ભગવદ્ પ્રાપ્તિમાં બાધક બનતાં અપરાધ

જેમ વૈદિક અને પૌરાણિક શાસ્ત્રોએ પ્રભુને પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારની ભક્તિ બતાવી છે તેમ પ્રભુનાં સાનિધ્યમાં કે મિલનમાં બાધક બનતાં અપરાધો વિષે પણ બતાવ્યું છે. આ કથનો અનુસાર ભક્તોએ સાવચેતીપૂર્વક આ અપરાધોથી દૂર રહેવું જોઈએ.

ભક્તિ રસમંજરીમાં કહ્યું છે કે ૧) પ્રત્યેક જીવોમાં પ્રભુનું જ સ્વરૂપ છે તે જાણી તેમની સેવા કરવી. ૨) સુકાઈ ગયેલા પુષ્પો પ્રભુને અર્પણ કરવા નહીં, ૩) તનને સ્વચ્છ કર્યા સિવાય પ્રભુ પાસે જવું નહીં, ૪) પ્રભુને અર્પણ કરાયેલ સામગ્રીને પગ તળે કચડવી નહીં, ૫) શ્રધ્ધાહીન વ્યક્તિઓ પાસે પ્રભુનો મહિમા ગાવો નહીં કારણ કે આવી વ્યક્તિઓ પ્રભુ મહિમાને સમજી શકતી નથી જેથી કરીને તે નીંદા તરફ વળી જાય છે, ૬) જે જીવો પ્રભુને પ્રિય એવા ભક્તોની નિંદા કરે છે તેઑ ભગવાનના અપરાધી બને છે. ૭) પ્રભુને ભોજન કરવું ખૂબ ગમે છે તેથી પોતાનાં આરાધ્યની પસંદ –નાપસંદગીનું ધ્યાન રાખી ઋતુ પ્રમાણે થતાં ફળો અને શાકભાજીનો ઉપયોગ પ્રભુની પ્રસન્નતા માટે કરવો.૮) જ્યારે પ્રભુ, ગુરુ અને ભગવદીયનાં માન-અપમાનનો પ્રશ્ન થાય ત્યારે ભક્તોએ કેવળ પોતાનાં ધર્મ અને શુભ કર્મ વિષે વિચારવું, પણ વાણી દ્વારા, વર્તન દ્વારા તેમનું અપમાન ન કરો. ૯) ભક્તે વૃક્ષથી પણ વધુ સહનશીલ અને તણખલાથી પણ વધુ નમ્ર થવું જોઈએ. ૧૦) પોતાનાં ગૃહમાં આવેલ અતિથિમાં પ્રભુનું જ સ્વરૂપ જાણવા છતાં યથાયોગ્ય તેનું સ્વાગત ન કરવાથી પ્રભુ ઉદાસીન થઈ જાય છે.

જ્યારે, વરાહપુરાણ કહે છે કે ૧) દૃષ્ટિથી દૂષિત થયેલા ખાદ્યને પ્રભુ સમક્ષ ભોગ તરીકે મૂકવો નહીં. કારણ કે દૃષ્ટિથી દૂષિત થયેલ ભોગ પ્રભુ આરોગતા નથી. ((આપણે ત્યાં પણ શ્રી ઠાકુરજીનો ભોગ બનાવતી વખતે ગુપ્તતા જાળવવામાં આવે છે અને પ્રભુને ભોગ ધરાવતી વખતે ટેરો નાખવામાં આવે છે)), ૨) બીજા દેવો પણ ભગવદ્ સ્વરૂપ જ હોવાથી તેમનું અપમાન કરવું નહીં, પણ આ ભગવદ્ સ્વરૂપ ભગવાન કૃષ્ણથી ઉપર નથી, માટે આ દેવોને કૃષ્ણની સમકક્ષ ગણવા નહીં. ૩) ભગવાન કૃષ્ણ એ પોતાનાં ગુણ, ભગ અને ઐશ્વર્યથી સમસ્ત દેવી દેવતાઓથી ઉપર છે તેથી ભક્તો માટે અને વૈષ્ણવજનો માટે કેવળ વ્રજનરેશ કૃષ્ણ જ ભગવદ્ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. ૪) જીવોએ પોતાને પ્રભુનાં સાનિધ્યમાં લઈ જનારા ગુરુઑ પ્રત્યે ઉદાસીન ભાવ ન રાખવો કે તેમનું અપમાન ન કરવું. ૫ ) મૃતદેહ પાસે રહ્યા પછી મંદિરમાં સીધા જવું નહીં, ૬) સૂતકી હોય તો સુતકના સમસ્ત દિવસોમાં નામસ્મરણ લેવું પણ મંદિરમાં, ગુરૂજનોના ચરણસ્પર્શ કરવા જવું નહીં ( વૈદિક શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો માટે સૂતકનાં ૧૨ દિવસ, ક્ષત્રિય અને વૈશ્ય માટે ૧૫ દિવસ અને શુદ્રો માટે ૩૦ દિવસ હોય છે.)  ૭) ઋતુ ધારણ કરેલી સ્ત્રીઓએ મંદિર-હવેલી જેવી પવિત્ર જગ્યામાં જવું નહીં, ૮ ) પ્રભુ પાસે નશાયુક્ત અવૈધિક વસ્તુઓનું સેવન કરવું નહીં, ૯) પ્રભુની પ્રતિમા સામે પાન-બીડા ચાવવા નહીં, ૧૦) પ્રભુ પાસે ધુમાડો કરી જવું નહીં. ૧૧) આસન વિના બેસીને પ્રભુની સેવા કરવી નહીં, ૧૦) પ્રભુચિંતન, સ્મરણ સતત ચાલું રાખવું.

હરિવંશ પુરાણમાં કહે છે કે ૧) ઋતુ પ્રમાણે થતાં ફળોને, ઘરમાં આવતું પ્રથમ અન્ન ધાન્યને ( અખાદ્ય નહીં ) પ્રભુને ધર્યા વગર ઉપયોગમાં લાવવું નહીં. ૨) પ્રભુ અને ગુરુ સમક્ષ પીઠ ફેરવીને, ઘૂંટણ પકડીને, કે પગ પાછળ વાળીને બેસવું નહીં, ૩) ગુરુ પાસે પ્રભુની નિંદા કરવી નહીં અને પ્રભુ પાસે ગુરુની નિંદા કરવી નહીં, ૪) પ્રભુ કે ગુરુ સમક્ષ સ્વપ્રસંશા કરવી નહીં, ૫) શરીરે તેલ મર્દન કરીને પ્રભુ પાસે જવું નહીં, ૬) ભગવાનની સર્વોપરિતાનું પ્રતિપાદન કરતાં કોઈપણ શાસ્ત્રનું અપમાન કરવું નહીં. ૭) પુરુષ હોય કે સ્ત્રી હોય બંને તત્ત્વો પ્રભુના જ અંશ છે માટે તેમણે મસ્તક ઉપર તિલક અને બિંદી લગાવી સૌભાગ્યશાળી બનીને પ્રભુ સમક્ષ જવું. વિષ્ણુપુરાણ કહે છે કે ૧) અવૈષ્ણવ દ્વારા રંધાયેલું અન્ન ખાવું નહીં, ૨) અસમર્પિત થયેલા અન્નનો ત્યાગ કરવો, ૩) ભગવાનને નામે સમ ખાવા નહીં, ૪) કૃષ્ણભક્તિને ઉલ્લેખિત કરતાં વેદ, શાસ્ત્રોની નિંદા કરવી નહીં, ૫) ભગવદ્ નામ લેતા લેતા પાપાચાર કરવો નહીં. ( પ્રભુનું નામ લેતા લેતા પાપ કરવું અને પાપને દૂર કરવા ફરી પ્રભુનામનું શરણ લેવું તે અપરાધ છે. ) ૬) પ્રભુ કે ગુરુ સમક્ષ કોઈ ભિક્ષુકને દાન આપવું જોઈએ નહીં, ૭) ગજા પ્રમાણે જીવે પ્રભુનું પૂજન ચોક્કસ કરવું. ૮) પ્રભુ પાસે જઇ કેવળ એક હાથે પ્રણામ કરવા નહીં, ( જો તે વ્યક્તિ અપંગ હોય તો વાત અલગ છે પણ પૂર્ણાંગવાળા મનુષ્યોએ પોતાના સર્વે અંગ-ઉપાંગોથી વિવેકપૂર્વક પ્રભુને નમન કરવું, ૯) પ્રભુની મૂર્ત-અમૂર્ત પ્રતિમા સામે રડવું નહીં, ચીસો પાડવી નહીં કે જોર જોરથી વાતો કરવી નહીં, ૧૦) પ્રભુ કે ગુરુ સમક્ષ હસ્ત હિંસા કે મુખ હિંસા કરવી નહીં ( એટ્લે કે કઠોર વચનો ઉચ્ચારવા નહીં ), ૧૧) પ્રભુ અને ગુરુ સમક્ષ સૂવું નહીં, કે તેમની સમક્ષ જોડા પહેરીને જવું નહીં.  

ભાગવતપુરાણ કહે છે કે ૧) પ્રભુ સમક્ષ પોતાની પાસે રહેલાં ધનનો દેખાડો કરવો નહીં, ૨) પ્રભુને ચામડાની વસ્તુઓ ધરવી નહીં કે ચામડું પહેરી તેમની પાસે જવું નહીં, ૩) અસ્વચ્છ પાત્રમાં પ્રભુને ધરાવવાની વસ્તુઓ મૂકવી નહીં અને આવા અપાત્રમાં મૂકેલી વસ્તુઓ હોય તો તે પ્રભુને ધરાવવી નહીં, ૪) પ્રભુ સામે વા-છૂટ કરવી નહીં, ૫) પ્રભુની સેવા કરતાં કરતાં મળ-મૂત્ર વિસર્જન કરવા જવું નહીં, અને અનિવાર્ય સંજોગોમાં જવું જ પડે તો ફરી સ્નાન દ્વારા શુધ્ધ થઈ સેવા કરવા પધારવું, ૬) દરરોજ પ્રભુ સમક્ષ જતાં પહેલા મુખ સ્વચ્છ કરવું, ભોજન લીધા બાદ પ્રભુ કે ગુરુ સમક્ષ ઓડકાર લેવો નહીં અથવા જ્યાં સુધી અન્નનું પાચન ન થયું હોય ત્યાં સુધી પ્રભુ કે ગુરુ સમક્ષ જવું નહીં. ૭) દૂષિત થયેલાં કે અતિ ઠંડા જળ વડે પ્રભુને સ્નાન કરાવવું નહીં, ૮) પ્રભુની લીલાભાવનાનું ભૌતિક રીતે કે તેનાંથી નીચી રીતે અર્થઘટન કરવું નહીં. (આ વાક્યને અનુસરીને શુકદેવજી કહે છે કે સાત વર્ષનાં અને નવ વર્ષનાં મદન સ્વરૂપ કનૈયાએ ભલે વ્રજલીલા દરમ્યાન રાસલીલા કરી પણ આ રાસલીલામાં કેવળ અને કેવળ નિર્દોષભાવ હતો, પ્રભુની આ લીલામાં સંસારને ચલાવનાર કામદેવનું સ્વરૂપ ક્યાંય ન હતું. માટે પ્રભુની આ લીલાને કામુક ભાવે ન જોવી), ૯) ગુરુ અને ભગવદ્ ભક્તો સાથે અસદાલાપ કે નિરર્થક ચર્ચાઓ કરવી નહીં, કે તેમની સાથે વાદવિવાદમાં પડવું નહીં, ૧૦) ઘણીવાર ભગવદીયોનાં વિચાર-વાણી સાથે સહેમત ન થવાય તો પોતાની વાત શાંતિથી તેમની સામે મૂકવી અને જો તેઓ ન માને તો આપણાં હૃદય-મન અને દૃષ્ટિને જે સત્ય લાગે તે રીતે કરવું પણ કેવળ દર્શાવવા ખાતર વિવાદ વધારવો નહીં.

બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે ૧) શિવ, ગણપતિ, વિશ્વકર્મા, બ્રહ્મા આદી સમસ્ત દેવોનું સ્વરૂપ ભગવાન કૃષ્ણમાં સમાયેલું છે અને ગંગા, દુર્ગા, પાર્વતી, શચિ આદી દેવીઓનું સ્વરૂપ વ્રજસ્વામિની શ્રી રાધા અને યમુનામાં સમાયેલું છે તેથી ક્યારેક આ દેવ-દેવીઓની પૂજા અર્ચના કરવાનું મન થાય તો વ્રજસ્વામીની સહિત કૃષ્ણનું પૂજન કરવાથી અન્ય દેવદેવીઓને પૂજન કર્યાનું ફળ પણ મળી જાય છે માટે ભક્ત જીવોએ કૃષ્ણને છોડીને આમતેમ ભટકવાની જરૂર નથી. કારણ કે ભગવાન વિષ્ણુ પણ જ્યાં અધૂરા છે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભક્તોને અને ભક્તોની ભાવનાને પણ પૂર્ણ કરે છે. ૨) જીવોમાં રહેલું “ હું “ પણું એ પ્રભુ મિલન માટે બાધક છે માટે પ્રભુ માર્ગે ચાલતી વખતે જીવોએ મન-હૃદયમાંથી અહંકારયુક્ત “હું” નો ત્યાગ કરવો જરૂરી છે ((અહીં સ્વમાનયુક્ત “હું” પદની વાત નથી કરી.)) ૩) જે જીવોને પ્રભુમિલનની આસક્તિ હોય તેવા જીવોએ કર્મ અને ધર્મ માર્ગે ચાલતાં ધુતારા, કપટી, ઢોંગી લોકોનો સંગ છોડી દેવો, શ્રી સુબોધિનિજીમાં કહ્યું છે કે ભાવથી પ્રભુને પુષ્પ, પાણી કે તુલસીપત્ર પણ અર્પિત કરાય તો પણ પ્રભુ સ્વીકારે છે. પરંતુ આનો અર્થ એ ન લેવો કે પ્રભુને ફક્ત પત્ર, પાણી અને પુષ્પથી પૂજી શકાય. જે મનુષ્ય પાસે ઉત્તમ સાધન–સંપતિ છે તો તેઓએ પોતાની એ સાધન સામગ્રીનો ઉપયોગ પ્રભુસેવા કાજે કરવો. ભગવાને  કહેલ આ સૂત્ર સાર્વત્રિક છે તેથી રંકમાં રંક મનુષ્ય અને ધનિક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર તે પ્રમાણે વ્યવહાર કરી શકે છે. ૨ ) સત્સંગ અને સત્જનોનો સંગ લેવા ઇચ્છતા જીવોએ કેવળ લૌકિકને લઈને જીવન જીવતાં લોકોનો ત્યાગ કરવો કારણ કે લૌકિકનો સંગ એ છિદ્ર પડેલી નાવ જેવો હોય છે જે પોતે તો ડૂબે છે, પણ સાથે પોતાની સંગે રહેનારને પણ ડૂબાડે છે. જ્યારે પદ્મપુરાણમાં કહ્યું છે કે જો કોઈ જીવ પોતાના આરાધ્યના નામને છોડીને બીજા આરાધકના દેવનું નામ લે છે તે પ્રભુના નામનો મોટો અપરાધી બને છે આવા જીવોનો ઉધ્ધાર થવાની તક રહેતી નથી.પદ્મ પુરાણની આ જ વાતને અનુસરીને  શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ ભાવપ્રકાશમાં કહ્યું છે કે જીવોને પ્રભુને મેળવવા છે તેવા જીવોએ ભગવદપ્રાપ્તિમાં બાધક બનતાં આ તત્ત્વોથી દૂર રહેવું જોઈએ.

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ.
purvimalkan@yahoo.com

 

 

 

 

 

 

જરા જોખમ લઈને જોઈએ તો….

શા માટે લોકો જોખમ લઈને પરાક્રમી બની જાય છે, પણ આ જોખમ પર હજુ સંશોધન થયું નથી તેથી તેનો કોઈ જવાબ પણ નથી. પરંતુ હકીકત એ જ છે કે લોકો એકવાર નહીં અનેકવાર જોખમ લે છે. કારણ કે જોખમ એ સંવેદનાનો એવો અર્ક છે, જે આપણાં જીવનમાં ધરખમ ફેરફાર લાવે છે. જોખમ લેવાથી જીવન સફળ પણ થાય છે તો ક્યારેક મુશ્કેલીઑમાં પણ ફસાઈ જઈએ છીએ. પરંતુ; જોખમ લેવાથી જ જીવન પર અસર થતી થતી પરંતુ ક્યારેક એવું યે બને છે કે જોખમ લેવાનાં વિચારથી જ આહાથપગ ઢીલા થવા માંડે છે. ત્યારે આપણે પોતે કેટલા પાણીમાં છીએ ને એ પાણીમાં કેટલું ક તરતા આવડે છે તેનો આભાસ કરી લઈએ છીએ. મૂળ વાત એ છે કે રોજબરોજ નાં જીવનમાં આપણે કેટલાય જોખમ લેતાં હોઈએ છીએ પણ તે જોખમો સદ્રઢ વિચારશક્તિથી લીધેલા હોઈ તેને આપણે નિર્ણય તરીકે ઓળખીએ છીએ. પણ સ્વ ઉપર, પરિવાર ઉપર કે આર્થિક રીતે ક્યારેક એવા અઘરા નિર્ણયો લેવામાં આવે જેમાં ડરનું પ્રમાણ વધારે હોય છે તેવા નિર્ણયોને આપણે જોખમ તરીકે ઓળખીએ છીએ.

થોડા સમય પહેલાં જ એક મિત્ર સાથે વાત થતી હતી, તેઓ કહે કે મલકાણ ૧૯૯૦ માં કોલેજમાંથી બહાર નીકળ્યો ત્યારે ઘરમાં પપ્પાની લાંબી બીમારીને કારણે પરિસ્થિતી બદલાઈ ગઈ હતી. આ સમયે પપ્પાનાં એક નજીકનાં મિત્રના બિઝનેઝમાં ત્રીજા પાર્ટનર તરીકે જોડાયાં. ધીરેધીરે તે વડીલ કાકાની પાસેથી બિઝનેઝનાં બધાં જ પાઠ શીખ્યો તેથી જીવન ચાલતું હતું, પણ કોઈપણ કામમાં પ્રગતિ થાય તો કામ કર્યું સાર્થક લાગે… પણ અહીં એવું ન હતું….ઘણાં વર્ષો સુધી બિઝનેઝ સંભાળ્યા પછી પણ હંમેશા હાથ ટૂંકો જ રહેતો. આવી પરિસ્થિતીમાં મારી બહેન હંમેશા કહેતી કે ભાઈ તારો આ બિઝનેઝ બકરી જેવો છે જે કયારેય રૂપિયા ચાવતા અટકતો નથી માટે આ બિઝનેઝમાંથી છૂટો થા અને એક નોકરી લઈ લે કમ સે કમ દર મહિને પાંચ –પચીસ હજાર રોકડા તો આવશે. ને તને તારા કુટુંબની ચિંતા હોય તો તે ચિંતા છોડ હું ધ્યાન રાખીશ પણ બહેન ઉપર મને વિશ્વાસ ન આવ્યો; અને આગળ કોઈ પગલું લેતા ડરતો રહ્યો. બિઝનેઝ વગર મારી કાલ કેવી હશે? તે અજાણ્યાં ડરને કારણે હું ક્યારેય જોખમ લેવા તૈયાર ન થયો, પણ એક એવો સમય આવ્યો કે સતત થતાં નુકશાનને અને વધતાં જતાં દેવાને કારણે બિઝનેઝ વેચી દઇ, દેવું ચૂકતે કરી થોડો સમય ઉચાટ જીવે ઘરમાં રહ્યાં. પછી ઓછા પગારવાળી નોકરી પણ એ સ્વીકારી લીધી જેથી આજે મારું ઘર ચાલે છે. જો પહેલેથી બિઝનેઝમાંથી છૂટો થયો હોત તો આજે નોકરીમાં હું કદાચ વધુ સારી રીતે સેટલ થઈ શક્યો હોત પણ હંમેશા અજાણ્યાં જોખમોથી ડરતો રહ્યો. બિઝનેઝ છોડતાં પહેલાં વિચારતો હતો કે આ બિઝનેઝ નહીં હોય તો હું કરીશ શું? ને માનો કે છોડી દઉં તો આ ઉંમરે મને નોકરી કોણ આપશે? ખરા અર્થમાં જોઈએ તો તે મિત્રની વાત બંને રીતે સાચી હતી, પણ મૂળ વાત એ હતી કે તેનો વિચાર એજ તેનાં માટે જોખમરૂપ હતો. કદાચ જોખમ ભર્યો પણ વહેલો નિર્ણય લઈ લીધો હોત તો કદાચ વધુ સારી નોકરી તેઓ મેળવી શક્યા હોત. પણ ઘણીવાર વિચાર અને સમય પર જોખમ કેવી રીતે લેવું તે આપણને સમજાતું નથી જેને કારણે આપણી પ્રગતિમાં આપણે જ જાણતા અજાણતા બ્રેકરૂપ બની જઈએ છીએ. જોખમ ભર્યા નિર્ણયોની બાબતમાં અન્ય એક દૂરનાં સંબંધી યાદ આવે છે જેઓ ઇદી અમીનને કારણે થયેલ કટોકટીનાં સમયે ઈન્ડિયા પહોંચેલા. તેઓ કહેતાં હતાં કે અમીનનાં સમયમાં અમે ઘરમાં રહીએ તોયે જોખમ હતું, ને ઘરની બહાર પગ મૂકીએ તોયે જોખમ હતું. ઈન્ડિયા અમે કેવી રીતે આવ્યાં છીએ તે તો અમે જ જાણીએ છીએ. જો ઈન્ડિયા માટે તે દિવસે અમે ઘર બહાર જીવ જોખમમાં લઈને અમે નીકળ્યાં ન હોત તો આજે આ દિવસો જોવા માટે જીવ્યા હોત કે નહીં તેની ખબર નથી. આ વાત કહેવાનો અર્થ એ થયો કે પ્રત્યેક સમય, સંજોગ આપણે માટે જીવનમાં અનેક એવા જોખમો લઈને આવે છે જેને કારણે વર્તમાન જીવન કે ભવિષ્યનાં જીવન ઉપર અસર પડે છે. હા તે અસર સુખદ છે કે દુઃખદ તે તો સમય જ કહી શકે છે પણ હકીકત એ જ છે કે જોખમનું અસ્તિત્વ હંમેશા માણસ સાથે પોતાની સંવેદનાઓ શેર કરતું રહ્યું છે. જો’કે આમાં કેવળ માણસોની જ વાત નથી પશુપક્ષીઓ માટે પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. દા.ખ પશુ કે પક્ષી ખોરાક લેવા માટે બહાર જાય છે ત્યારે તેનાં સાથીને ખબર હોતી નથી કે તેનો સાથી પાછો આવશે કે નહીં, પણ તેમ છતાં યે તે પશુ-પક્ષીઓને પોતાનાં માટે કે પરિવાર માટે ખોરાક લેવા માટે અનેક જોખમોમાંથી નીકળવું જ પડે છે. અહીં પણ ઇદી અમીનનાં સમયમાં જે થયું તે તે સમયનાં ભારતીયો માટે ય સહજ કે સરળ નહીં હોય, વર્ષોથી ભેગી થયેલ મહેનતની કમાણી એમ જ છોડી, પહેરેલાં કપડાં સાથે નીકળી જવું એમાં યે આવતીકાલે જીવિત રહીશું કે નહીં તેની પણ ખબર ન હોય ત્યારે તે વ્યક્તિ પર શું વીતે છે તે તો તે વ્યક્તિ જ કહી શકે છે. કારણ કે આપણે જોનારા કે લખનારા વ્યક્તિઓ તે ત્રીજા વ્યક્તિ થઈ જાય છે જે જોખમોનાં સમયને સૂંઘી તો શકે છે પણ તેને મહેસૂસ નથી કરી શકતાં.

જોખમની બાબતમાં વિશ્વની ઘણી સંસ્કૃતિઓ આજે દેશ છોડવાનું, દેશ તૂટવાનું અને એ તૂટેલા દેશમાં રહેવાનુ દેશમાં રહેવાનું શું જોખમ છે તે સારી રીતે જાણી શકે છે. તેમાં ચાહે અફઘાનિસ્તાન હોય, કે ઈરાક હોય કે સિરીયા હોય કે યમન હોય. આ આપણાં વિશ્વની બધી જ તૂટતી સંસ્કૃતિઓ અત્યારે તો કેવળ એક જ જીવ પ્રત્યે ઈશારો કરે છે તે છીએ આપણે જ ….કારણ કે એક પ્રાણી હિંસા કરે છે તે કેવળ પોતાનાં પેટ સુધી જ છે પણ સૌથી સુસંસ્કૃત મનુષ્ય જ એવા જીવો છે તેઓ પોતાનાં અહંકાર, ગુસ્સો, લોભ, સ્વાર્થ વગેરે તત્ત્વોને લઈને બીજા જીવો માટે જોખમરૂપ બને છે જેને કારણે અનેક સંસ્કૃતિઓ લૂંટાઇ જાય છે, તૂટી જાય છે કે તેનો નાશ થઈ જાય છે.

મહર્ષિ ચાણક્ય કહી ગયા છે કે જોખમ કેવળ મનુષ્ય માટે જોખમી નથી હોતો બલ્કે સંસ્કૃતિઓ માટે પણ હોય છે. કારણ કે પ્રત્યેક તૂટતી સંસ્કૃતિ ફરી નવસંસ્કૃતિ આવશે કે નહીં તે બાબત અંગે એવો ડર ઊભો કરે છે જેની અસર યુગો સુધી દેખાય છે. મહર્ષિ ચાણક્યની આ તૂટતી સંસ્કૃતિઓને લઈને વિચારીએ તો આપણે પ્રાચીન ઇતિહાસના કેટલાક પાનાં ઉથલાવવા પડે. શ્રી રામે લંકા ઉપર વિજય તો મેળવ્યો પણ રાક્ષસ સંસ્કૃતિ તૂટી ગઈ. આ રાક્ષસ સંસ્કૃતિ ફરી ઊભી થશે કે નહીં તે બાબત એક વિચારણીય પ્રશ્ન હતો. કારણ કે જો રાક્ષસ સંસ્કૃતિ ઊભી ન થાય તો વિભીષણ રાજ્ય કોની ઉપર કરશે? આ વિચારે રામને આદેશ દેવો પડ્યો કે જે બચેલા રાક્ષસ પુરુષો છે તે લંકાની વિધવા નારીઓ સાથે પુનઃવિવાહ કરે અને તે પુનઃવિવાહથી ફરી એક નવી અસુર સંસ્કૃતિનું નિર્માણ કરે. વિભિષણે શ્રી રામની વાત માની અને શરૂઆત પોતાનાથી કરી રાવણપત્ની મંદોદરી સાથે વિવાહ કર્યા. પણ વિભિષણનાં આ પગલા પછી નવી રાક્ષસ સંસ્કૃતિ ઊભી થઈ કે નહીં તેનો ઈતિહાસકારોએ કોઈ ઉલ્લેખ કર્યો નથી.

પ્રાચીન યુગનાં અતીતથી સફર કરી હવે આપણે અર્વાચીન યુગમાં આવીએ. બીજા વિશ્વયુધ્ધ પછી જાપાન આર્થિક રીતે ઊભું તો થયું પણ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વપરાયેલા બોમ્બની અસર આજેય નવી સંસ્કૃતિ ઉપર જણાય છે. આજેય અનેક બાળકો શારીરિક –માનસિક રીતે વિક્ષિપ્ત જન્મે છે. જે જોઈને ખ્યાલ આવે છે કે તૂટતી સંસ્કૃતિઑનું આ તથ્ય કેવળ એક દેશ તરફ ઈશારો નથી કરતું બલ્કે બીજા ઘણાં પ્રોબ્લેમ તરફ ઈશારો કરે છે. વિશ્વ યુધ્ધ પછી શારીરિક –માનસિક રીતે ઘાયલ થયેલા અમેરિકનોએ પીડા ભૂલવા માટે મોર્ફિન ડ્રગ્ઝનો સહારો લીધો. પરંતુ થોડી પીડા ભૂલવા માટે શરૂ થયેલ આ ડ્રગ્ઝનું પ્રમાણ ૧૯૬૦ એટલુ વધી ગયું કે આખેઆખી પેઢીઓ બરબાદ થઈ ગઈ. આ વાત કહેવાનો અર્થ એ કે ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક પાથ પર ચાલવાનું જોખમ હોય છે, પણ તેમ છતાં યે સુયોગ્ય વિચારશક્તિનાં અભાવે કે બાહરી વાતાવરણનાં પ્રભાવમાં આવીને એ વસ્તુ કરવાનું જોખમ લઈ લઈએ છીએ જેની અસર ભવિષ્યને થાય છે. જો’કે આ વાત કેવળ ભૂતકાળની નથી હાલમાં જ અફઘાનિસ્તાન અંગે એક સર્વેક્ષણ બહાર આવ્યું છે જેમાં બે પોઈન્ટ બતાવ્યાં છે. એક પોઈન્ટ નકારાત્મકતા તરફ ઈશારો કરે છે અને બીજો પોઈન્ટ હકારાત્મકતા તરફ ઈશારો કરે છે.

નકારાત્મકતા માટે કહ્યું છે કે ૨૦૦૩ પછી અફઘાનિસ્તાનમાં કેવળ સ્ત્રીઓઓની હાલત ખરાબ નથી બલ્કે અહીં રહેતાં અનાથ બાળકોનું જીવન પણ જોખમમાં છે. કારણ કે ૨૦૦૩ પછી અહીં ૧૦ થી ૧૭ વર્ષનાં બાળયુવાનોનું પ્રોસ્ટીટ્યુશનનું પ્રમાણ ખૂબ વધુ ગયું છે.

જ્યારે હકારાત્મકતા માટે કહ્યું છે કે તૂટતી સંસ્કૃતિઓનાં જોખમ જેમ નુકશાન લઈને આવે છે તેમ એક નવયુગની એક નિશાની પણ લઈને આવે છે. કારણ કે પ્રત્યેક સંસ્કૃતિ જ્યારે તૂટે છે ત્યારે ત્યારે સંસ્કૃતિ પૂજક એવા લોકોની ભેંટ લઈને આવે છે જેઓ ફરી સંસ્કૃતિ જોડવાનાં કાર્યમાં લાગી જાય છે. સર્વેક્ષણની આ વાત એક અફઘાની નાગરિક નજીમબુલ્લાહ હમીદ ફારૂખી તરફ ઈશારો કરે છે. ૨૦૦૬ માં નજીમબુલ્લાહે જોયું તૂટેલા અફઘાનિસ્તાનની સાથે તેની સાંસ્કૃતિક વિરાસત પણ તૂટી ગઈ છે, તેથી બુલ્લાહે ન્યૂયોર્કમાં રહેતી પોતાની દીકરી સુબ્બાને કહ્યું કે એક સમયે આપણાં દેશમાં હિન્દુ, બૌધ્ધ અને મુસ્લિમ એમ ત્રણ ત્રણ સંસ્કૃતિઓ પોતાની ભવ્યતા ગાઈ રહી હતી ને આજે જ્યાં જોઉં છુ ત્યાં ખંડિત થયેલ ખંડેર જ નજર આવે છે તે ચાહે ઇન્સાન હોય કે ઇતિહાસ હોય. બેટિયા મારી ઈચ્છા છે કે હું આપણી એ ખંડિત થયેલી સંસ્કૃતિની વિરાસતોને બચાવવા માટે થોડો પ્રયત્ન કરું. શું તું મને આર્થિક રીતે થોડો સાથ આપીશ? સુબ્બાએ પોતાનાં પિતાની ઈચ્છા સમજી ન્યૂયોર્કનાં આર્કિયોલોજીસ્ટો અને યુનેસ્કોની મદદ લીધી. સુબ્બાની હામી, તેના નિર્ણય અને મદદથી ખુશ થઈ નજીમબુલ્લાહે એ જેમને સંસ્કૃતિ માટે પ્રેમ હોય, જેમને કામની તલાશ હોય એવાં લોકોને ભેગા કરવા લાગ્યાં આ લોકોને નજીમ્બુલ્લાહે કહ્યું કે તમે મને આપણી વિરાસતો ભેગી કરવા માટે મદદ કરો, ને હું તમને તમારું ઘર ચલાવવા માટે અફઘાની (કરન્સી) આપીશ. અફઘાની વોર પછી જીવન ચલાવવા માટે આ લોકો સાથે મળીને બુલ્લાહે એ બધાં જ તૂટેલા મ્યુઝિયમોની મુલાકાતો લેવા માંડી અને આ તૂટેલા મ્યુઝિયમોમાંથી ત્યાં રહેલી તમામ તૂટેલી વસ્તુઓને ભેગી કરવા લાગ્યાં. ૨૦૦૭ થી અત્યાર સુધી નજીબુલ્લાહે એ તમામ તૂટેલી વિરાસતો ભેગી કરી જેને ક્યારેક તાલિબાનીઑએ જાણી જોઈને તોડી હતી અને અમુક અફઘાનવોરમાં તૂટી ગઈ હતી. એક સામાન્ય નાગરિક નજીબુલ્લાહના આ બનાવે સમાજ સામે નવું ઉદાહરણ બહાર પાડ્યું. જેને કારણે એક સમયે જે અફઘાનીઓ પોતાનાં દેશની વિરાસતો તોડવામાં વિકૃત આનંદ મેળવતાં તે જ લોકો આજે પોતાની વિરાસતો ભેગી કરી રહ્યાં છે. હા, તેમાં કમાણીનો સ્વાર્થ ચોક્કસ રહેલો છે પણ પોતાનાં જીવનાં જોખમે, તાલિબાનીઑથી છુપાઈને અને છુપાવીને આજે ય અનેક અફઘાનીઓ સંસ્કૃતિનાં તૂટેલા અંશોને ભેગાં કરવામાં વ્યસ્ત છે. નજીબુલ્લાહનું કામ અહીં અટક્યું નથી. તેમણે હવે આર્કીયોલિજીસ્ટો અને યુનેસ્કો સાથે મળીને ઇરાકની તૂટેલી વિરાસતોને ભેગી કરવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે જે અત્યંત સરાહનિય છે. બુલ્લાહ કહે છે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિને સમજણ વગર તોડીએ છીએ ત્યારે આપણાં ગર્વિલા ઇતિહાસ અને આપણી માતૃભૂમિનું અપમાન કરીએ છીએ અને જો અકસ્માતે એ તૂટી જાય તો તે તૂટેલી સંસ્કૃતિને ભેગી કરવાનું કાર્ય આપણું છે જેથી કરીને આવનારી પેઢી એ વિતેલા યુગનાં ઈતિહાસથી વંચિત ન રહી જાય. કારણ કે ઇતિહાસ હશે તો આપણે કોણ હતાં ને કોણ છીએ તેની જાણ થશે. અન્યથા કાળનાં એવાં અંધકારમાં આપણે ખોવાઈ જઈશું જ્યાં આપણું અસ્તિત્વ શૂન્ય હોય. નજીબુલ્લાહનાં આ કાર્ય પ્રત્યે ધીમે ધીમે જાગૃકતા આવી રહી છે તેથી અફઘાન સરકાર અત્યારે પ્રોત્સાહન આપી રહી પણ તે પ્રોત્સાહન આર્થિક રીતે નથી, કેવળ મૌખિક છે. આર્થિક દૃષ્ટિએ બુલ્લાહ અને અનેક અફઘાની લોકોનાં ઘર આજેય સુબ્બાની કમાણી ( સમર્પણ ) પર ટકેલાં છે. પણ આમાં મોટી વાત એ છે કે બુલ્લાહને અનેકવાર તાલિબાનીઑ તરફથી મોતની ધમકી મળી ચૂકેલી છે પણ તે ધમકીઓથી ગભરાયા વગર પોતાનું કાર્ય કર્યે જાય છે તેઓ કહે છે કે મૃત્યુને આવવા માટે હંમેશા કોઈને કોઈ બહાનું જોઈએ જ છે, માટે હું મૃત્યુ માટે ડરતો નથી. હું કેવળ એટલું જ સમજુ છુ કે જે દિવસે મૃત્યુ મને પકડી લે તે દિવસે મારી પાસે મારા જેવા ઓછામાં ઓછા પાંચ એવાં નજીબુલ્લાહ હોવા જોઈએ જેઓ પોતાની જાનનાં જોખમે મારા દેશની સંસ્કૃતિ માટે કામ કરી શકે, અને તેઓ જો મૃત્યુની ગોદમાં છુપાઈ જાય તો તેમની પાછળ બીજા પાંચ હોવા જોઈએ. ટૂંકમાં કહું તો આ કાર્ય ક્યારેય અધૂરું ન રહેવું જોઈએ, કારણ કે જો આ કાર્ય અધૂરું રહેશે તો આવતીકાલનું જીવન ચોક્કસ જોખમ હશે.

નજીબુલ્લાહનાં આ પ્રસંગ ઉપરથી કે બીજા વિશ્વયુધ્ધ પછી જાપાને જે રીતે દોડ શરૂ કરી તે ઉપરથી એટલું તો સમજી જ શકાય છે કે જોખમ લેવાનું, કેટલું લેવાનું, ક્યારે લેવાનું, શા માટે લેવાનું આ બધી જ વાતો નકારાત્મકતા સાથે હિંમત, સમર્પણ, નવી વિચારશક્તિ, એકતા વગેરે હકારાત્મકતાને ય જન્મ ચોક્કસ આપે છે જે સમાજને નવી દિશા તરફ લઈ જાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

મને ય મળવા કોઈ આવ્યું છે;

શું સંવેદનાઓમાં કોઈ ફર્ક હોય છે? કદાચ નહીં…પણ જેનું સમાજમાં કોઈ માન ન હોય, જેની તરફ કોઈ સારી દૃષ્ટિ તરીકે પણ ન જોતું હોય તેવી વ્યક્તિની સંવેદનાઓની વાત આવે ત્યારે આપણે શું કરીશું? કદાચ તેની તરફ તિરસ્કાર ભરી નજર કરીશું કે, દયા કરીશું પણ આપણી સંવેદનાઓ તેની સાથે શેર નહીં કરીએ. આપણે પ્રાણીઓ તરફ સંવેદનાઓ રાખીશું પણ એ સ્ત્રીઓ…..જેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી તેની સંવેદનાઓની આપણે પરવા કરતાં નથી. પરંતુ બેબેટાની વાત અલગ છે. બેબેટા…. લંડનથી નેધરલેન્ડ જતી યુરોસ્ટારમાં અમને એ મળેલી. વિવિધ સ્ટેશને ચડતાં ઉતરતા એ યાત્રીઓની વચ્ચે અચાનક એ અમારી સામેની સીટમાં આવીને બેસેલી. જેમ જેમ અમારી બેબેટા સાથેની ઓળખાણ વધતી ગઈ તેમ તેમ અમારી વાતોમાં વેધર, સંસ્કૃતિ, દેશ, ફૂડ, પ્રવાસ, સિટી વગેરે વણાવવા લાગ્યાં. વાતચીત કરતાં કરતાં મે બેબેટાને પૂછ્યું કે…. શું તું નેધરલેન્ડમાં કામ કરે છે?

તે કહે; હા કામ કરું છુ……. પણ એવું કામ…..કહી તે ચૂપ થઈ ગઈ અને બીજી દિશામાં મો ફેરવી….ધીરા શબ્દોમાં કશુંક બબડી ગઈ…… બેબેટાનાં તે અધૂરા, ન સમજાયેલા વાક્યને સમજવા હું પ્રયત્ન કરવા લાગી…પણ સમજણ ન પડતાં ચૂપ રહી. સામેની બાજુએ બેબેટા પણ થોડીવાર ચૂપ રહ્યા પછી કહે;

તમે એમ્સર્ડમ ફરવા જાવ છો ને….તો હું જ્યાં કામ કરું છું ત્યાં તમે આવશો?

તેની આ વાતથી અમને આશ્ચર્ય થયું તેથી પૂછ્યું તારા વર્ક કરવાની જગ્યા એ અમે કેવી રીતે આવીએ?

તે કહે ખાસ આવવાની જરૂર નથી, પણ જો અમારી સ્ટ્રીટમાંથી નીકળવાનું થાય તો તમે ચોક્કસ આવજો મને ખુશી થશે.

બેબેટાની એ વાત સાંભળી અમને આશ્ચર્ય થયું પણ આછા હાસ્ય સાથે શ્યોર કહી અમે ચૂપ થઈ ગયાં. એમ્સર્ડમ આવતાં જ તેણે અમને પોતાની સ્ટ્રીટનું એડ્રેસ આપ્યું ને અમે છૂટા પડ્યાં. હોટલમાં પહોંચીને અમે બેબેટાએ આપેલા એડ્રેસ ઉપર સર્ચ કર્યું ત્યારે જાણ થઈ કે એ એડ્રેસ “રેડલાઇટ” એરિયાનું હતું. આ એડ્રેસ જોતાં જ બેબેટાનું કામ શું હતું તેનો અમને આછો અણસાર આવી ગયો હતો. અમે વિચાર કર્યો કે એ એરિયા તરફ ન જવું આપણે બસ અહીં તહી ફરીએ. અમે ત્રણ દિવસ તો એ નક્કી કર્યા પ્રમાણે ફરતાં રહ્યાં…..પણ ચોથે દિવસે સાંજનાં સમયે વેન-ગોહ આર્ટ મ્યુઝિયમ જોઈ પાછા ફરતાં અમે માર્ગ ભૂલી ગયાં, જેથી કરીને એમ્સર્ડમની ગલીઓમાં અમે અટવાઈ ગયાં.

તે દિવસે રાઇટ-લેફટ કરતાં કરતાં અમે રસ્તો શોધવા માટે સતત ચાલતાં રહ્યાં……. આ સમયે અમે એ ન ચાહેલી દિશામાં જઈ પડ્યાં જ્યાં જવું ન હતું. તેથી આમતેમ જોતાં જોતાં અમે આગળ વધતાં હતાં ત્યાં જ એક ઇરોટીક શો કેસ માંથી એક હાથ ખુશી સાથે હલવા લાગ્યો.

એ હલતા હાથ તરફ અમારી નજર પડી…પહેલા લાગ્યું કે એમ જ કોઈ તરફ ફરી રહ્યો છે પણ ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે તે બેબેટા હતી….તેણે અમને જોઈ દરવાજા તરફ ઈશારો કર્યો ને પોતે પણ તે તરફ ચાલી નીકળી…..તે શો-રૂમ તરફથી અમારી તરફ આગળ વધેલી બેબેટાને જોતાં હું અને મી. મલકાણ પરસ્પરને જોઇ વિચારવા લાગ્યાં કે …લે આણે તો આપણને જોઈ લીધા હવે આને જવાબ શું આપીશું? કેવી રીતે અહીંથી ભાગી જવું? ચાલ એ દરવાજાની બહાર નીકળે તે જ પહેલાં આપણે આગળ નીકળી જઈએ……આમ વિચારી અમે અમારા પગ ઉપાડ્યાં જ હતાં ત્યાં જ એ દરવાજામાંથી બહાર આવી મને ભેંટી પડી પછી કહે….. થેન્ક યુ….થેન્ક યુ……મિસીસ માલખાન……હું બહુ જ ખુશ છું કે તમે મને મળવા માટે આવ્યાં છો….પછી આજુબાજુ જોઈને કહે; આ સ્થળ બહુ બદનામ છે ને અમે પણ…. તેથી અહીં કોઈ અમને મળવા માટે નથી આવતું. હા અમને ખરીદવા ચોક્કસ આવે છે પણ કોઈપણ પ્રકારનાં સ્વાર્થ વગર તમે મને મળવા આવ્યાં તે મારે માટે આશ્ચર્ય છે, આટલું બોલી તે બે પગલાં પાછળ ખસી ને આજુબાજુનાં શો રૂમમાં ઊભેલી તેની સખીઓને બોલાવી કહે આ….મી. એન્ડ મિસીસ માલખાન….મારી સાથે ટ્રેઇનમાં હતાં, આજે તેઓ અહીં આવ્યાં છે આપણને મળવા….કહેતાં તેનું મુખ મોટું થઈ ગયું ને અમને જોયા- મળ્યાંનો આનંદ તેનાં મુખમાં કેક નો ટુકડો બની સમાઈ ગયો.

થોડીવાર વાત કર્યા પછી તેની સખીઓ પોતાનાં શો રૂમમાં જતી રહી પછી બેબેટા કહે; તમે અંદર આવોને……હું તમને અમારી જગ્યા બતાવું. તેનો ઉત્સાહ અમારી નર્વસનેસને બરાબર સમજી રહ્યો હતો તેથી તે કહે;  તમે અંદર આવશો તો કોઈને ય અસર નહીં પડે….કારણ કે બધાં જ લોકો આજ બધુ જોવા માટે આવે છે અને અત્યારે તેમની નજરમાં તમે એના જેવા જ છો, માટે અંદર આવો…… થોડીવાર રહેજો મારી સાથે, પછી તમારા રસ્તે ચાલી નીકળજો કારણ કે આપણાં માર્ગ આમેય જુદા છે….આ તો બસ મારી પાસે એક યાદ રહેશે કે “કોઈ મને ય મળવા માટે આવેલું….” કહેતાં તેની આંખોમાં પાણી ઝળહળી ઉઠ્યું. તેની આંખો અને તેનાં એ વાક્ય સાથે અમારા મનની સંવેદનાઓ બોલવા લાગી…ઘણું ખરાબ લાગવા છતાં યે અમે તેને કહ્યું….આ કામ સારું નથી તું એને કેમ છોડી દેતી નથી? તે કહે; મારું નાનપણ અને મારી યુવાની આજ એરિયામાં ગઇ છે. એક સમય હતો કે હું પણ આ જ યુવતીઓ જેવુ કાર્ય કરતી હતી. પણ આજે સમય જુદો છે. એક તમારા જેવી વ્યક્તિ થકી જ એક સંસ્થાનો પરિચય થયો. આ સંસ્થા આવીને મને ભણાવી તો ગઈ પણ મને આ સંસારમાંથી બહાર ન લાવી શકી…..આજુબાજુ જોતાં તે બોલી……. આજે આ જ સંસ્થા સાથે મળીને હું અહીં કામ કરતી બીજી યુવતીઓને એઇડ્સ અને બીજા રોગો સામે જાગૃત કરવાનું કામ કરું છું. એટલું જ નહીં આ અમારી આ જાગૃતિ તરફ બીજા લોકોનું ધ્યાન દોરવા માટે અમે અહીં મ્યુઝિયમ પણ બનાવ્યું છે. જેમાં અમારા કાર્યનાં પૂર્ણ ઇતિહાસ સાથે અમને ભોગવવા પડતાં રોગોની અને અમારી પરેશાનીઓને, અમારી મુશ્કેલીઓને, મજબૂરીઓને, અમારી ભૂલોને, અમારી સ્થિતિઓને અને અમારા સંજોગોને અમે પ્રસ્તુત કર્યા છે.

થોડીવાર બેબેટા સાથે વાતચીત કર્યા પછી અને તેનું મ્યુઝિયમ જોયા પછી અમે તેનાં ગૃહ કમ ઓફિસમાંથી બહાર નીકળ્યાં ત્યારે બેબેટા કહે….. અમે બદનામ સ્ત્રીઓ છીએ પણ તેમ છતાં યે અમારા હૃદયમાં યે એક ઈશ્વર વસે છે તે વાત લોકો ભૂલી જાય છે. આજે તમે મને બદનામ સ્ત્રી ને નહીં પણ ઈશ્વર ગણી ને મને મળવા આવ્યાં તે બદલ ખૂબ ખૂબ આભાર. બેબેટાનાં એ શબ્દો સાંભળી હું સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે આને કેમ કરીને કહું કે બીજા લોકોની જેમ અમે પણ તારી સંવેદનાઓ સમજી ન હતી…કારણ કે અમારે માટે…ય….પણ મારુ વિચારવાનું પૂરું થાય તે પહેલા જ બેબેટાનો સ્વર ફરી સંભળાયો….”મે ગોડ બ્લેસ યુ… મી.એન્ડ મિસીસ માલખાન” આપણે અહીંથી હંમેશા ને માટે છૂટા પડીએ છીએ. તે શબ્દ સાથે તે અંદર ચાલી ગઈ અને તે જગ્યાનો દરવાજો બંધ થઈ ગયો. બંધ થયેલા તે દરવાજાની પાછળ રહેલી સંવેદનાઓ વિષે વિચારતાં અમે ધીરા કદમે પગથિયાં ઉતરી…..બેબેટા, તેની તેની એ બદનામ છાપ અને તે બદનામ સ્ટ્રીટ છોડી ફરી અમારા ખરા માર્ગને શોધવા ચાલી નીકળ્યાં ત્યારે બેબેટાની બે પાણીવાળી આંખો ઇરોટીક શો-રૂમનાં કાચમાંથી અમને જોઈ રહી હતી.

નોંધ:-

આ લેખ અંગે મારે એટલું કહેવાનું કે જીવનમાં થતાં કેટલાક અનુભવો પાઠ શીખવાડી જાય છે અને આ પ્રસંગ પણ મારે માટે એક શિક્ષા સમાન અને ખૂબ જ સંવેદનશીલ રહ્યો.આ બનાવ પછી પણ બીજા દિવસે અમે બેબેટાને મળેલા. અમે પ્રાગ જઈ રહેલા ત્યારે તે અમને રેલ્વે સ્ટેશન પર મળવા આવેલી. તે દિવસે રેલ્વે સ્ટેશન પર અમે કોફી સાથે પીધેલી.તેનો ફોટો લેવા મે માટે કોશિશ કરેલી. ત્યારે તેણે “નાં” કહેતાં કહેલું કે “મિસીસ માલખાન મારી યાદને હાર્ટમાં રાખજો.” પહેલા દિવસે અમે ટ્રેઇનમાં જે બેબેટાને મળેલા તે અમારી જેમ ટુરિસ્ટ હતી, તે સાંજે અમે જ્યારે મળેલા ત્યારે તે રેડલાઇટ એરિયાની સોશિયલ વર્કર હતી અને ત્રીજીવાર જે બેબેટાને મળ્યાં એક સહેલી હતી. આ ત્રીજી મુલાકાતનાં સમયે તેણે અમને ફરીથી એજ કહ્યું જે તેણે અમને આગલી સાંજે કહેલું. (મી.એન્ડ મિસીસ માલખાન” આપણે અહીંથી હંમેશા ને માટે છૂટા પડીએ છીએ. આજ પછી હું આપને ક્યારેય નહીં મળું, ને કદાચ મળીશ તો આપને ઓળખીશ નહીં. કારણ કે તમારો અને મારો રોડ અલગ છે.) અમને લાગે છે કદાચ આ પ્રસંગ ન બન્યો હોત તો અમારા જીવનનો એક ખૂણો ચોક્કસ ખાલી રહી જાત.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

અમેરિકન ઇતિહાસનું અનોખું પાત્ર જ્હોન સ્મિથ

પ્રિય સખી,

કુશળ હશે. સખી, હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ને તેથી નિમ્મી અને ગાયત્રી સાથે ફરવા જવા માટે પ્રોગ્રામ બનાવેલો હતો. છોકરીઓને તેમના બાબાએ પૂછ્યું કે ક્યાં જવું છે? તો તેઓ કહે કે અમેરિકાની હિસ્ટ્રી જાણવા મળે તેવા ટાઉનમાં જઈએ. આમેય સખી પાર્ક, બુશગાર્ડન વગેરે જગ્યાએ તો બંને છોકરીઓ મિત્રો સાથે ફરી આવી હતી તેથી અમે જેમ્સટાઉન જવાનું નક્કી કર્યું જેથી કરીને ફરી પણ શકાય અને અમેરિકાની હિસ્ટ્રી પણ જાણવા મળે. સખી, તું જાણે છે કે હાલમાં જ વર્જિનિયાનાં જેમ્સ ટાઉનમાં નવા અમેરિકાની ભૂમિ વસ્યાંને ૪૦૦ વર્ષ થયાં તે અંગેની ઉજવણી કરવામાં આવી ત્યારે ઇતિહાસનાં કેટલાક પાનાં ખોલવાનો નિર્ણય વર્જિનિયા આર્કીયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવ્યો. સખી, આ પાનાં ખોલવાનાં નિર્ણય સાથે આ આર્કીયોલોજીસ્ટોનાં મુખ પર જે સૌથી પહેલું નામ ઊભરી આવ્યું તે નામ હતું જ્હોન સ્મિથનું. સખી, જ્હોન સ્મિથ એ વિવિધ નામોથી અમેરિકન ઇતિહાસમાં સમાયેલ છે. પરંતુ જ્હોન સ્મિથને ખાસ યાદ કરાય છે તેની લખેલી ડાયરી માટે…. ચાલ સખી, આપણે એ ડાયરીનાં થોડા પાનાં જોઈએ.

 

એ મે મહિનો હતો અમારા પ્રમાણે તો સ્પ્રિંગ ચાલું થઈ થવી જોઈતી હતી, પરંતુ અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે ઘૂંટણ સુધીનો સ્નો હજુયે ત્યાં હતો, વાતાવરણ થીજી ગયેલું હતું, ઠંડી એટલી કે માત્ર થોડી ક્ષણો ડેક ઉપર ઊભા રહીએ ત્યાં જ થીજી જઈએ. જ્યાં જુઓ ત્યાં સ્પ્રુઝનાં લાંબા ઊંચા ટ્રી જ નજર આવતાં હતાં. ક્યાંય માનવ વસ્તીનાં એકપણ નિશાની દેખાતી ન હતી. ક્યાંક ક્યાંક ડિયર જેવા પગલા જેવી છાપ દેખાઇ જતી હતી. આ ડાયરીનું બીજું એક પાનું કહે છે કે ……એ રેડ ઇન્ડિયન સમુદાયનાં શક્તિશાળી પૌવાહટનની (મુખીયા) પુત્રી પોકોહોંન્ટેસ હતી. તે જાડી ને ઠીંગણી હતી પણ તેની આંખોમાં ગજબ એવી ચમક હતી, તે જ્યારે જ્યારે મને જોતી હતી ત્યારે ત્યારે તેના માસૂમ ચહેરા પરથી મને નજર હટાવવાનું મન થતું ન હતું, તેણે મારી બહુ મદદ કરી. તેણે મને પોતાના લોકોથી બચાવી નવું જીવન આપ્યું અને અમારી વસાહત માટે પણ ઘણી મદદ કરી. આ ડાયરીનું ત્રીજું પાનું કહે છે કે રેડ ઇન્ડિયન (આજે નેટિવ ઇંડિયન) લોકો સાથેની અમારી લડાઈ એ અમારી મૂર્ખામીનું ચિન્હ હતું. જો અમે તેઓની સાથે શાંતિથી રહ્યાં હોત તો અમારામાંનાં બધાં જ લોકો જીવતા હોત પણ અમારી મૂર્ખાઈને કારણે અમારી વસાહતે ઘણાબધાં લોકોને ખોઈ દીધાં. સખી, ચોથા પાનાંમાં સ્મિથ કહે છે કે હું તેણીને લવ નહોતો કરતો પણ, અમારે તેણીની જરૂર હતી, તેમના લોકોની જરૂર હતી. જેઓ તેઓ અમારી મદદે ન આવ્યા હોત તો અમારામાં જેટલા આજે બચ્યા છે તેટલા લોકો પણ બચી શક્યા ન હોત. પણ હું તેણીને લવ નહોતો કરતો તે વાત હું તેણીને કહી ન શક્યો. સખી, આ શબ્દો જ્હોન સ્મિથ દ્વારા ૧૬૧૦ માં લખાયેલા છે. જ્હોન સ્મિથ……. અમેરિકન ઈતિહાસમાં એક બ્રિટિશ નાવિક તરીકે અને એક ઇતિહાસકાર તરીકે જાણીતો છે. આ સિવાય પણ જ્હોન સ્મિથને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમાં સેટલમેંન્ટનાં સફળ કેપ્ટન તરીકે, પોકોહોન્ટેસનાં પ્રેમી તરીકે અને દગાખોર પ્રેમી તરીકે, એક ટ્રેડમેન તરીકે…..એમ એવા કેટલાય નામે પ્રખ્યાત છે. સખી, જ્હોનસ્મિથને તું થોડો ઘણો તો જાણે છે પણ પૂર્ણ રીતે નહીં કેમ ખરું ને? આટલું વાંચ્યા પછી તને થશે કે આટલા બધા ઉપનામો ધરાવતો જ્હોન સ્મિથ કોણ હશે? અને અમેરિકાના ઇતિહાસમાં એ શા માટે હંમેશા માટે કેદ થઈ ગયો ? પરંતુ જ્હોન સ્મિથ સુધી પહોંચવા પૂર્વે આપણે ક્રિસ્ટોફર કોલંબસનાં સમયના ઇતિહાસના પાનાંને પણ થોડા જોઈ લઈએ.

 

ક્રિસ્ટોફર કોલંબસ……ઇતિહાસ અને ભૂગોળના પાનાંમાં રહેલ એક અમર નામ. ઇતિહાસ કહે છે કે ક્રિસ્ટોફર કોલંબસ ભારત શોધવા નીકળેલો પરંતુ, દરિયાઈ તોફાનમાં તે પોતાની દિશા ભૂલી ગયેલો હોઈ તે અમરિકાની અજાણી ધરતી પર આવી ચઢેલો. કોલંબસ આ શોધ બાદ ત્રણ વાર અમેરિકાની ધરતી પર આવેલો. પ્રથમવાર જ્યારે તે ભૂલથી આ ધરતી પર આવ્યો ત્યારે તેણે જે પ્રથમ આદિવાસી પ્રજા જોઈ. આ આદિવાસી પ્રજાએ પોતાના મો પર લાલ રંગ લગાવ્યો હતો, માથાને પંખીઓનાં પીંછાથી શણગાર્યું હતું. શરીર ઉપર ચામડાનાં વસ્ત્રો હતાં. જ્યારે કોલંબસે આ પ્રજાને પ્રથમવાર જોઈ તેને ઇન્ડિયન માની પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેણે ભારત નહીં પણ કોઈ અજાણ્યો મુલક શોધ્યો છે ત્યારે તે થોડો ખિન્ન થયો પણ આ લાલ મો વાળી આદિવાસી પ્રજાને તેણે નામ આપ્યું રેડ ઇન્ડિયન. ક્રિસ્ટોફર કોલંબસ આ પ્રથમ સફર બાદ ટૂંકા ટૂંકા સમયનાં અંતરાલ પર ત્રણવાર અમેરિકાની ધરતી પર આવ્યો. આ ત્રણ સફર બાદ તેણે પોતાની ચોથી અમેરિકાની સફરની પણ તૈયારી કરી રાખી હતી ત્યારે રાજદ્વારી ખટપટનો એ ભોગ બન્યો અને તેને જેલમાં નાખી દેવામાં આવ્યો. જ્યારે તે બીજીવાર આ ધરતી પર આવ્યો ત્યારે તેણે પોતાના કેટલાક સાથીઓ સાથે અમેરિકાની ધરતી પર ત્રણ દિવસનું રોકાણ કરેલું. આ રોકાણ દરમ્યાન તેને આ ભૂમિ ગમી નહીં કારણ કે ઊંચા ઊંચા સ્પ્રુઝનાં (દેવદાર) વૃક્ષોથી આ પ્રદેશ છવાયેલ હતો. દિવસો ટૂંકા અને રાત્રી વિશાળ હતી અને સખત ઠંડા એ રાત દિવસ હતાં. અર્થાત તે જ્યારે પોતાની બીજી ટ્રીપમાં યુ એસ આવ્યો ત્યારે અમેરિકામાં વિન્ટર હતો. કોલંબસે જેમ આ નવી ધરતી વિષે વર્ણન કરેલું તેવું જ વર્ણન બ્રિટિશ નાવિક જ્હોન સ્મિથનું પણ જોવા મળે છે. પરંતુ કોલંબસ અને જ્હોનની વચ્ચે રહેલા આ વર્ણનમાં મૂળ ફર્ક એ હતો કે કોલંબસનાં સમયે આ ખંડ પૂર્ણ રીતે અંધારિયો ગણાતો હતો, જ્યારે સ્મિથનાં સમયે અમેરિકાનું નામ દુર સુદૂર સુધી પહોંચી ગયેલું હતું.

 

ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા અમેરિકા ખંડ શોધ્યા બાદ ૧૧૬ વર્ષે ૧૬૦૭ માં અમેરિકામાં ફરી માનવ પગલાંનો આરંભ થયો. વર્જીન ક્વિન એલિઝાબેથનાં નામ ઉપરથી આવેલી”વર્જિનિયા લંડન કંપની” યુરોપની બહાર નવી નવી ભૂમિઑ શોધવા તત્પર થઈ ચૂકી હતી અને આ નવી ભૂમિને શોધીને વસાવવા માટે તેણે માણસો હાયર કરવાનું ચાલું કર્યું. આ સમયે બ્રિટનનાં કિંગ જેમ્સથી નારાજ થઈ કેટલાક લોકો કિંગથી છૂટા થઈ જવાના ઈરાદા સાથે આ લોકો વર્જિનિયા લંડન કંપની દ્વારા અમેરિકાની ધરતી પર આવનાર આવ્યાં હતાં. બ્રિટનની આ પહેલી વસાહતે જ્યારે અમેરિકાની ધરતી પર આવવાનું નક્કી કર્યું ત્યારે તેમને કિંગ જેમ્સનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ જોઈતો ન હતો પરંતુ એ વાત અલગ છે કે આ નવી ધરતી પર વસવાટ કરવા માટે ઘણા વર્ષો સુધી તેમને બ્રિટન ઉપર જ આધાર રાખવો પડ્યો હતો. જ્યારે બ્રિટનથી વસાહતીઓ આવ્યાં ત્યારે આજ સમયે સ્પેનથી પણ અમુક લોકો બે શીપ દ્વારા આવેલા. સ્પેનથી આવેલ સ્પેનીશ લોકોએ અમેરિકાના મેસેચ્યુસેટસનાં દરિયાકિનારે ઉતરાણ કર્યું જ્યારે બ્રિટનથી આવેલ બ્રિટિશ લોકોએ વર્જિનિયાનાં (આજે) ચેઝાપિક બે નાં કિનારે ઉતરણ કર્યું. આમ ૧૬૦૭ ની સાલ અને મે મહિનો બબ્બે વસાહતો માટે અમેરિકન ઇતિહાસમાં સમાઈ ગયો. મેસેચ્યુસેટસ અને વર્જિનિયાનાં આ લોકો “ફર્સ્ટ સેટલમેંન્ટ” તરીકે ઓળખાયા, પરંતુ આ બંને વસાહતીઓમાં વર્જિનિયાનાં અખાતને કિનારે ઉતરેલા બ્રિટિશ લોકોને કારણે આધુનિક અમેરિકાનાં પાયા ઘડાયા હોવાથી વર્જિનિયાનું નામ અમેરિકન ઈતિહાસમાં વધુ લખાયું.

 

૧૬૦૭ માં મે મહિનામાં બ્રિટનથી આવેલ સારાહ, સુસાન અને મે ફ્લાવર નામની શીપનાં કેપ્ટનનું નામ જ્હોન સ્મિથ હતું. તે ફક્ત ૨૮ વર્ષનો હતો. આ વહાણમાં ૨૧૪ યાત્રીઓ હતાં. આ યાત્રીઓએ જ્યારે પોટોમેક નદી અને ચેઝાપિક બેનાં ત્રિકોણ મુખ પર પોતાનો વસવાટ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમને ખબર ન હતી કે આ સ્થળ તેમનાં માટે મોતનો પૈગામ લઈને આવશે. અહીં તેમણે એક જગ્યાએ ટેન્ટ નાખવાનું શરૂ કર્યું. શાંત વાતાવરણમાં થતાં કોલાહલ અને નદીનાં મુખ પાસેથી ઊંચે ઉડતા ધુમાડાને કારણે સ્પ્રુઝનાં જંગલોની વચ્ચે રહેતા રેડ ઇન્ડિયન પ્રજાને પોતાની ધરતી પર કોઈ વસાહતીઓ આવ્યાની જાણ થઈ ત્યારે તેઓ કુતૂહલતા વશ જ્યારે આ નવી પ્રજાને જોવા આવ્યાં ત્યારે તેમની ઉપર બ્રિટિશ લોકોએ ગન વડે હુમલો કર્યો જેને કારણે ઘણા રેડ ઇન્ડિયન માર્યા ગયાં આ હુમલાને કારણે રેડ ઇન્ડિયન પ્રજા ગુસ્સામાં આવી ગઈ અને બંને પ્રજાઓ વચ્ચે વારંવાર અથડામણ થતું રહ્યું. (જો’કે પાછળથી જ્હોન સ્મિથની સમજદારીને કારણે બ્રિટિશરોનાં રેડ ઇન્ડિયનો સાથેના સંબંધોમાં સુધારો થયેલો પરંતુ જ્હોનનાં ઈંગ્લેન્ડ પરત ફર્યા બાદ ફરી તેમની વચ્ચે પરસ્પર વેરભાવ શરૂ થઈ ગયેલા) જ્હોન સ્મિથની કેપ્ટની નીચે બ્રિટિશ લોકો જંગલો સાફ કરીને ત્યાં ખેતી કરતાં, જંગલનાં કપાયેલા વૃક્ષોમાંથી તેમણે એક અનેક ઘરો બાંધ્યા અને ચર્ચ બનાવ્યું. આ ઘરોની આસપાસ તેમણે વુડન કોલોની પણ બનાવી જેથી રેડ ઇન્ડિયન પ્રજાનાં હુમલાથી બચી શકાય. તેમ છતાં પણ આ સેટલરો બહુ ઝડપથી મૃત્યુને ભેટતા રહ્યા. ધીરે ધીરે એવો પણ સમય આવ્યો કે બહુ જ જૂજ લોકો આ વસાહતમાં બાકી રહ્યા હોય. અહીં પ્રશ્ન એ ચોક્કસ થશે કે તે સમય પ્રમાણે અત્યંત આધુનિક રહેલી આ વસાહતનો નાશ કેવી રીતે થયો હશે તે પ્રશ્ન છે. સખી, જ્હોન સ્મિથની આ ડાયરીમાંથી અમેરિકા આવેલી આ વસાહતનાં લોકો કેમ કરીને મૃત્યુ પામ્યા તે પણ જાણવા મળ્યું છે. જેમાં જણાવેલ છે કે રેડ ઇન્ડિયનોનાં હુમલાથી ઘણા લોકોનાં મૃત્યુ થયેલા, તો ઘણીવાર જંગલોમાંથી મળી આવતાં ફળોને ખાધા બાદ તેઓ તરત જ બીમાર પડીને મૃત્યુ પામતા તો ઘણીવાર ઝેરી જીવજંતુઑનાં બાઇટથી મૃત્યુ પામતા, લોકો તો અલગ હતાં પણ ખાસ કરીને ભૂખમરાથી અને નદીનાં પાણીથી મરનારા લોકો વધુ હતાં. મે મહિનામાં બ્રિટિશરોનાં અમેરિકા આવ્યા બાદ ફોલ સુધી તો તેમને વાંધો ન આવ્યો પણ જેવો વિન્ટર શરૂ થયો કે તરત જ તેમનાં ઠંડીથી બચવા અને અનાજ કેવી રીતે બચાવીને રાખવું વગેરે પ્રોબ્લેમ શરૂ થઈ ગયાં. થોડા સમય માટે તો તેઓએ પોતાની સાથે લાવેલ, બચાવેલ અનાજથી અને જંગલમાંથી મળતા જંગલી જાનવરોને મારીને તેના મીટથી ચલાવ્યું પણ જેમ જેમ વિન્ટર હર્સ થતો ગયો તેમ તેમ નદીકિનારા તરફ આવતાં પ્રાણીઓ પણ ઓછા થતાં ગયા. આથી આ પ્રાણીઓ રૂપી ખોરાક મળવો મુશ્કેલ બની ગયો હતો. જ્યારે જ્યારે તે કોલોનીમાંથી કોઈ બ્રિટિશર શિકાર શોધવા નીકળતો તો તે નેટિવ ઇન્ડિયન લોકોનો શિકાર બની જતો. આમ આ કોલોનીસ્ટો પોતાનો માણસ ગુમાવતાં હતા. સખી, આ ઉપરાંત આ કોલોનીસ્ટો જે નદીનું પાણી પીવા માટે ઉપયોગ કરતાં તે નદીનાં પાણીમાં બે નાં કારણે સોલ્ટનું પ્રમાણ વધુ હતું. આવું સોલ્ટવાળું પાણી તેઓ ઉપયોગમાં લેતા હોવાથી તેઓના શરીરમાં સોલ્ટનું પ્રમાણ વધી જતું જેને કારણે પણ તેમનાં મૃત્યુ થયેલા. (જો,કે પાછળથી આવેલ બીજી વસાહતોએ કોલોનીમાં મીઠું પાણી મેળવવા માટે કૂવો પણ બનાવેલ, પરંતુ તે કૂવાનો ક્યારેય ઉપયોગ થયો નહીં.) સખી, ધીરે ધીરે એક સમય તો એવો પણ આવેલો કે નેટિવ ઇન્ડિયનના ભયથી બ્રિટિશ લોકો વસાહતની બહાર જરૂર હોય તો જ નીકળતા. પોણાભાગે તેઓ એવો દેખાવ કરતાં કે તેમની પાસે ઘણું બધુ ફૂડ છે, ગન્સ છે, માણસો છે પણ હકીકત એ હતી કે તેઓ પાસે આમાંનું કશું જ ન હતું. તેઓ જે માણસો મરી જતાં તેમને વસાહતની અંદર જ દાટી દેતા. પરંતુ બહાર રહેલ નેટિવ ઇન્ડિયન પ્રજા તો એમ જ વિચારી રહી હતી કે આ બહારથી આવેલા લોકો પાસે ઘણા બધા લોકો રહેલ છે. તેથી કોલોનીની અંદરની પરિસ્થિતીનો તેમને ખ્યાલ જ ન આવ્યો. પરંતુ એક પ્રશ્ન તેમને રહ્યો કે તેઓની પાસે કેટલું ફૂડ હશે. આ ફૂડ મેળવવા માટે તેઓ વારંવાર કોલોની ઉપર હુમલો કરતાં. જ્યારે બ્રિટનથી બીજી વસાહત અહી આવી ત્યારે તેમણે પહેલી વસાહત પાસે કેટલું ફૂડ હતું અને તેઓ આટલા આકરા વિન્ટર સામે જીવિત કેવી રીતે રહ્યા તે વિષેની શોધ કરી ત્યારે ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. સખી, વર્જિનિયાનો આ ઇતિહાસ અને આ તથ્યો એમ કહે છે કે વસાહતની અંદર વસેલા જીવિત લોકો પોતાની ભૂખ સંતોષવા માટે આ મૃત વ્યક્તિઓના શરીરનો ઉપયોગ કરતાં અર્થાત માનવમાસનો ઉપયોગ કરતાં હતા. આ ઉપરાંત તેમની સાથે રહેલા તેમના ઘોડા, કૂતરા, પીગ વગેરેનો પણ ઉપયોગ ફૂડ તરીકે કર્યો હતો. આટલું કરવા છતાં આ પહેલી વસાહતમાંથી વધુ લોકો બચેલા નહીં. પરંતુ જ્હોનના આવ્યાં બાદ પરિસ્થિતી પલટાઈ. જ્હોનની સૂઝબુઝે અનેક વસાહતીઓની રક્ષા કરી. જ્હોન સ્મિથ બે વર્ષ ને ૯ મહિના યુ.એસની ધરતી પર રહેલો. આ સમય દરમ્યાન તેણે નેટિવ ઇન્ડિયન પ્રજાના કિંગ (પોવહાટેન-powhatan) ની પુત્રી પોકોહોન્ટેસને પોતાની ભાષા અને રીતભાત શીખવી, તેની સાથે વિવાહ કરવાનું નક્કી કરી તેનું હૃદય જીતી લીધું. પોતાના પ્રેમમાં પડેલી પોકોહોન્ટેસને મધ્યસ્થી બનાવીને તેણે બંને પ્રજા વચ્ચે સુમેળ કરાવ્યો.

 

આ સુમેળને કારણે બ્રિટિશપ્રજા આ નેટિવ ઇન્ડિયનના સહયોગથી આ નવી ધરતીને અપનાવી શકી. પરંતુ એક દિવસ જ્હોન પોતાના જ ગ્રુપનાં અસંતોષનો અને ઈર્ષાનો ભાગ બન્યો આને કારણે એકવાર રાત્રિનાં સમયે તેના કોઈક સાથીએ તેનાં પગ ઉપર ગન પાવડર ફોડયો આ હુમલામાં જ્હોન ઘણો જ ઘવાઈ ગયો. આજ ઘવાયેલ અવસ્થામાં તેણે ત્રણ મહિના કાઢ્યાં ત્યારે વર્જિનિયા કંપની તરફથી વસાહતનાં લોકો ત્યાં આવેલા. તેમને પણ જ્હોન કેપ્ટન જોઈતો હતો પરંતુ જ્હોનની બગડતી હાલત જોઈ તેને ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યો. ઇતિહાસ આગળ કહે છે કે બ્રિટન પરત ફરેલા જ્હોનને સાડા ત્રણ વર્ષ ફરી રિકવર થવામાં લાગ્યાં. પરંતુ તે અમેરિકા પાછા ફરવા માટે રાજી ન થયો. સખી, આ ઇતિહાસ આગળ વધતાં કહે છે કે જ્હોન સ્મિથે પોતાના માણસો સાથે પોતાના મૃત્યુનો ખોટો સંદેશો અમેરિકા પોકોહોન્ટેસને મોકલ્યો. જ્હોનના મૃત્યુના સમાચાર સાંભળીને પોકોહોન્ટેસને ઘણું જ દુઃખ થયું. તે ક્યારેય જ્હોન સ્મિથને ભૂલી તો ન શકી પણ, તેજ અરસામાં અમેરિકા આવેલ જહોન રોલ્ફે ફરી તેને નવા જીવનનો મર્મ સમજાવ્યો અને તેણે તેની સાથે વિવાહ કર્યા અને તેને Rebecca Rolfeનું નવું નામ આપ્યું. રાલ્ફે સાથેના વિવાહ બાદ જ્યારે પોકોહોંન્ટેસ બ્રિટન ગઈ ત્યારે તેણી એકવાર અનાયાસે જ્હોનસ્મિથને મળી. સ્મિથને મળીને તેને આશ્ચર્ય સાથે આઘાત પણ લાગ્યો તેને પૂછ્યું કે તું સારો થઈ ગયો છે તે વાતની ખબર કેમ મને ન કરી? અને તારા માણસો સાથે એમ કેમ કહેડાવ્યું કે તારું મૃત્યુ થયું છે. પરંતુ પોકોહોંન્ટેસના સવાલનો કોઈ જવાબ સ્મિથ પાસે ન હતો. સ્મિથને મળ્યાં બાદ આઘાત પામેલી પોકોહોંન્ટેસ લગભગ ૪-૫ મહિનાના ટૂંકા ગાળામાં એટ્લે કે ૧૬૧૭ માં બ્રિટનમાં જ મૃત્યુ પામી. તેના મૃત્યુના સમયે તે કેવળ ૨૧-૨૨ વર્ષની હતી. પોકોહોંન્ટેસે મરતી વખતે પોતાનું શરીર પાછું અમેરિકા લઈ જવામાં આવે અને પોતાના મૃતદેહને અમેરિકામાં જ દફનાવવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પોકોહોંન્ટેસની નેટિવ ઇન્ડિયન પ્રજામાં લોકપ્રિયતા જોઈ તેણીના શબને પણ અમેરિકા પરત ન લાવતા બ્રિટનમાં જ દફનાવવામાં આવ્યું. સખી, આજ કારણસર અમેરિકન નેટિવ ઇન્ડિયન પ્રજા આજે પણ માને છે કે સ્મિથ એક દગાખોર પ્રેમી હતો જેણે ફક્ત પોતાના સ્વાર્થ માટે જ એક ભોળી કુમારીનું હૃદય જીત્યું હતું. આજે જ્હોન સ્મિથ જ્યાં પોતાના સાથીઑ સાથે જ્યાં રહ્યો તે જગ્યાને જેમ્સ ટાઉન નામ અપાયું છે અને જે પોકોમેટ નદીનો તેઓ ઉપયોગ કરતાં હતાં તે નદીને જેમ્સ રિવર નામ અપાયું છે જે તે સમયના કિંગ જેમ્સનાં નામ ઉપરથી આવ્યું છે. આજે જેમ્સ ટાઉન એ વર્જિનિયા રાજ્યમાં આવેલ છે. સખી, આ ઇતિહાસમાં બીજી જાણવા જેવી વાત એ પણ છે કે જેમ જેમ્સટાઉન તે બ્રિટિશ કિંગના નામ ઉપરથી આવેલ છે તેમ સ્ટેટ વર્જિનિયાનું નામ પણ વર્જીન ક્વિન એલિઝાબેથના નામ ઉપરથી પડેલ છે. આમ આ બંને નામ અમેરિકન હિસ્ટ્રીનો મહત્તમ ભાગ ગણાય છે.

 

સખી, આ લાંબો પણ રોમાંચકાર ઈતિહાસ અને જ્હોન સ્મિથની ડાયરી અહીં પૂર્ણ થાય છે. સખી, આ ડાયરી તને કેવી લાગી તે ચોક્કસ જણાવજે.

એજ_પૂર્વીની સ્નેહયાદ સાથે © 2014

સૂર્યની ચેતનાશક્તિ રાંદલ

ૐ श्री संज्ञादेवी च विद्महे सूर्यपत्नी च धिमही तन्नो रांदल प्रचोदयात ।

નવરાત્રીનાં પાવન દિવસોમાં આપણે માતાનાં અનેક સ્વરૂપનાં દર્શન કરીએ છીએ. માતાના આ અવતાર સ્વરૂપમાં મોટાભાગે માતા વૈષ્ણવી કે પાર્વતીનાં છે, પણ માતા સરસ્વતી સમાન સુખ શાંતિ, સંપતિ અને ભક્તિ ધાત્રી ભગવતી રાંદલ વિષે ઓછું લખાયું છે. ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, સીમંત, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે.

જે રાંદલમાતાની આપણે વાત કરી રહ્યા છીએ તે રાંદલ –રન્નાદે-સંજ્ઞાદેવી ભગવાન વિશ્વકર્માની પુત્રી છે. રાંદલ જ્યારે વિવાહને યોગ્ય થયાં ત્યારે, તેના રૂપગુણથી અદિતિ પુત્ર આદિત્ય આકર્ષાઈ ગયાં. તેમણે પોતાની માતાને કહ્યું કે હું વિશ્વકર્માની પુત્રી રન્નાદે સાથે વિવાહ કરવા ઈચ્છું છુ. પુત્રની વાત જાણી અદિતીજીએ કહ્યું  હું રન્નાદે કરતાં પણ વધુ સુશીલ કન્યા આપને માટે શોધી લાવીશ માટે આપ રન્નાદે સાથે વિવાહ કરવાની ઈચ્છા છોડી દો. પણ આદિત્ય માન્યાં નહીં; ત્યારે અદિતી દેવી કાંચના પાસે ગયાં અને તેમની પુત્રી રન્નાદેનો હાથ પોતાનાં પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતીજીની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દીનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યાં રહેવું પડે માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણ દેવની સહાયથી કાંચનાદેવીનાં મોભારાનાં નળિયામાંથી રસોઈગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના અદિતી પાસે તાવડી લાવવા ગયાં, ત્યારે અદિતીએ શરત મૂકી કે ‘મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઇશ.’ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે? આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યાં, રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયાં. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધાં કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રન્નાદેનાં વિવાહ થયાં.

વિવાહ બાદ એકવાર સૂર્યદેવ રન્નાદે પાસે આવ્યાં ત્યારે રન્નાદેએ આંખ બંધ કરી દીધી. આ જોઈ સૂર્યદેવ બોલી ઊઠ્યાં અને કહ્યું કે શું હું કુરુપ છું કે આપે મને જોઈ આપની આંખો બંધ કરી દીધી ? આથી રન્નાદેએ કહ્યું કે સ્વામી આપનું તેજ મારાથી સહન થતો નથી. રન્નાદેની વાત સાંભળી સૂર્યદેવ ને ગુસ્સો આવી ગયો અને તેઓએ રન્નાદેને શાપ આપતાં કહ્યું કે આપના થનાર સંતાનો મારુ તેજ નહીં મળે. આ સાંભળી રન્નાદેએ કહ્યું કે અત્યારે હું ગર્ભવતી છું ત્યારે આપે મને આ શાપ આપ્યો છે જે યોગ્ય નથી માટે આપ આપના વચનો પાછા લો ત્યારે સૂર્યદેવે કહ્યું કે દેવી ધનુષમાંથી નીકળેલ તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો પાછા ખેંચાતા નથી પણ હું આ સંતાનોને તેજસ્વી થવાનો આર્શિવાદ આપું છું. યમ મનુષ્યને મોક્ષ આપવાનું કાર્ય કરશે અને યમુના જગતજનની પુણ્ય સલિલા તરીકે ઓળખાશે. આમ રન્નાદેનાં બંને સંતાનો તેજવિહીન શ્યામરંગી થયાં. પરંતુ પોતાનાં બાળકોને તેજવિહીન જોઈ માતાનું હૃદય માટે કરુણાથી દ્રવી ઉઠ્યું અને તેઓ ક્રોધે ભરાઈ ગૃહ ત્યાગ કરવા તૈયાર થઈ ગયાં. તેમણે પોતાનાં સ્વરૂપમાંથી પોતાની છાયાપ્રકૃતિનું પ્રાગટ્ય કર્યું અને તેમને સૂર્યદેવ સાથે રહેવાની આજ્ઞા કરી. પછી પોતાનાં બાળકોને છાયાની ગોદમાં મૂકી પોતાનાં પિતાને ત્યાં ચાલ્યાં ગયાં. પિતા વિશ્વકર્માએ પુત્રીની વાત સાંભળી તેમને પૃથ્વી પર જઈ તપશ્ચર્યા કરવાની આજ્ઞા આપી. આજેય મથુરાનાં વિશ્રામઘાટ ઉપર યમયમુનાનું મંદિર છે, જ્યાં લોકો મોક્ષપ્રાપ્તિ માટે પૂજનવિધિ કરવા માટે આવે છે.

આ બાજુ સૂર્યલોકમાં રહેલા છાયાદેવીને સૂર્યદેવ સાથે રહેતાં એવું લાગવા લાગ્યું કે સૂર્યદેવને દેવી રન્નાદે નહીં પણ પોતે વધુ પ્રિય છે. છાયાદેવીની આ ભાવનાએ તેમનામાં ઈર્ષાનો ભાવ ઉત્પન્ન કર્યો જેને કારણે  તેઓ પોતાનાં સાવકા સંતાનો ઉપર ક્રોધે ભરાવા લાગ્યાં. સૂર્યદેવથી છાયાદેવીને શનિ અને તાપી નામના એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો થયાં. એક દિવસ યમ અને શનિ વચ્ચે કોઈ વાત ઉપર ઉગ્ર ચર્ચા થઈ ત્યારે શનિએ પોતાની માતાને ફરિયાદ કરી જેથી છાયા ગુસ્સે થઈ યમને મારવા લાગ્યાં. છાયાદેવીનું આ સ્વરૂપ જોઈ સૂર્યદેવને ખ્યાલ આવ્યો કે માતા ક્યારેય આ રીતે બાળકને મારે નહીં, માટે આમાં કોઈ રહસ્ય ચોક્કસ છે. તેમને કડકાઇથી છાયાદેવી પૂછ્યું ત્યારે તેમણે રન્નાદેનાં ગૃહ ત્યજી દેવાની વાત કરી. આ વાત સાંભળી આદિત્ય પોતાની પત્નીને શોધવા પોતાનાં શ્વસુર વિશ્વકર્માજીને ત્યાં ગયાં. ત્યાંરે વિશ્વકર્માજીએ કહ્યું કે રન્નાદેથી આપનું તેજ ન જીરવાતા તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો પણ તેમને પોતાની ભૂલનું જ્ઞાન થતાં હવે તે ઘોડી બની પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી રહી છે માટે આપ ભૂતલમાં પધારો. શ્વસુર પિતાની વાત સાંભળી સૂર્યદેવ પૃથ્વી પર આવી રન્નાદેને મળ્યાં. જ્યારે રન્નાદે મળ્યાં ત્યારે તેમણે રન્નાદેને ક્ષમા આપી તેમને ફરી સૂર્યલોકમાં પધારવા કહ્યું. રન્નાદેને પરત સૂર્યલોક ફરતાં જોઈ પૃથ્વીદેવી દુઃખી થઈ ગયાં; ત્યારે રન્નાદેએ કહ્યું જ્યારે પૃથ્વીલોકનો માનવી મને આમંત્રિત કરી મારું પૂજન કરશે ત્યારે તેનાં સંતાનોની હું રક્ષા કરીશ. ત્યાર પછી રન્નાદેએ પતિ સાથે ગૃહે આવ્યાં અને પોતાનું ગૃહ અને બાળકો સંભાળવા માટે સપત્ની છાયાદેવીનો આભાર માની કહ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી પર મારું પૂજન થશે ત્યારે ત્યારે આપનું પણ પૂજન થશે. આજે સૂરતમાં તાપી નદીને કિનારે અને ભાવનગર પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે.

દડવાનો ઇતિહાસ છે કે સૌરાષ્ટ્રમાં એક ટીંબા પર અમુક માલધારીઓ વસવાટ કરતાં હતાં ત્યાં તેમને રાંદલ માતા એક બાળકી સ્વરૂપે મળ્યાં. બાળકી નેસડામાં આવતાં જ માલધારીઓને ત્યાં રિધ્ધિ –સિધ્ધી પણ આવી, પણ પોતાનો પરચો બતાવવાનાં આશયથી તેઓ વસાવાડનાં બાદશાહનાં સિપાહીઓને સોળ વર્ષનાં સુંદરી રૂપ દેખાયા. સિપાહીઓએ આ કન્યાની વાત બાદશાહને વાત કરી. સુંદર કન્યાની વાત સાંભળી બાદશાહ તેને લેવા ગયો ત્યારે તેણે માલધારીઓ પર જુલ્મ ગુજાર્યો. માલધારીઓની દશા જોઈ રાંદલે બાજુમાં ઊભેલી વાછડીને પોતાનાં હાથનો સ્પર્શ કરાવી સિંહનાં રૂપમાં ફેરવી નાખી અને પછી બાદશાહનાં કટકનું દળ –દળ ( નાશ ) કરી નાખ્યું. જે ટીંબા પર પોતાનાં સ્વરૂપનો મહિમા માએ બતાવેલો તે સ્થળ ‘દડવા’ તરીકે ઓળખાયું. આજે રાંદલ મા એવા દેવી છે, જેનાં પતિ દરરોજ પ્રકાશ ઉર્જા સ્‍વરૂપે પધારે છે, માનાં લોટા લઈએ ત્યારે છાયાદેવી પણ સાથે પધારે છે, સાથે તેમની પુત્રી યમુના અને તાપી જળસ્વરૂપે આવે છે. તેમનાં પુત્ર શનિદેવ અને યમ દરેક વ્યક્તિનાં કર્મ પ્રમાણે ફળ આપવાં આપે છે. આમ રાંદલ માનો આખો પરિવાર દરેક ઘરમાં આવે છે. ચાલો આજે અન્ય દેવીઓ સાથે રાંદલમાનો પણ એક ગરબો ગાઈ આપણાં સંતાનોનાં સુખની યાચના કરીએ.

શત શત શતની દિવડી
હો રંગ માંડવડી રાંદલની
હો રંગ માંડવડી…….

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan!@yahoo.com

અભાવોનું અવલોકન

અમારી રશિયાની ટૂર ચાલું હતી, હું અને નેટાલી સિટી જોવા માટે આમતેમ ભટકી રહ્યાં હતાં. ન ભાષા સમજાય, કે ન સ્થળની ખબર, ન અમે તેમની સંજ્ઞાને સમજી શકતાં હતાં એ કે ન તેઓ અમને સમજી શકતાં હતાં. આવી પરિસ્થિતિમાં એક દિવસ અમે એક ખાસ સ્પોટ શોધવાં માટે આમતેમ ફરી રહ્યાં હતાં (ભટકી રહ્યાં હતાં) તે દિવસે ઠંડી વધુ ઠંડી થઈ ગઈ હતી. અમે થાકેલાં હતાં અને ભૂખ્યાં હતાં પણ અમારો એ ખાસ સ્પોટ શોધવાનો પ્રયત્ન ચાલું હતો. આવા સમયે અમારી મુલાકાત રશિયન ફિલ્મ રાઇટર બ્રૂસ વ્હીલેમર સાથે થઈ. (જો’કે તેઓ ફિલ્મ રાઇટર છે તેની ખબર અમને પાછળથી પડેલી) મી. બ્રૂસ એ પહેલી એવી વ્યક્તિ હતી જે થોડીઘણી અંગ્રેજી જાણતાં હતાં. અમારી આ અનાયાસની ઓળખાણ થોડી જ પળોમાં મિત્રતામાં ફેરવાઇ ગઈ તેથી અમે તેમની સાથે વાતચીત કરવાં લાગ્યાં. વાતચીત કરતાં કરતાં અમે મી. બ્રૂસને ફરિયાદ કરી અહીં કોઈ અંગ્રેજી નથી જાણતું, નથી બોલતાં નથી સમજતાં. આ શહેર તો યુરોપીયન સંસ્કૃતિને લઈને ચાલે છે પછી અહીં અંગ્રેજી કેમ શીખવવામાં નથી આવતું? અંગ્રેજી ભાષા ન જાણવાનાં એ અભાવને મે અને નેટલીએ નારાજગીપૂર્વક જણાવ્યો, ત્યારે હું જાણતી હતી કે બધાં જ દેશોને પોતપોતાની સંસ્કૃતિ હોય છે પણ તેમ છતાં યે અમારી એ ફરિયાદને સમજી મી. બ્રૂસે કહ્યું; પાંચ વર્ષ પછી તમે અહીં આવશો ત્યારે અમારા બાળકો ચોક્કસ અંગ્રેજી બોલતાં થઈ ગયાં હશે, પણ મારી વિનંતી છે કે આ વર્ષે આપ ભાષાને સાઈડમાં મૂકીને અમારો દેશ જુઓ આપને ખૂબ આનંદ આવશે. કારણ કે ભાષાનાં અભાવને આપ ધ્યાનમાં લેશો તો આપ અમારી સંસ્કૃતિને એન્જોય નહીં કરી શકો. મી. બ્રૂસની વાત સાચી છે કે અભાવોને ધ્યાનમાં રાખવાથી તેનુ મૂલ્ય વધી જાય છે અને તે સમયનો આનંદ ઓછો થઈ જાય છે, પણ તેમ છતાં યે આપણે એ અભાવની સ્થિતિને કે અભાવ ફિલ કરવાની ભાવનાને આપણે આપણાંથી દૂર રાખી શકતાં નથી…..ને રહ્યા અમે તો…..અમે પણ તેમાંનાં જ એક હતાં તેથી અમે જ્યાં સુધી રશિયામાં રહ્યાં ત્યાં સુધી અમારી ભાષાકીય ફરિયાદો પણ ચાલું રહી.

અભાવ…મારા ખ્યાલથી અભાવ એ એક એવી ભાવના છે જે સમય, સ્થળ, વ્યવહાર, દેશ, વતન, અને સમજણ ઉપર આધાર રાખે છે. પણ અભાવની ઉત્પતિ મન અને વિચારથી થાય છે, અને આંખ આ અભાવોની પૂર્તિ કરવામાં સાથ આપે છે. સ્પષ્ટ કહું તો અભાવ એ ન સમજાતી કે ન મળતી પરિસ્થિતીમાંથી જન્મે છે અને અંતે તે જ પરિસ્થિતીમાંથી જ તે વિદાય લે છે. સામાન્ય રીતે પ્રત્યેક લોકોને કોઈ ને કોઈ  અભાવો હોય છે, પણ તે અભાવોનું અવલોકન કરતાં નથી. પણ આજે આ લેખમાં હું મારા આ છેલ્લા એક મહિનામાં અનુભવાયેલાં અવલોકનોની વાત કરીશ.

શું અભાવોનું અવલોકન હોય? અને હોય તો કેવું હોય? આપ કહેશો કે આ બેન એક મહિના પછી આવ્યાં તો યે તેમની નેગેટિવ વાતો કરવાનું ભૂલ્યાં નથી, પણ મને લાગે છે કે ક્યારેક કૂડ કૂડ કરવાનો ય આનંદ હોય છે. ને આજે મારું તો મન એ જ બધી જોયેલી, અનુભવેલી ગોસીપ તરફ દોડી રહ્યું છે. તેથી હું મારા એ અભાવોની વાત આજે આપ સમક્ષ મૂકી દઉં છું, નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ પોઝિટિવ યાત્રાએ નીકળી જઈશું કેમ બરાબર છે ને??

લાસ્ટ મંથ અમારો પહેલો સ્ટોપ લંડનમાં હતો. લંડનમાં ફરતાં ફરતાં નજરમાં આવ્યું કે આ દેશ અને આપણો દેશ ઘણી રીતે સરખો છે. સિટીઓ મોટા છે ને ગ્રામ્ય વિસ્તાર ખાસ ડેવલપ થયાં નથી. (જેટલું અમે જોયું તે મુજબ ), સિટીઓનાં રસ્તા નાના છે ને ટ્રાફિક ખૂબ છે. આ જોઈ અમે થોડી પળો માટે ભૂલી જ ગયાં કે આ લંડન છે કે ઈન્ડિયા છે? અહીંથી અમારા મનમાં પહેલો અભાવ એ રસ્તાઓનો લાગ્યો, વિચાર્યું કે આપણાં દેશનાં રસ્તાઓ પણ આજ બ્રિટિશરોનાં વિચારોની દેન છે, તેથી બ્રિટિશરોએ જે કશું સારું આપણાં દેશમાં કર્યું હતું તે બધું જ ભુલાઈ ગયું.

બીજો ભાષાકીય અભાવનો અનુભવ એ રશિયા– સેન્ટ પીટર્સ બર્ગમાં થયો તેની વાત આગળ કરી છે. ત્યાંથી અમારું ત્રીજું સ્પોટ હતું ક્વિન સિટી એમ્સટર્ડમ (હોલેન્ડ). આ સિટીમાં અમને ખૂબ ગમ્યું, પણ આ સિટી જોઈ વિચાર આવ્યો આપણું ઈન્ડિયા આટલું સુંદર અને વેલ પ્લાનડ્ નથી. હા ઈંડિયામાં નવું નવું ડેવલપમેંન્ટ આવ્યાં કરે છે પણ તેની ક્વોલિટીમાં મોટો ફેરફાર હોય છે…..ખેર ઈન્ડિયા તો ઠીક છે પણ અમારું અમેરિકા પણ આટલું સુંદર નથી કદાચ ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં ફરવાનું મળી જાય પણ એઝ એ ટુરિસ્ટ અને વન્ડરફૂલ સિટીવ્યૂની દૃષ્ટિએ નહીં તેથી એમ્સટર્ડમ જેવો સિટીવ્યૂ અને ટુરિસ્ટ સેન્ટર અમારા ફિલાડેલ્ફિયામાં નથી તે વાતની કમી અને અભાવ અમને થવા લાગ્યો.

બર્લિન…… બર્લિનમાં અમારું ચોથું સ્ટોપ હતું. બર્લિન વોલ, કોન્સનેશન કેમ્પ, વર્લ્ડવોરની 1st અને 2nd ની અનેક યાદોને લઈને બેસેલા આ સિટીને જોઈ પીડા એ થઈ આવી કે આપણાં દેશમાં તો આ યુરોપીયન દેશ કરતાં યે સુંદર ઇતિહાસ સમાયેલો છે તે ચાહે ધાર્મિક હોય કે આધ્યાત્મિક હોય, વૈજ્ઞાનિક હોય કે સામાજિક હોય…..કોઈપણ ક્ષેત્ર હોય….પણ કોઈપણ ક્ષેત્રમાં રહેલાં ઇતિહાસની આપણે સાચવણી કરી શક્યાં નથી. અહીં રહેલ એ ઇતિહાસને અને એ ઐતિહાસિક ગલીઓને ફંફોળતાં ફંફોળતાં અમે અતીતનાં કેટલાયે પાનાં વટાવ્યાં. ઘણી જગ્યાએ અમે ત્રણેય કાળનાં ગર્ભમાં ગયાં ને પાછા આવ્યાં…..ત્યારે પહેલો અભાવ સાથેની પીડાએ એ પ્રશ્ન પૂછ્યો કે શા માટે આપણે આપણાં ઘરને છોડીને ઘર આંગણાને સ્વચ્છ રાખતાં નથી, શા માટે આપણે આપણાં મંદિરોને બિઝનેઝ ક્ષેત્ર અને મહેલોને ભોજનાલયમાં ફેરવી દઈએ છીએ? શા માટે આપણાં બાળકો જે જગ્યાએ ઐતિહાસિક પાનાંઓ રહેલાં છે તેવા મ્યુઝિયમોમાં જતાં નથી, કે સ્કૂલોમાંથી તેમને લઈ જવામાં નથી આવતાં; અથવા તો એ મ્યુઝિયમોની આપણે સ્વયં જાળવણી કરતાં નથી. હા; સંસ્કૃતિનાં ગાણાંની શણરાઇ આપણે ફૂંકયા કરીએ છીએ પણ એ સંસ્કૃતિને તેમની વાર્તાઓને આપણે ક્યાંય સાચવીને રાખી છે? આમ ઇતિહાસ અને ઇતિહાસની યાદોને ઈન્ડિયા સાથે જોડતાં જોડતાં અમે ફરી ઈન્ડિયાને યાદ કરીએ. ( અહીં એ પણ વાતનો પુરાવો મળે છે કે અમે ચાહે ગમે તેટલા વર્ષોથી ભલે અમેરિકામાં રહેતાં હોઈએ, પણ ઈન્ડિયાને અમે અમારા મન-હૃદયમાંથી બહાર કાઢી જ શક્યાં નથી. તેથી આપ કહી શકો છો અમે અડધા ઘરનાં છીએ ને અડધા ઘાટનાં ( ને કદાચ બંનેમાંથી ક્યાંયનાં ય નથી ) પણ શું છે ને શું નથી તે તો અમને ય ખબર નથી આ વાતે ય અમારા મનનાં અભાવો ઉપર આધાર રાખે છે. )

આ ભારતનાં ઇતિહાસ અને બર્લિનનાં ઇતિહાસની મથામણને લઈને અમે જ્યારે પ્રાગ પહોંચ્યાં ત્યારે અમારા મનમાં રહેલાં બધાં જ અભાવોની માત્રા વધી ગઈ હતી. બર્લિનનો ઈતિહાસ, લંડનનાં રસ્તા, હોલેન્ડની સીટિલાઈફ, રશિયાનો ભાષા પ્રોબ્લેમ આ બધાંનો સમન્વય અમને પ્રાગમાં જોવા મળ્યો. આ બધાં જ સમન્વય પછી પણ હું વિચારતી રહી કે આ દેશનાં મોટાભાગનાં બિલ્ડીંગો ૩૦૦ વર્ષ પહેલાં રાજાઓ બનાવેલાં છે, તેઓએ આ કેવી રીતે પરફેક્ટ પ્લાન કર્યું હશે સિટીને ને બનાવવાં માટે કે જે સ્થળ જ્યાં હોવું જોઈએ ત્યાં જ છે, અને તે સ્થળની આજુબાજુ આટલી રેસ્ટોરન્ટ હોવી જોઈએ તો એટલી જ છે એક રેસ્ટોરન્ટ વધુ દેખાતી નથી, સિટીમાં ક્યાં ગટર હોવી જોઈએ, સામાજિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, લોકો પાસે જીવવા માટે ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ તે બધી જ વાત-વ્યવસ્થાને ૩૦૦ વર્ષથી ફોલો કરવામાં આવે છે. આ સિટી જોયા બાદ અમે કોર્વરી વેરી નામનાં ટાઉનમાં જઈ પડ્યાં આ સિટી આખું ગરમ પાણીનાં ચઝ્મા ( ઝરા ) પર વસેલું છે. સિટીમાં જ્યાં જ્યાં જાવ ત્યાં ત્યાં અલગ અલગ ટેમ્પરેચરવાળું મિનરલયુક્ત ગરમ ગરમ પાણી પીવા મળે, પણ સ્વચ્છતા તો એવી કે ત્યાં જ વસી જવાનું મન થાય. કોર્વરી વેરી જેવી કુદરતની એ અદ્ભુત કલા જો આપણે ત્યાં હોય તો આપણે તો એને ક્યારનીયે ધર્મની સાથે જોડી દીધી હોત ને ત્યાં ને ત્યાં જ ન્હાવા ધોવાનું ચાલું થઈ ગયું હોત. આજે આપણે ત્યાં દામોદરકુંડ (જુનાગઢ ) અને હિમાલયમાં રહેલાં ઝરાની જે હાલત છે તે જોઈને વિચાર કરવો પડે કે આપણે આપણાં કુદરતી સ્થળોની શું દશા કરી છે. એજ ઝરામાં ન્હાવાનું, એજ ઝરામાં બટેટા કે ચોખાને કે ચોખાનાં લોટને બાફવાનો…… અરે ભઈ!!! એ ઝરાને મિનરલની જરૂર નથી તેથી આપણે આપણાં મિનરલ નાખવાની જરૂર પણ નથી પણ આપણે એ વાતને સમજતાં નથી તેથી મિનરલવાળા એ ચઝ્માને આપણે વધુ ને વધુ મિનરલયુક્ત બનાવવાં પ્રયત્ન કરતાં રહીએ છીએ. આમ વેરી સિટીને જોઈ આપણે ત્યાં કુદરતી સ્થળોની થતી અવદશા અમને યાદ આવવા લાગી.  આમ અનેક સ્થળોએ ફરવા છતાં યે, અનેક સંસ્કૃતિને જાણવા છતાં યે, અનેક ઈતિહાસોને મમળાવ્યાં બાદ અમારો આપણાં દેશમાં રહેલ વિવિધ અભાવોને અનુભવવા લાગ્યો.

ખેર; આ અભાવોનું લિસ્ટ બહુ મોટું છે, વળી આપ કહેશો કે આનું આ લાંબુલચક લિસ્ટ ભાઈ ક્યારે પૂરું થાશે? એટ્લે એ બાકી રહેલાં લિસ્ટ વિષે બીજીવાર ક્યારેક વાત કરીશું આજે તો બસ …આટલું જ…..

 

અંતે:- આપણે ત્યાં હંમેશા કહે છે કે જે પરિસ્થિતી હોય તે પરિસ્થિતિમાં રહેવાનું શીખવું જોઈએ અને એ પરિસ્થિતીમાં જે રહેતાં શીખે છે તે જ્યાં જાય ત્યાં સમાઈ જાય છે. પણ એ બધી જૂની વાતો છે જેને અમે ભૂલીને અમારા અભાવોનું નવું નવું લિસ્ટ બનાવ્યાં કરીએ છીએ. 

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

 

મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ

ગજાનન, ગણાધ્યક્ષ, ગણપતિ, કલૌચંડી વિનાયક, મયૂરેશ્વર વગેરે નામ ધરાવતાં શ્રી ગણેશને મહારાષ્ટ્રમાં કલયુગની ચંડીદેવીનું બિરુદ મળ્યું છે અર્થાત્ જે કલયુગમાં પણ ભક્તોનું સદાય કલ્યાણ કરે છે તે માતારૂપ શ્રી ગણેશ છે. આથી જ જેમ માતા શક્તિનાં શક્તિપીઠો ભારતભરમાં રહેલા છે તેજ રીતે શિવપુત્ર શ્રી ગણેશનાં ૮ ગણેશ પીઠો મહારાષ્ટ્રમાં આવેલા છે જે અષ્ટ વિનાયક ક્ષેત્રને નામે ઓળખાય છે. આ અષ્ટવિનાયકોનાં શક્તિપીઠનાં અષ્ટ વિનાંયકોની મૂર્તિઑ સ્વયંભૂ માનવામાં આવી હોવાથી મૂળસ્થાન અત્યંત પ્રાચીન છે, પરંતુ તેમના વિશાળ મંદિરો જે બન્યા છે તે છેલ્લી ૨ સદીમાં પેશવાઓ દ્વારા બનાવવામાં આવ્યાં છે. શ્રી વિનાયકનાં આ સ્વરૂપને માનનારા લોકોનો એવો મત છે કે ભગવાન વિષ્ણુની જેમ ભગવાન ગણેશે પણ પોતાના ભક્તોનાં કલ્યાણ હેતુ અને અસૂરોનો નાશ કરવા માટે અષ્ટ અવતાર ધારણ કર્યા છે. આ વિનાયક શક્તિપીઠોની યાત્રા કરતાં પૂર્વે ગણેશમંગલા બોલીને યાત્રાનો આરંભ મયૂરેશ્વરથી કરવામાં આવે છે. અષ્ટવિનાયકનાં દ્વિતીય સ્થાન પર સિધ્ધટેક સિધ્ધીવિનાયક છે, ત્યાર બાદ તૃતીય સ્થાન પર પાલીનાં શ્રી બલ્લાલેશ્વર છે, ચતુર્થ સ્થાન પર મહડના શ્રી વરદવિનાયકનાં દર્શન આવે છે, ત્યાર બાદ પંચમ સ્થાન પર થેઉરનાં શ્રી ચિંતામણી અને ષષ્ઠમ સ્થાન પર જુન્નર પાસે આવેલ લેણ્યાદ્રી પર્વત પર સ્થિત શ્રી ગિરિજાત્મકજીનાં દર્શન થાય છે, ત્યાર પછી સપ્તમ સ્થાન પર ઓઝરનાં શ્રી વિઘ્નેશ્વરાયનાં દર્શન થાય છે, અને અષ્ટમ સ્થાન પર રાંઝણગાંવનાં શ્રી મહાગણપતિનાં દર્શન કરવામાં આવે છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે મહાગણપતિનાં દર્શન કર્યા બાદ ફરી શ્રી મયૂરેશ્વરનાં દર્શન કરવાથી અષ્ટવિનાયકની યાત્રા શાસ્ત્રોક્ત રીતે સંપૂર્ણ થાય છે. પરંતુ મોટેભાગે ભક્તો આ રીતે શાસ્ત્રોક્ત યાત્રા ન કરતાં પોતાની સુવિધા પ્રમાણે કરે છે. શાસ્ત્રોક્ત યાત્રા હોય કે ન હોય જીવનમાં એકવાર તો અષ્ટ વિનાયક પીઠોની યાત્રા કરવી જ જોઈએ તેવું લોકવિધાન પ્રચલિત છે, જેને અમુક લોકો માન્યતા આપે છે તો અમુક લોકો નથી આપતાં. ટૂંકમાં કહીએ તો પ્રત્યેક વ્યક્તિની શ્રધ્ધા ઉપર આ યાત્રા રહેલી છે.

 મોરગાંવ- મયૂરેશ્વર:-અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. બીજી માન્યતા અનુસાર કોઈ એક સમયે પુષ્કળ મોર હરતાફરતા હતાં તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું હોવાની માન્યતા છે. આ મંદિરની ચારે તરફ ચાર ઊંચા મિનારા છે જેને કારણે દૂરથી આ મંદિર એક નાનકડા કિલ્લા જેવો દેખાય છે, પણ નજીકથી જોતાં આ મંદિરનો આકાર એક મસ્જિદ સમાન જણાય છે. ઉત્તરભિમુખ થયેલું આ મંદિર ગામની વચ્ચે વસેલું છે. અહીં આવેલ મયૂરેશ્વરજીએ દૈત્યરાજ સિંધૂ નામના અસુરને હરાવેલો. આ મંદિરનાં આંગણમાં પથ્થરોથી બનેલી ઊંચી દીપમાલ છે. એક માન્યતા અનુસાર આ દીપમાલા અહલ્યાબાઈ હોલ્કરે બનાવેલ હતી. સાંજના સમયે આ દીપમાલાને અનેક દિવડાઓથી પ્રજવલિત કરવામાં આવે છે. દીપમાલાની પાસે નગારખાના છે. નગારખાનાની પાસે બે પગ વચ્ચે લાડુ દબાવીને મૂષકમહારાજ ઉભેલા છે. મંદિરનાં મુખ્ય દ્વાર પર પથ્થરનો કાચબો છે અને મયૂરેશ્વર તરફ મુખ કરીને બેસેલા કાળા પથ્થરથી બનાવેલ નંદી મહારાજ બેસેલા છે. નંદી મહારાજની આ મૂર્તિ અપૂર્ણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અપૂર્ણ અને ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ પણ અહીં આ માન્યતા ખોટી પડે છે. જ્યારે શ્રી મયૂરેશ્વરજીની મૂર્તિ બેસેલી મુદ્રામાં છે, ભગવાન શિવની જેમ મયૂરેશ્વરજીનાં આ સ્વરૂપે પણ ત્રીનેત્રને ધારણ કરેલ છે. નાભી ઉપર હીરા, મસ્તક ઉપર નાગફન અને ચાર હસ્તમાં પાશ, અંકુશ, કમલ પુષ્પ, અને પરશુ ધારણ કરેલ છે.  

મયૂરેશ્વરજીની આજુબાજુ રિધ્ધિ સિધ્ધી અને મયૂર(મોર) બિરાજેલ છે. અહીં સવારનાં સમયે મયૂરેશ્વરજીને ખિચડી અને રોટલીનો ભોગ, બપોરનાં સમયે દાળ-ભાત-રોટલી-શાક-કોસીંબીરનો ભોગ અને અને રાત્રિનાં સમયે દૂધ-ભાતનો ભોગ ધરાવવામાં આવે છે. મોરગાંવનું આ મંદિર સવારે પાંચ વાગ્યાથી રાતનાં દસ વાગ્યા સુધી ખુલ્લુ હોય છે ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે. પ્રતિવર્ષ આ મંદિરમાં ભાદ્રપદ શુક્લ ચતુર્થી, માઘ ચતુર્થી, સોમવતી અમાવસ્યા, અને દશેરાનાં દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં આખું ગામ શામિલ થઈ જાય છે. દશેરાને દિવસે મયૂરેશ્વરજીને પાલખીમાં બેસાડી ફરવા લઈ જવામાં આવે છે. મોરેશ્વર મંદિરનાં આંગણમાં શમી અને પારિજાતનાં વૃક્ષો આવેલ છે આ વૃક્ષોને સ્થાનિક લોકો કલ્પવૃક્ષને નામે ઓળખે છે અને માને છે કે આ વૃક્ષો નીચે બેસીને શ્રધ્ધાપૂર્વક ગણેશ અનુષ્ઠાન કરવાથી મનની બધી જ ઈચ્છાઑ પૂર્ણ થાય છે. શ્રી મયૂરેશ્વરજીની મૂળ મૂર્તિ નાની છે અને માટી, લોહ અને રત્નોનાં અણુઓથી બનેલી છે, તેથી આ મૂર્તિની રક્ષા માટે હાલમાં દેખાતી મોટી મૂર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. મૂળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બ્રહ્માજીનાં હસ્તે થઈ હતી. આ પ્રાચીન મૂર્તિનો એક ઇતિહાસ મહાભારત કાળમાં પણ લઈ જાય છે તેથી ઇતિહાસ કહે છે કે પાંડવોએ યક્ષોથી બચાવવા માટે આ મૂર્તિને તામ્રપત્રમાં ઢાંકી દીધેલ. સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ મૂર્તિ ઉપર એક કવચ ચડાવવામાં આવ્યું છે, જે અમુક વર્ષો બાદ આપોઆપ નીકળી આવે છે.

મોરગાંવ ક્ષેત્રની આસપાસ આવેલ અમુક દર્શનીય સ્થળો:- મોરગાંવની આજુબાજુ શ્રી ગણેશતીર્થ, વ્યાસતીર્થ, ઋષિતીર્થ, સર્વપુણ્યતીર્થ, કપિલતીર્થ, ગણેશગયાતીર્થ અને ભીમતીર્થ નામના સાત તીર્થો આવેલા છે. આ સ્થળનો ઇતિહાસ કહે છે કે ભગવત્જીની કથામાં રહેલા જડભરતજી અહીં જ રહેતા હતાં તેથી તેમના તે સ્થળ ઉપર પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. મોરગાંવમાં પ્રવેશ કરતાં પૂર્વે નગ્નભૈરવજીનું મંદિર આવે છે. નગ્નભૈરવજીને મોરગાંવનાં ક્ષેત્રપાલ માનવામાં આવ્યાં છે. આથી મોરેશ્વરનાં મદિરમાં જતાં પૂર્વે સૌ પ્રથમ નગ્નભૈરવજી અને ત્યાર બાદ જડભરતજીનાં શિવલિંગનાં દર્શન કરવાથી મયૂરેશ્વર પ્રસન્ન થાય છે તેવી લોકમાન્યતા રહેલી છે. મંદિરની બહાર પાર્કિંગ તરફ જતાં પથ્થરમાંથી બનાવેલ ૧૦૦૦ વર્ષ જૂનું બૌધ્ધ સ્તૂપા પણ જોવા મળે છે આ સ્તૂપા પર ૧૦૦૦ વર્ષ પહેલા કેવું જનજીવન હતું તે દર્શાવતાં શિલ્પો જોવા મળે છે. આ સ્તૂપાને હાલમાં શિવમંદિરમાં ફેરવી દેવાયું છે જેનું સંચાલન ગામનાં ગુરવ પૂજારીઓ કરે છે. મોરેશ્વરથી પૂના તરફ જતી વખતે દ્વારકામાઈનાં ખંડોબાનું પ્રાચીન મંદિર પણ આવે છે આ મંદિર પર્વત પર છે તેથી આ મંદિર ચડવા માટે ૬૦૦ પગથિયાં છે. જે પગથિયાં ચડી ન શકતા હોય તેમના માટે ડોળી અને ચેરપાલખીની પણ વ્યવસ્થા જોવા મળે છે. મોરગાંવની બાજુમાં સાસવડ ગામ આવેલ છે અહીં સંત જ્ઞાનેશ્વરનાં ભાઈ સોપાન મહારાજની સમાધિ અને મઠ આવેલ છે ઉપરાંત સંત જ્ઞાનેશ્વરની શરણે આવેલ ચાંગદેવજીની યાદમાં બનેલ ચાંગાવટેશ્વર અને સંગમેશ્વર મંદિર પણ દર્શનીય સ્થળો છે.

કેવી રીતે જશો:- મોરગાંવમાં રહેવા માટે સુંદર વ્યવસ્થાઓ છે. ૨૫૦ થી ૫૦૦ રૂ માં અહીં NonAC ડિલક્સ રૂમ મળી જાય છે અને ૭૦૦ થી ૮૦૦ રૂ માં With AC રૂમ મળે છે તદ્પરાંત અહીં ફૂડની પણ સુંદર વ્યવસ્થા છે આ ઉપરાંત યાત્રાળુઑ માટે મંદિર તરફથી સવારથી રાત સુધી ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મોરગાંવ જવા માટે અનેક એસ ટી બસ, ટૂરિસ્ટ બસો, ટેકસીઓ અને કેબ પૂનાથી ઉપડે છે.

ક્યારે જવું:- શ્રી મયૂરેશ્વરજીનાં દર્શન કરવાને માટે કોઈપણ સિઝનમાં જઈ શકાય છે પરંતુ સમરમાં આ ગામ ખૂબ ગરમ છે અને ગણેશ ઉત્સવનાં દિવસોમાં અત્યંત ભીડ રહેલી હોય છે. આથી સમર અને ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ જઈએ તો વધુ સારું પડે છે. આ સમયમાં મંદિર લગભગ ખાલી હોઈ શાંતિથી દર્શન થઈ શકે છે.

CopyRight:-ISBN-10:1500299901 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

 

મધ્યકાલીન યુગનું સાક્ષી બનેશ્વર…

બનેશ્વર…….. મધ્યકાલીન યુગનું સાક્ષી એવું બનેશ્વર……………..નિસર્ગને ખોળે વસીને ભાવિકોની રાહ જોતું બનેશ્વર, મહારાષ્ટ્ર સરકારનું હેરિટેજ બનેશ્વર, અભયારણ્ય બનેશ્વર, બર્ડ સેન્ચુરી બનેશ્વર………..આ સિવાય પણ કેટલાયે નામોથી બનેશ્વરને ઓળખી શકાય છે. શહેરી ધામધૂમથી ભરેલા વાતાવરણમાં એક ખૂણો એવો પણ છે જે મધ્યકાલીન સમયમાં થઈ ગયેલા નાના સાહેબ પેશવાનાં સમયની દસ્તક મહોર મારી રહ્યો છે. મુંબઈથી ૨૦૦ કિલોમીટરની દૂરી પર અને પૂનાથી ફક્ત ૩૫ કિલોમીટરની દૂરી પર પુણે –સતારા હાઇવે ઉપર નસરાપુર ગામ આવે છે. આ ગામની ભીતરમાં મોઠા નદીને ખોળે બનેશ્વર લિંગ આવેલ છે. અત્યાર સુધી આ સ્થળ એક નાનકડા ગામનું એક નાનકડું મંદિર તરીકે ઓળખાતું હતું. પરંતુ થોડા સમય પૂર્વે આ સ્થળને મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રનું હેરિટેજ અને બર્ડ સેન્ચુરી તરીકે જાહેર કરેલ છે. આ મંદિર ગામની ભીતર છે તેથી આ મંદિર સુધી પહોંચવા માટે આખા ગામને પસાર કરવું પડે છે, અને ગામનો અંત આવે છે ત્યાં આ મંદિર આવે છે. સામાન્ય રીતે ગામ પૂર્ણ થાય પણ માર્ગનો અંત નથી થતો તે માર્ગ યાત્રિકોને આગળનાં જનજીવન તરફ લઈ જાય છે. પરંતુ અહીં ગામનાં અંત સાથે પૂર્ણ થતો માર્ગ ટુરિસ્ટોને અલભ્ય વનવનસ્પતિનાં વનમાં, રીંછ-વાઘનાં અભયારણ્યમાં અને વિવિધ પક્ષીઓની રંગબેરંગી દુનિયામાં લઈ જાય છે.

બનેશ્વરનો ઇતિહાસ:-

આ સ્થળનો ઇતિહાસ ઘણો જ રોચક છે. કહેવાય છે કે એક સમયે આ સ્થળે સૂર્યનાં કિરણો પણ પ્રવેશી ન શકે તેવા વડનાં વૃક્ષોનું વન હતું. આજે ગામથી મંદિર તરફ જતાં ગાઢ તો નહીં પણ તેમ છતાં અનેક વટવૃક્ષ જોવા મળે છે. મંદિરની સામે અને મંદિરની પાછળનો ભાગ પણ વટવૃક્ષોથી ઘેરાયેલો છે. મંદિરની ઉત્તર તરફથી અભયારણ્ય તરફ જતાં વન ગાઢું થતું જાય છે. આ મંદિરની સ્થાપના ૧૭૨૯ માં નાના સાહેબ અને તાત્યા ટોપે સાથે રહીને કરેલી હતી. પરંતુ આ મંદિરની નાનકડી સ્થાપના બાદ નાનસાહેબ અને તાત્યા ટોપે અંગ્રેજો સાથેની લડાઈમાં વ્યસ્ત બની ગયાં હતાં. જે સમયે નાના સાહેબ અંગ્રેજો સામે લડવામાં વ્યસ્ત હતાં તે સમયે આ સ્થળે પણ  અનેક યુધ્ધો જોયા, પરંતુ સૌથી મહત્તમ યુધ્ધ ૧૭૩૫ માં અને ૧૭૩૯ માં જોયું. આ યુધ્ધ બાદ થોડા સમય માટે આ સ્થળ વિરાન પડી રહ્યું પરંતુ થોડા સમયની વિરાનગી બાદ ફરી આ સ્થળ સૂર્યનાં કિરણોમાં ઝળહળિત થવા લાગ્યું. ૧૭૩૫ માં આ સ્થળને પોર્ટુગીઝો દ્વારા જીતી લેવાયું હતું. ત્યારબાદ પોર્ટુગીઝો પાસેથી ૧૭૩૯ માં ફરી આ સ્થળને પેશવા સરકારનાં સાથી ચિમાજી અપ્પા દ્વારા જીતી લેવાયું ત્યારે પોર્ટુગીઝ ચર્ચ તરફથી ૧૬૮૩માં બનેલો વિશાળ ઘંટ વિજય ચિન્હનાં રૂપમાં ભેંટ સ્વરૂપે દેવામાં આવ્યો. આ ઘંટને ચિમાજીએ મંદિરને અર્પણ કર્યો તે આજે પણ મુખ્ય મંદિરમાં જોવા મળે છે. આ ઘંટ ઉપર ૧૬૮૩ ની સાલ અને ક્રોસનું ચિન્હ જોવા મળે છે. ૧૭૩૯ નાં આ યુધ્ધ પછી આ સ્થળ ઘણા વર્ષો સુધી પેશવાઑ પાસે રહ્યું, પરંતુ તે દરમ્યાન આ સ્થળની તો રક્ષા થઈ પણ મંદિરનું કાર્ય અધૂરું રહી ગયું હતું જે ૧૭૪૯માં નાનાસાહેબનાં પુત્ર બાજીરાવ પેશવાએ પૂર્ણ કરાવ્યું હતું. તે સમયે બાજીરાવ પેશવાએ ૧૧, ૪૨૬ રૂપિયા, ૮ આના અને ૬ પૈસાનો ખર્ચ કર્યો હતો.

મંદિર:-

૨૬૪ વર્ષ જૂના આ આખા મંદિરને કાળા પથ્થરોથી બનાવવામાં આવેલ છે. આ મંદિર ઉપર ભીમાશંકર મંદિરનો ઘણો જ પ્રભાવ છે. બાજીરાવ પેશવાનો એવો મત હતો કે દેવસ્થાનમાં જતી વખતે મસ્તકને દેવનાં ચરણમાં નમાવીને જવું જોઈએ આજ મતને આધારે તેમણે ભીમાશંકર જ્યોતિર્લીંગની જેમ આ મંદિરમાં પણ પ્રવેશ કરવા માટે થોડા પગથિયાં નીચેથી લીધેલા અને મંદિરનો મુખ્ય દરવાજો પણ નીચો રાખેલો તેથી આજે પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ મસ્તક નીચું કરવું પડે છે અન્યથા માથા પર પથ્થરોની બનેલી છત લાગી જાય છે. ટૂંકમાં કહેવું હોય તો આ મંદિર જમીનની સમથળમાં નથી પણ જમીન લેવલથી નીચે છે.

આ મંદિરમાં ઉત્તરાભિમુખમાં ભગવાન શિવ બિરાજેલ છે અને મંદિરનાં દક્ષિણાભિમુખમાં ભગવાન વિષ્ણુ, ભગવતી લક્ષ્મીજી અને મારુતિનંદનની સ્થાપના થયેલી છે. મંદિરનાં આંગણમાં શિવકુંડ અને ગૌમુખ કુંડ નામના બે કુંડો આવેલા છે. મંદિરનાં ગર્ભગૃહ બિરાજેલ શિવલિંગની નીચેથી શિવગંગા કહેવાતી મોઠા નદીનો એક પ્રવાહ નીકળે છે. આ પ્રવાહ ગૌમુખ કુંડમાં થઈ શિવકુંડમાં આવે છે. પરંતુ કુંડમાં પણ આ પાણી સ્થિર નથી તેથી આ પાણી મંદિરની ભીતરથી વહેતું રહે છે. સતત વહેતા પાણીને કારણે આ બંને કુંડ ખૂબ સ્વચ્છ અને સુંદર છે.

મંદિરની આસપાસ:-

મંદિરની પાછળ મોઠા નદી દ્વારા સુંદર વોટર ફોલ્સ રચાયેલ છે. આ ફોલ્સ સુંદર તો છે પરંતુ પથ્થર ઉપર લીલ ઘણી જ છે તેથી ફોલ્સમાં ઉતારવા માટે ઘણું જ ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત નાના નાના સુંદર ઝરણાઑ પણ અહીં ઘણા છે તેથી ખાસ કરીને વર્ષાઋતુમાં ટુરિસ્ટો ખાસ કરીને આ ઝરણાઑમાં ન્હાવાની મજા લેવા માટે આવી જાય છે. મંદિરમાંથી બહાર નીકળતા જ અભયારણ્ય શરૂ થઈ જાય છે. આ આખા વનમાં જોવા માટે લગભગ ૨ દિવસ લાગે છે પરંતુ બે દિવસ ન કાઢવા હોય તો પિકનિક તરીકે પણ આ સ્થળ ઉત્તમ છે. હાલમાં જ આ વનપ્રદેશને શાંતિથી જોવા માટે અહીંથી ટ્રેકિંગનો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે વોટર ફોલ્સ અને મંદિર સુધી જંગલી જાનવર આવી જાય છે તેથી શિયાળામાં સાંજે ૭.૦૦ વાગ્યા પછી અને ઉનાળામાં સાંજે ૮.૦૦ પછી રસ્તો અને મંદિરના દ્વાર બંધ કરી દેવાય છે. અહીંની બર્ડ સેન્ચુરીમાં Hornbills, Black bird, Humming bird, Peacock, Ashy Minivet, Blue Sparrow વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.  

મંદિરની આસપાસનાં જોવા લાયક સ્થળો:-

બનેશ્વર શિવલિંગ નસરાપુર ગામમાં છે, પરંતુ નસરાપુર ગામમાં પ્રવેશતા પૂર્વે પુણે સતારા હાઇવે ઉપર તિરુપતિ બાલાજીનું વિશાળ મંદિર આવે છે. જે સાઉથનાં તિરુપતિ બાલાજીની પ્રતિકૃતિ છે. આ ઉપરાંત શિવાજી મહારાજનાં કુળદેવી તુળજા ભવાનીનું પણ મંદિર આવેલ છે. આ મંદિરની આસપાસ જોવા લાયક સ્થળોમાં કેવળ મંદિરો જ છે પરંતુ ભગવાનમાં અપાર શ્રધ્ધા ધરાવતાં ભક્તોને માટે આ દિવસભરની એક યાત્રા સમાન થઈ જાય છે.

ક્યાં રહેશો?:-

બનેશ્વર હેરિટેજને જોવા માટે અહીં ઘણા ટુરિસ્ટો આવતાં રહે છે. તેથી અહીં લોજ અને ધર્મશાળાની સુંદર વ્યવસ્થા છે. લોજમાં રહેવા માટે પ્રકાશ લોજ ઘણી જ ઉત્તમ છે. અહીં AC Non AC રૂમની સુંદર વ્યવસ્થા કરેલ છે. જમવા માટે પણ ઉત્તમ ભોજનાલયો પણ મળી જાય છે.

કેવી રીતે જશો-ક્યારે જશો :-

નસરાપુર અને તેની આસપાસનાં મંદિરો જોવા માટે પૂનાથી અનેક ટુરિસ્ટ બસો ઉપડે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારની MSRTC બસો પણ નિયમિત રીતે મળતી હોય છે. તે ઉપરાંત કેબ અથવા પ્રાઈવેટ વાહન દ્વારા પણ જઈ શકાય છે. મંદિર સુધી વાહન જઈ શકે છે પણ આ મંદિરની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. ઉનાળામાં અહીં માથું ફાડી નાખે તેવી ગરમી પડતી હોય છે તેથી ઉનાળાનો સમય ખાસ પસંદ ન કરવો. શ્રાવણ મહિનામાં અહીં પૂજા કરવાનું ઘણું જ મહત્વ છે તેથી આ સમયમાં ઘણા જ યાત્રિકો અહીં આવવાનું પસંદ કરે છે પણ તે સમયમાં અત્યંત ભીડ હોય છે. ઉપરાંત શાંતિથી દર્શન કે પૂજા થતી નથી. પરંતુ વર્ષાઋતુ દરમ્યાન અહીં પ્રકૃતિ નીખરી જાય છે તેથી આ સમયમાં આ સ્થળનું દર્શન મનને ખુશ કરી દે છે.

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

કક્કાની નવી બારાખડી

ક – કલેશ ન કરો

ખ – ખરાબ ન બોલો

ગ – ગર્વ ન કરો

ઘ – ઘમંડ ન રાખો

ચ – ચિંતા ન કરો

છ – છળકપટથી દૂર રહો

જ – જવાબદારીનો અર્થ સમજો

ઝ – ઝપાઝપી ને ઝગડા ન કરો

ટ – ટિપ્પણી ન આપો (વગર માંગ્યે )

ઠ – ઠગગીરી ન કરો

ડ – ડરપોક ન બનો

ઢ – ઢોંગ ન કરો

ત –તલવાર જેવી જીભ ન રાખો

થ – થૂકો નહીં

દ – દરિયા જેવુ વિશાળ મન રાખો

ધ – ધોખાધડી ન કરો

ન – નમ્ર બનો

પ – પાપથી દૂર રહો

ફ – ફાલતુ સમય વ્યતીત ન કરો

બ – બગાડ બંધ કરો

ભ – ભાવુક બનો

મ – મધુર બનો

ય – યશસ્વી બનો

ર – રડવાનું બંધ કરો

લ – લોભલાલચ ન કરો

વ –વેરઝેર ભૂલી જાવ

શ – શત્રુતા ન કરો

સ – સાચું બોલો

ષ – ષટ્કોણની જેમ સ્થિર રહો

હ –હસમુખા બનો

ક્ષ – ક્ષમા આપતા શીખો

ત્ર – ત્રાસદાયક ન બનો

જ્ઞ – જ્ઞાની બનો.

અ –આવકાર આપો

ઇ – ઈર્ષા ન કરો

ઉ – ઉતાવળ ન કરો 

ઊ – ઊથલપાથલ ન કરો

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

 

 

 

જીવનની પ્રથમ પગદંડી નિષ્ફળતા

नयी नयी उम्मीदों के संग, कभी हम चले थे मंझील की और
कुछ तो थे अच्छे इरादे…और कुछ तो थे सपने अपने,
पर बताओ हमको की हमने क्या पाया और क्या खोया,
सपने तो अपने हुए नहीं, पर अपने भी अपने रहे नहीं।

એક દિવસ બહુ નજીકની સખી સાથે વાતચીત થતી હતી. વાતચીત કરતાં કરતાં તે કહે કે પૂર્વી, માણસને ઘડનાર કોણ છે? સંજોગો, સમય, કે તેના સ્વજનો ? મારી સહેલીએ મને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે થોડીવાર માટે હું મૂંઝવણમાં મુકાઇ ગઈ. તેનો પ્રશ્ન સાંભળી મે કહ્યું કે આ ત્રણેય તો આપણને ઘડે જ છે, પણ મને લાગે છે કે આ ત્રણેયની સાથે સાથે આપણી નિષ્ફળતા પણ આપણને ઘડે છે. આ સાંભળી એ કહે છે કે પૂર્વી આપણી એ નિષ્ફળતા પાછળ પણ આ ત્રણેય “સ” જ જવાબદાર છે. તેની વાત સાંભળી મે કહ્યું કે સમય અને સંજોગ તો સમજી પણ સ્વજનો શી રીતે જવાબદાર હોય? તે કહે કે પૂર્વી સ્વજનોનો ફાળો તો સૌથી વિશેષ રહેલો છે. આમ કહી તેણે કહ્યું કે પૂર્વી દરેક મા ને એનું બાળક સૌથી હોંશિયાર થાય તેવી આશા હોય. આવી આશાઓમાં મા અનાયાસે પોતાની અપેક્ષાઑ પૂર્ણ કરવા માટે અનેક ગણો ભાર પોતાના સંતાનોની ઉપર નાખી દેતી હોય છે. જેને કારણે બાળકો ઉપર પોતાના માં-બાપના સપનાઓને પૂર્ણ કરવાનો ભાર આવી જાય છે. આ ભારને કારણે બાળક પોતાના સ્વપ્નાઑ તો પૂરા કરી શકતું નથી પણ પોતાના મા-બાપ જે રીતે ઈચ્છે છે તે રીતે કામ કરતું થઈ જાય છે, અને આ જ ટ્રેડિશનલ પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. પૂર્વી હું બધા કરતાં હોંશિયાર થાઉં, અને ડોકટર બનુ તેવી મારી મમ્મીની ઈચ્છા હતી. આથી મારી મમ્મી વારંવાર મારી સરખામણી અન્ય હોંશિયાર બાળકો સાથે કરતી અને મને કહેતી જો નીતા કામકાજમાં કેટલી હોંશિયાર છે, જો વસુબેનની રાજુ જો ……એકેય કામ એવું નથી એને ન આવડતું હોય ને પાછી ભણવામાંયે કેવી તૈયાર છે. આમ વારંવાર બીજા ઉદાહરણો દ્વારા એ મારા નાના મનને ભરતી રહેતી. મારી મમ્મીની આ વાતો સાંભળી મને હંમેશા એક પ્રકારનો ગુસ્સોયે મનમાં રહેતો ને સાથે સાથે મનમાં બીક પણ રહેતી કે હમણાં મારાથી કાંઈક થશે તો તરત જ મને કહેશે કે જો આ કેવી રીતે કામ કરે છે તારા કાંઇ કામનો વેતો છે? આમ મારી મમ્મીની વારંવારની ટકોરને કારણે મારામાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ બંધાતી ગઈ. આ લઘુતા ગ્રંથિએ મારી અંદર એક પ્રકારની નિષ્ફળતા ઊભી કરેલી જેમાંથી નીકળતા મને વર્ષો લાગ્યાં. આથી જ હું માનું છુ કે સમય અને સંજોગો કરતાં યે સ્વજનો એ વધુ આપણા વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે અને આપણને સફળ કે નિષ્ફળ બનાવે છે.

આ મારી કે આપની એક સખીની વાત નથી. આપણી આજુબાજુ આવા અનેક પ્રસંગો આપણે રોજબરોજ જોઈએ છીએ. આજે જેમ જેમ કોમ્પિટિશન વધતી જાય છે તેમ તેમ આપણી આશાઑ અને અપેક્ષાઓ વધતી જાય છે. જ્યારે આ આશાઓ અને અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે મનમાં ઉદ્ભવતી મનોવ્યથાઓ આપણા મનોબળને તોડે છે જે આપણને નિષ્ફળતા તરફ દોરી જાય છે. ખાસ કરીને આ બાબત વિદ્યાર્થીઓમાં અને નવયુવાનોમાં વધુ જોવા મળે છે. આજે પરીક્ષાઓ પછી આપઘાત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા જે રીતે વધતી જાય છે તે જોતાં હંમેશા વિચાર આવે છે કે એક તો આપણી શિક્ષણ પ્રથાએ આ વિદ્યાર્થીઑ પર કેટલો બધો ભાર મૂકી દીધો છે, ઉપરથી આપણી અનેક અપેક્ષાઓને કારણે આપણાં બાળકો ક્યારે તૂટી જાય છે તેની જાણ આપણને જ રહેતી નથી. મન પર રહેલા આ ભારને કારણે જે બાળકો શરૂઆતમાં હોંશિયાર હોય તેઓ પણ ધીરે ધીરે પોતાનું ધ્યાન અભ્યાસ પરથી છોડતા જાય છે, જેનું પરિણામ આપણને પરીક્ષા પછી જોવા મળે છે. બાઇબલમાં કહે છે કે પોતાને નકામા કે બીજાથી નાના ગણવાની રીત લોકોમાં બહુ સામાન્ય રીતે રહેલી છે, માટે બહુ મોટા ધ્યેયને એક ઝટકામાં શરૂ ન કરતાં તમારા ધ્યેયની શરૂઆત નાના નાના ધ્યેય થી કરો જે તમને નિષ્ફળતાથી બચાવીને મોટા ધ્યેય તરફ જવાની ગતિ આપશે. (નીતિ વચનો ૧૧:૨, ૧૬:૧૮) એક સમયના પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને કહેલુ કે જ્યારે હું રમવાની શરૂઆત કરતો ત્યારે મારી અંદર રહેલા એક નિષ્ફળ ખેલાડીની સાથે હું રમવાની શરૂઆત કરતો. પછી જેમ જેમ રમતમાં આગળ વધતો જતો તેમ તેમ મારા એ નિષ્ફળ ખેલાડીને એટલું પ્રોત્સાહન આપતો કે એ ખેલાડી પોતાની નિષ્ફળતાને સફળતામાં ફેરવવા માટે સ્વયંની સાથે લડી પડતો. આ તો થઈ સ્વ સાથેની વાતો પણ શું કોઈના કહેવાથી આપણે શું ક્યારેય નિષ્ફળ થઈ જઈએ છીએ? એવો સમય ઘણીવાર આવતો હોય છે કે આસપાસના લોકો અથવા આપણી વિરુધ્ધ રહેલા લોકો વારંવાર આપણને યાદ કરાવે છે કે તમે તમારા કાર્યમાં સફળ નથી થયા પણ આ વાતનો એ અર્થ ન કાઢવો કે તમે તમારા દરેક કાર્યમાં અસફળ થયા છો. મધર ટેરેસા કહેતા કે માણસને હરાવનાર સમય કે સંજોગ નહીં પણ માણસની મનમાં રહેલી ચિંતા છે જે માણસને પોતાના ઘૂંટણ ટેકવવા માટે મજબૂર કરી દે છે. મધર ટેરેસાની વાત સમજીએ તો લાગે છે કે આપણી સફળતા કે નિષ્ફળતા માટે કોઈ અન્ય નહીં પણ આપણે સ્વયં જ જવાબદાર છીએ. મારા અન્ય એક ખાસ મિત્રએ અમેરિકામાં પોતાનો એક નાનકડો બિઝનેઝ ઊભો કર્યો આ બિઝનેઝ તેમણે ૮ વર્ષ ચલાવ્યો આ આઠ વર્ષ દરમ્યાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો પણ આખરે કોઈક કારણસર તેમને એ બિઝનેઝ બંધ કરવો પડ્યો ત્યારે તેઓ ઘણા જ ઉદાસ થયાં. દિવસોને મહિનાઓ સુધી તેઓ મારી સાથે તેમના બિઝનેઝની વાત કર્યા કરતાં. આખરે એક દિવસ જૂની બધી જ વાતોને મનમાંથી ઉખેડી ફેંકી દીધી અને પછી મારી પાસે આવીને કહે મે મારો પ્રથમ બિઝનેઝ ભલે આઠ વર્ષના ટૂંકા ગાળામાં બંધ કર્યો હોય પણ હવે હું નવી લાઇન સાથે નવો ધંધો કરવા વિચારું છુ. એઓ જ્યારે વાત કરી રહ્યા હતા તે સમયે મારા પાપા એ તેમને પૂછ્યું કે હવે તું તારા આ નવા બિઝનેઝમાં સફળ જ થશે તેની ખાતરી શું? તે સાંભળી ને તેઓ કહે કે અંકલજી આ વખતે તો હું સફળ થવાનો જ છુ કારણ કે મારા જૂના બિઝનેઝમાં થયેલી ભૂલોમાંથી હું ઘણું બધુ શીખ્યો છુ અને એ સમયે પણ મને ઘણું બધુ શીખવાડ્યું છે. મારા મિત્રના એ જવાબે મને પણ જણાવ્યું કે સવાલ કેરિયરનો હોય કે જિંદગીનો…. સફળતા અને નિષ્ફળતા આપણી સાથે જોડાયેલી જ હોય છે બસ આપણે ક્યા પોઈન્ટથી જોઈએ છીએ તેના ઉપર પણ આધાર રાખે છે. આમાં સૌથી મજાની વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડે છે પણ જેમનામાં હિંમત હોય તે નિષ્ફળતાના કડવા સ્વાદને સફળતાના મીઠા સ્વાદમાં ફેરવી નાખે છે પછી તેમને કોઈ એમ નથી પૂછતું કે તમે શું ક્યારેય નિષ્ફળ થયા છો? તેઓ એમ જ પૂછે છે કે તમે ક્યારે સફળ થયા? અને સફળતા મેળવવા માટે તમે શું શું કર્યું? અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ ડો. એરિક ફ્રાન્સિસ કહે છે કે મે જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેના કરતાં વિશેષ હું ફેઇલ થયો છુ. એક સમય તો મારે માટે એવો પણ હતો કે લોકો મને ફેઇલિયર તરીકે ઓળખતા હતાં. આ સમયે હું દરેક ક્ષણે વિચારતો કે આ ફેઇલિયરની લાઈફની અંદર રહેલી પ્રત્યેક ક્ષણ એવી છે જે મારે માટે અદ્ભુત છે, કારણ કે આ પ્રત્યેક ક્ષણો મારે માટે એક શિક્ષક સમાન છે જે મારે માટે સોનેરી સમય લાવનાર છે. ડો. એરિકની વાતને અનુલક્ષીને શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો જા કારણ કે જીવનમાં કરેલા બધા જ કર્મો ફળ આપે જ છે, માટે કોઈપણ કાર્યને નિષ્ફળ થયેલું ન માનો. થોડા વર્ષ અગાઉ લેખક શ્રી રજનીકુમાર પંડ્યા સાથે મુલાકાત થયેલી. તેમણે વાતચીત દરમ્યાન કહ્યું કે બેટા પ્રત્યેક વ્યક્તિઑ પોતપોતાના ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક નિષ્ફળ થયા જ હોય છે, અને નિષ્ફળ થવું જ જોઈએ કારણ કે નિષ્ફળતાનો સ્વાદ માણ્યા વગર સફળતાના સ્વાદનું મૂલ્ય સમજાતું નથી, માટે મને કોઈ એમ કહે કે હું ક્યારેય નિષ્ફળ થયો જ નથી ત્યારે હું માની લઉં છુ કે તે વ્યક્તિની દોડ અધૂરી છે. 

સફળતા અને નિષ્ફળતા અંગે આ લેખ લખતા મને અન્ય એક વાત પણ યાદ આવે છે. લાસ્ટ સપ્ટેમ્બરમાં (૨૦૧૪) મારે લાદેનબર્ગ (જર્મની) જવાનું થયેલું. તે વખતે જર્મન વૈજ્ઞાનિક કાર્લ બેન્ઝના ઘર કમ મ્યુઝિયમની મુલાકાત લેવા મળી. આ મ્યુઝિયમના એક ખૂણામાં કાર્લ બેંન્ઝની અમુક વાતોને ટાંકવામાં આવેલી. આ વાતો મને ઘણી જ સ્પર્શી ગઈ. તેમણે પ્રથમ એ કહ્યું કે “તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે સ્વ પરનો વિશ્વાસ અને તમારા કાર્ય ઉપર વિશ્વાસ મૂકી શકે તેવા કોઈ સ્વની જરૂર હોય છે. (પ્રથમ સ્વ એટ્લે આત્મવિશ્વાસ અને બીજા સ્વ એટ્લે તમને સમજી શકે તેવી વ્યક્તિ) જ્યારે આ બંને સ્વ તમારી પાસે આવી જશે ત્યારે તમે ગમે તેવી નિરાશામાંથી બહાર ઝડપથી બહાર આવી જશો.” તેમણે બીજી વાત એ જણાવેલી કે “આપણા લક્ષ્ય સુધી જો પહોંચવું હોય તો પ્રથમ પગલું વિફળતા ઉપર મૂકવું જોઈએ. કારણ કે વિફળ પગલું તમને તમારા નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફ લઈ જશે.” ત્રીજી વાત “તમારા સપનાને હાંસિલ કરવા માટે અને આવનાર તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારા મન, હૃદય અને આત્માને એટ્લે હદ સુધી તૈયાર કરો કે તમારું મન અને હૃદય એ પણ ભૂલી જાય કે તમારી હદ કઈ હતી.” ચોથી વાત એ કે “કશુક પ્રાપ્ત કરવાની તમારી જીદ તમને ચોક્કસ ઉર્જા આપી સફળ કરશે અને અવરોધોને તમારાથી દૂર કાઢશે”, અને પાંચમી વાત એ કે “હંમેશા સહજ રહી, પોતાની બુધ્ધિ પર વિશ્વાસ રાખી કાર્ય કરો, કોઇની યે નકલ ન કરો કારણ કે નકલ એ તમને તમારા વ્યક્તિત્વથી દૂર કરી દે છે.” હા કોઈને, કોઇની વાતને અને કોઈના કાર્યને તમારી પ્રેરણા ચોક્કસ બનાવો, પણ એણે જે કર્યું છે તે તમે ન કરો કારણ કે એણે એના જીવનકાર્યમાં જે ભૂલો કરી છે તે ભૂલ તમે પણ કરશો, આથી તમારા કરેલા પ્રયત્નોનું પરિણામ નક્કર નહીં આવે.  

આ અલગ અલગ મહાનુભાવોની અને મિત્રોની વાતથી મને એક વસ્તુ શીખવા મળી છે કે મનમાં રહેલ નકારની ભાવના દૂર કરવા માટે જીવનમાં એક હકારની કવિતાની જરૂર હોય છે માટે નિષ્ફળતાના ભયથી આપણાં લક્ષ્યને ક્યારેય ન ચૂકવું. સતત ધીરા ધીરા પ્રયત્નો ચાલું જ રાખવા એજ આશા સાથે કે તમારા આ નાના નાના કરેલા પ્રયત્ન ક્યારેક ને ક્યારેક તો તમને સફળતા સુધી લઈ જ જશે. મારી મમ્મી હંમેશા કહે છે કે નિષ્ફળતા એ પારસમણિ સમાન છે જે વ્યક્તિને તે મળે છે તે વ્યક્તિને તે જીવનના ઘણા નાના મોટા પાઠો શીખવતી જાય છે. જ્યારે સ્ટીમર ડૂબે છે ત્યારે સ્ટીમરનો સૌથી પહેલા સાથ છોડનારા ઉંદર હોય છે તેમ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે જ આપણે આપણી આસપાસ રહેલા સંબંધોને સારી રીતે જાણી શકીએ છીએ. માટે નિષ્ફળતાનો અને હતાશા આ સમય કેવળ આપણને લેસન જ નથી આપતો પણ આપણી આસપાસ રહેલ લોકોના મૂળ સ્વભાવનો પણ પરિચય કરાવતો જાય છે.  આથી આપણે કહી શકીએ કે નિષ્ફળતાના સમયમાં આપણે આપણાં કેટલા મિત્રો સાચા, સારા, નિષ્કપટ અને નિઃસ્વાર્થી છે અને કેટલા મિત્રો કેવળ કોઈ લાલચ-લોભને કારણે આપણી પાસ ફરી રહ્યા છે તે જાણી શકીએ છીએ.  

અંતે:-  જ્યાં સુધી આપણે સ્વયં હારતા નથી ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી કારણ કે આપણને હરાવનાર નિષ્ફળતાનું પલડુ ક્યારેય કાયમ માટે ભારી હોતું નથી. તેથી બંધ દિશા પર નજર રાખવા કરતાં જે દિશાઑ ખુલ્લી છે તેના તરફ એક નજર કરીશું તો જીત આપણાંથી અને આપણે જીતથી ક્યારેય દૂર થઈશું નહીં. _ હેલન કેલર

લહેરો સે ડર કર, નૌકા પાર નહિં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી.
નન્‍હી ચીંટી દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દિવારો પર, પર સૌ બાર ફિસલતી હૈ,
મન કા વિશ્વાસ રગો મેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગીરના, ગીરકર ચઢના, ન અખરતા હૈ,
આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી

( હરિવંશરાય બચ્ચન )

અન્ય કોઈએ મને કહેલ એક વાક્યને અહીં મૂકી રહી છું. 

 It’s never too late to start over. If you weren’t happy with yesterday, try something different today don’t stay stuck do better.

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

purvimalkan@yahoo.com

સર્જનહારમાં પ્રકાશિત ૨૦૧૪