Monthly Archives: ઓગસ્ટ 2013

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર ભાગ-૧.

બેરિયાટ્રિક સર્જરી પછીની કેર ભાગ.

 photo_of_body_mass_index

                                                                                                                                                                                                              body_mass_index

મોટાપો થવાનાં અનેક કારણો છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જરૂર કરતાં વધુ કેલેરીયુક્ત ફૂડ લેવાથી કે, ભૂખ વગર ખાવાથી અથવા ખાન-પાનમાં અનિયમિતતા રાખવાથી મોટાપો આવે છે. પરંતુ હવે ડોકટરોનું કહેવું છે કે માત્ર આજ કારણ મોટાપાને વધારવા માટે પર્યાપ્ત નથી. મોટાપો થવા માટે જીનેટીક કારણો, વધુ પડતાં સુગર કે સોલ્ટનો ઉપયોગ, ઓછી નીંદર આવવી, અનિદ્રા સાથે થાક લાગતો હોય, ટેન્શન અને ચિંતાયુક્ત નેચર, રોજિંદા કાર્યોમાં થતી કસરતનો અભાવ, બદલાતી લાઇફ સ્ટાઇલ વગેરે કારણો મોટાપો થવા માટે કારણભૂત ગણાય છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે સામાન્ય કરતાં થોડા મોટાપાને કારણે ઘરની વ્યક્તિઓ જ વારંવાર કહેતા રહે છે કે અરે તું જાડી છો કે જાડો છો………અરે શું શરીર જમાવી દીધું છે, આ ઉપરાંત આવા અસંખ્ય વાક્યો સાંભળીને જાડી વ્યક્તિઓનાં શરીર ઓછું કરવાનાં પ્રયત્નોને નકારતા હોય છે ત્યારે મોટાપો ધરાવનાર વ્યક્તિ પોતે જ ઘણું જ ગિલ્ટ (અપરાધભાવ) અનુભવે છે અને આ ગિલ્ટને કારણે તેઓ બળી બળીને પોતાના શરીરને અનાયાસે વધુને વધુ મોટાપા તરફ વાળી દે છે. મોટાપો ધરાવનાર ઘણી વ્યક્તિઓ મોટાપામાંથી છૂટકારો મેળવવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે છે અને યોગા, ડાયેટ તરફ વળી જાય છે, પણ તેમ છતાં તેઓનાં શરીર પરથી ચરબી ઓછી થતી નથી ત્યારે તેમને માટે મોટાપામાંથી રાહત અપાવી દેનાર બેરિયાટ્રિક સર્જરી આર્શિવાદ રૂપ બને છે. પેશન્ટની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરીમાં હોજરીનો એક મોટો હિસ્સો નિષ્ક્રિય કરી નાની કરી નાખવામાં આવે છે, જેને કારણે બેરિયાટ્રીક પેશન્ટનું પેટ નાનું થઈ જાય છે. પેટ નાનું થતાં ખોરાકની માત્રા પણ ઓછી થઈ જાય છે. ઓછા ખોરાકને કારણે ધીરે ધીરે શરીર ઓછું થઈ જાય છે. અમેરિકાનાં પેન્સીલવેનિયા રાજ્યમાં Bryn Mawr Hospital નાં બેરિયાટ્રીક સર્જન ડો રિચર્ડ ઇંગ કહે છે કે આપણું શરીર પણ સ્વાર્થી છે. જે શરીર પહેલા પોતાને મળતા ખોરાકનો ચરબીરૂપે સંગ્રહ કરી લેતું હતું તે જ શરીર આ સર્જરી પછી પોતાની બધી જ ચરબીનો ઉર્જા તરીકે ઉપયોગ  કરવાનું ચાલું કરી દે છે. કારણ કે તેને ખબર છે કે હવે ખોરાક ઓછો મળે છે તેથી હવે તે શરીરનાં બીજા ભાગોમાં રહેલ ચરબી જે તેણે આટલા વર્ષો સુધી સાચવી રાખી છે તેનો તે ઉપયોગ કરે છે.

gastric_bypass_surgery_illustration

                                                                                                                                                                                                              gastric_bypass_surgery_

બેરિયાટ્રીક સર્જરીનાં ત્રણ પહેલું હોય છે. જેમાં પ્રથમ પહેલુંમાં મોટાપો ધરાવનાર વ્યક્તિ Adjustable Gastric Band વડે હોજરીનું મુખ નાનું કરી નાખે છે. આ bandનો પણ ફાયદો થાય છે પણ જો આ બેન્ડ ખૂલી ગયો અથવા તે તૂટી જાય તો પેશન્ટ પોતાનો મૂળ ખોરાક લેવાનો ચાલું કરી દે છે જેનો તેણે ખ્યાલ રહેતો નથી. ઉપરાંત આ બેન્ડથી માત્ર અમુક પાઉન્ડ સુધીનું જ વજન ઓછું થાય છે જ્યારે બીજા પહેલુંમાં Sleeve Gastretomy રહેલ છે જેમાં પેટનો એક મોટો હિસ્સો કાપીને નાનો કરી નખાય છે. જ્યારે ત્રીજા પહેલુંમાં Gastric Bypass રહેલ છે. Gastric Bypass થી શરીર વધારે ઓછું થાય છે. જો કે આ સર્જરી પછી પણ ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો વજન વધવાનો ડર રહે છે. આ સર્જરી પછી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, થાઇરોડ, બેકપેઇન વગેરેમાં ફાયદો પણ જોવા મળ્યો છે કારણ કે સર્જરી બાદ આ રોગો દૂર થઈ જાય છે.


bariatric_surgery_target_area-_

                                                                                                                                                                                                        bariatric_surgery_target_area-_

સર્જરી થયા પહેલા અને સર્જરી થયા પછી ડો.ઇંગની ટીમ પેશન્ટ્સને સ્લીપ એપ્નિયા મશીન વાપરવા માટે અનુરોધ કરે છે.  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમને નસકોરાં આવે છે તે વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં હોય છે. પરંતુ ખરેખર એવું નથી હોતું. સત્યતા એ છે કે નાકથી ગળા સુધીના ભાગમાં જતી હવાના માર્ગમાં ઘર્ષણ નિર્માણ થાય છે જેને કારણે નાક અને ગળા વચ્ચેનાં સ્નાયુઓમાં કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને નિદ્રામાં લેવાતું ઓકસીજનનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે નસકોરા આવે છે. આ નસકોરાનું પ્રમાણ સ્થૂળ વ્યક્તિઓમાં અધિક જોવામાં આવે છે. નસકોરા લેતી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ જોઈએ ત્યારે તે ગાઢ નીંદરમાં હોય તેવું અહેસાસ થાય છે. ડો. ઇંગનું કહેવું છે કે નસકોરા લેતી  વ્યક્તિઓની નીંદર પૂરી થતી નથી; તેથી ઘણીવાર એવું પણ બને છે કે અપૂરતી નિદ્રાનો નીંદર લેતી વ્યક્તિઓને ખ્યાલ હોતો નથી. આથી જ ગમે તેટલી ગાઢ નીંદર લીધી હોવા છતાં (નસકોરાવાળી વ્યક્તિઓ) તે વ્યક્તિઓને એવું જ લાગે છે કે તેમની નીંદર પૂરી નથી થઈ. ઉપરાંત તેઓને દિવસભર શરીરમાં થાક લાગેલો જ રહે છે અને નાક, આંખો તથા માથું ભારી ભારી રહે છે. એક પોઈન્ટ ઉપર વ્યક્તિને એમ જ લાગે છે કે નાક અને માથામાં સાઇનસનો પ્રભાવ છે. આ ઉપરાંત ગાઢ નિદ્રા હોવા છતાં સૂતેલી વ્યક્તિઓનાં હાર્ટબીટમાં પણ ચઢાવ ઉતાર આવે છે જેનો ખ્યાલ નસકોરા લેતી વ્યક્તિને હોતો નથી. ડો. ઇંગનું કહેવું છે કે આ બધાં જ લક્ષણો તે અનિદ્રાનાં જ લક્ષણો છે. નસકોરાં લેતી વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાઈ રહી હોય છે અને આ બદલાતી શ્વાસોસવાસની પ્રક્રિયા દરમ્યાન ઘણીવાર એવું પણ બને છે કે શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. આમ સૂઈ ગયેલી વ્યક્તિને માટે નસકોરા જોખમી કે ભયકારક ન બની જાય તે હેતુથી સર્જરી દરમ્યાન અને સર્જરી પછી ઝડપી રિકવરી માટે યુ એસ એ. ની બેરિયાટ્રીક હોસ્પિટલ્સ તરફથી પ્રત્યેક બેરિયાટ્રીક પેશન્ટને સ્લીપ એપ્નિયા મશીન પહેરવા માટે આપે છે. જે પેશન્ટનાં હાર્ટબીટને રેગ્યુલર પણ રાખે છે અને વ્યક્તિની નિદ્રા પણ પૂરી કરવામાં મદદ કરે છે. અલબત્ત આ મશીન તે નસકોરાં લેતી વ્યક્તિને માટે બરાબર છે કે નહીં તે માટે સ્લીપ ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્લીપ એપ્નિયા મશીન પણ પેશન્ટે પ્રોટીનની જેમ હંમેશા પોતાની સાથે જ રાખવાનું હોય છે.

Cpapanwenderspbox_thumb_ahrq_03
Cpapanwender                                    spbox_thumb_ahrq

આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યાં ક્યાં  પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં તેની ચર્ચાઑ કરીશું.

નોંધ: હું  હાલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે બેરિયાટ્રિક સર્જન Dr. Richard. D. Ing સાથે  કાર્ય કરી રહી છું. તેથી બેરિયાટ્રિક સર્જરી પછીની કેર માટે કોઈપણ પ્રકારની મદદ જોઈતી હોય તો આપ નિઃસંકોચ પૂછી શકો છો. આ ઉપરાંત આ લેખ તૈયાર કરવા માટે પણ મને Dr. Richard. D. Ing (Bryn Mawr Hospital) નું માર્ગદર્શન મળ્યું છે.બેરિયાટ્રિક પેશન્ટ્સે આ સર્જરી પછીનાં ડાયેટ અંગે વિધિબહેન દવે- Ph:- 9428250350  અને vidhi_dave86@yahoo.com પર Contect કરવો.

ફૂલછાબમાં પ્રકાશિત:-

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

3-સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૩

પ્રિય સખી

શ્રી વલ્લભ  શ્રી વલ્લભ રટત હોં, જહાં દેખો તહાં યેહ

     ઇનહિં છાંડ ઔર હિં ભજે, તો જર જાવો વા દેહ

                 શ્રી વલ્લભ તો જર જાવો વા દેહ

“કૃષ્ણ કેડી” પર તારું સ્વાગત છે સખી. તને ખબર છે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે મારા જીવનનો કોઇ આધાર હોય તો તે શ્રીવલ્લભનું નામ છે અને શ્રી વલ્લભસાખીએ વૈષ્ણવોના હ્લદયપ્રદેશનો શૃંગાર છે કારણ કે વલ્લભસાખી બોલતાં બોલતાં શ્રી વલ્લભ હ્લદયનિકુંજમાં આવીને વસી જાય છે, ને ત્યારબાદ એવો પણ સમય આવે છે કે જયાં જયાં  નજર પડે ત્યાં શ્રીવલ્લભ દેખાય છે દા.ત મારી જ વાત કરું તો સવારના પહોરમાં એલાર્મમાં, નળની વહેતી જલધારામાં, દોડતા દોડતા ગૃહનું કામકાજ કરતા કરતાં મારા હ્લદયનાં ધબકારા મને શ્રી વલ્લભ, શ્રી વલ્લભ બોલતાં હોય તેવો ભાસ થાય છે. સખી, જેમ વલ્લભને જાણતાં જઇએ તેમ તેમ “નાની નાની લાગતી વાતોમાં પણ શ્રી વલ્લભનું સ્મરણ થયા” જ કરે છે. જો આપણા જેવા લૌકિક મનુષ્યોની આ સ્થિતિ હોય તો શ્રી હરિરાય મહાપ્રભુજીની તો વાત જ શું કરવી તેમની નજર પ્રમાણે, તે સમય પ્રમાણે જયારે હું વિચારું છું તો મને વનમાં જતી ગાયોની ઘંટડીમાં, યમુનાષ્ટક બોલતા વૈષ્ણવોમાં, અનાજના દાણાને પિસતા ૨ પથ્થરનાં ઘર ઘર અવાજમાં, પોતાના સિંહાસન પર બિરાજી રહેલા શ્રીજી બાવાનાં મંદ મંદ હાસ્યમાં અને તેમના માટે સજી રહેલા સામગ્રીનાં થાળમાં, તુલસી માળાનાં પારામાં શ્રી વલ્લભનાં દર્શન થાય છે. સખી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ જો ન હોય તો બીજા દેવી દેવતાઓનું શું કામ છે? આતો અમૃતનું રસપાન કરનારાને સામાન્ય જલ પીવા આપીયે તેવું થયું. સખી જો વલ્લભને બદલે જો કોઇ બીજા દેવદેવીને ભજીયે તેના કરતા તો આ દેહનો નાશ થઇ જાય તો વધુ સારું  છે, કારણ કે શ્રી વલ્લભ સમાન કોઇ નથી અને કોઇ થવાનું નથી. કારણ કે “બીજા દેવ દેવીને ભજવું “એટલે કે સાચો માર્ગ છોડીને ખોટા માર્ગ પર જવું. ચાલ ત્યારે રજા લઉં આજ કૃષ્ણ કેડી પર શ્રી વલ્લભસાખીની ૪ થી ટુંક સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

શ્રી વલ્લભ સાખી માટે જુઓ http://www.pushtiprasad.com/html/Downloads.htm

પૂર્વી મલકાણ મોદીની સ્નેહ યાદ

purvimalkan@yahoo.com

ISBN-978-1500126087 

પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨

વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ..

વ્રજતત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ.

હાલમાં શ્રાવણમાસ ચાલી રહ્યો છે. ભક્તજનો અને વૈષ્ણવો ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરશે. પરંતુ જેની ઉજવણી કરવામાં આવે છે તે કૃષ્ણની ખરી વ્રજભૂમિ આજે શું ક્યાંય છે કે? ભગવાન કૃષ્ણને અને સ્વામિની શક્તિ શ્રી રાધેરાણીને માનનારા અનેક ભક્તો છે, પણ આ ભક્તોને ખબર છે કે આજે તેમનાં આરાધ્યની ભૂમિનું અસ્તિત્વ ખોવાયેલું છે. હા…એક સમય હતો કે જ્યારે આ વ્રજભૂમિનાં તત્વો ખોવાયેલાં હતાં ત્યારે મધ્યકાલીન યુગમાં પુષ્ટિ પ્રણેતા શ્રી વલ્લભે વ્રજભૂમિમાં પધારીને  અતીતનાં ઈતિહાસમાં ખોવાઈ ગયેલા સમયને ફરી પ્રગટ કર્યા. પરંતુ આજની પરિસ્થિતી  કંઈક અલગ છે. શાસ્ત્રોમાં કહે છે કે સારસ્વત યુગમાં જે દિવસે શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા તે દિવસથી પુષ્ટિ ધર્મ શરૂ થયો હતો પરંતુ શ્રી કૃષ્ણ જ્યારે ગોલોક-ધામ પાછા પધાર્યા તે જ દિવસથી કલિયુગે પોતાનાં અસ્તિત્વનો પ્રભાવ વધારી દીધો અને જેમ જેમ કલિ પોતાનો પ્રભાવ વધારતો ગયો તેમ તેમ પૃથ્વી પર રહેલ ભક્તજનોનું અને પૃથ્વીનું સ્વરૂપ બદલાતું ગયું. તેમાં એક સમય એ પણ આવ્યો કે જેમાં ભગવાન બુધ્ધનાં બૌધ્ધિક ધર્મ અને આદિ શંકરાચાર્યજીનાં વૈદિક ધર્મનો પ્રભાવ વધી ગયો હતો, ભારત પર પાશ્ચર્ય સંસ્કૃતિએ આક્રમણ કર્યું અને વિદેશીઓનાં ધાડાં ઉતરી આવ્યાં  હતાં તે સમયે કૃષ્ણને માનનારા ભક્તજીવો અને ધર્મનું અસ્તિત્વ લગભગ નહીવત્ થઈ ગયું, તે સમયે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે અને ચૈતન્ય મહાપ્રભુજી રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. તેમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનાં સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીએ ખોવાઈ ગયેલાં ધર્મને અને વ્રજભૂમિનાં તત્વોને પુષ્ટિજીવો માટે ફરી પ્રગટ કર્યા. વ્રજ સાહિત્યમાં કહ્યું છે કે શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે પરંતુ માર્ગનાં મૂળભૂત તત્વો એ શ્રી ઠાકુરજીનાં હૃદયમાંથી પ્રકાશિત થયેલા છે. જેમાં વૃંદાવનનાં વૃક્ષો, શ્રી ગિરિરાજજી, ગૌધન અને શ્રી યમુનાજી, વ્રજરજ વગેરે સમસ્ત વ્રજ પરિકર વસેલો છે. પુરાણોમાં કહ્યું છે કે જે વ્રજ પરિકર ભૂતલ ઉપર શ્રી કૃષ્ણની કાનીથી પ્રગટ થયેલો છે તે પરિકરનાં એક પછી એક તત્વ ધીરે ધીરે ભૂતલ પરથી અદ્રશ્ય થઈ ફરી પોતાનાં મૂળ સ્થાનમાં બિરાજી જશે. પુરાણોમાં ઉલ્લેખાયેલા આ જ વાક્યાર્થને સમજીએ તો આજે વ્રજ પરિકર ખરેખર ધીરે ધીરે વ્રજભૂમિ પરથી અદ્રશ્ય થઈ રહેલો છે. આપણી વ્રજભૂમિ કમર્શિયલ થઈ ગયેલી છે, જેને કારણે જે શ્રી ગિરિરાજજી ઉપર વૈષ્ણવો પગ નથી મૂકતાં તે ગિરિરાજજીનાં શ્રી અંગ પરથી અનેક ગાડીઓ પૂરપાટ દોડી રહી છે, શ્રી યમુનાજીનાં જલ હથની ડેમ પર બંધાયેલી સ્થિતિમાં છે, વૃક્ષો કપાઈ ગયાં છે, ગૌધન દેખાતું નથી આ બધું જ જોઈને લાગી રહ્યું છે કે આપણાં વ્રજતત્વનું અસ્તિત્વ ખરેખર ખોવાઈ રહ્યું છે અને વેદોની વાણી સત્ય થઈ રહી છે કે કાલાંતરે વ્રજનાં સમસ્ત તત્વો ધીરે ધીરે કરીને ભૂતલ પરથી તિરોહિત થઈ જશે. વેદો અને પુરાણોમાં કહ્યું છે કે એક સમયે વ્રજભૂમિમાં ભૂદેવીનાં ત્રણ મહત્તમ તત્વોશ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને લતા-પતા-ગુલ્મ-વૃક્ષ અને વેલીઓથી છવાયેલ વૃંદાવનનાં જંગલ બિરાજમાન હતાં અને તે સમય એવો હતો કે જેમાં વ્રજભૂમિનાં આ બધાં જ સૂચકો ભર્યાભર્યા હતાં. 

વૃંદાવન, કૃષ્ણનું વૃંદાવન, જે સ્થળમાં કૃષ્ણા રાધાની અનેક નિશાનીઓ રહેલી છે તે વૃંદાવન, જ્યાં અનેક ભક્તોની આસ્થા અને શ્રધ્ધા રહેલ છે તે વૃંદાવનનો ઉલ્લેખ કરતાં પુરાણોમાં કહ્યું છે કે જ્યાં સદૈવ ધરાદેવી નવકુસુમિત થઇ હરિયાળી ચુંદડી ધારણ કરીને બિરાજી રહી છે. જે ગિરિરાજજીનાં ઉચ્ચત્તમ શિખરને સ્પર્શ કરવાં જતાં પવનદેવ પણ થાકી જાય છે તેવી વ્રજભૂમિમાં ધુમ્મસ આચ્છાદિત અનેક વૃક્ષો-મહાવૃક્ષો જાણે બાજુ બાહુઓ ફેલાવી રહ્યા છે. હરિયાળું અરણ્ય મસ્તક ઊંચું કરીને ચૌતરફ નજર ફેરવી રહ્યું છે, જેમાં કદંબનાં વૃક્ષો પ્રકૃતિનાં સૌંદર્યે ગર્વન્વિત થઈ રહેલા છે અને તે કદંબનાં વૃક્ષોઓની આજુબાજુ પુષ્પપલ્લવમંડિત લત્તાપતાઑ ઝૂલી રહી છે.નભમંડળમાંથી પ્રત્યેક રવિકિરણ ગાઢા વૃક્ષોની આસપાસ રહેલ ધરતી માતાનો ચરણ સ્પર્શ કરવા અને પોતાની અમી દ્રષ્ટિ પાથરવાં માટે થનગની રહ્યું છે, પરંતુ એકબીજાનો સાથ લઈને ઉભેલા વૃક્ષો એટલા ગાઢા થઈ ગયા હતા કે દિવસનો સમય હોવા છતાંયે રવિકિરણો ધરતી માતાને સ્પર્શી શકતાં નથી. આ ગાઢા અને ઘટ્ટ થઈ ગયેલા વૃક્ષોનો સાથ લઈ સુંદર વેલીઓ ઘટાદાર કુંજ નિકુંજોને સિધ્ધ કરી રહી છે. વૃક્ષો અને ગુલ્મ વેલીઓ પર ખિલેલા મલ્લિકા, સોનજૂહી, પલ્લવી, માધવી, માલતી, નિશિગંધા વગેરે સુવાસિત પુષ્પો અને પર્ણ દળીઓ રવિકરણ લઈને આવતા વાયુના વાયરે ઝૂમી રહ્યા છે. વૃન્દાના છોડ પોતાની મંજરીઓ સાથે લળી લળીને વાતો કરી રહ્યા છે. વૃક્ષો પોતાનાં ફલરૂપી ખજાનાને ખુલ્લા બાહોથી વાંટી રહ્યાં છે. સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ, મયૂર, સારસ, શુક, કપોત, ચટક વગેરે જેવા અનેક કિલબિલ કરતાં પંખીઓથી વૃક્ષોની ડાળી ડાળી ગુંજી રહી છે. રાત્રિકીટ તમરા પોતાનું નામ ખોટું સાબિત કરતાં હોય તેમ દિવસે પણ ત્રમ ત્રમ બોલી રહ્યાં છે. હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ વિવિધ પ્રકારે ધ્વનિ કરી રહ્યાં છે, દિવસની થોડી ઘણી બાકી રહેલી શાંતિને વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઑ પોતાની ગર્જનાઓથી હંફાવી રહ્યા છે. શ્રી યમુનાજીની પુલીન લહેરીઓ સ્વચ્છ સલિલાથી છલકાઇ રહેલ છે, વ્રજભૂમિનાં પ્રત્યેક ઘાટો અને કુંડો સુંદર સમીરી સાથે પ્રભુ શ્રી કૃષ્ણને પોતાનું સ્વસમર્પણ કરવાં માટે જલથી છલકાઈ રહ્યા છે, અને એ છલકાતા જલમાં અનેક કમલો અને કુમુદિનીઓ પોતાનાં સંપૂર્ણ રૂપ સાથે ખીલીને અનેક કિટકો અને ભ્રમરોને પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં.

* ૫૦૦૦ વર્ષ પહેલા (દ્વાપર યુગ_મહાભારત સમય )
શ્રી ગિરિવર ગિરિરાજજીનાં પ્રત્યેક શિખરો ઉપરથી અનેક નાના મોટા ઝરણાઑ નીચે છલાંગ મારી રહ્યાં છે, કૃષ્ણની કૃષ્ણા (શ્રી યમુનાજી) મહાસાગર શી દીસી રહી છે, જેનો એક છોર તો દેખાઈ રહ્યો છે પરંતુ બીજો છોર દૂર દૂર સુધી જોતાં પણ ક્યાંય નજરે આવતો નથી અર્થાત્ યમુનાજી અતિ વિશાલ છે.

        શ્રી વૃંદાવનનું આવું વર્ણન વેદ અને પુરાણમાં જોવા મળે છે ત્યારે તે વાંચીને આશ્ચર્ય થાય છે. ઇતિહાસ સાક્ષી છે કે આપણા ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણના સમયથી લઈ મહાભારત કથાનો અંત આવ્યો ત્યાં સુધી મથુરા પ્રદેશ અને વ્રજના વિસ્તારોમાં ગાઢ જંગલો હતા. પરંતુ જ્યારે શ્રી વલ્લભ ગોકુલ પધાર્યા તે સમયનું વર્ણન કરતાં ઇતિહાસમાં કહ્યું છે કે વૃંદાવન એટલું ગાઢું તો ન હતું. પરંતુ વૃંદાવનમાં એટલા વૃક્ષો હતાં કે તે વૃક્ષોની ઘટાઓની અંદર છુપાયેલા બંદરો, ખગ (પક્ષીઓ) વગેરે દેખાતાં ન હતાં, વૃક્ષોએ હજુ પણ પોતાનો ગુણ છોડયો ન હતો તેથી પ્રત્યેક વૃક્ષ પર મીઠા મધુરા ફલો લાગેલા હતાં અને પુષ્પો પલ્લવિત થઈ રહ્યાં હતાં, અમુક સ્થળો હજુ પણ વૃક્ષોથી એ રીતે ઢંકાયેલા હતાં કે ત્યાં સૂર્યદેવને પણ પોતાનો પ્રભાવ પાથરવાની રજા મળી ન હતી (દા. ખ ટોંડનો ઘનો, શ્યામ ઢાંક વગેરે એવી જગ્યાઑ હતી જ્યાં ઘનઘોર અરણ્ય કહી શકાય તેવા વૃક્ષો હતાં) અને અમુક સ્થળોમાં ઘટાદાર વૃક્ષોની આસપાસ ઘણા પરિવારો પોતાનાં ગૃહો સાથે વસેલા છે, ધૂળનો પ્રભાવ તો ઘણો જ છે પરંતુ એ ધૂળનાં પ્રત્યેક કણ ખૂબ સુંવાળા હોવાથી તેમાં ચાલનારનાં કદમોનાં પ્રતિક તેમાં પડી જાય છે અને એકવાર એ પ્રતીકો પડ્યા પછી ઝડપથી ભૂંસાઈ જતાં નથી અર્થાત્ માનવવસ્તી તો છે પરંતુ એટલી નથી કે ભીડની અંદર તે કદમોની પરછાઇ ખોવાઈ જાય, જળ-સ્થળની દિશા બદલાઈ ગઈ છે અર્થાત્ જ્યાં એક સમયે જળ હતું તેવા કુંડો અને ઘાટો  લગભગ અદ્રશ્ય થઈ ગયાં છે (દટાઈ ગયા છે) અને જ્યાં સ્થળ એટ્લે કે જમીનનો ભાગ હતો ત્યાં કાં તો માનવવસ્તી છે અથવા તે જગ્યા પર તળાવ અને સરોવરોનો આકાર બંધાઈ ગયો છે, એક સમયે જેનું શિખર આસમાં સાથે વાત કરી રહ્યું હતું અને જેનો પડછાયો મથુરામાંથી વહેતી યમુનાજીની અંદર પડતો હતો તેવા ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને યમુનાજીથી તેઓ દૂર ચાલ્યાં ગયાં છે. જે શિખરનું પૂજન કરતી વખતે ગોપ-ગ્વાલો નભ તરફ જોઈ માથું નમાવતાં હતાં તે જ શિખરોનું આજે રાજવીઓ હસ્તિ ઉપર બેસીને દર્શન કરી રહ્યાં છે અર્થાત્ અંબાડી પર બેસી તેનું પૂજન, દર્શન વગેરે કરી રહ્યાં છે, જે યમુનાજી મહાસાગર સમાન અતિ વિશાલ હતાં તે યમુનાજીમાં જલ પ્રવાહ ઘટી ગયો છે પરંતુ તે ઘટેલા જલે હજુયે પોતાની ગહેરાઈતા છોડી નથી તેથી તેમાં નવમાનવો વહાણવટું કરી રહ્યાં છે, આ સિવાય યમુનાજીમાં બીજી અન્ય એક વિશેષતા પણ જોવા મળે છે કે જે કમલ પુષ્પો સરોવર કે તળાવમાં દીસે છે તે કમલ પુષ્પો શ્રી યમુનાજીનાં જલમાં ખીલી રહ્યાં છે, આ ચૌદિવસ (આખો દિવસ અને રાત્રે) ખીલી રહેલા સુવાસિત કમલ પુષ્પોને કારણે અનેક મધુસુદનો તેનાં પર ગુંજારવ કરી રહ્યાં છે. વ્રજભૂમિમાં અનેક સશસ્ત્રધારી લોકો ગજ (હાથી)પર બેસીને આમતેમ ફરી રહ્યાં છે તદ્પરાંત એક સમયે જે ભૂમિ પર અરણ્યો લહેરાઈ રહ્યાં હતાં તે ભૂમિ પર અનેક મંદિરો અને સ્થાપત્યો જોવા મળી રહ્યાં છે. 

   હવે શ્રી વલ્લભનાં સમયથી આજના સમય સુધી પ્રવાસ કરીને આજનાં વૃંદાવનમાં ફરીએ. ઉપરનું વર્ણન શ્રી વલ્લભ જ્યારે વ્રજભૂમિમાં પધાર્યા હતાં તે સમયનું હતું હાલમાં શ્રી વૃંદાવન જોઈએ તો જ્યાં ફક્ત સૂર્યદેવનો જ પ્રભાવ પથરાયેલો છે ત્યાં વૃક્ષો એટલા નથી કે બંદરો તેમાં છુપાઈ શકે, એક સમયે જે અરણ્ય સ્યેન, સારંગ, ધનછડી, ચિત્રરથ, ચંડોલ, પત્રરથ, કોકીલ, ભારદ્વાજ અનેક પક્ષીઓથી કલબલાટ કરતું હતું તે અરણ્ય હવે ગામો અને શહેરોમાં વિકાસ પામ્યાં છે, જે યમુનાજીનાં વિશાલ જલમાં એક સમયે વહાણવટું થતું હતું તે યમુનાજીનો એક સાચો પ્રવાહ પણ દેખાતો નથી, જે શિખરની છાયાનું પ્રતિબિંબ એક સમયે શ્રી યમુનાજીમાં દેખાતું હતું તે ગિરિરાજજીનું કદ નાનું થઈ ગયું છે અને ક્યાંક તો ગિરિરાજજી તો સાવ જ તિરોહિત થઈ જતાં તેમનાં શ્રી અંગ પર ડામરનો રસ્તો આવી ગયો છે. (પાંચકોશી યાત્રા દરમ્યાન આ રસ્તો આવે છે જેને મોટર માર્ગ કહે છે) અને જે શ્રી ગિરિરાજજીનું પૂજન શ્રી વલ્લભનાં સમયમાં ગજ પર બેસીને થતું હતું  તે શિખરનું કદ આજે માણસથી પણ નાનું રહી ગયું છે. વૃંદાવનમાં ધુમ્મસ આચ્છાદિત જે વૃક્ષો-મહાવૃક્ષોનું અરણ્ય હતું તે અરણ્યો હવે રહ્યાં નથી, જે યમુનાજીનાં કલકલ કરતાં જળ વહી રહ્યાં હતાં તે જળનો પ્રવાહ બદલાઈ ગયો છે (તે શુધ્ધ જળ દિલ્હી વગેરે સ્થળોએ જાય છે તે સંદર્ભમાં) જે કુંડો અને ઘાટો શ્રી વલ્લભે પ્રગટ કર્યા હતાં તે કુંડો અને ઘાટો હવે દૂષિત થયાં છે, ગિરિરાજજી લગભગ તિરોહિત થયાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે એક સમય એવો આવશે કે શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી વગેરે પાછા સ્વધામ એટ્લે કે ગોલોક ધામમાં પાછા પધારશે. 

દૂષિત થયેલા વ્રજભૂમિનાં કુંડો

આજનો સમય જોતાં શું એવું નથી લાગતું કે વ્રજભૂમિનાં આ તત્વો પાછા પધારી રહ્યાં છે. યમુનાજી આજે વ્રજ છોડીને ગયાં તેને માટે આપણે સરકારને દોષ દઈએ છીએ પરંતુ આ કાર્ય માટે આપણે જ જવાબદાર હોઈએ તેવું નથી લાગતું? કારણ કે આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. આટલું ઓછું હોય તેમ આપણે ઔદ્યોગિક ઝેરી કચરો પણ યમુનાજીમાં વહાવ્યો જેથી તે પાણીમાં પાણી ન રહેતાં ફક્ત વિષ રહી ગયું છે અને આ વિષયુક્ત જલ અનેક કાલિયનાગનાં ઝેર સમાન છે જેની અસર માનવજીવનની સાથે સાથે નદીમાં રહેતી જીવ સૃષ્ટિ અને નૈસર્ગ પર પણ પડી જ છે. વળી આ વિષયુક્ત થયેલી યમુનાજીને બચાવીશું કેવી રીતે કારણ કે જે ભૂમિ પર આપણાં યમુનાજી વહી રહ્યાં હતાં તે યમુનાજીનાં ભાગનો ભૂતલનો પ્રદેશ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે તેથી નથી આપણી પાસે આપણી યમુનાજીનાં ભાગની જમીન નથી તેનાં પ્રવાહનો કોઈ ભાગ …..વૈષ્ણવો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે શ્રી યમુનાજી માટે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની?

આજની નદીઓ_ક્યાંક સુકાઈ ગઈ છે તો ક્યાંક નદીનો ભાગ આપણે જ છીનવી લીધો છે. ભક્તજનો આપણે જેને માતા, મહારાણીમા, દેવી સ્વરૂપા કહી જેનું પૂજન કરીએ છીએ તે લોકમાતાઓ માટે આપણે કંઇ રાખ્યું જ નથી પછી આ તેમનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? અને જો શ્રી યમુનાજીનું જ અસ્તિત્વ નહિ હોય તો વ્રજરજ પણ ક્યાંથી રહેવાની? વળી વૃંદાવનનાં વૃક્ષો, જંગલો ઓછા થતાં તેની અસર પશુપક્ષીઓઑ રૂપી વ્રજભકતો પર પણ થઈ છે આજે ચારો ન મળી શકવાને કારણે વ્રજભૂમિ પરથી ગૌધન ઓછું થયું છે એક સમયે જે ગૌધનની ઘંટડીઓનાં નાદથી વ્રજભૂમિની ગલીઑ ગુંજતી હતી અને વ્રજરજનો સ્વાદ તન-મનને પવિત્ર કરી રહ્યાં હતાં તેજ વ્રજરજ હવે વાહનોનાં ધુમાડાથી ઊડતી દેખાય છે અને તે પ્રદુષિત થયેલી રજથી તન-મન પવિત્ર થતાં હશે કે કેમ તે એક સવાલ છે. આસ્થા અને સત્ય બંને અલગ અલગ છે તેથી આસ્થા વડે આપણે એમ તો કહીએ છીએ કે ગમે તે સ્વરૂપમાં વ્રજરજ તે વ્રજરજ છે અને જો એમ જ હોય તો જે યમુનાજી છે તે યમુનાજી છે શ્રી યમુનાજીનાં શુધ્ધ જલને સરકાર પાસેથી છોડાવવા માટે આપણે આટલી મહેનત શા માટે કરીએ છીએ? હા શ્રી ગિરિરાજજીનું તિરોહિત થતું સ્વરૂપને આપણે બચાવી ન શક્યાં પરંતુ શ્રી યમુનાજી, વ્રજભૂમિનાં વૃક્ષો, વ્રજ રજ અને ગૌધનને બચાવવા માટે આપણે સંકલ્પ લઈએ. વ્રજભૂમિની યાત્રાએ જતો પ્રત્યેક વૈષ્ણવ પોતાનાં રૂમની સાથે પોતે જ્યાં જાય છે તે સ્થળને ચોખ્ખું રાખે અને વ્રજભૂમિમાં જ વસતાં વૈષ્ણવો પોતાનાં ગૃહની પાસે ફક્ત એક વૃક્ષ વાવે અને તેનું પોતે જ ખ્યાલ રાખે. બસ એક નાનકડાં પ્રયત્નથી જ આપણે શું નવી શરૂઆત કરી શકીએ કે? સાથે સાથે બીજું સત્ય એ પણ છે કે આપણી વ્રજભૂમિને સ્વસ્થ અને પવિત્ર રાખવા માટેનું પ્રથમ પગલું આપણે જ લેવું પડશે કોઈપણ આશા વગર અને કોઇની મદદ લીધા વગર, કારણ કે આપણી મદદ આપણે જ પોતે કરી શકીએ છીએ. માટે આજથી જ આપણાં ખોવાયેલા વ્રજભૂમિનાં તત્વોને શોધવા માટે ફરી પ્રયત્નબધ્ધ થઈશું તો જ કદાચ આપણને આપણાં વ્રજ તત્વનું ખોવાઈ રહેલું અસ્તિત્વ મળી શકશે.આ ફક્ત યમુનાજીની જ વાત નથી પરંતુ, આ વાત આપણાં દેશની બધી જ લોકમાતાઓ માટે લાગુ પડે છે. તેમાં ગંગાજી હોય કે કોશી, આજી, સાબરમતી, કાવેરી, કૃષ્ણા હોય. આ બધી જ લોકમાતાઓનું અસ્તિત્વ આજે જોખમમાં ગણાય છે, ત્યારે શું આપણે કોઈ આંખ, મસ્તક અને બુધ્ધિને ખોલીશુ ખરા કે?

પૂર્વી મોદી મલકાણ
purvimalkan@yahoo.com

<

અમેરિકાની અમીષ સંસ્કૃતિ

અમેરિકાની અમીષ સંસ્કૃતિ 

અમેરિકાની અમીષ સંસ્કૃતિ  કોઈ આજે કહે કે ૨૧ મી સંસ્કૃતિમાં આપ ૧૮ મી સંસ્કૃતિની રીતે રહો અને જીવો ત્યારે કેવું લાગશે? પરંતુ આ હકીકત છે કે આજે પણ ૨૧ મી સંસ્કૃતિને છોડીને અમુક લોકો એવા છે જેઓ ૧૮ મી સંસ્કૃતિમાં જ જીવે છે અને તેજ રીતે જીવવાનું પસંદ કરે છે. ૧૮ મી સદીમાં જીવનારી આ પ્રજા છે પેન્સિલવેનિયન જર્મન-ડચ અમીષ પ્રજા. યુ એસ એનાં પેન્સીલવેનિયા રાજ્યમાં વસનારી આ અમીષ પ્રજા આજે પણ પોતાની પરંપરા, પ્રણાલિકાઓને અને સંસ્કૃતિને ખૂબ ચાહે છે તેથી તેઓ આજે પણ પોતાની આજ જૂની પ્રણાલિકાને વળગી રહ્યા છે.એમીષ લોકો……ઇ.સ ૧૬૦૦માં જેકબ અમ્માન્નની લીડરશીપ નીચે એક સ્વિસ જૂથે સ્વિટ્ઝર્લૅન્ડમાં સરળ જીવન અને આધુનિક જીવન વચ્ચેનાં મતભેદ સાથે શરૂઆત કરી હતી. તેમાં જે લોકો અમ્માન્નને અનુસરી રહ્યાં હતાં તેઓ એમીષ અથવા અમીષ તરીકે જાણીતાં બન્યાં. ક્યારેક આ અમીષ પ્રજાને મેનોનાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

amish house* Amish house

આ અમીષ પ્રજાનું એક જૂથ ૧૭૩૦ની આસપાસ અમેરિકા પહોંચ્યાં. તેમાંથી મોટા ભાગની એમીષ પ્રજા પેનિસિલ્વેનિયામાં સ્થાયી થઈ, અને બાકીનાં જૂથો અલબામાં, ડેલાવર, ઈન્ડિયાના, નબ્રાસ્કા, મેરીલેન્ડ, આયોવા, કેંટુકી, કેન્સાસ, વોશિંગ્ટન, મિસીસીપી વગેરે રાજ્યોમાં સ્થાયી થઈ. પેનિસિલ્વેનિયામાં પેન્સિલવેનિયન જર્મન-ડચ તરીકે ઓળખાતી આ અમીષ પ્રજાને સામાન્ય ભાષામાં ખેડૂત તરીકે ઓળખી શકાય છે પરંતુ ખેતી સિવાય અન્ય ઘણાં બધાં કાર્યો આ પ્રજા કરે છે તેથી તે રીતે તેમને ફક્ત ખેડૂત કહેવા પણ મુશ્કેલ બની જાય છે. પેન્સીલવેનિયાની આ અમીષ પ્રજાની જીવન શૈલી સામાન્ય અમેરિકન કરતાં એકદમ અલગ છે. આ પ્રજા ઉનાળામાં ખેતીવાડી કરે છે, શાકભાજી વેચે છે, જામ, અને અથાણાં બનાવે છે અને શિયાળામાં ક્વિલ્ટસ બનાવે છે, સુથારી કામ કરે છે. આ ઉપરાંત રોજીંદી જીવન શૈલીમાં ડેરી બિઝનેસને પણ મહત્વ આપવામાં આવે છે. 

 

missouri-amish-seymour-webster-county

* missouri-amish-seymour-webster-county

એમીષ ડેરી ફાર્મ

* એમીષ ડેરી ફાર્મ

અમીષ લેડી

અમીષ લેડી 

અમીષ લોકો પોતાની કમ્યુનિટીમાં જ લગ્ન કરી શકે છે. બાહરનાં સમાજમાંથી દુલ્હન લાવવા પૂર્વે કમ્યુનિટીની પરવાનગી લેવી તેઓને માટે અનિવાર્ય હોય છે. તેઓ પોતાનાં સંતાનો જ્યારે ૧૮ વર્ષનાં થાય છે ત્યારે તેમને સ્વતંત્ર રીતે પોતાનાં જીવન માટે નિર્ણય લેવાનો અધિકાર આપે છે. તે નિર્ણય અનુસાર જો તે સંતાનો પોતાનાં કમ્યુનિટીમાં જ એકવાર સમાઈ જવાનું નક્કી કરે તે પછી તેઓ કાયમ માટે કમ્યુનિટીનાં જ થઈ જાય છે પછી તેઓ રેગ્યુલર અમેરીકન સમાજમાં ભળી શકતાં નથી અને જો તેઓ રેગ્યુલર અમેરીકન સમાજમાં મિક્સ થવાનો નિર્ણય લે છે તો તેઓ ફરી પાછા પોતાની કમ્યુનિટીમાં આવી શકતાં નથી. એમીષ લોકોનો પહેરવેશ પણ સામાન્ય લોકોથી ઘણો જ અલગ હોય છે. તેઓ ડાર્ક કલરને ઘણું જ મહત્વ આપે છે તેથી તેઓ ડાર્ક જાંબલી, કાળો, ડાર્ક મરૂન, રાતો, કથ્થાઇ વગેરે રંગોનો વધુ ઉપયોગ કરે છે. જ્યાં સુધી તેઓ લગ્ન ન કરે ત્યાં સુધી તેઓ હેન્ડ મશીનથી સીવેલા કપડાં પહેરે છે અને લગ્ન થયાં બાદ તેઓ મશીનથી સિવેલા કપડાં પહેરતા નથી તેથી કપડાંને સ્ટીચ કરવા માટે સળી અથવા પિનનો ઉપયોગ કરે છે. બીજી વાત એ કે એમીષ સ્ત્રીઓને કાનમાં બુટ્ટી, ગળામાં ચેઇન વગેરે પહેરવાની છૂટ હોતી નથી. પરંતુ આંગળીઓમાં રિંગ પહેરે છે પરંતુ તે પણ જૂજ જ પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ કોઈપણ પ્રકારનાં ઘરેણાંઓથી દૂર જ રહે છે. આ ઉપરાંત એમીષ સ્ત્રીઓ માથાનાં વાળ ખુલ્લા રાખી શકતી નથી તેથી વાળ બાંધીને તેનાં પર નેટ પહેરી રાખે છે. જ્યારે પુરુષો લગ્ન પહેલા શેવ કરી શકે છે પરંતુ લગ્ન થઈ ગયાં બાદ તેઑ શેવ કરી શકતા નથી. તેથી પરણિત પુરુષોની લાંબી દાઢી જોવા મળે છે. 

એમીષ ડ્રેસ(સ્ત્રીઓ માટે)

એમીષ ડ્રેસ(સ્ત્રીઓ માટે)

AmishFamily

* Amish Family

એમીષ કાઉન્ટીમાં વન રૂમ સ્કૂલ જોવા મળે છે જેમાં ૧ ધોરણથી લઈ ૮ માં ધોરણ સુધીનાં બધાં જ બાળકો એક જ ક્લાસ રૂમમાં બેસીને ભણે છે. એમિશ લોકો શિક્ષણને મજબૂત માને છે, તેથી વાંચન લેખનની સાથે ભૂગોળ, ઇતિહાસ, ગણિતનાં વ્યાવહારિક જ્ઞાન સાથે ડચ, જર્મન, ઇંગ્લિશ વગેરે ભાષાઑ ભણે છે. પરંતુ તે માત્ર આઠમાં ધોરણ સુધી જ હોય છે. તેથી એમ કહી શકાય કે આઠમા ધોરણ સુધીનું ઔપચારિક શિક્ષણ તેઓ લે છે. ૮ માં ધોરણ બાદ અમીષ બાળકો ભણતા પણ નથી. ૮ માં ધોરણ બાદ વધુ ભણવા ઇચ્છતા બાળકોએ કમ્યુનિટી પાસેથી રજા લઈ રેગ્યુલર અમેરિકન સ્કૂલમાં આવવું પડે છે.

એમીષ વન રૂમ સ્કૂલ

* એમીષ વન રૂમ સ્કૂલ

અમીષ લોકો ટેક્નોલૉજીની વિરુધ્ધ નથી પરંતુ બને તેટલી નવી ટેક્નોલૉજી ઓછી વાપરવામાં તેઓ માને છે આથી એમીષ લોકોનાં ઘરમાં ઇલેક્ટ્રીકસિટીથી ચાલતા ડીશવોશર, વોશિંગ મશીન, રેફ્રીજરેટર, ફોન વગેરે ઉપકરણોનો ઉપયોગ થતો નથી. તેઓ પોતાને જરૂર હોય તેટલી ઉર્જા પવનચક્કીની મદદથી ઉત્પન્ન કરે છે અથવા પ્રોપેનથી ચાલતાં ઉપકરણો ઉપયોગમાં લે છે. અમીષ લોકોનો જ્યાં વસવાટ છે તે ગામમાં લોકલ ચર્ચમાં ફક્ત એક ફોન રાખવામાં આવે છે જેનો જરૂરિયાત પ્રમાણે અમીષ પીપલ ઉપયોગ કરે છે. જ્યારે રેફ્રીજરેટર તરીકે આઈસરૂમ અથવા બરફબોક્સનો ઉપયોગ કરે છે. આઇસરૂમ માટે ઘરની બહાર અંડર ગ્રાઉન્ડ ભંડકિયું બનાવવામાં આવે છે. જેમાં બરફની લાદીઑ રાખવામાં આવે છે. (જમીનની અંદરનાં ભાગમાં તાપમાન બહુ વધઘટ થતું નથી તેથી ઠંડક જળવાઈ રહે છે.) એમીષ લોકો વાહન તરીકે અને ખેતી માટે હોર્સ વેગન અને બગ્ગીઑનો ઉપયોગ કરે છે. જો વાહન તરીકે હોય તો મોટાભાગે એક ઘોડાવાળું વેગન ઉપયોગમાં લેવાય છે પરંતુ ખેતીકામ માટે બે અથવા બે થી વધારે ઘોડાઓ જોડવામાં આવે છે. આ હોર્સબગીઓ માટે પણ ટ્રાફિક રૂલ્સ ફરજિયાત હોય છે. માત્ર એક ટ્રાફિક રૂલ એવો છે જેનું દરેક રેગ્યુલર અમેરિકન પ્રજાએ ઉપયોગ કરવો પડે છે.તે નિયમ એ છે કે અમીષ કાઉન્ટીમાં કારનું હોર્ન વગાડવાની અથવા મોટો શોરબકોર કરવાની સખત મનાઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે શોરબકોર અથવા હોર્નનાં અવાજથી ઘોડાઓ ભડકી જાય તો અકસ્માત થવાનાં ઘણાં ચાન્સ વધી જાય છે આથી આ કાઉન્ટીમાંથી પસાર થતી વખતે બને તેટલી શાંતિ રાખવામાં આવે છે. 

Lancaster_County_Amish_03

* Lancaster_County_Amish_03

એમીષ વેગન

એમીષ વેગન

એમીષ લોકો મોટાભાગે કલોનિયલ ડિઝાઇન ધરાવતાં આ ઘરોમાં રહે છે. (૨૦૦ વર્ષ પૂર્વે જે બ્રિટિશ પ્રજા જે અહીં યુ એસમાં આવીને રહેલી તે કલોનિયલ પ્રજા કહેવાય છે અને તેમણે બાંધેલા ઘરો કલોનિયલ હાઉસ કહેવાય છે આજે પણ અમેરીકામાં મોટાભાગના ઘરો આ જ બાંધણીમાં બંધાયેલા જોવા મળે છે.) પરંતુ એમીષ કલોનિયલ ડિઝાઇન સામાન્ય અમેરિકન ઘરો કરતાં થોડી જુદી જ દેખાય છે. કારણ કે ઘરની બહાર પવનચક્કી અને ડેરી ટાવર જોવા મળે છે જે સામાન્ય કલોનિયલ ઘરોમાં દેખાતા નથી. 


Amish farm and house

* Amish farm and house

એમીષ ક્વિલ્ટસ

એમીષ ક્વિલ્ટસ

એમીષ બેડરૂમ

Jalapeno Jelly Amish

* Jalapeno Jelly Amish

Amish make Jam and jelly

* Amish  Jam and jelly

એપ્રિલ-મે મહિનામાં અમીષ કાઉન્ટીમાં ફ્લાવર ફેસ્ટિવલ  ઉજવાય છે ત્યારે તેને માણવા માટે અમેરિકાનાં ઘણા સ્ટેટમાંથી લોકો ઉમટી પડે છે. અમીષ પ્રજા કહેવાય અમેરિકન તેમ છતાંયે અમેરીકાની અંદર અલગ વસેલી એક અદ્ભુત મહેનતકશ પ્રજા છે.

* સ્ટારવાળા ફોટાઓ નેટજગતને આભારી છે. 

પારિજાત 

copyright@pareejat

2 -સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-

2 -સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-

પ્રિય સખી

ઓર કછુ જાન્યો નહી, બીના શ્રી વલ્લભ એક

કર ગ્રહી છાંડે નહીં, જિનકી એસી ટેક.

શ્રી વલ્લભ જિનકી એસી ટેક.

   તું ફરી આપણા નવા વિષય વિષે ભુલી જાય તે પહેલા તો હું હાજર આપણી એજ જુની “કૃષ્ણ કેડી” પર. હું નવી ટૂંક સાથે આવી છું અને નવા પરિચયની આંગળી પકડીને તારી પાસે લાવી છું. તને યાદ છે છેલ્લાં પત્રનાં છેલ્લા ફકરામાં મે એક શબ્દ લખેલો હતો?? શ્રી હરિરાય મહાપ્રભુજી નામના “ખેવૈયા” આપણી સાથે જ છે માટે તું પણ તેમનાં જ આશ્રયે નિર્ભય બનીને ચાલજે. તને ખબર છે ખેવૈયા એટલે શું?? ખબર પડયા વગરનું વાંચી જઇશ તો પણ તને આનંદ નહીં આવે.

    સખી “ખેવૈયા” એટલે જે આપણને પાર ઉતારે તે, જેની નાવમાં બેસીને આપણે નદીની પેલે પાર જઇ એ તે નાવવાળો. આપણા શ્રી વલ્લભ પણ એવાં જ છે આપણે એકવાર પુષ્ટિમાર્ગ તણી નાવ બેઠા કે તરત જ “શ્રીવલ્લભ રૂપી ખેવૈયા” આપણા જીવન તણી નાવના હલેસાને પોતાના હાથમાં લઇ લે છે અને નાના મોટા તોફાનોમાં આપણી હાલક ડોલક થતી નાવને સંભાળીને બીજી પાર જયાં આપણા શ્રીજીબાવા છે ત્યાં લઇ જાય છે અને તેમના હાથમાં આપણને સોંપી દે છે, સખી શ્રી વલ્લભની જેમ શ્રી વલ્લભ અંશ જ પણ ખેવૈયા બનીને જે જીવનો તેઓ હાથ પકડે છે તેમનો હાથ તેઓ કયારેય નથી છોડતાં. સખી આવા પ્રસંગોમાં શ્રી ગુંસાઈજી ચરણનાં સેવક ગુલાબખાન છે તેઓ બ્રાહ્મણ હોવા છતાં પતનને માર્ગે ગયાં ત્યારે શ્રી ગુંસાઈજીચરણે ફક્ત પોતાની યાદ દ્વારા ગુલાબખાનને સ્વમાર્ગની યાદ દેવડાવીને તેમનો ઉધ્ધાર કર્યો હતો તે જ રીતે શ્રી વલ્લભનાં પણ સેવક રામાનંદ પંડિતને પણ કેમ કરીને ભૂલી શકાય? સખી આ તો ફક્ત ઉદાહરણ છે પણ આ સિવાય પણ અનેકાનેક એવા ઘણા પ્રસંગો આપણાં સાહિત્યમાં સમાયેલા છે. સખી વૈષ્ણવોને શ્રી વલ્લભ અને પુષ્ટિમાર્ગ પર પૂર્ણતઃ શ્રધ્ધા, આસ્થા હોવી જોઈએ. કારણ કે શ્રી વલ્લભ પોતાના જનોનો, નિજજનોનો, સેવકોનો અને ભક્તજનોનો હસ્ત ક્યારેય છોડતા નથી. માટે સખી શ્રી વલ્લભનું અને આ બીજી ટૂંકનું મનન કર ત્યાં સુધીમાં હું ત્રીજી ટુંક સાથે હાજર થઇ જઇશ. ચાલ ત્યારે રજા લઉં. સખી આપણી આ સાખીઓ તો એટલી સુંદર છે કે તું આ લખેલા પત્રના સારનું જ નિત્ય સ્મરણ કરીશ તો પણ તને “નાની નાની લાગતી વાતોમાં પણ શ્રી વલ્લભનું સ્મરણ થયા” કરશે. આપણે ફરી મળીશું આપણી આજ જુની” કૃષ્ણ કેડી” પર ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨

શ્રી વલ્લભ સાખી માટે જુઓ http://www.pushtiprasad.com/html/Downloads.htm     

 

                                                                 પૂર્વી મલકાણ મોદી યુ એસ એ.
purvimalkan@yahoo.com
Copyright@”ISBN-978-1500126087  પૂર્વી મોદી મલકાણ”

બોલતા ખંડેરો તક્ષશિલાનાં

બોલતા ખંડેરો તક્ષશિલાનાં …. પાકિસ્તાન … (૨૦૦૭)

અખંડ ભારતનાં ઈતિહાસમાં સમાયેલ તક્ષશિલાને (આજે તક્ષિલા) નામે ઓળખાતાં આ સ્થળનો ઇતિહાસ સદીઓ જૂનો છે. એક સમયે આ સ્થળે વિશાળ નગર અને અતિ પ્રચલિત એવી વિદ્યાનગરી હતી તેજ જગ્યાએ આજે ખંડેરો બોલી રહ્યાં છે. હાલમાં પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં સમુદ્ર સપાટીથી 549 મીટર (1,801 ફૂટ) ઉપર આવેલ તક્ષશિલા એક સમયે હિન્દુઑ અને બૌધ્ધોનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું, પરંતુ ભારત અને પાકિસ્તાનનાં વિભાજન બાદ અતીતની આ વિદ્યાનગરી એ સિંધ સંસ્કૃતિમાં સમાઈ ગઈ. ઇતિહાસકારોએ આ નગરીને ગાંધાર રાજ્યનાં પાટનગર તરીકે ઓળખાવેલ છે. પરંતુ આજની દૃષ્ટિએ જોઈએ તો એ સમયનો ગાંધાર દેશ આજે કંદહાર તરીકે ઓળખાય છે અને કંદહાર આજે અફઘાનિસ્તાનનો એક ભાગ ગણાય છે. અહીં આંભિક ગાંધર્વનું રાજ્ય હતું. આંભિક ગાંધર્વ બાદ તેનો પુત્ર આંભિકકુમારે ગાંધાર રાજ્યનો કારભાર સંભાળ્યો હતો પરંતુ સહપાઠી એવા ચંદ્રગુપ્ત મૌર્ય સામેનાં યુધ્ધમાં હારી ગયો હતો. પાકિસ્તાનનો ઇતિહાસ કહે છે કે આંભિકકુમાર પણ તે સમયનાં અન્ય રાજાઓની જેમ વિલાસી અને ક્રૂર રાજા હતો. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ પણ રાજકુમાર હતો પણ તેનાં માતપિતા મગધનાં રાજા ધનનંદનાં કૂડનો ભોગ બન્યાં હતાં અને પોતાનું નાનું શું રાજ્ય ખોઈ દીધું હતું. તે ચંદ્રગુપ્ત ઉપર કૌટિકપુત્ર કૌટિલ્યની નજર પડી તેઑ ચંદ્રને તેની માતા મુરા પાસેથી માંગીને પોતાની સાથે તક્ષશિલા લઈ ગયાં. તે સમયે તક્ષશિલા નગરી વિદ્યાધામ ગણાતી હતી. અહી કૌટિલ્યએ ચંદ્રને બરાબર કસ્યો અને ભવિષ્યનાં મહાન રાજા તરીકે ઊભો કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો. ચંદ્રએ પણ ગુરુ કૌટિલ્યની આશાથી આગળ વધી જઈ પ્રજાનો સ્નેહ અને વિશ્વાસ સંપાદન કર્યો અને પોતાની જીતની શરૂઆત વ્યાસનદીને તીરે વસેલા ગાંધારનગરીથી કરી અને અહીંથી મૌર્ય સામ્રાજ્યનાં પાયા નાખ્યાં.(મહર્ષિ વેદવ્યાસજીનાં નામ ઉપરથી આ નદીનું નામ વ્યાસ નદી પડેલું જોકે આ જે આ નદી બિયાસને નામે ઓળખાય છે. આ તો થયો પાછળનો ઇતિહાસ પરંતુ આ નગરીનો ઇતિહાસ તો એનાથીએ વધુ જૂનો છે. રઘુવંશ કુમાર ભરતનાં બે પુત્ર હતાં તક્ષ અને પુષ્કર. જેમાં પુષ્કરે પુષ્કરાવર્ત(જે આજે પુષ્કર તરીકે ઓળખાય છે અને તે અજમેર રાજસ્થાન પાસે આવેલ છે.) જ્યારે દ્વિતીય પુત્ર તક્ષે તક્ષશિલા નગરી બનાવડાવી હતી. ઈતિહાસકારોનાં જણાવ્યાં મુજબ આ નગરી અને તક્ષશિલા વિદ્યાપીઠની સ્થાપના માટે વિવિધ મતાંતર રહેલા છે પણ તેમ છતાં ફક્ત વિદ્યાપીઠની વાત કરવામાં આવે તો આ વિદ્યાપીઠનો સમય 700 BC નો બતાવવામાં આવ્યો છે. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રી પાણિની, આચાર્યવર કૌટિલ્ય, ચન્દ્ર્ગુપ્ત મૌર્ય, બિંબસાર જેવા રત્નોની ભેંટ આપનાર તક્ષશિલા નગરીનો દ્વાપરયુગમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. દુર્યોધનનાં મામા શકુનિ એ ગાંધારદેશનાં મહારાજ કહેવાતા હતાં. એક માન્યતા અનુસાર પરિક્ષિત પુત્ર જન્મેજયનો સર્પયજ્ઞ અહીં જ થયેલો હતો. એક સમયે તક્ષશિલા પણ આજે તક્ષિલા તરીકે ઓળખાતું આ સ્થળ ખંડેર હાલતમાં જોવા મળે છે. બ્રિટિશ પુરાતત્વવિદ્ સર જહોન માર્શલે અહીં અતીતની શોધમાં ખોદકામ હાથ ધર્યું હતું, ત્યારે ધરતીનાં પડળો નીચે ખોવાયેલ તક્ષશિલાનાં નિશાનો રૂપ બૌધ્ધ સ્તૂપો, વિદ્યાર્થીઓને રહેવાની જગ્યાઓ, શૈવમંદિરો, જૈન દેરાસરો વગેરે મળી આવ્યાં. સાતમી સદીની શરૂઆતમાં હ્યુ એન સાંગ પોતાની વિશ્વ પરિક્રમા દરમ્યાન આ સ્થળમાં આવેલ ત્યારે આ નગરીનો વૈભવ સમાપ્ત થઈ ગયેલો હતો, અને વિદેશી આક્રમણોને કારણે આ નગરીનો ધ્વંશ થઈ ગયો હતો. પાકિસ્તાનની મારી સફર દરમ્યાન આ સ્થળની મુલાકાત લેવાનું મળ્યું ત્યારે જોવા મળ્યું કે સિંધુ સંસ્કૃતિની આ અમૂલ્ય ઇમારતને પાકિસ્તાનની આજમાં કોઈ વિશેષ સ્થાન આપવામાં આવ્યું નથી તેથી ભારતનાં પર્યટકો સ્થળોની જેમ આ સ્થળનો કોઈ વિકાસ નથી થયો ઉપરાંત પાકિસ્તાનની આજની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ લોકો આ વિરાન સ્થાન પર ટુરિસ્ટ તરીકે પણ જતાં ડરે છે, પણ તેમ છતાંયે નાલંદા વિદ્યાપીઠની જેમ પાકિસ્તાનમાં આવેલ આ સ્થળને આજે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે ગણવામાં આવે છે. 

ધર્મ અને ધૈર્યનું મહત્વ

   ધર્મ અને ધૈર્યનું મહત્વ  

     એક રાજા હતો. તે રાજાએ એના ગામમાં એવો નિયમ કરેલો કે જે વસ્તુ બહારથી વેચાવા માટે આવે તે વસ્તુઓને સૌએ ખરીદી લેવી અને વેચનારને ખાલી હાથ ગામમાંથી જવા ન દેવો. રાજાનાં આ નિયમથી લોકોને મનેકમને હંમેશા કશુંક ને કશુક ખરીદવું પડતું. એક દિવસ આ ગામમાં એક ભિખારી એની ગરીબાઈ વેચવા આવ્યો. તે આખા નગરમાં ફરી ફરીને તેની ગરીબાઈ વેંચવા લાગ્યો પણ તેની ગરીબાઈ કોઈએ ન ખરીદી આથી તે રાજાનાં મહેલે આવ્યો અને રાજાની પાસે પોતાની ગરીબાઈ વેચાવડાવી. તે ભિખારી પાસેથી રાજાએ ગરીબાઈ ખરીદી ભિખારીને ધન આપીને સંતુષ્ટ કર્યો પછી ભંડારીને કહ્યું ભિખારીની આ ગરીબાઈને ભંડારમાં મુકાવો. તે રાત્રે રાજા સૂઈ ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં જોયું કે રાજ્યના ભંડારમાંથી શ્રી લક્ષ્મી બહાર નીકળ્યાં અને રાજાને આવીને કહેવા લાગ્યાં કે તે ગરીબાઈ ખરીદી છે તેથી હું અહીં રહી ન શકું માટે હું જાઉં છું, આ સાંભળી રાજા કહે ભલે મા આપ પધારો……અને લક્ષ્મીજી બહારની દિશા તરફ ચાલ્યાં ગયાં. લક્ષ્મીજીનાં ગયાં બાદ થોડીવાર પછી રાજાએ સ્વપ્નમાં જોયું કે રાજ્યનાં ભંડારમાંથી વૈભવ અને ઐશ્વર્ય બહાર પધાર્યા છે ત્યારે રાજાએ તેમને પુછ્યું કે આપ બહાર કેમ પધાર્યા ત્યારે વૈભવ અને ઐશ્વર્ય કહેવા લાગ્યાં કે જ્યાં લક્ષ્મી ન રહે ત્યાં અમે કેમ કરીને રહીએ? માટે અમે પણ લક્ષ્મીની પાછળ પાછળ જઈશું. ત્યારે રાજા કહેવા લાગ્યો કે સારું તો આપ પણ પધારો. થોડીવાર બાદ રાજાએ સ્વપ્નમાં જોયું કે ધીરજ અને ધર્મ બહાર આવ્યાં અને તેમણે રાજાને કહ્યું કે હવે અમે પણ જઈએ છીએ તારા રાજ્યમાં તો હવે લક્ષ્મી, વૈભવ અને ઐશ્વર્ય તો બિરાજતાં નથી તો અમે કેમ કરીને રહીએ, માટે અમે પણ જઈશું આ સાંભળી રાજાએ ધર્મ અને ધૈર્યને કહ્યું કે અરે વાહ તમને રાખવા માટે તો મે ગરીબાઈ ખરીદી છે હવે તમે મને છોડીને ક્યાં જશો? આ સાંભળીને ધર્મ અને ધૈર્ય શરમાઈ ગયા અને રાજ્ય ભંડારમાં પાછા ગયા. ધર્મ અને ધૈર્યને પાછા રાજ્ય ભંડારમાં જતાં જોઈ લક્ષ્મીજી પણ વૈભવ અને ઐશ્વર્ય સાથે પાછા વળ્યા. આ પ્રસંગ સમજાવે છે કે જેના જીવનમાં ધર્મ અને ધૈર્ય રહેશે તો એના જીવનમાં બધું હશે અને જેમના જીવનમાંથી ધર્મ અને ધીરજ જશે એ દરિદ્રી બનશે.

“પારિજાત”
copyright@પારિજાત 


શ્રી વલ્લભસાખી સાર અને ઇતિહાસ

શ્રી વલ્લભસાખી સાર અને ઈતિહાસ

      કલિકાલમાં શ્રી ઠાકુરજી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનાં રૂપે દૈવી જીવોનો ઉધ્ધાર કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા. તેમણે ૫૨ વર્ષ સુધી ભૂતલ પર રહી શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી ત્યારબાદ ૩ વાર પૃથ્વી પરિક્રમા કરી અને વિવિધ સ્વભાવ ધરાવતાં દૈવીજીવોને બ્રહ્મસંબંધ દ્વારા શરણે લીધાં, સાથે સાથે સમયનાં પ્રવાહમાં લુપ્ત થઈ ગયેલા વ્રજભૂમિનાં તત્વોને પુનઃ પ્રગટ કર્યા, ૮૪ ગ્રંથોની રચના કરી જીવોને રાહ દેખાડ્યો ત્યાર બાદ ભગવદ્ આજ્ઞાનુસાર પોતાનું બાકી રહેલું સમસ્ત કાર્ય શ્રી વલ્લભ વંશજ અને અંશજને સોંપીને કાશીના હનુમાન ઘાટ પરથી વ્યોમાસુર લીલા કરી ભૂતલ પરથી વિજય થયાં. શ્રી વલ્લભ બાદ તેમનાં અધૂરા રહેલા કાર્યને શ્રી વિઠ્ઠલનાથજીએ પૂર્ણ કરવા માટે બીડું ઉઠાવ્યું. શ્રી વિઠ્ઠલનાથજી આચાર્યચરણનાં સાત લાલ હતાં. આ સાતેય લાલનોએ પોતાના તાતચરણ અને પિતૃચરણનાં કાર્યને ઉઠાવી લીધું. શ્રી વિઠ્ઠલનાથજીનાં આ સાતેય લાલમાંનાં દ્વિતીયલાલ શ્રી ગોવિંદલાલજી અને ગોવિંદલાલજીનાં શ્રી કલ્યાણરાયજી હતાં. શ્રી કલ્યાણરાયજીને તાતમહ શ્રી વિઠ્ઠલનાથજીએ પોતાનું ચર્વિત તાંબુલ ખવડાવ્યું હતું અને તેમને આરશિરવાદ આપેલા કે આપને ત્યાં શ્રી મહાપ્રભુજીનો અંશ ધરાવતાં પુત્રનું આગમન થશે ત્યારે તે પુત્ર પણ ભક્તિ, વિદ્વતા, જ્ઞાન દ્વારા મહાપ્રભુજીની જેમ અનેકાનેક પુષ્ટિ સાહિત્યોની રચના કરશે અને તેમને પિતામહ શ્રી વલ્લભની જેમ મહાપ્રભુની ઉપાધિ આપવામાં આવશે. શ્રી વિઠ્ઠલનાથજીચરણનાં વચનામૃત સાચા પડ્યા, કારણ કે શ્રી હરિરાયજીચરણ અત્યંત પ્રતાપી અને સૂર્ય જેવા તેજસ્વી હતાં. તેમણે અનેકાનેક સાહિત્યોની રચના કરી તેમાં આપશ્રી હસ્તે લખાયેલ એક શ્રી વલ્લભસાખી પણ છે. શ્રી વ્રજભાષામાં રચિત આપશ્રીની આ વલ્લભસાખી પદ્યરૂપે રહેલ છે જેમાં આપશ્રીએ વ્રજભૂમિનાં પાંચે તત્વ વિષે જણાવેલ છે. પુષ્ટિપ્રસાદમાં દર મહિને રજૂ થતી શ્રી હરિરાયજી કૃત આ સાખીઓને પત્રરૂપે લખાઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે પત્રોએ વ્યક્તિ અને સમૂહજીવનમાં એક રોમાંચક સ્વ-રૂપને પોતાના બનાવી દીધાં છે, કારણ કે પત્રોનાં એ સ્વરૂપનાં સ્વમાં વ્યક્તિગત સંવેદના અને પરીવર્તન બંને સમાઈ ગયાં છે. પત્ર સાહિત્ય આપણે ત્યાં વિપુલમાત્રામાં છે પરંતુ આ e mail નાં યુગમાં પત્રો અને પત્રો લખવાની કલા બંને ભૂલાવા લાગ્યા છે, તેથી આ પત્રશૈલીને જીવંત કરવાનાં પ્રયાસો રૂપે અહી શ્રી વલ્લભસાખીને પત્રો રૂપે લખાઈ છે અને વૈષ્ણવમિત્રોને મેઈલ થયાં છે. પરંતુ આ તમામ વૈષ્ણવમિત્ર અહી ફક્ત એક સખી સ્વરૂપે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વ્રજભૂમિમાં કેવળ એક જ પુરુષ છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ છે, અને સર્વે ભક્તજનો તે સખીઓ સ્વરૂપે રહેલ છે.

       અહીં આ પત્રોમાં ગદ્યસ્વરૂપ ન સમાઈ જાય તે વાતને ધ્યાનમાં રાખીને આ પત્રોરૂપી નિબંધો લખી રહી છું. જેને વાંચતાં આપ સૌને ચોક્કસ આનંદ આવશે તેવી આશા છે અને સાથે સાથે એક ભુલાઈ ગયેલી કડી પણ ફરી નવા શબ્દદેહ દ્વારા આવીને સૌ વૈષ્ણવ ભાઈ-બહેનોને મળશે અને તે સાથે મારી પણ એક કડી શ્રી વલ્લભચરણાંરવિન્દે બતાવેલા આ રાહમાં જોડાઈ જશે તેવી આશા સહ_________

શ્રી વલ્લભસાખીનો ઇતિહાસ:

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું                                                                                        

  પ્રિય સખી

         શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન

        રસિક રટત આનંદ સો,કરત સુધારસ પાન શ્રી વલ્લભ

                                           શ્રી વલ્લભ કરત સુધારસ પાન  

        આ ટુંક વાંચીને તને ચોકક્સ આશ્ચર્ય થયું હશે કેમ ખરૂં ને!!!?? મને થયું કે તારો પરિચય હું શ્રી વલ્લભસાખી સાથે કરાવી દઉં એનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઇ પદ, ભજન, કિર્તન, ધોળ સાંભળીયે ત્યારે તેનો પરિચય અને સમજણ હોય તો સાંભળેલા સંગીતનો આનંદ અનેરો થઇ જાય છે.

        આ સાખી શરૂ કરતા પહેલા આપણે થોડો ઇતિહાસ જાણી લઇએ.શ્રીનાથજી બાવા મેવાડ પધાર્યા તેના ૨ વર્ષ પૂર્વે શ્રી હરિરાય મહાપ્રભુજી મેવાડનાં ખિમનોર નામનાં ગામમાં આવીને વસ્યાં. તે ગામમાં જૈનોની ઘણી જ વસ્તી હતી પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના વસવાટ બાદ ધીરેધીરે વૈષ્ણવોની વસ્તીમાં ઉમેરો થતો ગયો અને શ્રી હરિરાય મહાપ્રભુજીના સંગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિના વૈચારિક અને વૈષ્ણવતાની ભાવનામાં શુધ્ધિ થતી ગઇ.

        એક સમયે વૈષ્ણવોએ શ્રી હરિરાય મહાપ્રભુજીને વિનંતી કરી કે અમને આપના દાદામહ શ્રી વલ્લભ ચરણાંરવિંદ અને તેમના મહાત્મ્ય વિષે બતાવો જેથી આપની વાણીમાં અમે શ્રીવલ્લભને સમજી શકીયે. વૈષ્ણવોની વિનંતિને ધ્યાનમાં રાખી ને શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ વિષે સમજાવવાંનું શરૂ કર્યું. જેમ જેમ શ્રી વલ્લભ વિષે માધુર્યસાગરમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ વૈષ્ણવોનો આનંદ પ્રતિદિન વધવા લાગ્યો. થોડા સમય બાદ જયારે આ વિષય પૂર્ણ થયો ત્યારે વૈષ્ણવોએ વિનંતિ કરી જયરાજ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું, વ્રજનું અને તેમના વૈષ્ણવો વિષે રોજ મનન અને ચિંતન કરવું હોય તો શી રીતે કરવું..? જે ચિંતન રોજના કાર્યાર્થો પૂરા કરતા કરતા પણ બોલી શકાય. શ્રી વલ્લભાચાર્યાજીએ પોતાના બન્ને લાલને નિમિત્ત બનાવી ને જેમ શ્રીપુરૂષોત્તમ સહસ્ત્રનામની અને શ્રીમદ્ ભાગવદના દશમસ્કંધની રચના કરી હતી તેમ વૈષ્ણવોને નિમિત્ત બનાવીને શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ વલ્લભસાખીની રચના કરી.

        “શ્રી ઠાકોરજીનાં ચરણારવિંદમાં સતત જેમનું મન જોડેલું છે,જે નિજ સેવકો ઉપર અઢળક કૃપા વરસાવે છે, જેઓ હમેંશા તુલસીની કંઠી ધારણ કરે છે, જેમના મુખમાં સદા શ્રી ઠાકુરજીનું નામ રહેલું છે તેવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ને હું દંડવત્ પ્રણામ કરૂં છું.  શ્રી વલ્લભ બોલતા જ મન અને હ્લદય આનંદની હેલીએ ચઢે છે. શ્રી વલ્લભનું સ્વરૂપ એ શ્રી પ્રભુના મુખારવિંદનું ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે અને તેમની વાણીએ દ્રવીભૂત રસ રસાત્મક આનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં જગતનાં સમસ્ત ધર્મો સમાયેલા છે, શ્રી વલ્લભવાણી એ વેદવાણી છે અને આપ વાણી દ્વારા આપના પુષ્ટિ જીવોને પ્રભુનું મિલન કરાવે છે અને તેમનો ભવભવના સંસારચક્રમાંથી ઉધ્ધાર કરે છે.  હું બને તેટલું વધુ ને વધુ શ્રી વલ્લભનું ચિંતન કરવા માગું છું જેથી શ્રી વલ્લભ નામના અમૃત કુંભનું હું પાન કરી તેમના અલૌકિક સ્વરૂપને સદા જાણતો રહું.” 

       પ્રિય સખી શ્રી હરિરાયજી મહાપ્રભુજીકૃત આ વલ્લભ સાખી એ એક વિશાળ સાગરની જલનિધિ સમાન છે પરંતુ જેમ લૌકિક સાગરમાં રહેલા રત્નોને કાઢવા મરજીવાઓ લૌકિક સાગરના જલનિધિમાં પડે છે તેમ આપણે પણ જેમ જેમ સાખી સમુદ્રમાં આગળ વધતાં જઇશું તેમ તેમ શ્રીવલ્લભ નામની લહેરોમાં આપણે લહેરાતા જઇશું, અને અંતે આ તમામ સાખીઓમાંથી અમૂલ્ય રત્નોને પણ મેળવીશું. પ્રિય સખી આ કાર્ય માટે શ્રી હરિરાય મહાપ્રભુજી નામના ખેવૈયા આપણી સાથે જ છે માટે તું પણ તેમના જ આશ્રયે નિર્ભય બની ને ચાલતી રહેજે. સખી આમાં મે ફક્ત મારો જ સ્વાર્થ જોયો છે પણ મને આશા છે કે શ્રી વલ્લભ મને ક્ષમા કરી મને સતત તેમના અલૌકિક સ્વરૂપનું સ્વયં જ્ઞાન આપતા રહેશે. ચાલ ત્યારે રજા લઉં આ ટૂંક વિષે, તેની સમજણ વિષે તારા શું વિચાર છે તે મને સમજાવજે. આપણે આવતા પત્રમાં ફરી મળીશું આપણી એજ કૃષ્ણ કેડી પર. પરંતુ ફરી મળીએ ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

 

પૂર્વી મોદી મલકાણનાં ભગવદ્ સ્મરણ.

purvimalkan@yahoo.com

ISBN-978-1500126087  Copyright@”પૂર્વી મોદી મલકાણ”

પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨
શ્રી વલ્લભ સાખી માટે જુઓ http://www.pushtiprasad.com/html/Downloads.htm

એક સ્વસ્તિક ને કારણે

ઈન્ડિયા છોડી યુ એસ માં અમે અમારી નવી ક્ષિતિજ વસાવી આ સમય દરમ્યાન જે અનુભવો થયાં તેને  હું વાંચક મિત્રો સાથે શેર કરી રહી છું. 

શુભ પ્રસંગોમાં સ્વસ્તિક અને રંગોળી હંમેશાથી હિન્દુ ધર્મનાં પ્રતિક અને પૂરક રહ્યાં છે. પરંતુ ઘર આંગણામાં માંગલ્યતા અને પવિત્રતાની આગેવાની લઈ એક સાથે ઉતરી આવતાં હિન્દુ ધર્મનાં પાયારૂપ આ પ્રતીકો શું ક્યારેય કોઈ મુશ્કેલી સર્જી શકે છે? જવાબ છે હા કારણ કે 1997 નાં વર્ષમાં સ્વસ્તિક અને રંગોળીને કારણે મારા ઘરે પોલીસ ધમધમતી થઈ ગઈ જેને કારણે મારે આપણાં આ પ્રતીકો સાથેનો સંબંધ છોડવો પડ્યો.

બોસ્ટનમાં ટાઉન હાઉસમાં અમે લગભગ દોઢ વર્ષનાં વસવાટ દરમ્યાન હું એકલી હતી ને બાળકો નાના હતાં જેને સંભાળવા કોઈ જ વડીલો ન હતાં તેથી મારા મનનો થાક દૂર કરવા માટે હું થોડો સમય રંગોળી કરતી જેથી અવનવા રંગોમાં ખોવાઈને મારુ મન ફરી પાછું ફ્રેશ બની જાય. આજ કારણસર મે રંગોળીને મારા રોજિંદા કાર્યનાં એક ભાગરૂપ બનાવી દીધેલ જેનો પેન્સીલવેનિયામાં મૂવ થયાં બાદ અંત આવ્યો.

1997 ઓગસ્ટમાં અમે બોસ્ટન છોડીને ફિલાડેલ્ફિયામાં “એપલ ડ્રાઈવ”નાં અપાર્ટમેંન્ટમાં રહેવા આવ્યાં. જેમાં ૪ ફ્લેટ અને એક કોમન વરંડા હતો. આ વરંડામાં હું રોજ સવારે રંગોળી અને સ્વસ્તિક કરતી, પરંતુ જ્યારે બહાર અવરજવર થતી ત્યારે હું જોતી કે રંગોળી અને સ્વસ્તિક ખરાબ થઈ ગયાં છે તેથી હું વિચારતી રહેતી કે આજુબાજુનાં અપાર્ટમેંન્ટમાં કોઈને ત્યાં પેટ્સ હશે જે બહાર રમતાં હશે જેને કારણે રંગોળી ખરાબ થઈ જાય છે. આમ વિચારી વારંવાર ખરાબ થતી મારી રંગોળી હું વારંવાર સરખી કરતી. બોસ્ટનમાં દિવસમાં એકવાર થતી મારી આ પ્રવૃતિ મારા આ નવા ઘરમાં વારંવાર થતી ત્યારે મને શંકા જતી કે મારી રંગોળીને કોઈ પેટ્સ દ્વારા નહીં પણ કોઈ વ્યક્તિ દ્વારા ખરાબ થાય છે, પરંતુ કહેવું કોને? સામાન્ય રીતે અમેરિકન લોકો કોઇનાં કાર્યમાં  ખલેલ કરતાં નથી પરંતુ અહીં એવું કોઇ છે જેને મારી રંગોળી ગમતી નથી તેથી તે ખરાબ કરી નાખે છે, પરંતુ અપાર્ટમેંન્ટમાં મારા સિવાય બીજા ૩ ઘર છે અને તેમને પૂછવા થોડી જવાય કે કોણ મારી રંગોળી ખરાબ કરે છે… અને કોઈ તથ્ય પર ન આવતાં હું બસ ચૂપ રહી જતી.

રોજ ભૂંસાતી અને રોજ સરખી થતી મારી રંગોળીનાં આ ક્રમને એક દિવસ બ્રેક લાગી ગઈ. હું રંગોળી પૂરી કરી મારા  રોજિંદા કામમાં પરોવાઈ જ હતી, ત્યાં જ બે પોલીસ ઓફિસર ઘરે આવ્યાં.તેમણે આવતાંની સાથે જ મને પૂછ્યું “r u a nazi?” (બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન હિટલરની નાઝીવાદ તરીકે ઓળખાતી વિચારધારાએ લાખો યહુદીઓની હત્યા કરેલી. આજે વિશ્વનાં લગભગ બધાં જ દેશોમાં અને ખાસ કરીને યુરોપીય દેશોમાં નાઝીવાદને સંપૂર્ણ રીતે બહિષ્કૃત કરવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન હીટલરનું પ્રતીક ઊંધો સ્વસ્તિક હતો આ પ્રસંગ બન્યા બાદ મે નાઝીઓનાં ઇતિહાસ વિષે વધુ જાણેલું) પરંતુ પ્રથમવાર પોલીસ ઘરે આવી ત્યારે “નાઝી” શબ્દ મારે માટે નવો હતો, તેથી મારાથી બોલાઈ ગયું…… nazi….? What nazi…? મારા એ સવાલથી ચોંકવાનો વારો હવે તેમનો હતો. તેમને કદાચ જાણ થઈ ગઈ હતી કે nazi એ શબ્દ મારે માટે નવો છે તેથી તેમણે મને ફરી પૂછ્યું r u from Germany..? મે કહ્યું નો સર આઇ એમ ફ્રોમ ઈન્ડિયા. તેમણે મને કહ્યું તમે અહીં સ્વસ્તિક કર્યો છે તેનો મીનિંગ છે કે તમે નાઝી છો તો ખોટું શા માટે કહો છો? મે કહ્યું કે ઓફિસર આપની પાસે ખોટું બોલવાનો કોઈ અર્થ નથી, અમે ઈન્ડિયાથી છીએ અને આ સ્વસ્તિક અમારા હિન્દુ ધર્મનું પ્રતિક છે, તદ્પરાંત અમે હજુ થોડા સમય પહેલા જ બોસ્ટનથી અહીં મૂવ થયાં છીએ જેથી કરીને આપ આ ઘરને અમારે માટે નવું ઘર કહી શકો છો અને અમે હિન્દુઑ જ્યાં નવું ઘર વસાવીએ છીએ ત્યાં અમારી પ્રગતિ થતી રહે તે શુભતાનાં હેતુ માટે સ્વસ્તિક ચોક્કસ કરીએ છીએ. આ સેન્ડ આર્ટ શા માટે કર્યું છે ઓફિસરે પૂછ્યું..? આ સેન્ડ આર્ટ સદાયે સ્વસ્તિક સાથે ચાલે છે, શુભતાની સાથે સાથે અમારા જીવનમાં પણ અનેક પોઝિટિવ રંગો પુરાતાં રહે તે મુખ્ય હેતુ છે. મારો જવાબ સાંભળી ઓફિસરે કહ્યું કે હું જઈને તપાસ કરીશ કે હિન્દુ ધર્મમાં ખરેખર સ્વસ્તિક છે કે નહીં જો તમે ખોટું બોલ્યાં હશો તો મારે આગળ પગલાં લેવા પડશે, એમ કહી પોતાની સાથે આવેલા ઓફિસરને સ્વસ્તિક અને હિન્દુ ધર્મ વિષે શું રિલેશન છે તે કાઢવા જણાવ્યું અને મને કહે જ્યાં સુધી આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ સ્વસ્તિક અને સેન્ડ આર્ટને દૂર કરો. ઓફિસરની સૂચનાથી મારે કમને મારી રંગોળી અને સ્વસ્તિકને ત્યાંથી કાઢવા પડ્યાં ત્યારે મારા મો પર રહેલા અણગમાને તે જાણે વાંચી ગયો હોય તેમ મને કહ્યું કે ડોન્ટ વરી આ પ્રતિબંધ ટેમ્પરરી છે અમારી તપાસ પૂર્ણ થાય પછી આપ સેન્ડઆર્ટ કરી શકો છો. મ્લાન પરંતુ હસતાં મોઢે મારે હા કહેવા ઉપરાંત કોઈ ઉપાય ન હતો તેથી રંગોળી અને સ્વસ્તિક કાઢી નાખ્યાં.

બે દિવસ બાદ તે ઓફિસર આવ્યો અને મને કહે કે તે દિવસે સેન્ડ આર્ટ કઢાવી નાખવા બદલ હું દિલગીર છું પરંતુ અમારી તપાસ પૂર્ણ થઈ ગઈ છે અમને આપના સ્વસ્તિક અને સેન્ડ આર્ટ સામે કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસ તરફથી ક્લીનચીટ મળતાં હું ખુશ થઈ ગઈ જલ્દી જલ્દી ઘરમાંથી રંગો લાવી મે ઓફિસરની સામે જ રંગોળી કરી. રંગો જોઈ તે ખુશ થયો અને સુંદર સેન્ડ આર્ટ……કહી તે ચાલ્યો ગયો. આ વાતને બે-ત્રણ દિવસ થયાં હશે ત્યાં એક ફરી નવો ઓફિસર મારા ઘરનાં દરવાજે આવીને ઊભો રહ્યો અને મને કહે શું તમે નાઝી છો? તમે આ સ્વસ્તિક શા માટે કર્યો છે? ઓફિસરની એ વાતથી મે તેને કહ્યું કે ઓફિસર આ ઇશ્યુ તો બે દિવસ પહેલા પૂર્ણ થઈ ગયો છે તો ફરી શા માટે? તે મને કહે કે તમે નાઝી છો તે વાત આ સ્વસ્તિકા બતાવી રહ્યો છે. ફરી તે ઓફિસર સાથે ચર્ચાઓ ચાલી તે દિવસે સાંજે આવીને તે ઓફિસર મને ફરી કલીનચીટ આપી ગયો અને કહ્યું હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય પરંતુ તે ઓફિસરની વાત પણ ખોટી નીકળી કારણે બીજા દિવસની સવારે ફરી એક ઓફિસર મારા આંગણે ઊભો હતો.

તે અપાર્ટમેંન્ટ છોડીને અમે જ્યારે અમારા નવા પ્રાઈવેટ હાઉસમાં રહેવા ગયાં ત્યારે મને લાગ્યું કે મારી રંગોળીની પ્રવૃતિ અહીં હું નિશ્ચિંત રૂપે કરી શકીશ કારણ કે અહીં મારા સિવાય જોનાર કોઈ નથી તેથી રોજ ઘરનાં મુખ્યદ્વારે રંગોળી કરતી અને ખુશ થતી. મારા હાઉસમાં એકલી હોઈ મે વિન્ટરમાં પણ મારી આ એક્ટિવિટી ચાલું રાખી. પરંતુ અહીં પણ મારો ભ્રમ બહુ જ ઝડપથી તૂટ્યો કારણ કે રસ્તાની પેલે પાર રહેલા નૈબર્સો મને રોજ ઠંડીમાં બહાર બેસીને કશુંક કરતાં જોતાં. પરંતુ બે ઘર વચ્ચે સારું એવું અંતર હોવાથી તેઓ જાણી શકતા ન હતાં કે હું શું કરી રહી છું તેથી એક દિવસ મારી ગેરહાજરીમાં તેઓ મારા ઘરનાં આંગણે આવી રંગોળી જોઈ જ રહ્યાં હતાં ત્યાં જ મારું આવવું થયું તેમણે મને રંગોળી વિષે થોડા સવાલ કર્યા જેનાં જવાબ મે શાંતિથી આપ્યાં પરંતુ ન જાણે કેમ આ જવાબો આપતી વખતે મારું મન અતિશય ઉચાટભર્યું રહ્યું તેઓ રંગોળી જોઈને ગયાં પરંતુ મારો તે દિવસ અતિ ટેન્શનયુક્ત રહ્યો. રાત સુધી કશું જ ન બનવાને કારણે હું થોડી શાંતિ અનુભવવા લાગી અને વિચારવા લાગી કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પરંતુ આ ભ્રમ પણ બહુ ઝાઝો ન ટક્યો સવાર પડતાં જ પોલીસ સાઇરન સાથે એક નવી પોલીસ ઓફિસર મારી સામે ઊભી રહી મને પૂછી રહી હતી કે Do you have any relation with Nazi ? (કહેવાની જરૂર ખરી કે તે દિવસથી મારા ઘરનાં આંગણે સ્વસ્તિક મહારાજ નથી આવતાં, હા ક્યારેક રંગોળી દેવી આવી જાય છે. ઉત્સવો દરમ્યાન ઘરની અંદર જ હું સ્વસ્તિક દોરી લઉં છું પરંતુ ઘર બહાર સ્વસ્તિક સાથેનો મારો સાથ છૂટી ગયો છે.)

 ફૂલછાબમાં પ્રકાશિત-જાન્યુઆરી 2013 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com
Copyright@ પૂર્વી મોદી મલકાણ.