નિંદા અને નારદ

नई आशाऐ, नई उमंगे, नई तरंगे, नए सपने सारे
फिर से कुलबुला रहे न? थामो आज उसे स्नेह से
क्यूंकी यही स्वप्न है नई सुबह का तोहफा
आंखे खोलो, निंदा अहंकार का साथ छोड़ो
कोशिश करो एक नई राह पे चलने के लिये।

                                                – प्रीति “अज्ञात”

 

વર્ષો પહેલાં જોયેલ એક દ્રશ્ય….

 

મોદીનાં ડેલામાં અમૃતલાલ બાપા વલ્લભભાઈ નામના દુકાનનાં માણસને કહી રહ્યાં હતાં…..એ નારદ એનાં કાન ભરવાનું બંધ કર, ને એય સવજી તું યે કાચા કાનનો ન થા. આમ કાચાકાન રાખીશ તો તારી આસપાસનું આખું યે જગત ફરી જશે. દાદાબાપુની એ વાત સાંભળે કેટલાં વર્ષ થઈ ગયાં, પણ જાણે ગઇકાલની જ વાત. કદાચ તે દિવસે નોકરો વચ્ચેનો ઝગડો ને દાદાબાપુની વાત ન સાંભળી હોત તો મને ખબર જ ન પડત કે કાન ભરવા એટ્લે શું. કાન ભરવા, નારદવેડા કરવાં, નિંદા કરવી, કાનાફૂસી કરવી, અહીંતહીં કરવું, ગોસીપ કરવું….. વગેરે શબ્દો જુદા જુદા છે, પણ બધાનો અર્થ એક જ છે. કે ત્યની અહીં ને અહીંની ત્યાં વાત કરી આજુબાજુનાં વાતાવરણને અને લોકોને ખોટી રીતે ભ્રમિત કરવું. આજે આપણી પાસે નવી આશાઓ, ઉમંગો, તરંગો અર્થાત પ્રયત્ન, નવી ટેકનોલોજી છે જેનાથી આપણે સફળતા તરફ આગળ વધી શકીએ છીએ પણ તેમ છતાં યે આપણે એ પોઝિટિવ રસ્તાઓ પર નથી જતાં, કારણ કે જ્યાં સુધી કાનાફૂસી કરીએ નહીં ત્યાં સુધી આપણને શાંતિ વળતી નથી. આ નિંદા, ગોસીપ કરવાનો રિવાજ આપણે ત્યાં બહુ જૂનો છે.

 

મહર્ષિ ચાણક્ય નિંદાની વ્યાખ્યાં કરતાં કહી ગયા છે કે જે રસરૂચિથી વ્યક્તિને પોતાની સામેવાળી વ્યક્તિને નીચે ઉતારી પાડવામાં બહુ રસ પડે છે, આ રસ તે નિંદા તરીકે ઓળખાય છે. જ્યારે વિનોદા ભાવે કહેતાં કે સતત નિંદાસવ પીતો વ્યક્તિ તે નિંદનીય અનૈતિકતાનાં માર્ગ પર આગળ વધતો રહે છે. કારણ કે આ નિંદાસવ તે વ્યક્તિનાં જીવનમાંથી સંતોષ, મહેનત અને કલાનો નાશ કરે છે. આ નિંદા જ છે જેને કારણે વ્યક્તિમાં સતત બીજાને પછાડીને આગળ વધવાની ઈચ્છા રાખે છે. ચાણક્યનીતિમાં કહે છે કે જળમાં તેલ, દુર્જનને ઉપદેશ અને નિંદાનો રસ આ ત્રણ વાત ફેલાતાં વાર નથી લાગતી. માટે જળમાં તેલ નાખવું નહીં, દુર્જનને ઉપદેશ આપવો નહીં અને નિંદાનાં રસને ગ્રહણ કરવો નહીં. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે સારી વસ્તુ ગ્રહણ કરી શકતાં નથી તેથી સતત નિંદાની ટીકાને લીધા કરીએ છીએ. એમાં યે નારદજીની જેમ અનેક લોકો હોય છે જેઓ નિંદા દ્વારા આપણાં કાન સતત ભર્યા કરે છે. મારા આઈસાહેબ (સાસુમમ્મી) હંમેશા કહેતાં કે સાચી- ખોટી વાતોથી સતત કાન ભર્યા કરવાથી ઘણીબધી ઘટનાઑનાં મૂળ ભુલાઈ જાય છે. એક ને એક ખોટી વાતને ૧૪ વાર કહો તો પંદરમી વાર એ પણ સાચી બની જાય છે. માટે આવી ખોટી વાત, નિંદા, કાનભંભેરણી જે ઘર તોડે છે તેનાંથી દૂર જ રહેવું. એટલું જ નહીં જે સતત નિંદા કરતું હોય તેવી વ્યક્તિઑથી પણ દૂર રહેવું જોઈએ. આઇસાહેબની નિંદાની આ વાતથી તદ્દન ભિન્ન વાત કરતાં અમેરિકન સાયકોલોજિસ્ટ ડો.ફીલ કહે છે કે જરૂરી નથી પ્રત્યેક વખતે નિંદા એ નેગેટિવ ભાવના જ લઈને આવે, આપણી આસપાસ ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેને કારણે આપણે સતત ચર્ચામાં રહેતાં હોઈએ છીએ, તેથી પ્રત્યેક નિંદાને કેવળ નેગેટિવ રીતે લેવાની જરૂરી નથી. કારણ કે આ નિંદા જ છે જે આપણાં અસ્તિત્વને અને આપણાં વ્યક્તિત્વને ઘડીને ઉપર લાવવામાં મદદ કરે છે. આ નિંદા જ છે જે વ્યક્તિને સમયનો સંજોગોનો સામનો કરતાં શીખવે છે અને જે તે પરિસ્થિતિમાંથી બહાર લાવવા પ્રયત્ન કરે છે. આ નિંદા જ છે જે અવનવા ઇતિહાસ રચે છે, આ નિંદા જ છે જેને કારણે વર્લ્ડ બદલાય છે અને નવી નવી ટેકનૉલોજી બહાર પડે છે. જ્યારે જ્યારે હું ડો.ફીલની કહેલી વાત ઉપર વિચાર કરું છુ તો તેમની કહેલી વાતને સત્યાર્થ કરતાં શાસ્ત્રોમાં થઈ ગયેલાં અનેક પૌરાણિક પ્રસંગો આંખ સામે આવીને ઊભા રહી જાય છે. જેમણે આપણાં ધર્મશાસ્ત્રોનો ઇતિહાસ બદલ્યો હોય. આજે મિત્રો આપણે શાસ્ત્રોનાં એ પ્રસંગોને જોઈએ. 

 

પ્રથમ પ્રસંગમાં આપણે ગંગાકિનારે મળેલી ઋષિમુનિઓની સભામાં જઈએ. આ સભામાં બધાં જ ઋષિમુનિઓએ ચર્ચા કરી રહ્યા હતાં કે આ ત્રિદેવમાંથી ક્યા દેવ મહાન છે અને ક્યા દેવ પ્રથમ પૂજનીય છે? આ પરીક્ષા માટે ઋષિ ભૃગુને તૈયાર કરવામાં આવ્યાં ઋષિભૃગુએ બ્રહ્માજી અને શિવ પાસે જઈ તેમની ખૂબ નિંદા કરી ત્યારે બ્રહ્માજીએ ભૃગુઋષિ પાસેથી તેમનું બ્રહ્મતેજ તત્ત્વ લઈ લીધું અને શિવજી ભૃગુઋષિને મારવા માટે દોડ્યાં, જ્યારે ભૃગુ ઋષિ વૈંકુંઠમા ગયાં ભગવાન વિષ્ણુ પરીક્ષા કરવા ત્યારે વિષ્ણુ સૂતેલા તેથી ભૃગુ ઋષિએ તેમનાં પર પદપ્રહાર કરી જગાવ્યાં અને તેમની ખૂબ નિંદા કરી. ભૃગુ ઋષિનાં આ કૃત્યનાં જવાબમાં ભગવાન વિષ્ણુ મહર્ષિ ભૃગુની ક્ષમા માંગી તેમની ચરણસેવા કરવા લાગ્યાં. આ પ્રસંગ પછી બ્રાહ્મણોમાં ભગવાન વિષ્ણુ વંદનીય બન્યાં ભૃગુઋષિ જેવો હવે બીજો પ્રસંગ જોવા માટે આપણે દ્વાપરયુગમાં કંસનાં મહેલે જઈએ. જ્યાં નારદજીએ કંસને કહી રહ્યાં છે કે

 

હે રાજન…..આપ તો મૂર્ખ છો ….મહા મૂર્ખ….. આપે વાસુદેવનાં બાળકોને જીવતદાન કેમ આપ્યું?

 

કંસ કહે….એમ હું મૂર્ખ છું……એ પણ મહા મૂર્ખ ? કેવી રીતે?

 

ત્યારે નારદજીએ કહે મહારાજ કંસ આપ…… વાસુદેવનાં બધાં જ બાળકોને આ થંભનાં ક્રમાંકમાં મૂકો અને પછી કહો ક્યો પ્રથમ છે અને ક્યો અષ્ટમ્ છે? આ તો વાસુદેવ જ છે જે બહુ ચાલાકીથી આપને ક્રમનાં ભ્રમમાં નાખી દીધાં.

 

નારદજીની વાત ઉપર વિચારીને કંસ કહે છે કે દેવર્ષિ આપ જો ન હોત તો હું સાપનાં કણાઓને બચાવી રહ્યો હોત….. ઉપરોક્ત રહેલ સંવાદથી આપની આંખો સમક્ષ કારાગૃહમાં રહેલાં વાસુદેવજી અને દેવકી આવી ગયાં હશે. કદાચ તે દિવસે જો નારદજીએ કંસનાં કાનમાં વાસુદેવજી વિષે નિંદા ન કરી દીધી હોત તો કદાચ યાદવકુલનો ઇતિહાસ થોડો જુદો હોત. પરંતુ અહીં વાત એ નારદજીની નિંદાની નથી કારણ કે દેવોએ આ કાર્ય નારદમુનીને જ સોંપ્યું છે જે અહીંની ત્યાં ને ત્યાની અહીં કરી દેવો અને દાનવોની વચ્ચે લડાવવાનું કાર્ય કરી રહ્યાં હતાં. (તેથી આજેય આપણે  આવા લડાઈ કરાવવાવાળાને આપણે નારદ તરીકે જ ઓળખીએ છીએ.) આવો જ બીજો પ્રસંગ જોતાં આપણે કંસનાં મહેલમાંથી નીકળી દ્વારિકા જઈએ. મિત્રો દ્વારિકાની એ સભામાં સ્વયંતક કૃષ્ણએ ચોર્યો છે તેવી નિંદા અક્રૂરે કરી ત્યારે કૃષ્ણ એ મણિ શોધવા નીકળ્યાં જેને કારણે તેમને મણિ સાથે જાંબૂવતી પણ મળ્યાં. શાસ્ત્રોક્ત વાર્તાઑને બાદ કરતાં ઝવેરચંદ મેઘાણીની ધણીની નિંદા પણ બહુ જ પ્રખ્યાત લોકકથા છે. આ બધી જ કથાઓને જોઈએ તો ખ્યાલ આવે છે કે આ નિંદા જ હતી જેનો સહજ સ્વીકાર કરી વિષ્ણુ ભગવાન પૂજનીય બન્યાં, કૃષ્ણ ભગવાનને પત્નીની પ્રાપ્તિ થઈ અને નારદજીને કારણે ઇતિહાસ બદલાયો. આપણાં શાસ્ત્રોની જેમ બાઇબલમાં કહ્યું છે કે અહંકાર, જિદ્દ અને નિંદા એ એવી પ્રકૃતિઓ છે જે આપણાં તમામ સફળતાનાં માર્ગોને રૂંધી નાખે છે. પણ પ્રશ્ન અહીં એ છે કે અહંકાર, જિદ્દ અને નિંદાનો સંબંધ કોની સાથે રહેલો છે? તો પ્રશ્નનાં જવાબમાં મૂળ તત્ત્વ એક છે અને તે છે અસંતોષ. આ અસંતોષ જ છે જે ખોટી રીતે કોઈનું નામ ખરાબ કરે છે, કોઈનું અપમાન કરે છે અથવા કરાવે છે. આ અસંતોષ જ એ શૈતાન છે જે મનુષ્યમાંથી મનુષ્યતાં છીનવી આત્મામાં સમાયેલાં પરમાત્માને ઠગે છે અને તેને સમાજનો અપરાધી બનાવે છે. ( નીતિ વચનો ૩:૨૦ -૨૯ ) શાસ્ત્રોકત વાતથી થોડા જુદા પડીને ડો ફીલ કહે છે કે નિંદા કરવી જોઈએ પણ નિંદા નિંદામાં ફર્ક હોય છે. કેવળ મીઠી વાણી બોલવાથી કે મીઠી વાણી રાખી ખોટી આલોચના કરવાં કરતાં સત્યવાણી ઉચ્ચારતાં એવાં નિંદક બનવું કે જે કશુક નવું કરવાની પ્રેરણા આપે. આ વાત કહેતાં ટોમ સેનેટ નામનાં એક અમેરીકન નવાયુવાન યાદ આવે છે. નાનપણમાં એ સતત પ્લેસ્ટેશન અને વિડીયો ગેઇમ રમ્યાં કરતો હતો. એક દિવસ તેણે તેનાં ફાધરે તેને એક નવી વિડીયો ગેઇમ લાવીને આપી. નવી ગેઇમ જોઈ તે જોઈ ખુશ ખુશ થઈ રમવા બેઠો. પરંતુ ગેમની ડિઝાઇન્સ અને ફીચર્સ જોઈ તે નિરાશ થઈ ગયો અને તેનાં પા ને કહેવા લાગ્યો કે આ ગેઇમ બિલકુલ સારી નથી, આમાં આટલા પ્રોબ્લેમ્સ છે….. કહી પ્રોબ્લેમ્સ ગણાવવા લાગ્યો. થોડીવાર તો મી.સેનેટ તેની વાત સાંભળતાં રહ્યાં પછી કહે ટોમ એક એક વિડિયોગેમ લેવામાં તને ખબર છે કેટલા ડોલર જાય? જો તને આ ગેમ ન ગમતી હોય તો એક કામ કર તું જ તારી ગેમ બનાવ ને તારી એ ગેમને માર્કેટમાં મૂક પછી ખ્યાલ આવશે કે બનાવવાવાળાની અને ડોલર ખર્ચવાવાળાની કેટલી મહેનત હોય છે. આમેય બોલવું સરળ હોય છે ને કરવું અઘરું…. એક કામ કર તું તારા પ્રમાણેની નવી ગેઇમ બનાવ પછી ખબર પડે કે તું ને તારો રસ કેટલાં પાણીમાં છે. તો હું જાણું તું કેટલું સાચું બોલે છે. પા નાં મનની વાત જાણી ટોમ પોતે સાચો છે તે જણાવવા માટે વિડીયો ગેમ બનાવવા બેઠો. પણ બોલવું સરળ હતું, કરવું સરળ ન હતું. તેથી એ રોજે એ પ્રોગ્રામ લખવા બેસે પણ કશો ને કશો વાંધો આવે ને એ કંટાળીને મૂકી દે. પછી અમુક કલાકો પછી પાછું કામ ઉપાડે પણ પ્રોગ્રામ લખવાનો સમય લાંબો થતો જતો હતો, તે વખતે તેણે પોતાનાં નાનપણનાં મિત્ર સલીલની મદદ લેવાનું શરૂ કર્યું. લગભગ ૪ વર્ષની મહેનત પછી ટોમે પોતાનાં જીવનની પ્રથમ વિડીયો ગેમ બનાવી. આ ગેમમાં નાયક અને રોબર્ટ એમ કેવળ બે પાત્રો હતાં. અમેરિકામાં આ પ્રથમ ગેમ હતી જેમાં બે અલગ અલગ વાત ને સંમિલિત કરી હોય પ્રથમ એ કે હીરોનું કેરેક્ટર અને તેની સ્ટોરી ઇંડિયન અમેરીકન પર ઘડાયું હતું અને બીજી વાત તે કે આ પ્રથમ એવી ગેઇમ હતી જેમાં સિતાર જેવા ભારતીય વાદ્યોનો ઉપયોગ થયો હોય. યુવાવસ્થાને નાનપણની નજીક લાવતી આ ગેમને માર્કેટની દૃષ્ટિએ લોકોએ સરળતાથી પસંદ કરી નહીં, પણ માઇક્રોસોફટની વિડિયોગેમની કોમ્પિટિશનમાં આ ગેમ બીજા નંબરે આવી પોતાનું એક સ્થાન છોડી ગઈ. ટોમ સેનેટ પછી તો એવા કેટલાય લોકો આવ્યાં જેણે પોતાની ગેમમાં અમેરિકામાં વસતાં એશિયન પ્રજાને મહત્વ આપ્યું  હોય…પણ ટોમ સેનેટની જગ્યા આ બધામાંથી અલગ છે. હા ટોમનો એ સમય પણ હતો જ્યારે તેની આ ગેમ માટે લોકોએ તેની ઘણી જ આલોચના અને નિંદા કરી હોય પણ આ બધી જ નિંદાથી પર જઈ ટોમે કહ્યું કે ભલે માર્કેટે મારા પ્રયત્નને એટલું મહત્વ ન આપ્યું હોય પણ થોડા ડિસિપ્લિન અને થોડી વધુ મહેનત સાથે હું મારુ કાર્ય કર્યે રાખીશ, આજે નહીં તો કાલે મને સફળતા ચોક્કસ મળશે તેની મને ખાતરી છે. આમ કેવળ એક આલોચનથી શરૂ થયેલ ટોમની વિડીયોગેઇમ માટેની આ સફર આજેય ચાલું છે. આજે હું ટોમને જોઉં છું તો ખ્યાલ આવે છે કે જો તે દિવસની સવારે જો ટોમને તે ગેમ ન મળી તો….તો કદાચ તેની આ સફર શું ક્યારેય શરૂ થઈ હોત? આમ ડો. ફીલની વાત અહીં સત્ય થાય છે કે એવાં નિંદક બનવું કે જે કશુક નવું કરવાની પ્રેરણા આપે અથવા નિંદામાંથી કશુક ઉત્તમ કરવાની પ્રેરણા લે.

 

ટોમ સેનેટની વિડીયો લિન્ક જોવા માટે:- https://www.youtube.com/watch?v=LrBtAMLVvEk
https://www.youtube.com/watch?v=g4Gi4XQQonk

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

સર્જનહારમાં પ્રકાશિત:-

Posted on ઓગસ્ટ 30, 2017, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. Leave a comment.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: