Monthly Archives: માર્ચ 2020

જીવનગીતાનો મહત્તમ અધ્યાય માન

respect if you want to be respected”

જીવનગીતાનો એક અધ્યાય એ માન ઉપર પણ છે. પણ આ અધ્યાયને આપણે કેટલું જાણીએ છીએ. કદાચ આપણે માટે આ અધ્યાય હોય તો ઘણું બધો, અને બીજા માટે હોય તો કિંશુક. કારણ કે આશાબ્દિક અને અલિખિત , લિખિત અને અનેક રીતે આલેખાયેલ આ શબ્દ પર ઘણાં બધાં ઉદાહરણો ને પ્રમાણપત્રો મળી આવે છે અથવા આપવામાં આવે છે પણ તેમ છતાં યે આ શબ્દ અને તેનો અર્થ દ્રશ્ય -અદ્રશ્ય છે. આ ઉદાહરણો અને દ્રશ્ય મુજબ માણસ સારો, ભલો, વિવેકી, આનંદી બની શકે તો જ સમાજ તેનો સ્વીકાર કરશે તે વાત ભલીભાંતી જાણતો હોય છે, પણ આ સમસ્ત ગુણો ક્યારેય સદા ટકતાં નથી તેથી માણસ પ્રસંગોપાત્ત પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરી જ લે છે.  મને એક બહુ જૂનો પ્રસંગ યાદ આવે છે. રાજકોટમાં અમારી બાજુમાં એક નવો પરિવાર રહેવા આવ્યો. આ પરિવારમાં ત્રણ વ્યક્તિ હતાં. પાર્વતી મા, શોભના બેન અને કિરીટભાઈ. કિરીટભાઈના મા-બાપ ગુજરી ગયાં ત્યારે તેમના કોઈ સગાવહાલા કિરીટભાઈને રાખવા તૈયાર થયાં નહીં, તે સમયે તેમના ઘરમાં કામ કરતાં પાર્વતી મા એ કિરીટભાઈને સંભાળી લીધેલાં જ્યાં સુધી શોભનાબેન આવ્યાં ત્યાં સુધી. અમે શોભનાબેનના વર્તન વાણીથી બહુ પ્રભાવિત રહેતાં. ખાસ કરીને તેઓ જે રીતે પાર્વતી મા સાથે બોલતા તે જોઈને, પણ જેમ દિવસો જતાં ગયાં તેમ બંને વચ્ચેનો ભેદ ખૂલતો ગયો અને શોભનાબેનનું વર્તન -અવર્તનનો પરદો ખસતો ગયો. આ વર્તન-અવર્તનને સમજી શકાય છે કારણ કે વિચારભેદ હોય છે. પણ એક દિવસ એવો આવ્યો કે, શોભનાબેને કિરીટભાઈની ગેરહાજરીમાં પાર્વતી માને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યાં. એ દિવસે પાર્વતીમા અમારે ઘેર કલાકો બેસીને પોતાના એ દીકરાને શોધી રહ્યાં હતાં જેમને તેમણે મોટો કરેલ. એ સમયે મને પાર્વતીમાની ખૂબ દયા આવેલી, પણ તેમની એ વિવેશતા સમજી શકેલી નહીં. આજે સમજી શકું છું ત્યારે ખ્યાલ આવે છે કે, સંસ્કાર, સમર્પણતા, નિસ્વાર્થતાની એ આવેલી મૂરત એ કિરીટભાઈના જીવનમાં એક ઈશ્વરનું રૂપ જ હતું, પણ એ સંનિષ્ઠ સેવકને અંતે પોતાનો પરિવાર અને એ માન પાછું મળ્યું નહીં. અહીં વાત કેવળ પાર્વતી માની જ નથી, સંત એકનાથજીના જીવનમાં યે આવો એક પ્રસંગ બનેલો છે. સંત એકનાથજીને પોતાના ગૃહગોષ્ઠ કાર્યમાં એક સેવકની જરૂર હતી, ત્યારે પ્રભુ પોતે સેવકનું રૂપ લઈને આવ્યાં અને એકનાથજી સાથે રહ્યાં. આ સેવક બનેલાં પ્રભુને ક્યારેક આરામનો સમય મળતો, ક્યારેક ન મળતો. એક દિવસ પોતાને ત્યાં રહેનારા, પોતાનો ગુસ્સો ને પોતાની નારાજગીને ચૂપચાપ સાંભળી લેનાર એ સેવક તો મૂળે પોતાના આરાધ્ય પ્રભુ જ હતાં તેની જાણ એકનાથજીને થઈ ગઈ ત્યારે તેઓએ ખૂબ પશ્ચાતાપ કર્યો. એકનાથજી હોય કે અન્ય કોઈ, આપણી આંખો, મન અને હૃદય સેવકોમાં પ્રભુ રૂપ જોવા માટે કે માન આપવા માટે ટેવાયેલ હોતા નથી, પણ આ પ્રસંગોથી એક કહેવત આવી કે, “ન જાને કિસ સ્વરૂપ મેં નારાયણ મિલ જાયે.”

 

ઉપરોક્ત બંને પ્રસંગો જ્યાં સેવકો પર પૂરા થાય છે, ત્યારે ઈન્ડિયા છોડીને અમેરિકન વિચારશરણી પર પટકાઉ છુ. અમારે ત્યાં નાના-મોટા બધાંને માન અપાય છે. આ નાના-મોટામાં કોઈ વર્ગ હોતો નથી ચાહે તે ઉંમરનો હોય કે કામનો હોય. આ દેશમાં વ્યક્તિની જેમ કોઈ કામ નાનું-મોટું નથી, તેથી નાતજાતના અને કામના વાડાના બંધનોમાંથી આ દેશ મુક્ત છે. આ કારણે ઘરે ઘાસ કાપવા આવતાં માણસ સાથે ય એટલી જ સરળતાથી વાત કરવામાં આવે જેટલી સરળતાથી અન્ય લોકો સાથે વાતચીત થાય છે. આ રીતે સરળતાથી વાત કરવી એ પણ માન આપવાનો એક પ્રકાર જ છે. પણ આપણે ત્યાં કહેવામાં આવે છે કે, માન લેવું હોય તો માન આપો. આ માન શબ્દ મારી દૃષ્ટિએ બહુ વિચિત્ર છે. આ શબ્દ પોતાના જેવા અન્ય ૫ શબ્દોને સાથે લઈ ચાલે છે. ( સન્માન, બહુમાન, સ્વમાન, અભિમાન, અહેસાન ) માન સન્માન આપવું કે લેવું એ એક હકારાત્મક કાર્યવાહી છે જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી રીતે કહીએ તો; કોઈ સાથે આદરપૂર્વક અને વિવેકભર્યા વર્તન સાથે મિષ્ટ બોલવું તે ક્રિયાને “માન” સાથે જોડવામાં આવી છે, પોતાની વિવેકપૂર્ણ બુધ્ધિ પર સ્થિર રહી કોઇની પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર કે હાથ લાંબો કર્યા વગર પોતાની મર્યાદામાં કાર્ય કરવું તેને” સ્વમાન” સાથે જોડવામાં આવ્યું છે, કરેલા કાર્યની પ્રસંશા જ્યારે આખા સમાજ સામે થાય ત્યારે તે બને છે “બહુમાન”. આ બહુમાન સાથે શાલ અને ફૂલ સાથેનો ગુલદસ્તો જ્યારે જે તે હાથમાં મૂકાય છે ત્યારે તે બને છે “સન્માન”. આ સ્વમાન અને બહુમાન સાથે જે સમાજમાં અગાઉ ૪ જણાં ઓળખતાં હતાં, તેની જગ્યાએ ૪૦૦ જણાં ઓળખે છે ત્યારે તે આનંદ ફૂલીને ફાળકો થઈ મસ્તક પર બેસે છે, એ સમયે ઘણીવાર માણસ પોતાની વિવેકમર્યાદા ભૂલીને જે વર્તન કરે છે ત્યારે તે બને છે “અભિમાન. આ અભિમાનથી ગર્વિત થયેલ વ્યક્તિ સામાન્ય રીતે કોઇની મદદ લેતા અચકાય છે, પણ કોઈક સમયે મદદ લેવી યે પડે ત્યારે તેનું નામ આવે છે કે તેણે તેનો અહેસાન લીધો. છે ને માન સાથે જોડાયેલ શબ્દોની આ વિચિત્ર ચાલ !! લો ઉપરોક્ત કહેલાં આ શબ્દોને યાદ કરતાં કરતાં એક ફિલ્મી ગીત પણ યાદ આવી ગયું.

“માન મેરા અહેસાન અરે નાદાન કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, મેરી નઝર કી ધૂપ ના ભરતી રૂપ તો તેરા હુસ્ન હોતા બેકાર કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર.”

આ વિચિત્ર ચાલવાળા તમામ શબ્દો ભલે સામાજિક વેલ્યૂ સાથે જોડાયેલ હોય પણ આ તમામ બાબતો એ વ્યક્તિના કર્મ અને વિચારશક્તિ ઉપર આધાર રાખે છે. એક સમય હતો જ્યારે લોકો હૈયાથી હળતા મળતા, આંખમાં આંખ મેળવી પાંખમાં લેતા અને સુખદુઃખમાં ભાગીદાર થતાં. લાગણીથી વાતો કરતાં, ઘરે રોકાતો- રોકતો, કહેતો- કહેવા દેતો, જમતો- જમાડતો, બેસતો-બેસાડતો, ગુસ્સો અને બળાપો કાઢતો અને કઢાવતો, પરસ્પર માન આપતો અને મેળવતો. આજે એમાંનું  ઘણુંબધું ખોવાઈ ગયું છે અથવા ખોઈ કાઢ્યું છે. ઘણીવાર એવું લાગે છે કે સંબંધોમાં ઓટ આવી છે. એવું નથી કે આ સંબંધોમાં પ્રેમ નથી. પ્રેમ છે, સ્નેહ છે પણ એ પ્રેમ અમુક સીમા સુધી સીમિત રહી ગયો હોય તેવું લાગે છે. આ સીમા એ ક્યારેક પોતાના સુધી તો ક્યારેક પોતાની આસપાસના વાતાવરણ સુધી જોવા મળે છે. જેને કારણે ઉમકળામાં ઓટ આવી છે. આ ઓટે પહેલું કાર્ય એ કર્યું કે, માણસ કેવળ સ્વકેન્દ્રી બની ગયો, તેથી આજે તે સગા સંબંધીઓને જોઈ હરખાતો નથી, ઘણાં વખતે મળેલાં એ મિત્રને જોઈ તેના ઉરમાંથી આનંદ છલકાતો નથી, પાડોશી સાથેનો વ્યવહાર કેવળ કેમ છો ને કેમ નહીં જેવો સીમાબંધ બની ગયો છે. પ્રસંગ, તહેવારમાં તેની હાજરી કામચલાઉ બની ગઈ. આ બધાથી સામાજિક પ્રોબ્લેમ એ આવ્યો કે,પરસ્પર માન-સન્માન આપવાની ભાવના ઓછી થઈ ગઈ અને માણસ સ્વ માં જ ખોવાઈને રહી ગયો. આ સ્વની એકલતા આજે તો સારી લાગે છે, પણ લાંબા ગાળા માટે સારી નથી તેથી ચાલો આ સ્વ માંથી બહાર નિકળીને આપીએ, મેળવીએ અને મહેંકાવીએ.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ એ
purvimalkan@yahoo.com