Monthly Archives: જાન્યુઆરી 2014

ભમતી રમતી ભમરડી….

હું નાની ભમરડી , ભમતી રમતી ભમરડી,
કે ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……
મને પારજીએ આવીને હળવેથી હાથમાં ઉપાડી રે
કે ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……..
હું તો દોરી વડે ધૂમ ધૂમ ચક્કર ફરતી તી
કે ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……….
મને જોઈ સૌ છોકરા હસીને હરખાયા કે,
ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી………..
હું તો ધીમે ધીમે ડોલતી ડોલતી રમતી કે,
ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……….
હું તો ધીમું ધીમું હસતી હસતી તી કે
ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……
હું તો ગબડતી ગબડતી દૂર જઇને સરી કે
ચોકમાં ઘૂમ ઘૂમ કરતી ભમતી રમતી ભમરડી……….

સંકલન: “પારિજાત”

પ્રાણીઑ અને તેમનાં બચ્ચાઑ

૧) ગાયનાં બચ્ચું “વાછેરું “કહેવાય.
૨) ભેંસનાં બચ્ચું “પાડું” કહેવાય.
૩) ઘેંટાનાં બચ્ચાને “ગાડરું”કહેવાય.
૪) બકરીનાં બચ્ચાંને “લવારું” કહેવાય.
૫) કૂતરાનાં બચ્ચાને “ગલૂડિયું” કહેવાય.
૬) બિલાડીનાં બચ્ચાને “મીંદડું” કહેવાય.
૭) ઘોડાનાં બચ્ચાને “વાછેરું” કહેવાય.
૮) ઊંટનાં બચ્ચાને “બોતડું” કહેવાય.
૯) હાથીનાં બચ્ચાને “મદનિયું” કહેવાય.
૧૦) ગધેડાનાં બચ્ચાનાં “ખોલકું” કહેવાય.
૧૧) મરઘીનાં બચ્ચાને “પીલું” કહેવાય.
૧૨) સાપનાં બચ્ચાને “કણા” કહેવાય.
૧૩ ) સિંહનાં બચ્ચાને “સરાયું અથવા ભુરડું” કહેવાય છે. 

 

“પારિજાત”

માતૃત્વનો ન્યાય (અકબર-બિરબલની વાર્તા )

એક સમયે અકબર બાદશાહનાં દરબારમાં બે સ્ત્રીઓ લડતી ઝગડતી આવી. ત્યારે બાદશાહે તેમને પૂછ્યું કે આપનો ઝગડો શાને માટે છે?

ત્યારે એક સ્ત્રી કહે કે જહાંપનાહ આ મારુ બાળક છે અને આ સ્ત્રી તેની ઉપર પોતાનો હક્ક જમાવી રહી છે.

ત્યારે બીજી સ્ત્રી કહે ના ના જહાંપનાહ આ બાળક મારુ છે આ સ્ત્રી જૂઠું બોલી રહી છે.

આમ બંને સ્ત્રીઓ મારૂ બાળક, મારૂ બાળક કહી ફરીથી ઝગડવા લાગી.

તે બંને સ્ત્રીઓની બાળક માટેની ઉગ્ર દલીલો જોઈ બાદશાહ અકબરે બિરબલને પૂછ્યું કે આમાં કઈ સ્ત્રી સાચું બોલે છે અને કઈ સ્ત્રી ખોટું બોલે છે તેમ કેમ ખબર પડશે?

બાદશાહનો પ્રશ્ન સાંભળી બિરબલે બાદશાહ ને કહ્યું કે જહાંપનાહ આપ આજ્ઞા કરો તો હું હમણાં જ આ ઝગડાનો ફેંસલો કરી આપું.

બિરબલની વાત સાંભળીને અકબર બાદશાહ કહે હાં હાં બિરબલજી નેકી ઔર પૂછ પૂછ!!! આપ જલ્દીથી ફેંસલો કરો.

બાદશાહની વાત સાંભળીને બિરબલજી બંને સ્ત્રીઓ પાસે આવ્યાં અને તેમના હાથમાંથી બાળક લઈ લીધું અને તેને જમીન પર સુવડાવી પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી.

આ તલવાર જોઈ એક સ્ત્રી બોલી ઉઠી આપ શું કરો છો હુઝૂર?

આથી બિરબલ કહે આપ બંનેનાં ઝગડાનો અંત લાવું છું.
આ સાંભળીને પહેલી સ્ત્રી પૂછવા લાગી ઝગડાનો અંત એટ્લે……

ત્યારે બિરબલ કહે કે આ બાળકનાં બે ટુકડા કરીશ અને આપ બંનેને અડધા અડધા ટુકડા આપીશ જેથી આપ બંને માતાઓનો તેના પર અધિકાર કહે એમ કહી બિરબલ બંને સ્ત્રીઓને પૂછવા લાગ્યો કે કેમ હું બરાબર કહું છું ને?

બિરબલજીની વાત સાંભળીને એક સ્ત્રી કહે હા હા આપ બરાબર કહો છો, જ્યારે બીજી સ્ત્રી કહે ના નાં એમ ન કરશો?
ત્યારે બિરબલે તે સ્ત્રીને પૂછ્યું એમ કેમ ન કરું?

ત્યારે તે સ્ત્રી કહે આપ એમ કરશો તો તે બાળક મરી જશે. મારુ બાળક મારાથી દૂર રહેશે તે ચાલશે હું તેના વગર જીવી લઇશ પણ તે મૃત્યુ પામશે તો તેની સાથે હું યે મરી જઈશ. માટે હુઝૂર આપ તે બાળક આ સ્ત્રીને જ આપો આ જ સ્ત્રી તેની સાચી માતા છે, હુઝૂર આપ મારા બાળકને તેની સાચી માતાના હાથમાં સોંપી દો પણ કૃપા કરીને આપ આપની તલવાર પણ મારા બાળકથી દૂર રાખો.

તે સ્ત્રીની વાત સાંભળીને બિરબલજીએ તલવાર પાછી મૂકી દીધી પછી તે બાળકને હાથમાં લઈ બીજી સ્ત્રીને પૂછવા લાગ્યા કે શું કરું? ત્યારે તે બીજી સ્ત્રી કહે હુઝૂર જોયું આ મારુ જ બાળક છે આ સ્ત્રીએ પણ કહી જ દીધુને કે આ બાળક મારુ છે માટે લાવો આ બાળક મને જ આપી દો હું જ તેની માતા છું.

આ સાંભળીને બિરબલજી એ સ્ત્રી ઉપર ખીજાયા ને કહેવા લાગ્યા ……ધૂર્ત તું ચૂપ કર આ બાળક તારું નહીં પણ આ પહેલી સ્ત્રીનું છે. એમ કહી તે બાળકને પહેલી સ્ત્રીનાં હાથમાં મૂકી દીધું અને પછી બાદશાહની સામે જોઈ કહે જહાંપનાહ ફેંસલો થઈ ગયો આ જ સ્ત્રી આ બાળકની સાચી માતા છે.

બિરબલજીની વાત સાંભળીને બાદશાહ પૂછવા લાગ્યા કે બિરબલજી આપે કેવી રીતે જાણ્યું ?

બાદશાહ અકબરનો પ્રશ્ન સાંભળીને બિરબલજી કહે જહાંપનાહ “માતૃત્વની પણ ભાષા અનેરી હોય છે” આ સ્ત્રી તેના બાળકનાં ટુકડા થવાનાં તે જ વિચારથી ડરી ગઈ તેથી કહેવા લાગી કે મારુ બાળક મારાથી દૂર હશે ને જીવિત હશે તો હું જીવી લઇશ પણ એના ટુકડા કરવાથી બાળક મરી જશે. ને જહાંપનાહ કોઈપણ માતા પોતાના બાળકને કેવી રીતે મરવા દે? ને વળી જહાંપનાહ માતા એજ કહેવાય જેના હૃદયમાંથી સતત માતૃત્વની સરવાણી વહેતી હોય.

બિરબલની વાત સાંભળીને બાદશાહ અકબરે આદેશ આપ્યો કે બિરબલજી આ બાળકને તેની ખરી માતાને સોંપી દો.

બિરબલે બાદશાહજહાંની વાત સાંભળી તે બાળકને તેની ખરી માતાને સોપી દીધું, તે સાથે જ આખાયે દરબારમાં બિરબલજીનો જય જયકાર થઈ ગયો.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ
purvimalkan@yahoo.com

વૈષ્ણવ એટ્લે શું? અને વૈષ્ણવ કોણ છે?

પુષ્ટિમાર્ગની રાહ એ વૈષ્ણવોની રાહ તરીકે ઓળખાય છે પરંતુ પુષ્ટિમાર્ગમાં પૂછો કે વૈષ્ણવ કોણ છે તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસેય નહીં હોય. વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણે વૈષ્ણવો શાના? વેદોમાં કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જે જીવ તન, મન અને ધનનો સદ્ઉપયોગ ભગવત્સેવા અને ભગવત્જન પાછળ કરે છે તેવો જીવ વૈષ્ણવ કહેવાય છે. ઉપનિષદમાં કહે છે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખથી પર રહીને સર્વત્ર પ્રભુને જુએ છે, દેહ-ઇન્દ્રિયોનાં ધર્મમાં મોહ પામતા નથી, જેમને જ્ન્મ, કર્મ, ધર્મ, વર્ણ, જાતિ વગેરે વિષે અભિમાન થતું નથી, જે સર્વે જીવો પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે, જેઓ પ્રભુ અને ગુરૂનાં ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, જેઓ ભગવદીયો પ્રત્યે સ્નેહ રાખે છે તેવા જીવોને વૈષ્ણવ કહેવાય છે. ઈશ્વર સંહિતામાં કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એકેશ્વરવાદને માને છે તે વૈષ્ણવ છે, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને માનનારમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન શિવ પણ શામિલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે આથી જ આપણાં પુષ્ટિમાર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકુરજીના ભક્ત તરીકે એક અલગ જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે આથી તે ભાવને અનુરૂપ ભગવાન કૃષ્ણને સંબંધિત જે ભક્તો રહેલા છે તે તમામ વૈષ્ણવો રૂપે જ રહેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે અર્થ કહ્યા છે પહેલા અર્થમાં કહે છે કે જે જીવ મન, કર્મ અથવા વાણી દ્વારા પણ કોઈ જીવને દુઃખ આપતો નથી તેને વૈષ્ણવ કહે છે, અને બીજા અર્થમાં કહે છે કે જે જીવ સર્વત્રે અને સર્વજ્ઞે ફક્ત ભગવાન વિષ્ણુને જુએ છે તે વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈ – એટ્લે ભગવદીય, ષ્ણ – એટ્લે કૃષ્ણ અને વ – એટ્લે વલ્લભ. જ્યારે પુષ્ટિમાર્ગની રાહે નીકળેલ પ્રવાસી ભગવદીયમાં સ્નેહ રાખે છે , શ્રી વલ્લભનાં ચરણોમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરી તેમની કૃપા મેળવે છે ત્યારે તે વૈષ્ણવ બને છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે જે જીવ પોતાના માટે નહીં બલ્કે બીજાના દુઃખ જાણી અહંકાર રહિત રહી પરોપકાર કરે તેવા જીવને વૈષ્ણવ કહેવાય છે. પ.પૂ. ૧૦૮ ગો શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી કહે છે કે જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખદુઃખની દષ્ટિને સમજતો થઈ જાય ત્યારે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જાય, અને આવા પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આવા વૈષ્ણવજનોના મળવા માત્રથી અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જતું હોય છે. વિવેકધૈર્યાશ્રયમાં વૈષ્ણવ હોવાના લક્ષણો માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદાયે ભગવત્સેવા અને ભગવત્દર્શન માટે આર્ત રહેતું હોય, લૌકિક કાર્યો ફક્ત એક ક્રિયા રૂપે કરે છે, પોતાની વાણી અને મનને સંયમમાં રાખે છે, પોતાના ગુરૂ એટ્લે કે વલ્લભ કુલ આચાર્યો પ્રતિ શ્રી ઠાકુરજી સમાન અને તેથીયે વધુ ભાવ રાખે છે અને અન્ય પુષ્ટિજીવો, તથા ભગવદીયો પ્રત્યે પ્રેમથીયે વધુ વિશેષ સ્નેહભાવ રાખે છે તે સાચો વૈષ્ણવ કહેવાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ભાવપ્રકાશમાં કહે છે કે વૈષ્ણવ એ છે કે જે પુષ્ટિ જીવ સતત ભગવત્નામનો અને ભગવત્વાણીનો સતત ઉચ્ચાર કરતો હોય, જેણે પોતાનું સર્વસ્વ લૌકિક અલૌકિક શ્રી ઠાકુરજી સ્વરૂપ શ્રી વલ્લભના ચરણાર્વિન્દમાં સમર્પિત કરી દીધું હોય, જે દિનતા અને દૈન્યતાનો મર્મ જાણતો હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ કરતો હોય, જે પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ન હોય, જે પ્રભુના તત્સુખને અગ્ર સ્થાને રાખતો હોય તેવો જીવ વૈષ્ણવ બનવાના સમગ્ર અધિકાર રાખે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતાં કહે છે કે “न हि साधन सम्पत्त्या हरिस्तुष्यति कस्यचित् दैन्यमेवैकम् हरितोषणसाधनम्।” આ વાકયના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ બનવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી પણ જે જીવ પોતાની દૈન્યતા, દિનતા, દયા અને કરુણાના ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવદ્ આશ્રય છોડતો નથી, જે સદાય હરિ ગુરૂ અને હરિના જન પ્રત્યે સેવા અને સત્કાર્યોંમાં મગ્ન થઈ જાય છે ત્યારે તે જીવ વૈષ્ણવમાંથી ભગવદીય થઈ જાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે શ્રી વલ્લભ અને વ્રજમાં વસનારા વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકુરજીને માનનારા જીવોએ અન્ય ધર્મોનો ત્યાગ કરીને પોતાનું ધ્યાન કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને ભજનારા ભગવદીયો પ્રત્યે કેન્દ્રિત કરવું જોઈએ. પુષ્ટિમાર્ગના તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવોની આજ્ઞા કરીને કહેતા કે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ પ્રેમનો માર્ગ છે પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવીને ચાલવા સક્ષમ છે કે નહીં, અને જે જીવો વૈષ્ણવો અને ભગવદીયો તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર પ્રસન્નતા અને કૃપા ઉતરે છે. આથી ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવોમાં શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો પ્રત્યેનો પુષ્ટિભાવ સિધ્ધ થઈ જાય છે ત્યારે તે જીવ વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે.

પૂર્વી મોદી મલકાણ-યુ એસ એ.

ફૂલછાબમાં પ્રકાશિત (૨૦૧૨)
વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત

પંજાબીઓનો પર્વ લોહડીત્સવ

પંજાબીઓનો પર્વ લોહડીત્સવ

પંજાબીઓમાં હિન્દુ પંચાંગ પ્રમાણે પોષ અથવા મહા મહિનામાં નવી ફસલની સમૃધ્ધિની કામના ફલિત થાય તે હેતુથી અને શીતકાલની વિદાયનાં સૂચક રૂપે લોહડી ઉત્સવ મનાવવામાં આવે છે. સામાન્ય રીતે મકર સંક્રાંતિની એક દિવસ પહેલા મનાવવામાં આવતો લોહડીત્સવ એ પંજાબીઓનો એક ઉત્સવની સાથે તેમની જીવનશૈલીનું પ્રતિક પણ છે. પંજાબની સાથે હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યમાં પણ ધામધૂમથી લોહડીઉત્સવને મનાવવામાં આવે છે. મૂલતઃ પંજાબી શબ્દ લોડ ઉપરથી લોહડી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે જેનો અર્થ છે આવશ્યકતા. પરંતુ આવશ્યકતા કોની છે? ફક્ત શું જીવન જરૂરિયાતની વસ્તુઓની છે કે એક પરફેક્ટ જીવનશૈલીની જરૂર છે? પરંતુ હકીકત એ છે કે દરેક મનુષ્ય વિચારે છે કે તેમની જરૂરિયાત એ છે કે જીવન જરૂરિયાતની વસ્તુથી સભર તેમનું જીવન ઉત્સવ અને આનંદપૂર્વક પસાર થાય. બસ માત્ર આ જ એક વિચાર તેમને વર્ષભર કર્મ કરવા માટે પ્રેરિત કરે છે અને આજ કર્મો કરતાં કરતાં તેઓ વર્ષનાં અમુક દિવસોને આનંદ આપનાર ઉત્સવ તરીકે ઉજવે છે.

લોહડી ઉત્સવ મનાવતાં લોકોમાં આ તહેવાર અંગે વિવિધ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર પૂતના વધ બાદ ગોકુલમાં મહારાજ કંસ દ્વારા લોહીડા નામની રાક્ષસીને બાલકૃષ્ણને મારવા માટે મોકલવામાં આવી હતી ત્યારે બાલકૃષ્ણએ આ રાક્ષસીનો પણ નાશ કર્યો. રાક્ષસી સાથેની લડાઈ દરમ્યાન લોહીડા રાક્ષસીને બાલકૃષ્ણનાં બાળ સ્વરૂપમાં પ્રભુનાં દર્શન થયાં ત્યારે તેણે પ્રભુને વિનંતી કરી કે મારો આ રાક્ષસી જન્મ હોવાથી હું આપને ઓળખી ન શકી તેથી આપને મારવા માટે ચાલી આવી પરંતુ હે પ્રભુ હવે હું આપના આ બાલ સ્વરૂપમાં છુપાયેલ સ્વરૂપને ઓળખી ગઈ છું હે પ્રભુ આપ મને મારા સ્વભાવ સહીત ક્ષમા આપી મારો ઉધ્ધાર કરો, હે નાથ આપ પરમ દયાળુ છો આપ મારી વિનંતી સ્વીકારો. ત્યારે બાલકૃષ્ણએ તેણે ક્ષમા આપી અને તેને વરદાન આપ્યું કે તે હવેથી લોહીડા રાક્ષસી તરીકે નહીં પરંતુ લોહડી માતા તરીકે પ્રસિધ્ધ થશે અને લોકસમુદાયમાં મીઠાશ આપવાનું તે કાર્ય કરશે. બીજી માન્યતા અનુસાર સંત કબીરની પત્ની લોઈ ગ્રામ્યજનો માટે માતા સ્વરૂપ હતી તેથી તેની યાદ કાયમ રહે તે હેતુથી ગ્રામ્યજનોએ લોઈ ઉપરથી લોહડી ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું. ત્રીજી માન્યતા અનુસાર દુલ્લા ભટ્ટી નામના ડાકુએ સુંદરી અને મુંદરી નામની બે બ્રાહ્મણ બાળાઓને શૈતાનો પાસેથી બચાવીને તેમના વિવાહ કરાવેલા આ સમયે પોતે ડાકુ હોવા છતાં પિતાનું કર્તવ્ય નિભાવ્યું. તેણે સુંદરી અને મુંદરીનાં વરને ત્રાજવે તોલીને તેમનાં વજન જેટલી સાકર આપેલી, ત્યારથી સુંદરી અને મુંદરી બંને બહેનો “સુંદર મુંદરિયે, તેરા કોણ વિચારા હોં” જેવા લોકગીતોમાં વણાઈ ગઈ. આ કથાનો એક અર્થ એ લઈ શકાય કે દુલ્લાભટ્ટી જેવો ડાકુ પણ તહેવારનાં સમયે પોતાનો ખરાબ સ્વભાવ છોડીને સારો બની જાય છે અને બીજો અર્થ એ કહી શકાય કે સાકર એ મીઠાશનું પ્રતિક છે અહીં દુલ્લાભટ્ટીએ સાકર નથી વહેંચી બલ્કે પોતાની પાસે રહેલ થોડી મીઠાશ વહેંચી છે. આમ જોઈએ તો મીઠાશ વહેંચતા મીઠાશ મળે તે હેતુ આ કથામાં રહેલો છે. ચોથી કથા અનુસાર લોહડી શબ્દ લોહી શબ્દથી બનેલો છે, પરંતુ લોહી પરથી લોહડીનો અર્થ સમજાવતાં શીખ ધર્મમાં કહ્યું છે કે અહીં લોહી શબ્દનાં બે અર્થ થાય થાય છે પ્રથમ અર્થ એ કે શુધ્ધ અને સ્વચ્છ અન્નનો આહાર લેવાથી તનમાં લોહી ચઢે છે અર્થાત તન અને મન સુદ્રઢ થાય છે. આથી જ આપણે ત્યાં કહે છે ને કે પેટ ભરેલું હોય તો મન સ્વસ્થ રહે અને આનંદિત રહે છે. બીજા અર્થમાં લોહી એટ્લે કે વર્ષા. અન્નને માટે પર્યાપ્ત વર્ષા હોવી જરૂરી છે. જો અન્ન ન ઊગે તો પેટ ભરાય કેવી રીતે? માટે ખેડૂતો આખું વર્ષ ખૂબ કામ કરે અને વર્ષા દરમ્યાન ભીંજાવાની દરકાર ન રાખતાં અન્નનો વરસાદ થાય તે હેતુથી પોતાના કાર્યમાં મગ્ન રહે છે. ખેડૂતોને કામમાં મગ્ન થયેલા જોઈ પ્રભુ પણ તેમના પર પોતાની કૃપા રૂપી વરસાદ વરસાવે છે. પ્રભુ કૃપા અને પ્રકૃતિની કૃપા ભેગી થતાં શીતઋતુમાં અન્નનો વરસાદ વરસે છે અર્થાત અન્ન પાકે છે. નિર્ધારિત સમયે અન્ન પાકતા ખેડૂતો પ્રભુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિ દેવની સાક્ષીએ પોતે ઉગાવેલ અનાજનો ભોગ પ્રભુને ધરાવે છે.

લોહડીનાં દિવસે સવારનાં સમયે બાળકો પ્રત્યેક ઘરે જઈ પ્રસાદ સ્વરૂપે સરસોં, મકાઇ, તલ, જવ, નાળીયેર, ધાણી, દાળિયા વગેરે ઉઘરાવે છે. આ ઉત્સવમાં મોડી સંધ્યાએ લોકો એકઠા થઈ લાકડીઓ, છાણનાં ગુબ્બારા, વડે હોળી જલાવે છે અને સમૃધ્ધિ સહિતની સારી ફસલ અને સુખ, શાંતિની ઈચ્છા કરતાં આ હોળીની આસપાસ પરિક્રમા અને પ્રદક્ષિણા કરે છે. જેમાં નવા પાકનાં પ્રતિક રૂપે, જવ, ચોખા, તલ, શેરડી, મકાઇ, સરસોં (મોટી રાઈ), ગોળ વગેરે પધરાવાતી સામગ્રીને તીલ ચૌલીને નામે ઓળખવામાં આવે છે. લોહડીની હોળીની પરિક્રમા બાદ પુરુષો ભાંગડા નૃત્ય કરે છે અને સ્ત્રીઑ ગિદ્દા નામનું લોકનૃત્ય કરે છે અને એકબીજાને ઉત્સવની વધાઈ આપે છે. આમ આ એક દિવસ પારંપરિક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે. લોહડી ઊજવતાં અને લોહડી માતાને માનનાર પ્રત્યેક શ્રધ્ધાળું પોતાને ત્યાં બાળકોનાં જન્મ બાદ પ્રથમ લોહડી ધામધુમથી ઉજવે છે તે જ રીતે લગ્ન બાદ નવવિવાહિત જોડા દ્વારા પણ લોહડી માતાની પૂજા થાય છે.ઘણા ખરા લોકો લોહડી માતાની સાથે સરસ્વતી માતાની પણ પૂજા કરે છે.

લોહડીનાં ઉત્સવ દરમ્યાન લોકો રોટી અને સરસોંનાં સાગને સૌથી વધુ મૂલ્ય આપે છે. આ ઉપરાંત વિશેષ પ્રસાદનાં રૂપમાં સૂકા મેવા, મગફળી,તલ, ગોળ વગેરેમાંથી બનેલ મીઠાઇ અને ગજક બનાવવામાં આવે છે. તદ્પરાંત શેરડીનાં રસ વડે સોજી અને ચોખાની સાંજી બનાવવામાં આવે છે જેને દહીં સાથે ખાવામાં આવે છે. ગુરૂદ્વારામાં ખિચડી અને ખડાપ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે દાનનું પણ અતિ મહત્વ માનવામાં આવ્યું છે. લોહડી બાદનો બીજો દિવસ ભારતનાં વિભિન્ન રાજ્યોમાં વિવિધ નામ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ, ઓરિસ્સામાં સંક્રાંથી, બિહારમાં ખિચડી ઉત્સવ, આસામમાં બિહૂત્સવ, નાગાલેન્ડમાં માઘીતોસ્વ, તામિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભોગીત્સવ, કેરાલામાં મકર વિલાક્કુ વગેરે તરીકે ઉજવવામાં આવે છે. આજની ભાષામાં અને બીજા અર્થમાં જોઈએ તો શીતઋતુ દરમ્યાન આવતો આ તહેવાર ઠંડીની સાથે વોર્મ વેલકમ અને નવી ફસલની સમૃધ્ધિ લઈને આવે છે. આયુર્વેદમાં કહ્યું છે કે શીત પવનથી સુરક્ષા મેળવવાનાં ઉદેશ્યથી ગરમી આપનાર આ સામગ્રીઓનું સેવન કરવામાં આવે છે આથી જ કદાચ હોળી જલાવી અગ્નિની ગરમી મેળવવામાં આવે છે, તલ, સરસોં, મગફળી, ગોળ, વગેરે જેવા ગરમ ખાદ્ય પદાર્થોનું પણ મૂલ્ય બનાવવામાં આવ્યું છે, સાથે સાથે લોક સમૂહ દ્વારા એકઠા થઈ એકબીજાની હુંફમાં ઉજવાતા “સુંદર મુંદરિયે, તેરા કોણ વિચારા હોં, અને દેહ માઈ લોહડી, જીવે તેરી જોડી” વગેરે લોક સંગીત, અને લોકનૃત્ય દ્વારા આ ઉત્સવનો આનંદ અનેરો થઈ જાય છે.
सुंदर मुंदरिए। …हो
तेरा कैन बेचारा, …हो
दुल्ला भट्टी वाला, …हो
दुल्ले धी ब्याही, …हो
सेर शक्कर आई, …हो
कुड़ी दे बोझे पाई, …हो
कुड़ी दा लाल पटारा, …हो

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
ફૂલછાબ ૨૦૧૩ માં પ્રકાશિત

અમે ગુજરાતી અને ગુજરાતી અમારી

અમે ગુજરાતી અને ગુજરાતી અમારી

ક્લાસ રૂમમાં એક પિરિયડ ચાલુ હતો. કીરા અને મિલી (અમેરિકન ગુજરાતી) નામની બે છોકરીઓ પોતાનાં એક પ્રોજેકટ પર પ્રોગ્રામ રજૂ કરી રહી હતી. આ પ્રોજેકટમાં આ બાળાઓએ એક ભાષા વિદેશી રાખવાની હતી અને બીજી ભાષા રેગ્યુલર ભાષા રાખવાની હતી. મિલી એ પ્રોજેકટને રીડ કરવો શરૂ કર્યો. સૌ પ્રથમ તે પહેલા ગુજરાતીમાં વાંચતી ત્યાર પછી પોતે જ ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીને બતાવતી. મિલીની સહપાઠી કીરા તે મિલીનું બોલવાનું પૂરું થાય કે તરત જ તે પ્રોજેક્ટનું પ્રેક્ટિકલ કરીને બતાવતી જાય. આમ એક જ સમયમાં બે-બે ભાષામાં દુભાષીયાની જેમ એક સાથે કામ કરતી મિલીને જોઈ તેની ટીચરે પૂછ્યું મિલી આ ઇન્ડિયન લેન્ગ્વેજ છે તેની મને જાણ છે પણ કઈ લેન્ગ્વેજ છે તે હું જાણી શકી નથી. ત્યારે મિલી કહે મિસ, આ વેસ્ટ ઇન્ડિયાની ગુજરાતી ભાષા છે. ટીચરે પૂછ્યું કે એ ગુજરાટી લેન્ગ્વેજ તને કેવી રીતે આવડે છે? ત્યારે મિલી કહે કે કારણ કે ગુજરાતી મારી મધરટંક લેન્ગ્વેજ છે. આ સાંભળીને તેની ટીચરને અત્યંત આશ્ચર્ય થયું તે કહે કે મને તો લાગ્યું કે માત્ર હિન્દી જ તમારી મધરટંક હશે આજે મને પહેલીવાર ખબર પડી કે તમારી મધર ટંક એક નહીં પણ બે –બે ભાષા છે. મિલી આઈ એમ સો પ્રાઉડ કે તને તારી બંને મધરટંક ભાષા આવડે છે, પણ આ માટે હું તારા માતા પિતાને થેન્ક્સ કહીશ કે તેમણે તને આ બંને ભાષા શીખવી છે.

ઉપરોક્ત પ્રસંગ જેવો જ એક બીજો પ્રસંગ થોડા સમય પહેલા ઈન્ડિયામાં બની ગયો. એક રિયાલીટી શો માં બે-ત્રણ છોકરીઓ સ્ટેજ ઉપર આવી. તેમની ભાષા અમેરિકન ઇંગ્લિશ હતી. આ જોઈ જજે તેમને પૂછ્યું કે શું આપ અમેરિકન છો? છોકરીઓએ કહ્યું કે હા અમે અમેરિકન ઇન્ડિયન છીએ. આ સાંભળી જજે કહ્યું ઓહહ ઇન્ડિયન છો તો હિન્દી આવડતું હશે કેમ ખરું ને? આ સાંભળી છોકરીઓ કહે સોરી મેમ અમને હિન્દી નથી આવડતું. આ સાંભળી જજ મજાક કરી કહેવા લાગ્યાં કે જુઓ આ ઇન્ડિયન જેમને હિન્દી નથી આવડતું. આ સાંભળી તે છોકરીઓ કહે હા મેમ અમે અમને હિન્દી નથી આવડતું પણ અમને ગુજરાતી આવડે છે. એમ કહી છોકરીઓ અમેરિકન એક્સેન્ટમાં ગુજરાતી બોલવા લાગી. આ જોઈ જજે પૂછ્યું કે ગુજરાતી શી રીતે બોલો છો? ત્યારે તે છોકરીઓ કહે કે અમે ગુજરાતી છીએ. અમારા ઘરમાં માતૃભાષા બોલવી એ ફરજીયાત છે, કારણ કે અમે ગુજરાતી છીએ અને ગુજરાત અમારું છે. આ સાંભળી ઈન્ડિયામાં રહેતા ગુજરાતીઓને સવા શેર લોહી ચઢ્યું હોય કે ન ચઢ્યું હોય પણ અમેરિકામાં રહેતા અનેક ગુજરાતીઓને સવાશેર લોહી ચોક્કસ ચઢ્યું હશે. પરંતુ આ પ્રોગ્રામ જોતી વખતે લાગ્યું કે શું ઈન્ડિયા ફક્ત એક ભાષાની અંદર જ સમાઈ જાય છે? શું હિન્દી સિવાયનાં કોઈ ભારતીયો એ ભારતીય ન કહી શકાય? અને જો એવું જ હોય તો બીજા રાજ્યો અને તેની સંસ્કૃતિનું શું? હા હિન્દી આપણી માતૃભાષા ખરી પણ હિન્દી સિવાયની બીજી એક અન્ય ભાષા પણ આપણી માતૃભાષા છે, અને તે છે આપણાં રાજ્યની ભાષા. હાલમાં જ ન્યૂજર્શીમાં એક આપણાં ગુજરાતીને ત્યાં એક પ્રોગ્રામ યોજાયો જેમાં એક જ પ્રશ્ન હતો કે માતૃભાષાને મહત્વ ક્યારે અપાય? અને આ પ્રશ્નની ચર્ચાઓમાં તાત્પર્ય એ નીકળ્યું કે જ્યારે આપણે જે પરિવારની સંસ્કૃતિની વચ્ચે મોટા થઈએ છીએ તે પરિવારની ભાષા ને મહત્વ આપવામાં આવે ત્યાર બાદ ભારતનાં જે ભાગમાં ઉછરેલા છીએ તે ભાગની બોલીને મહત્વ આપવામાં આવે, અને ત્યાર પછી દેશની ભાષાને મહત્વ આપવામાં આવે ત્યાર પછી વિશ્વની ભાષાને મહત્વ આપવામાં આવે તો જ આપણે માતૃભાષાને સારી રીતે આપણાંમાં સમાવી છે તેમ કહી શકાય. દા.ખ એક ગુજરાતી પરિવાર મહારાષ્ટ્રમાં રહેતો હોય તો તેને માટે પહેલા ગુજરાતી ભાષા આવે ત્યાર પછી મરાઠી, હિન્દી અને છેલ્લે વિશ્વ લેન્ગ્વેજ આવે. પરંતુ આજે ભારતમાં વસેલો દરેકે દરેક પરિવાર પ્રથમ મહત્વ વિશ્વ ભાષાને આપે છે તેને કારણે પરિવારની અને રાજ્યની મૂળ ભાષા પાછળ ઠેલાય જાય છે. ખાસ કરીને નાના બાળકોને આ સ્પર્ધામાં ખેંચી લેવામાં આવે છે જેમાં તેમને ફોર્સ પાડવામાં આવે છે કે તેઓ ઇંગ્લિશ જ બોલે અને બાળકને શીખવવા માટે માતા-પિતાને પણ ફોર્સ કરવામાં આવે છે કે તેઓ પણ બાળક સાથે ઇંગ્લિશમાં જ વાત કરવાનો આગ્રહ રાખે. ઘણીવાર માં-બાપ પણ જાણતા હોય છે કે આ ખોટું છે પણ દરેક માતા-પિતાને પોતાનું બાળક પ્રથમ નંબરે આવે તે જોઈએ છે તેથી વિશ્વભાષાને અપનાવવાની દોડમાં તેઓ પણ જાણ્યે અજાણ્યે ખેંચાતા જાય છે. સ્કૂલ તો ઠીક પણ પરિવારમાં અને જાહેરમાં પણ ઇંગ્લિશમાં વાત કરી પોતાનો પ્રભાવ પાથરવાની એક હોડ લાગે છે. પાર્ટીઓમાં કોણ સ્ટાઈલથી ઇંગ્લિશ બોલી શકે છે તેની કોમ્પિટેશન લાગે છે ત્યારે તે શો ઓફની લાઇનમાં પોતાની મૂળ ભાષાની મીઠાસ ક્યાંક ખોવાઈ જાય છે. ઇન્ડિયાની હાઈફાઈ પાર્ટીઓમાં પોતાની મૂળ ભાષામાં બોલવું કે હિન્દીમાં વાત કરવું એ ટેકી કહેવાય છે પરંતુ અમેરીકામાં જ્યારે પાર્ટીઓ થાય છે ત્યારે ઇંગ્લિશનો મોહ છોડીને સૌ પોતપોતાની ભાષામાં વાત કરે છે. કોસ્મોપોલિટિન વાતાવરણ હોય તો હિન્દી ભાષામાં, બંગાળીઑ હોય તો બંગાળીમાં, તેલુગુઓ હોય તો તેલુગુ ભાષામાં વાતો કરે છે.

અહીં અમેરીકામાં પ્રત્યેક ભારતીય પોતાના ગ્રુપ સાથે કે પોતાના સમાન મિત્ર સાથે પોતાની ભાષામાં બોલવાનો આગ્રહ રાખે છે. તેજ રીતે અમેરિકન ગુજરાતીને પણ પબ્લિકમાં પણ ગુજરાતી બોલવા માટે કોઈ છોછ નથી. કદાચ આ એક અમેરિકન ગુજરાતી જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેલા ગુજરાતીઓની આજ ભાવના છે. ગુજરાત છોડયા પછી ગુજરાત, ગુજરાતી સંસ્કારોને અને ગુજરાતી ભાષાને હૃદયમાં સમાવીને ફરતા ગુજરાતીઓનો વિશાળ ક્રાઉડ વિશ્વભરમાં ફેલાયેલો છે. થોડા સમય પહેલા એક સોશિયલ વેબસાઇટ પર ગુજરાતનાં કેટલાક યુવાનો સાથે વાતચીત થઈ તેમણે જણાવ્યું કે ગુજરાતી એ તો આઉટડેટેડ ભાષા છે આજકાલ ગુજરાતી બોલે છે કોણ? અમે તો ગુજરાતમાં રહ્યે રહ્યે એવું તે ફક્કડ ઇંગ્લિશ બોલીએ કે બ્રિટિશરો હોય કે અમેરિકનો હોય બંને અમારાથી પાછળ પડી જાય. આ સાંભળીને ખુશી વ્યક્ત કરવી કે દુઃખ વ્યક્ત કરવું તે સમજમાં જ ન આવ્યું. દૂર બેસેલા એ યંગસ્ટર્સને વિશ્વની દરેક ભાષા સાથે કદમ મેળવતા જોઈ ખૂબ ખુશી થઈ પણ માતૃભાષાને ભોગે આવેલી આ ખુશીને કેવી રીતે અપનાવવી તે વિચારવા માટે મન મજબૂર બની ગયું. ૩-૪ વર્ષ પહેલા ટોરેન્ટોમાં ઇન્ડિયન ભાષાઓ અંગે એક પરીક્ષણ કરવામાં આવેલું આ પ્રોગ્રામના અંતર્ગત આખા ટોરેન્ટોની સ્કૂલોમાં અમુક ભારતીય ભાષાને મુખ્ય વિષય તરીકે રાખવાનું નક્કી કર્યું ત્યારે આ અંગેનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ગુજરાતી (પ્રથમ), તેલુગુ (બીજા), પંજાબી (ત્રીજા) અને તામિલ (ચોથા) ક્રમમાં આવી. આ ક્રમ અનુસાર આ ચારેય ભાષાને સ્કૂલમાં રેગ્યુલર કોર્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો. ટોરોન્ટો સ્કૂલ ડિસ્ટ્રીકમાંથી ઉદાહરણ લઈ થોડા સમય પૂર્વે અમેરિકાના પેન્સીલવેનિયા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, કનેકટિકટ અને મેસેચ્યુસેટ્સ રાજ્યોએ પણ આવો જ એક નવતર પ્રયોગ કરી અમુક પબ્લિક સ્કૂલોમાં ગુજરાતી, હિન્દી, તેલુગુ, અને તામિલ ભાષાને રેગ્યુલર સ્ટડીનો એક ભાગ બનાવેલ છે. આ રેગ્યુલર કોર્સને કારણે ઘણા નોન ઇન્ડિયન બાળકો પણ ઇન્ડિયાની વિવિધ ભાષાઓ જાણતા થયાં છે.

અમેરીકામાં રહેતા ઘણાં ગુજરાતી પરિવારોએ એક સામાન્ય નિયમ બનાવેલ છે. આ નિયમ અનુસાર બાળકની સાથે બોલવા માટે માતા-પિતા વહેંચાય ગયાં છે, અર્થાત માતા-પિતામાંથી એક વ્યક્તિ બાળકો સાથે ઇંગ્લિશમાં વાત કરે છે અને બીજી વ્યક્તિ ગુજરાતીમાં વાત કરે છે, અને ઘરમાં ફક્ત ગુજરાતી ભાષાનો જ પ્રયોગ કરે છે જેથી કરીને બાળકમાં પણ પોતાની મધરટંક લેન્ગ્વેજ માટેની આવડત, આદર, અને પ્રેમભાવ આવતો જાય. અમેરિકાની ધરતી પર ગુજરાત અને ગુજરાતીની સંસ્કૃતિને હૃદયમાં લઈને ફરતા ગુજરાતીઓને જોઈ ઘણીવાર વિચાર આવે છે કે જો ભારતમાં વસેલા પેલા ગુજ્જુઓની અંદર જેમ ગુજરાતી સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે તેમ વિશ્વભરનાં આ ગુજરાતીઓ ખોવાઈ ગયાં હોત તો દેશ બહાર રહેલી આપણી આ સંસ્કૃતિનું અને ભાષાનું શું થાત? શું દેવલિપિ સંસ્કૃતની જેમ એ પણ ફક્ત ગ્રંથો અને સાહિત્યોમાં જ રહી ગઈ હોત?

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com
ફૂલછાબમાં પ્રકાશિત ૧ જાન્યુ ૨૦૧૪ 

કૃષ્ણપ્રેમની ભાવનાત્મક પ્રેમ ભક્તિ

કૃષ્ણપ્રેમની ભાવનાત્મક પ્રેમ ભક્તિ

“જાકી રહી ભાવના જૈસી, પ્રભુમૂરત તિન દૈખી તૈસી” જે ભક્તોની ભાવના જેવી હોય તે મુજબ પ્રભુની મૂરત પોતાનું સ્વરૂપ ધારણ કરે છે અને તે ભક્તોને ખાતર લીલાઓ કરે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ભક્ત પ્રકૃતિના ગુણોથી પર એવી શુધ્ધ આધ્યાત્મિક અને આધિદૈવીક અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થા જ્યારે જીવોને પ્રાપ્ત થાય છે ત્યારે હૃદય સૂર્ય સમાન શુધ્ધ અને પ્રકાશિત થઈ જાય છે, જેને કારણે ભક્તોના હૃદયમાંથી પ્રભુ માટે ભાવાત્મક પ્રેમ કિરણો પ્રસરે છે. પ્રભુભક્તોના આ ભાવાત્મક અને ભાવનાત્મક પ્રેમની લાગણી ભક્તોને પ્રભુ પ્રત્યેની અનુરક્તિ સંપૂર્ણ બને છે. ભગવદ્ગીતામાં ભાવાત્મક ભક્તિના નિયામક વૈધી ભક્તિ અને રાગાનુગા ભક્તિ એમ બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ બંને ભક્તિનાં પણ સર્વકારી અને પરિણામકારી એ બે પેટા ભાગ પાડવામાં આવ્યાં છે જેમાં દ્વિતીય ભાગ પરિણામકારી ભાગને ભાવ અને ભાવના તરીકે સંબોધિત કરવામાં આવે છે, જે પ્રભુ પ્રત્યેનાં શુધ્ધ પ્રેમનું લક્ષણ છે. આ સંબંધમાં ભક્ત તંત્રમાં કહે છે કે ભગવાન પ્રત્યેના ભક્તોનો આ ભાવ જ્યારે જ્યારે પૂર્ણસીમાએ પહોંચે છે ત્યારે ત્યારે ભક્તની તનુજા અવસ્થા જુદી જુદી જોવા મળે છે. આ અવસ્થામાં કોઈ ભક્ત અશ્રુપાત કરે છે, કેટલાક ભક્તો ભાવાવેશમાં નૃત્ય કરે છે, તો કેટલાક ભક્તોનાં તનમાં કંપન થાય છે. ભગવદ્ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે કે પ્રત્યેક ભક્તોનાં ભાવની અને પ્રેમની અવસ્થા જુદી જુદી હોય છે જેને કારણે ભક્તનાં હૃદયમાં રહેલા પ્રત્યેક ભાવો પ્રસંગોપાત જુદી જુદી રીતે પ્રગટ થાય છે. શ્રી ભાગવતજીમાં કહ્યું છે કે જ્યારે અંબરીષ રાજાને દુર્વાસા મુનિએ ક્રોધાવશ સંકટમાં મૂક્યા ત્યારે અંબરીષ મહારાજે ભગવાનનાં ચરણકમળોનું ધ્યાન ધરવા માંડ્યુ. આ સમયે રાજા અંબરીષનું તન કંપન કરી રહ્યું હતું અને આંખમાંથી આંસુઓ સરી રહ્યાં હતાં. ગોપીઓ જ્યારે કૃષ્ણ કનૈયાનું સ્મરણ કરતી ત્યારે તેઓ કૃષ્ણ મૂરતમાં એ રીતે સાકાર થઈ જતી હતી કે કૃષ્ણનું સૂક્ષ્મ સ્વરૂપ ગોપીઓ પાસે પહોંચી જતું હતું અને ગોપીઓ આનંદવશ થઈ પરસ્પર સખીઓને કૃષ્ણકનૈયાનું સ્વરૂપ માની લેતી હતી, શ્રી ગિરિરાજ ખંડમાં કહ્યું છે કે ગિરિરાજજીની તળેટીમાં રહેલી પુલિંદી જાતની ભીલડીઓ જ્યારે જ્યારે ગ્રાસમાં પડેલ કેસરયુક્ત ચરણોની છાપ જોતી ત્યારે તેઓ તે કેસરયુક્ત ચરણોની છાપને પોતાના ઉરમાં સમાવવા માટે ગ્રાસ ઉપર લાંબી થઈ સૂઈ જતી હતી. પરંતુ જ્યારે આજ ભીલડીઓએ પ્રભુને પોતાની સમક્ષ જોયા ત્યારે એ ભીલડીઓએ પ્રભુનું શરણ સ્વીકારવાને બદલે પ્રભુને પલક ઝબકયા વગર નિહાળવા લાગી અને આ રીતે નિહાળતા નિહાળતા પોતાના હૃદય, મન અને આત્માને આર્દ્ર બનાવવા લાગી, મથુરા નરેશ કંસને ખબર હતી કે કૃષ્ણ દ્વારા પોતાનું મૃત્યુ થવાનું છે તેથી તે અત્રે, તત્રે, સર્વત્રે કૃષ્ણને કાળ રૂપે નિહાળતો હતો. કૃષ્ણનાં મથુરામાં આવ્યા બાદ તે એકાંતમાં પણ રહેવા ડરતો હતો અને મહેલનાં પ્રત્યેક ખૂણામાં, દાસો અને દાસીઓમાં, સેવકોમાં અને મંત્રીગણોમાં કૃષ્ણને નિહાળતો હતો, હિરણ્યકશિપુને સર્વત્રે વિષ્ણુની જ માયાજાળ દેખાતી હતી, રામાયણમાં શબરી અને હનુમાનનું ઉદાહરણ આપીને તુલસીદાસજીએ કહ્યું છે કે વનમાં પધારેલા ભગવાન રામને જોઈ શબરી વારંવાર પ્રભુને પ્રણામ કરવા લાગી અને પોતાને શરણે લેવાની પ્રાર્થના કરવા લાગી, જ્યારે હનુમાનજી પ્રભુને જોઈ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે પોતાનો વાનરયુક્ત સ્વભાવ પ્રગટ કરવા લાગ્યા અર્થાત કૂદી કૂદીને જય શ્રી રામ જય શ્રી રામ એવો ઉચ્ચાર કરવા લાગ્યાં. જ્યારે રાવણનો પ્રભુ પ્રત્યેનો પ્રેમભાવ એ વૈરભાવ બનીને ક્રોધિત અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં રાવણને કેવળ પ્રભુ જ મુક્તિ આપે તેવી ભાવના થાય છે, નારદ પુરાણમાં નારદજી કહે છે કે જ્યારથી હું નારાયણ નારાયણ એમ ઉચ્ચાર કરું છુ ત્યારે ત્યારે મારા હૃદયમાંથી ભગવાન નારાયણ માટે હર્ષોચ્ચાર રૂપી પ્રાગલ્લભનું પ્રાગટ્ય થાય છે, જ્યારે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે પ્રભુનાં નામનું સ્મરણ, મનન, ચિંતન, અને લીલાકથાનું ગાન જ્યારે પણ હું કરું છુ ત્યારે ત્યારે મારા તન પર રહેલા પ્રત્યેક રોમ ખડા થઈ જાય છે જેને કારણે પ્રભુની એ કથાલીલાને વર્ણવવા માટે ક્યારેક સ્વગત જ મારા હસ્ત ચાલવા લાગે છે ત્યારે મારા ગ્રંથોની ઉત્તમોત્તમ રચના થયાં કરે છે પરંતુ ક્યારેક અતિ ભાવાવેશમાં આવેલો એવો હું મારા પ્રભુની કથા કહેવાનું કે લખવાનું પણ વિસરી જાઉં છું, વ્રજ સાહિત્યમાં પોતાનું અનુપમ યોગદાન આપનાર અષ્ટ સખાઓ કહે છે કે અમારા પ્રભુ પ્રત્યેનો અમારો ભાવ અમારી પાસેથી અમારા તન-મન અને સમયનું ભાન ભુલાવી દે છે જેથી કરીને અમે પ્રભુલીલાનાં ગુણગાન ગાવામાં સતત રસમગ્ન રહીએ છે, ભકતાચાર્ય શ્રી હિત હરિવંશજી, વૈષ્ણવચાર્ય શ્રી હરિરાયજી (ખીમનોર) અને ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પ્રભુ માટેનાં ભાવ આવે છે ત્યારે તેઓ તનુનસંધાન ભૂલી થઈ માધુર્યભાવથી નૃત્ય કરવા લાગે છે, જ્યારે શ્રી શુકદેવજી કહે છે પ્રભુ પ્રત્યેનો મારો ભાવ મારા મુખમાંથી કીર્તન બનીને સરી પડે છે ત્યારે હું શુક મારા દેહતત્વનું ભાન ભૂલીને પ્રભુનાં ચરણકમળ જવા માટે બેબાકળો બની જાઉં છુ. આમ પ્રત્યેક ભક્તની ભાવભાવના જુદી જુદી રીતે પ્રગટ થાય છે ત્યારે ભક્તોની ભાવાત્મક અને ભાવનાત્મક અવસ્થાઑ જુદી જુદી હોય છે. આ કથનનાં સંદર્ભમાં શ્રીમદ્ ભાગવત્જીનાં ત્રીજા સ્કંધમાં કહે છે કે જ્યારે જ્યારે શુધ્ધ ભક્ત પોતાનો નિર્મળ ભાવ પોતાની ભીતર જગાવે છે ત્યારે તે ભક્તોનાં સંગ, સત્સંગ અને ચેતના દ્વારા તેમની આસપાસનાં વાતાવરણમાં પ્રેમ, અનુરાગ, આસક્તિ અને ભક્તિનો ઉદય થાય છે જેને કારણે કવચિત આધ્યાત્મિક અને કવચિત આધિદૈવીક શક્તિથી સમસ્ત વાતાવરણ ભરાઈ જાય છે.

પારિજાત