Monthly Archives: સપ્ટેમ્બર 2013

શક્તિનાં અનેક સ્વરૂપ.

શક્તિનાં અનેક સ્વરૂપ.

નવરાત્રીનો તહેવાર એ શક્તિપૂજનનો તહેવાર છે. નવરાત્રીનાં નવ દિવસોમાં ફક્ત શક્તિ જ નહીં પરંતુ સંસારની સમગ્ર સૃષ્ટિની સ્ત્રીશક્તિનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે શક્તિ એ આદ્યશક્તિનું જ પ્રતિબિંબ છે જેણે પોતાના ભક્તોની વિવિધ મહેચ્છાઓને પૂર્ણ કરવા વિવિધ સ્વરૂપો ધારણ કર્યા છે. હિન્દુ ધર્મનાં મુખ્ય વેદોમાં તો માતા દુર્ગાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ વેદની કૌથુમી નામની શાખામાં અને વિવિધ પુરાણો અને ઉપનિષદોમાં આદ્યશક્તિ દુર્ગાના વિવિધ નામોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં ભગવાન વિષ્ણુ નારદજીને માતા દુર્ગાનો ઉલ્લેખ કરતાં કહે છે કે માતા દુર્ગાનાં અનેક નામ છે. આદ્યશક્તિ એજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા અને મહામાયા છે, નારાયણી, શિવાની અને વૈષ્ણવી શક્તિ છે. હે નારદ દુર્ગા એ જ સનાતની શક્તિ અને શાશ્વતી શક્તિ છે, એ સર્વ જીવોનું શુભ કરનારી સર્વાણી અને સર્વ મંગલ કરનારી કલ્યાણી છે. જે જીવ, જે ભક્ત આદ્યશક્તિ નારાયણી અંબિકાનું પૂજન અને અર્ચન કરશે તે જીવ અથવા ભક્ત ઉત્તમોત્તમ લોકને અર્થે જશે. ત્યારે નારદજી ભવાની દુર્ગાનાં માહાત્મ્યને વધુ જાણવાનાં આશયથી તેમના વિવિધ નામ અને તે નામોનાં સંદર્ભ અંગે પૂછ્યું. તે વખતે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે હે નારદ, જ્યારે સૃષ્ટિ સર્જન થતી હતી તે સમયે આદિશક્તિએ પોતાનાં સ્વરૂપનાં ત્રણ ભાગ કર્યા હતાં. એ ત્રણેય ભાગનાં વિવિધ સ્વરૂપ થયાં. જેમાંનું એક સ્વરૂપ તે સંપતિ, બીજું સ્વરૂપ તે જ્ઞાન અને ત્રીજું સ્વરૂપ તે શક્તિનાં રૂપે પ્રગટ થયું. તેમાંથી જ્ઞાનને બ્રહ્મા પુત્રી ભગવતી સરસ્વતીનાં ચરણોમાં આશ્રય મળ્યો. (તેનું કારણ એ કહી શકાય કે જે વેદોના પાસે રચયિતા છે તેની પાસે અથાગ શિક્ષણ અને યોગ્ય જાણકારી હોવી જરૂરી છે.) સંપતિને માતા લક્ષ્મીનાં ચરણોમાં આશ્રય મળ્યો (તેનું કારણ એ સમજી શકાય કે ભગવાન વિષ્ણુ એ જગતનાં સંચાલન કર્તા છે અને વિશ્વનું સંચાલન અને ભરણ પોષણ કરવા માટે આર્થિક રીતે સક્ષમ હોવું જરૂરી છે.) શક્તિને માતા પાર્વતીનાં ચરણોમાં આશ્રય મળ્યો. (તેનું કારણ એ છે કે પાર્વતી એ સંહારક દેવ શિવની અર્ધાંગિની છે જે પોતાના ભક્તોનું રક્ષણ કરવા દુષ્ટો અને દૈત્યનું દમન કરવા સદૈવ તત્પર રહે છે તેથી માતા પાર્વતીને યુધ્ધની દેવી તરીકે ઓળખવામાં આવે છે ) આમ આદ્યશક્તિએ પોતાની શક્તિને ત્રણ દેવીઓનાં ચરણોમાં પ્રસ્થાપિત કરી દીધી. હે નારદ ભક્તોનું રક્ષણ કરતી આ શક્તિના અનેક નામો છે.

૧) દુર્ગા: સામાન્યતઃ દુર્ગા શબ્દમાં બે શબ્દો અર્થ સાથે રહેલા છે. દુર્ગ+ આ. પ્રથમ શબ્દ દુર્ગ એટ્લે કે કિલ્લો પરંતુ અહીં દુર્ગ અર્થાત્ દૈત્ય, મહાવિઘ્ન, નર્ક, યમદંડ અને મહારોગ છે અને આ શબ્દનાં વિવિધ અર્થ બતાવેલા છે જેમાંનો એક અર્થ હનન કરવું, મારવું થાય છે. દેવી ભગવતી દૈત્ય,યમદંડ, મહારોગ, મહાવિઘ્નને મારે છે તેનું હનન કરે છે, નાશ કરે છે માટે દુર્ગાનાં નામથી પ્રચલિત છે.

૨) નારાયણી: નારાયણી દુર્ગા એ યશ, તેજ, રૂપ, અને ગુણોમાં ભગવાન શ્રી હરિ નારાયણ સમાન છે તેથી તે તેને નારાયણી દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે.

૩) ઇશાના: ઇશાન શબ્દમાં પણ બે શબ્દો રહેલા છે. ઇશાન+આ. જેમાં ઇશાન શબ્દનો અર્થ થાય છે જે પૂર્ણ સિધ્ધીઓથી યુક્ત છે તે અને આ અર્થાત દેનાર જે સિધ્ધિઓ દેનાર છે તે દેવી ઇશાનાનાં નામથી ઓળખાય છે.

૪) વિષ્ણુમાયા: એક સમયે ભગવાન વિષ્ણુએ પોતાની માયા શક્તિ વડે સર્વ સંસારને મોહિત કરવા માટે પોતાની માયાની સૃષ્ટિની રચના કરી હતી, આ માયા સૃષ્ટિની શક્તિને મહામાયા તરીકે ઓળખવામાં આવે છે જે ભગવાન વિષ્ણુની શક્તિ સ્વરૂપા છે જેને કારણે તેને વિષ્ણુમાયાનાં નામથી ઓળખવામાં આવે છે.

૫) શિવા: આ શબ્દમાં પણ બે શબ્દ રહેલા છે. શિવ અને આ. જેમાં શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અને આ અર્થાત આપનાર. જે કલ્યાણ આપે છે તે શિવા છે, શિવપ્રિયા છે, શિવાંગી છે.

૬) સતી: ભગવતી દુર્ગા સદ્બુધ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે જે પ્રત્યેક યુગમાં વિવિધ સ્વરૂપ ધારણ કરીને પોતાના ભક્તજનો માટે પૃથ્વી પર વિદ્યમાન રહે છે. તે અત્યંત સુશીલ હોવાથી તેને સુશીલા અથવા સતી તરીકે ઓળખવામાં આવે છે.

૭) નિત્યા: જે રીતે સંસારમાં પ્રભુનું સ્થાન નિત્ય છે તે જ રીતે પ્રભુની શક્તિનાં સ્વરૂપે તે પણ નિત્ય વિદ્યમાન રહેતી હોવાથી નિત્યા તરીકે ઓળખાય છે. દેવી નિત્યા તે પોતાની માયાને કારણે સદાયે સર્વ જીવોમાં તિરોહિત બનીને રહે છે.

૮) સત્યા: શાસ્ત્રો કહે છે આ સંસારની સમસ્ત સજીવ અને નિર્જીવ સૃષ્ટિએ કૃત્રિમ છે આ સંસારમાં જો કાંઇ સત્ય હોય તો તે કેવળ ભગવતી દુર્ગા છે આથી ભગવતી દુર્ગાને સત્યાનાં નામથી ઓળખવામાં આવે છે.

૯) ભગવતી: ઐશ્વર્ય, સિધ્ધી આદિનાં અર્થ ભગ તરીકે કરવામાં આવે છે અને જ્યાં આ ઐશ્વર્ય, સિધ્ધી આદિ પ્રત્યેક યુગમાં જે દુર્ગાની ભીતર બિરાજેલ છે તેથી તેને ભગવતી કહેવાય છે.

૧૦) સર્વાણી: જે આ સમગ્ર સંસારની ચરાચર પ્રકૃતિ અને સૃષ્ટિને જન્મ-મૃત્યુનાં ફેરામાંથી મુક્ત કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે દેવી પોતાના સર્વે ગુણોને કારણે સર્વાણી તરીકે ઓળખાય છે.

૧૧) સર્વમંગલા: મંગલ શબ્દનાં બે અર્થ છે જેમાંથી પ્રથમ શબ્દ મંગલનો અર્થ તે શુભ કે કલ્યાણ કરનારો છે અને બીજો શબ્દ મંગલ તે મોક્ષનું વાચક છે. મંગલામાં છેલ્લો શબ્દ લા…..તે લા શબ્દમાં “આ” શબ્દ તિરોહિત થયેલો છે. તે આ શબ્દ દાતા અથવા દેનાર માટે પ્રયોજવામાં આવે છે. જે દેવી સંપૂર્ણ રીતે મંગલકારી મોક્ષ આપે છે તે સર્વમંગલાને નામે ઓળખાય છે.

૧૨) અંબિકા: અંબા શબ્દનો એક અર્થ માતા થાય છે અને બીજા અર્થમાં જોઈએ તો અંબા એટ્લે કે વંદન, પૂજન કરવું વગેરે. જે દેવી ભગવતી દ્વારા વંદિત છે, પૂજનીય છે, માતા અથવા તો માતા સમાન છે તે અંબિકા તરીકે ઓળખાય છે.

૧૩) ગૌરી: ગૌર એટ્લે કે પીળું અથવા પીળાશ પડતું, પરંતુ અહીં ગૌર શબ્દ એ નિર્લિપ્ત અને નિર્ગુણ પરમાત્માની શક્તિના રૂપમાં હોવાથી તેને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સંસારનાં ગુરૂ પદે સ્થાપિત થયેલા છે અને એ ગુરૂઓની આધ્યાત્મિક અને આધિદૈવીક શક્તિઑ તે ગૌરીનાં સ્વરૂપમાં પ્રચલિત છે.

૧૪) શાંભાવી: શાંભવી નામ શાંભવી યોગ કરતી વખતે માતા પાર્વતીને આ નામ ભગવાન શંભુ તરફથી મળેલ હતું. “જેના હોવા માત્રથી બધું જ સંભવ થાય છે તે શાંભવી છે”, બીજા અર્થમાં જોઈએ તો શંભુની સહધર્મિણી અર્થાત શાંભવી છે.

૧૫) પાર્વતી: પાર્વતી શબ્દનો અર્થ સમજતાં પૂર્વે આપણે તેનાં અક્ષરોનો પૂર્ણાંક સમજીએ સંસ્કૃતમાં પર્વ શબ્દનાં વિવિધ અર્થો સમજાવવામાં આવ્યાં છે. પર્વ એટ્લે કે કે તહેવાર-ઉત્સવ, પરંતુ તહેવાર ક્યારે મનાવવામાં આવે કે જ્યારે લોકહૃદયમાં આનંદથી ભરેલા હોય, પર્વ એટ્લે કે પૂર્ણિમા, પર્વ એટ્લે પૃથ્વી પરનો ઊંચાઈ તત્વવાળો ઉચ્ચ ભાગ તે પર્વત. તી એટ્લે ખ્યાતિ, યશસ્વી…… અહીં પાર્વતી શબ્દ એ સંજ્ઞાનાં અને સુતાનાં સ્વરૂપમાં છે. સુતા એટ્લે કે પુત્રી. પોતાનું સંતાન પોતાને નામે ઓળખાય તેવી માન્યતા હિન્દુ ધર્મમાં ઘણા યુગોથી છે જેમ કે વસુદેવનાં પુત્ર તે વાસુદેવ, જનકની પુત્રી જાનકી, કુંતલપુર નરેશની પુત્રી કુંતી તેજ રીતે પર્વતરાજ હિમાલયની પુત્રી તે પાર્વતીનાં નામે ઓળખાય છે. બીજી રીતે જોઈએ તો હિમાલય નરેશ હિમવાનનાં હૃદયનો આનંદ તે પુત્રી રૂપમાં પ્રગટ થયો હોવાથી પણ તે પાર્વતી છે તેમ શાસ્ત્રોમાં કહેલું છે. આ ઉપરાંત અન્ય એક કથા પ્રમાણે પર્વતપુત્રીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા અઘોર તપ કર્યું અને આ તપ દરમ્યાન તેણે દેહદમન દ્વારા દેહને પા રતિનો કરી નાખ્યો આથી તેમનું નામ પાર્વતી પડ્યું.

૧૬) અપર્ણા: આ દેહદમન દ્વારા ઉચ્ચ તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરવા હેતુથી પાર્વતીએ પર્ણ વગેરે આરોગવાનું બંધ કરી દીધું તેથી તેઓ અપર્ણા તરીકે ઓળખાયા.

૧૭) ઉમા: માત્ર વાયુ પર રહેવાથી પાર્વતીનો દેહ પા રતિ થઈ ગયો. આ જ પા રતિ થયેલા પુત્રીના દેહને જોઈ અવાચક બની ગયેલ માતા મેનાવતીનાં મુખમાંથી ઉ…..મા……..એવા ઉચ્ચારો નીકળ્યાં જેનાથી પાર્વતી ઉમા બન્યાં.

૧૮) સનાતની: સના અર્થાત સર્વદા અને તની અર્થાત વિદ્યમાન. જે સદા સદૈવ અને સર્વ કાળમાં, યુગમાં સર્વત્રે વિદ્યમાન અથવા હાજર રહે છે તે સનાતન છે પરંતુ અહીં શક્તિ માતા, પુત્રી, બહેન અને પત્નીનાં રૂપમાં સદૈવ અને સર્વત્રે હાજર રહે છે તેથી તે શક્તિને સનાતનીને નામે ઓળખવામાં આવે છે..

૧૯) વૈષ્ણવી: જે દેવી સ્વરૂપા ભગવાન વિષ્ણુની વિષ્ણુરૂપા અથવા વિષ્ણુ શક્તિ છે તેમજ ભગવાન વિષ્ણુની સંજ્ઞા છે તે વૈષ્ણવી તરીકે ઓળખાય છે.

૨૦) હિમાની: હિમાલયની પુત્રી તે હિમાની,

૨૧) શૈલજા: શૈલ(પર્વત)ની પુત્રી તે શૈલજા,

૨૨) ગિરિજા: ગિરિરાજ હિમાલયની પુત્રી તે ગિરિજા,

૨૩) શિવાંગી: જે ભગવાન શિવનાં અંગરૂપ છે તે શિવાંગી,

૨૪) શિવાની: શિવની જે પત્ની છે તે શિવાની.

૨૫) સુશીલા: જે સર્વ ગુણોમાં સંપન્ન છે, સુશીલ છે તે સુશીલા,

૨૬) અન્નપૂર્ણા: જે અન્નને ક્યારેય અપૂર્ણ થવા નથી તે.

૨૭) ભૈરવી: જે ભયને દૂર કરે છે તે,

૨૮) કાલી: જેનો વર્ણ કાળો હોવા છતાં ભક્તોનાં જીવનમાંથી કાળા અંધકારને દૂર કરે છે તે,

૨૯) ભુવનેશ્વરી: જે ભુવન અર્થાત આ સમસ્ત સંસારની ઈશ્વરીય શક્તિ છે તે,

૩૦) હેમવતી: હેમ અર્થાત સુવર્ણ જેવા વર્ણવાળી છે તે,

૩૧) શક્તિ: જે પોતાના હોવાની સદાયે અનુભૂતિ કરાવતી રહે છે તે,

૩૨) આરાસુરી: આરાસુર પર્વત પર બિરાજનારી,

૩૩) વામાંગી: વામ અંગે બિરાજનારી

૩૪) શુભદા: જેનાં પધારવા માત્રથી શુભ જ શુભ થતું હોય તે.

૩૫) શ્રીપદા: જેનાં પધારવાથી સંપતિ રૂપ શ્રી છલકાઈ જાય છે તે.

૩૬) અષ્ટધારિણી: અષ્ટ પ્રકારની શક્તિને ધારણ કરનારી. ( જીવન સત્યને સમજનાર, સહનશીલ અને મજબૂત નિર્ણય શક્તિ ધરાવનાર, ખરા–ખોટા વચ્ચેનાં ભેદને પરખનારી, ઉદાર વિચારશક્તિ ધરાવનારી, સહયોગ શક્તિને ધારણ કરનારી, કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખનારી, વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરનારી,) વગેરે શક્તિને ધારણ કરે છે તે અષ્ટધારિણી છે.

માતા દુર્ગા તે આદ્યશક્તિ હોવાથી તેમનાં વગર આ સંસાર અધૂરો છે, આથી માતાના વિભિન્ન રૂપોની પૂજા ભારત અને જ્યાં જ્યાં હિન્દુ ધર્મ રહેલો છે ત્યાંના મંદિરો અને તીર્થસ્થાનોમાં થાય છે. હજુ પણ ભારતમાં માતા દુર્ગાનાં કેટલાક મંદિરો અને તીર્થસ્થાનો છે જ્યાં પશુબલિ ચઢાવવામાં આવે છે. હિન્દુ ધર્મનાં શાક્ત સંપ્રદાયમાં ઈશ્વરને ભગવતી દુર્ગા સ્વરૂપે ઉચ્ચ પરાશક્તિ દેવી માનવામાં આવી છે. શાસ્ત્રો કહે છે કે આદિશક્તિનું પરમ શક્તિ રૂપે અવતરણ થવાથી તન ને મન અલૌકિક અને સંપન્ન બની જાય છે, આદિ શક્તિનું અવતરણથી સર્વજ્ઞપણું સહજ બની જતાં સર્વશક્તિમાનપણું પણ પ્રાપ્ત થાય છે. આથી સંક્ષેપમાં એમ કહી શકાય કે અશ્વિની માસ દરમ્યાન શાક્તભકતો અને ભક્તો ધામધુમથી માતા દુર્ગાનું પૂજન અને અર્ચન કરે છે ત્યારે સંસારનાં સમગ્ર સજીવ અને નિર્જીવમાં બિરાજતી શક્તિ અને આદિશક્તિ એ પરમ શક્તિની વિશિષ્ટ પ્રતિમા બનીને બહાર પ્રકટ થાય છે ત્યારે એ પરમોચ્ચ શક્તિનું સાકાર સ્વરૂપ બની જાય છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ ////ISBN-13: 978-1500299903

-purvimalkan@yahoo.com.

 

 

મંગલકારી મૃત્યુનાં પ્રતીકો-લેખાંક ૧

મંગલકારી મૃત્યુનાં પ્રતીકો 

અંતિમ યાત્રા:-

ઋગવેદ પ્રમાણે મનુષ્યનો છેલ્લો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ. મનુષ્યના સમગ્ર જીવનની સમાપ્તિ તે મૃત્યુ છે. જ્યારે નિશ્ચેતન દેહને સ્મશાનમાં લઈ જવાતો હોય ત્યારે આપણે રામ-નામ સત્ય હૈ એમ બોલતા બોલતા દેહને લઈ જઈએ છીએ. આમ રામ નામ સત્ય આપણે શા માટે કહીએ છીએ તે પ્રશ્ન સહજ રીતે હોય છે. રામ-નામ બોલવા પાછળ બે તથ્યો રહેલાં છે. પ્રથમ તથ્યમાં જોઈએ તો….લોકો કહે છે કે રામ એ ભગવાન છે તેથી ભગવાનનું નામ લેતા લેતા દેહને લઈ જઈએ છીએ. જે જીવે આખી જિંદગી પ્રભુનું નામ નથી લીધું તેવા જીવો માટે ડાઘુઑ પ્રભુનું નામ નિઃસ્વાર્થ ભાવે લે છે જેથી તે જીવનો અંતિમ પડાવ સારી રીતે પસાર થાય. પરંતુ બીજું તથ્ય જોઈએ તો આપણાં હિન્દુ ધર્મમાં તો તેત્રીસ કરોડ દેવતાઓ છે તેમાંથી ફક્ત ભગવાન રામનું જ કેમ નામ લેવાય છે? શા માટે કૃષ્ણ, ગણપતિ, શિવ-શંકર વગેરે દેવોનું નામ નથી આવતું? આમ થવાનું મુખ્ય કારણ એ છે કે રામનામ પ્રત્યેક જીવને કહે છે કે ક્યારેય અવિચારી કાર્ય ન કરશો. જ્યારે રાજા રામે ધોબીની વાત સાંભળીને પોતાની સગર્ભા પત્ની સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ રાજા રામને કહ્યું કે આપ આપની પત્ની સીતાનો ત્યાગ કરી શકો છો પરંતુ રાણી સીતાનો ત્યાગ નથી કરી શકતા. કારણ કે રાજા ને રાણી ઉપર પ્રજાનો અધિકાર હોય છે, અને રાજા ને રાણી અમે તમને બનાવેલા છે અને તમે તો તમારી પ્રજાની ઈચ્છા જાણ્યા વગર જ રાણી સીતાનો ત્યાગ કર્યો છે અને એ પણ ફક્ત ૧ વ્યક્તિની વાત સાંભળીને……..આમ વિચાર્યા વગર તમે તમારી પત્નીનો ત્યાગ કરવાનું નક્કી કરી લીધું તો એમાં વાંક તમારો છે. એમ બીજાની વાત પર પોતાનો સંસાર તોડી ન નખાય. વળી તમારી સર્ગભા પત્ની જે તમારા સુખદુઃખમાં સદાયે સાથે રહી તેવી વ્યક્તિનું તમે ધ્યાન રાખી ન શક્યા તો આટલું મોટું રાજ્ય કેવી રીતે સંભાળશો? રાજ્ય કરતાં કરતાં તો ઘણી વ્યક્તિઓની ઘણી વાત સાંભળવી પડે પરંતુ તે બધાની વાત સાંભળીને તેની અસર તમે તમારા સંસાર પર પાડો તેનો અર્થ એ થયો કે રાજા કાચા કાનનો છે અને અમને આવા કાચા કાનનાં રાજાની જરૂર નથી વળી તમે જ્યારે તમારો સંસાર બચાવી ન શક્યાં, તો તમે અમારી રક્ષા શી રીતે કરશો? અમને હવે આપની ઉપર વિશ્વાસ નથી. કારણ કે આપે અવિચારી કાર્ય કર્યું છે, માટે આજથી જ અમે અયોધ્યાવાસીઓ પણ આપનો ત્યાગ કરીએ છીએ અમે તમને ક્યારેય મંગલ કાર્યમાં નહીં બોલાવીએ પણ અમંગલ કાર્યમાં હંમેશા આપને બોલાવીશું, અને સર્વને કહીશું કે રામનું નામ સત્ય છે કારણ કે રામ એજ વ્યક્તિ છે જેણે પોતાની સગર્ભા પત્નીનો ત્યાગ કર્યો અને પોતાનાં સુખી સંસારને પોતાના હાથે જ સળગાવી નાખ્યો છે. અયોધ્યાવાસીઓનાં આ વાક્યાર્થને આપણે જાણે-અજાણે સજીવ કરીએ છીએ, અને બોલીએ છીએ રામ-નામ સત્ય હૈ”. આ ઉપરાંત નકારાત્મક રીતે પણ રામનું નામ બોલાય છે. દા.ખ કોઈનું કાર્ય ખરાબ થાય ત્યારે આપણે કહીએ છીએ હાય રામ શું થયું? હે રામ ક્યાંય વાગ્યું તો નથી ને..? એનું તો રામ બોલો ભાઈ રામ થઈ ગયું, રામ ભરોસે ન રહીએ, એનાં તો ભાઈ રામ રમી ગયાં……અર્થાત એ મરી ગયો……વગેરે…..આમ રામનું નામ પ્રત્યેક જીવને સૂચના આપે છે કે અવિચારી કાર્ય ન કરો. 

શ્રીફળ- 

नारीकेलसमाकारा द्रशयन्तेडपि हि सज्जनाः ।
अन्ये बदरिकारा बहिरेव मनोहाराः ।।

સજ્જનો નાળિયેરનાં ફળ જેવાં હોય છે, જ્યારે અન્ય લોકો બોરની માફક બહારથી જ મનોહારી દેખાય છે. જેમ મનોહર દેખાતા બોરને મો માં મૂકીએ પણ ઠળિયા મોમાં આવતાંની સાથે જ બોર બહાર ફેંકાઇ જાય છે તે જ રીતે માત્ર બાહ્ય સૌંદર્યને મહત્વ આપતાં લોકો ક્યારેક ને ક્યારેક પાછળ ફેંકાઇ જ જાય છે. પરંતુ શ્રી ફળ આપણને આજ વાત શીખવીને કહે છે કે મારા બાહ્ય સ્વરૂપને નહીં પરંતુ આંતરિક સૌંદર્યને જુઓ. લીલું અને કઠણ દેખાતું નાળિયેર અંદરથી મધુરું પાણી આપે છે અને સાથે મલાઈ પણ આપે છે. તે જ રીતે સૂર્યનાં આકરા તાપ ઝેલીને પણ કઠણ, રુષ્ઠ, અને સુકાઈ જવા છતાં શ્રી ફળ-નાળિયેર પોતાનો મિષ્ટ સ્વભાવ છોડતું નથી. નાળિયેર આપણને આ વાત સમજાવતાં કહે છે કે બાહ્ય સૌંદર્ય સારું મળવું કે ન મળવું તે કોઈપણ જીવનાં હાથની વાત નથી, પણ પોતાનાં આંતરિક સૌંદર્ય રૂપી આત્મકમળને પૂર્ણ રીતે ખીલવવું તે જ આપણાં હાથની વાત છે. દુનિયામાં ઘણાં સજ્જનોની વાણી, વ્યવહાર ઉપરથી આપણને કર્કશ લાગે છે પરંતુ અંદરથી આ સજ્જનો શ્રીફળનાં પાણી જેવાં ભાવભીના હોય છે અને તેમનું હૃદય કોપરા જેવુ મિષ્ટ અને મધુરું હોય છે જે પોતાની આસપાસ રહેલા લોકોનાં જીવનને પુષ્ટ બનાવે છે, સાથે સાથે શ્રીફળ એ બીજા બે ઉદ્દેશ્ય પણ આપે છે. જેમાં પ્રથમ બોધ એ આપે છે કે જેમ પહાડનાં પથ્થરોનું હૃદય ફાડીને એક ઝરણું પ્રગટ થાય છે તેમ જો સતત પરિશ્રમ કરવામાં આવે તો કઠોર જણાતાં જીવનમાંથી પણ ભાવનાનો સ્ત્રોત્ર ફૂટે છે જે માનવજીવનને અને સમાજજીવનને આગળ વધારે છે. પોતાનાં જીવનનો બીજો બોધ આપતાં શ્રીફળ કહે છે કે જેમ દરિયાનાં પાણીની અને જમીનની ખારાશને હું મારા હૃદયમાં સમાવીને મારા ફળ દ્વારા લોકોને મીઠાશ આપું છું તેમ તું પણ તારી આસપાસની ખારાશને તારા ઉરમાં સમાવીને લોકોને મીઠાશ આપજે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્રી ફળ એ માનવીનાં મનનાં વૈભવનું પ્રતિક છે. જે સમાજની ખારાશ પી જઈને મધુરતા આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત પૃથ્વી પરથી યમપુરી કે ગોલોક ધામ સુધીની યાત્રામાં મૃતકની તરસ મટાડવા માટે મૃતકનાં મસ્તક ઉપર પણ શ્રીફળનો સ્પર્શ કરાવવામાં આવે છે, અને અંતયેષ્ટિની ક્રિયાઑ દરમ્યાન ચાર શ્રીફળ મૂકવામાં આવે છે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં પ્રતિક છે. જીવે આ જન્મમાં સમાજવ્યવસ્થામાં રહીને પોતાનાં આ ચારેય ધર્મોનું પાલન મન, વચન અને કર્મથી પૂર્ણ કર્યું છે તે બાબત આ ચારેય શ્રીફળનાં પ્રતિક દ્વારા સમજાવવામાં આવે છે.

દોણી-

कर ले शृंगार चतुर अलबेली, पिय के घर प्रेम से जाना होगा,
मिट्टी उढ़ावन मिट्टी बिछावन
, मिट्टी मेँ मिल जाना ही होगा,
नाह ले
, धो ले, शीश फूलो से गुंथा ले, फिर वहां से आना नहीं होगा ।।

મૃત્યુ સમયે મૃતદેહની સૌથી આગળ જતી દોણી માનવીને તેનાં નવા અગમ અને અજાણ્યાં રાહની મુસાફરી માટે સજાગ કરે છે અને તેમને દેહની ક્ષણભંગુરતા સમજાવે છે. કારણ કે માનવી મૃત્યુથી ખૂબ ગભરાય છે પરંતુ, સંત કબીર મૃત્યુને કન્યા વિવાહ સાથે મેળવીને કહે છે કે જેમ નવવધૂને પિયને ઘરે જવાનો આનંદ અને દુઃખ બંને હોય છે તેમ જીવોનું પણ છે જીવોને પોતાના પ્રિય અને પિય પ્રભુને મળવાનો જેટલો આનંદ હોય છે તેટલો સમયનાં અને સંસારનાં ચક્રમાં રહેલા દેહનાં સંબંધીઑ સાથે રહેલા ભાવભર્યા મનથી છૂટું પણ પડવાનું હોય છે તેથી તેમનું હૃદય વ્યથિત પણ હોય છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહે છે કે મૃત્યુ મંગલકારી છે કારણ કે મૃત્યુ દ્વારા જીવ પોતાનાં જૂના અને જર્જરિત થયેલા વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે. પ્રાચીન કાળથી આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ જન્મથી લઈ વિવાહ અને વિવાહથી લઈ મૃત્યુ સુધીનાં દરેક કાર્યમાં અગ્નિ દેવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અગ્નિદેવને વરદાન છે કે તેઓ ભક્ષ્ય કે અભક્ષ્ય, સજીવ કે નિર્જીવ કંઇ પણ આરોગશે પણ તેમનું એ આરોગવું તે શુભ અને પવિત્ર જ હશે અગ્નિદેવને તેમની આ અવિચારી ક્રિયા માટે હંમેશા પવિત્ર માનવામાં આવશે. આથી જ માટલી અર્થાત્ દોણીનાં મુખમાં અગ્નિ દેવને બેસાડીને સ્મશાનમાં લઈ જવાય છે, અને દેહનું દાન અગ્નિદેવને આપી દેવાય છે જેથી તે નિર્જીવ દેહનું દાન લઈને અગ્નિદેવ તે જીવનાં આત્માને પોતાની પાવન જ્વાલાઓથી પવિત્ર કરી નાખે છે. દોણીમાં ભરેલો અગ્નિ આપણને શીખ આપે છે કે દેહનાં સંબંધો તો દોણીની જેમ માત્ર સ્મશાન સુધી જ રહે છે પણ જેમ દોણીમાંનો અગ્નિ દેહની સાથે ચિતા પર ચડે છે તેમ આપણે કરેલા સારા નરસા કર્મો જ આ દેહ છોડીને અંત સુધી આપણી સાથે રહે છે. બીજા અર્થમાં જોઈએ તો મૃત્યુ એ જીવો માટે છે. આ એજ જીવ છે જે શિવનાં અંશ રૂપે પૃથ્વી પર આવ્યો છે. જ્યારે જીવ પોતાનો નશ્વર દેહ છોડે છે ત્યારે તે શિવનો અંશ પૂર્ણાંશ બનીને પાછો પૂર્ણ શિવાંશમાં મળી જાય છે. જેમ દોણી એ પંચ મહાભૂતથી બને છે તેમ પંચ મહાભૂતથી જ આપણો દેહ બનેલો છે આથી જેમ દોણી તૂટીને માટીની સાથે મળી જાય છે તેમ આપણો આ પંચ મહાભૂતનો બનેલો દેહ પણ નાશ થઈને પાછો મહાભૂતમાં મળી જાય છે તે તત્વ આપણને દોણી પાસેથી શીખવા મળે છે. આમ મૃત્યુને મંગલ બનાવનાર આ પ્રતીકો શાસ્ત્રનાં રહસ્યને જીવંત બનાવે છે, કારણ કે પ્રતીકો એ આપણાં સાંસ્કૃતિક સભ્યતાનાં સૂત્રો છે જે જીવનની પ્રત્યેક ભાવનાને અને ભાષાને વાચા આપે છે.

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૩ 

પૂર્વી મોદી મલકાણ , CopyRight:-ISBN-10:1500299901 
https://pareejat.wordpress.com &
 http://das.desais.net

બેરિયાટ્રીક સર્જરીપછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ

બેરિયાટ્રીક સર્જરીપછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ

આગળ જણાવ્યું તેમ સર્જરી થયા બાદ બેરિયાટ્રીક સર્જરીનાં પેશન્ટસ માટે પ્રોટીન એ મુખ્ય ખોરાક છે.

૧) હોમ મેઈડ ક્લીયર વેજીટેબલ બ્રોથ

૧ ગાજર

૧ કાંદો

૧ કપ કોથમરી અથવા પાર્સલી

૪-૫ કળી લસણ

૧ ટામેટું

૧ ટુકડો (મોટો) દૂધી

૧ ઝૂકીની (આખી)

૧ ટુકડો (મોટો) તુરીયા

૧ ટુકડો વિન્ટરમેલન (સફેદ કોળું)

૬-૭ કરીલીવ્સ

 આ બધાં જ શાકભાજીને 2 ગ્લાસ પાણીમાં નાખી બોઈલ કરવા મૂકવું. પાણી ગરમ થાય ત્યારપછી એ શાકભાજીવાળા પોટમાંથી પાણીનો ભાગ અલગ તારવી લેવો. આ ક્લીયર બ્રોથમાં થોડું મીઠું નાખી પીવાનાં ઉપયોગમાં લેવું. આ ક્લીયર વોટરમાં પ્રોટીન પાવડર મિક્સ ન કરવો. કારણ કે પ્રોટીન પાઉડરથી સ્વાદ બેસ્વાદ થઈ જાય છે જેને કારણે પીવામાં તકલીફ પડે છે.

૨) હોમ મેઈડ ક્લીયર વેજીટેબલ એન્ડ લેંટિલ બ્રોથ.

 ૧ સૂપ સ્પૂન મસૂર આખા

૧ સૂપ સ્પૂન મગ આખા  

૧ સૂપ સ્પૂન રાજમા

૧ સૂપ સ્પૂન ચણા

રાજમા અને ચણાને ૫ થી ૮ કલાક પલાળવા

બંને દાળને ૧ કલાક પલાળવી.

ટામેટું

વિન્ટર મેલન (સફેદ કોળું)

બ્રોકોલી (નાનો ટુકડો)

લસણ

લીલો કાંદો

ઝૂકીની

ડ્રમસ્ટિક ( સરગવાની શીંગ)

 પલાળેલા રાજમા, ચણા, મગ, મસૂર અને શાકભાજીને મિક્સ કરી તેને પ્રેશરકુકરમાં કૂક કરવા. (પાણીનો ભાગ વધુ રાખવો) કૂક થયા બાદ ઉપરનું પાણી ઉપયોગમાં લેવું.

 ૩) બોઈલ્ડ એપ્પ્લ બ્રોથ

સફરજન -૨
૨ ગ્લાસ પાણી
સ્વાદ અનુસાર મીઠું અને સુગર ફ્રી

સફરજનને પાણીમાં બોઈલ કરવું ત્યારબાદ તેને મિક્સીમાં ચર્ન કરી એકદમ પાતળું પેય બનાવી લેવું ત્યારબાદ તેને કપડાં વડે ગાળીને તેમાં મીઠું અને પીંચ સુગર ફ્રી નાખી મિક્સ કરી તેને પીવાનાં ઉપયોગમાં લેવું.

૪) સોયાબિન્સ, ટોફું અને સોયાવડી ક્લીયર બ્રોથ

સોયાબિન્સ ૧ કપ પલાળેલા
સોયાવડી ૧ કપ
સોયા ટોફું ૧ કપ
સરગવાની શીંગ

સોયાવડી, સરગવાની શીંગ અને સોયાબિન્સને ભેગા કરી તેમાં મીઠું નાખી બાફવા. (પાણીનો ભાગ વધુ રાખવો.) બફાયા બાદ શીંગમાંથી પલ્પ કાઢી લેવો, સોયાબિન્સ અને વડીને પણ અલગ કાઢી લેવા ત્યારબાદ શીંગવાળા પલ્પ સાથેનાં પાણીને મિક્સીમાં ચર્ન કરી લેવું અને મલમલનાં કપડાં વડે અથવા ગરણીથી ગાળી લેવું જેથી કોઈપણ રેસા કે સોયાબિન્સ કે વડીનો ઘન પાર્ટ તેમાં ન રહે.

૫) હોમ મેઈડ સોયામિલ્ક.  

૧ કપ ડ્રાય સોયા બિન્સને આખી રાત પલાળીને રાખવા. બીજે દિવસે સોયા બિન્સમાંથી પાણીનો ભાગ છૂટો પાડવો પણ તેને ફેંકી ન દેવો કારણ કે છાલનાં અમુક વિટામિન હોય છે જે પાણીમાં આવી ગયા હોય છે. પાણી વગરના સોયા બિન્સને બે હથેળી વચ્ચે નરમ હાથે મસળીને તેની છાલને કાઢી નાખવી. ત્યારબાદ ફરી (ફ્રેશ )૧ ગ્લાસ પાણી નાખવું જેથી કરીને છાલ ઉપર આવી જશે અને બિન્સ નીચે બેસી જશે. આ છાલ સાથેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ મિક્સીમાં બિન્સ નાખવા અને જે પાણીનો ભાગ અલગ રાખ્યો હતો તે પાણીને બિન્સ સાથે મિક્સ કરવા અને ચર્ન કરવું. લિક્વિડ ચર્ન થયાં બાદ સોયાલિક્વિડને કપડાંથી ગાળી લેવું. ગળાયા બાદ તે મિલ્કને ગરમ કરવું. ગરમ કર્યા બાદ પીતી વખતે ફરી એકવાર કપડાથી ગાળવું જેથી કરીને મલાઇનાં ફોર્મમાં આવેલ સોયા બિન્સનો પલ્પ નીકળી જાય. (આ જ મિલ્કની અંદર ૨ ચમચા પ્રોટીન પાવડર મિક્સ કરી ૧/૨ કલાક સેટ કરવું અને ત્યાર પછી આ મિલ્ક ઉપયોગમાં લેવું) સોયામિલ્કમાં તો પ્રોટીન રહેલું જ છે પણ રોજનાં ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પહુંચવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આ મિલ્કની અંદર સ્વાદ રહે તે માટે (રુચિ અનુસાર) શુગર ફ્રી, અથવા Splenda મિક્સ કરી ઉપયોગમાં લેવું. સોયાની જેમ જ પિસ્તા અને આલ્મંડનું મિલ્ક બનાવવામાં આવે છે. 

 ૬) સ્કીમડ્ નટમિલ્ક વિથ પ્રોટીન

૧ ચમચી બદામ પલાળેલ
૧ ચમચી સીંગદાણા પલાળેલ
૧ ચમચી પિસ્તા પલાળેલ
૧/૨ કપ પાણી
૧  ચમચો પ્રોટીન પાઉડર
૧ કપ સ્કીમ કાઉ મિલ્ક 

(બને ત્યાં સુધી ગાયનું જ દૂધ લેવું. ગાયનું ન હોય તો બકરી, અથવા અન્ય પ્રાણીઓનાં દૂધ લઈ શકાય પણ ભેંસનું દૂધ બને ત્યાં સુધી void કરવું. )

બદામ, સીંગદાણા અને પિસ્તાને મિલ્ક સાથે બોઈલ કરી લેવા. ત્યારબાદ પાણી નાખી મિક્સીમાં ચર્ન કરવું ત્યાર પછી કપડાથી ગાળી લેવું અને તેમાં પ્રોટીન પાઉડર અને સુગર ફ્રી સ્વાદ અનુસાર નાખી ૧/૨ કલાક સેટ કરવા મૂકવું આ પ્રોટીનયુક્ત નટમિલ્ક રૂમ ટેમ્પરેચરમાં પીવાનાં ઉપયોગમાં લેવું. 

૭) પ્રોટીન્ડ બટરમિલ્ક

સ્કીમ બટર મિલ્ક (છાશ)
Whey Isolate Protein powder ૪ ચમચા
મીઠું સ્વાદ અનુસાર

મીઠું ઉપરાંત બ્લેક સોલ્ટ, હિંગાષ્ટક પણ લઈ શકાય. પ્રોટીન પાઉડર અને સોલ્ટ સાથેનાં બટર મિલ્કને ૧ કલાક સેટ કરવો ત્યારપછી તેને ઉપયોગમાં લેવું. Whey Isolate Protein સ્વાદ વગરનો હોય છે. પરંતુ છાશમાં તેનો સ્વાદ બરાબર બેસી જાય તે હેતુસર છાશને ઓછામાં ઓછા એક કલાક પલાળીને રાખવો ત્યારબાદ પીવાનાં ઉપયોગમાં લેવો. આ બટર મિલ્ક બનાવતી વખતે બને ત્યાં સુધી ખાટું દહી ઉપયોગમાં લેવું જેથી પ્રોટીન સાથે વિટામિન સી પણ મળી શકે.

નોંધ: Whey Protein મોળો હોય છે તે ખાટાં દહીમાં મિક્સ થઈ જતાં છાશને મોળી કરી નાખે છે. પરંતુ જેમ સમય જાય તેમ છાશમાં ખટાશ ચઢતા પી શકાય છે. આ બટરમિલ્ક રોજે ફ્રેશ બનાવવું.

 ૮) સોયાબિન્સ, ટોફું અને સોયાવડી ક્લીયર બ્રોથ

સોયાબિન્સ ૧ કપ પલાળેલા
સોયાવડી ૧ કપ
સોયા ટોફું ૧ કપ
સરગવાની શીંગ

સોયાવડી, સરગવાની શીંગ અને સોયાબિન્સને ભેગા કરી તેમાં મીઠું નાખી બાફવા. (પાણીનો ભાગ વધુ રાખવો.) બફાયા બાદ શીંગમાંથી પલ્પ કાઢી લેવો, સોયાબિન્સ અને વડીને પણ અલગ કાઢી લેવા ત્યારબાદ શીંગવાળા પલ્પ સાથેનાં પાણીને મિક્સીમાં ચરણ કરી લેવું અને મલમલનાં કપડાં વડે અથવા ગરણીથી ગાળી લેવું જેથી કોઈપણ રેસા કે સોયાબિન્સ કે વડીનો ઘન પાર્ટ તેમાં ન રહે.  

૯) ગ્રીન બ્રોથ

સ્પીનેચ ૨ કપ
પોઇની ભાજી ૨ કપ
તાંદળજા અથવા રેડલીફની ભાજી ૧ કપ
ગોંગારું ભાજી અથવા આંબટ ભાજી ૨ કપ
મેથીની ભાજી ૧ કપ
મૂળા કે ગાજરનાં પાન ૧ કપ
કરીલીવ્સ ૧ કપ
લસણ ૩ થી ૭ કળી
કાંદો ૧ ટુકડા કરીને
ટામેટા ૨ ટુકડા કરીને
મીઠું સ્વાદ અનુસાર

આ બધી જ સામગ્રીઓ ૪ ગ્લાસ પાણીમાં ભેગી કરી બોઈલ કરવી. બોઈલ થયા બાદ આ બધી જ સામગ્રીમાંથી પાણીનો ભાગ છૂટો પાડીને બાકીનાં ભાગને મિક્સીમાં ચર્ન કરવો ત્યાર પછી આ લિક્વિડ બનેલા બધા જ પલ્પને ગાળી લેવું અને જે લિક્વિડ નીકળે તેને સાઈડમાં રાખેલા પાણી સાથે મિક્સ કરવું અને ધીરે ધીરે પીવાના ઉપયોગમાં લેવું.

નોંધ:

૧) આ બધી જ રેસિપીઓ બેરિયાટ્રિક પેશન્ટ્સ માટે તૈયાર કરવામાં આવેલી છે. આ બધી જ રેસિપીઓમાં પ્રોટીન તો છે જ પરંતુ આટલું પ્રોટીન પૂરતું નથી તેથી રોજે ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પૂરો કરવા માટે ઉપરથી બીજું પ્રોટીન લેવું જરૂરી છે. 

૨) બને ત્યાં સુધી આ બ્રોથમાં બટેટા, કોલીફ્લાવર, વટાણા, શક્કરીયા જેવા દળદાર શાકભાજી મિક્સ ન કરવા ડો. ઇંગની ટીમ સ્ટાર્ચથી દૂર રહેવાની સલાહ આપે છે. કારણ કે આ શાકભાજીમાં સ્ટાર્ચનો ભાગ વધુ હોય છે જે વજન વધારે છે, તેથી લિક્વિડ ડાયેટ લેતી વખતે સ્ટાર્ચી વેજીથી દૂર રહેવું.

  • સ્વાદ માટે આ લિક્વિડમાં મીઠું નાખી શકાય પણ મરી પાવડર કે અન્ય મસાલાઓનો ઉપયોગ ન કરવો.
  • આ શાકભાજી અને દાળને ચર્ન કરીને તેનો સૂપ ઉપયોગમાં ન લેવો. સૂપ એ સોફ્ટ ફૂડમાં આવી જાય છે. આ સોફ્ટ ફૂડ ૮ વીક પછી લેવાય છે.
  •  આ બધી જ રેસિપીઓ બેરિયાટ્રિક પેશન્ટ્સ માટે તૈયાર કરવામાં આવેલી છે. આ બધી જ રેસિપીઓમાં પ્રોટીન તો છે જ પરંતુ આટલું પ્રોટીન પૂરતું નથી તેથી રોજે ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પૂરો કરવા માટે ઉપરથી બીજું પ્રોટીન લેવું જરૂરી છે. ઉપરાંત લિક્વિડનું પ્રમાણ વધારે કરવા પૂર્વે પોતાના ડાયેટિશ્યન અને કન્સલ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

 Dr. Richard D Ing , M.D.
Medical Group:

Surgical Specialists, PC
Bryn Mawr Hospital, MOB North, Suite 306
830 Old Lancaster Road
Bryn Mawr, PA  19010

 

 

 

 

 

 

 

કૃષ્ણામાઈના કૃષ્ણનો જન્મ-શ્રી ગોકુલનાથજીચરણનું પ્રાકટ્ય

કૃષ્ણામાઈના કૃષ્ણનો જન્મ ( શ્રી ગોકુલનાથજીચરણનું પ્રાકટ્ય)

અડેલ ગામમાં શ્રી વલ્લભ નંદન શ્રી વિઠ્ઠલેશજીના આવાસમાં ભારે ચહેલપહેલ મચી રહી હતી. ગૃહમાં હાજર રહેલા સૌ કોઈના ચહેરા પર ચિંતાના ભાવ દેખાઈ રહ્યા હતા, અને ગૃહ બહાર હાજર રહેલા સૌના ચહેરા પર આતુરતાના ભાવ જણાઈ રહેલા હતાં. વાત એમ બની હતી કે શ્રી રૂક્ષ્મણીજીને વહેલી પ્રભાતથી પ્રસૂતિની પીડા ઊપડી હતી માગશર સુદ ચોથનો એ દિવસ હતો. પ્રસૂતિની પીડાથી પીડાઈ રહેલી માતાનું દુઃખ શોભા બેટીજીથી જોવાયું નહીં તેથી માતા પાસે દોડી ગયા અને પોતાની બંને નાની બહેનોને બોલાવવા હાક મારી……..

“અરી ઓ કમલા, ઓ દેવકી બેગી આઇઓ ઔર કૃષ્ણામાઈ કો ભી બુલાઈયો……” બંને બહેનો શોભા જીજીનો પરેશાની ભર્યો અવાજ સાંભળીને એક ક્ષણ માટે હેબતાઈ જ ગઈ પરંતુ બીજી જ ક્ષણે બંને કૃષ્ણામાઈને બોલાવવા દોડી ગઈ. ખંડની બહાર વૈષ્ણવજનો નો મેળો જામી ગયો હતો. શોભા બેટીજીએ નારાયણદાસ વૈષ્ણવને બોલાવ્યા અને કહ્યું કે નારાયણદાસજી બેગીથી ભાજો અને ધગરણ ધાઈને બેગીથી બોલાવી લાવો. કહેજો કે બને તેટલા બેગી આવી પહોંચે અરે કૃષ્ણામાઈ આવ્યા કે નહીં?

“અરી કાહે મોકો બુલાવત હૈ મોરી બિટિયા મૈ તો આછે હી હું “કહેતા જ કૃષ્ણામાઈ શોભા બેટીજીનો હાથ પકડીને વહુજીના ખંડમાં પ્રવેશી ગયા અને તે સાથે જ ખંડના દ્વાર બિડાઈ ગયા. કૃષ્ણાદાસી ઝડપી પગલે શૈયા તરફ ગયા. પીડાથી પીડાઈ રહેલા શ્રી રૂક્ષ્મણીજી પાસે આવી પહોચ્યાં અને પીડાઈ રહેલા વહુજીના મસ્તક ઉપર સસ્નેહ હેતવાળો હાથ ફેરવવા લાગ્યા અને કહેવા લાગ્યા લાગે છે કે મારા બાવાને હવે આવવાની ઉતાવળ થઈ ગઈ છે…..હં કે, વહુમાં બસ, બસ મા હું અહીં જ છું હોં આપની પાસે આપ બિલકુલ ચિંતા કરશો નહીં. થોડી પળોની અંદર ધગરણ ધાઈ પણ ત્યાં આવી પહોંચી તેમણે એક નજર વહુજી ઉપર અને બીજી નજર કૃષ્ણાદાસી પર નાખી.

કૃષ્ણાદાસી શૈયાની બાજુમાં બેસીને એક હાથ વહુજીના માથા ઉપર અને બીજો હાથ વહુજીના ઉદર ઉપર ફેરવી રહ્યા હતા અને પ્રેમાળ સ્વરે બોલી રહ્યા હતા મારા વહાલા બાવા આમ ઉતાવળ  ન કરો, મારા વહાલા આમ ઉતાવળ ન કરો ઓલા સોમા જોષીડાને બોલાવ્યો છે ને બાવા તેથી આપને થોડી ધીરજ રાખવી જોઈશે. અલી ધગરણ ઓ ધગરણ ત્યાં કેમ ઊભી છે? જરા જોને બાઈ તને શું લાગે છે? ધાઈના ચહેરા પર અનેક ગણી ચિંતા અને મૂંઝવણ ઝળહળી રહી હતી વહુજી સામે જોતાં તેણે કૃષ્ણાદાસીને કહ્યું હવે તો કોઈપણ ઘડીએ બાવા પધારશે તેમ લાગી રહ્યું છે પરંતુ કૃષ્ણાદાસીનો લવારો ચાલુ હતો વારે ઘડી એ બાવા, મારા બાવા ઘડીક વાર ઊભા રહો ઓલ્યા જોષીડાને બોલાવ્યો છે ને એટ્લે થોડીવાર ઊભા રહો. બાવા તમે તમારા જીવની રાહ જુઓ છો અને તમારા જીવ તમારી રાહ જુએ છે પણ આમ ઉતાવળે કાં આવો બાવા થોડો પોરો લઈ લો મારા બાવા…….કૃષ્ણાદાસીના મોં એથી નીકળતો લવારો સાંભળીને ધગરણ ધાઈ શોભા બેટીજીને કહે કે લાગે છે કે આજે આ ડોકરીનું ફટકી ગયું છે બાવાની તો પધારવાની ઘડી ગણાઈ રહી છે ને આ ડોકરી બાવા ને કહે છે કે પોરો ખાઈ લો….!!!!??? કૃષ્ણાદાસીનો ધગરણ ધાઈથી લવારો સહન ન થતાં આખરે બોલી ઉઠ્યા અરે ડોકરી આ તે શું લવારો માંડ્યો છે?? ધગરણ ધાઈનો ચિડાયેલો ચહેરો ને કૃષ્ણાદાસીની બાવા સાથેની વાતચીત સાંભળી રહેલા શોભા બેટીજીનું મન મુંઝાઇને ઝુલવા લાગ્યું. બાવા મારા નાનકડા બાવા આ વખતે અમારી જે રીતે ઇચ્છા હોય તે રીતે પધારજો હોં કૃષ્ણાદાસીના અવાજમાં અધિકાર અને પ્રેમની સુવાસ પ્રસરી રહી હતી.. શોભા બેટીજી કૃષ્ણાદાસીને કહે કે માઈ આપ કહાં કરી હોં બાવાનો આવવાનો સમય તો થઈ ગયો છે પછી આપ કેમ કહો છો શું કહો છો તે સમજમાં નથી આવતું આ સાંભળીને કૃષ્ણાદાસી શોભા બેટીજીને કહે બિટિયા રાની આપ છોરું છો તેથી આવી બાબતોમાં આપણે સમજ નો પડે આપ એક કામ કરો આપ ખંડની બહાર જઇ નિરાંતે બેસીને આપણાં પ્રભુ શ્રી ગોવર્ધનજીનું નામ સ્મરણ કરો અને મારી મારા બાવા સાથે વાતચીત થવા દો, ને એક બીજું કામેય કરો ને બિટિયા જુઓ બહાર મે જોષીડાને બોલાવ્યો હતો બહાર જઈને જુઓ કે તે આવ્યો કે નહીં? એમ કહીને કૃષ્ણાદાસી ફરી બાવા સાથે વાત કરવામાં તલ્લીન બની ગયા, અને શોભા બેટીજી ચહેરા પર અનેક ભાવોને લઈને ખંડની બહાર નીકળી ગયા.

ભગવાનદાસ વૈષ્ણવ ત્યાં આવ્યા અને શોભા બેટીજીને કહે જીજીમાં સોમા જોષી આવ્યા છે.

શોભા બેટીજી બોલ્યા અરે જોષીજી આવી ગયા કે? આટલી વાર કેમ લગાવી માઈ ક્યારનાય આપને યાદ કરી રહ્યા છે.

માઈ ઑ માઈ દ્વાર ખોલો જોષીજી આવ્યા છે શોભા બેટીજીનો અવાજ સાંભળીને કૃષ્ણાદાસી બહાર આવ્યા અને બેટીજીને કહ્યું બિટિયા રાની જાઓ આપ જઈને થોડીવાર વહુજી પાસે બેસી તેના પર આપનો હાથ ફેરવો આપનો હાથ ફરશે તો વહુજીને થોડી શાતા થશે. એમ કહી કૃષ્ણાદાસી સોમા જોષી પાસે આવીને કહે જોષીજી આપના ટીપણા કાઢો ને આંકડા માંડીને કહો કે મારા બાવા માટે ભૂતલ પર પ્રગટ થવાનો ઉત્તમ મુહૂર્ત ક્યુ છે? કૃષ્ણામાઈની વાત સાંભળીને સોમા જોષી આશ્ચર્ય ભરી નજરે કૃષ્ણાદાસી તરફ જોઈ રહ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ ઘેલી ડોશી પણ ખરી છે શું બાવા કાંઇ કહીને પ્રગટ થવાના છે? તેથી કહે અરે માઈ તું તો બાવરી થઈ ગઈ છે જન્મ મરણનાં કાંઇ મુહૂર્ત હોતા હશે? કૃષ્ણા દાસી કહે બસ બસ જોષીજી હવે બીજી બધી વાત રહેવા દો ને મને જલ્દીથી કહો કે ક્યુ સારું મુહૂર્ત છે? અંદર અમારા બાવા પ્રગટ થવા માટે ઉતાવળ કરી રહ્યા છે ને વળી અમારા વહુજીને શ્રમ પણ પડી રહ્યો છે માટે ઝડપથી કહો. કૃષ્ણાદાસીના અવાજમાં રહેલી આજ્ઞાને સોમા જોષી ઓળખી ગયા તેથી જોષીજીએ પોતાના ટીપણા કાઢ્યા અને આંકડા કાઢી ગણતરી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માઈ આજે તો થઈ માગશર સુદ ચોથ થઈ છે પણ સર્વ પ્રકારની મંગળ કામના પૂર્ણ કરે તેવું મુહૂર્ત તો માગશર સુદ સાતમને ગુરુવાર રાત્રિના સમયે એક ઘડી ને છપ્પન પળનું શ્રેષ્ઠ મુહૂર્ત આવી રહ્યું છે બસ મારગમાં ફકત ત્રણ દિવસ બાકી છે પરંતુ બાવાનું પ્રાગટ્ય એ આપણા હાથની વાત નથી, ને વળી વહુજીના સમાચાર સાંભળીને મને લાગે છે કે હવે તો ગમે તે ઘડીએ બાવા પ્રગટ થશે. એ એની ચિંતા તમે ન કરો એમ કહેતા કૃષ્ણાદાસી વહુજીના ખંડમાં પ્રવેશી ગયા.

ધગરણ ધાઈ વહુજીની પીડા જોઈને પ્રસવ અંગેની પૂર્ણ તૈયારીઓ કરવા લાગી ગયા હતા અને શોભા બેટીજી તેમને તૈયારીઓમાં મદદ કરવા લાગ્યાં, ત્યાંજ કૃષ્ણાદાસી આવીને કહે ધગરણ આ બધી તૈયારી રહેવા દે હજુ મારા બાવાને પ્રગટ થવામાં વાર છે હજુ સમય નથી પાક્યો એમ કહેતા કૃષ્ણાદાસી વહુજીની પાસે બેસી ગયા. માઈની વાત સાંભળીને શોભા બેટીજીથી રહેવાયું નહીં તેથી તેઓ બોલી ઉઠ્યા……..માઈ …..માતાજીને તો પીડા ……….પણ તેમનું વાક્ય અડધે જ અટકાવીને કૃષ્ણાદાસી બોલ્યા બિટિયા યે તેરો લઘુ બાવા કો પ્રગટ થાવે કો બખત નાહી હૈ સો આપ પાછે જાઓ મોકો મોરી બહુજી કે પાસ બેઠવે દો. કૃષ્ણામાઈની વાત સાંભળી શોભાબેટીજી પાછળ ખસી ગયા. કૃષ્ણાદાસી શ્રી રૂક્ષ્મણીજી વહુજી પાસે બેસી ગયા અને વહુજીના ઉદર ઉપર પોતાનો મમતા ભર્યો પ્રેમાળ હાથ ફેરવતાં ફેરવતાં બાવા સાથે વાત કરવા લાગ્યાં. ઉદરમાં રહેલા નાનકડા બાવા સાથે વાત કરવામાં ઓતપ્રોત થઈ ગયેલા કૃષ્ણામાઈની ઘેલછાને ધગરણ ધાઈ જોઈ જ રહ્યા અને વિચારવા લાગ્યાં કે આ ઘરડી ડોશીની ઘેલી થયેલી ઘેલછાને કેવી રીતે રોકવી પરંતુ કૃષ્ણાદાસીને તો ધાઈમાં અને શોભા બેટીજી શું વિચારી રહ્યા હતા તેનું ક્યાં ભાન હતું?તે તો પોતાના બાવા સાથે મમત્વ ભરી વાતોમાં લીન થઈ ગયા હતા ……અને બોલ્યે જતા હતા મારા વહાલા બાવા, પંચાંગ તો એમ કહે છે કે હજુ આપને પ્રગટ થવાનો સમય થયો નથી. આપને પ્રગટ થવાનો ઉત્તમ સમય તો માગશર સુદ સાતમને ગુરુવાર આવે છે તેથી મારા બાવા આપે અમારે ખાતર ઉત્તમ મુહૂર્ત આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. કૃષ્ણામાઈના વચનો સાંભળીને પળભરમાં જ વહુજીની પીડા ઓછી થવા લાગી. વહુજીને સ્વસ્થ થતાં જોઈને ધગરણ ધાઈ અને શોભા બેટીજીના આશ્ચર્યનો પાર ન રહ્યો, પરંતુ તેમણે જોયું કે થોડીવારમાં જ પીડા સમવાથી વહુજી સ્વસ્થ થઈ ગયા અને ગૃહ કાર્ય અને બાલકોને સંભાળવા લાગ્યાં છે. વહુજી હવે સ્વસ્થ હોવા છતાં   પણ કૃષ્ણામાઈ વહુજીનું ડાબું અંગ બની ને સતત સાથે રહેતા હતા જેથી વહુજીને વધુ શ્રમ ન પડે. ચોથના બાકીના દિવસ બાદ, પાંચમ, અને છઠ્ઠ નો દિવસ પણ શાંતિથી પસાર થઈ ગયો.

આજે સવારથી અડેલ ગામ ઉત્સાહના હિંડોળે ઝૂલતું હતું, આંગણિયે સોનાનો સુરજ ઊગ્યો હતો. સવારથી કૃષ્ણામાઈની આંખોમાં ખરી ઘડીની પ્રતિક્ષા થઈ રહી હતી. દ્વાર પર શરણાઈના સૂર વહેવા લાગ્યા હતા. દરેક દ્વાર ઉપર આંબા અશોક અને ગલગોટાના તોરણો બંધાઈ રહ્યા હતા. ઘરના આંગણા રંગબેરંગી રંગોથી ખીલી ઉઠ્યા હતા. વ્રજવાસીઓ અને વૈષ્ણવો મંગલ મધુરા પદો અને ગીતો ગાઈ રહ્યા હતા. સંતો, વિદ્વાનો અને બ્રાહ્મણો શુભાશિષ વર્ષાવી રહ્યા હતા. રોજ ધીરા ગંભીર નાદે વહેતા શ્રી યમુનાજીના નીર પણ ઉલ્લાસિત બની ને નાચી રહ્યાં હતા અને પ્રત્યેક તરંગ એકબીજાને વધાઈ આપવા માટે ઉછળી રહ્યાં હતા. ખંડમાં સૂતેલા વહુજી પાસે કૃષ્ણાદાસી બહુજીના ઉદર ઉપર હાથ ફેરવી બાવા સાથે વાત કરતાં કરતાં અનોખી સૃષ્ટિમાં ફરી રહ્યા હતા અને બહુજીની વધતી જતી પીડાનાં ઉંહકારામાં જાણે ઉદરમાં રહેલા નાનકડા બાવા કૃષ્ણાદાસીના સૂરમાં પોતાનો સૂર મેળવી રહ્યા હતાં.

સોમા જોષીના કાઢેલા અને કૃષ્ણાદાસીના કહેલાં મુહૂર્ત પ્રમાણે વિક્રમ સંવત ૧૬૦૮ એટ્લે કે ઇ.સ ૧૫૫૨ની હેમંત ઋતુનાં માગશર મહિનાની સુદ સાતમ ગુરુવારની રાત્રિએ એક ઘડી ને છપ્પન પળના શ્રેષ્ઠ ચોઘડિયે શ્રી રૂક્ષ્મણીવહુજીની કૂખેથી શ્રી વિઠ્ઠલેશ નંદનનું પ્રાગટ્ય આ ભૂતલ ઉપર થયું અને તે સાથે જ કૃષ્ણામાઈનો વૃધ્ધ પણ આનંદનાં સૂરોથી ગુંજેલો સ્વર દ્વારની તિરાડો વીંધીને બહારના ખંડો તરફ વહી ગયો અને ખંડ થી ખંડ બહાર મેરો ગોકુલ નાથ આયો રી ………..ઇ …ઇ , મેરો સાંવરો બાવા આયો રી ….અને તે વધાઈ સાથે જ અડેલની ધરતી દંદુભિ, ઝાંઝ, પખવાજ, મૃદંગ, સુરી-સારંગીના નાદ, સૂર અને તાલથી ગુંજી ઉઠી, વ્રજનારીઓએ મંગલ દિવડા પ્રગટાવ્યાં, પ્રસાદ અને મહાપ્રસાદ ઊછળવા લાગ્યો હતો. અડેલની ગલીઓમાંથી નીકળેલા સમીરી વાયરા પાસેથી વધાઈ સાંભળી વૃક્ષોની ડાળીઓ, લતાપતા અને પુષ્પો બેકાબૂ બની સમીરી વાયરા સાથે વહી વ્રજને વધાઈ આપવા નીકળી ગયા હતાં. વ્રજવાસી બાલકો અને શ્રી વિઠ્ઠલેશ બાલકોએ દહીં, દૂધ, ધૈયા, ઉડાડી દધિનંદમહોત્સવનો પ્રારંભ કર્યો. દૂધ, દહીં અને ધૈયાની નદી અડેલની સાંકડી ગલીઓમાંથી વહેવા લાગી. હલ્દી, કેસર, ગુલાલ, અગરજા અને અબીરના રંગો પણ વ્રજવાસીઓ અને વૈષ્ણવોની સાથે આનંદમાં ભળી જઇ પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યા. કૃષ્ણામાઈ એંશી વર્ષની ઉંમરે ષોઙ્શીય કન્યાના ઉમંગે ઉત્સાહથી નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા ઓ રી મોરી બિટિયા …….નાચો, કૂદો, ખૂબ ધૂમ મચાવો રી અપને ઘર પરમ પુરુષોત્તમ શ્રી ગોકુલનાથ આયો રી કહેતા કહેતા લાલનની આસપાસ કૂદતાં લાલનનાં ઓવારણાં ઉતારવા લાગ્યાં અને “મારો સાંવરિયો બાવો આયો રી અરી દેવકી, મોરી બિટિયા કમલા રાની મારો ગોકુલનાથ બાવો આયો રી, અરી ઓ શોભા બિટિયા બેગીથી આરતી કો થાર લાઇયો” કહી કૃષ્ણામાઈ નાચવા લાગ્યાં.

“મેરો સાંવરિયો ગોકુલનાથ આયો રી “ના કલરવથી અડેલની ગલીઓ ગુંજી ઉઠી સૌ નાચતા કૂદતા શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચતુર્થ લાલનના પ્રાગટ્ય દિવસની વધાઈ ગાતા ગાતા પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન શ્રી વિઠ્ઠલેશ પ્રભુનો જય જયકાર કરી રહ્યા હતાં, ત્યારે એકઠા થયેલા વૈષ્ણવોમાંથી કોઈએ પૂછ્યું કે આપણે આપણાં ચતુર્થ લાલનું નામ શું રાખીશું? આ સાંભળી આજે મોટા બની ગયેલા શોભા બેટીજી કહે કે કૃષ્ણામાઈએ તો આપણાં ચતુર્થ લાલનું નામ શ્રી ગોકુલનાથજી રાખી જ દીધું છે પરંતુ અમે તેમને વલ્લભ પણ કહીશું અને કૃષ્ણ પણ કહીશું આ સાંભળી વૈષ્ણવો કહે કે હેં જીજીમા વલ્લભ નામ શા માટે? શોભા બેટીજી કહે કે અમને વલ્લભ નામ ઘણું જ પ્રિય છે તેથી વલ્લભ, વળી આપ સૌને એ પણ યાદ હશે કે એકવાર શ્રી કાકાજી એ આપણને જણાવેલું કે શ્રી વલ્લભ આપણે ત્યાં પાછા પધારવાના છે તેથી વલ્લભ, આ ઉપરાંત તેઓ શ્રી દાદામહ શ્રી વલ્લભ જેવા થાય અને શ્રી વલ્લભ સમાન સૌને પ્રિય પણ થાય તેથી વલ્લભ. આ સાંભળી સર્વે વૈષ્ણવો પૂછવા લાગ્યાં કે હેં જીજીમા તો કૃષ્ણ નામ શા માટે? આ સાંભળી નાનકડા કમલા બેટીજી કહેવા લાગ્યા કે મને ખબર છે કૃષ્ણ નામ શા માટે છે ત્યારે સૌથી નાના દેવકી બેટીજી પૂછવા લાગ્યાં કે કહો ને  જીજીમા કૃષ્ણ નામ શા માટે છે? આ સાંભળી કમલા બેટીજી કહે કે જ્યારે લાલા પધાર્યા ને ત્યારે કૃષ્ણામાઈ માતાજી પાસે હતાં અને તેમણે જ સૌ પ્રથમ લાલને જોયેલા અને પછી હાથમાં લઈ બાવાને વહાલ કરતાં હતાં તેથી કૃષ્ણામાઈ ઉપરથી કૃષ્ણ નામ છે. આ સાંભળી શ્રી વિઠ્ઠલેશનંદન ગિરિધરજી બોલી ઉઠ્યા હં…….હં…અ તો તો “કૃષ્ણામાઈના કૃષ્ણનો જન્મ” થયો છે એમ કહી શકાય ખરું ને !!! કહેતા શ્રી ગિરિધરલાલજીએ શોભા બેટીજી તરફ જોયું ત્યારે શોભા બેટીજી આ ઉત્તર સાંભળી પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્નતાથી હકારમાં હલાવેલ તેમનું મુખડું જોઈ બંને બેટીજી, શ્રી વિઠ્ઠલેશકુમારો અને ત્યાં પધારેલા સમસ્ત વૈષ્ણવો અને વ્રજવાસીઓના મુખ ઉપર હાસ્ય ફરી વળ્યું અને તે સાથે શ્રી વિઠ્ઠલેશ નંદનની જય હો નો ઘોષનાદ ચોમેર વાતાવરણને ચીરતો શ્રીમદ્ ગોકુલ તરફ વહી ગયો.

(આનંદનો આવિષ્કાર અને પુષ્ટિ સાહિત્યના આધારે.)

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

 

ભક્તિનું મહત્વનું અંગ સ્તુતિ

ભક્તિનું મહત્વનું અંગ સ્તુતિ

ભગવાનને સ્તુતિ પ્રિય માનવામાં આવ્યાં છે. સ્તુતિ એટ્લે પ્રભુને પ્રસન્ન કરવા માટેની દીનતાનું ગાન જેને સામાન્ય રીતે વ્યક્તિગાન માનવામાં આવ્યું છે અને ભક્તિ એટ્લે પ્રભુ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ. ભક્તિ માર્ગમાં પોતાના આરાધ્યની સ્તુતિ કરવી એ મહત્વનું અંગ માનવામાં આવ્યું છે અને સ્તુતિમાં પ્રભુનાં નામ, રૂપ, ગુણ, અને લીલાનું વર્ણન કરવામાં આવે છે. ભક્ત પોતાના સ્વ મુખે દ્વારા જ્યારે સ્તુતિ કરે છે ત્યારે તેને ભગવાનનું માહાત્મ્ય જ્ઞાન મળે છે. પ્રભુનું સ્મરણ, શ્રવણ, કીર્તન, સ્તોત્ર, મનન, ચિંતન, આરતી, સાખી, માળા, ધોળ, પદ, વગેરેને સ્તુતિભક્તિનાં મુખ્ય અંગ અને માધ્યમ માનવામાં આવ્યાં છે, અને આ માધ્યમ દ્વારા કરાયેલી પ્રભુની સ્તુતિ ભક્તિ વાચિક બને છે. સંતો કહે છે કે પ્રભુની સ્તુતિ એ ભગવદ્સ્વરૂપ છે જે ભક્તોને માટે ભાવાત્મક અને ફલાત્મક બને છે. ભગવદ્ભક્તો જેને સ્તુતિ કહે છે જેને લૌકિક જનો યાદ કરવું કહે છે. તેથી કહે છે કે કોઈને પ્રેમપૂર્વક યાદ કરવાથી હૃદયમાં સ્નેહનો ઉદ્ભવ થાય છે. સ્નેહનો ઉદ્ભવ થતાં યાદ પ્રબળ બને છે, અને યાદ જેમ પ્રબળ તેમ વિરહભાવના પણ પ્રબળ હોય છે. આજ તાત્પર્યને જોતાં એમ કહી શકાય કે સ્નેહયાદ અને વિરહ યાદથી ભક્તો પ્રભુનાં પ્રેમમાં મગ્ન થતાં જાય છે. પ્રભુ સાથેની, પ્રભુનાં પ્રેમમાં થતી મગ્નતાને કારણે ભક્તોનું જીવન નિર્મળ ભક્તિ રૂપી ધૂપથી મહેંકતું જાય છે. પ્રભુ સ્તુતિને ભક્તો જુદાજુદા સ્વરૂપે જુએ છે. કોઈ ભક્ત પ્રભુ સ્તુતિને મોક્ષસ્વરૂપે, તો કોઈ ભક્ત કલ્યાણ રૂપે, કોઈ બ્રહ્મ સ્વરૂપે માને છે. મહર્ષિ વેદવ્યાસજીએ પ્રભુ સ્તુતિને પ્રકૃતિ અને પુરુષનાં રૂપમાં પ્રભુને જ સમર્પિત કરી છે. નારદ પંચરાત્રમાં કહે છે કે જ્યારે ભક્તોને પોતાનાં આરાધ્ય વિષે જ્ઞાન થાય છે ત્યારે તેઓ પ્રભુને સારી રીતે જાણી શકે છે જેને કારણે તેમને પ્રભુમાં, અને પ્રભુની લીલામાં સ્નેહ ઉત્પન્ન થાય છે અને પ્રભુ પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસમાં દ્રઢ શ્રધ્ધા આવતી જાય છે, આ સ્નેહને કારણે ભક્તજન જ્યારે પ્રભુ સમક્ષ સ્તુતિ સહર્ષ બે હાથ જોડીને દીનતા અને,મસ્તક દીનતાથી નમાવીને કરે છે ત્યારે તેમને અને તેમનામાં રહેલા ભાવમાં ઘણાં જ ચઢાવ આવે છે. શ્રી વિઠ્ઠલનાથજી કહે છે કે સ્તુતિ કરવાથી જેમ પ્રભુ પ્રત્યે સ્નેહ અને આસક્તિ જન્મે છે તેમ પ્રભુ પ્રત્યે વિરહ પણ જન્મે છે. ભક્તો માટે વિરહ એ અગ્નિ સમાન હોય છે જે તેમનામાં રહેલા અહંકાર, મદ, લોભ, લાલસા વગેરેની ભાવનાને બાળીને તેમના અંતઃકરણને નિર્મળ બનાવે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ નિરોધલક્ષણમાં આજ્ઞા કરતાં કહે છે કે સ્તુતિ કરવાથી ભક્તજનને પ્રભુમાં નિરોધ અને ભગવદાસક્તિ થાય છે, જેને કારણે ભક્તજનનાં હૃદયમાં રહેલા શ્રી પ્રભુ ભક્તજનની સન્મુખ પ્રગટ થતા ભક્તજનને આનંદ અને સુખની સહજ પ્રાપ્તિ થાય છે.

 “પારિજાત”

 

 

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૫

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું                                                                           

પ્રિય સખી

એસે પ્રભુ કયોં વિસારિયે, જાકી કૃપા અપાર

   પલ પલમેં રટતેં રહો, શ્રી વલ્લભ નામ ઉચ્ચાર

 શ્રી વલ્લભ , શ્રી વલ્લભ નામ ઉચ્ચાર

મારો પત્ર આવે એટલે તને ખબર પડી જતી હશે કે કૃષ્ણ કેડી પર જવાનો સમય આવી ગયો છે કેમ ખરૂં કહું છું નેં? શ્રી વલ્લભની આટલી અપાર કૃપા આપણાં વૈષ્ણવો પર ઉતરી રહી છે તો પછી આપણે  વૈષ્ણવો એ તો પળ પળ શ્રી પ્રભુ સમાન શ્રી વલ્લભનું નામ લેવું જ જોઇએ તને ખબર છે મે પ્રભુ સમાન શ્રી વલ્લભ શા માટે કહ્યું?? કારણ કે આગળ જણાવ્યું તેમ શ્રી વલ્લભ આપણા વહાલા શ્રીજીબાવાનો જ અવતાર છે પરંતુ આપણા વૈષ્ણવોને માટે તો હરિ, ગુરૂ અને વૈષ્ણવ તે ત્રણેય ત્રિમૂર્તિમાં જ પ્રભુ પરમેશ્વર રહેલા છે તો આપણા વલ્લભનું સ્વરૂપનું એ પ્રભુનું જ એકત્વનું સ્વરૂપ થયું ને,અને શ્રી મહાપ્રભુજી કહે છે કે જો ક્ષણવાર પણ જીવ પ્રભુનું નામ ભુલે તો પણ જીવ ઉપર કલિકાલ ચડી બેસે છે, ને કલિકાલથી બચવાનો એકમાત્ર જો ઉપાય હોય તો તે શ્રી વલ્લભનું નામ છે. વૈષ્ણવોએ એવું ન માનવું જોઇએ કે ગુરુ નામ લેવા જતાં પ્રભુનું નામ લેવાતું નથી પણ શ્રી વલ્લભનાં હ્લદયનિકુંજમાં શ્રી ઠાકોરજી સદાય બિરાજતા હોવાથી, પળ પળ શ્રી વલ્લભનું નામ જ રટયાં કરવાથી પણ આપણા જાપમંત્ર શ્રી ઠાકોરજી પાસે પહોંચી જાય છે આ રીતે શ્રી ઠાકોરજી સુધી જલ્દીથી પહોંચવાનો એકમાત્ર રસ્તો શ્રી વલ્લભ પાસેથી જાય છે. આવું શ્રી વલ્લભનામ અગાધ સાગર રૂપ છે. જેનો મહિમા વૈષ્ણવો સિવાય કોણ જાણી શકે? ચાલ ત્યારે કૃષ્ણ કેડી પરથી રજા લઉં છું આપણે ફરી મળીશું શ્રી વલ્લભનામ તણાં અગાધ સમુદ્રના કિનારે.

 પૂર્વી મલકાણ મોદીના જય શ્રી કૃષ્ણ

  કોપી રાઇટ   ISBN-978-1500126087

 

      

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૪

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું૪                                                           

 

દેવિ દેવ આરાધિકે, ભૂલ્યો સબ સંસાર

      શ્રી વલ્લભ નામ નૌકા બિના, કહો કો ઉતર્યો પાર

 શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર

પ્રિય સખી

કુશળ હશે. તને ખબર છે કે જીવોના ઉધ્ધાર માટે જ્યારે શ્રી પરમ પ્રભુએ જન્મ લેવાનું નક્કી કર્યું ત્યારે પ્રભુનાં લીલા કાર્યમાં ભાગ લઇ તેમના સહાયક બનવાનાં ઉદેશ્યથી સર્વે દેવી દેવતાઓએ પ્રભુનાં અંશાવતાર તરીકે જન્મ લીધો. અંશાવતાર એટલે કે પ્રભુના રજઅંશના હજારો ટુકડા કર્યા બાદનો એક ટુકડો, પણ પ્રભુના જ પૂર્ણ અવતાર રૂપ તે શ્રી વલ્લભ છે. તેથી શ્રી વલ્લભની અંદર જ સંસારનાં સમસ્ત દેવી દેવતાઓ સમાઇ જાય છે, તે તેત્રીસ કરોડ દેવતાઓ શ્રી વલ્લભનો સ્પર્શ પામવા માટે તેમના રોમ સ્વરૂપ બન્યાં છે. શ્રી વલ્લભ એ શ્રીજી બાવાનું જ બીજું સ્વરૂપ છે. તેથી અન્ય દેવી દેવતાઓને ભજવાની શી જરૂર છે? કારણકે પરબ્રહ્મનાં અધૂરા એવા અન્ય દેવી દેવતાઓને પુજવા જતાં આપણે શ્રી વલ્લભ નામનો સાચો માર્ગ ભૂલીને ખોટા માર્ગમાં પહોંચી જઇએ છીએ. શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનાં સંપૂર્ણ આવિર્ભાવ રૂપ છે. તેથી ચાલ આજે આપણે પણ કૃષ્ણ કેડીનાં માર્ગે થી શ્રી વલ્લભ તણી નાવ પાસે જઇએ કારણકે ફક્ત શ્રી વલ્લભનું જ નામ એવું છે કે જે જીવોનાં દોષને ન જોતા આપણને આ સંસાર સાગર પાર કરાવે છે.શ્રી વલ્લભની આપણા પર કૃપા તો અપાર છે પણ શું તે આપણે સમજી શકીયે  છીએ?? ચાલ ત્યારે રજા લઉં શ્રી વલ્લભની અપરંપાર કૃપાનો તું આસ્વાદ લે ત્યાં સુધીમાં હું પાંચમી ટુંક સાથે  હાજર થઇ જઇશ. આપણે આજ કૃષ્ણ કેડી પર ફરી મળીએ ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

પુષ્ટિપ્રસાદ ૨૦૧૧ માં પ્રકાશિત

pushtiprasad.com 

કોપી રાઇટ

ISBN-978-1500126087

 

                                                                            પૂર્વી મલકાણ મોદીની સ્નેહયાદ

૧૦/૨૦/૨૦૧૦   

 

 

“શ્યામ સલોનાં મેઘશ્યામ શ્રી યમુનાજી“

 

” શ્યામ સલોનાં મેઘશ્યામ શ્રી યમુનાજી “

ભગવાન શ્રી કૃષ્ણની જેમ શ્રી યમુનાજી પણ શ્યામ સલોનાં મેઘશ્યામ છે તેથી એક દિવસ સ્વામિની શ્રી રાધિકાજીએ શ્રી ઠાકુરજીને કહ્યું કે પ્રભુ શ્રી યમુનાજી તો મારા પ્રિય સખી છે પણ તેમનો વર્ણ આપે આપ જેવો કરીને તેમને આપનાં દલમાં ખેંચી લીધાં છે, તેથી હું તેમના વગર શું કરીશ? આ સાંભળી શ્રી ઠાકુરજી કહે અહીં ગોલોક ધામમાં ભલે શ્રી યમુનાજીને મારો વર્ણ હોય પણ તેઓ જ્યારે વ્રજમાં બિરાજશે ત્યારે તેઓ આપના દલમાં રહેશે આ સાંભળી શ્રી સ્વામિનીજીને અત્યંત પ્રસન્નતા થઇ.

વ્રજમાં જ્યારે શ્રી સ્વામિનીજી શ્રી યમુનાજીને મળ્યાં ત્યારે તેમનાં આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે પ્રભુને ફરીયાદ કરી કે શ્રી યમુનાજી વ્રજમાં તો પધાર્યા છે પરંતુ વ્રજ આવીને પણ શ્રીયમુનાજી તો આપનાં દલમાં જ છે અરે એટલું જ નહી પણ તેઓએ પોતાનો વર્ણ પણ આપનાં જેવો જ ધારણ કરી રાખ્યો છે.આ સાંભળીને શ્રી ઠાકુરજીને પણ આશ્ચર્ય થયું તેમણે શ્રી સ્વામિનીજીને કહ્યું ચાલો પ્રિયે આપણે શ્રી યમુનાજીને જ પુછીયે કે શા માટે વ્રજમાં આવીને તેમણે મારા જેવો વર્ણ ધારણ કરેલો છે.

 શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બન્ને શ્રી યમુનાજીની પાસે આવ્યાં અને તેમણે શ્રી સુર્યસુતાને પુછયું કે વ્રજમાં બિરાજમાન થઇને પણ આપે શા માટે શ્રી ઠાકોરજીના વર્ણને ધારણ કર્યો છે.? અરે ગોલોક ધામમાં નક્કી થયુ હતું ને કે વ્રજમાં પધારીને તેઓ શ્રી ઠાકોરજીનાં દલમાં નહીં પણ શ્રી સ્વામિનીજીનાં દલમાં બિરાજશે પરંતુ એમ શા માટે નથી થયું???

 આ સાંભળી શ્રી ભાનુસુતા કહે કે રાધેરાણી હું શું કરું આપનાં શામળીયાના સંગે રહીને તો હું પણ શામળી થઇ ગઇ.કદાચ તારા બરસાને જો હું આવી હોત તો તમારા સંગે રહીને હું પણ ગોરી યમુના થાત પણ હું વ્રજમાં જ્યારે આવી ત્યારે મને સ્થાન મળ્યું તારા બરસાના ને બદલે શ્રીગોકુલનું જે આપણા શ્રીઠાકોરજીનું ગામ છે. હું વ્રજમાં આવી જ હતી ગોરી થઇને આપનાં દલમાં શામિલ થવા માટે પણ આપણા પ્રભુ શામળીયાજીના તો એટલાં તોફાનોને કારણે માતા યશોદા તેમને વારંવાર મારા જલપ્રવાહમાં નવડાવે છે અને શ્રી શામળીયાજીના વારંવાર મારા જલમાં સ્નાન કરવાથી તેમનો શ્યામવર્ણ મારા જલમાં આવી જાય છે માટે હું પણ તેમના જેવી શામળી થઇ, હવે આપશ્રી જ શામળીયાજીને પૂછો કે તેઓ આટલાં શ્યામ શા માટે થયાં.

 શ્રી યમુનાજીનાં વચનો સાંભળીને શ્રી રાધેરાણીએ શ્રી ઠાકોરજીને પુછ્યું કે પ્રભુ આપ શામળીયા શાં માટે થયાં?

આ સાંભળી શ્રી ઠાકોરજી કહે પ્રિય રાધેરાણી હું તો આપની મીનાક્ષી(મીન=માછલી જેવી ભોળી અને સુંદર, અક્ષી= આંખ)શી આંખોનું કાજળ થઇ આપનાં ગૌરવર્ણની નજર ઉતારવાં માંગતો હતો તેથી શામળો થયો, ને વળી વિચારો કે જો શ્રી યમુનાજી પણ આપના જેવા ગૌર વર્ણના થયા હોત તો આપનું મુલ્ય કોણ પૂછત? આથી આપનું મુલ્ય વધારવા માટે હું અને શ્રી યમુને બન્ને શ્યામવર્ણનાં થયાં ને આપ બન્યાં ગૌર, ગોરી શી રાધેરાણી, ને રહી દલમાં રહેવાની વાત તો શ્રી યમુનાજી આપણાં બન્નેના દલનાં છે કારણ કે તેઓ આપણાં બન્નેની સખી છે. આ સાંભળી શ્રી રાધેરાણીના મુખારવિંદ પર ખિલેલા કમળો શું હાસ્ય વ્યાપી ગયું.

વૈષ્ણવ પરિવાર ૨૦૧૧ માં પ્રકાશિત

 પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com

શૃંગારિક કુંજ-નિકુંજ.

કુંજ-નિકુંજ.

પ્રિય સખી કૃષ્ણકેડી પર તારું સ્વાગત છે. કવિ જયદેવજી અને અષ્ટસખાઓની પદ્ય રચનાઓમાં પણ કુંજ નિકુંજમાં રમણ કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા રાધારાણી સાથે કુંજ નિકુંજમાં બિરાજીને ભક્તોનાં મન પ્રફુલ્લિત કરે તેવી અનેક લીલાઓ કરે છે, ક્યારેક મિત્રો સાથે ઉજાણી કરે છે તો ક્યારેક હોરી ખેલ દરમ્યાન કુંજોમાં છુપાઈને વ્રજવાસીઓને રંગવા માટે છુપાઈ જાય છે. સખી આ પ્રકારની લીલાઓ અને પદ્ય રચનાઓ વાંચીને, સાંભળીને મનમાં હંમેશા પ્રશ્ન થાય છે કે કું કુંજ નિકુંજ શું હોય? આ જ-નિકુંજને સરળભાષામાં શી રીતે જાણવા? પ્રિય સખી તારા મનમાં પણ આ પ્રશ્ન આવતો હશે ખરું ને? તેથી સખી આજે આપણે સાહિત્યોમાં શૃંગારિક સૌદર્યને વધારનારા આ શબ્દોને આપણે સમજીએ.

કુંજ ને સામાન્ય શબ્દમાં વર્ણન કરવો હોય તો તેને બગીચો કે ઉદ્યાનના નામથી ઓળખી શકાય છે, અને જેમાં રમણ કરવા અર્થે મહેલ હોય તે નિકુંજ. નવનિકુંજમાં કુંજ, નિકુંજ બંનેનો સમાવેશ થાય છે, કુંજ એટલે વૃંદાવનની વનરાઇ અને તેમાં વિલસતું ઉદ્દીપનનું રસરૂપ સ્વરૂપ. જ્યાં સસલા, હરણ, બંદર, ખિસકોલી આદી જીવો રમણ કરી રહ્યા છે, પલ્લવિત લતાપતા અને વૃક્ષોની ઊંચી ડાળીએથી મીઠા મધુરા સ્વરે ગાઇ રહેલા બપૈયા, દાદુર, કોકિલના સુમધુર શબ્દો, મયુરોના મત્ત નૃત્ય, અને તેમાં વૃક્ષોએ કુદરતી રીતે બનાવેલા ઝૂલાઓની કુંજમાં નટવર નિકુંજરાય હિંડોળે ઝૂલે છે તે થયું કુંજનું સ્વરૂપ. આ રીતે અનેક કુંજો વિવિધ ભક્તોની વચ્ચે વહેંચાયેલ છે શ્રી નટવર નાગર મોહન અવાર નવાર પોતાના ભક્તોની કુંજમાં પધારીને વૃક્ષો રૂપી વૈષ્ણવોએ બનાવેલા ઝુલામાં હેતને હિંડોળે ઝુલે છે.

નિકુંજ એટલે રમણ વિલાસ કરવા અર્થે મહેલ હોયતે નિકુંજ. નિકુંજમાં વિલાસર્થે મણિમય પ્રકાશથી ઝગમગતા દિવડાઓ હોય, અનેક પ્રકારની આરોગવાની સામગ્રીઓ, રમણ વિલાસ અર્થે રેશમી સુકોમળ શૈથ્યા, વિધવિધ પ્રકારના ખેલ ખિલોનાઓ, સુવાસિત પુષ્પો અને વિવિધ ફળોથી આચ્છાદીત ઉદ્યાનો અને વન ઉપવનો હોય, તેમાં વિવિધ કિટકો ને સુંદર પંખીઓ હોય, કમળ પુષ્પોથી આચ્છાદિત નાના મોટા સરોવરો હોય, તેના વિશાળ જલપ્રવાહમાં મત્સ્ય, કાચબા, હંસ વગેરે નિત્ય નિરંતર રહીને સરોવરોના  સૌદર્યમાં વધારો કરી રહ્યા હોય છે. તેથી નિકુંજના વિલાસને વૈભવ પૂર્ણ કહ્યો છે. શાસ્ત્રોમાં નિકુંજના દ્વાદશ પ્રકાર કહ્યાં છે.

 1) પુષ્પ નિકુંજ, 2) ફલ નિકુંજ, 3) રસ નિકુંજ, 4) મધુ નિકુંજ5) ગૌ નિકુંજ, 6) દ્વાર નિકુંજ7) નવ નિકુંજ8) શશી નિકુંજ9) પ્રેમ નિકુંજ, 10) શ્રી નિકુંજ, 11) સિધ્ધ નિકુંજ12) તુલસી નિકુંજ

આમ આ દ્વાદશ પ્રકારની કુંજ અને નિકુંજમાં ઠાકુર શ્રી કૃષ્ણ અને સ્વામીનિ શ્રી રાધિકાજી પોતાના સખી પરિકર સાથે વિહાર કરે છે. નવનિકુંજ લીલારસ પુરીત, શ્રીવલ્લભ તન મન મોરે,” એ પદમાં ઉદ્દીપન-કુંજ નિકુંજની વિશેષતા રહે છે. નવનિકુંજનો મુખ્ય ભાવ સ્વામિનીજી અને તેમના પરિકરનો છે, તેથી કહ્યું કે કુંજ-નિકુંજની લીલાને પૂર્ણ રીતે રસાળ કરીને ભક્ત દ્વારા વિલાસિત કરીને તેની પૂર્તિ થયેલી છે.

 

પુષ્ટિ પ્રસાદ 2010 અને સત્સંગ ૨૦૧૨ માં પ્રકાશિત.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com

 કોપીરાઇટ ISBN-978-1500126087

 

મોરનાં ઈંડા (અકબર બીરબલની વાર્તા)

મોરનાં ઈંડા (અકબર બીરબલની વાર્તા)

એક વખત અકબર બાદશાહ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. આજુબાજુ બાદશાહનું મંત્રીગણ બિરાજેલું હતું. મંત્રીઓ અને સભાસદો અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. પણ આ મંત્રીગણ અને સભાસદોની વચ્ચે બાદશાહ અકબરને બિરબલની ગેરહાજરી ખલી રહી હતી તેથી તેઓ પણ ચૂપચાપ સહુની વાતો સાંભળતાં હતાં. સહુની વાતો સાંભળતાં સાંભળતાં બાદશાહ અકબરને એક વિચાર આવ્યો. તરત જ તેણે સૌ સભાસદોને પ્રશ્ન કર્યો કહો એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે  ને જેને પાણી પીવડાવો તો એ મરી જાય એવું કોણ છે? સૌ સભાસદો તો બાદશાહ અકબરનો આ પ્રશ્ન સાંભળીને અવાચક બની ગયાં અને વિચારવા લાગ્યા કે એવું કોણ છે જે પાણી વગર રહી શકે છે. ઘણું વિચારવા છતાં કોઈને પણ ખબર ન પડી, તેથી સૌ ચૂપ થઈને બેસી ગયાં. સૌને ચૂપ બેસેલા જોઈ બાદશાહ અકબરે દરબારને કહ્યું કે એક અઠવાડિયાની અંદર મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ. બાદશાહની વાત સાંભળીને સહુ દરબારી ડરી ગયાં તેથી ચૂપચાપ માથું નીચે કરી તેઓ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યાં.

રોજ સભા ભરાતી, રોજ મંત્રીગણ ભેગું થતું, રોજ અકબર બાદશાહ પ્રશ્ન પૂછતા પણ રોજ સૌ નિરુત્તર રહી જતાં. ધીમે ધીમે કરીને અઠવાડીયાની અવધિ પૂરી થવા આવી તેમ બાદશાહ અકબર પણ ગુસ્સામાં આવીને મંત્રીગણો તરફ રૂક્ષ થવા લાગ્યા. બાદશાહ અકબરને સભાસદો પ્રત્યે ક્રોધિત અને રૂક્ષ થયેલા જોઈ સહુ મંત્રીગણ પરસ્પર વિચારવા લાગ્યા કે હવે બિરબલજી જલ્દી આવી જાય તો સારું કારણ કે બાદશાહનાં અંતરંગી સવાલોનાં જવાબ તો ફક્ત તેઓ જ દઈ શકે છે. આમ કરતાં કરતાં અઠવાડીયાનાં ૬ ઠ્ઠો દિવસ પણ પૂરો થવા આવ્યો હતો ત્યાં જ સભાસદોએ બિરબલને બહારગામથી આવતા જોયા તરત જ સભાસદો બિરબલ પાસે દોડી ગયાં અને પોતાને બચાવવા વિનંતી કરી બાદશાહનો પ્રશ્ન કહી સંભળાવ્યો. બિરબલે સહુ દરબારીને શાંત કર્યા અને કહ્યું તેઓ આવતી કાલે બાદશાહને મનાવી લેશે સહુ દરબારી નચિંત બનીને ઘરે જાઓ. બિરબલની વાત સાંભળીને બધા જ દરબારીઑ બિરબલનો જયઘોષ કરતાં કરતાં ઘેર ગયાં અને બિરબલ પણ વિચારતો વિચારતો પોતાના ઘરે ગયો.

પિતા બિરબલને ઘરે આવેલ જોઈ તેની દીકરી ખૂબ હર્ષિત થઈ પણ પિતાને આમ વિચારમગ્ન જોઈ દીકરી પૂછવા લાગી કે પિતાજી આમ આપ શું વિચારી રહ્યાં છો? આપનો ચહેરો ચિંતાતુર કેમ છે? ત્યારે બિરબલે બાદશાહ અકબરનાં પ્રશ્નની વાત કરી આ સાંભળીને દીકરીએ કહ્યું પિતાજી આપ પણ નચિંત બનીને સૂઈ જાવ કાલે દરબારમાં હું તમારી સાથે આવીશ અને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. દીકરીની વાત સાંભળીને બિરબલજી પણ આનંદિત થઈ, નચિંત બની ને સૂઈ ગયાં. બીજે દિવસની સવારે બિરબલજી પોતાની દીકરીને લઈ દરબારમાં ગયાં. બાદશાહ અકબર બિરબલને જોઈને પ્રસન્ન તો થયા પણ તરત જ તેને સભામાં હાજર રહેલા સહુને સૌને પ્રશ્ન પૂછ્યો ત્યારે દરબારીઓએ કહ્યું કે તેમને તો બાદશાહનાં સવાલનો જવાબ મળ્યો નથી પણ બિરબલજી એ સવાલનો જવાબ ચોક્કસ આપશે. આ સાંભળીને બાદશાહે બિરબલને કહ્યું મારા સવાલનો જવાબ આપ કે એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે ને પાણી પીને મરી જાય છે? બાદશાહની વાત સાંભળીને બિરબલજીએ કહ્યું જહાંપનાહ આપના સવાલનો ઉત્તર હું નહીં પણ મારી દીકરી આપશે. પછી પોતાની દીકરી તરફ જોઈ બિરબલજી કહેવા લાગ્યાં કે વ્હાલી દીકરી બાદશાહનાં સવાલનો જવાબ આપો. ત્યારે બાદશાહ અકબર વિચારવા લાગ્યાં કે મોટા મોટા મંત્રીઑ જે જવાબ નથી આપી શકતાં તે જવાબ આ આવડી ટેટા જેવી દીકરી શું આપશે ત્યાં જ બિરબલજીની દીકરી ઊભી થઈ બાદશાહ પાસે આવી કહેવા લાગી કે જહાંપનાહ આપનાં સવાલનો જવાબ જાણવા માટે હું કહું તે પ્રમાણે કરવું પડશે. દીકરીની વાત સાંભળીને બાદશાહે હા કહી તેથી દીકરી કહે જહાંપનાહ આપનાં હાથની હથેળી ખોલો તો. બાદશાહે દીકરીની વાત સાંભળી પોતાની હથેળી ખોલી તો બિરબલજીની દીકરીએ ઊભા થઈ  બાદશાહ અકબરની હથેળીમાં કશુક મૂક્યું પછી તરત જ બાદશાહની હથેળી બંધ કરાવી દીધી. પળ-બે પળ થઈ ત્યાં દીકરીએ પુછ્યું  જહાંપનાહ કેવું થાય છે? ત્યારે બાદશાહ બોલ્યા બેટા હથેલીમાં કાંઈક સળવળે છે. આથી દીકરીએ બાદશાહની હથેળી ખોલાવી. બાદશાહે જોયું કે પોતાની હથેળીમાં તો થોડી વિવિધ પ્રકારની ઇયળો અને કીડા હતાં. આ જોઈને બાદશાહને ચીતરી ચઢી તેથી બાદશાહે મ્હોં બગાડીને હથેળીની દિશા વાળી દીધી તો બધી જ ઇયળો અને કીડા નીચે પડી ગયાં પછી બાદશાહે ક્રોધિત પૂછ્યું બિરબલજી આ શું છે? બાદશાહની વાત સાંભળી બિરબલજીની દીકરી ફટ કરતી બોલી ઉઠી જહાંપનાહ એ તો આપના સવાલનો જવાબ છે. આ ઇયળો અને આ કીડા તે સૂકા અનાજમાં થાય છે આ અનાજમાં પાણી નથી હોતું તેમ છતાં પણ તેઓ જીવે છે ઉપરાંત આ બધી ઇયળો અને કીડાને પાણીમાં નાખો તો પાણી પીને મરી જાય છે કારણ કે આ જીવો એવા છે જેમને પાણીની નહીં પણ સૂકા અનાજની જરૂર છે. બિરબલજીની નાનીશી દીકરીની વાત સાંભળી બાદશાહ અકબર ખુશ ખુશ થઈ ગયાં અને બિરબલજીની દીકરીને ઈનામ આપી તેનું સન્માન કર્યું પછી કહેવા લાગ્યાં કે બિરબલજી જેવા આપ ચતુર છો તેવી જ આપની દીકરી…..પણ ચતુર છે બિરબલજી મોરનાં ઈંડા ચીતરવા નો પડે હો……

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com