Monthly Archives: જુલાઇ 2013

કોઈવાર

કોઈવાર મને લાગે છે કે હું એ નથી, શા માટે હું એ નથી

પરંતુ બસ મને એટલો ખ્યાલ છે કે હું એ નથી……….

હું માતા છું પણ જેની ગોદમાં કૃષ્ણ રમીને મોટા થયા છે (૧)

                                 તે મમતામયી માતા યશોદા હું નથી

કિનારો છું હું પણ જેને કિનારે કૃષ્ણ ગેડીગેંદ લઈને ખેલી રહ્યાં છે (૨)

                                  તે યમુનાજીનો કિનારો હું નથી.

ગોપી છું હું પણ જેનો પાલવડો વારંવાર ખેંચીને કૃષ્ણ જેને પરેશાન કરે છે (૩)

                                  તે ગોપી મેઘમાલા ને પ્રિયંવદા હું નથી.

હું એ નથી, શા માટે હું એ નથી ? બસ મને એટલો ખ્યાલ છે કે હું એ નથી………

 સખી સહચરી પણ છું હું પરંતુ જે સખીઓની ઠિઠોલી કૃષ્ણ કરે છે (૪)

                                    તે સખી પદ્મજા ને મલ્લિકા પણ હું નથી

સાહેલડી પણ હું જ છું પણ જે સાહેલડી વચ્ચે કૃષ્ણ થૈ થૈ નાચી રહ્યાં છે (૫)

                                    તે સાહેલડી મંજૂલમંજરી ને મંજરીકા પણ હું નથી

સખો પણ હું જ છું પણ જે સખાને માટે કૃષ્ણ બ્રજવાસીઓની માખણની મટુકી ફોડે છે (૬)

                                     તે સખો મધુમંગલ ને શ્રી દામો પણ હું નથી.

હું એ નથી શા માટે હું એ નથી ? બસ મને એટલો ખ્યાલ છે કે હું એ નથી………

“પારિજાત”

Copyright@પારિજાત

“પાન ખાયે સૈંયા હમારો”

બિરી ખાત નવલ કિશોર રાધે સંગ, મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, લવિંગ-સોપારી-એલચીને પાનનાં બીડલા સાર, ખઇકે પાન બનારસવાલા, પાન ખાયે સૈંયા હમારો….. સાંવલી સુરતીયા હોંઠ લાલ લાલ…., વગેરે જેવા ગીતોથી તાંબુલપાનનો રસિલો રસયુક્ત ઇતિહાસ આપણને જાણવા મળે છે. સંસ્કૃતમાં તાંબુલપત્ર, વ્રજભાષામાં બિરીપત્ર, યજુર્વેદમાં નાગવલ્લી તરીકે ઓળખાતાં આ પત્તાઓને આપણે સામાન્ય રીતે નાગરવેલનાં પાન તરીકે જાણીએ છીએ.

ઇતિહાસ કહે છે કે દ્વાપર યુગથી આપણા દેશમાં ભોજન પછી તાંબુલ પત્ર  ખાવાની પ્રથા શરૂ થઈ હતી જે આજે પણ પ્રચલિત છે. હિન્દુ માન્યતા પ્રમાણે અમૃત મંથનમાંથી નાગવલ્લીનાં પાનની ઉત્પત્તિ થઈ હતી. સાગરમંથન કરતાં ૧૪ રત્નો નીકળ્યાં. તે રત્નોમાં ૧૪ માં અને છેલ્લા નીકળેલા તે ધન્વંતરિ હતાં. જ્યારે દેવ ધન્વંતરિ પ્રગટ થયાં ત્યારે તેમનાં હસ્તમાં તાંબુલ પત્ર સાથેનો અમૃતનો કલશ હતો. નાગવલ્લીનાં પાનનું દરેક શુભ કાર્યમાં અને પ્રસંગોમાં ભાવનાત્મક મહત્વ રહેલું હોઈ તેને આનંદ અને અભિમાનનું પ્રતિક માનવામાં આવે છે. યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે.નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ  ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. નાગરવેલના પાનનો સૌથી વધુ ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે રોજ એક પાન ખાવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, પરંતુ પાનનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકશાન પહુંચાડે છે. વધુ પડતાં પાનનાં ઉપયોગથી સ્વાદપિંડ, મો, ગળાનું કેન્સર થઈ શકે છે. જે વ્યક્તિઓને વાયુ અને પિત્ત પ્રકૃતિ હોય છે તેમને માટે તાંબૂલ અર્થાત નાગરવેલના પાન આર્શીર્વાદરૂપ છે કારણ કે આ પાન વાત, વાયુ, પિત્ત, કફ, કૃમિ, મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને કબજિયાતને દૂર કરે છે. બ્લોગર મિત્ર શ્રી ગાંડાભાઈ વલ્લભભાઈનું કહેવું છે કે નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. નાગરવેલનાં પાનમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે. શ્રી ગાંડાભાઈનાં કહેવા મુજબ નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી હળદર તથા આદુનો એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે. ( શ્રી ગાંડાભાઈ લિખિત નાગરવેલનાં પાનની વિશેષ માહિતી gandabhaivallabh.wordpress.com પર મળશે.) આયુર્વેદ અને ભોજન ઉપરાંત ધાર્મિક વિધિ માટે પણ તાંબુલપત્રનું ઘણું જ મહત્વ છે. પ્રાચીન સમયમાં પાન તૈયાર કરવામાં ૨૨ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ થતો હતો.

(૧) નાગરવેલનું પાન, (૨) સોપારી, (૩) ચૂનો, (૪) તમાકુ, (૫) કાથો, (૬) કસ્તૂરી, (૭) સોના અને ચાંદીનો વરખ, (૮) લીલી વરિયાળી (સુકાયેલી નહીં તેવી ભીની વરિયાળી), (૯) બદામ, (૧૦) મરી, (૧૧) કેસર, (૧૨) જાયફળ (૧૩) જાવંત્રી, (૧૪) એલચી, (૧૫) લવિંગ (૧૬) સૂંઠ, (૧૭) આદુ, (૧૮) ચંદન, (૧૯) સૂકું અને લીલું નાળિયેર, (૨૦) તજ, અને (૨૧) કપૂર, (૨૨) ખારેક.

આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે. નાગરવેલનાં પાનમાં ક્લોરોફિલ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. નાગવલ્લીનાં રસમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. નાગવલ્લીનાંમાં પાનમાં અનેક રોગો મટાડવાનો મોટો સ્ત્રોત રહેલો હોઇ અનેક બીમારીઓના ઉપચારમાં તેનો ઉપયોગ લાભદાયી માનવામાં આવ્યો છે. આયુર્વેદમાં કહ્યું છે કે નાગરવેલનાં પાનમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલું છે. તેમાં નાખવામાં આવતો કાથો, ચૂનો, વરિયાળી,  લવિંગ,  ગુલકંદ,  સોપારી,  નારિયળ, એલચી,  ધાણાદાળ આ બધા જ ખાદ્ય તત્વો પાચનશક્તિને તંદુરસ્ત રાખવા માટે રામબાણનું કામ કરે છે. આયુર્વેદમાં જણાવ્યાં મુજબ સવારના સમયે પાન ખાતી વખતે સોપારીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. બપોરના સમયમાં પાન ખાતી વખતે કાથો અને રાત્રીના સમયે ચૂનાનો પ્રયોગ વધુ કરવો જોઈએ. એક સમય હતો જેમાં કસ્તૂરી, સોના-ચાંદીનાં વરખનો ઉપયોગ કેવળ ઉચ્ચવર્ગ, અને ધનવાન લોકો કરી શકતાં હતાં પરંતુ સામાન્ય માણસો દ્વારા પત્ર ખરીદવા મુશ્કેલ હતાં તેથી તેઓએ કસ્તૂરી અને વરખનું સ્થાન લવિંગ અને એલચીને આપ્યું હતું, કારણ કે લવિંગ અને એલચીનું મૂલ્ય પણ ઓછું અને ખાવામાં પણ તે સુપાથ્ય છે. વ્રજ ઇતિહાસમાં કહ્યું છે કે યમુનાજીની કુંજમાં ભગવાન કૃષ્ણ રાધિકા સંગે બિરીપત્ર આરોગતાં હતાં. કારણ કે શ્રી યમુનાજી ઉત્તમોત્તમ બિરી બનાવતાં હતાં. પુષ્ટિમાર્ગમાં દિવાળીમાં થતાં હાટડીનાં દર્શન થાય છે. આ હાટડીની કથામાં જણાવવામાં આવ્યું છે કે યમુના તટ્ટ પર ભગવાન શ્રી કૃષ્ણએ પાન, બિરી અને બિરીમાં વપરાતી સામગ્રીઓની હાટડી માંડી છે અને સખીજનો તેમજ ગોપીજનો ઠાકુરજી પાસે સામગ્રીઓ ખરીદવા આવે છે. આજે પણ પુષ્ટિમાર્ગની ગૃહસેવામાં બિરી એક મહત્તમ ભાગ છે અને કૃષ્ણમંદિર અને હવેલીઓમાં બિરિસેવા પણ કરવામાં આવે છે. તાંબુલ શાસ્ત્રોમાં કહ્યું છે કે સમાજની ધનવાન ગણાતી પરંતુ પુરુષને પ્રસન્ન કરવાનું કાર્ય કરતી ગણિકાઑ તાંબુલનો વધુ ઉપયોગ કરતી હતી તેનું મુખ્ય કારણ એ હતું કે કાથાનાં ઉપયોગથી હોઠ લાલ રહેતાં હતાં, અને લાલ હોઠ આકર્ષણનું કારણ બનતાં હતાં. આમ ગણિકાઑ પાન દ્વારા ધનવાન પુરુષોને આકર્ષિત કરતી હતી. મૃચ્છકટીકમ્માં પણ તાંબુલપત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. કામસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પોતાનાં પતિને ગણિકાઓનાં સુગંધી અને લાલ આકર્ષિત કરનાર ઓષ્ટદ્વયથી બચાવવા માટે ઉચ્ચ વર્ગની ગૃહિણીઑ પણ તાંબુલનો ઉપયોગ કરતી અને એ રીતે પોતાનાં પતિને ગણિકાઑ પાસે જવા માટે અવરોધ ઉત્પન્ન કરતી. લાલિત્ય શાસ્ત્ર પ્રમાણે વિલાસી સ્ત્રી પુરૂષોએ કાથાયુક્ત પાનને વધુ મહત્વ આપ્યું છે. આ ઉપરાંત વિક્રમ રાજાની વૈતાળ પચીસીની વાર્તાઑમાં પણ ચમત્કારિક તાંબુલ પત્રોનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં થઈ ગયેલા વિવિધ આચાર્યો કહે છે કે સવારે સ્નાન કર્યા પછી, રાત્રિના સમયે ભોજન કર્યા પછી મુખનો સ્વાદ જાળવી રાખવા, મુખને શુધ્ધ અને સુગંધિત કરવા માટે તાંબૂલપાનનો ઉપયોગ કરવાથી તન અને મન બંને શુધ્ધ રહે છે. પાન ખાવાની પ્રથા ભલે પ્રાચીન યુગથી ભારતમાં થઈ હોય પણ પાનનાં ઈતિહાસનું થોડું ઘણું અસ્તિત્વ ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, થાઈલેંડમાંથી પણ મળી આવ્યું છે. પરંતુ સાથે સાથે એવો પણ ઉલ્લેખ થયેલો છે કે એશિયાઈ દેશોમાં પાન ચાવવાની પ્રથા બોધ્ધ ધર્મ દ્વારા ફેલાવવામાં આવી હતી. આજે પણ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, તાઇવાન, બર્મા, બાંગલાદેશ, મલેશિયા, વિયેટનામ વગેરે દેશોમાં પાનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પાકિસ્તાનની મારી સફર દરમ્યાન નાગરવેલનાં પાન સાથે બીજી ૧૨ વસ્તુઓનો કાવો પીધેલો. પાકિસ્તાનનાં લોકોનું કહેવું હતું કે વિન્ટરમાં નાગરવેલનો કાવો પીવાથી ગળું સાફ રહે છે અને ઠંડીની સામે શરીરને વોર્મ રાખે છે. (કાવા માટે નાગરવેલનાં પાન 3-4, ફૂદીનો, તુલસી, મરી, જીરું, તજ, લવિંગ, મેથી, વરિયાળી, એલચી, આદું, ડીલસીડ્સ–સુવા અને આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન લેવા) નાગવલ્લીના પાનનો ઉપયોગ આપણે ત્યાં વિવાહ પ્રસંગે ખાસ કરવામાં આવે છે. નાગવલ્લીનાં પાનને સિંહાસન બનાવીને તેના ઉપર શ્રી ગણેશજી અથવા સોપારીને ગણેશજીનાં સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે, બંગાળી વિવાહમાં કન્યા ફેરા ફર્યા વગર પોતાનું મુખ પોતાના વરને બતાવતી નથી આથી વરની આજુબાજુ ચોરીફેરા ફરતી વખતે કન્યા પોતાનો ચહેરો પાનથી ઢાંકી રાખે છે, અને ફેરા ફરી લીધા પછી ચહેરા સામેથી પાન ખસેડીને તે પતિને પોતાના મુખનાં દર્શન કરાવે છે. બંગાળીઓની આ પ્રથાનો ગૂઢાર્થ એ છે કે કન્યા પોતાના ભાવિ પતિને કહે છે કે તે જે લીલાછમ્મ સંસારની આશા રાખી છે તે આશા પાછળનું સ્વપ્ન હું છું. આથી જ્યારે તું મારા જીવનમાં આવીને મારું પાણિગ્રહણ કરશે ત્યારે હું તારા સંસારને તારી અપેક્ષાઓ મુજબ પાનની જેમ હરિયાળો બનાવી દઇશ. મધ્ય પ્રદેશમાં વિવાહ  વખતે કન્યાની માતા ઘર આંગણે આવતી જાનને નાગવલ્લીનાં પર્ણો વડે પોંખે છે અને દુલ્હારાજાની નજર ઉતારે છે, બિહારનાં આદીવાસીઓ ભાઈઓ રક્ષાબંધનને દિવસે પોતાની બહેનને ઘેર રાખડી બંધાવવા જાય ત્યારે બહેનને શુભ શુકન રૂપે નાગરવેલનાં પાન આપે છે, અને જો બહેન ભાઈના ઘેર રાખડી બાંધવા જાય તો ભાઈને માટે થોડા બીડાઑ સાથે લઈને જાય છે. બિહારના રક્ષાબંધનનાં દિવસે આદિવાસીઓમાં ચાલી આવતી આ પરંપરામાં ગૂઢાર્થ રહેલો છે.  જેમાં પ્રથમ જોઈએ કે ભાઈ બહેનને ઘેર ફક્ત સાદા પત્તા લઈને જાય છે અર્થાત ભાઈ બહેનને ગૂઢાર્થમાં કહે છે કે બહેની આ પાનનાં પત્તામાં તું જે પદાર્થ ભરશે તે જ રીતે તારો સંસારને પણ તારે જ ભરવાનો છે, અને એક દિવસ પાનનાં બીડાની જેમ તારો પણ સંસાર ભર્યો ભર્યો મઘમઘીત થઈ જશે. જ્યારે બહેની એ ભાઈને ત્યાં ભરેલા બીડાઑ લઈ જાય છે અર્થાત બહેની ભાઈને મોઘમમાં કહે છે કે ભાઈ તારો સંસાર આ પાનનાં બીડા જેવો જ ભર્યોભાદર્યો રહે, અને તારા સંસારમાં સદાયે મીઠાશ રહે. જ્યારે અમુક મરાઠીઑમાં વિવાહને દિવસે વધૂઓનાં હસ્તમાં નાગરવેલનાં  પાન અને અક્ષત અર્થાત ચોખા આપી કહેવામાં આવે છે કે તારો સંસાર સદાયે લીલોછમ્મ રહે અને તારું સૌભાગ્ય અક્ષત અને અખંડ રહે. આમ હિન્દુ ધર્મમાં જન્મ-મૃત્યુ, વિવાહ, વ્રત પૂજન વગેરેમાં અનેક કાર્યમાં ઉપયોગી એવા નાગવલ્લી, નાગરવેલનાં પાન સાથે આપણો અનોખો સંબંધ બંધાયેલો છે, અને આજ સંબંધ હિન્દુ ધર્મમાં કૌટુંબિક, શૃંગારિક, લાલિત્યિક દૃષ્ટિએ એક અલગ ઓળખ બનાવી જાય છે. પૂર્વી  મોદી મલકાણ યુ એસ એ

purvimalkan@yahoo.com

Copyright IBM458@પૂર્વી મોદી મલકાણ

હાલરડાંઓનું ખોવાયેલું અસ્તિત્વ

તું જ લક્ષ્મી, તું જ સરસ્વતી, તું જ દુર્ગા અંબિકાનો અવતાર
ઘણી ખમ્મા તને લાડલી તુંજ માં જ સમાયો છે મારો પ્રકાશ.

 

હૃદય કેરા ટુકડામાં લાલ સંતાયો
કાળજા કેરા કટકામાં ક્યાંક છુપાયો

 

હાલ વાલા ને હલકી, ભાઈની બેનીને ભાવે ગલકી
ગલકીનાં ફૂલ રાતા, ભાઈ-બેનના મામા આવતા

થોડા દિવસ પૂર્વે નવી નવી માતા બનેલી એક સહેલીનાં મુખેથી હૂડ દબંગ……દબંગ…દબંગ… સાંભળ્યું ત્યારે બહુ જ આશ્ચર્ય થયું. હૂડ દબંગ……દબંગ આમ તો આ ગીત મને બહુ ગમે છે પરંતુ એક ગીત તરીકે જ. પરંતુ આ ગીતને જ્યારે મે હાલરડાં રૂપે સાંભળ્યું ત્યારે બહુ આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું અને મન વિચારવા લાગ્યું કે હાલરડાંની જગ્યા આ દબંગે લીધી. માતાનાં મુખેથી દબંગ ગીત સાંભળ્યાં બાદ બીજો વિચાર આવ્યો એ  કે આમાં જ્યાં જન્મથી જ જો દબંગ….દબંગની ગળથૂથી પિવડાવવામાં આવતી હોય ત્યાં બાળક મોટો થઇ દબંગ બને એમાં શી નવાઈ. આથી તે સહેલીને પૂછ્યું કે શું તને હાલરડું ગાતાં નથી આવડતું? તો કહે કે હાલરડું…..? આજનાં જમાનામાં હાલરડાં કોણ ગાય છે? તેની વાત પણ સાચી હતી પરંતુ તેમ છતાં પૂછ્યું કે ફિલ્મી ગીતો કરતાં હાલરડાં વધુ સારા હોય એમ નથી લાગતું? તો કહે કે હું જન્મી ત્યારે મારી મમ્મી આ જ ફિલ્મી ગીતો ગાતી હતી તો મારી પાસેથી એવી આશા શું કામ રાખવી? આ સાંભળીને ખબર પડી કે હાલરડાઓ આજથી જ નહીં પણ ઘણા સમયથી ખોવાઈ ગયાં છે. હાલરડાં…….જેમાં મમત્વ, માતૃત્વનું સૌંદર્ય અને જીવનસંગીતની ભાવના અભિવ્યક્ત થતી તે હાલરડાંઓનું અસ્તિત્વ લગભગ નહીવત્ થયું છે.

આપણું ગુજરાતી સાહિત્ય પણ અદ્ભુત છે આપણાં સાહિત્યએ બાળકોની ઉંમર પ્રમાણે આપણી પાસે વિવિધ સાહિત્યનો ભંડાર ખોલી દીધો છે તેથી એક સમય એવો હતો કે હાલરડાં સાંભળતાં સાંભળતાં આખી એક પેઢી તૈયાર થતી હતીત્યારે પારણે પોઢેલા બાળકને સુવાડવા માટે ઘરની વડીલ સ્ત્રીઓમાતા અને બહેનીનાં કંઠે હાલરડું ગાતી હતી અને બાળક પણ હાલરડું સાંભળતા સાંભળતા શાંતિથી સૂઈ જતું હતું. કદાચ સમયાંતરે આજ હાલરડાંઑમાંથી નાઈટ ટાઈમ સ્ટોરીનો પ્રાદુર્ભાવ થયો હશે પરંતુ આજે આ હાલરડાંઓનું અસ્તિત્વ લોકજીવનમાંથી ખોવાઈને અદ્રશ્ય થયું છે. માતાબહેનીદાદીફોઇનાં કંઠે સંભળાતું હાલરડું પોતાનાં કંઠમાં અનેક કથાઓ લઈને આવે છે અને બાળકને પોઢાળે છે ત્યારે મનમાં સહજ પ્રશ્ન થાય છે કે હાલરડાંઑ શું છે? ડો. શ્રી નિરંજન રાજ્યગુરુ કહે છે કે બાળકને સુવડાવતી વખતે બાળકનાં હૃદય પરમન પર ઊંચો સ્વર આવે તે રીતે ધીમા અને મધુર અવાજે ગવાતી સૂરાવલીથી બાળકને પોતે સલામત છે તેવો ભાવ ઉત્પન્ન થાય તે ધીરે ધીરે ગવાતા લયને હાલરડાં તરીકે ઓળખવામાં આવે છે. બીજી ભાષામાં એમ કહી શકાય કે પ્રિયજનો દ્વારા વાત્સલ્ય ભાવસ્વરપ્રાસઅને સંમોહક ભાવનાને લઈને ગવાતા નાદને લઈને શિશુઓ જ્યારે સુવે છે ત્યારે તેઓ નાદમાંથી છલકાતાં સ્વર, સૂર, અને સ્પર્શની ભાવનાને સ્પર્શ કરે છે ત્યારે તેઑ શબ્દોને ઓળખતા હોવા છતાં પણ લયનાદ સાથે જોડાઈ જાય છે તે લયને હાલરડાં કહે છે. જન્મ પછી બાળકને સૌ પ્રથમ માતાનાં હસ્ત અને અવાજનો સ્પર્શ થાય છે, બાળક માટે માતાનો બીજો સ્પર્શ તેનાં ઉરે ચાંપવાનો છે, ત્રીજો સ્પર્શ માતાનું દૂધરૂપી પ્રેમ મેળવવાનો અને માથા પર માતાનો ફરતો હાથ છે તમામ સ્પર્શો બાળકને હુંફનો અનુભવ કરાવે છે. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે બાળકનાં હૃદય પર, મન પર ધીમા, મધુર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોનાં ધ્વનિ અને પ્રેમાળ સ્પર્શથી બાળકોમાં સુરક્ષિત હોવાની ભાવના આવે છે જેનાંથી બાળકોની કલ્પનાશક્તિ, સામાજિક અને મનનાં વિશ્વનો અર્થાંત્ માનસિક જીવનનો વિકાસ થાય છે. હાલરડું જેમાં માતાનો વાત્સલ્યનો ભાવ ઘૂંટાયો હોય, બહેનીનો પ્રેમ સમાયો હોય, દાદીનાનીનું હૃદય અટવાયું હોય તેવું હાલરડું સુગેય પદની રચના માનવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે બાળકનાં હૃદય પર, મન પર ધીમા, મધુર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોનાં ધ્વનિ અને પ્રેમાળ સ્પર્શથી બાળકોમાં સુરક્ષિત હોવાની ભાવના આવે છે જેનાંથી બાળકોની કલ્પનાશક્તિ, સામાજિક અને મનનાં વિશ્વનો અર્થાંત્ માનસિક જીવનનો વિકાસ થાય છે. હાલરડું જેમાં માતાનો વાત્સલ્યનો ભાવ ઘૂંટાયો હોય, બહેનીનો પ્રેમ સમાયો હોય, દાદી-નાનીનું હૃદય અટવાયું હોય તેવું હાલરડું એ સુગેય પદની રચના માનવામાં આવે છે. માતા, બહેની, દાદી, ફોઇ અને ઘરનો સ્ત્રીવર્ગ આ હાલરડાંઓમાં પોતાનાં સૂરો દ્વારા અનંત વિશ્વ સમેટીને બાળકને આપી દે છે, જેમાં બાળકોને માટે પરિકલ્પના, પ્રકૃતિ, સાહસ, વીરતા, વૈરાગ્ય, શૌર્યતા, શિક્ષા, શાંતિ, સ્વાસ્થય, શ્રધ્ધા, સંસ્કૃતિ, સ્નેહ, તપ, નીતિ, નેતિ, સત્ય, દાન, આનંદ, ખુશી, ઐક્યતા, માન, મર્યાદા, જીવનની ચડતી ઊતરતી પ્રક્રિયાઓ, આત્મવિશ્વાસ વગેરે પર શીખ આપવામાં આવે છે સાથે સાથે તેમને સામાજિક, ઐતિહાસિક, આધ્યાત્મિક, ધાર્મિક, નૈતિક, અને પ્રેમની પરિભાષાનાં સ્વર અને નાદ પર ગમ્મત સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે જેના વડે બાળકનો સર્વાંગી વિકાસ સાધવામાં આવે છે. આથી એમ કહી શકાય કે હાલરડાઓ સંસ્કારરસની આરાધના કરવા માટેનું અને કરાવવા માટેનું સબળ સાધન અને માધ્યમ છે. 

હાલરડાંઓની રચના તો અનેક કવિઓએ કરી પરંતુ જે હાલરડાંઓની ઉત્તમ રચનાથી આપણું સાહિત્ય છલકાયેલું તે હાલરડાંઓનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનાં પદોમાં રહેલ છે જેની રચના પુષ્ટિમાર્ગીય અષ્ટછાપ કવિઓએ કરી હતી, જેમાં સૌથી વધુ બાલ્યલીલાનાં પદોની રચના શ્રી સૂરદાસજીનાં હસ્તે રચાયેલ છે. પ્રાચીનથી અર્વાચીન યુગ વચ્ચે સૌથી વધુ હાલરડાંઓની ભેંટ મધ્યકાલીન યુગમાં અનેક કવિઓએ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને આપી. તદ્પરાંત માતા જીજાબાઈએ બાલારાજા શિવાજી માટે ગાયેલું હાલરડું, કવિ પ્રેમાનંદનાં કૃષ્ણલીલા આખ્યાનોમાં રહેલ હાલરડાંઑ, કવિ ભોજલ રચિત ચેલૈયા કુંવરનું હાલરડું, ભક્તો, જૈન મુનિઓ, તીર્થંકરો તેમજ અનેક નામી અનામી કવિઓ દ્વારા રચાયેલાં હાલરડાંઑ વડે આપણાં સાહિત્યનાં પાનાં છલકાયેલા છે. શ્રીમદ્ભાગત્જીમાં ઉલ્લેખ છે કે માતૃવાત્સલ્યથી ભરપૂર એવા હાલરડાંઑ માતા યશોદાનાં કંઠેથી નીતરતા જેને સાંભળીને ભગવાન કૃષ્ણ મધુરું મુસ્કાઈ પારણિયે પોઢતાં. રીતે રામાયણમાં પણ ભગવાન રામ સહીત ભાઈઓને માતાઓ સુવડાવતી વખતે વિવિધ વાર્તા પ્રસંગો કહેતી તેવો ઉલ્લેખ થયેલો છે. જેને માટે વાત્સલ્ય ભાવ સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કલા કે સર્જનસૃષ્ટિની જરૂર નથી તેવાં હાલરડાંઓની કલ્પના સૃષ્ટિમાં ઘણી અજાયબીઑ ભરેલી હોય છે, સાથે સાથે સમય અનુસાર હાલરડાંઓની અજાયબ સૃષ્ટિ પણ બદલાતી રહી છે. વ્રજ સાહિત્યમાં કહ્યું છે કે માતા યશોદાને કંઠેથી જે હાલરડાં નીકળતાં તેમાં કુંજ, કોકીલ, શુક, મયૂર, કપોત આદી પક્ષીઓ, ચૂડીઑચૂડલાઑ, ઝાંઝરીઓ, નવલખાહાર, મત્સ્યકુંડળ અને મકર કુંડલ, હીરા, ચાંદી, સોના અને મોતીએ મઢેલા આભૂષણોનો અને કેળકદલીનાં વૃક્ષો, આંબા અને કલ્પવૃક્ષોનો ઉલ્લેખ થયેલો છે. મધ્યકાલીન યુગમાં રાજપૂતાણીઑએ હાલરડાંમાં કિનખાબથી રંગેલી બાંધણી અને મલમલી સેલારીઑ, મખમલથી બનાવેલ પહેરણ, હાથી, ઘોડા, ગાય, વાઘ, સિંહ જેવાં રાજસી પ્રતિક રૂપ પ્રાણીઓનો અને મહેલોની શોભામાં વધારો કરતાં ઉદ્યાનો, પાલનાંઑ, હિંડોળાઓ, બાજોઠ, દીપદીવડાંઓનો, દીપમાલિકાઑનો, રાજમહેલ ને મહાલયોનો, ઘોડે બેસેલ વરરાજા અને પાલખીએ બેસેલી વધૂઓનો, લાલ, પીળા, લીલા વગેરે રંગોનો, ધર્મ, વેદ પુરાણોની અને ઇતિહાસની અવનવી કથાઓ, વીરતાથી ભરેલ નાયકો અને નાયિકાઑ, ભવાઇ પ્રસંગોનો, સંતોની વાણીઓનો, આદી અનાદી દેવી દેવતાઓનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે ૧૯ મી થી ૨૦ મી સદીમાં બદલાતા સમય પ્રમાણે ગૃહ શોભા વધારતાં સાગ સીસમનાં હિંચકા, સાઇકલ, ગાડી, બંગલાઓ, કુટુંબીજનોનાં સ્નેહરૂપી મધુર પળો અને પ્રસંગોનો, મીઠા મધુરા મિષ્ટાન્ન, ગ્રામ્ય સંસ્કૃતિ વગેરે સાથે સૌભાગ્ય અને મંગલ ભાવનાનો, ઉત્સાહ અને આનંદને વધારતાં શુભ પ્રસંગોનો, વૈવાહિક જીવનનું સાફલ્ય દર્શાવતી કવિતાઓ અને જોડકણાઑનો ઉલ્લેખ કરેલો છે.

સમાજમાં પુત્ર અને પુત્રીનું સ્થાન એક જ છે તેમ આજે આપણે કહીએ છીએ પરંતુ તે વાત પૂર્ણ રીતે સત્ય નથી. પુત્ર કરતાં પુત્રીઓ વધુ આગળ હોવા છતાં પણ આજની આપણી સંસ્કૃતિ પુત્રભાવનાને વિશેષ મહત્વ આપે છે તેથી જ ભાઈને હીંચોળતી બહેનનું સ્થાન હાલરડાંમાં છે, પણ બહેનીને હીંચોળતા ભાઈનો સમાવેશ હાલરડાંઓમાં કરાયો નથી. તે જ રીતે પુત્રને માટે અનેકાનેક હાલરડાંઑ આપણી સમાજસંસ્કૃતિમાં જોવા મળે છે પરંતુ પુત્રીને સંબોધિત કરાયેલા હાલરડાંઑની સંખ્યા લગભગ નહીવત્ છે. જે ભારતીય સંસ્કૃતિમાં આજે પુત્રનું ચલણ છે તે જ ભારતીય સંસ્કૃતિમાં એક દિવસ પુત્રને જન્મ આપનારી કન્યાનું મહત્વ વિશેષ રહેતું હતું તેથી જ સીતા, સતી, સરસ્વતી, રાધા વગેરેને સંબોધિત કરીને ઘણાં હાલરડાઓનો સમાવેશ શાસ્ત્રોમાં કરાયેલો છે. આ જ હાલરડાઓને કારણે ભારતીય સંસ્કૃતિનાં પાયારૂપ આપણી આ દેવીઓની ભેંટ આપણને મળી છે. જો સીતા, સતી, રાધિકા જેવી સન્નારીઓનું સ્થાન જ ન હોત તો આપણને વિવિધ ભાવો અને સ્નેહનાં સંબંધોની ઓળખ ન મળી હોત. જો સતી ન હોત તો કદાચ રિધ્ધિ-સિધ્ધી અને બુધ્ધિનાં સ્વામી ગણપતિની ભેંટ આપણને મળી ન હોત, જો રાધિકાજી ન હોત તો સખ્ય પ્રેમનું અદ્ભુત સ્વરૂપ આપણને જોવા મળ્યું ન હોત અને જો સીતા ન હોત તો સાસુ-વહુ વચ્ચેનાં સંબધની, દેવર-ભાભીના અને પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોની ગહેરાઈ વિષે આપણને કોણ બતાવત? વ્રજ સાહિત્યમાં કહે છે કે કીર્તિદા રાણી રાધિકાજીને પારણે ઝૂલાવતી વખતે કહે છે કે હે પુત્રી તારું આગમન થયું છે તે મને સૂચિત કરે છે કે હું કેટલી સૌભાગ્યશાળી છું, હે પુત્રી તારા આવવાથી મારા આંગણે અસંખ્ય સુવાસિત પુષ્પો ખીલી ઉઠ્યા છે, પ્રિય પુત્રી તું જ મારી લક્ષ્મી છો અને તું જ સરસ્વતી કારણ કે હે પુત્રી તારા પધારવા માત્રથી મારા આંગણામાં રહેલી ગાયોએ પોતાના આંચળ વરસાવ્યા છે (અર્થાત્ ગાયોએ દૂધ વધુ આપ્યું છે) અને બ્રાહ્મણોએ મારા ગૃહ પર આશિષ વરસાવ્યાં છે. શાસ્ત્રમાં કહે છે કે જ્યારે જનક રાજાએ પ્રથમવાર સીતાજીને જોયાં ત્યારે તેમનું હૃદય આનંદથી ઉછળી પડ્યું અને તેમનાં હૃદયમાંથી સીતાજી માટે આશિષ રૂપી હાલરડું નીકળી ગયું, જેમાં જનક રાજા કહે છે કે આજ દિવસ સુધી હું ફક્ત નરેશ હતો પરંતુ હવે હું મહાનરેશ થયો કારણ કે મારું સૌભાગ્ય આજે મારે ત્યાં મારી પુત્રી બનીને આવ્યું છે, એ જ સીતાજીનાં વિવાહ બાદ તેમણે કહ્યું કે હે પુત્રી તારા જેવી કન્યા જો પ્રત્યેક ગૃહમાં હોય તો તે ગૃહનું સૌભાગ્ય ક્યારેય ઓછું થતું નથી. આમ આપણાં પુરાતન શાસ્ત્રોએ પુત્રીઓનો મહિમા ગાયો છે ત્યાં આજની સંસ્કૃતિમાં પુત્રીનું અને પુત્રીઑ માટેનાં હાલરડાંઓનું મૂલ્ય ઓછું શા માટે અંકાય છે?

શાસ્ત્રોએ કહ્યું છે કે માતા એ સંસારની સૌથી મોટી ગુરુ છે. માં, મમતા અને માતૃત્વ રૂપી ગુરુ જ્યારે પોતાના બાળકને ભાવપૂર્વક હાલરડાંઑ દ્વારા બાળકને સુવડાવે છે ત્યારે બાળકનાં ભાગ્યની ઈર્ષા શેષ, મહેશ સહિત દેવો પણ કરે છે કારણ કે દેવોને પણ માતાનાં ભાવનું, માતાનાં સ્પર્શનું, માતાની ગોદનું અને માતાનાં કંઠેથી હાલરડાંઑ સાંભળવાનું સૌભાગ્ય નથી મળ્યું. વિજ્ઞાન સહિત સમસ્ત શાસ્ત્રોમાં કહ્યું છે વાત્સલ્ય, પ્રેમ, અને માતૃત્વથી છલોછલ ભરેલા જે હાલરડાંઓ બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવે છે સત્ય જાણતા હોવા છતાં પણ ધીરે ધીરે વિસરાતી જતી આપણી આ સંસ્કૃતિને આપણે રોકી શકતા નથી તેનું કારણ છે કે ઝડપથી બદલાઈ રહેલા યુગની સાથે અને હરણફાળ ભરી રહેલા સમયની સાથે બાળક કોમ્પીટેશન ભરેલ વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે ભીડમાં ખોવાઈ ગયો છે અને વધતી જતી મોંઘવારીમાં ટકી રહેવા માટે બે છેડા ભેગા કરવા મથતી રહેતી માતા પણ બદલાઈ ગઇ છે. સમયનુસાર અને આધુનિકતાનાં રંગે રંગાતી જતી આ બદલાઈ રહેલી માતાની વાત્સલ્યપૂર્ણ બોલી વિસરાઈ જતાં માતા અને બાળક વચ્ચે રહેલ સેતુ તૂટી ગયો છે જેને કારણે હાલરડાંઓનું અસ્તિત્વ, તત્વ અને હાથોની દુલારભરી થપકીઑ ખોવાઈ ગઈ છે. આજ કારણસર આજે ક્યાંયથી માતાના મીઠા લહેરાઈ રહેલ સૂરનો સ્વર નથી આવતો, ક્યાંયથી દાદીનાની પવનને ધીરેથી જવાની સૂચના નથી આપતું, ક્યાંયથી કોઈ માતાતુલ્ય બહેનીનું વ્હાલ નથી સંભળાતું, પરીઓની દુનિયા અને પ્રકૃતિનો રંગ ક્યાંય દેખાતો નથી, ક્યાંયથી મેઘધનુષનાં રંગો પાલનાની આજુબાજુથી ડોકિયું કરી બાળક તરફ જોતાં નથી. કારણ કે આજે માતા પાસે સમય નથી કે તે બાળકને સંભળાવી શકે અને બાળક પાસે પણ સમય નથી કે તે સાંભળી શકે. ટી.વીની રંગબેરંગી અને બેરંગી દુનિયાની વચ્ચે ચાંદામામાની સાથે માં ને બાળક પણ ખોવાઈ ગયાં છે ત્યાં હાલરડાઓનું તત્વ અને અસ્તિત્વ પણ ક્યાંથી હોય? પરિસ્થિતી સાથે આવેલા પરીવર્તનમાં હાલરડાંઑ ગાતી માતા અને નાદ સુણતા બાળક બંને વાદળોની વચ્ચે રહેલા ચંદ્રની જેમ સમયની રેતમાં ખોવાઈ ગયાં છે. એક સમયે જે જીવનઘડતરમાં, ગ્રામ્યજીવનમાંઅને લોકજીવનમાં  જેનો  અમૂલ્ય ફાળો રહેતો હતો તેવા  હાલરડાંઓનું અસ્તિત્વ આપણને પાછું મળશે કે કેમ તે એક સવાલ છે.  

 પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
 CopyRight:-ISBN-10:1500299901 .
તમન્નામાં પ્રકાશિત ૨૦૧૪ 

ઋણાનુબંધ

મારા પ્રેમરૂપી વર્ષાના બિંદુઓમાં ફેલાયેલ તું
ઝરમર ઝરમર વરસતો તું ને
મારા અસ્તિત્વને ભીંજાવતો તું
તારા પ્રેમની હેલીને બાલરૂપે વરસાવતો તું 

તારું સુંદર શું મુખડું મહેકાવે મનડું મારુ
હૃદય કેરા ગોકુલિયામાં ખૂબ રે સમાતું
મારા કણ કણના સમગ્ર અસ્તિત્વમાં
તું જ તો રાધિકા સંગે મહાલતો

તારા શ્યામળીયા સ્વરૂપમાં હું તો સમાઈ
ધીરેથી બંસરીના સૂરમાં ગઈ ખોવાઈ
તારી સખીઓના સંગને પ્રત્યેક પળ હું ઝંખતી
હું છું પનઘટની અધૂરી ગાગલડી

વૃંદાવનની માટીની સુગંધીમાં હું શરમાઈ
આજે તારી ગોપીઓ સંગે હું પણ જોડાઈ
તારી મધુર વાણીએ, તારા સંગને ઝંખી
તારા રંગમાં હું પણ રંગાઈ

શ્રી વલ્લભ વિઠ્ઠલના અજવાળે અહીં
વિશ્વાસ કેરો દીપ તું પ્રગટાવતો
તારી સાથેના આ જન્મના વાદળથી
મારો “
ઋણાનુબંધ” બંધાતો. 

“પારિજાત” 

Copyright@પારિજાત 

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૨

મૌનનો પડઘો

મારા મૌનની પ્રત્યેક ક્ષણોમાં શબ્દો બનીને પડઘાય છે તું,
મારા મનમાં ચાલતી કલ્પનાની કવિતામાં સૂર બનીને સમાય છે તું…
મારા પ્રેમનાં મુગટમાં મોરપીંછ બનીને પરોવાય છે તું
મારા આ ફાગણે ફાલ્યા ફૂલોમાં રંગ બનીને છલકાય છે તું
મારા કાનનાં કુંડળમાં મનમોહન બનીને લટકાય છે તું
મારા હાસ્યમાં હરિતાલિકા બનીને શરમાય છે તું
મારા આનંદ ઉમંગમાં બસ તારો જ આવિષ્કાર છવાય છે
તારી છે હાજરી તોયે મારા જગતની બહાર જઈ તને શોધતી ફરતી
,
તેથી જ
તારા વિનાના મારા દિનમાં યમુના જળ બનીને વહી જાય છે તું
જોને આજે
કવિતા લખવા બેઠી છું તોયે મારા શબ્દોમાં ફૂલ બનીને ટંકાય છે તું
ને એ ફૂલે ફૂલમાં બસ સુગંધનો દરિયો બનીને ઘુઘવાય છે તું, ને
મારા સમગ્ર અસ્તિત્વમાં વાંસળીનો લય બનીને લહેરાય છે તું..આથી જ
મારા મૌનની પ્રત્યેક ક્ષણોમાં શબ્દો બનીને પડઘાય છે તું,

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ 

Copyright ISBN-978-1500126087 

 

સુગંધનો દરિયો

આંખનો પલકારો પલપલે ત્યાં તારો જ પડછાયો હું જોઉં છું
તડકાના કિરણો મહીં અને સાંજની છાંવ મહીં હું તને જ જોઉં છું
નાના નાના લંબાતા હાથમાં
તારો જ સ્પર્શ હું અનુભવું છું
નયનનાં પલકારામાં પ્રથમ શમણું બનીને તું આવ્યો,
ને, એ શમણાંનાં પ્રેમનો પ્રથમ અહેસાસ બનીને તું આવ્યો
પરમાત્મા થઈને તું ભલે આવ્યો હોય આજે પૃથ્વી પર, પણ
આજે મારા આંગણિયે બાળક બનીને તું કેમ રમી રહ્યો છે.
નાના નાના તારા પગની પગલીઓમાં કેસરની સુવાસ ફેલાય છે
ઘુઘરિયાળા તારા કાળા કેશમાં ભ્રમર બની મારુ મન અટવાય છે
છે તારું જ અસ્તિત્વ મારી આસપાસમાં જ એ તો બસ મારૂ બ્હાનું છે
નહીં તો મારા શ્વાસમાંથી કાન્હા બસ તારી જ “સુગંધનો દરિયો” કેમ રેલાય છે.

“પારિજાત” 

Copyright@પારિજાત