શ્રી મહાપ્રભુજી રચિત સાહિત્ય ભાગ ૧

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શુધ્ધદ્વૈત પુષ્ટિમાર્ગની રચના કરતી વખતે માર્ગને લગતાં અનેક શાસ્ત્રો લખ્યાં. શ્રી વલ્લભાચાર્યજીની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આ દુર્લભ સાહિત્યમાં રહેલાં શ્રી મહાપ્રભુજીનાં દાર્શનિક સિધ્ધાંતોને જાણવા અને તેમનો પરિચય મેળવવો એ પણ સૌભાગ્યની વાત છે.

ગાયત્રી ભાષ્ય– શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી એ વેદમાતા છે, તેથી શ્રી મહાપ્રભુજીએ ગાયત્રીમંત્ર પર ગાયત્રી ભાષ્ય નામથી સંક્ષિપ્ત ભાષ્યનું નિર્માણ કરેલ છે. શ્રી મહાપ્રભુજી રચિત શ્રીમદ્ ભાગવતજીની સુબોધિની ટીકાનાં પ્રથમ શ્લોકમાં ગાયત્રી મંત્ર દ્વારા એકાત્મક ભાવ સિધ્ધ કરેલો છે. આપ શ્રી તે ટીકામાં સ્પષ્ટ રીતે કહે છે કે વેદરૂપી વૃક્ષનું બીજ તે ગાયત્રી છે અને તેનું ફળ તે શ્રીમદ્ ભાગવતજી છે. ગાયત્રી ભાષ્યનાં અંતમાં આપે ગાયત્રી અને રાસપંચાધ્યાયીનાં સિધ્ધાંતની પણ સમાનતા દર્શાવેલી છે.

પૂર્વમીમાંસા કારિકા– શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને વૈદિક ધર્મ, વૈદિક સિધ્ધાંતો, વૈદિક જીવન સંસ્કૃતિ અને તેના મૂલ્યો તેમજ વૈદિક જીવનપધ્ધતી પર અનન્યા આસ્થા હતી. આપે પ્રમેય બલ અર્થાત ભગવત્ બલને સર્વોપરી માનતાં સનાતન ધર્મના અવિરોધી તેમજ વેદોની સંપૂર્ણ સહમતિ ધરાવતાં પુષ્ટિ ભક્તિમાર્ગની રચના કરી. આપે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વેદોમાં જે પ્રભુ દર્શાવેલા છે તે યજ્ઞરૂપ ભગવાન શ્રી હરિ જ છે. આપશ્રી કહે છે કે વેદોમાં સાધન અને ફલ બંનેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વેદોના આ તત્વજ્ઞાનનો પરિચય આપવા માટે બે મીમાંસાઓની રચના થઈ. જેમાં પૂર્વ મીમાંસાના રચનાકાર આચાર્ય જૈમિની છે તેથી આ મીમાંસાને જૈમિની મીમાંસાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પૂર્વમીમાંસાની શરૂઆત ધર્મ અંગેની જિજ્ઞાસાથી થાય છે. આ ગ્રંથમાં કુલ ૪૨ કારિકાઓ છે. જેમાં દર્શાવેલ છે કે સર્વે ધર્મોનું મૂળ તે વેદોમાં રહેલ છે. શ્રી વલ્લભાચાર્યજીના મતે આચાર્ય જૈમિની એ સાકાર બ્રહ્મવાદનાં સમર્થક હતાં. ઉત્તર મીમાંસાની રચના મહર્ષિ વેદવ્યાસજીનાં હસ્તે થઈ. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે વેદ સ્વયં પોતે પણ એક પ્રકારનો ધર્મમીમાંસા છે જેમાં ધર્મ, કર્મ અથવા આચરણ અંગેની સર્વે કારિકાઓનું વિવેચન જોવા મળે છે. આ બંને મીમાંસાઓમાં વેદાર્થને અને વૈદિક કર્મકાંડ વિષે વિસ્તૃત રીતે ચર્ચાઑ કરી પ્રગટ કરવામાં આવી છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે મનુષ્ય સામે લૌકિક અને વૈદિક એમ બે માર્ગ છે અને બંને માર્ગ નિત્ય છે. જેમાં લૌકિક માર્ગ પ્રવાહ રૂપ જલ સમાન છે જ્યારે વૈદિક માર્ગ એ અગ્નિ સ્વરૂપ સમાન છે. જેમ જલથી અગ્નિ શાંત થઈ જાય છે અને અગ્નિનાં તાપથી જલ સુકાઈ જાય છે. તે જ રીતે લૌકિકનાં સ્પર્શથી વૈદિક માર્ગ નષ્ટ થઈ જાય છે અને વૈદિકનાં સ્પર્શથી જીવોમાં રહેલ લૌકિકતા અને લૌકિક આસક્તિની અસર ઓછી થઈ જાય છે. આમ આ બંને માર્ગ એકબીજાથી વિરુધ્ધ છે.

ભગવતાર્થ નિર્ણયશ્રીમદ્ ભાગવત ગ્રંથ તો શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ છે. આપશ્રી આ ગ્રંથને વેદરૂપી ગ્રંથનું ફલ માને છે. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે શ્રીમદ્ ભાગવત ગ્રંથ અમૃતનો મહાસાગર છે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુએ જેનું મંથન કરીને ગૂઢાર્થ રૂપી અનેક રત્નોને પ્રગટ કર્યા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ શ્રી ભાગવતજીને સર્વોધ્ધારક શ્રી ઠાકુરજીનું રૂપ માને છે. શ્રી ભાગવતજીમાં મહર્ષિ વેદ વ્યાસજીએ પોતાની સમાધિવસ્થામાં થયેલ પરમ તત્વરૂપ પ્રભુની લીલાની થયેલી દિવ્ય અનુભૂતિઓને વર્ણવી છે. શ્રી શુકદેવજીના અનુસાર શ્રી ભાગવતજીની શ્રુતિઓનાં સારભૂત સિધ્ધાંતો સમાયેલા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ ભાગવતજીનાં સાત પ્રકારનાં અર્થ બતાવ્યાં છે.

 • શાસ્ત્રાર્થ અર્થાત સંપૂર્ણ ભાગવત શાસ્ત્રનો અર્થ
 • સ્કંધાર્થ અર્થાત પ્રત્યેક સ્કંધનો અર્થ
 • અધ્યાર્થ અર્થાત પ્રત્યેક અધ્યાયનો અર્થ
 • પ્રકારણાર્થ અર્થાત પ્રત્યેક પ્રકરણનો અર્થ
 • શ્લોકાર્થ અર્થાત પ્રત્યેક શ્લોકનો અર્થ.
 • પદાર્થ અર્થાત પ્રત્યેક પદનો અર્થ.  
 • શબ્દાર્થ એટ્લે કે શબ્દો સાથેનો અર્થ.

આપશ્રીનું મંતવ્ય છે કે શ્રી ભાગવતજીનાં આ સાતે અર્થ પરસ્પર અવિરોધી છે અને બધાં સાથે મળીને એક જ ભાવને પુષ્ટ કરે છે. આ સાત પ્રકારમાંથી પ્રથમ ચાર ભાગનાં અર્થ ભાગવતાર્થનાં પ્રકરણમાં આપવામાં આવ્યાં છે અને બાકીનાં ત્રણ ભાગમાં આપે આપની ભાગવત-સુબોધિનીની ટીકામાં પ્રસ્તુત કરી છે. 

શ્રી સુબોધિનીજી-શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજી ઉપર જે ટીકા વિજ્ઞપ્તિ લખી છે તેને શ્રી સુબોધિનીજી તરીકે ઓળખવામાં આવે છે. આપશ્રીનાં બધાં જ ગ્રંથોમાં શ્રી સુબોધિનીજીનું સ્થાન સર્વોપરી છે કારણ કે આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતજીનાં ગૂઢાર્થની સાથે પોતાના સિધ્ધાંતોને પ્રગટ કર્યા છે. આપશ્રીએ આ ગ્રંથનાં આરંભમાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવતજીનું વિવેચન કરવા માટે મને ભૂતલ પર પધારવાની આજ્ઞા કરી છે. આપશ્રી શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને દશમ સ્કંધની વિસ્તૃત રીતે ગહન ટીકા લખી પરંતુ ભગવદ્ આજ્ઞા થતાં આ ગ્રંથની સંપૂર્ણ ટીકા પૂર્ણ કરી ન શક્યા અને તેઓએ સન્યાસ ધારણ કર્યો અને પ્રભુ પાસે પાછા પધાર્યા. આપશ્રી એ શ્રીમદ્ ભાગવતજી સમંધિત બીજા ત્રણ ગ્રંથ લખ્યાં.

 • ભાગવતજીનાં દશમ સ્કંધ અનુરૂપ અનુક્રમણિકા
 • પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને
 • શ્રી પુરુષોત્તમ ત્રિવિધ નામાવલિ.

તત્વાર્થદીપ નિબંધ– શ્રી મહાપ્રભુજી રચિત તત્વાર્થદીપ નિબંધનાં ત્રણ પ્રકરણ છે, અને આ ત્રણેય પ્રકરણો શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવત પ્રકરણ એ અલગ અલગ ત્રણ ગ્રંથ સમાન છે જેનાં પર શ્રી મહાપ્રભુજીએ “પ્રકાશ” નામની ટીકા લખેલી છે. 

શાસ્ત્રાર્થ પ્રકરણ-શ્રી વલ્લભાચાર્યજીનો મત છે કે બધાં જ શાસ્ત્રોનો અર્થ ગીતા રૂપી ભગવત વાક્યોના આધાર પર કરવો જોઈએ. જો પ્રભુ શ્રી હરિના વચનો પર તમામ શાસ્ત્રોનો અર્થ કરવામાં આવે તો સમસ્ત વેદો, રામાયણ, મહાભારત, પંચરાત્ર, બ્રહ્મસૂત્ર તથા અન્ય શાસ્ત્રોનો એક જ અર્થ મળે છે જે એકત્વમાં ફેરવાઇ જાય છે, અને આ એકત્વને સાર્થક કરવા હેતુસર શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિધ્ધાંતોની સ્થાપના કરી છે આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જે જીવોને શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજવો છે તેમને માટે શાસ્ત્રાર્થ ગ્રંથનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

સર્વનિર્ણય પ્રકરણ– આ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે શાસ્ત્રાર્થ પ્રકરણનો અભ્યાસ કરી રહેલા જે જીવોને શાસ્ત્રાર્થ પ્રકરણનાં સિધ્ધાંતોને સમજવા કોઈપણ પ્રકારની મુશ્કેલી કે સંદેહ થાય ત્યારે તે પરિસ્થિતિનું નિરાકરણ સર્વનિર્ણય પ્રકરણથી કરવું જોઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનાં મત અનુસાર વેદ એ સર્વોપરી પ્રમાણ છે, જેમાં વેદોનું અનુકરણ કરનાર ગ્રંથો એ વેદોનું સબળ પ્રમાણ છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ, જગત, અંતર્યામી પ્રભુ, ભક્ત વગેરે દર્શનિક તત્વ અને ભક્તિ, જ્ઞાન, કર્મ જેવાં આધ્યાત્મિક સાધનો અને તેમનાથી પ્રાપ્ત થતાં ફળો પર પોતાનો મત પ્રગટ કર્યો છે. શાસ્ત્રાર્થ પ્રકરણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત શાસ્ત્રો અનુસાર દર્શનિક તત્વોનો નિર્ણય રજૂ કરેલ છે જ્યારે સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી પ્રભુના બલ અને ચરણનો આશ્રય લેનાર તત્વોનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પત્રાવલંબન શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો આ ૩૯ કારિકાઓનો ગદ્યપદ્યાત્મક લઘુ ગ્રંથ વાસ્તવમાં બ્રહ્મવાદનો ઘોષણા પત્ર છે. આપશ્રી એ આ ગ્રંથની રચના કરીને કાશી વિશ્વનાથનાં મંદિરની દિવાલ પર લગાવી દીધેલો આ કારણથી આ ગ્રંથને પત્રાવલંબન એવું નામ મળ્યું. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં વેદનાં પૂર્વકાંડ અને ઉત્તર કાંડની એકાર્થતાને પ્રગટ કરી કહ્યું છે કે વેદ અને વેદાંતનાં અર્થનો બ્રહ્મવાદમાં સમાવેશ કરાયો છે. શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે કે આ પત્ર અંગે કોઈ પણ વિદ્વાનને કોઈપણ જાતનો સંદેહ હોય તો તેઓ નિઃસંકોચ રીતે પોતાની પાસે આવીને પોતાના સંદેહ  નિવારણ કરી શકે છે.

બ્રહ્મસૂત્ર અણુભાષ્ય– શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ મહર્ષિ વ્યાસજીનાં બ્રહ્મસૂત્રો પર અણુભાષ્યનાં નામથી ભાષ્યની રચના કરીને પોતાનો દાર્શનિક મત શુધ્ધદ્વૈત બ્રહ્મવાદ સ્થાપિત કર્યો છે. શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસૂત્રનાં ચાર અધ્યાયોમાંથી ત્રીજા અધ્યાયનાં દ્વિતીય પદનાં ચોંત્રીસમાં સૂત્ર સુધી ભાષ્ય રચના થઈ. બાકીનાં શેષ અંશની પૂર્તિ એમના વંશજ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ અર્થાત શ્રી ગુંસાઈજી દ્વારા થઈ. આ ગ્રંથ દ્વારા આપશ્રીએ બ્રહ્મવાદ, બ્રહ્મનાં વિરુધ્ધ ધર્માશ્રયો, અધિકૃત પરિણામવાદ, આદિ દાર્શનિક સિધ્ધાંતોની સ્થાપના શ્રુતિઓનાં આધારે કરી છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com. ////ISBN-13: 978-1500299903

Posted on મે 4, 2014, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. 2 ટિપ્પણીઓ.

 1. પૂર્વીબેન
  આપના દ્વારા મોકલાતી પોસ્ટ નિયમિત મળે છે અને તેને વાચું છું સ્મરું છું અને અન્ય ભાવિક વૈષ્ણવજનો સાથે ઉપલબ્ધ માહિતી આદાન પ્રદાન કરું છું જેથી પુષ્ટિમાર્ગ અંગે સ્પષ્ટ સમજ અને આદર શ્રધા અને નિષ્ઠા સુદ્રઢ થાય છે.

 2. પ્રફુલ કે. શાહ

  ખુબ જ સુંદર. જ્ય શ્રી કૃષ્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: