાન પહોંચ્યા ને પૂરા ૨૪ કલાક પણ વિત્યા ન હતાં ત્યાં જ આ સમાચારે મને મૌનની એવી સીમા પર લાવીને ઊભી કરી દીધેલી કે જ્યાંથી પાછા ફરતા મને ઘણા કલાકો લાગી ગયાં. ઘણા કલાકો મૌન, ડર અને ડિપ્રેશનમાં કાઢ્યા બાદ મને લાગ્યું કે મૌનની આ પરિસ્થિતિમાંથી ગમે તેમ બહાર આવવું જ રહ્યું. આથી હું મારા હૃદય અને મનમાં એ ટુરિસ્ટને લઈ આવી જે પાકિસ્તાન જોવા આવી હતી. પછી એક બાળક જેમ ઘર બહાર થતી ધમાલને જોવા માટે દોડી જાય તેમ હું પણ એ ન બોલાઈ રહેલા મારા વાક્યોના પડદાને ખોલવા માટે ડરના એ વાતાવરણને જોવા હોટેલની બહાર નીકળી પડી. શાયર જાનિસાર અખ્તરે લખ્યું છે કે, દરેક વ્યક્તિ પોતાની એકલતાથી અને એકાંતમાં રહેલ ચુપકીદીથી બચવા માટે વિવિધ પ્રકારે પ્રયત્નો કરતો રહે છે. જેમાં ક્યારેક સફળતા મળે છે અને ક્યારેક નહીં. એમાંયે શબ્દ વગરની આ મૌનની એકલતાની વેદના એટલી ઊંડી હોય છે કે એમાંથી આસાનીથી બહાર નીકળી શકાતું નથી. કારણ કે આ ભેદી શાંતિ એ ક્યારેક ડર તો ક્યારેક ચિંતાનું આવરણ ઓઢીને આવે છે. પાકિસ્તાનમાં બનેલા આ પ્રસંગ વખતે મારી સલામતી વિષે ન વિચારતા અજાણપણે મારુ હોટેલમાંથી બહાર જવું એ કદાચ મારા હૃદય-અને મસ્તિસ્કની અંદર છવાયેલ શૂન્યતાનું જ પરિણામ હોઇ શકે તેમ હું માનું છું.
शाम हो या कि सहर, याद उन्ही की रखनी
दीन हो या रात, हमें जिक्र उन्ही का करना। (शौक)
જેમ આત્માની વાણી અને ભાષાનું શાસ્ત્ર માનવામાં આવ્યું છે તેમ ઋષિમુનિઓએ એ મૌનને મનુષ્યની ભાવનાને અભિવ્યક્ત કરવાનું, તત્ત્વ જ્ઞાનીઑએ મૌનને શક્તિના રૂપમાં અને સાધકોએ ધ્યાનના સાધનરૂપમાં પણ આલેખ્યુ છે. મૌનનો સીધો સંબંધ બ્રેઇન, કાન, અને આંખ સાથે રહેલો છે. પરંતુ જીવ્હાથી ચૂપ થઈ જવું કે કેવળ વાણીનો પ્રયોગ ન કરવો તેને મૌન કહેવામાં આવ્યું નથી. મૌનની પ્રક્રિયામાં જ્યારે બ્રેઇન સંમિલિત થાય છે ત્યારે ચૂપ રહેવા છતાં પણ અનેક વિચારોનો પ્રવાહ એક અવિરત ધારા બનીને વહેતી રહે છે. પણ જ્યારે મૌનની પ્રક્રિયામાં હૃદય અને આત્મા સંમોલિત થાય છે ત્યારે તે મૌનમાં આનંદ, શાંતિની અનુભૂતિ થાય છે, જે સુખ અને દુઃખની ભાવનાથી પરે છે. વિદ્વાનો કહે છે કે મૌનના આનંદની આ દશામાં જ્યારે મનુષ્યનો આત્મા સાથે સાક્ષાત્કાર થાય છે, ત્યારે તેમની પરિસ્થિત જલ કમલવત્ થઈ જાય છે. પરંતુ આ વાતનો મને ક્યારેય અનુભવ થયો નથી. હા આ વાતથી મારી મિત્ર અમાન્ડાની યાદ ચોક્કસ આવે છે. અમાન્ડાના તેના પતિની ત્રીજી પત્ની હતી. આગળની બે પત્નીના સંતાનો અને પોતાના બે સંતાનોની સાથે આખો દિવસ દોડાદોડીમાં રહેતી અમાન્ડાને શાંતિ થોડી ઓછી હતી. એથી એણે યોગ અને મેડિટેશન શીખ્યા, અને રોજ એ એનો પ્રયોગ કરતી. એક દિવસ એ મને કહે ફર્વિ (અમેરિકન એક્સન્ટ) મેડિટેશન ઈઝ….. ઈટ’સ વન્ડરફૂલ……એકસ્પીરિયન્સ…. ઓપન સ્કાય, વિન્ડમાં ઊડવાનું મન થાય તેવી પળો અને આજુબાજુ પિન ડ્રોપ સાઇલન્ટ. અમાન્ડાની વાત સાંભળી મને વિચાર આવ્યો કે મેડિટેશનની પૂર્ણ પ્રક્રિયા શીખવી જોઈએ. આજ વિચારથી તેની પાસેથી, અને યુ ટ્યુબમાંથી હું થોડીઘણી મેડિટેશનની પ્રક્રિયા શીખી પણ ખરી, પણ મેડિટેશન સાથે મારો ક્યારેય સબંધ દ્રઢ ન થયો. મારી જ આપાધાપીમાં રહેલી હું મેડિટેશનની શાંતિથી ધીરે ધીરે દૂર થતી ગઈ, પણ આ વિષય હંમેશાને માટે મારા વિચારમાં સમાઈ ગયો, તેથી ઘણીવાર હું વિચારી રહેતી કે મેડિટેશનની સાથે મૌનને શું કોઈ સંબંધ હોય છે? શું ચુપકીદી, ખામોશી, શાંતિ, આનંદ, પંખ, ઉડાન વગેરે શબ્દો મૌન સાથે સંકળાયેલ છે? સમયનુસાર મારી એ મેડિટેશનથી આદત છૂટી જવાથી ઘણીવાર હું નીંદરની શાંતિમાં ખુદને ઉડતા જોતી, તો ક્યારેક ઉડતા ઉડતા વિશાળ જળને પાર કરતાં જોતી. પણ આ અનુભવ કદાચ મારા રોજિંદા જીવન સાથે મળેલો હતો તેવું મને હંમેશા લાગેલું છે. અમારું રોજીંદુ જીવન….એટ્લે ખામોશીથી અને મૌનથી ભરેલ અમારો આખો દિવસ. આમાં મુખ્ય વાત એ પણ છે કે ખામોશી ભરેલો દિવસ એ કેવળ મારો જ દિવસ નથી પણ ઘણેખરે અંશે દરેક અમેરિકન ભારતીયનો પણ આ દિવસ હોય છે. તેથી જ મૌન….મૌનની શાંતિ, મૌનની ચુપકીદી, મૌનની એકલતા, મૌનના ન કહેવાયેલા શબ્દો હું સારી રીતે સમજી શકું છુ. અમારે માટે ઉપરોક્ત કહેલાં બધા જ શબ્દો રોજબરોજના જીવનમાં લાગુ પડતાં જ હોય છે, આજુબાજુ અનેક પ્લેઝરયુક્ત સમૃધ્ધિ હોવા છતાં પણ અહીં રહેતો પ્રત્યેક ભારતીય હૃદયથી અહીં એકલો છે. તેમ છતાંયે દરેક ભારતીયોને પૂછો કે શું તમને ક્યારેય એકલા હોવાનો અનુભવ થાય છે? ત્યારે એ ના જ કહેશે. કારણ કે આ ફક્ત એકલતા નથી, પણ આ સ્થળને પૂર્ણ રીતે અપનાવવું એ અમારો ધર્મ અને કર્મ બંને છે. જ્યાં અમારી જોબ, કામ અને પરિવાર રહેલ છે તે જગ્યામાં જો અમને ન ફાવે તો અમારી એકલતા અને એકાંત બંને બમણા થઈ જાય જેને કારણે શાંત રહેલ મૌનની પરિભાષા બદલાઇ જાય. મૌનની આ બદલાયેલી પરિભાષા એટ્લે ઉદ્વેગ, ડર, વ્યગ્રતા, અશાંતિ, ભાર, ડિપ્રેશન, ગુસ્સો…… જે અમારે માટે યોગ્ય હોતા નથી. આથી આપ એમ કહી શકો છો કે અમે અમારી આસપાસ રહેલા મૌનને એક નવું જ રૂપ આપવા માટે અમારી આજુબાજુ રહેલા વાતાવરણને સંગીત, અને મશીનની ઘરઘઘરાટીની વચ્ચે મૂકી દઈએ છીએ જેથી કરીને એ મૌન અમને પરેશાન ન કરે.
જે મૌનથી બચવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ તે મૌનની એ ભાવના બધી વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે તે વાતનો અહેસાસ મને લેખક શ્રી કૃષ્ણકાન્તભાઈ ઉનડકટે કરાવેલો. તેમણે પોતાની વાતચીતમાં કહેલું કે અમેરીકામાં પ્રેમ, લાગણીનો અભાવ હોય છે તેથી એકાંત અને મૌનની માયાજાળમાંથી છૂટવા અમેરિકન ભારતીય લોકો વારંવાર ઈન્ડિયા આવે છે. તેમની આ વાત ત્યારે મને ખરી લાગેલી નહીં (અને આજે પણ લાગતી નથી.) તેથી મે તેમને કહેલું આપ કહો છો કે અમેરિકામાં પ્રેમ અને લાગણી શૂન્યવત્ છે તેથી અમે વારંવાર ઈન્ડિયા આવીએ છીએ તે વાત ખરી નથી. અમેરિકન લોકો પણ એટલા જ પ્રેમાળ હોય છે અને અમેરીકાની ભૂમિ પર અમે પણ પ્રેમ, લાગણીથી ભરેલ એક નવું જ વિશ્વ વસાવ્યું છે. પણ તેમ છતાંયે જે જૂના પ્રેમ અને લાગણીના અનેક સંબંધો, આપણું વાતાવરણ, વતનની એ ધૂળ, ખાણીપીણીનો આનંદ, સગા સંબંધીઑ અને મિત્રો સાથેની ખાટીમીઠી નોકઝોંક જે પાછળ છૂટી ગયા છે તેને અમે મિસ કરીએ છીએ તેથી અમારી એ રેશમી દોરનું બંધન તૂટી ન જાય તે માટે અમે અમારી ખામોશીમાંથી નીકળી ઈન્ડિયા આવીએ છીએ અને ટૂંક સમયમાં ઈંડિયામાં રહેલા અનેક અવાજોને ભેગા કરી યાદોની પોટલી બનાવીને અમારી સાથે અમેરીકામાં લઈ જઈએ છીએ. આ યાદોની ગઠરી જ અમારે માટે અમારા મૌનના સમયમાં શક્તિવર્ધક બની રહે. પરંતુ કદાચ તેઓ મારી વાત સાથે સહેમત થઈ શક્યા નહીં તેથી તેઓની માન્યતાને હું દૂર ન કરી શકી. રાજકોટ આવીને આજ વાતના અનુસંધાને અન્ય એક મિત્ર સાથે વાત થઈ ત્યારે એમણે જણાવ્યું કે પૂર્વીબહેન તમારા જે સંજોગો અનુસાર તમે જ એકલા ને ચૂપચાપ રહો છો તે વાત જેમ સાચી છે તેમ અમારે ત્યાં પણ એવા ઘણા લોકો છે જેઓની આસપાસ અનેક લોકો હોવા છતાંયે તેઓ એકલા છે અને એકલા હોવાથી તેઓ ખામોશ રહેવાનુ વધુ પસંદ કરે છે. મિત્રની વાત સાંભળીને મને ઘણું જ આશ્ચર્ય થયેલું તેથી પૂછ્યું કે એ કેવી રીતે બની શકે કે અનેક લોકો આસપાસ હોવા છતાં યે તમે ખામોશ રહો? આ સાંભળી તેઓ કહે જુઓ આ અમારી બાજુના જ ઘરમાં……. દીકરા…દીકરી… વહુઓ…પૌત્રોથી ભરેલું કુટુંબ છે તેમ છતાં યે દીકરા, વહુ ને પૌત્રો પોતાની જ ધૂનમાં હોય છે, દીકરી સાસરે છે તેથી આ વૃધ્ધ લોકો સાથે વાત કરનારું કોઈ નથી. ઘરમાં આટલા બધાં લોકો હોવા છતાં તેઓ એકલા છે અને આજ એકલતાને કારણે તેઓ દિવસનો મોટો સમય મૌનવ્રતમાં પસાર કરે છે તેમ કહું તો ચાલે. ટૂંકમાં આ પ્રસંગ ફરી કહું તો અમે અલગ વાતાવરણમાં રહીએ છીએ તેથી મૌન છીએ અને ઈન્ડિયામાં હવે બદલાયેલી પરિસ્થિતી છે તે કારણે મૌનની અલગ પ્રક્રિયા જોવા મળે છે.
એક સમયે મારા ભાઈએ મને પૂછ્યું “જાડું” અમેરીકામાં ઈન્ડિયા જેટલો શોર હોય? આ સાંભળી મે કહ્યું ના ભાઈ અહીં બહુ જ શાંતિ હોય. તો કહે કેવી શાંતિ? આ સાંભળી મે કહ્યું જો ભાઈ રસોડાની બારીમાંથી દૂર રસ્તા પર જતાં વાહનો દેખાય છે પણ એ વાહનો કોઈ જ સાઉન્ડ કરતાં નથી. બસ ચૂપચાપ મૌનને પોતાના શ્વાસમાં ભરીને દોડ્યા જાય છે, બહાર સ્નો પડી રહ્યો છે પણ એય ખામોશીને પોતાના હૃદયમાં વસાવીને ચૂપચાપ વરસી રહ્યો છે. ઘર આંગણના બાગમાં રહેલા વસ્ત્રવિહીન થયેલા વૃક્ષો પર કોઈ કોઈ સુકાયેલા પાંદડાઑ રહી ગયા છે તેઓ પણ આ ઠંડી જોઈને મૌનની એવી ગર્તા ખોવાઈ ગયા છે તેમના ખખડાટનો સ્વર પણ સંભળાતો નથી, દૂર એક ખિસકોલી નટ્સ શોધવા દોડાદોડી કરી રહી છે પણ તેય નીરવ શાંતિને તેના પગમાં ભરીને જેથી કરીને તેની દોડાદોડીનો અવાજ બીજી ખિસકોલી સાંભળી ન લે, કાળા કાગડાઑ પણ અહીં તહીં ઉડતા દેખાઈ રહ્યા છે પણ મૌનની સમાધિમાં રહેલા આ વાતાવરણને જોઈને તેઓ પણ કા…કા…..કા……બોલવાનું ટાળી રહ્યા છે. બહારની આ દુનિયામાં કેવળ વિન્ડના વેવ્ઝ જ બસ એક એવા છે જે આ તમામ મૌનની શાંતિને ચિરવા માટે વારંવાર પ્રયત્ન કરી રહ્યા છે. પણ દિવસ દરમ્યાન તો તેનો આ પ્રયત્ન નિષ્ફળ જ જવાનો છે, કદાચ રાતના સમયે તે સફળ થાય પણ જ્યારે એ બોલશે ત્યારે તેને સાંભળવા માટે અમે નહીં હોઈએ કારણ કે અમે મૌનનું મૂલ્ય વધારવા માટે શાંતિથી નીરવ રાત્રિની ગોદમાં સૂઈ જઈશું. આ બધી જ વાતનું તાત્પર્ય હું કેવળ એજ કહી શકું છુ કે મૌનની સરખામણીમાં શબ્દો જીવંત હોય છે અને જીવન આપી શકે છે પણ, જે શબ્દો મનુષ્યના હૃદયને તોડી નાખે છે તેવા શબ્દો કરતાં મૌન વધુ સારું છે, પણ મૌનની ખામોશી, ચુપકીદી, શાંતિનો અર્થ એ નથી કે મૌન અબોલાનું સ્વરૂપ લઈ લે. કારણ કે અબોલા એ સંબંધ તૂટી ગયાની કે સંબંધો તોડવાની પ્રક્રિયા પર સર્જાય છે. આવું મૌન બે વ્યક્તિ વચ્ચે ગેપ વધારી તેમના સંબધો વચ્ચે અપમાન અને ગુસ્સાની દીવાલ ઊભી કરી દેતું હોય છે, માટે જરૂરી છે કે એક સમયના મૌન બાદ નીકળતા શબ્દો એ વધુ કોમળ, સંવેદનશીલ બની સૌને આનંદ આપતું જાય.
અંતે:- થોડા વર્ષો અગાઉ મારા બાળકો ગુજરાતમાં મામાને ઘેર ગયા હતાં. એક રાત્રિએ બાજુવાળા પડોશીનો કૂતરો રાત્રિભર ભસતો રહ્યો. બીજે દિવસે મારો દીકરો કહે “મામા આ નૈબર્સનો ડોગ આખી રાત બહુ બાર્ક કરતો હતો. તેના બાર્ક કરવાથી કેટલો બધુ ડિસ્ટર્બ થાય છે. મામા તે ડોગની ઉપર સૂ કરવું જોઈએ. (કૂતરો ભસે છે તેથી તેના પર કેસ કરવો જોઈએ.) આ પ્રસંગ ઉપરથી અહીં મૌનનું સામ્રાજ્ય કેટલી હદે છવાયેલું હશે તેની આપ કલ્પના કરી શકો છો અને સાથે સાથે મારા ભાઈના જવાબ વિષે પણ વિચારી શકો છો. જવાબ મળી જાય તો મને ચોક્કસ મોકલજો.
शोर सुना–अनसुना हो जाता है,
क्यूंकी दिल के सारे दरवाजे बंद होते है
आहट तो वोह भी सुनना चाहते है,
लेकिन मौन से, कदम कहीं पीछे छुट जाते है।
(સ્વરચિત)
પૂર્વી મોદી મલકાણ. (યુ.એસ.એ )
purvimalkan@yahoo.com
Post by V V. M
મૌન લેખ પૂરતું રહે તે ઠીક, પૂર્વીબહેન! આ બ્લૉગ આમ મૌન થઈને બેસી જાય તે કેમ ચાલે?
આપની વિચારધારા અસ્ખલિત વહેતી રહે અને વાચકોને તેનો લાભ મળતો રહે તે જરૂરી છે. આપ ફરી સક્રિય બની બ્લૉગને જીવંત રાખશો તેવી અપેક્ષા છે. શુભેચ્છાઓ !