Monthly Archives: ઓક્ટોબર 2017

વ્રજની દિપમાલિકા

ફટ ફટ ફૂટતાં ફટાકડાં, વિવિધ ફરસાણ અને અવનવી મીઠાઈઓથી ભરેલી દુકાનો, બજારોની નિખરેલી શોભા, ધન તેરસનું ચોપડા પુજન, દિવાળીનાં દીવસે થતું લક્ષ્મીપૂજન, બેસતાં વર્ષનું ઊંધીયું, સગાવહાલાની નવા વર્ષની વધાઇ, કાર્તિકી બીજનું યમુના સ્નાન, લીલી પરિક્રમામાંથી પાછા ફરતાં યાત્રાળુંઓ, દેવદિવાળીનો થતો તુલસી વિવાહ, લાભ પાંચમના પૂજન પછી નોકરી ધંધા પર પાછાં ફરતાં લોકો……..આમ તો કેટલીયે અવનવી યાદો અને ઉમંગથી ભરેલો છે દિવાળી ઉત્સવ. ગુજરાતની જેમ વ્રજનો દિવાળી ઉત્સવ પણ કંઈક ખાસ હોય છે. દશેરા પુરી થાય કે તરત વ્રજમાં દિવાળી ઉત્સવની તૈયારીઓ ચાલવા લાગે છે. વ્રજની સંસ્કૃતિમાં રાગ અને ભોગ મુખ્ય છે તેથી દિવાળી દરમ્યાન પણ ગાન, વાદન, વાદ્યો અને ભોજનનો અનેરો મહિમા છે. વિવિધ પકવાનોની સુગંધથી ઘરો અને રસ્તાઓ ભરાઇ જાય છેં. વ્રજનાં દરેક ઘર એક સ્વતંત્ર મંદિર સમાન છે તેથી મંદિર સમા દરેકે દરેક ઘરમાં દિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છેં.

વાઘબારસ   

આ દિવસ ને વચ્છ બારસ કહેવામાં આવે છે કારણ કે બચ્છવનમાં (હાલનું સઇ ગામ) જ્યારે પ્રભુ ગૌચારણ કરી રહ્યાં હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડા, ગાયો અને ગોપબાળકોને હરી ને બધાને બ્રહ્મલોકમાં લઇ ગયા હતાં અને ફરીવાર તે જ્યારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધા જ ગોપ, ગાયો, વાછરડાઓ યથાવત જણાયા. તેથી સમાધિ લગાવતા તેમણે જોયું કે જે કંઇ તેમણે જોયું હતું તે તમામ રૂપો કૃષ્ણમય હતાં આ જોઇ ને તેમનો મોહ  ઉતરી ગયો તેમણે પ્રભુની માફી માગી મૂળસ્વરૂપો ફરી બ્રિન્દાબનમાં પાછા પધરાવ્યાં. આ દિવસે પીળા રંગનું ઘણું મહત્વ હોય છે.

ધનતેરસ

આસો વદ ધન તેરસને દિવસે નંદાલયમાં માતા યશોદાજી લક્ષ્મીજીની મૂર્તિને સજાવીને શ્રી હરિનાં સાનિધ્યમાં મુકે છે કારણ કે શ્રી લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા છે. પરંતુ વ્રજવાસીઓનું સાચું ધન એ ગૌધન છે તેથી નંદનંદન ગાયોને શણગારે છે અને ગાયોનું પૂજન કરે છે. આ દિવસે ઠાકોરજીની નજર ઉતારવામાં આવે છેં. આ દિવસે લીલા રંગનું ખુબ મહત્વ હોય છે.

ધનતેરસનું પદ

રાગદેવગંધાર

આજ માઇ ધન ધોવત નંદરાની

આસો વદી તેરસ દીન ઉત્તમ

ગાવત મધુર બાની

નવસત સાજ સિંગાર અનુપમ,કરત આપ મનમાની

કુંભનદાસ લાલ ગિરિધર પ્રભુ,દેખત હિયો સરાની…

રૂપ ચતુર્દશી (નરક ચતુર્દશી)

આસોવદ ચૌદશને દિવસે પ્રભુ ને આંબળા અને ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવાય છે તેનું ખાસ કારણ એ છે કે વ્રજવાસીઓમાં માન્યતા હતી કે આ દિવસે જે માતા પિતા પોતાના બાળકને આંબળા અને ફુલેલથી સ્નાન કરાવે છે તે બાળકનું રૂપ ખીલી ઊઠે છે આ માન્યતા અનુસાર નંદબાબા અને માતા યશોદા પણ સાથે મળીને પોતાના કૃષ્ણ કનૈયાને સાથે સાથે નવડાવે છે જેથી તેમના નંદલાલનનું રૂપ પણ ખીલીને સુંદર થઈ જાય. આ દિવસે લાલ રંગનો મહિમા છેં. આ દિવસે દ્વારિકા લીલામાં પ્રભુએ નર્કાસુરે પકડેલી ૧૬૦૦૦ રાજકન્યાઓને છોડાવી હતી ત્યારે રાજકન્યાઓએ પ્રભુ ને પૂછયું કે અમે આટલા વર્ષોથી એક રાક્ષસના ઘરે બંદી હતાં તેથી અમારો સ્વીકાર કોણ કરશે? તેથી પ્રભુએ તે તમામ રાજકન્યાઓ સાથે લગ્ન કરીને માનપૂર્વક પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. આપણા પુરાણોમાં ૪ રાત્રીનાં મહત્વ છે.

૧) કાળરાત્રી એટલે કાળી ચૌદસની રાત, (૨) મહારાત્રી એટલે શિવરાત્રી

૩) મોહરાત્રી એટલે જન્માષ્ટમી, (૪) દારુણરાત્રી એટલે હોળી

-આજ ન્હાઓ મેરે કુંવરકાન્હા

રાગ: દેવગંધાર

આજ ન્હાઓ મેરે કુંવરકાન્હા માની કાલ દિવારી
અતિ સુગંધ કેસર ઉબટનો, નયે વસન સુખકારી

કછુ ખાઓ પકવાન મિઠાઈ, હોં તુમ પર વારી
કર સિંગાર ચલે દોઉ ભૈયા, તૃન તોરત મહાતારી
ગોધન ગીત ગાવત વ્રજપુરમેં, ઘરઘર મંગલકારી
કૃષ્ણદાસ પ્રભુ કી યહ લીલા, શ્રી ગિરિ ગોવર્ધનધારી

દિપમાલિકા દિપાવલિ

ઘર ઘર દિપમાલિકાની જ્યોતથી એ રીતે ઝળહળી ઊઠે છે કે જોતા એવું જ લાગે કે જાણે આકાશે પોતાના તમામ તારા અને ચાંદલિયાઓની ભેંટ વ્રજને ધરી દીધી હોય. વ્રજના માનસીગંગાનાં કિનારા પર દિપદાનનો ખાસ મહિમા છે. કુંડની, સીડી, ઘાટ, પગથિયાં, ચોક, ઝરુખાઓ, ગલીઓ, ઘરઆંગણ અને ઘરદ્વારે દિવડાઓ ઝગમગી ઊઠે છે. માનસીગંગાનાં જળમાં ઘીના નાના-મોટાં દિવાઓ તરતા મૂકવાનું મહત્વ છે. અહીં દિપદાન કરવાનો મહિમા છે.

દિવાળી ને દિવસે અહીં મેળો ભરાય છે. માનસીગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમાં કરવામાં  આવે છેં. દિવાળી બાદ બીજા દિવસે અન્નકૂટનો મહોત્સવ થાય છે. આ દિવસે ગોવર્ધન પુજા માટે ખાસ ગોકુલથી ગોકુલનાથજી જતિપુરા આવે છેં. દિવાળીના દિવસે નંદાલય હવેલીમાં નગાડા વગાડાય છે. નંદાલયમાં હટડી ભરાય છે. સોના ચાંદીના ત્રાજવા અને કાટલાં મૂકાય છે જેમાં પ્રભુ વ્રજભક્તોને સખડી, અનસખડી, દૂધઘરની વિધ વિધ સામગ્રીઓ, સુકા અને લીલા મેવા, તેજાના, સુપારી, બીડા, અત્તર, કેસર, ચંદન, ચોખા, કુમકુમ, ખાંડ અને મેવાનાં ખિલૌના, તલ અને રાજગરાનાં લાડું, ચોપાટ, ઘુઘરા, દિપ, ઘી, દૂધ, માખણ વગેરે ચીજવસ્તુઓ તોલીને આપે છે અને તે તમામ વસ્તુઓ તે દિવસે અન્નકૂટમાં ઉપયોગ કરાય છે. તે દિવસે પ્રભુ પ્રત્યેક ગાયોનાં કાનમાં તે દિવસ સાંજે અને બીજા દિવસે સવારે વહેલા ગોવર્ધન પૂજન સમયે આવજો  તેમ કહી પોતાનાં મંદિરે આવવા માટે આમંત્રણ આપે છે અને સાંજના સમયે શણગારેલી ગાયોને મંદિરમાં લઇ આવવામાં આવે છે તેને કાન્હજગાઇના નામથી ઓળખવામાં આવે છે. હવેલીઓમાં અત્તર છાંટવામાં આવે છે. રાત્રીના સમયે પ્રભુ શ્રી સ્વામિનીજી સહીત સખીજનો અને ગોપસખાઓ સાથે ચોપાટ ખેલે છે. આ દિવસે રૂપેરી, સોનેરી અને સફેદ રંગનો મહિમા છેં. હીરા, મોતી અને રત્નોનાં આભૂષણો પ્રભુને ધરાવાય છે. ગોબરના(ભાવાત્મક) ગોવર્ધન બનાવી ને તેનું પૂજન કરાય છેં. ગાયોને શણગારાય છે. આજ દિવસે વ્રજમાં અને મેવાડમાં જુઆ અથવા ચોપાટ ખેલવાની વિચિત્ર પ્રથા છે તેથી હવેલીઓમાં પણ આ દિવસે ચોપાટ બિછાવવામાં આવે છેં. દિવાળી એ વૈશ્યોનો (વણિક લોકો જેઓ ને પોતાના કામધંધા હોય, આજની ભાષામાં  કહીયે તો બિઝનેસવાળા લોકો) તહેવાર મનાય છે. તેથી દિવસોમાં સાફસૂફી થાય છે અને ઘરમાં પવિત્રતાંવાળું વાતાવરણ કરાય છે. ધૂપદીપથી લક્ષ્મીજીનું પૂજન કરાય છેં. આજ દિવસે દ્વારિકા લીલામા કૃષ્ણ ભગવાને સત્યભામાનું મન રાખવા માટે સ્વર્ગમાંથી સુગંધિત પારિજાતના ફૂલોનું વૃક્ષ લાવી ને સત્યભામાના આંગણમાં રોપ્યું હતું..

  દિવાળીનું પદ

 રાગબિલાવલ

આજ દિવાળી મંગલાચાર, વ્રજયુવતિ મિલ મંગલ ગાવત

ચોક પુરાવત આંગન દ્વાર, મધુ,મેવા,પકવાન,મિઠાઈ

ભરિ-ભરિ લીને કંચન થાર,પરમાનંદ દાસકો ઠાકુર,

પહેરે આભૂષન સિંગાર

ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ

દિવાળી પછીના બીજા દિવસે નિત્ય રીતીથી રાજભોગ સર્યા બાદ ગોવર્ધનપૂજાની તૈયારી થાય છે. ચોકમાં ગાયનાં ગોબરથી (ભાવાત્મક રૂપે)શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બનાવવામાં આવે છે. ઘીના દીવા, હલ્દી, કુમકુમ, અબીલથી ચોક પુરાય છે. જળ, દૂધ, દહીંથી શ્રી ગોવર્ધનનાથજીને સ્નાન કરાવાય છે. ચુઆ, ચંદન, કુમકુમ આદી સમર્પિત થાય છેં. સૂક્ષ્મ વસંત ખેલ થાય છે.શ્રી ગિરિરાજજીને, ગાયને અને ગોવાળોને હલ્દી, કુમકુમનાં થાપા દેવાય છે અને ઉપરણો ઓઢાડાય છેં. ગાયોને પ્રસાદી ફુલડો, ઘી-ગોળના લાડુ અને લાપશી આરોગાવાય છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરાય છે. શ્રી ગોવર્ધનનાથજીની પૂજા થાય છે. પ્રભુ અંદર પધારે પછી શીતળ ભોગ ધરાવવામાં આવે છેં. અન્નકૂટમાં થોડા થોડા અંતર પર પ્રથમ દૂધઘરની સામગ્રી, ત્યારબાદ અનસખડીની સામગ્રી, અને ત્યારપછી સખડી સામગ્રી ધરવામાં આવે છે. આ ઉપરાંત નાગરી, લીલો તથા સુકો મેવો ઇત્યાદી પ્રભુને ધરાવાય છે સાથે જળ જમુનાની ઝારી અને પાન સુપારીના બીડાં ધરાવાય છેં. પ્રત્યેક સામગ્રીમાં તુલસી પધરાવવામાં આવે છેં. અન્નકૂટમાં વિશેષત: સર્વ સામગ્રીઓ માટીનાં વાસણો અને વાંસના ટોપલામાં સજાવાય છે સોના અને ચાંદીના પાત્રોનો ઉપયોગ આ દિવસે થતો નથી. નાથદ્વારામાં આ દિવસે ભીલ લોકો સખડી લુંટીને લઈ જાય છે. કાર્તિક માસમાં કમળ, કેવડો, માલતી, તુલસીદળ, દીપદાન આ પાંચ વસ્તુઓ પ્રભુને પ્રિય છે. અન્નકૂટ મહોત્સવ એ નંદબાબા સહીત વ્રજજનોનો અન્યાશ્રમ છોડાવવાની અને ઇન્દ્રમાન ભંગની લીલા છે.

“દેખ્યોરી હરિ ભોજન ખાત્

સહસ્ત્ર ભૂજા ધાર ઉત જૈમંતે હૈ ઇતિ

ગોપનસોં કરત હૈ બાત।।।।

લલિતા કહત દેખો હી રાધા જો તેરે મન બાત સમાત

ધન્ય સબે ગોકુલકે વાસી સંગ રહત ગોકુલ કે નાથ।।।।

જેમત દેખ નંદ સુખદિનો અતિ આનંદ ગોકુલ નરનારી”

સૂરદાસ સ્વામી સુખ સાગર ગુણ

આગર નાગર દેતારી।।।।

યમદ્વિતિયા ભાઇબીજ

ભાઇબીજનો આ દિવસ યમદ્વિતિયાના નામથી ઓળખાય છે આ દિવસે શ્રી યમુનાજીએ પોતાના મોટાભાઇ શ્રી ધર્મરાજ યમદેવને પોતાના ઘરે આમંત્રણ આપીને બોલાવ્યાં બાદ અતિ પ્રેમથી જમાડયાં હતાં .નાની બહેન યમુનાનો અતિ વિશુધ્ધ પ્રેમ જોઇને ભાવવિભોર થયેલા યમરાજાએ શ્રી યમુનાજીને વચન આપ્યું હતું કે જે કોઇ આ દિવસે યમુનાસ્નાન કરશે તેને મૃત્યુનો ભય નહી રહે ખાસ કરીને જે કોઇ ભાઇબહેન સાથે સાથે સ્નાન કરશે તે અતિ શુભ મનાશે તેથી આ દિવસ ને ભાઇ બીજનાં નામેથી ઓળખવામાં આવે છેં. આથી કાર્તિકિ બીજનાં દિવસે વ્રજનાં મથુરાનાં વિશ્રામ ઘાટેથી યમુના સ્નાન કરવાનું મહત્વ છે. અહીં યમ-યમુના બન્નેની બેઠક સાથે છે જાણે બન્ને ભાઇ બહેન સાથે રહીને આ દિવસનું મહત્વ કેવું છેં તે સમજાવતાં તેની ખાતરી આપી રહ્યાં હોય તેવું લાગે છે. બીજનો ચંદ્રએ કર્તૃત્વનો પ્રતીક છે. પોતનો ભાઇ બીજના ચંદ્ર જેવો કર્મયોગી બને તેવી બહેનની અભિલાષાનો આ દિવસ દ્યોતક છે. આ દિવસે લાલ જરીના વસ્ત્રો અને મોરચંદ્રિકાનો શૃંગાર ધરાવાય છેં. હવેલીઓમાં મગની દાળની ખીચડી સાથે કઢી અને અન્ય સામગ્રી સાજીને થાળ ધરાય છે.

દેવદિવાળી પ્રબોધિની એકાદશી 

દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી દિવસને પ્રબોધિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે.

કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં, તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. મહુર્ત પ્રમાણે મંડપ શેરડીનાં ૧૬ સાંઠાથી બંધાય છે.  વિવાહ ખેલના ગીતો ગવાય છે. નવવધૂના સોળ શૃંગારથી શ્રી તુલસીજીને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છેં. પૌવાનો પ્રસાદ વાટવામાં આવે છે. શ્રી ઠાકુરજીને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ધરવામાં આવે છેં. તુલસી પત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે. આજથી શીતકાલ બેસતો હોવાથી પ્રભુ પાસે અંગીઠી ધરાય છે. શિતકાલમાં શ્રી પ્રભુને તથા અન્ય સ્વરૂપોને ગદ્દલ તપાવીને ધરાય છે

તુલસી વિવાહ કરવાની વિધિ

* તુલસીના છોડને નિયમિત પાણી નાખવું અને તેનું પૂજન કરવું
*
શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું
*
ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું
*
ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણજી ને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર     પૂર્વ
  તરફ મોઢુ રાખીને બેસાડવાં.

* ગોધુલી (સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
*
ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યાનું (તુલસી) દાન કરવું અને વરવધૂ ને મંગળ ફેરા ફેરાવવા
*
ત્યારપછી શક્તિ મુજબ વૈષ્ણવો ને મહાપ્રસાદ લેવડાવવો અને મંગલ ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન      કરવો.

 પૂર્વી મલકાણ મોદી