Monthly Archives: એપ્રિલ 2015

રસખાનજીના કૃષ્ણનું રસદર્શન

હિન્દી સાહિત્યમાં, કૃષ્ણભકતોમાં અને પુષ્ટિમાર્ગમાં રસખાનજીનું અનેરું સ્થાન છે. રસખાનજીને રસોની ખાણ તરીકે સંબોધિત કરવામાં આવે છે. શ્રી કૃષ્ણકનૈયાની માધુરીમાં જે ખોવાઈ ગયા છે તે રસખાનજીનો જન્મ વિ.સં ૧૫૯૦માં થયો હતો. તેઓ સૈયદ ગફુર કુળના વંશજ હતા. રાજા હુમાયુએ તેમના વડવાઓને જમીન અને જાગીર આપ્યા હતા. પરંતુ તેઓ પોતાના વતન કાબુલમાં રહેતા હતાં. એક સમયે તેઓએ અકબરબાદશાહનનો જીવ બચાવેલો. આ પ્રસંગ પછી અકબર બાદશાહે પોતાના લશ્કરમાં ઉપરી અધિકારી બનાવ્યાં. એક સમયે મથુરાના સુબાને મળવા માટે કોઈક કારણસર રસખાનજી આવ્યાં. અહીં તેમણે બાલકનૈયાનું ચિત્ર જોયું અને તરત જ તેઓ આ અદ્ભુત બાળક પર મોહી ગયાં. તેમણે વ્રજવાસીને પૂછયું કે આ કોણ છે? વ્રજવાસીએ કહ્યું કે એ તો અમારો કનૈયો છે. આ સાંભળીને રસખાનજીએ પૂછ્યું કે એ ક્યાં રહે છે? ત્યારે રસખાનજીને ઉત્તર મળ્યો કે એ તો વ્રજભૂમિમાં રહે છે. આ ઉત્તર સાંભળી તેઓ વ્રજમાં આવ્યાં અને કનૈયાની શોધ કરવા લાગ્યાં. એક દિવસ તેમને જાણ થઈ કે કનૈયો તો ગોકુળ સ્થિત હવેલીમાં રહે છે. આ સાંભળી રસખાનજી હવેલીમાં પ્રવેશવા ગયાં પરંતુ તેઓ મુસલમાન હોવાથી મંદિરમાં જતા દ્વારપાળે તેમને રોક્યા. પરંતુ આ સમયમાં રસખાનજીનો અનુરાગ વધી ગયો હતો એક દિવસ તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી કનૈયા દર્શન ન થાય ત્યાં સુધી તેઓ અન્ન જળ નહીં લે. એમ વિરહાગ્નિમાં બળતા રસખાનજીએ ત્રણ ત્રણ દિવસ સુધી અન્નજળ ન લીધું ત્યારે હવેલીમાંથી કનૈયા બહાર પધાર્યા અને રસખાનજીને કહ્યું કે મારી પાસે આવવું હોય તો વિઠ્ઠલનાથજીને શરણે જા. કનૈયા બોલતા રહ્યા અને રસખાનજી કનૈયાની પરમ માધુરીમાં ખોવાતા રહ્યા. આજ માધુરીમાં મગ્ન થયેલા રસખાનજી જ્યારે કનૈયાને પકડવા ગયાં તો કનૈયા દોડીને હવેલીમાં જતાં રહ્યા અને રસખાનજી હતાં ત્યાં ને ત્યાં જ રહી ગયાં. બીજે દિવસે રસખાનજી આચાર્યચરણ શ્રી વિઠ્ઠલેશના શરણે ગયાં અને બ્રહ્મસંબંધની દિક્ષા લીધી. આવા પરમ કૃષ્ણભક્ત કવિ રસખાનનો કૃષ્ણપ્રેમ તેમના દોહા, સવૈયા રૂપી વિવિધ પદોની રચના કરી. રસખાનજીના પદોમાં ભક્તિ રસ અને શૃંગાર રસની પ્રધાનતા વિશેષતઃ રૂપે જોવા મળે છે. રસખાનજીને કૃષ્ણના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપમાં પ્રીતિ, સ્નેહ અને શ્રધ્ધા હોવાથી તેમણે સગુણ કૃષ્ણ અને નિર્ગુણ કૃષ્ણ બંને માટે અસંખ્ય પદોની રચના કરી છે. આ ઉપરાંત પ્રભુની બાલલીલા, રાસલીલા, કુંજ-નિકુંજ લીલા, ફાગ લીલાના પણ પદો રચેલા છે જે સાહિત્યની દૃષ્ટિએ અનુપમ અને અસીમિત છે. તેમણે “પ્રેમવાટિકા” અને “સુજાન રસખાન” નામની કૃતિઓની રચના કરી તેમની આ બંને કૃતિઓમાં રહેલા પદોને કોઈપણ એક રીતમાં બાંધવા મુશ્કેલ છે. આજે આપણે તેમણે રચેલા દોહાઑ અને દોહાઓમાં રહેલા કૃષ્ણનું રસપાન કરીએ. 

मानुष हौं तो वही रसखानि बसौं गोकुल गाँव के ग्वालन।
जो पसु हौं तो कहा बसु मेरो चरौं नित नन्द की धेनु मंझारन।
पाहन हौं तो वही गिरि को जो धरयौ कर छत्र पुरन्दर धारन।
जो खग हौं बसेरो करौं मिल कालिन्दी-कूल-कदम्ब की डारन।।

ઉપરોક્ત પદથી જાણ થાય છે કે રસખાનજીને પોતાના આરાધ્ય પ્રત્યે એટલો લગાવ છે કે તેઓ રસખાનજી કહે છે કે પ્રભુનું સાનિધ્ય પામવા માટે હું કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવા તૈયાર છું બસ મને મારા પ્રભુ ક્યારેય મને પોતાનાથી અળગો ન કરે. રસખાનજી બસ કોઈપણ પરિસ્થિતિમાં અને કોઈપણ સ્વરૂપે પ્રભુની, તેમની લીલાની, તેમની ભૂમિની નજીક રહી તેમનું જ સાનિધ્ય માંગી રહ્યા છે જેથી તેમને પ્રભુનો વિરહ ક્યારેય ન થાય. પોતાના મનની આ જ ભાવનાને અનુસરીને રસખાનજી કહે છે કે હવે પછી મને ક્યારેય પણ મનુષ્ય તરીકે જન્મ મળે તો મને વ્રજના વ્રજવાસીઑ સંગે રહેવાનો સુયોગ પ્રાપ્ત થાય, અને કદાચ મને મનુષ્ય તરીકે નહીં પણ પશુ તરીકે જન્મ મળવાનો હોય તો હું ગાય બનવાનું પસંદ કરીશ જેથી કરીને હું નંદજીના ગૃહની ગાયો સાથે વિચરણ કરી શકું. કદાચ મને પશુ નહીં પણ પક્ષી તરીકે જન્મ મળશે તો હું યમુનાજીના કિનારે ઉગેલા કોઈ વૃક્ષ ઉપર નિવાસ કરીશ, અગર પથ્થર પણ બનુ તો હું ગિરિરાજજીનો કોઈ પથ્થર બનુ જેથી કરીને હરિ મને પોતાની તર્જની પર ધારણ કરી ઇન્દ્રના પ્રકોપથી બચાવી શકે. આ રીતે રસખાનજીએ પોતાના સમસ્ત શારીરિક અવયવો અને ઇન્દ્રિયોની સાર્થકતા માની છે જેથી કરીને તેઓ પ્રભુ પ્રત્યે સમર્પિત રહી શકે.

जो रसना रस ना बिलसै तेविं बेहु सदा निज नाम उचारै।
मो कर नीकी करैं करनी जु पै कुंज कुटीरन देहु बुहारन।
सिध्दि समृध्दि सबै रसखानि लहौं ब्रज-रेनुका अंग सवारन।
खास निवास मिले जु पै तो वही कालिन्दी कूल कदम्ब की डारन।।

આ દોહામાં રસખાનજી પોતાના આરાધ્યને વિનંતી કરે છે કે “હે પ્રભુ આપ મને સદાયે આપનું સ્મરણ કરવા દો જેથી કરીને મારી જીવ્હાને સતત આપના નામના અમૃતનો રસ મળતો રહે. હે પ્રભુ મને આપની કુંજ કુટીરમાં બુહારી કરવા દો જેથી કરી મારા હાથ સદાયે સત્કર્મ કરવાને તત્પર રહે. બ્રજની રજથી ખરડાયેલ આપનું શ્રી અંગ મને સાફ કરવા દો જેથી કરીને આપના શ્રી અંગ પર રહેલી અષ્ટ સિધ્ધીનું સુખ મને પ્રાપ્ત થાય, અને હે પ્રભુ કદાચ આપ મને મારા નિવાસ માટે કોઈ ઉત્તમ સ્થાન આપો તો હે પ્રભુ જે કદંબના વૃક્ષ નીચે આપે અનેક લીલાઓ કરી છે તે જ વૃક્ષની ..ડાળીઓ પર મને નિવાસ કરવા મળે. કારણ કે મારે માટે આ આપની લીલાસ્થળીથી ઉત્તમ સ્થાન કોઈ જ નથી. જે રસખાનજી કદંબના વૃક્ષ ઉપર બસેરો માંગે છે તે જ રસખાનજીને વ્રજચંદ્ર શ્રી કૃષ્ણના બાલ્યજીવનમાં ડોકિયું કરવા મળે છે આથી તેઓ કૃષ્ણની બાલસુલભ ક્રીડાઓની ઝાંખી કરતાં કહે છે કે 

धूरि भरै अति सोभित स्याम जु तैसी बनी सिर सुन्दर चोटी।
खेलत खात फिरै अँगना पग पैंजनी बाजती पीरी कछौटी।
वा छवि को रसखान विलोकत बारत काम कला निज कोठी।
काग के भाग बडे सजनी हरि हाथ सौं ले गयो रोटी।।

બાલક શ્યામજૂનું શ્રી અંગ રજથી ખરડાઈ ગયું છે, શ્યામસુંદરના મસ્તક પર બાંધેલી ચોટી એટલી સુંદર છે કે તે ચોટીને કારણે શ્યામસુંદરની શોભા અવર્ણીય બની જાય છે, આપશ્રી પીળા પીતાંબરી વસ્ત્રો પહેરીને, પગમાં નૂપુર બાંધીને, હસ્તમાં માખન રોટી લઈ ખેલતા ખેલતા ખાઈ રહ્યા છે અને આંગણામાં એ રીતે આમતેમ ઘૂમી રહ્યા છે, કે તેમને જોઈને…..પ્રભુનું આવું મનમોહક બાલ્ય સ્વરૂપ જોઈને રસખાનજી વારી વારી જાય છે અને સ્વગત જ બોલી ઊઠે છે કે મારી પાસે રહેલી સમસ્ત કલા પ્રભુ પર ન્યોછાવર કરી નાખું અને સાથે સાથે હું સ્વયં પણ મારા આવા નટખટ કાન્હ ઉપર ન્યોછાવર થઈ જાઉં…….હજુ રસખાનજી બોલી જ રહ્યા છે ત્યાં જ એક કાક (કાગડો) આવીને બાલકાન્હાના હસ્તમાંથી માખણ રોટી છીનવી લઇ ત્યાંથી ઊડી જાય છે, તે જોઈ રસખાનજી કહે છે કે આ કાકનું ભાગ્ય પણ આજે સૌભાગ્ય બની ગયું કારણ કે જે માખણ રોટીનો ટુકડો પ્રભુના હસ્તમાં હતો તે જ તેને ખાવા મળી રહ્યો છે, બીજી રીતે જોઉં તો પ્રભુના હસ્તે જ તે એક કોળિયો ખાઈ રહ્યો છે. (ઇતિહાસ કહે છે કે માખણ રોટીનો ટુકડો હાથમાંથી જતાં જ  બાલકૃષ્ણ રડી પડે છે તેમની ભોળી ભોળી આંખોમાંથી અશ્રુઑના બિંદુઓ સરી પડે છે તે જોઈ યશોદાજી ત્યાં આવીને કાન્હાને વ્હાલ કરવા લાગે છે તે જોઈને રસખાનજીને પોતે યશોદાજી જેવુ ભાગ્ય નથી મેળવી શક્યા તે માટે દુઃખ થઈ આવે છે.

अधर लगाई रस प्याई बाँसुरी बजाय,
मेरो नाम गाई हाय जादू कियौ मन में।
नटखट नवल सुघर नन्दनवन में
करि कै अचेत चेत हरि कै जतम मैं।
झटपट उलटि पुलटी परिधान,
जानि लागीं लालन पे सबै बाम बन मैं।
रस रास सरस रंगीली रसखानि आनि,
जानि जोर जुगुति बिलास कियौ जन मैं।

મનમોહન પ્રત્યે રસખાનજીનો પ્રેમ કાવ્ય દ્વારા પ્રગટ થઈ જ રહ્યો છે પણ ગોપીઓનો પ્રેમ તો બાલકૃષ્ણ સાથે કૃષ્ણની બાલ્યવસ્થાથી જ લાગેલો છે. રસખાનજી કહે છે કે આ ગોપીઓના બાલકૃષ્ણ પ્રત્યેના પ્રેમને જોઈને લાગે છે કે આ  ગોપીઓએ પોતાના સ્નેહમાં સમસ્ત વ્રજને ડૂબાડી દીધું છે. આ વ્રજની ગોપીઑને આકર્ષિત કરવા માટે કૃષ્ણ પણ અનેક લીલાઓ કરે છે, ક્યારેક મધુર બાંસુરી બજાવે છે, વળી ક્યારેક પ્રેમભરી દૃષ્ટિથી જ ગોપીઓના હૃદયને વીંધી નાખે છે. કૃષ્ણની આવી અવનવી લીલા જોઈને વ્રજની ગોપીઓ એકબીજાને કહે છે કે હે સખી, આ કૃષ્ણએ પોતાના અધરોનો રસ બાન્સુરીમાં ભર્યો અને પછી તે રસ બંસૂરીના સૂરમાં એ રીતે છોડયા કે હું સંમોહિત થઈ ગઈ. પ્રિય સખી, બાંસુરીના સ્વરમાં ખોવાયેલી એવી મને એવું લાગ્યું કે કૃષ્ણ મને બોલાવી રહ્યા છે તેથી સમયનો કોઈ ખ્યાલ રાખ્યા વગર, આડા અવળા વસ્ત્રો અને અલંકાર ધારણ કરીને હું વનમાં પહોંચી ગઈ. સખી, ત્યારે રંગીલા કૃષ્ણએ આવીને મને રાસલીલામાં સંમિલિત કરી અને આખા વનમાં નૃત્ય સંગીતનું વાતાવરણ ઊભું કરી દીધું.

रंग भरयौ मुस्कात लला निकस्यौ कल कुंज ते सुखदाई।
मैं तबहीं निकसी घर ते तनि नैन बिसाल की चोट चलाई।
घूमि गिरी रसखानि तब हरिनी जिमी बान लगैं गिर जाई।
टूट गयौ घर को सब बंधन छुटियो आरज लाज बडाई।।.

ગોપી પોતાના હૃદયની દશાનું વર્ણન કરતાં કહે છે કે સખી, મંદ મંદ મુસ્કુરાતા કૃષ્ણ જ્યારે સર્વે ગોપીજનોને સુખ દેવા માટે કુંજની બહાર નીકળ્યા ત્યારે સંયોગ વશ હું પણ બહાર નીકળી. તે સમયે કૃષ્ણએ મારી સામે જોઈને એવા મનમોહક નૈનબાણ ચલાવ્યા કે તે હું તો ચક્કર ખાઈને સુધબુધ ભૂલીને હરણીની ભૂમિ પર જ પડી ગઈ. સખી, સાચું કહું કૃષ્ણને જોતાની સાથે જ મારા કુળની લાજશરમ બધુ જ છૂટી જાય છે. કૃષ્ણની બાલ્યવસ્થાના અને રાસલીલાના પદ ગાનાર રસખાનજીએ ફાગલીલાના પદમાં કૃષ્ણ અને ગોપીઓની મનોહર ઝાંકીને પણ પ્રસ્તુત કરતાં કહ્યું છે કે

खेलत फाग लख्यौ पिय प्यारी को ता मुख की उपमा किहिं दीजै।
दैखति बनि आवै भलै रसखान कहा है जौ बार न कीजै।।
ज्यौं ज्यौं छबीली कहै पिचकारी लै एक लई यह दूसरी लीजै।
त्यौं त्यौं छबीलो छकै छबि छाक सौं हेरै हँसे न टरै खरौ भीजै।।

એક સખી પોતાની બીજી સખીને કહે છે કે પ્રિયે મે તો જ્યારે કૃષ્ણ અને રાધા પ્યારીને ફાગ ખેલતા જોયા ત્યારની શોભાનું શું વર્ણન કરું? સખી વિશ્વમાં એવું કશું જ નથી જે મનોહારી યુગલસ્વરૂપ ઉપર ન્યોછાવર કરી શકાય. સખી, રાધાપ્યારી તે એક એક ચતુરાઇ લઈને એક પછી બીજી એમ રંગ ભરેલી પિચકારી છડકતી હતી તેમ તેમ કૃષ્ણ પણ રાધા પ્યારીના રંગમાં ભીંજાઇને મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતાં. રસખાનજી આગળ વધતાં ભક્તિ પદ ગાય છે ત્યારે તેમના તે પદમાં નિર્ગુણ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. તેથી તેઓ કહે છે કે

संभु धरै ध्यान जाकौ जपत जहान सब,
ताते न महान और दूसर अब देख्यौ मैं।
कहै रसखान वही बालक सरूप धरै,
जाको कछु रूप रंग अबलेख्यौ मैं।
कहा कहूँ आली कुछ कहती बनै न दसा,
नंद जी के अंगना में कौतुक एक देख्यौ मैं।
जगत को ठांटी महापुरुष विराटी जो,
निरजंन, निराटी ताहि माटी खात देख्यौ मैं।

ભગવાન શિવ પણ પોતાની ધ્યાનવસ્થામાં જે આરાધ્યના દર્શન કરે છે, જે દેવની તોલે કોઈ અન્ય દેવ આવી શકતું નથી, જેનું સમસ્ત સંસાર પૂજન કરી રહ્યું છે, તે નિર્ગુણ પ્રભુએ જ પોતે શ્રી કૃષ્ણ બનીને સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી પોતાની અવનવી લીલાઓથી સૌને અચંભિત કરી રહ્યા છે અને વિશ્વના વિરાટ દેવ બાલ સ્વરૂપ ધારણ કરીને નંદબાબાના આંગણાની માટીને ખાતા ફરી રહ્યા છે. નિર્ગુણ પ્રભુની સગુણ લીલા જોઈ રસખાનજી કહે છે કે જે કૃષ્ણના ગુણોનું ગાન ઋષિમુનિઓ, ગંધર્વો, દેવી દેવતાઓ, નારદ, શેષનાગ વગેરે કરે છે, બુધ્ધિમાન ગણેશ ગણપતિ પણ જેમાં અનંત નામોને જપે છે, પરમ પિતા બ્રહ્માજી અને પ્રભુ શિવશંકર જેનું નામ લેતા થાકતા નથી, યોગી, મુનિ, જતિ, તપસ્વી તેના નિરંતર ધ્યાનમાં રહે છે, તોયે જેના સ્વરૂપને પામી શક્યા નથી તે કૃષ્ણને આહીરની છોહરિયા થોડી છાશ માટે દસ કારણો બતાવી તેની પાસે નાચ નચાવે છે. 

गावैं गुनि गनिका गंधरव औ नारद सेस सबै गुन गावत।
नाम अनंत गनंत ज्यौं ब्रह्मा त्रिलोचन पार न पावत।
जोगी जती तपसी अरु सिध्द निरन्तर जाहि समाधि लगावत।
ताहि अहीर की छोहरियाँ छछिया भरि छाछ पै नाच नचावत।

જે કૃષ્ણકનૈયાની પ્રાપ્તિ માટે આખું જગત પ્રયત્નશીલ હોય ત્યાં બ્રહ્માજી પણ કેમ પાછળ રહી જાય? બ્રહ્માજી ભલે પરમપિતા હોય, સૃષ્ટિના સર્જન કર્તા હોય પણ તેમ છતાં પણ તેઓ વિષ્ણુના આ અષ્ટમ અવતારનું, આનંદમય અવતારનું મહત્વ જાણી ગયા છે તેથી તેઓ પણ વ્રજવાસીઓ અને ભક્તજનોની માફક તપસ્યા કરે છે જેથી તેઓ પ્રભુ શ્રી કૃષ્ણની લીલાને પામી શકે. જે શ્રીકૃષ્ણનું મહત્વ અને લીલાને પામી નથી શક્યા તે મૂઢ ને મૂર્ખ બ્રહ્માજીને પૂછે છે કે જે માટીની અંદર ખેલી રહ્યો છે, જેના વસ્ત્રો ગોબર-માટીથી ગંદા થયેલ છે, જે ભૂમિ પર પડેલ એક એક બુંદ ગોરસ, પયનો ચાટી ચાટીને લેતા હોય તેવા આ બાળકની આરાધના શા માટે કરવી? તે મૂઢની વાત સાંભળીને રસખાનજી કહે છે કે જે મૂર્ખ કૃષ્ણ રૂપી રસને, કૃષ્ણ રૂપી રસિકને અને કૃષ્ણ રૂપી આનંદને નથી જાણતો તે મૂર્ખ પ્રભુ શ્રી કૃષ્ણની રસિકમય લીલાને શી રીતે જાણી શકવાનો છે? વસ્તુતઃ રસખાનજીના કૃષ્ણ એટલા અલૌકિક અને આનંદમય છે કે તેમના આનંદને અંગીકાર કરવા ભક્તજનો સહીત બ્રહ્માજી હંમેશા તૈયાર રહે છે.

वेही ब्रह्म ब्रह्मा जाहि सेवत हैं रैन दिन,
सदासिव सदा ही धरत ध्यान गाढे हैं।
वेई विष्णु जाके काज मानि मूढ राजा रंक,
जोगी जती व्हैके सीत सह्यौ अंग डाढे हैं।
वेई ब्रजचन्द रसखानि प्रान प्रानन के,
जाके अभिलाख लाख लाख भाँति बाढे हैं।
जसुदा के आगे वसुधा के मान मोचन ये,
तामरस-लोचन खरोचन को ठाढे हैं।

CopyRight:-ISBN-10:1500299901 .
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

સફળતાની પહેલી સીડી નિષ્ફળતા

नयी नयी उम्मीदों के संग, कभी हम चले थे मंझील की और
कुछ तो थे अच्छे इरादे…और कुछ तो थे सपने अपने,
पर बताओ हमको की हमने क्या पाया और क्या खोया,
सपने तो अपने हुए नहीं, पर अपने भी अपने रहे नहीं।

એક દિવસ બહુ નજીકની સખી સાથે વાતચીત થતી હતી. વાતચીત કરતાં કરતાં તે કહે કે પૂર્વી, માણસને ઘડનાર કોણ છે? સંજોગો, સમય, કે તેના સ્વજનો ? મારી સહેલીએ મને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે થોડીવાર માટે હું મૂંઝવણમાં મુકાઇ ગઈ. તેનો પ્રશ્ન સાંભળી મે કહ્યું કે આ ત્રણેય તો આપણને ઘડે જ છે, પણ મને લાગે છે કે આ ત્રણેયની સાથે સાથે આપણી નિષ્ફળતા પણ આપણને ઘડે છે. આ સાંભળી એ કહે છે કે પૂર્વી આપણી એ નિષ્ફળતા પાછળ પણ આ ત્રણેય “સ” જ જવાબદાર છે. તેની વાત સાંભળી મે કહ્યું કે સમય અને સંજોગ તો સમજી પણ સ્વજનો શી રીતે જવાબદાર હોય? તે કહે કે પૂર્વી સ્વજનોનો ફાળો તો સૌથી વિશેષ રહેલો છે. આમ કહી તેણે કહ્યું કે ” પૂર્વી દરેક મા ને એનું બાળક સૌથી હોંશિયાર થાય તેવી આશા હોય. આવી આશાઓમાં મા અનાયાસે પોતાની અપેક્ષાઑ પૂર્ણ કરવા માટે અનેક ગણો ભાર પોતાના સંતાનોની ઉપર નાખી દેતી હોય છે. જેને કારણે બાળકો ઉપર પોતાના માં-બાપના સપનાઓને પૂર્ણ કરવાનો ભાર આવી જાય છે. આ ભારને કારણે બાળક પોતાના સ્વપ્નાઑ તો પૂરા કરી શકતું નથી પણ પોતાના મા-બાપ જે રીતે ઈચ્છે છે તે રીતે કામ કરતું થઈ જાય છે, અને આ જ ટ્રેડિશનલ પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. પૂર્વી હું બધા કરતાં હોંશિયાર થાઉં, અને ડોકટર બનુ તેવી મારી મમ્મીની ઈચ્છા હતી. આથી મારી મમ્મી વારંવાર મારી સરખામણી અન્ય હોંશિયાર બાળકો સાથે કરતી અને મને કહેતી જો નીતા ને આટલા માર્કસ આવ્યા, આ સંધ્યા ને રશ્મિ જો કામકાજમાં કેટલી હોંશિયાર છે. જો વસુબેનની રાજુ જો ……એકેય કામ એવું નથી એને ન આવડતું હોય ને પાછી ભણવામાંયે કેવી તૈયાર છે. આમ વારંવાર બીજા ઉદાહરણો દ્વારા એ મારા નાના મનને ભરતી રહેતી. મારી મમ્મીની આ વાતો સાંભળી મને હંમેશા એક પ્રકારનો ગુસ્સોયે મનમાં રહેતો ને સાથે સાથે મનમાં બીક પણ રહેતી કે હમણાં મારાથી કાંઈક થશે તો તરત જ મને કહેશે કે જો આ કેવી રીતે કામ કરે છે તારા કાંઇ કામનો વેતો છે? આમ મારી મમ્મીની વારંવારની ટકોરને કારણે મારામાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ બંધાતી ગઈ. આ લઘુતા ગ્રંથિએ મારી અંદર એક પ્રકારની નિષ્ફળતા ઊભી કરેલી જેમાંથી નીકળતા મને વર્ષો લાગ્યાં. આથી જ હું માનું છુ કે સમય અને સંજોગો કરતાં યે સ્વજનો એ વધુ આપણા વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે અને આપણને સફળ કે નિષ્ફળ બનાવે છે.”

આ મારી કે આપની એક સખીની વાત નથી. આપણી આજુબાજુ આવા અનેક પ્રસંગો આપણે રોજબરોજ જોઈએ છીએ. આજે જેમ જેમ કોમ્પિટિશન વધતી જાય છે તેમ તેમ આપણી આશાઑ અને અપેક્ષાઓ વધતી જાય છે. જ્યારે આ આશાઓ અને અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે મનમાં ઉદ્ભવતી મનોવ્યથાઓ આપણા મનોબળને તોડે છે જે આપણને નિષ્ફળતા તરફ દોરી જાય છે. ખાસ કરીને આ બાબત વિદ્યાર્થીઓમાં અને નવયુવાનોમાં વધુ જોવા મળે છે. આજે પરીક્ષાઓ પછી આપઘાત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા જે રીતે વધતી જાય છે તે જોતાં હંમેશા વિચાર આવે છે કે એક તો આપણી શિક્ષણ પ્રથાએ આ વિદ્યાર્થીઑ પર કેટલો બધો ભાર મૂકી દીધો છે, ઉપરથી આપણી અનેક અપેક્ષાઓને કારણે આપણાં બાળકો ક્યારે તૂટી જાય છે તેની જાણ આપણને જ રહેતી નથી. મન પર રહેલા આ ભારને કારણે જે બાળકો શરૂઆતમાં હોંશિયાર હોય તેઓ પણ ધીરે ધીરે પોતાનું ધ્યાન અભ્યાસ પરથી છોડતા જાય છે, જેનું પરિણામ આપણને પરીક્ષા પછી જોવા મળે છે. બાઇબલમાં કહે છે કે પોતાને નકામા કે બીજાથી નાના ગણવાની રીત લોકોમાં બહુ સામાન્ય રીતે રહેલી છે, માટે બહુ મોટા ધ્યેયને એક ઝટકામાં શરૂ ન કરતાં તમારા ધ્યેયની શરૂઆત નાના નાના ધ્યેય થી કરો જે તમને નિષ્ફળતાથી બચાવીને મોટા ધ્યેય તરફ જવાની ગતિ આપશે. (નીતિ વચનો ૧૧:૨, ૧૬:૧૮) એક સમયના પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને કહેલુ કે “જ્યારે હું રમવાની શરૂઆત કરતો ત્યારે મારી અંદર રહેલા એક નિષ્ફળ ખેલાડીની સાથે હું રમવાની શરૂઆત કરતો. પછી જેમ જેમ રમતમાં આગળ વધતો જતો તેમ તેમ મારા એ નિષ્ફળ ખેલાડીને એટલું પ્રોત્સાહન આપતો કે એ ખેલાડી પોતાની નિષ્ફળતાને સફળતામાં ફેરવવા માટે સ્વયંની સાથે લડી પડતો.” આ તો થઈ સ્વ સાથેની વાતો પણ શું કોઈના કહેવાથી આપણે શું ક્યારેય નિષ્ફળ થઈ જઈએ છીએ? એવો સમય ઘણીવાર આવતો હોય છે કે આસપાસના લોકો અથવા આપણી વિરુધ્ધ રહેલા લોકો વારંવાર આપણને યાદ કરાવે છે કે તમે તમારા કાર્યમાં સફળ નથી થયા પણ આ વાતનો એ અર્થ ન કાઢવો કે તમે તમારા દરેક કાર્યમાં અસફળ થયા છો. મધર ટેરેસા કહેતા કે “માણસને હરાવનાર સમય કે સંજોગ નહીં પણ માણસની મનમાં રહેલી ચિંતા છે જે માણસને પોતાના ઘૂંટણ ટેકવવા માટે મજબૂર કરી દે છે. “મધર ટેરેસાની વાત સમજીએ તો લાગે છે કે આપણી સફળતા કે નિષ્ફળતા માટે કોઈ અન્ય નહીં પણ આપણે સ્વયં જ જવાબદાર છીએ. મારા અન્ય એક ખાસ મિત્રએ અમેરિકામાં પોતાનો એક નાનકડો બિઝનેઝ ઊભો કર્યો આ બિઝનેઝ તેમણે ૮ વર્ષ ચલાવ્યો આ આઠ વર્ષ દરમ્યાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો પણ આખરે કોઈક કારણસર તેમને એ બિઝનેઝ બંધ કરવો પડ્યો ત્યારે તેઓ ઘણા જ ઉદાસ થયાં. દિવસોને મહિનાઓ સુધી તેઓ મારી સાથે તેમના બિઝનેઝની વાત કર્યા કરતાં. આખરે એક દિવસ જૂની બધી જ વાતોને મનમાંથી ઉખેડી ફેંકી દીધી અને પછી મારી પાસે આવીને કહે મે મારો પ્રથમ બિઝનેઝ ભલે આઠ વર્ષના ટૂંકા ગાળામાં બંધ કર્યો હોય પણ હવે હું નવી લાઇન સાથે નવો ધંધો કરવા વિચારું છુ. એઓ જ્યારે વાત કરી રહ્યા હતા તે સમયે મારા પાપા એ તેમને પૂછ્યું કે હવે તું તારા આ નવા બિઝનેઝમાં સફળ જ થશે તેની ખાતરી શું? તે સાંભળી ને તેઓ કહે કે અંકલજી આ વખતે તો હું સફળ થવાનો જ છુ કારણ કે મારા જૂના બિઝનેઝમાં થયેલી ભૂલોમાંથી હું ઘણું બધુ શીખ્યો છુ અને એ સમયે પણ મને ઘણું બધુ શીખવાડ્યું છે. મારા મિત્રના એ જવાબે મને પણ જણાવ્યું કે સવાલ કેરિયરનો હોય કે જિંદગીનો…. સફળતા અને નિષ્ફળતા આપણી સાથે જોડાયેલી જ હોય છે બસ આપણે ક્યા પોઈન્ટથી જોઈએ છીએ તેના ઉપર પણ આધાર રાખે છે. આમાં સૌથી મજાની વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડે છે પણ જેમનામાં હિંમત હોય તે નિષ્ફળતાના કડવા સ્વાદને સફળતાના મીઠા સ્વાદમાં ફેરવી નાખે છે પછી તેમને કોઈ એમ નથી પૂછતું કે તમે શું ક્યારેય નિષ્ફળ થયા છો? તેઓ એમ જ પૂછે છે કે તમે ક્યારે સફળ થયા? અને સફળતા મેળવવા માટે તમે શું શું કર્યું? અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો. એરિક ફ્રાન્સિસ કહે છે કે મે જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેના કરતાં વિશેષ હું ફેઇલ થયો છુ. એક સમય તો મારે માટે એવો પણ હતો કે લોકો મને ફેઇલિયર તરીકે ઓળખતા હતાં. આ સમયે હું દરેક ક્ષણે વિચારતો કે આ ફેઇલિયરની લાઈફની અંદર રહેલી પ્રત્યેક ક્ષણ એવી છે જે મારે માટે અદ્ભુત છે, કારણ કે આ પ્રત્યેક ક્ષણો મારે માટે એક શિક્ષક સમાન છે જે મારે માટે સોનેરી સમય લાવનાર છે. ડો. એરિકની વાતને અનુલક્ષીને શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો જા કારણ કે જીવનમાં કરેલા બધા જ કર્મો ફળ આપે જ છે, માટે કોઈપણ કાર્યને નિષ્ફળ થયેલું ન માનો. થોડા વર્ષ અગાઉ લેખક શ્રી રજનીકુમાર પંડ્યા સાથે મુલાકાત થયેલી. તેમણે વાતચીત દરમ્યાન કહ્યું કે બેટા પ્રત્યેક વ્યક્તિઑ પોતપોતાના ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક નિષ્ફળ થયા જ હોય છે, અને નિષ્ફળ થવું જ જોઈએ કારણ કે નિષ્ફળતાનો સ્વાદ માણ્યા વગર સફળતાના સ્વાદનું મૂલ્ય રહેતું નથી, માટે મને કોઈ એમ કહે કે હું ક્યારેય નિષ્ફળ થયો જ નથી ત્યારે હું માની લઉં છુ કે તે વ્યક્તિની દોડ અધૂરી છે. 

લાસ્ટ સપ્ટેમ્બરમાં (૨૦૧૪) મારે લાદેનબર્ગ (જર્મની) જવાનું થયેલું. તે વખતે જર્મન વૈજ્ઞાનિક કાર્લ બેન્ઝના ઘર કમ મ્યુઝિયમની મુલાકાત લેવા મળી. આ મ્યુઝિયમના એક ખૂણામાં કાર્લ બેંન્ઝની અમુક વાતોને ટાંકવામાં આવેલી. આ વાતો મને ઘણી જ સ્પર્શી ગઈ. તેમણે પ્રથમ એ કહ્યું કે “તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે સ્વ પરનો વિશ્વાસ અને તમારા કાર્ય ઉપર વિશ્વાસ મૂકી શકે તેવા કોઈ સ્વની જરૂર હોય છે. (પ્રથમ સ્વ એટ્લે આત્મવિશ્વાસ અને બીજા સ્વ એટ્લે તમને સમજી શકે તેવી વ્યક્તિ) જ્યારે આ બંને સ્વ તમારી પાસે આવી જશે ત્યારે તમે ગમે તેવી નિરાશામાંથી બહાર ઝડપથી બહાર આવી જશો.” તેમણે બીજી વાત એ જણાવેલી કે “આપણા લક્ષ્ય સુધી જો પહુચવું હોય તો પ્રથમ પગલું વિફળતા ઉપર મૂકવું જોઈએ. કારણ કે વિફળ પગલું તમને તમારા નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફ લઈ જશે.” ત્રીજી વાત “તમારા સપનાને હાંસિલ કરવા માટે અને આવનાર તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારા મન, હૃદય અને આત્માને એટ્લે હદ સુધી તૈયાર કરો કે તમારું મન અને હૃદય એ પણ ભૂલી જાય કે તમારી હદ કઈ હતી.” ચોથી વાત એ કે “કશુક પ્રાપ્ત કરવાની તમારી જીદ તમને ચોક્કસ ઉર્જા આપી સફળ કરશે અને અવરોધોને તમારાથી દૂર કાઢશે”, અને પાંચમી વાત એ કે “હંમેશા સહજ રહી, પોતાની બુધ્ધિ પર વિશ્વાસ રાખી કાર્ય કરો, કોઇની યે નકલ ન કરો કારણ કે નકલ એ તમને તમારા વ્યક્તિત્વથી દૂર કરી દે છે.” હા કોઈને, કોઇની વાતને અને કોઈના કાર્યને તમારી પ્રેરણા ચોક્કસ બનાવો, પણ એણે જે કર્યું છે તે તમે ન કરો કારણ કે એણે એના જીવનકાર્યમાં જે ભૂલો કરી છે તે ભૂલ તમે પણ કરશો, આથી તમારા કરેલા પ્રયત્નોનું પરિણામ નક્કર નહીં આવે.  

આ અલગ અલગ મહાનુભાવોની અને મિત્રોની વાતથી મને એક વસ્તુ શીખવા મળી છે કે મનમાં રહેલ નકારની ભાવના દૂર કરવા માટે જીવનમાં એક હકારની કવિતાની જરૂર હોય છે માટે નિષ્ફળતાના ભયથી આપણાં લક્ષ્યને ક્યારેય ન ચૂકવું. પરંતુ નિષ્ફળતા એ પારસમણિ સમાન છે જે વ્યક્તિને તે મળે છે તે વ્યક્તિને તે જીવનના ઘણા નાના મોટા પાઠો શીખવતી જાય છે. મારી મમ્મી હંમેશા કહે છે કે નિષ્ફળતા એ પારસમણિ સમાન છે જે વ્યક્તિને તે મળે છે તે વ્યક્તિને તે જીવનના ઘણા નાના મોટા પાઠો શીખવતી જાય છે. જ્યારે સ્ટીમર ડૂબે છે ત્યારે સ્ટીમરનો સૌથી પહેલા સાથ છોડનારા ઉંદર હોય છે તેમ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે જ આપણે આપણી આસપાસ રહેલા સંબંધોને સારી રીતે જાણી શકીએ છીએ. માટે નિષ્ફળતાનો અને હતાશા આ સમય કેવળ આપણને લેસન જ નથી આપતો પણ આપણી આસપાસ રહેલ લોકોના મૂળ સ્વભાવનો પણ પરિચય કરાવતો જાય છે.  આથી આપણે કહી શકીએ કે નિષ્ફળતાના સમયમાં આપણે આપણાં કેટલા મિત્રો સાચા, સારા, નિષ્કપટ અને નિઃસ્વાર્થી છે અને કેટલા મિત્રો કેવળ કોઈ લાલચ-લોભને કારણે આપણી પાસ ફરી રહ્યા છે તે જાણી શકીએ છીએ.  

અંતે:- નિષ્ફળતાને હરાવી લાઈફમાં સક્સેસ મેળવવાનો એકમાત્ર ઉપાય એ છે કે જ્યાં સુધી આપણે સ્વયં હારતા નથી ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી કારણ કે આપણને હરાવનાર નિષ્ફળતાનું પલડુ ક્યારેય કાયમ માટે ભારી હોતું નથી. તેથી બંધ દિશા પર નજર રાખવા કરતાં જે દિશાઑ ખુલ્લી છે તેના તરફ એક નજર કરીશું તો જીત ક્યારેય આપણાથી દૂર જશે નહીં. _ હેલન કેલર

 

લહેરો સે ડર કર, નૌકા પાર નહિં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી.
નન્‍હી ચીંટી દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દિવારો પર, પર સૌ બાર ફિસલતી હૈ,
મન કા વિશ્વાસ રગો મેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગીરના, ગીરકર ચઢના, ન અખરતા હૈ,
આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી

( હરિવંશરાય બચ્ચન )

 

અન્ય કોઈએ મને કહેલ એક વાક્યને અહીં મૂકી રહી છું.

It’s never too late to start over. If you weren’t happy with yesterday, try something different today don’t stay stuck do better.

 

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ )

purvimalkan@yahoo.com