Monthly Archives: ઓક્ટોબર 2013

શ્રી ગિરિરાજજીની તળેટીમાં

શ્રી ગિરિરાજજીની તળેટીમાં

૧) શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગામ બની વસવું છે મારે
રોજે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી છે મારે

-ગોકુલની ગલીઓમાં મોર બનીને મહાલવું છે મારે
માધવ સાથે મનભરીને રોજ ટહુકા લેવા છે મારે

-ગોવર્ધનજીની ટૂંકમાં ગાય બની ગોચારણ કરવું છે મારે
ગાયોના ગોવિંદને દુગ્ધ સ્નાન કરાવવું છે મારે

-સઘન વનમાં વાછરડું બનીને રમવું છે મારે
કુદકા ને ઠેકડા મારતા કાન્હાની આસપાસ ખેલવું છે મારે

૨) શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગામ બની વસવું છે મારે
રોજે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી છે મારે

-માંકડાની ટોળકી મહીં ગોકુલ ગામમાં ફરવું છે મારે
માખણચોરીમાં સાથ આપી કાનાની ચોરમંડળીના સાથી બનવું છે મારે

-મૃગ બનીને ચોરી ચુપકે ગિરિકંદરામાં ફરવું છે મારે
શ્યામસખીના અક્ષુઓમાં છુપાઈને મૃગનયની બનવું છે મારે

-યમુના જલતરંગમાં મત્સ્ય બનીને નાચવું છે મારે
યમુનાજીના પનઘટ પર ખેલી રહેલા શ્રી યમુનેશજીને દંડવત પ્રણામ કરવા છે મારે

૩) શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગામ બની વસવું છે મારે
રોજે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી છે મારે

-પનઘટના પાણીમાં કુમુદિની બનીને ખિલવું છે મારે
શ્યામસુંદરના દાડમશા દાંતમાં હાસ્ય બનીને બેસવું છે મારે

-ગ્રાસ બનીને ઘનશ્યામી વાયરામાં લહેરાવવું છે મારે
સખા ને સખીઓની ચરણોદકને હૃદય કેરી હરિયાળીમાં છુપાવવી છે મારે

-મલ્લિકાનો છોડ બનીને મહેંકવવું છે મારે
અસંખ્ય મલ્લિકાઓની કળીઓમાં સખી બનીને છુપાવવું છે મારે

૪) શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગામ બની વસવું છે મારે
રોજે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી છે મારે

-વૃંદાવનની વનરાઈમાં વૃક્ષ બનીને ઊભા રહેવું છે મારે
જન્મો જન્મ શ્રી વ્રજનિશજીને જોવા માટે તપ કરવું છે મારે

-વ્રજની ધરતીમાં રજ બનીને સમાવું છે મારે
વ્રજાધિપતિ શ્રી વલ્લભના ચરણોની છાપને મારા ઉરમાં સમાવવી છે મારે

-શ્રી ગિરિરાજજીની શિલા બનીને ગિરિરાજજીના ચરણે બેસવું છે મારે
ને સેવક તણા સર્વે ધર્મો તેમની પાસેથી શીખવા છે મારે

૫) શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગામ બની વસવું છે મારે
રોજે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી છે મારે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ .

 વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત ૨૦૧૨ 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                               

 

શ્રી ગિરિરાજજીનું શ્યામ સ્વરૂપ ઘનશ્યામ સ્વરૂપ

શ્રી ગિરિરાજજીનું શ્યામ સ્વરૂપ ઘનશ્યામ સ્વરૂપ

ગો-ધૂલિનો સમય થવા આવેલો, ક્યાંક કોઈ દિશામાંથી ગોરજ પણ ઊડી ઊડીને વૈષ્ણવોના વસ્ત્રો પર લાગી રહી હતી, કોઈ પનિહારી હમણાં જ દિવસની છેલ્લી  ગગરી ભરીને જઈ રહી હતી, મોરલાઓ ઢેલડી સંગે હજુ નાચી રહ્યાં હતાં અને પંખીઓની પોતાના માળા તરફની ઉડાનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલ એક પિપ્પલનાં વૃક્ષ નીચે વૈષ્ણવો આજે એકઠા થઈ શ્રી ગુંસાઈજી પ્રભુચરણના મુખમાંથી વહી રહેલા વચનામૃતનું પિયુષ પાન કરી રહ્યાં હતાં. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ વૈષ્ણવોને શ્રી ગિરિરાજજીના માહાત્મ્ય વિષે બતાવી રહ્યાં હતાં અને કહી રહ્યાં હતાં કે શ્રી ગિરિરાજજી,  શ્રી ગિરિવર ગિરિરાજજી,  શ્રી હરિવર ગિરિરાજજી,  વૈષ્ણવોના વ્હાલા શ્રી ગિરિરાજજી એ પુષ્ટિમાર્ગમાં સેવ્ય પણ છે અને સેવક પણ છે…… ત્યારે ત્યાં બિરાજી રહેલા કેટલાક વૈષ્ણવોને મનમાં કોઈ પ્રશ્ન થયો અને તેમણે ગુરુચરણને પૂછ્યું કે જયરાજ શ્રી ગિરિરાજજીનો વર્ણ શ્રી શ્યામસુંદર પ્રભુ જેવો શા માટે છે ? અને આપણે શ્રી ગિરિરાજજીને દુગ્ધ સ્નાન શા માટે કરાવીએ છીએ?

વૈષ્ણવોનો પ્રશ્ન સાંભળીને ગુરુચરણ શ્રી વિઠ્ઠલનાથજી મંદ મંદ હાસ્ય સાથે બોલ્યાં કે વૈષ્ણવો શ્રી ગિરિરાજજીનો વર્ણ આપણાં પ્રભુ જેવો છે તેનાં ત્રણ મુખ્ય કારણ છે. પ્રથમ કારણ એ છે કે જ્યારે ભૂતલ પર શ્રી ઠાકુરજીની અદ્વૈત અને અદ્ભુત લીલા શરૂ થઈ તે પૂર્વે એક સમયે ગોલોકધામમાં બિરાજેલા શ્રી ઠાકુરજીના હૃદયમંડલમાંથી પોતાની પ્રિયા શ્રી રસેશ્વરી રાધિકાને માટે જે પ્રેમરસ વહ્યો તેનું ઘનીભૂત સ્વરૂપ તે શ્રી ગોવર્ધનરૂપે ઓળખાયું. શ્રી ઠાકુરજીના ઘનશ્યામ એવા શ્રી અંગમાંથી શ્રી ગિરિરાજજી પ્રગટ થયા હોઈ તેઓ મેઘશ્યામ જેવા વર્ણવાળા છે, અને આપણાં શ્રી ગિરિરાજજી શ્યામ વર્ણનાં છે તેનું બીજું કારણ એ છે કે શ્રી ગિરિરાજજી શ્રી ઠાકુરજીનાં સદાનાં વિરહી છે. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણનાં મુખેથી શ્રી ગિરિરાજજી વિરહી છે તે વાત સાંભળીને સર્વે વૈષ્ણવોને ખૂબ આશ્ચર્ય થયું ત્યારે આ વાત સમજાવતાં શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહેવા લાગ્યાં કે જ્યારે દિવસ ભર શ્રી ઠાકુરજી પોતાના અતિ સુકોમલ ચરણો સાથે શ્રી ગિરિરાજજીની ગોદીમાં ખેલ્યાં કરે છે પરંતુ સંધ્યા થતાં જ પ્રભુ પાછા નંદગૃહે પધારે છે ત્યારે શ્રી ગિરિરાજજી, પ્રભુએ દિવસ દરમ્યાન કરેલી તમામ વિવિધ લીલાઓનું સ્મરણ કરતાં રહે છે આ સંધ્યાથી પ્રભાત સુધીનો સમય શ્રી ગિરિરાજજીને એક યુગ જેવો લાગે છે આથી પ્રભુની યાદમાં તેઓ વિરહી બનીને રડતાં રહે છે. આ આખી રાત્રીનાં સમયે શ્રી ગિરિરાજજી પોતાના પ્રાણપ્રિયના મિલન માટે અધીરા થતાં રહે છે અને પોતાના હૃદય કેરા યજ્ઞકુંડમાં પ્રભુ શ્યામસુંદર માટે સતત તાપ ધરી રાખે છે. આ રીતે તેઓ સતત વિરહની અગ્નિમાં જલી રહ્યાં હોવાથી તેઓનો વર્ણ કાળો બની ગયો છે. વૈષ્ણવો જેમ જે મનુષ્યનું તન અતિ તપ્ત હોઈ તેને શીતળતાની જરૂર પડે છે તેમ શ્રી ગિરિરાજજીનું પણ છે, તેમના પ્રભુ વિરહમાં તતપ્ત થયેલા શ્રી અંગને શીતળતા પ્રદાન કરાવવા માટે આપણે તેમને દુગ્ધ સ્નાન કરાવીએ છીએ. વળી વૈષ્ણવો એ પણ છે કે જેમ જીવમાં વિરહની સાચી ભાવના આવતી જાય તેમ તેમ જીવ વધુ ને વધુ દૈન્ય બનતો જાય છે. આથી જ વૈષ્ણવો આપણે સૌએ શ્રી ગિરિરાજજી પાસેથી પ્રભુપ્રેમ, સેવક અને સેવક થવાનાં ધર્મો શીખવાના છે. શ્રી ગિરિરાજજી શ્યામ સ્વરૂપ છે તેનું ત્રીજું કારણ એ છે કે પ્રતિદિન શ્રી ઠાકુરજી શ્રી ગિરિરાજજી પર ખેલવા માટે પધારે છે ત્યારે તેમની પ્રત્યેક બાલસુલભ ક્રિયા અને ક્રીડાઓને શ્રી ગિરિરાજજી મનભરીને નિહાળ્યા કરે છે. વૈષ્ણવો વિશ્વનો કોઈપણ રંગ હોય તે પ્રથમ આંખ વાટે મનમાં ઉતરીને હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરે છે તેમ ગિરિરાજજી પણ છે. તેઓ પણ શ્રી ઠાકુરજીનાં શ્યામ સ્વરૂપને આંખો વડે પીધાં કરે છે તેથી જે રંગના અને જે સ્વરૂપનાં ઘૂંટડા શ્રી ગિરિરાજજી ભરી રહ્યાં છે તેજ ઘૂંટડાનો અમૃતરસનો રંગ શ્રી ગિરિરાજજીના અંગે અંગમાં અને રોમે રોમમાં વસેલો છે તેથી શ્રી ગિરિરાજજીનું શ્રી અંગ શ્યામસ્વરૂપ ઘનશ્યામ બની ગયું છે. વૈષ્ણવો શ્રી ગિરિરાજજીને શ્રી ઠાકુરજીનું જ સ્વરૂપ છે તેમ જ માનવું. શ્રી ગુંસાઈજી પ્રભુચરણનાં મુખેથી શ્રી ગિરિરાજ વિષેની આ અદ્ભુત કથા સાંભળી આનંદિત થયેલા વૈષ્ણવોનાં મુખથી શ્રી ગિરિરાજજીનો જય જયકાર નીકળી ગયો અને એ જય જયકાર શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણનાં મુખેથી કહેવાયેલા વચનામૃતની સુવાસ લઈ વ્રજભૂમિને પાવન કરવા નીકળી પડ્યો.

“પારિજાત”

 

.

 

 

દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન

દિપાવલીમાં ફલદાયક લક્ષ્મી, ઇન્દ્ર અને કુબેરનું સ્થાન:-

હિન્દુ ધર્મમાં બધાં જ દેવી દેવતાઓને જુદા જુદા માસના અધિપતિ બનાવવામાં આવ્યાં છે નવરાત્રીમાં શક્તિ પૂજન, શ્રાવણ માસમાં શિવજી અને કૃષ્ણનું પૂજન, ભાદરવા માસમાં ગણપતિનું પૂજન, કારતક માસમાં કાર્તિકેયજીનું પૂજન તેજ રીતે આસો માસ એ કુબેર અને મહાલક્ષ્મીજીને અર્પિત થયેલો છે. કુબેર એ દેવોનાં નિધિધ્યક્ષ છે, પરંતુ તેઓનું પૂજન એકલા નથી કરવામાં આવતું. શાસ્ત્રોમાં કુબેરનું પૂજન ભગવાન શિવ,મહાલક્ષ્મી અને ભગવાન ગણપતિ સાથે માન્ય ગણવામાં આવ્યું છે. દિપાવલીમાં પ્રત્યેક હિન્દુ શ્રી ગણેશ અને લક્ષ્મીજીની સ્થાપના એવં પૂજનના સર્વાધિક મંગલ મુહૂર્ત જાણવા માટે અત્યંત ઉત્સુક હોય છે. આ દિવસોમાં રિધ્ધિ, સિધ્ધી અને બુધ્ધિના પ્રદાતા ભગવાન શ્રી ગણપતિનું પૂજન અને સુખ, સમૃધ્ધિ અને ધનની દેવી શ્રી લક્ષ્મીજીની અનુકંપાથી સંસારનું સમગ્ર સુખ મળે છે. ઉપનિષદમાં કહ્યું છે કે ધર્મનું અનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ શુભ યોગમાં પૂજન કરવું જોઈએ. વેદોમાં પણ આ પ્રકારના યોગોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગૃહસ્થજનો માટે ત્રણ પ્રકારના યોગો અતિ શુભ હોય છે.

લક્ષ્મીનું સ્થાન:- ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે સાગરકન્યા લક્ષ્મીજી ચંચલ સ્વભાવનાં હોવાથી તેમને ચંચલાનાં નામથી ઓળખવામાં આવે છે. તેથી ભક્તોજનોએ એવા મંગલ મુહૂર્તમાં પૂજા કરવાથી ચંચલ લક્ષ્મીજી સ્થિર થઈને બેસી જાય છે. ચંચલસ્વરૂપ શ્રી લક્ષ્મીજીની પ્રસન્નતા મેળવવા માટે ગૃહસ્થજનોએ આસો માસની અંતિમ અમાવસ્યાને દિવસે સૂર્યાસ્ત થયા બાદ જે લક્ષ્મી યોગ આવે છે તેમાં જો ગૃહસ્થો લક્ષ્મીજીનું અને કુબેરનું ભાવપૂર્વક પૂજન કરે તો તેમનાં સમસ્ત ધનને લગતા સંકટો દૂર થઈ જાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે દિપાવલીની રાત્રિનાં પ્રથમ પ્રહરમાં લક્ષ્મીપૂજન કરવાનું એ સમાજનાં દરેક વર્ગ માટે સરળ રહે છે તેનું કારણ એ છે કે દિપાવલી એ તહેવારનો સમય હોવાથી કુટુંબીજનો એકઠા થઈ આનંદમંગલ કરી રહ્યા હોય છે. વેદોમાં કહ્યું છે કે લક્ષ્મીજી એવા જ ગૃહમાં પધારે છે જે ગૃહમાં સ્વજનો આનંદપૂર્વક રહેતા હોય, ગૃહમાં કલહ કંકાશ ન હોય, જે ગૃહનું આંગણું દીપોથી પ્રજવલિત  થઈ રહ્યું હોય, ગૃહનું આંગણું સ્વચ્છ હોય અને સુંદર રંગોળી દૈદીપ્યમાન હોય, ગૃહનાં દેવતાનું ભાવપૂર્વક પૂજન થઈ રહ્યું હોય, ઘર ફૂલોની સુગંધથી મહેંકી રહ્યું હોય તેવા ગૃહમાં માતા લક્ષ્મી પ્રસન્નતાપૂર્વક ભગવાન નારાયણ અને નિધિધ્યક્ષ કુબેર સાથે સ્થિર થઈ બિરાજી જાય છે.

ઇન્દ્રનું સ્થાન:- ગૃહસ્થજનો માટે શુભ એવા ઇંદ્રયોગનું પણ ઉપનિષદમાં અને વેદોમાં વર્ણન જોવા મળે છે. વેદોમાં કહ્યું છે કે દીપાવલીનાં દિવસની રાત્રીનો બીજો પ્રહર તે ઇન્દ્ર યોગ તરીકે ઓળખાય છે. આ યોગ દેવોનાં રાજા ઇન્દ્ર સાથે જોડાયેલો છે. જેમ ઇન્દ્ર એ દેવોમાં ઉચ્ચસ્થાન ધરાવતો દેવ છે તે જ રીતે આ યોગ પણ સમાજમાં ઉચ્ચસ્થાન ધરાવનાર લોકો માટે માનવામાં આવે છે. મોટા હોદ્દા પર બિરાજી રહેલા ઓફિસરો અને અધિકારીઓ માટે આ ઇન્દ્રયોગ વિશેષ અનુકૂળ છે તેમ શાસ્ત્રોનું કથન છે. અધિકારીઓ સિવાય પણ આ વિશેષ સ્થાન પર જવા ઇચ્છુક લોકો માટે પણ ઇન્દ્ર યોગ દરમ્યાન કરેલ પૂજન યોગ્ય માનવામાં આવ્યું છે.

કુબેરનું સ્થાન:- દીપાવલીનાં દિવસની રાત્રીનો ત્રીજો પ્રહર તે કુબેરદેવને અર્પિત થયેલો છે. વ્યાપારીઓ દ્વારા આ યોગમાં કરેલ પૂજન તે વ્યાપારીઓની સર્વ ઈચ્છા પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોક્ત કથન છે. આ સમય દરમ્યાન વ્યાપારીઓનાં મુખ્ય બૈઠક પર કરાયેલું પૂજન અત્યંત ઇષ્ટ હોય છે તેમ કુબેરશાસ્ત્રમાં જણાવેલ છે. પરંતુ વ્યાપારીઓની મુખ્ય બૈઠક એટ્લે શું એ પ્રશ્ન સહજ રીતે થાય. કુબેર શાસ્ત્રમાં કહ્યું છે કે જે સ્થળ પર વ્યાપારી બેસીને પોતાનો વ્યાપાર ચલાવતો હોય તે જગ્યાને બૈઠક કહે છે દા.ખ કોઈ પોતાની દુકાનમાં ગાદી પર બેસે છે તો કોઈ ચેર પર બેસે છે, સમય અનુસાર બૈઠકમાં ભલે વિવિધતા આવી હોય પરંતુ આ બૈઠકની જગ્યા પર કરેલું દીપાવલી પૂજન લાભદાયક સિધ્ધ થાય છે. ઉપનિષદમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે અશ્વિન માસમાં લક્ષ્મી યોગ, કુબેર યોગ અને ઇન્દ્ર યોગ પોત પોતાના નામ અનુસાર ભક્તોને ફલ પ્રદાન કરે છે.  

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com.

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૩

 

 

 

સ્કાઉટ કેમ્પ.

સ્કાઉટ કેમ્પ.

હું, મિ.ચાર્લ્સ અને મિ.ફેક્સ અમે ત્રણેય સ્તબ્ધ થઈને ઊભા હતાં. અમારી આંખની સામે બહારની બાજુએ એક ફોરવ્હીલનાં અને બારીના ગ્લાસ તૂટેલા પડ્યાં હતાં, અને જ્યાં અમે ઊભા હતાં ત્યાં અમે એક વણનોતર્યા મહેમાનનો ફૂડ ઉપરનો એટેક જોઈ રહ્યાં હતાં. તેનાં અચાનક આવવાથી અમે ડઘાઈને સ્ટેચ્યુ બની ગયાં હતાં. તે મહેમાનને જોઈ મારા ગળામાંથી નીકળેલી ચીસ ગળામાં જ અટવાઈ ગઈ. થોડીવાર તો અમને સમજ જ ન પડી કે આગળ શું કરવું. પણ જેવો હોંશ આવ્યો તેમ ધીરે ધીરે અમે પાછળ પગલાં લેવાનું ચાલું કર્યું.

બોસ્ટનમાં હતી ત્યારે સ્કાઉટ કેમ્પમાં જવું એ મારું એક સ્વપ્ન રહેલું હતું. જ્યારે બીજા પેરેન્ટ્સને સ્કાઉટ કેમ્પની વાતો કરતાં સાંભળતી ત્યારે મને પણ એ કેમ્પમાં જવાનું મન થઈ આવતું. એ મારી ઈચ્છા ફિલાડેલ્ફિયામાં મૂવ થયા બાદ મારો એ પહેલો વિન્ટર સ્કાઉટ કેમ્પ “સોલ” સાથે થયો. સોલ મારો મોટો દીકરો. નામ તો સલિલ પરંતુ અમેરિકન લોકોને ભારતીય નામ સરસ રીતે ઉચ્ચાર કરતાં ખાસ ફાવતું નથી. આભા નામ હોય તેનું આબા બોલે, ધરતી નામ હોય તો ડરતી થઈ જાય, પ્રફુલ્લ નામ હોય તો પ્રાફુલ, પ્રિફૂલ વગેરે ઉચ્ચારો નીકળે, અને મને તો ઘણા બધાં નામો મળેલા છે. પૂર્વીને બદલે પરવી, બૂરવી, ફુરવી, ફરવી, ડર્બી, કિર્બી, કુર્બી, કર્બી, વગેરે….અને આ નામો હજુ પણ ચાલે જ છે. બહુ જ ઓછા અમેરિકન લોકો છે જેઓ મને મારા પરફેક્ટ નામે બોલાવે છે. જેવુ મારી સાથે થયું તેવું મારા દીકરા સાથે પણ થયું. તેઓને મારા દીકરાનું નામ (સલિલ) સારી રીતે બોલતા ફાવતું નહીં તેથી સેલીલ, સેએલીલ, સેએએલીલ, સેલી, સલી…..એમ કશુંક બોલાવ્યાં કરતાં. આખરે એક દિવસ તેઓએ તેમની રીતે રસ્તો શોધી લીધો અને મારા દીકરાને નવું નામ મળ્યું “સોલ્ટ”……જે છેલ્લે “સોલ” માં પરિવર્તિત થયું.

મારો એ પ્રથમ વિન્ટર કેમ્પ સોલ સાથે જ્યારે નક્કી થયેલો ત્યારે ઘણી બધી મમ્મીઓ સાથે હતી જેની સાથે હું પણ જોઇન્ટ થઈ. પરંતુ બન્યું એવું કે કેમ્પ શરૂ થાય તેનાં આગળનાં વીકમાં સ્નો પડ્યો તેથી ઠંડીનું પ્રમાણ વધી ગયું. આથી જ્યાં સુધી અમે કેમ્પનાં સ્થળે ભેગા થઈએ ત્યાં સુધીમાં એક પછી એક બધી જ મમ્મીઓ નીકળી ગઈ અને છેલ્લે રહી ગઈ હું એકલી અને મારી સાથે જોઇન્ટ થયાં 7 પપ્પાઑ અને 50 બાળકો. અમે સહુએ સ્કાઉટ કેમ્પ માટેનું સ્થળ સ્ટેટ ડેલાવરમાં નક્કી કર્યું હતું. આ અમારો કેમ્પ 1 વીકનો હતો. અમારે અમારા નાસ્તા માટે અને પીણાં માટે થોડી ઘણી વસ્તુઓ લઈ જવાની હતી જ્યારે લંચ ડિનર માટેની વ્યવસ્થા અમારા કોચ મિ. બ્રાઉન કરવાનાં હતા. મારા દીકરાના જેટલી જ અતિ ઉત્સાહિત એવી મે પણ બધાં ફાધરોની જેમ અમુક બાળકોની જિમ્મેદારી લઈ લીધી જેથી હું પણ એક નવો અનુભવ કરી શકું. સાચું કહું તો આ કેમ્પ મને બાળકો કરતાં મારા માટે વિશેષ લાગતો હતો કારણ કે જેટલો બાળકોને માટે અનુભવ હતો તેનાં કરતાં મારા માટે આ એક તદ્દન નવો જ અનુભવ હતો જેને હું એન્જોય કરવાની હતી. આખરે કેમ્પનાં દિવસે અમે બંને મા-દીકરા ડેલાવર સ્ટેટનાં કેમ્પસમાં પહોંચી ગયાં. અહીં અમારે માટે વુડસની અંદર 1918 માં બનેલું એક હિસ્ટોરિકલ લૉગહાઉસ અમારું સ્વાગત કરવા તૈયાર હતું..

અમે જ્યારે અમારા લૉગહાઉસમાં પહોંચ્યાં ત્યારે વિન્ટરને કારણે સાંજ વહેલી ઢળી ગયેલી હતી અને અંધકાર ધીરે ધીરે ધરતી પર ઉતારવા માટે બેતાબ થઈ ચૂક્યો હતો અમે પહોંચ્યા એ weekમાં આકાશ સ્વચ્છ હતું તેથી તારલિયાઓએ વહેલો વહેલો પ્રકાશ રેલાવવાનું ચાલું કરી દીધેલું અને તીવ્ર ઠંડી તો અમને એનાં આગોશમાં લેવાં તત્પર બની રહી હતી અને અમે જેટલા સ્વેટર કોટ, જેકેટ, હેન્ડગ્લોઝ, સોક્સ જે કંઇ લાવેલા તે બધું જ પહેરીને ઠંડીનો સામનો કરવા માટે તૈયાર થઈ ગયેલા.

લૉગહાઉસમાં પહોંચ્યાં બાદ અમને કોચ દ્વારા પહેલું કામ મળ્યું કે અમારામાંથી બે-ત્રણ એડલ્ટ લૉગ હાઉસમાં જ રહે અને જે ફૂડનો સામાન આવ્યો છે તેનું ધ્યાન રાખે, અને ખાસ કરીને ફૂડનો એરિયા ક્લોઝ કરીને રાખે કારણ કે ફૂડ ચોરાઇ જવાનો ભય છે કોચની આ સૂચના સાંભળીને મને થોડું અજુગતું લાગ્યું, તેથી હું વિચારવા લાગી કે હાઉસની આસપાસ કોઈ વસ્તી તો છે નહીં પછી કોણ ફૂડની ચોરી કરવાનું છે? અને બાકીનાં પેરેન્ટ્સ તેમજ બાળકોની સાથે વૂડ્સમાં જઈ સૂકી, ભીની જે કોઈ લાકડીઓ મળે તે લઈ આવવાની. આ લાકડીઓનો ઢગલો આઉટહાઉસ પાસે કરવાનો હતો જેથી ફાયરપ્લેસ માટે આ લાકડીઓ કામમાં આવી શકે. આ કાર્ય અમારે અમારા બાળકોનું ધ્યાન રાખતાં રાખતાં groupમાં જ કરવાનું હતું. હાઉસમાંથી નીકળતી વખતે અમને કોચની બીજી સૂચના મળી કે હાથમાં ટોર્ચ અને ઓઇલ લેમ્પ સાથે રાખવા જેથી કરીને ખાસ અંધારું ન થાય, અને કોઈપણ બાળકે કે પેરેન્ટ્સે એકલા પાછળ ન રહેવું હા અંધકાર હોય ટોર્ચ અને ઓઇલલેમ્પની વાત મને સમજાઈ પણ અંધારું ક્યાંય કરવું નહીં અને કોઈએ પાછળ એકલા ન રહેવું તે વાત મને ન સમજાઈ પરંતુ હું ચૂપ રહી. બધાની સાથે સાથે નીકળ્યાં બાદ આ સૂચનાઓ અંગે કોચને પૂછ્યું ત્યારે તેઓ કહે કે અહીં બેર, ફોક્સ, રેટલ સ્નેક, રેકુન વગેરેનું પ્રમાણ વધુ છે તેથી સાથે જ રહેવાની સૂચના આપી છે જો બધાં જ લોકો સાથે હોય તો બેર અને ફોક્સ હુમલો કરવા માટે અચકાય છે તેથી જેમ સાથે રહીએ તેમ વધુ સલામત રહી શકાય. વળી આપણાં નાસ્તા, ફૂડ વગેરે બહાર હોય તો બેર તેનાં પર પણ એટેક કરે છે માટે ફૂડ આઇટમ્સ બધી જ રૂમમાં પેક કરીને રાખી જેથી આપણી ગેરહાજરીમાં જો બેર લૉગહાઉસ પર એટેક કરે તો ફૂડ બચાવી શકાય અથવા એ ફૂડ ખાવામાં વ્યસ્ત હોય તો રૂમ છોડીને ભાગી શકાય. કોચની આ બેરવાળી વાત મારે માટે નવી હતી પરંતુ હું ચૂપચાપ સાંભળતી રહી. પરંતુ ઠંડી હોવા છતાં મને ગરમી લાગવા લાગી. કારણ કે હું ડરી ગઈ હતી. અહીં અમારા ઘરની આસપાસમાં ઘણા ફોક્સ નીકળતાં હોવાથી મને એટલી બીક નથી લાગતી છે પરંતુ બેર……એને તો મે આજ સુધી ફક્ત ઝૂમાં જ જોયેલા છે. હા અમેરિકામાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં બેર આમતેમ જ ફરતાં હોય જેમ આપણે ત્યાં ગીરની આસપાસનાં વિસ્તારમાં દીપડા, અને સિંહો આવી જાય છે તેમ જ અમેરિકાનાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં બેર સામાન્ય રીતે જોવા મળે છે ઘણી જગ્યાઓમાં બેર હુમલો કરતાં પણ જોવા મળે છે આથી પોલીસ એ બેરવાળા વિસ્તારમાં સતત ફરતી રહે છે જેથી કોઈ અનિષ્ટ ન બને. તે દિવસે અમે લાકડી, સળી, ડાળીઓ જે કંઇ મળે તે હાઉસમાં લઈ આવ્યા આ વસ્તુઓની સાથે અમારી પાસે ચારકોલ પણ હતો જેની મદદથી અમે ફાયરપ્લેસ શરૂ કર્યો. અમારા એક વીકનાં રહેવાસ દરમ્યાન અમારો એ ફાયરપ્લેસ ક્યારેય બંધ ન થયો અને અમને એ ફાયરપ્લેસ સખત ઠંડીની વચ્ચે બસ ગરમી આપતું ગયું.

ત્રીજા દિવસની મોડી બપોરનાં સમયે હું કૂકીંગમાં હેલ્પ કરવા માટે મારા બે સાથીઓની સાથે જોડાયેલી હતી. થોડીવારમાં જ બાળકોનાં ગ્રૂપ આવી જવાનાં હતાં. અમે અમારા કામમાં એટલાં મગ્ન હતાં કે અમને ખબર જ ન રહી કે અમારા ઘરમાં એક વણનોતર્યું મહેમાન પણ આવી ગયું છે. કદાચ તેણે આવતાંની સાથે જ ફોર વ્હીલ અને બારીનાં કાચ તોડ્યા હતાં પણ અમને આ વાતની જાણ ન રહી તેણે એકદમ બિલ્લી પગે અમારા કિચનમાં પગ મૂક્યો અને જ્યાંથી ફૂડની સુગંધ આવતી હતી તે દિશા તરફ ચૂપચાપ ચાલ્યો ગયો. જ્યારે ફૂડની જગ્યામાંથી ખખડબખડનો અતિશય અવાજ વધી ગયો ત્યારે અમારું ધ્યાન તે તરફ ગયું. પરંતુ પહેલા તો કોઈ બાળક હશે તેમ લાગ્યું પરંતુ સાઉન્ડનો અવાજ ખૂબ અલગ હતો તેથી અમે તે દિશા તરફ ચેક કરવા દોડી ગયાં. જેટલી ઝડપથી અમે તે દિશા તરફ ગયાં હતાં તેટલી જ ઝડપથી ઠંડા પડી ગયાં, મારી ચીસ મારા ગળામાં જ અટકી ગઈ અને હાથ ડરનાં માર્યા ફ્રીઝ થઈ ગયાં. કારણકે અમારી સામે બ્રાઉન બેર ઊભું હતું જે અમારા ફૂડને ખાવામાં મગ્ન હતું. અમારા પગરવથી તેણે પળભર ઊંચું જોયું, અને ફરી મો નીચું કરીને ખાવામાં મગ્ન થઈ ગયું પરંતુ અમને લાગ્યું તો માર્યા ઠાર તેથી મિ. ચાર્લ્સ અને મે પાછળ તરફ ભાગવા માટે પગ ઉપાડ્યા કે તરત જ મિ. ફેકસે અમારો હાથ પકડી લીધો અને ભાગીને નહીં પરંતુ શાંતિથી પાછલા પગે ત્યાંથી ખસી જવાનો ઈશારો કર્યો. પરંતુ રીંછને સામે જોતાં ત્યાં વધુ સમય ઊભા રહેવામાં માલ ન હતો તેથી બને તેટલી ઝડપથી અમે દરવાજા તરફ પગલાં ભરી રહ્યા હતાં. તે દિવસે અમારા નસીબ સારા હતાં કે રીંછભાઈ લેઈટ લંચ લેવામાં બીઝી હતાં તેથી અમે તે જગ્યામાંથી ભાગી છૂટવામાં સફળ થયાં. ઘર બહાર નીકળતાની સાથે જ મિ. ફેકસે સૌ પ્રથમ ઘરનો દરવાજો બંધ કર્યો અને તરત જ 911 ને કોલ કરીને જાણ કરી. 911 એ અમને જણાવ્યું કે આ ભાઈને ભગાડવા માટે હવામાં ગન ફાયર કરશો તો તે ભાગશે, અથવા તેની પાસે મધની સુગંધ હશે તો એ ત્યાંથી નીકળશે, પરંતુ સાથે સાથે સાથે એ પણ છે કે જ્યાં સુધી એ બધું જ ફૂડ સફાચટ કરી નહીં જાય ત્યાં સુધી એ બહાર નહીં નીકળે. પોલીસની વાત સાંભળીને અમે પૂરેપૂરા ડરી ગયાં હતાં કારણ કે હજુ બીજું ફૂડ અમે બીજા રૂમમાં મૂકેલું જ હતું અને તે રૂમનો દરવાજો પણ અધખુલ્લો હતો જો આ ભાઈ ત્યાં પધારી ગયાં તો ફૂડ તો બધુ જ જશે પણ તે પૂરું થાય ત્યાં સુધી ઘરની બહાર એ ન નીકળે તો ત્યાં સુધીમાં બાળકો પાછા આવી જશે અને આટલા બધાં લોકોને એકસાથે જોઈને રીંછ એટેક પણ કરી દે. તેથી મી. ફેકસે પોલીસને જણાવ્યું કે અમારી પાસે ગન નથી અને અમને નથી લાગતું કે અમે કશું જ કરી શકીએ તેમ છે. પોલીસે કહ્યું કે ડોન્ટ વરી આપના ફોન સાથે જ અમારી હેલ્પ નીકળી ગઈ છે અને તેઓ થોડીવારમાં જ ત્યાં આવશે પણ ત્યાં સુધી ઘરનો દરવાજો બંધ જ રાખજો.

પોલીસ સાથે મી.ફેક્સ સતત વાત કરતાં જતાં હતાં અને અમે વોકી ટૉકી દ્વારા ગ્રૂપના અન્ય મેમ્બરો સાથે કોંટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યાં જ પોલીસ કાર, પોલીસ વેન અને wlt ટ્રક્સનાં (પ્રાણીઓને લઈ જવા માટેનાં ખાસ ટ્રક્સ) અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. પોલીસે આવતાં સાથે જ અમને તે જગ્યાથી દૂર કરી દીધાં અને આખી જગ્યાને કોર્ડન કરી લીધી. ત્યારબાદ પોલીસની સાથે આવેલ વાઇલ્ડ લાઈફ સેન્ટરનાં ઓફિસરે ઘરનો દરવાજો ધીરેથી ખોલીને પોતાની ગનથી બેરને ઈંજેકક્ષન માર્યું અને ફરીથી તરત જ દરવાજો બંધ કરી દીધો. અચાનક ઈંજેક્ષન વાગવાથી બેર થોડું ખીજાયું, અને દર્દને કારણે ગુર્રાયુ પણ આજુબાજુ કોઈને ન જોતાં તે ફરી ખાવામાં મગ્ન બની ગયું.

લગભગ ૧ કલાક પછી અંદરથી આવતો અવાજનો ટોન બદલાઈ ગયો હતો. હવે અંદર બારણાં પર ધબ ધબ અવાજ આવતો અને બંધ થઈ હતો હતો, ક્યારેક વધુ ઘૂઘરાટ સાંભળતો અને ફરી બંધ થઈ જતો હતો. ધીરે ધીરે કરતાં આ ઘુઘરાટભર્યો અવાજ શાંત પડતો ગયો. બેરનાં શાંત થતાં જતાં અવાજની સાથે સાંજ પણ ઢળી ગઈ હતી. તે સમયે પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે બેર ઈંજેકક્ષનની અસરથી સૂઈ ચૂક્યું હતું. ત્યારબાદ પોલીસે તેનાં પગ અને મો ને બાંધી દીધાં અને સાથે લાવેલ wlt રૂપી પાંજરામાં લઈ ગયાં.

પોલીસની આ કામગીરી ચાલતી હતી ત્યાં સુધી અમારા બાળકો એક્ટિવિટીમાંથી પાછા ફર્યા ન હતાં. તેથી થોડી શાંતિ હતી પરંતુ હવે સફાઈનું કાર્ય અમારે માટે વધુ ગયું હતું તેથી અમે અમારા કામમાં લાગી ગયાં હતા. તે દિવસે મોડી રાત સુધી કેમ્પ ફાયર પાસે અમે બેરભાઈના ગુણગાન ગાતા અને બેર વિષેની અવનવી માહિતી મેળવી રહ્યાં હતાં ત્યારે બાળકોને અમારા બેર સાથેનાં અનુભવને મિસ કરી દીધો હોવાની લાગણી થતી હતી. કેમ્પમાં બેર સાથેનો આ મારો અનુભવ રોમાંચ સાથે ડરામણો રહ્યો. કદાચ એવું પણ બન્યું હોય કે આપણે જંગલી પ્રાણીઓથી અને તેઓ આપણાંથી અજાણ્યાં હોઈ એકબીજાથી ડરતાં હોઈએ પરંતુ અમારે નસીબે બેર આવતાંની સાથે જ તે લેઈટ લંચ લેવામાં મગ્ન થઈ ગયું હતું તેથી અમે બચી ગયાં હતાં. આ બનાવ બાદ બીજો એક પ્રસંગ બનેલો જેમાં બેરને ફરી નજીકથી જોવાનો મોકો મળ્યો પરંતુ એ પ્રસંગ ફરી કોઈવાર દોહરાવીશું. આજને માટે બેર સાથેની આ પ્રથમ મુલાકાત જ બસ છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૭

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૭                                                           

 પ્રિય સખી, 

શ્રી વલ્લભ વર છાંડિકે, ઔર દેવકો ધ્યાય

      તા મુખ પન્હૈયા કૂટિયે, જબ લગ કૂટીજાય

                       શ્રી વલ્લભ જબ લગ કૂટીજાય

તું મને પૂછતી હતી ને કે હું આપણા આ માર્ગને કૃષ્ણ કેડી શામાટે કહું છું? પણ હું આપણાં માર્ગને એટલા માટે કેડી કહું છું કે કેડીનો રસ્તો ભલે સાંકડો હોય પણ આપણા મુકામ સુધી તો તે આપણને દોરી જ જાય છે તેમ આ પુષ્ટિમાર્ગ કેરી કૃષ્ણ કેડી પર પડતા આપણાં પણ ધીરા અને નાના કદમો મક્કમતાપુર્વક શ્રી વલ્લભનાં ચરણારવિંદની અનન્યતા તરફ લઇ જાય છે પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય અને અસમર્પિત એ બન્ને મોટા દોષ છે. ઘણીવાર એવુ પણ બને છે કે સમજાવેલું અને સમજેલું હોવા છતાં ચંચળ મન શ્રી વલ્લભચરણારવિંદની અને પોતાના સેવ્ય પ્રભુ પરની આસ્થાને છોડી અન્ય દેવી દેવોને મોટા માની તેઓની પાછળ દોડે છે, તેમનો આશ્રય કરે છે, તેમની પાસેથી ફળ મેળવવાની આશાએ આમ તેમ જે ભટકયા કરે છે, અને તેમની આરાધના કરી પોતાના કાર્યની સિદ્ધિ માટે જપ, તપ, દાન, પુણ્ય,  તીર્થયાત્રા વગેરે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરી પોતાના સુખ સમૃધ્ધિની યાચના કરે છે, આ વૃતિને અન્યાશ્રય કહેવાય છે. આ સર્વે દોષ શ્રીઠાકોરજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના માર્ગમાં રહેલા સૌથી મોટા અવરોધરૂપ છે.વૈષ્ણવોએ  હમેંશા તેનાથી ડરવું જોઇએ. ૮૪ વૈષ્ણવના વાર્તા સાહિત્યમાં શ્રી દામોદરદાસ સંભરવાળાની વાર્તા આપણને અન્યાશ્રય તરફ સાવચેત કરે છે. કારણ કે અન્યાશ્રય સમાન બીજો કોઇ દોષ નથી તેથી આપણે જો રંચક પણ અન્યાશ્રય કરીએ તો સઘળો ધર્મ નાશ થાય, તેથી આપણે સદા-સર્વદા અન્યાશ્રયથી બચતા રહેવું.

 

આપણા શ્રી વલ્લભાચાર્યજીએ વિવેકધૈર્યાશ્રયગ્રંથમાં અન્યાશ્રયને ત્યજવાની આજ્ઞા કરી છે.  શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આવા અન્યાશ્રય કરનારા લોકોના સંગથી દુર રહેવું જોઇએ. શ્રી વલ્લભચરણારવિંદનો દ્રઢ આશ્રય કરનારા વૈષ્ણવો કયારેય સંસારમાં ભૂલા પડતાં નથી કારણકે શ્રી વલ્લભાચાર્યજીએ સ્વયં શ્રી ઠાકોરજીનું આ રસાનંદાત્મક સ્વરૂપ છે અને શ્રી વલ્લભની અંદર જ સંસારના સમસ્ત દેવદેવીઓ સમાયેલા છે વળી જે સંપૂર્ણ પણે વલ્લભાશ્રીત છે તેમનું માર્ગદર્શન સ્વયં શ્રી વલ્લભ કરે છે, તો પછી અન્ય દેવદેવીઓને પુજવાની શું જરૂર છે ખરી??ચાલ ત્યારે રજા લઉં શ્રી હરિરાયમહાપ્રભુજીએ અન્યાશ્રય દોષ વિષે શું કહ્યું છે તે વિષે તુ મનન કર ત્યાં સુધીમાં હું ૮ મી ટુંક સાથે હાજર થઇ જઇશ પણ એક વાત કહું સખી વૈષ્ણવે આપણા પ્રાણ રૂપ શ્રી વલ્લભના હમેંશા નામનું રટણ કરવું જોઇએ. ચાલ ત્યારે ફરી મળીશું આપણી એજ જુની કૃષ્ણ કેડી પર. 

પૂર્વી મલકાણ મોદીની સ્નેહ યાદ

Copyright ISBN-978-1500126087 

પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨ 

 

 

 

શ્રી ભાગવતજીનું અમૃત શરદપૂર્ણિમા.

શ્રી ભાગવતજીનું અમૃત  શરદપૂર્ણિમા.

અશ્વિની દેવોનાં મહત્વને વધારનાર અશ્વિન માસમાં નવરાત્રી પછી શરદપૂર્ણિમા આવે છે. શરદપૂર્ણિમા એ શરદ ઋતુનું પ્રતિક છે. શરદઋતુની આ પૂર્ણિમાને કોજોગરી ( લક્ષ્મીજીનું એક નામ ) પૂર્ણિમા અથવા કૌમુદીની પૂર્ણિમાને નામથી પણ ઓળખવામાં આવે છે. વેદોમાં કહ્યું છે કે આ પૂર્ણિમા આખા વર્ષની આવતી બધી જ પૂર્ણિમામાં સૌથી વધુ શ્રેષ્ઠ છે, જ્યારે ભૃગુ સંહિતામાં કહ્યું છે કે શરદ પૂર્ણિમાની રાત્રીનો પૂર્ણ ચંદ્ર એ સોળે કળાથી પરિપૂર્ણ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પૂર્ણિમાની રાત્રીએ ભગવતી લક્ષ્મી ભગવાન નારાયણ સાથે ભૂતલ પર આવીને વિહાર કરે છે. આ રાત્રીનો અન્ય એક ઇતિહાસ રાધા કૃષ્ણનાં મહારાસ સાથે પણ જોડાયેલો હોઈ આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોક સમુદાયમાં માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રમાંથી ચાંદની રૂપી અમૃત વર્ષા થાય છે. પરંતુ હકીકત એ છે કે આ રાત્રીએ ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય છે તેથી આ રાત્રીએ ચંદ્ર કિરણો પોતાના શીતળ કિરણોની સાથે સાથે પોતાની શીતળતા અને પોષક તત્વોનો વરસાદ પણ પૃથ્વી પર કરે છે.

 

આયુર્વેદમાં કહ્યું છે કે દૂધ એ માનવજીવન માટે સંપૂર્ણ શ્રેષ્ઠ આહાર છે જે પાચન તંત્રને શીતળતા આપવાનું કાર્ય કરે છે. મહર્ષિ ચરકે ચરક સંહિતામાં દૂધને અમૃત સાથે સરખાવેલ છે જ્યારે અક્ષત એટ્લે કે ચોખા એ પણ સંપૂર્ણ આહાર છે આથી મહર્ષિ ચરક કહે છે કે શરદ પૂનમની રાત્રીએ પૃથ્વીની નજીક રહેલા પૂર્ણ ચંદ્રમાંથી વરસતી શીતળ ચાંદની જ્યારે શીતળતા પ્રદાન કરનાર દૂધ સાથે મળે છે ત્યારે તે વધુ પોષણયુક્ત આહાર બની જાય છે. વ્રજ ઇતિહાસમાં શ્રી યશોદાજી બાલકૃષ્ણને કહે છે કે કાન્હ તને દૂધ શીતળતા આપશે, સાકર યુક્ત મીશ્રી તારા જીવનને માધુર્ય અને મીઠાશથી ભરી દેશે અને અક્ષત તારા શરીરને રાક્ષસો સામે લડવા માટે સક્ષમ બનાવશે. આમ બાલ કૃષ્ણને સમજાવીને માતા યશોદા કૃષ્ણને દૂધ, મિશરી અને ચોખા ખવડાવે છે. પરંતુ આયુર્વેદમાં કહ્યું છે કે દૂધ અને અક્ષતનું મિશ્રણ એ પાચનતંત્ર માટે પણ સારું છે, પરંતું આ રાત્રીએ દૂધ અને અક્ષતમાંથી બનાવેલ વાનગીમાં ચંદ્રકિરણો મળે ત્યારે તે અત્યંત પોષણયુક્ત થઈ જાય છે, અને જે વ્યક્તિ આ પોષણયુક્ત આહાર ખાય છે તે વ્યક્તિનું પણ સ્વાસ્થ્ય સારું થઈ જાય છે, આથી જ વૈદ્યો કહે છે કે શરદપૂર્ણિમાની રાત્રીએ દૂધપૌવા અને ખીરનો પ્રસાદ બનાવી તેને બે થી ત્રણ કલાક અથવા રાત્રીભર ચાંદનીનાં ધવલ પ્રકાશમાં રાખ્યાં બાદ જો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે તો તે આહાર પિત્તને સંબંધિત સમસ્ત શારીરિક વ્યથાઓ દૂર કરે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો શરદપૂર્ણિમાની રાત્રિએ દૂધ, અક્ષત, સાકર મિશરી, પૂનમનો ચંદ્ર અને ચંદ્ર કિરણો…..બધું જ ધવલમય અને શુભ્ર હોય છે. જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો ચંદ્ર એ મનને શીતળતા આપે છે જ્યારે મન શીતળ હોય ત્યારે હૃદયનાં સમસ્ત ઉષ્ણ ભાવો પણ શાંત થઈ બેસી જાય છે આથી નથી કોઈ ફરિયાદ રહેતી કે નથી કોઈ પરેશાની રહેતી આથી જ લોકમાન્યતા અને કહેવતો કહે છે કે પરેશાની કે ઉપાધિ હોય ત્યારે મનુષ્યએ ચંદ્રની જેમ ઠંડા થઈને વિચારવું જોઈએ.

 

વ્રજ ઈતિહાસમાં શરદ પૂર્ણિમાનાં બે પ્રસંગો બતાવેલા છે. પ્રથમ પ્રસંગમાં કહે છે કે વૃંદાવનમાં શરદ પૂનમની રાત્રીએ કૃષ્ણભક્તિમાં લીન તમામ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યાં અને પોતાનાં સ્વરૂપાનંદનું દાન કરી રાસલીલા કરી. આ રાસલીલા દરમ્યાન પ્રભુ શ્રી કૃષ્ણએ કામદેવનો ગર્વ ઉતારી તેમના પર વિજય મેળવ્યો છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે કામદેવનાં ગર્વની સાથે સાથે પ્રભુએ જીવરૂપી ગોપીઓનાં આત્મામાંથી વિકારરૂપી કામ, ક્રોધ, મદ અને મોહ વગેરેને દૂર કર્યા ત્યારબાદ પ્રભુએ સમસ્ત ગોપીઓ સંગે મહારાસ કર્યો છે. આથી જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ ઇતિહાસમાં કહ્યું છે કે “ગોપીજનોએ જે પ્રેમરસ શરદ પૂનમની રાત્રીએ પીધો હતો તે આત્મા અને પરમાત્માના મિલનની અદભૂત ઘટના છે”. શ્રી શુકદેવજીએ કહ્યું છે કે “શ્રીમદ્ભાગવતજીનું પ્રાણતત્વ તે શરદપૂર્ણિમાની રાત્રીએ પ્રભુએ રચેલ રાસલીલા છે”.

વ્રજ ઇતિહાસનાં બીજા પ્રસંગમાં કહ્યું છે કે આ દિવસે રાધાજીએ ભગવાન કૃષ્ણને પોતાના શિષ્ય બનાવીને તેમને નૃત્યની શિક્ષા આપવાનું ચાલું કર્યું હતું.

જમુના તટ્ટ, નિકટ બંશીબટ
              શરદ રૈન ઉજિયારી
હરિ કો નાચ શીખાવત
              કૃષ્ણ પ્રિયા રાધાપ્યારી.

રાધા કૃષ્ણની જેમ દક્ષિણ ભારતમાં પણ નૃત્યની શિક્ષા પ્રાપ્ત કરવા ઇચ્છુક શિષ્યો અને વિદ્યાર્થીઑ પોતાના ગુરૂ પાસેથી આર્શિવાદ મેળવીને પોતાની શિક્ષાનો પ્રારંભ કરે છે. આથી એમ કહી શકાય કે દક્ષિણ ભારતમાં શરદપૂર્ણિમાનાં દિવસને ગુરૂ શિષ્ય પરંપરાનો દિવસ માનવામાં આવે છે. વેદોમાં કહ્યું છે કે દેવોએ ચંદ્રને વનસ્પતિને રસમય બનાવવા માટે રાત્રીના સમયે પ્રકાશમાન થવાનો આદેશ આપ્યો છે, પરંતુ શરદ પૂનમની રાત્રીએ ચંદ્ર જ્યોત્સનામાં ન્હાઈને વનસ્પતિ સૌથી વધુ રસાળ બની જાય છે. જ્યારે ભગવત ગીતામાં  ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે

 

पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः।।

અર્થાત્ હું અમૃતમય ચંદ્ર બનીને સંસારની સમગ્ર વનસ્પતિને પુષ્ટ કરું છું. ઉપનિષદોમાં કહ્યું છે કે ચંદ્ર, શશી, શશાંક, સુધાંશુ, હિમાંશુ, શુભ્રાંશું, નિશાપતિ, મૃગશીર્ષ સ્વામી, કલાનિધિ, ઇન્દુ, સોમ, દિવાકર વગેરે નામ તેવા જ ગુણો ધરાવતો એવો આ સુધાકર સમગ્ર સંસાર પર પોતાની સુધા રૂપી અમૃત તો સદૈવ વરસાવતો જ હોય છે પરંતુ શરદની રાત્રીએ તે પોતાની સમસ્ત શુભ્ર જ્યોત્સનાને ઉલેચીને સમગ્ર સૃષ્ટિને પોતાની સુધામાં રસતરબોળ કરી દે છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com

એક એક્સ્ટ્રા પેમેન્ટ (નવી ક્ષિતિજનું દર્પણ)

એક એક્સ્ટ્રા પેમેન્ટ.

જ્યાં ઘર હોય ત્યાં મહેમાનોની અવરજવર હંમેશા રહે છે અને જે ઘરમાં અતિથીઑ આવતાં હોય તે ઘરને તો આપણે ત્યાં હંમેશા દેવસ્થાન તરીકે મહત્વ આપવામાં આવ્યું છે. તેમાયે મહેમાનોની વચ્ચે જ્યારે માતા-પિતાનું આગમન થાય ત્યારે તો સાક્ષાત દેવ પધાર્યા હોય તેવી લાગણી આપણે ત્યાં અનુભવાય છે આ લાગણીનાં વાતાવરણમાં ઘેર આવેલા માતપિતાને માટે એક્સ્ટ્રા પેમેન્ટ ભરવું પડે તેવું ક્યાંય સાંભળ્યું છે? ..

યુ.એસનું અમારું એ પ્રથમ ઘર, પ્રથમ વર્ષ અને એ દરમ્યાન થયેલો આ અમારો પ્રથમ સારો અનુભવ અને કટુ અનુભવ હતો. પરંતુ અનુભવ એ અનુભવ જ હોય છે સારો હોય કે ખરાબ હોય પરંતુ અનુભવો એ જીવનની એ વિશાળ બુક્સમાં એક ચેપટર બનીને સમાઈ જાય છે. આવાં જ એક અનુભવમાં અમુક સુંદર યાદો અને ગિફ્ટ પણ હતી જે અમને મિ એન્ડ મિસીસ ઝફરનનાં ઘરમાંથી મળી હતી, અને તે હતાં મારા બે બાળકો. મારા બંને બાળકો મિસીસ ઝફરનનાં ઘરમાં બોર્ન થયાં હતાં. જ્યારે મારા બંને બાળકોનો જન્મ થયો તે દરમ્યાન વખતે મારા મમ્મી અને બાબા પૂનાથી બોસ્ટન આવ્યાં હતાં. ડિસે 93 માં મિસીસ ઝફરનનાં ઘરે મને મારા પુત્ર રૂપી ભેંટ મળી અને 95 માં મારી વહાલી દીકરીને વખતે તેઓ પાછા મને સપોર્ટ કરવા માટે આવ્યાં. આમ બંને વાર જ્યારે તેઓ બોસ્ટન આવ્યાં ત્યારે અમારી ખુશીમાં ખુશ થનાર મિસીસ ઝફરન પણ હતાં. જે વ્યક્તિ મારી ખુશીમાં ખુશ થઈ શકે તે વ્યક્તિ માત્ર એક ધર્મને માટે બદલાય જાય તે વાત માનવી મારે માટે અશક્ય હતી પરંતુ સચ્ચાઈ એજ હતી કે બહાઈ ધર્મ અંગીકાર ન કરવા માટે મિ અને મિસીસ ઝફરનની નારાજગી રૂપે અમારે એ ઘર છોડવું પડ્યું હતું.

મિ અને મિસીસ ઝફરનની નારાજગીની પ્રથમ ચેતવણી અમને રેન્ટ વધારા રૂપે મળી જેનો અમે સહર્ષ સ્વીકાર કર્યો અને એ ઘરમાં રહેવાનુ ચાલું જ રાખ્યું આ દરમ્યાન તેમનાં તરફથી અમને બહાઈ ધર્મ સ્વીકારી લેવા માટે કહેણ આવતું રહ્યું. પરંતુ આ પ્રસંગ બાદ તેમની ધર્મ મિટિંગમાં જવાનું બંધ કરી નાખ્યું વળી હવે મારી પાસે બહાનું પણ તૈયાર જ હતું કે મારા બંને બાળકો નાના છે સાથે આઈ અને બાબા છે તેથી હવે ધર્મ મીટિંગમાં જોઇન્ટ થઈ શકાય તેમ નથી. મારી વાત સાંભળીને હવે તેઓ મારા મમ્મી અને બાબા પાસે આવીને તેમનાં ધર્મની વાતો કરતાં અને કહેતા કે આપ લોકો પણ ધર્મની મિટિંગમાં જોઇન્ટ થાવ અને પૂરવીને પણ કહો કે એ આવે જો ધર્મની મિટિંગમાં નહીં આવે તો હૃદય કેવી ક્લીન થશે? પરંતુ મારે માટે હૃદયને ક્લીન કરવા માટે ધર્મમિટિંગમાં જવું જરૂરી ન હોઈ હું એમની વાતને અવગણતી હતી. ક્યારેક મિસીસ ઝફરનનાં આગ્રહને વશ થઈ આઈ પણ મને સમજાવતાં અને કહેતા કે બેટા ફક્ત મિટિંગમાં જવામાં શું છે? તું તારે જા બાળકોને હું સાચવી લઇશ. પરંતુ હું હવે એ મિટિંગ એટેન્ડ કરવા તૈયાર ન હતી જે ધર્મ બીજા ધર્મને બદલવા માટે લોકોનાં વિચારોને બદલે છે તેવો ધર્મ મને ક્યારેય સમજવો ન હતો તેથી ફરી એ મિટિંગો મે શરૂ ન કરી. તદ્પરાંત મને લાગતું હતું કે હું એ મિટિંગમાં નહીં જાઉં તો જે વાતો શરૂ થઈ છે તેનો અંત આવી જશે. પરંતુ મારું એ વિચારવું જ કદાચ મારી ભૂલ હતી અને કદાચ હું સાચી પણ હતી. મિ અને મિસીસ ઝફરનની પોતાના ધર્મનો ફેલાવો કરવાની અભિલાષા પર અમે પાણી ફેરવી દીધેલું હોઈ તેમની અમારે માટેની ઘણી અપેક્ષાઓ તૂટી પડી હતી જેને કારણે અમારી વચ્ચેનો મિત્રતાનો સંબંધ પણ તૂટી ગયો હતો અને અનેક પ્રોબ્લેમનો ઉદ્ભવ અમારી વચ્ચે થઈ રહ્યો હતો જેની અમે નોંધ લીધી. આ પ્રોબ્લેમો વધતાં એક દિવસ અમે થાકીને એ ઘર ખાલી કરીને બીજી જગ્યાએ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. ઘર ખાલી કરવાનું બીજું કારણ એ પણ હતું કે મનદુઃખ થયા બાદ તે ઘરમાં રહેવું અમારે માટે પણ મુશ્કેલ હતું તેથી અમે નવા ઘરની શોધ ચાલું કરી.

અમારું આ નવું ઘર ન્યૂહેમ્પશાયર સ્ટેટમાં હતું. અમે મિ અને મિસીસ ઝફરનને પણ સૂચિત કરી દીધું કે અમે આ ઘર છોડી રહ્યાં છીએ. અહીં અમારી મૂવ થવાની તૈયારીઓ ચાલવા લાગી હતી તે દરમ્યાન એક દિવસ મિ ઝફરન ઘરે આવ્યાં અને કહેવા લાગ્યાં કે તમે અમારા ઘરે રહેવા આવ્યાં ત્યારે તમે જણાવેલું નહીં કે તમારે ત્યાં તમારા માં-બાપ રહેવા માટે આવશે આથી આપે આપનાં પેરેન્ટ્સ બે વાર આવ્યાં હોવાથી તેનો અલગ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે. મારા પતિએ કહ્યું કે હા એ વાત બરાબર છે કે મે આપને એમ ન કહેલ કે મારા પેરેન્ટ્સ આવવાનાં છે પરંતુ મે આપને જણાવેલ કે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હોવાથી ઈંડિયાથી કોઈ રિલેટિવ્સ આવશે અને ઘર હોય તો ઘરે જે ગેસ્ટ આવે તો તેનો અલગ ચાર્જ થોડો હોય? આ ઘર છે લોજ કે મૉટેલ નથી અને અમે પણ જ્યારે ઘર આપની પાસેથી રેન્ટ પર લીધું ત્યારે આપે જણાવેલ નહિઁ કે ઘરે આવતાં મહેમાનો માટે પણ આપ અલગથી ચાર્જ લેશો, તદ્પરાંત અમે જે રેન્ટલ માટે ઘરનાં પેપર સાઇન કર્યા છે તેમાં પણ એવું કશુંયે લખ્યું નથી કે ઘરે મહેમાન આવે તો અમારે અલગ રેન્ટ ભરવું પડશે. ત્યારે મિ. ઝફરન કહે કે અમારું ઘર છે તેથી અમને જે ચાર્જ લેવો હોય તે લઈ શકીએ આપ તો આપનાં પેરેન્ટ્સની જ વાત કરો છો પરંતુ આપ અમારા ઘરમાં આવ્યાં ત્યારે અમે આપની વાઈફને મળેલા પરંતુ અમારા ઘરમાં આપે એક નહિઁ બે બાળકોને જન્મ આપ્યો છે માટે આપે આપના પેરેન્ટ્સ અને એક બાળક જે હમણાં થોડા સમય પહેલા જ બોર્ન થયું છે તેનો પણ ચાર્જ ભરવો પડશે. મિ. ઝફરનની વાત સાંભળીને અમે ઘણાં જ અવાચક બની ગયાં. એનાં ઘરમાં જન્મેલ નવા બાળકનો ચાર્જ? મિ. ઝફરનનું કહેવું હતું કે જ્યારે તમે અમારા ઘરમાં રહેવા આવ્યાં હતાં તે સમયે તમે ત્રણ જણા હતાં પરંતુ અહીંથી જતી વખતે તમારા પરિવારમાં બીજા બે બાળકનો ઉમેરો અમારા ઘરમાં થયો છે. તેમની વાત સાંભળીને અવાચક થઈ ગયેલા અમે તેમની સામે જોઈ જ રહ્યાં. મિ. ઝફરનની વાત સાંભળીને મને એ જૂના દિવસ યાદ આવી ગયાં જ્યારે મારા ત્રણે બાળકોને જોઈ તેઓ ખુશ થતાં બોલેલા કે પૂર્વી મારા આ જ ઘરમાં મારા ત્રણે બાળકોનો જન્મ થયો હતો અને હું ખુશ છું કે મારા આ ઘરમાં તને બીજા બે બાળકોની ભેંટ મળી છે. પરંતુ મારી ખુશીમાં ખુશ થનાર એ પ્રેમાળ મિત્રો ધર્મ વિષેની વધુ પડતી અપેક્ષામાં ક્યાંય પાછળ રહી ગયાં હતાં તે હું જોઈ રહી હતી. તેમની સાથે જેટલી દલીલ થઈ રહી હતી તે બધી જ દલીલ વ્યર્થ થઈ રહી અને તેઑ આનો ચાર્જ, તેનો ચાર્જ …..કહી પોતાની માગણી વધારતાં જતાં હતાં. તેથી અમને સમજ જ પડતી ન હતી કે આગળ હવે શું કરવું. આ પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે અમે અમારા મિત્ર સાથે વાત કરી તેમણે કહ્યું કે આ પરિસ્થિતીમાંથી નીકળવા માટે આપ કોર્ટમાં જઈ શકો છો. તે મિત્રની વાત બરાબર હતી પરંતુ આ દેશમાં અમે નવા હતાં તેથી અમને કોર્ટમાં જવું બરાબર ન લાગ્યું તેથી મિ. ઝફરનને અમે અમારા પેરેન્ટ્સ અને બાળકોનું મળીને 1300 ડોલરનું એક્સ્ટ્રા પેમેન્ટ ચૂકવી દીધું. જ્યારે અમે નીકળી રહ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું કે બહાઈની મૂલ્યતા તમે સમજ્યા હોત તો વધુ સારું થાત. પરંતુ અમને એ એક એક્સ્ટ્રા પેમેન્ટ મંજૂર હતું પરંતુ ધર્મ પરીવર્તન મંજૂર ન હતું. હું આજેય મારા ઠાકુર સાથે ખૂબ ખુશ છે. પરંતુ ધર્મ પરીવર્તન કરાવનાર અને તેવા લોકોની આજેય દુનિયામાં કમી નથી. પરંતુ માત્ર આ એક વ્યક્તિની ધર્મ વિષેની વધુ પડતી અપેક્ષાને કારણે હું એટલી સરળતાથી બીજા ધર્મ પરની શ્રધ્ધા ગુમાવવાની ન હતી તેથી ધર્મ અંગેની જાણવાની મે મારી સફર ચાલું રાખી જેને કારણે ભવિષ્યમાં વધુ એક ધર્મ પરીવર્તન કરાવનાર વ્યક્તિ સાથે પાલો પાડવાનો હતો પરંતુ તે ભવિષ્ય માટે હું હજુ અજાણ હતી. તેથી બને તેટલી ઝડપથી બોસ્ટનનું ઘર ખાલી કરીને અમે નવા ઘરમાં મૂવ થઈ ગયાં. મિ. ઝફરનનાં ઘરમાં રહેલ અમારી થોડી સારી યાદો સાથે આ એક કટુપ્રસંગની યાદ પણ કેદ થઈ ગઈ જેને ક્યારેય હું ભૂલી શકું તેમ ન હતી. બોસ્ટનનું આ ઘર છોડયા બાદ અમે બીજા ત્રણ ઘર બદલ્યા. જ્યાં જે ઘરમાં ગયાં તે ઘરની દિવાલોએ અમને અમારા બાળકો, અને પેરેન્ટ્સ સહિત પ્રેમથી પોતાની ગોદમાં સમાવી લીધા પરંતુ ક્યાંય અમે અમારા પેરેન્ટ્સ માટે એક્સ્ટ્રા ચાર્જ પણ ભર્યો નથી, અને જેવો મિ. ઝફરનનાં ઘરે જે અનુભવ થયો તેવો અનુભવ પણ અમને ક્યાંય અને ક્યારેય થયો નથી.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

Copyright ISBN-978-1500126087 

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૬

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું-૬                                                           

પ્રિય સખી,

શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં મત બોલ

 જબ હરિજન ગ્રાહક મિલે, તા આગે તૂ ખોલ

 શ્રી વલ્લભ તા આગે તૂ ખોલ. 

અરે શું વાત છે સખી!!!!!!!આજે મારી પહેલા તું કૃષ્ણ કેડી પર આવી ગઇ???? હં લાગે છે કે “શ્રી વલ્લભ સાખીનો અગાધ વારિ સમુદ્ર” હવે તને પણ પ્રિય લાગવા લાગ્યો છે…. હેં …ને!!!!!!તું જાણે છે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે તન, મન અને વાણીથી શ્રી વલ્લભનું નામ લેવું  જોઇએ અને લેવડાવવું જોઇએ, પણ શ્રી વલ્લભનું નામ ગમે તે વ્યક્તિઓ પાસે ન લેવું જોઇએ. સત્સંગ એવા જીવ પાસે કરો જેમને શ્રી વલ્લભનાં નામનો પારસમણિ મળ્યો હોય. જે જીવ લાયક નથી તેની પાસે શ્રી વલ્લભનું નામ લેવાનો કોઇ અર્થ જ નથી. કડી- અમદાવાદવાળા પરમ.પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી વલ્લભકુલનંદન શ્રી દ્વારકેશલાલજી મહારાજ કહે છે કે ભેંસના ગળામાં લાખ રૂપિયાનો હિરો લટકતો હોય પણ ભેંસને માટે તે હિરાનું મહત્વ એક પથ્થરથી વિશેષ કંઇ નથી તેમ જેમને વલ્લભ નામ તણાં પારસમણિની ખબર જ ન હોય તો તે આ વલ્લભનામ તણાં પારસમણિનુ શું મુલ્ય આંકી શકવાનો છે??.અષ્ટસખામાનાં એક સખા શ્રી પરમાનંદદાસજીને એકવાર થોડા વૈષ્ણવો મળવા ગયા ત્યારે તેમને શ્રી પરમાનંદદાસજીએ આઇયે મેરે નંદનંદન કે પ્યારે એમ કહીને વૈષ્ણવોનું સ્વાગત કર્યું. વૈષ્ણવો પૂછયું કે પરમાનંદદાસજી અહીં તમે અમને મીઠો આવકાર આપો છો પણ મંદિરમાં તો અન્ય લોકો સાથે કાંઇ ભગવદ્ વાર્તાલાપ કરવા માટે પણ તૈયાર થતાં જ નથી, ત્યારે પરમાનંદદાસજી કહે વૈષ્ણવો ભગવદ્ નામ કયાં લેવુ, કોની સાથે લેવુ તે જાણવું પણ જરૂરી છે મંદિરમાં શ્રી ગુરૂચરણ હાજર હોય ત્યારે તેમનાં વચનામૃત સાંભળવાં જોઈએ અને ગુરૂ ચરણ જો હાજર ન હોય તો વૃથા અસદાલાપ કરી વાણીનો વ્યય કરવો નહીં. પ્રિય સખી કેટલી સાચી વાત છે ને શ્રી વલ્લભ નામ કેટલું પવિત્ર છે અને આટલા પવિત્ર નામને છોડીને એવો કોણ મુર્ખ હશે જે અન્ય દેવનું ભજન કરતો હશે કે “અન્યાશ્રય” કરતો હશે??પણ મારા ખ્યાલ મુજબ અન્યાશ્રય કરનારા લોકોથી આપણે દુર જ રહીયે તો વધુ સારું કેમ  ખરૂં ને..?ચાલ ત્યારે રજા લઉં ફરી મળીશું આપણી આજ કૃષ્ણ કેડી પર ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ. 

પૂર્વી મલકાણ મોદીની સ્નેહયાદ સહ____

કોપીરાઇટ ISBN-978-1500126087
પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨ 

બહાઈ ધર્મ (નવી ક્ષિતિજનું દર્પણ)

બહાઈ ધર્મ (નવી ક્ષિતિજનું દર્પણ)

બહાઈ આ શબ્દ બહા Bahá’u’lláhનાં અનુયાયી માટે અને આસ્થાનાં વિશેષણ તરીકે વપરાય છે. Bahá’u’lláh શબ્દ તે અરેબિક શબ્દ Bahá માંથી તારવેલ છે જેનો અર્થ વૈભવ થાય છે. Bahá’u’lláh થી Bahaismશબ્દ અસ્તિત્વમાં આવેલ છે. પરંતુ સામાન્ય ભાષામાં બોલવામાં સરળતા રહે તે હેતુથી Bahaism બહાઈ ધર્મનાં નામે વધુ પ્રચલિત છે. શરૂઆતમાં ઇસ્લામ ધર્મનાં જ એક ભાગ રૂપે નિર્વાણ થયેલ આ ધર્મ હવે એક સ્વતંત્ર ધર્મ છે. બહાઈ ધર્મ ઈશ્વરની, ધર્મની અને માનવજાતની એકતા એમ મુખ્ય ત્રણ સિધ્ધાંતો પર આધાર રાખે છે. બહાઈ ધર્મ માને છે કે સમયાનુસાર બહાઈ ધર્મનાં ઉપદેશો અને સિદ્ધાંતનો દિવ્ય સંદેશવાહક પૃથ્વી પર આવે છે તે જ સંદેશવાહક ઈશ્વરનો અવતાર છે. આ ધર્મને સૌથી સૌથી નાના ધર્મ તરીકે અને સૌથી નવો ધર્મ માનવામાં આવે છે.

મારા પતિ ગોદરેજમાં કામ કરતાં હતાં. ૧૯૯૩માં કંપનીમાંથી અમુક વર્ષ અમારે બોસ્ટન જવાનું થયું. બોસ્ટનમાં અમે અમારા પહેલા લેન્ડલોર્ડ મિ એન્ડ મિસીસ ઝફરનને મળ્યાં. યુ એસમાં આવતાંની સાથે જ બહાઈ ધર્મને માનનારો આ પ્રથમ પરિવાર હતો જેની સાથે અમારો પરિચય થયો હતો અને સમયાંતરે તેમની સાથે (કદાચ) નવી મિત્રતા પણ થઈ હતી. જેમાં બહેન કાશ્મીરી હતાં અને તેમનાં પતિ ઈરાની હતાં. અમે તેમનાં ઘરને રેન્ટ ઉપર લીધું અને એમનાં ઘરમાં મૂવ થયાં. એમના ઘરે મૂવ થયાં બાદ અમારે તેઓને અવારનવાર મળવાનું થતું હતું. એક દિવસ મિસીસ ઝફરન અમને મળવા આવ્યાં ત્યારે વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમને ઘેર દર મહિનાનાં ત્રીજા શનિવારે ધર્મની મિટિંગ થાય છે શું આપ તે મિટિંગ એટેન્ડ કરવા માંગો છો? તે સમયે મને મારી આ નવી સફર ખૂબ રોમાંચક લાગતી હતી ઉપરાંત આ નવી સફર દરમ્યાન અવનવાં લોકોને મળવાનું તેમનાં ધર્મો વિષે જાણવાની મને ખૂબ ઉત્સુકતા રહેતી હતી તેથી તેમનાં આમંત્રણને અમે મિત્રભાવે સપ્રેમ સ્વીકારી લીધું.

અમે દર મહિનાનાં ત્રીજા શનિવારે મિસ ઝફરનનાં ઘેર જઈ તેમને ત્યાં આવેલા વિવિધ ધર્મો વિષે જાણવાનું શરૂ કર્યું. તેઓ પણ થોડું તેમનાં ધર્મ (બહાઈ) વિષે બતાવતાં અને થોડું હું આપણાં હિન્દુ ધર્મ વિષે બતાવતી. જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ તેઓને ત્યાં આવતાં મહેમાનો હિન્દુ ધર્મથી વધુને વધુ પરિચિત થવા લાગ્યાં આથી તેઓ મને આગ્રહ કરતાં કે હિન્દુ ધર્મમાં ઘણી જ Mythological સ્ટોરીઓ હોય છે તે વિષે પણ તેમને થોડું જાણવા મળે. તેમની ઈચ્છાઓ જાણીને મને લાગતું કે તેમને આપણાં હિન્દુ ધર્મ વિષે વધુ જાણવાની ઉત્સુકતા છે તેથી હું પણ તેમને એટલા જ ઉત્સાહથી આપણી સંસ્કૃતિથી માહિતગાર કરાવતી હતી. એક તરફ મને જ્યાં લાગતું હતું કે તેઓ હિન્દુ સંસ્કૃતિને વધુ જાણવા માંગે છે ત્યાં તેમની એક અન્ય વાતથી અજાણ હતી કે મિ. અને મિસીસ ઝફરનની ઈચ્છા હતી કે અમે બહાઈ ધર્મની દીક્ષા લઈ લઈએ આથી તેઓ વારંવાર મારા પતિને પૂછતાં રહેતાં હતાં કે હવે તમારે બહાઈ ધર્મની દીક્ષા ક્યારે અંગીકાર કરવી છે? ત્યારે મારા પતિ તેમને કહેતા કે પૂર્વી જે ધર્મમાં રહેશે તે ધર્મમાં હું સરળતાથી સમાઈ જઈશ. આ સાંભળીને મિ. અને મિસીસ ઝફરનને એક વાત સમજાઈ ગઈ હતી કે તેમનાં ધર્મનો ફેલાવો કરવા માટે મારા પતિ કરતાં વિશેષ મારી હા ની જરૂર છે આથી તેઓએ મારી ઉપર પ્રેશર નાખવાનું શરૂ કર્યું. વારંવાર તેમનાં બહાઈ મિલન, બહાઈ ગુરુઓ વગેરે સાથે મને મેળવવાનું શરૂ કર્યું. મિ અને મિસીસ ઝફરનનાં સાચા ઉદેશ્યથી અજાણ એવી હું સૌને પ્રેમથી મળતી. હું જ્યારે તેમને મળતી ત્યારે તેઓ મને હંમેશા કહેતા રહેતાં કે હિન્દુ ધર્મમાં એવું કંઇ ખાસ નથી જેને કારણે તું આટલા વર્ષોથી હિન્દુ ધર્મની આંટીઘૂંટીમાં ફરી રહી છો. હિન્દુ ધર્મ કરતાં બહાઈ ધર્મ વધુ સારો છે તેવું તને નથી લાગતું? આટલા મહિનાઓથી તું અમારે ત્યાં મિટિંગમાં આવે છે ત્યારે તને ચોક્કસ બહાઈ ધર્મ વિષે વિશેષ લાગણી થતી હશે કેમ ખરું ને….? વગેરે વગેરે વાક્યાર્થથી તેઓ મને બહાઈ ધર્મની વિશેષતાથી અભિજ્ઞ કરાવતાં રહેતાં. પરંતુ હું તેમની એ વાતોને હસીને કાઢી નાખતી. પરંતુ મને નવાઈ લાગતી કે તેઓ આ રીતે કેમ વાત કરે છે? આથી એક દિવસ મે મારા પતિને આ વિષે વાત કરી તે દરમ્યાન તેઓએ મને તેમની ઈચ્છા અને અપેક્ષાથી માહિતગાર કરી અને કહ્યું કે જો તને આ ધર્મપરિવર્તનનાં વિષયમાં રસ ન હોય તો તેમની સાથે હવે ધર્મ ઉપરની વધુ ચર્ચાઓ તારે ટાળવી જોઈએ. મારા પતિની વાતને ધ્યાનમાં રાખીને મિસીસ ઝફરન સાથેની ધર્મ ઉપરની મારી ચર્ચાઓ ઓછી કરી નાખી અને તેમનાં ઘરે ધર્મ મિટિંગમાં પણ જવાનું બંધ કરી દીધું. કદાચ મારી ધર્મ પરિવર્તન અંગેની અનિચ્છા વિષે તેમને જાણ થઈ ગઈ હશે તેથી સમયાંતરે તેઓ જ્યારે પણ મારા પતિને મળતા ત્યારે તેમને કહેતા કે બહાઈ ધર્મ જેવો ઉત્તમ ધર્મ કોઈ નથી. બહાઈ ધર્મ આપની રાહ જોઈ રહ્યો છે અને અમે પણ આપને અમારા ધર્મમાં સમાવવા ઉત્સુક છીએ તેમ તેઓ વાત કરતાં. તેમની વાત સાંભળીને મારા પતિ કહેતાં કે પૂર્વી જ્યારે બહાઈ ધર્મમાં આવવાની હા કહેશે ત્યારે હું પણ આવી જઈશ પરંતુ , પૂર્વી ઉપર ધર્મ માટે મે ક્યારેય કોઈ પ્રકારનું પ્રેશર કર્યું નથી કારણ કે તેને તેની પોતાની અમુક શ્રધ્ધાઓ છે જેમાં હું પણ અંદર પ્રવેશી શકતો નથી. આથી બહાઈ ધર્મ અંગીકાર કરવો કે નહીં તે વિષેનું મંતવ્ય હું તેનાં પર જ છોડું છું અને આપ પૂર્વી સાથે જ આ વિષય ઉપર ચર્ચાઓ કરશો તો આપ તેનાં વિચારોને સારી રીતે જાણી શકશો. વારંવાર મારા પતિ અને મારી સાથેની બહાઈ ધર્મનાં અંગીકાર માટેની થયેલી વાતચીતનું કોઈ રિઝલ્ટ ન આવતાં તેઓ નારાજ થઈ ગયાં હતાં. એક દિવસ આખરે તેઓએ મને પૂછ્યું કે તને બહાઈ ધર્મ અંગીકાર કરવામાં શો પ્રોબ્લેમ છે?.. તું જ્યારે પણ બહાઈ મિટિંગમાં જોઇન્ટ થાય છે ત્યારે તને બહાઈ ધર્મ શું આનંદ નથી આપતો? તને નથી લાગતું કે બહાઈ ધર્મ ઘણો જ મોર્ડન છે? તેમની વાત સાંભળી મે તેમને કહ્યું કે આપનો ધર્મ મને ચોક્કસ આનંદ આપે છે અને મને પણ આપના ધર્મમાંથી ઘણું જ નવું નવું શીખવાનું મળ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે જે ધર્મએ મારી દૃષ્ટિ વિશાળ બનાવી છે તે ધર્મ જ હું છોડી દઉં.  ઉપરાંત એક વાત એ પણ છે કે મને મારા ઠાકુરજી જે આનંદ આપે છે તે આનંદ મને આપના બહાવુલ્લા નથી આપી શકતાં. શા માટે? તેમણે પૂછ્યું. કારણ કે અમારા ઠાકુર તે બાળક છે અને આપના બહાવુલ્લા દાદા છે અને જે બાળક આપી શકે તે ઉંમરલાયક વ્યક્તિ ન આપી શકે તેવું મારું માનવું છે. લાંબી વાતચીતનાં અંતે તેમને ખ્યાલ આવી ગયો કે મારી હિન્દુ ધર્મમાં શ્રધ્ધાનાં મૂળ બહુ ઊંડા છે તેને સરળતાથી હલાવી શકાય તેમ નથી આથી તેઓ કહે કે જો તમે અમારો બહાઈ ધર્મ સ્વીકારવા તૈયાર થયા હોત તો અમે વધુ ખુશ થાત તેમ કહી તેઓ નારાજ થઈ ચાલવા લાગ્યાં.

આ પ્રસંગ બન્યાં બાદ તેમનાં વર્તનમાં ઘણો જ ફર્ક આવી ગયો. ગઇકાલ સુધી જે અમારા મિત્ર હતાં તેમની મિત્રતાનાં પૂર હવે ઓસરી ગયાં હતાં. પરંતુ આ પ્રસંગે મને વિચારતી કરી મૂકી હતી કે શું ધર્મ બીજા ધર્મને ન સમજવા માટેની રજા આપે છે કે? શું એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પરિવર્તિત થવાથી જ આપણાં ધર્મનો ફેલાવો થાય છે કે કેમ? શું અન્ય ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિ સાથે સ્વસ્થ સમજભર્યા સંબંધો રાખી શકાતાં નથી ? શા માટે આપણી અપેક્ષાઓનો ભાર એટલો બધો વધી જાય છે કે જેને કારણે પ્રેમથી બનાવેલા સંબંધોમાં કટુતા આવી જાય છે ? પરંતુ તે સમયે મારા આ સવાલોનાં કોઈ જ જવાબ ન હતાં. આ પ્રસંગ બન્યાં બાદ મને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે આ કટુસંબંધોને કારણે હવે અમારે વહેલું કે મોડુ નવાં ઘરની તલાશ કરવી પડશે, વળી અમે અમારી નવી ક્ષિતિજ તરફ જે પગલાં લીધેલા હતાં તેમાં આ સ્થળ એક સ્ટેશન હતું. પરંતુ કદાચ હવે આ સ્ટેશનને છોડવાનો સમય આવી ગયો હતો તેથી તેથી હું મૂક નજરે તેમને જતાં જોઈ રહી.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com
કોપીરાઇટ ISBN-978-1500126087

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૩

બ્રહ્માજીની મનોકામના અને શ્રી લાડલીજીનું મંદિર

બ્રહ્માજીની મનોકામના અને શ્રી લાડલીજીનું મંદિર.

 

બ્રજ ચોરાસી કોસમેં, ચાર ગાંવ નિજધામ।
બૃંદાબન અરુ મઘુપુરી, બરસાનો નંદગામ।।

 

ભૂમિ પર અસૂરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હતો. ભૂમિ પર રહેલું જનજીવન અને ઋષિમુનિઓ અસૂરોના ત્રાસથી ત્રાહીમામ ત્રાહીમામ પોકારી રહ્યાં હતાં. માતા ભૂમિ અને ભૂમિવાસીઓના દુઃખ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લેવાનું નક્કી કર્યું. સારસ્વત યુગના પૂર્વાર્ધે અને ભગવાન વિષ્ણુનું ભગવાન કૃષ્ણ તરીકેની લીલાનાં પ્રારંભ થતાં પૂર્વે પરમ પિતા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે વૈંકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે હે આદીનારાયણ આપ દરેક કાળમાં ધર્મનાં ઉત્થાન અંગે નવો નવો અવતાર ધારણ કરો છો અને દરેક અવતારને હું બ્રહ્મલોકમાંથી નિહાળી પ્રસન્ન થાઉં છું. પરતું હે નારાયણ આ વખતે મારી ઈચ્છા છે કે આપ જ્યારે ભગવાન કૃષ્ણ તરીકે આપની લીલાનો પ્રારંભ કરો ત્યારે આપની લીલાનો હું પણ આનંદ પણ લઇ શકું અને ખાસ કરીને આપની શક્તિ સ્વરૂપા શ્રી રાધાજી અને આપના સખી મંડળ સાથેની આપની લીલાને હું સાક્ષીભાવે સમર્થન આપી શકું તેવી આપ મારી પર કૃપા કરો. પરમપિતા બ્રહ્માજીની વાત સાંભળીને  ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બ્રહ્માજી આપ મારી લીલાનો મનભવન રીતે આનંદ ઉઠાવવા માટે પર્વત સ્વરૂપ ધારણ કરી બ્રજમાં વૃષભાનપુરમાં જઈને બિરાજો. આપ ત્યાં પર્વત રૂપે વસેલા હોઈ ત્યાં મેઘો પોતાની શક્તિ જલાદી સાથે વર્ષી ત્યાંની વર્ષાઋતુને વધુ સુરક્ષિત બનાવશે ત્યારે આપના પર્વત રૂપી દેહ પર હું શ્રી વૃષભાનલલી તથા મારા સખી મંડળ સાથે જે કંઇ લીલા કરીશ તેને આપ પ્રત્યક્ષ પ્રમાણ રૂપે નિહાળી શકશો. હે બ્રહ્માજી આપ જ્યારે વૃષભાનજીને ગામ બિરાજશો ત્યારે તે સ્થળ વૃષભાનપુર તરીકે ઓળખાતું હશે પરંતુ મારી શક્તિ સ્વરૂપા શ્રી રાધિકાજી જ્યારે ત્યાં બિરાજી કાળાંતરે પોતાના ભક્તો પર પોતાની કૃપા વરસાવશે ત્યારે તે જ સ્થળ વૃષભાનપુર ને બદલે બરસાના તરીકે ઓળખાશે. ભગવાન વિષ્ણુની વાતથી પ્રસન્ન થયેલા બ્રહ્માજી યુગોથી ત્યાં પર્વત સ્વરૂપ ધારણ કરીને બિરાજી ગયાં. પદ્મપુરાણમાં જણાવ્યાં અનુસાર બરસાનામાં બે પર્વત છે જેમાં જમણી બાજુનો પર્વત બ્રહ્મા અને ડાબી બાજુનો પર્વત વિષ્ણુ તરીકે ઓળખાય છે.. 

 

નંદબાબા અને વૃષભાનજી બંને મિત્રો હતાં. નંદરાયજી ગોકુલમાં રહેતાં હતાં અને વૃષભાનુજી રાવલ ગામમાં રહેતાં હતાં. મથુરાનરેશ મહારાજ કંસનાં મોકલેલા અસૂરો વારંવાર ગોકુલમાં ઉપદ્રવ મચાવતાં હોવાથી અને નાનકડાં બાલ કૃષ્ણની વારંવાર અસુરક્ષાથી થાકીને નંદબાબા પોતાના પરિવાર, સમસ્ત ગૌધન અને ગોપો સાથે ગોકુલ છોડીને વ્રજની આંતર ભાગમાં નિવાસ કર્યો કારણ કે અહીં યમુનાજી રચિત સુંદર હરિયાળી અને ગોવર્ધન ગિરિરાજજીનો સુંદર પર્વત હતો જ્યાં તેમનાં પશુધન માટે સુંદર ઘાસચારો મળી રહેતો હતો. આ સ્થળે નંદરાયજી આવીને વસ્યા તેથી આ ભૂમિનું નામ નંદગામ પડ્યું. જ્યારે નંદરાયજી આદી નંદગામમાં નિવાસ કરવા લાગ્યાં, ત્યારે વૃષભાનુજી પણ રાવલ ગામ છોડીને નંદગામની પાસે આવેલ એક સ્થળમાં નિવાસ કર્યો તેથી તે સ્થળ વૃષભાનજીનાં નામ પરથી વૃષભાનપુર તરીકે ઓળખાયું. બીજા મત અનુસાર વૃષભાનજી બૃષભાનજી તરીકે પણ ઓળખાતા હતાં અને તેમના નામ પરથી બરસાના નામ પડ્યું હોવાની માન્યતા છે. અન્ય એક કથા અનુસાર શ્રી રાધાજીનાં પ્રાગટ્ય બાદ વૃષભાનપુરની ગરિમા અને શોભા વધવા લાગી હતી. બાલ વૃષભાનદુલારી પોતાની મધુર વાણીમાં સૌના મન મોહવા લાગી હતી અને સાથે સાથે વૃષભાનપુરની સમસ્ત ભૂમિ પર પોતાના પાવન પગલાંઑ રૂપી આર્શીવાદને વરસાવવા લાગી હતી. લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધેરાણીની અનરાધાર વરસતી કૃપાને કારણે વૃષભાનપુરનું નામ બદલાઈ બરસાના તરીકે પ્રખ્યાત થઈ ગયું.

 

આકાશમાંથી જ્યારે અનરાધાર પુષ્પવૃષ્ટિ થઇ રહી હતી, ઘરનો ખૂણો ખૂણો ફુલોની પાંદડીથી છવાયેલો હતો. ચારે તરફ વાતાવરણમાં સુગંધીત વાયુ લહેરાતો હતો તે સમયે ત્રણેય લોકને મોહ પમાડી વિશ્વમાં દિગ્વિજય મેળવી ભુવનમોહક હાસ્યને લઇને બરસાનાનાં વૃષભાન ગોપ અને કિર્તિદા ગોપરાણીને ત્યાં શ્રી રાધારાણીનો જન્મ થયો હતો. શ્રી રાધારાણીનો જન્મ ભાદ્રમાસ, શુક્લ પક્ષ, અષ્ટમીની તિથિને સોમવારે બપોરે ૧૨ વાગે થયો હતો. તેથી ભાદરવા મહિનાની શુક્લ પક્ષમાં આવતી અષ્ટમીને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. બરસાનામાં ભાદ્ર શુક્લ પક્ષની અષ્ટમીનાં દિવસે મેળો ભરાય છે. આ ઉપરાંત ફાગણ શુક્લ અષ્ટમીથી દશમ સુધી અહીં ત્યોહાર ઉજવવામાં આવે છે જેમાં ખાસ કરીને ઢાઢીલીલાને સ્થાન અપાય છે.

 

આજે પણ બરસાનામાં રાધેરાણીનું જ આધિપત્ય છે જેમની શ્રી ઠાકુરજી સંગે કરેલી પ્રત્યેક ક્રીડાનાં સાક્ષી એવા બ્રહ્માજી પણ પર્વત રૂપે ત્યાં બેસેલા છે જેમના અંગ પર સારસ્વત યુગમાં શ્રી ઠાકુરજીએ રાધેરાણી અને સખીજનો સંગે અનેક લીલાઓ કરેલી છે, પરંતુ કલિકાલમાં આ પર્વત પર શ્રી લાડલીજીનું પ્રાચીન મંદિર આવેલું છે જે લાલ અને પીળા પથ્થરો વડે બનેલું છે. શ્રી ઠાકુરજી અને રાધેજીને સમર્પિત આ મંદિરનું નિર્માણ ઓડછાનાં રાજા વીરસિંહે ૧૬૭૫માં બંધાવેલ આ મંદિર લગભગ અઢીસો મીટરની ઊંચાઈમાં બનેલું છે. આ પર્વત પર રહેલ પથ્થર શ્યામ અને શુભ્ર હોવાથી તેને સ્થાનિક લોકો શ્યામ અને નિકુંજેશ્વરી શ્રી રાધેજુનાં પ્રતિક તરીકે ઓળખે છે. બરસાનાથી થોડે દૂર નંદગામ છે જ્યાં શ્રી નંદરાયજી રહેતાં હતાં. આ સ્થળથી થોડે દૂર સંકેતવન આવેલ છે જ્યાં શ્રી રાધેજુ અને શ્રી ઠાકુરજીનું પ્રથમ મિલન થયું હતું.

 

શ્રી લાડલીજીનાં આ મંદિર સાથે એવી કથા પણ જોડાયેલી છે કે નારાયણદાસ નામના બ્રાહ્મણ શ્રી રાધેરાણીનાં ભક્ત હોઈ તેઓ બરસાનામાં બ્રહ્મા પર્વતની તળેટીમાં વસીને શ્રી રાધેરાણીજીનાં ગુણગાન ગાયા કરતાં હતાં. એક દિવસ રાત્રિના સમયે શ્રી રાધાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે ‘હું બ્રહ્મા પર્વત પર બિરાજી રહી છું. તું મને બહાર કાઢી અહીં મારું મંદિર સિધ્ધ કર અને મારી સ્થાપના કર. આ સ્વપ્ન આવ્યાં બાદ તે બ્રાહ્મણે ભૂમિ ખોદીને શ્રી રાધારાણીને બહાર પધરાવ્યાં અને તેમની સ્થાપના કરી અને પોતે મંદિરની પાસે જ એક ઝૂંપડી બનાવી રહેવા લાગ્યાં અને પોતે તેમની સેવાપૂજા કરવા લાગ્યા. તેઓ જ્યારે શ્રી રાધેજુની સેવા કરી રહ્યાં હતાં એ વખતે એક અન્ય બ્રાહ્મણ પોતાની કન્યા સાથે ત્યાં આવ્યો અને તેણે પોતાની પુત્રીના વિવાહ નારાયણદાસ સાથે કર્યા. આજે આ નારાયણદાસનાં વંશજો આજે બરસાનાનાં ગોંસાઇજી તરીકે શ્રી લાડીલીજીની સેવા કરી રહ્યાં છે. બરસાના ગામની લઠ્ઠમાર હોળી ખૂબ પ્રખ્યાત છે. જેને જોવા માટે અસંખ્યાની સંખ્યામાં ત્યાં ભક્તજનો આવે છે. સચ્ચિદાનંદ શક્તિ સ્વરૂપા અને અનુપમ અનંત સૌંદર્ય-માધુર્ય સાગર સ્વરૂપા શ્રી રાધેરાણીએ શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા છે, ભક્તોની રાધારાણી છે જે ભકિત કાવ્યની લાવણ્મયી મૂર્તિ અને પ્રેમની પૂર્ણ પ્રતિમા છે. શ્રી રાધાજી સર્વ આરાધ્ય, સર્વ ઉપાસક તત્વ, અને કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય લીલાઓનું સંસ્મરણ, મનન અને ચિંતન કલિયુગના જીવાત્માઓને ભક્તિરસનું દાન કરી જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. શ્રી ઠાકુરજીની દિવ્યગુણ-શક્તિમય મહાશક્તિરૂપ આરાધિકાને આપણે નમન કરીએ.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
સંદેશમાં પ્રકાશિત ૨૦૧૨