પર્વ વિશેષ – ગણપતિના અગિયાર સ્વરૂપ

પંચદેવોમાં અને સર્વે દેવોમાં ભગવાન ગણેશ સૌ પ્રથમ પુજાય છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત પહેલાં ગણેશજીનું આહ્વાન કરાય છે. ભગવાન ગણેશને વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા અને મંગલકર્તા દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશનું મુખ ગજનું હોવાથી તેઓ ગજાનન તરીકે પણ ઓળખાય છે. સમસ્ત ગણ દેવતાઓમાં અગ્રપૂજ્ય અને તેમના સ્વામી હોવાથી ગણપતિજીને વિનાયકના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ગણેશ પૂજન દરરોજ અને મંગલકાર્યમાં હંમેશાં થતું હોય છે, પરંતુ ભાદરવા માસ દરમિયાન દસ દિવસ માટે ખાસ ગણેશ ઉત્સવ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ભક્તજનો ભગવાન ગણેશનાં વિવિધ સ્વરૂપોને પધરાવીને તેમનું ભાવપૂર્વક પૂજન કરે છે. દસ દિવસ બાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. પુરાણો જણાવે છે કે ભગવાન ગણેશનાં અગિયાર સ્વરૂપ છે, પરંતુ ઘણા આરાધકો ભગવાન ગણપતિનાં સોળ સ્વરૂપ બતાવે છે. દુંદાળા, વિઘ્નહર્તા દેવ એવા ભગવાન ગણેશનાં આ અગિયાર રૂપ આ પ્રમાણે છે.

બાળ ગણપતિ-

બાળ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક છે તેમ બાળ ગણપતિનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે. બાળ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હાથમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બાળ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

કિશોર ગણપતિ

કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભુજા ધરાવે છે. તેમના અષ્ટ હાથોમાં અંકુશ, પાશ, જાંબુ, ફળ, તૂટી ગયેલો હાથીદાંત, ધાન્ય ભરેલો કુંભ, નીલા રંગનું કમળ, શેરડી અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતા નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

ઊર્ધ્વ ગણપતિ

ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભુજાયુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપના અષ્ટ હાથોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથીદાંત, ધનુષ્ય-બાણ અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલાં વસ્ત્રો ધારણ કરીને સિદ્ધિદેવી બેઠેલાં છે. જે પણ ભક્તજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતાં તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

ભક્ત ગણપતિ

ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હાથમાં શ્રીફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટફળ પ્રાપ્તિની ઇચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેની આરાધના સફળ બને છે.

વીર ગણપતિ

ભગવાન ગણેશની આ પ્રતિમા સોળ ભુજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વના સંરક્ષણના ઉદ્દેશ્યને માટે જો ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

શક્તિ ગણપતિ

શ્રી ગણેશના આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમાં સમાન છે. તેમની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિતદેવી બિરાજમાન છે. ગણપતિના આ સ્વરૂપને બે ભુજાઓ છે. શક્તિ ગણપતિનું સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. આ બે હાથમાંથી એક હાથ આશીર્વાદ આપે છે અને બીજા હસ્તમાં નીલકમળ છે.

હેરંબ વિઘનેશ્વર

આ સ્વરૂપ હેરંબ એટલે કે સિંહ પર સવાર થયેલું છે. બાર ભુજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હાથ અભય મુદ્રામાં અને જમણો હાથ આશીર્વાદ આપે છે. બાકીનાં હાથમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂળ, લાલ કમળ અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે તથા વર્ણ ઉજ્જ્વળ અને શુભ્ર છે. શ્રીગણેશનું આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

લક્ષ્મી ગણપતિ

શ્રી ગણેશની લક્ષ્મી એટલે રિદ્ધિ અને સિદ્ધિ. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિદેવી બિરાજમાન થયેલાં છે. ગણેશજીનું આ સ્વરૂપ અષ્ટભુજાયુક્ત છે. જેમના હાથમાં શુક, દાડમ, મણિજડિત રત્ન, કળશ, લાલ કમળ, કલ્પલતા વેલ, પાશ, અંકુશ અને ખડગ સોહે છે. રિદ્ધિ અને સિદ્ધિ દેવીઓનાં બંને હાથમાં નીલકમળ રહેલાં છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃદ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

મહા ગણપતિ

બાર ભુજાઓયુક્ત આ મહા ગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહા ગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે. તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમના વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને એક હાથમાં કમળપુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ખોળામાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો હાથ વરદાન આપનારી મુદ્રામાં છે. બાકીનાં હાથમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડુંડાં, પુષ્પ અને મોદકના લાડુ છે. મહા ગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

વિજય ગણપતિ

સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભુજાઓથી યુક્ત છે. ભગવાન ગણેશની આ ચાર ભુજાઓમાં આમ્રફળ, ગજદંત, પાશ અને અંકુશ છે. મૂષક પર આરૂઢ થયેલ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોનાં મનની તમામ મંગળ અભિલાષા પૂર્ણ કરે છે.

ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ

બાર ભુજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશના આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. શ્રી ગણેશની આ દ્વાદશ ભુજાઓમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ અને પુષ્પમાળા રહેલી છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

સંદેશમાં પ્રકાશિત ૨૦૧૧

ભાઈ

મારું નામ સ્તુતિ છે, હું કેવડી છું તે ન પૂછશો, પણ હજી હું નાની છું. આજે મારે ફરિયાદ કરવી છે. આમ તો ફરિયાદ આપણાં કોઈ ઘરનાં હોય તેની પાસે કરાય; પણ ઘરનાંની જ ફરિયાદ કરવી હોય તો કોની પાસે જવું તેની મને ખબર નથી, તેથી આ કાગળ લખું છું. કદાચ કોઈક મારી ફરિયાદ સમજે તો મને કહેડાવશો?

એક દિવસ યશુ ફોઇ મને કહે સ્તુતિ ચાલ તને તૈયાર કરી દઉં પછી આપણે બેય હોસ્પિટલ જઈએ.

મે કહ્યું કેમ?

તો, એ કહે તારી મમ્મી ત્યાં છે ને એને જોવા જઈએ. પછી ફોઈએ મને તૈયાર કરી ને હું ને ફોઇ રિક્ષામાં બેસી મમ્મીને જોવા ગયાં.

હોસ્પિટલમાં જઈ ફોઇ કહે, તારી મમ્મીનો ૧૨ નંબરનો રૂમ છે ક્યાંય દેખાય તો કહેજે. અમે બંનેએ બધાં નંબર વાંચતાં વાંચતાં મમ્મીનો રૂમ શોધ્યો. રૂમ મળ્યો ત્યારે અમે અંદર ગયાં, મમ્મી સૂતી હતી, પણ અમને જોઈ મમ્મી ઊભી થઈ ગઈ. હું મમ્મીનાં પલંગની આજુબાજુ આંટા મારતી મારતી પૂછવા લાગી. મમ્મી તમે અહીં કેમ આવ્યાં?

ત્યાં મમ્મી મોઢા પર આંગળી મૂકી કહે સ….સ….સ. અવાજ નહીં કરવાનો, બોલવાનું નહીં.

મમ્મીની એ વાત સાંભળી હું મૂંઝાઇ ગઈ. હું ફોઇ તરફ જોવા લાગી. ફોઇ બોલતા હતાં ને મને નહીં બોલવાનું?

કેમ? મે પૂછ્યું.

જો ત્યાં જો, ખૂણામાં ભાઈ સૂતો છે ને એટ્લે.

ભાઈ …. હું ફરી મૂંઝાઇ પણ હું બોલું એ પહેલાં ફોઇ બોલ્યાં એનું નામ શું નક્કી કર્યું?

મમ્મી કહે તમારા નામ પરથી યશ. આમ મારો ભાઈ આવ્યો યશ.

બે -ત્રણ દિવસ પછી મમ્મી યશને લઈને ઘરે આવ્યાં, ને યશનાં આવ્યાં પછી બધું બદલાઈ ગયું.

હવે મમ્મી મારી ઉપર પહેલાં જેટલું ધ્યાન નોહતાં આપતાં. જ્યારે ને ત્યારે મને કહેતાં કે તું મોટી થઈ ગઈ સ્તુતિ. હવે તારે તારું કામ જાતે કરવાનું ને ઘરમાં યે મદદ કરવાની. મમ્મીની વાત સાંભળી હું હવે ફોઇને રસોડામાં મદદ કરવા જતી. વિચારતી હતી કે, મમ્મી કહેશે અરે વાહ મારી સ્તુતિ તો ડાહી થઈ ગઈ. પણ એવું ક્યારેય બન્યું નહીં. યશ જ્યારે રોતો ત્યારે ય હું ફોઇ કે મમ્મીને મદદ કરવા પહોંચી જતી ને રોતા યશને બોલાવવા લાગતી કે તેનું રમકડાંનું મશીન દબાવી…..યશ…યશ….બોલતી. એક બે વાર ફોઇએ કીધું યશને જો ….જો બેનાં બોલાવે….જો યશ ..એ યશ….

બેનાં…કેવું સુંદર નામ, મને ફોઈએ આપેલું નવું નામ….પણ મમ્મી જ્યારે ફોઇની જગ્યા એ હોય તો મને કહેતાં…..યશ જો સ્તુતિ આવી યશ જો…સ્તુતિ આવી. મે મમ્મીને કહ્યું મમ્મી ફોઇએ એને બેનાં કહેવાનું કીધું છે ને બેનાં શબ્દને યાદ કરી હું ફરી બોલી ઉઠતી યશ….યશ… આ સાંભળી મમ્મી કહે;  યશ યશ શું કરે છે…. ભાઈ કહેવાનું …યશ નહીં કહેવાનું.

પણ મમ્મી હું મોટી છું ના …! તો મને કેમ ભાઈ કહેવાનું? પેલી રીતુ છે ને, એ પિયાથી મોટી છે તો પિયા એને દીદી કહીને બોલાવે છે, તો યશ પણ મને બેનાં કહે કે દીદી કહે…હું એને ભાઈ કેમ કહું? એમ કહી હું યશને રમાડતી રમાડતી યશ… યશ કહી તેને બોલાવવા લાગી હતી ત્યાં જ મમ્મીની એક થપ્પડ …ઠ….ડ કરતી આવી ને મારા પોચા પોચા ગાલ પર બેસી ગઈને ને મમ્મીનો મોટો અવાજ સંભળાયો; કીધું ને કે ભાઈ કહેવાનું, યશ નહીં કહેવાનું. બોલ ભાઈ, ભા….ઇ.

    હું સમજી ન શકી કે, મમ્મીએ મને કેમ માર્યું. પણ ફોઈએ આવીને મને સંભાળી લીધી પણ મારા ડૂસકાઓ ક્યાંય સુધી યશની રૂમમાં સંભળાતાં રહ્યાં. મોટી તો હું હતી, પણ મોટા થતાં યશને માટે હું સ્તુતિ હતી ને મારે માટે એ નાનો હોવા છતાં ભાઈ હતો એમ કેમ? હું શું સ્તુતિ છું તો એમાં મારો કોઈ વાંક હતો?

   હું મોટી થતી ગઇ ને, સાથે યશ પણ…. એ આવતો મારી સ્કૂલની નોટબૂકમાં એ ઘણી એબીસીડી લખી નાખતો, લિટોડા કરતો તેથી હું ગુસ્સો કરતી પણ મમ્મી કે પપ્પા માંથી કોઈ એક આવી મને ખીજાતા…તારાથી એ નાનો છે, એને ખીજાવાય નહીં. હું કહેતી કે મારા શિક્ષક મને ગુસ્સો કરે છે, ક્લાસની બહાર કાઢી મૂકે છે પણ એમનાં પર એની કોઈ અસર ન થતી તેઓ યશને રમાડવામાં મગ્ન રહેતાં.

રવિવાર…. યશ આવ્યો તે તે પહેલાં રવિવાર મારે માટે ખાસ રહેતો. એ દિવસે મમ્મી મને ભાવતી વાનગી બનાવતી ને પપ્પા મારી સાથે રમતાં. પણ હવે કોઈ રવિવાર મારે માટે નહોતો, હવે યશની સાથે બધાં દિવસો ઊગતા ને બધાં દિવસો આથમતા. ઘણીવાર એવું યે થતું હું ત્યાં હોઉં, પણ મમ્મી -પપ્પાને યશની જિંદગીમાં તેઓ જ હતાં, તેઓ ત્રણેય જ હતાં…હું નહોતી ક્યાંય નહોતી. મારી એ એકલતામાં ફોઇ મને સ્કૂલમાંથી સરસ માર્ક્સ લાવવાનું કહેતાં, ને હું યે વિચારતી કે હું સરસ માર્કસ લઈ આવીશ પછી તો પપ્પા ને મમ્મી ચોક્કસ મારા માથે હાથ ફેરવશે ને મમ્મી મારી ભાવતી વાનગી બનાવશે. મે ફોઇએ બતાવ્યું હતું તેમ જ કર્યું, પણ મે વિચાર્યું હતું તેમ ન થયું મમ્મીએ એકવાર શાબાશી આપી પછી કીધું; જો અત્યારે ભાઈને બહાર લઈ જવાનો સમય થઈ ગયો છે તું જા, બહાર જા ફોઇ સાથે કે તારી બેનપણી સાથે રમ. પણ મને ફોઇ કે બેનપણી નોહતાં જોઈતા મને મારા ખોવાયેલા મમ્મી પપ્પા જોઈતા હતાં…..પણ એ દિવસે ય એ ન મળ્યાં ને આજે આટલાં વર્ષે ય મળ્યાં નથી. કોઈ મને કહેશો કે, મમ્મી પપ્પા કેમ ખોવાઈ ગયા છે, ક્યાં ખોવાઈ ગયા છે?

પૂર્વી મોદી મલકાણ યુ. એસ. એ
purvimalkan@yahoo. com

ખુશીની પ્રક્રિયા જટિલ કે સરળ ?

वोह मेरे घर नहीं आती, मैं उसके घर नहीं जाती पर,
इतनी छोटी सी बात पे हमारी खुशीयां मीट नहीं जाती ।


તમે ખુશ છો? કેટલા?
ખબર નથી હું ખુશ છું કે નહીં, પણ મે હંમેશા કોશિષ કરી છે.
કોનાથી તે કોશિષ કરી છે?


જે વસ્તુ મને સુખ આપે છે, જે સમય મારા મન ને રિલેક્સ કરે છે તે જ કાર્ય કે ક્રિયા એ મારે માટે ખુશીનો સમય છે.
જો તમે કાર્ય, ક્રિયા કે સાધન સુવિધાની વાત કરતાં હોય તો તમે ખોટાં છો કારણ કે ખુશી એટલી સરળતાથી મળતી નથી. એમાંયે તમે એમ માનતાં હોય કે, આ વાત આજની છે તો કહું કે તમે આમાં યે ખોટાં છો કારણ કે જે દિવસે મનુષ્યનો જન્મ થયો તે જ દિવસથી મનુષ્યનું જીવન જેમ જટિલ થયું તેમ ખુશી શોધવાની પ્રક્રિયા પણ જટિલ થઈ. કારણ કે પ્રથમ જે માનવી પૃથ્વી પર આવ્યો તે માનવીએ હવે પોતે જ જીવન જીવવાનો માર્ગ શોધવાનો હતો. આ માનવીએ જીવન માટે પ્રથમ પોતાની ભૂખ સંતોષવાની હતી, ભૂખ પછીનું બીજા નંબર પર અગ્નિ અને રહેઠાણ આવ્યાં. આ ત્રણેય વસ્તુ પર અધિકાર જમાવ્યાં પછી સમાજ આવ્યો અને સમાજ સાથે ખુશી શોધવાની પ્રક્રિયા પર પણ ધ્યાન આપવામાં આવ્યું. સમાજશાસ્ત્રીઓ કહે છે કે, પ્રાચીન માનવે ભલે આ ત્રણેય વસ્તુઓની શોધ કરી લીધી હતી, પણ તોયે જ્યાં સુધી ઇલેક્ટ્રીકસિટીની શોધ થઈ નહોતી ત્યાં સુધી આ માનવસમાજ સૂરજ ઢળ્યાં પછી ભેગો થતો. તેમનાં નિવાસસ્થાન પાસે એક મોટો અગ્નિ તેમની આસપાસ જલાવવામાં આવતો અને તે અગ્નિની આસપાસ ભેગા થયેલાં માણસો આખા દિવસમાં ક્યાં ક્યાં ભટક્યાં અને ક્યાં ક્યાં ઉપરોક્ત ત્રણેય વસ્તુઓનો વધારે સોર્સ છે તે સમજવામાં આ લોકો ખુશી મેળવી લેતાં. જોવાની વાત એ કે આ સમયમાં ખુશીને એક સામાજિક સ્તરે જોવામાં આવતી ઉપરાંત આ સમયમાં ભાષા કે લિપિ ન હતી, કેવળ સ્વર હતાં. આ સમય બદલાયાં પછીનો સમય પણ બહુ જલ્દી બદલાયો કારણ કે એ પ્રાચીન માનવથી આધુનિક માનવની યાત્રામાં ઈચ્છાની પ્રક્રિયા સતત ચાલતી રહી જેથી કરીને જીવનમાં સમસ્યા આવી, અને જે તે જીવનનું મહત્ત્વ પણ સમજાયું પણ અંતે સમજીએ તો ખ્યાલ આવ્યો કે પ્રાચીન સમયથી આજ સુધી પ્રગતિ કરવામાં આપણે જે કિંમત ચૂકવી છે તે તમામ કિંમત એ ખુશી શોધવા માટેની જ હતી અને છે. તેમ છતાં યે પૂર્ણ ખુશી આપણને મળી છે કે નહીં તે સવાલ હંમેશા ઊભો રહેવાનો જ છે.

ખુશી શું છે, કેવી રીતે મળે, ક્યારે મળે, જ્યારે મળે છે ત્યારે તમે તેનો અહેસાસ કરો છો કે નહીં, અને જો એ અહેસાસ થાય તોયે તે ખુશીને પચાવી શકો છો કે નહીં તે બધી બાબત એક રીતે વ્યક્તિગત છે. મનોવૈજ્ઞાનિક ડો. અબ્દુલ ગૌની કહે છે કે, અનેક પ્રશ્નોથી ઘેરાયેલાં હોવાં છતાં આપણે બધાં અદ્ભુત છીએ કારણ કે જ્યારે જ્યારે આપણે પ્રશ્નોથી ઘેરાયા છીએ ત્યારે ત્યારે આપણે અમુક સમસ્યાઓનો ઉકેલ આપણે આપણાં જીવનની સૌથી મોંઘી વસ્તુમાંથી શોધવાનો પ્રયત્ન કરેલ છે અને આ સૌથી વધુ મોંઘી વસ્તુ છે શાંતિ અને ખુશી. નાની નાની ખુશીથી લઈ મોટી ખુશી સુધી આપણે કેટલાયે પગલાં સાથે ચાલીએ છીએ ત્યારે આપણે કેટલાયે પ્રકારની સમસ્યાઓને દૂર કરી દઈએ છીએ. જેથી કરીને આપણી આસપાસ જોવાનો આપણો અભિગમ જ બદલાય જાય છે. ખુશી અંગે હાવર્ડ યુનિવર્સિટીનાં રિસર્ચ પેપર કહે છે કે; ખુશી શોધવા અને ખુશી મેળવવા માટે ત્રણ રસ્તાઓ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમાં પહેલું છે ગાઢ સંબંધો. સંબંધોનાં ઘણાં પ્રકાર હોય છે, પણ જેની સાથે ગાઢ સંબંધો હોય તેની પાસેથી ખુશીની સરવાણી વહેવાની પહેલી શક્યતા છે. આ સંબધોમાં એક સંબંધ મેરેજનો પણ છે, આ એક મેરેજને કારણે અનેક સંબંધો બંધાય છે જેને કારણે અનેક પ્રકારની ખુશીઓ મળતી રહે છે. બીજું છે કે સંબધોમાંથી કેટલાં પ્રકારની ખુશી મળે છે. અહીં સંખ્યાની વાત કરવામાં નથી આવતી અહીં કેવા પ્રકારની ખુશી તમે મેળવો છો તે જરૂરી છે. ત્રીજું છે સ્ટેબલ અને સપોર્ટિવ મેરેજ એ ખુશી મેળવવા માટેનું સહજ અને સરળ સાધન છે.

અત્યાર સુધી ખુશીની શરૂઆતથી રિસર્ચ પેપર સુધીની વાત જોઈ, પણ ખુશીની વાત કરીએ તો આપણાં ગીતો અને લોકગીતોએ પણ ખુશી જાહેર કરવા માટે ઓછી મહેનત નથી કરી. જુઓને આ એક ઉદાહરણ જેમાં લગ્નમાં થતી ખુશીની પળો મેળવવા માટે પક્ષીઓને જોડવામાં આવ્યાં છે.

मैना बोली चिरैया के न्यौते हम जायें, सुअना पक्यात करी चिरूवा के साथ, लगुन लवा लै चले।
कौआ समझदार बामें, तीतुर बने सिरदार, मोर करै सत्कार, बाजे बजें चटकदार मैना मधुरु बोल गई।

અર્થ:- ચકલીએ ચકલા સાથે સગાઈ કરી છે. તેથી વિવિધ પક્ષીઓનો સમાજ ચકલીને ત્યાં ભેગો થયો છે. આ સમારંભમાં કાગડો સમજદાર વડીલની કામ કરે છે, તેતર સરદાર બન્યો છે  અને મોર બધાંનો સત્કાર કરે છે, વાજા વાગી રહ્યાં છે ત્યારે મૈના મીઠું બોલે છે. ( અહીં ગાય છે નાં અર્થમાં )

ઉપરોક્ત કહ્યું તે બુંદેલી લોકગીત છે હવે આપણાં ગુજરાતી ખાંયણામાં જોઈએ.

તળાવની પાળે મા ને દીકરી મળિયાં ને, ખુશીએ ભેંટી એટલું રડ્યાં કે તળાવે નીર છલક્યાં.

આ બંને લોકગીતની પંક્તિઓમાં જીવનની અલગ અલગ ક્ષણો રહેલી છે તેમ છતાં આ પંક્તિઓ ખુશીની પળોને જોડે છે. આથી એમ કહેવાયું કે આ ગીતો અને લોકગીતો એ દવા અને દુઆ બંનેનું કામ કરે છે. પણ આજનો પ્રોબ્લેમ એ છે જે સમયમાં ખુશીનાં લોકગીતો ગવાતાં હતાં તે સમય તો ચાલ્યો ગયો આથી ખુશીની આ તમામ પળોને બાંધવાનું કાર્ય આપણી ફિલ્મોએ કર્યું અને તે સાથે શરૂ થઈ એક નવી શરૂઆત. ચાલો જોઈએ અમુક એ ફિલ્મોનાં ગીતો જેમાં ખુશી શબ્દ રહેલો છે.

૧) ૧૯૪૯ માં આવેલી બડી બહેન ફિલ્મમાં આવેલું ગીત
जो दिल में खुशी बन कर आये, वो दर्द बसा कर चले गए

૨) ૧૯૪૯ માં જ આવેલી પતંગા ફિલ્મનું ગીત
मोहब्बत की खुशी दो दिन की, और गम जिन्दगी भर का

૩) ૧૯૫૨ માં આવેલી ફિલ્મ બેવફાનું ગીત  
तू आये ना आये खुशी तेरी, हम आस लगाए बैठे है

૪) ૧૯૬૬ ની ફિલ્મ અનુપમાનું ગીત
क्यों मुझे इतनी खुशी दे दी, की गभराता है दिल

૫) ૧૯૬૭માં આવેલી ફિલ્મ ઉપકારનું ગીત
 
हर खुशी हो वहां तू जहां भी रहे

૬) ૧૯૬૮ ની ફિલ્મ મેરે હઝૂરનું ગીત
जो गुझर रही है मुझ पर उसे कैसे मै बताऊ, वो खुशी मिली है मुझ को मै खुशी से मर न जाऊं

૭) ૧૯૬૯ માં સુહાગરાતનું ગીત
खुश रहो हर खुशी है तुम्हारे लिए, छोड़ दो आंसूओ को हमारे लिए

૮) ૧૯૭૩ ની ફિલ્મ અભિમાનનું ગીત
अब तो है तुम से हर खुशी अपनी, तूम पे मरना है जिन्दगी अपनी

૯) ૧૯૭૬ની ફિલ્મ ચિત્તચોરનું ગીત
खुशियाँ ही खुशियाँ हो जिस के दामन में, क्यों ना वो ख़ुशी से दीवाना हो जाए

૧૦) ૧૯૮૦ ની ફિલ્મ લૂંટમારનું ગીત કહે છે કે,
हस तू हरदम खुशी हो या गम


આ ગીતો તો ૬૦ થી ૮૦ નાં દાયકામાં આવેલાં હતાં, જો ૮૦ પછીનાં દાયકાની વાત કરીએ તો ત્યાં યે ખુશીને અને ખુશી શબ્દને પ્રસ્તુત કરતાં ઘણાં ગીતો છે પણ આજે આટલેથી જ અટકીએ અને ગણગણ કરતાં ઘરદ્વારે આવનારી નાની નાની ખુશીઓનાં પંખ પર ઉડવા તત્ત્પર થઈએ.

© ૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

જીવનગીતાનો મહત્તમ અધ્યાય માન

respect if you want to be respected”

જીવનગીતાનો એક અધ્યાય એ માન ઉપર પણ છે. પણ આ અધ્યાયને આપણે કેટલું જાણીએ છીએ. કદાચ આપણે માટે આ અધ્યાય હોય તો ઘણું બધો, અને બીજા માટે હોય તો કિંશુક. કારણ કે આશાબ્દિક અને અલિખિત , લિખિત અને અનેક રીતે આલેખાયેલ આ શબ્દ પર ઘણાં બધાં ઉદાહરણો ને પ્રમાણપત્રો મળી આવે છે અથવા આપવામાં આવે છે પણ તેમ છતાં યે આ શબ્દ અને તેનો અર્થ દ્રશ્ય -અદ્રશ્ય છે. આ ઉદાહરણો અને દ્રશ્ય મુજબ માણસ સારો, ભલો, વિવેકી, આનંદી બની શકે તો જ સમાજ તેનો સ્વીકાર કરશે તે વાત ભલીભાંતી જાણતો હોય છે, પણ આ સમસ્ત ગુણો ક્યારેય સદા ટકતાં નથી તેથી માણસ પ્રસંગોપાત્ત પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરી જ લે છે.  મને એક બહુ જૂનો પ્રસંગ યાદ આવે છે. રાજકોટમાં અમારી બાજુમાં એક નવો પરિવાર રહેવા આવ્યો. આ પરિવારમાં ત્રણ વ્યક્તિ હતાં. પાર્વતી મા, શોભના બેન અને કિરીટભાઈ. કિરીટભાઈના મા-બાપ ગુજરી ગયાં ત્યારે તેમના કોઈ સગાવહાલા કિરીટભાઈને રાખવા તૈયાર થયાં નહીં, તે સમયે તેમના ઘરમાં કામ કરતાં પાર્વતી મા એ કિરીટભાઈને સંભાળી લીધેલાં જ્યાં સુધી શોભનાબેન આવ્યાં ત્યાં સુધી. અમે શોભનાબેનના વર્તન વાણીથી બહુ પ્રભાવિત રહેતાં. ખાસ કરીને તેઓ જે રીતે પાર્વતી મા સાથે બોલતા તે જોઈને, પણ જેમ દિવસો જતાં ગયાં તેમ બંને વચ્ચેનો ભેદ ખૂલતો ગયો અને શોભનાબેનનું વર્તન -અવર્તનનો પરદો ખસતો ગયો. આ વર્તન-અવર્તનને સમજી શકાય છે કારણ કે વિચારભેદ હોય છે. પણ એક દિવસ એવો આવ્યો કે, શોભનાબેને કિરીટભાઈની ગેરહાજરીમાં પાર્વતી માને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યાં. એ દિવસે પાર્વતીમા અમારે ઘેર કલાકો બેસીને પોતાના એ દીકરાને શોધી રહ્યાં હતાં જેમને તેમણે મોટો કરેલ. એ સમયે મને પાર્વતીમાની ખૂબ દયા આવેલી, પણ તેમની એ વિવેશતા સમજી શકેલી નહીં. આજે સમજી શકું છું ત્યારે ખ્યાલ આવે છે કે, સંસ્કાર, સમર્પણતા, નિસ્વાર્થતાની એ આવેલી મૂરત એ કિરીટભાઈના જીવનમાં એક ઈશ્વરનું રૂપ જ હતું, પણ એ સંનિષ્ઠ સેવકને અંતે પોતાનો પરિવાર અને એ માન પાછું મળ્યું નહીં. અહીં વાત કેવળ પાર્વતી માની જ નથી, સંત એકનાથજીના જીવનમાં યે આવો એક પ્રસંગ બનેલો છે. સંત એકનાથજીને પોતાના ગૃહગોષ્ઠ કાર્યમાં એક સેવકની જરૂર હતી, ત્યારે પ્રભુ પોતે સેવકનું રૂપ લઈને આવ્યાં અને એકનાથજી સાથે રહ્યાં. આ સેવક બનેલાં પ્રભુને ક્યારેક આરામનો સમય મળતો, ક્યારેક ન મળતો. એક દિવસ પોતાને ત્યાં રહેનારા, પોતાનો ગુસ્સો ને પોતાની નારાજગીને ચૂપચાપ સાંભળી લેનાર એ સેવક તો મૂળે પોતાના આરાધ્ય પ્રભુ જ હતાં તેની જાણ એકનાથજીને થઈ ગઈ ત્યારે તેઓએ ખૂબ પશ્ચાતાપ કર્યો. એકનાથજી હોય કે અન્ય કોઈ, આપણી આંખો, મન અને હૃદય સેવકોમાં પ્રભુ રૂપ જોવા માટે કે માન આપવા માટે ટેવાયેલ હોતા નથી, પણ આ પ્રસંગોથી એક કહેવત આવી કે, “ન જાને કિસ સ્વરૂપ મેં નારાયણ મિલ જાયે.”

 

ઉપરોક્ત બંને પ્રસંગો જ્યાં સેવકો પર પૂરા થાય છે, ત્યારે ઈન્ડિયા છોડીને અમેરિકન વિચારશરણી પર પટકાઉ છુ. અમારે ત્યાં નાના-મોટા બધાંને માન અપાય છે. આ નાના-મોટામાં કોઈ વર્ગ હોતો નથી ચાહે તે ઉંમરનો હોય કે કામનો હોય. આ દેશમાં વ્યક્તિની જેમ કોઈ કામ નાનું-મોટું નથી, તેથી નાતજાતના અને કામના વાડાના બંધનોમાંથી આ દેશ મુક્ત છે. આ કારણે ઘરે ઘાસ કાપવા આવતાં માણસ સાથે ય એટલી જ સરળતાથી વાત કરવામાં આવે જેટલી સરળતાથી અન્ય લોકો સાથે વાતચીત થાય છે. આ રીતે સરળતાથી વાત કરવી એ પણ માન આપવાનો એક પ્રકાર જ છે. પણ આપણે ત્યાં કહેવામાં આવે છે કે, માન લેવું હોય તો માન આપો. આ માન શબ્દ મારી દૃષ્ટિએ બહુ વિચિત્ર છે. આ શબ્દ પોતાના જેવા અન્ય ૫ શબ્દોને સાથે લઈ ચાલે છે. ( સન્માન, બહુમાન, સ્વમાન, અભિમાન, અહેસાન ) માન સન્માન આપવું કે લેવું એ એક હકારાત્મક કાર્યવાહી છે જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી રીતે કહીએ તો; કોઈ સાથે આદરપૂર્વક અને વિવેકભર્યા વર્તન સાથે મિષ્ટ બોલવું તે ક્રિયાને “માન” સાથે જોડવામાં આવી છે, પોતાની વિવેકપૂર્ણ બુધ્ધિ પર સ્થિર રહી કોઇની પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર કે હાથ લાંબો કર્યા વગર પોતાની મર્યાદામાં કાર્ય કરવું તેને” સ્વમાન” સાથે જોડવામાં આવ્યું છે, કરેલા કાર્યની પ્રસંશા જ્યારે આખા સમાજ સામે થાય ત્યારે તે બને છે “બહુમાન”. આ બહુમાન સાથે શાલ અને ફૂલ સાથેનો ગુલદસ્તો જ્યારે જે તે હાથમાં મૂકાય છે ત્યારે તે બને છે “સન્માન”. આ સ્વમાન અને બહુમાન સાથે જે સમાજમાં અગાઉ ૪ જણાં ઓળખતાં હતાં, તેની જગ્યાએ ૪૦૦ જણાં ઓળખે છે ત્યારે તે આનંદ ફૂલીને ફાળકો થઈ મસ્તક પર બેસે છે, એ સમયે ઘણીવાર માણસ પોતાની વિવેકમર્યાદા ભૂલીને જે વર્તન કરે છે ત્યારે તે બને છે “અભિમાન. આ અભિમાનથી ગર્વિત થયેલ વ્યક્તિ સામાન્ય રીતે કોઇની મદદ લેતા અચકાય છે, પણ કોઈક સમયે મદદ લેવી યે પડે ત્યારે તેનું નામ આવે છે કે તેણે તેનો અહેસાન લીધો. છે ને માન સાથે જોડાયેલ શબ્દોની આ વિચિત્ર ચાલ !! લો ઉપરોક્ત કહેલાં આ શબ્દોને યાદ કરતાં કરતાં એક ફિલ્મી ગીત પણ યાદ આવી ગયું.

“માન મેરા અહેસાન અરે નાદાન કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, મેરી નઝર કી ધૂપ ના ભરતી રૂપ તો તેરા હુસ્ન હોતા બેકાર કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર, કે મૈને તુજ સે કીયા હૈ પ્યાર.”

આ વિચિત્ર ચાલવાળા તમામ શબ્દો ભલે સામાજિક વેલ્યૂ સાથે જોડાયેલ હોય પણ આ તમામ બાબતો એ વ્યક્તિના કર્મ અને વિચારશક્તિ ઉપર આધાર રાખે છે. એક સમય હતો જ્યારે લોકો હૈયાથી હળતા મળતા, આંખમાં આંખ મેળવી પાંખમાં લેતા અને સુખદુઃખમાં ભાગીદાર થતાં. લાગણીથી વાતો કરતાં, ઘરે રોકાતો- રોકતો, કહેતો- કહેવા દેતો, જમતો- જમાડતો, બેસતો-બેસાડતો, ગુસ્સો અને બળાપો કાઢતો અને કઢાવતો, પરસ્પર માન આપતો અને મેળવતો. આજે એમાંનું  ઘણુંબધું ખોવાઈ ગયું છે અથવા ખોઈ કાઢ્યું છે. ઘણીવાર એવું લાગે છે કે સંબંધોમાં ઓટ આવી છે. એવું નથી કે આ સંબંધોમાં પ્રેમ નથી. પ્રેમ છે, સ્નેહ છે પણ એ પ્રેમ અમુક સીમા સુધી સીમિત રહી ગયો હોય તેવું લાગે છે. આ સીમા એ ક્યારેક પોતાના સુધી તો ક્યારેક પોતાની આસપાસના વાતાવરણ સુધી જોવા મળે છે. જેને કારણે ઉમકળામાં ઓટ આવી છે. આ ઓટે પહેલું કાર્ય એ કર્યું કે, માણસ કેવળ સ્વકેન્દ્રી બની ગયો, તેથી આજે તે સગા સંબંધીઓને જોઈ હરખાતો નથી, ઘણાં વખતે મળેલાં એ મિત્રને જોઈ તેના ઉરમાંથી આનંદ છલકાતો નથી, પાડોશી સાથેનો વ્યવહાર કેવળ કેમ છો ને કેમ નહીં જેવો સીમાબંધ બની ગયો છે. પ્રસંગ, તહેવારમાં તેની હાજરી કામચલાઉ બની ગઈ. આ બધાથી સામાજિક પ્રોબ્લેમ એ આવ્યો કે,પરસ્પર માન-સન્માન આપવાની ભાવના ઓછી થઈ ગઈ અને માણસ સ્વ માં જ ખોવાઈને રહી ગયો. આ સ્વની એકલતા આજે તો સારી લાગે છે, પણ લાંબા ગાળા માટે સારી નથી તેથી ચાલો આ સ્વ માંથી બહાર નિકળીને આપીએ, મેળવીએ અને મહેંકાવીએ.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ એ
purvimalkan@yahoo.com

 

કંપની

હું ઘણાં સમયથી એકલી રહું છું. કારણ એ ગયાં પછી મારો દીકરો એનાં લક્ષ્યને શોધવા નીકળી પડ્યો જેથી ઘરમાં રહી ગઈ હું એકલી. આ એકલતાની સામે લડવા માટે રોજ સાંજે બહાર નીકળી પડું છું. આજે ય નીકળી પડી મારી એજ એકલતા સાથે.

 

મારા ઘરને તાળું મારી હું લિફ્ટ તરફ ગઈ, ત્યાં બિલ્ડીંગમાં કામ કરતી એક બાઈ મળી. એની સાથે મે વાત ન કરી પણ અમે બંન્ને એક બીજાની સામે જોઈ હસ્યાં. અમારા એ હાસ્યમાં અમે ઘણીબધી વાત કરી લીધી. પછી હું બિલ્ડીંગનાં મેઇન ગેઇટ પર આવી જ્યાં બે ચોકીદાર હતાં. જેમાંથી એક કશુંક ખાઈ રહ્યો હતો, ને બીજો કશુંક બોલી રહ્યો હતો. મને તેમની વાત ખાસ સમજાઈ નહીં. બિલ્ડીંગની બહાર નિકળતાં જ મે જોયું કે રસ્તા પર સારો એવો ટ્રાફિક હતો. સામેથી આવતી ખાલી રિક્ષાનો એક ચાલક મારી સામે જોતો જોતો પસાર થયો, કદાચ એને આશા હતી કે ભાડાની, પણ એની આશા પર મે પાણી ફેરવી દીધું. એ નિરાશ થઈને આગળ ગયો જ હતો, ત્યાં બીજો રિક્ષાવાળો નીકળ્યો તેની રિક્ષા ભરેલી હતી. તેને મારી સામે જોવાની ફુરસત ન હતી. ત્યાંથી આગળ વધતાં મને થોડા ફેરિયાઓ પણ નજરમાં આવ્યાં, તેઓ કામ કરી રહ્યાં હતાં. આ ફેરિયાઓ રોજ અહીં બેસે છે તેથી જોયે હું તેમને ઓળખું છું, તેમ છતાં યે હું તેમનાંથી અજાણી છું.

 

આ ફેરિયાસ્ટેન્ડથી આગળ વધતાં મારી જમણી બાજુથી મને ઘંટારવનો આછો આછો અવાજ સંભળાયો, જે મને તેની પાસે ખેંચી ગયો. એ મંદિર હતું જલારામબાપાનું. મંદિરની બહાર ઘણી જ ચહેલપહેલ હતી. કદાચ મંદિરમાં કોઈક ઉત્સવ હશે. મે વિચાર્યું ચાલ હું યે દર્શન કરી આવું કદાચ ભગવાનનાં સંગમાં મારી એકલતાં દૂર થાય. હું અંદર ગઈ, અને પગથિયાં પાસે ચપ્પલ કાઢ્યાં ત્યાં મારી નજર મારી બહેનપણી તરફ ગઈ. હું એને જોઈ ખૂબ ખુશ થઈ. ચાલો મને સરસ કંપની મળી. એની સાથે વાત કરતાં જાણ્યું કે તેણે અને તેનાં પરિવારે આજે ભજનનો પ્રોગ્રામ બનાવ્યો છે. હું એની સાથે જોઇન્ટ થઈ ગઈ. મે પણ બધાં સાથે થોડીવાર ભજન ગાયા અને પછી ત્યાં પ્રસાદ લીધો. જેટલાં જાણીતાં મળ્યાં તેની સાથે વાતે ય કરી પછી હું મારા ચપ્પલ પહેરી મંદિરની બહાર આવી. ત્યાં મોગરાનાં ગજરાવાળી બાઈ બેઠી હતી. એની પાસેથી મે ગજરા મે લીધાં, મારા માટે નહીં, મારા ઘરમાં મારા ઠાકોરજી બેઠાં છે ને એમને માટે. અત્યારે ગરમીનાં દિવસોમાં આ મોગરાની સુગંધ એમને ઠંડી પહોંચાડશે.

 

ગજરા લઈ, હું એ રસ્તા પર ચાલતી થઈ જ્યાં રોજ સવારે શાકમાર્કેટ ભરાય છે, પણ સાંજનાં સમયે આ માર્કેટ પ્લેસ જોગર્સપાર્ક જેવો બની જાય છે. અહીં સાંજે ઘણાં બધાં લોકો ચાલતાં દેખાય છે. મે ય આજે ઘણાં ચક્કર માર્યા. આ ચક્કરો મારતાં મારતાં ઘણાં જાણીતાં લોકો યે મળ્યાં તેમાંથી અમુકની સાથે મે વાત કરી, ને અમુકને કેવળ કેમ છો કહી જવાબની રાહ ન જોતાં છોડી દીધા. એ જાણીતાં લોકોમાં બે-ત્રણ તો મારા દીકરાનાં મિત્રોની મમ્મીઓ પણ મને મળી. તેમની સાથે મે મારા દીકરા વિષે અને તેઓએ તેમનાં દીકરાઓ વિષે વાત કરી. મોડી સાંજ સુધી ત્યાં સમય પસાર કર્યા પછી હું ફરી મારા ઘર તરફ જવા નીકળી એ જ રસ્તે જે રસ્તેથી હું આવી હતી.

 

મંદિર પાસે પહોંચી ત્યારે પેલી ગજરાવાળી ન હતી. મંદિરનો પરિસર ખાલી હતો. મારી બહેનપણી અને તેનો પરિવાર જઈ ચૂક્યો હતો. મે મંદિરનાં પૂજારીને મંદિરનાં બારણાં બંધ કરતાં જોયાં, પછી હું ત્યાંથી આગળ નીકળી. રસ્તા હવે ખાલી થવા આવેલાં. અમુક ફેરિયાઓ હજુ હતાં ને અમુક નીકળી ગયેલાં. રસ્તાની દુકાનોમાં લાઇટ થઈ ગઈ હતી. રિક્ષાવાળા હવે કોઈક કોઈક જ દેખાતાં હતાં, ને જેટલાં દેખાતાં હતાં તેની રિક્ષાઓમાં સવારીઓની કંપની હતી તેથી તેમને મારી પરવા ન હતી. હું ધીરે ધીરે ચાલતી મારા બિલ્ડીંગનાં ગેઇટ પર પહોંચી. ત્યાં એક જ ચોકીદાર હતો. બીજો કદાચ કોઈક કામ કરવા ગયો હશે. બિલ્ડીંગની અંદર જતાં જ મને ત્રીજા માળવાળા પાડોશી મળી ગયાં. અમે બંને થોડી પળો માટે લિફ્ટમાં સાથે રહ્યાં. તેમને તેમનાં માળ ઉપર છોડી હું મારા માળે ગઈ. હું જેવી લિફ્ટમાંથી બહાર આવી કે તરત જ નીચેથી લિફ્ટનો રી કોલ આવ્યો, તેથી લિફ્ટ મને છોડીને બીજા સાથીને લેવા નીકળી પડી. હવે હું એકલી હતી હંમેશની જેમ. હું મારા ફ્લેટ પાસે આવી ને ઘરનો દરવાજો ખોલ્યો. પછી ઓસરીમાંથી બહારની ઓસરીની લાઇટ ચાલું કરી અંદર ગઈ ને મુખ્ય દરવાજો બંધ કર્યો, ત્યાં મારા ઘરની દીવાલો મારી સામે દોડી આવી ને મને પૂછવા લાગી…તું આવી ગઈ?? તું આવી ગઈ??? મને તારા વગર ખૂબ એકલું એકલું લાગતું હતું. …સારું થયું તું આવી ગઈ, હવે તું છો ને તેથી મને એકલું નહીં રહેવું પડે. કહી તે હસી પડી ને તેની સાથે હું યે…. હવે અમને ફરી કંપની હતી એકબીજાની….

 

©૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com 

તારીખ :-૨૩ મે ૨૦૧૯

********************************************

પ્રેરણાસ્તોત્ર:-ભારતી કનૈયા

કોઇમ્બટૂર

શોધું છું તને કદર

कदर करना सिख लो
ना जिंदगी वापस आती है

ना जिंदगी में आये हुये लोग
कई बार तबियत दवा लेने से नहीं

हाल पूछने से भी ठीक हो जाती है
कैसे हो आप ?

શું ક્યારેય આપની સાથે એવું થયું છે કે, જેમની તમે કદર કરતાં હોય તે આપને બેકદર કરી દે. મારે ઘણીવાર એવું થયું છે. જેની પાસેથી મારી કદર થશે તેવી આશા હતી, ત્યાં તે આશા ફલિત થઈ હોય અને જ્યાં આશા રાખી હોય તેવી વ્યક્તિઓના મુખમાંથી કદરના બે શબ્દો નીકળે છે ત્યારે જે આશ્ચર્ય થાય છે તે આશ્ચર્યને વર્ણવવું મુશ્કેલ છે. “કદરકેવળ ત્રણ અક્ષરથી બનેલો શબ્દ માન, સન્માન, સ્નેહ, આદર અને મહાત્ત્વતા સાથે જોડાયેલ છે. જેમાં માન આપવામાં આવે છે, સન્માન સમાજ આપે છે, સ્નેહ એને માટે છે જેની સાથે ખાસ લાગણીથી જોડાયેલ હોય અને આદર એને આપવામાં આવે છે જે વ્યક્તિ વિશેષ હોય છે. આટઆટલાં સકારાત્મક અર્થો આપવા છતાં શબ્દ સ્વ, સ્વાર્થ અને સંવેદના સાથે એવી રીતે જોડાયો છે કે જે પળબેપળમાં સ્વભાવ અને સંજોગને બદલી નાખે છે, મહત્ત્વતા સમજાવે છે કે કઠિન પરિશ્રમે મેળવેલ કે સંજોગ અનુસાર આવેલી ખાસ વ્યક્તિ કે વસ્તુનું તમારા જીવનમાં કઈ જગ્યાએ રહેલ છે. ન્યૂરોસર્જન સુઝેન લી કહે છે કે,જીવનમાં કશું યે પ્રયત્ન વગર મળતું નથી, માટે જે વ્યક્તિ મહત્વતાનું મૂલ્ય સમજી જાય છે તે વ્યક્તિનું જીવન હંમેશા સફળ બને છેઅર્થાત જે વ્યક્તિ વગર પરિશ્રમે મેળવે છે તેને માટે તે વસ્તુની કિંમત હોતી નથી. સુઝેનની વાત મને એક જૂની વાત યાદ દેવડાવે છે. થોડાં વર્ષો પહેલાં હું બિઝનેઝ લાઇનમાં હતી, તે સમયે એક માણસે આવીને મને કહેલું કે, મારા મિત્રને તમારા જેવો બિઝનેસ સેટ કરવો છે માટે મને સમજાવો હું એને કેવી રીતે મદદ કરું? મારે એને કહેવું પડેલું કે, તારા મિત્રને માટે તું કામ કરીશ. કારણ કે તૈયાર માલે મળેલ બિઝનેસની શું કિંમત છે, તેમાં તે કેટલી મહેનત નાખી છે, તે કેટલી શોધખોળ કરી છે બધી બાબતોનું કોઈ મહત્ત્વ નહીં હોય, કદર નહીં હોય. મને યાદ છે કે ચર્ચા બહુ લાંબી ચાલેલી, પણ તેનો અંત શું આવ્યો તે વિષે યાદ નથી. મારા ખ્યાલથી કેવળ મારી વાત નથી, થોડાંઘણાં અંશે બધાં લોકોની વાત છે જેઓને પરિશ્રમ કરવો ગમતો નથી અથવા કામ ચોરી કરવી છે અથવા ઓછી મહેનતે મેળવવાની ઈચ્છા છે.  

 

કદર શબ્દ સંસ્કૃતની આખ્યાયિકામાંથી ઉતરી આવેલ છે. આખ્યાયિકા છે કે,જે કથન કરે છે તે કથાનક છે, જે કથાનક છે તેનું બાહ્ય કદ કેવું છે, કેવડું નથી તે મહત્ત્વ નથી પણ જેનું આંતરીક કદ અતિ વિશાળ છે તે કથાનક દાન ને પાત્ર છે એટ્લે કે માન આપવાને પાત્ર છે. આખ્યાયિકા આજના સમય પ્રમાણે કેટલી સાચી છે તે કહેવું તો મુશ્કેલ છે, કારણ કે આંતરિક કદતાને સમજી શકીએ તેવા આપણે રહ્યાં નથી. આનો અર્થ નથી કે આપણે કોઇની કદર નથી કરતાં. આપણે કદર કરીએ છીએ એની જે આપણાં હોય, આપણી નજીકના હોય કે આપણું કામ કોઇની પાસેથી કરાવવું હોય. ટૂંકમાં કહું તો આપણે બધાં સ્વાર્થથી જોડાયેલાં છીએ તેથી ઘણીવાર એવું યે થઈ જાય છે કે આપણી આસપાસ રહેલી વ્યક્તિઓની વેલ્યૂ કરવાનું આપણે ભૂલી જઈએ છીએ જે આપણાં માટે નિઃસ્વાર્થ બનીને આપણી આસપાસ ઊભા રહેતાં હોય છે. બાબતનો મને હાલમાં અનુભવ થયો. અમારા મારી ખાસ, ઘણી અંગત મિત્ર છે ડો. મિસ્બાહ ઝારુખી. મિસ્બાહની પોતાની અંગત લાઈફ થોડી ડામાડોળ કહી શકાય તેવી રહી છે. એક દિવસ વાત કરતાં કહે કે;

जब मैने बहोत परवा की थी तब वोह यूँ बेक़द्र हो गये मानो मै मै ही नहीं हूँ,
और जब मै बे-परवा हो गइ तो वोह मेरी कद्र इस तरह से करने लगे जैसे मै कोई ताज हूँ।

તેની આ વાત પહેલાં સમજાયેલી નહીં, પણ સમય અને સંબંધે મને સમજાવી દીધું કે, તેનું પ્રથમ વિવાહ ફેઇલ ગયેલું. તે તેના પ્રથમ પતિની બહુ પરવા કરતી હતી. પતિની પરવા. આપણને લાગે કે પતિની પરવામાં શું નવું છે? બધાં કરતાં હોય. હા ! વાત સાચી છે. જેની સાથે આપણે જોડાયેલા છીએ તેની આપણે પરવા ચોક્કસ કરીએ છીએ પણ તે પરવા માત્ર સામેવાળાની જવાબદારી છે તેમ માનવું ખોટું છે. બાબત ખાસ કરીને એશિયાના તમામ પુરુષો માટે લાગુ પડે છે. ઈરાનથી લઈ ચાઈના સુધીના તમામ પુરુષોમાં મે બાબત જોઈ છે. પુરુષોમાં એજયુકેટેડ પુરુષો પણ આવી જાય છે. એક અમેરિકન સર્વે પ્રમાણે ટકા એશિયન પુરુષો આમ વિચારે છે જેથી કરીને એશિયામાં સ્ત્રીઓની સ્થિતિ, પરિસ્થિતિ શું છે તે આપણે જોઈ શકીએ છીએ. ( આ બાબતમાં જાપાની લોકોને ગણ્યાં નથી કારણ કે, જાપાની પુરુષો ફેમિલીમાં વધુ ઇન્વોલ્વ થયેલાં હોય છે. આપણે ત્યાંનાં સંબંધો પણ એટલાં સ્ટ્રોંગ નથી જેટલાં જાપાની પરિવારમાં હોય છે. ) ફરી આપણાં મૂળ ટોપીક પર આવીએ તો જાણીએ કે, આ એશિયાઈ સ્ત્રીઓ જ્યારે વસવાટ અર્થે જ્યારે બહાર નીકળે છે ત્યારે તેમની પરિસ્થિતીમાં કોઈ ખાસ ફેર પડતો નથી. તેઓ પોતાને મળેલ પરંપરાને ચાલું રાખે છે. મિસ્બાહનો કિસ્સો પણ કઇંક આવો હતો. તેણે મળેલાં પારિવારિક સંસ્કારને કારણે તેણે પોતાનાં પહેલાં વિવાહમાં પોતાનાં શોહરની ખૂબ પરવા કરી, પણ પરવાને કદરદાન મળ્યો, જેની તેને આશા હતી. આખરે વિવાહ ડિવોર્સમાં ફેરવાયાં. વિવાહમાં મળેલી તકલીફ કદાચ એટલી હાર્ડ હતી કે હવે તેને અન્ય લોકો પરવા કરે કે કરે તેની આશા હતી. તે આગળ ભણી, ડોકટર થઈ, પણ થોડી બેપરવા બનેલી. તેની બેપરવા પર ડો. વિલી વારી ગયાં અને તેની પરવા કરવા લાગ્યાં. આજે ડો વિલી અને મિસ્બાહ મેરીડ છે પણ કવચિત આવા કોઈ ટોપીક ઉપર અમારી વચ્ચે વાત થાય છે ત્યારે તે કહે છે કે, હમ અપને કી ઔર ઉનકે ખાનદાન કી ઇતની ક્રદ કરતેં હૈ કી આખિર મેં હમ હી ભૂલ જાતે હૈ કી ઇસ ખાનદાન મેં અપના ભી કોઈ વજૂદ હૈ.

મિસ્બાહની વાત અલગ છે, ત્યાં તેના પતિ ડો. વિલીનું માનવું છે કે, આપણે એમની કદર કરીએ છીએ જેમની પાસેથી આપણને કોઈ અપેક્ષા હોય છે. અપેક્ષા છે જે આપણને સાથે રાખે છે, પણ અપેક્ષાઓ ક્યારેય પૂર્ણ થશે કે નહીં તે વિષે કહેવું મુશ્કેલ છે. કારણ કે અપેક્ષાઓનો કોઈ અંત હોતો નથી. બાબતમાં હું મારી વાત કરું તો, મને ઘણીવાર લાગે કે હું જ્યારે ઈંડિયામાં આવું ત્યારે અમુક પ્રસંગો ઉજવાય.

आती है याद मुझे वोह बात बार-बार,

इसी लिये बार बार दौड़ जाती हूँ कासिद तेरी राह में

 

પણ હું જ્યારે ઈન્ડિયામાં આવું છું ત્યારે મારી ઈચ્છા પ્રમાણે થતું નથી. ઉલ્ટાનું પોણાભાગે હું નીકળી જાઉં છું પછી અમુક એવા પ્રસંગો ઉજવવામાં આવે છે તેનો આનંદ જોતાં હું કદીક તેમને પૂછું છું આજ પ્રસંગને આપણે બે દિવસ પહેલાં ઉજવી શક્યાં હોત. ત્યારે જવાબ મળે છે કે; હા કરી શક્યાં હોત પણ એ સમયે અમુકતમુક પ્રોબ્લેમો હતાં. તેમની આ વાત સાંભળીને હું વિચારમાં પડી જાઉં છું કે શું મારું હાજર હોવું એ પ્રોબ્લેમ છે અને મારી ગેરહાજરીમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે? પરંતુ એનો જવાબ ક્યારેય મળતો નથી. જો;કે બાબતનો અર્થ એ ય નથી કે, તેઓને મારું મૂલ્ય નથી. પણ આપણી સામે જે વ્યક્તિ છે તેનાં સંજોગો, તેની ઈચ્છા, તેનો સમયને આપણે સમજી શકીએ તેટલી તેમની આપણે કદર નથી કરતાં તેથી જે તે જાણીતી વ્યક્તિને ય સમજતાં યે વર્ષો નીકળી જાય છે.

અંતે:- બૌધ્ધ ગ્રંથ સુત્તપટિકમાં કહ્યું છે કે; ઈચ્છા અને અપેક્ષા પૂરી થવાની કોઈ ખાતરી હોતી નથી, તેમ છતાં યે કવચિત તમારી ઈચ્છા કે અપેક્ષા જો પૂરી થઈ જાય અથવા તો કોઈ પૂરી કરી દે તો માનજો કે સામાવાળાને તમારી કદર છે. આ કદરને અને તેની ક્ષણોને પૂર્ણ રીતે માણજો. જ્યારે બાઇબલમાં કહ્યું છે કે; જો તમારું મૂલ્ય વધે જો એમ ઇચ્છતા હોવ તો જે સામેવાળી વ્યક્તિ છે તેનાં ગુણોનું અધ્યયન કરવું જોઈએ. ( ઇફી:-: ) અધ્યયન તમારા જીવનમાં રહેલ પ્રત્યેક નાનીમોટી વ્યક્તિમાં પ્રિય બનાવશે અને તમારા સામાજિક સંબંધોને દ્રઢ કરશે.

પૂર્વી મોદી મલકાણ.યુ.એસ.એ

Purvimalkan@yahoo.com

શાસ્ત્રોમાં પુરાણોની વ્યાખ્યા અને તેનો ઉલ્લેખ

પુરાણો કેટલા છે? તો એ નો જવાબ છે અઢાર. આ જવાબ આપણાં બધાં પાસે છે, પણ આ પુરાણોની આયુ કેટલી?, પુરાણો એટ્લે શું ? અને પુરાણો ઉપર શાસ્ત્રોક્ત વ્યાખ્યાં શું છે? આ બધાનો પ્રશ્નનાં જવાબ થોડાં વિચારણીય બની જાય છે.

પુરાણો… ઉપનિષદ, વેદોની જેમ પુરાણો પણ હિન્દુઓનું ધર્મસંબંધિત એવો આખ્યાનગ્રંથ છે જેમાં ભક્તિની સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થઈ હતી. આ પ્રમાણે સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થવાનું એ કારણ કહી શકાય કે, એ સમયમાં કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ) ઉપર બ્રાહ્મણો અને આચાર્યોનો પ્રભાવ હતો. જ્યારે પુરાણોમાં રહેલ કથા, શ્રુતિ, સ્મૃતિ આદીએ સામાન્ય જનમાનસને સમજાય તેવી હોવાને કારણે પુરાણોનો વિકાસ વધુ થયો. આ શ્રુતિ, સ્મૃતિ અને કથા સિવાય આ ગ્રંથમાં વિષ્ણુ અને તેમની સૃષ્ટિ, વાયુ, જલ સૃષ્ટિ, પ્રાચીન ઋષિઓ અને તેમની આશ્રમ વ્યવસ્થા, જે તે સમયનો સમાજ અને તે સમયનાં સામાજિક જીવન, પાપ અને પુણ્યની વ્યાખ્યા, દેવી-દેવતાઓનું મહત્ત્વ અને તેમનાં પ્રાગટ્યનો ઇતિહાસ, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૃષ્ટિનાં આરંભ અને અંત સુધીની યાત્રા, ક્રિયા અને કર્મ વચ્ચેનું પરિમાણ, તીર્થયાત્રા, ચિકિત્સા, ખગોળ, ખનીજ અને વિજ્ઞાન શાસ્ત્ર, વ્યાકરણ વગેરે ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે; પુરાણોમાં વર્ણિત વિષયોની કોઈ સીમા નથી. પુરાણોની રચના મૂળ દેવભાષા સંસ્કૃતમાં કરવામાં આવી હતી, પણ મધ્યકાલીન યુગથી આ સંસ્કૃત ગ્રંથોને પ્રાકૃતિક અને ક્ષેત્રિય ભાષામાં બદલવામાં આવ્યાં જેને કારણે કવચિત્ કેવળ બ્રાહ્મણોનાં ગૃહમાં નિવાસ કરનારા પુરાણો પ્રત્યેક નાના મોટા ગૃહોમાં પહોંચ્યાં. ઈતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીયોએ કહ્યું છે કે, જ્યાં હિન્દુ પુરાણોનાં રચનાકાર અજ્ઞાત છે, ત્યાં જૈન અને બૌધ્ધધર્મનાં ગ્રંથોમાં પાંડુલિપિમાં રચિત પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે અને આ પાંડુલિપિમાં આ પુરાણોને કોણે ફેરવ્યાં તેમનાં નામ પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા એવં ઇતિહાસનાં સમ્યક જ્ઞાનને માટે પુરાણોનું ગહન અધ્યયન પરમ આવશ્યક છે. પુરાણો એ ભારતીય સંસ્કૃતિ એવં સભ્યતાનાં મેરુદંડ છે. આ મેરુદંડનાં ગંભીર અભ્યાસ વગર ભારતનો અતીત અને ઇતિહાસ અપૂર્ણ છે તેમ છતાં યે આ શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જાણકારી સરળતાથી મળતી નથી. તેથી ચાલો આજે આપણાં પૂર્વ ઇતિહાસનાં પાનાઓમાં ચાલીયે અને શોધીએ કે પુરાણો વિષે જે તે સમય શું કહે છે.  

પુરાણોની આયુ

પ્રથમ પ્રશ્ન પુરાણોની આયુ કેટલી તે વિષે એમ કહેવું પડે જેટલી જ પ્રાચીન છે ભારતીય સંસ્કૃતિ છે તેટલી જ કે પુરાણોની સત્તા છે. તેમ છતાં યે પરફેક્ટ આયુ કહેવી હોય તો એમ કહી શકાય કે, શિવપુરાણની આયુ અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી જૂની છે. ( અલબરુની -૧૦૩૦ નાં અનુસાર ) જ્યારે અન્ય એક મત કહે છે કે, કૈલાસ સંહિતાનાં ૧૬ અને ૧૭ માં અધ્યાય માં દશમી સદીનાં પૂર્વાધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજો મત ૧૩ મી સદીનાં ઉત્તરાર્ધમાં લઈ જાય છે.  

પુરાણોનું પ્રાગટ્ય:-

પુરાણોનાં પ્રાગટ્ય વિશેનો પહેલો મત કહે છે કે, કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ ) તરફની વિકાસની પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્ત્મક વ્યાખ્યા આવી. જેથી કરીને ધીરે ધીરે ભારતીય માનસ અવતારવાદ યા સગુણ ભક્તિથી પ્રેરિત થયો અને તેને કારણે પુરાણોનું પ્રાગટ્ય થયું. હવે આ મતમતાંતરમાંથી બહાર આવીને જાણીએ કે આચાર્યોએ પુરાણોનો ઉલ્લેખ શી રીતે કર્યો છે તે વિષે જોઈએ. 

આચાર્યો દ્વારા પુરાણોનો ઉલ્લેખ:-

 આચાર્ય યાસ્ક અનુસાર પુરાણની વ્યુત્પતિ સંસ્કૃત વાક્ય पुरा नवं भवति“ માંથી થયો છે. આ વાક્ય અર્થ થાય થાય છે જે પ્રાચીન હોવા છતાં નવીન છે તે. “નવીન” આ અર્થમાં પુરાણના સમયમાં થતી યતિની સાથે સાથે નવી વાતોનો ય સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પુરાતનકાળ થી લઈ આજનાં પોતાનાં સમયનો આખા ઇતિહાસ અને અતીતના પ્રસંગોને પોતાની ભીતર રાખી આગળ વધતાં પુરાણની આ લાંબી અવધિ એ અભ્યાસુઓ માટે વિશ્વકોષ બને છે. મહાવ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અનુસાર પુરાણ શબ્દની ઉત્પતિ એ “पुरा भवं “ શબ્દમાંથી થઈ છે. આ શબ્દનો અર્થ પ્રાચીન સમયમાં “જે થયેલું” તેવો થાય છે. પાણિનિ સૂત્ર , ३, २३ માં “सायं चिरं प्राह्र्र्गे-प्रगेडव्ययेभ्यष्टयु टुलौ तुट् च એમ ઉચ્ચારતાં કહ્યું છે કે, પુરા શબ્દથી ટ્યુ પ્રત્યય થાય છે ત્યારે तुट् શબ્દનાં આગમનથી પુરાતન શબ્દ બને છે. આ નવો શબ્દ બનાવ્યાં છતાં યે મહર્ષિ પાણિનિએ પોતાનાં અન્ય બે સૂત્રपूर्वकालैक -सर्व -जरत्-पुराण नव केवला समानाधिकरणेन ( २, १, ४६ ) માં અને पुराणप्रोकतेषु ब्राह्मणकल्पेषु ( ४,३, १०५ ) માં પુરાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવન પાણિનીના દ્વારા ઉચ્ચારેલ આ શબ્દને કારણે એ વાત પ્રત્યક્ષ થાય છે કે પુરાણ શબ્દ એ ખરેખર ઐતિહાસિક શબ્દ છે જે પોતાનાં ત્રણ અક્ષરમાં અનંતકાળના યુગને લઈને ચાલે છે. મહર્ષિ વાત્સાયને પોતાનાં ગ્રંથ ન્યાય ભાષ્યનાં ૪,૧, ૬૧ માં ઇતિહાસ અને પુરાણનો સ્વીકાર કરતાં ( “लोकवृत्तमितिहासपुराणस्य विषयः। इतिहासपुराणानि भिद्यन्ते लोकगौरवात् ।“ ) બે વાક્ય દર્શાવેલ છે.

પુરાણોમાં પુરાણનો ઉલ્લેખ:-

આતો જે તે સમયનાં વિદ્વાનોની વાત થઈ, પણ ખુદ પુરાણોએ પોતાનાં આ શબ્દની વ્યાખ્યા  આપી છે. દા.ખ પદ્મપુરાણમાં કહ્યું છે કે; “पुरा परम्परा वष्टि कामयते “ અર્થાત્ જે પરંપરાની કામના કરે છે તેને પુરાણ કહે છે, જ્યારે બ્રહ્માંડપુરાણ કહે છે કે; “पुरा एतत् अभूत्” અર્થાત્ પ્રાચીનકાળમાં આવું થયું હતું. આમ આ સર્વે વ્યુત્પતિઓથી જાણવા મળે છે કે, પુરાણનો પ્રતિપદ્ય વિષય એ અતીતકાળની વાતો, ઘટનાઓ અને પ્રસંગો થકી છે.

વેદોમાં પુરાણોનો ઉલ્લેખ:

પુરાણો સિવાય ઋગ્વેદની ઘણી ઋચાઓમાં પણ પુરાણ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ત્યાં આ શબ્દ એ પ્રાચીનતાનું બોધક માત્ર છે. ઋગ્વેદમાં એવું એકપણ સ્થળ નથી જેના આધાર પર પુરાણોની સત્તા નિર્વિવાદરૂપથી સ્વીકૃત કરી શકાય. અર્થવવેદમાં પુરાણ શબ્દ ઇતિહાસ, ગાથા અને વિદ્યા સાથે સંકળાયેલ છે. અર્થવવેદ અનુસાર ઋક્, સામ, છંદ અને યજુર્વેદની સાથે પુરાણનો જન્મ પણ પરમાત્માના અવશેષરૂપ યજ્ઞમાંથી થયો હોવો જોઈએ.

બ્રાહ્મણસાહિત્યોમાં પુરાણોનો ઉલ્લેખ:-

વેદોને બાદ કરતાં હવે બ્રાહ્મણ સાહિત્ય તરફ જઈએ. વૈદિક કાળ દરમ્યાન બ્રાહ્મણયુગ વિકસિત પામ્યો હતો, તે વાત ગોપથ બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણનાં ગ્રંથોમાં જોવા મળે છે. ગોપથ બ્રાહ્મણનું કથન છે કે, કલ્પ, રહસ્ય, ઉપનિષદ, ઇતિહાસ અને પુરાણોની સાથે વેદો નિર્મિત થયેલાં. આ બાબતથી જાણવા મળે છે કે, ઇતિહાસ, પુરાણોનો સંબંધ વેદો સાથે છે તેથી જેટલું મહત્ત્વ વેદોનું છે તેટલું જ મહત્ત્વ ઇતિહાસ અને પુરાણોનું પણ છે.  આરણ્યક અને ઉપનિષદમાં જે રીતે પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે, તે જોતાં ખ્યાલ આવે છે કે, આ યુગમાં ઇતિહાસ પુરાણ પૂર્વપેક્ષાથી અધિક જનપ્રિય અને પ્રચલિત થઈ ચૂક્યાં હશે. કારણ કે વેદોની ભાંતિ આ ગ્રંથોમાં પણ ઈશ્વર અને ઈશ્વરીય શક્તિ વસેલ હતી. આ ઉપરાંત તૈત્તરીય આરણ્યક ( ૨ અને ૬ ), બૃહદારણ્યક ઉપનિષદનાં ૨,૪,૧૧ તેમજ છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઇતિહાસ પુરાણનો બહોળો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:-

વેદો, ઉપનિષદ, આરણ્યક પછી પુરાણોનો ઉલ્લેખ સૂત્રગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમાં સર્વ પ્રથમ ગંગાસૂત્ર છે. આપસ્તમ્બ સૂત્ર ૨,૬, ૨૩, ૩-૬ માં ભવિષ્યપુરાણનાં બે શ્લોક આપવામાં આવ્યાં છે. આ બાબત એ એ સમયે થયેલો ભવિષ્યપુરાણનો વ્યાપ દર્શાવે છે.  

સ્મૃતિ શાસ્ત્રોમાં પુરાણોનો ઉલ્લેખ:-

સ્મૃતિશાસ્ત્રોમાં પુરાણોનું સ્વરૂપ વધુ વિશાળ અને સ્પષ્ટ થયું છે, તેથી તેની મહત્તા પણ વધુ થયેલ છે. આ ગ્રંથમાં કહ્યું છે કે પુરાણોનો વ્યાપ શનૈ શનૈ થયો હોય જનસમુદાયને આ ગ્રંથને સમજવા માટે તેમજ તેમાં રહેલ સરળ કથા-ગાથાઓને હૃદયારૂઢ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. સ્મૃતિશાસ્ત્રોની આ વાત પૂર્ણ સત્ય હોઈ આજે આપણે અન્ય શાસ્ત્રીય ગ્રંથો કરતાં પુરાણોની વધુ નજીક છીએ.

રામાયણ, મહાભારત અને અન્ય વાઙ્ગ્મય ગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:-

રામાયણમાં પુરાણોનો કેવળ નામઉલ્લેખ જ જોવામાં આવે છે ત્યાં મહાભારતમાં રહેલ અનુશીલનથી એ જાણ થાય છે કે, આ સમયમાં પુરાણોની કથાઓ, શરીર રચના અને અષ્ટાદશ સંખ્યા પણ નિર્ધારિત થઈ ચૂકી હતી. મહાભારત અનુસાર પુરાણરૂપી પૂર્ણ ચંદ્રમા દ્વારા શ્રુતિરૂપી ચંદ્રિકાનાં કિરણો ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. મહાભારત પછી વાઙ્ગ્મય અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે, પુરાણોએ એ જે તે સમયનાં જનમાનસની શ્રધ્ધાનું પ્રતિક છે. કુમારિકા ખંડનાં ૪૦ -૧૬૮ માં સ્પષ્ટ કથન કરતાં કહેવાયું છે કે, ઇતિહાસ અને પુરાણમાં ઘટિત વૃતાંતોને કારણે સમાજમાં હંમેશા પરીવર્તન જોવા મળેલું છે અને આ પરીવર્તન સતત થતું રહેશે.

સર્વે ગ્રંથોની વાતમાં પુરાણોનો ઉલ્લેખ હોવા છતાં યે જોવાની વાત એ છે કે, પુરાણો પ્રાચીનત્તમ હોવા છતાં તેમાં રહેલ ગાથા, કથા, શૃંગાર, નિસર્ગ, સામાજિક મૂલ્યો, સમાજ વગેરેનું સ્વરૂપ ન તો પ્રાચીન છે કે ન અર્વાચીન. તેથી સમય સમય અનુસાર પરીવર્તન કે પરિવર્તિત થતાં પ્રત્યેક સમાજને માટે પુરાણ મદદરૂપ થાય છે.

 

૨૨ ઓગસ્ટ ૨૦૧૯

© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

વિવિધ ભાવોનું બંધન અનુભવ

Experience is what you get when you didn’t get what you wanted. And experience is often the most valuable thing you have to offer.”
― Randy PauschThe Last Lecture

અનુભવ એટ્લે શું? શું ક્યારેય એ વિષે આપણે વિચાર્યું છે? જીવનની આ રાહમાં આપણો મુખ્ય સાથી અને ગુરુ હોય તો તે અનુભવ છે. મારા ખ્યાલથી અનુભવ એ વિવિધ પ્રકારનાં ભાવોનું બંધન હોય છે જે આપણને જીવનભર કોઈ ને કોઈ ઘટના કે પ્રસંગ સાથે બાંધી રાખે છે. વ્યાપક અર્થમાં જોઈએ તો અનુભવ એ શિક્ષણની જ એક પ્રકારની શાખા કે પ્રશાખા છે. જ્યારે વ્યાવહારિક ભાષામાં સમજીએ જેમ બીજની અંદર તેનું તેલ છુપાયેલું છે, જેમ કાષ્ઠ અને ચક-મક પથ્થરની અંદર અગ્નિ છુપાયેલ છે તેમ જીવન અને અનુભવ બંને એકબીજાની અંદર જ છુપાયેલ છે. જ્યાં સુધી જીવને જીવન મળતું નથી ત્યાં સુધી તે અનુભવ શું છે તે સમજી શકતો નથી અને અનુભવ વગર જીવનનું તાત્પર્ય સમજમાં નથી આવતું.

 

The Philosophy of Religion ના લેખક ગૈલોવેનું માનવું છે કે વ્યક્તિગત અનુભવ એ સંજ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને ભાવનાત્મક એમ ત્રણ પરિબળ પર આધાર રાખે છે. તેઓ કહે છે કે માનવ મતિષ્કમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા નિરંતર ચાલતી હોય છે. પ્રથમ સંજ્ઞાનાત્મક ( Cognitive ), ભાવનાત્મક ( Affective ), અને ક્રિયાત્મક ( Conative ) નો સંબંધ બુધ્ધિ અને વિશ્વાસથી જોડાયેલ હોય છે. તેથી “આ બુધ્ધિ અને વિશ્વાસ આપણને સમય અનુસાર જે શીખવે છે તેનું નામ અનુભવ છે. “ જ્યારે ભારતીય દાર્શનિક અનુસાર સપ્ત પ્રકૃતિ એટ્લે કે પાંચ ઇન્દ્રિયો અને મન અને બુધ્ધિના માધ્યમથી આપણને જે શીખવા મળે છે તેનું નામ અનુભવ છે. સંસ્કૃત ગ્રંથ “સ્મૃતિભિન્નમ” માં કહ્યું છે કે “અતીતની સ્મૃતિમાં રહેલ વિવિધ જ્ઞાન” એ અનુભવ છે જે આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે.

 

જે અનુભવની આપણે વાત કરી રહ્યા છીએ તે અનુભવની ખાસ બાબત એ પણ છે કે જ્ઞાન અને સમજણ વિના તેનું મૂલ્ય નિરર્થક અને શૂન્ય થઈ જાય છે. પંચતંત્રમાં કથા છે કે ત્રણ મિત્રો આશ્રમમાંથી વિવિધ વિદ્યા સાથે સંજીવની વિદ્યાનો અભ્યાસ કરી પોતાને ઘેર જવા નીકળ્યાં. રસ્તામાં તેમને એક વટેમાર્ગુ મળ્યો. ચારેય જણા ચાલતાં ચાલતાં જંગલમાં આવ્યાં. જંગલમાં પ્રવેશતા જ બધાને કોઈક પ્રાણીના હાડકાં દેખાયા આથી એક મિત્રએ કહ્યું ચાલો આ પ્રાણીને જીવિત કરીએ. તેની વાત સાંભળી એકે કહ્યું હું હાડકા સાંધું, બીજો કહે હું ચામડું ચઢાવું ને ત્રીજો કહે હું જીવતદાન આપું. આમ કહી પ્રથમ બે જણાએ એ પ્રાણીનો ઢાંચો તૈયાર કર્યો ત્યાં ચોથો કહે આતો વાઘ છે આને જીવતો ના કરાય. ત્રણે મિત્રો કહે જીવતદાન આપવું એ પુણ્યનું કામ. ચોથો કહે જો આપણે જ જીવતા ન રહીએ તો પુણ્યદાન શા કામનું? પણ તે મિત્રો માન્યાં નહીં તેથી ચોથો વ્યક્તિ ઝાડ ઉપર ચડી ગયો ને આ બાજુ વાઘને જીવતો કરતાં જ તે ત્રણેય મિત્રોને ખાઈ ગયો, આ કથા કહેવાનો હેતુ એ છે કે સમજણ વગરનું જ્ઞાન એ નકામું હોય છે; ક્યારેક સમજણ ન પડે તો પણ અનુભવીઓની વાત માનવામાં વાંધો નથી હોતો, બસ અનુભવ અને અનુભવીઓની ઈર્ષા કરતાં અહંકારને સાઈડમાં મૂકવો પડે છે. હા આવા અનુભવીઓને અનુભવથી વૃધ્ધ અને સમૃધ્ધ થયેલો વ્યક્તિ છે એમ ચોક્કસ માનવામાં આવે છે. ઈમ્માનૂઇલ નબુબીએ કહ્યું છે કે અનુભવ માણસને જન્મથી મળતી અદ્ભુત ભેંટ છે, જે સમય અનુસાર માણસને ધીમે ધીમે મળે છે. ઈમ્માનૂઇલજીની વાત મને હંમેશા સાચી લાગી છે, તેથી આજની પૂર્વીને હું તરાસવા જાઉં છુ તો ખ્યાલ આવે છે કે મારા અનુભવો અને મારી અભિવ્યક્તિને કારણે હું વધારે સબળ થઈને ખીલી છુ. કેવળ અનુભવોની જ વાત કરું તો મારૂ મન વિવિધ દિશામાં જતું રહે છે. એમાંથી એક દિશા મને એ સમય પાસે લઈ જાય છે, જે દિવસે હું મોડી રાત્રે મારા સ્ટોર ઉપરથી ઘરે પછી ફરવાની તૈયારી કરતી હતી, ત્યાં સ્ટોરમાં ઘૂસી આવેલા ગુંડા સાથે ઝપાઝપી થઈ ગયેલી, પરંતુ હું 911 નંબર લગાવવામાં સફળ રહેલી. અમુક પળોની અંદર જ આવી ગયેલી પોલીસને કારણે હું બચી ગયેલી, પણ પોલીસે બીજે દિવસે મને બ્રેવ લેડી કહી આપેલું સર્ટિફિકેટ આજેય મારી સાથે છે. સ્વને બચાવવાનો એ આનંદ જેટલો અદ્ભુત હતો તેનાથી વધુ આનંદ મુંબઈ ને બચાવવાનો થયેલો. ૨૦૧૨માં સપરિવાર ઈન્ડિયા આવેલી, ત્યારે એરપોર્ટની બહાર નધણીયાતો સામાન જોયો, પહેલા તો લાગ્યું કે જેનું હોય તેનું જવા દઈએ, પણ મારી અંદર છુપાયેલી એ બ્રેવ લેડીએ કૂદકો માર્યો અને એરપોર્ટ પોલીસને જઈને જાણ કરી. એ પોલીસે એ સામાન કબ્જે કર્યો બે દિવસ પછી જાણવા મળ્યું કે તે છોડાયેલા સામાનમાં મુંબઈની ગલીઓને લોહિયાળ કરવાનો પૂરતો સામાન હતો ત્યારે એ એક પળનો મે આભાર માન્યો અને વિચાર્યું કે અગાઉનાં મારા એક અનુભવે આજે કેટલાય પરિવારોને તૂટતાં બચાવી લીધાં. જો’કે મારું એય માનવું છે કે જ્ઞાન આપણો પરિચય સમાજના વિભિન્ન ક્ષેત્ર સાથે કરાવે છે, જ્યારે અનુભવ આપણને વિનમ્ર થતાં શીખવે છે. મારા જ્ઞાનની થિયેરીમાંથી બહાર નીકળી ને જોઉં છું તો લાગે છે કે તે સમયની પૂર્વી  ને આજની પૂર્વીમાં યે ઘણો ફર્ક છે. આજની પૂર્વી ઘણી ઘણી વાતોને લઈને ડરી જાય છે, ત્યારે વિચારું છુ કે તે બ્રેવ લેડી ક્યાં ખોવાઈ ગઈ? મુંબઈ પોલીસે તે સમયે એક વાક્ય કહ્યું હતું કે “ ભયાનક ઘટનામાંથી બહાર નીકળેલો અનુભવી એ આખલા જેવો હોય છે જે પોતાની સામે આવતી પરિસ્થિતિ મુજબ વર્તે છે. ક્યારેક એવું લાગે છે કે આપણે કશું જ કરી શકીએ તેમ નથી, પણ સમય અને પૂર્વાનુભવ હંમેશા આપણને ચેતતા રાખે છે જેને કારણે આપણે ક્યારેક એવા કામ કરી જઈએ છીએ જેની આપણે ક્યારેય કલ્પના કરી હોતી નથી.” આતો થઈ મારા અનુભવોની વાત, પણ કોઈપણ પ્રકારનાં અનુભવોને વર્ણવવા હોય ત્યારે શું સ્ત્રી અને પુરુષોની નજરે જુદા પડે છે? ક્યારેક લાગે છે કે ના સ્ત્રી અને પુરુષો બંનેની નજર એક સરખી જ હોય છે કારણ કે એક જ પ્રકારની ઘટના એક જ પ્રકારે અનુભવી શકાય છે કેવળ બે મનની કે મગજની સમજવાની રીત અલગ અલગ હોય શકે પણ શબ્દોમાં તે એક જ પ્રકારે ઢળે છે. અમેરિકન સાયકોલોજિસ્ટ ડો. ટીમોથી વિલિયમ્સનું કહેવું છે કે એક જ સમયે બનતી ઘટનાના અનુભવને સ્ત્રીઓ સંવેદનાથી પ્રગટ કરે છે જ્યારે પુરુષો કેવળ ઘટનાની નજરોથી જુએ છે. તેથી એક જ ઘટનાને વર્ણવવાના શબ્દો પણ અલગ અલગ હોય છે.

 

આ અનુભવ ઉપરથી “અનુભૂતિ અને અભિવ્યક્તિ” એમ બે શબ્દ પ્રગટ થયાં. જેમાંથી અનુભૂતિને આપણે લાગણી તરીકે સંબોધી શકીએ છીએ, પરંતુ મારું ધારવું છે કે અનુભૂતિ એ લાગણી અને બુધ્ધિથી પર હોય છે. જ્યારે કોઇની સમજણ, ભાવના અને જ્ઞાનને સમજે, જાણે, વાંચે કે તેમના વિષે લખે કે બે શબ્દ બોલે તેને અભિવ્યક્તિ કહેવાય. અનુભૂતિ એ કેવળ વિશ્વાસ પર આધાર રાખે છે. દા.ખ એક ફૂલ હાથમાં લઈ સુંઘ્યું તે અનુભવ અને ફૂલ હાથમાં ન હોવા છતાં તેની સુવાસને શ્વાસમાં ભરી શકીએ તે અનુભૂતિ. આ અનુભૂતિ તે મોટેભાગે આપણી છઠ્ઠી ચેતનાશક્તિ સાથે જોડાયેલ હોય છે. અનુભૂતિ લૌકિક અને અલૌકિક બંન્ને જગતનાં સંદર્ભમાં હોઈ શકે છે. પરંતુ મન અને બુધ્ધિનાં સ્ટાર ઉપર અનુભૂતિનું વિશ્લેષણ કરવું કઠિન છે. તેમ છતાં એમ કહી શકાય કે લૌકિકમાં પ્રિયજન સાથે જોડતી અને અલૌકિક કે આધ્યાત્મક માર્ગમાં આગળ વધવા ઇચ્છતા સાધક માટે સાધનરૂપ અને માર્ગદર્શક બની ગતિ પ્રદાન કરતી અનુભૂતિ તે milestones છે. જ્યારે અભિવ્યક્તિને વ્યક્તિના મનોભાવને વિવિધ હાવ, ભાવ, શબ્દો, ભંગિમાથી વ્યક્ત કરવાનું મુખ્ય સાધન માનવામાં આવ્યું છે; આથી એમ કહી શકાય કે અભિવ્યક્તિનો મુખ્ય આધાર વિચાર, જ્ઞાન અને ક્રિયા છે. પરંતુ મન ને શાંતિ આપવા માટે અભિવ્યક્ત કરવું એ સૌથી સરળ પણ છે અને કઠિન પણ છે. જે બોલે છે, કરે છે, પ્રગટ કરે છે તેવા વ્યક્તિઓ ચૂપ રહેતા અને પોતાની લાગણી કે અનુભૂતિને છુપાવી દેતા લોકોથી વધુ શાંતિ મેળવે છે.

 

અંતે:- અનુભવથી સમૃધ્ધ થયેલ અને અનુભૂતિથી ભરેલ વ્યક્તિઓએ પોતાના અનુભવને હંમેશા અભિવ્યક્ત કરવા જોઈએ. અનુભવો અભિવ્યક્ત કરવાથી જ્ઞાન, વિચાર અને ચિંતનનો પ્રસાર થાય છે. આ પ્રસાર થતો અનુભવ એક પ્રકારનો કર્મયોગ જ છે જે સમાજને પોતાની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોની પરખ કરાવે છે.

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

વ્રજની દિપમાલિકા

ફટ ફટ ફૂટતાં ફટાકડાં, વિવિધ ફરસાણ અને અવનવી મીઠાઈઓથી ભરેલી દુકાનો, બજારોની નિખરેલી શોભા, ધન તેરસનું ચોપડા પુજન, દિવાળીનાં દીવસે થતું લક્ષ્મીપૂજન, બેસતાં વર્ષનું ઊંધીયું, સગાવહાલાની નવા વર્ષની વધાઇ, કાર્તિકી બીજનું યમુના સ્નાન, લીલી પરિક્રમામાંથી પાછા ફરતાં યાત્રાળુંઓ, દેવદિવાળીનો થતો તુલસી વિવાહ, લાભ પાંચમના પૂજન પછી નોકરી ધંધા પર પાછાં ફરતાં લોકો……..આમ તો કેટલીયે અવનવી યાદો અને ઉમંગથી ભરેલો છે દિવાળી ઉત્સવ. ગુજરાતની જેમ વ્રજનો દિવાળી ઉત્સવ પણ કંઈક ખાસ હોય છે. દશેરા પુરી થાય કે તરત વ્રજમાં દિવાળી ઉત્સવની તૈયારીઓ ચાલવા લાગે છે. વ્રજની સંસ્કૃતિમાં રાગ અને ભોગ મુખ્ય છે તેથી દિવાળી દરમ્યાન પણ ગાન, વાદન, વાદ્યો અને ભોજનનો અનેરો મહિમા છે. વિવિધ પકવાનોની સુગંધથી ઘરો અને રસ્તાઓ ભરાઇ જાય છેં. વ્રજનાં દરેક ઘર એક સ્વતંત્ર મંદિર સમાન છે તેથી મંદિર સમા દરેકે દરેક ઘરમાં દિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છેં.

વાઘબારસ   

આ દિવસ ને વચ્છ બારસ કહેવામાં આવે છે કારણ કે બચ્છવનમાં (હાલનું સઇ ગામ) જ્યારે પ્રભુ ગૌચારણ કરી રહ્યાં હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડા, ગાયો અને ગોપબાળકોને હરી ને બધાને બ્રહ્મલોકમાં લઇ ગયા હતાં અને ફરીવાર તે જ્યારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધા જ ગોપ, ગાયો, વાછરડાઓ યથાવત જણાયા. તેથી સમાધિ લગાવતા તેમણે જોયું કે જે કંઇ તેમણે જોયું હતું તે તમામ રૂપો કૃષ્ણમય હતાં આ જોઇ ને તેમનો મોહ  ઉતરી ગયો તેમણે પ્રભુની માફી માગી મૂળસ્વરૂપો ફરી બ્રિન્દાબનમાં પાછા પધરાવ્યાં. આ દિવસે પીળા રંગનું ઘણું મહત્વ હોય છે.

ધનતેરસ

આસો વદ ધન તેરસને દિવસે નંદાલયમાં માતા યશોદાજી લક્ષ્મીજીની મૂર્તિને સજાવીને શ્રી હરિનાં સાનિધ્યમાં મુકે છે કારણ કે શ્રી લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા છે. પરંતુ વ્રજવાસીઓનું સાચું ધન એ ગૌધન છે તેથી નંદનંદન ગાયોને શણગારે છે અને ગાયોનું પૂજન કરે છે. આ દિવસે ઠાકોરજીની નજર ઉતારવામાં આવે છેં. આ દિવસે લીલા રંગનું ખુબ મહત્વ હોય છે.

ધનતેરસનું પદ

રાગદેવગંધાર

આજ માઇ ધન ધોવત નંદરાની

આસો વદી તેરસ દીન ઉત્તમ

ગાવત મધુર બાની

નવસત સાજ સિંગાર અનુપમ,કરત આપ મનમાની

કુંભનદાસ લાલ ગિરિધર પ્રભુ,દેખત હિયો સરાની…

રૂપ ચતુર્દશી (નરક ચતુર્દશી)

આસોવદ ચૌદશને દિવસે પ્રભુ ને આંબળા અને ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવાય છે તેનું ખાસ કારણ એ છે કે વ્રજવાસીઓમાં માન્યતા હતી કે આ દિવસે જે માતા પિતા પોતાના બાળકને આંબળા અને ફુલેલથી સ્નાન કરાવે છે તે બાળકનું રૂપ ખીલી ઊઠે છે આ માન્યતા અનુસાર નંદબાબા અને માતા યશોદા પણ સાથે મળીને પોતાના કૃષ્ણ કનૈયાને સાથે સાથે નવડાવે છે જેથી તેમના નંદલાલનનું રૂપ પણ ખીલીને સુંદર થઈ જાય. આ દિવસે લાલ રંગનો મહિમા છેં. આ દિવસે દ્વારિકા લીલામાં પ્રભુએ નર્કાસુરે પકડેલી ૧૬૦૦૦ રાજકન્યાઓને છોડાવી હતી ત્યારે રાજકન્યાઓએ પ્રભુ ને પૂછયું કે અમે આટલા વર્ષોથી એક રાક્ષસના ઘરે બંદી હતાં તેથી અમારો સ્વીકાર કોણ કરશે? તેથી પ્રભુએ તે તમામ રાજકન્યાઓ સાથે લગ્ન કરીને માનપૂર્વક પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. આપણા પુરાણોમાં ૪ રાત્રીનાં મહત્વ છે.

૧) કાળરાત્રી એટલે કાળી ચૌદસની રાત, (૨) મહારાત્રી એટલે શિવરાત્રી

૩) મોહરાત્રી એટલે જન્માષ્ટમી, (૪) દારુણરાત્રી એટલે હોળી

-આજ ન્હાઓ મેરે કુંવરકાન્હા

રાગ: દેવગંધાર

આજ ન્હાઓ મેરે કુંવરકાન્હા માની કાલ દિવારી
અતિ સુગંધ કેસર ઉબટનો, નયે વસન સુખકારી

કછુ ખાઓ પકવાન મિઠાઈ, હોં તુમ પર વારી
કર સિંગાર ચલે દોઉ ભૈયા, તૃન તોરત મહાતારી
ગોધન ગીત ગાવત વ્રજપુરમેં, ઘરઘર મંગલકારી
કૃષ્ણદાસ પ્રભુ કી યહ લીલા, શ્રી ગિરિ ગોવર્ધનધારી

દિપમાલિકા દિપાવલિ

ઘર ઘર દિપમાલિકાની જ્યોતથી એ રીતે ઝળહળી ઊઠે છે કે જોતા એવું જ લાગે કે જાણે આકાશે પોતાના તમામ તારા અને ચાંદલિયાઓની ભેંટ વ્રજને ધરી દીધી હોય. વ્રજના માનસીગંગાનાં કિનારા પર દિપદાનનો ખાસ મહિમા છે. કુંડની, સીડી, ઘાટ, પગથિયાં, ચોક, ઝરુખાઓ, ગલીઓ, ઘરઆંગણ અને ઘરદ્વારે દિવડાઓ ઝગમગી ઊઠે છે. માનસીગંગાનાં જળમાં ઘીના નાના-મોટાં દિવાઓ તરતા મૂકવાનું મહત્વ છે. અહીં દિપદાન કરવાનો મહિમા છે.

દિવાળી ને દિવસે અહીં મેળો ભરાય છે. માનસીગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમાં કરવામાં  આવે છેં. દિવાળી બાદ બીજા દિવસે અન્નકૂટનો મહોત્સવ થાય છે. આ દિવસે ગોવર્ધન પુજા માટે ખાસ ગોકુલથી ગોકુલનાથજી જતિપુરા આવે છેં. દિવાળીના દિવસે નંદાલય હવેલીમાં નગાડા વગાડાય છે. નંદાલયમાં હટડી ભરાય છે. સોના ચાંદીના ત્રાજવા અને કાટલાં મૂકાય છે જેમાં પ્રભુ વ્રજભક્તોને સખડી, અનસખડી, દૂધઘરની વિધ વિધ સામગ્રીઓ, સુકા અને લીલા મેવા, તેજાના, સુપારી, બીડા, અત્તર, કેસર, ચંદન, ચોખા, કુમકુમ, ખાંડ અને મેવાનાં ખિલૌના, તલ અને રાજગરાનાં લાડું, ચોપાટ, ઘુઘરા, દિપ, ઘી, દૂધ, માખણ વગેરે ચીજવસ્તુઓ તોલીને આપે છે અને તે તમામ વસ્તુઓ તે દિવસે અન્નકૂટમાં ઉપયોગ કરાય છે. તે દિવસે પ્રભુ પ્રત્યેક ગાયોનાં કાનમાં તે દિવસ સાંજે અને બીજા દિવસે સવારે વહેલા ગોવર્ધન પૂજન સમયે આવજો  તેમ કહી પોતાનાં મંદિરે આવવા માટે આમંત્રણ આપે છે અને સાંજના સમયે શણગારેલી ગાયોને મંદિરમાં લઇ આવવામાં આવે છે તેને કાન્હજગાઇના નામથી ઓળખવામાં આવે છે. હવેલીઓમાં અત્તર છાંટવામાં આવે છે. રાત્રીના સમયે પ્રભુ શ્રી સ્વામિનીજી સહીત સખીજનો અને ગોપસખાઓ સાથે ચોપાટ ખેલે છે. આ દિવસે રૂપેરી, સોનેરી અને સફેદ રંગનો મહિમા છેં. હીરા, મોતી અને રત્નોનાં આભૂષણો પ્રભુને ધરાવાય છે. ગોબરના(ભાવાત્મક) ગોવર્ધન બનાવી ને તેનું પૂજન કરાય છેં. ગાયોને શણગારાય છે. આજ દિવસે વ્રજમાં અને મેવાડમાં જુઆ અથવા ચોપાટ ખેલવાની વિચિત્ર પ્રથા છે તેથી હવેલીઓમાં પણ આ દિવસે ચોપાટ બિછાવવામાં આવે છેં. દિવાળી એ વૈશ્યોનો (વણિક લોકો જેઓ ને પોતાના કામધંધા હોય, આજની ભાષામાં  કહીયે તો બિઝનેસવાળા લોકો) તહેવાર મનાય છે. તેથી દિવસોમાં સાફસૂફી થાય છે અને ઘરમાં પવિત્રતાંવાળું વાતાવરણ કરાય છે. ધૂપદીપથી લક્ષ્મીજીનું પૂજન કરાય છેં. આજ દિવસે દ્વારિકા લીલામા કૃષ્ણ ભગવાને સત્યભામાનું મન રાખવા માટે સ્વર્ગમાંથી સુગંધિત પારિજાતના ફૂલોનું વૃક્ષ લાવી ને સત્યભામાના આંગણમાં રોપ્યું હતું..

  દિવાળીનું પદ

 રાગબિલાવલ

આજ દિવાળી મંગલાચાર, વ્રજયુવતિ મિલ મંગલ ગાવત

ચોક પુરાવત આંગન દ્વાર, મધુ,મેવા,પકવાન,મિઠાઈ

ભરિ-ભરિ લીને કંચન થાર,પરમાનંદ દાસકો ઠાકુર,

પહેરે આભૂષન સિંગાર

ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ

દિવાળી પછીના બીજા દિવસે નિત્ય રીતીથી રાજભોગ સર્યા બાદ ગોવર્ધનપૂજાની તૈયારી થાય છે. ચોકમાં ગાયનાં ગોબરથી (ભાવાત્મક રૂપે)શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બનાવવામાં આવે છે. ઘીના દીવા, હલ્દી, કુમકુમ, અબીલથી ચોક પુરાય છે. જળ, દૂધ, દહીંથી શ્રી ગોવર્ધનનાથજીને સ્નાન કરાવાય છે. ચુઆ, ચંદન, કુમકુમ આદી સમર્પિત થાય છેં. સૂક્ષ્મ વસંત ખેલ થાય છે.શ્રી ગિરિરાજજીને, ગાયને અને ગોવાળોને હલ્દી, કુમકુમનાં થાપા દેવાય છે અને ઉપરણો ઓઢાડાય છેં. ગાયોને પ્રસાદી ફુલડો, ઘી-ગોળના લાડુ અને લાપશી આરોગાવાય છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરાય છે. શ્રી ગોવર્ધનનાથજીની પૂજા થાય છે. પ્રભુ અંદર પધારે પછી શીતળ ભોગ ધરાવવામાં આવે છેં. અન્નકૂટમાં થોડા થોડા અંતર પર પ્રથમ દૂધઘરની સામગ્રી, ત્યારબાદ અનસખડીની સામગ્રી, અને ત્યારપછી સખડી સામગ્રી ધરવામાં આવે છે. આ ઉપરાંત નાગરી, લીલો તથા સુકો મેવો ઇત્યાદી પ્રભુને ધરાવાય છે સાથે જળ જમુનાની ઝારી અને પાન સુપારીના બીડાં ધરાવાય છેં. પ્રત્યેક સામગ્રીમાં તુલસી પધરાવવામાં આવે છેં. અન્નકૂટમાં વિશેષત: સર્વ સામગ્રીઓ માટીનાં વાસણો અને વાંસના ટોપલામાં સજાવાય છે સોના અને ચાંદીના પાત્રોનો ઉપયોગ આ દિવસે થતો નથી. નાથદ્વારામાં આ દિવસે ભીલ લોકો સખડી લુંટીને લઈ જાય છે. કાર્તિક માસમાં કમળ, કેવડો, માલતી, તુલસીદળ, દીપદાન આ પાંચ વસ્તુઓ પ્રભુને પ્રિય છે. અન્નકૂટ મહોત્સવ એ નંદબાબા સહીત વ્રજજનોનો અન્યાશ્રમ છોડાવવાની અને ઇન્દ્રમાન ભંગની લીલા છે.

“દેખ્યોરી હરિ ભોજન ખાત્

સહસ્ત્ર ભૂજા ધાર ઉત જૈમંતે હૈ ઇતિ

ગોપનસોં કરત હૈ બાત।।।।

લલિતા કહત દેખો હી રાધા જો તેરે મન બાત સમાત

ધન્ય સબે ગોકુલકે વાસી સંગ રહત ગોકુલ કે નાથ।।।।

જેમત દેખ નંદ સુખદિનો અતિ આનંદ ગોકુલ નરનારી”

સૂરદાસ સ્વામી સુખ સાગર ગુણ

આગર નાગર દેતારી।।।।

યમદ્વિતિયા ભાઇબીજ

ભાઇબીજનો આ દિવસ યમદ્વિતિયાના નામથી ઓળખાય છે આ દિવસે શ્રી યમુનાજીએ પોતાના મોટાભાઇ શ્રી ધર્મરાજ યમદેવને પોતાના ઘરે આમંત્રણ આપીને બોલાવ્યાં બાદ અતિ પ્રેમથી જમાડયાં હતાં .નાની બહેન યમુનાનો અતિ વિશુધ્ધ પ્રેમ જોઇને ભાવવિભોર થયેલા યમરાજાએ શ્રી યમુનાજીને વચન આપ્યું હતું કે જે કોઇ આ દિવસે યમુનાસ્નાન કરશે તેને મૃત્યુનો ભય નહી રહે ખાસ કરીને જે કોઇ ભાઇબહેન સાથે સાથે સ્નાન કરશે તે અતિ શુભ મનાશે તેથી આ દિવસ ને ભાઇ બીજનાં નામેથી ઓળખવામાં આવે છેં. આથી કાર્તિકિ બીજનાં દિવસે વ્રજનાં મથુરાનાં વિશ્રામ ઘાટેથી યમુના સ્નાન કરવાનું મહત્વ છે. અહીં યમ-યમુના બન્નેની બેઠક સાથે છે જાણે બન્ને ભાઇ બહેન સાથે રહીને આ દિવસનું મહત્વ કેવું છેં તે સમજાવતાં તેની ખાતરી આપી રહ્યાં હોય તેવું લાગે છે. બીજનો ચંદ્રએ કર્તૃત્વનો પ્રતીક છે. પોતનો ભાઇ બીજના ચંદ્ર જેવો કર્મયોગી બને તેવી બહેનની અભિલાષાનો આ દિવસ દ્યોતક છે. આ દિવસે લાલ જરીના વસ્ત્રો અને મોરચંદ્રિકાનો શૃંગાર ધરાવાય છેં. હવેલીઓમાં મગની દાળની ખીચડી સાથે કઢી અને અન્ય સામગ્રી સાજીને થાળ ધરાય છે.

દેવદિવાળી પ્રબોધિની એકાદશી 

દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી દિવસને પ્રબોધિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે.

કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં, તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. મહુર્ત પ્રમાણે મંડપ શેરડીનાં ૧૬ સાંઠાથી બંધાય છે.  વિવાહ ખેલના ગીતો ગવાય છે. નવવધૂના સોળ શૃંગારથી શ્રી તુલસીજીને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છેં. પૌવાનો પ્રસાદ વાટવામાં આવે છે. શ્રી ઠાકુરજીને લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં. વાંસની છાબડીમાં જામફળ, શેરડી, સીતાફળ આદી ધરવામાં આવે છેં. તુલસી પત્ર વગર શ્રીજીની સામગ્રી અધૂરી ગણાય છે. આજથી શીતકાલ બેસતો હોવાથી પ્રભુ પાસે અંગીઠી ધરાય છે. શિતકાલમાં શ્રી પ્રભુને તથા અન્ય સ્વરૂપોને ગદ્દલ તપાવીને ધરાય છે

તુલસી વિવાહ કરવાની વિધિ

* તુલસીના છોડને નિયમિત પાણી નાખવું અને તેનું પૂજન કરવું
*
શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરવું
*
ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા ગણપતિ પૂજન કરવું
*
ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણજી ને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર     પૂર્વ
  તરફ મોઢુ રાખીને બેસાડવાં.

* ગોધુલી (સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું
*
ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યાનું (તુલસી) દાન કરવું અને વરવધૂ ને મંગળ ફેરા ફેરાવવા
*
ત્યારપછી શક્તિ મુજબ વૈષ્ણવો ને મહાપ્રસાદ લેવડાવવો અને મંગલ ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન      કરવો.

 પૂર્વી મલકાણ મોદી 

આપણી કહેવત ઉક્તિઓ

૧) ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે
મગ ને ચોખા ના ભૂલે તો બુધ્ધિના બારણાં ખૂલે

 

૨) ઘઉંને તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું
મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું

 

 ૩) ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો
તલના તેલની માલિશથી દુઃખે નહીં એકેય સાંધો

 

૪) ગાયનું ઘી પીળું સોનું, મલાઈનું ઘી ચાંદી
વનસ્પતિ ઘી ખાઈને, આખી દુનિયા માંદી

 

૫) રસોઈ પિત્તળમાં, ને પાણી ઊકળે તાંબે
ભોજન કરવું કાંસામાં , તો જીવન માણે લાંબુ

 

૬) ઘર ઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા
ફ્રિજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા માટલાં.

 

૭) પૂર્વ ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય
પશ્ચિમે ચિંતા ને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય

 

૮) ઉંધો સુવે અભાગિયો, છતો સુવે રોગી
ડાબે તો સૌ કોઈ સૂવે, જમણે સૂવે યોગી.  

 

૯) આહાર એજ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ,
આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના છે જામ.

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

નિંદા અને નારદ

नई आशाऐ, नई उमंगे, नई तरंगे, नए सपने सारे
फिर से कुलबुला रहे न? थामो आज उसे स्नेह से
क्यूंकी यही स्वप्न है नई सुबह का तोहफा
आंखे खोलो, निंदा अहंकार का साथ छोड़ो
कोशिश करो एक नई राह पे चलने के लिये।

                                                – प्रीति “अज्ञात”

 

વર્ષો પહેલાં જોયેલ એક દ્રશ્ય….

 

મોદીનાં ડેલામાં અમૃતલાલ બાપા વલ્લભભાઈ નામના દુકાનનાં માણસને કહી રહ્યાં હતાં…..એ નારદ એનાં કાન ભરવાનું બંધ કર, ને એય સવજી તું યે કાચા કાનનો ન થા. આમ કાચાકાન રાખીશ તો તારી આસપાસનું આખું યે જગત ફરી જશે. દાદાબાપુની એ વાત સાંભળે કેટલાં વર્ષ થઈ ગયાં, પણ જાણે ગઇકાલની જ વાત. કદાચ તે દિવસે નોકરો વચ્ચેનો ઝગડો ને દાદાબાપુની વાત ન સાંભળી હોત તો મને ખબર જ ન પડત કે કાન ભરવા એટ્લે શું. કાન ભરવા, નારદવેડા કરવાં, નિંદા કરવી, કાનાફૂસી કરવી, અહીંતહીં કરવું, ગોસીપ કરવું….. વગેરે શબ્દો જુદા જુદા છે, પણ બધાનો અર્થ એક જ છે. કે ત્યની અહીં ને અહીંની ત્યાં વાત કરી આજુબાજુનાં વાતાવરણને અને લોકોને ખોટી રીતે ભ્રમિત કરવું. આજે આપણી પાસે નવી આશાઓ, ઉમંગો, તરંગો અર્થાત પ્રયત્ન, નવી ટેકનોલોજી છે જેનાથી આપણે સફળતા તરફ આગળ વધી શકીએ છીએ પણ તેમ છતાં યે આપણે એ પોઝિટિવ રસ્તાઓ પર નથી જતાં, કારણ કે જ્યાં સુધી કાનાફૂસી કરીએ નહીં ત્યાં સુધી આપણને શાંતિ વળતી નથી. આ નિંદા, ગોસીપ કરવાનો રિવાજ આપણે ત્યાં બહુ જૂનો છે.

 

મહર્ષિ ચાણક્ય નિંદાની વ્યાખ્યાં કરતાં કહી ગયા છે કે જે રસરૂચિથી વ્યક્તિને પોતાની સામેવાળી વ્યક્તિને નીચે ઉતારી પાડવામાં બહુ રસ પડે છે, આ રસ તે નિંદા તરીકે ઓળખાય છે. જ્યારે વિનોદા ભાવે કહેતાં કે સતત નિંદાસવ પીતો વ્યક્તિ તે નિંદનીય અનૈતિકતાનાં માર્ગ પર આગળ વધતો રહે છે. કારણ કે આ નિંદાસવ તે વ્યક્તિનાં જીવનમાંથી સંતોષ, મહેનત અને કલાનો નાશ કરે છે. આ નિંદા જ છે જેને કારણે વ્યક્તિમાં સતત બીજાને પછાડીને આગળ વધવાની ઈચ્છા રાખે છે. ચાણક્યનીતિમાં કહે છે કે જળમાં તેલ, દુર્જનને ઉપદેશ અને નિંદાનો રસ આ ત્રણ વાત ફેલાતાં વાર નથી લાગતી. માટે જળમાં તેલ નાખવું નહીં, દુર્જનને ઉપદેશ આપવો નહીં અને નિંદાનાં રસને ગ્રહણ કરવો નહીં. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે સારી વસ્તુ ગ્રહણ કરી શકતાં નથી તેથી સતત નિંદાની ટીકાને લીધા કરીએ છીએ. એમાં યે નારદજીની જેમ અનેક લોકો હોય છે જેઓ નિંદા દ્વારા આપણાં કાન સતત ભર્યા કરે છે. મારા આઈસાહેબ (સાસુમમ્મી) હંમેશા કહેતાં કે સાચી- ખોટી વાતોથી સતત કાન ભર્યા કરવાથી ઘણીબધી ઘટનાઑનાં મૂળ ભુલાઈ જાય છે. એક ને એક ખોટી વાતને ૧૪ વાર કહો તો પંદરમી વાર એ પણ સાચી બની જાય છે. માટે આવી ખોટી વાત, નિંદા, કાનભંભેરણી જે ઘર તોડે છે તેનાંથી દૂર જ રહેવું. એટલું જ નહીં જે સતત નિંદા કરતું હોય તેવી વ્યક્તિઑથી પણ દૂર રહેવું જોઈએ. આઇસાહેબની નિંદાની આ વાતથી તદ્દન ભિન્ન વાત કરતાં અમેરિકન સાયકોલોજિસ્ટ ડો.ફીલ કહે છે કે જરૂરી નથી પ્રત્યેક વખતે નિંદા એ નેગેટિવ ભાવના જ લઈને આવે, આપણી આસપાસ ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેને કારણે આપણે સતત ચર્ચામાં રહેતાં હોઈએ છીએ, તેથી પ્રત્યેક નિંદાને કેવળ નેગેટિવ રીતે લેવાની જરૂરી નથી. કારણ કે આ નિંદા જ છે જે આપણાં અસ્તિત્વને અને આપણાં વ્યક્તિત્વને ઘડીને ઉપર લાવવામાં મદદ કરે છે. આ નિંદા જ છે જે વ્યક્તિને સમયનો સંજોગોનો સામનો કરતાં શીખવે છે અને જે તે પરિસ્થિતિમાંથી બહાર લાવવા પ્રયત્ન કરે છે. આ નિંદા જ છે જે અવનવા ઇતિહાસ રચે છે, આ નિંદા જ છે જેને કારણે વર્લ્ડ બદલાય છે અને નવી નવી ટેકનૉલોજી બહાર પડે છે. જ્યારે જ્યારે હું ડો.ફીલની કહેલી વાત ઉપર વિચાર કરું છુ તો તેમની કહેલી વાતને સત્યાર્થ કરતાં શાસ્ત્રોમાં થઈ ગયેલાં અનેક પૌરાણિક પ્રસંગો આંખ સામે આવીને ઊભા રહી જાય છે. જેમણે આપણાં ધર્મશાસ્ત્રોનો ઇતિહાસ બદલ્યો હોય. આજે મિત્રો આપણે શાસ્ત્રોનાં એ પ્રસંગોને જોઈએ. 

 

પ્રથમ પ્રસંગમાં આપણે ગંગાકિનારે મળેલી ઋષિમુનિઓની સભામાં જઈએ. આ સભામાં બધાં જ ઋષિમુનિઓએ ચર્ચા કરી રહ્યા હતાં કે આ ત્રિદેવમાંથી ક્યા દેવ મહાન છે અને ક્યા દેવ પ્રથમ પૂજનીય છે? આ પરીક્ષા માટે ઋષિ ભૃગુને તૈયાર કરવામાં આવ્યાં ઋષિભૃગુએ બ્રહ્માજી અને શિવ પાસે જઈ તેમની ખૂબ નિંદા કરી ત્યારે બ્રહ્માજીએ ભૃગુઋષિ પાસેથી તેમનું બ્રહ્મતેજ તત્ત્વ લઈ લીધું અને શિવજી ભૃગુઋષિને મારવા માટે દોડ્યાં, જ્યારે ભૃગુ ઋષિ વૈંકુંઠમા ગયાં ભગવાન વિષ્ણુ પરીક્ષા કરવા ત્યારે વિષ્ણુ સૂતેલા તેથી ભૃગુ ઋષિએ તેમનાં પર પદપ્રહાર કરી જગાવ્યાં અને તેમની ખૂબ નિંદા કરી. ભૃગુ ઋષિનાં આ કૃત્યનાં જવાબમાં ભગવાન વિષ્ણુ મહર્ષિ ભૃગુની ક્ષમા માંગી તેમની ચરણસેવા કરવા લાગ્યાં. આ પ્રસંગ પછી બ્રાહ્મણોમાં ભગવાન વિષ્ણુ વંદનીય બન્યાં ભૃગુઋષિ જેવો હવે બીજો પ્રસંગ જોવા માટે આપણે દ્વાપરયુગમાં કંસનાં મહેલે જઈએ. જ્યાં નારદજીએ કંસને કહી રહ્યાં છે કે

 

હે રાજન…..આપ તો મૂર્ખ છો ….મહા મૂર્ખ….. આપે વાસુદેવનાં બાળકોને જીવતદાન કેમ આપ્યું?

 

કંસ કહે….એમ હું મૂર્ખ છું……એ પણ મહા મૂર્ખ ? કેવી રીતે?

 

ત્યારે નારદજીએ કહે મહારાજ કંસ આપ…… વાસુદેવનાં બધાં જ બાળકોને આ થંભનાં ક્રમાંકમાં મૂકો અને પછી કહો ક્યો પ્રથમ છે અને ક્યો અષ્ટમ્ છે? આ તો વાસુદેવ જ છે જે બહુ ચાલાકીથી આપને ક્રમનાં ભ્રમમાં નાખી દીધાં.

 

નારદજીની વાત ઉપર વિચારીને કંસ કહે છે કે દેવર્ષિ આપ જો ન હોત તો હું સાપનાં કણાઓને બચાવી રહ્યો હોત….. ઉપરોક્ત રહેલ સંવાદથી આપની આંખો સમક્ષ કારાગૃહમાં રહેલાં વાસુદેવજી અને દેવકી આવી ગયાં હશે. કદાચ તે દિવસે જો નારદજીએ કંસનાં કાનમાં વાસુદેવજી વિષે નિંદા ન કરી દીધી હોત તો કદાચ યાદવકુલનો ઇતિહાસ થોડો જુદો હોત. પરંતુ અહીં વાત એ નારદજીની નિંદાની નથી કારણ કે દેવોએ આ કાર્ય નારદમુનીને જ સોંપ્યું છે જે અહીંની ત્યાં ને ત્યાની અહીં કરી દેવો અને દાનવોની વચ્ચે લડાવવાનું કાર્ય કરી રહ્યાં હતાં. (તેથી આજેય આપણે  આવા લડાઈ કરાવવાવાળાને આપણે નારદ તરીકે જ ઓળખીએ છીએ.) આવો જ બીજો પ્રસંગ જોતાં આપણે કંસનાં મહેલમાંથી નીકળી દ્વારિકા જઈએ. મિત્રો દ્વારિકાની એ સભામાં સ્વયંતક કૃષ્ણએ ચોર્યો છે તેવી નિંદા અક્રૂરે કરી ત્યારે કૃષ્ણ એ મણિ શોધવા નીકળ્યાં જેને કારણે તેમને મણિ સાથે જાંબૂવતી પણ મળ્યાં. શાસ્ત્રોક્ત વાર્તાઑને બાદ કરતાં ઝવેરચંદ મેઘાણીની ધણીની નિંદા પણ બહુ જ પ્રખ્યાત લોકકથા છે. આ બધી જ કથાઓને જોઈએ તો ખ્યાલ આવે છે કે આ નિંદા જ હતી જેનો સહજ સ્વીકાર કરી વિષ્ણુ ભગવાન પૂજનીય બન્યાં, કૃષ્ણ ભગવાનને પત્નીની પ્રાપ્તિ થઈ અને નારદજીને કારણે ઇતિહાસ બદલાયો. આપણાં શાસ્ત્રોની જેમ બાઇબલમાં કહ્યું છે કે અહંકાર, જિદ્દ અને નિંદા એ એવી પ્રકૃતિઓ છે જે આપણાં તમામ સફળતાનાં માર્ગોને રૂંધી નાખે છે. પણ પ્રશ્ન અહીં એ છે કે અહંકાર, જિદ્દ અને નિંદાનો સંબંધ કોની સાથે રહેલો છે? તો પ્રશ્નનાં જવાબમાં મૂળ તત્ત્વ એક છે અને તે છે અસંતોષ. આ અસંતોષ જ છે જે ખોટી રીતે કોઈનું નામ ખરાબ કરે છે, કોઈનું અપમાન કરે છે અથવા કરાવે છે. આ અસંતોષ જ એ શૈતાન છે જે મનુષ્યમાંથી મનુષ્યતાં છીનવી આત્મામાં સમાયેલાં પરમાત્માને ઠગે છે અને તેને સમાજનો અપરાધી બનાવે છે. ( નીતિ વચનો ૩:૨૦ -૨૯ ) શાસ્ત્રોકત વાતથી થોડા જુદા પડીને ડો ફીલ કહે છે કે નિંદા કરવી જોઈએ પણ નિંદા નિંદામાં ફર્ક હોય છે. કેવળ મીઠી વાણી બોલવાથી કે મીઠી વાણી રાખી ખોટી આલોચના કરવાં કરતાં સત્યવાણી ઉચ્ચારતાં એવાં નિંદક બનવું કે જે કશુક નવું કરવાની પ્રેરણા આપે. આ વાત કહેતાં ટોમ સેનેટ નામનાં એક અમેરીકન નવાયુવાન યાદ આવે છે. નાનપણમાં એ સતત પ્લેસ્ટેશન અને વિડીયો ગેઇમ રમ્યાં કરતો હતો. એક દિવસ તેણે તેનાં ફાધરે તેને એક નવી વિડીયો ગેઇમ લાવીને આપી. નવી ગેઇમ જોઈ તે જોઈ ખુશ ખુશ થઈ રમવા બેઠો. પરંતુ ગેમની ડિઝાઇન્સ અને ફીચર્સ જોઈ તે નિરાશ થઈ ગયો અને તેનાં પા ને કહેવા લાગ્યો કે આ ગેઇમ બિલકુલ સારી નથી, આમાં આટલા પ્રોબ્લેમ્સ છે….. કહી પ્રોબ્લેમ્સ ગણાવવા લાગ્યો. થોડીવાર તો મી.સેનેટ તેની વાત સાંભળતાં રહ્યાં પછી કહે ટોમ એક એક વિડિયોગેમ લેવામાં તને ખબર છે કેટલા ડોલર જાય? જો તને આ ગેમ ન ગમતી હોય તો એક કામ કર તું જ તારી ગેમ બનાવ ને તારી એ ગેમને માર્કેટમાં મૂક પછી ખ્યાલ આવશે કે બનાવવાવાળાની અને ડોલર ખર્ચવાવાળાની કેટલી મહેનત હોય છે. આમેય બોલવું સરળ હોય છે ને કરવું અઘરું…. એક કામ કર તું તારા પ્રમાણેની નવી ગેઇમ બનાવ પછી ખબર પડે કે તું ને તારો રસ કેટલાં પાણીમાં છે. તો હું જાણું તું કેટલું સાચું બોલે છે. પા નાં મનની વાત જાણી ટોમ પોતે સાચો છે તે જણાવવા માટે વિડીયો ગેમ બનાવવા બેઠો. પણ બોલવું સરળ હતું, કરવું સરળ ન હતું. તેથી એ રોજે એ પ્રોગ્રામ લખવા બેસે પણ કશો ને કશો વાંધો આવે ને એ કંટાળીને મૂકી દે. પછી અમુક કલાકો પછી પાછું કામ ઉપાડે પણ પ્રોગ્રામ લખવાનો સમય લાંબો થતો જતો હતો, તે વખતે તેણે પોતાનાં નાનપણનાં મિત્ર સલીલની મદદ લેવાનું શરૂ કર્યું. લગભગ ૪ વર્ષની મહેનત પછી ટોમે પોતાનાં જીવનની પ્રથમ વિડીયો ગેમ બનાવી. આ ગેમમાં નાયક અને રોબર્ટ એમ કેવળ બે પાત્રો હતાં. અમેરિકામાં આ પ્રથમ ગેમ હતી જેમાં બે અલગ અલગ વાત ને સંમિલિત કરી હોય પ્રથમ એ કે હીરોનું કેરેક્ટર અને તેની સ્ટોરી ઇંડિયન અમેરીકન પર ઘડાયું હતું અને બીજી વાત તે કે આ પ્રથમ એવી ગેઇમ હતી જેમાં સિતાર જેવા ભારતીય વાદ્યોનો ઉપયોગ થયો હોય. યુવાવસ્થાને નાનપણની નજીક લાવતી આ ગેમને માર્કેટની દૃષ્ટિએ લોકોએ સરળતાથી પસંદ કરી નહીં, પણ માઇક્રોસોફટની વિડિયોગેમની કોમ્પિટિશનમાં આ ગેમ બીજા નંબરે આવી પોતાનું એક સ્થાન છોડી ગઈ. ટોમ સેનેટ પછી તો એવા કેટલાય લોકો આવ્યાં જેણે પોતાની ગેમમાં અમેરિકામાં વસતાં એશિયન પ્રજાને મહત્વ આપ્યું  હોય…પણ ટોમ સેનેટની જગ્યા આ બધામાંથી અલગ છે. હા ટોમનો એ સમય પણ હતો જ્યારે તેની આ ગેમ માટે લોકોએ તેની ઘણી જ આલોચના અને નિંદા કરી હોય પણ આ બધી જ નિંદાથી પર જઈ ટોમે કહ્યું કે ભલે માર્કેટે મારા પ્રયત્નને એટલું મહત્વ ન આપ્યું હોય પણ થોડા ડિસિપ્લિન અને થોડી વધુ મહેનત સાથે હું મારુ કાર્ય કર્યે રાખીશ, આજે નહીં તો કાલે મને સફળતા ચોક્કસ મળશે તેની મને ખાતરી છે. આમ કેવળ એક આલોચનથી શરૂ થયેલ ટોમની વિડીયોગેઇમ માટેની આ સફર આજેય ચાલું છે. આજે હું ટોમને જોઉં છું તો ખ્યાલ આવે છે કે જો તે દિવસની સવારે જો ટોમને તે ગેમ ન મળી તો….તો કદાચ તેની આ સફર શું ક્યારેય શરૂ થઈ હોત? આમ ડો. ફીલની વાત અહીં સત્ય થાય છે કે એવાં નિંદક બનવું કે જે કશુક નવું કરવાની પ્રેરણા આપે અથવા નિંદામાંથી કશુક ઉત્તમ કરવાની પ્રેરણા લે.

 

ટોમ સેનેટની વિડીયો લિન્ક જોવા માટે:- https://www.youtube.com/watch?v=LrBtAMLVvEk
https://www.youtube.com/watch?v=g4Gi4XQQonk

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

સર્જનહારમાં પ્રકાશિત:-