Monthly Archives: જુલાઇ 2015

બજરંગી ભાઇજાન –ફર્સ્ટ ડે ફર્સ્ટ શો

બજરંગી ભાઇજાનનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અનાયાસે જોવા મળ્યો. આ મૂવીમાં સલમાનખાનને જોવા કરતાં પાકિસ્તાનને જોવું મારે માટે વધુ અગત્યનું હતું. હું ગીત સંગીત વિષે વધુ નથી જાણતી, પણ મારી દૃષ્ટિએ મૂવી કેવું રહ્યું તે ચોક્કસ કહી શકું છું.

 

સ્ટોરી લાઇન:

 

વાર્તા શરૂ થાય છે ક્રિકેટની મેચ જોઈ રહેલી પાકિસ્તાની બીબીઑથી, જે પાકિસ્તાન તરફનાં કાશ્મીરમાં રહે છે. આ મહિલાઓમાં એક બીબી છે જે ટૂંક સમયમાં મા બનનાર છે. આ બીબી પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ફેન હોવાથી પોતાને ત્યાં આવનાર સંતાનનું નામ શાહિદ રાખવા માગે છે, જે પુત્રીનાં રૂપમાં શાહિદા બને છે. આ પુત્રી સાંભળી શકે છે પણ બોલી શકતી નથી. આ છોકરી મોટી થાય છે ત્યારે તેના અબ્બાની બકરીઓમાંથી એક બકરીનાં બચ્ચા માટે ખૂબ લાગણી હોય છે. એક દિવસ અકસ્માતને કારણે તેની મા ને લાગે છે કે મારી દીકરી બોલી શકે તો વધુ સારું. ગામલોકો કહે છે કે તારી દીકરીને ભારતમાં કોઈ દરગાહે લઈ જા, ત્યાં જવાથી તારી દીકરીને ચોક્કસ સારું થશે. આસ્થાને કારણે મા-દીકરી સમજોતા ટ્રેન દ્વારા ભારત આવે છે અને દરગાહનાં દર્શન કરે છે. દર્શન કર્યા બાદ તેઓ પાકિસ્તાન પરત જતી સમજૌતા ટ્રેનમાં બેસે છે. અડધી રાત્રે એક જગ્યાએ ટ્રેન ઊભી રહેલી છે, ત્યારે ખાડામાં ફસાઈ રહેલ એક બકરીનાં બચ્ચાંનાં અવાજ તરફ આકર્ષાઈ શાહિદા નીચે ઉતરે છે અને બકરીનાં બચ્ચાંને ખાડાંમાંથી બહાર કાઢે છે, ત્યાં જ ટ્રેન ચાલું થઈ જાય છે અને શાહિદા તેની માતાથી છૂટી પડી ભારતની ભૂમિ પર જ રહી જાય છે. આમ એક બકરીનું બચ્ચું નિમિત્ત બને છે શાહિદાની આગળની જર્ની માટે. વાર્તા આગળ વધતાં બતાવે છે કે આ બાળકી હનુમાનભક્ત પવનકુમાર ચતુર્વેદીને કેવી રીતે મળે છે. પવન કુમારને જાણ થઈ જાય છે કે આ છોકરી બોલી નથી શકતી ત્યારે હાથ ઊંચો કરવાની સંજ્ઞા સમજાવે છે. આવી જ એક સંજ્ઞા દ્વારા પવનકુમારને જાણ થાય છે કે તે છોકરી પાકિસ્તાનની છે. આથી પવનકુમાર પ્રયત્ન કરે છે કે તે છોકરી કોઈ એજન્ટ મારફતે પાકિસ્તાન પહોંચી જાય, પણ એજન્ટ તે છોકરીને હ્યુમન ટ્રાફિકિંગ તરફ લઈ જાય છે ત્યારે પવનકુમાર પોતે જ નાનકડી મુન્નીને લઈ પાકિસ્તાન જવા નીકળી પડે છે, વગર પાસપોર્ટે અને વગર વિઝાએ. દિલ્હીનાં ચાંદનીચોકથી શરૂ થયેલ પવનકુમાર અને મુન્ની (શાહિદા) ની સફર પંજાબની હરિયાળી ભૂમિ, રાજસ્થાનનું રણ અને કાશ્મીરના પહાડો વચ્ચે થઈને પાકિસ્તાન પહોંચવાનો સંઘર્ષ જોવાલાયક બની જાય છે. ભારતથી પાકિસ્તાનની આ સફર જોતાં થોડીવાર માટે એવું લાગી આવે છે કે આ ફિલ્મ 3D માં બની હોત તો વધુ આનંદ આવત. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવાશભર્યા સંબંધોને કારણે ઉપસતાં માનવસમાજનાં સ્વભાવને કબીરખાને સુંદર રીતે પ્રગટ કર્યો છે. ટૂંકમાં કહીએ તો પાકિસ્તાની બાળકીને તેના દેશમાં પહોંચાડવાં એક હિન્દુસ્તાની યુવાને કરેલા સંઘર્ષની ગાથા એટલે બજરંગી ભાઈજાન.

 

 

સિનેમેટ્રોગ્રાફી:


કબીર ખાન એક કસાયેલા ડિરેક્ટર છે, તે વાત ફરી એકવાર બજરંગી ભાઇજાનથી સ્પષ્ટ થઈ જાય છે.
અગાઉ કબીરખાન અને સલમાનખાનની જોડી ‘એક થા ટાઇગર’માં ચમકી હતી, પણ એક થા ટાઇગર કરતાં બજરંગી ભાઇજાન અનેક ગણી ઉત્તમ ફિલ્મ છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ ફિલ્મની સ્ટોરી સુંદર છે તેમ અમુક ગીતો પણ સુંદર છે, પણ ખાસ કરીને બેક ગ્રાઉન્ડ ગીતો અને કવ્વાલીએ રંગ રાખ્યો છે. પહેલા હાફ પાર્ટમાં રહેલાં બે ગીતો પોતાનો ખાસ પ્રભાવ છોડી શક્યાં નથી.

 

સીન લોકેશન:-

 

ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીરનું સૌંદર્ય કબીરખાને કેમેરામાં સુંદર રીતે કંડાર્યું છે, પણ તેમ છતાં યે આ ભૂમિ પાકિસ્તાન નથી તે વાત ઉપસીને આગળ આવે છે તેથી ફિલ્મનાં સીન અને લોકેશનમાં ખોવાઇ જવાનો પૂરો આનંદ મળતો નથી. 

 

મેઇન હીરો:-

આ ફિલ્મનો મેઇન હિરો કોણ એમ પૂછતાં સલમાનખાન કરતાં ક્યૂટ અને રૂપકડી લાગતી હર્ષાલી મલ્હોત્રા પર સૌથી વધુ નજર રહે  છે, તેથી મારી દૃષ્ટિએ શાહીદા રૂપે હર્ષાલી જ આ ફિલ્મની હીરો કે હિરોઈન કહી શકાય. હર્ષાલીએ બોલી ન શકતી બાળકીનો રોલ જે રીતે અદા કર્યો છે તે ખરેખર વખાણવાલાયક છે. 

એક્ટિંગ:

 

બજરંગી ભાઇજાનમાં સલમાનખાન છવાઈ જાય તે બહુ સામાન્ય છે, તેથી એક્ટિંગ બાબતે સલમાનખાનને કહેવાનું રહેતું નથી, પણ આ ફિલ્મથી હવે સલમાનખાનની ઉંમર દેખાઈ આવે છે. પણ અનેક નાના નાના પાત્રો પણ વાર્તામાં એટલા છવાઈ ગયાં છે કે મૂવી જોયાં પછી લાગે છે કે આ નાના નાના પાત્રો ન હોત તો સ્ટોરી ચોક્કસ અધૂરી રહેત.  સલમાનખાનની સામે નવાઝુદ્દીન પત્રકાર તરીકે, ઓમપુરી મૌલાના તરીકે, પાકિસ્તાન તરફનાં બસ કંડકટરનો નાનકડો રોલ, હર્ષાલીનો રોલ…..આમ આ બધાં જ પાત્રોએ સો ટકા પોતાનાં કામમાં જીવ રેડ્યો છે, તેની સામે કરીના કપૂરની એક્ટિંગ લગભગ ખોવાઈ ગયેલી જોવા મળે છે, જેથી પીકચર પૂરું થાય પછી યાદ કરીએ તો ઉપરોક્ત તમામ પાત્રો મન પર છવાઈ જાય છે, જ્યારે કરીના ક્યાંય દેખાતી નથી.

મારા ગમતાં સીન:-

બજરંગી પાકિસ્તાન જાય છે ત્યારે એક વૃક્ષ પર વાંદરો જુએ છે, તો તે વાંદરાને હનુમાનજીનું સ્વરૂપ જાણી બે હાથ જોડી માથું નમાવે છે, બજરંગીને વાંદરાને પગે લાગતો જોઈ ચાંદ નવાબ- નવાઝૂદ્દીન અને શાહીદા પણ બે હાથ જોડી માથું નમાવે છે, ત્યારે ગાંધીજીનાં ત્રણ વાંદરાની યાદ આવી જાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@ yahoo.com

વ્રજભૂમિમાં ઉજવાય છે ભક્તિથી ભરપૂર અષાઢ મહિનો

કવિ કાલિદાસે ગાતા કહ્યું છે કે અષાઢ મહિને નભ વાદળોની હારમાળા લઈને આવે છે અને તરસી ધરતી પર પોતાનું જળ વરસાવી તેને તૃપ્ત કરે છે, ત્યારે ધરતી પર રહેલા મનુષ્યો અને મલ્લિકાનાં છોડ તે અષાઢી જલબિંદુઓને પોતાના હસ્તરૂપી ઘટમાં ઝીલી લે છે. કવિ કાલિદાસનાં અષાઢી વાદળોની જેમ આપણો અષાઢ મહિનો ભગવાન કૃષ્ણ અને શક્તિનાં મહિમાને લઈને આવે છે.

રથયાત્રા:- અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી થાય છે. કલિયુગમાં ભારતમાં ચાર દિશામાં ચાર ધામ અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતા ધામોમાં જગન્નાથપૂરી પણ એક છે. નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ રથોમાં ભગવાન જગન્નાથજી, દાઉ બલરામજી અને નાની બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે, જેમાં દેવરાજ ઇન્દ્રએ ભગવાન જગન્નાથજીને આપેલ રથનું નામ નંદીઘોષ, દાઉજીનાં રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાજીનાં રથનું નામ પદ્મધ્વજછે. આ ઉત્સવ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા અનુસાર મહારાજ કંસનાં આમંત્રણથી કૃષ્ણ અને દાઉજી રથમાં બેસીને અક્રૂરજી સાથે મથુરા પધાર્યા હતાં તેથી તે દિવસે ભગવાન કૃષ્ણનું જગત કલ્યાણ અર્થે કાર્યની શરૂઆત હતી તેથી તે પ્રસંગને યાદ કરતાં રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે, બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી નાની બહેન સુભદ્રાને મથુરાની કથા સુણાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કાકા અક્રૂરજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરી હતી તે પ્રસંગ કહ્યો. દાઉજીની વાત સાંભળીને સુભદ્રાજીએ પણ પોતાના બંને મોટાભાઈઑ સાથે એજ રીતે રથમાં બેસી નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નાની બહેનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે કૃષ્ણ, દાઉજીએ રથયાત્રા કાઢી. જ્યારે ગર્ગપુરાણ અનુસાર એકવાર દ્વારિકામાં સર્વે રાણીઑ રાધાજી વિષે માતા રોહિણીને પૂછવા લાગી ત્યારે માતા રોહિણીએ સુભદ્રાજીને કહ્યું કે પુત્રી આ કથા આપને માટે નથી માટે આપ દ્વાર ઉપર ઊભા રહી આપના બંને ભ્રાતૃઑ ખંડમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખો સુભદ્રાજી માતાની આજ્ઞાને ઉથાપી ન શક્યા તેથી બંધ દ્વારની પાછળ ઊભા રહી ચોકી કરવા લાગ્યા તે જ સમયે દાઉજી અને કૃષ્ણ પધાર્યા ત્યારે સુભદ્રાજીએ માતાની આજ્ઞા કહી સંભળાવી ત્યારે કુતુહલતાને કારણે દાઉજી અને કૃષ્ણ દ્વાર પર કાન મૂકી માતાની વાત સાંભળવા લાગ્યા પોતાના બંને ભાઈઓએ આ રીતે કરતાં જોઈ સુભદ્રાજીએ પણ બંને દાદાભાઈઓનું અનુકરણ કરવા લાગ્યા. તે સમયે દ્વારની અંદરથી થતાં રાધા નામનાં ઉચ્ચારણ સાંભળીને દાઉજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનાં હાથ, અને પગ સંકોચાઈ ગયાં અને આંખો ભક્તિની ઉત્તેજનાને કારણે વિશાળ થઈ ગઈ. તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે આપ આપના આ સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની આ વિનંતિ માન્ય રાખી જ્યારે જગન્નાથપૂરી (ઓરિસ્સા)ની કથા અનુસાર ત્યાંનાં રાજાને એક વિશાળ લાકડું તેનાં ગામની નદીમાંથી મળેલું તે રાજા વિચારવા લાગ્યો કે આ વિશાળ લાકડાનું શું કરવું? તે રાત્રીએ રાજાને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવતીકાલે આવશે તેને તું આ લાકડું સોંપી દેજે. બીજે દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકારએ આવીને રાજા પાસે તે લાકડાની માંગણી કરી કહ્યું કે મહારાજ હું ૨૧ દિવસ એકાંતમાં રહી આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ લાકડામાંથી મુર્તિ ન બનાવી લઉં ત્યાં સુધી આપે મને એકાંતમાંથી બહાર આવવા ન કહેવું. રાજાએ તેની વાત માન્ય રાખી પણ સોળમાં દિવસે જ રાજાએ કુતૂહલતાવશ તે શિલ્પકારનો દરવાજો ખોલી કાઢ્યો ત્યારે ત્યાં ધડ અને મસ્તક સહિતનાં પણ હાથ, પગ વગરનાં દાઉજી, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયેલો. તે જોઈ રાજાને પસ્તાવો થયો પણ વચન તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું તું અમારી આ જ સ્વરૂપમાં પૂજા કર. રાજાએ પોતાના પ્રભુની તે વાત માન્ય રાખી અને તેણે રથયાત્રા કાઢી પોતાના પ્રભુને પધરાવ્યાં, પછી ભક્તિ આનંદને વશ થઈ અશ્વ જોડવાને બદલે પોતે જ અશ્વ બનીને રથ ખેંચવા લાગ્યો ત્યારથી તે આજ સુધી નાતજાતનાં ભેદભાવ વગર દરેક ભક્ત સ્વહસ્તે ભગવાન જગન્નાથજીનો રથને ખેંચે છે. સારસ્વત-દ્વાપર યુગમાં આ દિવસે પ્રથમ વર્ષા થયા બાદ શ્રી ઠાકુરજીએ (કૃષ્ણ) રાધારાણી સાથે રથમાં બેસીને વ્રજ-વૃંદાવનની શોભા નિહાળી હતી. ત્યાર પછી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજભકતોના ઘરેઘરે પધાર્યા અને તેમના સર્વે મનોરથો પૂર્ણ કર્યા. પુષ્ટિમાર્ગમાં આ દિવસે શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્રાર્થ વિજયી થઇ જગન્નાથપુરી પધાર્યા હતાં, ત્યારે ભગવાન જગન્નાથજીએ તેમને ૩ આજ્ઞા કરી હતી જેનું પાલન આજે પણ થાય છે. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજી અડેલ પધાર્યા અને ત્યાં જ સ્થિર થયાં પછી બીજે વર્ષે  નવનિતપ્રિયાજીને રથમાં પધરાવીને વાજતેગાજતે ગામમાં ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો. આથી આ દિવસે શ્રીજીબાવા સિવાયના અન્ય સ્વરૂપો રથમાં બિરાજે છે. રથયાત્રાને દિવસે  શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કાશીના હનુમાન ઘાટ ઉપરથી વ્યોમાસુરલીલા કરી હતી તેથી શ્રીજીબાવા આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરે છે.

કસુંબા છઠ્ઠ:- અષાઢી સુદ છઠ્ઠ તે કસુંબા છઠ્ઠ તરીકે ઓળખાય છે. આ દિવસે મથુરા ગયેલા શ્રીપ્રભુની રાહ જોઇ રહેલી વિરહિણી વ્રજાંગનાઓ આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરીને પનઘટ ઉપર શ્રીઠાકુરજીની રાહ જોતી હતી. આ દિવસે શ્રીનાથજી બાવા ઘેરા રંગના વસ્ત્રો  ધારણ કરે છે, આ દિવસે શ્રી વલ્લભનંદન શ્રી વિઠ્ઠલનાથજીનો છ માસનો વિરહ પૂર્ણ થયો  હોઈ તેઓ શ્રીનાથજી બાવાની સેવામાં પાછા પધાર્યા હતાં, તેથી આ દિવસે પુષ્ટિમાર્ગમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

ખસખાના-નૌકાવિહાર:- અષાઢ મહિનામાં યમુનાજીમાં નવા નીર આવવાનાં આનંદમાં વ્રજભકતો આ ઉત્સવ ઉજવે છે. આ આખો મહિનો વાદળોની ઉષ્ણતા ઓછી કરવા વ્રજભકતો અને વૈષ્ણવો ગુલાબજલના ફુવારા કરે છે, જુઇ, ચમેલી, માટી, મોગરો, ગુલાબ,ચંદન વગેરેનાં અત્તરનો છંટકાવ કરે છે. પોતાના પ્રભુની આજુબાજુ સઘનકુંજ, કુંજ, નિકુંજ  સિધ્ધ કરી શ્રી મદનમોહનજીને પધરાવે છે અને સંધ્યા કે રાત્રીના સમયે પ્રભુને નૌકાવિહાર કરાવે છે.

ગુપ્ત નવરાત્રી અને માતાનાં વિવિધ ઉત્સવો:- આખા વર્ષ દરમ્યાન મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્છે. જ્યારે અષાઢ માસમાં આવતી નવરાત્રી ગુપ્ત ગાયત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગુપ્ત હોય કે પ્રગટ હોય….. નવરાત્રી તે નવરાત્રી છે બંને સ્વરૂપમાં નવરાત્રી એ માતા શક્તિનું, માતા પાર્વતીનાં વિવિધ સ્વરૂપોનાં પૂજનનું સૂચક છે તેથી આ નવરાત્રી દરમ્યાન પણ દેવીભક્તો માતા જગદંબાનું પૂજન,અને આરાધના કરે છે, ગૃહમાં માતાની મૂર્તિ કે ઘટનું સ્થાપન કરી નવ દિવસ સુધી અનુષ્ઠાન કરે છે. આ ઉપરાંત માતાનાં વિવિધ સ્વરૂપ અનુસાર ગૌરી વ્રત, જયાપાર્વતી, એવરત-જીવરત વ્રત, દિવાસો વગેરે વિવિધ વ્રતો પણ આવે છે જેને બાલિકાઓ, કુંવારીકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ-એકટાણા, કથા, પૂજન, શ્રવણ દ્વારા ઉજવે છે અને માતાના વિવિધ નામોનું, સ્વરૂપોનું અને લીલાઓનું સંસ્મરણ કરી દાન પુણ્ય કરે છે અને માતાની કૃપા મેળવીને મોક્ષનાં અધિકારી બને છે. આ તહેવારો ઉપરાંત આ મહિનામાં દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા, અને કચ્છી નૂતન વર્ષ પણ આવે છે. જે નવા વર્ષની શુભકામના સાથે મંગલમય દિવસોની પણ આશ લઈને આવે છે ત્યારે ભીનાશ ભરી ઠંડક સાથે નવજીવન આપી જાય છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

સંદેશમાં પ્રકાશિત ૨૦૧૫

ગુ.સ માં પ્રકાશિત ૨૦૧૪