લોકોક્તિઓ
૧) ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે
મગ ને ચોખા ના ભૂલે તો બુધ્ધિના બારણાં ખૂલે
૨) ઘઉંને તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું
મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું
૩) ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો
તલના તેલની માલિશથી દુઃખે નહીં એકેય સાંધો
૪) ગાયનું ઘી પીળું સોનું, મલાઈનું ઘી ચાંદી
વનસ્પતિ ઘી ખાઈને, આખી દુનિયા માંદી
૫) રસોઈ પિત્તળમાં, ને પાણી ઊકળે તાંબે
ભોજન કરવું કાંસામાં , તો જીવન માણે લાંબુ
૬) ઘર ઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા
ફ્રિજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા માટલાં.
૭) પૂર્વ ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય
પશ્ચિમે ચિંતા ને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય
૮) ઉંધો સુવે અભાગિયો, છતો સુવે રોગી
ડાબે તો સૌ કોઈ સૂવે, જમણે સૂવે યોગી.
૯) આહાર એજ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ
આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના છે જામ.
૧૦) મનને મતે ન ચાલીયે, મન જ્યાં ત્યાં લઈ જાય,
મનને એવું મારીએ, જેમ ટૂક ટૂક હો જાય.
૧૧ ) ત્રણ ભાંગ્યા સંધાય નહીં, મન, મોતી ને કાચ
સુણતલ કાન ન માનીએ, નજરું જોયા સાચ.
૧૨ ) જગમાં એવા જનમિયાં, અગરબત્તી ને સંત
આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરંત.
૧૩ ) કંથા રણમેં જાય કે દોનું યાદી રખ
પગ પાછો ભરવો નહીં, વિપત્ત આવે લાખ.
૧૪ ) કંથા રણમેં જાય કે, મત ઢૂંઢે કોઈ સા,
તારા બેલી ત્રણ જણા હૈયું, કટારી ને હાથ.
૧૫ ) પશુ પંખી કે મનુષ્યનો, ભલે મળે અવતાર,
કરમ તણા બંધન કદિ, ફરે નહીં તલભાર.
૧૬ ) વાત વાત હસતો ફરે, ખડ ખડ હસે અપાર,
બોલાવ્યા વીણ બોલતો, એ ય એક ગમાર.
૧૭ ) સ્ત્રી તો ધનથીય સાંપડે, પુત્ર સંયોગે હોય,
માડી જાયો નહીં મળે, લાખો ખર્ચે કોય.
૧૮) ચડતી પડતી સર્વની, સાથે સરખી જાય,
રાજા બને છે રંક ને, રંક રાજા થાય
૧૯ ) પાની બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ
દોઉ હાથે ઉલેચીએ, યહી સજ્જન કા કામ.
૨૦ ) વૃક્ષ કબહુ નહીં ભખૈ, નદી ન સીંચે નેહ
પરમારથ કે કારણે સાધુ ન ધરા શરીર
૨૧ ) તરુવર, સરવર, સંતજન, ચૌથા બરસે મેહ,
પરમાંરથ કે કારણે, ચારો ધરે યહ દેહ.
૨૨ ) બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
૨૩ ) વિપત પડે ન વલખિયે, વલખે વિપત ન જાય,
વિપતે ઉદ્યમ કિજીયે, ઉદ્યમ વિપતને ખાય.
૨૪) નમો નમો ગુરુ દેવને, જેણે આવ્યાં નિજજ્ઞાન,
જ્ઞાને કરી ગોવિંદ ઓળખ્યા, ટળ્યા દેહનાં અભિમાન.
૨૫ ) સદા ભવાની સંગ રહો, સન્મુખ રહો ગણેશ,
પંચદેવ રક્ષા કરે, બ્રહ્મા વિષ્ણુ મહેશ.
૨૬ ) બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી
વાવે વવાય નહીં ને ખાયે ખવાય નહીં.
૨૭ ) સૂકા પાછળ લીલું બળે.
૨૮ ) બારે બુધ્ધિ, સોળે સાન, વીસે વાન ન આવે તો યુવાની નકામી ગઈ.
૨૯) અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું.
૩૦ ) સમજદારીના સાંધા ભલા.
૩૧ ) લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.
૩૨ ) અજાણ્યા દોસ્ત કરતાં જાણીતો દુશ્મન સારો.
૩૩ ) બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ
આપદ્કાળે જાણીએ તલમાં કેટલું તેલ.
૩૪) દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર
શૂરા બોલે નવ ફરે, પશ્વિમે ઊગે સૂર.
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
Posted on ઓગસ્ટ 14, 2017, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. Leave a comment.
Leave a comment
Comments 0