Monthly Archives: સપ્ટેમ્બર 2014

આસો માસનું મહત્વ

વેદો અને ઉપનિષદમાં કહ્યું છે કે રેવતી, ભરણી, માઘ, મૂળ અને અશ્વિન નક્ષત્રનો સ્વામી છે, જેમાં અશ્વિન નક્ષત્ર પરથી આ માસનું નામ પડ્યું છે. અશ્વિન માસનાં ગ્રહ સ્વામિ કેતુ છે. સંસ્કૃતમાં અશ્વિન શબ્દનો અર્થ રાજા અથવા રાજવી તરીકે કરાયો છે. સંસ્કૃત શબ્દની આ પરિભાષાને યથાર્થ કરતાં અશ્વિન માસ ખરા અર્થમાં સર્વે માસોમાં રાજા છે. વિક્રમ સંવત પ્રમાણે અશ્વિન માસનું સ્થાન દ્વાદશ છે પરંતુ શક સંવત પ્રમાણે અશ્વિન માસનું સ્થાન સપ્તમ રહેલું છે. અન્ય માસોની જેમ અશ્વિન માસ પણ તહેવારોની ફૂલછડી લઈને આવે છે.

હરિયા ઉત્સવ:- આસો માસની શરૂઆત થતાં જ સૌ પ્રથમ હરિયા દેવી અર્થાત પ્રકૃતિ દેવીને સમર્પિત થયેલો હરિયા ઉત્સવ આવે છે. આ ઉત્સવમાં આસો શુક એકમને દિવસે વાંસથી બનેલ ટોકરીઑમાં કે સૂંડલામાં સુખ, સમૃધ્ધિ, શાંતિ, સ્નેહ અને સ્વાસ્થ્યનાં પ્રતિકરૂપ ઘઉં, જવ, જુવાર, સરસો, મગ, ચણા જેવા ધાન્યોની વાવણી કરી તેના જવારા ઉગાવવામાં આવે છે, જેને હરેલા કે હરિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતીયો માને છે કે આ હરિયા જેટલા મોટા થશે તેટલું તે વર્ષ સારું જશે, અને હરિયાની ઊંચાઈ જો ન વધે અથવા તો ખરાબ થઈ જાય તો તે વર્ષ સારું નહીં જાય તેવી માન્યતા રહેલી છે. આ હરિયાની દશેરાને દિવસે કાપણી કરી તેની વાનગી બનાવીને હરિયા દેવી સમક્ષ ભોગ લગાવવામાં આવે છે.

નવરાત્રી:- અશ્વિન સુદી એકમથી પૂર્ણિમા સુધી ચાલનાર આ ઉત્સવને પૂર્ણ રીતે સ્ત્રી શક્તિ, આદ્ય શક્તિ, પ્રકૃતિ શક્તિ અને સ્વાસ્થ્ય શક્તિને સમર્પિત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નવરાત્રી, ઉત્તરપ્રદેશના વ્રજમાં નવ-વિલાસ, બંગાળનાં દુર્ગા ઉત્સવ અને દક્ષિણભારતના કોલુ તરીકે આ ઉત્સવ ઓળખાય છે. બંગાળમાં આ દિવસોમાં પુત્રી ભાવે માતા દુર્ગાની પ્રતિમા પધરાવવામાં આવે છે. માતાને પ્રસન્ન કરવા ધૂનધૂની નૃત્ય કરવામાં આવે છે. સાઉથના લોકો પોતાની આરાધ્ય દેવી અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કરે છે અને લાકડાંની ચોકી ઉપર  વિવિધ રમકડાંઑ અને દેવિદેવતાઓની નાની નાની પ્રતિમાઓ ગોઠવી સાંજના સમયે પૂજન કરે છે. જ્યારે ગુજરાતમાં આસો માસની શુક્લ પક્ષની એકમ થી નવમી સુધી ગરબા અને રાસ નૃત્ય દ્વારા આદ્ય શક્તિની આરાધના કરવામાં આવે છે. ગરબા પ્રણાલિકાનાં મુખ્ય બે પ્રકાર છે. માટી-ધાતુનો ગરબો તે સ્થૂળ રૂપે રહેલ છે તે પ્રથમ પ્રકાર છે, અને તાળીઓ સાથે વાણી રૂપે પ્રગટ થાય તે ગરબાનો બીજો પ્રકાર છે.

દશેરા:- નવરાત્રિ પૂર્ણ થતાં સમસ્ત ભારતમાં દશમે દિવસે દશેરા ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી રામે રાવણનો ધ્વંશ કર્યો હોવાથી આ દિવસે રાવણનું દહન થાય છે. એક માન્યતા છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી નામની મીઠાઇ ખૂબ ભાવતી હતી, આ શાશ્કુલીનું નામ અપભ્રંશ થઈ જલેબી બન્યું છે. ભગવાન રામ વિજયી થઈ પાછા ફર્યા હોવાથી આ દિવસે લોકો ફાફડા જલેબી ખાઈ શુભ શુકન કરે છે. ભગવાન રામના ભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાની ભાવતી હોઇ તેમને બુંદી અને ફાફડાની વાની ધરાવવાના આવે છે.

શરદપૂર્ણિમા:- શરદપૂર્ણિમા એ શરદ ઋતુનું પ્રતિક છે. શરદઋતુની આ પૂર્ણિમાને કોજોગરી ( લક્ષ્મીજીનું એક નામ ) પૂર્ણિમા અથવા કૌમુદીની પૂર્ણિમાને નામથી પણ ઓળખવામાં આવે છે. વેદોમાં કહ્યું છે કે આખા વર્ષની આવતી બધી જ પૂર્ણિમામાં આ પૂર્ણિમા સૌથી શ્રેષ્ઠ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શરદ પૂર્ણિમાની રાત્રીનો પૂર્ણ ચંદ્ર એ સોળે કળાથી પરિપૂર્ણ હોય આ રાત્રીએ ભગવતી લક્ષ્મી ભગવાન નારાયણ સાથે ભૂતલ પર આવીને વિહાર કરે છે. આ રાત્રીનો અન્ય એક ઇતિહાસ રાધા કૃષ્ણનાં મહારાસ સાથે પણ જોડાયેલો હોઈ આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોક સમુદાયમાં માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રમાંથી ચાંદની રૂપી અમૃત વર્ષા થાય છે. પરંતુ હકીકત એ છે કે આ રાત્રીએ ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હોય છે તેથી આ રાત્રીએ ચંદ્ર કિરણો પોતાના શીતળ કિરણોની સાથે સાથે પોષક તત્વોનો વરસાદ પણ પૃથ્વી પર કરે છે. શરદપૂર્ણિમા પૂર્ણ થયા પછી ૧૫ દિવસ લોકો નવરાત્રિના નાચ-કૂદનો આનંદ ઉતારી નવવર્ષને આવકારવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેની શરૂઆત વાઘબારસથી થાય છે.

વાઘબારસ:- આ દિવસ ને વચ્છ બારસ કહેવામાં આવે છે કારણ કે બચ્છવનમાં  (હાલનું સઇ ગામ) જ્યારે બાલ કૃષ્ણ ગૌચારણ કરી રહ્યાં હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડા, ગાયો અને ગોપબાળકોને બ્રહ્મલોકમાં લઇ ગયા અને ફરીવાર તે જ્યારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધા જ ગોપ, ગાયો, વાછરડાઓ યથાવત જોઈ તેમને ખ્યાલ આવ્યો કે વ્રજભૂમિમાં જે કંઇ છે તે કૃષ્ણસ્વરૂપ છે. આ જોઇ તેમણે કૃષ્ણની માફી માગી મૂળસ્વરૂપો ફરી વ્રજભૂમિમાં પધરાવ્યાં. આ દિવસે પીળા રંગનું ઘણું મહત્વ હોય છે. બીજી કથા અનુસાર મા અંબાની સવારી વાઘ ઉપર હોઇ આ દિવસ માતાના વાઘને સમર્પિત કરવામાં આવ્યો છે. વાઘ આપણાં દેશનું રાષ્ટ્રીય પ્રાણી હોવાથી વાઘને અશ્વિન વદની બારસ સાથે જોડવામાં આવ્યો છે.

ધનતેરસ:- આસો વદ તેરસને દિવસે લક્ષ્મીજીનું પૂજન કરાય છે. સામાન્ય રીતે પુરુષ રૂપ ભગવાનની સાથે પ્રકૃતિ રૂપ સ્ત્રીનું પૂજન થાય છે પણ આ દિવસે પ્રથમ માતા લક્ષ્મીનું અને ત્યાર પછી ભગવાન વિષ્ણુનું અને ગણપતિજીનું પૂજન કરાય છે. આ દિવસે પોતાના આરાધ્ય પ્રભુની નજર ઉતારવામાં આવે છેં. આ દિવસે લીલા રંગનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે પરંપરાગત રીતે સુવર્ણ અને ચાંદીના આભૂષણો તેમજ વાસણોની ખરીદી કરવાનો રિવાજ છે. સંધ્યા સમયે ઘરઆંગણ અનેક દીપમાલિકાથી ઝળહળિત કરવામાં આવે છે. શેરડી અને ટોપરાના વાડકામાં મેરાયુ બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવે છે.

રૂપ ચતુર્દશી (નરક ચતુર્દશી):- આ દિવસે તાંત્રિકો સ્મશાનમાં જઇ શિવ સ્વરૂપ કાળભૈરવની સાધના કરે છે. અડદની દાળના વડા કરી ચાર રસ્તાના ચોકમાં પધરાવી ઘરનો કંકાસ દૂર કરવામાં આવે છે.  આ દિવસે દ્વારિકા લીલામાં પ્રભુએ નર્કાસુરે પકડેલી ૧૬,૦૦૦ રાજકન્યાઓને છોડાવી તેમની સાથે લગ્ન કરીને માનપૂર્વક પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. દિવસે બાલકૃષ્ણને આંબળા અને ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવાય છે. આ દિવસે લાલ રંગનો મહિમા છે.

દીપમાલિકા-દિવાળી:- દિવાળી ઉજવવાના પ્રાચીન અર્વાચીન અનેક કારણો ભેગા થતાં હોઇ વિવિધ સંપ્રદાય વિવિધ કારણોસર દિવાળી ઉજવે છે. ઈતિહાસ અનુસાર રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક આસો માસની અમાસના દિવસે જ થયો હતો, વિક્રમ એક શૂરવીર અને પ્રજાવત્સલ રાજા હતો. પ્રજાએ પોતાના આ રાજાની યાદમાં વિક્રમ સંવંતની શરૂઆત કરી. દિવાળી એ વૈશ્યોનો (વણિક લોકો) તહેવાર મનાય છે. આ દિવસે ભગવાન નૃસિંહે રાક્ષસ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, અને વામન ભગવાનનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું. આમ ભગવાન વિષ્ણુના બે મહત્તમ અવતારોના કાર્યો આ દિવસે પૂર્ણ થયાં હતા. જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે નિર્વાણ કર્યુ હતું. ઇતિહાસ સાક્ષી છે કે બાદશાહ અકબરે દીપાવલીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાની શરૂઆત કરી હતી. જેમાં હિન્દુઑ અને મુસ્લિમો બંને પ્રજા સાથે મળીને આ ઉત્સવ ઉજવતી હતી અને આ સમય દરમ્યાન શહેરની સાથે સાથે તેમના મહેલોમાં પણ દીપોની પંક્તિઓ લગાવવામાં આવતી હતી. શીખોમાં પણ દિવાળી ઉત્સવનું ખૂબ મહત્વ છે. આ પવિત્ર દિવસે શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહ ૧૬૧૯માં દિવાળીને દિવસે  જેલમાંથી મુક્ત થયા હોઈ શીખોએ પણ આ દિવસનું મૂલ્ય વધારી ૧૯૫૭ માં અમૃતસરના સુવર્ણમંદિરનો શિલાન્યાસ આજ દિવસે કરેલો. નેપાળી લોકોનું નવું સવંતત્સર અને આર્યસમાજની સ્થાપના દિવાળીને દિવસે થયેલ હતું. આ દિવસે સ્વામી રામતીર્થ જન્મયાં હતાં અને આજ દિવસે તેમણે ગંગાકિનારે સમાધિ લીધેલી હતી. ઈ.સ. ૧૯૧૯ માં પૉપ જૉન પૉલ દ્વિતીયએ એક ભારતીય ચર્ચમાં ઈસા મસીહાના અંતિમ ભોજનના સ્મરણમાં રાત્રિ ભોજનનું આયોજન કરેલું, ત્યારથી ખ્રિસ્તીઓ માટે પણ આ દિવસ યાદગાર બની ગયો. આમ વિવિધ કારણોસર સમગ્ર ભારતમાં આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે પ્રત્યેક  ઘર, ગલીઓ, ઘરઆંગણ અને ઘરદ્વાર રંગોળીઓ અને દિવડાઓથી એ રીતે ઝળહળી ઊઠે છે કે જોતા એવું જ લાગે કે જાણે આકાશે પોતાના તમામ તારા અને ચાંદલિયાઓની ભેંટ ધરી દીધેલ હોય. આ દિવસે ગંગા અને યમુનાને કિનારે દિપદાનનો ખાસ મહિમા છે. આમ અશ્વિન માસ એ અંધકાર પર પ્રકાશનાં વિજયની પતાકા ફરકાવનાર છે. આ તહેવારને વિશ્વભરમાં ફેલાયેલ પ્રત્યેક હિન્દુ સમાજ ધામધૂમથી ઉજવે છે ત્યારે ચારે દિશામાં ઉલ્લાસ, પ્રસન્નતા અને પ્રેમનો સંદેશો ફેલાઈ જાય છે.  દિવાળી પછી નવું વર્ષ શરૂ થાય છે પણ, પડવો, ભાઈબીજ, કાર્તિકી તૃતીયા, ચતુર્થી પછી લાભપાંચમનો લાભ અર્થાત શુકન મેળવી  નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે.,

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૪ ઑક્ટો 

મારા વિચારોમાં પ્રકૃતિ

૧) કુદરત સુરક્ષિત હશે તો
    ધરા સંપન્ન રહેશે

૨) નવજીવન આપનારા વૃક્ષોને
     શા માટે કાપો છો
?

૩) ઓછું થતું કુદરતનું જલસ્તોત્ર,
     દૂષિત વાતાવરણનો વધતો શોર.

૪) ગ્લોબલ વોર્મિંગની આવી બૂમ,
     પીગળતો હીમવાન ને વધતો તાપ

૫) વિશાળ થતી મરુભૂમિમાં જીવન બન્યું ત્રસ્ત,
     પછી વાંક કોનો?

૬) નદીઓ વહે સ્વચ્છ નિર્મળ જલ સાથે ટળે સંકટ ને
    સુખી સંપન્ન થાય લોકજીવન

૭) ખળખળ વહેતી નિર્મળ ધારા,
     જાણે વહેતી પ્રકૃતિની માયા 

૮) વૃક્ષ, વેલી ને ફૂલઝાડ વાવો
     હરિયાળી વધારી ધરતી છલકાવો

૯) અનેક ફૂલછોડ વાવ્યા છતાં ન વાવ્યા બરાબર,
      તેથી પતંગિયાઓ ને કીટકોને કદાચ સારું ન લાગે

૧૦) ચકલીઑ તણી ચકચહાટ ને ભ્રમરોનો ગણગણાટ ક્યાંથી સંભળાય?
ક્યાંય દેખાતા નથી
ઊંચેરા વૃક્ષો, વેલીઓ ને સુગંધ પ્રસરાવી રહેલા ફૂલછોડ

૧૧) ભિન્ન ભિન્ન સંસ્કૃતિ અહીં
       કદીક રંગબેરંગી ને કદીક બેરંગી.

૧૨) મોગરો, ગુલાબ, ગલગોટા ને સોનજુહી,
એમ તો ઘણાયે ફૂલ હતાં, 
પણ બધાય ખોટા

૧૩) એ દોડી રહી હતી પ્રથમવાર જ્યારે એને જોઈ
       ફૂલમાં ખેલતા પતંગિયાઓની પાછળ પાછળ

૧૪) પતંગિયાની પાછળ પાછળ એ પતંગિયુ બનીને દોડતી રહી
           કાલે એ મોટી થઈ, બીજા પતંગિયા પાછળ એ દોડતી થઈ જશે.

૧૫) રોજ સવારે ચકચક કરતી ચકલીઓ,
         રોજિંદા જીવનમાંથી ખોવાઈ ગઈ
          ચાની ચૂસ્કીઑ લેતા જોયું કે
           ચકલીઓની સાથે
, બીજા પક્ષીઓ પણ ખોવાઈ ગયા છે.

૧૬) પ્રકૃતિને મનભરી માણવાનું મન થયું તો,
         ઇન્ટરનેટ ખોલીને નિહાળી લીધું. 

૧૭) નવી પેઢી રંગબેરંગી પક્ષીઓની દુનિયાથી અલિપ્ત રહી જાશે કે,
યાદ આવતા કેવળ ચિત્રો જોઈ મન મનાવી લેશે. 

૧૮) પોષણ આપી પાવન કરતી ધરાને,
       કોઈ પ્રદુષિત થતી રોકો

૧૯)  પ્રકૃતિના ઘણા નિયમો અટલ ને અચળ છે,
પછી તેને લલકારવા શા માટે
?

૨૦) વિશાળ થતી મરુભૂમિમાં જીવન બન્યું ત્રસ્ત,
પછી વાંક કોનો?

૨૧) હૃદય કેરા કૂપમાં,
એક બાળક રમતુ રાખો
પછી જુઓ જીંદગીની અનોખી મજા.

૨૨) નવજીવન આપનારી પ્રકૃતિની
      કોઈ કિંમત નહીં

૨૩) ચારે તરફ છે કિકિયારીનો અવાજ 
       કપાતા વૃક્ષો નો રડતી ધરા નો 

૨૪) ચોખ્ખું જળ ક્યાંથી મળે
       હવે તો છે કેવળ
       ઘટતા નદીના નીર ને પ્રદુષિત હવા

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ 

purvimalkan@yahoo.com

સુગંધનો દરિયો

આંખનો પલકારો પલપલે ત્યાં તારો જ પડછાયો હું જોઉં છું 
તડકાના કિરણો મહીં અને સાંજની છાંવ મહીં હું તને જ જોઉં છું
નાના નાના લંબાતા હાથમાં તારો જ સ્પર્શ હું અનુભવું છું 
નયનનાં પલકારામાં પ્રથમ શમણું બનીને તું આવ્યો
ને, એ શમણાંનાં પ્રેમનો પ્રથમ અહેસાસ બનીને તું આવ્યો 
પરમાત્મા થઈને તું ભલે આવ્યો હોય આજે પૃથ્વી પર, પણ
આજે મારા આંગણિયે બાળક બનીને તું કેમ રમી રહ્યો છે.
નાના નાના તારા પગની પગલીઓમાં કેસરની સુવાસ ફેલાય છે 
ઘુઘરિયાળા તારા કાળા કેશમાં ભ્રમર બની મારુ મન અટવાય છે 
છે તારું જ અસ્તિત્વ મારી આસપાસમાં જ એ તો બસ મારૂ બ્હાનું છે 
નહીં તો મારા શ્વાસમાંથી કાન્હા બસ તારી જ “સુગંધનો દરિયો” કેમ રેલાય છે.

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

post by V.V. M