Monthly Archives: મે 2014

ગંગા દશહરા.

અનેક સંતોનો સંગ, પવિત્ર પાવન તટ્ટ, ભક્તિની અવિરત રસધારાનો જ્યાં મહાસંગમ થઈ રહ્યો છે તે સ્થળ ગંગાજીનો તટ્ટપ્રદેશ છે. આધિદૈવીક તીર્થદેવી ગંગા, મોક્ષદાયિની ગંગા, માતા ગંગાએ આ દિવસે પૃથ્વી પર અવતરણ કર્યુ હોવાથી આ દિવસ ગંગાદશહરા તરીકે ઓળખાય છે. પૃથ્વી પર આવેલ આધિદૈવીક ગંગાજી આધિભૌતિક રીતે હિમાલયની ગંગોત્રીમાંથી પ્રગટ થયા, પછી તેઓ હિમાલયની ઘાટીઓમાંથી કલ કલ નિનાદ કરી નીચે ઉતરીને મેદાની પ્રદેશોમાંથી ભારતની ભૂમિ પર વહી ભારતવર્ષની ભૂમિને પાવન કરી છે. ગંગાદશહરાનો આ પવિત્ર દિવસ હિન્દુ શાસ્ત્રોમાં મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભાગવત્જીમાં કથા છે કે એક સમયે મહારાજ સગરે યજ્ઞ કર્યો. ત્યારે આ યજ્ઞનો ભાર તેમના પૌત્ર અંશુમાને ઉપાડયો. દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે મહારાજ સગર આ યજ્ઞ પછી પોતાના ઇન્દ્રાસન ઉપર બેસી જશે. આથી ઇન્દ્રએ મહારાજ સગરનો યજ્ઞ પૂર્ણ ન થાય તે હેતુથી યજ્ઞના અશ્વનું અપહરણ કરી લીધો અને પાતાળ લોકમાં જઇ કપિલ મહર્ષિ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં જઇને બાંધી દીધો. અશ્વનું અપહરણ થતાં મહારાજ સગરના સો પુત્ર આ અશ્વ શોધવા માટે નીકળ્યાં. તેઓ આખા ભૂમંડલમાં ફર્યા પણ અશ્વ ન મળ્યો. આખરે તેઓ શોધતા શોધતા પાતાળ લોકમાં કપિલ મુનીના આશ્રમે પહોંચ્યા ત્યાં આ અશ્વને બંધાયેલો અને કપિલ મુનિને ધ્યાનસ્થ બનેલા જોયા. સગરપુત્રોને લાગ્યું કે કપિલમુનિએ જ યજ્ઞના અશ્વને બાંધી દીધો છે આથી તેઓ કપિલ મુનિને ચોર સમજીને તેમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યાં. તપમાં પડતાં વિઘ્ન ને કારણે કપિલ મુનિની તપશ્ચર્યા તૂટી ગઈ આથી તેમણે ક્રોધિત ભર્યા નેત્રથી સગરપુત્રોની સામે જોયું. કપિલમુનિના અગ્નિ ઝરતાં નેત્રોમાંથી નીકળતી જ્વાળાને કારણે સગરપુત્રો ત્યાં જ બળીને ભસ્મ થયાં. જ્યારે સગર રાજાને ખબર પડી ત્યારે તેમણે પોતાના પૌત્ર અંશુમાનને ગાદી સોંપી પોતે પુત્રોની મુક્તિ માટે માતા ગંગાજીને વિનંતી કરવા તપશ્ચર્યા કરવા ગયાં. મહારાજ સગર પછી અંશુમાન ત્યાર પછી તેમના પુત્ર દિલીપ અને ત્યાર પછી મહારાજ ભગીરથે પોતાના પિતૃઓના ઉધ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો. આખરે મહારાજ ભગીરથ માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરવવામાં સફળ થયાં તેથી ગંગાજી “ભાગીરથી”ને નામે પ્રખ્યાત થયાં. પુરાણમાં કહે છે કે ભગીરથરાજાના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ કહ્યું હે રાજન આપ ગંગાનું અવતરણ પૃથ્વી પર ચાહો છો પરંતુ ગંગાનો વેગ અતિ વિશાળ છે તેથી ગંગાજીના વેગને ખાળવા માટે ભગવાન શિવને અનુગ્રહ કરવા વિનંતી કરો. બ્રહ્માજીની વાત સાંભળીને રાજા ભાગીરથે ભગવાન શિવની અનુકૃપા પ્રાપ્ત કરી. જ્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને ધારાઓ રૂપે વહાવ્યા ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લઈ પોતે “ગંગાધરણ” બન્યાં. ગંગાજીને ભગવાન શિવની જટામાં સમાયેલા જોઈ રાજા ભગીરથે ફરી ભગવાન શિવની તપશ્ચર્યા કરી અને દેવી ગંગાને મુક્ત કરવા વિનંતી કરી. મહારાજ ભગીરથની વિનંતીથી પ્રસન્ન થયેલા ભગવાન શિવે કહ્યું ગંગાજીને હું મુક્ત કર્યા. શાસ્ત્રો કહે છે કે ભગવાન શિવજીની જટામાંથી પડતાં ગંગાજી એ જ્ઞાનપ્રવાહનું સ્વરૂપ છે. ગંગાજી વિષે બીજી માન્યતા એ રહેલી છે કે જ્યારે ભગવાન શિવે કહ્યું કે ગંગાજીનો પ્રવાહ હજુ પણ પ્રબળ છે માટે આપ ભગવાન વિષ્ણુને અનુગ્રહ કરવા વિનંતી કરો. રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની તપશ્ચર્યા કરી ભગવાન વિષ્ણુએ ભગીરથ રાજાની વિનંતી સ્વીકારી ગંગાજીના પ્રબળ પ્રવાહને શાંત કરવા વચન આપ્યું. જ્યારે ભગવાન શિવે ગંગાજીને જટામાંથી મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પોતાની જંઘામાં સમાવી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે ગંગાજીને મુક્ત કર્યા હોય ગંગાજીનું નામ “જાહ્નવી” પડ્યું. અમુક વિદ્વાનોનું માનવું છે કે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર વેગથી ઉતર્યા ત્યારે જાહુ નામના ઋષિનો આશ્રમ નષ્ટ થઈ ગયો જેને કારણે ઋષિ ખૂબ ક્રોધે ભરાઇ ગંગાજીના જળને પોતાના ઉદરમાં સમાવી લીધાં. ગંગાજીને આ રીતે જાહુ મુનિના ઉદરમાં સમાયેલ જોઇ રાજા ભગીરથે જાહુ મુનિને સંસારની શુભતા માટે પ્રાથના કરી. ભગીરથની પ્રાર્થનાથી મહર્ષિ જાહુ ઋષિએ કાનમાંથી ગંગાનો પ્રવાહ વહેતો કર્યો. આમ ગંગાજી જાહુની જાહ્નવી નામે પણ ઓળખાય છે. ગંગાજીએ પૃથ્વી પર અવતરિત થયા પછી મહારાજ ભગીરથની પાછળ પાછળ કપિલમુનિના આશ્રમે આવીને ભગીરથ રાજાના પિતૃઓનો ઉધ્ધાર કર્યો.આ રીતે અનેક વર્ષો સુધીના કર્મયોગ પછી ભગીરથ રાજાએ જેમ ભાગીરથીને સંસારને માટે મેળવી છે તેમ ભાગીરથી પણ સંસારને અવિરત કર્મનો ઉદ્દેશ આપીને સમુદ્રમાં નામશેષ બનીને મળી જાય છે. ગંગાજીનું આ રીતે સાગરમાં મળી જવું તે એ સમર્પણનું પ્રતિક માનવામાં આવ્યું છે. નદીઓની આ જ સમર્પણની ભાવનાને જોઈને સંસારે માનવજીવનને કહ્યું કે હું, તારું, મારું વગેરેને મટાડીને આપણું જ્યારે બનશે ત્યારે સંસારના સમાજમાં ઐક્યતા આવશે. શિવપુરાણમાં કહ્યું છે કે જે જીવ ગંગાના નીરમાં ભાવનાપૂર્વક સ્નાન-પાન કરે છે તે જીવના સમસ્ત પાપોનો નાશ થાય છે, અને તે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ લેતો નથી. જે જીવો ફરી માતૃગર્ભમાં જન્મ ધારણ નથી કરતાં તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે. આથી જ જયાંથી ગંગાજી વહેતા તેવા તીર્થોને પાવન ગણવામાં આવે છે અને ગંગાજીને કિનારે જ્યાં શિવનું મંદિર હોય તેવા તીર્થોને મોક્ષસ્થાન માનવામાં આવ્યા છે. આવા મોક્ષસ્થળોમાં સૌથી વધુ કાશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વધુ થયેલો જોવા મળે છે. આથી પુરાતનકાળમાં કાશીનું મરણ અતિ પ્રખ્યાત હતું. આપણે ત્યાં મૃત થયેલ દેહમાં કે મૃત્યુની સમીપ પહોંચેલા જીવોના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે છે જેથી તે જીવનો મોક્ષ થાય અને તે જીવ જન્મમરણના ફેરાઓમાંથી મુક્ત થઈ જાય .

ગર્ગ સંહિતા અને સ્કંદપુરાણ અનુસાર ગંગાદશહરાનો દિવસ સવંત્સરમુખી કહેવાય છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં આખા વર્ષ દરમ્યાન ત્રણ દશેરા મનાવવામાં આવે છે. ચૈત્ર સુદની દશેરા જે કુમારિકા ગોપીજનોના ભાવથી મનાવવામાં આવે છે, જયેષ્ઠ સુદની દશેરા તે યમુનાજીના ભાવથી મનાવવામાં આવે છે અને અશ્વિન સુંદની દશેરાને ઋષિરૂપા ગોપીજનો દ્વારા મનાવવામાં આવે છે.  પુરાણો અનુસાર આ દિવસે શિવ મંદિરોમાં અભિષેક અને ગંગાજીનું પૂજન કરવામાં આવે છે અને ગંગાસ્નાન અને દાન-પુણ્યનો કરવામાં આવે છે.  આ દિવસે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનના પાપો અને ચાર વાણીના એમ દશ પાપો હરાતા (દૂર) થતા હોવાથી આ દિવસ દશહરા તરીકે ઓળખાય છે. હરિદ્વારના વિદ્વાનો કહે છે કે તીર્થ ગંગા, માતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી માનવોના મન, બુધ્ધિ અને તન એમ ત્રણેયની શુધ્ધિ થાય છે. કારણ કે ગંગા તટે જ્યારે માનવ આવે છે ત્યારે ગંગાજીના જળમાં સ્નાન કરવાથી તન શુધ્ધ થાય છે, અહી તેમને અનેક સંતોનો સંગ મળે છે જેને કારણે તેમને નિરંતર સ્વાધ્યાય મળે છે. આ સ્વાધ્યાય તે બુધ્ધિની શુધ્ધિ માટે અનિવાર્ય છે, સંતોના સંગે રહેવાથી અને રોજ નિરંતર સ્વાધ્યાય કરવાથી માનવોનું મન જેમ શુધ્ધ થતું જાય છે તેમ માનવોમાં ભક્તિ આવતી જાય છે, કારણ કે ભક્તિ એ મનની શુધ્ધતાનું પ્રતિક છે. ગંગાજીનો મહિમા સ્કંદપુરાણ સિવાય શિવપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મપુરાણ, ભવિષ્યપુરાણ, ઉપનિષદ, સંહિતા, વેદોમાં અને નાથ સંપ્રદાયમાં પણ ગાવામાં આવ્યો છે. નાથસંપ્રદાયમાં ભર્તુહરિ કહે છે કે વિવેકી જીવો જો ગંગાના કિનારે નિવાસ કરી, ગંગાજળનું પાન કરે, તેમજ ગંગાજળ-મૂળથી પોતાની વ્યાવૃતિ કરે છે તે જીવોના અંતરમનમાંથી અહંતા મમતા છૂટી જાય છે. સંસ્કૃત વાંડ્મયમાં ગંગાજીની વ્યાખ્યા કરતાં કહે છે કે પવિત્ર અને પાવન એવી ગંગાનું સ્મરણ એ જીવોને ભગવદ્ પદની પ્રાપ્તિ કરાવે છે.

આધિ દૈવીક તીર્થરૂપા ગંગાજી ભલે શિવજીની જટાને પોતાનું મુખ્ય સ્થાન બનાવ્યું હોય પણ તેમના આધિભૌતિક સ્વરૂપે તેઓએ હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનું સાથે વિવાહ કર્યા અને તેજમૂર્તિ તત્વજ્ઞ એવા દેવવ્રત નામના પુત્રની ભેંટ સંસારને આપી. તે પુત્ર મહારાજ ભીષ્મને નામે ઈતિહાસમાં પ્રસિધ્ધ થયો. ગંગાજીનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ગંગોત્રી નામના ગ્લેશિયરમાં આવેલ છે. દેવપ્રયાગ નજીક ભાગીરથી અલકનંદા અને મંદાકિની મળે છે. આ બંને નદીઑના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગૌમુખ પહેલાનો પ્રવાહ તે ગુપ્ત ગંગાને નામે ગંગોત્રી ઉપર રહેલો છે પણ આજ પ્રવાહ તે ગૌમુખ નામના સ્થાનથી પ્રગટ રૂપથી દેખાય છે. તેથી ગૌમુખ ઉપર ગંગાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના ૧૯મી સદીની શરૂઆતમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ કરેલી હતી. પરંતુ સમય અનુસાર આ મંદિરને જ્યારે જીર્ણોધ્ધારની જરૂર પડી ત્યારે (વર્તમાન સમયમાં)આ મંદિર જયપુરના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ હતું તેવી માન્યતા રહેલી છે. ગૌમુખ પર રહેલ આ મંદિરમાં માતા ગંગા અને આદ્યગુરુ શંકરાચાર્યની મૂર્તિ રહેલી છે. આ મંદિરની પાસે એક વિશાળ શિલા રહેલી છે. લોકમાન્યતા છે કે આ શિલા ઉપર બેસીને મહારાજ ભગીરથે પોતાની તપશ્ચર્યા કરેલી હતી. જ્યારે બીજી માન્યતા અનુસાર આ સ્થળ ઉપર પાંડવોએ પોતાનો છેલ્લો દેવ યજ્ઞ કર્યો હતો. ગૌમુખ ખાતે રહેલું આ મંદિર અક્ષયતૃતીયાને દિવસે ખૂલે છે અને દિવાળીને દિવસે બંધ થઈ જાય છે. મંદિર બંધ થયા બાદ માતા ગંગાની પ્રતિમાને ગામમાં પરત લાવવામાં આવે છે અહીં આ પ્રતિમા આખો શિયાળો (લગભગ ૬ માસ )રહે છે. શિયાળો પૂરો થતાં પ્રતિમાને ફરી મંદિરમાં લાવી તેની પુનઃસ્થાપના કરાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૪

અદ્ભૂત અને અદ્વિતીય ભારત–ભાગ 4

રાષ્ટ્ર ચિન્હ અને રાષ્ટ્રીય ધ્વજ :- ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ માં જ્યારે ભારત ગણતંત્ર બન્યું ત્યારે ભારતના સંવિધાનમાં સારનાથ સ્થિત સમ્રાટ અશોકના સિંહશીર્ષને રાષ્ટ્રીય ચિન્હના રૂપમાં સ્વીકારવામાં આવ્યું. ભારતના આ રાષ્ટ્રીય ચિન્હ પર ગોળાકાર શીર્ષ ઉપર એકબીજાની આગળપાછળ ચાર સિંહ બેસેલા છે. આ ચિન્હની વચ્ચે ચક્રાકારમાં ૨૪ આરાઓ યુક્ત એક પહિયું (વ્હિલ) છે આ ચિન્હની નીચે દેવનાગરી લિપિ અર્થાત સંસ્કૃતમાં “સત્યમેવ જયતે” અર્થાત “સત્યનો હંમેશા જય થાય છે” એમ લખેલ છે. ચક્ર જમણી બાજુ આખલો (જે ખેતી માટેના બળદનું સ્વરૂપ)અને ડાબી બાજુ ઘોડા (ઘોડો એ ઝડપ એટ્લે કે સ્પીડનું પ્રતિક છે. અર્થાત આપણો દેશ એ ખેતી પ્રધાન હોવા છતાં ઝડપથી પ્રગતિને માર્ગે આગળ વધી રહ્યો છે.) સાથે પૃષ્ઠભાગના કેન્દ્રમાંની ઉપસી આવેલી આકૃતિમાં દેખાય છે. રાષ્ટ્રીયધ્વજના પ્રદર્શનને પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગનો અટકાવ) કાયદોનો (1950 ક્ર.12) અને રાષ્ટ્રીય કાયદાના (1971 ક્ર.69) અનાદરને અટકાવવા માટેની જોગવાઈઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો છે. ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 એ તમામ સંબંધિત વ્યક્તિઓના માર્ગદર્શન અને લાભ માટે આવા પ્રકારના તમામ કાયદાઓ, પ્રણાલિકાઓ, આચરણો અને દિશા સૂચનોને એકત્ર લાવવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રીય ધ્વજની રચના 22મી જુલાઈ 1947ના રોજ ભારતીય સંવિધાન સભા દ્વારા સ્વીકૃત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ધ્વજ એ આડા ત્રણ રંગોનો બનેલો છે જેમાં સમાન ગુણોત્તરમાં સૌથી ઉપર કેસરી રંગ, વચ્ચે શ્વેત રંગ અને નીચે લીલો રંગ છે. જેમાં કેસરી રંગ એ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે, શ્વેત રંગ એ સત્ય અને પ્રકાશનું પ્રતીક છે, અને લીલો રંગ એ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. પહોળા પટ્ટાના કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનું ચક્ર છે જે ધર્મ અને ગતિશીલતાનું પ્રતીક છે. આ ચક્રની રચના અશોકના સ્તંભ સરનાથ સિંહના પૃષ્ઠભાગ પર દેખાતી હતી તેવી છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ હાથવણાટના ખાદીમાંથી બનાવવામાં આવે છે. આ ધ્વજના પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા બનાવવામાં આવેલી છે જેનું પ્રત્યેક ભારતીયએ સખતપણે પાલન કરવું જરૂરી  ગણાય છે.

રાષ્ટ્ર ગીત વંદેમાતરમ:- ભારતના રાષ્ટ્ર જીત જન, ગણ, મન થી પણ અધિક પુરાણું ગીત વંદે માતરમ છે. વંદે માતરમ એ ગીત ૧૮૮૨માં  બંગાળી લેખક શ્રી બંકિમચંદ્ર ચેટર્જીએ તેમના ઉપન્યાસ “આનંદમઠ” માં લખેલ હતું. ૧૮૯૬માં ભારતીય કોંગ્રેસના રાજનૈતિક અવસરમાં આ ગીત પહેલીવાર ગાવામાં આવ્યું ત્યારે આ ગીતની સાંગીતિક સ્વરવિધિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કરેલી હતી. ૧૯૦૫માં બંગાળના વિભાજન વિરોધી સભાઓમાં રાષ્ટ્રીય જાગરણના આરંભ ચિન્હ તરીકે આ ગીતને રાખવામા આવ્યું હતું. તેનું કારણ એ હતું કે આ ગીત જ્યારે જ્યારે ગવાતું હતું ત્યારે ત્યારે લોકોમાં દેશપ્રેમ અને દેશ ભક્તિનો ઉમંગ આવતો હતો. ત્યારબાદ એવું થવા લાગ્યું કે દેશની પ્રત્યેક સભાનો પ્રારંભ આ જ ગીતથી થતો હતો.

રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત:- શક સંવત અને વિક્રમ સંવતમાં મુખ્ય વસ્તુ એ છે કે શક સંવતની શરૂઆત વિક્રમ સંવત પછી શરૂઆત થઈ હતી. ઇતિહાસ કહે છે કે ઉજ્જૈની નરેશ વિક્રમાદિત્યએ ઈરાન તરફથી આવેલ શક પ્રજાને હરાવી હતી. આ વાતની ખુશીમાં લોકોએ વિક્રમ સંવત ઉજવવાની શરૂઆત કરેલી. ગુજરાત સહિત ભારતના મોટા ભાગના રાજ્યોમા વિક્રમ સંવતને જ અનુસરવામાં આવે છે પણ તેમ છતાં પણ આપણી સરકારે  વિક્રમ સંવતને માન્યતા નથી આપી. વિભાજન પછી રાષ્ટ્રીય ધર્મ કમિટી વિક્રમ સંવતને આધારે હિન્દુ કેલેન્ડર બનાવવા માંગતી હતી પરંતુ વિભાજન પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને લાગ્યું કે રાષ્ટ્રીય કેલેન્ડર બનાવવામાં હિન્દુ માન્યતાને અનુસરવામાં આવશે તો દેશમાં રહેલા મુસ્લિમો અને ખ્રિસ્તીઑને લાગશે કે આ નવી હિન્દુ સરકાર  હિન્દુઓને પંપાળી રહી છે તેથી તેમણે ખ્રિસ્તીઑ અને મુસ્લિમોને ધ્યાનમાં રાખીને વિક્રમ સંવતને બદલે શક કેલેન્ડરને આધાર બનાવવાનું ફરમાન કર્યું.  (શક સંવતનો પ્રારંભ કનિષ્કના રાજ્યાભિષેક સાથે થયો હતો. ) જ્યારે નહેરુજીએ શક કેલેન્ડર બનાવવા માટે કહ્યું ત્યારે તે કેલેન્ડરમાં હિન્દુ ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. કારણ કે આ કેલેન્ડર મુજબ હિન્દુ પંચાંગ ફરી જતું હતું તેથી તે સમયના લોકોએ આ શક કેલેન્ડરનો વિરોધ કર્યો. ૧૯૫૨માં ભારત સરકાર દ્વારા પ્રો. મેઘનાદ. એન. સાહાની અધ્યક્ષતા નીચે એક કેલેન્ડર સુધાર સમિતિ રચવામાં આવેલી. આ સમિતિ દ્વારા ૧૯૫૬થી શકસંવત માન્ય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમુક બદલાવ સૂચિત કરવામાં આવ્યાં. આ બદલાવ મુજબ શક કેલેંડરમાં હિન્દુ ઉત્સવોને બેસાડવામાં આવ્યાં, જેને સરકારે માન્ય રાખ્યા. આજે આ શક કેલેન્ડર જોઈએ તો તે વિક્રમ સંવત કેલેન્ડરની ચોક્કસ કૃતિ છે. આ શક સંવતની કૃતિનો વિરોધ વારંવાર થતો રહ્યો હતો પરંતુ નહેરુજીએ વિક્રમ સંવત મુજબના હિન્દુ કેલેન્ડર બનાવવાની કે બદલાવવાની ક્યારેય મંજૂરી ન આપી જેને કારણે આજે પણ વિક્રમ સંવત પર આધારિત શક સંવતનું કેલેન્ડર આપણાં હિન્દુ રાષ્ટ્રમાં સમાયેલ છે. આ હિન્દુ કેલેન્ડરનું નિર્માણ સૂર્ય અને ચંદ્રના દિવસો, તિથિઓ, તારાઓ, નક્ષત્રો અને મૂહર્તોંને આધારે થયું છે તેને “પંચાંગ”ને નામે ઓળખવામાં આવે છે. પરંતુ આ હિન્દુ કેલેન્ડર આપણાં ધાર્મિક અને જીવનના નિયમન માટે જ ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી તે વિશ્વના અન્ય કદમ સાથે કદમ મેળવી શકતું નથી. તેથી વિશ્વ સાથે હરણફાળ ભરવાને માટે આપણે  ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ પણ ચાલું રાખ્યો જે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં લઈ આવેલ હતી. આ ગ્રેગોરિયન કેલેન્ડરમાં એક લિપયર આવે છે. સૂરજની આસપાસની એક પ્રદક્ષિણા પુરી કરવામાં પૃથ્વીને અંદાજે ૩૬૫ દિવસ અને ૬ કલાક લાગતા હોય છે. (જ્યારે અલ્ફોનસાઇન ટેબલ્સ મુજબ પૃથ્વી સુર્યની આસપાસ એક ચક્કર પુરું કરવામાં ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૯ મિનિટ અને ૧૬ સેકન્ડ લાગે છે.) દર ચાર વર્ષે સૂર્યની સ્થિતિને જાળવવા માટે એક વધારાનો દિવસ વર્ષમાં ઉમેરવામાં આવે છે જેમાં ૩૬૫ દિવસ ઉપરનાં છ કલાક ગુણ્યા ચાર વર્ષ લેખે એક દિવસ ઉમેરવામાં આવે છે.આ થોડાઘણા ફરકને બરાબર કરવા માટે એ જ વર્ષને લિપ યર બનાવાય છે. ગ્રેગોરિયન કેલેન્ડર ૨૦, ૮૭૧ અઠવાડિયા અને ૯૭ લિપ ડેઝ (૨૯ફેબ્રુઆરીને લિપ ડે કહેવાય છે) પછી ૪૦૦ વર્ષે રિપીટ થાય છે.  લિપયર અને લિપ ડેના વિચારથી લિપ સેકન્ડનો કોનસેપ્ટ જુદો છે જે પૃથ્વીના ફરવાની ઝડપને આધારે અસ્તિત્વમાં આવે છે. હાલમાં ભારત ગ્રેગોરીયન કેલેન્ડર અને પરંપરાગત કેલેન્ડર વચ્ચે  ફસાયેલું છે. કારણ કે આ બબ્બે કેલેન્ડરને કારણે હાલમાં ભારતના વિવિધ પ્રાંતોમાં રજાઓ નિર્ધારિત કરવા માટે ૩૦ જેટલી વિભિન્ન પ્રણાલિકાઑ ઉપયોગમાં લેવામાં આવે છે. 

રાષ્ટ્રીય ખેલ હોકી:- ઇતિહાસ કહે છે કે ભારત તેની સોનેરી ગાથાની શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું હતું.આ સદીના પૂર્વાધમાં વિશ્વકક્ષાએ રમત-ગમત ક્ષેત્રે ભારતની ઓળખ માત્ર હોકી દ્વારા જ થઈ હતી. જેમાં 1928-56 સુધીમાં ભારતીય હોકી ટીમે છ ક્રમિક ઓલિમ્પિક સોનાના ચંદ્રકો જીત્યા  હોવાથી આ સમય ભારતીય હોકીનો સુવર્ણકાળ ગણાયો. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ પ્રખ્યાત કરવામાં ધ્યાનચંદજીનો ફાળો સૌથી મોટો રહ્યો. ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ અલ્હાબાદખાતે એક રાજપૂત પરિવારમાં ધ્યાનચંદજીનો જન્મ થયો હતો અને તેઓ ઝાંસીમાં મોટા થયાં હતાં. ૧૯૩૬માં બર્લિન ખાતે જ્યારે ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો ત્યારે ભારતીય ટીમે ૧૪મી ઓગસ્ટના દિવસે ફાઈનલમાં જર્મનીની ટીમને હરાવી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ટુર્નામેન્ટમાં ભારતે કુલ ૩૮ ગોલ કર્યા હતાં. આ ખેલ દરમ્યાન ભારતે કરેલા ૩૮ ગોલમાં ૧૧ ગોલ ધ્યાનચંદજીએ કરેલા હતાં. ઇતિહાસ કહે છે કે ધ્યાનચંદજીની મેસ્મરાઇઝ કરી દેતી રમત જોઈ હિટલરે ધ્યાનચંદજીને જર્મનીમાં રહી જવા માટે આગ્રહ કરેલો ત્યારે ધ્યાનચંદજીએ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો અને પોતાના દેશનું સ્વમાન જાળવી રાખ્યું. ખેલવિશ્વમાં ભારતનું નામ રોશન કરવા માટે  કેપ્ટન ધ્યાનચંદજીની યાદમાં ભારત સરકારે ૨૯ ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કર્યો. ત્યારથી આ દિવસે ભારત સરકાર વિવિધ રમતવીરોનું બહુમાન કરી તેમને વિવિધ પુરસ્કારોથી પુસ્કરિત કરે છે.

રાષ્ટ્રીય પક્ષી મોર:- ભારતમાં ૨૦૦૦ કરતાં વધારે વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ રહેલી છે. જેમાં સર્વથી સુંદર પક્ષી મોર છે. અનેક શતાબ્દિઓથી પુરાણો, સાહિત્ય, શાસ્ત્રો અને દંતકથાઓમાં જે રીતે મોરની સુંદરતા, લાલિત્ય અને મિત્રતા સુલભ ગુણોનો ઉલ્લેખ કરાયો છે તે જોઈને ૧૯૬૩ માં મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય પશુ વાઘ:- ૧૯૭૨ માં વાઘને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવ્યું. આ શતાબ્દીમાં વાઘની અમૂર, બાલી, બંગાલી, કૈસ્પિયન, ભારતીય, ચીની, જાવાઈ, સુમાત્રાઇ, અને દક્ષિણ ચીની આ આઠ પ્રકારની પ્રજાતિઑ હતી. આ બધી જ પ્રજાતિઓમાં વાઘની સંખ્યા લગભગ ૧,૦૦, ૦૦૦ જેટલી હતી જેમાંથી ૪૦,૦૦૦ જેટલા વાઘ તો કેવળ ભારતમાં હતાં. આ બધી જ પ્રજાતિઓમાંથી હાલમાં બાલી, જાવાઈ અને કૈસ્પિયન પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.

રાષ્ટ્રીય ફૂલ કમળ:- કમળનું વૈજ્ઞાનિક નામ “નેલુમ્બો ન્યુસીપેરા ગેર્ટન્” છે. અંગ્રેજીમાં વોટરલીલી, સંસ્કૃતમાં સરોજિની, હિન્દીમાં કમલ અને ગુજરાતીમાં કમળ તરીકે ઓળખાતા આ પુષ્પનો ઉલ્લેખ ભારતના તમામ શાસ્ત્રોમાં કરાયેલો છે. જીવનના આહ્લાદક પ્રતીક અને જીવન દર્શનના પ્રતીક એવા કમળ પુષ્પનો મહિમા યુગોયુગોથી ગવાયેલો છે. કમળની અર્ધ ખીલેલી કળીઓ, વિશાળ પાંદડાઓ, પૂર્ણ ચક્રાકારમાં ખીલેલું પુષ્પ કવિઓ, નર્તકો, લેખકો, પ્રેમીઓ, અને સંગીતકારોની કલ્પનાને પોતાના વિશ્વમાં લહેરાવા માટે મુક્તદોર આપી દે છે. ભારતમાં મળી આવતા તમામ પુષ્પોમાં કેવળ એક કમળ જ એવું પુષ્પ છે જેનું મૂળ ભારતમાં માનવામાં આવ્યું છે તે પુષ્પને ભારતનું રાષ્ટ્રીય પુષ્પ માનવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય વૃક્ષ વટવૃક્ષ:- અંગ્રેજીમાં બેનિયન ટ્રી, હિન્દીમાં વટવૃક્ષ, સંસ્કૃતમાં અશ્વશ્થ વૃક્ષ અને ગુજરાતીમાં વડ તરીકે ઓળખાતું આ વૃક્ષને હિન્દુ ધર્મનું પવિત્ર વૃક્ષ માનવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર ભગવાન શંકરહંમેશા વડવૃક્ષની નીચે દક્ષિણામૂર્તિ તરીકે,અને મૌન સાધનામાં બિરાજેલા દર્શાવાય છે. હિન્દુધર્મમાં રહેલા ૧૧ કલ્પવૃક્ષમાં એક વડનું વૃક્ષ પણ છે. ભગવાન બુધ્ધને વટવૃક્ષની નીચે જ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી બૌધ્ધ ધર્મમાં પણ વટવૃક્ષને પવિત્ર માનવામાં આવ્યું છે. આ વૃક્ષનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે પણ સાથે સાથે આ વૃક્ષ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની તિરાડોમાં વૃધ્ધિ પામે છે. આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેક તો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મૂળ થડ કયું તે ખબર પડતી નથી. (કબીરવડ પણ આવું જ એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષ જૂનું છે.) વડનાં વૃક્ષ પર લાલ રંગનાં નાનાં નાનાં ફળ (ટેટા) આવે છે. આ ટેટા પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ વૃક્ષ અનંત જીવનનું પ્રતીક હોવાથી તેને ભારતનું “રાષ્ટ્રીય વૃક્ષ” તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા, અને પોતે ધોમધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.

રાષ્ટ્રીય ફળ કેરી:- અંગ્રેજીમાં મેંગો, હિન્દીમાં આમ, સંસ્કૃતમાં આમ્ર અને ગુજરાતીમાં આંબા તરીકે ઓળખાતું આ વૃક્ષ પણ આપણાં ધર્મગ્રંથોમાં રહેલા કલ્પવૃક્ષોમાંનું એક ગણાય છે. કલ્પવૃક્ષ તરીકે ઓળખાતું હોવાથી આ વૃક્ષ પવિત્ર અને પાવન વૃક્ષ માનવામાં આવ્યું છે. આ વૃક્ષના ફળને આપણે કેરી તરીકે ઓળખીએ છીએ. આંબાનું વૈજ્ઞાનિક નામ મેંજીફેરા ઈન્ડીકા છે.આ ફળને આપણું રાષ્ટ્રીય ફળ છે,જે ભારતના લગભગ બધા જ રાજ્યોમાં જોવા મળે છે. એક સર્વેક્ષણ અનુસાર દુનિયાનાં કુલ ઉત્પાદનનાં ૪૦% થી વધુ ઉત્પાદન આપણાં દેશમાં થાય છે. દુનિયામાં જે વિવિધ જાતિની કેરી થાય છે જેમાંથી ૨૩ પ્રકારની કેરીઓ તો કેવળ ભારતમાં જ જોવા મળે છે.

રાષ્ટ્રીય નદી ગંગા:- ગંગાજીનો ઉદ્ભવ હિમાલયના ગંગોત્રીમાંથી થયેલો છે.  ભગીરથ રાજાને કારણે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી તેઓ ભાગીરથીને નામે પ્રચલિત છે.  ગંગા એ ભારતના પર્વતો, ખીણો અને મેદાનોના 2, 510 કિ.મીથી પણ વધારે વિસ્તાર પર વહે છે. આગળ જતાં ભાગીરથી અલકનંદા અને મંદાકિનીને મળે છે (દેવપ્રયાગ પાસે),  આ બંને નદીઑના સંગમ પછી ભાગીરથી ગંગાને નામે ઓળખાય છે.  ઉત્તરપ્રદેશના અલહાબાદ પાસે ગંગાયમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ રચાય છે.  આગળ જતાં ગંગામાં ગોમતી, કોશી વગેરે નદીઓ પણ ભળે છે. ગંગા નદીનો કિનારો એ વિશ્વનો સૌથી ફળદ્રુપ અને ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને 1, 000, 000 ચો.ફૂટના વિસ્તારને આવરે છે. બંગાળની ખાડીમાં સમાતા પૂર્વે ગંગા તેના પ્રવાહને બાંગ્લાદેશના સુંદરવનની પોચી જમીનને ત્રિકોણપ્રદેશમાં ફેલાવે છે.

એક સમયે એવો હતો જ્યારે અખંડભારતમાં બે સંસ્કૃતિ મુખ્ય ગણાતી હતી. ઇતિહાસમાં કહ્યું છે કે હિંદુસ્તાનની વિશાળ ધરતી ઉપર વસેલી પ્રજાએ સમુદ્ર સમાન વિશાળ છે. પરંતુ આ સમયે હિંદુસ્તાન એ હિંદુસ્તાન ને બદલે અજનાભખંડ -અખંડ ભારતને નામે પ્રખ્યાત હતું. પશ્ચિમી અને પર્શિયન લોકોના ભારતમાં આવ્યા બાદ હિંદુસ્તાન નામ અસ્તિત્વમાં આવ્યું. આ વિશાળ મહાસાગર સમા દેશમાં સિંધ સંસ્કૃતિ અને ગંગાની સંસ્કૃતિ વસેલી હતી. જેમાં પૂર્વ તરફ ગંગા નદી પર વિસ્તરેલી ગંગેઝની સંસ્કૃતિ અને પશ્ચિમ તરફ સિંધુ નદી ઉપર વિસ્તરેલી સિંધ સંસ્કૃતિ તરીકે ઓળખાતી હતી.  ૧૭ મી સદીમાં આવેલ ભૂકંપમાં આ વિશાળ દેશની બે સંસ્કૃતિઓની દિશા બદલાઈ ગઈ. આ ભૂકંપમાં સિંધ નદી પૂર્ણ રીતે પશ્ચિમ તરફ ચાલી ગઈ. મારી પાકિસ્તાનની ટૂર દરમ્યાન પાકિસ્તાનનો ઇતિહાસ વાંચવામાં આવેલો. તેમાં જણાવવામાં આવેલું કે વિભાજન પહેલા આ બંને સંસ્કૃતિઓ એક જ દેશના (અખંડ ભારત) બે ભાગ રૂપ ગણાતા હતાં પરંતુ વિભાજન પછી પાકિસ્તાનનું નિર્માણ થયું. આ નવા પાકિસ્તાનની સંસ્કૃતિ તે સિંધ સંસ્કૃતિમાં સમાઈ ગઈ. વિખ્યાત ઇતિહાસકાર એરિક ફારેનનું કહેવું છે કે ગંગા એ ભલે પૂર્વમાંથી વહેતી હોય પણ તેમ છતાંયે આખોયે હિંદુસ્તાન દેશએ ગંગા અને ગંગેઝની સંસ્કૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિનું મૂળ છે.  

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ 

purvimalkan@yahoo.com

પનઘટનો રસમય મનોરથ

પનઘટનો રસમય મનોરથ

યમુનાજીના પનઘટના પાણી વ્રજસમીર સાથે તરંગો લઈ ઉછાળા મારી રહ્યા છે, અસંખ્ય કમળ ખિલીને પનઘટના હાસ્યમાં વધારો કરી રહ્યા છે, અનેક ભ્રમરો અને મધુપો (મધમાખી) ગુંજાર કરી પનઘટ પર સંગીતના મીઠા સૂર વહાવી રહ્યા છે. પનઘટ પાસે સર્વે પ્રકૃતિ કોઈ ને કોઈ સ્વરૂપે ખીલી રહી છે પરંતુ પનઘટના પગથિયાં તો રાહ જોઈ રહ્યા છે કજિયાળા કાજળવાળી, કસુંબલ ચુનરીવાળી, ખણ ખણ કંકણ ખનકાવી રહેલી ગોપીઓની, ઝણ ઝણ ઘૂઘરીઓ ઘમકાવી રહેલી વ્રજનારીઑની, લળી લળીને મીઠું મધુરું હાસ્ય રેલાવી રહેલી અને અરસપરસ ઠિઠોલી કરી રહેલી સખીઓની, ગોકુલની ચોર મંડળીથી પોતાની જાતને અને ઈંઢોણી પર મૂકેલી મટુકીઑ, ગાગરો અને ઘડાને બચાવીને ઠુમક ઠુમક ચાલે ટોળે મળીને પનઘટ પાસે પાણી ભરવા આવી રહેલી વ્રજાંગનાઓની, કારણ કે જગતનો નિયમ છે કે એક હાથે લેવું અને બીજા હાથે દેવું આ નિયમને ધ્યાનમાં રાખતા પનઘટ ગોપીઓને પોતાના જલ રૂપી રસનું દાન આપે છે અને વ્રજાંગનાઑ, વ્રજબાળાઑ, વ્રજનારીઓ, સખીઓ, તથા ગોપીઓ પાસેથી પોતે વ્રજચંદ્ર કનૈયાની અલકમલકની વાતો, યાદો અને સંકેતમાં થતી સંજ્ઞાઓનું રસપાન કરી રહ્યો છે, વળી ગોકુલની ચોર મંડળીની ફરિયાદો, સખીઓ સંગેની છેડછાડ, કજિયાળા કાજળ વચ્ચે છુપાયેલા શ્યામ સુંદરના ગુણગાનની અનેક કથાઓ રૂપી સુધા પિયુષનું દાન લઈ પનઘટ પોતે પણ પોતાની પિપાસા (તરસ) બુઝાવે છે. વ્રજની આ ગોપીઓ ફક્ત જલ રૂપી રસ નથી ભરતી બલ્કે પોતાના હૃદયમાં છુપાયેલો વ્રજ ચંદ ચકોરરૂપી રસને ઠાલવવા માટે પણ પનઘટ પાસે આવે છે અને એમની એ વાતરસના માધુર્યથી પનઘટમાં રહેલા કમળ અને કુમુદિનીઑને નવજીવન મળતા તેઓ પણ ખિલી ઊઠે છે. કમળ અને કુમુદિનીના ખિલેલા હૃદયની મહેંકથી આકર્ષાઈ અનેક ભ્રમરો અને કિટકો ત્યાં ખેંચાઇ આવે છે આમ તેઓને પણ શ્રી કૃષ્ણરૂપી રસનું દાન મળે છે, ભ્રમરો અને કિટકો સાથે રમવા માટે સુમધુરું ગાઈ રહેલા અનેક પક્ષીઓ ત્યાં આવે છે, પક્ષીઓ આવતા જ વૃક્ષો વિચારે છે કે અમે પણ કેમ પાછળ રહી જઈએ? આથી તેઓ પણ પોતાના બીજ રૂપી સંતાનનું ઘડતર પનઘટના કાંઠે કરે છે અને પંખીઓની બોલી, પનઘટની ગોદમાંથી આવી રહેલું જલ તત્વ, ગોપીઓને સ્પર્શ કરીને આવતા વ્રજ સમીર પાસેથી શ્રી ઠાકુરજીના ચરણોની રજરૂપી આશીર્વાદ લઈ પોતે પણ એવી રીતે ફૂલેફાલે છે કે જેથી એક દિવસ નંદનંદન રાધા સંગે તેમની ડાળીઓની શાખાએ ઝૂલી શકે, યશોદાનંદનની ટોળી પોતાના પાલવ રૂપી થડની પાછળ છુપાઇ શકે, ગોપીઓ સહિત ગિરિધારી ક્યારેક પોતાની છાયા તલે દાણલીલા કરી શકે, ક્યારેક રાધા, વિશાખા કે લલિતા સાથે નંદનંદન ઠિઠોલી રસની લ્હાણી કરી શકે. આમ વ્રજની સમગ્ર પ્રકૃતિની મનોભાવનાનો સાક્ષી શ્રી યમુનાજીનો પનઘટ છે. ગોપીઓએ આપેલા શ્રી કૃષ્ણ રૂપી રસદાનથી પનઘટની આ સૃષ્ટિ ચાલે છે. આમ વૈષ્ણવો આપણને પનઘટના મનોરથના દર્શન દરમ્યાન પનઘટની સૃષ્ટિના સાક્ષી બનવાનો મોકો મળે છે અને તે રીતે વ્રજની વ્રજલીલામાં ગોપીભાવે નાચવાનો અને પનઘટ ભાવે રસ લઈ રસ વહેંચવાનો પણ આનંદ પણ મળી જાય છે. 

 – પૂર્વી મોદી મલકાણ-યુ એસ એ.

purvimalkan@yahoo.com

 

ઇતિહાસની પ્રસિધ્ધ નર્તકી આમ્રપાલી

ચીની યાત્રી ફાહ્યાન અને હ્વયુ એન સાંગ દ્વારા લેખિત દસ્તાવેજોમાં કહ્યું છે કે ભારતીય કામશાસ્ત્રમાં પ્રવીણ એવી આમ્રપાલી અને વસંતસેના એ બે ગણિકાઓ છે. જેમાં આમ્રપાલી તે વૈશાલીની હતી અને વસંતસેના તે ઉજ્જૈનની હતી. પણ વસંતસેના કેવળ કામશાસ્ત્રમાં પ્રવીણ હતી તેથી નગરના  પુરુષોને પ્રસન્ન કરતી હતી. વસંતસેનાને પોતાના ગૃહના પુરૂષોને પ્રસન્ન કરતી જોઈ તે નગરની સ્ત્રીઓ પણ વસંતસેના પાસે કામશાસ્ત્રની શિક્ષા લેવા જતી. જ્યારે આમ્રપાલીની સુંદરતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આમ્રપાલીની સુંદરતા ભારતવર્ષમાં પ્રસિધ્ધ હતું.  તે સમયે તેની એક ઝલક મેળવવા માટે દુરદુરથી રાજકુમારો તેમના રંગમંડપની ચારેકોર ભ્રમરની જેમ મંડરાતા રહેતા હતાં. સંધ્યા પડતાં જ અનેક દીવાઓ આમ્રપાલીના રંગમંડપને સુશોભિત કરતાં હતાં, આ ઝળહળતા રંગમંડપની વચ્ચે આમ્રપાલીની સુંદરતા અનેક ગણો પ્રકાશ રેલાવી રહી હતી, તેનો સ્વર કોયલ જેવો સુમધૂરો હતો, તેના હાથપગની આંગણી મીણ સમાન કોમળ હતી. તેનું મુખ કમળ સમાન હતું. આવી  આમ્રપાલી તે વૈશાલીની નગરવધૂ હતી. તે જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે એક સામંતે તેને મગધમાં જોઈ તેણે તેની માતા પાસેથી આમ્રપાલીને માંગી લીધી, અને પોતાના મહેલે લઈ જઇ તે સમયની તેના નગરની પ્રસિદ્ધ ગણિકાઑ પાસે આમ્રપાલી ને મૂકી આ ગણિકાએ આમ્રપાલીને અનેક વિદ્યાઓની સાથે કામશાસ્ત્રની (નર્તકી અને ગણિકા બન્ને સ્વરૂપે) શિક્ષા આપી. આમ્રપાલીનું મુખ્યકામ  ગણોનું મનોરંજન કરવાનું હતું. મગધ સમ્રાટ બિંબસારે જ્યારે મગધ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેની પહેલી મુલાકાત આમ્રપાલી સાથે થઈ હતી. આમ્રપાલીના રૂપ-સુંદરતા ઉપર મોહ્યી જઈ બિંબસાર પહેલી જ નજરમાં તેને પોતાનું હૃદય દઈ બેઠો.તેથી તે આમ્રપાલીને પોતાના વૈશાલીમાં લઈ આવ્યો અને તેને નગરવધૂ બનાવી અને આમ્રપાલીને જનપદ કલ્યાણીની પદવી આપવામાં આવી. નગરવધૂની આજ પ્રણાલિકાથી ભારતમાં દેવદાસીની પ્રથા આવી હોવાનું માનવામાં આવે છે.  આમ્રપાલીની સુંદરતા ઉપર જ્યાં રાજા બિંબસાર સહિત અનેક સામંતો મરતા હતાં તે જ આમ્રપાલી  ભગવાન બુધ્ધના સૌમ્ય સ્વરૂપ ઉપર મોહિત થઈ ગઈ હતી આથી તેણે અનેકવાર ભગવાન બુધ્ધને પોતાના રંગમહેલમાં પધારવાની વિનંતી કરી હતી પરંતુ ભગવાન બુધ્ધે કહ્યું કે જ્યારે જીવનમાં એક સમયે એવા પડાવ પર પહુંચશે કે તેની આસપાસ કોઈ જ નહીં હોય તે સમયે તેઓ આમ્રપાલી પાસે આવશે. ઇતિહાસ કહે છે કે તે વખતે આમ્રપાલીને ખબર ન પડી કે ભગવાન બુધ્ધ શું કહે છે.  આ વાતને ઘણો સમય વીતી ગયો. આમ્રપાલીને કુષ્ઠ રોગ થયો અને તે નગરવધુ મટી ગઇ તેનું સ્થાન બદલાઈ ગયું પોતાના રંગમહેલમાંથી નીકળી ગામની બહાર નદીને કિનારે એક ઝૂપડી બનાવી રહેવા લાગી. એક સમયે તે અનેક વિલાસી પુરુષો અને વિલાસમય રંગરાગિણીથી ઘેરાયેલી હતી તેજ આમ્રપાલી તદ્દન એકાંતમાં પોતાના દિવસો જીવી રહી હતી. આવા જ કોઈ એકાંતમય દિવસો દરમ્યાન ભગવાન બુધ્ધ તેની પાસે આવ્યાં અને જીવનનું સત્ય સમજાવ્યું. ભગવાન બુધ્ધના વચનોથી આમ્રપાલીને સત્ય અને જીવનનો અર્થ સમજાયો અને તેણે પણ ભગવાન બુધ્ધના ચરણોમાં બેસીને દિક્ષા લીધી. એક માન્યતા છે કે બિંબસારને આમ્રપાલીથી એક પુત્ર પણ થયો હતો જે પછીથી બૌદ્ધ ભિક્ષુ બન્યો, પણ કેટલાક ઈતિહાસકારો આ વાતની પૂર્તિ કરતાં નથી. 

પૂર્વી મોદી મલકાણ

purvimalkan@yahoo.com       

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત:- 

શ્રી મહાપ્રભુજી રચિત સાહિત્ય ભાગ ૨

ષોડ્ંશ ગ્રંથ-શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ  સોળ નાના નાના ગ્રંથોમાં પુષ્ટિમાર્ગીય ભક્તિમાર્ગની મૂળભૂત માન્યતાઓનો પરિચય આપ્યો છે. આ સોળ ગ્રંથોનો સંક્ષિપ્ત ગ્રંથનો પરિચય આ પ્રમાણે છે. પુષ્ટિ માર્ગનાં મુખ્ય ચાર ધર્મ પાસાઓ છે, આ ચાર ધર્મો વચ્ચે શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથો રહેલા છે. વૈષ્ણવો જ્યારે આ ચાર ધર્મોને સમજીને હૃદયમાં ધારણ કરી લે ત્યારે તે સંપૂર્ણ રીતે શ્રી વલ્લભનો વૈષ્ણવ બની જાય છે.

 • પુષ્ટિજીવોનો સૌ પ્રથમ ધર્મ શરણાગતિ છે.

o    શ્રી યમુનાષ્ટક,

o    વિવેકાધૈર્યાષ્ટકમ

o    ભક્તિ વર્ધિની

o    પંચપદ્યાનિ

 

 • પુષ્ટિ જીવોનો બીજો ધર્મ તે સમર્પણ છે. 

o    સિધ્ધાંત મુક્તાવલી

o    નવરત્નમ્

o    સન્યાસનિર્ણય

o    નિરોધલક્ષણમ્

 

 • પુષ્ટિ જીવોનો ત્રીજો ધર્મ તે સેવા છે.

o    સિધ્ધાંતરહસ્યમ્

o    પુષ્ટિપ્રવાહ મર્યાદાભેદ

o    અંતઃકરણ પ્રબોધ

o    સેવાફલમ્

 

 • પુષ્ટિજીવોનો ચોથો ધર્મ તે ભક્તિ છે.

o    બાલબોધઃ

o    ચતુઃશ્લોકી

o    કૃષ્ણશ્રય સ્તોત્રમ્

o    જલભેદઃ

 1. શ્રી યમુનાષ્ટક શ્રી યમુનાષ્ટક એ પુષ્ટિમાર્ગીય ભક્તોને માટે મંગલાચરણ છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સ્વયં સૌ પ્રથમ શ્રી યમુનાજીને શ્રી ઠાકુરજીની ચતુર્થ સ્વામિની કહી તેમની વંદના અને સ્તુતિ કરી છે. ષોડ્ંશ ગ્રંથનાં સૌ પ્રથમ એવા આ પુષ્ટિરસમાં શ્રી વલ્લભે શ્રી યમુનાજીનાં આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવીક સ્વરૂપ વિષે તથા શ્રી યમુનાજીનાં અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે શ્રી યમુનાજી, મહારાણી શ્રી યમુનાજી, સૂર્યસુતા શ્રી યમુનાજી પોતાના જીવોનાં સમસ્ત દોષોનું વરણ કરીને પ્રભુની નજીક લઈ જાય છે અને પુષ્ટિમાર્ગમાં જીવોને પ્રવેશ કરાવી પ્રભુ પ્રાપ્તિ કરાવે છે.

 2. બાલબોધઃ અંબાલાનાં નારાયણદાસ કાયસ્થને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ પુરુષાર્થને ઈશ્વર સમંધિત અને જીવ સંબંધિત એમ બે ભાગમાં વર્ગીકરણ કર્યું છે અને કહ્યું છે કે મનુષ્યે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો સિધ્ધ કરવાના છે. આમ આ ગ્રંથ દ્વારા પુષ્ટિમાર્ગનાં સિધ્ધાંતો તરફ જવા પુષ્ટિ જીવોને આજ્ઞા કરી છે.

 3. સિધ્ધાંત મુક્તાવલી– શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં શ્રી ભાગવતજીનાં આધાર પર સ્થાપિત પોતાના સિધ્ધાંતોનાં ગુપ્ત રહસ્યોનો ગૂઢાર્થ પ્રગટ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે પરબ્રહ્મ શ્રી ઠાકુરજીની સેવા જ પુષ્ટિ જીવોનું સનાતન સત્ય અને કર્તવ્ય છે. ચિત્તને પ્રભુના ચરણોમાં સમર્પિત અને તન્મય કરી દેવું એ જ પુષ્ટિ જીવોની સેવા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ જીવોએ કરેલી તમામ સેવામાં માનસી સેવા એ સૌથી વધુ ઉત્કૃષ્ઠ છે, અને એ પુષ્ટિ જીવોએ એ ઉત્કૃષ્ઠાને પામવા માટે પોતાના તન, મન અને ધનને શ્રી ઠાકુરજીની સેવામાં લગાવી દેવું જોઈએ. કારણ કે પરમાનંદ બ્રહ્મરૂપ આનંદઘનની પ્રાપ્તિ કેવળ શ્રી ઠાકુરજીની સેવાથી જ પ્રાપ્ત થાય છે વળી જીવ એ પ્રભુનો જ અંશ છે અને બ્રહ્મની માફક જ બ્રહ્માત્મક પણ છે આથી જીવોએ સારી રીતે પોતાના બ્રહ્મને સમજીને પોતાની સમસ્ત ઉર્જાને શ્રી ઠાકુરજીનાં ચરણમાં અર્પિત કરી દેવી જોઈએ. તેનું મુખ્ય કારણ છે કે મનુષ્યજીવ એ અહંતા, મમતાથી ભરેલો હોય તે પોતાની અંદર રહેલા બ્રહ્મને સહેલાઈથી ઓળખી શકતો નથી આથી જ્યારે જીવ પોતાના સમસ્ત અસ્તિત્વને શ્રી ઠાકુરજીને સોંપી દે છે ત્યારે તે જીવને બ્રહ્મ રૂપ પૂર્ણ બ્રહ્મનાં દર્શન થઈ જાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ ગ્રથમાં શ્રી વલ્લભચરણે સેવા એટ્લે શું તે સૂત્રરૂપે સમજાવતાં કહ્યું છે કે શ્રી ઠાકુરજીનાં ચરણમાં ચિત્તને પરોવી દેવું તેનું નામ સેવા છે.

 4. પુષ્ટિપ્રવાહ મર્યાદાભેદ– શ્રી વલ્લભાચાર્યજી રચિત આ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા પ્રવાહીજીવો વિષે વિવેચન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં જણાવ્યાં અનુસાર પુષ્ટિજીવોની ઉત્પતિ ભગવાન શ્રી કૃષ્ણનાં શ્રી અંગમાંથી થઈ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિજીવોનું પ્રાગટ્ય પ્રભુસેવા કાજે થયું છે અને આ પુષ્ટિજીવોને સેવાફલ સ્વરૂપે પ્રભુની પ્રાપ્તિ થાય છે. જો પુષ્ટિ જીવ સેવા અને સેવાકર્મથી વંચિત રહી જાય છે અથવા સેવા પ્રકાર કરતો નથી ત્યારે આવા જીવોનું અસ્તિત્વ નિરર્થક થઈ જાય છે.

5. સિધ્ધાંત રહસ્ય-શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથોની રચના કરી તેમાં સિધ્ધાંત રહસ્યનું સ્થાન ઘણું જ ઊંચું છે કારણ કે આ ગ્રંથ તે શ્રુતિ ગ્રંથ છે, શ્રુત એટ્લે કે સાંભળવું. દા.ખ પરબ્રહ્મ પ્રભુએ સ્વમુખે જે વાણી કહી તે વાણી ઋષિમુનિઓએ સાંભળી અને વેદો રૂપે વિશ્વ સમક્ષ મૂકી, કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રી કૃષ્ણએ જે વાણી અર્જુનને સંભળાવી તે વાણી અર્જુન સાથે સંજય અને શ્રી દ્વૈપાયન વ્યાસજીએ પણ સાંભળી પરંતુ સંજય તે વાણીને સમજીને કેવળ પોતાના સુધી સીમિત રાખી શક્યા પરંતુ વેદવ્યાસજીએ એ વાણીને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપે અર્થાત ભગવાનનું ગીત એ રૂપે વિશ્વ સમક્ષ મૂકી. આ જ રીતે ગોકુલમાં શ્રી યમુના તીરે સાક્ષાત શ્રી ઠાકુરજીએ સ્વમુખે જે વાણી શ્રી મહાપ્રભુજીને કહી સંભળાવી તે આપશ્રીએ સિધ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં અક્ષરશઃ કહેલી છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે પ્રભુએ સ્વયં આજ્ઞા કરતાં કહ્યું છે કે હે વલ્લભ આપ જીવોને બ્રહ્મસંબંધ કરાવો. બ્રહ્મસંબંધ દ્વારા જીવોમાં રહેલ દોષોની નિવૃતિ થશે. આ દોષોની નિવૃતિ થતાં પુષ્ટિ જીવો પોતાનું સર્વસ્વ પ્રભુને નિવેદન કરી તેનો પ્રસાદ ગ્રહણ કરશે અને આ પ્રસાદ દ્વારા જીવ વધુ ને વધુ દોષમુક્ત થતો જશે. વળી પ્રભુને સમર્પિત થતાં જ તે તમામ વસ્તુઓ ભગવદાત્મક થઈ જશે.

 6. નવરત્નમ્આ ગ્રંથમાં શ્રી વલ્લભાચાર્યજીએ જણાવ્યું છે કે જો જીવ પ્રભુને પોતાનું આત્મસમર્પણ કરી દે છે તો તે જીવ પ્રભુનો થઈ જાય છે અને પ્રભુનાં થયાં બાદ જીવોનાં મનમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા આવી જવો જોઈએ કે જે કંઇ થશે તે પ્રભુ ઈચ્છાએ જ થશે. જે કંઇ થઈ રહ્યું છે કે કંઇ થવાનું છે તે બધુ જ પ્રભુ ઇચ્છાએ જ થશે. જે જીવ પોતાના પ્રાણોને પ્રભુમય કે કૃષ્ણ મય બનાવી લે છે તેવાં જીવોનાં મનમાં ચિંતાનો પ્રવેશ કેવી રીતે થાય? તેઓ તો દરેક થનાર પ્રસંગને પ્રભુની નિજચ્છા માનીને જ ચાલે છે આથી તેઓ પોતાનો સમય નિરર્થક કરતાં નથી અને પ્રભુ સ્મરણ કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે. પ્રભુચરણમાં અને શરણમાં મગ્ન રહેનાર ભક્તને માટે પોતાના ભગવાન માટેનો પ્રેમ એજ વ્યસન સમાન બની જતાં તે વ્યસન જ તે જીવોને પ્રભુસેવા અને પ્રભુ રૂપી સેવા ફલ આપી દે છે.

 7. અંતઃકરણ પ્રબોધ-આ ગ્રંથ દ્વારા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સૂચવે છે કે જીવ એ પ્રભુનો સેવક છે અને સેવકનો ધર્મ છે કે તે પોતાનું સમસ્ત જીવન પ્રભુને સમર્પિત કરી કૃતાર્થ, નિશ્ચન્ત અને આનંદિત થઈ પોતાના સેવકધર્મનું પાલન કરે અને મનમાં દ્રઢતા, વિશ્વાસ અને શ્રધ્ધા રાખે કે પ્રભુ જેને અંગીકાર કરે છે તેનું સદાયે પરમ કલ્યાણ જ કરશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે જીવ અંગીકૃત હોય છે તે જીવોનાં સમસ્ત દોષની નિવૃતિ થઈ જતાં તે જીવો ભગવદીયતાને પ્રાપ્ત કરી લે છે અને આવા ભગવદીય જીવોનું પતન ક્યારેય થતું નથી કે અનિષ્ટ કે લૌકિક ગતિ થતી નથી.

 8. વિવેકધૈર્યાશ્રયઃ- આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવત્સેવામાં વિવેક, ધર્મ અને આશ્રયનું ઘણું જ મહત્વ રહેલું છે. વિવેકનો અર્થ થાય છે પ્રભુની નિજ ઈચ્છા વડે જ સર્વસ્વ થઈ રહ્યું છે. ધૈર્યનો અર્થ છે કે મૃત્યુ પર્યંત આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક એ ત્રિવિધ દુઃખોને સહન કરવા, આશ્રયનો અર્થ છે કે આ લોક અને પરલોકમાં તેમજ પ્રત્યેક સમ-વિષમ પરિસ્થિતિઓમાં શ્રી હરિનાં જ ચરણકમલ એ જીવોનું આશ્રય સ્થાન છે તેવો દ્રઢ વિશ્વાસ અને ભાવના રાખવી તે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે કલિયુગમાં બીજા અન્ય સાધનો દુઃસાધ્ય થઈ જાય છે ત્યારે કેવળ શ્રી હરિનું નામ, શ્રી હરિનાં ચરણ, અને શ્રી હરિનું શરણ મેળવવું એ જ જીવોનો માર્ગ છે, જીવોનું કર્તવ્ય છે. કારણ કે સાધન પણ શ્રી હરિ છે અને સાધક પણ શ્રી હરિ છે.

 9. શ્રી કૃષ્ણાશ્રયસ્ત્રોતમ્– શ્રી મહાપ્રભુજીએ લાહોરમાં વસતા બુલામિશ્ર પંડિત નામના પોતાના સેવકને આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે કે કલિયુગમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, અને કર્મ શુધ્ધ નથી રહેતા તેથી આ સાધનો વડે પુરુષાર્થ સિધ્ધી પણ મળતી નથી કારણ કે કૃષ્ણ કૃપા સિવાય સર્વ કાંઇ વ્યર્થ થઈ જાય છે આથી આવી પરિસ્થિતીમાં ભગવાન શ્રી કૃષ્ણ જ એકમાત્ર આશ્રય છે જે આ લોક અને પરલોકનું સાધન તત્વ છે જેમનો વૈષ્ણવ જીવોએ આશ્રય લેવો જોઈએ. શ્રી મહાપ્રભુજી ટૂંકમાં કહે છે કે ગતિ શ્રી ઘનશ્યામની હોવી જોઈએ, આશ્રય શ્રી કૃષ્ણનો હોવો જોઈએ, વૈષ્ણવોનો આધાર અને વૈષ્ણવોનું શરણ શ્રી હરિ જ હોય તેવી દ્રઢ ભાવના અને અખંડ આસ્થાનું નામ શ્રી કૃષ્ણાશ્રય છે.

 10. ચતુઃશ્લોકીઆ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તોનાં ચારે પ્રકારના પુરુષાર્થો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને સમંધિત જ હોવા જોઈએ કારણ કે પુષ્ટિમાર્ગનાં સાધનને માટે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં જ અર્થ રૂપ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ ધર્મ છે આથી વૈષ્ણવ જીવોએ ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરવાં, ભગવાન શ્રી કૃષ્ણનાં ચરણોનું જ સદૈવ ચિંતન, મનન અને સ્મરણ કરવું તે જ જીવોને માટે મોક્ષ છે.

 11. ભક્તિવર્ધિની-આ ગ્રંથ દર્શાવે છે કે ગૂઢતત્વનું નિરૂપણ કરનાર, પ્રેમ રૂપી બીજભાવ ત્યાગ, શ્રવણ અને કીર્તનથી દ્રઢ થાય છે તેમજ ભગવત-ભક્તિ ક્રમશઃ વધતાં પ્રેમ,આસક્તિ અને વ્યસન દશાને પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકુરજી પ્રત્યે દ્રઢ વ્યસન અવસ્થા પ્રાપ્ત થયાં બાદ જીવ કૃતાર્થ થઈ જાય છે. પ્રભુ અને ગુરુ ચરણો પ્રત્યેની દ્રઢ આસ્થા ભક્તોને વિશ્વાસ આપે છે કે પ્રભુ પોતાના જીવોની રક્ષા કરે જ છે. જીવોની પ્રભુ પ્રત્યેની દ્રઢ આસ્થા જ ભગવદ શાસ્ત્રોનું ગૂઢત્તમ રહસ્ય છે.

  12  જલભેદઃ શ્રી મહાપ્રભુજીનાં આ મૂળ ગ્રંથમાં જલની સાથે ભાવની સરખામણી કરી હોવાથી આ ગ્રંથનું નામ જલભેદ પડયું છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જુદા જુદા વક્તાઓના લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે વૈષ્ણવોએ પુષ્ટિમાર્ગનું જ્ઞાન લેતાં પહેલાં પુષ્ટિમાર્ગીય વક્તાની પસંદગીમાં સાવધાની રાખવી કારણ કે પ્રત્યેક વક્તાઓનાં આધાર પર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જે જ્ઞાન મળે છે તે તેમના પર ભિન્ન ભિન્ન રીતે પ્રભાવ કરનાર બને છે. આથી ભગવાનનાં ગુણ પણ વૈષ્ણવોએ સદૈવ ઉત્કૃષ્ટ ભગવદીય વક્તાઓ પાસેથી જ સાંભળવા જોઈએ. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બીજી અન્ય એક વાત પણ સમજાવતાં કહ્યું છે કે જેમ જલ જીવોને શીતળતા પ્રદાન કરે છે તેમ ભગવાનના ગુણો પણ શીતલ છે પરંતુ એ શીતળતાનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે વૈષ્ણવો પ્રભુસેવાનો આનંદ ઉઠાવે છે. કારણ પ્રભુસેવા એ પોતાના જીવોને શરણાર્ગતિની સાથે શીતલતા પણ પ્રદાન કરે છે.

 13. પંચપદ્યાનિ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં ભગવત ગુણોનાં ભિન્ન ભિન્ન સ્તરો પર મૂક્યા બે પ્રકારનાં શ્રોતાઓની ચર્ચા કરેલી છે. જેમાંથી પુષ્ટિ શ્રોતા ઉત્તમ અધિકારવામાં આવે છે, પુષ્ટિ મર્યાદા શ્રોતા એ મધ્યમ શ્રોતા છે અને પુષ્ટિ પ્રવાહી શ્રોતા એ હીન શ્રોતા છે. પંચપદ્યાનિ ગ્રંથ પર શ્રી હરિરાય મહાપ્રભુ અને શ્રી પુરુષોત્તમજી એમ બે વલ્લભકુલ બાલકોએ ટીકાઓ લખી છે.

 14. સન્યાસ નિર્ણયશ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પોતાના સેવક નરહરિ સન્યાસીને સન્યસ્ત અને ભક્તિભાવ વચ્ચેનો ભેદ સમજાવવા માટે અને સન્યાસીને સન્યસ્તનાં શુધ્ધ સ્વરૂપ વિષે સમજાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે પ્રભુભક્તિમાં વ્યસન અવસ્થામાં પહોંચેલ પરિપક્વ ભક્ત જો ગૃહ ત્યાગ કરી સન્યસ્ત ધારણ કરે તો તે ઉત્તમ ગણાય પરંતુ કેવળ ભક્તિ ઠીકથી થઈ શકે તે હેતુથી ગૃહ સંસાર વગેરેનો ત્યાગ કરીને સન્યાસ લેવો યોગ્ય નથી. કારણ કે આ પ્રકારે પણ સન્યાસ લેવાથી સાધક સંસાર તો છોડી દે છે પરંતુ સંસારને ભૌતિક અને માનસિક દૃષ્ટિએ છોડી શકતો નથી અને તે બસ એક માર્ગથી બીજે માર્ગ ભટક્યા કરે છે. ખાસ કરીને કલિયુગમાં તો સન્યાસ લેવા પર શ્રી મહાપ્રભુજીએ સદંતર ના કહેલી છે.

 15. નિરોધલક્ષણમ્ મણુંદ ગામમાં રહેતા રાજા દૂબે અને માધો દૂબે નામના બે સાંચોરા ભાઈઓને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે વૈષ્ણવોએ લૌકિક ચિત્તવૃતિ અને અહંતા મમતાથી ભરેલા આ સંસારનો નિરોધ કરીને ભગવદ્ સેવા કરવામાં મન પરોવી દેવું જોઈએ. કારણ કે ચિત્ત નિરોધથી વધીને ન કોઈ મંત્ર છે, ન કોઈ તંત્ર છે, ન કોઈ મોટો સ્તોત્ર છે, કે ન કોઈ વિદ્યા અને ન કોઈ તીર્થસ્થળ છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે શ્રીમદ્ ભાગવત્એ દેવદમન શ્રીજીબાવાનું વાડ્ંગમય સ્વરૂપ છે અને તેનો નિરોધ લક્ષણ ગ્રંથ એ શ્રીમદ્ વલ્લભનું હૃદય છે.

 16. સેવાફલમ્– શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિષ્ણુદાસ છિપાને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત સમજાવવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ,પુષ્ટિ મર્યાદા, અનેપુષ્ટિપ્રવાહી જીવોનાં  ફળનું નિરૂપણ કર્યું છે અને સાથે સાથે સેવામાં આવતા પ્રતિબંધોનો ઉપાય બતાવતાં કહ્યું છે કે પુષ્ટિ ભક્ત ભગવત્સેવા દ્વારા ક્યારેય કોઈપણ ફલની કામના કરતો નથી તેમ છતાંયે ભગવદ્-અનુભૂતિનાં અનેક પ્રકારોમાં ભક્તને સેવાની ફલરૂપતાની પ્રતીતિ થાય છે. આ ફલરૂપતા ત્રણ પ્રકારની હોય છે.

 

 • અલૌકિક સામર્થ્ય- ભૂતલ પર ભગવત સેવા કરતાં કરતાં જ્યારે બધી જ ઇન્દ્રિયોથી જીવને ભગવદ્ અનુભૂતિનાં રૂપમાં અલૌકિક સામર્થ્ય પ્રગટ થાય છે તેજ પુષ્ટિમાર્ગીય જીવોની મુક્તિ છે.
 • સાયુજ્ય- સાયુજ્ય ભક્તિ એ ભગવત્સેવાની ફલાત્મિક અનુભૂતિ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવોનું ચિત્ત સંસારની સમસ્ત લૌકિક આસક્તિમાં ન રહેતાં તે કેવળ રસાત્મક પ્રભુનું જ સાનિધ્ય અનુભવે છે.
 • શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિજીવોનો દેહ કેવળ અને કેવળ ભગવત્સેવામાં ઉપયોગી થવો જોઈએ. જ્યારે આવા ભગવદીય જીવોનો દેહ છૂટી જાય છે ત્યારે તેને બીજા જન્મમાં પણ ભગવત્સેવા માટે તનુનવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ તનુનવત્વની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે પુષ્ટિ જીવ ભગવત્સેવા માટે તત્પર થાય છે કારણ કે કેવળ પ્રભુસેવા ને કારણે જ જીવોને આ સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે.

ષોડશ ગ્રંથ એ શ્રી આચાર્યચરણનું હૃદય હોવાથી તેને શ્રી વલ્લભ ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ વારંવાર કહ્યું છે કે પુષ્ટિ જીવોએ પોતાના ગૃહમાં રહીને પોતાના તન, મન અને ધનનો ઉપયોગ સદ્પયોગ કેવળ પ્રભુસેવા, પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ઠાકુરજીની સેવા માટે કરવો જોઈએ અને સેવા કરતી વખતે અષ્ટસખા તેમજ વ્રજભકતોનાં ભાવોનું ભાવનાત્મક સ્મરણ કરતાં રહેવું જોઈએ. પરંતુ જ્યારે પુષ્ટિ વૈષ્ણવોથી ભગવદ્ સેવા ન થઈ શકે ત્યારે તેમણે પોતાના ચિત્તને નિરોધ કરીને પોતાની તમામ ઇન્દ્રિયોને ભગવદ્ સ્મરણ, મનન, કથા શ્રવણ, ગ્રંથોનું વાંચન વગેરેમાં જોડવું જોઈએ.

ઉપયુક્ત ગ્રંથો સિવાય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી અન્ય પણ અનેક ગ્રંથોની અને સ્તોત્રોની રચના કરી છે. જેમાં પંચશ્લોકી, શિક્ષા શ્લોકી, ત્રિવિધ નામાવલી, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી, ભગત્પીઠિકા, આદિ ગ્રંથ અને શ્રી મધુરાષ્ટકમ્, શ્રી ગિરિરાજધાર્યષ્ટકમ્, શ્રી યમુનાષ્ટકમ્ આદિ સ્તોત્ર વગેરે છે.

પુષ્ટિમાર્ગમાં સેવાને અધિક મહત્વ આપતાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવત્જી અનુસાર શ્રી ઠાકુરજીની અષ્ટયામની સેવા પ્રચલિત કરી છે. પુષ્ટિ સેવાની ભાવના અત્યંત નિગૂઢ અને રહસ્યપૂર્ણ છે. પુષ્ટિમાર્ગમાં સેવાનો આધાર સ્વરૂપ શ્રીમદ્ ભાગવત્ છે તેથી અષ્ટયામ સેવાની મૂળ ભૂમિ ભગવદાશ્રય છે, જેનાં વગર સેવાભાવના સિધ્ધ થતી નથી. જ્યારે પુષ્ટિ જીવો બ્રહ્મસંબંધ દ્વારા શ્રી વલ્લભનાં શરણે આવે છે ત્યારે પ્રભુ તે જીવો પર અનુગ્રહ કરી સેવાને યોગ્ય બનાવે છે, એટ્લે કે સેવા ભગવદ્ અનુગ્રહ દ્વારા સાધ્ય બને છે ત્યારે પ્રભુ તેની કિંશુક અને રંચક સેવાનો અંગીકાર હર્ષિત થઈ કરે છે આ રીતે પુષ્ટિ જીવો સેવા કરે તેજ અગાઉ ભગવદ્ અનુગ્રહ થઈ જતાં ભગવદ્ અનુગ્રહ પ્રાપ્તિનું સાધન ન રહેતાં તે અનુગ્રહનાં ફલ સ્વરૂપ બની જાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી વિશેષ સમજાવતાં કહે છે છે કે પુષ્ટિમાર્ગમાં સેવા અને ફલ બંને છે, તેથી કેવળ શ્રી ઠાકુરજી અને ગુરુ શ્રી વલ્લભની કૃપા તેમજ અનુગ્રહ દ્વારા વૈષ્ણવોને સેવાની પ્રાપ્તિ થાય છે, તેમની સેવા ચાલુ રહે છે અને તેમની સેવા સતત ચાલતી રહે છે. આ રીતે અનુગ્રહનું સાતત્ય જળવાઈ રહે છે તેજ સેવાનું અને પુષ્ટિમાર્ગનું ફલ છે.

-પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.////ISBN-13: 978-1500299903
purvimalkan@yahoo.com.

 

 

 

 

 

શ્રી મહાપ્રભુજી રચિત સાહિત્ય ભાગ ૧

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શુધ્ધદ્વૈત પુષ્ટિમાર્ગની રચના કરતી વખતે માર્ગને લગતાં અનેક શાસ્ત્રો લખ્યાં. શ્રી વલ્લભાચાર્યજીની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આ દુર્લભ સાહિત્યમાં રહેલાં શ્રી મહાપ્રભુજીનાં દાર્શનિક સિધ્ધાંતોને જાણવા અને તેમનો પરિચય મેળવવો એ પણ સૌભાગ્યની વાત છે.

ગાયત્રી ભાષ્ય– શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી એ વેદમાતા છે, તેથી શ્રી મહાપ્રભુજીએ ગાયત્રીમંત્ર પર ગાયત્રી ભાષ્ય નામથી સંક્ષિપ્ત ભાષ્યનું નિર્માણ કરેલ છે. શ્રી મહાપ્રભુજી રચિત શ્રીમદ્ ભાગવતજીની સુબોધિની ટીકાનાં પ્રથમ શ્લોકમાં ગાયત્રી મંત્ર દ્વારા એકાત્મક ભાવ સિધ્ધ કરેલો છે. આપ શ્રી તે ટીકામાં સ્પષ્ટ રીતે કહે છે કે વેદરૂપી વૃક્ષનું બીજ તે ગાયત્રી છે અને તેનું ફળ તે શ્રીમદ્ ભાગવતજી છે. ગાયત્રી ભાષ્યનાં અંતમાં આપે ગાયત્રી અને રાસપંચાધ્યાયીનાં સિધ્ધાંતની પણ સમાનતા દર્શાવેલી છે.

પૂર્વમીમાંસા કારિકા– શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને વૈદિક ધર્મ, વૈદિક સિધ્ધાંતો, વૈદિક જીવન સંસ્કૃતિ અને તેના મૂલ્યો તેમજ વૈદિક જીવનપધ્ધતી પર અનન્યા આસ્થા હતી. આપે પ્રમેય બલ અર્થાત ભગવત્ બલને સર્વોપરી માનતાં સનાતન ધર્મના અવિરોધી તેમજ વેદોની સંપૂર્ણ સહમતિ ધરાવતાં પુષ્ટિ ભક્તિમાર્ગની રચના કરી. આપે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વેદોમાં જે પ્રભુ દર્શાવેલા છે તે યજ્ઞરૂપ ભગવાન શ્રી હરિ જ છે. આપશ્રી કહે છે કે વેદોમાં સાધન અને ફલ બંનેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વેદોના આ તત્વજ્ઞાનનો પરિચય આપવા માટે બે મીમાંસાઓની રચના થઈ. જેમાં પૂર્વ મીમાંસાના રચનાકાર આચાર્ય જૈમિની છે તેથી આ મીમાંસાને જૈમિની મીમાંસાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પૂર્વમીમાંસાની શરૂઆત ધર્મ અંગેની જિજ્ઞાસાથી થાય છે. આ ગ્રંથમાં કુલ ૪૨ કારિકાઓ છે. જેમાં દર્શાવેલ છે કે સર્વે ધર્મોનું મૂળ તે વેદોમાં રહેલ છે. શ્રી વલ્લભાચાર્યજીના મતે આચાર્ય જૈમિની એ સાકાર બ્રહ્મવાદનાં સમર્થક હતાં. ઉત્તર મીમાંસાની રચના મહર્ષિ વેદવ્યાસજીનાં હસ્તે થઈ. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે વેદ સ્વયં પોતે પણ એક પ્રકારનો ધર્મમીમાંસા છે જેમાં ધર્મ, કર્મ અથવા આચરણ અંગેની સર્વે કારિકાઓનું વિવેચન જોવા મળે છે. આ બંને મીમાંસાઓમાં વેદાર્થને અને વૈદિક કર્મકાંડ વિષે વિસ્તૃત રીતે ચર્ચાઑ કરી પ્રગટ કરવામાં આવી છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે મનુષ્ય સામે લૌકિક અને વૈદિક એમ બે માર્ગ છે અને બંને માર્ગ નિત્ય છે. જેમાં લૌકિક માર્ગ પ્રવાહ રૂપ જલ સમાન છે જ્યારે વૈદિક માર્ગ એ અગ્નિ સ્વરૂપ સમાન છે. જેમ જલથી અગ્નિ શાંત થઈ જાય છે અને અગ્નિનાં તાપથી જલ સુકાઈ જાય છે. તે જ રીતે લૌકિકનાં સ્પર્શથી વૈદિક માર્ગ નષ્ટ થઈ જાય છે અને વૈદિકનાં સ્પર્શથી જીવોમાં રહેલ લૌકિકતા અને લૌકિક આસક્તિની અસર ઓછી થઈ જાય છે. આમ આ બંને માર્ગ એકબીજાથી વિરુધ્ધ છે.

ભગવતાર્થ નિર્ણયશ્રીમદ્ ભાગવત ગ્રંથ તો શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ છે. આપશ્રી આ ગ્રંથને વેદરૂપી ગ્રંથનું ફલ માને છે. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે શ્રીમદ્ ભાગવત ગ્રંથ અમૃતનો મહાસાગર છે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુએ જેનું મંથન કરીને ગૂઢાર્થ રૂપી અનેક રત્નોને પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ શ્રી ભાગવતજીને સર્વોધ્ધારક શ્રી ઠાકુરજીનું રૂપ માને છે. શ્રી ભાગવતજીમાં મહર્ષિ વેદ વ્યાસજીએ પોતાની સમાધિવસ્થામાં થયેલ પરમ તત્વરૂપ પ્રભુની લીલાની થયેલી દિવ્ય અનુભૂતિઓને વર્ણવી છે. શ્રી શુકદેવજીના અનુસાર શ્રી ભાગવતજીની શ્રુતિઓનાં સારભૂત સિધ્ધાંતો સમાયેલા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ ભાગવતજીનાં સાત પ્રકારનાં અર્થ બતાવ્યાં છે.

 • શાસ્ત્રાર્થ અર્થાત સંપૂર્ણ ભાગવત શાસ્ત્રનો અર્થ
 • સ્કંધાર્થ અર્થાત પ્રત્યેક સ્કંધનો અર્થ
 • અધ્યાર્થ અર્થાત પ્રત્યેક અધ્યાયનો અર્થ
 • પ્રકારણાર્થ અર્થાત પ્રત્યેક પ્રકરણનો અર્થ
 • શ્લોકાર્થ અર્થાત પ્રત્યેક શ્લોકનો અર્થ.
 • પદાર્થ અર્થાત પ્રત્યેક પદનો અર્થ.  
 • શબ્દાર્થ એટ્લે કે શબ્દો સાથેનો અર્થ.

આપશ્રીનું મંતવ્ય છે કે શ્રી ભાગવતજીનાં આ સાતે અર્થ પરસ્પર અવિરોધી છે અને બધાં સાથે મળીને એક જ ભાવને પુષ્ટ કરે છે. આ સાત પ્રકારમાંથી પ્રથમ ચાર ભાગનાં અર્થ ભાગવતાર્થનાં પ્રકરણમાં આપવામાં આવ્યાં છે અને બાકીનાં ત્રણ ભાગમાં આપે આપની ભાગવત-સુબોધિનીની ટીકામાં પ્રસ્તુત કરી છે. 

શ્રી સુબોધિનીજી-શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજી ઉપર જે ટીકા વિજ્ઞપ્તિ લખી છે તેને શ્રી સુબોધિનીજી તરીકે ઓળખવામાં આવે છે. આપશ્રીનાં બધાં જ ગ્રંથોમાં શ્રી સુબોધિનીજીનું સ્થાન સર્વોપરી છે કારણ કે આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતજીનાં ગૂઢાર્થની સાથે પોતાના સિધ્ધાંતોને પ્રગટ કર્યા છે. આપશ્રીએ આ ગ્રંથનાં આરંભમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવતજીનું વિવેચન કરવા માટે મને ભૂતલ પર પધારવાની આજ્ઞા કરી છે. આપશ્રી શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને દશમ સ્કંધની વિસ્તૃત રીતે ગહન ટીકા લખી પરંતુ ભગવદ્ આજ્ઞા થતાં આ ગ્રંથની સંપૂર્ણ ટીકા પૂર્ણ કરી ન શક્યા અને તેઓએ સન્યાસ ધારણ કર્યો અને પ્રભુ પાસે પાછા પધાર્યા. આપશ્રી એ શ્રીમદ્ ભાગવતજી સમંધિત બીજા ત્રણ ગ્રંથ લખ્યાં.

 • ભાગવતજીનાં દશમ સ્કંધ અનુરૂપ અનુક્રમણિકા
 • પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને
 • શ્રી પુરુષોત્તમ ત્રિવિધ નામાવલિ.

તત્વાર્થદીપ નિબંધ– શ્રી મહાપ્રભુજી રચિત તત્વાર્થદીપ નિબંધનાં ત્રણ પ્રકરણ છે, અને આ ત્રણેય પ્રકરણો શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવત પ્રકરણ એ અલગ અલગ ત્રણ ગ્રંથ સમાન છે જેનાં પર શ્રી મહાપ્રભુજીએ “પ્રકાશ” નામની ટીકા લખેલી છે. 

શાસ્ત્રાર્થ પ્રકરણ-શ્રી વલ્લભાચાર્યજીનો મત છે કે બધાં જ શાસ્ત્રોનો અર્થ ગીતા રૂપી ભગવત વાક્યોના આધાર પર કરવો જોઈએ. જો પ્રભુ શ્રી હરિના વચનો પર તમામ શાસ્ત્રોનો અર્થ કરવામાં આવે તો સમસ્ત વેદો, રામાયણ, મહાભારત, પંચરાત્ર, બ્રહ્મસૂત્ર તથા અન્ય શાસ્ત્રોનો એક જ અર્થ મળે છે જે એકત્વમાં ફેરવાઇ જાય છે, અને આ એકત્વને સાર્થક કરવા હેતુસર શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિધ્ધાંતોની સ્થાપના કરી છે આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જે જીવોને શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજવો છે તેમને માટે શાસ્ત્રાર્થ ગ્રંથનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

સર્વનિર્ણય પ્રકરણ– આ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે શાસ્ત્રાર્થ પ્રકરણનો અભ્યાસ કરી રહેલા જે જીવોને શાસ્ત્રાર્થ પ્રકરણનાં સિધ્ધાંતોને સમજવા કોઈપણ પ્રકારની મુશ્કેલી કે સંદેહ થાય ત્યારે તે પરિસ્થિતિનું નિરાકરણ સર્વનિર્ણય પ્રકરણથી કરવું જોઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનાં મત અનુસાર વેદ એ સર્વોપરી પ્રમાણ છે, જેમાં વેદોનું અનુકરણ કરનાર ગ્રંથો એ વેદોનું સબળ પ્રમાણ છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ, જગત, અંતર્યામી પ્રભુ, ભક્ત વગેરે દર્શનિક તત્વ અને ભક્તિ, જ્ઞાન, કર્મ જેવાં આધ્યાત્મિક સાધનો અને તેમનાથી પ્રાપ્ત થતાં ફળો પર પોતાનો મત પ્રગટ કર્યો છે. શાસ્ત્રાર્થ પ્રકરણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત શાસ્ત્રો અનુસાર દર્શનિક તત્વોનો નિર્ણય રજૂ કરેલ છે જ્યારે સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી પ્રભુના બલ અને ચરણનો આશ્રય લેનાર તત્વોનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પત્રાવલંબન શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો આ ૩૯ કારિકાઓનો ગદ્યપદ્યાત્મક લઘુ ગ્રંથ વાસ્તવમાં બ્રહ્મવાદનો ઘોષણા પત્ર છે. આપશ્રી એ આ ગ્રંથની રચના કરીને કાશી વિશ્વનાથનાં મંદિરની દિવાલ પર લગાવી દીધેલો આ કારણથી આ ગ્રંથને પત્રાવલંબન એવું નામ મળ્યું. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં વેદનાં પૂર્વકાંડ અને ઉત્તર કાંડની એકાર્થતાને પ્રગટ કરી કહ્યું છે કે વેદ અને વેદાંતનાં અર્થનો બ્રહ્મવાદમાં સમાવેશ કરાયો છે. શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે કે આ પત્ર અંગે કોઈ પણ વિદ્વાનને કોઈપણ જાતનો સંદેહ હોય તો તેઓ નિઃસંકોચ રીતે પોતાની પાસે આવીને પોતાના સંદેહ  નિવારણ કરી શકે છે.

બ્રહ્મસૂત્ર અણુભાષ્ય– શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ મહર્ષિ વ્યાસજીનાં બ્રહ્મસૂત્રો પર અણુભાષ્યનાં નામથી ભાષ્યની રચના કરીને પોતાનો દાર્શનિક મત શુધ્ધદ્વૈત બ્રહ્મવાદ સ્થાપિત કર્યો છે. શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસૂત્રનાં ચાર અધ્યાયોમાંથી ત્રીજા અધ્યાયનાં દ્વિતીય પદનાં ચોંત્રીસમાં સૂત્ર સુધી ભાષ્ય રચના થઈ. બાકીનાં શેષ અંશની પૂર્તિ એમના વંશજ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ અર્થાત શ્રી ગુંસાઈજી દ્વારા થઈ. આ ગ્રંથ દ્વારા આપશ્રીએ બ્રહ્મવાદ, બ્રહ્મનાં વિરુધ્ધ ધર્માશ્રયો, અધિકૃત પરિણામવાદ, આદિ દાર્શનિક સિધ્ધાંતોની સ્થાપના શ્રુતિઓનાં આધારે કરી છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com. ////ISBN-13: 978-1500299903

અદ્ભૂત અને અદ્વિતીય ભારત–ભાગ ૩

ભારતમા દ્વાદશ જ્યોતિર્લિંગ આવેલા છે. 

 

–     સોમનાથ– સૌરાષ્ટ્રમાં આવેલ છે.

–     મલ્લિકાર્જુન– દક્ષિણભારતમા શ્રી શૈલ પર્વત પર આવેલ છે.

–     મહાકાલેશ્વર– ઉજ્જૈનમા ક્ષિપ્રા નદીને કિનારે આવેલ છે.

–     વૈજનાથ– એક મત મુજબ હૈદ્રાબાદના પરલી ગામમાં આવેલ છે, અને બીજા મત મુજબ બિહારમાં આવેલ છે.

–     ૐ કારેશ્વર- માળવામાં નર્મદાના કિનારે આવેલ છે.

–     ભીમાશંકર– મહારાષ્ટ્રમાં ભીમા નદીને કિનારે આવેલ છે.

–     રામેશ્વર – દક્ષિણ ભારતમાં આવેલ છે.

–     નાગેશ્વર – દ્વારકા પાસે આવેલ છે.

–     કાશી વિશ્વનાથ – કાશી-વારાણસીમાં આવેલ છે.

–     ઘૂશ્મેશ્વર – મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલ છે.

–     ત્રયંબકેશ્વર – મહારાષ્ટ્રમાં નાસિક પાસે ત્રયંબક નામના ગામમાં આવેલ છે.

–     કેદારનાથ– હિમાલયમાં આવેલ છે.

 

ભારતમાં દ્વાદશ શિવલિંગ આવેલા છે.

 

–     અમરનાથ શિવલિંગ – હિમાલયમાં આવેલ છે.

–     પશુપતિનાથ શિવલિંગ –નેપાળના ખટમંડું શહેરમાં આવેલ છે.

–     કૈલાસ શિવલિંગ – હિમાલયમાં આવેલ છે.

–     તારકેશ્વર શિવલિંગ– પશ્ચિમ બંગાળમાં આવેલ છે.

–     મહાબળેશ્વર શિવલિંગ – પૂના પાસે આવેલ છે.

–     ભુવનેશ્વર શિવલિંગ – ઓરિસ્સામાં આવેલ છે.

–     કુંભેશ્વર શિવલિંગ– દક્ષિણભારતના કુંભકોણ ગામમાં આવેલ છે.

–     સુંદરેશ્વર શિવલિંગ– મદુરામાં આવેલ છે.

–     એકલિંગજી શિવલિંગ – રાજસ્થાનમાં શ્રીનાથદ્વારા જતાં વચ્ચે આવે છે.

–     હાટકેશ્વર શિવલિંગ – ઉત્તર ગુજરાતમાં વડનગરમાં આવેલ છે.

–      મધ્યમેશ્વર શિવલિંગ– કાશીમાં આવેલ છે.

–     વાળુકેશ્વર શિવલિંગ– મુંબઈમાં બાણગંગાને તીરે આવેલ છે.

 

ભારતમાં દ્વાદશ દેવીધામ આવેલા છે.

 

–     મીનાક્ષીમંદિર – મદુરાઈમાં આવેલ છે.

–     કામાક્ષી દેવી – કાંજીવરમમાં આવેલ છે.

–     ભ્રામરી દેવી – મલયગિરિ પર્વત પર આવેલ છે.

–     કન્યાકુમારી– દક્ષિણભારતમાં ત્રણ સમુદ્રોના સંગમ પર આવેલ છે.

–     મહાલક્ષ્મી– કોલ્હાપુરમાં બિરાજેલ છે.

–     અંબાજી– ગુજરાતમાં બિરાજેલ છે.

–     લલિતા દેવી– નૈમિષારણ્ય અને પ્રયાગમાં એમ બે સ્થળે બિરાજે છે.

–     વિંધ્યવાસીની – વિંધ્યાચળ પર્વત પર બિરાજે છે.

–     મંગલાવતી – ગયા તીર્થમાં બિરાજે છે.

–     સુંદરી દેવી – બંગાળમાં બિરાજે છે.

–     કાલિકા દેવી– ઉજ્જૈનમાં બિરાજે છે.

 

ભારતમાં ચૌદ પ્રયાગ આવેલા છે.

 

તીર્થોના રાજા પ્રયાગરાજ સિવાયના બાકીના તેર પ્રયાગરાજ હિમાલયમાં  આવેલા છે.

–     તીર્થરાજ પ્રયાગ

–     દૈવ પ્રયાગ

–     રુદ્ર પ્રયાગ

–     કર્ણ પ્રયાગ

–     ઇન્દ્ર પ્રયાગ

–     સૂર્ય પ્રયાગ

–     નંદ પ્રયાગ

–     ભાસ્કર પ્રયાગ

–     શ્યામ પ્રયાગ

–     ગુપ્ત પ્રયાગ

–     સોમ પ્રયાગ

–     કેશવ પ્રયાગ

–     હરિ પ્રયાગ

–     વિષ્ણુ પ્રયાગ

 

ભારતમાં ૧૭ વિષ્ણુધામ આવેલા છે.

 

–     બદરી નારાયણ હિમાલયમાં બિરાજે છે.

–     અવિનાશી હરિ નૈમિષારણ્યમાં બિરાજે છે.

–     મુક્તિનાથ નેપાળમાં આવેલ છે.

–     શાલગ્રામ પટણા પાસે ગંગા અને ગંડકીના સંગમ પર બિરાજે છે.

–     શ્રી રામચંદ્રજી અયોધ્યામાં બિરાજે છે.

–     શ્રી બાલકૃષ્ણજી મથુરામાં બિરાજે છે.

–     વેણી માધવ તીર્થરાજ પ્રયાગમાં બિરાજે છે.

–     ગદાધર પિતૃગયામાં  બિરાજે છે.

–     પુરુષોત્તમ જગન્નાથપુરીમાં બિરાજે છે.

–     વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં બિરાજે છે.

–     તિરુપતિ બાલાજી દક્ષિણભારતમાં વેંકટાચલમાં બિરાજે છે.

–     વરદરાજ દક્ષિણભારતના વિષ્ણુકાંચીમાં બિરાજે છે.

–     તુંગશાયી દક્ષિણભારતના તોતાદ્રી પર્વતમાં બિરાજે છે.

–     મહાબલિ ચેન્નાઈ પાસે બિરાજે છે.

–     રંગનાથ દક્ષિણભારતમાં શ્રી રંગપટ્ટનમમાં બિરાજે છે.

–     શ્રી દ્વારિકાધીશજી સૌરાષ્ટ્રના દરિયા કિનારે બિરાજે છે.

–     શ્રી રણછોડરાયજી ગુજરાતના ડાકોરમાં બિરાજે છે.

 

ભારતમાં પ૧ શક્તિપીઠ આવેલા છે.

 

–     હિંગળાજપીઠ-પાકિસ્તાનનાં સિંધપ્રદેશમાં હિંગોર નદીનાં તટ્ટ પર કરાંચીથી થોડે દૂર આવેલ છે.

–     શર્કરાપીઠ -મહારાષ્ટ્રનાં કોલ્હાપુર શહેરની નજીક મહિષમર્દીનીનાંનામે બિરાજિત છે.

–     સુગંધા પીઠ- દક્ષિણ બાંગ્લાદેશમાં શેખપુર પાસે ભગવાન શિવત્રયંબક અને ભગવતી શક્તિ અહીં સુનંદાનાંનામે બિરાજેલ છે.

–     અમરનાથપીઠ  –કાશ્મીર પાસેહિમાલયની બર્ફીલી હિમમાળામાં છે.

–     જ્વાલામુખી પીઠ –હિમાચલ પ્રદેશનાં કાંગડામાં બિરાજે છે.

–     જાલંધર પીઠ- પંજાબમાં જલંધરમાં આવેલ છે.

–     વૈદ્યનાથ પીઠ- ઝારખંડમાંબિરાજે છે.

–     પશુપતિનાથ પીઠ –નેપાળનાં કાઠમાંડુમાં છે.

–     માનસ પીઠ – તિબેટના માનસરોવરમાં આવેલ છે.

–     ઉત્કલ વિરજા પીઠ –ઓરિસ્સામાં સ્થિત પૂરીમાં છે.

–     નેપાળમાં આ શક્તિપીઠ આવેલછે.

–     બહુલા પીઠ –દક્ષિણ બંગાળમાં છે.

–     મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં છે.

–     ત્રિપુરામાં આ શક્તિપીઠ આવેલ છે.

–     ચહલપીઠ- બાંગ્લાદેશમાં ચટ્ટ્લના નામે પ્રખ્યાત છે.

–     ત્રિસ્તોત્રાપીઠ – પશ્ચિમ બંગાળમાં છે.

–     કામાખ્યાપીઠ –આસામનાં કામગિરીમાં છે.

–     પ્રયાગપીઠ – અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર છે.

–     જયંતીપીઠ – આસામમાં છે.

–     યુગાદ્યાપીઠ – પશ્ચિમ બંગાળ સ્થિત ખીરગ્રામમાં છે.

–     કાલીપીઠ – પશ્ચિમ બંગાલ સ્થિત કોલકત્તામાં કાલિઘાટ છે.

–     કિરીટપીઠ- બાંગ્લાદેશ સ્થિત કિરીટમાંછે.

–     વારાણસીપીઠ – વારાણસી કાશીમાં છે.

–     કન્યાશ્રમ પીઠ- કન્યાકુમારીમાં છે.

–     કુરુક્ષેત્ર પીઠ – હરિયાણા સ્થિત કુરુક્ષેત્રમાં છે.

–     મણિબંધપીઠ – રાજસ્થાનના પુષ્કરમાં છે.

–     શ્રીશૈલ પીઠ- આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન પર્વત પાસે છે.

–     કાંચી પીઠ – તામિલનાડુમાં કાંચીપુરમમાં છે.

–     કાલમાધવ પીઠ – મધ્યપ્રદેશનાં અમરકંટક નદીનાંટ્ટે ચિત્રકૂટમાં છે.

–     શોણદેશ પીઠ – બિહારમાં સોન નદી પાસે આવેલ શોણદેશમાં છે.

–     રામગિરિ પીઠ – મધ્યપ્રદેશના ચિત્રકૂટ પર શિવશક્તિચંડભૈરવ અને શિવાનીનાં રૂપમાં બિરાજમાન છે.

–     વૃંદાવન પીઠ – ઉત્તરપ્રદેશ સ્થિત વૃંદાવનમાં શિવશક્તિ ભૂતેશ અને ઉમાનાં નામથી બિરાજે છે.

–     શુચિ પીઠ – તામિલનાડુમાં કન્યાકુમારીમાં શિવશક્તિ સંહાર અને નારાયણીનાં રૂપમાં બિરાજમાન છે.

–     પંચસાગર પીઠ- શક્તિનુંસ્થાનઅજ્ઞાતછે. અહીં શિવશક્તિ મહારુદ્ર અને બરહીનાં રૂપે  બિરાજમાનછે.

–     કરતોયા પીઠ –બાંગ્લાદેશ સ્થિત આ સ્થળ કરોટા નદીનાંતટ્ટે  આવેલ છે.

–     શ્રીપર્વત પીઠ – લદાખમાં છે.

–     વિભાષ પીઠ – પશ્ચિમ બંગાલ સ્થિત મેદિનીપુરમાં છે.

–     પ્રભાસ પીઠ – ગુજરાતમાં સોમનાથ પાસે છે.

–     જનસ્થળ પીઠ –  મહારાષ્ટ્રમાં નાસિકમાં છે.

–     વિરાટ પીઠ – રાજસ્થાનમાં વિરાટમાં છે.

–     ગોદાવરી પીઠ – ગોદાવરી તીરમાં છે.

–     રત્નાવલી પીઠ – ચેન્નઈ પાસે રત્નાકર નદીનાં કિનારે છે.

–     મિથિલા પીઠ – બિહારના કનકપુર મિથિલામાં છે.

–     નલહાટી પીઠ – બંગાલ કોલકત્તામાં છે.

–     મગધ પીઠ – બિહારમાં મગધ પટનામાં છે.

–     વક્રેશ્વર પીઠ – વેસ્ટ બંગાલમાં છે.

–     યશોરપીઠ- બાંગ્લાદેશ સ્થિત ખુલનામાં છે.

–     અટ્ટહાસ પીઠ – પશ્ચિમ બંગાલ સ્થિત બીરભુંમાં છે.

–     નંદીપુર પીઠ – પશ્ચિમ બંગાળમાં છે.

–     લંકા પીઠ – લંકાશ્રીલંકામાં ટ્રિંકોમાલી પાસે આ શક્તિપીઠ આવેલ છે.

–     કર્ણત પીઠ – આ શક્તિપીઠનું આ સ્થળ અજ્ઞાતછે.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com