Monthly Archives: જાન્યુઆરી 2015

ભાતુ – એક અનુભવ

 થોડા વર્ષો પૂર્વે અમે ટ્રેઇનમાં રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતાં. અમારી સામેની સીટમાં એક પ્રૌઢવયનું દંપતી બેઠું હતું. જેવુ રાજકોટ છોડયું તે સાથે જ કાકાએ કાકીને કહ્યું કાંઈક ચવાણું કાઢોને. કાકીએ થેલામાંથી એક ડબ્બો કાઢ્યો તેમાં ખારી શીંગ હતી. બંને પતિપત્ની વાતો કરતાં જાય અને શીંગ ખાતા જાય. એમ કરતાં કરતાં થાન આવ્યું. ત્યારબાદ શીંગનો ડબ્બો બદલાયો ને અંદરથી લીલીદ્રાક્ષના દાણા નીકળ્યાં. (બંનેની વાતચીત ચાલું જ હતી) દ્રાક્ષ ખવાયા બાદ કાકાએ કાકીને કહ્યું પાણી આપ. તો કાકીએ થરમૉસ ખોલ્યું તેમાંથી પાણી આપ્યું. કાકાએ એક ઘૂંટ પીધો પછી કહે હુમ્મ વરિયાળીનું શરબત ….હં આ સારું કર્યું તમે કે થોડું વરિયાળીનું શરબત આપી દીધું આમેય બવ ગરમી છે. વાંકાનેર આવ્યું ત્યાં મસાલા દાળ વાળો આવ્યો ત્યાં કાકાએ બોલાવ્યો ત્યાં કાકી કહે અરે હમણાં જ તો દ્રાક્ષ ખાધીને આ દાળ કેમ લ્યો છો? તો કાકા કહે હું થોડો ગળકૂડો છું પણ તને તો તીખુ તમતમતું ભાવે છે ને તેથી તારા માટે લઉં છું ને જેમ તે મને દ્રાક્ષમાં કંપની આપી તેમ હું તને દાળમાં કંપની આપીશ.. કાકી કહે પણ….ત્યાં કાકા કહે પણ ને બણ શું કરવાનું આનંદથી ખાવાનું ને ખુશ રહેવાનુ. આ દાળ થોડીવાર સુધી ચાલી. સુરેન્દ્રનગર આવ્યું ત્યાં કાકી કહે એ સાંભળો છો થોડા ભજીયા લઈ લઈએ આ સુરેન્દ્રનગરના ભજીયા બહુ વખણાય છે. કાકા કહે હા તમે બેસો હું અબઘડી લઈ આવ્યો. ભજીયાની સાથે ચટણીને એમાં કાકા કાકીની મીઠી મધભરી વાતોએ રંગ જમાવ્યો. (અને અમે બેઠા બેઠા જોઈ જ રહ્યા) નવ વાગે વિરમગામ આવ્યું ત્યાં કાકા કહે કાઇ ખાવું છે? તો કાકી કહે ના ના કાઇ ખાવું નથી તમારે ? તો કાકા કહે એક કામ કર અંદરથી સલાડ કાઢ હું તને સુધારી દઉં. કાકાની વાત સાંભળી અંદરથી ટામેટા, કાકડી, કાંદા ને સફરજન નિકળ્યું. કાકાએ તે બધાની છાલ કાઢીને જીણું સમાર્યુ. કાકીએ છાલને ભેગી કરી કોથળીમાં ભરી અને કોથળી પાછી થેલામાં ભરી. કાકીએ અંદરથી લીંબુના ટુકડાને મીઠું-મરી કાઢ્યા અને કાકાના કાપેલા સલાડમાં મિક્સ કર્યા. પછી ડબ્બો બંધ કરીને કાકીને કહ્યું થોડીવારમાં લીંબુને મીઠાનો સ્વાદ સલાડમાં ભળી જાશે ને પછી આપણે જમવા બેસશું, પણ એ પહેલા અમદાવાદમાંથી થોડા પૂરીભાજી લઈ લઈએ.

અમદાવાદમાં પૂરી ભાજી લીધા. અમદાવાદ છોડયા પછી બંને જમવા બેઠા જમવામાં પૂરી-ભાજી, થેપલા ને શાક, સલાડ, ચા, એની સાથે ગોળકેરીનું અને ખાટું અથાણું ને છેલ્લે વઘારેલા ખાટા ઢોકળા નીકળ્યાં. ( અમારુ કામ ફક્ત જોવાનું હતું.) બંને જમ્યા ચા પીધી. તે સાથે તે દિવસનું તેમનું રસોડુ પૂરું થયું તેમ અમને લાગ્યું. તેઓ પણ બધાની સાથે સુવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં કાકા કહે એક કામ કર તું ઉપર જઇ શાંતિથી સૂઈ જ હું અહી નીચે સૂઈ જઈશ જેથી કરીને સામાનનું ધ્યાન હું રાખી શકીશ. કાકાની વાત સાંભળીને કાકી ઉપર જઇ સુઇ ગયાં.

રાત્રે ત્રણ વાગે આણંદ આવ્યું હશે ત્યાં અચાનક એલાર્મ વાગતા કાકા ઉઠ્યા ( એની સાથે અમારીયે નીંદર બ્રેક થઈ ગઈ) અને ક્યાંક ગયાં. થોડીવારમાં પાછા આવ્યા ને કાકીનેય ઉઠાડયા. કાકી પુછ્યું કે શું થયું? કાકા કહે જો આણંદ આવ્યું છે અમૂલનું મીઠું દૂધ લાવ્યો છું તારે માટે કાકી કહ્યું રાતે ત્રણ વાગ્યા છે તોયે કાં ઉઠ્યા? કાકા કહે પાછી ભૂલી ગઈ? તને અમૂલનું દૂધ ભાવે છે ને……ને આમેય તું ક્યારેય દૂધ ક્યાં પીવે છે આ એક દૂધ જે તને ભાવે છે.

તે કાકા-કાકીનો આ પ્રસંગ અમે બોરીવલી પહોંચ્યા ત્યાં સુધી જોયો. બોરીવલીમાં પહોંચ્યા પછી કાકાએ ધ્યાનથી સામાનની સાથે કાકીને ઉતાર્યા, ને જે લેવા આવ્યા હતાં તેમને કહે તમે આ સામાન સંભાળો હું મારી …….(નામ) ને સંભાળું. આગળનો રસ્તો અમારા બંને જુદો હતો તેથી અમે છૂટા પડી ગયાં. ઘરે જઇ અમે આજ દંપતી ઉપર વાત કરી રહયા હતાં. ત્યાં મારા કાકી કહે પૂર્વી આના પરથી તો આપણે બે વાત સમજવાની છે. પહેલું તો એ કે તેઓ બંને એકબીજાની ઇચ્છાને અને ભાવનાને કેવા સમજતા હતાં. શું તેમના જેવો પ્રેમ આપણી પાસે છે? અમે વાત કરતાં હતાં ત્યાં જ મારા કાકા આવી ગયાં તેમને જોઈ કાકીએ કાકાને પુછ્યું એ તમને ખબર છે મારો ગમતો રંગ ક્યો છે? કાકા કહે અરે અત્યારે રંગની વાત ક્યાં માંડીને બેઠી ચા- બા મળશે કે નહીં? કાકાની વાતથી અમે બધા ખડખડાટ હસી પડ્યા તે સાથે જ કાકી કહે જોયું? આપણને ખબર છે કે આમને શું ગમે છે ને શું નથી ગમતું પણ આમને? ને આમાથી બીજીવાત એ સમજવાની કે તમારી પાસે ભાથું કેટલું બાંધેલું છે. (જે તેઓ ઘરેથી લઈને આવેલા છે), ને કઈક વસ્તુ ખરીદવા માટે તમારી પાસે પૈસા પૂરતા છે. જો તેઓ આટલી વસ્તુ ખરીદી ને આટલી વસ્તુ (ખાવાની) તેમની પાસે હતી તેવું જ આ જીવનું પણ છે. આપણે જે અત્યારે ખાઈ રહયા છીએ તે ગયા ભવનું ભાથું છે એટ્લે કે વાસી ખાઈએ છીએ. પણ આવતા જન્મ માટે આપણે કાઇ ભાથું બાંધ્યું છે?

પૂર્વી

Post By V.V.M