Monthly Archives: ડિસેમ્બર 2013

લોકગીતનો એક પ્રકાર- ખાંયણા

લોકગીતનો એક પ્રકાર- ખાંયણા

ગ્રામ્ય સંસ્કૃતિમાં ગવાતા ખાંયણાએ લોકગીતોનો જ એક પ્રકાર છે. પરંતુ આજે લોકગીતો જ ખોવાઈ ગયા છે તો ખાંયણા શું હોય તે ખબર જ કેમ પડે? એક સમયે ખાંયણાએ ગ્રામ્યનારીઓનાં મુખેથી સહજ રૂપે નીકળી પડતાં હતાં. અનાજ ખાંડતી વખતે સમય પસાર સારી રીતે થાય તે હેતુથી ખાંયણાઑ ગવાતા હતાં. (આજે અંતાક્ષરી રમાય છે પણ સાથે બેસીને અનાજ ખાંડવાનું કાર્ય આજના જીવનમાંથી ગાયબ થઈ ગયું છે. ધાન (અનાજ ) ખાંડતા ખાંડતા ખાંડણિયા પર બેસીને ગાવાનાં ત્રણ ત્રણ નાજુક પંક્તિઓનાં જોડકણા. આ ત્રણ પંક્તિઓમાં જાણે કોઈ ઉર્મિકાવ્ય સમાઈ જતું હોય તેવું લાગે. ક્યારેક વિચારું છું કે આજે હાઇકુ તરીકે કહેવાતો કવિતાનો પ્રકાર આ ખાંયણાઑમાંથી તો નથી આવ્યો ને…?

સાસરે જતી વખતે
૧) સુરજ ઊગ્યો પછવાડેની ભીંતે
આપણાં ઘરની રીતે કે,
બહેની ચાલજો

૨) આકાશે અર્પયા ને ધરતી માએ ઝીલ્યા
માએ ને બાપે ઉછેર્યા કે
પર ને સોંપવા

૩) બહેન પરણે ને મોર ચિત્તરનાં માંડવા
અખંડ ઉજાગરા કે
એના ભાઈનાં

સાસરું

૧) આજ સખી મારી આંખલડી નથી ઠરતી
સગો વીરો નથી મળતો
કે આણા મોકલે

૨) મારા બાપે તે પરદેશ દીકરી દીધી
ફરી મારી ખબર ના લીધી
દીકરી મારી મૂઇ કે જીવતી

૩) સાંજ પડે ને આથમે રવિ કેરું તેજ
માડી કેરું હેત
કે મુજને સાંભરે

૪) તળાવની પાળે મા ને દીકરી મળિયાં ને,
ડૂસકે ડૂસકે એવા રડીયા કે,
તળાવ આખા છલકાયાં

વીરાને

૧) ખાંડણિયાં ખાંડતા ખખડે હાથની ચૂડી
મહિયારેથી મૂડી
કે વીરાજી મોકલે

૨) મોરો વીરો મોટા શેરનો સૂબો
માંડવી ચોકમાં ઊભો
કે અમ્મર મૂલવે

૩) એ સખી આંખલડી મારીનો હીરો
એવો મારો માડીજાયો વીરો
આવે તો માંડું એની હારે ગોઠડી

૪) આવતા દેખું દૂરથી ગામ મારું
“જાડું” મારું કહી ભેટે
એ તે માડીજાયો મારો વીર

૫) માડીના મેવા ને બાપની મીઠાઇ
વીરાની સગાઈ તે
ટાળી નવ ટળે

ભાઈ-ભાભીની મજાક

૧) ભાઈ જમે, ને ભાભી ડોકાવે
રખે ને મારી નણંદી આવે કે
મારે બારણે

૨) નહીં આવું નહીં આવું, ભાભી તમ દ્વારે
પણ, મારા નાનુડા બાળુડા કેરા ભત્રીજાને
કોઈ મારા વિના ઝૂલવશે કે

૩) આ રે જગતમાં એક મોટી ખોડ
સરખે સરખી જોડ કે
મળવી દોહ્યલી

મારા કલેક્શનમાંથી :-પારિજાત
લેખક :-અજ્ઞાત