જરા જોખમ લઈને જોઈએ તો….

શા માટે લોકો જોખમ લઈને પરાક્રમી બની જાય છે, પણ આ જોખમ પર હજુ સંશોધન થયું નથી તેથી તેનો કોઈ જવાબ પણ નથી. પરંતુ હકીકત એ જ છે કે લોકો એકવાર નહીં અનેકવાર જોખમ લે છે. કારણ કે જોખમ એ સંવેદનાનો એવો અર્ક છે, જે આપણાં જીવનમાં ધરખમ ફેરફાર લાવે છે. જોખમ લેવાથી જીવન સફળ પણ થાય છે તો ક્યારેક મુશ્કેલીઑમાં પણ ફસાઈ જઈએ છીએ. પરંતુ; જોખમ લેવાથી જ જીવન પર અસર થતી થતી પરંતુ ક્યારેક એવું યે બને છે કે જોખમ લેવાનાં વિચારથી જ આહાથપગ ઢીલા થવા માંડે છે. ત્યારે આપણે પોતે કેટલા પાણીમાં છીએ ને એ પાણીમાં કેટલું ક તરતા આવડે છે તેનો આભાસ કરી લઈએ છીએ. મૂળ વાત એ છે કે રોજબરોજ નાં જીવનમાં આપણે કેટલાય જોખમ લેતાં હોઈએ છીએ પણ તે જોખમો સદ્રઢ વિચારશક્તિથી લીધેલા હોઈ તેને આપણે નિર્ણય તરીકે ઓળખીએ છીએ. પણ સ્વ ઉપર, પરિવાર ઉપર કે આર્થિક રીતે ક્યારેક એવા અઘરા નિર્ણયો લેવામાં આવે જેમાં ડરનું પ્રમાણ વધારે હોય છે તેવા નિર્ણયોને આપણે જોખમ તરીકે ઓળખીએ છીએ.

થોડા સમય પહેલાં જ એક મિત્ર સાથે વાત થતી હતી, તેઓ કહે કે મલકાણ ૧૯૯૦ માં કોલેજમાંથી બહાર નીકળ્યો ત્યારે ઘરમાં પપ્પાની લાંબી બીમારીને કારણે પરિસ્થિતી બદલાઈ ગઈ હતી. આ સમયે પપ્પાનાં એક નજીકનાં મિત્રના બિઝનેઝમાં ત્રીજા પાર્ટનર તરીકે જોડાયાં. ધીરેધીરે તે વડીલ કાકાની પાસેથી બિઝનેઝનાં બધાં જ પાઠ શીખ્યો તેથી જીવન ચાલતું હતું, પણ કોઈપણ કામમાં પ્રગતિ થાય તો કામ કર્યું સાર્થક લાગે… પણ અહીં એવું ન હતું….ઘણાં વર્ષો સુધી બિઝનેઝ સંભાળ્યા પછી પણ હંમેશા હાથ ટૂંકો જ રહેતો. આવી પરિસ્થિતીમાં મારી બહેન હંમેશા કહેતી કે ભાઈ તારો આ બિઝનેઝ બકરી જેવો છે જે કયારેય રૂપિયા ચાવતા અટકતો નથી માટે આ બિઝનેઝમાંથી છૂટો થા અને એક નોકરી લઈ લે કમ સે કમ દર મહિને પાંચ –પચીસ હજાર રોકડા તો આવશે. ને તને તારા કુટુંબની ચિંતા હોય તો તે ચિંતા છોડ હું ધ્યાન રાખીશ પણ બહેન ઉપર મને વિશ્વાસ ન આવ્યો; અને આગળ કોઈ પગલું લેતા ડરતો રહ્યો. બિઝનેઝ વગર મારી કાલ કેવી હશે? તે અજાણ્યાં ડરને કારણે હું ક્યારેય જોખમ લેવા તૈયાર ન થયો, પણ એક એવો સમય આવ્યો કે સતત થતાં નુકશાનને અને વધતાં જતાં દેવાને કારણે બિઝનેઝ વેચી દઇ, દેવું ચૂકતે કરી થોડો સમય ઉચાટ જીવે ઘરમાં રહ્યાં. પછી ઓછા પગારવાળી નોકરી પણ એ સ્વીકારી લીધી જેથી આજે મારું ઘર ચાલે છે. જો પહેલેથી બિઝનેઝમાંથી છૂટો થયો હોત તો આજે નોકરીમાં હું કદાચ વધુ સારી રીતે સેટલ થઈ શક્યો હોત પણ હંમેશા અજાણ્યાં જોખમોથી ડરતો રહ્યો. બિઝનેઝ છોડતાં પહેલાં વિચારતો હતો કે આ બિઝનેઝ નહીં હોય તો હું કરીશ શું? ને માનો કે છોડી દઉં તો આ ઉંમરે મને નોકરી કોણ આપશે? ખરા અર્થમાં જોઈએ તો તે મિત્રની વાત બંને રીતે સાચી હતી, પણ મૂળ વાત એ હતી કે તેનો વિચાર એજ તેનાં માટે જોખમરૂપ હતો. કદાચ જોખમ ભર્યો પણ વહેલો નિર્ણય લઈ લીધો હોત તો કદાચ વધુ સારી નોકરી તેઓ મેળવી શક્યા હોત. પણ ઘણીવાર વિચાર અને સમય પર જોખમ કેવી રીતે લેવું તે આપણને સમજાતું નથી જેને કારણે આપણી પ્રગતિમાં આપણે જ જાણતા અજાણતા બ્રેકરૂપ બની જઈએ છીએ. જોખમ ભર્યા નિર્ણયોની બાબતમાં અન્ય એક દૂરનાં સંબંધી યાદ આવે છે જેઓ ઇદી અમીનને કારણે થયેલ કટોકટીનાં સમયે ઈન્ડિયા પહોંચેલા. તેઓ કહેતાં હતાં કે અમીનનાં સમયમાં અમે ઘરમાં રહીએ તોયે જોખમ હતું, ને ઘરની બહાર પગ મૂકીએ તોયે જોખમ હતું. ઈન્ડિયા અમે કેવી રીતે આવ્યાં છીએ તે તો અમે જ જાણીએ છીએ. જો ઈન્ડિયા માટે તે દિવસે અમે ઘર બહાર જીવ જોખમમાં લઈને અમે નીકળ્યાં ન હોત તો આજે આ દિવસો જોવા માટે જીવ્યા હોત કે નહીં તેની ખબર નથી. આ વાત કહેવાનો અર્થ એ થયો કે પ્રત્યેક સમય, સંજોગ આપણે માટે જીવનમાં અનેક એવા જોખમો લઈને આવે છે જેને કારણે વર્તમાન જીવન કે ભવિષ્યનાં જીવન ઉપર અસર પડે છે. હા તે અસર સુખદ છે કે દુઃખદ તે તો સમય જ કહી શકે છે પણ હકીકત એ જ છે કે જોખમનું અસ્તિત્વ હંમેશા માણસ સાથે પોતાની સંવેદનાઓ શેર કરતું રહ્યું છે. જો’કે આમાં કેવળ માણસોની જ વાત નથી પશુપક્ષીઓ માટે પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. દા.ખ પશુ કે પક્ષી ખોરાક લેવા માટે બહાર જાય છે ત્યારે તેનાં સાથીને ખબર હોતી નથી કે તેનો સાથી પાછો આવશે કે નહીં, પણ તેમ છતાં યે તે પશુ-પક્ષીઓને પોતાનાં માટે કે પરિવાર માટે ખોરાક લેવા માટે અનેક જોખમોમાંથી નીકળવું જ પડે છે. અહીં પણ ઇદી અમીનનાં સમયમાં જે થયું તે તે સમયનાં ભારતીયો માટે ય સહજ કે સરળ નહીં હોય, વર્ષોથી ભેગી થયેલ મહેનતની કમાણી એમ જ છોડી, પહેરેલાં કપડાં સાથે નીકળી જવું એમાં યે આવતીકાલે જીવિત રહીશું કે નહીં તેની પણ ખબર ન હોય ત્યારે તે વ્યક્તિ પર શું વીતે છે તે તો તે વ્યક્તિ જ કહી શકે છે. કારણ કે આપણે જોનારા કે લખનારા વ્યક્તિઓ તે ત્રીજા વ્યક્તિ થઈ જાય છે જે જોખમોનાં સમયને સૂંઘી તો શકે છે પણ તેને મહેસૂસ નથી કરી શકતાં.

જોખમની બાબતમાં વિશ્વની ઘણી સંસ્કૃતિઓ આજે દેશ છોડવાનું, દેશ તૂટવાનું અને એ તૂટેલા દેશમાં રહેવાનુ દેશમાં રહેવાનું શું જોખમ છે તે સારી રીતે જાણી શકે છે. તેમાં ચાહે અફઘાનિસ્તાન હોય, કે ઈરાક હોય કે સિરીયા હોય કે યમન હોય. આ આપણાં વિશ્વની બધી જ તૂટતી સંસ્કૃતિઓ અત્યારે તો કેવળ એક જ જીવ પ્રત્યે ઈશારો કરે છે તે છીએ આપણે જ ….કારણ કે એક પ્રાણી હિંસા કરે છે તે કેવળ પોતાનાં પેટ સુધી જ છે પણ સૌથી સુસંસ્કૃત મનુષ્ય જ એવા જીવો છે તેઓ પોતાનાં અહંકાર, ગુસ્સો, લોભ, સ્વાર્થ વગેરે તત્ત્વોને લઈને બીજા જીવો માટે જોખમરૂપ બને છે જેને કારણે અનેક સંસ્કૃતિઓ લૂંટાઇ જાય છે, તૂટી જાય છે કે તેનો નાશ થઈ જાય છે.

મહર્ષિ ચાણક્ય કહી ગયા છે કે જોખમ કેવળ મનુષ્ય માટે જોખમી નથી હોતો બલ્કે સંસ્કૃતિઓ માટે પણ હોય છે. કારણ કે પ્રત્યેક તૂટતી સંસ્કૃતિ ફરી નવસંસ્કૃતિ આવશે કે નહીં તે બાબત અંગે એવો ડર ઊભો કરે છે જેની અસર યુગો સુધી દેખાય છે. મહર્ષિ ચાણક્યની આ તૂટતી સંસ્કૃતિઓને લઈને વિચારીએ તો આપણે પ્રાચીન ઇતિહાસના કેટલાક પાનાં ઉથલાવવા પડે. શ્રી રામે લંકા ઉપર વિજય તો મેળવ્યો પણ રાક્ષસ સંસ્કૃતિ તૂટી ગઈ. આ રાક્ષસ સંસ્કૃતિ ફરી ઊભી થશે કે નહીં તે બાબત એક વિચારણીય પ્રશ્ન હતો. કારણ કે જો રાક્ષસ સંસ્કૃતિ ઊભી ન થાય તો વિભીષણ રાજ્ય કોની ઉપર કરશે? આ વિચારે રામને આદેશ દેવો પડ્યો કે જે બચેલા રાક્ષસ પુરુષો છે તે લંકાની વિધવા નારીઓ સાથે પુનઃવિવાહ કરે અને તે પુનઃવિવાહથી ફરી એક નવી અસુર સંસ્કૃતિનું નિર્માણ કરે. વિભિષણે શ્રી રામની વાત માની અને શરૂઆત પોતાનાથી કરી રાવણપત્ની મંદોદરી સાથે વિવાહ કર્યા. પણ વિભિષણનાં આ પગલા પછી નવી રાક્ષસ સંસ્કૃતિ ઊભી થઈ કે નહીં તેનો ઈતિહાસકારોએ કોઈ ઉલ્લેખ કર્યો નથી.

પ્રાચીન યુગનાં અતીતથી સફર કરી હવે આપણે અર્વાચીન યુગમાં આવીએ. બીજા વિશ્વયુધ્ધ પછી જાપાન આર્થિક રીતે ઊભું તો થયું પણ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલા બોમ્બની અસર આજેય નવી સંસ્કૃતિ ઉપર જણાય છે. આજેય અનેક બાળકો શારીરિક –માનસિક રીતે વિક્ષિપ્ત જન્મે છે. જે જોઈને ખ્યાલ આવે છે કે તૂટતી સંસ્કૃતિઑનું આ તથ્ય કેવળ એક દેશ તરફ ઈશારો નથી કરતું બલ્કે બીજા ઘણાં પ્રોબ્લેમ તરફ ઈશારો કરે છે. વિશ્વ યુધ્ધ પછી શારીરિક –માનસિક રીતે ઘાયલ થયેલા અમેરિકનોએ પીડા ભૂલવા માટે મોર્ફિન ડ્રગ્ઝનો સહારો લીધો. પરંતુ થોડી પીડા ભૂલવા માટે શરૂ થયેલ આ ડ્રગ્ઝનું પ્રમાણ ૧૯૬૦ એટલુ વધી ગયું કે આખેઆખી પેઢીઓ બરબાદ થઈ ગઈ. આ વાત કહેવાનો અર્થ એ કે ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક પાથ પર ચાલવાનું જોખમ હોય છે, પણ તેમ છતાં યે સુયોગ્ય વિચારશક્તિનાં અભાવે કે બાહરી વાતાવરણનાં પ્રભાવમાં આવીને એ વસ્તુ કરવાનું જોખમ લઈ લઈએ છીએ જેની અસર ભવિષ્યને થાય છે. જો’કે આ વાત કેવળ ભૂતકાળની નથી હાલમાં જ અફઘાનિસ્તાન અંગે એક સર્વેક્ષણ બહાર આવ્યું છે જેમાં બે પોઈન્ટ બતાવ્યાં છે. એક પોઈન્ટ નકારાત્મકતા તરફ ઈશારો કરે છે અને બીજો પોઈન્ટ હકારાત્મકતા તરફ ઈશારો કરે છે.

નકારાત્મકતા માટે કહ્યું છે કે ૨૦૦૩ પછી અફઘાનિસ્તાનમાં કેવળ સ્ત્રીઓઓની હાલત ખરાબ નથી બલ્કે અહીં રહેતાં અનાથ બાળકોનું જીવન પણ જોખમમાં છે. કારણ કે ૨૦૦૩ પછી અહીં ૧૦ થી ૧૭ વર્ષનાં બાળયુવાનોનું પ્રોસ્ટીટ્યુશનનું પ્રમાણ ખૂબ વધુ ગયું છે.

જ્યારે હકારાત્મકતા માટે કહ્યું છે કે તૂટતી સંસ્કૃતિઓનાં જોખમ જેમ નુકશાન લઈને આવે છે તેમ એક નવયુગની એક નિશાની પણ લઈને આવે છે. કારણ કે પ્રત્યેક સંસ્કૃતિ જ્યારે તૂટે છે ત્યારે ત્યારે સંસ્કૃતિ પૂજક એવા લોકોની ભેંટ લઈને આવે છે જેઓ ફરી સંસ્કૃતિ જોડવાનાં કાર્યમાં લાગી જાય છે. સર્વેક્ષણની આ વાત એક અફઘાની નાગરિક નજીમબુલ્લાહ હમીદ ફારૂખી તરફ ઈશારો કરે છે. ૨૦૦૬ માં નજીમબુલ્લાહે જોયું તૂટેલા અફઘાનિસ્તાનની સાથે તેની સાંસ્કૃતિક વિરાસત પણ તૂટી ગઈ છે, તેથી બુલ્લાહે ન્યૂયોર્કમાં રહેતી પોતાની દીકરી સુબ્બાને કહ્યું કે એક સમયે આપણાં દેશમાં હિન્દુ, બૌધ્ધ અને મુસ્લિમ એમ ત્રણ ત્રણ સંસ્કૃતિઓ પોતાની ભવ્યતા ગાઈ રહી હતી ને આજે જ્યાં જોઉં છુ ત્યાં ખંડિત થયેલ ખંડેર જ નજર આવે છે તે ચાહે ઇન્સાન હોય કે ઇતિહાસ હોય. બેટિયા મારી ઈચ્છા છે કે હું આપણી એ ખંડિત થયેલી સંસ્કૃતિની વિરાસતોને બચાવવા માટે થોડો પ્રયત્ન કરું. શું તું મને આર્થિક રીતે થોડો સાથ આપીશ? સુબ્બાએ પોતાનાં પિતાની ઈચ્છા સમજી ન્યૂયોર્કનાં આર્કિયોલોજીસ્ટો અને યુનેસ્કોની મદદ લીધી. સુબ્બાની હામી, તેના નિર્ણય અને મદદથી ખુશ થઈ નજીમબુલ્લાહે એ જેમને સંસ્કૃતિ માટે પ્રેમ હોય, જેમને કામની તલાશ હોય એવાં લોકોને ભેગા કરવા લાગ્યાં આ લોકોને નજીમ્બુલ્લાહે કહ્યું કે તમે મને આપણી વિરાસતો ભેગી કરવા માટે મદદ કરો, ને હું તમને તમારું ઘર ચલાવવા માટે અફઘાની (કરન્સી) આપીશ. અફઘાની વોર પછી જીવન ચલાવવા માટે આ લોકો સાથે મળીને બુલ્લાહે એ બધાં જ તૂટેલા મ્યુઝિયમોની મુલાકાતો લેવા માંડી અને આ તૂટેલા મ્યુઝિયમોમાંથી ત્યાં રહેલી તમામ તૂટેલી વસ્તુઓને ભેગી કરવા લાગ્યાં. ૨૦૦૭ થી અત્યાર સુધી નજીબુલ્લાહે એ તમામ તૂટેલી વિરાસતો ભેગી કરી જેને ક્યારેક તાલિબાનીઑએ જાણી જોઈને તોડી હતી અને અમુક અફઘાનવોરમાં તૂટી ગઈ હતી. એક સામાન્ય નાગરિક નજીબુલ્લાહના આ બનાવે સમાજ સામે નવું ઉદાહરણ બહાર પાડ્યું. જેને કારણે એક સમયે જે અફઘાનીઓ પોતાનાં દેશની વિરાસતો તોડવામાં વિકૃત આનંદ મેળવતાં તે જ લોકો આજે પોતાની વિરાસતો ભેગી કરી રહ્યાં છે. હા, તેમાં કમાણીનો સ્વાર્થ ચોક્કસ રહેલો છે પણ પોતાનાં જીવનાં જોખમે, તાલિબાનીઑથી છુપાઈને અને છુપાવીને આજે ય અનેક અફઘાનીઓ સંસ્કૃતિનાં તૂટેલા અંશોને ભેગાં કરવામાં વ્યસ્ત છે. નજીબુલ્લાહનું કામ અહીં અટક્યું નથી. તેમણે હવે આર્કીયોલિજીસ્ટો અને યુનેસ્કો સાથે મળીને ઇરાકની તૂટેલી વિરાસતોને ભેગી કરવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે જે અત્યંત સરાહનિય છે. બુલ્લાહ કહે છે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિને સમજણ વગર તોડીએ છીએ ત્યારે આપણાં ગર્વિલા ઇતિહાસ અને આપણી માતૃભૂમિનું અપમાન કરીએ છીએ અને જો અકસ્માતે એ તૂટી જાય તો તે તૂટેલી સંસ્કૃતિને ભેગી કરવાનું કાર્ય આપણું છે જેથી કરીને આવનારી પેઢી એ વિતેલા યુગનાં ઈતિહાસથી વંચિત ન રહી જાય. કારણ કે ઇતિહાસ હશે તો આપણે કોણ હતાં ને કોણ છીએ તેની જાણ થશે. અન્યથા કાળનાં એવાં અંધકારમાં આપણે ખોવાઈ જઈશું જ્યાં આપણું અસ્તિત્વ શૂન્ય હોય. નજીબુલ્લાહનાં આ કાર્ય પ્રત્યે ધીમે ધીમે જાગૃકતા આવી રહી છે તેથી અફઘાન સરકાર અત્યારે પ્રોત્સાહન આપી રહી પણ તે પ્રોત્સાહન આર્થિક રીતે નથી, કેવળ મૌખિક છે. આર્થિક દૃષ્ટિએ બુલ્લાહ અને અનેક અફઘાની લોકોનાં ઘર આજેય સુબ્બાની કમાણી ( સમર્પણ ) પર ટકેલાં છે. પણ આમાં મોટી વાત એ છે કે બુલ્લાહને અનેકવાર તાલિબાનીઑ તરફથી મોતની ધમકી મળી ચૂકેલી છે પણ તે ધમકીઓથી ગભરાયા વગર પોતાનું કાર્ય કર્યે જાય છે તેઓ કહે છે કે મૃત્યુને આવવા માટે હંમેશા કોઈને કોઈ બહાનું જોઈએ જ છે, માટે હું મૃત્યુ માટે ડરતો નથી. હું કેવળ એટલું જ સમજુ છુ કે જે દિવસે મૃત્યુ મને પકડી લે તે દિવસે મારી પાસે મારા જેવા ઓછામાં ઓછા પાંચ એવાં નજીબુલ્લાહ હોવા જોઈએ જેઓ પોતાની જાનનાં જોખમે મારા દેશની સંસ્કૃતિ માટે કામ કરી શકે, અને તેઓ જો મૃત્યુની ગોદમાં છુપાઈ જાય તો તેમની પાછળ બીજા પાંચ હોવા જોઈએ. ટૂંકમાં કહું તો આ કાર્ય ક્યારેય અધૂરું ન રહેવું જોઈએ, કારણ કે જો આ કાર્ય અધૂરું રહેશે તો આવતીકાલનું જીવન ચોક્કસ જોખમ હશે.

નજીબુલ્લાહનાં આ પ્રસંગ ઉપરથી કે બીજા વિશ્વયુધ્ધ પછી જાપાને જે રીતે દોડ શરૂ કરી તે ઉપરથી એટલું તો સમજી જ શકાય છે કે જોખમ લેવાનું, કેટલું લેવાનું, ક્યારે લેવાનું, શા માટે લેવાનું આ બધી જ વાતો નકારાત્મકતા સાથે હિંમત, સમર્પણ, નવી વિચારશક્તિ, એકતા વગેરે હકારાત્મકતાને ય જન્મ ચોક્કસ આપે છે જે સમાજને નવી દિશા તરફ લઈ જાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

Advertisements

Posted on એપ્રિલ 22, 2017, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. 1 ટીકા.

 1. આપે જોખમ સાથે ઘણા બધા મુદ્દાને સંક્ષેપમાં સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. સરસ.
  જોખમ, યુદ્ધ અને સંસ્કૃતિ વિષે ઘણું વિચારી શકાય.
  જોખમ વ્યક્તિગત હોય કે પછી સામુદાયિક હોય. તેનો સામનો કેવી રીતે કરવો અથવા હકારાત્મક/ નકારાત્મક પ્રતિભાવ કેવી રીતે આપવો તે કદાચ માનસિકતા કે ‘માઇન્ડ સેટ’ પર પણ આધાર રાખે છે.
  આપે વાત કરી તે – બીજાં વિશ્વયુદ્ધની અસરો – સમજવા જેવી છે. બીજાં વિશ્વયુદ્ધ પછી અમેરિકન સમાજમાં હતાશા ફેલાઈ. નવયુવાનો યુદ્ધ-વિરોધી માનસિકતા કેળવતા થયા. તેમાંના એક વર્ગે પલાયનવાદનો માર્ગ લીધો અને હિપ્પી સંસ્કૃતિનો જન્મ થયો. તેના પ્રભાવમાં એપલના સ્થાપક યુવાન સ્ટીવ જોબ્સ પણ આવ્યા હતા જે વાત બહુ ઓછા જાણે છે.
  (અનામિકાને પત્ર: https://gujarat2.wordpress.com/2016/01/06/anamika-1601-steve-jobs/)

  જ્યારે બીજા વર્ગે આગળ વધવા જ્ઞાન – વિજ્ઞાનના વિકાસનો માર્ગ લીધો. જેના પરિણામે 70-80ના દાયકામાં ટેકનોલોજી ત્વરાથી પ્રચલિત થઈ.
  બીજાં વિશ્વયુદ્ધને અંતે જાપાન બરબાદ થઈ ગયું. પણ તે પ્રજાની માનસિકતા જુદી જ … જાપાનીઝ પ્રજાએ પડકારો ઝીલ્યા. ખમીર એવું કેળવ્યું કે દેશને બેઠો કર્યો. જાપાને ત્વરિત પ્રગતિ કરી. જોકે યુદ્ધની હતાશાનાં તેમજ યુદ્ધોત્તર અતિ ઝડપી પ્રગતિનાં પરિણામ સ્વરૂપ પ્રોસ્ટિટ્યુશન અને પોર્નોગ્રાફી જેવાં દૂષણો જાપાનમાં સામાન્ય બન્યાં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: