Monthly Archives: માર્ચ 2015

અહં બ્રહ્માસ્મિ…

આપણાં ઋષિમુનિઓ, શાસ્ત્રોએ અને વિદ્વાનોએ આપણને “અહં બ્રહ્માસ્મિ”નું સૂત્ર આપ્યું. અહં એટલે હું અને બ્રહ્માસ્મિ એટ્લે બ્રહ્મ અથવા બ્રહ્મા છું. પણ બ્રહ્મ કોણ છે, બ્રહ્મા કોણ છે અને હું કહેનાર એ જીવ કોણ છે, તેમનું સ્વરૂપ શું છે અને તેના ગુણો ક્યાક્યા છે તે જાણવું જરૂરી છે. વેદાર્થના જ્ઞાતાઓ કહે છે કે જ્યાં સુધી જીવ હુંમાં બિરાજી રહેલા બ્રહ્મને જાણી શકતો નથી ત્યાં સુધી અહં બ્રહ્માસ્મિકહેવું વ્યર્થ છે.

શ્રી વલ્લભાચાર્ય રચિત અંતઃકરણ પ્રબોધમાં કહ્યું છે स एक एव एकवृदेक एव सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति । અર્થાત્ પરબ્રહ્મનું અદ્વિતીય સ્વરૂપ તે એક જ છે, એક જ છે અને કેવળ એક જ છે. તેના વગર અન્ય કોઈ જ નથી તેથી સર્વે દેવો આ એક પરબ્રહ્મનું અવલંબન કરે છે. વેદોએ જણાવ્યું છે કે યુગો પહેલા કેવળ પરબ્રહ્મનું જ અસ્તિત્વ હતું, અન્ય કશું જ ન હતું. તેથી સૃષ્ટિની રચના પૂર્વે સત્, ચિત્ત અને આનંદમાં જે પુરુષ હતો તેને પરબ્રહ્મનું નામ અપાયું. જે સર્વે રહેલા છે, સર્વત્રે રહેલા છે, જે સર્વને માટે છે, સર્વેશ્વર છે, જે કશું થનાર છે, જે થઈ રહ્યું છે તે બધુ જ સર્વાધીશને આધીન છે. આ સર્વાધિશ સૃષ્ટિના કણ કણમાં વસેલા હોઇ ઋષિમુનિઓએ અને વિદ્વાનોએ બ્રહ્મ તરીકે, તત્ત્વવેત્તાઓએ પરમતત્વ, પરાત્મા તરીકેની, યોગીઓએ તેને પરમાત્મા તરીકે અને ભક્તોએ ભગવાન તરીકેની પરિભાષા આપી છે.

વેદ અને ઉપનિષદે પરમતત્ત્વ બ્રહ્મને એક અને અદ્વિતીય કહ્યા છે. પરમતત્ત્વ બ્રહ્મ સર્વકર્તા હોવાથી તેમણે પોતાના અંશથી સૌ પ્રથમ બ્રહ્માની ઉત્પતિ કરી. (એટ્લે કે બ્રહ્મથી બ્રહ્માની ઉત્પતિ થઈ) આ બ્રહ્માએ એવી ઈચ્છા કરી કે મારી શક્તિથી હું બહુરૂપે પ્રગટ થાઉં. આ ઈચ્છાને કારણે તે અનેક જીવરૂપે ઉત્પન્ન થયાં. પરંતુ બ્રહ્માએ નવજીવનનું સર્જન કર્યું છે પણ, તેઓ જીવન આપી શક્યા નહીં. આથી તેમણે સર્વેશ્વર સર્વકર્તા પરમેશ્વરને વિનંતી કરી કે મારા દ્વારા સર્જાયેલ આ સૃષ્ટિમાં આપ વસવાટ કરો જેથી કરીને તે જીવનમાં ચૈતન્ય આવે. બ્રહ્માજીની વિનંતી બાદ પરબ્રહ્મ પરમાત્મા પોતાની જ માયાઅંશથી જગતરૂપ થયાં. જેથી કરીને આ સૃષ્ટિ બ્રહ્માંશ તરીકે ઓળખાઈ.( प्रपंचो भगवत्कार्यस्तद्रुपो माययाडभवत् । तच्छकत्या ।। ) વેદોએ કહ્યું છે કે આ પરબ્રહ્મ પુરુષ તે સત્, ચિત્ત અને આનંદમાંથી બનેલો હોવાથી તેના સત્ માંથી જડપદાર્થોની, ચિદ્ માંથી અસંખ્ય જીવોની અને આનંદાશમાંથી અંતર્યામી સ્વરૂપોની ઉત્પતિ થઈ. જ્યારે પરબ્રહ્મપુરુષના મુખમાંથી બ્રહ્મની, બાહુમાંથી વૈશ્યોની, જંઘામાંથી શુદ્રની, મનમાંથી ચંદ્રની, કાનમાંથી વાયુની, નયનમાંથી સૂર્યની, મુખમાંથી અગ્નિની, નાભિમાંથી અંતરિક્ષની, પગમાંથી ભૂમિની, શ્રોત્રમાંથી દિશાઓની ઉત્પતિ થઈ. પરંતુ જેનો લય છે તેનો વિલય પણ હોવાનો જ આથી સૃષ્ટિને જીવન આપતી વખતે પરબ્રહ્મએ બ્રહ્માજીને કહ્યું કે આપની ઈચ્છા મુજબ આપની સર્જેલ મૂર્તિઓને હું જીવન ચોક્કસ આપીશ પણ જે રીતે શબ્દોથી વિશ્વનું સર્જન થાય છે અને શબ્દથી વિસર્જન થાય છે તે રીતે હું પણ જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે એ જીવનને મારી સૃષ્ટિમાં ફરી ખેંચી લઇશ. આ વાતને અનુલક્ષીને શ્રી ભગવત્ગીતામાં પ્રભુએ કહ્યું છે કે ( अहं कृत्स्नस्य जगतः प्रभव प्रलयस्तथा । )હું જ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્તા છુ અને હું જ આ સૃષ્ટિનો સંહાર કર્તા છુ. પ્રભુની આ વાત સમજીએ તો ખ્યાલ આવે છે કે પરબ્રહ્મ પોતે જ જીવરૂપ થયા હોવાથી તેઓનું મૂળ તત્ત્વ સ્વરૂપ એક જ છે પણ, તેમનું બાહ્યસ્વરૂપ અને ગુણ અલગ અલગ છે. વેદો અને ઉપનિષદે બ્રહ્મ અને બ્રહ્મતત્ત્વ હોવાની પૂર્તિ તો કરી છે પણ તે પૂર્તિમાં વેદોએ કહ્યું છે કે આ પરબ્રહ્મ તે નિર્ગુણ બ્રહ્મ છે, જ્યારે ઉપનિષદ કહે છે કે સગુણ બ્રહ્મ છે. વેદનો નિર્ગુણ બ્રહ્મ પ્રાકૃત ધર્મથી પરે છે તેથી આ બ્રહ્મને તેમણે નિરાકાર કહેલો છે, જ્યારે ઉપનિષદનો સગુણ બ્રહ્મ અલૌકિક, અપ્રાકૃત, અને આનંદ આકારવાળો હોવાથી તે પોતાના પ્રાકૃત ધર્મો સાથે રહે છે. શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનો માર્ગ કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ અને સગુણ બંને છે તેથી આ સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મથી ભિન્ન નથી. આ બંને બ્રહ્મનું સ્વરૂપ એવું છે જે જીવોને પોતપોતાના મત અનુસાર દેખાય છે. જે નિરાકાર બ્રહ્મને માને છે તેમને માટે બ્રહ્મ અમૂર્ત છે અને જે સગુણ બ્રહ્મને માને છે તેમને માટે બ્રહ્મ મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. અંતઃકરણપ્રબોધમાં કહે છે કે બ્રહ્મનું પ્રત્યેક સ્વરૂપ એટલું મહાન છે કે જગતમાં એકીસાથે ન રહી શકે તેવા સર્વગુણો અને સર્વગુણધર્મ એકબીજાથી વિરુધ્ધ હોવા છતાં પણ પરબ્રહ્મ પરમાત્માના અંશોમાં એકીસાથે રહી શકે છે.

પુષ્ટિસાહિત્યમાં એક પ્રસંગ રહેલો છે કે એકવાર ગદાધરદાસ નામના વૈષ્ણવ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુને મળ્યા. તેમણે શ્રી વલ્લભાચાર્યજીને પૂછ્યું કે જો પરબ્રહ્મ પ્રભુ સૃષ્ટિના બધા જ જીવોમાં બિરાજતા હોય તો બધાને તે જીવતત્ત્વ અલગ અલગ સ્વરૂપે કેમ દેખાય છે? ગદાધરદાસના પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુએ જણાવ્યું કે ચક્રવર્તી રાજા એક જ હોય પણ તેમની નીચે રહેલા દરેક નગરના એક એક રાજાઓ હોય છે. તે જ રીતે પૂર્ણ બ્રહ્મ એ ચક્રવર્તી સમ્રાટ છેસર્વોપરી છે અને આ ભિન્ન ભિન્ન રાજાઓ તે ભિન્ન ભિન્ન બ્રહ્મઅંશનું સ્વરૂપ છે જેને પકડી શકાય છે, અડકી શકાય છે, મળી શકાય છે, તેનાથી જુદા પડી શકાય છે. હે ગદાધરદાસ આ ભિન્ન ભિન્ન જીવતત્ત્વ દ્વારા બ્રહ્મને વધુ આનંદ લેવો છે તેથી તેઓ પોતાની ક્રીડાને પોતાના જીવો દ્વારા જ રજૂ કરે છે. નરસિંહ મહેતા પોતાના પદમાં કહે છે કે

 “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે,
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વસે

ચતુઃશ્લોકીમાં બ્રહ્મવાદનો સિધ્ધાંત બતાવતાં કહ્યું છે કે બ્રહ્મ સત્ય છે, જગત ભ્રમ નથી તેમ છતાં યે બ્રહ્મનું કાર્ય છે કે તેમના અંશરૂપ જીવને અંશીનું સ્વરૂપ આપવાનું. તેથી બ્રહ્મવાદનો આ સિધ્ધાંત જાણીને લાગે છે જગત અને જગદીશનો સંબંધ કાર્ય-કારણ અને અકારણનો સંબંધ રહેલો છે. જેમાં કાર્ય અને કારણનો સંબંધ અંશીના આત્મા સાથે રહેલો છે અને અકારણનો સંબંધ અંશીના મન હૃદય સાથે રહેલો છે. બ્રહ્મ અને અંશનો સંબંધ એક સત્ય હોવા છતાં માયાવાદનો મત છે કે બ્રહ્મ જ અવિદ્યાને કારણે જીવરૂપે ભાસે છે છે, પણ વેદોએ કહ્યું છે કે “બ્રહ્મ જીવરૂપે ભાસે છે” તેમ જીવ જો વિચારશે તો જીવને પોતાના જીવનમાં મિથ્યાપણું આવી જવાનું છે તેથી જીવને એ જ્ઞાન ન થાય તે હેતુથી બ્રહ્મ જીવ ઉપર માયાનું આવરણ ચઢાવી દે છે જેથી કરી સત્ય જીવની સન્મુખ ન થઈ જાય. વાસ્તવમાં હું અનેક રૂપે થાઉંએમ પરબ્રહ્મ ઈચ્છા થઈ હોવાથી તે પોતાના પૂર્ણભાવને તિરોહિત (અદ્રશ્ય) કરીને જીવસ્વરૂપ ધારણ કરે છે, માટે જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ પણ સત્ય છે.

વિવિધ રચના કરી અનેક રસ લેવાને, જીવ થકી શિવ થયો એજ આશે” (નરસિંહ મહેતા)

તત્ત્વદીપ નિબંધમાં શ્રી વલ્લભ શુધ્ધાદ્વૈત મત પ્રકટ કરતાં કહે છે કે એકમાંથી અનેક થવાની સત્ય સંકલ્પ એવા પ્રભુની ઈચ્છા થતાં તે ઈચ્છા માત્રથી બ્રહ્મમાંથી બ્રહ્મભૂત અંશરૂપ જીવોનું વ્યુચ્ચરણ થયું છે, જ્યારે મુંડક ઉપનિષદમાં કહે છે કે જેમ અત્યંત પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી સૂક્ષ્મ તણખા નીકળે છે તેમ પરબ્રહ્મમાંથી સર્વ પ્રાણ, સર્વ લોક અને દુરાચારી તેમજ સદાચારી એવા બધા આસુરી અને દૈવી જીવોનું વ્યુચ્ચરણ થયું છે. તેથી જેમ બ્રહ્મનું સ્વરૂપ અગ્નિ છે તેમ તણખારૂપ જીવ પણ અગ્નિ જ છે. શ્વેતાશ્વતર ઉપનિષદે જીવનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે કે જીવ ડાંગરની અણી જેવડો છે પણ જીવ લૌકિક દેહમાં હૃદયસ્થ રહેતો હોવાથી તે આખા દેમાં પ્રકાશની જેમ ફેલાય છે જેને કારણે જીવમાં ચૈતન્ય આવે છે. આ ચેતનમય દેહની મદદથી જીવ પોતાના એક જન્મના કર્મો રહે છે ત્યાં સુધી રહે છે, અને પછી બીજા કર્મોની શોધમાં બીજા દેહની શોધમાં નીકળી પડે છે.

આ ચૈતન્યમય જીવનમાં કેવા ગુણો હોય છે તે સમજાવતા મુંડક મહારાજે કહ્યું છે કે બ્રહ્મમાં જેમ સૌંદર્ય, દયા, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સત્ય વગેરે ગુણો રહેલા છે તેમ જીવ રૂપી અંશમાં પણ બ્રહ્મના સમસ્ત ગુણ આવે છે. પરંતુ જીવ ઉપર માયા અને અહંનું આવરણ હોવાથી તે આ ગુણોને સરળતાથી જાણી શકતો નથી. માયા અને અહંના આવરણની નીચે રહેલ જીવને માટે અજ્ઞાનતા એ આત્મ વિસ્મૃતિનો આધાર છે જે જાણે અજાણ્યે પીડાનું આકાશ બની જાય છે. બ્રહ્મના અંશ પ્રમાણે બધાં જ બ્રહ્મઅંશીઓ પાસે જે જ્ઞાન રહેલું હોય છે તે જ્ઞાનથી અંશીઓને પોતાના અસ્તિત્વનો આભાસ રહે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જ્યારે જીવ બ્રહ્મના સ્વરૂપને સમજશે ત્યારે તેઓ અદ્ભુત આનંદને મેળવશે કારણ કે બ્રહ્મનું હોવું એ સનાતન સત્ય છે. તેથી જો બ્રહ્મ હોય તો બ્રહ્મતત્ત્વ અને બ્રહ્મઅંશ એ બંને પણ સનાતન સત્ય જ રહેવાના છે. આ સનાતન સત્ય એ પશુ, પક્ષી, માનવ, ઝરણા, નદી, પર્વત, ફૂલ, પથ્થર વગેરે જેવા અનેક ચૈતન્યવિધ ધરાવતા પદાર્થોમાં હાજર રહેશે જેને આપણે નેચર તરીકે ઓળખીએ છીએ. ફાધર ફ્રાન્સિસે કહેલું કે તમે હિન્દુઓ જેને બ્રહ્મ કહો છો તેને અમે ગૉડ કહીએ છીએ. આ ગૉડ કે બ્રહ્મ તરફ ચાલવાના અનેક માર્ગો રહેલા છે પણ આખરે એક દિવસ એવો આવશે કે આપણે એક વિશાળ પરાશક્તિની અંદર સંમિલિત થઇ તેની અંદર એક સૂક્ષ્મ અણુ બની જઈશું. વિશ્વના લગભગ બધાં જ ધર્મગ્રંથો કહે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે કોણ છીએ અને ક્યાં જવાના છીએ કેવળ આ ત્રણ પ્રશ્નોનાં ઉત્તર આપણે જ્યારે સમજી લઈશું ત્યારે अहं ब्रह्मास्मिની વ્યાખ્યા પણ પૂર્ણ થઈ જશે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

પ્રિયતમને દ્વાર

10988296_10152835078559842_2816535904507271234_n

સંભાળીને રાખો એને ખાસ
અમારી આંખોમાં સમાયેલું એ મજાનું સ્વપ્નું છે.

આ ફોટો જોઈ એક અંધગૃહની યાદ આવે છે. ૧૯૮૫ માં રાજકોટના એક અંધગૃહની મુલાકાત લેવાનું થયેલું. આ એ સમય હતો જ્યારે સમજ અને સમજણ ઓછી હતી, પણ કરુણા વધુ હતી. મારા કાકીની બહેનની દીકરી સીમા અંધગૃહમાં રહેતી હતી. મુંબઈથી કાકી રાજકોટ આવતા ત્યારે તેઓ હંમેશા તેને મળવા જતાં. મળીને ઘરે આવતા ત્યારે મારી મમ્મી પાસે તેની બહેનની દીકરી શું શું કરી શકે છે તેની વિસ્તારપૂર્વક વાત કરતી. કાકીની વાતથી હું હંમેશા વિચારતી રહેતી કે અંધ હોવા છતાં આ સીમા કામ કેવી રીતે કરતી હશે. ઘણીવાર કાકીની વાતમાં મને અતિશયોક્તિ લાગતી. પણ તે સમયમાં મોટાઓ સાથે બહુ વાદવિવાદમાં ન પડવું તેવો અમારા ઘરનો નિયમ હતો જેને કારણે હું ચૂપ રહેતી. એક દિવસ કાકીની સાથે હું પણ અંધ ગૃહમાં ગઈ. તે વખતે મારુ ત્યાં જવું એ મારી ઉત્સુકતાનો કેવળ એક ભાગ હતો તેમ હું આજેય માનું છુ. કારણ કે કાકી પાસેથી સીમાના એટલા વખાણ સાંભળેલા કે જ્યારે કાકીએ તેની સાથે આવવાનું કહ્યું તો હું ના પાડી જ શકી નહીં.

અમે અંધ ગૃહમાં જઈ મુખ્ય ઓફિસમાં ગયાં. અહીં ગુલાબબેન કાટકોરિયા નામના હેડ હતાં. અમે તેમને જઈને મળ્યાં. ગુલાબબેન કાકીને તેઓ ઓળખતા હતાં તેથી તેઓ તેમની સાથે વાતોએ વળગ્યા. તેમની વાતચીત લાંબી ચાલી તેવામાં મને તરસ લાગી તેથી મે ગુલાબબહેનને પૂછ્યું પાણી પીવું છે મને મંગાવી આપશો? આ સાંભળી કાકી કહે પૂર્વી બહાર જા ને આ તરફ રસોડુ છે ત્યાં જઈને પી આવ. મે કહ્યું સારું એમ કહી હજુ ઊભી થાઉં તે પહેલા ઓફિસનો સ્વિંગ ડોર થોડો ખૂલ્યો. સામેથી એક છોકરી પાણીની ટ્રે સાથે આવી અમારી સામે ઊભી રહી. લે….

બેટા પાણી લે … ગુલાબબેન બોલ્યાં.

મે પાણીનો ગ્લાસ ઉઠાવી તે છોકરી સામે જોયું. તે અંધ બાળા હતી. હું કશું બોલી નહીં, પણ મારા ન બોલાયેલા એ શબ્દો મને ઘણા બધા સવાલ કરી રહેલા હતાં. જેના કોઈ જ જવાબ મારી પાસે ન હતાં. પાણી પી ને મે મારો ગ્લાસ પાછો ટ્રે માં મૂક્યો અને તે પાછળ ફરી કાકી પાસે ગઈ ને બોલી

માસી તમને પાણી?

તેની વાત સાંભળી કાકી તે છોકરીના માથા પર હાથ ફેરવતા બોલ્યાં…. હિના કેમ છે બેટા…..? ઓળખે છે મને?

હા હોં માસી તમને કેમ ના ઓળખું? સીમાની માસી એટ્લે અમારી યે માસી

હા બેટા હું તારી યે માસી છું કાકી બોલ્યાં.

કાકી પાણી પી ગ્લાસ પાછો ટ્રે માં મૂક્યો પછી પૂછ્યું બેટા સીમા ક્યાં છે? એને મોકલીશ?

હા હોં માસી થોડીવાર બેસો, હમણાં જ ઇ નહાવા માટે ગઈ છે થોડી જ વારમાં આવશે હું એને જઈને કહી દઉં છું. …….

એ બોલીને પાછી રૂમમાંથી બહાર જતી રહી……ને તેને જતાં હું જોઈ રહી.

સીમા આવે ત્યાં સુધી કાકી અને ગુલાબબેનની વાતું આગળ ચાલતી રહી. આ દરમ્યાન સામાન્ય વાતચીત સાથે અંધબાળાઑના ભવિષ્ય વિષે પણ કાકીની વાતચીત થઈ. આ વાતચીત કરતાં કરતાં વચ્ચે આપણે બહાર આંટો મારી આવીએ તે સાથે અમારી છોકરીઓ અહીં કેવી રીતે તૈયાર થઈ રહેલી છે તેનો પણ ખ્યાલ આવે. ગુલાબબેનની વાત સાંભળી હું અને કાકી ગુલાબબેન સાથે ઓફિસની બહાર નીકળ્યા. ચાલતાં ચાલતાં મે જોયું કે બધી જ બાળાઑ કોઈને કોઈ કાર્યમાં બીઝી હતી. કોઈ સાફસૂફીમાં બીઝી હતું, તો કોઈ ક્રાફ્ટ વર્ગમાં બીઝી હતું, કોઈ રસોડામાં બીઝી હતી, તો કોઈની સ્કૂલ ચાલી રહી હતી, કોઈ હસી મજાકમાં મગ્ન હતી તો કોઈ સ્પોર્ટ્સમાં હતું. ટૂંકમાં કહું તો એક અંધ ગૃહની અંદર એક અલગ જ વિશ્વ હતું જે પોતાના રોજિંદા કાર્યમાં લાગેલું હતું. આજે પણ તે દિવસને યાદ કરતાં હું કહીશ કે ગુલાબબહેને મને પોતાના તે અનોખા વિશ્વ સાથે મેળવી હતી જેનો અહેસાસ આજે પણ ગઇકાલ જેવો જ છે.

અમારું ફરવાનું ચાલુ હતું તે દરમ્યાન સીમા આવીને અમને મળી. થોડીવાર વાતચીત કર્યા પછી તે છૂટી પડી રસોડા તરફ ગઈ. ગુલાબબહેને તેને જોતાં કાકીને કહે આશાબેન અમે તમારી સીમાને એક સામાન્ય છોકરી હોય તે જ રીતે ઘરના કામકાજમાં હોંશિયાર કરી છે. આજે તમારી સીમા સાથે કોઈ ઘર વસાવશે તો ચોક્કસ સુખી થશે. હું જાણું છું કે શારીરિક ખોડખાંપણવાળી વ્યક્તિને તેના જેવુ જ પાત્ર મળતું હોય છે, પણ તેમ છતાં યે મને હંમેશા થાય છે કે એક બધી રીતે સ્વસ્થ યુવાન અને તેનો પરિવાર અમારી દીકરીઓને અપનાવે તો આ છોકરીઑને પોતે પણ સામાન્ય યુવતી હોવાનો આનંદ અને અહેસાસ રહે. પણ આજે એકેય પણ એવા પરિવાર નથી જે અમારી દીકરીઓને પ્રેમથી પોતાના ઘેર લઈ જાય. તે દિવસે હું ગુલાબબેનની વાત સમજી તો ન હતી, પણ હા એક દર્દની અનુભૂતિ ચોક્કસ હતી. એનું એક કારણ પણ હતું અને તે હતું કે મને ચશ્માના નંબર હતાં. તે સમયે મારી મમ્મી એ મારા એ નંબર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરતી……એટલા માટે કે તેની દીકરી પણ જ્યારે વયસ્ક થશે ત્યારે તેને પણ ચશ્મા સાથે કોઈ છોકરો હા નહીં પાડે બસ તે જ ડર થી તેથી તે જેટલા નેચરલ ઉપાયો જાણતી તે બધાનો પ્રયોગ મારી ઉપર થતો હતો.

સીમાને મળ્યા બાદ અમે ઘરે પાછા ગયાં. ઘરે જઈ મમ્મી સાથે વાતચીત કરતાં કરતાં કાકી મમ્મીને કહે કે ગુલાબબેન કહે છે કે આ છોકરીઓ બધી અંધ ભલે રહી પણ એમના લગ્ન કોઈ આપણાં જેવા સારા પરિવારમાં ને સ્વસ્થ પરિવારમાં થાય તો આ છોકરીઓ ખરા અર્થમાં સાસરે ગઈ તેમ કહેવાય. એની વાત સાંભળી મમ્મી કહે હા આશા તમારી વાત સાચી છે પણ કોઈ પોતાના દીકરાને એક અંધ છોકરી સાથે પરણાવવા તૈયાર થાય ખરું? એમ હાથે કરીને કોઈ પોતાના દીકરાના વિશ્વને અંધારમય શું કામ કરે?

આજે આટલા વર્ષો પછી પણ એ પ્રશ્ન અને વિશ્વ એ ત્યાનું ત્યાં જ છે. હા સમય સાથે સીમા લગ્ન પણ ચોક્કસ થઈ ગયાં, પણ ગુલાબબહેને જણાવ્યું હતું તે મુજબ કોઈ શારીરિક ત્રુટિઑ ધરાવતી વ્યક્તિ સાથે. આ ચિત્ર જોઉં છું ત્યારે મને અંધ આશ્રમમાં રહેલી તે બાળાઓની યાદ આવે છે જે એક સમયે લગ્ન કર્યા બાદ નવા પરિવારને પ્રેમથી અપનાવવા આતુર હતી. એ નવવધૂના હાથમાં રહેલું નાળીયરને પણ આશા છે કે હું તેના હાથમાં જાઉં જે મને મારા સ્વભાવ અને મારી અભિવ્યક્તિ સાથે સ્વીકારી શકે. દરવાજો એ ઉમ્મીદનું પ્રથમ પગથિયું છે, તે નવવધૂ તે અંધ બાળાઑ છે જે દરવાજો ખોલીને એક ઉમ્મીદની કિરણ સાથે જોઈ રહી છે કે કોઈક દિવસનો સૂરજ અમારે માટે સ્વસ્થ, અને સધ્ધર પરિવારનું માગું લઈને આવશે તો અમે પણ અમારા નવા ઘરે જઈશું એજ ભાવના સાથે કે

 

અંધ, અનાથ ને બિચારી
બનીને રહેતી હતી આજ સુધી
કે છત મળી ગઈ
, મને કે નવા ઘરમાં

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

 

પ્રકૃતિની પગદંડી-નદી

પ્રિય સખી, કુશળ હશે આજે હું તને એક નવી જ દુનિયામાં લઈ જવા માંગુ છું માટે ચાલ સખી તૈયાર છે કે? સખી, બચપણનો ગુલમહોર જીવનની પ્રત્યેક પળોએ મહોર્યો રહે છે. જીવનના આ ઉત્તરાર્ધમાં આવીને પાછળ ફરીને જોતાં જે વૃક્ષ સદાયે યાદોના પુષ્પોથી છવાયેલું દેખાય છે તે કેવળ બચપણ છે. જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રહીને આનંદથી કિલ્લોલ કરતું, નિખાલસતાની પગદંડી પર નિર્દોષ હાસ્ય સાથે, દરેક ક્ષણે મોટા થઈ રહ્યા હોવાની અનુભૂતિ સાથે ખીલી રહેલું બચપણ. એજ બચપણ આજે અતીતની યાદો સાથે ઘણું જ પાછળ છૂટી ગયું છે પણ તેમ છતાં એ યાદોની ચિઠ્ઠીઓ આજે પણ વારંવાર વાંચવી ગમે છે. જ્યારે જ્યારે અતીતના પાનાઓ ખોલવાનો અવસર મળે છે ત્યારે ત્યારે સમયની સાથે છૂટી ગયેલા અનેક સ્વજનોની સાથે સહેલીઓ પણ એ પાનાઓની તસ્વીરોમાં બોલી ઊઠે છે ક્યારેક વિચારું છુ કે વિતેલા સમય પાસેથી જો કોઈ ભેંટ મળી શકતી હોત તો ચોક્કસ બચપણની એજ યાદો ને ફરી મેળવી લેત પરંતું આજે એ શક્ય નથી કારણ કે વિતેલા એ દિવસો ઘણા પાછળ છૂટી ગયા છે અથવા હું એ સમયથી ઘણી આગળ નીકળી ગઈ છુ આજે આ અતીતના ઇતિહાસના પાનાંઑ વાંચતી વખતે એ યાદોને તારી સાથે વહેંચવા માંગુ છું, શી ખબર કદાચ આ સફરની વાતો વાંચતાં વાંચતાં કદાચ તારી પણ યાદોનો એક પ્રવાહ મળી જાય.

સાતલડી

મારા બચપણની મારી સૌથી પહેલી સહેલી હોય તો તે છે સાતલડી નદી. ગામનું મોટું ઘર હોવા છતાં સાતલડી સાથે મારે રોજ મળવાનું થતું ક્યારેક પાણી ભરવાને બહાને તો ક્યારેક ન્હાવાને બહાને, ક્યારેક વળી કપડા ધોવાને બહાને તો વળી ક્યારેક સાતલડીના કિનારે આવેલા કબ્રસ્તાનમાં રમવાને બહાને, ક્યારેક તેના કિનારે ઉગેલી હરિયાળીમાં ખુલ્લા પગે ચાલવા માટે, તો ક્યારેક કબ્રસ્તાનમાં રહેલા હાથીયા થોરના ફળો ખાવા માટે તો ક્યારેક સાતલડીને કિનારે આવેલ બોરડીના બોર તોડવા માટે. સાતલડીને મળવાના બહાના તો મારી પાસે અનેક હતા, પણ મારો સૌથી પ્રિય સમય હતો દિવાળી સમયનો. ચોમાસું અને શિયાળો તો મારી સહેલીની પ્રિય ઋતુઓ હતી કારણ કે ચોમાસા પછી તો મારી સહેલીનું રૂપ અનેરું નીખરી આવતું હતું, તે શિયાળાના અંત સુધી નિખરતું રહેતું. સખી ખાસ કરીને ચોમાસે બે કિનારેથી છલકાઈને ઊછળતી, કૂદતી રહેતી મારી સાતલડી અને શિયાળે શાંત બનીને બેસી જતી અને હું મારી આ સાતલડી સખીના તે સમયની યાદોના ફોટાઓ ખેંચીને મારા નાનકડા માનસની તિજોરીમાં છુપાવીને દેતી તેથી આજે આટલા વર્ષ પછી પણ સાતલડીની યાદ એવી જ છે જેવી મે એને બચપણમાં જોયેલી. દિવાળીના દિવસો બાદ જ્યારે એ જળથી છલકાતી ત્યારે તેના પાણીથી રમવા માટે અસંખ્ય માછલીઑ અને જળસાપ આવતાં. સાતલડીના તે નવા મિત્રો સાથે પણ મારી સારી એવી મિત્રતા જામી જતી ત્યારે હું……હું કલાકો સુધી સાતલડી સાથે રમ્યા કરતી અને તેઑ પાણીમાં રહેલા મારા પગની આસપાસ રમ્યા કરતાં. દિવાળીના દિવસો બાદ અમારું વેકેશન પણ પૂરું થતું તે સાથે મારી સહેલીનું રૂપ ધીરે ધીરે ઓછું થતું જતું. ને ઉનાળો !!!! ઉનાળો તો મારી સાતલડીને જરા પણ ન ગમે ઉનાળાના દિવસો શરૂ થતાં થતાં તો મારી સહેલી સાવ સુકાઈ જતી ને મારા મિત્ર માછલી અને જળસાપ પણ ત્યાંથી દૂર ચાલ્યાં જતાં. સખી સાતલડી સાથેની મારી આ મિત્રતા ૧૭ વર્ષ સુધી ચાલી ત્યારબાદ મારી જિંદગી પણ બદલાઈ. ૧૭ વર્ષ પછી મને પણ એક સાથી મળ્યો જેના પ્રેમને કારણે, તેનો સાથ આપવા માટે મે ગામ છોડયું અને ગામ સાથે સાતલડીનો સાથ પણ છૂટી ગયો. સખી પરંતુ ફક્ત સાથ છૂટી ગયો હતો હં….. સાથ છોડયો ન હતો…..તેથી જ્યારે જ્યારે ગામ જતી ત્યારે સાતલડીને પણ મળવા ચોક્કસ જતી હતી. પરંતુ સખી પછી તો એવો સમય પણ આવ્યો કે હું ગામ જતી ત્યારે મને સાતલડી મળતી જ નહીં પહેલાની જેમ ખિલી ખિલીને ઊછળતી કૂદતી રહેલી મારી સાતલડી સરિતાનું અસ્તિત્વ લગભગ નહિવત થઇ ગયું હતું, થોડા ઘણાં તેના બચેલા જળમાં લીલ છવાયેલી હતી, તેનું પાણી અત્યંત દુર્ગંધમય થઈ ગયું હતું, કચરાના ઢગ તેના અંગને ઢાંકી રહ્યાં હતાં, તેના કિનારા પર રહેલ હરિયાળી સુકાઈ ગયેલી હતી. મારી સૌથી પ્રિય એવી સખીની આ દુર્દશા જોઈ મને ખૂબ દુઃખ થતું. સખી આજે પણ હું સાતલડીને ઘણી જ યાદ કરું છુ. ગામથી કોઈ આવે ત્યારે સાતલડીના સમાચાર ચોક્કસ પૂછું છું પરંતુ મને એજ સમાચાર મળે છે કે મારી સહેલી ગામ છોડીને ચાલી ગઈ છે. સખી આજે ભલે સાતલડી ફક્ત મારી યાદોમાં રહી ગઈ હોય પણ તેમ છતાં આજે પણ અમારા બચપણની અમુલ્ય પળોએ અમને બંનેને સમયના કોઈ બંધનમાં ચોક્કસ બાંધી રાખ્યાં છે.

મુલામુઠા

સાતલડીનો સાથ જેમ મને મારા બચપણને સંવારવા મળ્યો તે રીતે મુલામુઠાનો પણ સાથ મળ્યો, પરંતુ એક વડીલની જેમ. મુલામુઠાએ પણ મારા મનની અંદર રહેલી સાતલડી સાથેના દિવસોને સદાયે એ રીતે જીવંત રાખ્યાં હતાં કે પુનાના રસ્તાઓ પરથી પસાર થતી વખતે મુલામુઠામાં મને અનાયાસે ક્યારેક સાતલડી પણ સંતાયેલી દેખાઈ જતી હતી. મુલામુઠા ……..આમ તો એ ભીમાનદીના જ બે પ્રવાહ હતા જેમનું પાછળથી પૂનામાં સંગમ થયું અને તેઓ મુલામુઠારૂપે ઓળખાયા. આમતેમ રમતી જતી, લોકજીવન અને પ્રકૃતિને પોતાના પાલવ સંગે બાંધતી જતી આ બંને બહેનોને તેમના પ્રેમ અને સંપે તેઓને એકબીજાની સાથે સદાયે સંગમ બ્રિજ પાસે બાંધી રાખ્યાં. નવરાત્રિના દિવસોમાં મારે આ બંને બહેનોને ખાસ મળવાનું થતું હતું. પરંતુ નવરાત્રિના દિવસો બાદ કરતાં સામાન્ય દિવસોમાં પૂનાના સંગમબ્રિજ પાસેથી નીકળતી એ બે બહેનો સાથે મારી હંમેશા મૂક વાતો થયા કરતી અને ઘણીવાર અમારા મૌનમાં અનેક વાતોનો સંગમ થયાં કરતો. પરંતુ સખી જેમ મને સાતલડીને મળતાં આનંદ અને દુઃખ બંને સાથે થતાં તેમ મુલામુઠા માટે પણ હતું એક તરફ મુલામુઠાની મળીને આનંદ થતો બીજી બાજુ મુલામુઠાની સ્થિતિ જોઈને દુઃખ પણ થતું હતું. કારણ કે તેની સ્થિતિ તો મારી સાતલડી કરતાં પણ વધુ ખરાબ હતી. સખી હું મારી આ બંને સહેલી પાસેથી એક ખાસ વાત શીખી હતી તે હતું કે સમય સાથે વહેવાનું, આજ કારણે સખી એક દિવસ એવો પણ આવ્યો કે મારો એમની સાથેનો સાથ છૂટી પણ ગયો.

મેરીમેક

સખી યુ એસ એ માં આવતાં જ સૌ પ્રથમ મને સાથ મળ્યો હતો તે સહેલી હતી મેરીમેક રિવર. બિલકુલ ઘરની પાછળથી જ વહેતી જતી એ નદીના પ્રતિબિંબમાં ક્યારેક હું મારા અતીતમાં રહેલ બંને સાહેલડીઓને મળી લેતી પરંતુ મેરીમેક એ બંને કરતાં ઘણી જ અલગ હતી. તેનામાં રહેલ વિશાળ જળનિધિ, મોટો પટ્ટ અને ધ્યાનપૂર્વક લેવાયેલ કાળજીને કારણે તે ઘણી જ સુંદર પણ હતી અને પોતે સુંદર હોવાનું તેને થોડું અભિમાન પણ હતું. પરંતુ મારે ક્યાં તેનું અભિમાન જોવાનું હતું જેમ એ નદીના ગુણ છોડીને બદલાયેલી હતી તેમ હું યે સમયના પ્રવાહમાં બદલાઈ ગયેલી હતી ને. ગઇકાલે જ્યાંથી મે મારા બચપણના પગલાઓની છાપ છોડેલી હતી તેવાં જ પગલાઓની છાપ લઈને હું મારા બાળકોની આંગળી પકડીને આવતી અને મેરીમેકના વિશાળ પ્રવાહ પાસે, તેના કિનારા પરની રજમાં છાપ છોડવાને માટે ઊભી રહેતી. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ અમે બંને પણ અમારો અતીત ભૂલીને નવા સાહેલડી બનવામાં મગ્ન થઈ ગયાં ત્યારે હું મેરિમેકને પૂછતી રહેતી કે તું આટલી સુંદર શી રીતે છે? તે મને કહેતી કે હું સુંદર છું કારણ કે મારો પરિવાર મારી કાળજી રાખે છે. મારા પરિવારના લોકો મારા તટ્ટ પર કચરો થવા દેતા પણ નથી અને મારા પાણીમાં કચરો આવવા પણ દેતા નથી. મારા કિનારા પર અને મારા શહેરમાં વૃક્ષોનું આરોપણ કરી મારી સુંદરતામાં વધારો કરે છે. કેમિકલયુક્ત પાણી, ગટરના પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ બનાવેલ હોય છે અને તે વ્યવસ્થાઓનું લોકો નિયમપૂર્વક પાલન પણ કરે છે. ડેમ, બંધ વગેરે તો અહીંના લોકો પણ બનાવે છે કારણ કે માનવો માટે તે હોવા પણ જરૂરી છે પરંતુ સાથે સાથે મને નુકશાન ન થાય તે વાતનો ખાસ ખ્યાલ પણ રાખે છે. પ્રદૂષણ અને પ્રદૂશીત વાતાવરણને રોકવા માટે ફક્ત સરકાર જ નહીં પરંતુ સામાન્ય જનસમુદાય પણ મદદ કરે છે અરે એવં નાનામાં નાના બાળકો પણ મારા કિનારાને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરે છે. અરે તું જ જો તું તારા બાળકો સાથે રોજ મને મળવા આવે છે ત્યારે તે કેટલીવાર મારા કિનારા પર કચરો નાખ્યો? મે કહ્યું એકવાર પણ નહીં આ સાંભળીને મેરીમેક કહે કે તું હંમેશા તારી સહેલીઑ સાતલડી અને મુલામુઠાની વાત કરે છે પણ હવે તું જ મને કહે કે જે રીતે તું મારી પ્રજ્ઞાનું ધ્યાન રાખે છે તે જ રીતે શું તે પણ ક્યારેય તારી એ સહેલીઓની પ્રજ્ઞા વિષે ધ્યાન રાખ્યું છે? શું ક્યારેય તે તારી એ સહેલીઓના પટ્ટ સ્વચ્છ રહે તે માટે કર્મ કર્યું છે? તમે કહો છો ને કે સાથી હાથ બઢાના પરંતુ તમારા દેશમાં આટલી વસ્તી હોવા છતાં ક્યારેય તમે તમારી એ સાહેલીઓને પ્રદૂષણમાં ખોવાઈ જતી બચાવવા માટે નાના મોટા સહુએ સાથે મળીને નિરંતર ધ્યાન રાખ્યું છે? પોતાના ઘરને સ્વચ્છ તો સહુ રાખે પણ જ્યાં તમારું ઘર રહેલું છે એ ઘરના વિશાળ આંગણારૂપી શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન તમે ક્યારેય કર્યું છે? જે રીતે દર રવિવારે અહી સફાઈ કરતાં નાગરિકોની જેમ શું તમારા દેશના નાગરિકોએ ક્યારેય પ્રયત્ન કર્યા છે? હા વાત કરનારા તો ઘણા જ હોય છે અને શું આપણી જ પ્રકૃતિનું ધ્યાન રાખવું એ ફક્ત એક જ વ્યક્તિના હાથની વાત છે? જ્યારે નાના મોટા સહુ ભેગા મળીને એકજુથ થઈને પ્રકૃતિની રક્ષા માટે એકસરખા કદમ ઉઠાવશે ત્યારે જ આ કાર્યમાં સફળતા મળશે અને સાથે એ પણ છે કે આ કાર્ય કરવા માટે માત્ર ધન નહીં પરંતુ ધનની સાથે જાત મહેનત પણ કરવી જોઈએ. જ્યારે જાતકર્મી પણ બનશો ત્યારે આ કાર્યમાં તમને સફળતા મળશે ત્યારે તારી સહેલીઓનું ખરું અસ્તિત્વ મળી આવશે. આજે ભલે તું સમય સાથે એ જગ્યાઓ છોડીને ચાલી આવી હોય પરંતુ તારી સહેલીઓને એમનું અસ્તિત્વ આપવાનું કાર્ય આજે પણ ચાલું જ હોવું જોઈએ. આવતી કાલે તું પણ મારો સાથ છોડીને એક નવી જગ્યા વસાવશે તો આજે તારું જે કાર્ય અધૂરું છે તે કાર્યની જવાબદારી કોઈ બીજું લઈ લેશે પણ આ કાર્ય સતત ચાલ્યા કરશે ક્યાંય પણ આરામ લીધા વિના. સખી મેરીમેકની વાત હું બસ મૂક રીતે સાંભળતી જ રહી ગઈ છું કારણ કે આજે પણ તેની વાતનો મારી પાસે કોઈ જવાબ નથી કારણ કે આજે પણ મારી સહેલીઓને તેનું અસ્તિત્વ પાછું મળ્યું નથી તેથી હું તેમનાથી અને તેઓ મારાથી બસ છૂટા પડી ગયાં છે. સખી મેરિમેકની વાત કેટલી સાચી છે તે વાતનો અંદાજો આજે મને આવે છે. સખી એક સમયે યમુના, ગંગા, ભીમા, કાવેરી વગેરે નદીઓના પ્રવાહ અતિ વિશાળ હતાં તેમાં વહાણવટાઓ ચાલતાં, વ્યાપાર થતો પરંતુ આજે એ નદીઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. વિશાળ પ્રવાહોની વાત તો દૂર ગઈ સખી પરંતુ નાનો શો પ્રવાહ પણ દેખાતો નથી આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. તદપરાંત ઝેરી પદાર્થો વડે આપણે પાણીની સાથે સાથે હવાને પણ પ્રદુષિત કરી નાખી છે ત્યાં આ વિશાળ નદીઓનું અસ્તિત્વ શી રીતે ટકાવીશું? સખી આપણી આ સરિતાઓને બચાવવાની વાત તો ઠીક પરંતુ આ સરિતાઓના ભાગની ભૂમિનો ભાગ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે. નથી આપણી પાસે આપણી નદીઓનાં ભાગની જમીનનો ભાગ કે નથી તેનાં પ્રવાહનો ભાગ …..આપણે આપણી આ લોકમાતાઓ માટે કંઇ રાખ્યું જ નથી પછી આ સરિતાઓનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? સખી હું તો વિચારતી હતી કે સમયને કારણે હું આ આપણી સહેલીઓ રૂપી લોકમાતા અલગ થઈ છું પણ આજે ખબર પડે છે કે એઑ મારાથી ક્યારેય અલગ નથી થઈ બસ મે, અમે ને આપણે જ એને પ્રકૃતિની પગદંડીએથી ખોઈ નાખી છે. સખી આપણે પોતે જ્યારે જાગીશું ત્યારે જાગૃતિ થશે અને આપણી સાથે અન્ય જનો જાગશે ત્યારે જનજાગૃતિ થશે. જ્યારે જનજાગૃતિ થશે ત્યારે આ ભગીરથ કાર્ય પણ સંપન્ન થશે અને સાથી હાથ બઢાનાનો સાચો અર્થ મળશે. સખી આપણાં શાસ્ત્રોમાં કહે છે કે એક ભગીરથ રાજા હતો જેઓએ સ્વર્ગ પરથી ગંગાજીને ભૂમિ પર લાવ્યાં પરંતુ સખી આજે એ યુગ છે જેમાં પ્રત્યેક નર-નારીઓ જ્યારે ભગીરથ બનશે ત્યારે તેઓ કાળની ગતિમાં ખોવાયેલી આપણી આ નદીને ફરી ભગીરથ કાર્યના ફળસ્વરૂપે ભૂમિ પર લાવી શકશે. સખી આજથી આપણી જાતને ખુદને જગાવવાનું અને આસપાસના લોકોને જાગૃતિ આપવાનું કાર્ય હું મારી સાથે તને પણ સોંપી રહી છું, જેથી આપણી આ લોકમાતાઓને પ્રકૃતિ પર પાછા લાવવા આપણે સાથે સાથે કામ કરી શકીએ. ચાલ ત્યારે વિદાય લઉં આપણે ફરી મળીશું આપણી એજ સાહેલડી સરિતાના કિનારે.

                                                                                                    પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com