Monthly Archives: જૂન 2014

અમેરિકામાં ભારતીય સ્વાદનો પ્રભાવ

લોકલ ૪૧૧ પરથી પોલીસને એક કોલ “પૂર્વી ફૂડ્સ”માંથી મળ્યો કે કોઈ કસ્ટમર અહીં પોતાનું પર્સ ભૂલી ગયું છે. જવાબમાં પોલીસે કહ્યું કે તમે ક્યાંથી બોલો છો? જવાબમાં સ્ટોરઓનર લેડીએ કહ્યું હું 81, લેનકેસ્ટર સ્ટ્રીટ માર્લવનથી બોલું છું. સામેથી જવાબ આવ્યો કે આપ ફોન મૂકો થોડીવારમાં જ આપને ત્યાં અમે હાજર થઈ જઈએ છીએ. આ સાંભળી સ્ટોરઓનર ફોન મૂકી પોતાના કામમાં લાગી જ હતી કે થોડીવારમાં જ ત્યાં એક પોલીસઓફિસર આવી ગયો. આવીને તેણે સ્ટોરલેડી પાસેથી પર્સ લઈ લીધું અને સ્ટોરમાં આમતેમ નજર ફેરવવા લાગ્યો, પણ રેગ્યુલર અમેરિકન વસ્તુઓથી તદ્દન ભિન્ન વસ્તુઓ જોઈ તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું…… મિસ, આ કેવા પ્રકારની વસ્તુઓ છે? આ શું છે? સ્ટોર લેડીએ કહ્યું કે ઓફિસર આ ઇન્ડિયન સ્વીટ્સ, ઇન્ડિયન ગ્રોસરી, ઇન્ડિયન સ્પાઇસીસ, સ્નેક્સ, અને પિકલ્સ છે. ઈન્ડિયન…? ધેટ મીન નેટિવ ઇન્ડિયન…?તેણે પૂછ્યું. પછી સ્વગત જ “નો ઇટ્સ નોટ લૂક લાઈકે નેટિવ ઇન્ડિયન ફૂડ “કહી અસંજસમાં મુકાઇ ફરી જોવા લાગ્યો. વન મિનિટ સર કહી સ્ટોરલેડીએ પોતાનું કામ પૂરું કર્યું પછી ઓફિસર પાસે જઇને તેણે ઈન્ડિયાની આ બધી જ વસ્તુઓ વિષે માહિતી આપવા માંડી. માહિતી કહેતા કહેતા લેડીએ પોલીસને પૂછ્યું કે શું તમે ક્યારેય ઇન્ડિયન ફૂડ ટ્રાય કર્યું છે? તે કહે ના ક્યારેય નહીં. લેડીએ કહ્યું કે અહીં બાજુમાં જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે નેક્સ્ટ ટાઈમ અહીં આવીને ઇન્ડિયન ફૂડનો સ્વાદ લેશો જેથી કરીને આપ આ વસ્તુઓને વધુ સારી રીતે જાણી શકશો. શું આપને સ્પાયસી ફૂડ ભાવે છે? ઓહહ યસ યસ….આઇ લવ હોટ ફૂડ તેથી ઘણીવાર હું હોટ ફૂડ લેતો હોઉ છું પણ મે ક્યારેય ઇંડિયન ફૂડ ટ્રાય નથી કર્યું. શું ઇન્ડિયન ફૂડ હોટ હોય છે? હા ઇન્ડિયન ફૂડ પણ એટલું જ હોટ હોય છે આપને તે ઘણું જ ગમશે. આમ સામાન્ય વાતચીતને અંતે થોડીવારમાં તે પોલીસ ત્યાંથી ચાલ્યો ગયો. બીજા weekend પર તે પાછો સ્ટોરમાં આવ્યો અને સ્ટોરલેડીને ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો કે તેણે તેના પરિવાર સાથે ઇન્ડિયન ફૂડ માણ્યું તેથી હવે ફરી મને ઇન્ડિયન સ્પાઈસીસ વિષે જણાવ અને ઇન્ડિયન ફૂડ ઘરમાં કેવી રીતે બનાવાય તે વિષે જણાવ. શું ઇન્ડિયન ફૂડ ઘરમાં બનાવવું સરળ હોય છે ને? બસ તે દિવસથી સ્ટોરલેડી સાથે બેસીને તે પોલીસ ઓફિસર અવનવી ઇન્ડિયન વસ્તુઓ શીખવા લાગ્યો. ધીરે ધીરે તે ઓફિસર પરોઠા, પૂરી, પાલક પનીર, દાળ, રીંગણાંનું ભરેલ શાક સાથે ઘી બનાવતા પણ શીખ્યો. હા એ લેશન સેસનનો પિરિયડ લાંબો હતો પણ આજે પોલીસ ઓફિસરને ત્યાં જે કોઈ ડિનર માટે જાય તેને પાલક-પનીરનાં અને ચિકનનાં ચણાનાં લોટમાં બનાવેલ પકોડા ચોક્કસ ખાવા મળે છે. (અહીં રહેલો આ પ્રસંગ માત્ર પ્રસંગ નથી પણ મારી સાથે બનેલો આ બનાવ છે.) તે પોલીસ ઓફિસરની જેમ અહીં ઘણા અમેરિકન એવા છે જેમને ઇન્ડિયન ફૂડ ગમતું હોય. બ્રિટનમાં ઇન્ડિયન ફૂડ અંગ્રેજોને કારણે ગયું પણ અમેરિકામાં આ ફૂડ અહીં વસેલા ઇન્ડિયનોને કારણે વધુ પ્રખ્યાત થયું. થોડા સમય પહેલા યુ એસ માં મોસ્ટ પોપ્યુલર વિદેશી ફૂડ વિષે સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ૮૫ ટકા સાથે બલૂનરોટી (ફૂલકા) અને નાન, સ્વીટ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ (પુરણ પોળી), દાળ, પિકલ્સ, પાપડમ, બાસમતી રાઈસ, સમોસા, રંગબેરંગી તીખામીઠા સ્વાદ ધરાવતી ચટનીડીપ, સાથે ઈન્ડિયા અગ્ર રહ્યું હતું, અને તેમાં પણ વધુ વોટ બાસમતી રાઈસ, ચટણીઑ, સમોસા, બલૂનરોટી, પાપડમ અને દાળને મળ્યાં. જ્યારે અમુક વોટ સૌથી ઓછા સોલ્ટવાળા પાઠકનાં પિકલ્સને (બ્રિટિશ કંપની) મળ્યાં. (ભારતના પિકલ્સ અમેરિકનોને ખૂબ જ સોલ્ટી લાગે છે. ભારતીય પિકલ્સમાં  ૪૦૦ ગ્રામની જારમાં ૬૪૦ ગ્રામ સોલ્ટ રહેલું છે જ્યારે પાઠકનાં પિકલ્સમાં ૪૪૦ થી ૪૬૦ ગ્રામ સોલ્ટ રહેલું હોય છે તેથી અમેરિકન લોકો સખત તીખું ખાઈ શકે છે પણ સોલ્ટી નથી ખાઈ શકતાં) આજે યુ એસના ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પિટ્સબર્ગ, ઇન્ડિયાના પોલીસ, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાનફ્રાન્સિસ્કો, વગેરે મોટા શહેરોની અનેક સ્ટ્રીટો ભારતીય રેસ્ટોરાંટ્સથી મહેંકી રહી છે, ત્યારે નાના નાના ટાઉનોમાં રહેલી એકાદી રેસ્ટોરાંન્ટ્સને પણ ભૂલી શકાય તેમ નથી.

આધુનિક યુ એસનો ઇતિહાસ ભલે ૩૦૦ વર્ષથી હોય પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં નેશનલ ક્વોટા માટે અને પરદેશી વસાહતીઓ માટેનાં કાયદા બદલવા માટે અમેરિકી ફરજ પડી ત્યારથી ભારતીય ઇમીગ્રેશનનો પ્રવાહ નોંધપાત્ર રહ્યો. પરંતુ ફૂડ બાબતે લોકપ્રિયતાનાં આ સ્તરે પહોંચવા માટે યુ એસની પ્રજાને ઘણો લાંબો સમય લાગ્યો. તેનું મુખ્ય કારણ એ હતું કે યુ. એસના ઇતિહાસમાં બ્રિટિશરોનું રાજ્ય હતું. બ્રિટિશરોએ યુ.એસની ધરતી પર પોતાનું રાજ્ય રાખ્યું પણ એશિયન ઇન્ડિયનોને પોતાના ગુલામ માનવાની મનોવૃતિમાંથી તેઓ છૂટી શક્યા ન હતાં તેથી ઈન્ડિયાનાં રોજિંદા જીવનમાં વણાઈ ગયેલ ભારતીય સ્વાદોને તેમણે મહત્વ ન આપ્યું, બલ્કે તેઓ તો વર્ષો સુધી એમ જ કહેતા રહ્યાં કે આજે ટીક્કાની (પનીર ટિક્કા, ચિકન ટિક્કા વગેરે) ગ્રેવી, લીલી ચટણી, નાન બ્રેડ વગેરે બ્રિટિશરોની જ શોધ છે તે બ્રિટિશરો સાથે જ ઈન્ડિયા ગઈ, અને ઇન્ડિયન સ્પાઇસ સાથે મિક્સ થઈ વધુ સ્વાદિષ્ટ બની. આજ માન્યતાને કારણે તેઓ ભારતીય ગ્રેવીઓને પોતાની દેન માનતા હતાં અને પોતાની દેનને ભારતનો સ્વાદ કેમ કહી શકાય? આથી જ્યાં સુધી અમેરિકામાં બ્રિટિશરોનું રાજ્ય રહ્યું ત્યાં સુધી ભારતીય સ્વાદનું વર્ચસ્વ સ્થાપાયું ન હતું. બ્રિટિશરોથી છૂટા પડ્યા બાદ યુ એસમાં અનેક યુરોપીયન પ્રજા આવીને વસી. આ પ્રજામાં સૌથી વધુ પ્રજા ઇટાલિયનોની હતી તેથી સૌથી વધુ ફૂડ જે રોજિંદા અમેરિકી ફૂડમાં વણાઈ ગયું હતું તેમાં ઈટાલિયન સ્વાદ સૌથી અગ્ર રહ્યો. સિવિલ વોર પછી વિસ્તરેલા યુ એસમાં સાઉથથી અને કેલિફોર્નિયાથી અનેક સ્પેનિશ મેક્સીકન પ્રજા આવીને અહીં સ્થિર થઈ જેને કારણે ઇટાલિયન પછી બીજો સ્વાદ જે સૌથી વધુ મિક્સ થયો હોય તે મેક્સીકન છે. ૧૯૬૦ પછી યુ એસમાં ભારતીયોની સંખ્યા ધીરે ધીરે વધવા લાગેલી પણ ભારતીય સ્વાદ હજુ પણ એટલો લોકપ્રિય થયો ન હતો, પરંતુ ૧૯૮૦ પછી વધતી જતી ભારતીય વસ્તીને કારણે પ્રથમ વાર ભારતીય સ્વાદને યુ.એસમાં વિદેશી ફૂડ તરીકે માન્યતા આપવામાં આવી. આજ અરસામાં (૧૯૮૩માં) પરંતુ ન્યૂયોર્કમાં સર્વપ્રથમ લક્ષ્મી બ્રાન્ડ શરૂ થઈ જે આફ્રિકાથી ભારતીય ડ્રાય ગ્રોસરી લાવતી હતી પરંતુ હજુ સુધી ઇન્ડિયન શાકભાજીએ અમેરીકામાં પગલાં મૂક્યા ન હતાં. ૧૯૮૭માં પૂરી ભારતીય ગ્રોસરી અને ભારતીય શાકભાજી સાથે પટેલ બ્રધર્સે નાનકડા સ્ટોર દ્વારા અમેરિકી બજારમાં પગ મૂક્યો. (આ પગ આજે વિશાળ કદમ બનીને અમેરિકાનાં બધા જ રાજ્યમાં ચેઇન સ્ટોર બનીને છવાયેલ છે. ) પરંતુ, કેટલાક કારણોસર આ ઇન્ડિયન શાકભાજીઑ ઈંડિયાથી નહીં બલ્કે સાઉથ અમેરિકાથી અહીં યુ.એસમાં આવે છે. (આ વાતનું તાત્પર્ય એ કહી શકાય કે ભારતીયો વિશ્વમાં સર્વત્રે વસેલા છે.) પટેલ બ્રધર્સ અને લક્ષ્મી બ્રાન્ડને કારણે સિટી તરફ વસેલા ભારતીયોને વાંધો ન આવતો પણ યુ.એસનાં ઇનર કન્ટ્રી સાઈડ વસેલા ભારતીયોને હજુ પણ ભારતીય મરી-મસાલાઓ અને સ્વાદની ખોટ સારતી હતી, તેથી પંજાબીઓએ પંજાબની વિવિધ કરીઑ સાથે નાની નાની રેસ્ટોરંન્ટ્સ શરૂ કરી ત્યારે તેમણે બ્રિટિશ ક્વિનની ફેવરિટ Curry તરીકે પોતાની એડ આપી. પરંતુ બ્રિટિશ ક્વિનની Curryતરીકે આ કરીઑ યુ.એસની જનતા પર પોતાનું સ્થાન તો ન જમાવી શકી, પણ હા સ્પાઈસી અને હોટ ફૂડ તરીકે તેને યુ.એસની માર્કેટમાં આવકાર જરૂર મળ્યો. જો,કે PujabiCurryથી શરૂ થયેલ તે સફરમાં આજેકાંદા–લસણનાં તામસી સ્વાદથી ભરેલી પંજાબી કરીને મ્હાત કરીને લો-કેલેરી અને પ્રોટીનન્ડ યુક્ત ગુજરાતી-રાજસ્થાની YoguratCurry (કઢી) ને હેલ્થી કરી તરીકે માન્યતા આપવામાં આવી છે. આ કરીઓ સિવાય અમેરિકામાં જેણે સ્પાઈસનો વધુ ચટકો લગાવ્યો હોય તો તે મસાલાચાય છે. હર્બલસ્પાઇસથી ભરેલા મસાલાચાયની માંગ જોઈ અમેરિકન સિલ્કબ્રાન્ડે સિલ્ક ચાય, કાર્ડમમ ચાય, સિનેમોન ચાય, મિંટ ચાય એમ વિવિધ ફ્લેવર યુક્ત મસાલાચાય વસાવી છે જેને અમેરિકન લોકો બોડીવોર્મર તરીકે ઓળખે છે. સિલ્ક બ્રાન્ડની આ સફળતાને જોઈને વેગમેન, વોલમાર્ટ, વોલગ્રીન, એકમે, વગેરે માર્કેટે પણ પોતપોતાની ભારતીય બ્રાન્ડ શરૂ કરી છે. જેમાં પ્રખ્યાત અને નોન પ્રખ્યાત ભારતીય ફૂડનો સમાવેશ કરાયો છે. મોટામોટા ફૂડ માર્કેટને બાદ કરતાં સીવીએસ, રાઇટએડ, શોપરાઇટ, વાઇટામીન વગેરે જેવા મેડિકલ સ્ટોર્સમાં પણ ભારતીય રેડી ટુ ઈટની અનેક વેરાઇટી જોવા મળે છે.  

યુ.એસ માર્કેટમાં ભારતીય સ્વાદનું નામ મોટું કરવામાં ભારતીય ફૂડ, સાથે ભારતીય ફિલ્મોનો પણ ફાળો રહેલો છે. આ ઉપરાંત અહીં વસેલ આમ પ્રજાની સાથે કેટલીક ખાસ વ્યક્તિઓનો પણ છે જેમાં ડો. દિપક ચોપરા, શેફ વિકાસ ખન્ના, મન્નિત ચૌહાણ, સુવીર સરન વગેરેનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક મેઇન લાઇન લાઇબ્રેરીએ અમેરિકન શેફને તૈયાર કરવા માટે ભારતીય સ્પાઇસ, ટેસ્ટ, યોગા અને આયુર્વેદ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે અને આજ વિષયને લગતા ભારતીય ફૂડ અંગેની હિસ્ટ્રી, રેસિપીઓ વિષેની અનેક બુક્સો વસાવી છે, જેમાંથી અમુક બુક્સ તો પ્રાચીન એશિયન બૌધ્ધ ધર્મમાંથી પણ લેવાઈ છે. અમેરિકન શેફ એમરીલ અગ્ગસી ભારતીય ફૂડને “રસાયણ ફૂડ” તરીકે ઓળખે છે, તેથી તેમણે પોતાની ઘણી રસોઈ ટેકનિકમાં ભારતીય કૂકિંગ ટેકનિકને પણ મહત્વ આપ્યું છે. ૧૯૯૫ પછી યુ.એસની ધરતી પર ભારતીય સ્વાદ અને સુગંધે વધુ પોતાના પગ દ્રઢ કર્યા. આ સમયમાં ઓસ્કાર નોમિનેટ મૂવી લગાનને “કારણે ભારતીય સ્વાદ માટે એક આકર્ષણ ઊભું થઈ ગયું. પરંતુ સ્લમ ડોગ મિલ્યોનેર મૂવી પછી ભારતીય સ્વાદનો પ્રભાવ આખા યુ.એસમાં છવાઈ ગયો.  

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ. //ISBN-13: 978-1500299903
purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત:- 2014

 

અષાઢ માસ એટ્લે મહેંકતું મન

અષાઢી વાયરે ઝૂમીને મહેંકતું મારું મન
મોર બનીને ભીની માટીમાં ટહુકતું મારું મન
ભીની હથેળીએ વરસાદી બુંદને ઝીલતું મારું મન
ભીતરને ભીતર મને ભીંજવી જતું અષાઢી જળ

અષાઢ મહિનાને કવિ કાલિદાસે ગાતા કહ્યું છે કે અષાઢ મહિને નભ વાદળોની હારમાળા લઈને આવે છે અને તરસી ધરતી પર પોતાનું જળ વરસાવી તેને તૃપ્ત કરે છે, ત્યારે ધરતી પર રહેલા મનુષ્યો અને મલ્લિકાનાં છોડ તે અષાઢી જલબિંદુઓને પોતાના હસ્તરૂપી ઘટમાં ઝીલી લે છે. કવિ કાલિદાસનાં અષાઢી વાદળોની જેમ આપણો અષાઢ મહિનો ભગવાન કૃષ્ણ અને માતા પાર્વતીના મહિમાને લઈને આવે છે.

રથયાત્રા:- અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી થાય છે. કલિયુગમાં ભારતમાં ચાર દિશામાં ચાર ધામ અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતા ધામોમાં જગન્નાથપૂરી પણ એક છે. નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ રથોમાં ભગવાનજગન્નાથજી,દાઉ બલરામજી અને નાની બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે,જેમાં દેવરાજ ઇન્દ્રએ ભગવાન જગન્નાથજીને આપેલ રથનું નામ નંદીઘોષ, દાઉજીનાં રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાજીનાં રથનું નામ પદ્મધ્વજ છે. આ ઉત્સવ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા અનુસાર મહારાજ કંસનાં આમંત્રણથી કૃષ્ણ અને દાઉજી રથમાં બેસીને અક્રૂરજી સાથે મથુરા પધાર્યા હતાં તેથી તે દિવસે ભગવાન કૃષ્ણનું જગત કલ્યાણ અર્થે કાર્યની શરૂઆત હતી તેથી તે પ્રસંગને યાદ કરતાં રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે, બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી નાની બહેન સુભદ્રાને મથુરાની કથા સુણાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કાકા અક્રૂરજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરી હતી તે પ્રસંગ કહ્યો. દાઉજીની વાત સાંભળીને સુભદ્રાજીએ પણ પોતાના બંને મોટાભાઈઑ સાથે એજ રીતે રથમાં બેસી નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નાની બહેનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે કૃષ્ણ, દાઉજીએ રથયાત્રા કાઢી. જ્યારે ગર્ગપુરાણ અનુસાર એકવાર દ્વારિકામાં સર્વે રાણીઑ રાધાજી વિષે માતા રોહિણીને પૂછવા લાગી ત્યારે માતા રોહિણીએ સુભદ્રાજીને કહ્યું કે પુત્રી આ કથા આપને માટે નથી માટે આપ દ્વાર ઉપર ઊભા રહી આપના બંને ભ્રાતૃઑ ખંડમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખો સુભદ્રાજી માતાની આજ્ઞાને ઉથાપી ન શક્યા તેથી બંધ દ્વારની પાછળ ઊભા રહી ચોકી કરવા લાગ્યા તે જ સમયે દાઉજી અને કૃષ્ણ પધાર્યા ત્યારે સુભદ્રાજીએ માતાની આજ્ઞા કહી સંભળાવી ત્યારે કુતુહલતાને કારણે દાઉજી અને કૃષ્ણ દ્વાર પર કાન મૂકી માતાની વાત સાંભળવા લાગ્યા પોતાના બંને ભાઈઓએ આ રીતે કરતાં જોઈ સુભદ્રાજીએ પણ બંને દાદાભાઈઓનું અનુકરણ કરવા લાગ્યા. તે સમયે દ્વારની અંદરથી થતાં રાધા નામનાં ઉચ્ચારણ સાંભળીને દાઉજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનાં હાથ, અને પગ સંકોચાઈ ગયાં અને આંખો ભક્તિની ઉત્તેજનાને કારણે વિશાળ થઈ ગઈ. તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે આપ આપના આ સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની આ વિનંતિ માન્ય રાખી જ્યારે જગન્નાથપૂરી (ઓરિસ્સા)ની કથા અનુસાર ત્યાંનાં રાજાને એક વિશાળ લાકડું તેનાં ગામની નદીમાંથી મળેલું તે રાજા વિચારવા લાગ્યો કે આ વિશાળ લાકડાનું શું કરવું? તે રાત્રીએ રાજાને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવતીકાલે આવશે તેને તું આ લાકડું સોંપી દેજે. બીજે દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકારએ આવીને રાજા પાસે તે લાકડાની માંગણી કરી કહ્યું કે મહારાજ હું ૨૧ દિવસ એકાંતમાં રહી આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ લાકડામાંથી મુર્તિ ન બનાવી લઉં ત્યાં સુધી આપે મને એકાંતમાંથી બહાર આવવા ન કહેવું. રાજાએ તેની વાત માન્ય રાખી પણ સોળમાં દિવસે જ રાજાએ કુતૂહલતાવશ તે શિલ્પકારનો દરવાજો ખોલી કાઢ્યો ત્યારે ત્યાં ધડ અને મસ્તક સહિતનાં પણ હાથ, પગ વગરનાં દાઉજી, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયેલો. તે જોઈ રાજાને પસ્તાવો થયો પણ વચન તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું તું અમારી આ જ સ્વરૂપમાં પૂજા કર. રાજાએ પોતાના પ્રભુની તે વાત માન્ય રાખી અને તેણે રથયાત્રા કાઢી પોતાના પ્રભુને પધરાવ્યાં, પછી ભક્તિ આનંદને વશ થઈ અશ્વ જોડવાને બદલે પોતે જ અશ્વ બનીને રથ ખેંચવા લાગ્યો ત્યારથી તે આજ સુધી નાતજાતનાં ભેદભાવ વગર દરેક ભક્ત સ્વહસ્તે ભગવાન જગન્નાથજીનો રથને ખેંચે છે. સારસ્વત-દ્વાપર યુગમાં આ દિવસે પ્રથમ વર્ષા થયા બાદ શ્રી ઠાકુરજીએ (કૃષ્ણ) રાધારાણી સાથે રથમાં બેસીને વ્રજ-વૃંદાવનની શોભા નિહાળી હતી.ત્યાર પછી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજભકતોના ઘરેઘરે પધાર્યા અને તેમના સર્વે મનોરથો પૂર્ણ કર્યા. પુષ્ટિમાર્ગમાં આ દિવસે શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્રાર્થ વિજયી થઇ જગન્નાથપુરી પધાર્યા હતાં,ત્યારે ભગવાન જગન્નાથજીએ તેમને ૩ આજ્ઞા કરી હતી જેનું પાલન આજે પણ થાય છે. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજી અડેલ પધાર્યા અને ત્યાં જ સ્થિર થયાં પછી બીજે વર્ષે  નવનિતપ્રિયાજીને રથમાં પધરાવીને વાજતેગાજતે ગામમાં ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો. આથી આ દિવસે શ્રીજીબાવા સિવાયના અન્ય સ્વરૂપો રથમાં બિરાજે છે. રથયાત્રાને દિવસે  શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કાશીના હનુમાન ઘાટ ઉપરથી વ્યોમાસુરલીલા કરી હતી તેથી શ્રીજીબાવા આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરે છે.

કસુંબા છઠ્ઠ:- અષાઢી સુદ છઠ્ઠ તે કસુંબા છઠ્ઠ તરીકે ઓળખાય છે. આ દિવસે મથુરા ગયેલા શ્રીપ્રભુની રાહ જોઇ રહેલી વિરહિણી વ્રજાંગનાઓ આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરીને પનઘટ ઉપર શ્રીઠાકુરજીની રાહ જોતી હતી. આ દિવસે શ્રીનાથજી બાવા ઘેરા રંગના વસ્ત્રો  ધારણ કરે છે, આ દિવસે શ્રી વલ્લભનંદન શ્રીવિઠ્ઠલનાથજીનો છ માસનો વિરહ પૂર્ણ થયો  હોઈ તેઓ શ્રીનાથજી બાવાની સેવામાં પાછા પધાર્યા હતાં,તેથી આ દિવસે પુષ્ટિમાર્ગમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

ખસખાના-નૌકાવિહાર:- અષાઢ મહિનામાં યમુનાજીમાં નવા નીર આવવાનાં આનંદમાં વ્રજભકતો આ ઉત્સવ ઉજવે છે. આ આખો મહિનો વાદળોની ઉષ્ણતા ઓછી કરવા વ્રજભકતો અને વૈષ્ણવો ગુલાબજલના ફુવારા કરે છે,જુઇ,ચમેલી,માટી,મોગરો,ગુલાબ,ચંદન વગેરેનાં અત્તરનો છંટકાવ કરે છે. પોતાના પ્રભુની આજુબાજુ સઘનકુંજ, કુંજ, નિકુંજ  સિધ્ધ કરી શ્રી મદનમોહનજીને પધરાવે છે અને સંધ્યા કે રાત્રીના સમયે પ્રભુને નૌકાવિહાર કરાવે છે.

ગુપ્ત નવરાત્રી અને માતાનાં વિવિધ ઉત્સવો:- આખા વર્ષ દરમ્યાન મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્છે.જ્યારે અષાઢ માસમાં આવતી નવરાત્રી ગુપ્ત ગાયત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગુપ્ત હોય કે પ્રગટ હોય….. નવરાત્રી તે નવરાત્રી છે બંને સ્વરૂપમાં નવરાત્રી એ માતા શક્તિનું, માતા પાર્વતીનાં વિવિધ સ્વરૂપોનાં પૂજનનું સૂચક છે તેથી આ નવરાત્રી દરમ્યાન પણ દેવીભક્તો માતા જગદંબાનું પૂજન, અને આરાધના કરે છે, ગૃહમાં માતાની મૂર્તિ કે ઘટનું સ્થાપન કરી નવ દિવસ સુધી અનુષ્ઠાન કરે છે. આ ઉપરાંત માતાનાં વિવિધ સ્વરૂપ અનુસાર ગૌરી વ્રત, જયાપાર્વતી, એવરત-જીવરત વ્રત, દિવાસો વગેરે વિવિધ વ્રતો પણ આવે છે જેને બાલિકાઓ, કુંવારીકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ-એકટાણા, કથા, પૂજન, શ્રવણ દ્વારા ઉજવે છે અને માતાના વિવિધ નામોનું, સ્વરૂપોનું અને લીલાઓનું સંસ્મરણ કરી દાન પુણ્ય કરે છે અને માતાની કૃપા મેળવીને મોક્ષનાં અધિકારી બને છે.આ તહેવારો ઉપરાંત આ મહિનામાં દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા, અને કચ્છી નૂતન વર્ષ પણ આવે છે. જે નવા વર્ષની શુભકામના સાથે મંગલમય દિવસોની પણ આશ લઈને આવે છે ત્યારે ભીનાશ ભરી ઠંડક સાથે નવજીવન આપી જાય છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત 2013

કોંકણનો રસપ્રદ ઇતિહાસ

કોંકણનો રસપ્રદ ઇતિહાસ

મહારાષ્ટ્રનાં હૃદયમાં વસેલા અનેક સુંદર પ્રદેશોમાં એક કોંકણ પ્રદેશ પણ છે. જે સહ્યાદ્રીની પર્વતમાળા, લોકમાતાઑનાં સ્વચ્છ નીરતટ્ટ, અરબી સમુદ્રનાં નિર્મળ સૌંદર્યદૃશ્યોથી છલકાવતી પ્રકૃતિને પોતાની ગોદમાં સમાવીને બેસેલ કોંકણની ભૂમિનો ઇતિહાસ અત્યંત રસપ્રદ અને યુગો જૂનો છે. જે ભગવાન પરશુરામનાં માતા રેણુકાજીનાં નામ પરથી આવ્યો હોવાની માન્યતા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રદેશમાં માતા રેણુકાનો જન્મ થયો હતો. માતા રેણુકાની માતાનું નામ કુંકણા હતું જેને કારણે રેણુકાજી કુંકણાસૂતા તરીકે ઓળખાતાં હતાં. સમયાંતરે કુંકણાસૂતા રેણુકાજીને આસપાસનાં લોકો કોંકણાને નામે ઓળખતા થયાં હતાં. પાછળથી આ કોંકણાનું નામ પણ અપભ્રંશ થતાં આ પ્રદેશ કોંકણ તરીકે ઓળખાવા લાગ્યો. આજે પણ આ પ્રદેશમાં માતા રેણુકા કોંકણાદેવીને નામે પૂજાઈ રહ્યા છે. જ્યારે કોંકણની માછીમાર પ્રજા માતા કોંકણાને સૂથીદેવીને નામે ઓળખે છે. સ્થાનિક લોકો કહે છે કે જે સુહાગી સ્ત્રીઓ માતા કોંકણાનું વ્રત રાખે છે તેને ત્યાં ભગવાન પરશુરામ જેવા પ્રતાપી સંતાનોનો જન્મ થાય છે.

કોંકણનો ઉલ્લેખ:- મહાભારત, બૃહદસંહિતા, વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, અગ્નિપુરાણમાં કોંકણનો ઉલ્લેખ ઘટાદાર વૃક્ષોનાં પ્રદેશ તરીકે થયો છે. મહાભારતમાં તો સૌરાષ્ટ્ર, તુલંગ, કેરલ, કરહાટ, કર્ણાટ, બર્બર, કાકેણ એ સાત પ્રકારનાં કોંકણ પ્રદેશનો ઉલ્લેખ થયો છે. આ સપ્તકણપ્રદેશમાં સાગરનાં નિધિ સમાન દીસતી વિશાળ સરિતાઓ વહેતી હતી અને વિશાળ નદીઓનાં તટ્ટવર્તીય પ્રદેશમાં કિરાત, માછીમાર, ભીલ વગેરે પ્રકારની વિવિધ જનજાતિઑ વસતી હતી.  જ્યારે પર્વતીય પ્રદેશમાં આદિવાસી પ્રજાનો નિવાસ હતો. મહાભારતમાં ઉલ્લેખિત કરાયેલ આ વાતની સહ્યાદ્રી સાહિત્ય ખંડમાં પૂર્તિ કરવામાં આવી છે. પરંતુ તે સમયે (મહાભારતનાં સમયે) સૌરાષ્ટ્ર અને સુરાષ્ટ્ર તરીકે બે પ્રદેશો ઓળખાતા હતાં જેમાં સુરાષ્ટ્ર એ આર્નત દેશમાં (આજનું ગુજરાત) આવેલ હતું જે આજે સૌરાષ્ટ્ર તરીકે પ્રખ્યાત છે, જ્યારે સૌરાષ્ટ્રનો પ્રદેશ એ ચેરનાં વૃક્ષોનું મહાકાય જંગલોનાં પ્રદેશ તરીકે ઓળખતો હતો. આ જંગલોમાં વૃક્ષો એટલા ઊંચા હતાં કે દિવસે પણ સૂર્ય પ્રકાશ ધરતી પર પહુંચવા માટે અસક્ષમ હતો. આજ મહાકાય જંગલોનો આ પ્રદેશ આજે કોંકણ તરીકે ઓળખાય છે. આજનાં કોંકણમાં સાત જિલ્લાઓ આવેલા છે. ઇતિહાસકારોનું માનવું છે કે આ સાત જિલ્લાઓ જ એક સમયે સપ્ત કોંકણ તરીકે પ્રખ્યાત હતાં. મહાભારતની પહેલાનાં સમયમાં આ પ્રદેશ અપરાંતનાં નામથી પ્રસિધ્ધ હતો જ્યારે સાતમી સદીનાં પ્રપંમચહૃદયમ્ નામનાં ગ્રંથમાં કૂપક,કેરલ, મૂષક, આલૂક, પશુકોંકણ અને પરકોંકણનાં રૂપમાં આ પ્રદેશનો ઉલ્લેખ થયેલો છે. મધ્યકાલીન યુગમાં કોંકણ દેશને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો જેમાં તાપ્તી લઈને વસાઇ સુધીનો પ્રદેશ, બર્બરથી લઈને બાણકોટ સુધીનો પ્રદેશ, અને વિરાટ-દેવગઢથી લઈને કિરાત સુધીનાં પ્રદેશને કોંકણ દેશ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો હતો. જ્યારે યૂનાન, ચીની, અરબી અને મિસરનાં સાહિત્યોમાં કાંગ અથવા કાંગું પ્રદેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોની માન્યતા છે કે કાંગ અથવા કાંગુંએ શબ્દો તામિલ ભાષાનાં શબ્દો છે. આમ થવાનું કારણ એ છે કે એક સમયે ભારત વર્ષમાં તામિલ પ્રદેશ એ દ્રવિડ લોકોની ઓળખ હતો અને આ પ્રદેશ અતિ વિશાળ હતો. દ્રવિડોનાં આ વિશાળ પ્રદેશમાં કોંકણનો પ્રદેશ પણ સમાયેલો હતો.

કોંકણ નામ પાછળ વસ્તુસ્થિતિ જે હોય તે પરંતુ ૪ થી સદીનાં સાહિત્યનાં ઇતિહાસમાં આ પ્રદેશનો સૌ પ્રથમ ઉલ્લેખ થયો હતો. ચોથી સદી બાદ ચાલુક્યવંશનાં ઇતિહાસમાં પણ કોંકણપ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોથી સદીની પૂર્વેનાં ઇતિહાસનાં અતીતમાં વધુ ઊંડા જઈએ તો જાણવા મળે છે કે એક સમયે કોંકણનો પ્રદેશ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યને અંતર્ગત હતો. ત્યારબાદ આ પ્રદેશ પર રાજા સાતવાહનનું આધિપત્ય થયેલું હતું. રાજા સાતવાહન બાદ ૧૨ મી સદીમાં કોંકણપ્રદેશ પર સિલાહાર રાજવીઓએ અને તેમનાં વંશજોએ લાંબા સમય સુધી કોંકણદેશ પર રાજ્ય કર્યું ત્યારબાદ દેવગિરીનાં રાજ્યએ કોંકણ પ્રદેશને જીતી લઈ પોતાના રાજ્યનો એક ભાગ બનાવ્યો. દેવગિરી રાજ્ય પાસેથી કોંકણને રાજા નાગરદેવે જીતી લઈ પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. ૧૩ મી સદીમાં રાજા નાગરદેવ પાસેથી ગુજરાતનાં સુલતાને આ પ્રદેશ પર જીત મેળવી ગુજરાત દેશનો (તે સમયે) ભાગ બનાવ્યો. ત્યારબાદ ૧૭ મી સદીમાં મુરુંડ જંજીરા બેટને છોડીને સમસ્ત કોંકણ પ્રદેશ પર છત્રપતિ શિવાજી મહારાજનો અધિકાર સ્થાપિત થયો. મહારાજ શિવાજી પછી કોંકણ ઉપર પેશવાઑનો અધિકાર રહ્યો. ત્યારબાદ પેશવાઑ પાસેથી આ પ્રદેશ અંગ્રેજોનાં તાબામાં ગયો. આપણાં દેશનો વ્યાપારિક ઇતિહાસ કહે છે કે એક સમયે કોંકણનાં અરબી સમુદ્રને કારણે કોંકણપ્રદેશનો વ્યાપાર મિસ્ત્ર, રોમ, યૂનાન, બેબિલોન, ઈજિપ્ત, અરેબિયા વગેરે દેશો સાથે ચાલતો હતો.

કેવી રીતે જશો? :- અત્યંત રસપ્રદ ઇતિહાસ ધરાવતો આ કોંકણનો પ્રદેશ આજે પણ એટલો જ પ્રકૃતિથી છલકાતો અને અનેક ઐતિહાસિક કથાiઓને લઈને બેસેલો હોઈ ટુરિસ્ટો માટે એક આદર્શ પોઈન્ટ તરીકે પુરવાર થયો છે. આમ તો કોંકણ જોવા માટે જવું હોય તો કોઈપણ સિઝનમાં જઈ શકાય છે, પરંતુ તેમ છતાંયે મિડ વર્ષાઋતુ દરમ્યાન ટ્રેન દ્વારા કોંકણનાં પ્રકૃતિક સૌંદર્યને માણવું તે એક લ્હાવો છે. આ સિવાય પ્રાઈવેટ વાહન દ્વારા પણ જઈ શકાય છે આ ઉપરાંત લકઝરી અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત બસો પણ પૂનાથી દર અડધી કલાકે ઉપડતી હોય છે. વરસાદની સિઝનમાં પ્રાઈવેટ વાહન દ્વારા જવાનો એ ફાયદો છે કે વર્ષાઋતુનાં બુંદોને માણતા માણતા જવાનો આનંદ અનેરો બની  જાય છે. પરંતુ સાથે એ પણ છે કે કોઈપણ સિઝનમાં અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન બને તેટલું ઝડપથી અને રાત પડી જાય તે પૂર્વે કોંકણમાં જે સ્થળે રાત રોકાવાનું નક્કી કર્યું હોય ત્યાં પહોંચી જવું જરૂરી છે. આમ ઝડપથી પહોંચવા માટેનાં અનેક કારણ છે. પ્રથમ કારણ એ કે કોંકણનો રસ્તો એ ઘાટ કહેવાય છે. રાત્રિનાં સમયે આ રસ્તો સૂમસાન થઈ જાય છે તેથી લુટાઈ જવાનો ભય રહેલો છે, બીજું કારણ એ  અંધારામાં આડા અવળા અને સાંકડા રસ્તાઓવાળો ઘાટ ચડવો ડેન્જર ગણાય છે, ત્રીજું કારણ એ કે ઘાટનાં રસ્તાઓ પર જંગલ આવે છે તેથી ઘણીવાર રીંછ, વાઘ વગેરે જંગલી જાનવરો પ્રાઈવેટ વાહનો સામે આવી જાય છે. આ જાનવરો અચાનક લાઇટ આવવાને કારણે ક્યારે હુમલો કરી બેસે તે કહેવાય નહીં. પરંતુ બસ જેવા મોટા વાહનો હોય તો ખાસ વાંધો નથી આવતો તેમ છતાંયે સાવચેતી રાખવી જરૂરી છે.

કોંકણમાં દર્શનીય સ્થળો:- કોંકણમાં દર્શનીય અનેક સ્થળો આવેલા છે. જેને કોંકણમાં જઈને શાંતિ, સમુદ્ર અને સૌંદર્યને માણવું હોય તેમને માટે દિવેઆગર અતિ ઉત્તમ છે. દિવેઆગરનો શાંત અને રળીયામણો દરિયો, સોપારી, કાજુ અને નાળિયેરનાં વૃક્ષોથી ઘેરાયેલ હરીયાળી, આતિથ્ય ભાવનાથી છલકતાં લોકોને મળીને અત્યંત આનંદ આવે છે. આ ઉપરાંત દિવેઆગરથી કેવળ ૧૫ કિલોમીટરની દૂરી પર આવેલ અને દરિયાની વચ્ચે ઐતિહાસિક ભગ્ન અવશેષોને લઈને ઉભેલ જંજીરાનો ફોર્ટ પણ અદ્ભુત જોવા લાયક સ્થળ છે. આ ઉપરાંત માણવા જેવા સ્થળોમાં શ્રી વર્ધન, હરેહરેશ્વર, રાયગઢફોર્ટ, ગણપતિ પુલે, ર્તકાલિ બીચ વગેરે સ્થળોનો પણ સમાવેશ થાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

કોપીરાઇટ ISBN-978-1500126087

નિસર્ગને ખોળે આવેલ કાસ પઠાર:-

ભારતમાં વર્ષાઋતુને સૌ કોઈ રંગેચંગે વધાવે છે. વાવણી કર્યા બાદ વરસતો વરસાદ ભરપૂર ધન ધાન્ય ઉગાડે છે. પૂરા વર્ષ દરમ્યાન આ એક માત્ર એવો સમય છે જેમાં કુદરત ચોખ્ખા જળથી નહાઈને સ્વચ્છ થઈ જાય છે. કુદરતનાં આ સ્નાન બાદ સમગ્ર જીવસૃષ્ટિ આનંદનાં અતિરેકથી છલકાઈ જાય છે, ત્યારે એક વિચાર હંમેશા આવે છે કે ચાલો પ્રકૃતિથી ન્હાતી કુદરતને નજીકથી નિહાળવા માટે ઘરનાં રૂટિન કાર્યોમાંથી થોડા દિવસ રજા લઈએ. સામાન્ય રીતે આપણે કુદરત છલકાવતાં વિદેશોની ધરતી પર ફરતાં હોઈએ છીએ ત્યારે આપણને સહેજે પણ ખ્યાલ નથી હોતો કે જેને નજીકથી જોવા માટે આપણે આટલા દૂર આવ્યાં છીએ તેનાં બદલે જો ઘર આગણું બદલ્યું હોત તો આજ પ્રકૃતિનુ એક વિશિષ્ટ રૂપ જોવા મળ્યું હોત. ચાલો તો આજે આપણે પણ એક એવું જ ઘર આંગણ બદલીએ અને વિશેષ દૂર ન જતાં નજીક જ જઈએ. વર્ષાઋતુ બાદ સુંદરતા શું છે? શું સુંદરતાની કોઈ વ્યાખ્યા છે ખરી કે? કદાચ આ પ્રશ્નનો ઉત્તર ના જ હશે કારણ કે કહે છે કે જેવી દૃષ્ટિ હોય તેવી જ સૃષ્ટિ દેખાય છે. પરંતુ તેમ છતાં યે સુંદરતાની કોઈ વ્યાખ્યા આપવી જ હોય તો ભારતની પશ્ચિમી ઘાટ ઉપર આવેલ શિવાજી મહારાજની અતિ પ્રિય એવી સહ્યાદ્રીની પર્વતમાળને આપણે સંપૂર્ણ સુંદરતાનું નામ આપી શકીએ. વર્ષાઋતુમાં આ સ્થળ રહસ્યમયી વાદળો સાથે ગુફ્તગુ કરતું હોય છે, તે સમયે આ ઘાટની સુંદરતા ઓર નીખરી ઊઠે છે. વર્ષાનાં આગમન બાદ સહ્યાદ્રી ચારેય બાજુથી રંગોની શોભા, શીતળતા, સુંદરતા અને નિખારતાથી દૃષ્ટિગોચર થાય છે ત્યારે એવું લાગે છે કે હમણાં જ કોઈ દેવકન્યાએ ભૂમિ પર પોતાનાં પ્રથમ પગલાં મૂક્યા છે. લીલીછમ લીલોતરી, જ્યાં જુઓ ત્યાંથી વહેતા સ્વયંભૂ ઝરણાઑ, ફૂલોની ચાદરથી છવાયેલ હરિયાળી ધરતી, વાદળો અને પર્વતની શિખાઓનું મધુરા મિલનનો સ્વાદ લેતી પ્રકૃતિ, અને પ્રકૃતિ સાથે વિવિધ પ્રકારનાં કિટકો, પતંગિયાઓની આંખ મિચોલીનો ખેલ જોઈ કોઈનું મન ન મોહાય તેવું બની જ ન શકે. આમ નિસર્ગનાં સંપૂર્ણ સૌંદર્ય સાથે છલકાતી સહ્યાદ્રીની આ પર્વતમાળામાં સતારાથી ૨૨ કિલોમીટર અને પુણેથી ૧૩૩ કિલોમીટરની દૂરી પર કાસ પઠાર નામનું પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફીમાટે આદર્શ અને ઉત્તમટુરિસ્ટ પોઈન્ટ આવેલ છે. કાસ એ માનવસર્જિત તળાવનું નામ છે. આ તળાવ લગભગ ૧૦૦ વર્ષ પહેલા બંધાયેલું તેવી માન્યતા છે અને પઠાર યાને પર્વતમાળાનો હિસ્સો. આમ સહ્યાદ્રીની પર્વતમાળાને નામ અપાયું છે કાસ પઠાર. આમ તો આ સ્થળ ખૂબ જ સુંદર અને રમણીય છે. વસંત (માર્ચ-એપ્રિલ) અને વર્ષાઋતુ (સપ્ટે –ઑક્ટો) દરમ્યાન અહીં ૧૬૦ પ્રકારનાં વિવિધ રંગ અને પ્રકૃતિ ધરાવતાં ફૂલ એકસાથે ખીલી ઊઠે છે ત્યારે આ સ્થળ એક અદ્ભુત વન્ડરલેન્ડમાં ફેરવાઇ જાય છે. પરંતુ વસંત અને ચોમાસાની ઋતુ બંનેમાં ખિલતા આ વાઇલ્ડ ફ્લાવર્સનાં રંગ અને રૂપ જુદાજુદા હોય છે તેથી આ બંને સિઝનમાં ખિલતા ફૂલોને જોવાનો એક જ અલગ લ્હાવો છે. ખાસ કરીને વર્ષાઋતુમાં તો આ ફૂલોનું રૂપ એકદમ અલગ હોય છે. દૂર-સુદૂર સુધી જ્યાં નજર પડે છે ત્યાં સુધી ગુલાબી, પીળા, કેસરી, જાંબલી, બ્લૂ વગેરે વિવિધ રંગોનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે ત્યારે ફૂલોની નગરી પર આવી ગયાં હોવાનો અહેસાસ થાય છે. આ ફૂલો સિવાય આ પર્વતમાળામાં લગભગ ૧૦૦૦ એકરનાં વિશાળ વિસ્તારમાં જંગલો સહિત ૩૦૦ પ્રકારનાં વન-વનસ્પતિ અને ઓર્કિડ પણ જોવા મળે છે. અહીં જોવા મળતા અમુક shrubs અને plants માંસભક્ષી અને કીટક ભક્ષી છે. અહીં કાસ લેક ઉપરાંત કોયના ડેમ પણ આવેલો છે. જેમ જેમ કાસ ઘાટ ચડતાં જઈએ તેમ તેમ વેલીઑમાં રહેલો કોયના ડેમ ચોખ્ખો દેખાવા લાગે છે. આ સ્થળ મુલાકાત માટે આદર્શ સમય માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બરઓક્ટોબર અને નવેમ્બરનાં પ્રથમ વીક વચ્ચે હોય છે. અહીં આવેલ ચંડોલી નેશનલ પાર્ક અને કોયના વાઇલ્ડ લાઈફ સેંચુરીમાં વાઘનું સંવર્ધન થતું હોવાથી આ બંને સ્થળોને “Sahyadri Tigerreserve”તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે. આ સ્થળ વનસ્પતિ અભ્યાસોમાં ભવિષ્યના સંશોધન માટે સંભવિત સાઇટ પૂરી પાડે છેતેથી તાજેતરમાં આ સ્થળને યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન અર્થાત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

કાસ પઠારની નજીક જોવાના અન્ય સ્થળો:-

કાસ પઠારથી થોડે દૂર સજ્જનગઢ આવેલ છે. ૧૩૪૭ થી ૧૫૨૭ વચ્ચે આ સ્થળનું નામ અશ્વલયા રિશિ હતું જેનું કાળાતરે નામ સજ્જન ગઢ થયું. અહીં શિવાજી મહારાજનાં અનેક કિલ્લાઓમાંનો આ એક કિલ્લો છે. અહીં શિવાજી મહારાજનાં ગુરુ સ્વામી સમર્થ રામદાસજીની સમાધિ આવેલ છે. શિવાજી જયંતિને દિવસે આ કિલ્લાની પરિક્રમા કરવા માટે અનેક લોકો આવે છે. શિવાજી મહારાજ અને સહ્યાદ્રીનાં ઇતિહાસને જાણવાની ઈચ્છા રાખનારા લોકો માટે કાસ પઠાર, સતારા અને સજ્જન ગઢની ટૂર ખૂબ સારી પડે છે. આ ઉપરાંત કોયના ડેમ, ચંડોલી નેશનલ પાર્ક, ટાઇગર પાર્ક વગેરે જોવા જેવા સ્થળો છે. પરંતુ આ પાર્ક સહિત તમામ સ્થળો જોવા માટે ઓછામાં ઓછા ૨ થી ૩ દિવસ હોય તો સુંદર રીતે કુદરતમાં વસેલા આ સ્થળોને માણી શકાય છે. કેવી રીતે પહોંચશો?:- સતારા છોડ્યા બાદ કાસ પઠાર સુધી પહોંચવા માટે સુંદર વળાંકો વાળો ઘાટ છે. ઝીકઝાક વળતાં આ રસ્તાઓમાં સ્લો ડ્રાઇવિંગ કરતાં કરતાં રસ્તાની આજુબાજુ રહેલ સુંદરતાનો ઘૂંટ ધીરે ધીરે પીવાનો આનંદ અત્યાધિક આવે છે. હિમાલયની ફૂલોની વેલી ન જઈ શકતાં લોકોએ આ સ્થળને પણ “ફૂલોની વેલી” નામ આપ્યું છે જે પૂર્ણ રીતે યથાર્થ છે. સ્થાનિક લોકો આ સ્થળને “પર્વતાચે ફૂલ”ને નામે ઓળખે છે. આ સ્થળે પહોંચવા પૂર્વે ઘાટ ઉપર ટોલનાકું છે જ્યાં ટોલભર્યા બાદ અને ટિકિટ લીધા બાદ આગળ વધી શકાય છે. મુંબઈ-પૂનાથી સતારા અને ત્યાંથી કાસ પઠાર સુધી પહોંચવા માટે ટેક્સી, બસ વગેરેની સુવિધા મળી જાય છે. પરંતુ ઘાટ, હરિયાળી, અને ખીલી રહેલી પ્રકૃતિનાં વિવિધ એંગલથી ફોટાઓ લેવા માટે પોતાની કાર હોય વધુ સારું પડે છે. સતારામાં ફૂડ હોલ્ટ લેવા માટે હાઇવે ઉપર આવેલ KasLake, Maharaja વગેરે બે-ત્રણ સારી હોટેલ મળી જાય છે, પરંતુ પ્રોપર સતારામાં સારી હોટેલની કમી છે. ઉપરાંત અહીં બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ ફૂડ મળે છે બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજનાં ૫-૩૦ સુધી હોટેલ બંધ રહે છે તદ્પરાંત સતારા છોડયા બાદ કાસ પઠાર સુધીનાં રસ્તાઓ પર ફૂડ કે પાણી મળતું નથી, માટે આ જરૂરિયાતોને સતારાથી જ પૂર્ણ કરી દેવી અથવા પૂર્ણ સ્ટોક લઈને નીકળવું જેથી તકલીફ ન પડે. આ ઉપરાંત ફૂલો ખીલવાની સિઝનનો સમય જાણીને જ નીકળવું જરૂરી છે, અન્યથા ફેરો ફોગટ ગયો હોવાની લાગણી થાય છે.ઇંગ્લિશમાં Kas plateau અને મરાઠીમાં કાસ પઠાર તરીકે ઓળખાતા આ સ્થળની મુલાકાત લેવા માટે  http://www.kas.ind.in મારફતે રજીસ્ટર કરાવવું સારું પડે છે. ઇતિહાસ, ફોટોગ્રાફી, કુદરત અને વર્ષાઋતુને માણવાની ઈચ્છા રાખનારાઓ સતારા અને કાસ પઠારની ટૂર માટે તૈયારી કરવાનું ન ભૂલશો. All the Best.

પાંચમી દિશા ડિસેમ્બર 2013 માં પ્રકાશિત 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.

purvimalkan@yahoo.com
કોપીરાઇટ ISBN-978-1500126087

ખેતર કોનું? અકબર બિરબલની વાર્તા

અકબર બાદશાહની દિલ્હીમાં એક સ્ત્રીનો પતિ, પુત્ર અને પુત્રવધૂ મરી ગયાં હતાં તેથી તે તેના પૌત્ર અને પૌત્રી સાથે રહેતી હતી. તે સ્ત્રી પાસે એક નાનકડું ખેતર હતું. જેમાં તે ખેતી કરતી અને આનંદિત રહેવા પ્રયત્ન કરતી. તે સ્ત્રી ખૂબ મહેનત કરી વર્ષોવર્ષ સારી એવી કમાણી કરતી હતી. તે સ્ત્રીના લીલાછમ ખેતર અને કમાણી જોઈને એક દિવસ તે સ્ત્રીના સંબંધીઓએ નક્કી કર્યું કે આ સ્ત્રીની જમીન તેની પાસેથી લઈ લઈએ. આમ વિચારી તે સગાવહાલાઑએ તે સ્ત્રીને પોતાના વિશ્વાસમાં લઈ લીધી અને એક દિવસ દગાથી તે સ્ત્રીનું ખેતર તેની પાસેથી પડાવી લીધું. જ્યારે તે સ્ત્રી બાદશાહ પાસે ગઈ ત્યારે બાદશાહે કહ્યું કે બાઈ તારી પાસે ખતપત્ર છે? બાઈ કહે આ રહ્યા ખતપત્ર. બાદશાહ ખતપત્ર જોઈ કહે બાઈ આ તારું ખેતર નથી. તું કેમ ખોટું બોલે છે? તારા બે નાના છોકરા છે માટે હું તને સજા નથી આપતો ને માફ કરું છુ પણ જો ફરી ખોટું બોલી તો સજા દઇશ. આમ કહી બાદશાહે તે સ્ત્રીને દરબારમાંથી કાઢી મૂકી. તે સ્ત્રી જ્યારે રડતાં રડતાં જઇ રહી હતી ત્યારે બિરબલજીએ તેને જતાં જોઈ. તરત જ બિરબલે તે સ્ત્રીને બોલાવી અને રડવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ પોતાની કહાણી બતાવી બિરબલને કહ્યું મહારાજ મારો ન્યાય કરો. ત્યારે બિરબલે તે સ્ત્રીને પૂછ્યું બાઈ તે ખતપત્ર વાંચ્યાં ન હતાં? બાઈ કહે મહારાજ હું લખવા વાંચવાનું નથી જાણતી ને વળી સગાસંબંધી ઉપર વિશ્વાસય હોય ને. આ સાંભળી બિરબલે કહ્યું સારું તું જા હું કાંઈક વિચારીશ.

બાઈ સાથે વાત કર્યા પછી બિરબલજી તો ૨-૩ સિપાઈઓને લઈને ઉપડયા તે બાઈના ખેતરે. ત્યાં જઇને જોયું તો બાઈના સંબંધીઓ ખેતર ઉપર કામ કરી રહ્યા હતાં. બિરબલજીએ ખેતર જોઈ કહ્યું હાં….સરસ ખેતર છે, કોનું ખેતર છે? તો સગાસંબંધીઓ કહે અમારું ખેતર છે. આ સાંભળી બિરબલજી કહે ઠીક છે. બિરબલજી તો એમ કહી ચાલ્યા ગયાં. બીજે દિવસે ફરી બિરબલજી પાછા આવ્યાં ખેતરમાં આમ-તેમ ફર્યા પછી કહે આ ખેતરના માલિકને બોલાવો. આ સાંભળી તે બાઈના સગાઓ ત્યાં આવ્યાં. તેમને આવેલા જોઈ બિરબલ સિપાહીઓને કહે આ બધાને કારાગૃહમાં પૂરી દો. આ સાંભળી તે સગાઓ ગભરાઈ ગયાં તેથી પૂછવા લાગ્યા  મહારાજ અમારાથી ક્યો ગુનો થઈ ગયો કે આપ અમને કારાગૃહમાં નાખો છો? આ સાંભળી બિરબલજી કહે ગઈ કાલે હું સરસ ખેતર જોવા આવ્યો ત્યારે મારી વીંટી અહીં પડી ગઈ તી….આજે ફરી મારી વીંટી ગોતવા આવ્યો ને વીંટી મળતી નથી તેનો અર્થ એ થયો કે મારી વીંટી આ જમીનના માલિકે લઈ લીધી છે અને તમે કહ્યું કે આ ખેતર તમારું છે તો તમને જ હું કેદમાં નાખું છુ. બિરબલની વાત સાંભળી તે સગાઓ કહે મહારાજ આ ખેતર અમારું નથી આ ખેતર તો પેલી સ્ત્રીનું છે. આ સાંભળી બિરબલે કહ્યું એમ….? તો આ ખતપત્ર પર લખો કે આ જમીન તમારી નથી. બિરબલની વાત સાંભળી બધા જ સગાઓએ લખી આપ્યું કે આ જમીન બાઈની છે અમારી નથી તેથી બિરબલજી જે સજા કરે તે બાઈને કરે અમને નહીં. જ્યારે સગાઓએ લખી આપ્યું પછી બિરબલજીએ પત્ર લઈ બાદશાહ અકબર પાસે ગયાં અને તે સ્ત્રીની વાત કહી સંભળાવી આ સાંભળી અકબર બાદશાહે બાઈને કહ્યું કે તું જો ભણેલી હોત તો આવી ભૂલ ન કરત ને હું યે ભણેલો નથી તેથી કાગળિયા જે જોયા તેના પર વિશ્વાસ કરી લીધો. ક્યારેક જોયેલું પણ ખોટું હોય છે તે વાતની અમને આજે ખબર પડી એમ કહી તે સ્ત્રીને બોલાવી તેનું ખેતર પાછું સોંપ્યું અને તે બાઈના સગાઓને કેદમાં નાખ્યાં. પછી બિરબલજીને કહ્યું કે શિક્ષાનું જ્ઞાન હંમેશા હોવું જોઈએ બિરબલજી માટે આજથી જ આખાયે નગરમાં મદરેસાઑ અને શિક્ષાગૃહ ખોલાવો અને નગરજનોને કહો કે દરેકે દરેક નાગરિકે જરૂર પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરવું. અકબર બાદશાહનો હુકમ સાંભળીને બિરબલજીએ એ વાતનો તરત જ અમલ કર્યો જેથી નગરમાં કોઈ અશિક્ષિત ન રહી જાય.

અકબર બાદશાહ ખુદ અભણ હતો તેથી તેણે શિક્ષાનું મૂલ્ય જાણેલું પણ આજે કેટલા લોકો શિક્ષાનું મૂલ્ય જાણે છે?

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com