Monthly Archives: ઓગસ્ટ 2015

જવા દો……હવે

If you let go a little, you will have a little happiness
If you let go a lot, you will have a lot of happiness.
If you let go completely, you will be completely happy.
ડો. રિચર્ડ ઇંગ
 
લગભગ ત્રણેક વીક પહેલા મારે મલકાણ સાથે કોઈ વિષય ઉપર ઉગ્ર ચર્ચાઓ થઈ ગઈ. આ ચર્ચાઓને અંતે હું જતી રહી ગાર્ડનમાં કામ કરવા અને તેઓ લાગી ગયા તેમના કામમાં. થોડા કલાકો પછી તેઓ ફરી મળ્યા ત્યારે કહે પૂર્વી સોરી હું નકામો નકામો વાત વધારી ગયો, પણ એવું હતું ને…….એમ કહી એજ જૂની વાતનો દોર કાઢવા લાગ્યા ત્યારે મે કહ્યું જુઓ હવે એ વાતને જવા દો, જે વાતથી મારુ મગજ ખરાબ થાય છે તે વાતને ફરી કાઢવાનો કોઈ અર્થ નથી, એમ કહી હું મારા કામમાં લાગી ગઈ. આ વાત આપ સાથે શેર કરવાનું કારણ એ કે દરેક પતિ-પત્નીને નાની મોટી વાતમાં કશીક એવી ચર્ચાઓ ચાલતી જ હોય છે જેને આપણે મને-કમને છોડી દઈએ છીએ કારણ કે એ ચર્ચાઑનો દોર ન છોડિએ તો ચર્ચાઓ એવા દોરમાં આવીને ઊભી રહી જાય છે જેમાંથી મોટા ઝગડા ઊભા થતાં વાર નથી લાગતી. તેથી આવી ચર્ચાઓને છોડવામાં કે જવા દેવામાં જ ડહાપણ રહેલું છે. બીજે દિવસે હું આજ પોઈન્ટ ઉપર અમારા મિત્ર ડો. ઇંગ સાથે વાત કરતી હતી, ત્યારે તેમણે કહ્યું પૂર્વી “ઘણી બધી વાતો એવી હોય છે જેને થોડી જવા દેવાથી તમે થોડા ખુશ રહેશો, થોડાથી વધારે તમે જવા દેશો તો તમને વધારે આનંદ મળશે અને પૂર્ણ રીતે જવા દેશો તો પૂરેપૂરો આનંદ મળશે.” ડો. ઇંગની વાત ટૂંકમાં કહું તો વાતોનું વતેસર કરવા કરતાં વાતોને જવા દો જેથી મનને ખરાબ કરતાં કે ગુસ્સો અપાવતા સમયનો ઉદ્ભવ જ ન થાય. આપણે ત્યાં આ જવા દો એ શબ્દનો પ્રયોગ વિવિધ રીતે થાય છે. કોઈ અણગમતી વ્યક્તિ જતો હોય તો કહીએ છીએ કે ભાઈ જવા દો એ લપને, કોઈ પીડાદાયક પ્રસંગ યાદ આવી જાય તો તો જવા દો એ યાદોને એમ કહી મન ખંખેરી ઊભા થઈ જઈએ છીએ, ધર્મ કહે છે કે જવા દો તમારી અહંતા મમતાને અને જલકમલવત્ થઈ જાઓ, મારી ને મલકાણની જેમ પતિ-પત્નીની ચર્ચાઓ થતી હોય તો કહીશું કે જવા દો એ વાતોને, જેથી કરીને વાતની છાલ ન નીકળે. તે જ રીતે ભૂતકાળની વાતોને, યાદો ને જવા દઈ નવી યાદો અને નવા પ્રયત્નને અપનાવવા માટે કહેવામાં આવે છે. જો’કે મૂળ વાત એ છે કે આપણે આ શબ્દોને જાણતા હોવા છતાં તેનાથી અજાણ્યાં બની જઈએ છીએ કારણ કે જ્યારે માણસની પોતાની ભૂલ આવે ત્યારે તેને આપણે સહેલાઇથી જતી કરી દઈએ છીએ અને સ્વયં દલા તરવાડી બની જઈએ છીએ પણ બીજાની ભૂલ માટે લાંબા સમય સુધી જે તે વ્યક્તિને દોષ દેતા રહીએ છીએ. આમ ભલે આપણે આપણાં બાહ્ય વ્યવહારથી સમજદાર વ્યક્તિ દેખાતા હોઈએ પણ કરેલ વ્યવહાર માટે, ભૂલો માટે, અસમયિક પરિસ્થિતિઓ માટે આપણે કોઈ બીજાને માટે આપણાં વૈચારિક સિધ્ધાંતો જતાં નથી કરતાં, કે કોઈ બીજા આપણને માટે પોતાના સિધ્ધાંતોને જતાં નથી કરતાં. પરસ્પર અંગેના વિચારો ન સમજાતા આપણે મનમાં જે તે વ્યક્તિ માટે કે પરિસ્થિતિ માટે મનમાં લઘુતા ગ્રંથિ બાંધી લઈએ છીએ જેનો કોઈ જ ઉકેલ હોતો નથી. એક દિવસ મારી આ જ પ્રકારની ચર્ચા મારી લેખકમિત્ર સાથે થયેલી તેઓ કહે કે પૂર્વી જે પરિસ્થિતીઓનો ઉકેલ હોતો નથી તે પરિસ્થિતિ માટે આપણે કોઈને માફ કરી શકતા નથી જેને કારણે જે તે સમયને આપણે ભૂલી શકતા નથી અથવા આપણાં સમયકાળમાંથી વહેતા કરી શકતાં નથી.
મારા તે મિત્રની જેમ અમેરિકન ડો વિલિયમ ફ્રેય કહે છે કે જતું કરવું એટ્લે કે એકસાથે ઘણીબધી બાબતોનો સમન્વય થવો. જેમાં કશું શીખી શકો છો, કશું શીખવાડી શકો છો, માફ કરી શકો છો, માફી મેળવી શકો છો…..અલબત્ત લેટ ગો કેવળ આ બે અક્ષરના આધારે આપ આપનું વિશ્વફલક વિશાળ બનાવી શકો છો. ડો.વિલિયમની થિકિંગથી અલગ થિયેરીમાં ડો જેમ્સ મિલર કહે છે કે જતુ કરવું એ શબ્દ તમારી પાસે બળપ્રયોગ કરે છે એટ્લે કે “આ શબ્દ તમને કહે છે કે જવા દો આ વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, અથવા ભૂલી જાવ આ વાતને” ……જતાં કરવાની બાબતે .આ બંને ડોકટરો….ના ભલે મંતવ્ય જુદા જુદા હોય પણ અંતે તો જવા દેવું, જતું કરવું, ભૂલી જવું, વાત ન કરવી, માફી આપી દેવી……વગેરે શબ્દ પ્રયોગો એકબીજાની સાથે એ રીતે સંકળાયેલ છે જેનો આધાર વ્યક્તિ ઉપર રહેલો છે. અમેરિકન થીંકર થોમસ આલ્બર્ટ કહે છે કે “જો જીવનમાં તમે કેવળ let go કરવા ખાતર let go કરો છો ત્યારે તમે જીવનમાં આવતી ઘણી તકો એમ જ વેડફી નાખો, તેના બદલે તે let go ની દિશા બદલી નાખશો તો તમારા જીવનને અન્ય દિશા મળશે જે તમને સફળતાના માર્ગે લઈ જાય છે.” મી. થોમસ આલ્બર્ટની કહેલી આજ વાતને આપણે વિવિધ અર્થમાં જોઈએ.
૧) Let go ની હતાશાયુક્ત વાણી કાઢી નવી દિશા તરફ પગલાં ભરવા.
૨) આ નવી દિશાની સામે જે વ્યૂ આવે છે તે અલગ હોય છે તેથી તે નવા વ્યૂને જોવા આપણે નવી દૃષ્ટિ કેળવીએ છીએ.
૩) જેવી દૃષ્ટિ બદલાય તેવી સૃષ્ટિ પણ બદલાય છે.
૪) સૃષ્ટિ બદલાતા પરિસ્થિતી બદલાય છે, આ નવી બદલાયેલી પરિસ્થિતી નવી રીતે વિચારવાની તક આપે છે.
૫) નવા વિચારો ઉત્સાહ લાવે છે.
૬) આ ઉત્સાહ મનમાંથી નકારાત્મક લાગણીઑને દૂર કરે છે.
૭) નકારાત્મક વિચારોનો પ્રભાવ દૂર થતાં મન-હૃદય પરથી બોજ ઉતરી જાય છે.
૮) મન-હૃદય પરથી બોજ ઉતરતા જ મગજ ઉપરથી ગુસ્સો, ચિંતા વગેરે દૂર જાય છે.
૯) જેને કારણે તમારું શરીર પણ સ્વસ્થતા અનુભવે છે.
૧૦) શરીરમાં સ્વસ્થતા આવતાં હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે જેની અસર તમારી આજુબાજુ પણ પડે છે.
અંતે આ હકારાત્મકતા ધરાવતા અભિગમ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી તમારી કુશળતા અને અનુભવો દ્વારા સફળતાને માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવો.
આટલા મુદ્દાઑ સમજ્યા બાદ જ્યારે તમને લાગે કે આ સમયને, આ પરિસ્થિતિને અને આ વ્યક્તિને તમારા જીવનમાંથી ખરેખર હવે let go કરવાનો સમય આવી ગયો ત્યારે તે પરિસ્થિતીને અને તે સમયને ખરા મનથી જવા દો. કારણ કે તમે તે સમય અને સંજોગને તમારા જીવનમાંથી જતું કરશો અથવા જવા દેવા માટે રજા આપશો તે જ સમયથી તમે તમારા માટે એક નવા દરવાજાને ખોલો છો જેમાંથી આવતો ફ્રેશ પવન તમને નવી કસૌટીઑ સાથે ઝઝૂમવા માટેનું બળ આપે છે. ક્યારેક કેટલાક સંજોગો પણ એવા હોય છે જે તમને જે તે સ્થળ (મનોભૂમિ) માં બાંધી રાખે છે પણ આ મનોભૂમિને ( આપના સ્નેહીજનો )  છોડવી મુશ્કેલ હોય ત્યારે તેમની પાસે બેસી શાંતિથી ચર્ચા કરો જેથી કરીને બનેલી તે ઘટનાઓનો ઉકેલ આવે અથવા તો તે સ્નેહીજનોની પરિસ્થિતી સમજવાનો પ્રયત્ન કરી તે ઘટનાઓના પ્રસંગ ને ભૂલવા પ્રયત્ન કરો અને તમારા સ્નેહીજનોને સાચા હૃદયથી માફી આપો અને સાથે તેમને સૂચના પણ આપો કે ફરી માફી આપવા કે લેવાનો પ્રસંગ ઊભો ન થવો જોઈએ કારણ કે સબંધો હંમેશા રેશમી ધાગા જેવા હોય છે જેમાં એકવાર ગાંઠ પડી જાય તો દોર તૂટી જાય છે. આપણે ત્યાં જ્યારે જવા દેવાની વાત આવે છે ત્યારે લોકો આધ્યાત્મિકતા તરફ વળી જાય છે. આધ્યાત્મિક વિચારો અને વાંચન વૈરાગ્યની ભાવના ઉત્પન્ન કરે છે. તેથી ધર્માચાર્યો, વિદ્વાનો, બ્રાહ્મણો અને શાસ્ત્રો કહે છે કે આપની પાસે રહેલા અને પ્રત્યેક પળે આપની સાથે ચાલતાં અહંકાર, મમતા, અને લોભ લાલચ ઈત્યાદીને છોડી દેવાથી મનુષ્ય શુભ કર્મો કરવા તરફ આગળ વધે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આધ્યાત્મક જ્ઞાન જીવોના દુઃખની નિવૃતિ કરી સુખની પ્રાપ્તિ કરાવે છે અને સર્વકાલમાં સમદૃષ્ટિ રખાવતા શીખવે છે. જેને પરિણામે મનુષ્ય અહં ને મૂકી દે છે, કે છોડી દે છે ત્યારે તે જીવ અત્રે તત્રે વ્યાપેલા ઈશ્વરને પામી લે છે. જ્યાં ભારતીય શાસ્ત્રો મન અને દેહને બાંધતા મોહને છોડવાની વાત કરે છે ત્યાં અમેરિકન ઉદ્યોગપતિ જ્હોન.ડી. રોક્ફેલર કહે છે કે તમે કેવળ જવા દેશો કે જતુ કરશો તો તમે જીવનમાં આગળ વધવાની તક ખોઈ બેસો છો. તમે જીવનમાં ત્યારે જ આગળ વધી શકો છો જ્યારે તમે તમારું મહત્વ જાણો. જો પ્રભુએ તમને આપેલા આ જીવનનું જ મહત્વ ન જાણતા હોવ તો તમે તમારી સાથે રહેલા તમારા અહંને પણ જાણી શકતાં નથી. આ અહં જ છે જે તમને બીજા લોકોથી જુદા પાડે છે, કેવળ એટલું છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા એ અહંનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો છે. જો તમે નકામી જગ્યાએ તમારા અહંનો ઉપયોગ કરો છો ત્યારે તમે અહંની સાથે તક અને સમયને વેડફી મારો છો. જ્હોન રોક્ફેલરે કહેલી આ વાતને મુનિવર ચાણક્ય અલગ રીતે કરતાં કહે છે કે “મનુષ્યને પોતાના નામનું, પોતાના કુળનું, પોતાના માતા-પિતાનું, પોતાના ગુરુનું અને પોતાના દેશનું અભિમાન હોવું જ જોઈએ. જે મનુષ્ય આ પાંચેય અભિમાનને છોડી દેતો હોય તેવા મનુષ્યનો લગીરેય વિશ્વાસ ન કરવો” કારણ કે જે મનુષ્ય પોતાના દેશ, માતા-પિતા, ગુરુ અને કુળનો નથી થયો તે બીજાનો શું થશે? માટે જ્યારે મનુષ્ય પોતાના પાંચેય અહંકારને સાથે કાર્ય કરે છે ત્યારે વિપરીત પરિસ્થિતીઑ પણ અનુકૂળતાનું રૂપ ધારણ કરી લે છે.
અત્યાર સુધી let go ના “જવા દે” એ વિષય ઉપર ચર્ચા કરી, પરંતુ let goનો બીજો પર્યાયવાચી શબ્દ છે “જતુ કરો” છે. આ શબ્દ મોટા ભાગે કોઈને ક્ષમા આપવાના હેતુથી કે વાતની ચર્ચાઓ કે સમયના છોડવાની અનુભૂતિ પર રહેલો છે. જીવનમાં કેટલીયે પળો એવી આવે છે જેને આપણે છોડવા નથી માંગતા કારણ કે જે તે પળોનો સંબંધ સમય અને સ્નેહીજન સાથે રહેલો હોય છે. આજ સ્નેહીજનો સાથે વિતાવેલો સમય એવી અનેક યાદોની ભેંટ લઈને આવતો હોય છે તે યાદોને બસ એમ જ સરળતાથી મૂકી દેવી તે સહજ નથી હોતું. આ વાત કરતી વખતે મને એક ખાસ વ્યક્તિ યાદ આવે છે. મારા સ્ટોરમાં એક “લિંડા શેરિન” કરીને એક વ્હાઇટ અમેરિકન કસ્ટમર આવતી હતી.તેનો બોયફ્રેન્ડ ઇંડિયન હતો. તેઓ લગભગ ૯- થી ૧૦ વર્ષ સાથે રહ્યાં. આટલા વર્ષોના જૂના સંબંધ બાદ એક દિવસ એના બોયફ્રેન્ડે એક દિવસ લિંડા સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યાં. આ સંબંધોનો વિચ્છેદ થયા પછી લિંડા સ્ટોરમાં આવતી અને મારી સાથે તેના બૉયફ્રેન્ડ સાથે વિતાવેલ એક એક યાદોને કાઢતી રહેતી. એક દિવસ તે આવી જ કોઈ જૂની યાદોને લઈ રડી રહી હતી, ત્યાં જ મીના અબ્રાહમ કરીને બીજી લેડી ત્યાં આવી. તેણે રડી રહેલી લિંડાને કારણ પૂછ્યું. લિંડા પાસેથી કારણ જાણ્યા બાદ મીના અબ્રાહમ લિંડાને કહે જે યાદો તને ખુશી આપે છે તેને પ્રેમથી યાદ કર અને જે યાદો તને પીડા આપે છે તે યાદોને તારા મન ઉપરથી ઇરેઝ કરી નાખ અને બની શકે તો તે પ્રેમભરી યાદોને તારી પાસે સમેટીને જ રહેવા દે આ યાદો તારા આગળના જીવનમાં પોઝિટિવ ભાવના લાવશે, પણ જે પીડાદાયક યાદો છે તેણે તું તારા મિત્રો સાથે વહેંચ કારણ કે આ પીડાદાયક યાદો જેટલી તું તારા હૃદયમાંથી જતી કરશે એટલી ઝડપથી તું આ દર્દમાંથી અને આ સમયમાંથી બહાર આવી શકીશ. આ સાંભળી લિંડાએ પૂછ્યું કે આ વાત કેટલી ઉપયોગી થાય છે તેની તને કેવી રીતે ખબર પડી? તો મીનાજી કહે કારણ કે લગ્નના ૧૮ વર્ષ પછી મને મારા પતિએ છોડી દીધી કારણ કે મને બાળક થાય તેમ ન હતું. ( ટૂંકમાં કહું તો લિંડાની જેમ મીનાજીએ પણ એ સમય જોયેલો, ને મીનાજીનો એ સમય પણ મારી આંખ સામેથી પસાર થયેલો.) ડો. વિલિયમ ફ્રેય કહે છે કે ભલે બે રાહીઑ અલગ અલગ સમયમાંથી અલગ અલગ વાર્તાઑને સાથે લઈને ચાલતા હોય પણ એ વાર્તાઑને જીવનની ક્ષણોમાંથી જતી કરવા માટે જીવન આપણી સામે કોઈ ને કોઈ તો વળાંક મૂકે જ છે જેથી કરીને આપણે નવો રૂટ પકડીને એક નવી દિશા તરફ ગતિ કરી શકીએ, પણ જો જીવનમાં ક્યારેક એવું લાગે કે તરત જ જતું કરવું તે જ યોગ્ય છે તો તે ક્ષણોને બસ જતી કરો, અને એ રીતે જતી કરો કે તે ક્ષણો ફરી તમારા જીવનમાં દસ્તક ન દે……..
અંતે:- છોડું કે ન છોડું, જવા દઉં કે ન જવા દઉં, જતું કરું કે ન જતું કરું અંતે તો આ બધા સાથે હું રહેલ છુ જે બધે જ બંધાયેલ હોવા છતાં તેમનાથી છૂટી છુ. તેથી જ તો અંતે મારું આ મન જ છે જે મને વિવિધ ભાષા સાથે વિવિધ પરિભાષા પણ શીખવે છે.
 
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

“ones in a life time- વન્સ ઇન અ લાઈફ ટાઈમ”

અનુભવની અણિમાં.

એક સમયે અખંડ ભારતનો હિસ્સો રહેલી આ ધરતી એક સ્વતંત્ર દેશ બની વિશ્વના નકશા પર પોતાનું અલગ સ્થાન રાખીને ઊભો છે. આ ધરતી પર જનારા આમ ભારતીયો ઓછા હોય છે અને તેમાં પણ પાકિસ્તાનની આમ જનતા વચ્ચે રહી તેમના હૃદયના દ્વાર સુધી પહુંચનારા લોકોની સંખ્યા તો એકદમ ઓછી હોય છે તેવા સમયમાં મને મારા પતિ દ્વારા આ દેશની ધરતી પર જવાનો મોકો મળ્યો એટલું જ નહીં પરંતુ આ ભૂમિની મહેમાનગતિ માણવાનો મોકો પણ મળ્યો. ક્યારેય ન ભૂલી શકાય તેવી આ ધરતી વિષે ઘણું બધુ કહી શકાય છે પરંતુ આ દેશ દ્વારા અને આ દેશના મીઠા લોકો દ્વારા મને જે અત્યંત પ્રેમ મળ્યો તે મારી યાદોમાં હંમેશા માટે કેદ થઈ ગયો તે પળોને ક્યારેય નહીં ભૂલી શકાય બસ આ જ પ્રેમની વાતોને અને યાદોને આ લેખમાં વણી લેવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

તેઓની આ વર્ષે પણ ફરી પાકિસ્તાનની ટૂર થવાની છે એ વાત મને યાદ આવતા મારી રાત બેચેન બની ગઈ હતી અને સવારનો સુરજ ઉગવાનું નામ ન હતો. તેમની તો દરેક વર્ષે એક ટૂર હોય પરંતુ તેમની દરેક ટૂર વખતે મારા હૃદયના ધબકારા રેગ્યુલર સ્પીડ કરતાં વધારે ઝડપથી દોડવા લાગતાં. તેઓ તેમના ઓફિસ અંગેના કામકાજ અર્થે તેઓ જતાં હોવાથી મારી અનિચ્છા હોવા છતાં પણ હું તેમને ના ન કહી શકતી પણ દર વર્ષેના આ પ્રોબ્લેમને મે જડથી કાઢવાનું નક્કી કર્યું મારા પતિ હંમેશા કહે છે કે ડર રાખીને બેસવાનું નહીં. આ મારુ કામ છે અને મને મારી ઓફિસ જ્યારે કામ કહે તે મારે કરવાનું જ છે પછી ડર ડર શું કરવાનું ? તેમની વાત સાચી હતી પરંતુ આ પાકિસ્તાનની ધરતીનો આ સાયો મારા મનની બેચેનીમાં વધારો કરી દેતા અને તે બેચેની મારા હૃદયના ધબકારા વધારી દેતા હતા. આથી આ વર્ષે પાકિસ્તાન નામના ડરને મારા મનમાંથી કાઢવા આ વખતે મે પણ તેમની સાથે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે પાકિસ્તાનની સાથે સાથે અમે યુ એ ઇ ની પણ એક નાનકડી પણ ઉડતી મુલાકાત લઈ લઈશું.

અમેરિકન સીટીઝન માટે ઘણા બધા દેશોના વિઝા લેવાની જરૂર હોતી નથી પરંતુ પાકિસ્તાન જવા માટે વિઝા લેવો જરૂરી હતો. આમ તો મારા પતિ વારંવાર આ દેશની મુલાકાત લેતા રહે છે પણ તેમ છતાંયે તેમને પણ દર વખતે વિઝા લેવા માટે અરજી મોકલવી પડે છે કારણ કે પાકિસ્તાન ઈન્ડિયાની જેમ મલ્ટીપલ વિઝા આપતું નથી તેથી આ વર્ષે પણ અમે વિઝા મેળવવા માટે ફોર્મ મંગાવ્યા. ફોર્મ જ્યારે અમારા હાથમાં આવ્યા ત્યારે આ ફોર્મની વિગતો જોઈ એમની આંખો તો આશ્ચર્યથી મોટી થઈ ગઈ કારણ કે એ ફોર્મમાં એટલી જીણી જીણી વિગતો માંગી હતી કે ફોર્મ ભરતા જ ઘણો સમય લાગી જાય પણ તેમ છતાંયે એમને એ ફોર્મ તો ભરવાના જ હતા. મારા પતિ દર વર્ષે જતાં હોવા છતાં તેમણે પણ અનેક બારીક વિગતો આપવાની જ હતી. અરે એટલું જ નહીં પરંતુ આ વર્ષે તો પાકિસ્તાન કોન્સ્યુલેટે આ વિગતોનું લિસ્ટ પણ વધારી દીધેલ હતું. આ લિસ્ટમાં એક ખાસ વિગત એ પણ આપવાની હતી કે અમારે અમારૂ બ્લડગ્રુપ ક્યુ છે તે અંગેની માહિતી તેમાં લખીને મોકલવાની હતી. પાકિસ્તાન જવા માટે વિઝાની સાથે સાથે બ્લડ ગ્રૂપની પણ જરૂર છે તે વાતનું મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું પરંતુ પ્રોબ્લેમ એ હતો કે અમને પતિ-પત્ની બંનેમાંથી કોઈને અમારા બ્લડ ગ્રુપ વિષે જાણ ન હતી આથી અમે બ્લડગ્રુપ ચેક કરવાની અનોખી પધ્ધતિ અપનાવી અને બ્લડગ્રુપનો રિપોર્ટ તૈયાર કરવા માટે અમે બ્લડ ટેસ્ટ કીટ ઓર્ડર કરી. આ કીટ ઓર્ડર કર્યા બાદ ૪ દિવસે અમને આ કીટ મળી તેમાં બે પેક હતાં અને પ્રત્યેક કીટમાં બે બે ફોર્મ, બે કાર્ડ, ટ્યુબ, થોડી બેન્ડડેડ અને બ્લેડ જેવી વસ્તુ હતી. કાર્ડમાં અમુક ડિઝાઇન હતી અને તે કાર્ડની પાછળની બાજુમાં તે ડિઝાઇનનો અર્થ એટ્લે કે લોહીની કેવી ડિઝાઇન હોય તો કેવું બ્લડગ્રુપ બને તેની માહિતી હતી, સાથે સાથે આ આખી પ્રક્રિયા શી રીતે કરવી તે દર્શાવતો એક પત્ર પણ હતો. જે પ્રમાણે આંગળી પર થોડું કટ કરી નીકળતા લોહીને ટ્યુબ વડે લઈ તે કાર્ડની ડિઝાઇનમાં મૂકવી અને લગભગ પાંચ મિનિટ બાદ જે પ્રમાણે લોહીની છબી ઉપસી આવે તે પ્રમાણે બ્લડગ્રુપ નક્કી કરવું તે પ્રમાણે હતું. આ આખી પ્રક્રિયામાંથી પસાર થઈ અમે અમારા બ્લડગ્રુપ સાથે અમારા પાસપોર્ટને પાકિસ્તાનના વિઝા માટે મોકલ્યો. પાકિસ્તાનનો વિઝા અમને મળે ત્યાં સુધીમાં અમારે બીજું પણ એક ખાસ કામ કરવાનું હતું અને તે હતું પાકિસ્તાનમાં રહેલી અમેરિકન એમ્બેસીને અમારે ઇન્ફોર્મ કરવાની હતી કે કઈ તારીખ થી કઈ તારીખ સુધી અમે બંને પતિ પત્ની પાકિસ્તાનમાં ક્યાં છીએ અને અમે ક્યાં જવાના છીએ જેથી અમારા નામો તેમના લિસ્ટમાં એ રહે. આ જાણનો ફાયદો એ હતો કે જો કોઈપણ પ્રકારની ઈમરજન્સી આવે તો અમારી અમેરિકન એમ્બેસી અમારો Contect કોન્ટેક્ટ કરી શકે અને અમે તેમનો કોન્ટેક્ટ કરી શકીએ. જ્યારે અમે આ Procedure (કાર્યવાહી) ચાલુ કરી ત્યારે અમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે સાવચેતી રૂપે લીધેલા આ પગલાંનો ઉપયોગ અમને બસ થોડા જ સમયમાં કરવો પડશે અને આ પગલાનો ઉપયોગ થયો પણ ખરો.

પાસપોર્ટને પાક ઓફિસમાં મોકલ્યા બાદ લગભગ દોઢ મહિને અમારો પાસપોર્ટ વિઝા સાથે આવી પહોંચ્યો અને તે સાથે મારી પણ તેમની સાથે જવાની તૈયારીઑ થવા લાગી અમે જવાની તારીખ નક્કી કરી. જેથી કરીને અમારી પાસે થોડા દિવસો રહે અને આ થોડા દિવસો દરમ્યાન હું તેમની ઓફિસના સ્ટાફના લોકો માટે હું થોડી ભેંટ લઈ શકું. જેમ જેમ જવાના દિવસો નજીક આવતાં જતાં હતા તેમ તેમ મારો ઉત્સાહ અનેરો થઈ ગયો હતો પરંતુ જેમ જેમ હું મારા પરિવાર અને મિત્રોને જણાવતી ગઈ તેમ તેમ તેઓ મને કહેવા લાગ્યા કે શું પાગલ થઈ ગઈ છે કે એ ભૂમિ પર જાય છે? પરંતુ સાચું કહું તો તે સમયે મારી પર પાગલપન જ સવાર હતું. બસ તેમની સાથે હું પણ જાઉં એજ વિચાર મનમાં રમી રહ્યો હતો. એ સમયે મને એકપણ વ્યક્તિ એવી ન મળી જેણે મારા વિચારને વધાવ્યો હોય પરંતુ એ બધું મારા ધ્યાનમાં ક્યાં હતું હું તો આ બધા વિચારથી પરે હતી. બાળકો થોડા મોટા છે તેથી થોડી જવાબદારી તેમના પર અને થોડી જવાબદારી પાડોશીઑ પર રાખી હું મારી તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ. 

પાક જવાને બસ દિવસો ગણાતા હતા ત્યારે જ કંઈક એવું થયું કે મારુ ધ્યાન મારી તૈયારીઓમાંથી નીકળી ગયું. મારા પગની પાનીમાં અત્યંત દુઃખાવો શરૂ થયો હતો અને દુઃખાવો તો એવો કે હું પગ જ જમીન પર પગ મૂકું ને મો માંથી ચીસ નીકળી જાય આથી ગઈ સીધી ડોક્ટર પાસે તેમણે તરત mri કરાવ્યો અને ખબર પડી કે પાનીના હાડકામાં સોજો છે જેને કારણે આ તકલીફ પડી રહી છે. મારા પતિ કહે કે આ દર્દ અને આ દુઃખાવા સાથે મારી સાથે શી રીતે આવીશ તું કહે તો તારી ટિકિટ કેન્સલ કરાવી દઉં ? મે કહ્યું કે અહીં રહીને પણ આ દર્દમાં કોઈ ફર્ક આવવાનો તો નથી માટે હું તો આપની સાથે જ ચાલીશ આથી ડોક્ટરને જણાવતાં તેમણે ઓર્થોટિક બૂટ આપ્યા જે પહેરીને મારે તેમની સાથે જવું તેવું નક્કી થયું. આખરે ડોક્ટરની સલાહ મુજબ એક પગમાં ઓર્થોટિક બૂટ અને બીજા પગમાં રેગ્યુલર બૂટ સાથે મારી સફરની શરૂઆત થઈ.

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો ૨૯ એપ્રિલ જે દિવસે મારી પાકની ટુરના પ્રથમ શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા. અમારી પ્રથમ ફ્લાઇટ હતી બ્રિટીશ એરવેઝ. અમે એરપોર્ટ પર પહોંચ્યા અને ટિકિટ ચેક કરાવી બોર્ડિંગ પાસ કઢાવ્યો ત્યાં સુધી આવતી કાલે શું થવાનું છે અને અમારી આ સફર કેવી યાદગાર સફર પણ બની રહેશે તે વાતથી અમે અજાણ હતા. અમે દિવસ પણ સુંદર પસંદ કર્યો હતો જે દિવસે અમે અમારી સફરની શુભ શરૂઆત કરી તે દિવસે બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના લગ્ન હતા. બ્રિટિશ એરવેઝ જે ટર્મિનલમાં હતી તે આખા ટર્મિનલને પ્રિન્સ વિલિયમના ફોટાઓ અને તોરણોથી શણગારેલું હતું અને બ્રિટિશ એરવેઝથી જનાર પ્રત્યેક યાત્રીઓ તથા તે ટર્મિનલને પાસ કરનારા પ્રત્યેક પેસેંજર આ તોરણો અને ફોટાઓ પાસે ઊભા રહી ફોટાઓ પડાવી રહ્યા હતા અને આ ક્ષણને પોતાની યાદો સાથે કેદ કરી રહેલા હતા.

૨૯ એપ્રિલની સાંજે બોર્ડિંગની વિધિ પૂરી કર્યા બાદ અમે જ્યારે પ્લેનમાં બેઠા ત્યારે મનમાં ઉમંગ હતો, આંખોમાં અનેરી ધરતીને જોવાનો ઉત્સાહ હતો. વાદળોની પેલે પારથી ઉડતા ઉડતા મારી સફરની શરૂઆત થઈ ત્યારે હૃદયના ધબકારાઓની સ્પીડમાં અતિશય વધારો થઈ ગયેલો. આ ઉત્સાહને કારણે યુ એસ એ થી લંડન વચ્ચેનું ૭ થી ૮ કલાકનું અંતર ક્યારે કપાઈ ગયું તેની જાણ પણ ન રહી. બ્રિટનના હાર્દ સમા પાટનગર-લંડનનું હિથ્રો એરપાર્ટ ઘણું જ વિશાળ છે. અહીં પ્રત્યેક મિનીટે અનેક ફલાઇટ ઉપડતી હોય છે અને ઉતરતી હોય છે. લંડન પહોંચ્યા ત્યારે સમાચાર મળ્યા કે પ્રિન્સ વિલિયમના લગ્ન થઈ ગયા છે. એરપોર્ટ પર જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં વધાઈઑ જોવામાં આવી રહી હતી. અહીં અમારે ૬ કલાક માટે હોલ્ટ હતો ૬ કલાક બાદ અમારી બીજી ફ્લાઇટ હતી અમેરિકન એરલાઇન્સ. આ પ્લેન અમને લંડનથી અબુધાબી સુધી પહુંચાડવાનું હતું. 

અબુધાબી એરપોર્ટ

લંડનથી અબુધાબીની સફર બીજા ૭ કલાકની હતી. અબુધાબી પહોંચ્યા બાદ અમારે અહીં બીજા પાંચ કલાકનો હોલ્ટ લેવાનો હતો. એરપોર્ટ નાનું પરંતુ એકદમ સ્વચ્છ અને સુંદર હતું. મે ઘણા વિવિધ દેશોના એરપોર્ટ જોયા છે પરંતુ સર્વે જગ્યાએ માણસો સરખા લાગ્યા. કોણ આવે છે અને કોણ જાય છે તેની ખાસ પરવા કર્યા વગર આ યાત્રીઓ પોતાનામાં મગ્ન હોય છે. પરંતુ અહીં મને આ વાતનો ફર્ક દેખાયો. પાકિસ્તાનનું ચેકિંગ પૂરું કર્યા બાદ અમે ઇસ્લામાબાદ જતી ઈતિહાદના ટર્મિનલમાં આવ્યાં ત્યારે લગભગ ૪ થી ૫ લોકોનું ગ્રુપ ત્યાં બેસેલું હતું તેઓ અમારી તરફ જોવા લાગ્યા. તેઓની એ નજરમાં મને બહુ જ અજુગતું લાગતું હતું. તેઓની નજર પાસેથી ખસી જવા અમે ૩ થી ૪ વાર અલગ અલગ દિશામાં અમારી બેસવાની જગ્યાઑ બદલી કાઢી પરંતુ તેઓની નજરમાં કોઈ જ બદલાવ ન આવ્યો અમે જે દિશામાં જતાં તે દિશામાં તેઓ લાંબી ગરદન કરી કરીને જોતાં હતા તેથી મને ઘણું જ વિચિત્ર લાગતું હતું. વારંવાર જગ્યાઓ બદલીને આખરે એક એવી જગ્યા પર હું બેસી ગઈ જ્યાંથી તેઓને મારો અને મને તેઓનો ચહેરો નજરે ન પડે પરંતુ આ એક એવી જગ્યા પણ હતી જ્યાંથી બહાર નજર કરતાં મને વિશાળ ગગન અને આવતી જતી ફ્લાઇટ દેખાતી હતી પણ તેઓ મારી પાછળ હતા વળી થોડું અંતર પણ હતું તેથી મને જે કાચમાંથી બહારનું વાતાવરણ દેખાતું હતું તે જ કાચમાં તેઓ અમારું પ્રતિબિંબ જોઈ રહ્યાં હતાં. પરંતુ આ વાતનો ખ્યાલ મને પાછળથી આવ્યો પરંતુ જ્યારે ખબર પડેલી કે તેઓ કાચના પ્રતિબિંબ વાટે અમારી પર નજર નાખી રહ્યા છે ત્યારે એ નજરને સહન કરવી મારે માટે દુષ્કર બની ગઈ હતી હું પણ વારંવાર એ જ વાતનો તાગ કાઢવા મથી રહી કે તેઓ અમારી તરફ શા માટે જોઈ રહ્યા છે?? કદાચ તેઓ મારા ભારતીય પોશાકને જોઈ વિચારી રહ્યાં હતા કે આ ભારતીય લોકો પાકિસ્તાન જઇ રહ્યાં છે તે વાત તેમને માટે પણ અજીબ હતી, કદાચ તેઓ મારા પગને પણ જોઈ રહ્યાં હતા કે આવો વિચિત્ર પગ તેમણે ક્યારેય જોયો ન હતો, ખેર કારણ ગમે તે હોય પરંતુ તેઓની નજર મને ખટકતી હતી તેથી ત્યાં બેસી રહેવાને બદલે હું બદલે એરપોર્ટ જોવા ચાલી નીકળી. એરપોર્ટમાં આવતા જતાં લોકો વારંવાર મારા પગ તરફ જોઈ રહેતા હતા પણ મારે એ નજરોને અવગણવાની હતી. મારા પગને જોનાર પ્રત્યેક લોકોના ચહેરા પર અનેક પ્રકારના ભાવો હતા પરંતુ મારે માટે એ બૂટનો જ એક પ્રકાર હતો જેને મારે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ પહેરવાનો જ હતો. પગનો દુઃખાવો હોવા છતાં ધીરે ધીરે ચાલતાં ચાલતાં એરપોર્ટમાં રહેલી વિવિધ શોપને ધ્યાનથી જોવા લાગી. લાગતું હતું કે યુરોપ અમેરિકાની આખી માર્કેટ અહીં આવીને આ નવા દેશમાં વસેલી હતી. આ એરપોર્ટ પર એક જ્ગ્યા મને અતિશય પસંદ આવી તે જ્ગ્યા હતી નમાઝ પઢવાનો રૂમ. આ રૂમમાં પોતાના અલ્લાહને યાદ કરવા માટે અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ ચટ્ટાઇ પાથરેલી હતી. શાંતિથી કોઈને પણ ખલેલ કર્યા વગર પોતાના ખુદાને યાદ કરી રહેલા મુસ્લિમ અને અરબ લોકોને જોઈ ઘણી જ ખુશી થઈ. ખાસ કરીને ખુશી એ વાતની હતી કે તેઓ સમય સમય પ્રમાણે પોતાના અલ્લાહને યાદ કરી લેવાનો એક પણ મોકો ગુમાવતાં ન હતા અને પોતાની નમાઝ દ્વારા દુઆ સાથે અંતરના ચક્ષુઑ પણ ખોલવાનો તેઓ પ્રયત્ન કરી રહેલા હતા. તેમને જોઈ હું વિચારવા લાગી કે પોતાના બંદાઓને પોતાની પાસે બોલાવી લેતો પ્રત્યેક ધર્મ પોતપોતાની રીતે કેટલો મહાન હોય છે. મારે માટે આ એક નવી દુનિયા હતી જેને હું જોઈ રહી હતી. પરંતુ મારા આ આનંદમાં એક જ તત્વ એવું હતું તે પ્રત્યેક પળે પળે મારા આનંદનો ભંગ કરી દેતું હતું અને તે હતો મારો પગ, જે થોડી થોડી વારે એટલું દર્દ આપતું હતું કે આ દર્દ સાથે વધુ ચાલવાનું મારે માટે લગભગ અશક્ય હતું તેથી આખરે હું વેઇટિંગ રૂમમાં આવીને બેસી ગઈ ત્યારે ઇસ્લામાબાદ જનારા અન્ય લોકોની પણ ભીડ થવા લાગી હતી. તેથી મારા મનને થોડી શાંતિ પણ થઈ આમતેમ નજર કરતાં મારી નજર ફરી એક જગ્યાએ અટકી ગઈ. અમે જ્યાં બેસેલા હતા ત્યાં પાછળથી ઉપરની તરફ એક ગેલેરી હતી ત્યાં એક અરબ વ્યક્તિ ચક્કર મારી રહ્યો હતો તેની તરફ પળ બે પળ જોયા બાદ તે અરબ વ્યક્તિ તરફ વધુ ધ્યાન આપવાને બદલે મારી પાસે રહેલું પુસ્તક કાઢીને વાંચવાનું ચાલુ કરી દીધું. જ્યારે જ્યારે આવતા જતાં માણસોની ચહેલપહેલ વધવા લાગતી ત્યારે મારૂ મન મારા પુસ્તકમાંથી બહાર ખેંચાઇ જતું તે વખતે હું લોકોની અવનવી પ્રક્રિયા થોડીવાર માટે જોઈ લેતી હતી ત્યારે મારી નજર ગેલેરીમાં ઉભેલા તે અરબ તરફ પણ ફરી વળતી. ત્યારે હું જોતી કે લગભગ ૧ કલાકથી ઊભેલો તે અરબ હજુ પણ કોઈના આવવાની રાહ જોતો હતો કદાચ કોઈ મિત્રની, માતાની ,પત્ની ,કે પોતાના બાળકોની કે પરિવારની…… પણ કોની રાહ જોતો એ ઊભો હતો તે કહેવું મુશ્કેલ હતું. આખરે તેની પણ પ્રતિક્ષા ફળી હોય તેમ લાગ્યું. તેના ચહેરા પર આનંદ અને રાહતની લાગણી હતી તે હાથ લાંબા કરી કરીને અરબીમાં વાત કરી રહ્યો હતો તે જોઈ મારી પણ નજર બીજી દિશામાં ગઈ તે દિશામાંથી એક બેગમ સાહેબા આવી તે અરબ બે પગલાં આગળ આવી તેને ભેંટી પડ્યો અને તેની ગોદમાં રહેલા બાળકને લઈ તેને વ્હાલ કરીને તેના કપાળ પર ચુંબન કરવા લાગ્યો. તે અરબ જોઈ હું વિચારવા લાગી કે આ ઈસ્લામિક દેશમાં જ્યાં જાહેરમાં પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકાતી નથી ત્યાં આ અરબનું તેના પરિવાર માટેની લાગણીભર્યું નિવેદન એ માન્વજીવનમાં કેટલો સુંદર રંગ બતાવે છે. આ વ્યક્તિની અભિવ્યક્તિથી હું પણ થોડીવાર માટે લાગણીથી ભીંજાઇ આવી અને પળ બે પળ માટે મને પણ મારા બાળકોની યાદ આવી ગઈ .

અબુધાબીનો વેઇટિંગ પિરીયડ આખરે પૂરો થતાં અમે અહીંથી ઈતિહાદ ફલાઇટ લીધી જે અમને ઇસ્લામાબાદ તરફ લઈ ગઈ. ઇસ્લામાબાદમાં એરપોર્ટ નથી પરંતુ ઇસ્લામાબાદની જોડકી બહેન રાવલપિંડીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. પાકિસ્તાનમાં રાવલપિંડીની ભૂમિ પર જ્યારે અમારી ફ્લાઇટના વ્હીલ અટક્યા ત્યારે રાત્રીના ૨ વાગ્યા હતાં. પાક લોકો શાંતિથી હજુ નીંદરની ગોદમાં સૂઈ રહેલા હતા. તદ્દન મુંબઈ એરપોર્ટ જેવુ દેખાતું આ એરપોર્ટ ઘણું જ સ્વચ્છ અને સુંદર હતું. અહીં અમે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરી જ્યારે બહાર નીકળ્યા ત્યારે રાત્રિના ૪ વાગવા આવ્યા હતા. અમે ઇસ્લામાબાદની ધરતી પર ખુલ્લા ગગન નીચે 2 રાત્રિ અને 3 દિવસ બાદ ખુલ્લી હવાનો આનંદ લીધો. અહીં એરપોર્ટથી બહાર નીકળતા હોટેલ મેરિયેટની કાર અમારે માટે રાહ જોઈ રહી હતી.

રાવલપિંડી

આ એરપોર્ટની બહાર પગ મૂકતાં જ મારા મનમાં મુંબઈની યાદ ધસી આવી પળ બેપળ માટે તો મારા જ હૃદયને સંભાળવું મારે અઘરું થઈ ગયું. પણ કેબવાળાના ફૂલદસ્તાએ આંખની સામે આવીને મુંબઈની દિશામાં દોડી ગયેલા મારા મનને ફરી રાવલપિંડીમાં લાવી ખડું કરી દીધું અને તે સાથે જ અમારી યાદગાર સફરનો પહેલો દિવસ ઊગી ગયો હતો, બ્રાહ્મમુહૂર્તના આછા અજવાસની પહેલી કિરણની રોશની સૂતેલા રાવળપિંડીની ધરતીના કદમ ચૂમી રહ્યા હતા, કોઈક દૂધવાળો પોતાની સાઇકલ પર જઈ રહ્યો હતો, સવારની આછી ધુમ્મસ વૃક્ષો સાથે અંગડાઇ લઈ રહી હતી અને આ જ ધુમ્મસ માટી સાથે વાતાવરણમાં ભળીને પોતાની ભીની ભીની સુગંધ રેલાવી રહી હતી. રસ્તા પર સુંદર શી શાંતિ હતી, ક્યાંકથી કોઈ કોયલનો આછો કલરવ આ શાંતિને સુરીલી બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. કોયલના સૂરને સાથ આપવા કોઈક ખૂણેથી ચકલીની ચી ચી નો સૂર પણ મધુર બની તેમાં ભળી ગયો હતો ત્યારે ઝાકળભીના થયેલા રસ્તાઓ પરથી અમારી કેબ રાવલપિંડી શહેરમાંથી ઇસ્લામાબાદ તરફ દોડીને જઈ રહી હતી.

રાવલપિંડી……. આ શહેર ન તો નાનું છે અને ન તો કરાંચી જેવું વિશાળ છે. પરંતુ કરાંચી, અને લાહોર બાદનું પાકિસ્તાનનું આ ત્રીજા નંબરનું મોટું શહેર છે. ૧૯૫૯ થી ૧૯૬૯ દરમ્યાન આ શહેરનો સૌથી વધુ થયો. કારણ કે પાકના જનરલ શ્રી અયુબખાને પાકિસ્તાનની નવી રાજધાની માટે પંજાબ પ્રાંતની નવી જગ્યા રાવલપિંડી પાસે નક્કી કરી હતી. આ નવી જગ્યાને સત્તાવાર રીતે ઇસ્લામાબાદ નામ અપાયું ત્યારબાદ ઇસ્લામાબાદની સાથે સાથે આ રાવલપિંડી શહેરનો પણ વિકાસ ઉત્તરોત્તર થતો રહ્યો. સામાન્ય પ્રજા રોજીંદી ભાષામાં ફક્ત પિંડી કહી સંબોધિત કરે છે. પાકિસ્તાનના લશ્કરી સેનાની આર્મફોર્સડનું મુખ્ય થાણું રાવલપિંડી શહેરમાં છે. અમે રાવલપિંડીની બાજુમાં હોવા છતાં અમને આ શહેરને નજીકથી જોવાનો ખાસ અવસર ન મળ્યો. એરપોર્ટથી ઇસ્લામાબાદ તરફ જતાં જતાં અમારા ડ્રાઈવર સાથે વાતચીત કરતાં રાવલપિંડીનો ઇતિહાસ થોડાઘણા અંશે જાણવા મળ્યો બસ એટલું જ…

ઇસ્લામાબાદ તરફ અમારી કેબ દોડી રહી હતી ત્યારે મારી આંખો આ નવી ધરતીની મીઠાશને મનભરીને જોઈ રહી હતી રસ્તા પર શણગારેલા ટ્રક એ મારે માટે આકર્ષણરૂપ બન્યા હતા. આ જ પ્રમાણે શણગારેલો ટ્રક મે વર્ષો પૂર્વે આપણાં ગુજરાતમાં ફક્ત એકવાર જોયેલો હતો બસ તેની એક આછી પાતળી ઝલક પણ એ મુજબની હતી કે મને જ્યારે તે ટ્રક યાદ આવતો ત્યારે હું તેને સ્વપ્નની ઝલક માનીને હસી દેતી હતી. આટલા વર્ષો બાદ પ્રથમ વાર મે એજ પ્રમાણે આ ટ્રકો જોયા પરંતુ આ ટ્રકો એટલા સુંદર રીતે શણગારેલા હતા કે બસ ક્યાંય સુધી જોયા જ કરીએ. ટ્રક ડ્રાઈવરોની આ પ્રકારની સજાવટથી ટ્રક ફક્ત સુંદર જ નહીં પરંતુ ઘણા વિશાળ અને મહાકાય પણ લાગતાં હતા. રસ્તા પર દોડી રહેલ પ્રત્યેક ટ્રક મને એકબીજાથી ઊંચો જણાતો હતો.રસ્તો કાપવા માટે મારી વાતચીત કેબ ડ્રાઈવર સાથે થઈ રહી હતી. વાતચીત દરમ્યાન મે તેને પૂછ્યું કે શું આપ રાવલપિંડીમાં વસો છો? ત્યારે તે કહે કે હા અત્યારે રાવલપિંડીમાં હું એકલો રહું છુ. આથી મે પૂછ્યું કે આપનો પરિવાર ક્યાં રહે છે? તો કહે કે તેઓ ભાવ નગરમાં રહે છે. હેં……..એ….આ સાંભળી મારી આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ મે કહ્યું કે તો ભાવનગર….!!!!.તે તો ઈન્ડિયામાં છે તો તું તારા પરિવારને મળે છે શી રીતે? તે કહે નહીં નહીં મેમસાબ ભાવનગર નહીં ….ભાવ નગર……(ભાવ અને નગર બંને શબ્દોને જુદા કર્યા) ભાવ નગર તો મૂલતાન કે પાસ હૈ ઔર સાલ મેં દો તીન બાર મૈ જાકે આતા હૂં. તેની વાત સાંભળીને મને આશ્ચર્ય થતું હતું કે પાકિસ્તાનમાં પણ આપણાં હિન્દુ શબ્દોને મળતા ગામો છે કદાચ મારા મનમાં રહેલા આશ્ચર્યને તે ઓળખી ગયો હોય તેમ લાગ્યું તેથી કહે બીબીજી એક વક્ત થા કી યહ સબ કુછ એક હી ધરતી કે ભાગ થે, બસ અપની અપની સંસ્કૃતિયા હૈ હમારી સિંધ સંસ્કૃતિ હૈ ઔર આપકે ભારત કી…. કૌન સી હૈ યહ મેનૂ નીહ પતા, પર આજ ભી કુછ કુછ નામ ગાંવો કે હૈ જો કી સુનને મેં બિલકુલ હિંદુ હૈ. હમારે યહાં જો ગાંવ હૈ ના ઉસમેં એક રામપુર હૈ, એક શામપુર હૈ ઔર એક હરિપુર ભી શામિલ હૈ, ઔર ચાહે શાયદ કુછ ઔર ભી ગાંવ હો પર હમેં પતા નહીં આથી મે પુછ્યું કે આ બધા ગામો ક્યાં વસેલા છે? તો કહે હૈ બીબીજી એક દો ગાંવ તો આસપાસ હી હૈ બસ તીન ચાર ઘંટે કા રસ્તા હોગા પર યે જો હરિપુર હૈ ના વોહ તો જબ હરપ્પા જાતે હૈ તબ આતા હૈ. હરપ્પા જાણે કે લિયે તો હરિપુર જાના હી પડતાં હૈ. તે ડ્રાઇવરની બોલીમાં જાણે અજાણે બોલાયેલા “જાણે” શબ્દ સાંભળીને મને આપણું હરિયાણા યાદ આવી ગયું. તે ડ્રાઇવરના શબ્દો, વાક્યો, વાક્યરચના તમામમાં હું ભારતીય સંસ્કૃતિને શોધવા પ્રયત્ન કરી રહી પરંતુ મારુ સજાગ મન કહેતું હતું કે એ પાક નાગરિક હતો પોતાના મુલ્કને મન ભરીને પ્રેમ કરનારો એ પાકધરતીનો પુત્ર હતો. ખેર તેની સાથે વાતચીત કરતાં કરતાં અમારો રસ્તો કપાતો રહ્યો અને લગભગ ૪૫ મિનિટ ડ્રાઈવ કર્યા બાદ અમે ઇસ્લામાબાદની સીમામાં પ્રવેશી ચૂક્યા હતાં ત્યારે બાળ આદિત્યનારાયણ અંધકારની રજાઈ કાઢી દિવસભર દોડવાને માટે સજાગ થઈ રહ્યાં હતાં.

ઇસ્લામાબાદથી મેરિયટ સુધીની સફર.

ઇસ્લામાબાદની સીમામાં પ્રવેશતાં જ અમને રાવલપિંડી અને ઇસ્લામાબાદ વચ્ચેનો તફાવત નજરે પડી ગયો. ઇસ્લામાબાદ અત્યંત સ્વચ્છ અને સુંદર લાગતું હતું. આ શહેરમાં પ્રવેશતાં જ અમારી નજરે એક નાનકડી મસ્જિદ પડી જ્યાં મુસ્લિમ બંદાઑ ખુદા પાસે સલાત નમાઝ પઢી રહ્યાં હતાં. રવિવારનો દિવસ હોઈ આખા શહેરમાં નીરવ શાંતિ હતી. અહીં શહેરની અંદર પ્રવેશતાં જ ઠેર ઠેર પોલીસ ચોકીઑ નજરે પડી. જેઓ પ્રત્યેક આવતા જતાં વાહનોની કડક ચેકિંગ કરી રહ્યા હતા. સામાન્ય સાઇકલવાળો જતો હોય અને તેની પાસે કોઈપણ બેગ હોય કે થેલી શુધ્ધા હોય તો તેની અંદર શું છે તે પણ ચેક કરાતું હતું તેનું મુખ્ય કારણ એ છે કે આ રાજધાની શહેર હોઈ પોલીસ જરા પણ અસાવધાન રહેવા માંગતી ન હતી. દરેક કારના બોનેટ અને ડીકી ખોલીને પણ ચેકિંગ કરાતું હતું. ઇસ્લામાબાદના મેઇન સેન્ટરમાં સેક્ટર પાંચમાં આવેલી હોટેલ (Marriott) મેરિયટમાં અમારે રહેવાનું હતું. આખા ઇસ્લામાબાદ શહેરમાં ફક્ત બે જ ઇન્ટરનેશનલ લેવલની હોટેલ છે તેમાંની એક છે હોટેલ સરીના અને બીજી છે અમેરિકન ફ્રેંચાઈઝની મેરિયટ હોટેલ. આ હોટેલ એ અમેરિકન ફ્રેંચાઈઝની હોવાથી ૨૦ સપ્ટેમ્બર/૨૦૦૮માં કેટલાક કટ્ટરવાદીઑએ આ હોટેલ પર બોમ્બિંગ કરેલું હતું. આત્મઘાતી ટ્રક બોમ્બિંગથી ઉડાવી દેવામાં આવેલી આ હોટેલમાં તે વખતે થોડા અમેરિકન ગેસ્ટ તથા અન્ય લોકો માર્યા ગયેલા અને ૨૫૮ રૂમ ધરાવતી આ હોટેલનો રિશેપ્શન એરિયા સહિતનો (૨/૩) બે તૃતીયાંશ ભાગ બળીને ધરાશાયી થઈ ગયેલો હતો. અમે જ્યારે આ હોટેલ પર પહુંચ્યા ત્યારે જોયું કે હજુ પણ આ હોટલમાં ક્યાંક ક્યાંક કામ ચાલી રહ્યું હતું. હાલમાં હોટેલની સિક્યોરિટીમાં પણ ઘણો જ વધારો થયેલો છે. ૨૦૦૮ ના બોમ્બિંગમાં તૂટેલી હોટેલના ભાગને હાલમાં બીજી દિવાલથી ચણી લેવામાં આવ્યો છે. હોટેલની છત્ત, અને દિવાલ વગેરેને બોમ્બપ્રૂફ બનાવવામાં આવ્યાં છે અને Double security wall પણ કરવામાં આવેલી છે. હોટલમાં પ્રવેશતાં પહેલા scanning room બનાવવામાં આવ્યો છે જેના કડક ચેકિંગમાંથી પસાર થયા બાદ કોઈપણ ગેસ્ટ કે એમ્પ્લોયર અને તેમનો સામાન જઈ શકે છે. હોટેલની બહાર ગન સાથે બ્લેક બેલ્ટ કમાન્ડો પણ રાખવામાં આવેલા છે જેઓ ૨૪ કલાક ફરજ પર રહે છે. બસ તેઓની શીફટ બદલાયા કરે છે. અમુક ગાર્ડ એવા પણ રાખેલા છે જેઓ ક્યારેક ગાર્ડ બનીને તો ક્યારેક પૉર્ટરના રૂપમાં તો ક્યારેક વેઇટરના રૂપમાં અને ક્યારેક ગેસ્ટ બનીને આખી હોટેલમાં ફરી ફરીને ચેકિંગ કર્યા કરે છે.

હોટેલ પર પહોંચ્યા બાદ અમે પણ આ પ્રક્રિયામાંથી પસાર થઈ ચેકિંગ કરાવી અમારી રૂમમાં પહોંચ્યા ત્યારે ઉષાની લાલિમા ગગન ને પણ પોતાના રંગમાં રંગી રહી હતી. આજનો દિવસ અમારે માટે આરામનો દિવસ હતો, આનંદ અને ઉત્સાહનો દિવસ હતો પણ આવતી કાલ…? આજે આનંદથી આરામ કરી રહેલા અમને ખબર ન હતી કે આવતી કાલનો દિવસ અમારે માટે ડર, સન્નાટો અને ખોફ લાવનાર હતો. ભવિષ્યના ગર્ભમાં શું થવાનું છે તે તો આમેય ક્યાં કોઈ જાણી શકે છે? બસ અમે પણ અજાણ્યા જ હતા એ આવતીકાલના દિવસથી, આથી આજના આનંદમાં મગ્ન હતા. લાંબી સફરનો થાક હોવા ચડ્યો હોવાથી અમે અમારી રૂમમાં આરામથી બેસીને બારીના વિશાળ કાચ વાટે એ લાલિમાના રંગમાં ધીરે ધીરે રંગાઈ રહેલા શહેરને જોવામાં અમે પણ મગ્ન બની ગયા હતાં………

પૂર્વી મોદી મલકાણ