Monthly Archives: નવેમ્બર 2013

રસપ્રદ ઇતિહાસની ભૂમિ કોંકણ

રસપ્રદ ઇતિહાસની ભૂમિ કોંકણ:- 

મહારાષ્ટ્રનાં હૃદયમાં વસેલા અનેક સુંદર પ્રદેશોમાં એક કોંકણ પ્રદેશ પણ છે.લોકમાતાઑનાં સ્વચ્છ નીર, અરબી સમુદ્રનાં નિર્મળ સૌંદર્યનાં દૃશ્યો છલકાવતી પ્રકૃતિને પોતાની ગોદમાં સમાવીને બેસેલ કોંકણની ભૂમિનો ઇતિહાસ અત્યંત રસપ્રદ અને યુગો જૂનો છે. ભગવાન પરશુરામનાં માતા રેણુકાજીનાં નામ પરથી આવ્યો હોવાની માન્યતા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રદેશમાં માતા રેણુકાનો જન્મ થયો હતો. માતા રેણુકાની માતાનું નામ કુંકણા હતું જેને કારણે રેણુકાજી કુંકણાસૂતા તરીકે ઓળખાતાં હતાં. સમયાંતરે કુંકણાસૂતા રેણુકાજીને આસપાસનાં લોકો કોંકણાને નામે ઓળખતા થયાં હતાં. પાછળથી આ કોંકણાનું નામ પણ અપભ્રંશ થતાં આ પ્રદેશ કોંકણ તરીકે ઓળખાવા લાગ્યો. આજે પણ આ પ્રદેશમાં માતા રેણુકા કોંકણાદેવીને નામે પૂજાઈ રહ્યા છે. જ્યારે કોંકણની માછીમાર પ્રજા માતા કોંકણાને સૂથીદેવીને નામે ઓળખે છે. સ્થાનિક લોકો કહે છે કે જે સુહાગી સ્ત્રીઓ માતા કોંકણાનું વ્રત રાખે છે તેને ત્યાં ભગવાન પરશુરામ જેવા પ્રતાપી સંતાનોનો જન્મ થાય છે.

કોંકણનો ઉલ્લેખ:- 

મધ્યકાલીન યુગનો આપણો વ્યાપારિક ઇતિહાસ કહે છે કે એક સમયે કોંકણનાં અરબી સમુદ્રને કારણે કોંકણપ્રદેશનો વ્યાપાર મિસ્ત્ર, રોમ, યૂનાન, બેબિલોન, ઈજિપ્ત, અરેબિયા વગેરે દેશો સાથે ચાલતો હતો. પરંતુ મધ્યકાલીન યુગ પહેલા કોંકણનો ઉલ્લેખ વિવિધ ગ્રંથો અને પુરાણોમાં થયેલો છે. મહાભારત, બૃહદસંહિતા, વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, અગ્નિપુરાણમાં કોંકણનો ઉલ્લેખ ઘટાદાર વૃક્ષોનાં પ્રદેશ તરીકે થયો છે. આ પ્રાચીન ગ્રંથોમાં કોંકણનાં સાત પ્રકાર કહ્યાં છે, અને સાથે જણાવ્યું છે કે સાગર સમાન વિશાળ નદીઓ ધરાવતાં આ પ્રદેશમાં માછીમાર, ભીલ, આદિવાસી વગેરે પ્રકારની જનજાતિઑ વસતી હતી. મહાભારતની પહેલાનાં સમયમાં આ પ્રદેશ અપરાંત, કૂપક, આલૂક વગેરે નામથી આ પ્રદેશ પ્રસિધ્ધ હતો. મધ્યકાલીન યુગના યૂનાન, ચીની, અરબી અને મિસરનાં સાહિત્યોમાં કાંગ પ્રદેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોથી સદીની પૂર્વેનો કોંકણનો ઇતિહાસ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય સુધી લઈ જાય છે. ત્યારબાદ ૭ સદીમાં સાતવાહન,૧૨ મી સદીમાં સિલાહાર સામ્રાજ્ય,૧૩ મી સદીમાં ગુજરાતનાં સુલતાનનાં અંતર્ગત, ૧૬ મી સદીમાં શિવાજી મહારાજનાં અંતર્ગત અને ત્યારબાદ પેશવાઓના હસ્ત નીચે અને ત્યારબાદ આ પ્રદેશ અંગ્રેજોનાં તાબામાં ગયો. આમ વિવિધ ઇતિહાસથી છલકાયેલા આ કોંકણનાં પ્રદેશમાં આજે અમુક દર્શનીય સ્થળો પણ છે જેમાં દિવેઆગર, મુરૂડ, શ્રી વર્ધન, હરેહરેશ્વર, રાયગઢફોર્ટ, ગણપતિ પુલે, ર્તકાલિ બીચ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

પુષ્ટિમાર્ગનાં વિવિધ ભાવોનું ચયન..

પુષ્ટિમાર્ગનાં વિવિધ ભાવોનું ચયન..

મધ્યયુગમાં કૃષ્ણભક્તિનો ઘણો પ્રચાર અને પ્રસાર ભારતવર્ષમાં થયો. પુષ્ટિમાર્ગની સાથે અન્ય ઘણાં સંપ્રદાયો સ્થાપિત થયાં જેમણે કૃષ્ણ ભક્તિને વિવિધ રૂપે પ્રભાવિત કરી. શ્રી મહાપ્રભુજીનાં સમકાલીન ચૈતન્ય મહાપ્રભુ (ગૌડીય સંપ્રદાય), શ્રી હિત હરિવંશજી (રાધાવલ્લભ સંપ્રદાય), હરિવંશજી (સખી સંપ્રદાય), ગદાધર ભટ્ટ, સૂરદાસ મદનમોહન વગેરેએ પોતપોતાના સંપ્રદાયોની સ્થાપના કરી. વિવિધ સંપ્રદાયોની સાથે યુગમાં વિવિધ ભાવોનો પણ ઉદયમાન કરતાં અનેક સંતો થયાં. સમકાલીન સંતોમાં એક મીરાબાઈ પણ હતાં જેમની દાંપત્યમાધુર્ય ભાવયુક્ત મર્યાદિક ભક્તિ અતિ પ્રચલિત થઈ, આમ મધ્યકાલીન યુગમાં દરેક સંતો એક એક ભાવને લઈને ભારતવર્ષમાં ભક્તિસૂરજનાં કિરણોમાં ફેલાવ્યાં, પરંતુ બધાં સંપ્રદાયોમાં માર્ગ બતાવનારો કેવળ શ્રીવલ્લભનો એક પુષ્ટિમાર્ગ એવો હતો જેણે વિવિધ ભાવોને એક માર્ગમાં સમાવ્યાં હોય અને બધાં ભાવોનું ઘણું મહત્વ વિવિધ ભક્તો દ્વારા પ્રગટ કર્યું હોય. મધ્યકાલીન યુગમાં ભાવ સિવાય પુષ્ટિમાર્ગની વિશેષતા પણ હતી કે શ્રી વલ્લભ સિવાયના બધાં સંતો ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને ભક્તિમાર્ગમાં પોતાના કદમ મૂક્યાં હતાં ત્યારે કેવળ શ્રી વલ્લભ હતાં જેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિમાર્ગને નવી રાહ બતાવી.

ગોપીભાવ:- પુષ્ટિમાર્ગની ખાસિયત એ છે કે આ માર્ગ નારી મહિમાને અને વિવિધ ભાવોને પ્રકટ કરે છે. શ્રી વલ્લભચાર્યજી કહે છે કે નારીઓમાં પ્રભુને જોવાની વિશેષ દૃષ્ટિ હોય છે, કારણ કે આ પુષ્ટિમાર્ગ બન્યો જ છે કૃષ્ણપ્રેમમયી બનેલી વ્રજાંગનાઑ અને ગોપીઓથી. વ્રજના ઈતિહાસમાં કહે છે કે વ્રજભૂમિ પર કેવળ એક પુરુષ છે અને તે કેવળ ભગવાન શ્રીકૃષ્ણ છે. વ્રજભૂમિમાં રહેલ રહેલ તમામ પું ભાવ ધરાવતાં પુરુષો પણ નારી સ્વરૂપે રહેલ છે. તેથી મીરાબાઈએ પણ કહ્યું કે હું કેવળ ગિરિધર ગોપાલ નામના પુરુષને જ જાણું છું. ભગવાન કૃષ્ણનાં અષ્ટસખાઓમાંનાં એક સખા શ્રી પરમાનંદદાસજી કહે છે કે ગોપીઑ પ્રેમની ધ્વજા છે અર્થાત્ જેમ દૂરથી ધજા જોઈને એ જગ્યાના સર્વોપરી માહત્મ્ય વિષે જાણ થઈ જાય છે તેમ ગોપીઓને જોતાં જ આ પ્રેમમાર્ગની સર્વોપરિતા વિષે તથા મહત્વ વિષે જાણ થઈ જાય છે. સંત કબીરે પણ કહ્યું  છે કે કૃષ્ણનાં પ્રેમમાર્ગની ગુરુ તે કૃષ્ણ નહીં બલ્કે સ્વયં કૃષ્ણની ગોપીઓ છે.

વાત્સલ્યભાવ:- પુષ્ટિ માર્ગમાં ગોપીભાવનો અધિકાર રહેલો છે તેમ આ માર્ગમાં વાત્સલ્ય ભાવનું પણ અધિક મહત્વ રહેલું છે. જેમાં સ્વગૃહમાં શ્રી ઠાકુરજીની સેવા કરી રહેલી પ્રત્યેક ગોપીઓ રૂપી નારી હૃદયમાં માતા યશોદાનો વાત્સલ્ય ભાવ સમાયેલો છે, આથી એમ કહી શકાય કે ગૃહેગૃહની યશોદા પોતાના લાલનનાં સ્નેહે રંગાયેલી છે. કવિઓએ વાત્સલ્ય ભાવને સૌથી પવિત્ર અને નિર્મળ માન્યો છે કારણ કે આ સંસારનાં બીજ રૂપે પણ માતાનું સ્થાન અગ્ર રૂપે રહેલું છે અને તે બીજનાં વૃક્ષની છાયા રૂપે પણ માતાનો જ પાલવ મહત્તમ રહેલો છે. સંસારની માતાઓ કહે છે કે આપે ભગવાનને શોધવા હોય તો બાળકનાં હૃદયમાં શોધો કારણ કે આ બાળકોની અંદર જ ભગવાન પોતાના સમસ્ત ઐશ્વર્ય સાથે વસેલા છે. એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ બધાં જ અવતારોમાં આપને ક્યો અવતાર સૌથી વધુ રુચે છે? ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યાં નારદ મને બાળક બનવું ખૂબ ગમે છે મારા રામ અને કૃષ્ણ રૂપેનાં અવતારમાં હું બાળક બન્યો તો મને માતાની ગોદ મળી છે. રામ અવતારમાં મને ત્રણ માતા મળી જ્યારે કૃષ્ણ અવતારમાં હું અનેક માતાઓનાં વાત્સલ્યની સરવાણીથી ભીંજાતો રહ્યો. બીજી દૃષ્ટિએ જોઈએ તો આખું વિશ્વ એ ભગવાનની જ વિવિધ લીલાઓનાં અવર્ણનીય રૂપો છે, અથવા એમ કહી શકાય કે ભગવાને વિવિધ લીલાઓમાંથી અનેકવિધ રીતે આનંદ મેળવવા માટે પોતે જ બાળક સ્વરૂપ ધારણ કર્યું છે. 

સખ્યભાવ:- પુષ્ટિમાર્ગમાં બીજો અનુપમ ભાવ તે સખ્યભાવ છે. સખ્યત્વ, સખા, મિત્રતા રૂપી આ ભાવોની સુંદર પૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણએ આપી છે. પોતાના શૈશવ કાળમાં વ્રજભૂમિનાં સખાઓ, અર્જુન સાથેનું તેમનું સખ્યત્વ, દ્રૌપદી સાથેનાં સખીપણા, સુદામા સાથેની તેમની મિત્રતાએ આ ભાવનામાં અનેરા રંગ પૂર્યા છે. તદ્પરાંત ઈશ્વર પ્રત્યેનાં આ ભાવને જે કોઈ ભક્તજન પોતાનો સખા માને છે તે દરેક ભક્તજનનો ભાવ પોતપોતાની રીતે અદ્વિતીય બની રહ્યો છે.

માધુર્યભાવ:- પુષ્ટિમાર્ગનો ત્રીજો ભાવ તે માધુર્ય ભાવ છે. આ માધુર્ય ભાવ શું છે? પોતાની શારીરિક, માનસિક ,આધ્યાત્મિક અને આધિદૈવીક સમસ્ત સ્વરૂપને ધ્યાનમાં લઈ ઈશ્વરી આનંદમય સ્વરૂપને પામવું તેનું નામ માધુર્યભાવ. વ્રજ મંડલમાં કહે છે કે

ब्रज मण्डल के कण कण में है बसी तेरी ठकुराई।

कालिन्दी की लहर लहर ने तेरी महिमा गाई॥

पुलकित होयें तेरो जस गावें श्री गोवर्धन गिरिराई।

लै लै नाम तेरौ मुरली पै नाचे कुँवर कन्हाई॥

વેદોમાં કહ્યું છે કે જેનું નામ લઈ લઈને કૃષ્ણ કાન્હાઇ નાચી રહ્યો છે તે શ્રી રાધાજીએ સૌ પ્રથમ માધુર્યભાવને પ્રગટ કર્યો હતો, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજીનાં એ માધુર્યભાવને બાસુંરીનાં સૂરમાં ભરીને સંસાર માટે પ્રવાહિત કર્યો હતો. શ્રી ઠાકુરજીએ સ્વયં શ્રી રાધાજીને કહ્યું છે કે જે હું છું તે આપનું જ સ્વરૂપ છે. આપનામાં હું અને મારામાં આપ……આ બંને સ્વરૂપમાં કોઈ જ ભેદ નથી. જે રીતે દૂધ અને ગોરસની શુભ્રતામાં શ્વેતતા સમાઈ છે અને અગ્નિમાં ઉષ્ણતા સમાઈ છે તે જ રીતે મારા સ્વરૂપમાં આપ જ બિરાજી રહેલા છો.

દાસ્યભાવ:- વાત્સલ્ય, સખ્ય અને માધુર્યભાવ બાદ પુષ્ટિ માર્ગમાં દૈન્યભાવ અને દાસ્ય ભાવ પણ એક મુખ્યતઃ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે કોઈપણ વસ્તુમાં આપણો સ્વામિત્વભાવ રાખવો અનુચિત્ત છે કારણ કે દરેક વસ્તુનાં સ્વામી કેવળ શ્રી પ્રભુ છે, આથી દરેક વસ્તુનો વિનિયોગ સૌ પ્રથમ પ્રભુ પર થવો જોઈએ. પ્રભુને સમર્પિત થયેલ અને પ્રસાદ રૂપ બનેલ દરેક વસ્તુ પર વૈષ્ણવોનો અધિકાર રહેલો છે અને એ પ્રસાદરૂપ તત્વથી જ આપણું જીવન ધન્ય બને છે. પુષ્ટિજીવોએ પોતાના અહંતા, મમતાને દૂર કરીને માનવીય કર્તવ્યોનું પાલન કરતાં કરતાં ભગવદ્સેવા કરવી જોઈએ. શ્રી વલ્લભાચાર્યજીની પાંચમી પેઢીએ થયેલ શ્રી હરિરાયરાયજી ચરણે ભાવપ્રકાશમાં કહે છે કે ભગવદ્ધર્મ એજ પુષ્ટિજીવો માટે આત્મધર્મ છે. જ્યારે પુષ્ટિજીવ બધી જ વસ્તુઓમાંથી અહંકાર અને મમતા રહિત થઈ પ્રભુને સમર્પિત કરીને ગ્રહણ કરે છે ત્યારે તેના દરેક કર્મ કેવળ પ્રભુનાં જ થઈ રહે છે, વળી પ્રત્યેક ઉત્તમ વસ્તુઓના ભોક્તા ફક્ત ભગવાન જ છે. આપણે સૌ પ્રભુના દાસ છીએ તેથી દૈન્યભાવે પ્રભુ શરણ લઈને પ્રભુ માટે જીવવું અને પ્રભુને સમર્પિત કરીને ગ્રહણ કરવું એ જ પુષ્ટિમાર્ગનો મૂળમંત્ર અને પુષ્ટિજીવોનું કર્તવ્ય છે, કર્મ છે, અને મોક્ષ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ પોતાના સેવક રૂપગોસ્વામીને કહેલું કે પોતાના વૃંદાવનનાં નિવાસ દરમ્યાન પોતાના ભક્તોને કહેલું કે શ્રી વલ્લભનો પુષ્ટિમાર્ગ પ્રેમપંથ છે જેમાં ભાવની પ્રધાનતા રહેલી છે, માર્ગ એવો છે જેમાં શાસ્ત્રીય વિધિ વિધાન અને સાધનોનું કોઈ મહત્વ નથી, ફક્ત પ્રેમ અને શુધ્ધ પ્રેમરૂપી પુષ્ટિ ભક્તિ રહેલી છે. માર્ગ કેવળ રાગ, ભોગ અને ભાવનાનો સર્વોચ્ચ માર્ગ છે એ માર્ગ પર ચાલનાર પ્રત્યેક જીવોએ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ અને અંતઃકરણ પવિત્ર રાખવું જોઈએ જેથી સંસારમાં જે કંઇ છે તે ભગવદ્રૂપ છે, ભગવાનનું છે, ભગવાન માટે છે અને ભગવાન જ ભોક્તા છે તે ભાવનાનો સહર્ષ સ્વીકાર થાય અને જીવોમાંથી સ્વામિત્વની ભાવનાનો નાશ થાય. શ્રી હિત હરિવંશજી કહે છે કે શ્રી વલ્લભનાં વૈષ્ણવો પોતાની ભાવનાત્મક સૌંદર્યવૃતિ, રાગાત્મકવૃતિ અને પ્રેમાત્મકવૃતિને નિકુંજનાયક દેવદમન સ્વરૂપ શ્રી ગિરિરાજ ગોવર્ધનજીને સમર્પિત કરે છે કારણકે શ્રી વલ્લભનાં પ્રભુ કલાનિધિ છે. શ્રી વલ્લભાચાર્યજીની બીજી પેઢીએ થયેલ શ્રી ગુંસાઈજી કહે છે કે જ્યારે વૈષ્ણવો પોતાની ભાવનાત્મક કલા જ્યારે સેવામાં ન્યોછાવર કરે છે ત્યારે તે સેવા દિવ્યતાનું રૂપ ધારણ કરી લે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે પૂજા સકામ હોઈ શકે પરંતુ સેવા તો સદૈવ નિષ્કામ જ હોવી જોઈએ કારણ કે પુષ્ટિ સેવામાર્ગનું ચયન ભગવદ્સુખ અને ભગવદ્ભાવ છે જે સંસારનાં સમસ્ત ધર્મો અને ભાવોની સરખામણીમાં સર્વોચ્ચ અને સર્વોપરી છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત 2013 

 ફૂલછાબમાં પ્રકાશિત 2013 

કોપી રાઇટ: 

ISBN 9-78-1500126087

 

શ્રી યમુનાજી શ્યામ કેમ બન્યાં?

શ્રી યમુનાજી શ્યામ કેમ બન્યાં?

શ્રી યમુનાજીના શ્યામવર્ણ વિષે વેદ અને ઉપનિષદમાં અમુક કથાઓ છુપાયેલી છે અને અમુક કથા સમયે સમયે વિવિધ લેખકો, વિદ્વાનો અને કવિઓની કલ્પના પ્રમાણે વાચા આપતું ગયું છે. પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજી, શ્રી વલ્લભ અને શ્રી ગિરિરાજજી આ ત્રણેય સ્વરૂપના સ્વભાવ અને સ્વરૂપ શ્રી ઠાકુરજીના જેવુ શ્યામ છે. આપણાં પુરાણો કહે છે કે આ ત્રણેય સ્વરૂપ શ્યામ છે તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણેય સ્વરૂપ વિરહી છે તેઓ સતત શ્રી ઠાકુરજીના રસમાં રસમગ્ન હોવા છતાં તેઓ વિરહી છે અને જે સતત વિરહ કરતું હોય તેનો વર્ણ વિરહની અગ્નિમાં જલી જલીને શ્યામ બની જાય છે. શ્રી યમુનાજી પણ આવા છે જેઓ વિરહથી પણ જલી રહ્યા છે અને ચિંતાથી પણ જલી રહ્યા છે. અહીં એક પ્રશ્ન થાય કે આપણે પુષ્ટિજીવો તો પોતાની ચિંતા દૂર કરવા માટે સ્વયં શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે તો વળી યમુનાજીને કેવી ચિંતા હોય? વળી આપણાં માર્ગમાં ચિંતાને તો કોઈ જ પ્રાધાન્ય આપવામાં જ નથી આવ્યું અને વળી શ્રી યમુનાજી તો પ્રભુના સદા સંયોગી છે તેમ છતાં શ્રી યમુનાજી વિરહી શા માટે છે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી યમુનાજીને કોઈ લૌકિક ચિંતા નથી પરંતુ તેઓને ચિંતા એ વાતની છે કે હજુ પણ શ્રી ઠાકુરજીના ચરણોથી વિખૂટા પડેલા કેટકેટલા જીવો ભવસાગરની આંટીઘૂંટીના તાણાવાણામાં ફરી રહ્યા છે અને કાલના પથ્થરોમાં પિસાઈ રહ્યા છે આ તમામ જીવો હજુ પણ તેમના સ્વસ્થાન એટ્લે કે શ્રી ઠાકુરજીના શરણે પહોંચ્યાં નથી આથી શ્રી યમુનાજીને ચિંતા એ છે કે ક્યારે એઓ આ સર્વે પુષ્ટિજીવોને શોધી ફરી તેમને શ્રી ઠાકુરજીની માલામાં પરોવશે? આથી આમ પુષ્ટિજીવોની ચિંતા કરતાં શ્રી યમુનાજી જલી રહ્યા હોવાથી તેઓ શ્યામ છે, બીજી કથા અનુસાર શ્રી શ્યામસુંદર વારંવાર વ્રજરજમાં રમીને આવતાં તેથી માતા યશોદા તેઓને વારંવાર શ્રી યમુનાજીમાં સ્નાન કરાવતાં આથી શ્રી યમુનાજીમાં શ્રી શ્યામ વર્ણ આવી ગયો હોવાથી શ્રી યમુનાજી પણ શ્યામ સ્વરૂપા શ્યામા બની ગયા. ગર્ગ પુરાણમાં કહે છે કે શ્રી યમુનાજી પ્રગટ થયા ત્યારે મનમાં એજ ભાવને લઈને પ્રગટ થયા કે હું શ્યામસુંદરની છું અને શ્યામસુંદર મારા છે આ ભાવને પોતાના હૃદયમાં રાખીને નિર્ગુણ ભક્તોના અધિપતિ બનેલા શ્રી યમુનાજી પર શ્રી ઠાકુરજી સદાયે પ્રસન્ન રહેતા અને આ પ્રસન્નતા ને કારણે શ્રી યમુનાજીના સમસ્ત અંગમાં શ્રી ઠાકુરજી સમાઈ ગયા લૌકિકમાં જેમ કાજલ અડકીએ ને હાથ કાળા થાય તેમ શ્રી ઠાકુરજીના સદાયે સંગમાં શ્રી યમુનાજીના અંતરમાં શ્રી શ્યામસુંદરની શામળતા સમાઈ જતાં શ્રી યમુનાજી પણ શ્યામવર્ણીય શ્યામા થઈ ગયા. સખી શ્રી યમુનાજી શ્રી ઠાકુરજી સમાન શ્યામવર્ણી હોવાથી જ્યારે જ્યારે જીવ તેમના દર્શન કરે છે ત્યારે શ્રી યમુનાજી તે જીવોને પોતાના સ્વરૂપમાં શ્રી ઠાકુરજીનું સ્મરણ કરાવે છે. વૈષ્ણવો શ્યામ સમા શ્રી શ્યામાને આપણે વંદન કરીએ. 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

http://sandesh.com/article.aspx?newsid=2909611

નાગદમન લીલાનું રહસ્ય

નાગદમન લીલાનું રહસ્ય

પુષ્ટિમાર્ગના પ્રણેતા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી છે. શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશજી એ બે લાલન હતાં. તેમાંથી શ્રી વિઠ્ઠલેશજી શ્રી ગુંસાઈજી પ્રભુચરણ તરીકે ઓળખાયા. શ્રી ગુંસાઈજીને ત્યાં સાત લાલન અર્થાત પુત્ર હતાં. શ્રી ગિરિધરલાલજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામલાલજી. આ સાત લાલમાંથી ચતુર્થ લાલ તે શ્રી ગોકુલનાથજી ગોવર્ધનવાસી સાંવરેલાલ શ્રી દેવદમનજી ને “શ્રીનાથજીબાવા” નું ઉપનામ આપીને લાડથી બોલાવતાં. ઉપનિષદ અને વ્રજ સાહિત્યમાં શ્રી નાથજી શબ્દનાં વિવિધ અર્થો બતાવ્યાં છે. જેમાં પ્રથમ અર્થ બતાવતાં કહ્યું છે કે ” શ્રી એટ્લે કે લક્ષ્મી અને નાથ એટ્લે કે સ્વામી” . પુષ્ટિમાર્ગમાં શ્રી એટ્લે કે જેની પાસે વ્રજ, અને વ્રજ સંપતિ રૂપી લક્ષ્મી રહેલી છે તેના રાજા. વ્રજ સંપતિમાં વ્રજભૂમિ, વ્રજરજ, વ્રજનર અને વ્રજનારીઓ, ગૌ ધન, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી આવે છે અને જેની પાસે આ વ્રજસંપતિ રહેલી છે તેવા વ્રજનાથ અર્થાત પ્રભુ શ્રીકૃષ્ણ તે લક્ષ્મીના પતિ અને રાજા છે. શ્રી નાથજીનો દ્વિતીય અર્થ છે શ્રી અર્થાત “સ્વામિની શ્રી રાધિકા” અને “રાધિકાનાં નાથ તે પ્રભુ શ્રી કૃષ્ણ” છે માટે શ્રી નાથજી. જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહેતા કે અમારી માટે (વલ્લભ કુલ પાસે) અમારી શ્રી ગણાતા અમારા આરાધ્ય દેવ દેવદમન પ્રભુ છે જેઓ અમારા “નાથ” પણ છે અને અમારે માટે “લક્ષ્મી સ્વરૂપ” પણ છે માટે “શ્રીનાથજી”.  ટૂંકમાં એમ કહી શકાય કે શ્રી વલ્લભકુલ પાસે આ “શ્રી” રૂપી સંપતિ હોવાને કારણે તેઓ દેવદમન શ્રીનાથજી પ્યારે” કહી સંબોધિત કરતાં, સમયાંતરે શ્રી ગોકુલનાથજીનું આ “શ્રીનાથજી” નામ વિશ્વમાં વધુ પ્રચલિત થયું. આ સ્વરૂપ હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસેના સિંહાડ ગામમાં બિરાજે છે. દેવદમન શ્રીનાથજી બાવા અર્થાત ……..ભગવાન શ્રી કૃષ્ણએ સારસ્વત યુગમાં અનેક લીલાઓ કરેલી. આ લીલાઑ મુજબ જે સ્વરૂપ પ્રગટ થયાં તેમાંથી મુખ્ય ત્રણ સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં સેવાય છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપમાં શ્રી ગિરિરાજ ધારણનું સ્વરૂપ સમાયેલું છે. ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગિરિરાજ ધારણ કર્યો અને ઇંદ્રદમન બન્યા. આ સ્વરૂપ હાલમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બિરાજે છે, વ્રજમાં શ્રી ઠાકુરજીની પરીક્ષા કરવા આવેલા આદિ દેવ બ્રહ્માજીનો ગર્વ ઉતારી પ્રભુ શ્રી કૃષ્ણ દેવદમન બન્યાં. યમુનાજીના ધરામાં વસેલા કાલિનાગનું દમન કરી પ્રભુ નાગદમન બન્યાં. આ સ્વરૂપ હાલમાં વડોદરામાં બિરાજે છે. આ રીતે આપણાં શ્રીજી બાવાના ત્રણ સ્વરૂપ જોવા મળે છે. આ ત્રણ સ્વરૂપમાંનું એક સ્વરૂપ તે “નાગદમન”નું સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે આપણે જોઈશું અને સાથે આજના આ પ્રસંગમાં આ લીલા પાછળ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુના સિધ્ધાંત શું કહે છે તે વિષે સવિસ્તાર જોઈશું.

રમણક દ્વીપમાં નાગ સર્પના અનેક પરિવાર રહેતા હતાં એક સમયે વિષ્ણુ વાહન ગરુડે સર્પોના જુથો ઉપર હુમલો કર્યો દરરોજ તે આવીને અસંખ્ય નાગોનો સંહાર કરતો હતો તેથી એક દિવસ ગરુડના ભયથી થાકેલા સર્પો એ ગરુડને કહ્યું કે જયાં સુધી તું અમને આ રીતે ખાતો રહેશે તો અમારૂં જીવન સુરક્ષિત શી રીતે રહેશે? માટે એમ કર કે દરરોજ પ્રત્યેક ઘરમાંથી એક એક સર્પનો તુ બલિ લે અને સાથે સાથે પ્રત્યેક નાગ સાથે તને ભાવે તેવું બીજું પણ અન્ન તને આપતા રહીશું પણ આ રીતે દિન પ્રતિદિન અસંખ્ય નાગોનો વિનાશ કરવાનું બંધ કર. સર્પોની આ વાતને ગરુડ રાજે સંમતિ આપી  અને  તે દિવસથી આત્મરક્ષણ માટે ગરુડરાજને દરેક ઘરોમાંથી બલિ મળતો થયો, પરંતુ જ્યારે કાલિયનાગના ઘરેથી બલિ દેવાનો વારો આવ્યો ત્યારે કાલિયનાગે તેનો વિરોધ કર્યો કાલિયનાગના વિરોધથી ગરુડને ગુસ્સો આવ્યો અને તે કાલિયનાગને દંડ દેવા માટે આવ્યો આ વાતની ખબર પડતાં જ કાલિયનાગ ગરુડરાજથી બચવા માટે પોતાના પરિવાર સહિત દર દર ભટકતો રહ્યોં પરંતુ તેને કયાંય રક્ષણ ન મળતા આખરે એ દેવાધિદેવ શેષ જનાર્દનના શરણે ગયો. કાલિયને દીન અને ભયભીત જોઇને દેવાધિદેવ શેષ જનાર્દને કહ્યું કે હે કાલિય તમે વૃંદાવનમાં આવેલ યમુનાજીના નીરમાં વસવાટ કરો ત્યાં તમને ગરુડનો ભય નહી રહે આ સાંભળીને કાલીય નાગે પૂછયું કે પૃથ્વી પર મને એવું એક પણ સ્થાન મળ્યું નથી કે જયાં મને ગરુડનો ભય ન હોય તો પછી વૃંદાવન ધામ તેમાંથી બાકાત શા માટે છે??? ત્યારે શેષ જનાર્દને કહ્યું કે એક સમયે સૌભરી નામના ઋષિ વૃંદાવનમાં યમુનાજી જળમાં ઊભા રહીને તપ કરી રહ્યાં હતાં. તે જળમાં મીનરાજનો પરિવાર પણ સદાય આનંદમંગલ કરતો તેમની આસપાસ વિહાર કરતો મીનરાજનાં પરિવારને જોઇને સૌભરી ઋષિને અત્યંત આનંદ થતો એક દિવસ ગરુડે મીનરાજને મારી નાખ્યો અને તેના પરિવારનું ભક્ષણ કર્યું આ જોઇને મુનિશ્રેષ્ઠ સૌભરી એ ગરુડને શાપ આપ્યોં કે તે કયારેય પણ વૃંદાવનમાં યમુનાજીના કુંડમાં આવીને બળપૂર્વક માછલીઓનું ભક્ષણ કરશે તો તેનું મૃત્યું થશે. તે દિવસથી શાપથી ભયભીત થયેલો ગરુડરાજ વૃંદાવનના યમુનાજીના કિનારાથી દૂર રહેવા લાગ્યોં. પ્રભુ જનાર્દનની વાત સાભળી કાલિય પોતાના પરિવાર સહિત યમુનાજીના જળમાં આવીને રહેવા લાગ્યો.

શેષ જનાર્દને કાલિય નાગને પોતાના પરિવાર સહિત યમુનાજીમાં રહેવાની અનુમતિ આપી હતી, પણ યમુનાજીના જળમાં કે જળની આસપાસ જે જીવો વસી રહયાં છે તેનો વસવાટ છીનવી લેવાની અનુમતિ નહોતી આપી. યમુનાજીના જળમાં વસવાટ કરવાને કારણે કાલિયનાગ પરથી મૃત્યુનો ભય ઓછો થતાં જ  કાલિયમાં “હુંકાર”નું અભિમાન આવ્યું અને તેને લાગવા લાગ્યું કે આ મારું નિવાસ સ્થાન છે અને અહીં મારો અને મારા પરિવારનો અધિકાર છે માટે બીજા કોઇનો અધિકાર નથી.

શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાલિયનાગને યમુનાજીનાં જળમાં શરણમાં સ્થાન મળ્યું તે પુરતું ન હતું પણ જેણે આશ્રય આપ્યું તેનો ગુણ ભૂલી જઇને ઇર્ષારૂપી વિષથી યમુનાજીના નીરને પણ વિષયુક્ત કર્યું. શ્રી શુકદેવજી કહે છે કે કાલિયનાગે યમુનાજીનાં નીરને એટલું વિષયુક્ત કર્યું કે યમુનાજીના જળમાંથી અગ્નિથી પણ પ્રબળ જ્વાળાઓ ઉડતી. યમુનાજીના વિષેલા જળના ઉછળતાં મોજાઓ જ્યારે નાના નાના બિંદુઓનું સ્વરૂપ બનીને બહાર આવતાં ત્યારે કિનારા પરનું ઘાસ, વૃક્ષ, પશુ, પક્ષીઓ, કીટકો વગેરે પણ મરણ ને શરણ થતાં, યમુનાજીની ઉપર ઊડતાં પંખીઓને અંશમાત્ર જ્વાળા લાગતાં પણ તેઓ મૃત્યુને ભેટતાં. શ્રી યમુનાજીમાંથી ઉડેલ આ વિષબિંદુ યુક્ત જ્વાળાથી કિનારા પરની તમામ વનસ્પતિ હરિયાળી નાશ પામી હતી ત્યારે કેવળ એક કદંબનું વૃક્ષ બચી ગયું હતું. યમુના કિનારાની સમસ્ત હરિયાળીનો નાશ થયો પરંતુ કેવળ એક કદંબવૃક્ષ બચી ગયું તે વાતનું રહસ્ય સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે વિષ્ણુ વાહન મહાપરાક્રમી શ્રી ગરુડજીને જ્યારે ખબર પડી કે પોતાની માતા વિનિતા સર્પમાતા કદ્રુના દાસી બની ગયા છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થયા પોતાના માતા વિનિતાને દાસ્યત્વમાંથી મુક્ત કરાવવા માટે તેઓએ ભગવાન વિષ્ણુ પાસેથી અમૃતનો કુંભ મેળવ્યો અને પોતાની માતા પાસે જવા નીકળ્યા. માર્ગમાં તેઓ બ્રજમાં યમુના કિનારાના આ કદંબના વૃક્ષ પર વિસામો લેવા થોભ્યા હતા ત્યારે કુંભમાંથી અમૃતના બિંદુઓ આ કદંબ પર પડવાથી આ વૃક્ષને કાલિયના વિષની અસર ન થઈ. શ્રી મહાપ્રભુજીએ આ રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતા કહ્યું કે મનુષ્યજીવનમાં પણ લૌકિક દોષો રૂપી વિષ લાગે છે ત્યારે કેવળ ભગવદનામ રૂપી અમૃતનો સતત છંટકાવ જો થતો રહે તો જ મનુષ્ય આ કાળરૂપી સર્પના વિષમાંથી બચે છે.

ગોકુલ ગ્રામવાસીઓ તો હવે આ વિષયુક્ત વનસ્પતિ, વિષયુક્ત યમુના જળ અને વિષયુક્ત યમુના કિનારાથી સ્વયં પણ દૂર રહેવા લાગ્યા અને પોતાના પશુધનને પણ દૂર રાખવા લાગ્યા હતા, પરંતુ આવી પડેલી આ મુશ્કેલીને કારણે હવે ગ્રામવાસીઓને પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. વૃંદાવનવાસીઓની આ દુર્દશા જોઇને દુષ્ટોનું દમન કરવા માટે જેનો અવતાર થયો છે તેવા નંદનંદન શ્રી કૃષ્ણએ યમુનાજીના ઘૂનામાં કૂદકો માર્યો અને કાલિયનાગ સાથે તેમણે લડાઇ કરી. નાના બાળક દેખાતા કૃષ્ણ સામે કાલીય નાગ ગુસ્સે થઈ પોતાનું બાહુ બળ દર્શાવતો લડવા લાગ્યો અને વારંવાર પોતાની વિશાળ ફણાઓ ફુત્કારવા લાગ્યો અને વિષ ઓકવા લાગ્યો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી ઠાકુરજી પરમ કૃપાળુ છે કાલિય નાગ જ્યારે ગુસ્સે થયો તો શ્રી ઠાકુરજી કહે છે કે તે તારો મૂળભૂત સ્વભાવ છે જે તને આ જન્મમાં મળ્યો છે. કાલિયા પોતાની ફણાઓ ફુત્કારવા માટે જ્યારે નમતો હતો તે અપરાધ ને શ્રી ઠાકુરજીએ અપરાધ ન માન્યો બલ્કે તેમણે તે ફુત્કારવાણીની પ્રક્રિયાને દંડવત પ્રણામ માન્યાં, કાલિય ફુત્કારની સાથે સાથે વિષના ડંખ મારવા લાગ્યો હતો તેને સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયની વિષ ફેંકવાની પ્રક્રિયા વિષે કહે છે કે જે વસ્તુ જેની પાસે હોય તેજ તે આપે છે કાલિય પાસે વિષ હતું તેથી તેણે તે વિષ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે.

કાલિયાએ જે બાળકને નાનો અને તુચ્છ ગણ્યો હતો તેવા કૃષ્ણકનૈયાના બાહુ બળ અને બુધ્ધિ બળ પાસે કાલિયનો પરાજય થયો. વાંરવાર લડવાનો મોકો શોધતાં શોધતાં કાલિયાએ એટલા ચક્કર ફર્યા કે……..ચક્કર ચક્કર ફરતાં ફરતાં તેની શક્તિ ક્ષીણ થવા લાગી. તે સમયે મોકો જોઇને તેની ફણાં નમાવીને તેના મસ્તક ઉપર કૃષ્ણ ચઢી ગયા અને સમગ્ર કલાના ગુરુ કૃષ્ણ કનૈયા નૃત્ય કરવા લાગ્યાં વ્રજનાં વ્રજનંદન નૃત્ય કરવાને તત્પર બન્યાં છે તે જાણીને તે વખતે ગંધર્વ, સિધ્ધ, મુનિ, દેવો વગેરે મૃદંગ, પિનાક, પણવ, અમૃત દંદુભિ વગેરે વિવિધ પ્રકારના વાદ્યો વગાડવા લાગ્યાં, દેવસ્ત્રીઓ સ્તુતિ કરીને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી અને શ્રી કૃષ્ણએ કાલિયનાગના ફણાઓ પર તાંડવનૃત્ય કર્યું અને તે તાંડવ દ્વારા કાલિયના મસ્તક ઉપર વારંવાર પદ પ્રહાર કરવા લાગ્યાં. વારંવાર થતાં પદપ્રહારથી કાલિય થાકી ગયો તેની ફણાઓ જર્જરીત બની ગઇ તેના મોમાંથી લોહી પડવા લાગ્યું. આ વાત સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે અભિમાન યુક્ત આપણું મસ્તક એ કાલીનાગનું પ્રતિક છે અને કાલિય જેમ ૪ મસ્તક ધરાવે છે, તેમ મનુષ્ય પણ ૪ પેટા મસ્તક અને ૧ મુખ્ય મસ્તક ધરાવે છે મનુષ્યના ૪ મસ્તકો એ કામ, ક્રોધ, મદ, મોહના પ્રતિક છે આ પેટા પ્રતીકો એ મુખ્ય મસ્તકને સાથ આપીને તેને વધુ ને વધુ અભિમાન અને અહંકાર યુક્ત બનાવે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કર્યું છે શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે. 

 

નાગપત્નીઓએ પોતાના પરિવાર સહીત યશોદાનંદનની સ્તુતિ કરી પોતાના સ્વામીના અપરાધોની ક્ષમા માગવા લાગી. શ્રી મહાપ્રભુજી અહીં એ પણ સમજાવે છે કે જેમ કાલીનાગ આપણા મસ્તકમાં વસે છે તેમ નાગપત્ની પણ આપણી અંદર જ વસતી દિનતા અને દૈન્યતાઓના પ્રતિક સમાન છે. દિનતા અને દૈન્યતા જ્યારે પોતાને થયેલા અહંકારને ભુલીને પ્રભુની ક્ષમા માંગી સંપૂર્ણ શરણાર્ગતિના ભાવ સાથે પ્રભુના શરણે જાય છે ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરે છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે શ્રી ઠાકુરજી પોતાની કૃપા રૂપી પદ પ્રહારથી આપણા અભિમાન રૂપી મસ્તકનું દમન કરે છે. શરણે આવેલા કાલિયાએ પણ પ્રભુની સ્તુતિ કરી ક્ષમા માગી ત્યારે શ્રી પ્રભુએ તેને યમુનાજીનો ધરો છોડીને ક્ષીરસાગરમાં જઇને રહેવાની આજ્ઞા આપી, ત્યારે કાલિયાએ કહ્યું કે મને ગરુડરાજનો ભય છે ત્યારે પ્રભુ એ કહ્યું કે તારા મસ્તક ઉપર મારા ચરણચિન્હ છે તેથી ગરુડ તને ખાઇ શકશે નહીં. શ્રી મહાપ્રભુજી આ વાક્યના સંદર્ભમાં કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ્યારે જીવના મસ્તક પર પડે છે ત્યારે જીવ કાળ, યમ અને નિયતિના ભયથી મુક્ત બની જાય છે. પ્રભુની આજ્ઞાને માથે ચડાવીને કાલિય નાગ પોતાના પરિવાર સહીત યમુનાજીના જળવાળું નિવાસસ્થાન છોડીને ક્ષીરસાગરમાં રહેવા ચાલી ગયો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નાગદમનની લીલામાં પ્રભુએ કાલિય રૂપી અભિમાની મસ્તકના ચુરેચુરા કર્યા છે. પરંતુ બીજી એ સત્યતા એ પણ છે કે કહે છે કે કાલિયાએ જે કંઇ પોતાની પાસે હતું તે સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું છે પોતાનો સ્વભાવ, પોતાનું વિષ વગેરે તેણે શ્રી ઠાકુરજીને અર્પણ કર્યું  છે તેથી શ્રી ઠાકુરજી કહે છે કે જે રીતે કાલિયાએ મારે ચરણે પોતાનું સર્વસ્વ ધર્યું છે તો મારે પણ મારી પાસે જે કંઇ છે તે દેવું જોઈએ તેથી હું કૃષ્ણ, જગતનો જગદીશ્વર એવો હું કૃષ્ણ પણ ત્રૈયલોક્ય બ્રહ્માંડમાં જે સૌથી દુર્લભ છે તેવી મારી ચરણરજ તને આપું છું. શ્રી મહાપ્રભુજી વિશેષમાં સમજાવતાં કહે છે કે જે પ્રભુના ચરણારવિંદની રજ માત્ર લેવા માટે મનુષ્યો અગાથ શુભકાર્યો રૂપી કર્મો કરે છે અને ઋષિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે, લક્ષ્મી, બ્રહ્મા, શિવ આદિને જે ચરણકમળની ચરણધૂલિની આકાંક્ષા રહેલી છે તેવા ચરણ કમળની રજ વારંવાર કાલીયનાગના મસ્તક પર પડતી રહી તો તેને શાપ ગણવો કે આશીર્વાદ ગણવો???!!!!! સંસારચક્રમાં ભટકતાં જીવને જો શ્રી પ્રભુના ચરણકમળનાં રજનો જો અંશ માત્ર પ્રાપ્ત કરી લે તો પણ તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થઇ જાય છે.

પૂર્વી મલકાણ મોદી-યુ એસ એ.CopyRight:-ISBN-10:1500299901 
વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત 

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … …જળ 

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … …જળ 

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … …જળ 

રંગે રૂડો રૂપે પુરો દિસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … …જળ 

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … …જળ 

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … …જળ 

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ……જળ 

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાવિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … …જળ 

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … …જળ 

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે ……જળ 

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળ 

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
“નરસૈંયા”ના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળ…

નરસિંહ મહેતા 

પ્રબોધિની એકાદશી –દેવદિવાળી

પ્રબોધિની એકાદશી–દેવદિવાળી

શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશી નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે. ગુજરાતીઓમાં આ દિવસ દેવ દિવાળી તરીકે પણ પ્રખ્યાત છે પરંતુ ઉત્તર ભારતમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે દેવદિવાળી ઉજવવામાં આવે છે.

વાર્તા પરિચય- ઉત્તર ભારત
ભગવાન શકરે સંસારને પીડા આપનાર ત્રિપુરાસુરનો વધ કર્યો હતો આથી સમસ્ત દેવતાઑ હર્ષિત થઈ પૃથ્વી પર ભગવાન શંકર જ્યાં સદૈવ બિરાજમાન છે તે કાશી વારાણસીમાં ઉતર્યા અને પૃથ્વીવાસીઓ સાથે અનેકવિધ દીપ પ્રકાશિત કરી આ પ્રસંગને હર્ષોચ્ચાર સહિત મનાવ્યો. આગળ જતાં આ દિવસ દેવદિવાળીને નામે પ્રચલિત થયો. કહેવાય છે આજે પણ કાશીના ગંગાઘાટ પર બધાં જ દેવતાઓ પોતાના સ્વર્ગને આ દિવસની રાત્રીએ કાશીમાં ગંગાજીના ઘાટ અને નીરમાં પધરાવે છે. રાત્રીના સમયે જ્યારે ઘાટ અને ગંગાજીના નીર અનેક દીપોથી પ્રજ્વલિત થઈ ઊઠે છે ત્યારે તે દિવડાઓનાં પ્રકાશમાં ભક્તજનો પૃથ્વી પર ઉતરી આવેલા સ્વર્ગનાં દર્શન કરે છે.

વાર્તા પરિચય-

પૌરાણિક કથા મુજબ છે કહેવાય છે કે ઈંદ્રના અભિમાનવાળા ગેરવર્તનથી કોપાયમાન થયેલા શિવજીએ ત્રીજુ નેત્ર ખોલ્યું પરંતુ ઈંદ્રે બૃહસ્પતિની સ્તુતિ કરી અને બચી ગયો. પરંતુ શિવજીનાં ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલાં ક્ષારથી જલંધર નામનો બાળક ઉત્તપન્ન થયો જેનો જન્મ ક્ષીર સાગરમાં થયો હતો. મોટો થતાં વૃંદા નામની કન્યા સાથે તેના વિવાહ થયાં. વૃંદા અત્યંત પતિવ્રતા હતી અને તેનાં પતિવ્રતધર્મને કારણે જલંધર વિજયતા પ્રાપ્ત કરતો ગયો અને ચોમેર ત્રાસ ફેલાવતો ગયો. સમુદ્ર પુત્ર જલંધર વિષ્ણુપત્ની લક્ષ્મીજીનો ભાઈ હોવાને કારણે ભગવાન વિષ્ણુએ જલંધરનો નાશ કરવા શિવજીનો સહારો લીધો, પરંતુ પતિવ્રતા વૃંદાના પ્રભાવને કારણે જલંધરનો વાળ તો વાંકો થતો ન હતો. જલંધર માયાવી શક્તિથી શિવજીનું રૂપ ધારણ કરી પાર્વતીજીને વારંવાર હેરાન કરતો હતો, આથી ગુસ્સે થયેલા ભગવાન શંકરે જલંધર સાથે યુધ્ધ કરવા માટે રણનાં મેદાને ઉતર્યા પરંતુ એમ તો જલંધરને જીતવો સહેલો ન હતો તેથી ભગવાન શંકરે ભગવાન વિષ્ણુની મદદ માંગી અને ભોલેનાથ શિવજીનાં સલાહ સૂચનથી જ્યારે જલંધર રણમેદાનમાં ભગવાન શિવ સાથે યુધ્ધ કરવામાં વ્યસ્ત હતો ત્યારે વિષ્ણુ ભગવાને જલંધરનું સ્વરૂપ લીધુ અને વૃંદા સાથે રહેવા લાગ્યાં. આમ કપટથી વૃંદાનું પતિવ્રત ખંડિત થયું, અને વૃંદાનાં સતીત્વનું ખંડન થતાં જ જલંધરનું રણ મેદાનમાં મૃત્યુ થયુ, પરંતુ જ્યારે વૃંદાને ખબર પડી કે પોતાનું વ્રત તોડાવવામાં ભગવાન વિષ્ણુનો હાથ છે ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપતાં કહ્યું કે આપ આ બ્રહ્માંડના સંચાલક હોવા છતાયે આપ લાગણી વગરનાં પથ્થર જેવા છો અને આપના આ કાળાકર્મને કારણે આપ કાળા પથ્થરમાં ફેરવાઇ જાઓ વળી આપે અવિચારી મર્કટો (વાનરો) જેવું કાર્ય કર્યુ છે તેથી હું આપને શ્રાપ આપું છુ કે આપની પત્નિને પીડામાંથી બચાવવા માટે આપે આજ અવિચારી મર્કટોની મદદ લેવી પડશે. (આ પ્રસંગ આપણે રામાયણમાં જોઇએ છીએ જે પ્રમાણે કર્મ હોય તે પ્રમાણે ફળ ભોગવવું જ પડે છે) આટલું કહી વૃંદા પોતાના પતિ પાછળ સતી થયા. વેદોમાં કથા છે કે વૃંદાના શ્રાપની સામે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પતિવ્રત ધર્મમાં પતિને કુકર્મોથી વાળવો એ પણ આવી જાય છે પરંતુ વૃંદાએ કયારેય પોતાના પતિને કુકર્મો તરફથી વાળેલો નથી અને તેના કારણે ત્રણેય લોકને (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ) ઘણો જ ત્રાસ થયો છે માટે સતી વૃંદા આપ પણ શ્રાપને પાત્ર છો અને ભગવાન વિષ્ણુએ વૃંદાને સજીવ છતાંયે નિર્જીવ એવી વનસ્પતિ થવાનો શ્રાપ આપ્યો.
વૃંદાનું પ્રાગટ્ય વનસ્પતિમાં તુલસી રૂપે થયું અને ભગવાન વિષ્ણુએ આ શ્રાપને કારણે “શાલિગ્રામજી”નું રૂપ ધારણ કર્યુ. કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં. તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. શેરડીનાં ૧૬ સાંઠાથી આંગણીયે મંડપ બંધાય છે. વિવાહ ખેલના ગીતો ગવાય છે. નવવધૂના સોળ શૃંગારથી શ્રી તુલસીજીને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છે અને પૌવાનો પ્રસાદ વહેંચવામાં આવે છે. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ફળો ધરવામાં આવે છેં. તુલસીપત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે. હવેલીઓમાં શ્રી ઠાકોરજીને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં. શિતકાલમાં શ્રી પ્રભુને તથા અન્ય સ્વરૂપોને ગદ્દલ તપાવીને ધરાય છે અને અંગીઠી સન્મુખ કરાવાય છે. આજથી શિતકાલીન સેવાનો પ્રારંભ કરાય છે.

તુલસી વિવાહ કરવાની વિધિ
*તુલસીના છોડને નિયમિત પાણી સિંચવું
* શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું.
* ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું.
* ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ
તરફ મોઢુ રાખીને બેસાડવાં.
* ગોધુલી(સાંજના) સમયમાં વર ભગવાનનું પૂજન કરવું.
* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા તુલસીનું દાન કરવું.
* ત્યારબાદ મંગળ ફેરા ફેરાવવા.
* ત્યારપછી શક્તિ મુજબ બ્રહ્મ-ભોજ કરાવવું.
* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરવું.
ગોવા કોંકણમાં આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે “તુલસી ચે લાગીન” ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ આ ઉત્સવનું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ દિવસ ચાલે છે. તુલસી વિવાહ બાદ જ ભારતમાં લગ્નમૌસમ શરૂ થાય છે.

શેરડીનો મંડપ અને તુલસી વિવાહ

प्रबोधिनी पद
प्रबोधिनी व्रत कीजे नीको,जागे देव जगत हितकारन सबें ब्रतन को टीको
निस-वासर हरिको जस गैये,जोबन जात अंजुलि जल करको
गुन गावत दिन-रात अधिक सुख,छिनु एक जाम पलक नहीं फरको
या सुख महिमाको को जाने,नृप अंबरीष सरखो
“कृष्णदास”सुखसिंधु बढ्यो अति गावत भक्त सुजस गिरिधरको

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૩ 

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું- ૮-૯

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું- ૮-૯                                                                        

પ્રિય સખી, 

શ્રી વલ્લભ શ્રીવલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ

શ્રી વલ્લભ કબહું ન વિસરિ હો, મોહિ માતપિતાની આન

શ્રી વલ્લભ મોહિ માતપિતાની આન ।।૮।।

મૈં ઇન ચરન ન છાંડિહોં, શ્રીવલ્લભવર વ્રજ  ઇશ

જો લોં તન મેં શ્વાસ હૈ, તોલોં ચરણ ધરો મમ શીશ

શ્રી વલ્લભ, તોલોં ચરણ ધરો મમ શીશ.।।૯।।

પ્રિય સખી કૃષ્ણકેડીની આ આઠમી અને નવમી ટુંકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જે માતા પિતાએ મારો પરિચય શ્રી વલ્લભ સાથે કરાવ્યો હતો તે સમયનો હું આભારી છું કારણ કે જયારે પ્રથમ વાર મારો પરિચય મારા શ્રીવલ્લભ સાથે કરાવેલ ત્યારે મને સમજ નહોતી કે આ પરિચય શા માટે થયો છે પણ જેમ જેમ સમય સાથે સમજણ આવતી ગઇ તેમ તેમ વલ્લભ સાથેનાં એ પરિચયનું બંધન પણ દ્રઢ બનવા લાગ્યું અને આજે એ સમય છે કે શ્રી વલ્લભ મારા પ્રાણ રૂપ બની ગયા છે, તેથી સતત હું તેમના નામનું રટણ કર્યા જ કરું છું અને હવે તો હું પળવાર પણ શ્રી વલ્લભનાં નામનું રટણ ભુલવા નથી માંગતો કારણ કે આપશ્રી પૃથ્વી પર શ્રી ઠાકોરજીની કૃપાશક્તિનું સાક્ષાત સ્વરૂપ છે અને ગોલોક ધામમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજી પણ એવા જ જીવો પર કૃપા કરે છે જેના પર શ્રી સ્વામિનીજી કૃપા કરે છે . આ રીતે સ્વામી અને સ્વામિનીજીના સ્વરૂપ એવા શ્રી વલ્લભ દૈવી જીવ સૃષ્ટિને અંગીકાર કરવા ભૂતલ ઉપર પ્રગટ થયા છે.  આપનું સ્વરૂપ એ વૈશ્વાનર,  તાપાત્મક,  સુધાત્મક અને ભાવાત્મક હરિવદનાનલ સ્વરૂપ છે.  કારણ કે એ ફકત પુષ્ટિમાર્ગના પ્રણેતા નથી પણ તેઓ સ્વયં શ્રી વ્રજના અધિપતિ પણ છે.  શ્રી વલ્લભનાં બે ચરણકમલોમાં શરણાગતિ અને પુષ્ટિસર્મપણની ભાવના સદા બિરાજમાન છે આથી જે વૈષ્ણવો શ્રી વલ્લભનાં ચરણકમલોનો આશ્રય કરે છે તેમને શ્રી વલ્લભ નિરંતર અભયપદ દાન આપે છે.  શ્રી ગુંસાઇજી પ્રભુચરણ પણ કહે છે કે શ્રી વલ્લભનાં ચરણોની રજ આપણી સર્વે ચિંતાઓનો નાશ કરનારી છે.  જયાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી શ્રી વલ્લભનાં ચરણકમળો હું કયારેય ત્યજીશ પણ નહીં અને ભુલીશ પણ નહીં.  હું ફક્ત અને ફક્ત શ્રી વલ્લભનાં શરણમાં જ રહેવા માગું છું, કારણ કે શ્રી વલ્લભ પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ, શરણાગતિનો ભાવ અને આપશ્રીનાં સ્વરૂપનું નિરંતર ધ્યાન એ સર્વથી શ્રેષ્ઠ અને ફલાત્મક છે જે જીવ આ મર્મને જાણી લે છે તેમને શ્રી વલ્લભ પુષ્ટિભક્તિમાર્ગમાં સ્થિરતા આપે છે. સખી જીવોનો સ્વભાવ છે કે તેઓ સંસારસાગરમાં બસ આમતેમ ભટકયાં જ કરે, પણ જયાં સુધી જીવ સંપૂર્ણ વલ્લભાશ્રિત ન થાય ત્યાં સુધી પુષ્ટિમાર્ગનાં પુરુષાર્થનાં ચાર રત્નો હાથમાં આવતાં નથી. ચાલ તું પણ શ્રી વલ્લભનાં નામનું રટણ કર અને પુષ્ટિમાર્ગનાં પુરુષાર્થનાં આ ચાર રત્નો કયા કયા છે તેના ઉપર વિચાર કર ત્યાં સુધીમાં દશમી ટુંકના રસથાળ સાથે હું આવી જઇશ. ફરી મળ્યા અહિં જ આજ આપણી કૃષ્ણ કેડી પર ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

પૂર્વી મલકાણ મોદીની સ્નેહ યાદ.

ISBN-978-1500126087  કોપી રાઇટ 

http://www.pushtiprasad.com
પુષ્ટિપ્રસાદમાં પ્રકાશિત ૨૦૧૨