Monthly Archives: માર્ચ 2014

અદ્ભૂત અને અદ્વિતીય ભારત–ભાગ ૨

ભારતમાં સપ્તબદરી આવેલ છે.

હિમાલયમાં શ્રી બદરી નારાયણ પંચાયતન રૂપે બિરાજે છે. તેમને બદ્રિશાયન તરીકે ઓળખવામાં આવે છે. હિમાલયમાં આવા સાત બદરીક્ષેત્ર આવેલ છે.
– શ્રી બદરી વિશાલ
– આદિ બદરી –કુમારચટ્ટીથી ૬ માઈલની દૂરી પર આવેલ છે.
– વૃધ્ધ બદરી – ઉખી મઠથી અઢી માઈલની દૂરી પર આવેલ છે.
– ભવિષ્ય બદરી- જોષી મઠથી ૧૧ માઇલની દૂરી પર આવેલ છે.
– યોગ બદરી- પાંડુકેશ્વર અને હનુમાન ચટ્ટીની વચ્ચે આવેલ છે.
– અંત બદરી – કૈલાસને માર્ગે જતાં આવે છે.
– નૃસિંહ બદરી – જોષી મઠમાં શિયાળામાં શ્રી બદરીનાથજીની ચલ મૂર્તિ અહીં પધારવવામાં આવે છે.

ભારતમાં સપ્તક્ષેત્ર આવેલ છે.

– કુરુક્ષેત્ર- લગભગ ૫૦ માઈલનો આ વિસ્તાર ઉત્તર ભારતમાં દિલ્હી પાસે આવેલ છે.
– હરિહર ક્ષેત્ર – પટના પાસે મહાનંદા, ગંડકી અને ગંગાના સંગામ પર આ ક્ષેત્ર આવેલ છે.
– પ્રભાસક્ષેત્ર- સૌરાષ્ટ્રમાં વેરાવળ-સોમનાથ પાસે આવેલ છે.
– ભૃગુક્ષેત્ર- ભરૂચ પાસે, નર્મદાનાં તટ્ટ પર આવેલ છે.
– પુરુષોત્તમક્ષેત્ર- જગન્નાથપુરીની આસપાસ આવેલ છે.
– વરાહક્ષેત્ર- સરયૂ અને ઘોઘ્રા નદીના સંગમ પર આવેલ છે. અહીં શ્વેત વરાહનારાયણની ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત થયેલી છે.
– રેણુકાક્ષેત્ર- મથુરા પાસે આ ક્ષેત્ર આવેલ છે.

ભારતમાં સપ્તસરિતા પવિત્ર ગણાય છે.

– ગંગા
– યમુના
– ગોદાવરી
– સરસ્વતી
– રેવા (નર્મદા)
– સિંધુ
– કાવેરી

ઋગ્વેદમાં સપ્તસિંધુ સરિતાનું વર્ણન કરવામાં આવેલ છે.

– વિતસ્તા- આજે જેલમ તરીકે ઓળખાય છે.
– ચંદ્રભાગા – આજે ચિનાબ તરીકે ઓળખાય છે.
– ઈરાવતી કે પુરૂષ્ણિ- આજે રાવી તરીકે ઓળખાય છે.
– શતદ્રુ- આજે સતલજ તરીકે ઓળખાય છે.
– ત્રિભાશા- આજે બિયાસ તરીકે ઓળખાય છે.
– સિંધુ – સિંધુ
– સરસ્વતી- સરસ્વતી

ભારતમાં નવલિંગ સ્થાન આવેલા છે.

– સૂર્યલિંગ– ગુજરાતમાં મોઢેરામાં, કાશ્મીરમાં માર્તંડ મંદિર અને ઓરિસ્સામાં કોર્ણાંક મંદિર જે જગન્નાથજીથી ૨૦ માઇલની દૂરી પર આવેલ છે.
– ચંદ્રલિંગ- ગુજરાતમાં પ્રભાસ પાટણમાં આવેલ છે.
– યજમાનલિંગ- નેપાલમાં આવેલ છે જે પશુપતિનાથના મંદિર તરીકે ઓળખાય છે.
– પૃથ્વીલિંગ- મધ્યપ્રદેશમાં આવેલ છે. આ સ્થળ એકાસ્ત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
– તેજોલિંગ- તામિલનાડુમાં આવેલ છે. આ સ્થળ અરૂણાચલ પર્વત તરીકે ઓળખાય છે.
– વાયુલિંગ- તામિલનાડુમાં કાલહરિત રેલ્વે સ્ટેશન પાસે આવેલ છે. આ સ્થળ શ્રી કાલહસ્તીશ્વર તરીકે ઓળખાય છે.
– આકાશલિંગ- તામિલનાડુમાં ચિદંબરતીર્થમાં આ લિંગ આવેલ છે.
– આત્મલિંગ– ગોવામાં આવેલ છે.

ભારતમાં નવ ગણેશધામ આવેલ છે.

– અલ્હાબાદ-પ્રયાગમાં ……”ૐકાર” ગણપતિ ધામ આવેલ છે.
– કાશીમાં “ઢુંઢીરાજ” ગણેશ ધામ આવેલ છે.
– મહારાષ્ટ્રમાં “મોરેશ્વર- મયુરેશ્વર” ગણેશધામ આવેલ છે.
– મહારાષ્ટ્રમાં ભીમા નદીને તીરે “સિધ્ધટેક” ગણપતિ ધામ આવેલ છે.
– મહારાષ્ટ્રમાં જૂન્નર પાસે “લેણ્યાદ્રી” ગણેશધામ આવેલ છે.
– મહારાષ્ટ્રમાં પૂના પાસે રાંઝણ ગામમાં “ચિંતામણી” ગણેશ ધામ આવેલ છે.
– કુંભકોણમ્ કાવેરી નદીને તીરે આવેલ છે, જે “સુધા ગણપતિ”ને નામે ઓળખાય છે.
– દક્ષિણ ભારતમાં પદ્માલય ગણપતિ આવેલ છે જે “કાર્તિવીર્ય” ગણેશધામને નામે પ્રસિધ્ધ છે.
– ઔરંગાબાદ પાસે બેરોલ ગામમાં આ ગણેશધામ આવેલ છે જે “લક્ષવિનાયક” તરીકે પ્રસિધ્ધ છે.

ભારતમાં દશ અરણ્ય આવેલ છે.

– દંડકારણ્ય – ગુજરાતમા ડાંગ જિલ્લાનો પ્રદેશ
– સૈન્ધવારણ્ય – સિંધુ નદીનો પ્રદેશ. પણ હાલમાં આ પ્રદેશ પાકિસ્તાનમા આવેલ છે.
– પુષ્કરારણ્ય – અજમેર- પુષ્કર પાસે આવેલ હતું. આ સ્થળ હવે શહેરમા પરિવર્તિત થયું છે.
– નૈમિષારણ્ય – હાલમાં અયોધ્યા પાસેનો પ્રદેશ
– અર્બુદારણ્ય – હાલના આબુ-અંબાજીનો પ્રદેશ
– કુરુમંગલરણ્ય- હાલના કુરુક્ષેત્રનો પ્રદેશ
– જંબુરણ્ય – હાલના જાંબુઘોડાનો પ્રદેશ
– ધર્મારણ્ય – હાલના સિધ્ધપુર, મોઢેરા, બહુચરાજીવાળો પ્રદેશ
– ચંપારણ્ય- હાલમા છતીસગઢમા આવેલ છે.
– ઉત્પલાવર્તકારણ્ય – આ અરણ્ય ભારતમા બ્રહ્મવર્તને નામે પ્રસિધ્ધ હતું. પરંતુ હાલમા ક્યાં છે તેની જાણ નથી.

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

ગૂડીપડવા-ઉગાદીનો ઉત્સવ

ચિત્રા નક્ષત્રમાં આવતાં આ ચૈત્રમાસનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. ચૈત્ર માસ હિન્દુ કેલેન્ડરમાં રામ નવમી, સિંધિઓનો ચેટિચાંદનો ઉત્સવ, પંજાબીઓનો બૈશાખીનો ઉત્સવ, આંધ્રપ્રદેશનો ઉગાદીનો ઉત્સવ, અખાત્રીજ, શ્રી વલ્લભાચાર્ય જયંતિ, યમુનાછઠ્ઠ અને ગણગોર ઉત્સવ, ગૂડીપડવો, ઉગાદી, દુર્ગાઅષ્ટમી, બ્રહ્મ જયંતિ, હનુમાન જયંતિ, શ્રી સ્વામિનારાયણ ભગવાન જયંતિ એમ વિવિધ તહેવારોની ભેંટ લઈને આવે છે. જેમાથી ચૈત્રસુદ પ્રતિપદાને દિવસે આવતાં ગૂડીપડવાના આ પવિત્ર દિવસથી હિંદુઓનું નવું વર્ષ પ્રારંભ થાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં શુભકાર્ય કરવા માટે શુભ તિથી અને મૂહર્ત જોવામાં આવે છે, પણ આ દિવસ અપવાદિત છે કારણ કે આ આખો દિવસ દિવસ શુભ જ ગણાય છે. ગૂડીપડવા અંગે વિવિધ કથાઓ રહેલી છે. એક કથા અનુસાર એક રાજા ઉપર પાડોશી રાજાએ આ રાજા પર હુમલો કર્યો ત્યારે તે રાજા નિર્બળ બનીને ભાગવા લાગ્યો. પોતાના રાજાને આ રીતે ભાગતો જોઈ તેનાં સૈનિકોનું બળ ભાંગી ગયું. રાજાનાં સૈનિકોને પરાસ્ત થતાં જોઈ તે એક કુંભારનાં પુત્ર શાલિવાહનને શૂરાતન ચડી ગયું તેણે સૈનિકોને કહ્યું ડરો નહીં મારી પાસે એક ઋષિની મંત્રવિદ્યા છે આ મંત્રવિદ્યાથી હું નિર્જીવ પૂતળામાં જીવ પૂરી શકું છુ ત્યારે સૈનિકોએ શાલિવાહનની મદદ માંગી. સૈનિકોની વિનંતીથી શાલિવાહને માટીનું સૈન્ય તૈયાર કરી તેમને સજીવન કર્યા. આ સૈન્યની મદદથી શાલીવાહનનાં ગામના સૈન્યએ શત્રુઓને પરાજિત કર્યા. શાસ્ત્રો કહે છે કે શાલિવાહને માટીનાં સૈન્યમાં મંત્ર શક્તિ દ્વારા પ્રાણ પૂર્યો તે માત્ર સૂચક છે આ કથાનો સાર એ કાઢી શકાય કે શાલિવાહને સિપાહીઓનો ખોવાયેલ આત્મવિશ્વાસ અને આત્મશક્તિને ફરી જગાવ્યો જેથી કરીને ચેતનહીન, પરાક્રમહીન બની ગયેલા લોકોમાં શત્રુઑ સામે લડવા માટે બળ આવ્યું. શાસ્ત્રો અનુસાર શાલિવાહન શકનો પ્રારંભ આ જ દિવસથી થાય છે. બીજી કથા અનુસાર આજનાં દિવસે ભગવાન શ્રી રામે દક્ષિણ પ્રદેશને વાનરરાજ વાલીનાં ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં. વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલ પ્રજાએ ઘર ઘરમાં ઉત્સવ ઉજવ્યો અને ઘરનાં આંગણામાં ગૂડીઑ ઊભી કરી. ગૂડી એટ્લે કે ધ્વજા અને પડવો એટ્લે કે દિવસ. આ દિવસે લોકોએ ઘરે ઘરે ધ્વજ ચડાવ્યો હોવાથી આ દિવસ ગૂડી પડવા તરીકે ઓળખાયો.

ગૂડી પડવાની ગૂડીઑનું ધ્વજારોપણ:-

•સૂર્યોદય થયા પછી વાંસની લાકડી લઈ એક છેડા ઉપર લાલ, લીલું કે પીળા રંગનું વસ્ત્ર બાંધવું.

• તાંબાનાં કળશમાં મગ, અક્ષત, સાકર અને મીઠાનો ટુકડો, હળદર ગાંઠિયો, કુમકુમ, કડવો લીમડો વગેરે મૂકી કળશનું મુખ બંધ કરી દેવું.

• કળશ અને વાંસની લાકડી (જ્યાંથી વસ્ત્ર બાંધ્યું હોય તે ભાગ) બંનેને એકસાથે નાડાછડીથી બાંધી લઇ ગૂડી તૈયાર કરવી.

• ગૂડીને તુલસીનાં ક્યારામાં આડી (સીધી નહીં) મૂકવી.

•ઘરનાં મુખ્ય દ્વાર પાસે ચોખાનાં લોટની રંગોળી કરી દરવાજા ઉપર ફૂલ અને આંબાના પાનનું તોરણ બાંધવું.

• ઘરના એક ખૂણામાં લીંબુ મરચાનો ઝૂડો લગાવવો.

•આ ઉપરાંત ચણાની દાળ, ચણા આખા, આંબલી, કાચી કેરી, કડવા લીમડાના ફૂલ, આંબાના મોર, ગોળ, ખડી સાકર, મધ, જીરું, હિંગ વગેરેનો પ્રસાદ કરવામાં આવે છે અલબત્ત આ પ્રસાદ પ્રત્યેક પરિવારમાં પ્રમાણે અને સમય પ્રમાણે બદલાય છે. મરાઠીઓમા આ દિવસે મીઠી પોળીનો પ્રસાદ અને તેલુગુઓમાં પચ્ચડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

• ગૂડી પડવાને દિવસે પરંપરાગત રીતે કડવા લીમડાનો રસ અને સાકરનો પ્રસાદ લેવામાં આવે છે. કડવો અને મીઠો આ બંને સ્વાદ સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલા છે. કડવા રસનું તાત્પર્ય એ છે કે જીવનમાં થોડી કડવાશની પળો હોય તો મનુષ્ય તે કડવાશને સાથે રાખીને તેમાંથી કશું નવું શીખવાનો પ્રયત્ન કરે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીમડાનો રસ તનને વધુ પુષ્ટ બનાવવા માટે પેટમાં રહેલ જીવાતોનો નાશ કરે છે અને સાકર એ જીવનમાં મધુરતા ઉમેરે છે અને જેમ જીવનમાં મધુરતા આવે તેમ જીવનને વધુ ને વધુ પોઝિટિવ દૃષ્ટિએ જોવાની આદત પડતી જાય છે, જેથી મનુષ્ય સફળતાના માર્ગે આગળ વધતો જાય છે.

•શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે વરુણદેવને પ્રસન્ન કરવા માટે અને પૃથ્વીના તળ નીરથી છલકતા રહે તે હેતુથી પાણી ભરેલા ઘડાનું દાન કરવુ જોઈએ.

• આ દિવસે નૈસર્ગિક, ઐતિહાસિક, અને આધ્યાત્મિક કારણસર બ્રહ્મ તત્ત્વમાંથી સત્ત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન, સગુણ-નિર્ગુણ લેવામાં આવતું હોવાથી બ્રહ્મધ્વજાયૈ નમઃ તે મંત્ર સાથે બ્રહ્મપૂજન કરવું જરૂરી છે.

•સંધ્યા સમયે અથવા બીજે દિવસે ઉત્થાપન કરી ગૂડી ઉતારી ગોળ અથવા ગોળના શીરાનો ભોગ ધરાવવો.

• કળશમાં રહેલી તમામ વસ્તુઓ પાણીમાં વહાવી દેવી અથવા ઘરમાં રહેલા કૂંડાની માટીમાં કે ગાર્ડનની જમીનમાં માટીમાં દાટી દેવું. આ રીતે કરવાનો ભાવ એટલો જ કે જે પોઝિટિવ ભાવનાથી આપણે ઉત્સવ ઉજવ્યો છે તે પોઝિટિવ વેવ્ઝ ઘરમાં કે આપણાં ઘરની આસપાસ જ રહે. પાણીમાં પણ આ વસ્તુઓ વહાવી દેવાય છે, પણ હવે નદીના નીર રહ્યા નથી અને કૂવાઑ પણ દેખાતા નથી. વળી આજે એ સમય છે કે એક સમયે તદ્દન સ્વચ્છ રહેનારી નદીઓના પાણી એટલા ગંદા થઈ ગયા છે કે તેને વધુ ખરાબ કરવાથી માત્ર અને માત્ર ગંદવાડ વધે માટે આપણાં ઘરની પોઝિટિવ એનર્જી આપણાં ઘરમાં જ રહે તે વધુ સારું પડે છે.

• આ દિવસે સૃષ્ટિના સર્જક કે સૃષ્ટિના સંચાલક એવા ભગવાન વિષ્ણુને વિનંતી કરવી કે આ ગૂડીઑ રૂપી ધર્મધ્વજા દ્વારા અમારામાં રહેલી સાત્ત્વિક, સગુણ, લહેરોને આપ ગ્રહણ કરો અને વિશ્વમાં જે કાંઇ સાત્ત્વિક સગુણ વિચાર રૂપી વર્તનને અમારામાં ઉતારજો જેથી કરીને અમે અમારા જીવનને અને સમાજને સારી ભાવનાથી, સારા કર્મોથી સુપોષિત કરી શકીએ.

ગૂડી પડવાનો અને ઉગાદીનો આ પવિત્ર દિવસ એ ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન પરંપરાનો અણમોલ વારસો છે. જેને ઉત્સાહપૂર્વક ઉજવવો એટ્લે આનંદને આવકાર આપવો.

ફૂલછાબમાં પ્રકાશિત 2014

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

રંગબેરંગી હોળીના અલબેલા પ્રતીકો

રંગબેરંગી હોળીના અલબેલા પ્રતીકો

આપણો દેશ અનેક વાર-તહેવારો અને ઉત્સવોનો દેશ છે. પ્રત્યેક તહેવાર અને ઉત્સવો પ્રમાણે અનેક કથાઓ અને તેમના સાર પણ આપણાં રોજિંદા જીવનમાં વણાયેલા છે. આ ઉત્સવોને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોએ પ્રત્યેક તહેવારને ઉદેશીને બિંદુ રૂપથી લઈ નાની, મોટી વિવિધ આકાર અને આકૃતિયુક્ત પ્રતિકોની રચના કરી છે. વિદ્વાનો કહે છે કે માનવસંસ્કૃતિને એકસૂત્રમાં બાંધતા આ તહેવારોના પ્રતિકોની ભાષા જો સમજમાં આવી જાય તો જીવન ઘડતર ઘણું જ સરળ થઈ જાય. પ્રતિકોની આ વાત આપણાં પ્રત્યેક ઉત્સવોમાં છલકે છે તો હોળીનો ઉત્સવ પણ એમ કરીને પાછળ રહી જાય.?? જેમ દિવાળીનું પ્રતિક દીવાઓ અને ફટાકડા છે, મહાશિવરાત્રીનું પ્રતિક ભાંગ અને બીલીપત્રો, ગૂડીપડવાનું પ્રતિક ગૂડી, નવરાત્રીનું પ્રતીક દાંડિયા છે તેમ રંગ, કેસૂડો, ભાંગ અને ઠંડાઈ એ હોળીના પ્રતીકો છે.

પ્રહલાદ અને હોલિકા:-હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદને યાદ કર્યા વગરનો અધૂરો રહે છે. પ્રહલાદજીની કથા એ આ ઉત્સવનું પ્રથમ પ્રતીક છે. હોળીની પૌરાણીક કથાના મુખ્ય પ્રતીક ભક્ત પ્રહલાદજી અને હોલિકા છે. જ્યારે ભક્ત પ્રહલાદે પોતાના નાસ્તિક અને નિર્દયી પિતા હિરણ્યકશિપુને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો ત્યારે હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થયો. તેણે વિષ્ણુને ભગવાન માનનારા પ્રહલાદને વારંવાર મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેકવાર હિરણ્યકશિપુનો પ્રયાસ નિષ્ફળ ગયો. આખરે તેને કંટાળીને પોતાની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કાર્ય સોંપ્યું. હોલિકાને અગ્નિ દેવ તરફથી વરદાન મળેલું કે જ્યાં સુધી તે સત્યના પક્ષમાં રહેશે ત્યાં સુધી તેને અગ્નિની જ્વાળા બાળી શકશે નહીં. જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિ ઉપર બેઠી ત્યારે તે સત્યના પક્ષવાળી અગ્નિદેવની વાત ભૂલી ગઈ તેને ભ્રાતૃપ્રેમમાં કેવળ એટલું જ યાદ રહ્યું કે તેને અગ્નિની જ્વાળા બાળી શકે તેમ નથી તેથી તે બાળ પ્રહલાદને લઈ જેવી લાકડીયોના ઢેરની ઉપર રહેલ અગ્નિમાં બેઠી કે તરત જ અગ્નિની જ્વાળાઓએ હોલિકાને પકડી લીધી અને સત્યના પ્રતીક એવા પ્રહલાદની રક્ષા કરી. હોલિકા અધર્મના પ્રતીક એવી હોલિકાનો નાશ થતાં આનંદિત થયેલા લોકોએ રંગોત્સવ અને ધૂળેટીત્સવનો પ્રારંભ કર્યો. આ હોળીનો ઉત્સવ એ અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતીક છે.

ભાંગ અને ઠંડાઈ:- હોળીના તહેવારનું બીજું પ્રતીક ભાંગ અને ઠંડાઈ છે. ભાંગ અને ઠંડાઈના સેવનથી લોકોમાં રહેલી ઝીઝક ઓછી થઈ જાય છે અને ઉત્સવનો પૂર્ણ રીતે આનંદ ઉઠાવી શકે છે તેવી એક માન્યતા છે. પરંતુ આ વસ્તુઓમાં જ્યાં સુધી નશાની વસ્તુઓ ન હોય ત્યાં સુધી જ સારું હોય છે પણ નશો થતાં જ ઇન્સાન પોતાની સાનભાન ભૂલવા લાગે છે જે તેને માટે ક્યારેક નુકશાનકારક પણ નીવડે છે. એમાંયે યૌવનનો ઉન્માદ અને નશાની અસર જે પરિણામ આવે છે તેમાં ઘણે અંશે છોકરીઓને ભોગવવું પડે છે તેથી ખાસ કરીને ગુજરાતમાં નશાકારક ભાંગ અલાઉડ નથી હોતી. પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં આ દિવસે ભાંગયુક્ત ભાંગ અને ઠંડાઈ પીને લોકો ટલ્લી થઈ જાય છે.

રંગ:- અવનવા રંગો અને રંગોથી રંગાયેલા લોકો એ હોળીનું ત્રીજું પ્રતીક છે. લાલ, પીળા, લીલા, બ્લૂ વગેરે રંગોની ચમક દર્શાવતી હોળી મુખ્યતઃ રંગોનો તહેવાર છે. કદાચ આ રંગો ન હૉત તો શું આ રંગોનો તહેવાર હોત કે નહીં તે પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે રંગો વગર હોળી અધૂરી છે અને હોળીના તહેવાર વગર રંગો અધૂરા છે. જ્યારે એક-બીજા પર રંગ ઉડાડવામાં આવે છે ત્યારે એકબીજાના ચહેરા પર રહેલ રંગોની વિભિન્નતા લોકોનો આનંદ અને હર્ષોલ્લાસને બમણા કરી દે છે.

ગુલાલ:- હોળીના ચોથા પ્રતીકનું નામ ગુલાલ છે.આ દિવસે ગુલાલનો અધિકત્તમ ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે વડીલો નાનેરાઓને ગુલાલનો ટીકો કરાય છે. માનવામાં આવે છે કે વડીલો દ્વારા થતો ગુલાલનો ટીકો વડીલોના આર્શિવાદ સમાન હોય છે તેથી ગુલાલના ટીકાનો ઉપયોગ કરાય છે. હોળીના દિવસોમાં વ્રજમાં ગુલાલનો ઉપયોગ રાધા અને ગોપીઓની ભાવનાથી કરાય છે તેથી કૃષ્ણદાસ અધિકારી ગાય છે કે

लाल गोपाल गुलाल हमारी आँखिन में जिन डारो जू। बदन चन्द्रमा नैन चकोरी इन अन्तर जिन पारो जू ॥१॥
गावो राग बसन्त परस्पर अटपटे खेल निवारो जू। कुमकुम रंग सों भरी पिचकारी तकि नैनन जिन मारो जू॥२॥

પિચકારી અને ફુગ્ગા બલૂન:- રંગયુક્ત પાણીથી ભરેલ પિચકારી એ હોળીનું ૬ ઠ્ઠું પ્રતીક છે. પિચકારીનો ઇતિહાસ કૃષ્ણની વ્રજલીલામાંથી શરૂ થયો હતો. ઇતિહાસ કહે છે કે કૃષ્ણકનૈયાએ ભીની હોળીના રંગોથી રમવાની શરૂઆત પલાશના ફૂલોથી કરી હતી. પલાશનાં રંગોથી ભીંજાયેલી અનેક રાધા અને ગોપીઓની ચુનરીઑ પિચકારી અને રંગોને વધુને વધુ જીવંત કરેલા છે. આથી જ્યારે હોળી પર રંગોની ચર્ચા પર પ્રશ્ન ઊઠે છે ત્યારે પિચકારીની યાદ આવ્યા વગર રહેતી નથી. આજે જ્યારે લોકો દરેક વ્યક્તિ પર રંગો ઉડાડી શકતા નથી ત્યારે પિચકારી અને બલૂન દ્વારા દૂર ઉભેલ લોકોને નિશાન બનાવવામાં આવે છે.

પલાશનું પાણી:- વસંત ઋતુ આવતા જ પલાશના પુષ્પો મહોરી ઊઠે છે. પલાશના આ પુષ્પોને ટેસુ અથવા કેસૂડાના પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામઠીભાષામાં આ પુષ્પોને પોપટચાંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી 30-૪૦ પહેલા પલાશના પુષ્પોને આખી રાત પાણીમાં પલાળી રખાતા બીજે દિવસે તે રંગ ઉતરેલું પાણી પિચકારીમાં ભરી ઉપયોગમાં લેવાતું હતું. સામાન્ય રીતે પિચકારી માટે પલાશનું પાણી વપરાય છે. આ પાણી કુદરતી નેચર અને રંગવાળું હોઈ કોઈને નુકશાનકારક હોતું નથી પણ હવે પલાશના વૃક્ષો ખાસ જોવા પણ નથી મળતા અને તે કુદરતી રંગોને બદલે રંગવાળા પાણીનો ઉપયોગ થાય છે.

ફૂલડોલ:- હોળીના ઉત્સવમાં ફૂલડોલને યાદ ન કરીએ તો ઉત્સવ અધૂરો રહી જાય છે. આ ઉત્સવની શરૂઆત યશોદામાતાએ કરેલી હતી પણ આજે પણ આ ઉત્સવ એટલાજ ધામધૂમથી ઉજવાય છે. હવેલીઓમાં આ દિવસોમાં ફૂલના હિંડોળા બનાવી પ્રભુને ઝુલાવાય છે. જ્યારે રંગો, પાણી કે પિચકારીથી રમતા રમતા થાકી જવાય ત્યારે એકબીજા ઉપર રંગો ને બદલે ફૂલની પાંદડી ઉડાડી ફૂલડોલથી રમવાનો પણ અનેરો આનંદ રહે છે.

હુડંગ અને શોર:- હોળીના દિવસનો આઠમો પ્રતીક એ હુડંગ અને શોર છે. આનંદ અને ઉલ્લાસપૂર્વક એકબીજાની ઉપર રંગ ઉડાડવાની પ્રક્રિયા, કોઈની બૂમ, હાથમાં રંગ લઈ મિત્રો અને સંબંધીઓની પાછળ પડવું અને વારંવાર ખેલમાં ખેંચવું, કોઇનું ગાવું, હોળીના ગીતો, કૃષ્ણ હવેલીઓમાં ગવાતા રસિયા, ધમાર, કોઈ રંગ લઈ વગેરે પ્રકારનો હુડંગ અને શોર એ વાતાવરણને રંગની સાથે રંગીન કરી નાખે છે.

ગુજીયા અને કરંજી:- હોળીના ઉત્સવ ગુજીયા અને કરંજી વગર અધૂરો ગણાય છે આથી એમ કહી શકાય કે ગુજીયા અને કરંજી એ હોળીના તહેવારનું નવમું પ્રતીક છે. કારણ કે હોળી કેવળ રંગ, હુડંગ, અને પિચકારીનો તહેવાર નથી પરંતુ આ દિવસ ભિન્ન વિભિન્ન પ્રકારની મીઠાઇ ખાવાનો અને ખવડાવવાનો પણ ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમા ખાસ કરીને અનેક પ્રકારની માવાની, નાળિયેરની, ગજકની મીઠાઇ બનાવવામાં આવે છે.

ભવિષ્યપુરાણમાં કહ્યું છે કે હોળીએ આનંદઉલ્લાસનું પર્વ છે. પરંતુ આજે તેમાં અનેક પ્રકારના આનંદ પણ છે અને અનેક પ્રકારની બુરાઈ પણ મળેલી છે. આજે લોકો માટી, કીચડ, ગોબર, વગેરે એકબીજા પર ફેંકે છે અથવા પાકા રંગનો ઉપયોગ કરે છે જે હાનિકારક હોય છે. પાકા રંગોમાં લેડનો પણ ઉપયોગ થાય છે, આ લેડ યુક્ત રંગો એ એકપ્રકારના પોઈઝન સમાન છે તેથી તેનો ઉપયોગ બને તેટલો ઓછો થાય તો વધુ ફાયદાકારક રહે છે. પહેલાની સરખામણીમાં હવે પાણીનો પણ પ્રોબ્લેમ થયો છે, રંગો લેડવાળા હોઈ પોઇઝન સમાન છે તેથી આવા સમયમાં ગુલાલ યુક્ત સૂકી હોળી ખેલવી સૌથી ઉત્તમ છે. હોળીના આ બધા જ પ્રતીકો એ ભાઇચારાના પ્રતીક છે તે ભાઇચારા અને શાંતિના પ્રતીકો અશાંતિમાં ન ફેરવાઇ જાય તે વાતનો ખ્યાલ રાખી ઉત્સવ ઉજવવાથી તહેવારનો આનંદ બમણો થઈ જાય છે.

ફૂલછાબમાં પ્રકાશિત – 2014
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ ////ISBN-13: 978-1500299903
purvimalkan@yahoo.com

અદ્ભૂત અને અદ્વિતીય ભારત–ભાગ ૧

ભારતમાં ત્રણ બ્રહ્મધામ છે.

-પુષ્કરરાજ- અજમેર પાસે ચતુર્ભુજ બ્રહ્માજીનું મંદિર છે.
-ખેડબ્રહ્મા- ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્માનું મંદિર છે.
-સિધ્ધિકાનગરી-સાધી. વડોદરા જીલ્લામાં પાદરા પાસે સાધી ગામમાં પરમપિતા બ્રહ્માજીનું મંદિર છે.

ભારતમાં ચાર ધામ છે.

-શ્રી બદરીનાથ –ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાં આ સ્થળ બદરી વિશાલાપુરી તરીકે પ્રખ્યાત છે.
– શ્રી જગન્નાથ પુરી- ભારતનાં ઓરિસ્સા રાજયમાં આવેલ છે.
– શ્રી રામેશ્વરમ- ભારતની દક્ષિણે તામિલનાડુ રાજયમાં આવેલ છે.
– શ્રી દ્વારિકા ધામ- ભારતની પશ્ચિમે સમુદ્ર કિનારે આવેલ છે.

ભારતમાં ચાર મઠ આવેલ છે.

– શારદા મઠ- દ્વારિકામાં આવેલ છે.
– ગોવર્ધન મઠ- જગન્નાથપુરીમાં આવેલ છે.
– શૃંગેરી મઠ- દક્ષિણમાં શૃંગેરી નગરમાં આવેલ છે.
– જ્યોતિ મઠ- હિમાલયમાં જોષીમઠમાં આવેલ છે.

ભારતમાં ચતુષ્ટ્યનાથ પીઠ આવેલ છે.

નાથ સંપ્રદાયનાં ગુરુ મછેન્દ્રનાથ અને તેમના શિષ્ય ગુરુ ગોરખનાથકી દ્વારા આ પિઠોની સ્થાપના થયેલી છે.
– ગોરખપુર તીર્થ
– પેશાવર તીર્થ
– જુનાગઢ તીર્થ
– દક્ષિણભારતમાં આવેલું બડંગનાથનું તીર્થ

ભારતમાં પંચ કાશી આવેલ છે.

– વારાણસી કાશી- વર્ણા, અસીના અને ગંગાના સંગમ પર આવેલ છે.
– ઉત્તર કાશી- હિમાલયમાં ગંગોત્રી-જન્મોત્રી જવાના રસ્તે આવેલ છે.
– ગુપ્ત કાશી – હિમાલયમાં કેદારનાથ જવાના રસ્તે આવેલ છે.
– દક્ષિણકાશી- દક્ષિણ ભારતમાં તિનેવેલીથી ત્રિવેન્દ્રમ જવાના રસ્તે કાશી વિશ્વનાથનું મંદિર આવે છે. આ સ્થળને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે.
– શિવ કાશી- દક્ષિણ ભારતના મૈસુરમાં નનજનગુડ ગામમાં આ કાશી આવેલ છે.

ભારતમાં પાંચ વિષ્ણુધામ આવેલા છે.

– દ્વારિકા ધામ –ભારતની પશ્ચિમે ગોમતી નદીના તીરે આવેલ છે.
– મધુવન – ઉત્તર ભારતમાં ગોકુલ- મથુરાની વ્રજભૂમિમાં આ સ્થળ આવેલ છે. આ પ્રદેશ ધ્રુવજીના વન તરીકે ઓળખાય છે.
– પુલહાશ્રમ- નેપાળમાં ગંડકી નદીના તીરે આ વિષ્ણુધામ આવેલ છે.
– મથુરા- ઉત્તર ભારતમાં આ સ્થળ આવેલ છે. આ ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે.
– શ્રી રંગ- દક્ષિણ ભારતમાં કાવેરી નદીને કિનારે આ પવિત્ર ધામ આવેલ છે.

ભારતમાં પાંચ નાથ આવેલ છે.

– શ્રી બદરીનાથ તે હિમાલયામાં આવેલ છે.
– શ્રી રંગનાથ તે દક્ષિણ ભારતમાં આવેલ છે.
– શ્રી જાગનાથ તે ઓરિસ્સામાં આવેલ છે.
– શ્રી ગોવર્ધનનાથજી તે રાજસ્થાન મેવાડમાં શ્રીનાથજીદ્વારા (સિંહાડ) માં આવેલ છે.
– શ્રી દ્વારિકનાથજી તે સૌરાષ્ટ્રમાં આવેલ છે.

ભારતમાં પાંચ તીર્થ આવેલ છે.

-કુરુક્ષેત્રતીર્થ
-પુષ્કરક્ષેત્રતીર્થ
-ગયાજી ક્ષેત્રતીર્થ
-ગંગાજી ક્ષેત્રતીર્થ
-પ્રભાસ ક્ષેત્રતીર્થ

ભારતમાં પાંચ પિતૃતીર્થ આવેલ છે.

– પિતૃતીર્થ ક્ષેત્ર – બિહારમાં ફલ્ગુ નદીને તીરે આવેલ છે.
– નાભિગયા ક્ષેત્ર – ઓરિસ્સામાં વૈતરણી નદીને તીરે આવેલ છે.
– પાદગયા ક્ષેત્ર – ચેન્નાઈ પાસે આવેલ છે.
– બ્રહ્મકપાલિ ક્ષેત્ર – હિમાલયમાં બદરીનાથજી પાસે અલકનંદા નદીને તીરે આવેલ છે.
– માતૃગયા ક્ષેત્ર- ગુજરાતમાં સિધ્ધપુરમાં આવેલ છે.

ભારતમાં પાંચ સરોવર આવેલ છે.

– બિંદુ સરોવર સિધ્ધપુરમાં આવેલ છે.
– નારાયણ સરોવર તે કચ્છમાં આવેલ છે.
– પંપા સરોવર તે દક્ષિણભારતમાં મૈસુરથી થોડે દૂર આવેલ છે.
– પુષ્કર સરોવર તે અજમેર પાસે આવેલ છે.
– માનસરોવર તે હિમાલયમાં કૈલાસ જવાના રસ્તે આવે છે.

ભારતમાં સપ્તપુરી આવેલ છે.

અયોધ્યાપુરી તે ઉત્તર ભારતમાં સરયૂ નદીને કિનારે આવેલ છે.
– મથુરાપુરી તે ઉત્તર પ્રદેશમાં યમુનાજીના કિનારે આવેલ છે.
માયાપુરી તે હરદ્વાર કે હરિદ્વારને નામે ઓળખાય છે. આ સ્થળ ગંગાજીને તીરે સ્થિત થયેલ છે.
– કાશીપુરી તે વારાણસીને નામે પ્રખ્યાત છે આ સ્થળ તે ગંગાજીને કિનારે વસેલ છે.
કાંચી– આ સ્થળ દક્ષિણભારતમાં કાંચીવરમ્ ને નામે પ્રખ્યાત છે. આ સ્થળમાં શિવકાંચી અને વિષ્ણુકાંચી નામના બે વિભાગ આવેલ છે જેમાંથી શિવકાંચીમાં એકામ્રેશ્વર મહાદેવનું વિશાળ મંદિર આવેલ છે અને વિષ્ણુકાંચીમાં ભગવાન વિષ્ણુનું વરદરાજ રૂપે બિરાજે છે.
– અવંતિકાપુરી તે ઉજ્જૈન ને નામે પ્રખ્યાત છે.
દ્વારાવતીપુરી તે દ્વારકાને નામે પ્રખ્યાત છે.

પૂર્વી મોદી મલકાણ યુ॰ એસ. એ.
purvimalkan@yahoo.com

મહોરો કોની ? (અકબર-બિરબલની વાર્તા)

એક સમયે દિલ્હીની બજારમાંથી એક ઘાંચી પોતાની મહોરો ભરેલી કોથળી લઈ જઈ રહ્યો હતો. તે વખતે તે ઘાંચીનું ધ્યાન ચૂક થઈ જવાથી તેની પાસે રહેલ મહોરોની કોથળી તેના હાથમાંથી પડી ગઈ. જ્યારે ઘાંચીને ખબર પડી કે તેની મહોરોની કોથળી ખોવાઈ ગઈ છે ત્યારે તે શોધવા નીકળ્યો. ત્બજારમાં આમતેમ નજર ફેરવતા તેણે જોયું કે એક કસાઈનાં હાથમાં પોતાની કોથળી જેવી જ બીજી કોથળી છે તેથી તેણે કસાઈને કહ્યું કે ભાઈ તારા હાથમાં જે કોથળી છે તે મારી કોથળી છે તે તું મને પાછી આપ. ત્યારે તે કસાઈએ કોથળી આપવાની ના કહી ને કીધું કે આ કોથળી મારી છે તો હું શા માટે તને આપું? ઘાંચીએ કહ્યું કે ભાઈ એ મારી મહેનતની કમાણી છે ને તું ન આપે તો કેમ ચાલે? ઘાંચીની વાત સાંભળી કસાઈએ ખીજાઈને કહ્યું કે તારી મહેનતની કમાણી છે તો મારીયે મહેનતની જ કમાણી છે. આમ પરસ્પર બંને તે કોથળી માટે લડવા લાગ્યાં. આખરે આ ઝગડો અકબર બાદશાહ પાસે દરબારમાં પહોંચ્યો. ત્યારે અકબર બાદશાહે બિરબલને કહ્યું કે તું આમનો ન્યાય કર આ કોથળી બેય જણાની તો હોય ન શકે. ત્યારે બિરબલે બંનેને કહ્યું કે હું વારાફરતી બંને ને બોલાવી પછી ન્યાય કરીશ. ત્યારપછી બિરબલે પહેલા એ કોથળી હાથમાં લીધી અને એકાંતમાં જઈ તેની મહોરો ગણી. ત્યાર પછી તેમણે સૌપ્રથમ ઘાંચીને એકાંતમાં બોલાવીને પુછ્યું કે તારી કોથળીમાં કેટલી મહોરો હતી? તો ઘાંચીએ કહે હુઝૂર મારી કોથળીમાં ૧૫ મહોરો હતી. ત્યારપછી બિરબલે કસાઈને આજ સવાલ પૂછ્યો ત્યારે તેણે પણ ૧૫ જ મોહોરો કહી આ સાંભળી બિરબલ થોડો વિચારમાં પડી ગયો. પછી તેણે કોથળીઑમાંથી મહોરો કાઢીને જોઈ તો મહોરો પર થોડું લોહી લાગેલું હતું ને મહોરો ચીકણી હતી. આ જોઈ બિરબલે બાદશાહને કહ્યું કે મારે એક પાણીથી ભરેલ એક વાસણ જોઈએ છે. તરત જ બાદશાહે તે પાણીથી ભરેલ વાસણ મંગાવ્યું. બિરબલે તે બધાં જ મહોરો સહિતની કોથળી પાણીનાં વાસણમાં નાખી દીધી તે જોઈ અકબર બાદશાહે પૂછ્યું કે બિરબલ તે આમ કેમ કર્યું? ત્યારે બિરબલ કહે કે આ મહોરોમાંથી માંસની વાસ આવે છે, તે સાંભળીને અકબર બાદશાહ ફટ કરતાં બોલી ઉઠ્યા કે તો, તો આ મહોરો કસાઈની જ છે. આ સાંભળી બિરબલે કહ્યું જહાંપનાહ ઉતાવળ ન કરો મને શાંતિથી જોવા દો. પછી બિરબલે થોડીવાર પછી પાણીની અંદર જોયે રાખ્યું પછી કહે કે જહાંપનાહ આ મહોરો ઘાંચીની છે. ત્યારે અકબર બાદશાહ આશ્ચર્યચક્તિ થઈ ગયાં તેમણે બિરબલને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? ત્યારે બિરબલે કહ્યું જહાંપનાહ આ કોથળીમાં કેટલી મહોરો હતી તેનો જવાબ આ બંને એ સાચો આપેલ. બીજી વાત એ કે જ્યારે આ મહોરો મે હાથમાં લીધેલ ત્યારે તે ચીકણી ને લાલ લાગેલ કારણ કે છેલ્લે આ મહોરો કસાઈના હાથમાં હતી તેથી કસાઈના હાથની સુગંધ આવ્યા વગર રહે જ નહીં, વળી ચીકણી પણ હતી એટલે કે લોહી પણ જ્યારે સુકાવા લાગે તો થોડું ચીકાશ પડતું જ થઈ જાય છે તેથી હું ચોક્કસ ન હતો પણ પાણીમાં મહોરો નાખી તે સાથે જ સિક્કાની ઉપર ચોંટેલ તેલ પાણીમાં પ્રસરાઈ ગયું. અર્થાત આ મહોરોના મૂળ માલિક ઘાંચીની છે પણ કસાઈએ આ મહોરો ભરેલ કોથળી જોઈ હાથમાં લીધી, તેમાંથી મહોરો કાઢી ગણી તેથી મહોરો ઉપર કસાઈનો રંગ લાગી ગયો. પછી બિરબલે કસાઈને પૂછ્યું કેમ બરાબર ને? બિરબલનો સવાલ સાંભળીને કસાઈનો ચહેરો કાળો પડી ગયો તેણે બિરબલની માફી માંગી કહ્યું કે આ મહોરો ભરેલી કોથળી જોઈ તે લાલચમાં આવી ગયો હતો. બિરબલે તેણે માફી આપતા કહ્યું કે ભાઈ, લાલચ એ બૂરી બલા છે માટે તેનાથી દૂર રહી ઈમાનદારીથી રોટી મેળવીએ તેમાં જ વધુ સંતોષને આનંદ મળે છે અને આજ સંતોષ ને આનંદ જ જીવનની સાચી મહોર ગણાય છે ભાઈ, માટે આવું કાર્ય ફરીથી ક્યારેય ન કરતો. બિરબલજીની સલાહ સાંભળી કસાઈએ અને ઘાંચીએ બંનેએ બિરબલનો આભાર માન્યો અને દરબારમાંથી નીકળી ગયાં, ત્યારે અકબર બાદશાહ બિરબલજીની બુધ્ધિને સલામ કરી રહ્યા હતાં.

પૂર્વી મોદી મલકાણ યુ. એસ એ.
purvimalkan@yahoo.com

શ્રી યમુનાજી શ્યામ સલોનાં અને રાધા ગોરી કેમ?

શ્રી ઠાકોરજીની જેમ શ્રી યમુનાજી પણ “શ્યામ સલોનાં મેઘશ્યામ” છે તેથી એક દિવસ શ્રી રાધાજીએ શ્રી ઠાકુરજીને કહ્યું કે પ્રભુ શ્રી યમુનાજી તો મારા પ્રિય સખી છે પણ તેમનો વર્ણ આપે આપ જેવો કરીને તેમને આપનાં દલમાં ખેંચી લીધાં છે, તેથી હું તેમના વગર શું કરીશ? આ સાંભળી શ્રી ઠાકુરજી કહે અહીં ગોલોક ધામમાં ભલે શ્રી યમુનાજીને મારો વર્ણ હોય પણ તેઓ જ્યારે વ્રજમાં બિરાજશે ત્યારે તેઓ આપના દલમાં રહેશે આ સાંભળી શ્રી સ્વામિનીજીને અત્યંત પ્રસન્નતા થઇ.

વ્રજમાં જ્યારે શ્રી રાધાજી શ્રી યમુનાજીને મળ્યાં ત્યારે તેમનાં આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે પ્રભુને ફરીયાદ કરી કે શ્રી યમુનાજી વ્રજમાં તો પધાર્યા છે પરંતુ વ્રજ આવીને પણ શ્રીયમુનાજી તો આપનાં દલમાં જ છે અરે એટલું જ નહી પણ તેઓએ પોતાનો વર્ણ પણ આપનાં જેવો જ ધારણ કરી રાખ્યો છે. આ સાંભળીને શ્રી ઠાકુરજીને પણ આશ્ચર્ય થયું તેમણે સ્વામિની શ્રી રાધાજીને કહ્યું ચાલો પ્રિયે આપણે શ્રી યમુનાજીને જ પુછીયે કે શા માટે વ્રજમાં આવીને તેમણે મારા જેવો વર્ણ ધારણ કરેલો છે.

શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજી બન્ને શ્રી યમુનાજીની પાસે આવ્યાં અને તેમણે શ્રી સુર્યસુતાને પુછયું કે વ્રજમાં બિરાજમાન થઇને પણ આપે શા માટે શ્રી ઠાકોરજીના વર્ણને ધારણ કર્યો છે.? અરે ગોલોક ધામમાં નક્કી થયુ હતું ને કે વ્રજમાં પધારીને તેઓ શ્રી ઠાકોરજીનાં દલમાં નહીં પણ શ્રી રાધાજીનાં દલમાં બિરાજશે પરંતુ એમ શા માટે નથી થયું???

આ સાંભળી શ્રી ભાનુસુતા કહે કે રાધેરાણી હું શું કરું આપનાં આ “શામળીયાના સંગે રહીને તો હું પણ શામળી થઇ ગઇ.”કદાચ તારા બરસાને જો હું આવી હોત તો તમારા સંગે રહીને હું પણ ગોરી યમુના થાત, પણ હું વ્રજમાં જ્યારે આવી ત્યારે મને સ્થાન મળ્યું તારા બરસાના ને બદલે શ્રી ગોકુલનું જે આપણા શ્રી ઠાકોરજીનું ગામ છે. હું વ્રજમાં આવી જ હતી ગોરી થઇને આપનાં દલમાં શામિલ થવા માટે પણ આપણા પ્રભુ શામળીયાજીના તો એટલાં તોફાનોને કારણે માતા યશોદા તેમને વારંવાર મારા જલપ્રવાહમાં નવડાવે છે અને શ્રી શામળીયાજીના વારંવાર મારા જલમાં સ્નાન કરવાથી તેમનો શ્યામવર્ણ મારા જલમાં આવી જાય છે માટે હું પણ તેમના જેવી શામળી થઇ, હવે આપશ્રી જ શામળીયાજીને પૂછો કે તેઓ આટલાં શ્યામ શા માટે થયાં.

શ્રી યમુનાજીનાં વચનો સાંભળીને શ્રી રાધેરાણીએ શ્રી ઠાકોરજીને પુછ્યું કે પ્રભુ આપ શામળીયા શાં માટે થયાં?

આ સાંભળી શ્રી ઠાકોરજી કહે પ્રિય રાધેરાણી હું તો આપની મીનાક્ષી (મીન=માછલી જેવી ભોળી અને સુંદર, અક્ષી= આંખ) શી આંખોનું કાજળ થઇ આપનાં ગૌરવર્ણની નજર ઉતારવાં માંગતો હતો તેથી શામળો થયો, ને વળી વિચારો કે જો શ્રી યમુનાજી પણ આપના જેવા ગૌર વર્ણના થયા હોત તો આપનું મૂલ્ય કોણ પૂછત? આથી આપનું મૂલ્ય વધારવા માટે હું અને શ્રી યમુને બન્ને શ્યામવર્ણનાં થયાં ને આપ બન્યાં ગૌર, ગોરી શી રાધેરાણી, ને રહી દલમાં રહેવાની વાત તો શ્રી યમુનાજી આપણાં બન્નેના દલનાં છે કારણ કે તેઓ આપણાં બન્નેની સખી છે. આ સાંભળી શ્રી રાધેરાણીના મુખારવિંદ પર ખિલેલા કમળો શું હાસ્ય વ્યાપી ગયું.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.////ISBN-13: 978-1500299903

વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત ૨૦૧૨