Monthly Archives: મે 2021

ખુશીની પ્રક્રિયા જટિલ કે સરળ ?

वोह मेरे घर नहीं आती, मैं उसके घर नहीं जाती पर,
इतनी छोटी सी बात पे हमारी खुशीयां मीट नहीं जाती ।


તમે ખુશ છો? કેટલા?
ખબર નથી હું ખુશ છું કે નહીં, પણ મે હંમેશા કોશિષ કરી છે.
કોનાથી તે કોશિષ કરી છે?


જે વસ્તુ મને સુખ આપે છે, જે સમય મારા મન ને રિલેક્સ કરે છે તે જ કાર્ય કે ક્રિયા એ મારે માટે ખુશીનો સમય છે.
જો તમે કાર્ય, ક્રિયા કે સાધન સુવિધાની વાત કરતાં હોય તો તમે ખોટાં છો કારણ કે ખુશી એટલી સરળતાથી મળતી નથી. એમાંયે તમે એમ માનતાં હોય કે, આ વાત આજની છે તો કહું કે તમે આમાં યે ખોટાં છો કારણ કે જે દિવસે મનુષ્યનો જન્મ થયો તે જ દિવસથી મનુષ્યનું જીવન જેમ જટિલ થયું તેમ ખુશી શોધવાની પ્રક્રિયા પણ જટિલ થઈ. કારણ કે પ્રથમ જે માનવી પૃથ્વી પર આવ્યો તે માનવીએ હવે પોતે જ જીવન જીવવાનો માર્ગ શોધવાનો હતો. આ માનવીએ જીવન માટે પ્રથમ પોતાની ભૂખ સંતોષવાની હતી, ભૂખ પછીનું બીજા નંબર પર અગ્નિ અને રહેઠાણ આવ્યાં. આ ત્રણેય વસ્તુ પર અધિકાર જમાવ્યાં પછી સમાજ આવ્યો અને સમાજ સાથે ખુશી શોધવાની પ્રક્રિયા પર પણ ધ્યાન આપવામાં આવ્યું. સમાજશાસ્ત્રીઓ કહે છે કે, પ્રાચીન માનવે ભલે આ ત્રણેય વસ્તુઓની શોધ કરી લીધી હતી, પણ તોયે જ્યાં સુધી ઇલેક્ટ્રીકસિટીની શોધ થઈ નહોતી ત્યાં સુધી આ માનવસમાજ સૂરજ ઢળ્યાં પછી ભેગો થતો. તેમનાં નિવાસસ્થાન પાસે એક મોટો અગ્નિ તેમની આસપાસ જલાવવામાં આવતો અને તે અગ્નિની આસપાસ ભેગા થયેલાં માણસો આખા દિવસમાં ક્યાં ક્યાં ભટક્યાં અને ક્યાં ક્યાં ઉપરોક્ત ત્રણેય વસ્તુઓનો વધારે સોર્સ છે તે સમજવામાં આ લોકો ખુશી મેળવી લેતાં. જોવાની વાત એ કે આ સમયમાં ખુશીને એક સામાજિક સ્તરે જોવામાં આવતી ઉપરાંત આ સમયમાં ભાષા કે લિપિ ન હતી, કેવળ સ્વર હતાં. આ સમય બદલાયાં પછીનો સમય પણ બહુ જલ્દી બદલાયો કારણ કે એ પ્રાચીન માનવથી આધુનિક માનવની યાત્રામાં ઈચ્છાની પ્રક્રિયા સતત ચાલતી રહી જેથી કરીને જીવનમાં સમસ્યા આવી, અને જે તે જીવનનું મહત્ત્વ પણ સમજાયું પણ અંતે સમજીએ તો ખ્યાલ આવ્યો કે પ્રાચીન સમયથી આજ સુધી પ્રગતિ કરવામાં આપણે જે કિંમત ચૂકવી છે તે તમામ કિંમત એ ખુશી શોધવા માટેની જ હતી અને છે. તેમ છતાં યે પૂર્ણ ખુશી આપણને મળી છે કે નહીં તે સવાલ હંમેશા ઊભો રહેવાનો જ છે.

ખુશી શું છે, કેવી રીતે મળે, ક્યારે મળે, જ્યારે મળે છે ત્યારે તમે તેનો અહેસાસ કરો છો કે નહીં, અને જો એ અહેસાસ થાય તોયે તે ખુશીને પચાવી શકો છો કે નહીં તે બધી બાબત એક રીતે વ્યક્તિગત છે. મનોવૈજ્ઞાનિક ડો. અબ્દુલ ગૌની કહે છે કે, અનેક પ્રશ્નોથી ઘેરાયેલાં હોવાં છતાં આપણે બધાં અદ્ભુત છીએ કારણ કે જ્યારે જ્યારે આપણે પ્રશ્નોથી ઘેરાયા છીએ ત્યારે ત્યારે આપણે અમુક સમસ્યાઓનો ઉકેલ આપણે આપણાં જીવનની સૌથી મોંઘી વસ્તુમાંથી શોધવાનો પ્રયત્ન કરેલ છે અને આ સૌથી વધુ મોંઘી વસ્તુ છે શાંતિ અને ખુશી. નાની નાની ખુશીથી લઈ મોટી ખુશી સુધી આપણે કેટલાયે પગલાં સાથે ચાલીએ છીએ ત્યારે આપણે કેટલાયે પ્રકારની સમસ્યાઓને દૂર કરી દઈએ છીએ. જેથી કરીને આપણી આસપાસ જોવાનો આપણો અભિગમ જ બદલાય જાય છે. ખુશી અંગે હાવર્ડ યુનિવર્સિટીનાં રિસર્ચ પેપર કહે છે કે; ખુશી શોધવા અને ખુશી મેળવવા માટે ત્રણ રસ્તાઓ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમાં પહેલું છે ગાઢ સંબંધો. સંબંધોનાં ઘણાં પ્રકાર હોય છે, પણ જેની સાથે ગાઢ સંબંધો હોય તેની પાસેથી ખુશીની સરવાણી વહેવાની પહેલી શક્યતા છે. આ સંબધોમાં એક સંબંધ મેરેજનો પણ છે, આ એક મેરેજને કારણે અનેક સંબંધો બંધાય છે જેને કારણે અનેક પ્રકારની ખુશીઓ મળતી રહે છે. બીજું છે કે સંબધોમાંથી કેટલાં પ્રકારની ખુશી મળે છે. અહીં સંખ્યાની વાત કરવામાં નથી આવતી અહીં કેવા પ્રકારની ખુશી તમે મેળવો છો તે જરૂરી છે. ત્રીજું છે સ્ટેબલ અને સપોર્ટિવ મેરેજ એ ખુશી મેળવવા માટેનું સહજ અને સરળ સાધન છે.

અત્યાર સુધી ખુશીની શરૂઆતથી રિસર્ચ પેપર સુધીની વાત જોઈ, પણ ખુશીની વાત કરીએ તો આપણાં ગીતો અને લોકગીતોએ પણ ખુશી જાહેર કરવા માટે ઓછી મહેનત નથી કરી. જુઓને આ એક ઉદાહરણ જેમાં લગ્નમાં થતી ખુશીની પળો મેળવવા માટે પક્ષીઓને જોડવામાં આવ્યાં છે.

मैना बोली चिरैया के न्यौते हम जायें, सुअना पक्यात करी चिरूवा के साथ, लगुन लवा लै चले।
कौआ समझदार बामें, तीतुर बने सिरदार, मोर करै सत्कार, बाजे बजें चटकदार मैना मधुरु बोल गई।

અર્થ:- ચકલીએ ચકલા સાથે સગાઈ કરી છે. તેથી વિવિધ પક્ષીઓનો સમાજ ચકલીને ત્યાં ભેગો થયો છે. આ સમારંભમાં કાગડો સમજદાર વડીલની કામ કરે છે, તેતર સરદાર બન્યો છે  અને મોર બધાંનો સત્કાર કરે છે, વાજા વાગી રહ્યાં છે ત્યારે મૈના મીઠું બોલે છે. ( અહીં ગાય છે નાં અર્થમાં )

ઉપરોક્ત કહ્યું તે બુંદેલી લોકગીત છે હવે આપણાં ગુજરાતી ખાંયણામાં જોઈએ.

તળાવની પાળે મા ને દીકરી મળિયાં ને, ખુશીએ ભેંટી એટલું રડ્યાં કે તળાવે નીર છલક્યાં.

આ બંને લોકગીતની પંક્તિઓમાં જીવનની અલગ અલગ ક્ષણો રહેલી છે તેમ છતાં આ પંક્તિઓ ખુશીની પળોને જોડે છે. આથી એમ કહેવાયું કે આ ગીતો અને લોકગીતો એ દવા અને દુઆ બંનેનું કામ કરે છે. પણ આજનો પ્રોબ્લેમ એ છે જે સમયમાં ખુશીનાં લોકગીતો ગવાતાં હતાં તે સમય તો ચાલ્યો ગયો આથી ખુશીની આ તમામ પળોને બાંધવાનું કાર્ય આપણી ફિલ્મોએ કર્યું અને તે સાથે શરૂ થઈ એક નવી શરૂઆત. ચાલો જોઈએ અમુક એ ફિલ્મોનાં ગીતો જેમાં ખુશી શબ્દ રહેલો છે.

૧) ૧૯૪૯ માં આવેલી બડી બહેન ફિલ્મમાં આવેલું ગીત
जो दिल में खुशी बन कर आये, वो दर्द बसा कर चले गए

૨) ૧૯૪૯ માં જ આવેલી પતંગા ફિલ્મનું ગીત
मोहब्बत की खुशी दो दिन की, और गम जिन्दगी भर का

૩) ૧૯૫૨ માં આવેલી ફિલ્મ બેવફાનું ગીત  
तू आये ना आये खुशी तेरी, हम आस लगाए बैठे है

૪) ૧૯૬૬ ની ફિલ્મ અનુપમાનું ગીત
क्यों मुझे इतनी खुशी दे दी, की गभराता है दिल

૫) ૧૯૬૭માં આવેલી ફિલ્મ ઉપકારનું ગીત
 
हर खुशी हो वहां तू जहां भी रहे

૬) ૧૯૬૮ ની ફિલ્મ મેરે હઝૂરનું ગીત
जो गुझर रही है मुझ पर उसे कैसे मै बताऊ, वो खुशी मिली है मुझ को मै खुशी से मर न जाऊं

૭) ૧૯૬૯ માં સુહાગરાતનું ગીત
खुश रहो हर खुशी है तुम्हारे लिए, छोड़ दो आंसूओ को हमारे लिए

૮) ૧૯૭૩ ની ફિલ્મ અભિમાનનું ગીત
अब तो है तुम से हर खुशी अपनी, तूम पे मरना है जिन्दगी अपनी

૯) ૧૯૭૬ની ફિલ્મ ચિત્તચોરનું ગીત
खुशियाँ ही खुशियाँ हो जिस के दामन में, क्यों ना वो ख़ुशी से दीवाना हो जाए

૧૦) ૧૯૮૦ ની ફિલ્મ લૂંટમારનું ગીત કહે છે કે,
हस तू हरदम खुशी हो या गम


આ ગીતો તો ૬૦ થી ૮૦ નાં દાયકામાં આવેલાં હતાં, જો ૮૦ પછીનાં દાયકાની વાત કરીએ તો ત્યાં યે ખુશીને અને ખુશી શબ્દને પ્રસ્તુત કરતાં ઘણાં ગીતો છે પણ આજે આટલેથી જ અટકીએ અને ગણગણ કરતાં ઘરદ્વારે આવનારી નાની નાની ખુશીઓનાં પંખ પર ઉડવા તત્ત્પર થઈએ.

© ૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com