Monthly Archives: નવેમ્બર 2015

me (Text)

Monday says earn me.

Calendar says turn me

Time says plan me.

Furture says win me

Beauty says love me

But,

God simply says,work hard and trust me….

વ્રજભૂમિની ગોવર્ધનપૂજા

વ્રજમંડળમાં ગિરિ ગોવર્ધન એક સુંદર અને સુરમ્ય ગિરિશૃંગ છે. ગિરિરાજ ગોવર્ધનના પૂજનનું વિધાન દિવાળીને બીજે દિવસે મનાવવામાં આવે છે. કોટિ કોટિ ભક્તોની શ્રધ્ધા અને ભક્તિના પ્રતિક રૂપ શ્રી ગિરિરાજજી આજે પણ પ્રાચીનકાળ જેટલા જ પૂજનીય છે. તેથી, આજે પણ વ્રજભૂમિની યાત્રાએ જનાર પ્રત્યેક ભક્તજન એકવાર તો શ્રી ગિરિરાજજીને દંડવત કરવા માટે જાય છે. શ્રી ગિરિરાજજીનો ઉલ્લેખ વરાહપુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મપુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ, બ્રહ્મપુરાણ, હરિવંશ પુરાણ અને ગર્ગ સંહિતામાં જોવા મળે છે. વિદ્વાન ભાગવતકારોના મતે મથુરાથી શ્રી ગિરિરાજજી આઠ કોસ અર્થાત ૨૩ કી.મી ની દૂરી પર બિરાજે છે. પુરાણોમાં વર્ણવિત શ્રી ગિરિરાજજી હરિત લતાપતાઑ, વિશાળ વૃક્ષો, સુવાસિત પુષ્પો, શુક-મયૂર-બપૈયાં આદી મધુર સ્વરવાળા પક્ષીઓ, ભ્રમર, મધુમાખી વગેરે ગુંજન કરતાં અનેક કીટકો, અનેક રંગોથી સોહાતિ તિયાઑ દ્વારા સોહાસિત છે.

અશ્વિનમાસની અમાવસ્યાની સંધ્યાએ (દીપમાલિકા-દિવાળીની) વ્રજમાં ઇન્દ્રયાગ કરવાનો છે તેવો નિર્ણય વ્રજવાસીઓએ લઈ લીધો હતો. પરંતુ ૭ વર્ષીય ગોપાલે ઇન્દ્રયાગ ને બદલે ગોવર્ધનયાગ દ્વારા પ્રકૃતિપૂજનનો વિચાર અને યોગ્ય તર્ક મૂક્યા.

गोकुल कौ कुल-देवता गिरिधरलाल।
कमल नयन घन-साँवरौ, वपु-बाहु-बिसाल।
हलधर ठाढ़े कहते है, हरि के ये खयाल।
करता हरता आपुहीँ, आपुहिँ प्रतिपाल।
बेगि करौ मेरे कहै, पकवान रसाल।
बल मघवा बलि लेत, नित करि-करि घृत गाल।
गिरि गोवर्धन पूजियै, जो जीवन गोपाल।
जाके दीन्हैँ, बाढँ ही गैया बच्छवाल ।
सब मिली भोजन करत है, जहाँ-तहाँ पसु पाल ।
“सूरदास” डरपत रहैँ, जातें जम और काल ।

આ તર્કોને કારણે વ્રજવાસીઓએ જે તૈયારીઓ ઇન્દ્રયાગ માટે રાખેલી તેજ તૈયારીઓ વડે ગોવર્ધનયાગમાં સંમિલિત થવા તત્પર થઈ ગયાં. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે ગોપાલની વાત માનો તે જે કહે છે તે સત્ય જ કહે છે. આપણું જીવન ગિરિરાજજી, ગિરિરાજજી ઉપર રહેલા વન-ઉપવાન, જળ સ્વરૂપીણી યમુનાજી અને તેમના ઝરણાઑ, ગિરિરાજ પર્વત અને યમુનાજીની કૃપાથી ફળ-ફૂલ આદીથી લચિત વૃક્ષો અને પ્રકૃતિના અન્ય તત્ત્વોથી આપણે સમૃધ્ધ છીએ માટે કૃષ્ણ કહે સોં કરીએ.

हमारों कान्ह कहे सों कीजे ।
आवो सिमिट सकल व्रजवासी, परबत कों बलि दिजे ।
मधु मेवा पकवान मिठाई षटरस व्यंजन लीजे।
“आसकरन” प्रभु मोहन नागर, पान्यों पछावरि पीजे ।।

કારતક માસના પ્રથમ દિવસના પ્રાતઃકાળે ઓસબિંદુઑના અંતરમનમાં વ્રજભૂમિ ડૂબેલી હતી. સૌંદર્યમયી સુવર્ણ પ્રભાત ખીલી ગઈ હતી. સર્વે વ્રજવાસીઓ સ્નાન આદી ક્રિયાઑ કરી તૈયાર થયા પછી ગોપાલની સાથે ગિરિરાજ પૂજન કરવા માટે નીકળ્યાં, ત્યારે ગોપાલની કામદેવને શરમાવે તેવી મંથર ચાલ જોઈ વ્રજમાં રહેતા હસ્તિઓ પણ શરમાઈ રહ્યા હતાં.

 

गोवर्द्धन पूजन चले री गोपाल।
मत्त गयंद देख जिय लज्जित निरख मंद गति चाल।
अंग-सुगंध पहर पट भूषण गावत गीत रसाल।।
ब्रज नारी पकवान बहुत कर भर भर लीने थाल।
बाजे अनेक वेणु सबसौं मिल चलत विविध सुरताल।
ध्वजा पताका छत्र चमर करत कुलाहल ग्बाल।।
बालक वृंद चहुँ दिस सोहत मानो कमल अलिमाल।
“कुंभनदास” प्रभु त्रिभुवन मोहन गोवर्द्धनधरलाल।।

 

રણઝણ નૂપુરવાળી વ્રજનારીઓ, સફેદ બાસ્તા જેવા ફેંટાવાળા વ્રજનારો, કલબલ કરી રહેલા ગોપબાળકો, આકર્ષક વસ્ત્રો અને અલંકૃત અલંકારો ધારણ કરેલી વ્રજબાળાઑ, મંગલ ગાઈ રહેલી વ્રજમાતાઓ ગોવર્ધનપૂજા માટે નીકળી પડ્યા હતાં. વ્રજની પ્રત્યેક ગલી આજે શણગારેલા ગાડાઓથી ઉભરાઇ રહી હતી. પગદંડીએ આગળ વધતી પ્રત્યેક સખી મંગલ ગાતી જતી હતી અને રસ્તામાં આવતા ગૃહોમાંથી પોતાની બીજી સખીને બોલાવતી જતી હતી. સખીથી સખીને મળી આનંદિત થતી ટોળે મળતી અને ફરી ગાન ઉપાડતી…….

 

चलौ चलौ री सखी सब हिलमिल के, श्री गिरिराज पुजावन को।
रोली-अक्षत-पुष्पन माला, संग लै भेंट चढ़ावन को।
धूप-दीप-नैवेद्य-आरती, कर बँकि उस गावन को।
छप्पन भोग बत्तीसों व्यंजन, गिरवर भोग लगावन को।
मानसी गंगा विमल तरंगा, जल अचमन करावन को।।
पुंगीफल घरलोग इलायची, बीड़ा पान चबावन को।
फूलन की सैंया तहाँ रचिए, श्री गिरवर पौढ़ावन को।।
चरण पलोटें दीन-दुखारी, कृष्ण भक्ति वर पावन को।
तीनों ताप नसावन को, मेटन जग आवन-जावन को।।

શ્રી ગિરિરાજજીના પૂજનમાં વ્રજવાસીઓ સંગે દેવગિરિ સુમેરુ, નગાધિરાજ હિમાલય, રાજર્ષિ રૈવર્તક વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પછી સૌ નાચતા-ગાતા-કૂદતા ગિરિરાજજીની તળેટીમાં એકઠા થયા. વ્રજવાસીઓએ કૃષ્ણને પૂછ્યું કે ઇન્દ્રયાગ વખતે અમે હોમ હવન કરતાં હતાં તે જ રીતે અહીં પણ ગિરિરાજજીનો હોમ કરીએ? ત્યારે કૃષ્ણએ કહ્યું ના શ્રી ગિરિરાજજીને ધુમાડો ગમતો નથી માટે આપણે ગિરિરાજજીને પ્રથમ સ્નાન કરાવીશું ત્યાર પછી, પૂજન કરીશું અને ત્યારપછી આપણી સાથે લાવેલ સામગ્રીઑનો થાળ ધરીશું……..આ રીતે કૃષ્ણકનૈયાએ વ્રજવાસીઓને શ્રી ગિરિરાજપૂજનની વિધિ બતાવી છે.

पूजाविधि गिरिराज की, नन्दलाल बतावै ।
झुंडनि गोपिका मिलि मंगल गावै ।
गंगाजल सों न्हावाइ कें, पय धौरि  कौ नावै ।
बिबिध बसन पहिराइ कै, चन्दन लपटावै ।
धूप दीप करि आरती, बहु भोग धरावै ।
तिलक कियौ बीरा दीयौ, माला पहिरावै ।
खिरक चले लोहरे बडेँ, मिलि गाइ खिलावै ।
फिरी गिरिधर भोजन कियौ, सुख “सूर” दिखावै ।।

ત્યારપછી નંદનંદન શ્રી ઠાકુરજીના કહ્યા મુજબ વ્રજવાસીઓએ અતિ પ્રસન્નતાથી ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવ્યું. ત્યારપછી વસ્ત્ર અલંકાર વગેરે ધરાવી ધૂપ-દીપ કર્યા અને તેમની આરતી ઉતારી છે. સર્વે વ્રજનારીઓએ મંગલ ગાન ગાતા ગાતા પ્રેમપૂર્વક ભોગ ધરાવ્યો છે. (“ભક્તિ અમૃત રસધારા” નામના બંગાળી ગ્રંથમાં આ પ્રસંગને વર્ણવતા કહ્યું છે કે વ્રજભૂમિના પ્રત્યેક ગામના વ્રજવાસીઓ ગિરિરાજપૂજનને ઉત્સવ બનાવવા માટે આવ્યાં હતાં. પ્રત્યેક વ્રજનારીઓ પોતાના હસ્તે બનાવેલ વિવિધ વાનીઑ બનાવીને લઈ આવી હતી. આ બધી જ વાનીઓનો ઢેર શ્રી ગિરિરાજજીની આસપાસ મૂકી દેવાયો હતો. જે દિશામાંથી જે વ્રજવાસીઓ આવતા તે જ દિશા તરફ રહેલ શ્રી ગિરિરાજજીના અંગને શ્રી ગિરિરાજજીનું મુખ માની તે દિશા તરફ પ્રેમભરી વાનીઑ ધરી દેતા હતાં. આ કારણે એવું બન્યું કે ગિરિરાજજી આસપાસથી વિવિધ અન્નરૂપી કોટથી ઢંકાઈ ગયા અને તેઓ વચ્ચે આવી ગયા. આ અન્નકોટને કારણે શ્રી ગિરિરાજજીને ચાર દિશાના ચાર મુખ અને ચાર ખૂણાના ચાર મુખ એમ આઠ મુખ બન્યાં. જે ખૂણામાંથી કે દિશામાંથી વ્રજવાસીઓ શ્રી ગિરિરાજજીને આરોગાવતા હતાં તે બધી જ દિશામાથી ગિરીરાજજી વ્રજવાસીઓના પ્રેમને આરોગી રહ્યા હતાં.) ભોગ ધરાવ્યા પછી વ્રજવાસીઓએ ગિરિરાજજીને બિરિ આરોગાવી છે. ત્યારપછી નાના-મોટા સૌ વ્રજવાસીઓએ વારાફરતી શ્રધ્ધાપૂર્વક વ્રજના જીવંત દેવ શ્રી ગિરિરાજજીને પ્રણામ કર્યા છે અને તેમની ચરણધૂલિ મસ્તક પર ધરાવી પોતાની બુધ્ધિને શુધ્ધ કરી છે. ત્યારપછી સૌ વ્રજવાસીઓએ જય જય ગિરિરાજનો ઉદઘોષ કરતાં કરતાં આનંદપૂર્વક ગિરિરાજજીની પરિક્રમા કરી પાવન થયાં.

गोवर्द्धन में दीप दान कियो मन भायो।
चहुँ दिस जगमग जोति कुहू निसि मयो सुहायो।
परिक्रमा सब कोउ भले दाहिनो दियो गिरिराय।
गीत नाद उद्घोष सो मगन भरे ब्रजराय।।

 

વ્રજજનો દ્વારા ઇન્દ્રયાગને બદલે ગોવર્ધનયાગને મહત્વ આપવા બદલ ઇન્દ્રનો અંહંકાર જાગૃત થઈ ગયો જેને કારણે તેણે વંટોળ જેવા વાયુ હથિયારને ધારણ કરનાર વરુણ દેવને પ્રલયકાળમાં વરસતા સાર્વત્રક નામના મેઘોની સાથે વ્રજનો વિનાશ કરવા મોકલ્યાં. વરુણ દેવ અને આ મેઘો શ્રી કૃષ્ણ રૂપી ભગવાન વિષ્ણુના અવતારનો મહિમા જાણતા હોવા છતાં તેઓ દેવરાજ ઇન્દ્રની આજ્ઞાને ઉથાપી ન શક્યા અને તેઓએ વ્રજ પર પોતાના પ્રલયકારી સ્વરૂપ વડે વ્રજવાસીઓને ડરાવવાનું ચાલુ કર્યું. સમયના પલકારા જેટલા ભાગમાં જ વિશાળ સ્તંભ જેવા વિપુલ જથ્થામાં જળ વરસાવીને મેઘોએ ધીરે ધીરે આખા વ્રજની ધરતીને જળથી ભરી દીધી, પરંતુ અહંકારી ઇન્દ્રના વ્રજવાસીઓ અને વ્રજભૂમિને અથાગ જળની અંદર ડૂબાડી દેવાના બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા. કારણ કે દીન જીવોના તારણહર્તા એવા કૃષ્ણ કનૈયાએ ગિરિરાજજીને ધારણ કરી વ્રજવાસીઑ, અને ગાયો જેવા દીનજીવોની રક્ષા કરી. આજે આ પ્રસંગને માટે આધુનિક એન્જિનિયરો કહે છે કે કૃષ્ણએ પાણીથી વ્રજવાસીઑને બચાવવા માટે ગિરિરાજજીને ધારણ કર્યા ન હતા બલ્કે વિશિષ્ટ રૂપથી એ રીતે એમનો ઉપયોગ કર્યો હતો કે ગિરિરાજજી રૂપી કોટ (કિલ્લો) બંધાઈ જાય. આ એન્જિનિયરોનું કહેવું છે કે જે રીતે કૃષ્ણએ ગિરિરાજજીને બાંધ્યા હતાં તેનાથી ખ્યાલ આવે છે કે કૃષ્ણ પોતે એક સારા એન્જિનિયર પણ હશે જેણે સમયનુસાર પોતાની શિલ્પકલાનો ઉપયોગ કરી દ્વીપ બની ગયેલ વ્રજભૂમિમાંથી વ્રજવાસીઓને બચાવી લીધેલ. ગિરિરાજજીને ધારણ કરી ગાયોનું વર્ધન કરનાર કૃષ્ણકનૈયાના આ કાર્યર્થે વ્રજવાસીઓએ કૃષ્ણને વ્રજભૂમિના જ ઈશ્વર માની “ગોવર્ધનધરણ”ને નામે ઓળખ્યા છે.

लीला लाल गोवर्धनधर की ।
गावत सुनत अधिक रुचि उपजत, रसिक कुंवर श्री राधावर की।
सात द्योस गिरिवर कर धार्यो, मेटी तृषा पुरंदर दर की।
व्रजजन मुदित प्रताप चरणते, खेलत हँसत निशंक निडरकी ।
गावत शुक शारद, मुनि नारद, रटत उमापति बल बल करकी ।
“कृष्णदास द्वारे दुलरावत माँगत जूठन नन्द के घर की ।।

ઇન્દ્ર દ્વારા પૂજન થયા બાદ સૌ વ્રજવાસીઓ પરત પોતપોતાના ગૃહે પધાર્યા ત્યારે તેમણે નક્કી કર્યું કે હવેથી દર વર્ષે અશ્વિન માસની અમાવસ્યાની રાત્રીએ આ સાત દિવસની યાદ રાખીને વ્રજની સાત મુખ્ય પહાડી ઉપર દીપમાલિકાઑની પંક્તિઓ મૂકવી અને કાર્તિક માસની પ્રભાતે શ્રી ગિરિરાજજી, વ્રજની ગાય, સરિતા અને વન ઉપવનનું પૂજન કરી પ્રકૃતિપૂજનનો મહિમા વધારવો. આમ વ્રજવાસીઓ દ્વારા જ ગિરિરાજપૂજનનો મહિમા શરૂ થયો જેને આજે પણ આપણે હવેલીમાં અન્નકૂટ ઉત્સવ દ્વારા ધામધૂમથી ઉજવીએ છીએ. સારસ્વત યુગના વ્રજવાસીઓની વાતને માન્ય રાખી આજના વ્રજવાસીઓ આજે પણ સાતપહાડીઓ ઉપર દીપમાળાની આવલિકાઑ ગોઠવે છે.

 

श्री गोवर्धन दीपमालिका, सब देखनकों आये।
अरस-परस व्यंजन करके सब, व्रजवासी पूजनकों धाये ।
तब उपनन्द बुलाये, ब्रजवासी सबही पहराये ।
“कुंभनदास” लाल गिरिधरन, सब ब्रजजन को हियों सिराये ।।

 

આ સાત પહાડીઓમાંથી પાંચ પહાડીઓ સર્વે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનોમાં ખૂબ પ્રખ્યાત હોવાથી પૂજનીય માનવામાં આવી છે પણ વ્રજવાસીઓ સહિત નિમ્બકાચાર્ય સંપ્રદાય, સખી સંપ્રદાય અને ગૌડય સંપ્રદાયના વૈષ્ણવજનો માટે તો આ સાતેય પહાડીઑ પૂજનીય છે. (૧) ગોવર્ધન પહાડી (અહીં ગિરિરાજજીની શીલાનું પૂજન થાય છે), (૨) નંદગાંવની પહાડી (અહીં નંદરાયજી વસતા હતાં. આ સ્થળને આજે નંદીશ્વર રુદ્રગિરિને નામે ઓળખવામાં આવે છે. આ સ્થળ માટે કુંભનદાસજીએ ગાયુ છે કે “नंदीश्वर र्तृ नंद जसोदा गोपिનંन न्यौंत बुलाए” ।), (૩) ચરણ પહાડી (અહીં શ્રી ઠાકુરજીના ચરણચિન્હો છે, પરમાનંદદાસજીગાયુ છે કે “लुकि लुकि खेलत आँख मिचौंनी ‘चरन पहाड़ी’ ऊपर” ।), (૪) બરસાનાની પહાડી (આ પહાડીને બ્રહ્મગિરિને નામે ઓળખવામાં આવે છે. અહીં સ્વામિની શ્રી રાધાજીનો મહેલ હતો. આજે અહીં લાડલીજીનું મંદિર છે.), (૫) કામવનની પહાડી (ભૌગોલિક દૃષ્ટિએ આ ભાગ રાજસ્થાનનો ગણાય છે, પણ વ્રજભૂમિને અંતર્ગત આ ભાગ ૮૪ કોસનો ગણાય છે આથી લીલી પરિક્રમાના સમયે વૈષ્ણવો અહીં આવે છે.), આ પાંચ પહાડી સિવાય અન્ય બે પહાડી સખીગિરિ અને રણકૌલી છે. આતો થઈ દીપમાલિકાઓની વાતનો ઉલ્લેખ પરંતુ, અન્નકૂટ ઉત્સવની પ્રણાલિકા અંગે સૌ પ્રથમ ઉલ્લેખ કેવળ આપણાં પુષ્ટિગ્રંથોમાં જ પ્રથમવાર કરાયો હતો, પરંતુ સમયનુસાર જેમ જેમ વિવિધ પ્રકારના ભક્તજનોનું વ્રજભૂમિ પર આવાગમન વધતું ગયું તેમ તેમ ઘણા ફેરફારો આવ્યાં જેણે કારણે અન્ય વૈષ્ણવ સંપ્રદાયોમાં, મર્યાદામાર્ગીય મંદિરો અને હવેલીઓમાં પણ અન્નકૂટની પરંપરાનો પ્રારંભ થયો. આજે દિવાળી પછીના પ્રથમ દિવસે હવેલીઓમાં અને મંદિરોમાં શ્રી ગિરિરાજજીની પ્રતિકાત્મક સ્થાપના થાય છે ત્યારબાદ તેમનું વિધિ-વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે. ગિરિરાજજીની આજુબાજુ વિવિધ સામગ્રીઓ ધરાવવામાં આવે છે. “વ્રજ વિલાસ સાહિત્ય” નામના ગ્રંથમાં જણાવાયું છે કે ૧૬ મી થી ૧૯ મી સદી દરમ્યાનમાં વિવિધ સામગ્રીથી જ ગિરિરાજજી બનાવવામાં આવતા હતાં. એટલું જ નહીં તે અન્નમય ગિરિરાજજીની આસપાસ એટલી સામગ્રીઓ ધરવામાં આવતી હતી કે વચ્ચે રહેલા ગિરિરાજજી આખા ઢંકાઈ જાય. આમ અન્નના વિશાળ પર્વત પર અન્નનો ઢગલો થતો હોવાને કારણે અન્નકૂટ નામ અસ્તિત્વમાં આવ્યું.

अन्नकूट बहु भात बनाए रचि पकवानन ढेरी।
नंदराय पूजत परवत को लाओ गायन घेरी।।

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ purvimalkan@yahoo.com