Monthly Archives: ઓક્ટોબર 2015

“સીમાની પરિસીમા” (લાહોર )

કટાસક્ષેત્રથી નીકળી ફરી ઉબડખાબડ રસ્તા પરથી મુખ્ય રસ્તા પર જવા માટે અમારી સફરની શરૂઆત કરી. ગધેડા પર લાદીને જઇ રહેલો વણકરોનો સંઘ, ગાર અને માટીથી બનેલા નાના ઘરો, કૂવાઓમાંથી પાણી ખેંચી રહેલી બીબીઓ, ખેતરોમાં કાપણી કરી રહેલા પરિવારોને જોતાં જોતાં અમે લાહોર તરફ નીકળી પડ્યા ત્યારે ભાનુપ્રતાપનારાયણ પોતાના તેજ અને ઉગ્ર કિરણોથી ધરતીને તપાવી રહ્યા હતા. લગભગ પિસ્તાલીસ મિનિટની સફર બાદ અમે લાહોર તરફ જતાં મુખ્ય રસ્તા પર આવી પહોંચ્યા. મુખ્ય રસ્તાથી અમારી સફર શરૂ થઈ ત્યાં સુધીમાં સુરજદાદા મધ્યાહનને પાર કરી ચૂકેલા તો પણ અમને તેમના ઉગ્ર કિરણો તપાવીને કહી રહ્યા હતા કે લાહોર હવે નજીક અને વધુ નજીક આવતું જ જાય છે બસ તમારે હવે મારા કિરણો દ્વારા ફેલાયેલી ગરમીને સહન કરવાની તૈયારી રાખવાની છે. લાહોરના માર્ગે અમે લગભગ 1 કલાક વધુ ડ્રાઈવ કર્યા બાદ અમે રોશનસુલતાના નામના ધાબા પાસે રહેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવાને બહાને પાંચ મિનિટનો આરામ લીધો કારમાંથી બહાર નીકળી થોડા પગ છૂટા કર્યા ત્યારે રોશનસુલતાના ધાબા પર મોહમદ રફીના ગીતો ગુંજી રહ્યા હતા. ધાબાનો શોરૂમ વિવિધ જૂના બૉલીવુડ ગીતોની ઓડીયો કેસેટ્સથી ભરેલો હતો. પરંતુ અહીં અમે બસ થોડા પગ છૂટા કરવા ઉતરેલા તેથી વધુ સમય પસાર કરવાને બદલે અમે કારમાં પેટ્રોલ ભરાવી લાહોર તરફ અમારી સફરની શરૂઆત કરી. લાહોર તરફ જતાં અમે ગુજરાત નામ વાંચ્યું તે વાંચીને આશ્ચર્ય થયું કે અરે પાકિસ્તાનમાં પણ ગુજરાત છે? ભાઇજાન કહે કે આ ગુજરાત એ એક નાનકડું શહેર છે અને આ ગામમાં વિભાજન પછી ભારતમાંથી આવેલા અનેક હિન્દુપંજાબી પરિવારો રહે છે આ શહેરમાં પંજાબીપરિવાર મોટા પ્રમાણમાં હોવાથી આથી આ શહેરની મુખ્ય ભાષા પંજાબી છે. પાકિસ્તાનનું ગુજરાત જોતાં મને મારૂ ગુજરાત યાદ આવી ગયું અને પળ બે પળ માટે આંખો સમક્ષ અને મનની અંદર હું ગુજરાતની ભૂમિને મિસ કરવા લાગી પરંતુ મારા ભારતના ગુજરાત તરફ જવું મારે માટે શક્ય ન હતું તેથી પાકિસ્તાનના તે ગુજરાત નામમાં જ મે મારા ભારતીય ગુજરાતને મનમાં સમાવી લીધું.

રસ્તાની આજુબાજુ આસમાનમાં લહેરાતા લીલા અને ઊંચા વૃક્ષોને જોતાં જોતાં અમે લાહોર શહેરની અંદર પ્રવેશ કર્યો ત્યારે લગભગ બપોરના ૩ વાગવા આવ્યા હતાં. વહેલી સવારનો નાસ્તો લઈને નીકળેલા હોવાથી અમને ભૂખ પણ ઘણી જ લાગેલી પરંતુ અમારા મિત્રના પરિવારને તેમના ભાઈના ઘરે ઉતારી અમે આગળ વધવાનું નક્કી કર્યું જેથી અમારા મિત્રના બાળકોને તેમજ તેમના બેગમને (પત્ની) થોડો આરામ થઈ જાય અને તેઓના આરામના સમય દરમ્યાન અમે લાહોરમાં નાનકડી લટાર મારી લઈએ. અમારા મિત્રની બેગમને તેમના બાળકો સાથે તેમના ભાઈને ત્યાં છોડયા બાદ અમે ફ્ક્ત ૧ કાર લઈ અમારા મિત્રને ગાઈડ બનાવી તેમની સાથે અમે લાહોરની અમારી સફરની શરૂઆત કરી.

 

 

ફક્ત એક કારમાં અમે અમારા મિત્ર કમ ગાઈડ સાથે અમારી સફરની શરૂઆત કરી જૂના લાહોરથી, કારણ કે અમારી હોટેલ પણ અહીં હતી અને અમારે જોવા લાયક તમામ સ્થળો જૂના લાહોરમાં જ હતા, આથી રસ્તાની આજુબાજુ આવેલા સુંદર સ્થાપત્યવાળી લાલ ઈંટોની બનેલી મુઘલ બાંધણીવાળી ઇમારતો જોતાં જોતાં આગળ વધ્યા. બપોરના ૩.૪૦ થવા આવ્યા હતા તેથી લાહોર ચટકારા નામની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં અમારા મિત્ર અમને લઈ ગયા. ભૂખ્યા પેટે સફરનો આનંદ ન લઈ શકાય તેથી અહીં જમ્યા બાદ અમારી સફરની શરૂઆત કરવી તેમ નક્કી કર્યું. આ રેસ્ટોરન્ટને લાહોરનું હૃદય સમાન માનવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની ચાટ મળતી હોવાથી આ રેસ્ટોરન્ટનું નામ ચટકારા રાખેલું હતું. ઇસ્લામાબાદની સરખામણીમાં અહીં અમને વિવિધ પ્રકારની વેજીટેરિયન ડિશ તેમના મેનુમાં જોવા મળી એ જોઈને જ અમને ઘણી જ ખુશી થઈ અને રેસ્ટોરન્ટવાળા પણ અમને જોઈને ઘણા જ આનંદિત થઈ ગયા મારો પરંપરાગત ભારતીય પોશાક જોઈ તેમને ખ્યાલ આવી ગયો હતો કે અમે ભારતથી આવેલા છે પરંતુ જ્યારે અમે અમારા મિત્ર સાથે વાત કરી રહેલા હતા ત્યારે અમારી હિન્દી પરથી તેમને એ પણ ખ્યાલ આવ્યો કે અમે ભારતના ભારતીય નથી પણ પરદેશના ભારતીય છીએ પરંતુ તેઓ ખુશ થયા એ બાબતે કે કોઈ પરદેશી તેમના દેશની મુલાકાતે આવ્યા છે. અહીં તેમનું મેનુ જોતાં એક વાનગી પર મારી નજર ઠહેરી ગઈ આ વાનગીનું નામ હતું “ગુજરાતી પૂરી” આ નામથી મને ઘણું જ આશ્ચર્ય થયું. વેઇટરને પૂછતા તેણે જણાવ્યું કે આ એક પ્રકારની ચાટ છે પણ એ નામને કારણે અમે તે પ્રથમ ઓર્ડર કરી અને તેની સાથે સાથે લાહોર ઢોસા, લાહોર મિક્સ ચાટ અને હૈદરાબાદી થાળી ઓર્ડર કરી. અમે જેટલી વાનગીઓ ઓર્ડર કરી હતી તે તમામ વાનગીઑ એક સાથે આવી અમે જ્યારે ગુજરાતી પૂરી જોઈ ત્યારે ખબર પડી કે એ દહીં બટેટા સેવપુરી હતી. આથી મે પૂછ્યું કે આને તમે ગુજરાતી પૂરી કહો છો તો ગુજરાતી પૂરીને શું કહો છો? આથી તેમણે જણાવ્યું કે અહીં જેમણે અમને આ વાનગી બનાવતા શીખવેલી તેમણે અમને આ વાનગીનું નામ ગુજરાતી પૂરી કહેલી ત્યારથી અમે પણ આ જ નામે ઓળખીએ છીએ. તેમની હૈદરાબાદી થાળીનો સ્વાદ બિલકુલ ભારતીય રાજ્ય આંધ્રના હૈદરાબાદને મળતો હતો કે નહીં તે ખબર નથી, કારણ કે હજુ સુધી ભારતના આંધ્રને જોવા જાણવાનો મોકો મળ્યો નથી પરતું આંધ્રમાં જે રીતે આમલીનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં જેટલો ઉપયોગ થાય છે તેમ આ હૈદરાબાદી થાળીમાં પણ આમલીનો સ્વાદ વધુ હતો. લાહોર મિક્સ ચાટ એ ભારતીય ભેળપુરી હતી. લાહોર ઢોસા એ સાંભાર અને ચટણી વગરના મસાલા ઢોસા હતાં. એ ઢોસામાં ભારતીય સ્વાદ ન હતો પરંતુ પાકિસ્તાનના મસાલાઓનો સ્વાદ આ ઢોસાને અવનવો સ્વાદ આપી જતાં હતા. વળી ગમે તે હોય નામ હોય વાનગીઓના, પણ અમને ઘણા દિવસ પછી થોડા ઘણા અંશે ભારતીય સ્વાદને અનુરૂપ અમને સ્વાદ મળેલો જેનો અમે ઘણો આનંદ લીધો. અહીં અમારી પેટપુજા ઝડપથી પૂરી કર્યા બાદ અમે અમારી સફરની શરૂઆત અમારી હોટેલ તરફ કરી.

 

 

લાહોર શહેરની નજાકત જોતાં જોતાં અમે અમારી હોટેલ ‘the sun” તરફ આગળ વધવા લાગ્યા રસ્તામાં લાહોર કોર્ટ હાઉસ, મિનાર એ પાકિસ્તાન, ગદ્દાફી સ્ટેડિયમ, ગદ્દાફી સ્ટેડિયમથી થોડે જ દૂર જ્યાં શ્રીલંકન ક્રિકેટરોની બસ પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરેલો તે લાઈબ્રેરી સ્કેવર ચોક જોતાં જોતાં અમારી કાર હોટેલ તરફ દોડી ગઈ.

 

 

હોટેલ પર પહુંચી અમે ૨૦ મિનિટનો બ્રેક લઈ ફ્રેશ થયા ત્યાર પછી ફરી અમે અમારી સફરની શરૂઆત વાઘા બોર્ડરથી કરી. વાઘા બોર્ડર તરફ જતાં જતાં અમને લાહોર શહેરને નજીકથી જોવાનો અવસર પણ મળ્યો.

પાક ધરતીનું આ હૃદય રાવી નદીના કિનારે વસેલું પંજાબ પ્રાંતનું આ મોટું શહેર છે અને પાકિસ્તાનનું કરાંચી પછીનું બીજા નંબરનું મોટું શહેર છે. લાહોર લગભગ ૧૦૦૦ વર્ષથી પંજાબની રાજધાની રહેલું છે. એવું માનવામાં આવે છે કે લાહોર શહેરની સ્થાપના ભગવાન શ્રી રામના પુત્ર લવ એ કરી હતી. આ શહેરે ઘણી વસાહતો જોઈ ૧૧ મી સદીમાં અહીં મહમદ ગઝનવી , ૧૩ થી ૧૬ સદીના પૂર્વાર્ધમાં મુઘલ, ૧૬ મી સદીના ઉત્તરાર્ધથી ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી શીખ અને ૧૯ મી સદીથી ૨૦ સદી સુધી અહીં બ્રિટિશ કોલોની હતી. ૧૩ થી ૧૬મી સદી દરમ્યાન આ શહેરનો સૌથી વધુ વિકાસ થયો તેનું મુખ્ય કારણ એ હતું કે મુઘલ સામ્રાજ્યના વિકાસની શરૂઆત આ શહેરથી થઈ જેને કારણે આ શહેર મુઘલ બાદશાહોના હૃદયની ઘણું જ નજીક હતું આથી આ શહેરને તેઓ દિલ્હી પછી બીજી રાજધાની તરીકે ઓળખાતા. બ્રિટિશ લોકોએ મુઘલ શરણીમાં બનાવેલા અનેક સ્થાપત્ય હજુ પણ લાહોર શહેરની શોભા વધારી રહ્યા છે. આ શહેર ઉપર ભારતીય સમાજની ઘણી અસર રહી છે. વિભાજન પહેલા અહીં ઘણા હિન્દુ કુટુંબો રહેતા હતા. અહીંના સ્થાપત્યમાં લાહોર ફોર્ટ, દાતા દરબાર, શાહદરા બાગ, બાદશાહી મસ્જિદ, લાહોર મ્યુઝિયમ, મિનાર એ પાકિસ્તાન, ગદ્દાફી સ્ટેડિયમ વગેરે આવેલા છે. આ ઉપરાંત અનેક નાનીમોટી મસ્જિદરૂપી સુંદર બાંધણીવાળી ઇમારતો જોવા મળે છે. આ શહેરની વચ્ચોવચ્ચથી કેનાલ પસાર થાય છે જે લગભગ આખા શહેરના મુખ્ય રસ્તાઓને સાંકળે છે. આમ તો કેનાલનો ઉપયોગ ખેતીના કામ માટે થવો જોઈએ પરંતુ પાણી ખાસ ચોખ્ખું ન હોવા છતાં ગરમીના દિવસો હોઈ ઝૂપડપટ્ટીના બાળકોને અહીં સ્નાન કરવાનો આનંદ લેતા જોયા, તો ક્યાંક કપડા ધોવાતા જોવા મળ્યા તો વળી ક્યાંક કોઈક બીબીને ઘડામાં પાણી ભરતી જોઈ. ખેતીના કામમાં આ પાણીનો ઉપયોગ થતો હશે કે કેમ તે નથી જાણતી પણ અન્ય રીતે તો આ કેનાલનો ઉપયોગ થતાં જોયો. આ શહેરથી ૩૨ કિલોમીટરની દૂરી પર ભારત અને પાકિસ્તાનની સીમા આવેલી છે જેને વાઘા બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી પાકિસ્તાનની સરહદની બીજી તરફ ભારતની સીમા રેખા શરૂ થાય છે. આ સીમા રેખા પાસે ભારતનું શહેર અમૃતસર જોવા મળે છે. બંને દેશોના વિભાજન વખતે આ રસ્તેથી ભારત જનારા અને પાકિસ્તાન આવનારા લોકોની વધુ સંખ્યા હતી, હજુ પણ મોટર માર્ગ તથા બસ દ્વારા અનેક પ્રવાસીઓ સીમાપાર અવરજવર કરે છે, સડક ઉપરાંત રેલમાર્ગ વડે પણ આ બંને દેશો જોડાયેલા છે.

 

 

વાઘા બોર્ડર

 

 

જેમ જેમ અમારી કાર વાઘા બોર્ડર તરફ આગળ વધતી ગઈ તેમ તેમ આ શહેરને બહુ જ નજીકથી જોતાં જોતાં અમે પણ આગળ વધવા લાગ્યા. લગભગ પિસ્તાળીસ મિનિટ ડ્રાઈવ કર્યા બાદ અમે વાઘા ગામની સરહદ પર આવી પહોંચ્યા. બોર્ડર સાથે જોડાયેલો વાઘા શબ્દ પંજાબી ભાષાનો છે. પંજાબી ભાષામાં વાઘાનો શબ્દનો અર્થ રસ્તો થાય છે. વિભાજન વખતે વાઘા ગામને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. જેમાં પાકિસ્તાનમાં પડતા ભાગને છે વાઘા તરીકે અને ભારતમાં છે એ ભાગને અટારી નામે ઓળખવામાં આવ્યું જેને કારણે આ સરહદનું નામ વાઘા-અટારી સરહદ પડ્યું. શ્રી વાજપેયીજીએ શરૂ કરાવેલી દિલ્હી-લાહોર બસ પણ આ જ રસ્તેથી પસાર થાય છે. અહીંથી રોજ સંખ્યાબંધ માલસામાનની હેરફેર થાય છે. મધ્ય એશિયાને ભારત સાથે જોડતો આ રસ્તો ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઇતિહાસમાં ઉલ્લેખાયેલો છે.

 

 

અહીંથી ચેકપોસ્ટ શરૂ થતી હોવાથી કડક ચેકિંગ ચાલતું હતું ગામ આમ તો નાનું છે પરંતુ અહીં ઘણા પ્રવાસીઓ આવતા હોય છે અમે જ્યારે સાંજે પાંચ સવા પાંચે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો પ્રોગ્રામ શરૂ થવાનો હોઈ ઘણી જ ભીડ હતી પરંતુ મારા મનમાં બંને દેશો વચ્ચેની બોર્ડર લાઇન જોવાનો અતિ ઉત્સાહ હતો. કદાચ મનમાં ઉત્સાહના ફટાકડા ફૂટી રહ્યા હતા એમ કહું તો પણ ચાલે વળી ફક્ત બોર્ડર જ નહીં પરંતુ સાથે સાથે બંને દેશના સૈનિકોને જોવાનો મારા માટે આ પ્રથમ અનુભવ હતો તેથી પણ મારૂ હૃદય અતિ ઉત્સાહિત હતું. લાગતું હતું કે મારા બચપણનું એક સ્વપ્ન સાચું પડવાનું હતું. નાની હતી ત્યારે હમેંશા મને થતું કે હું પણ સૈનિક બનું અને મારા સ્વપ્નની વાત મમ્મીને કરતી. મમ્મી કહેતી કે જેણે સૈનિક બનવું હોય તેની આંખ એકદમ તેજસ્વી હોવી જોઈએ ચશ્માના નંબર હોય તો લશ્કરમાં ન જવાય આથી રોજ શીર્ષાસાન કરતી, આંખોને ઠંડા પાણીથી ધોતી, ખૂબ ગાજર ખાતી જેથી મારી આંખો સારી થાય પરંતુ લશ્કરમાં જવાનું મારૂ એ સ્વપ્ન, સ્વપ્ન જ રહી ગયું કારણ કે મને પણ મમ્મી પપ્પાની જેમ ચશ્માના નંબર આવી ગયા હતા. આ વાતનો મનમાં ખૂબ અફસોસ હતો કે હું લશ્કરમાં હવે નહીં જઇ શકું એક દિવસ પપ્પા સાથે મે વાત પણ કરી કારણ કે પપ્પા મારા મિત્ર હતા. આથી મને સમજાવતા તેઓ કહે કે દેશની સેવા કરવા માટે ઘણા બધા વિવિધ પાસાઓ છે અને સારા સૈનિક થવા માટે સૌ પ્રથમ સારા નાગરિક અને સારા નાગરિક થવા માટે સારા વ્યક્તિ બનવું વધુ જરૂરી છે. ભવિષ્યમાં તને એક એવો ચોક્કસ સમય મળશે જ્યારે તું જ્યાં રહેતી હશે તે દેશની ધરતીની સેવા કરવાનો તને મોકો મળશે પણ એ સમય ક્યારે આવશે તેમ પૂછવાને બદલે તારા મનની ઈચ્છાને સમય પર મૂકી દે. પપ્પાની વાત ત્યારે તો સમજમાં ન આવી હતી પણ આજે આટલા વર્ષે એ એ સ્વપ્નની અર્ધી કડી જોવા મળવાની હતી. આથી રસ્તે આવતા તમામ સૈનિકોને જોતાં જોતાં હું પણ જાણે અજાણે મારા સ્વપ્નને નજીકથી નિહાળી રહી હતી. સૈનિકો કોઈપણ દેશના હોય પણ પોતપોતાના મુલ્ક માટે લડતા, પોતાના પરિવારથી દૂર રહીને આપણને અને આપણા દેશને સુરક્ષિત રાખી પોતે રાત્રે જાગતા આ સૈનિકોને આટલા નજીકથી જોવાનો મારે માટે સુનહેરો અવસર હતો.

 

 

જેમ જેમ વાઘા બોર્ડર નજીક આવતી ગઈ તેમ તેમ મનમાં એક પ્રકારની લાગણી આવતી ગઈ. જ્યારે નજીક પહોંચ્યા ત્યારે મુખ્ય સ્થળથી ૧ માઈલ દૂરી પર અમારે કાર પાર્ક કરવાની હતી. પાર્કિંગસ્થળે એક સ્ક્વોડ્રન સોલ્જર ઉભેલો હતો. અમારા ડ્રાઇવરે તેને પૂછ્યું કે સાહેબ યેહ બેગમ સાહેબા કો પૈર કા મસ્લા હૈ ક્યા મૈ આગે ઉનકો ઉતાર કર કાર કો વાપસ મૌડ લું ઐસે ચલેગા?? આ સાંભળી એ કહે નહીં નહીં ઐસા નહીં ચલતા આપકો યહાં કાર છોડની હોંગી. તે સ્કોવોડ્રન લીડરની અંદરનો સૈનિક બોલી ઉઠ્યો. આથી ડ્રાઈવરને અમે કહ્યું કે કંઇ વાંધો નહીં અમે અહીં જ ઉતરીશું. તેણે ત્યાં જ કાર ઊભી રાખી અને મે કારમાંથી ઉતરવા પહેલો પગ મૂક્યો. પગ મૂક્તા જ તે સોલ્જરની નજર મારા પગ પર ઠહેરીને સ્થિર થઈ ગઈ અને તે સાથે સૈનિકના મ્હોરા પાછળનો તેનો ઇન્સાન પણ જાગી ગયો, પળ બે પળમાં જ તે અમારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે નહીં નહીં બેગમ સાહેબા કો કાર મેં હી આગે લે જાઓ. ડ્રાઈવર કહે કે સાબ મૈને ઇસી લિયે તો કહા થા સોલ્જર કહે કે મેનુ કી પતા કી બેગમ સાહેબા કા એક પાવ ઐસા હોગા? આ બૂટ સાથેનો પગ જોતાં જ સ્વોડ્રન લીડરે મને કારમાં જ આગળ જવાની સૂચના આપી આથી અમે ફરી કારમાં બેસી આગળ ગયા આગળ જતાં એક ગેઇટ આવ્યો અમારો ડ્રાઈવર અમને કહ્યું કે હું કાર રિવર્સ લઈ લઉં પછી આપ અહીં ઉતરી જજો . હજુ અમારી વાત પૂરી થાય તે પહેલા બીજો સ્વોડ્રન લીડર આવ્યો અને ડ્રાઈવરને કહે કે કાર અહીં સુધી કેમ લાવ્યો ડ્રાઈવર કહે સાબ પીછે વાલે સરજીને હાં બોલા ક્યુંકી યે બેગમ સાહેબા કો પાંવ કા મસ્લા હૈ ના ઇસી લિયે આથી તે મારી સાઈડ આવ્યો અને કહે કે કાર કા ગ્લાસ ખોલો. બારી ખૂલતાં જ તેણે અંદર તરફ જોયું અને પછી કહે કે આપ યહાં સે કાર મેં આગે ચલે જાઓ અને પોતાના સાથીઓને કહે ગેઇટ ખોલો. તેના આદેશ સાથે ગેઇટ ખૂલ્યો અને અમારી કાર અંદર પ્રવેશી ગઈ અને તે સાથે મન બેકાબૂ થઈ ગયું, હૃદયના ધબકારાની સ્પીડ વધી ગઈ અને મારા કાન સરવા થઈ ગયા, કારણ કે આજે હું મારા દેશને મારા દેશની સીમાને મારા દેશના લોકોને દૂરથી જોવાની હતી. કાનોમાં દૂરથી આવતું ગીત અને તેના શબ્દો સમાઈ ગયા હતા………મેરે દેશ કી ધરતી સોના ઉગલે….ઉગલે હીરે મોતી……બસ આટલા જ શબ્દો સાંભળતા મનમાં આવ્યું કે મારા દેશની ધરતીની સીમામાં પ્રવેશીને મારા દેશની ધૂળનો ચાંદલો બનાવી દઉં પરંતુ તે શક્ય ન હતું તેથી મનોમન મે મારા દેશની ધરતીને પ્રણામ કર્યા અને પાછી પાક ધરતી પર આવી ગઈ. અમારા ડ્રાઇવરે એકદમ આગળ જઈ કાર પાર્ક કરી અને અમારા મિત્ર જઈને ટિકિટ લાવ્યા અને આગળ જઈ આગળના સોલ્જરને પૂછ્યું કે સાહેબજી યેહ બેગમ સાહેબા હમારે સાથ આઈ હૈ વોહ અપને મિયાં કે સાથ જા શક્તી હૈ?? આથી તે સોલ્જર કહે નહીં નહીં જનાની અલગ જાયેગી ઔર મિયાં અલગ સે બૈઠૈગેં….તેમનો ઉત્તર સાંભળી અમારા મિત્ર અમારી પાસે આવીને કહે સોરી યહાં અલગ બૈઠના હોગા આપકો. મે કહ્યું કશો વાંધો નહીં મારી ટિકિટ આપો હું ધીરે ધીરે ચાલતી ચાલતી જઈશ પણ જ્યાં સુધી તેમની એટ્લે કે મારા પતિની સાથે જવાશે ત્યાં સુધી તેમની સાથે જઈશ. હું મારા પતિનો હાથ પકડી ધીરે ધીરે ચાલવા લાગી ત્યારે અન્ય એક સ્ક્વોડ્રન લીડર પાસે આવ્યો તેણે અમને જોયા આથી પાસે આવીને તેણે મારા પતિ સાથે હેન્ડશેક કર્યા અને આવકાર આપતા કહ્યું કે આપ આપની બીબી સાથે જાઓ આપને એકલા જવાની જરૂર નથી એમ કહી પોતાના સાથીને કહ્યું કે આપ આમને એકદમ આગળ લઈ જાઓ. તે સાથી સૈનિક અમને અંદર લઈ ગયો ત્યારે મારા પગ પર લોકોની નજર પડતાં તેઓ મારી સામે જોતાં રહેતા તેમની આંખો મારા પગને ઘણું બધુ કહી જતી હતી. તેથી મને થોડી શરમ આવતી હતી આથી મે મારા પતિને રસ્તે ચાલતા કહ્યું કે લોકો મને જોઈ રહ્યા છે તેથી મારા મનનો એ સંકોચ દૂર કરવા તેઓ કહે કે લોકો તને નહીં પણ મને જુએ છે અને મને જોઈને વિચારે છે કે આ વ્યક્તિ તેની પત્નીનું કેટલું ધ્યાન રાખે છે એમ કહી તેમણે મારા મનને હળવું કરી દીધું.

 

 

આખરે અમે તે પાક સૈનિકની સાથે ચાલતા ચાલતા અમે પાક સીમાના મુખ્ય ગેઇટ પર આવી પહોંચ્યા ત્યાં સૈનિક બે પળ માટે ઊભો રહ્યો અને વી વી આઈ પી સદસ્ય બેસી રહેલા હતા ત્યાં પ્રથમ લાઇન પર અમને બેસવાનું કહયું. અમે જ્યારે બેસી ગયા ત્યારે તે પોતાની બીજી ડ્યૂટી સંભાળવા આગળ ચાલ્યો ગયો ત્યારે પાકનું રાષ્ટ્રીય ગીત વાગી રહ્યું હતું હમ ઝિંદા કોમ હૈ……પાઇંદા કોમ હૈ હમ સબ કી હૈ પહેચાન પાકિસ્તાન પાકિસ્તાન પાકિસ્તાન……..

 

 

સંધ્યા સમયે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ઉતારી લેવાનો નિયમ દુનિયાના સર્વ દેશોમાં રહેલો છે તે ન્યાયે અહીં વાઘામાં પણ ભારત અને પાકિસ્તાન પોતપોતાના ધ્વજ ઉતારવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ દરવાજા બંધ કરવાની તૈયારી થાય છે. ભારત-પાકિસ્તાનના આ દરવાજાઓ વચ્ચે પાંચ-છ મીટરનું અંતર છે. બંને દેશો વચ્ચેની પરેડ આમ તો નવી વાત નથી પરતું પરેડ વખતે સૈનિકોના ચહેરા પર જે ભાવ હોય છે તે જોવા મળવી અતિ દુર્લભ છે. પરેડ કરનાર પ્રત્યેક વ્યક્તિના ચહેરા કરડા (કડક ) અને ભાવ વિહીન હોય છે. તેઓના ચહેરા પરથી અંગારા વરસતા હોય છે. ૧૯૫૯થી ખુલ્લી મુકાયેલી આ સરહદ પર રોજ સાંજે બંને દેશના સૈનિકો સામસામે આવીને ઊભા રહે છે ત્યારે બંને દેશના સૈનિકોના મુખ ઉપર પોતાના દેશ પ્રત્યેની ચાહના દેખાતી હોય છે અને બંને દેશના સૈનિકો એકબીજા પર પોતાની દેશદાઝ દર્શાવતા જોશપૂર્વક ધ્વજ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન જ્યારે બંને દેશના સૈનિકો સામસામે આવીને ઊભા રહે છે ત્યારે તેમની આંખોમાંથી નીતરતો ઝનૂન જોવા જેવો હોય છે. ભારત તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ખાખી પોશાકમાં અને લાલ સાફામાં સોહાય છે અને પાકિસ્તાનના રેન્જરો પગથી માથા સુધી કાળા રંગના સલવાર, કમીઝ અને પગડીના રોફદાર પોશાકમાં સજ્જ હોય છે. બંને દેશોના સૈનિકોના મસ્તકને ઢાંકી દેતા વિશિષ્ટ સાફા જેવી પાઘડી તેમના રોફદાર પોશાકની સુંદરતામાં વધારો કરે છે.

 

 

 

ચિત્તા જેવી ત્વરા સાથે બન્ને દેશના સૈનિકો પોતપોતાના દરવાજામાંથી પસાર થઈ વચ્ચેની લાઇન પર મળે છે, ત્યાં બંને દેશના સૈનિકો હસ્તધૂનન કરે છે, પણ પોતપોતાના દેશને છાજે તે રીતે માનપૂર્વક અને હરીફ દેશને જાણે પોતાના હાવભાવથી જ ડરાવી દેવાની ભાવના સાથે સૈનિકો પોતાના પગ પણ સામેવાળા સૈનિકના ખભા સુધી ઉછાળે છે અને ખાસ પ્રકારની એક્શન સાથે ધ્વજ એકસાથે ઉતારવાનું ચાલુ થાય છે અને ધ્વજ ઉતાર્યા બાદ બંને દેશના ધ્વજ સૈનિકો ઘડી કરી મૂકી દે છે. ત્યારબાદ બંને દેશોના સૈનિકો ફરી એકવાર હસ્તધૂનન કર્યા બાદ છૂટા પડે છે અને બંને દેશો વચ્ચે રહેલા દરવાજાઓને બંધ કરી દેવામાં આવે છે. બીજે દિવસે સવારે ફરી ધ્વજ ચડાવવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે બંને દેશો વચ્ચેના દરવાજા ખોલી નાખવામાં આવે છે. ધ્વજ ઉતારવાની અને ધ્વજ ચડાવવાની પ્રક્રિયાનો સમય લગભગ ૪૫ મિનિટનો હોય છે જે દરરોજ સવારે અને સાંજે થાય છે. આ પ્રક્રિયા રોજે રોજ અનેક પ્રવાસીઑને પોતાની તરફ આકર્ષે છે. આથી બંને દેશોની સરકારે અહીં પ્રવાસીઓ માટે બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે. જેમાં મહિલા અને પુરુષોને અલગ અલગ બેસાડાય છે. આ આખો નજારો સ્વયં જોવાનો આનંદ અનેરો હોય છે.

આગળની લાઇનમાં અમને બેસાડી તે સોલ્જર બીજી ડ્યુટી ભરવા ચાલ્યો ગયો ત્યારે અમારા સ્ટેડિયમના સામે તરફના સ્ટેડિયમમાં બેસેલા પુરુષો નારા લગાવી રહ્યા હતા…..પાકિસ્તાન…….ઝિંદાબાદ…..આ સ્ટેડિયમની બાજુમાં ઉપરની તરફ એક નાનું સ્ટેડિયમ હતું જ્યાં સ્કૂલના બાળકો બેસેલા હતા અને તેઓ પણ લા ઇલ્લાહ, ઇલ ઇલ અલ્લાહના નારા લગાવી રહ્યા હતા ત્યારે ભારત તરફથી ભારતમાતાની જય બોલાતી હતી. બંને દેશોના સ્ટેડિયમમાં રહેલા લોકો નારા લગાવી રહ્યા હતા ત્યારે અમે પણ તેમની સાથે જોડાઈને ભારત માતા કી જય બોલી રહ્યા હતા. આખા સ્ટેડિયમમાં ફક્ત અમે જ હોઈશું જે પાકિસ્તાનની ધરતી પર ઊભા રહી ભારતમાતાની જય બોલાવી રહ્યા હતા. સ્ટેડિયમના સૌથી ઉપરના ભાગમાં પાકિસ્તાન આર્મીનું બેન્ડ મ્યુઝિક વહાવી રહ્યું હતું તેમના ઊભા રહેવાની દીવાલ ઉપર પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદઅલી ઝીણાનો ફોટો લગાવેલો હતો. ભારતની સરખામણીમાં પાકિસ્તાનનું સ્ટેડિયમ ઘણું જ નાનું છે જ્યારે જ્યારે બંને દરવાજાઓની તિરાડમાંથી અમને જોવાનો મોકો મળતો ત્યારે અમે જોતાં કે ભારતના સ્ટેડિયમમાં બેસેલો ક્રાઉડ મહાસાગરના વિશાળ તરંગો જેવો દેખાતો હતો.

ભારત તરફના વિશાળ જનસમુદાયને નિહાળતી વખતે અમે જોયું કે બંને દેશોના દરવાજાની વચ્ચે એક બિલાડી ફરી રહેલી હતી થોડીવાર ભારતના દરવાજામાં પ્રવેશ કરે અને પાછી બાહર જાય, થોડીવારમાં ફરીથી પાકિસ્તાનના દરવાજામાંથી અંદર આવી અને ફરી થોડીવારમાં પાકિસ્તાનના દરવાજામાંથી બહાર તરફ ગઈ આમ તેનું વારંવાર ચાલ્યું અને ત્યારબાદ તે થોડીવાર સુધી દેખાઈ જ નહીં તેથી અમને લાગ્યું કે ચાલો આખરે એ પોતાની જગ્યા પર પહોંચી ગઈ તે વખતે અમે જોયું કે એ બિલાડી ફરી ભારતના સૈનિકોની આજુબાજુ ફરી રહી હતી અને થોડી વાર બાદ ફરી એ પાકિસ્તાનની ધરતી પર આવી અને દોડતી દોડતી અમારી આંખો પાસેથી અદ્રશ્ય થઈ ગઈ આ જોઈને રેફયુજી ફિલ્મનું ગીત યાદ આવી ગયું. “પંછી નદીયા પવન કે ઝોંકે સરહદ ના કોઈ ઈસે રોકે” ખરેખર એવું જ હતું કોઈપણ પ્રકારની રોકટોક વગર, ડર વગર તે બિલાડીએ ચાર થી પાંચ વાર બંને દેશોની સીમાની અંદર અવરજવર કરી પોતાની બંને દેશો સાથે પોતાનું મન કેટલું મળેલું છે તે દર્શાવ્યું તે બિલાડીની પ્રક્રિયા જોઈને મનમાં વિચાર પણ ઝબકી ગયો કે કાશ ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવી મિત્રતા થઈ જાય તો કેટલું સારું. જેથી કોઈપણ મનમોટાવ વગર બંને દેશના લોકો એક બીજાને મળી શકે. આશા રાખીએ કે આજે નહીં તો આવતી કાલે એવો સમય ચોક્કસ આવશે કે જેમાં બંને દેશ વચ્ચે પાકી મિત્રતા થઈ જશે.  લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી અમે પાકિસ્તાન તરફથી થતાં નારાઓના અવાજને સાંભળીને આનંદ લીધો પરંતુ અમારી નજર બંધ દરવાજા પાછળ રહેલા અમારા દેશની સીમા, અમારા દેશના સૈનિકો અને મારા ભારતવાસીઓને નિહાળી રહી હતી. પ્રત્યેક પળે મને લાગતું હતું કે સીમાની પેલે પાર રહેલા મારા દેશના લોકો મને હાથ ઊંચા કરીને પાસે બોલાવી રહ્યા હતા પણ એમ પાસે જવાનું ક્યાં સરળ હતું? જ્યારે પોતાના દેશથી પોતાના દેશવાસીઑથી દૂર જઈએ ત્યારે પોતાના દેશની અને દેશવાસીઓની કિંમત સમજાઈ જાય છે તે મારાથી બહેતર કોણ સમજી શકવાનું હતું? મારા મનની સીમાની અંદર હું મારા દેશની રજને મારા શ્વાસમાં સમાવવા માંગતી હતી પરંતુ તે શક્ય ન હતું, હું મારા ભારતની ભૂમિ પર એક ક્ષણ બસ ફક્ત એક ક્ષણ જીવવા માંગતી હતી પરંતુ તે પણ શક્ય ન હતું, મારા દેશની સુગંધથી મહેંકાવા માંગતી હતી અને તે પણ મારે માટે શક્ય ન હતું. બસ આમ જ મારા મનની તમામ સીમાઓની એક પરિસીમા હતી જેમાં પ્રવેશવું મારે માટે શક્ય ન હતું આથી સીમારેખા પરથી પસાર થતા વાયુના પ્રત્યેક અણુ અણુને હું સ્પર્શ કરી મારા મનને સાંત્વન આપતી હતી કે કમ સે કમ આ વાયુનો વાયરો મારા દેશની ધરતીને ચૂમીને મારી પાસે આવી રહ્યો છે. આમ મારૂ મન જ્યારે ગડમથલ કરી રહ્યું હતું ત્યારે અચાનક નારાઓમાં થતાં ફેરફારને કારણે અમારી નજર બીજી તરફ ખેંચાઇ ગઈ ત્યારે અમે જોયું કે પાકિસ્તાનનો ધ્વજ લહેરાવતો લહેરાવતો લીલા વસ્ત્રો ધારણ કરેલો એક વૃધ્ધ વ્યક્તિ પોતાના વૃધ્ધ પણ સ્થિર પગલાએ આવી રહ્યો હતો તેના આવવાથી લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ આવી ગયો હતો અને તે ઉત્સાહને કારણે તેમની નારા લગાવવા માટે અવાજ ઉગ્ર થઈ ગયો. તે વૃધ્ધ આવીને પાકિસ્તાનના મુખ્ય દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને બંને હાથ ઉપર કરી ભારતને પોતાના દેશની તાકાત દર્શાવતો હોય તે રીતે ધ્વજ બતાવતો ધ્વજ ને લહેરાવવા લાગ્યો. થોડીવાર આ રીતે કર્યા બાદ તે વૃધ્ધના સાથ આપવા બીજી વ્યક્તિ પણ આવી પહોંચી જે થોડો યુવાન હતો તે પણ ભારતને પોતાની તાકાત અને પોતાના દેશની તાકાતને દર્શાવવા લાગ્યો. આ રીતે એક પછી એક એમ ચાર વ્યક્તિઓ દ્વારા આ પ્રક્રિયા થઈ ત્યારબાદ મુખ્ય સૈનિકો દ્વારા માર્ચિંગ શરૂ થઈ. સૌ પ્રથમ બે ત્યારબાદ ચાર અને ત્યારબાદ આઠ–આઠના ગ્રુપમાં સૈનિકોની માર્ચીગ શરૂ થઈ. આ શો લગભગ ૩૦ મિનિટ સુધી ચાલ્યો. પાકિસ્તાનના મુખ્ય દરવાજાઓની તિરાડ વચ્ચેથી અમે વારે વારે ઈન્ડિયાના દરવાજાઑ તરફ પણ જોઈ રહ્યા હતા અને ત્યાં પણ આ જ રીતે શો ચાલી રહ્યો હતો. બંને દેશના સૈનિકોના માર્ચીંગ વચ્ચે લોકો જોશ પૂર્વક નારા લગાવી રહ્યા હતા. સૈનિકોના પૌલાદી પગલા, ખડતલ છાતી, હૃદયમાં દેશદાઝની ભાવના, આંખોમાં દેખાતું લક્ષ્ય તેમને તમામ સામાન્ય વ્યક્તિઓથી અલગ બનાવી રહ્યા હતા. લગભગ ૩૦ મિનિટ બાદ બંને દેશના દરવાજાઓ ખૂલ્યા અને તે સાથે નારાઓનો નાદ બમણો થઈ ગયો બંને દેશના સૈનિકો પોતાના દેશની દરવાજામાંથી બહાર આવી મુખ્ય સીમાલાઇન પર મળ્યા એક બીજાને હસ્તધનુન કરી છૂટા પડ્યા અને પોતપોતાના ધ્વજની દોરી ખોલી તેને નીચે ઉતારવા લાગ્યા. ધ્વજ નીચે ઉતારતી વખતે દોરીને ક્રોસમાં રાખીને ઉતારવામાં આવે છે. જેમ હસ્તધનુન કરે ત્યારે હથેળીઓ એકબીજાની ક્રોસમાં હોય તે રીતે ધ્વજ પણ નીચે ઉતારાય છે. બંને દેશના ધ્વજ એકબીજાની ક્રોસમાં રહીને નીચે આવી ગયા બાદ ધ્વજને ઘડીવાળી લઈ બંને દેશના સૈનિકોએ ફરી હસ્તધનુન કર્યા અને પોતપોતાના દેશના દરવાજાઓમાં પ્રવેશી દરવાજાઓ બંધ કરી દીધા અને તે સાથે આજના દિવસની સાંજ પણ ઢળી ચૂકી હતી. સંધ્યાની લજામણી લાલિમા ગગનને પણ પોતાના રંગમાં રંગી રહી હતી અને ભગવાન આદિત્ય નારાયણ પાક ધરતી પરથી વિદાય લઈ ચૂક્યા હતા. રસ્તાઓ પર વીજળીના દિવડાઓ પોતાનું ઓજસ પાથરવાની તૈયારી કરી રહ્યા હતા. આ પ્રસંગને જોવા માટે હાજર રહેલા લોકો સ્વસ્થાન પર જવા ચાલી નીકળ્યા હું પણ મારા પતિ સાથે ધીરા પગલે અમારા પાર્કિંગ તરફ જવા નીકળી પડી ત્યારે ઘણા લોકો બંધ દરવાજા પાસે ઊભા રહી ફોટો લઈ રહ્યા હતા તો કોઈ ધ્વજ લઈને ફરનારા સૈનિકો, કમાન્ડરોની સાથે ફોટો ખેંચી રહ્યા હતા. પરંતુ ભારતીય સૈનિકોને નજીકથી જોવાની મારી લાલચ હું રોકી ન શકી તેથી ધીરા પગલે જ્યાં ભારતીય સૈનિકો ઊભા હતા તે તરફથી બહાર જવા માટે મે મારા ધીરા કદમ ઉપાડ્યા.

 

 

તપ કરી રહેલા સ્થિર અને સ્થિતપ્રજ્ઞ ઋષિની જેમ ઉભેલો, ગૌરવર્ણ, ભૂરી માંજરી આંખો, ગોળ ચહેરો, 5”5 ઈંચની સામાન્ય કદ કાઠી ધરાવતો યુવાન, સૈનિક ભારતીય સીમામાં ઉભેલો હતો. ભારતના દરવાજાથી લગભગ ૨૫ મીટર પર તે ઉભેલો હતો. તેના પણ હાથમાં બંદૂક શોભી રહી હતી, આશ્ચર્ય થયું ને મારા આ વાક્યથી આપને કે તે સૈનિકના હાથમાં બંદૂક શોભી રહી હતી……..હા શોભી રહી હતી બંદૂક, કારણ કે એ આપણા ભારતનો સૈનિક હતો. સામી છાતીએ લડનારો જવામર્દ હતો એ, પોતાના લક્ષ્યને પોતાની નયનોની કીકીમાં સમાવીને શિસ્તતાથી અદબ વાળીને એ સૈનિક ભારતનું માન, અભિમાન અને સ્વાભિમાન લઈને ગર્વથી ત્યાં ઉભેલો હતો. આ આપણા ભારતીય સૈનિકને જોતાં ફરી વાર મને બે પળ માટે એ વાતનું દુઃખ થઈ આવ્યું કે હું આપણી ભારતીય સેના માટે કામ ન કરી શકી. મારી વિચારવાની પ્રક્રિયા અને લાગણીના મહાપુરમાં ખેંચાતી હું પણ ત્યાં જ ઊભી રહી ગઈ. જ્યારે મારા પતિએ આગળ વધવા માટે જણાવ્યું ત્યારે અચાનક હું અતીતમાંથી નીકળીને આજમાં આવી પહોંચી, અને ફરી ભારતીય સીમા, અને ભારતીય સૈનિકને જોવામાં મગ્ન બની ગઈ અને ઉત્સુકતા અને ઉત્સાહપૂર્વક થોડો સમય તે સૈનિકની સામે જોતી ઊભી રહી. પરંતુ આ સમય દરમ્યાન ન તો તે સૈનિકના મુખ પરના ભાવ પલટાયા કે ન તો તેની આંખ ફરી બસ એક પૂતળાની માફક એકટશ નિહાળતો અને મૌનનું ધ્યાન ધરતો તે ત્યાં ઊભો હતો. મારી સામે એકટશ નજરે તે કદાચ નિહાળી રહ્યો હતો. મારી બોલી અને મારા ભારતીય પોશાક પરથી તે કદાચ અમે ભારતીય છીએ તે સમજી ચૂક્યો હતો પરંતુ તેના મનના ભાવોને તે પોતાના ચહેરા પર પ્રગટ કરતો ન હતો તે બસ મૌન હતો. તે સ્થિતપ્રજ્ઞ ઋષિને નિહાળતા નિહાળતા મારી વાચાળતા પણ ખીલી ઉઠી હતી અને આ થોડા સમય દરમ્યાનમાં તો મારી ઘણી બધી વાત મારા પતિ સાથે થઈ, આગળપાછળથી આવતા માણસો સાથે હું ટકરાઇ પણ ખરી પણ તેનામાં કોઈ ફર્ક ન પડ્યો. તે જે રીતે ઊભો હતો તે જોઈને મને લંડનનું વેક્સ મ્યુઝિયમ યાદ આવી ગયું. જ્યાં વિવિધ દેશોના પ્રખ્યાત લોકોના પૂતળાઑ એ રીતે ઉભેલા છે કે પાસે જતા જ લાગે કે આ પૂતળાઑને હમણાં જ વાચા આવી જશે અને તેઓ બોલી ઉઠશે કે Hello sir hello mem how are you? પણ એ પૂતળા જેમ મેડમ તુષાદ મ્યુઝિયમમાં સ્થિતપ્રજ્ઞ અને ભાવવિહીન ચહેરા સાથે ઉભેલા છે તે જ ભારતીય સૈનિક પણ એવો જ હતો એકદમ સ્થિતપ્રજ્ઞ, ભાવવિહીન અને મૌનવ્રત ધારણ કરેલો હતો. તે ભારતીય સૈનિકની સામે પાકિસ્તાન સીમા પર પણ ઉભેલો છે એવો જ એક બીજો સિપાઈ સ્થિતપ્રજ્ઞ અને ભાવવિહીન ચહેરાવાળો. આજે પણ એ ભારતીય સૈનિકની આંખો અને તેનો ચહેરો, મારા મનઃપટ પર એટલો અંકિત થઈ ગયેલો છે કે આજે પણ હું ચાહે ભૂલવા માંગુ તો પણ એ ચહેરાને નહીં ભૂલી શકું. તે સિપાઈ જ્યાં ઉભેલો હતો ત્યાં લોખંડના વાયરની બનેલી વાડ હતી ત્યાર બાદ નાનો સરખો બગીચો હતો જેમાં ગુલાબના છોડ પર આછા લાલ રંગના ગુલાબો પોતાનો પ્રેમનો સંદેશો રેલાવવા માટે અને દોસ્તીનો હાથ ફેલાવી સ્વયં સેતુ બનીને બંને દેશોની વચ્ચે ઊભો રહી ગયા હતા. તે બગીચા બાદ ફરી વાડ હતી અને ત્યાં ઉભેલો હતો એક પાકિસ્તાની સિપાઈ હતો તે પોતાના સાથી સિપાઈ અને પોતાના પાકિસ્તાની બિરાદરો સાથે વાતો કરી રહ્યો હતો. બે પાકિસ્તાની સૈનિકની સામે એક ભારતીય સૈનિક જોઈ મને આપણા સૈનિકો માટે ખૂબ ગર્વ થયો બે પાકિસ્તાની સૈનિકો પર ભારી પડનાર એ એક ભારતીય સૈનિકને જોઈ હૃદયમાં દેશપ્રેમ ન જાગે તો જ નવાઈ.

 

 

બસ આમ જ ઘણો સમય વિતી ગયો અને આખરે મારા પતિએ આગળ વધવા માટે ફરી મારો હાથ ખેંચ્યો ત્યારે હું કોઈ સ્વપ્નમાંથી બહાર આવી હોઉં એવું લાગ્યું પરંતુ આ સ્વપ્નમાંથી બહાર તો આવવાનું જ હતું કારણ કે અંધકારના ઓળા હવે ધરતીને સ્પર્શ કરી રહ્યા હતા. સ્ટેડિયમમાં બસ હવે જૂજ માણસો જ રહ્યા હતા. પાકિસ્તાની સ્કોવોડ્રન લીડરો તે લોકોને બહાર જવામાં મદદ કરી રહ્યા હતા. આથી મારા પતિ સાથે તે ભારતીય સૈનિકને ત્યાં જ છોડી હું પાર્કિંગ લોટ તરફ મારા ધીરા પગલે આગળ વધી ગઈ, ત્યારે શિફ્ટ બદલી થવાની તૈયારી ચાલી રહી હતી. ઇલેક્ટ્રીક દિવડાઓ પૂરી રીતે હવે પોતાનો પ્રકાશ આપતા ઝળહળી રહ્યા હતા અને સૂરજના પ્રકાશની કમીને ઓછી કરી રહ્યા હતા.

 

 

ધીરે ધીરે માનવમહેરામણ લાહોર તરફ જવા સરકી રહ્યો હતો અને વાઘા બોર્ડર પર થતી પાકિસ્તાની સૈનિકોના ચહેરા પરની હલચલ ન સમજાય તેવી રહસ્યમય થતી જતી હતી. આ સમયના સાક્ષી બનીને, હૃદયને ભારતીય સીમામાં મૂકી અમે પણ લાહોર તરફ સરકી રહ્યા હતા ત્યારે વાઘાની સીમા અમારી પીઠ પાછળથી ઓઝલ થઈ રહી હતી….અને અમે શહેર તરફ આગળ વધી રહેલા માનવ મહેરામણની ભીડમાં ઓગળી રહ્યા હતા…..

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ