Monthly Archives: ઓગસ્ટ 2019

શાસ્ત્રોમાં પુરાણોની વ્યાખ્યા અને તેનો ઉલ્લેખ

પુરાણો કેટલા છે? તો એ નો જવાબ છે અઢાર. આ જવાબ આપણાં બધાં પાસે છે, પણ આ પુરાણોની આયુ કેટલી?, પુરાણો એટ્લે શું ? અને પુરાણો ઉપર શાસ્ત્રોક્ત વ્યાખ્યાં શું છે? આ બધાનો પ્રશ્નનાં જવાબ થોડાં વિચારણીય બની જાય છે.

પુરાણો… ઉપનિષદ, વેદોની જેમ પુરાણો પણ હિન્દુઓનું ધર્મસંબંધિત એવો આખ્યાનગ્રંથ છે જેમાં ભક્તિની સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થઈ હતી. આ પ્રમાણે સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થવાનું એ કારણ કહી શકાય કે, એ સમયમાં કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ) ઉપર બ્રાહ્મણો અને આચાર્યોનો પ્રભાવ હતો. જ્યારે પુરાણોમાં રહેલ કથા, શ્રુતિ, સ્મૃતિ આદીએ સામાન્ય જનમાનસને સમજાય તેવી હોવાને કારણે પુરાણોનો વિકાસ વધુ થયો. આ શ્રુતિ, સ્મૃતિ અને કથા સિવાય આ ગ્રંથમાં વિષ્ણુ અને તેમની સૃષ્ટિ, વાયુ, જલ સૃષ્ટિ, પ્રાચીન ઋષિઓ અને તેમની આશ્રમ વ્યવસ્થા, જે તે સમયનો સમાજ અને તે સમયનાં સામાજિક જીવન, પાપ અને પુણ્યની વ્યાખ્યા, દેવી-દેવતાઓનું મહત્ત્વ અને તેમનાં પ્રાગટ્યનો ઇતિહાસ, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૃષ્ટિનાં આરંભ અને અંત સુધીની યાત્રા, ક્રિયા અને કર્મ વચ્ચેનું પરિમાણ, તીર્થયાત્રા, ચિકિત્સા, ખગોળ, ખનીજ અને વિજ્ઞાન શાસ્ત્ર, વ્યાકરણ વગેરે ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે; પુરાણોમાં વર્ણિત વિષયોની કોઈ સીમા નથી. પુરાણોની રચના મૂળ દેવભાષા સંસ્કૃતમાં કરવામાં આવી હતી, પણ મધ્યકાલીન યુગથી આ સંસ્કૃત ગ્રંથોને પ્રાકૃતિક અને ક્ષેત્રિય ભાષામાં બદલવામાં આવ્યાં જેને કારણે કવચિત્ કેવળ બ્રાહ્મણોનાં ગૃહમાં નિવાસ કરનારા પુરાણો પ્રત્યેક નાના મોટા ગૃહોમાં પહોંચ્યાં. ઈતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીયોએ કહ્યું છે કે, જ્યાં હિન્દુ પુરાણોનાં રચનાકાર અજ્ઞાત છે, ત્યાં જૈન અને બૌધ્ધધર્મનાં ગ્રંથોમાં પાંડુલિપિમાં રચિત પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે અને આ પાંડુલિપિમાં આ પુરાણોને કોણે ફેરવ્યાં તેમનાં નામ પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા એવં ઇતિહાસનાં સમ્યક જ્ઞાનને માટે પુરાણોનું ગહન અધ્યયન પરમ આવશ્યક છે. પુરાણો એ ભારતીય સંસ્કૃતિ એવં સભ્યતાનાં મેરુદંડ છે. આ મેરુદંડનાં ગંભીર અભ્યાસ વગર ભારતનો અતીત અને ઇતિહાસ અપૂર્ણ છે તેમ છતાં યે આ શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જાણકારી સરળતાથી મળતી નથી. તેથી ચાલો આજે આપણાં પૂર્વ ઇતિહાસનાં પાનાઓમાં ચાલીયે અને શોધીએ કે પુરાણો વિષે જે તે સમય શું કહે છે.  

પુરાણોની આયુ

પ્રથમ પ્રશ્ન પુરાણોની આયુ કેટલી તે વિષે એમ કહેવું પડે જેટલી જ પ્રાચીન છે ભારતીય સંસ્કૃતિ છે તેટલી જ કે પુરાણોની સત્તા છે. તેમ છતાં યે પરફેક્ટ આયુ કહેવી હોય તો એમ કહી શકાય કે, શિવપુરાણની આયુ અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી જૂની છે. ( અલબરુની -૧૦૩૦ નાં અનુસાર ) જ્યારે અન્ય એક મત કહે છે કે, કૈલાસ સંહિતાનાં ૧૬ અને ૧૭ માં અધ્યાય માં દશમી સદીનાં પૂર્વાધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજો મત ૧૩ મી સદીનાં ઉત્તરાર્ધમાં લઈ જાય છે.  

પુરાણોનું પ્રાગટ્ય:-

પુરાણોનાં પ્રાગટ્ય વિશેનો પહેલો મત કહે છે કે, કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ ) તરફની વિકાસની પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્ત્મક વ્યાખ્યા આવી. જેથી કરીને ધીરે ધીરે ભારતીય માનસ અવતારવાદ યા સગુણ ભક્તિથી પ્રેરિત થયો અને તેને કારણે પુરાણોનું પ્રાગટ્ય થયું. હવે આ મતમતાંતરમાંથી બહાર આવીને જાણીએ કે આચાર્યોએ પુરાણોનો ઉલ્લેખ શી રીતે કર્યો છે તે વિષે જોઈએ. 

આચાર્યો દ્વારા પુરાણોનો ઉલ્લેખ:-

 આચાર્ય યાસ્ક અનુસાર પુરાણની વ્યુત્પતિ સંસ્કૃત વાક્ય पुरा नवं भवति“ માંથી થયો છે. આ વાક્ય અર્થ થાય થાય છે જે પ્રાચીન હોવા છતાં નવીન છે તે. “નવીન” આ અર્થમાં પુરાણના સમયમાં થતી યતિની સાથે સાથે નવી વાતોનો ય સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પુરાતનકાળ થી લઈ આજનાં પોતાનાં સમયનો આખા ઇતિહાસ અને અતીતના પ્રસંગોને પોતાની ભીતર રાખી આગળ વધતાં પુરાણની આ લાંબી અવધિ એ અભ્યાસુઓ માટે વિશ્વકોષ બને છે. મહાવ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અનુસાર પુરાણ શબ્દની ઉત્પતિ એ “पुरा भवं “ શબ્દમાંથી થઈ છે. આ શબ્દનો અર્થ પ્રાચીન સમયમાં “જે થયેલું” તેવો થાય છે. પાણિનિ સૂત્ર , ३, २३ માં “सायं चिरं प्राह्र्र्गे-प्रगेडव्ययेभ्यष्टयु टुलौ तुट् च એમ ઉચ્ચારતાં કહ્યું છે કે, પુરા શબ્દથી ટ્યુ પ્રત્યય થાય છે ત્યારે तुट् શબ્દનાં આગમનથી પુરાતન શબ્દ બને છે. આ નવો શબ્દ બનાવ્યાં છતાં યે મહર્ષિ પાણિનિએ પોતાનાં અન્ય બે સૂત્રपूर्वकालैक -सर्व -जरत्-पुराण नव केवला समानाधिकरणेन ( २, १, ४६ ) માં અને पुराणप्रोकतेषु ब्राह्मणकल्पेषु ( ४,३, १०५ ) માં પુરાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવન પાણિનીના દ્વારા ઉચ્ચારેલ આ શબ્દને કારણે એ વાત પ્રત્યક્ષ થાય છે કે પુરાણ શબ્દ એ ખરેખર ઐતિહાસિક શબ્દ છે જે પોતાનાં ત્રણ અક્ષરમાં અનંતકાળના યુગને લઈને ચાલે છે. મહર્ષિ વાત્સાયને પોતાનાં ગ્રંથ ન્યાય ભાષ્યનાં ૪,૧, ૬૧ માં ઇતિહાસ અને પુરાણનો સ્વીકાર કરતાં ( “लोकवृत्तमितिहासपुराणस्य विषयः। इतिहासपुराणानि भिद्यन्ते लोकगौरवात् ।“ ) બે વાક્ય દર્શાવેલ છે.

પુરાણોમાં પુરાણનો ઉલ્લેખ:-

આતો જે તે સમયનાં વિદ્વાનોની વાત થઈ, પણ ખુદ પુરાણોએ પોતાનાં આ શબ્દની વ્યાખ્યા  આપી છે. દા.ખ પદ્મપુરાણમાં કહ્યું છે કે; “पुरा परम्परा वष्टि कामयते “ અર્થાત્ જે પરંપરાની કામના કરે છે તેને પુરાણ કહે છે, જ્યારે બ્રહ્માંડપુરાણ કહે છે કે; “पुरा एतत् अभूत्” અર્થાત્ પ્રાચીનકાળમાં આવું થયું હતું. આમ આ સર્વે વ્યુત્પતિઓથી જાણવા મળે છે કે, પુરાણનો પ્રતિપદ્ય વિષય એ અતીતકાળની વાતો, ઘટનાઓ અને પ્રસંગો થકી છે.

વેદોમાં પુરાણોનો ઉલ્લેખ:

પુરાણો સિવાય ઋગ્વેદની ઘણી ઋચાઓમાં પણ પુરાણ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ત્યાં આ શબ્દ એ પ્રાચીનતાનું બોધક માત્ર છે. ઋગ્વેદમાં એવું એકપણ સ્થળ નથી જેના આધાર પર પુરાણોની સત્તા નિર્વિવાદરૂપથી સ્વીકૃત કરી શકાય. અર્થવવેદમાં પુરાણ શબ્દ ઇતિહાસ, ગાથા અને વિદ્યા સાથે સંકળાયેલ છે. અર્થવવેદ અનુસાર ઋક્, સામ, છંદ અને યજુર્વેદની સાથે પુરાણનો જન્મ પણ પરમાત્માના અવશેષરૂપ યજ્ઞમાંથી થયો હોવો જોઈએ.

બ્રાહ્મણસાહિત્યોમાં પુરાણોનો ઉલ્લેખ:-

વેદોને બાદ કરતાં હવે બ્રાહ્મણ સાહિત્ય તરફ જઈએ. વૈદિક કાળ દરમ્યાન બ્રાહ્મણયુગ વિકસિત પામ્યો હતો, તે વાત ગોપથ બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણનાં ગ્રંથોમાં જોવા મળે છે. ગોપથ બ્રાહ્મણનું કથન છે કે, કલ્પ, રહસ્ય, ઉપનિષદ, ઇતિહાસ અને પુરાણોની સાથે વેદો નિર્મિત થયેલાં. આ બાબતથી જાણવા મળે છે કે, ઇતિહાસ, પુરાણોનો સંબંધ વેદો સાથે છે તેથી જેટલું મહત્ત્વ વેદોનું છે તેટલું જ મહત્ત્વ ઇતિહાસ અને પુરાણોનું પણ છે.  આરણ્યક અને ઉપનિષદમાં જે રીતે પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે, તે જોતાં ખ્યાલ આવે છે કે, આ યુગમાં ઇતિહાસ પુરાણ પૂર્વપેક્ષાથી અધિક જનપ્રિય અને પ્રચલિત થઈ ચૂક્યાં હશે. કારણ કે વેદોની ભાંતિ આ ગ્રંથોમાં પણ ઈશ્વર અને ઈશ્વરીય શક્તિ વસેલ હતી. આ ઉપરાંત તૈત્તરીય આરણ્યક ( ૨ અને ૬ ), બૃહદારણ્યક ઉપનિષદનાં ૨,૪,૧૧ તેમજ છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઇતિહાસ પુરાણનો બહોળો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:-

વેદો, ઉપનિષદ, આરણ્યક પછી પુરાણોનો ઉલ્લેખ સૂત્રગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમાં સર્વ પ્રથમ ગંગાસૂત્ર છે. આપસ્તમ્બ સૂત્ર ૨,૬, ૨૩, ૩-૬ માં ભવિષ્યપુરાણનાં બે શ્લોક આપવામાં આવ્યાં છે. આ બાબત એ એ સમયે થયેલો ભવિષ્યપુરાણનો વ્યાપ દર્શાવે છે.  

સ્મૃતિ શાસ્ત્રોમાં પુરાણોનો ઉલ્લેખ:-

સ્મૃતિશાસ્ત્રોમાં પુરાણોનું સ્વરૂપ વધુ વિશાળ અને સ્પષ્ટ થયું છે, તેથી તેની મહત્તા પણ વધુ થયેલ છે. આ ગ્રંથમાં કહ્યું છે કે પુરાણોનો વ્યાપ શનૈ શનૈ થયો હોય જનસમુદાયને આ ગ્રંથને સમજવા માટે તેમજ તેમાં રહેલ સરળ કથા-ગાથાઓને હૃદયારૂઢ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. સ્મૃતિશાસ્ત્રોની આ વાત પૂર્ણ સત્ય હોઈ આજે આપણે અન્ય શાસ્ત્રીય ગ્રંથો કરતાં પુરાણોની વધુ નજીક છીએ.

રામાયણ, મહાભારત અને અન્ય વાઙ્ગ્મય ગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:-

રામાયણમાં પુરાણોનો કેવળ નામઉલ્લેખ જ જોવામાં આવે છે ત્યાં મહાભારતમાં રહેલ અનુશીલનથી એ જાણ થાય છે કે, આ સમયમાં પુરાણોની કથાઓ, શરીર રચના અને અષ્ટાદશ સંખ્યા પણ નિર્ધારિત થઈ ચૂકી હતી. મહાભારત અનુસાર પુરાણરૂપી પૂર્ણ ચંદ્રમા દ્વારા શ્રુતિરૂપી ચંદ્રિકાનાં કિરણો ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. મહાભારત પછી વાઙ્ગ્મય અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે, પુરાણોએ એ જે તે સમયનાં જનમાનસની શ્રધ્ધાનું પ્રતિક છે. કુમારિકા ખંડનાં ૪૦ -૧૬૮ માં સ્પષ્ટ કથન કરતાં કહેવાયું છે કે, ઇતિહાસ અને પુરાણમાં ઘટિત વૃતાંતોને કારણે સમાજમાં હંમેશા પરીવર્તન જોવા મળેલું છે અને આ પરીવર્તન સતત થતું રહેશે.

સર્વે ગ્રંથોની વાતમાં પુરાણોનો ઉલ્લેખ હોવા છતાં યે જોવાની વાત એ છે કે, પુરાણો પ્રાચીનત્તમ હોવા છતાં તેમાં રહેલ ગાથા, કથા, શૃંગાર, નિસર્ગ, સામાજિક મૂલ્યો, સમાજ વગેરેનું સ્વરૂપ ન તો પ્રાચીન છે કે ન અર્વાચીન. તેથી સમય સમય અનુસાર પરીવર્તન કે પરિવર્તિત થતાં પ્રત્યેક સમાજને માટે પુરાણ મદદરૂપ થાય છે.

 

૨૨ ઓગસ્ટ ૨૦૧૯

© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com