Monthly Archives: ઓગસ્ટ 2014

મહારાષ્ટ્રના વિખ્યાત ગણેશક્ષેત્ર 

सर्वेषा स्वस्तिर्भवतु । सर्वेषां शांतिर्भवतु ।
सर्वेषां पूर्ण भवतु । सर्वेषां मंगल भवतु ।।
    लोकाः समस्तः सुखिनो भवंतु ।
सर्वोडत्र सुखिनः संतुः । सर्वे संतु निसमयः ।
सर्वे भद्राणि पश्यंतु । मा कश्चिद दुःखमाप्नुयात ।।

અર્થ:- સર્વ લોકોનું કલ્યાણ થાય, સર્વ લોકોને સુખ શાંતિની પ્રાપ્તિ થાય, સર્વે લોકોની મનોકામનાઑ પૂર્ણ થાય, સર્વ લોકો આ લોક અને પરલોકમાં સુખી થાય, સર્વ લોકોને સુદ્રઢ સ્વાસ્થ્ય મળે અને તેમનું જીવન મંગલમય થાય.

અષ્ટ વિનાયક સિવાય મહારાષ્ટ્રમાં અન્ય ગણેશક્ષેત્રો અતિ પ્રખ્યાત છે.

ગણપતિપુલેના સ્વયંભૂ લંબોદર:- ગણપતિપુલેના સમુદ્રતટ્ટ પર મહર્ષિ પરશુરામજી દ્વારા સ્થાપિત થયેલું એક ગણેશક્ષેત્ર આવેલું છે. આ ગણેશક્ષેત્રમાં વિખ્યાત, જાગૃત એવા સ્વયંભૂ લંબોદરપ્રભુ બિરાજેલા છે. અહીં બિરાજેલ શ્રી લંબોદર મહારાજ એક પહાડના રૂપમાં રહેલા છે. જ્યારે અહીં શ્રી ગણેશજીની પરિક્રમા કરવી હોય ત્યારે આખા પહાડનું એક ચક્કર લગાવવાથી પહાડરૂપ શ્રી લંબોદરજીની પરિક્રમા કરી તેમ કહેવાય છે.

પુણેમાં આવેલ કસબાના ગણપતિ:- કસબાના ગણપતિએ રાજમાતા જીજાબાઈ દ્વારા સ્થાપિત થયેલા છે. જેને લોકો ગ્રામ દેવતા તરીકે ઓળખે છે. જ્યારે પૂનાના પ્રથમ પાંચ ગણપતિમાં કસબાના ગણપતિનો પણ આવે છે. જ્યારે સાર્વજનિક ગણપતિ ઉત્સવ ઉજવાય છે ત્યારે પાંચમાના આ ગણપતિનું પણ પૂજન થાય છે.

સાંગલીના ગણપતિ:- કૃષ્ણા નદીના તટ્ટ પર સાંગલીના આરાધ્ય દેવતાં રહે છે. જેની સ્થાપના શ્રી ચિંતામણિરાવ પટ્ટવર્ધને ૧૮૬૩માં કરી હતી.

રાયગઢ જિલ્લામાં આવેલ કરજત કડાવના દિગંબર સિધ્ધીવિનાયક :- રાયગઢ જિલ્લામાં આવેલ કરજતથી ૧ કી.મી ની દૂરી પર કડાવ ગામમાં બિરાજેલ છે. અહીં બિરાજેલ ગણેશજી વસ્ત્રવિહીન હોવાથી તેમને દિગંબરના નામે ઓળખવામાં આવે છે જેની સ્થાપના કણ્વ મુનિએ કરેલી હતી.

નાસિકના શ્રી મોદકેશ્વર:- જે મોદક સમાન મધુર આનંદ આપે છે તે મોદકેશ્વર છે. અહીં શિવજીના શાપથી ગ્રસીત એવા કામદેવજીને શાપમાંથી મુક્તિ મળી હતી તેવી એક માન્યતા હોવાને કારણે આ સ્થળને કામવરદ મહોત્કટ તરીકે પણ પ્રચલિત છે.

રાજૂરના ગણપતિ:- ઔરંગાબાદથી ૭૦ કી.મીની દૂરી પર આવેલ રાજૂર ગામમાં આ ગણપતિજી બિરાજે છે. આ સ્થળ પર સિંધુરાસુરના વધ પછી વરેણ્યરાજાને શ્રી વિનાયકજીએ ગણેશગીતા સંભળાવી હતી.

કેળઝરના એકચક્રા ગણેશજી:-વર્ધાથી ૨૪ કી.મીની દૂરી પર આવેલ આ સ્થળે પાંડવો એ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરી હતી. પાંડવોના સમયમાં આ સ્થળ એકચક્રા નગરી તરીકે જાણીતું હતું. આજે આ સ્થળ  કેળઝર ગામ તરીકે પ્રખ્યાત છે. 

નાંદેડના ત્રિકૂટ ગણેશજી:- બાલ ગજાનને પિતા શિવની આજ્ઞાનુસાર અહીં અનુષ્ઠાન પૂજા કરી હતી. અહીંના ગણેશતીર્થમાં સ્નાન કરવાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે તેવી માન્યતા રહેલી છે.

નાગપૂર-સીતાબડીના ગણપતિ:- નાગપૂર સીતાબડીના ગણપતિજીની સ્થાપના ભોંસલે પરિવારે કરી હતી. આ સ્થળે પ્રાર્થના કરવાથી મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવી શ્રધ્ધા રહેલી છે.

રાક્ષસભુવન-મરાઠાવાડાના શ્રી વિજ્ઞાનગણેશ:- ગોદાવરી નદીના કિનારે શ્રી દત્તાત્રેય ભગવાને તપશ્ચર્યા કરીને શ્રી વિજ્ઞાનગણેશજીની સ્થાપના કરી હતી. શ્રી વિજ્ઞાનગણેશજીનું આ સ્થળ રાક્ષસભુવન-મરાઠાવાડાના જાલનાથી ૪૦ કી.મીની દૂરી પર આવેલ છે.

લક્ષવિનાયક ક્ષેત્ર વેરુળ:- આ ક્ષેત્રનું પ્રાચીન નામ એલાપુર છે. અહીં ધૃષ્ણેશ્વરના મંદિરમાં આ વિનાયકજી બિરાજેલ છે. શિવપુત્ર કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો તે પહેલા તેમણે ભગવાન શંકરની આજ્ઞાનુસાર શ્રી લક્ષવિનાયકજીનું પૂજન કરેલ હતું. અહીં આ બાબતમાં એક વિસંગતિ છે. સાઉથમાં એવી માન્યતા છે કે ગણેશજી એ મોટાભાઈ છે અને કાર્તિકેયજીએ નાના ભાઈ છે જ્યારે શિવપુરાણ અનુસાર કાર્તિકેયજી મોટાભાઈ છે અને ગણેશજી નાનાભાઇ છે) અહીં આ કથામાં સાઉથની માન્યતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પુણેના સરસબાગના ગણપતિ:- પુણેના સરસબાગની ઝીલમાં સ્થિત આ ગણપતિનું સ્થાપન શ્રીમંત શ્રી સવાઇ માધવરાવ પેશવાએ ૧૭૭૪માં કરેલી હતી. ગણેશોત્સવ દરમ્યાન ઐતિહાસિક મૂલ્ય ધરાવતા આ ગણપતિજીના દર્શન કરવા માટે વિશાળ મેદની એકત્રિત થાય છે.

गणानां त्वां गणपति हवामहे ।
     कवि कवीना उपश्वस्तम् ।
जयेष्ठराजं ब्राह्मणा ब्रहमणस्पतआ नः
   शृण्वउत्कि सिध्ध सादनम ।। (ऋग्वेद)

અર્થ:- હે ગણાધિપતી બુધ્ધિમંતોના અગ્રણી, જ્ઞાનીઓના જ્ઞાની, બ્રાહ્મણોમાં સર્વોત્તમ, શ્રેષ્ઠ કિર્તિમાન રાજાઓના રાજા અમે આપની પ્રાર્થના કરીએ છીએ. આપ અમારી પ્રાર્થના સાંભળી, સ્વીકારી લો અને આમારા નિવાસસ્થાનમાં આપની પૂર્ણ શક્તિ અને સામર્થ્યથી નિવાસ કરો.

પુણેના દગડું શેઠ હલવાઈના ગણપતિ:- દગડું શેઠ ગાડવે મૂળ કર્ણાટકથી આવીને પૂનામાં વસેલા હતાં. અત્યંત સમૃદ્ધ અને નેક દિલ એવા દગડું શેઠનો પૈતૃકી ધંધો હલવાઈનો હતો. એક સમયે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે દગડું શેઠનો પુત્ર પણ આ બીમારીની ઝપેટમાં આવી જતાં તે મૃત્યુ પામ્યો. પુત્રના અને પોતાના અમુક સ્વજનોના અવસાનથી વ્યથિત થયેલા દગડું શેઠ ખૂબ વ્યથિત બની પોતાના ગુરુ મહારાજ પાસે ગયા . ગુરૂમહારાજે ડગડુશેઠને કહ્યું કે આપ એક દત્ત ભગવાનની અને એક ગણપતિ ભગવાનની મૂર્તિઑ બનાવી તેનું સ્થાપન કરો, તેમ કરવાથી આપનું અશાંત થયેલું મન શાંત થઈ જશે. ગુરુ મહારાજની વાત સાંભળીને દગડું શેઠે ભગવાન દત્ત અને ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું. આજે પણ દત્તમંદિરની બાજુમાં દગડું શેઠનો પરિવાર નિવાસ કરી રહ્યો છે. દગડું શેઠે હલવાઈ મંડળની સ્થાપના કરી હતી. આજે દગડું શેઠના વારસદારો પોતાની અટક આજે ગાડવેની બદલે હલવાઈ તરીકેની રાખેલ હોવાથી તેઓ કાકા હલવાઇને નામે પ્રચલિત છે. પુણેના દગડું શેઠ હલવાઈના ગણપતિ એ આખા શહેરમાં સૌથી વધુ ધનિક ગણાય છે. પ્રતિવર્ષ દગડુંશેઠની ઉપર હજારો, કરોડો રૂપિયાનો ચડાવો આવે છે. દગડું શેઠ ટ્રસ્ટ મંડળ આ ચડાવાના રૂપિયામાંથી લોકકલ્યાણના કાર્ય કરે છે.

કોલ્હાપુરના સાક્ષી મોક્ષી ગણપતિ:- અગસ્ત્ય ઋષિ કરવીર ક્ષેત્રની યાત્રાએ આવ્યા ત્યારે તેમણે અહીં સાધના કરી હતી. અગસ્ત્ય ઋષિની આ સાધનાના સાક્ષી રૂપ એવા મોક્ષી ગણેશજીની તેમણે સ્થાપના કરી હતી. સમયાંતરે આ સ્થળ કોલ્હાપુર નામે પ્રસિધ્ધ થયું

ભાલચંદ્ર ગણેશ ક્ષેત્ર:- ચંદ્રદેવની ૨૭ પત્નીઓ હતી પણ તેઓ કેવળ રોહિણીને સ્નેહ કરતાં હતાં. ચંદ્રદેવના આ પક્ષપાતને કારણે તેમને દક્ષના શાપ મળેલો. દક્ષના શાપમાંથી નિવૃતિ મેળવવા માટે ચંદ્રદેવે ગોદાવરીનદીને તીરે આરાધના કરી હતી. આજે આ સ્થળે આ પ્રસંગની યાદીમાં ભાલચંદ્ર ગણેશજી બિરાજી રહ્યા છે. આ સ્થળ પરભણીથી ૨૬ માઈલની દૂરી પર સૈલું સ્ટેશન પાસે આવેલ છે. અહીંથી આજે પણ ગોદાવરી નદીના પવિત્ર નીર વહી રહ્યા છે.

ચિંચવડ પુણેના મંગલમૂર્તિ:- મોરયા ગોસાઇજી દ્વારા સ્થાપિત આ ગણેશક્ષેત્ર એક જાગૃત સ્થાન છે. અહીં સર્વનું કલ્યાણ કરનારા મંગલમૂર્તિ ગણેશજી બિરાજી રહ્યા છે.

રત્નાગિરીના દશભૂજ લક્ષ્મી ગણેશ:- રત્નાગિરીના ગુહાગર તાલુકાનાં હેદવી ગામમાં બિરાજી રહેલા આ ગણેશજી પોતાની દશભૂજાઓ વડે પોતાના ભક્તોને ધનસંપતિ આપતા હોવાથી તેઓને ભક્તજનો તરફથી લક્ષ્મીજીની ઉપમા મળી છે. તમામ ગણેશક્ષેત્રમાં કેવળ આ એક જ ગણેશજી એવા છે જેઓ દેવીને નામે પ્રચલિત છે.

મુંબઈ ગિરગામના ફડકે ગણપતિજી:- ૧૧૮ વર્ષ જૂના આ ગણપતિજીની સ્થાપના શ્રીમંત ફડકેજીએ ૧૮૯૬માં કરી હતી. આ ગણપતિજી મુંબઈના ગિરગામ-પ્રાર્થના સમાજમાં (સિક્કાનગરની સામે) આવેલ છે.

પ્રભાદેવી મુંબઈના શ્રી સિધ્ધિવિનાયક:- મન માંગી મુરાદ પૂર્ણ કરનારા પ્રભાદેવી મુંબઈના આ શ્રી સિધ્ધી વિનાયકજીને પ્રત્યેક મંગળવાર અને ચતુર્થીને દિવસે અહીં અનેક ભક્તો દુર્વા ચઢાવવા એકઠા થાય છે અને તેમના દર્શન કરવા માટે અનેક ભક્તોની લાંબી કતારો અહીં લાગે છે. આ સ્થળનો મહિમા અનેરો છે.

શ્રીમુદ્ગલનું ગણેશ મંદિર:- પરભણી જીલ્લામાં માનવત રોડ સ્ટેશન પાસે આ ગણેશ ક્ષેત્ર આવેલ છે. મુદ્ગલપુરાણના રચનાકાર એવા મુદ્ગલ ઋષિએ અહીં શ્રી ગણેશજીની સ્થાપના કરી હોવાથી આ ગણેશજી મુદ્ગલ ઋષિના નામે પ્રખ્યાત છે.

અલીબાગના શ્રી વક્રતુંડ ગણેશજી:- એક કથા અનુસાર રાજા અભિજિતને ત્યાં વિનાયક ભગવાનની કૃપા વડે પુત્ર પ્રાપ્તિ થઈ હતી. આ પુત્રરત્નની પ્રાપ્તિ બાદ અભિજિત રાજાએ શ્રી વિનાયકજીને કાયમ માટે અહીં જ આવાસ બનાવવાની વિનંતી કરી ત્યારથી શ્રી વિનાયકજી ત્યાં જ આવાસ બનાવી વક્રતુંડ નામ ધારણ કરીને રહી ગયા હોવાનું કહેવાય છે. આ સ્થળ મહારાષ્ટ્રના અલીબાગથી ૧૨ કી.મી ની દૂરી પર આવેલ છે.

મુંબઈ-ટિટવાલાના મહાગણપતિ:- મુંબઈના ટિટવાલાનો ઇતિહાસ કહે છે કે આ સ્થળનો ઇતિહાસ કણ્વ ઋષિના આશ્રમ સાથે જોડાયેલો છે. આ જગ્યાએ રાજા દુષ્યંત અને શકુંતલાના ગાંધર્વ લગ્ન થયા હતાં ત્યારે તેમણે અહીં મહા ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરેલું હતું. મહાભારતના સમયમાં આ મૂર્તિ ગુપ્ત થઈ હતી. શ્રી માધવરાવ પેશવા જ્યારે આ સ્થળ ઉપર એક તળાવનું નિર્માણ કરી રહ્યા હતાં ત્યારે તેમણે આ જગ્યાને પોતાના એક વિશ્વાસુ સરદાર રામચંદ્ર મેહંદળજીને આ સ્થળની જવાબદારી સોંપી હતી . એક દિવસ રામચંદ્રજીને મનમાં શું આવ્યું કે મજૂરને બદલે તેઓ જ ખોદકામ કરવા લાગ્યાં આ સમયે ખોદકામ કરતાં કરતાં તેઓને આ મૂર્તિની પ્રાપ્તિ થઈ હતી. આ મૂર્તિ મળતા જ તેમણે પેશવા માધવરાયજીને સંદેશો મોકલ્યો. તે સમયે સંદેશો મળતા જ પેશવા માધવરાય દોડી આવ્યાં અને વિધિવત પૂજન કરી મહાગણપતિની સ્થાપના કરી. આ સ્થળેનો મહિમા અનેરો છે. કહે છે કે વિવાહ કરવા ઇચ્છતા લોકો આવીને ગણેશજીની સાક્ષીએ સંબંધે જોડાઈને નવદંપતી બને છે તેથી આ ગણપતિજીને લોકો વિવાહગણેશને નામે ઓળખે છે. સંતાનપ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખનારા લોકો આ સ્થળે આવીને ગણપતિજીની આરાધના કરે તો તેમને સંતાનનું સુખ મળે છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત :- ૨૦૧૪ 

 

પર્વ વિશેષ – ગણપતિના અગિયાર સ્વરૂપ

પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પુજાય છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું આહ્વાન કરાય છે. ભગવાન ગણેશને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશનું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ગણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમના સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ગણેશ પૂજન દરરોજ અને મંગલકાર્યમાં હંમેશાં થતું હોય છે, પરંતુ ભાદરવા માસ દરમિયાન દસ દિવસ માટે ખાસ ગણેશ ઉત્સવ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ભક્તજનો ભગવાન ગણેશનાં વિવિધ સ્વરૂપોને પધરાવીને તેમનું ભાવપૂર્વક પૂજન કરે છે. દસ દિવસ બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે, પરંતુ ઘણા આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપ આ પ્રમાણે છે.

બાળ ગણપતિ-

બાળ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક છે તેમ બાળ ગણપતિનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે. બાળ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હાથમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બાળ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

કિશોર ગણપતિ

કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભુજા ધરાવે છે. તેમના અષ્ટ હાથોમાં અંકુશ, પાશ, જાંબુ, ફળ, તૂટી ગયેલો હાથીદાંત, ધાન્ય ભરેલો કુંભ, નીલા રંગનું કમળ, શેરડી અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતા નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

ઊર્ધ્વ ગણપતિ

ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભુજાયુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપના અષ્ટ હાથોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથીદાંત, ધનુષ્ય-બાણ અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલાં વસ્ત્રો ધારણ કરીને સિદ્ધિદેવી બેઠેલાં છે. જે પણ ભક્તજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતાં તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

ભક્ત ગણપતિ

ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હાથમાં શ્રીફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટફળ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેની આરાધના સફળ બને છે.

વીર ગણપતિ

ભગવાન ગણેશની આ પ્રતિમા સોળ ભુજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વના સંરક્ષણના ઉદ્દેશ્યને માટે જો ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

શક્તિ ગણપતિ

શ્રી ગણેશના આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમાં સમાન છે. તેમની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિતદેવી બિરાજમાન છે. ગણપતિના આ સ્વરૂપને બે ભુજાઓ છે. શક્તિ ગણપતિનું સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ બે હાથમાંથી એક હાથ આશીર્વાદ આપે છે અને બીજા હસ્તમાં નીલકમળ છે.

હેરંબ વિઘનેશ્વર

આ સ્વરૂપ હેરંબ એટલે કે સિંહ પર સવાર થયેલું છે. બાર ભુજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હાથ અભય મુદ્રામાં અને જમણો હાથ આશીર્વાદ આપે છે. બાકીનાં હાથમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂળ, લાલ કમળ અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે તથા વર્ણ ઉજ્જ્વળ અને શુભ્ર છે. શ્રીગણેશનું આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

લક્ષ્મી ગણપતિ

શ્રી ગણેશની લક્ષ્મી એટલે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિદેવી બિરાજમાન થયેલાં છે. ગણેશજીનું આ સ્વરૂપ અષ્ટભુજાયુક્ત છે. જેમના હાથમાં શુક, દાડમ, મણિજડિત રત્ન, કળશ, લાલ કમળ, કલ્પલતા વેલ, પાશ, અંકુશ અને ખડગ સોહે છે. રિદ્ધિ અને સિદ્ધિ દેવીઓનાં બંને હાથમાં નીલકમળ રહેલાં છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃદ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

મહા ગણપતિ

બાર ભુજાઓયુક્ત આ મહા ગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહા ગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે. તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમના વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને એક હાથમાં કમળપુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ખોળામાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. બાકીનાં હાથમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડુંડાં, પુષ્પ અને મોદકના લાડુ છે. મહા ગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

વિજય ગણપતિ

સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભુજાઓથી યુક્ત છે. ભગવાન ગણેશની આ ચાર ભુજાઓમાં આમ્રફળ, ગજદંત, પાશ અને અંકુશ છે. મૂષક પર આરૂઢ થયેલ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોનાં મનની તમામ મંગળ અભિલાષા પૂર્ણ કરે છે.

ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ

બાર ભુજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. શ્રી ગણેશની આ દ્વાદશ ભુજાઓમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ અને પુષ્પમાળા રહેલી છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

સંદેશમાં પ્રકાશિત ૨૦૧૧

એક મનન

એક મનન. 

થોડા સમય પહેલા એક વાંચક મિત્રના થોડા પ્રશ્ન આવેલ. તેમના પ્રશ્નોના જવાબ હું મારી મતિ મુજબ આપી રહી છું.

પ્રશ્ન ૧ :-  મારે માટે પવિત્ર અપવિત્ર શું છે?

પ્રશ્ન ૨:- શા માટે પશુપક્ષી  દેવીદેવતાઑ સાથે જોડાયેલ છે? 

પ્રશ્ન ૩ :- લક્ષ્મીજીનું પૂજન કેવળ રાત્રે જ  કેમ થાય છે?  

પ્રશ્ન ૪:- ગાયનું ગોબર પવિત્ર હોય છે તેમ છતાં યે અપવિત્ર કેમ લાગે છે? 

આપણાં શાસ્ત્રોએ ૩૩  કરોડ દેવતાઓનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ આજે પણ ૩૩ કરોડ કે ૩૩ કોટિ એ બંને શબ્દો વચ્ચે અસમંજસ ફેલાયેલી છે. કોટિ શબ્દના બે અર્થ શાસ્ત્રોમાં બતાવેલા છે.પ્રથમ અર્થ કોટિ એટ્લે કે કરોડો અને બીજો અર્થ કોટિ એટ્લે કે અનેક પ્રકારના અથવા કહીએ તો ભાત ભાતનાં. આ બંને શબ્દમાંથી પ્રથમ અર્થ કોટિ વધુ પ્રસિધ્ધ થયો તેથી સામાન્યજનોમાં ૩૩  કરોડ દેવતાઑ હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો. બીજો શબ્દ કોટિમાં આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય,  બાર ચંદ્ર, બાર ઇન્દ્ર, પ્રજાપતિ,ગંધર્વો, અશ્વિનીકુમાર, ૧૨ બ્રહ્મા અને એક આદી બ્રહ્મા, યક્ષો, ૧૬ શક્તિઑ અને આ સોળે શક્તિઓની પેટા શક્તિ તે જક્ષિણીઑ, જોગણી વગેરે શામિલ છે.આપણાં શાસ્ત્રોએ કહ્યું છે કે આ તમામ દેવી દેવતાઓ મળીને કોટિ કોટિના થાય છે. આ દેવી- દેવતાઓનાંને ધર્મએ વિવિધ વાહનો આપ્યાં છે જેઓની સાથે તેઓ રહે છે અને તેઓની મદદ વડે તેઓ અવનગમન કરે છે. બીજી કથા અનુસાર પશુ પક્ષીઓએ પરમ પિતા આદી બ્રહ્માજીને વિનંતી કરીને કહ્યું કે આપે આ સૃષ્ટિને સુંદર બનાવવાનાં ઉદેશ્યથી અમારું નિર્માણ કર્યું છે પરંતુ અમારો જન્મ હિન જાતિમાં થયો છે તેથી અમારી સામે કોઈ પ્રેમથી વર્તન નહીં કરે આથી બ્રહ્માજીએ એ પશુપક્ષીઓને પોતાના સમસ્ત દેવગણ વચ્ચે સોંપી દીધા જેથી કરીને તે દેવી દેવતાઓને માનનાર એ  આ જીવોને પણ એટલું જ માન સન્માન આપે. દા .ખ તરીકે ગણપતિજીનું વાહન મૂષક છે તેથી ગણપતિને માનનાર ભક્ત મૂષકને પણ એટલું જ મહત્વ આપે એટલું જ નહીં પરંતુ પોતાની વિનંતી ગણપતિજી પાસે જલ્દીથી પહોંચે તે માટે મૂષકજીનાં કાનમાં પોતાનો સંદેશો આપે છે જેથી કરીને પોતાની વિનંતી જલ્દીથી ગણપતિજી પાસે પહુંચે આમ કરવાનું કારણ એ કે પ્રભુ પાસે વિવિધ ભક્તજનો આવે છે પરંતુ આ ભક્તો રાત દિવસ પ્રભુની પાસે રહી શકતા નથી પાસે તો ફક્ત ગણપતિજીનો મૂષક જ રહે છે તેથી આ મૂષક આ ભક્તજનોની યાદ પ્રભુને અપાવ્યાં કરે છે. આજ રીતે ભગવાન શિવનું વાહન નંદી અને ભગવતી ઉમિયાનું વાહન બળદ વૃષભ છે ( બંને વૃષભ છે) , ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ છે અને તેઓને શેષ નાગ સર્પ પણ પ્રિય છે,  શનિ દેવનું વાહન કાગડો છે, ભગવતી દુર્ગાનું વાહન સિંહ છે, ભગવતી અંબાનું વાહન વાઘ છે, સૂર્યદેવનાં વાહન રૂપે સાત ઘોડા છે, ભગવાન દત્તાત્રેયનું વાહન કૂતરો છે, દેવરાજ ઇન્દ્રનું વાહન ઐરાવત હાથી છે જેને સાત સૂંઢ છે, શિવ કુમાર કાર્તિકેયજીનું વાહન મોર છે, ગંગાજીનું અને ખોડિયાર માતાનું વાહન મગર છે, માતા ગાયત્રીનું વાહન હંસ છે, લક્ષ્મીજીનું વાહન ગરૂડ છે. આ રીતે દરેકે દરેક પશુપક્ષીઓને વિવિધ દેવી દેવતાઓની વચ્ચે આપણાં શાસ્ત્રોએ વહેંચેલા છે જેથી કરીને તે પશુપક્ષીઓનું પણ મૂલ્ય સચવાઈ રહે. બીજી રીતે કહીએ તો આ પશુપક્ષીઓ માટે આપણાં હૃદયમાં હંમેશા કરુણા રહે તે માટે આપણે જ આ પશુ પક્ષીઓને દેવી દેવતાઓ સાથે જોડેલા છે. આ વાહનોની વાતમાં બીજી દૃષ્ટિ પણ જોઈએ. આ પશુપક્ષીઓ અને દેવી દેવતાઑ બંનેનો સ્વભાવ કંઈક અંશે મળતો પણ આવે છે તેથી તે રીતે પણ આપણે (એટ્લે કે સમાજે) તે સ્વભાવ મુજબ તે જીવોની વરણી તે દેવી-દેવતાઓની સાથે કરી હોય તેવું સંભવિત બની શકે છે. મૂષક બુધ્ધિશાળી અને ચતુર પ્રાણી ગણાય છે તો સામે ગણપતિ પણ બુધ્ધિશાળી અને ચતુર છે, પક્ષી જગતમાં કાગડો ઈર્ષાળુ ગણાય છે તે જે વાતને પકડે છે તેનો તંતુ મૂકતો નથી તે રીતે આપણે શનિદેવને પણ ઓળખીએ છીએ જેમની પાછળ પડી જાય છે તેમની શું દશા થાય છે તે તો આપણે જાણીએ જ છીએ, મોર તે સુંદરતાનું પ્રતિક ગણાય છે તો સામે કાર્તિકેયજીનું સ્વરૂપ પણ અતિ સુંદર મનમોહક છે. કાર્તિકેયજીના મનમોહક સ્વરૂપ ઉપર અનેક કન્યાઓ મોહી પડે છે પણ કાર્તિકેયને માટે પોતાની પત્ની સિવાયની બધી જ સ્ત્રીઓ માતા તુલ્ય છે તેથી તેમના પૂજનનો અધિકાર પણ એવી જ સ્ત્રીઓને મળે છે જેઓ પોતાની પ્રૌઢ ઉમરમાં આવી ગઈ હોય. ) હંસ સ્વભાવે શાંત અને મીઠું બોલનાર પક્ષી તરીકે ઓળખાય છે તો સામે સરસ્વતી માતા પણ મૃદુ સ્વભાવની અને વાણીની દેવી તરીકે પ્રખ્યાત છે, કૂતરો સામાજીક પ્રાણી છે તો સામે દત્તાત્રેય પણ ત્રિદેવ છે જેઓ એકબીજાના સંગ વગર રહી શકતા નથી. આ રીતે મને લાગે છે કે પશુપક્ષીઓ અને દેવીદેવતાઑ બંનેના સ્વભાવ વચ્ચે સામ્યતા રહેલી છે તેથી તેઓ એકબીજા સાથે જોડાયેલ છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ કે બ્રહ્માજીએ પ્રકૃતિમાં રહેલા આ સર્વ પશુપક્ષીઓને કોઈને કોઈ શક્તિનાં હસ્ત નીચે મૂક્યા છે જેથી કરીને તે પશુપક્ષીઓનું પણ માન સન્માન જળવાઈ રહે અને તેઓ હિંસાને પાત્ર ન બને.

રહી ગાય અને ગાયના છાણની વાત. ગાય લગભગ દરેક દેવિદેવતાઓને પ્રિય રહી છે. આપણાં પુરાણોએ પણ ગાયનો મહિમા ખૂબ ગાયેલો છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ ગાયને ખૂબ મહત્વ આપ્યું છે. ભગવાન કૃષ્ણને તો આપણે ગોપાલ તરીકે જાણીએ જ છીએ, જ્યારે રામાવતારમાં કહે છે કે માતા કૌશલ્યા બાળ રામને કહે છે કે જો તું ગાયનાં પયનું પાન કરશે તો તારા સ્નાયુઑ વૃધ્ધિ પામશે અને તું બુધ્ધિશાળી અને બલવર્ધક થશે. વામન અવતારમાં ભગવાને વામનરૂપે ગાયનું પૂજન કર્યું છે. આમ પ્રાચીનકાળથી ગાય એ આપણી ધાર્મિક અને સામાજીક આસ્થાનું કેન્દ્ર બની રહી છે અને આપણા દેશે પણ હંમેશા ગો-પાલનનાં મૂલ્યને મહત્વ આપ્યું છે. ગાયનાં દૂધ, ઘી,દહીંથી શરીર સ્વસ્થ રહે છે અને ગાયના છાણનો ઉપયોગથી આપણે અગ્નિદેવને પ્રસન્ન કરીને આપણી ક્ષુધાશક્તિને શાંત કરીએ છીએ. ધર્મ કહે છે કે ગાયથી મનુષ્ય જીવનને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. પરંતુ, મારી દૃષ્ટિની વાત કરું તો હું પોતે પણ હિન્દુ ધર્મને માનતી હોવાથી ગાય, અને તેના ગોબરને પવિત્ર જ માનું છું પરંતુ તે ગોબરવાળા હાથ પગ થાય તો તે મને ગમતું નથી, હા આગળ જેમ જેમ જણાવ્યું તેમ ગાયના ગોબરનો ઉપયોગ મે પણ ઘણો જ કર્યો છે. મને યાદ છે કે અમારે ઘેર (ગામડામાં) સગડી પર રસોઈ થતી. આ રસોઈ માટે  છાણાંનો ઉપયોગ થતો. તેથી ખાસ હવેલીની ગૌશાળાએથી ગોબર લાવતા. તેને થાપીને તેના છાણા બનાવતા અને ત્યારપછી તેનો ઉપયોગ થતો. પણ તે સમયે ગોબર લાવવાનું કામ મને અને મારી કઝીનને સોંપાતું. અમે તગારું લઈને જતાં. મારી ક્ઝીનન્સમાં હું સૌથી નાની હોવાથી મોટેભાગે મારે ભાગે છાણ ઉઠાવી તગારામાં નાખવાનું થતું. પછી ત્યાં હવેલીની ડંકીએ હાથ ધોઈ તગારું લઈ ઘરે આવતા. મારા હાથમાં ગોબરની વાસ રહેતી હોય છાણાં પણ મારે જ થાપવાના રહેતા. પછી સાબુથી હાથ ધોતી પણ હાથમાંથી છાણની વાસ દૂર ન થતી તેથી મારી દાદી વારંવાર મારા હાથ ધોવડાવતી, ને કહેતી કે તે હાથ બરાબર ધોયા કે હજીયે કેમ ગોબરની વાસ આવે છે ત્યારે તો તે સમયે બધું બાલસુલભ લાગતું પણ આજે સમય જુદો છે. આજે ગોબર હોય કે ચરક, હગાર બધું જ મને ગંદુ લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે મને અપવિત્ર લાગે છે. પવિત્ર અને અપવિત્ર વિષે વિચાર કરું છું તો મને લાગે છે કે મારું મન જેને સરળતાથી સ્વીકારી લે છે તે પવિત્ર છે અને જ્યાં જે જગ્યાએ મારું મન મને ના કહે છે તે મારે માટે અપવિત્ર છે. આપણાં ધર્મમાં કૂતરાને, અપવિત્ર માન્યો છે ત્યાં ભગવાન દત્તાત્રેય કહે છે કે કૂતરો જે સમાજને ગંદુ લાગે છે તે ખાઈને તે જગ્યાની શુદ્ધિ કરે છે માટે કૂતરો પવિત્ર છે, આપણાં ધર્મ કહે છે કે ઘુવડ અપવિત્ર છે પણ એ જ ઘુવડ પર લક્ષ્મીજી બેસીને ઘરે ઘરમાં આર્શિવાદ દેવા નીકળે છે ત્યારે એ પવિત્ર થઈ જાય છે. ઘણા લોકો કહે છે કે હગાર, ચરક વગેરેનો સ્પર્શ થયા બાદ સ્નાન કરવું જોઈએ પરંતુ મારું માનવું એ છે કે સ્નાન તમે ક્યાં કારણથી કરો છો ? જો અપવિત્ર માનીને કરતાં હોય તો સ્નાન ન કરશો પરંતુ તે હગાર ચરક ગોબર વગેરેમાં પણ કોઈપણ પ્રકારના વાઇરસ કે બેક્ટેરિયા રહેલા છે જેને કારણે તમને શારીરિક મુશ્કેલી થઈ શકે છે તેથી તે પ્રોબ્લેમ ન થાય તે હેતુથી સ્નાન કરજો. આમ મારી વિચારશરણી મુજબ એમ કહી શકુ કે પવિત્ર હોવું કે અપવિત્ર હોવું અને ક્યારે સ્નાન કરવું તે પ્રત્યેક વ્યક્તિની વિચાર શક્તિ પર નિર્ભર છે. 

આપનો અંતિમ પ્રશ્ન કે લક્ષ્મીજીનું પૂજન રાતે જ કેમ થાય તેનો ઉત્તર મૂકી રહી છું.

પુરાણોની કથાવાર્તાઓમાં ઉલ્લેખ છે કે રાત્રિનાં સમયે ગૃહોમાં પુષ્પોનાં તોરણ દ્વારે બંધાયેલા રહેતા, અત્તરોનાં દીવા બળતા, ગૃહના આંગણે રંગોળીઓ થતી, સંધ્યા સમયે ભગવાન વિષ્ણુનું પૂજન થતું અને સંધ્યા આરતી થતાં, વાળુ થયા પછી પણ મંદિરમાં અને મૂળ બેઠકસ્થાને મીઠાઇના થાળ ઢાંકેલા રહેતા. રાત્રિના સમયે લક્ષ્મી ઘર ઘર ફરીને જોતી કે ક્યુ ગૃહ સ્વચ્છ છે અને ક્યાં પોતાના આરાધ્ય બિરાજેલા છે. જ્યાં જે ગૃહમાં પોતાના પ્રભુનું સ્થાપન જોતી તેજ ગૃહમાં લક્ષ્મી આનંદિત થઈ સુખાસને બિરાજતી. આથી શાસ્ત્રોનું કહેવું એ છે કે ધર્મને માનનારી સન્નારી રાતના સમયે પણ ગૃહ સ્વચ્છ અને સુંદર રાખીને સુવે છે જેથી કરીને રાત્રિના સમયે ફરવા નીકળેલી લક્ષ્મી પ્રસન્ન થઈ પોતાના આશિષ વર્ષાવે છે. આજ કારણસર આપણાં વડીલો કહેતા કે રાતના સમયે પણ પગમાં ધૂળ કે રજકણો ન આવે તે રીતે ઘર સ્વચ્છ કરીને સૂવું જોઈએ. કારણ કે લક્ષ્મીજી ઘુવડે ચડી ઘર ઘર ફરવા નીકળે છે. આમ જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે લક્ષ્મીજી જાગે છે તેથી શાસ્ત્ર કહે છે કે આપણાં દિવસનું કાર્ય પૂરું થાય તે પૂર્વે લક્ષ્મીજીનું પૂજન કરવાથી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને લક્ષ્મીપતિ પણ પ્રસન્ન રહે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો જે લક્ષ્મીની શાસ્ત્ર વાત કરે છે તે લક્ષ્મી વિવિધ સ્વરૂપે આપણાં ગૃહમાં જ છે અને તે લક્ષ્મી છે ગૃહલક્ષ્મી, માતૃલક્ષ્મી, કન્યા લક્ષ્મી, વધૂલક્ષ્મી. આ ચારેય લક્ષ્મી જ્યારે આપણાં ગૃહમાં શાંતિથી, આનંદિત હૃદયે બિરાજે છે તે ઘરનો પુરુષ લક્ષ્મીપતિ જ છે, અને આવા જ ગૃહમાં વૈભવલક્ષ્મી બિરાજે છે. 

પૂર્વી મલકાણ મોદી યુ એસ એ.

purvimalkan@yahoo.com

post by V.V.M

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય

ગતાંકનું ચાલું

દધિમંથન લીલા : વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દધિ એટ્લે કે દહીં સાથે સરખાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. વ્રજની ગોપીઓ હંમેશા પોતાના દધિને માટલીમાં જમાવતી હતી એનું મુખ્ય કારણ એ છે કે માટલી માટીમાંથી બને છે અને માટી ભૂમિમાંથી આવે છે અને ભૂમિ એ અપરાપ્રકૃતિનું એક મહત્વનું અંગ છે. જ્યારે ચિત્ત રૂપી પય એટ્લે કે દૂધરૂપી પ્રવાહી ભૂમિ રૂપી માટલી અર્થાત અપરાપ્રકૃતિની અંદર મળી જાય છે ત્યારે તે પ્રવાહીને એક આકાર મળી જાય છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે માટલીમાંનું પ્રવાહી તે આપણું તરલ મન છે, જેમ માટલી હલે છે તે રીતે આપણું મન પણ વિવિધ પરિસ્થિતીમાં હાલકડોલક થતું જાય છે. પરંતુ જ્યારે માટલીમાં રહેલ પયરૂપી પ્રવાહીમાં જ્યારે દધિનું બિંદુ મેળવવામાં આવે છે ત્યારે તે પ્રવાહી રૂપી પય દધિરૂપે જામી જાય છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે મનરૂપી તરલ પ્રવાહી અત્યંત ચંચળ છે અને વાસનામય છે તે ચંચળ અને વાસનામય મનને કારણે ચિત્તમાં સતત અવનવા વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. પરંતુ જ્યારે ચિત્તમાં સ્થિરતા આવી જાય છે ત્યારે તે મનરૂપી પ્રવાહી પણ સ્થિર થઈ જાય છે, તે જ રીતે માટલીની અંદર હાલકડોલક થતું દૂધ તે જીવોનું તરલ મન છે જ્યારે તે તરલ મનની અંદર ભગવદ સ્મરણ, વંદન, કિર્તન અને પ્રભુના પાદસેવન રૂપી મેણવણ મેળવવામાં આવે છે અને ચિંતન તથા મનન રૂપી સમય આપવામાં આવે છે ત્યારે તે તરલ મન દધિરૂપે ચોક્કસ ઘનીભૂત આકાર ધારણ કરે છે. મનરૂપી પ્રવાહી સ્થિર થઈ જતાં તે જીવના દેહભાવની અંદર રહેલા દધિરૂપી સ્નેહયુક્ત મનને શ્રી ઠાકુરજી પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે.

દાણલીલા : દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રી ઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. ખરી રીતે જોઈએ તો શ્રી ઠાકુરજીએ દધિમંથન કરીને ચોરી નથી કરી પરંતુ દધિની ચોરી દ્વારા ગોપીઓના સરળ મનની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજ્ભક્તો ઉપર કૃપા કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજી ધર્મી સ્વરૂપે પોતાના તમામ ઐશ્વર્ય છોડીને ગોપીઓના મનનાં મનોરથ પૂર્ણ કરે છે. વળી શ્રી ઠાકુરજીની દાણલીલાની આ ક્રીડા તે રાજભોગની ભાવના છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી ગોપીજનોમાં ભક્તિરૂપે રહેલા વાત્સલ્ય ભાવને, ક્યારેક સખ્ય ભાવને તો ક્યારેક દાસ્ય ભાવને ગ્રહણ કરે છે.

પૂર્તિ : શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઑ રહસ્યમય ચોક્કસ છે પરંતુ તેની પાછળના રહસ્ય અને અર્થને સમજવું તે પણ બ્રહ્મ ઉપાસના સમાન છે. આથી દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ ઉપાસના સમાન શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરીને તેનું ચિંતન અને મનન કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનું સ્મરણ અને શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરતાં ચિત્ત અને હૃદયમાંથી વિષાદ ચાલ્યો જાય છે અને જીવનમાંથી વિષાદ ચાલી જતાં જીવન પ્રસાદમય અને આનંદમય બને છે, જેને કારણે વૈષ્ણવોના ચિત્ત પ્રફુલ્લિત બની જાય છે. અમદાવાદ- કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે દા.ખ તરીકે સારસ્વત યુગમાં જેમ શ્રી ઠાકુરજી પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં તે જ રીતે કલિયુગમાં પણ પોતાના જ ભક્તોના ઉધ્ધાર અર્થે શ્રી ઠાકુરજી ફરી શ્રી વલ્લભ રૂપે અવતરિત થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઓનું પાન કરીને તેમાં રહેલા સારને ગ્રહણ કરવો જોઈએ. જ્યારે શ્રી ઠાકુરજીની કરેલી આ લીલાઓનું હાર્દ સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ-યુ એસ એ.

purvimalkan@yahoo.com

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય

ગતાંકનું ચાલું

પ્રલંબાસુર વધ : ગોકુલમાં આવેલો પ્રલંબાસુર અગ્નિરૂપી પ્રલય બનીને આવેલો અને આખા ગોકુલમાં તેણે અગ્નિ પ્રસરાવ્યો હતો. એ અગ્નિની પ્રજવલિત જવાળામાં સર્વે વ્રજવાસીઓ બળવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરજીએ એ પ્રલંબાસુરનો વધ કરીને દાવાનળનું પાન કર્યું છે . આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે અગ્નિતત્વનું કામ બાળવાનું અને પ્રજાળવાનું છે. આ સંસાર એ પ્રલંબાસુરનું પ્રતિક છે જે સંસારના જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિના અગ્નિથી બાળે છે, પ્રજાળે છે ત્યારે શ્રી ઠાકુરજીની સેવા અને સ્મરણ એ સંસારના દાવાનળને શાંત કરવાનું કામ કરે છે.

 

વત્સાસુર વધ : મધુવનમાં ગૌચારણ કરી રહેલી શ્રી ઠાકુરજીની ધેનુઓમાં વત્સાસુર નામનો અસુર પણ ભળી ગયેલો ત્યારે શ્રી ઠાકુરજીએ એ અસુરને ઓળખી કાઢ્યો અને તેના પગ પકડી આકાશમાં ઉછાળીને મારી કાઢ્યો. સંસ્કૃતમાં વત્સ શબ્દના બે અર્થ બતાવ્યાં છે. પ્રથમ શબ્દ વત્સ એટ્લે કે પુત્ર જ્યારે પુત્રના કર્મો અવિચારી હોય ત્યારે તેના તે અવિચારી કાર્યોથી સમાજને તેનું પરિણામ ભોગવવું પડતું હોય ત્યારે તેવો પુત્ર હોય કે ન હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી. વત્સનો બીજો શબ્દ અર્થ તે વાછરડું છે બીજી રીતે જોઈએ તો વાછરડું પણ ગૌનો પુત્ર જ છે. અહીં પણ આ પ્રસંગમાં વત્સ (વાછરડું) તે દુષ્ટભાવનું સ્વરૂપ છે અને તેના પગલા વ્રજભૂમિમાં પડેલા છે. પરંતુ જે ભૂમિમાં શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દ પડેલા છે તે ભૂમિ તે ભક્તિની ભૂમિ છે અને તે ભક્તિની ભૂમિમાં દુષ્ટો કે દુષ્ટતાનું કોઈ સ્થાન ન હોઇ શકે તેથી શ્રી ઠાકુરજીએ ગૌના પુત્ર એવા વત્સાસુરનો વધ કરી વ્રજભૂમિને નિર્મળ કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં વિશેષ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે દરેક જીવની અંદર જ દુષ્ટતા રૂપી વત્સાસુર રહે છે તે દુષ્ટતાનો નાશ કર્યા વગર જીવોનું ભક્તિમાર્ગમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે તેથી ખાસ કરીને કલિયુગમાં રહેલા આ પુષ્ટિ જીવો જો સતત શ્રી ઠાકુરજીનું નામ સ્મરણ કરે તો જ જીવોમાં રહેલી દુષ્ટતાનો અંશ ઓછો થાય છે.

 

બકાસુર વધ : વ્રજભૂમિમાં યમુનાજીના કિનારે જ્યારે શ્રી ઠાકુરજી પોતાના સખાઑ સાથે ખેલી રહ્યા હતા ત્યારે બકાસુર નામનો અસુર બગલાનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને આવીને તેણે શ્રી ઠાકુરજી તથા તેના સખાઓને પોતાની વિશાળ ચાંચથી ગળી જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રી ઠાકુરજીએ તેની વિશાળ ચાંચ પકડીને ચીરી નાખ્યો અને ગોપબાળકોની રક્ષા કરી. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે બકાસુર બગલાનું રૂપ લઈને વ્રજભૂમિમાં આવ્યો છે અને બગલો તે દંભનું પ્રતિક છે. બગલાને બે વિશાળ ચાંચ છે તે બંને ચાંચ તે અનૃત એટ્લે કે અસત્ય અને લોભનું પ્રતિક છે જ્યાં સુધી પુષ્ટિજીવોમાં અનૃત અને લોભ રહેશે ત્યાં સુધી જીવમાં ભક્તિમાર્ગ દ્રઢ થવાની શક્યતા નથી. તેથી પુષ્ટિજીવોએ સૌ પ્રથમ પોતાના જીવનમાંથી દંભ, અનૃત અને લોભનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે જીવોમાંથી આ અનિષ્ટ તત્વો દૂર થશે ત્યારે જ જીવો ભક્તિના માર્ગની કેડી પર પગલાં મૂકી શકશે.

 

નાગદમન : અભિમાન અને અહંકારરૂપી ભયંકર વિષમય સર્પ  આપણા મન, હૃદય અને મસ્તક પર ચઢીને બેસેલો છે ત્યારે કેવળ શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ આપણાં પર ચઢી બેસેલા અહંકાર યુક્ત સર્પનું દમન કરે છે. તે વખતે આપણી અંદર જ છુપાયેલી નાગપત્ની રૂપી દિનતા અને દૈન્યતાઓ જ્યારે પ્રભુની સંપૂર્ણ શરણારગતિ સ્વીકારે છે ત્યારે અહંકારયુક્ત થયેલા જીવને પ્રભુ ક્ષમા આપે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કરીને તેના પર વિજય મેળવ્યો છે. શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે.

 

દામોદર લીલા : શ્રી ઠાકુરજીનું એક નામ દામોદર પણ છે. માતા યશોદાએ શ્રી ઠાકુરજીની માખણચોરી અને વ્રજનારીઓની ફરિયાદથી કંટાળીને શ્રી ઠાકુરજીને દામણે એટ્લે કે દોરડા વડે બાંધવા પડેલા. દામોદર એ શબ્દ બે શબ્દનું સંમિલિત સ્વરૂપ છે દામ એટ્કે કે દોરડું અને ઉદર એટ્લે કે પેટ. માતા યશોદાના અથાગ પ્રયત્ન બાદ ન બંધાયેલા લાલાની પાછળ માતા દોડી દોડીને થાકી ગયા ત્યારે તેઓ કાન્હા પાસે નત મસ્તક થઈ ઊભા રહી ગયાં, ત્યારે કાન્હાએ પણ દોડવાનું બંધ કર્યું અને માતાના મુખારવિંદ તરફ જોવા લાગ્યા અને સાથે વિચારવા લાગ્યા કે માતાને અત્યંત પરિશ્રમ થયો છે. પરિશ્રમયુક્ત થવાથી માતાને પ્રસ્વેદ બિંદુઑ પણ થયા છે તેથી માતાને વિશેષ પરિશ્રમ કરાવવો યોગ્ય નથી વળી માતા પણ દૈન્ય બની ગયા છે. આથી શ્રી ઠાકુરજીએ માતાના હાથમાં પકડાઈને બંધાઈ ગયા હોય તેવો ભાવ કર્યો. પૂ.ગો.૧૦૮ ગો શ્રી ઈન્દિરાબેટીજી કહે છે કે પ્રેમ એક તરફી નહિ પણ બંને બાજુનો હોય તો જ કામ થાય. પ્રભુ દામણે બંધાયા તેનું કારણ યશોદાજીનો પ્રેમ છે. શ્રી મહાપ્રભુજી આ લીલાનું રહસ્ય સમજાવતાં કહે છે કે માતા યશોદાને હું માતા છું તેવું અભિમાન આવી ગયેલું અને જગત કર્તા તો કોઈનું અભિમાન સહન નથી કરતાં ત્યાં માતાનો અહંકાર કેવી રીતે સહન કરે? વળી જે જગતને બાંધનાર છે તે અનંત અને શાશ્વત છે એને કોણ બાંધી શકે તેમાં ય વળી દોરડું સામર્થ્યહિન અને જડ સાધન છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે જ્યારે જીવ સાધનોનો આશરો છોડીને શરણાગતિ લઈને દૈન્ય ભાવે શ્રી ઠાકુરજી સમક્ષ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી બંધાઈ જાય છે. વળી પ્રભુને બાંધવાનું એક માત્ર સાધન દૈન્યતા અને પ્રેમ છે, જ્યારે જીવ દૈન્યતાનું અને પ્રેમનું મહત્વ સમજે છે ત્યારે તેને પ્રભુની પાછળ દોડવું પડતું નથી પરંતુ પ્રભુ આપમેળે આવીને પ્રેમની દોરીએ બંધાઈ જાય છે. તેથી જ મીરાબાઈ કહે છે કે કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે….. અમદાવાદ કડીવાળા પ.પૂ ૧૦૮ ગો શ્રી વ્રજેશલાલજી મહારાજ શ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જે શ્રી ઠાકુરજી વ્રજમાં નાના બાલક સ્વરૂપમાં માતા પાસે બંધાયેલા છે તે જ શ્રી ઠાકુરજી તેજ સમયે મધુવનમાં ગોપસખાઓ સાથે ખેલી રહ્યાં છે અને સાથે સાથે તેજ શ્રી ઠાકુરજી કુમાર અવસ્થા ધારણ કરીને રાધિકા સંગે પણ રસભાવ વહાવી રહ્યા છે, આ રીતે શ્રી ઠાકુરજી ત્રણે  ભુવનમાં એકસાથે વ્યાપી રહેલા છે. આમ શ્રી ઠાકુરજીની એક જ સમયે અનેક લીલા હોવા છતાં ભક્તોને સર્વલીલાનો અનુભવ કરાવે છે.

 

(ક્રમશઃ)

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ 
purvimalkan@yahoo.com

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય

ગતાંકનું ચાલું

 

જન્માષ્ટમી : વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો. અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે. કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે. અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી ઠાકુરજી હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાં પધાર્યા ત્યારે અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં. શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે. વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનો જન્મ ભલે મથુરામાં થયો હોય પરંતુ તેમની લીલાનું રહસ્ય વ્રજભૂમિના કણેકણમાં પ્રસરાઈને રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી ઠાકુરજીની કર્મભૂમિ શ્રીમદ્ ગોકુલ અને વ્રજ વૃન્દાવનની અવર્ણનીય લીલાઓમાં સમસ્ત ઉપનિષદ, વેદવેદાન્ત, જ્ઞાનભક્તિનો સાર અને તત્વ સમાયેલ છે. શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય અષ્ટમીની મધ્યરાત્રિએ થયો છે. આ અષ્ટમીનું મહત્વ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિમાં આઠમું સ્થાન અપરા પ્રકૃતિનું છે. અપરા પ્રકૃતિ એટ્લે કે પ્રકૃતિના આઠ તત્વ. જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂમિ એ પંચતત્વોની સાથે મન, બુધ્ધિ અને અહંકાર. આ સમગ્ર વિશ્વ અષ્ટધા અપરા પ્રકૃતિમાં સમાયેલું છે અને જ્યારે પ્રભુ અવતાર લે છે ત્યારે તે પોતાના જીવોને આ અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢે છે. આપણાં શ્રી વલ્લભ અને વલ્લભકુલ બાલકો સાથે સમસ્ત પુષ્ટિ વૈષ્ણવો આપણને પ્રત્યેક પળ શીખવે છે કે આપણને સંસારની અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢનાર આપણાં શ્રી ઠાકુરજી છે તેથી શ્રી ઠાકુરજીનું નામ, સ્મરણ ,ચિંતન, વંદન, સેવા, પાદસેવન જ્યારે વૈષ્ણવો દ્વારા થાય છે ત્યારે ત્યારે શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય આપણાં હૃદય રૂપી કારાગૃહમાં થાય છે. એ હૃદયમાં પ્રગટ થયેલા પ્રભુ પોતાના ભક્તોના મનમાં રહેલી અપરાકૃતિને દૂર રાખી વૈષ્ણવોના આત્મારૂપી વ્રજભૂમિમાં સ્થિર થઈ જઈ પોતાની રસમય બાલ્ય, માધુર્ય, દાસ્ય અને સખ્ય લીલાઓની અનુભૂતિ વૈષ્ણવોને કરાવે છે.  

શ્રી મહાપ્રભુજી કહે છે કે માર માર કરતો વરસાદ વરસી રહ્યો હતો, લૌકિક સ્વરૂપા શ્રી યમુના નદીનાં બંને કાંઠા અવિરતપણે છલકાઈ રહ્યાં હતાં પણ તેમ છતાં કંસના ભયથી પિતા વાસુદેવ શ્રી ઠાકુરજીને ગોકુલ તરફ યમુનાપાર કરાવીને લઈ જતા જોઈને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપા દેવી શ્રી યમુનાજીનું હૃદય ભાવને કારણે છલકાઈ આવે છે જેને કારણે પિતા વાસુદેવના મુખ સુધી યમુનાજીના નીર આવી ગયેલા. પિતા વાસુદેવના હૃદયમાં રહેલા ડરને શાંત કરવા અને શ્રી યમુનાજીના ભાવને શાંત કરવા પ્રભુએ પોતાના ચરણાર્વિન્દનો આશ્રય શ્રી યમુનાજીને કરાવ્યો ત્યારબાદ યમુનાજી શાંત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દનો સ્પર્શ પામ્યા બાદ આધ્યાત્મિક શ્રી યમુનાજીમાં શ્રી ઠાકુરજીનું દૈવીતત્વ સમાઈ ગયું તેથી શ્રી યમુનાજીએ પણ આધિદૈવીક સ્વરૂપ ધારણ કર્યું અને એજ સ્વરૂપે શ્રી ઠાકુરજીની સાથે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગના રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિના જીવોમાં જ્યારે કામ, ક્રોધ, મદ રૂપી વરસાદનું જોર વધી જાય છે ત્યારે જીવસૃષ્ટિની રસ, સ્પર્શ, શ્રવણ, શબ્દ, રૂપ, ગંધ ધરાવતી ઇન્દ્રિયોનો પ્રવાહ પણ અવિરતપણે બેકાબૂ બનીને વહે છે, પરંતુ જ્યારે તે સંસારસાગરના પ્રવાહમાં તણાઇ ગયેલા જીવો સતજનોનો સત્સંગ, પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ, અને શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેમને પ્રભુના કૃપારૂપી ચરણાર્વિન્દના સ્પર્શની અનુભૂતિ થાય છે ત્યારે જીવોની ઇન્દ્રિયો રૂપી પ્રવાહનો વેગ શાંત પડી જાય છે. શ્રી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે. આ વાતનું રહસ્ય સમજાવતાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે. મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે.

શકટાસૂર વધ : શકટાસૂર વધ લીલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે શકટાસૂર તે બે શબ્દનો એક શબ્દ બનેલો છે. શકટ+અસૂર=શકટાસૂર. તેમાં શકટ શબ્દના બે અર્થ શ્રી મહાપ્રભુજીએ કહ્યાં છે. પ્રથમ અર્થ તે શકટ એટ્લે કે ઘડો અને શકટનો બીજો અર્થ તે ગાડુ. પ્રથમ અર્થ શકટનો જોઈએ તો ઘડો અને ઘડામાં જે ઇચ્છો તે પ્રવાહી મૂકી શકાય છે. જેમ ઘડો લઈને નિર્મળ જળ પાસે જઈને નિર્મળ જળ ભરાય તેમ કાદવવાળી જગ્યામાં જઇ કાદવ યુક્ત ગંદુ જળ પણ ભરી શકાય છે. તેમ આ મસ્તક રૂપી શકટમાં પણ સારા નસરા વિચારો રૂપી પ્રવાહી મૂકી શકાય છે. શકટનો દ્વિતીય અર્થ તે ગાડુ, પરંતુ અહીં શકટનો અર્થ લૌકિકમાં ગાડુ ન લેતા શ્રી પ્રભુની આ લીલા અલૌકિક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો કથાવસ્તુ સમજાય છે કે આપણું શરીર શકટ છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એની નીચે જીવ દબાઈને દટાઇ જાય છે. આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપ દબાઈ ગયેલા અને દટાઇ ગયેલા લૌકિક દેહભાવને દૂર કરી દે તો જ આપણાંમાં રહેલા શકટાસુરનો વધ થાય. શકટાસૂરમાંનો છેલ્લો શબ્દ તે અસૂર અને અસૂર એટ્લે રાક્ષસ. પરંતુ આ સમાજમાં અસુર કોણ છે? શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે  કહે છે કે જે લોકોના, જાતિના, સમાજના વિચારો નકારાત્મક ભોગવાદી છે જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા દેવામાં માનતો નથી તે અસૂર છે. તે જ રીતે મસ્તક રૂપી ઘડામાં (શકટમાં) નકારાત્મક-નરસા વિચાર રૂપી જળ તે રાક્ષસ અને સારા વિચાર રૂપી જળ તે દેવ રહે છે તે જોતાં જણાઈ આવે છે કે આપણાં વિચારો જ આપણને સુર કે અસુર બનાવે છે.

 પૂતનાવધ : ગોકુલમાં બિરાજેલા શ્રી ઠાકુરજીએ પૂતનાવધ કર્યો. શ્રી મહાપ્રભુજી જણાવે છે કે પૂતના એ તૃષ્ણા અને અસૂયાનું પ્રતિક છે જ્યારે વૈષ્ણવોએ પોતાનો અને પોતાની આસપાસ રહેલા સમાજનો ઉત્કર્ષ કરવો હશે તો તેમણે પોતાના જીવનમાંથી તૃષ્ણા અને અસૂયા રૂપી પૂતનાનો નાશ કરવો જોઈશે.

 તૃણાવત વધ : શ્રી ઠાકુરજીએ જેમ શકટાસુર વધ કર્યો છે તેમ તૃણાવત વધ પણ કર્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તૃણાવત વાયુનું રૂપ લઈને ગોકુલમાં આવ્યો છે અને વંટોળનું રૂપ ધારણ કરીને ગોકુલવાસીને પોતાના બલ પ્રવાહમાં ઉડાડીને લઈ જાય છે. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવનો દેહ તત્વ એ ગોકુલ છે અને એ દેહ તત્વમાં રહેલા મન અને હૃદયમાં લૌકિક અલૌકિક ચિંતાઑ અને વિવિધ કામનાઑ રૂપી વાયુનો વંટોળ તૃણાવત બનીને સદાયે ઘૂમ્યાં જ કરે છે. આ લૌકિક-અલૌકિક ચિંતાઓ અને કામનાઑ રૂપી વંટોળનું નિરાકરણ ફક્ત શ્રી ઠાકુરજી દ્વારા જ થાય છે.

(ક્રમશઃ)

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ 
purvimalkan@yahoo.com

 

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય

શ્રાવણ માસ જેટલો ભગવાન શિવનો કહેવાય તેટલો જ ભગવાન કૃષ્ણનો પણ ગણાય છે. આ માસમાં ભગવાન વિષ્ણુએ પોતાનું  આનંદમય સ્વરૂપ અને પરમાનંદ આપનારા એવા કૃષ્ણ સ્વરૂપને ધારણ કરી અવતાર લીધો હતો. આમ તો  ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી જ છે, પરંતુ કૃષ્ણ સ્વરૂપ ભગવાન વિષ્ણુનો આ અવતાર સૌથી વિશિષ્ટ હતો. તેનું કારણ એ હતું કે  ભગવાનના બધા જ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર શા માટે ધારણ કર્યો છે? અને અવતાર લઈ ભગવાન વિષ્ણુએ ક્યુ કાર્ય પૂર્ણ કર્યું છે? અને અવતાર એટ્લે શું? 

આ પ્રશ્નનો ઉત્તર આપતા શાસ્ત્રો કહે છે ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે. તેથી જ્યારે આસુરી વિચારવૃતિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા. પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ મળ્યું છે. આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને  જ આ બહુમાન શા માટે મળ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપતાં વલ્લભનંદન વિઠ્ઠલનાથજી જણાવે છે કે શ્રી કૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને-એની ભવ્યતાને, ના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી કૃષ્ણ પૂર્ણ લાગે છે તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે. શ્રી વિઠ્ઠલેશચરણની જેમ પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે? આચાર્યચરણ શ્રી ગોકુલનાથજી  કહે છે કે જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે. વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે તેથી પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે. અમદાવાદ-કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે દા.ખ તરીકે સારસ્વત યુગમાં જેમ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં તે જ રીતે કલિયુગમાં પણ જ્યારે ભક્તો અને ભક્તિ ઉપર આપત્તિ આવવા લાગી ત્યારે પોતાના જ ભક્તો અને ભક્તિના ઉધ્ધાર અર્થે પ્રભુ શ્રીકૃષ્ણ ફરી આચાર્ય સ્વરૂપે (શ્રી વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ રૂપે) અવતરિત થયા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભક્તો માટે લીધેલા અવતાર કાર્યને જાણીએ અને સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

(ક્રમશ……)

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ 

purvimalkan@yahoo.com