Monthly Archives: ફેબ્રુવારી 2014

સેકન્ડ જનરેશન ઇંડિયન અમેરિકન બાળકો

આજે અમને કોઈ પૂછે કે અમે કોણ છીએ તો અમે કહીશું કે અમે ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન છીએ, અમારો બીજો જવાબ છે કે અમે ઇન્ડિયન અમેરિકન છીએ. ઈન્ડિયાની સંસ્કૃતિને સાથે લઈને ચાલનારા અમારી સાથે અમેરિકન સંસ્કૃતિને પણ સાથે રાખીએ છીએ. અમારા બાળકો માટે તેઓ પ્રથમ અમેરિકન છે અને ત્યારબાદ તેઓ અમેરિકન ઇંડિયન છે. બસ શબ્દોની હેરફેર બાદ કરતાં લાગણી, ભાષા અને સંસ્કૃતિમાં શું ફર્ક પડ્યો છે કશોયે? ઈન્ડિયામાં રહેનાર વ્યક્તિને માટે કદાચ આ શબ્દોની હેરફેરમાં કોઈક ફર્ક દેખાતો હશે પરંતુ અમારી નજરે જોતાં અમને ક્યાંય ફર્ક દેખાતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે અમે ઈન્ડિયાથી જે સમયે અમેરિકાની ધરતી પર આવ્યાં તેજ દિવસથી અમારી સાથે આપણી સંસ્કૃતિને પણ સાથે લઈ આવ્યાં અને આ જ સંસ્કૃતિનું રોપણ અમે પૂરી નિષ્ઠાથી અમારા બાળકોમાં કર્યું છે. હિન્દી સિરિયલો અને મૂવીઓમાં તથા ભારતીય સમાજમાં અમેરિકન બાળકો વિષેની ગેર સમજૂતી, ખોટી માન્યતાઓ, લાગણી વગરની વ્યક્તિઓ બનીને માત્ર ભૌતિક વસ્તુઓ અને સુખસગવડ પાછળ દોડતાં જોઉં છું ત્યારે ઘણું જ દુઃખ થાય છે.

ભારતમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમેરિકન બાળકો ઘણાં જ બગડેલા હોય છે અને પોતાની જિંદગી સ્વછંદ રીતે જીવતાં હોય છે, પરંતુ હકીકતે એવું હોતું નથી. નાનપણથી જ અમેરિકન બાળકોને સ્વ્તંત્ર વિચાર, નીડર થઈ સ્પષ્ટવક્તા બનવાની આદત મળે છે જેને કારણે નાનપણથી તેઓ પોતાનું કામ સ્વતંત્ર્ય રીતે કરવા પ્રેરાય છે અને કામ કરવા માટે ખુદનાં જ પ્રેરણાસ્ત્રોત બને છે. વિન્ટરમાં પડેલા સ્નોને સાફ કરવા માટે હાથમાં શોવેલ લઈને ૫ વર્ષથી ૧૫ વર્ષનાં બાળકો નીકળી પડે છે, સમરમાં કારવોશ કરે છે, હોમ મેઈડ લેમોનેડ વેચે છે, સ્પ્રિંગમાં ગાર્ડનમાં મલ્સ અર્થાત ખાતર નાખે છે, અને ફોલમાં પાંદડાઓ ઉપાડીને ઘરેઘરના ગાર્ડન સાફ કરે છે ત્યારે માતાપિતાનું સ્ટેટસ પાછળ રહી જાય છે અને તે બાળક ફક્ત અમેરિકન બનીને પોતાની પિગી બેન્કમાં પોતાની બચતની શરૂઆત કરે છે, અને સમય આવે પોતાની રીતે તેનો ઉપયોગ કરે છે. મોંઘી વસ્તુઓ લેવા પૂર્વે માતપિતા પાસેથી પણ લોન લે છે અને એ લોનની રકમ પણ ભરપાઈ કરે છે ત્યારે એવું નથી લાગતું કે માબાપની એ ફરજ હતી તેથી મોંઘું તો મોંઘું શું ફર્ક પડે છે?

ઘરની અંદર બાળકો ભારતીય અને કુટુંબની પરંપરાને અનુસરણ કરીને રહે છે, અને જ્યારે આજ બાળકો ઘરની બહાર પગ મૂકે છે ત્યારે અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે રહે છે તેનો અર્થ એ નથી કે અમેરિકન સંસ્કૃતિ ખરાબ છે. સારું અને ખરાબની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય સંસ્કૃતિ હોય કે અમેરિકન સંસ્કૃતિ બંનેમાં પ્લસ કે માઇનસ પોઇંટ્સ રહેલા જ છે પરંતુ બાળકો સાથેની સતત વાતચીત, બાળકોને સારા અને સાચા માર્ગ પર ચાલવા માટેનું માતાપિતાનું અને સમાજનું સૂચન, બાળકોના માનસને સમજવાની માતપિતાની રીત અને બાળકોની પોતાની સાચું શું છે ખોટું શું છે તે સમજવાની સૂઝને કારણે આ અમેરિકન ઇંડિયન બાળકો સમાજમાં પોતાની એક આગવી છાપ છોડી દે છે. અમેરિકન સમાજ સાથે મોટો થયેલો ભારતીય બાળક પણ દરેક ભારતીય તહેવાર ધામધૂમથી ઉજવે છે. ક્યારેક ઘરમાં તો ક્યારેક મંદિરમાં મળતા ભારતીય સમાજમાં ભારતના તહેવારોનાં સમયમાં પહોંચી જઈ ખભેથી ખભો મેળવે છે અને આનંદ પણ કરે છે, અને આ આનંદ મેળવતી વખતે ઈન્ડિયામાં વસેલા પોતાના ગ્રાન્ડ પેરેંટ્સ, વડીલ પરિવારજનો અને પિતરાઇઓને પ્રેમથી યાદ કરે છે. પરંતુ ખાસ કરીને ગ્રાન્ડ પેરેંટ્સ કમી સદંતર દૂર થતી નથી તેથી તેઓ ક્યારેક તેઓ બોલી ઊઠે છે કે દાદાદાદીની કે નાનાનાનીની બહુ યાદ આવે છે, ત્યારે બાળકો સાથે અમને પણ ભારતથી દૂર હોવાનું દુઃખ થાય છે પરંતુ એ પરેશાની લઈને ચાલી શકતા નથી તેથી દર બે-ત્રણ વર્ષે જોબમાંથી જેટલી રજા મળે તેટલી રજા લઈને પરિવાર સાથે દેશમાં આવવા નીકળી જઈએ છીએ અને રજાનો સમય અમારા વડીલો, મિત્રો અને સગાવહાલા સાથે કાઢીએ છીએ.

અમેરિકામાં રહેતા હોવા છતાં આજે મારા સહિત પ્રત્યેક ભારતીય પરિવારને જે વિષે સૌથી વધુ લાગણી હોય તો તે છે પોતાની પરંપરાગત ભાષાની. મોટાભાગનાં પ્રત્યેક પરિવાર ઘરમાં પોતાની નેટિવ ભાષા બોલવાનો આગ્રહ રાખે છે જેથી કરીને બાળક પણ એ ભાષા ને સમજી શકે બોલી શકે. જો કે આ વાત પાછળ એક ડર પણ છુપાયેલો છે તે એ કે જો બાળક પોતાની ભાષા નહીં બોલે તો તેઓ જ્યારે ઈન્ડિયા જશે તો પોતાના જ સગાવહાલાની અંદર બાળક અજાણ્યું થઈ જશે અને દેશમાં રહેલા પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથેના પ્રેમથી પણ વંચિત રહી જશે. આ ડરને કારણે માતપિતા ઘરમાં પોતાની જ ભાષા બોલવાનો આગ્રહ રાખે છે અને બાળકોને શીખવે પણ છે. આથી જ જ્યારે અમેરિકન બાળકો ભારત આવે છે ત્યારે સંપૂર્ણ ભારતીય બની જાય છે ત્યારે અમેરિકન હોવાનું સ્ટેટસ પાછળ રહી જાય છે.

મારી છેલ્લી ઇન્ડિયાની ટુરમાં અન્ય એક વાત સામે આવેલી કે અમેરિકન બાળકો માતપિતાની જવાબદારી લેતાં નથી. ભારતમાં રહેલા ભારતીય બાળકોની આ વાત તદ્દન ખોટી છે તેમ હું નહીં કહું ક્યાંક કોઈ પ્રસંગ એવા પણ બનતા હશે પરંતુ હકીકત એ પણ છે કે આ સમાજ અલગ છે પણ તેઓની વિચાર શક્તિ તદન અલગ પડી જાય છે તેવું નથી. તેઓ પણ પોતાના માતપિતાને ઘણો જ આદર આપે છે અને સામે તેઓને એજ આશા હોય છે કે માતા પિતા પણ તેઓની વાત સમજે તેઓને આદર આપે. આજ આદરની ભાવના ને કારણે તેઓ પોતાના માતપિતાની જવાબદારી ઉપાડે છે. તેઓ માતાપિતાની સાથે રહે છે જેમ આપણે ત્યાં હોય તેમ, અથવા એક જ ઘરમાં માતપિતા અને પરિણીત બાળકો સાથે હોવા છતાં અલગ એ રીતે રહે છે જેમાં પરિણીત સંતાનને પોતાની સ્વતંત્રતા પણ મળે છે. ઘણા પરિવાર એવા હોય છે કે જેઓ પોતાના માતા પિતાને ઓલ્ડ એઈજ હાઉસ એટ્લે કે ઘરડા ઘરમાં રાખે છે પરંતુ દર રવિવારે માતપિતાને મળવા જાય છે તેઓની સાથે પરિવાર સાથે સમય વિતાવે છે, અને વાર તહેવારે માતપિતા બાળકોને મળવા માટે પણ આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે અમેરિકન સંતાનો માતા પિતાનું ધ્યાન રાખવા અપરિણીત પણ રહે છે. આ બધાંમાં એક અલગ રીત એ પણ છે જેમાં પરદેશમાં રહેલ ફર્સ્ટ જનરેશન માતાપિતા પાછળ ફરીને જોતાં જાય છે કે ભારતમાં રહેલ તેઓના માતાપિતા કેમ છે અને તેઓના આજ પ્રેમ અને ચિંતાને કારણે તેઓ વર્ષમાં ભલે એકવાર પણ આવે, પણ વીક–બે વીકની રજા લઈને ભારત આવશે અને પોતાનો સમય પોતાના પાછળ રહી ગયેલા પરિવાર સાથે કાઢશે. અહીં અમેરિકામાં નાનામોટા દરેકને મહત્વ આપવામાં આવે છે તેથી અહીં એક વાત સમાજ સાથે વણાઈ ગઈ છે કે “નાના બાળકોને આદર અને માન સન્માન આપો કારણ કે તેઓએ જીવનમાં દૂર સુધી ચાલીને જવાનું છે, યુવાનો અને પ્રૌઢોને આદર આપો કારણ કે તેઓ દૂરથી આવ્યાં છે અને હજુ આગળ પણ તેમણે ચાલીને જવાનું છે, વૃધ્ધોને આદર આપો કારણ કે તેઓ બહુ દૂરથી ચાલીને આવ્યાં છે.” બસ આ એક નાનકડી વાતને દરેક અમેરિકન મહત્વ આપે છે. જોવા જઈએ તો આ એક અલગ વિશ્વ છે પરંતુ એ અલગ વિશ્વમાં માબાપ અને બાળકો વચ્ચેના દોરનો સેતુ એ રીતે બંધાયેલો હોય છે કે પ્રથમ નજરે દેખાય નહીં. જેને કારણે ખોટી માન્યતાઑ ફેલાયા કરે છે જેનું કોઈ તથ્ય હોતું નથી. અમેરિકન બાળકો પણ ભારતીય બાળકો જેટલા જ પ્રેમાળ અને સમજદાર હોય છે બસ માત્ર નવી દૃષ્ટિ અને નવી દિશા તરફ જોવાની વાત છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ.

આસક્તિ ને અનાસક્તિનું પ્રતિક કમળ.

ધર્મ અને કર્મનું પ્રતિક કમળ, સત્ય અને સનાતનનું પ્રતિક કમળ, સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ ની ભાવનાને વ્યક્ત કરતું કમળ શરણાર્ગતિ, સમર્પિતતા અને સ્વીકાર્યતાનું પ્રતિક કમળ છે. ભગવાન હર-હરિનાં પૂજનમાં કમળને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કમલનયન દેવ અને કમલાક્ષી દેવીની સ્તુતિઓ ગાવામાં આવે છે કમલ તેમની નિરહંકારી પૂજામાં મહત્વનો ભાવ ભજવે છે. અર્વાચીન–પ્રાચીન યુગથી દેવ, દેવીઓ, અપ્સરાઓ, રાજમહેલો, મંદિરો અને મહાલયો કમળ પુષ્પથી શોભી રહ્યાં છે અથવા એમ કહો કે કમળ પુષ્પ તેમની સાથે હોવાથી તેઓ શોભી રહ્યાં છે તે જોઈને પ્રશ્ન થાય છે કે આપણાં શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોએ કમલનો મહિમા શા માટે ગાયો હશે? ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રકૃતિનાં તમામ પુષ્પો એ શૃંગારનું પ્રતિક છે પરંતુ આ પુષ્પોમાં કેવલ સરોજીની પુષ્પ એવું છે જે શૃંગારનું પણ પ્રતિક છે અને આત્માનું પણ પ્રતિક છે. લલિત શાસ્ત્રમાં સરોજને આસક્તિ અને અનુરાગનું પ્રતિક માનવામાં આવ્યું છે. જ્યારે તૈત્તરીય ઉપનિષદમાં કમલને જ્ઞાનનું પ્રતિક માનતાં કહ્યું છે કે સૂર્યોદય થાય તે સાથે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત થયા બાદ કમળની પંખુડિયો બંધ થઈ જાય છે તેજ રીતે જ્ઞાનનું પણ છે જેમ જ્ઞાન રૂપી પ્રકાશ આવે ત્યારે મન અને આત્મામાં રહેલો ભાવ પવિત્ર થવા લાગે છે અને આત્મામાં રહેલી હીનતા દૂર થવા લાગે છે પરંતુ જો જ્ઞાનરૂપી પ્રકાશને જીવનમાં ન આવે તો જીવન શૂન્ય બની જાય છે. નારદ પુરાણનાં એક અધ્યાયમાં કહે છે કે કમલ એ અનાસક્તિનું પ્રતિક છે. કાદવની અંદર ખીલીને મધુસૂદનને પોતાની તરફ ખેંચતાં આ પદ્મપુષ્પને ભગવાન વિષ્ણુ અને તેમના પૂર્ણાંશ શ્રીકૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. શ્રી નારદજીએ શ્રીમદ્દ ભાગવતનું પારાયણ શ્રી વ્યાસજી ને કરાવ્યું ત્યારે તેમણે કહ્યું કે પદ્મની જેમ શોભતા શ્રી વિષ્ણુએ અનાસક્તિનાં પ્રતિક છે, અર્થાત નિર્મળ કે મલિન જલનો ભેદભાવ ન રાખતાં સરોવરમાં પદ્મનું પુષ્પ ખીલે છે તેમ અનેક વિધ દેવ, દાનવ અને મનુષ્યોની પ્રકૃતિની વચ્ચે ભગવાન વિષ્ણુનો આ પૂર્ણ અવતાર શોભી રહ્યો છે જેમને સાંસારિક દોષનો એક પણ અંશનો સ્પર્શ થતો નથી. જ્યારે શ્રી વલ્લભનંદન વિઠ્ઠલનાથજી કહે છે કે કાદવમાં ખીલવા છતાં કમલ જેમ પોતાની પવિત્રતા જાળવી રાખી પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસારમાં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્‍યા વગેરે તત્‍વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવવી જોઈએ અને સુકર્મો કરતા રહેવું જોઈએ જેથી જીવનરૂપી પદ્મ હંમેશા ખીલતું રહે. ટૂંકમાં કહીએ તો આમ સંસાર રૂપી કાદવમાં રહી ખીલતું કમળ સંસારથી અને સંસારનાં દોષોથી અલિપ્ત રહેવાની જીવન દૃષ્ટિ આપે છે. વેદોમાં કહ્યું છે કે જેમ કમળને સહસ્ત્ર પંખુડિયો હોય છે તેમ માનવ શરીરમાં પણ ઉર્જા રૂપે કમળ ચક્ર રહેલા છે, જે સાધના બાદ ખૂલે છે અને જીવોને પરમોચ્ચ સ્થાને પહુંચાડે છે. શ્રીમદ્દ ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છે કે

ब्रहमणयाधाय कर्माणि सड्गं त्यक्ता करोति यः।
लिप्यते न स पापेन पद्म पद्मपत्रमिवाम्भसा ॥

પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ સર્વ કર્મો કરે છે તે જળમાં રહેલા કમળ અને કમળપત્રની જેમ જગતમાં રહેલ પાપ વડે લેપાતો નથી. આથી જે માનવ મોહમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્‍યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્‍યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી કહે છે કે કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તે જ રીતે આપણે પણ આપણી દૃષ્ટિ કેવળ આપણા સૂર્યોશ્વર તત્વ શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ, અને જેમ કાદવમાં રહેવા છતાં કમળ પોતાના લક્ષ પ્રત્‍યે કટિબધ્‍ધ છે તે જ રીતે જીવોએ પણ કોઈપણ પ્રકારની મુશ્‍કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્‍યે જ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઈએ. ઇશાનુંપનિષદમાં કમલપત્રને જ્ઞાનીનું પ્રતિક માનતાં કહ્યું છે કે જેમ હંમેશાં પાણીમાં રહેવા છતાં પદ્મપાન કદી ભીજાતું નથી. તેમ જ્ઞાની પણ દુઃખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓની સામે અવિચલિત બની રહે છે. લલિત કલામાં કમલને સૌંદર્ય અને શૃંગારનું પ્રતિક માનવામાં આવ્યું છે તેથી તે રસિક વ્યક્તિઓએ પ્રભુને કહે છે કે હે પ્રભુ આપની પાસે ઘણાં કમલ રહેલા છે જે આપના શ્રી અંગની શોભામાં વધારો કરે છે. ત્યારે પ્રભુએ રસિક ભક્તોને પૂછ્યું કે મારી પાસે ક્યાં ક્યાં કમલ રહેલા છે? ત્યારે ભક્તોએ જણાવ્યું કે,

पयसा कमलं कमलेन पयः ।
पयसा कमलेन विभाति सरः ।।

અર્થાત્ પાણીથી કમળ શોભે છે, કમળથી પાણી શોભે છે, અને પાણી તથા કમળ એ બન્નેથી સરોવર શોભે છે એજ રીતે પ્રભુ આપની પાસે પણ બે હસ્ત કમલ છે, બે ચરણ કમલ, બે નેત્ર કમલ, એક મુખ કમળ, હૃદય કમળ અને એક નાભી કમળ અને એક કમળ આપના હસ્તમાં રહેલું છે, આમ પ્રભુ આપ રૂપી આ સરોવર અસંખ્ય કમળોથી શોભી રહ્યાં છો. વિષ્ણુ પુરાણમાં દેવરાજ ઇન્દ્ર સ્તુતિ કરતાં કહે છે કે ભગવાન વિષ્ણુનાં હસ્તમાં કમલ પુષ્પ એ નિરપેક્ષ પ્રતિક રૂપે સોહે છે, અને લક્ષ્મીજીની સ્તુતિ કરતાં દેવરાજ ઇન્દ્ર કહે છે હે વિષ્ણુપ્રિયા આપનું મુખારવિંદ કમલ સમાન સુકોમળ અને સુંદર છે, આપ પદ્માસન પર બિરાજી રહેલા છો, આપના કોમળ કરમાં પદ્મપુષ્પ સોહે છે હે માત લક્ષ્મી આપના સર્વાંગે અસ્તિત્વમાં પદ્મ છવાયેલા છે તેવા આપ પદ્મજા છો. વ્રજ ઈતિહાસમાં શ્રી યમુનાજીને પદ્મબંધોસૂતા કહેવામાં આવ્યાં છે. ( જે દિશામાં સૂર્ય ફરે છે તે દિશામાં પદ્મનું મુખ પણ ફરે છે અને સૂર્યાસ્ત સાથે કમળનું મુખ બંધ થઈ જાય છે તેથી શાસ્ત્રોમાં પદ્મને સૂર્યના સખા તરીકે ઓળખવામાં આવ્યું છે માટે કહ્યું છે કે “मुकुन्द रति वर्धिनी जयति पद्मबंधो सुता “ અર્થાત્ જે પદ્મનાં સખા સૂર્ય છે તેની પુત્રી તે યમુનાજી) ભગવાન સૂર્યદેવનાં હસ્તમાં પણ એક રક્તકમળ છે જે તેમનાં સ્વભાવનું પ્રતિક છે, પિતામહ બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલ પદ્મ પર બિરાજેલા છે અને આ જ આસનમાં જ બિરાજીને તેમણે સૃષ્ટિ રચના સંબંધિત જ્ઞાનનો વિસ્તાર કરતાં પુરાણની રચના કરી જેને પદ્મપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. લાલ કમળનો એક સંબંધ શ્રી યમુનાજી સાથે પણ રહેલો છે. પુરાતન યુગમાં શ્રી યમુનાજીમાં અસંખ્ય લાલ કમલીની જોવા મળતાં. આચાર્યચરણ વિઠ્ઠલેશજી કહે છે કે શ્રી યમુનાજીમાં લાલ કમલિની વધુ ખીલે છે તેનું કારણ એ છે કે યમુનાજીમાં ખીલતા આ કમલિની એ ફક્ત પુષ્પ નથી એ તો શ્રી યમુનાજીનાં નયન છે. શ્રી યમુનાજી પાસે પોતાના પ્રભુને મન ભરીને નિહાળવા માટે પોતાની બે અક્ષુઑ ઓછી પડે છે માટે તેઓએ કમલિનીરૂપી પોતાનાં રોમરોમમાં અસંખ્ય નયનોની ઉત્પત્તિ કરી છે જેથી તેઓ યુગલસ્વરૂપને પોતાની અસંખ્ય આંખોએ નિહાળી શકે. પરંતુ શ્રી યમુનાજી દિવસ દરમ્યાન તો પ્રભુને નિહાળી શકે છે પરંતુ રાત્રિભર શ્રી યમુનાજીને પોતાના પ્રભુનો વિરહ રહે છે. આ વિરહ દરમ્યાન તેમનાં જલમાં શુભ્ર પોયણીઑ ખીલે છે કારણ કે શુભ્ર રંગ વિરહનો વર્ણ છે, અને રાત્રિભર વિરહથી પ્રભુની, પ્રભુ માટે રાહ જોતી તેમની આંખોમાં રાત્રિજાગરણ ને કારણે લાલાશ આવી જાય છે, જે લાલ કમલિનીરૂપે ભક્તોને દેખાય છે. આથી જ શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં જણાવે છે કે શ્રી યમુનાજી અને શ્રી યુગલસ્વરૂપના પરસ્પરના વિરહના અનુરાગ વડે ઘૂંટાયેલો રંગ છે જેણે તેમના નયનોમાં ઉતરી આવી લાલ કમલિનીનું રૂપ ધારણ કર્યું છે.

એક સમય હતો જ્યારે યમુનાજી અતિ વિશાળ હતાં ત્યારે તેમનાં જલમાં અને વ્રજના બધા જ સરોવરોમાં લાલ અને સફેદ કમળની જેમ નીલ કમળ, પીળા કમળ પણ થતાં હતાં. વ્રજ ઇતિહાસમાં કહે છે કે નીલ કમળ શ્રી ઠાકુરજીના શ્રી અંગનો વર્ણ છે. આ નીલ કમળરૂપી શ્રી ઠાકુરજી દરેક સરોવરમાં રહીને પનઘટમાં પાણી ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાની યાદ અપાવતાં. જ્યારે પીળા કમળને ખીલેલા જોઈને વ્રજમાં સખાઓ સાથે આમતેમ ફરતા શ્રી ઠાકુરજીને સ્વામીનિ શ્રી રાધાજીની યાદ આવતી. સફેદ કમળ અર્થાત પોયણાઑ, કુમુદિની વિષે વ્રજ ઈતિહાસમાં કહે છે કે વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનો સંયોગ થાય છે ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્નિત થઈ ઊઠે છે અને શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનું ખીલેલું હાસ્ય તે કુમુદિની બનીને વ્રજને મહેંકાવી દે છે.

કમળ વિષે પ્રાચીન અને અર્વાચીન કાળમાં અનેક કથાઓ આલેખવામાં આવી છે. લંકાધિરાજ રાવણને ભગવાન શંકરની પૂજા દરમ્યાન એક કમળ ઓછું પડતાં પોતાનું શીશ કમળ અર્થાત મસ્તકને જ પૂજામાં સમર્પિત કરી દીધેલું હતું, તે જ રીતે ભગવાન વિષ્ણુએ પણ કમળ વડે ભગવાન શંકરની પૂજા કરી હતી તેવું વિધાન પુરાણોમાં જોવા મળે છે. ગજેન્દ્ર મોક્ષની વાર્તામાં પણ હાથીએ કમળ પુષ્પ શ્રી હરિને સમર્પિત કરીને તેમની શરણાર્ગતિ સ્વીકારી હતી. ૧૭ મી ૧૮ મી સદી દરમ્યાન ચારણોમાં કમળ પૂજા થતી હતી અને તેમાંયે પતિ-પત્ની દ્વારા કરેલી કમળ પૂજાનું તો વિશેષ મહત્વ રહેતું હતું. શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં ક્યાંક આ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે આસક્તિ રૂપી અનુરાગનું નામ કમળ છે, અનાસક્તિનો આદર્શ અને માંગલ્યનો મહિમા કમળ છે, પ્રકાશનું પૂજન, સૌંદર્ય શૃંગાર માટેનું સર્જન કમળ છે, જીવન તથા જીવનતત્વનું દર્શન કરાવનાર પણ કમળ છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.////ISBN-13: 978-1500299903

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૩
વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત ૨૦૧૩

ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે બોલાતા થોડાક વિશિષ્ટ મંત્રો અને શ્લોકો

૧) ગણપતિ ઉત્સવ દરમ્યાન જો ઘરમાં ગણપતિજી પધરાવ્યાં હોય ત્યારે સવારનાં સમયે આ શ્લોક બોલી તેમનું સ્મરણ કરવું.

प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम् |
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयोः शिवाय ||

૨) ભગવાન ગણપતિને આસન પર બિરાજમાન કરતી વખતે આ મંત્ર બોલવો.

नि षु सीड गणपते गणेषु त्वामाहुर्विप्रतमं कवीनाम् |
न ऋते त्वत् क्रियते किंचनारे महामर्कं मघवन्चित्रमर्च ||

૩) ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે તેમને આહ્વાન આપવા માટે આ શ્લોક બોલવો

गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे |
निधीनां त्वा निधिपतिं हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम् ||

૪) ભગવાન ગણપતિને યજ્ઞૉપવિત ધારણ કરાવતી વખતે આ શ્લોક બોલવો.

नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् |
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ||

૫) ભગવાન ગણપતિ પર સિંદૂરનું તિલક કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम् |
शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम् ||

૬) ભગવાન ગણપતિને પુષ્પમાળા સમર્પિત કરતી વખતે આ શ્લોક બોલવો.

माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो गणेशा |
मयाहृतानि पुष्पाणि गृह्यन्तां पूजनाय भोः ||

૭) ભગવાન ગણપતિની સામે દીપ અર્થાત દીવો મૂકીએ ત્યારે આ મંત્રશ્લોક બોલાવો જોઈએ.

साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया |
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् |
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने |
त्राहि मां निरयाद् घोरद्दीपज्यो ||

૮) ભગવાન ગણપતિની સમક્ષ નૈવૈદ્ય-પ્રસાદ સમર્પિત કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

नैवेद्यं गृह्यतां देव भक्तिं मे ह्यचलां कुरू |
ईप्सितं मे वरं देहि परत्र च परां गरतिम् ||
शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च |
आहारं भक्ष्यभोज्यं च नैवेद ||

૯) ભગવાન ગણપતિને પ્રણામ કરતી વખતે આ શ્લોક બોલવો.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

૧૦) ભગવાન ગણપતિનું ધ્યાન કરતી વખતે આ મંત્ર શ્લોકનું ઉચ્ચારણ કરવું.

खर्व स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम |
दंताघातविदारितारिरूधिरैः सिन्दूरशोभाकरं वन्दे शलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम् ||

“પારિજાત

એકાદશીનું મહત્વ

આપણાં ભારતીય શાસ્ત્રોએ એકાદશીનાં વ્રતને ખૂબ મહત્વ આપ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસારમાં રહેલા મનુષ્યોની દૃષ્ટિ સામાન્ય રીતે રાગભોગ અને વિષયાનંદ તરફ હોય છે જેને કારણે મનુષ્યનું મન સદૈવ ભોગવૃતિ તરફ રહેતું હોય છે. આ ભોગવૃતિને કારણે રોજ બરોજના વિપરીત અને અશુધ્ધ આહારથી મનુષ્યોનાં તન અને મન બંને બગડે છે આથી ધર્મ કહે છે કે મનુષ્યએ પોતાનાં તન, મન અને ચિત્તની વિશુધ્ધિ વ્રતનાં ઉપવાસથી કરવી જોઈએ. પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટ્લે શું? અને એકાદશી એટ્લે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટ્લે નજીક અને વાસ એટ્લે કે રહેવું અર્થાત નજીક રહેવું પરંતુ પ્રશ્ન એ થાય કે જીવોએ નજીક કોની રહેવાનું છે? સંતો કહે છે કે આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃતિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ. જ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી બન્યો છે. પૂનમથી અમાસ સુધીના શુક્લ અને વદનાં પંદર દિવસોમાં અગિયારમાં દિવસે કરવાનું વ્રત તે એકાદશીનું વ્રત. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટ્લે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે જીવોએ પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે આથી સંતો કહે છે કે મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની વિશુધ્ધિ કરવાનું વ્રત તે એકાદશી છે. સામાન્ય રીતે બે એકાદશી પંદર પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે એકાદશી કદાચિત બેવાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

ગરૂડ પુરાણમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયનાં એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે. પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલા એક કલાક ૩૬ મિનિટ કરતા ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો તે અપૂર્ણ એકાદશી કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહે છે કે જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીનાં ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો. ઉપનિષદમાં આજ્ઞા કરતાં કહ્યું છે કે સંકલ્પપૂર્વક જીવોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ વ્રત સામાન્ય રીતે ત્રણ દિવસનાં વિધાનથી થાય છે જેમાં દશમીનાં દિવસે મનુષ્યએ એકવાર ભોજન કરવું, એકાદશીનાં દિવસે કેવળ જળ પર આધાર રાખવો અને બારસનાં દિવસે ફરી એકટાણું કરવું. સંતો અને વિદ્વાનો કહે છે કે પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિ સાધવા માટે, ભગવદ્ પ્રાપ્તિ અને પોતાનાં જીવનની વિશુધ્ધિ અર્થે એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે એકાદશીનું વ્રત કરવાથી સુખ,શાંતિ તથા સમૃધ્ધિની સાથે પણ થાય છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શારીરિક આધિ વ્યાધિઓ દૂર થાય છે.

એકાદશી કરી રહેલા ભક્તજનો માટે થોડાં નિયમ બતાવેલાં છે. જેમકે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ. આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ, અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ. એકાદશીની રાત્રીએ જાગરણ કરવું અને જાગરણ દરમ્યાન પ્રભુ સ્મરણ, અને મનન કરવું જોઈએ. એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્યવસ્તુઓનો નિષેધ પણ કરવામાં આવ્યો છે. જે વસ્તુઓનો નિષેધ કરવામાં આવ્યો છે તેમાં તમામ પ્રકારનાં સૂકા અને લીલા કઠોળ અને કઠોળમાંથી બનતી વસ્તુઓ જેવા કે ચણા, સોયા, મગ વગેરે…,લીલા શાકભાજી જેવા કે પરવળ, તૂરિયાં, ભીંડા, સરગવાની શીંગ, ગલકા, દૂધી વગેરે, લીલી ભાજીઓ જેવી કે તાંદળજા, પાલક, કડવો-મીઠો લીમડો, સેલાડ, કોબી વગેરે, અનાજમાં બાજરી, ઘઉં, ચોખા મકાઇ વગેરે તેમજ આ અનાજમાંથી બનતી વસ્તુઓ, વાનીઓ, તેલ અને આ તેલમાં તળાયેલી કોઈપણ વસ્તુઓ વગેરે લેવાનો નિષેધ માનવામાં આવ્યો છે. જ્યારે કાળા મરી, સિંધવ મીઠું, આદુ, તાજા મેવા (ફળો) અને સૂકા મેવા (બદામ, કાજુ, મગફળી વગેરે), બટેટા, શક્કરીયા, ઓલિવ અને ઓલિવમાંથી(જૈતૂન) બનતી વસ્તુઓ તથા ઓલિવનું તેલ, લીંબુ, પપૈયાં, નાળિયેર, ખાંડ, દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ વગેરે વસ્તુઓને એકાદશીનાં દિવસે માન્ય માનવામાં આવી છે.

ધર્મ કહે છે કે મનુષ્યોએ જીવનનાં પ્રત્યેક પંદર દિવસે પોતાનું મન અને જિહવાને રાગભોગ તરફથી બહાર કાઢીને થોડી નજર વૈરાગ્ય તરફ પણ કરવી જોઈએ કારણકે વૈરાગ્ય રૂપ વિરક્તિથી મનુષ્યને પોતાનાં સ્વરૂપની અનુભૂતિ થાય છે જેને કારણે મનુષ્યની પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિમાં ચિત્ત લાગે છે. અણુભાષ્ય નામના ગ્રથમાં કહે છે કે એકાદશીનું બીજું નામ હરિ વસારા છે કારણ કે એકાદશી એ વ્રત છે જેનાં દ્વારા ભક્તજનો પોતાનાં પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે એકાદશીનાં વ્રતની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિદેવીની કૃપા ઉતરે છે જેનાં કારણે જીવો અને જીવાત્મા પોતાનાં કર્મનાં બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે.

“પારિજાત”
ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૨
સત્સંગ માસિકમાં પ્રકાશિત ૨૦૧૨

લોકોક્તિ

૧) મનને મતે ન ચાલીયે, મન જ્યાં ત્યાં લઈ જાય,
મનને એવું મારીએ, જેમ ટૂક ટૂક હો જાય.

૨) જગમાં એવા જનમિયાં, અગરબત્તી ને સંત
આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરંત.

૩) ત્રણ ભાંગ્યા સંધાય નહીં, મન, મોતી ને કાચ
સુણતલ કાન ન માનીએ, નજરું જોયા સાચ.

૪) કંથા રણમેં જાય કે દોનું યાદી રખ
પગ પાછો ભરવો નહીં, વિપત્ત આવે લાખ.

૫) કંથા રણમેં જાય કે, મત ઢૂંઢે કોઈ સા,
તારા બેલી ત્રણ જણા હૈયું, કટારી ને હાથ.

૬) પશુ પંખી કે મનુષ્યનો, ભલે મળે અવતાર,
કરમ તણા બંધન કદિ, ફરે નહીં તલભાર.

૭) વાત વાત હસતો ફરે, ખડ ખડ હસે અપાર,
બોલાવ્યા વીણ બોલતો, ઇ પણ એક ગમાર.

૮) સ્ત્રી તો ધનથીય સાંપડે, પુત્ર સંયોગે હોય,
માડી જાયો નહીં મળે, લાખો ખર્ચે કોય.

૯) ચડતી પડતી સર્વની, સાથે સરખી જાય,
રાજા બને છે રંક ને, રંક રાજા થાય

૧૦) પાની બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ
દોઉ હાથે ઉલેચીએ, યહી સજ્જન કા કામ.

૧૧) વૃક્ષ કબહુ નહીં ભખૈ, નદી ન સીંચે નેહ
પરમારથ કે કારણે સાધુ ન ધરા શરીર

૧૨) તરુવર, સરવર, સંતજન, ચૌથા બરસે મેહ,
પરમાંરથ કે કારણે, ચારો ધરે યહ દેહ.

૧૩) બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.

૧૪) વિપત પડે ન વલખિયે, વલખે વિપત ન જાય,
વિપતે ઉદ્યમ કિજીયે, ઉદ્યમ વિપતને ખાય.

૧૫) નમો નમો ગુરુ દેવને, જેણે આવ્યાં નિજજ્ઞાન,
જ્ઞાને કરી ગોવિંદ ઓળખ્યા, ટળ્યા દેહનાં અભિમાન.

૧૬) સદા ભવાની સંગ રહો, સન્મુખ રહો ગણેશ,
પંચદેવ રક્ષા કરે, બ્રહ્મા વિષ્ણુ મહેશ.

૧૭) બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી
વાવે વવાય નહીં ને ખાયે ખવાય નહીં

૧૮) સૂકા પાછળ લીલું બળે.

૧૯) બારે બુધ્ધિ, સોળે સાન, વીસે વાન ન આવે તો યુવાની નકામી ગઈ.

૨૦) અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું.

૨૧) સમજદારીના સાંધા ભલા.

૨૨) લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

૨૩) અજાણ્યા દોસ્ત કરતાં જાણીતો દુશ્મન સારો.

“પારિજાત”

કેવી રીતે પડયાં શ્રીકૃષ્ણનાં વિવિધ નામ?

“શ્રીકૃષ્ણ ગાયોનું વર્ધન કરતા હોવાથી તેઓ’ગોવર્ધનનાથજી’ને નામે ઓળખાયા. ગિરિરાજ પર્વત ધારણ કરીને ‘ગિરિરાજધરણ’ને નામે ઓળખાયા. ગિરિરાજ પર્વતને ધારણ કર્યા બાદ ઇન્દ્રએ શ્રીકૃષ્ણને ‘ગોવિંદ’ નામ પ્રદાન કર્યું”

 

ભગવાન વિષ્ણુના અનેક અવતાર થયા. આ પ્રત્યેક અવતારે એક-એક તત્ત્વ, ગુણ અને ધ્યેય માટે દૃષ્ટિ આપી, પણ ભગવાન વિષ્ણુના પૂર્ણ પુરુષોત્તમરૂપ શ્રીકૃષ્ણનો અવતાર સંસારમાં કૌસ્તુભમણિ તરીકે ઓળખાયો. યશસ્વી, મુત્સદ્દી, યોદ્ધા, ધર્મ સામ્રાજ્યના ઉદ્ધારક, પ્રવચનકાર, ભક્તવત્સલ, જ્ઞાનીઓ, વિદ્ધાનો અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને પૂર્ણ કરનાર પૂર્ણ પુરુષોત્તમે મથુરામાં જન્મ ધારણ કર્યો અને ગોકુળ તથા વ્રજભૂમિમાં આશ્રય લઈ તેને કર્મભૂમિ બનાવી. શ્રીકૃષ્ણે ગોકુળમાં પૂતના નામે અસૂયા, અઘાસુર રૂપી પાપ અને બકાસુર રૂપી દંભને માર્યો. કાલીનાગને અર્થાત્ વિકારી વિચારોના વિષને ફેલાવી રહેલા કાલિયાને હરાવ્યો. કૃષ્ણપ્રેમને વશ થયેલા ગોકુળવાસીઓએ ઇન્દ્રયાગની વર્ષો જૂની પરંપરાને તોડી ગોવર્ધન પૂજાને અપનાવી. શ્રીકૃષ્ણે ગો અર્થાત્ ઉપનિષદ અને ગાયોનું વર્ધન કરી, તેમનું પૂજન કરાવી ઇન્દ્રરૂપી વૈભવનો અહંકાર તોડયો અને દીનતાને સ્થાન આપ્યું હતું. તેમણે ગોકુલમાં પ્રત્યેક ગોપીઓનાં ઘરમાંથી ગોરસ ચોરી કરી અર્થાત્ ગોકુળની ગોપીઓ સાથે ભળી જઈ તેમની સ્ત્રીશક્તિને જાગૃત કરી, તેમનાં ગોરસ સમાન સરળ મન, હૃદય અને ચિત્તની ચોરી કરી. વ્રજ ઇતિહાસ કહે છે કે,શ્રીકૃષ્ણને જે કોઈ જોતું તેમને તેઓ પોતાના લાગતા હતા. માતાઓને અને વૃદ્ધોને પોતાના પુત્ર સમાન લાગતા હતા, યુવાનોને મિત્ર લાગતા હતા, રાજાઓને રાજાધિરાજ લાગતા, ભક્તોને ભગવાન, જિજ્ઞાસુઓને ગુરુ સમાન લાગતા હતા. આ ઉપરાંત મનુષ્યોની જેમ વ્રજભૂમિ પર રહેલ તમામ પશુધનને પણ કૃષ્ણ પોતાના જેવા નીલવર્ણીય લાગતા, તેથી જ મયૂરો કૃષ્ણને જોતાં જ પંખ ફેલાવી નૃત્ય ચાલુ કરી દેતા હતા તેવા શ્રીકૃષ્ણનું જીવન પણ અતિ સુગંધિત, સુવાસિત, અદ્વિતીય હોઈ તેમને અનેક નામોથી સંબોધિત કરવામાં આવતા હતા. આ નામો અંગે શ્રીમદ્ ભગવદ્જીમાં કહ્યું છે કે, યાદવોના કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી એક સમયે ગોકુળ પધાર્યા ત્યારે તેમણે નંદરાયજીને શ્રીકૃષ્ણ વિશે જણાવતાં કહ્યું હતું કે, “આપનો આ પુત્ર પોતાની કીર્તિ અને પ્રભાવ વડે ભગવાન વિષ્ણુ સમાન થશે. ઉપરાંત આપના આ પુત્રનાં ગુણ અને કર્મ ઘણાં જ અલૌકિક હશે અને તે ગુણો અને કર્મો મુજબ તેમનાં વિવિધ નામો પડશે.”

યાદવાચાર્ય ગર્ગાચાર્યજીના કહ્યા પ્રમાણે ભગવાન કૃષ્ણને તેમનાં નામ, રૂપ, ગુણ અને કર્મ મુજબ પ્રત્યેક ભક્ત તરફથી વિવિધ નામો મળ્યાં. મીરાંબાઈએ ‘ગિરિધર ગોપાલ’ નામ આપ્યું, તો સંત રૈદાસે ‘રસિયા’ નામ આપ્યું. તેઓ મયૂર સમાન નીલવર્ણના હોવાથી તેમનું નામ ‘નીલેશ’ પડયું. ભગવાન હર એટલે કે શિવને પ્રિય હોવાથી ‘હરિહર’ નામે ઓળખાયા. દસ્યુ એટલે પ્રજાને પીડનાર ચોરને કે ઠગને તેઓ પાઠ ભણાવે છે તેથી ‘જનાર્દન’ કહેવાય છે. કાળા વર્ણના હોવાથી ‘કૃષ્ણ’ના નામે ઓળખાયા છે, જ્યારે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે ‘કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ’ અર્થાત્ જે આકર્ષીને પોતાની તરફ ખેંચે છે તે કૃષ્ણ છે. વ્રજવાસીઓનાં મન મોહી લેતા હતા તેથી ‘મોહન’ અને ‘મનમોહન’ તરીકે ઓળખાયા. વ્રજનારીઓનાં ચિત્ત ચોરી લેતા હતા તેથી ‘ચિત્તચોર’ના નામે ઓળખાયા. સૌને પ્રિય હોવાથી ‘વલ્લભ’ને નામે પ્રસિદ્ધ થયા. તેઓને ગાયો અત્યંત પ્રિય હોવાથી, નિત્ય તેઓ ગાયોથી ઘેરાયેલા હોવાથી ‘ગોપાલ’ તરીક ઓળખાયા. ગાયોનું વર્ધન કરનારા હોવાથી તેઓ ‘ગોવર્ધનનાથજી’ને નામે ઓળખાયા. ગિરિરાજ પર્વત ધારણ કરીને ‘ગિરિરાજધરણ’ને નામે ઓળખાયા. ગિરિરાજ પર્વતને ધારણ કર્યા બાદ ઇન્દ્રએ શ્રીકૃષ્ણને ‘ગોવિંદ’ નામ પ્રદાન કર્યું. ઇન્દ્રનો મદ ઉતાર્યો હોવાથી તેઓ ‘ઇન્દ્રદમન’, કાલિનાગને હરાવ્યો હોવાથી ‘નાગદમન’ અને બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ જેવા દેવોનો ઘમંડ ઉતાર્યો હોવાથી તેઓ ‘દેવદમન’ના નામે ઓળખાયા. કેશી દાનવને માર્યો હોવાથી ‘કેશવ’ તરીકે ઓળખાયા.

ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ મધુસૂદન પણ છે. જોકે, એ નામ પાછળ બે માન્યતાઓ રહેલી છે. પ્રથમ માન્યતા પ્રમાણે ભ્રમર (મધુસૂદન) જેવા વર્ણમાં પણ કાળા અને મનના પણ કાળા હોવાથી ગોપીઓએ તેમને મધુસૂદન નામ આપ્યું છે, તેથી ગોપીઓ કહે છે કે, “જેમ મધુસૂદન ફૂલોનો રસ લઈ ઊડી જાય છે તેમ આ મધુસૂદન પણ ગોપીઓ કેરાં ફૂલનો રસ ચૂસીને મથુરા તરફ ઊડી ગયો છે.” જ્યારે બીજી માન્યતા પ્રમાણે, “મધુ નામના દૈત્યને મારી શ્રીકૃષ્ણ મધુસૂદન બન્યા છે.

મધુસૂદન નામની જેમ દામોદર નામ અંગે પણ બે મંતવ્યો રહેલાં છે. પ્રથમ મંતવ્ય અનુસાર વ્યાપક પ્રભુ વિવિધ દેવોરૂપી ઇન્દ્રિયોમાં તેઓ પ્રકાશમાન અને દમનશાળી છે તેથી તેઓ દામોદર કહેવાય છે. જ્યારે બીજા મંતવ્ય અનુસાર માતા યશોદાએ દામ અર્થાત્ દોરડાં તેમના ઉદર ઉપર બાંધી દીધેલાં તેથી તેઓ દામોદરના નામે ઓળખાયા. વ્રજમાં જે કોઈની વાત માનતો નહીં અને કોઈની વાત સાંભળતો નહીં તેથી વ્રજવાસીઓએ નામ આપ્યું, ‘કનૈયો’ વ્રજનો ઈશ્વર હોવાથી ‘વ્રજેશ અને વ્રજનીશ’ તથા વર્ષાનાં વાદળો જેવો શ્યામવર્ણીય હોવાથી ‘ઘનશ્યામ’ના નામે ઓળખાયા.

મા એટલે કે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિને તેઓ મૌન, ધ્યાન અને યોગથી દૂર કરનારા હોવાથી તેઓ ‘માધવ’ તરીકે ઓળખાયા. દેવકીજીના પુત્ર હોવાથી ‘દેવકીનંદન’ અને વસુદેવજીના પુત્ર હોવાથી ‘વાસુદેવજી’ના નામે પ્રખ્યાત થયા. શ્રીકૃષ્ણ હંમેશાં વાંસળી ધારણ કરનારા હોવાથી ‘મુરલીધર અને બંસીધર’ના નામે ઓળખાયા. નર લોકોમાં શ્રેષ્ઠ હોવાથી ‘નારાયણ’ના નામે ઓળખાયા છે. યુગોયુગથી સૌ ભક્તજનોને આનંદ આપનારા હોવાથી ‘પરમાનંદ’ના નામે ઓળખાયા. સૌથી મહત્ત્વની વાત એ છે કે હરિના ભલે હજાર નામ હોય, પણ ભક્તજન હરિને કોઈ પણ નામે બોલાવશે તો તેઓ દોડતાં-દોડતાં પોતાના ભક્ત પાસે આવી જ જશે.

પૂર્વી મોદી મલકાણ ////ISBN-13: 978-1500299903

સંદેશમાં પ્રકાશિત ૨૯ જાન્યુઆરી ૨૦૧૪

http://sandesh.com/article.aspx?newsid=2905140