Monthly Archives: જુલાઇ 2014

“નિત્ય નૌતમ લીલા શ્રી હરિની”

પ્રિય સખી,

   જય શ્રી કૃષ્ણ

સખી, આજે અહીં ઝરમર મેહુલિયો આવીને ધરતીને પોતાની કોઈક ખુશીના સમાચાર આપી રહ્યો છે ને સમાચાર આપતાં આપતાં ઘણું જ હસી રહ્યો છે ને વળી હસતાં હસતાં ઘણું જ વરસી રહ્યો છે. તેને જોતાં જ મને લાગ્યું કે કદાચ આ મેહુલિયો મારા માટે વધાઈનાં સમાચાર લઈને છે અને કદાચ તને પણ વધાઈનાં સમાચાર આપવાં માટે આવ્યો છે. હં …..અ ….અ વધાઈ શબ્દ સાંભળીને મો ખુલી ગયું નેં ???મને ખબર જ હતી કે તું પણ વધાઈનાં સમાચાર સાંભળીને ખુશ ખુશ થઈ જવાની. આ મેહુલિયાને જોતા એવું નથી લાગતું કે જાણે કોઇની સવારી આવી રહી હોય?ને સવારી પણ કોની કોની જાણે છે તું ??સવારી મેઘ ગર્જનાની, સવારી ઠંડા સમીરી વાયરાની, સવારી ઝબૂક વીજળીની, સવારી મેઘરાજાની, સવારી મેઘરાણીની……..ને સાથે મેઘશ્યામની ને આપણાં ઘનશ્યામની. શ્રાવણિયાની વધાઈ લઈને આવ્યો છે ઝરમર મેહુલિયો ને ફક્ત વધાઈ જ નહીં પણ વધામણીયે  લઈ આવ્યો છે નંદ ઉત્સવની.

નંદ ઉત્સવની યાદ આવતાં જ જેની સૌ પ્રથમ મને યાદ આવે છે તે મોતીના હિંડોળાની, વૃક્ષોની ઊંચી ડાળ પર બાંધેલા ઝૂલાની, ભીના શાં મહેંકી રહેલા પારિજાત ને મોગરાના ફૂલોની, ખીલી રહેલા ગુલાબોની, ભ્રમરોનાં પ્રેમ ગુંજારવથી ગુંજી રહેલાં કમળોના પુષ્પોની, સખીઓ સાથે નૌકા વિહાર કરવા જઈ રહેલા નંદનંદનની, ને કલરવ કરીને વાતાવરણ ને સુમધુરું સંગીતમય બનાવી રહેલાં મોર-બપૈયા-દાદુરની. તારા મનનો મોરલો પણ ચોક્કસ નાચી ઉઠ્યો હશે નંદોત્સવની યાદને મનમાં લાવતાં જ કેમ ખરું ને ? ખરું કહું છું ને? 

સખી,  તને પણ થતું હશે કે હવે નંદ ઉત્સવ હમણાં જ આવી જાય તો સૌથી વધુ સારું “હરખે હુલાવીએ શ્રી નંદલાલનનેકેમ સાચું કહું છું ને? ચાલ તારા મનની વાતને હમણાં જ વધાઈ આપી દઈએ અને નંદ ઉત્સવની તૈયારી કરીએ પરંતુ ઉત્સવની તૈયારી કરતાં કરતાં આજે હું તને કૃષ્ણ કેડીથી ચાલતાં ચાલતાં જરા શ્રી ઠાકુરજી, શ્રી વ્રજભૂમિ અને તે સમયની પૃષ્ઠભૂમિ પર લઈ જઉં જ્યાં અત્યારે આપણાં શ્રી કૃષ્ણ કનૈયાનાં જન્મોત્સવની તૈયારીઓ થઈ રહી છે. સમય શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ એ ઊભો રહી વરસાદની ઝરમર ઝડીઓ ને સાથ આપી રહ્યો છે ત્યાં જઈને જરા કૃષ્ણ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ જે એક સાથે બિરાજી રહ્યું છે તેને સમજવા પ્રયત્ન કરીએ.

શ્રી શુકદેવજી કહે છે કે નંદરાયજી ને ત્યાં પોતાના પુત્રનો જન્મ થયો છે અને આ સમાચાર ગોકુલવાસીઓને મળતાં જ તેમને એટલો આનંદ થયો કે તેમનો આનંદ એક મહોત્સવના રૂપમાં ક્યારે ફેરવાઇ ગયો તેની ગોકુલ ગામવાસીઓને જાણ પણ ન રહી અને આ વાત સાચી છે. મોટા ભાગના કૃષ્ણ ભક્તોની એવી સમજ છે કે મથુરામાં દેવકી અને  વસુદેવજીને ત્યાં કૃષ્ણ પ્રગટ થયાં. કૃષ્ણને કંસથી બચાવવા માટે વસુદેવજી કૃષ્ણને યમુનાપાર પોતાના મિત્ર નંદરાયજીને ત્યાં મૂકી આવ્યાં અને મથુરા પાછા ફરતાં નંદરાયજીને ત્યાં જન્મેલી માયા નામની પુત્રીને પોતાની સાથે કારાગૃહમાં લઈ આવ્યાં.કારાગૃહમાં પાછા ફર્યા બાદ તે પુત્રીને તેમણે દેવકીજીને સોંપી દીધી. કૃષ્ણ ગોકુળમાં ૧૧ વર્ષ,  ૫૨ દિવસ અને ૭ ઘડી સુધી નંદરાયજીને ત્યાં રહ્યાં, ત્યારબાદ કૃષ્ણ અક્રૂરજી સાથે પોતાના માતા-પિતા પાસે પાછાં ફર્યા. હું પણ આમ જ માનતી હતી પણ આજે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં પુસ્તકો વાંચતી હતી તેમાં એક મુખ્ય વાત જણાવી છે તેજ વાતને હું તારી સાથે દોહરાવીશ કારણ કે જેમ જેમ પુસ્તકમાંનો પ્રસંગ વાંચતી ગઈ તેમ તેમ આંખો પાસેથી જાણે અજ્ઞાનનો એક પછી એક એમ પડદો ઊઠતો ગયો અને સમય પણ મને અતીતનાં દરવાજા મારફત વ્રજભૂમિ તરફ લઈ ગયો.

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ આ વાત સમજાવતાં કહ્યું છે કે જ્યારે નંદરાયજી એમ કહેતા હોય કે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે તો આ બાબત ઉપર સંપૂર્ણ પણે વિચાર કરવો જોઈએ.શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ કૃષ્ણ જન્મ પ્રાગટ્યનું રહસ્ય સમજાવતાં કહ્યું કે મથુરાનાં કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ વસુદેવ અને દેવકીજીને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ એ દર્શન આપ્યાં બાદ તેઓએ બાળસ્વરૂપ ધારણ કરી લીધું તે કૃષ્ણ ધર્મ સ્વરૂપ હતાં અને તે ધર્મ સ્વરૂપ કૃષ્ણનાં મુખ્ય ૨ કાર્ય હતાં.

૧) આસુરી તત્વોનો નાશ કરવો.
૨) જગતમાં ફરી ધર્મ પ્રસ્થાપિત કરવો.

આ ૨ કાર્યો કરવા માટે જે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુલ પધાર્યા તે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણને “પુરુષોત્તમ” નાં નામથી સંબોધવામાં આવ્યાં. મથુરામાં ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રગટ થયાં બાદ ૪૦ મિનિટ પછી ગોકુલમાં નંદરાયજીને ત્યાં ધર્મી સ્વરૂપ શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું. આ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ને “પૂર્ણ પુરુષોત્તમ “તરીકે ઓળખવામાં આવ્યાં. આ પૂર્ણ પુરુષોત્તમના પણ મુખ્ય ૨ કાર્યો હતાં.

૧) નિજાનંદ માટે વિવિધ લીલાઓ કરવી
૨) પોતાના નિજભકતો ને વિવિધ લીલાઓ દ્વારા આનંદ આપવો.

વસુદેવજી જ્યારે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ ને ગોકુલમાં લઈ આવ્યાં ત્યારે જેમ અલગ અલગ બે પાત્રમાં રહેલું જળ બીજા પાત્રમાં એક સાથે સમાઈ જાય તેમ મથુરાનું ધર્મ સ્વરૂપ ગોકુલનાં ધર્મી સ્વરૂપમાં સમાઈ ગયું.અલગ અલગ સ્થળે અને અલગ અલગ સમયે પ્રગટ થયેલા બંને સ્વરૂપો એક થઈ ગયાં અને તે એક સ્વરૂપ શ્રી વ્રજભૂમિ પર અગિયાર વર્ષ, બાવન દિવસ અને સાત ઘડી સુધી બિરાજમાન રહ્યું. અઘાસુર, શકટાસુર, તૃષ્ણાસુર , પૂતના વગેરે રાક્ષસોનાં વધ જેવી લીલાઓ ધર્મ સ્વરૂપ પુરુષોત્તમ દ્વારા થઈ જ્યારે માખણચોરીનો આનંદ, બરજોરીનો આનંદ, પનઘટ લીલાનો આનંદ અને રાસલીલાનો આનંદ………આ તમામ લીલા પ્રસંગો ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ દ્વારા સિધ્ધ થયાં. જ્યારે અક્રૂરજી ગોકુલથી મથુરા પાછા પધાર્યા ત્યારે તેમની સાથે મથુરામાં પ્રગટ થયેલું ધર્મ સ્વરૂપ તેમની સાથે પાછું મથુરા પધારી ગયું અને ગોકુળમાં પ્રગટ થયેલું ધર્મી સ્વરૂપ તે જ સમયે ત્યાં રહેલાં તમામ વ્રજભકતોનાં હૃદયકુંજમાં સદાયને માટે બિરાજમાન થઈ ગયું. ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજમાં જ પ્રગટ થયાં અને સદાને માટે ત્યાં જ રહ્યાં તે વ્રજ છોડીને ક્યારેય અન્યત્ર ન પધાર્યા.

વાળા શ્રી આપણાં પુષ્ટિ માર્ગમાં કહે છે કે વ્રજમાં નિત્ય નૌતમ લીલા ચાલ્યાં જ કરે છે બસ નિરંતર ચાલ્યાં જ કરે છે જ્યારે આ વાત પહેલીવાર સાંભળેલી  ત્યારે આ વાત મને ખાસ સમજમાં આવી ન હતી પરંતુ આ વાતે મારા મનમાં એક સવાલ ફરતો કરી દીધો હતો તેને કારણે હું વારંવાર વિચારતી રહેતી કે એવું શું બન્યું હશે? પણ સખી, આજે શ્રી વલ્લભની કૃપાથી જ આ વાત સમજાઈ ગઈ કે ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ક્યારેય વ્રજભૂમિ છોડીને જગતમાં ગયાં ન હતાં પણ વ્રજભકતોના હૃદયમાં સદાને માટે, સદાને માટે બિરાજી ગયાં હતાં અને તેજ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ આપણને સદાયને માટે  આનંદમગ્ન રાખી રહેલાં છે પણ આ વ્રજભકતો ક્યાં ક્યાં છે? આમ તો વ્રજભક્તોના પણ ઘણાં જ પ્રકારો છે દા.ત કોઈ લડ્ડુગોપાલને માનનારા છે તો કોઈ રાધાકૃષ્ણ ને માનનારા છે તો કોઈ ઝૂલેલાલ ને માનનારાં છે પણ તેઓના કૃષ્ણ મોટા થયાં બાદ મથુરા અને ત્યારબાદ દ્વારિકા પધાર્યા. જે સ્વરૂપ દ્વારિકામાં જઈને વસ્યું તે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ હતાં, પણ ફક્ત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં જ વૈષ્ણવો હતાં જેમને માટે ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ક્યારેય ન તો મોટા બન્યા કે ન તો વ્રજભૂમિ છોડી ને અન્યત્ર પધાર્યા. હા બીજું એક ધર્મી સ્વરૂપ શ્રીકૃષ્ણ સમયાંતરે વ્રજભૂમિ છોડીને ગયાં તો ત્યાં જ ગયાં જ્યાં શ્રી વલ્લભનંદન પરમ દયાલ શ્રી ગુંસાઈજી પ્રભુચરણનાં સેવક એવા અજબબાઈજી જ્યાં રહેલાં હતાં તે મેવાડ મધ્યે ધર્મી સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ શ્રીજી બાવા શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થઈ પાછળથી મેવાડ પધારી ત્યાં બિરાજયાં. પરંતુ તે ધર્મી સ્વરૂપ એટલે આજથી પાંચસો વર્ષ પહેલા જે સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયેલું તેની વાત છે પણ સારસ્વત યુગના ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ હજુ પણ વ્રજમાં જ બિરાજીને ત્યાં જ તેમની “નિત્ય નૌતમ લીલા” કરી રહ્યાં છે, અને આ “નિત્ય નૌતમ લીલાની” કણકા પ્રસાદી આજે પણ આપણને મળી રહી છે.વાત ફક્ત સમજવાની જ નહીં પણ સાથે સાથે હૃદયારૂઢ કરવાની વાત છે તેથી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ કહ્યું કે ……….

ધર્મ સ્વરૂપ દરેક કલ્પમાં વિવિધ અવતારો રૂપે પ્રગટ થતું રહ્યું છે પણ ધર્મી સ્વરૂપ કેવળ અને કેવળ સારસ્વત કલ્પમાં પ્રગટ થયું હતું અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને માટે કેવળ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ “સેવનીય” છે. જ્યારે ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્મરણિય છે. જ્યારે જે લીલા કરતાં કરતાં પ્રભુને શ્રમ પડે તે ધર્મ સ્વરૂપની લીલા કહેવાય અને જે લીલા કરતાં કરતાં પ્રભુ ને અત્યંત આનંદ આવે તે ધર્મી સ્વરૂપની લીલા કહેવાય.

સખી, આજે આપણાં શ્રી ઠાકુરજી વિષે આ નવી વાત જાણીને મને જેટલો આનંદ થયો છે તેટલો જ આનંદ તને આ પત્ર વાંચી ને થશે જો આ પત્રસાર તને ન સમજાય કહેજે  અને સમજાય જાય તો પણ કહેજે  જેથી તારી નવી નજરથી કોઈક નવી વાત વિષે મને ખબર પડે. કારણ કે આપણાં કૃષ્ણ કનૈયા એવા છે કે તેમને જ્યારે મળીએ ત્યારે તેઓ દરેક પળે–પળે નવું જ રૂપ ધારણ કરેલા જોવા મળે છે અને વળી પ્રત્યેક વ્યક્તિને પણ તેઓ નવા જ રૂપમાં મળે છે તેથી મને પણ તારી નવી નજરમાંનાં નવા કૃષ્ણની વાતમાં શામિલ કરવાનું ભૂલીશ નહીં ચાલ ત્યારે રજા લઉં આપણે ફરી મળીશું આપણી એ જ જૂની કૃષ્ણ કેડી પર કોઈક નવા વિચાર સાથે અને નવા વિષય સાથે આપણે ફરી મળીએ ત્યાં સુધી તને મારા જય શ્રી કૃષ્ણ.

એજ તારી સખી પૂર્વી મલકાણ મોદીની સ્નેહયાદ સહ__

પુષ્ટિ ધર્મ માસિકોમાં પ્રકાશિત:- ૨૦૧૧

દૈનિકભાસ્કર (હિન્દી આવૃતિ) માં પ્રકાશિત:- 

 

 

 

 

 

ભગવાન  શિવનો પાવન માસ શ્રાવણ

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે. આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ માસમાં શિવભક્તો શૈવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્વ રહેલું છે શ્રાવણમાસમાં ગંગાજીમાં વર્ષાઋતુનાં નવા નીર આવે છે. આથી આ માસમાં શિવભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર (કોલકત્તા) વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે.  આ યાત્રા ભક્તજનો મોટાભાગે ચાલીને પૂર્ણ કરે છે. આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષક કરવાનું મૂલ્ય રહેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળની કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપમાર્ગ છે, અને આ તપમાર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ, દાનવ, યક્ષ, કિન્નર, ઋષિમુનિઓ પણ તત્પર રહે છે. સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણમાસમાં ફક્ત સોમવારે શિવસાધના કરે તો પણ મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે દેવ-દાનવો વચ્ચેનું સમુદ્રમંથન પણ શ્રાવણમાસમાં જ થયેલું. આ સમુદ્ર મંથન દરમ્યાન જે ૧૪ રત્નો નીકળ્યાં તેમાંનું એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યો. આ ધારણ કરેલ વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો પડી ગયો, આથી પ્રભુ  નીલકંઠ તરીકે ઓળખાયા. શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને શાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષપ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો, જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય, અને આજ કારણસર આજે આ કલિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે.

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ છે તેનો દુર્વ્યય ન કરવો જોઈએ. સંતો કહે છે કે ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણીયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવમુઠ્ઠીનાં નામે ઓળખવામાં આવે છે.

આ શિવમુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ, રુદ્રાક્ષ, દૂધ, જલ, ભાંગ, બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

ઋષિમુનીઓએ કહ્યું છે કે શિવોપાસનામા માનસ પૂજાનું, શિવસૂત્રોનું અને લિંગપૂજનનું પણ એટલું જ મહત્વ છે. સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે, પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના, શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે જે જીવોને કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે, આ સ્વયંભૂ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે, અને તેમાંયે તુલસીવન, પીપ્પલ અને વટ વૃક્ષ, તીર્થતીરે, પર્વતનાં શિખરે, નદી-સાગરનાં તટ પર, અને ગુરૂ આશ્રમ પર સ્વયંભૂ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિધ્ધિદાયક પણ હોય છે.

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

પ્રથમ વર્ષગાંઠે છલકાતી અંતરની ઊર્મિ

આજે પારિજાતના આ ધીરા કદમ બીજા વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેની અનેક ગણી ખુશી છે. એક વર્ષ દરમ્યાન આ બ્લોગની સફર મારે માટે અદ્ભુત બની રહી. આ દરમ્યાન ઘણા વાંચકોએ અને મિત્રોએ બ્લોગની મુલાકાત લીધી અને પ્રત્યેક મુલાકાત વખતે મને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરી. ખાસ કરીને હું કોઈપણ સોશિયલ વેબ સાથે જોડાયેલી ન હોવા છતાં જે વાંચકો અને મિત્રો અહીં આવ્યા તે ફકત મને મળવા આવ્યા હોવાનો પરમ સંતોષ થયો. મારા આ બ્લોગને સોશિયલ લિન્ક ઉપર ન લઈ જવાનું મુખ્ય કારણ એ છે કે હું થોડી અંતર્મુખી છું. તેથી ફક્ત મને જાણતા મિત્રો જ સુધી જ હું જવાનું પસંદ કરું છું. આ વાતનું તાત્પર્ય એ ન લેવું કે મિત્રો સિવાય મને નવા લોકોને મળવું નથી ગમતું. ચોક્કસ મને નવા નવા મિત્રો બનાવવા, લોકો સાથે હળવું મળવું ગમે છે પણ અજાણ્યા લોકોનો અને અજાણી રાહનો ડર મને લાગે છે તેથી સ્વને માટે થોડી સાવચેતી રાખું છું. આથી જ ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ કે અન્ય કોઈપણ લિન્ક ઉપર આપ મને જોઈ શકતા નથી, તેમ છતાંયે વાંચકો  પારિજાતઉપર આવીને મને પ્રોત્સાહન આપે તે મારે માટે ખૂબ જ આનંદદાયક છે. આ આનંદદાયક સફરમાં વાંચકમિત્રો અને મિત્રોની એક જ ઈચ્છા રહી કે અમારે તમને જાણવા છે તેથી આજે મારા જીવનનું એક ચેપ્ટર આપની પાસે ખોલવા પ્રયત્ન ચોક્કસ કરીશ.

મારા જીવનમાં વાંચન એ હંમેશા અભિન્ન અંગ બની ને રહ્યું. નાનપણમાં એક ચકો ને ચકી મગ અને ચોખાનો દાણો લાવી તેની ખિચડી બનાવી મારી સામે એકલા એકલા જમતા, ઘણીવાર નંદરાણીનો કનૈયો આવીને અવનવા તોફાનો કરી જતો, ક્યારેક રાજા ને રાણી મારા બગીચામાં બેસીને બાર હાથનું ચીભડું ખાતા ને અંદરથી તેર હાથનું બી કાઢતા, ક્યારેક કોલંબસ મારી આંખ સામેથી વહાણ લઈને નીકળતો ને મને હાથ લાંબા કરીને બોલાવતો. આમ મારુ નાનપણ અવનવી વાર્તાઓ વચ્ચે ગયું. ક્યારેક મારા ફૈબા, ક્યારેક, મોટી બા(દાદી), ક્યારેક કોઈ કાકા, ક્યારેક પપ્પાને સંગે હું કલ્પનાની દુનિયામાં ફરવા નીકળી પડતી. સ્કૂલમાં આવી ત્યારે લેશન કરવાની પૂર્વે પપ્પા બાજુમાં વાર્તાની ચોપડીઓ લઈને બેસતા અને કહેતા કે પૂર્વી એક વિષયની એક ચોપડી અને હું કહેતી કે એક લેશનની એક ચોપડીપણ મારુ ક્યારેય ચાલતું નહીં તેથી પાપાની વાત અગ્ર રહેતી. એક વિષય પૂરો થાય કે તરત જ ½ કલાકની છૂટી મળતી તેથી તેમાં મળતી એક ચોપડીનું મૂલ્ય મારે માટે અમૂલ્ય રહેતું. પણ અડધી કલાક પૂરી થાય એટ્લે ચોપડી પાપાને પાછી આપવી પડતી, તેથી અધૂરી રહી ગયેલી વાર્તાઓ ફરીથી જલ્દી જલ્દી વાંચવા મળે તે હેતુથી ફરી લેશનમાં લાગી જતી. આજે પણ આજ વાત મારામાં જળવાઈ રહી છે. બ્લોગર મિત્રોએ મોકલેલી બધી જ પોસ્ટ જ્યાં સુધી મારાથી વંચાઈ ન જાય ત્યાં સુધી શાંતિ થતી નથી. પણ હવે સમય થોડો ઓછો રહે તેથી ન વંચાયેલી પોસ્ટ સચવાઈને પડી રહે છે. ભલે તે પોસ્ટ મોડી વંચાય પણ વંચાતી રહે છે તેનો સંતોષ અને આનંદ રહે છે. જ્યારે ઉનાળુ વેકેશન આવે ત્યારે તો મારી આંખોમાં, હાથમાં અને મનમાં જાણે પંખ લાગી જતાં. ઘરના ખૂણેખાંચરે કબાટમાં સંતાયેલા શબ્દોને શોધવા મન તત્પર બની જતું, અને  જ્યારે આ છાપાઑ કે ચોપડીઓ મળી જાય  ત્યારે આ શબ્દોનું ફરી રિપીટ વાંચન થતું.

મોટી થતાં મમ્મી તરફથી ફરમાન આવ્યું કે ઘરના કામમાં મદદ કરવી તેથી મે ઝાડુ કાઢવાનું કામ ઉપાડયું. આ કામ કરવા માટે બહાનું હતું કે ઝાડુ કાઢવા પૂર્વે ઘરને ગોઠવવા માટે પથારા ઉપાડવા પડે અને આ કામ કરતાં કરતાં ક્યાંક છાપું કે કોઈ પુસ્તક તો હાથમાં આવી જ જવાનું. આ કામ કરવાનો મને સૌથી વધુ આનંદ આવતો. પણ આ કામમાં મારી ને મારી મમ્મીની વચ્ચે સટપટ ચાલ્યા કરતી. કારણ કે મમ્મી મારા કરતાં વધુ સ્માર્ટ હતી તેથી જેવો ઝાડુનો અવાજ બંધ થાય કે તરત જ તેને ખબર પડી જતી કે મારા હાથમાં કઇંક વાંચવાનું આવી ગયું છે તેથી બૂમ આવતી કે પૂર્વી……. વાંચજે પછી….. પહેલા ઝાડુ પૂરું કર નહીં તો કચરો ઊડી જશે અને મને કમને પાછું ઝાડુ હાથમાં લેવું પડતું. (પણ સાચું કહું તો બંદાને બીજીવાર વાંચવા મળતું હોય બીજીવાર પણ ઝાડુ હાથમાં લેવા તૈયાર જ હોય પણ તેવો સમય બહુ ઓછો આવતો કારણ કે મમ્મી જ સામે ઊભા રહી જતાં જેથી કરીને મનની ઈચ્છા મનમાં જ રહી જતી.)

વયની સાથે વાંચન માટેની મારી ઈચ્છા વધતી રહેતી હતી. આજ ઉંમરમાં મને ચશ્માના નંબર આવી ગયા તેથી મોટેરાઓએ માન્યું કે વાંચ વાંચ કરવાથી મને ચશ્માના નંબર લાગી ગયા છે તેથી હવે મારી વાંચવાની અને વાંચન સામગ્રી શોધતા રહેવાની પ્રવૃતિ ઉપર પ્રતિબંધ આવવા લાગ્યો હતો. કોઈપણ મોટેરું મને જેવી વાંચતાં જુએ કે તરત જ મારી પાસેથી ચોપડી લઈ લેવામાં આવતી અને મને ઘરકામમાં લગાવી દેવામાં આવતી. આ બધા મોટેરામાં કેવળ પાપા એવા હતા જેમણે મારી વાંચનની પ્રવૃતિ ઉપર કાપ ક્યારેય ન લગાવ્યો. જ્યારે ઘરમાંથી કોઈ મારે માટે ફરિયાદ કરતું તો તેઓ હંમેશા કહેતા કે એને વાંચવા દે એ જેટલું વાંચશે તેટલું તેનું નોલેજ વધશે, અને રહી કામની વાત તો…….ઘરકામની જવાબદારી એકવાર માથે આવશે તો તેની જાતે જ કરવા લાગશે. આમ પાપાની સામે વાંચન કરવાનો મને મુક્ત દોર મળી જતો.

અમે તહેવારોમાં અમારે ગામ જતાં ત્યારે મારા પહોંચ્યાં પહેલા જ ઘરમાં રહેલા બધાં જ છાપાઓ અને માસિક મેગેઝીન સંતાડી દેવામાં આવતા જેથી મારા હાથમાં ન આવે. એકવાર ગામ પહોંચ્યા પછી હું આખું ઘર ફરી વળી પણ મને વાંચવાનું તો શું એક છાપાનો ટુકડો પણ હાથમાં ન આવ્યો. તેથી ભાભુને જઈને પૂછ્યું કે જલારામ જ્યોત, ખોડિયાર જ્યોત, ધર્મસંદેશ, જનસત્તા વગેરે ક્યાં છે? જવાબમાં ભાભુ કહે બેટા છાપું તો તારા ભાઈ (મોટા કાકા) લઈ ગયા હશે ને બીજા માસિક બંધ કરાવી દીધા છે. ભાભુની વાત સાંભળી મે તેમને પૂછ્યું કે તો જૂના અંક ક્યાં છે? તે તો હશે ને ? જવાબમાં ભાભુ કહે ના બેટા એય નથી. ભાભુનો જવાબ સાંભળીને નિરાશા તો થઈ પણ પછી રેગ્યુલર કામમાં લાગી ગઈ. બધાં કઝીનની સાથે કામ કરતી મને જોઈને ભાભુ મમ્મીને કહે જોયું આ પૂર્વીના હાથમાં આ ચોપડી નથી આવી તો કેવી રસોડામાં ને ઘરના કામમાં મદદ કરે છે.  ખરેખર જ હું રસોડામાં ને ઘરકામમાં હાથ આપતી હતી પણ મનમાં તો એક જ વિચાર હતો કે ક્યાંકથી ને ક્યાંકથી કશુક વાંચવાનું તો મળશે જ. આમ ને આમ બે-ત્રણ દિવસ થઈ ગયા પણ એકપણ માસિક સામયિક કે છાપું મારા હાથમાં ન ચડ્યું. ચોથા દિવસની સવારે માટે ખુશી ભરેલી રહી. ઘરમાં આમતેમ કામ કરતાં કરતાં એક કબાટ પર નજર ગઈ અહીં મારો ખજાનો પડેલો હતો, પણ મારે ઘરમાં કોઈને બતાવવાનું ન હતું કે મને ખજાનો મળી ગયો છે તેથી ગાદલાં ગોદડા રાખવાના ડામચિયાની પાછળ જઇ હું બેસી શકું તેટલી જગ્યા બનાવી. બીજે દિવસે ચા-પાણી પૂરા કરી કોઈ કામને બહાને છટકી ગઈ અને કબાટમાંથી ચોપડીઓ કાઢી મારી ગુપ્ત જગ્યામાં જઈ બેસી ગઈ. મને રસોડામાં ન જોતાં ભાભુ, મોટી બા, કાકી વગેરે પૂછવા લાગ્યા કે પૂર્વી ક્યાં છે? પણ પૂર્વીનો કોઈ પતો લાગ્યો નહીં તેથી લાગ્યું કે આ દુકાને જઈને બેઠી હશે. (ગામડામાં મારા દાદાની ને કાકાની કરિયાણાની દુકાન હતી) તેથી તેમણે દુકાનમાં તપાસ કરી. પણ ત્યાંથી જવાબ આવ્યો કે પૂર્વી અહીં નથી કદાચ વખારે (ગોડાઉન) ગઈ હશે. પણ વખારમાં ફોન ન હતો તેથી તેમણે વિચાર્યું કે કોઈ માણસને મોકલી પૂર્વીને બોલાવવા મોકલી દઈએ. ડામચિયાની પાછળ રહેલી મને બધા જ અવાજ સંભળાતા હતા પણ હું જવાબ આપું તો મારા હાથમાંથી ચોપડીઓ છીનવાઈ જાય ને પાછું ઘરકામમાં લાગી જવું પડે આથી બધાં જ અવાજોને અવગણીને હું વાંચતી જ રહી. એમ કરતાં કરતાં જમવાનો સમય થયો ત્યારે ભાભુને લાગ્યું કે આ આળસૂડી ઘરકામમાંથી છટકી ગઈ પણ જમવા માટે તો આવશે ત્યારે જ પકડીશ. (પણ બંદા સ્માર્ટ હતાં તેથી બહાર જ ન નીકળ્યાં)

સાંજનો સમય થવા આવેલો ત્યારે જે માસિકો વંચાઈ ગયા હતાં તે મૂળ જગ્યાએ રાખીને અને જે બાકી બચેલા તેને મારી રીતે સંતાડીને હું બહાર નીકળી આવી અને ચૂપચાપ ઘરના કામમાં જોડાઈ ગઈ. જ્યારે મારા ભાભુએ મને પરત ફરેલી જોઈ ત્યારે પૂછ્યું ત્યારે મે તેમને સાચું કહી દીધું કે મને જૂના પુસ્તકો મળી ગયેલા તેથી વાંચતી હતી. તેમણે પૂછ્યું ક્યાંથી મળ્યા ત્યારે મે કહી દીધું કે આ જગ્યામાં હતાં. આ સાંભળી ને તેઓ કહે અરે એતો મોટાભાઈનો (મોટો પિતરાઇ ભાઈ) કબાટ છે ને એમાં તો કાચ પણ લગાવેલો છે ને તાળુયે છે તો કેવી રીતે ખોલ્યો? ચાવી ક્યાંથી મળી? મે કહ્યું હા મે જોયું કે તાળું મારેલું છે પણ મે તો કબાટ ખોલ્યો જ નથી.  

તો? ભાભુએ પૂછ્યું.

મે કહ્યું ભાભુ તાળું તો મારેલું છે પણ કબાટનો કાચ તૂટેલો હતો તેથી હાથ નાખીને પુસ્તકો બહાર કાઢી લીધા. આ સાંભળીને ભાભુ માથા પર હાથ મૂકીને કહે અરે ભગવાન….!!! આ છોકરીનું શું થાશે? પછી મમ્મીની સામે જોઈને કહે તમારી આ દીકરીનું આ વાંચવાનું ભૂત ક્યારેય ઉતરશે કે નહીં? સાસરામા આનું શું થાશે? ભાભુની વાતથી મમ્મી ચૂપ રહ્યા પણ તેમની ચિંતા આજે હું સમજી શકી છું. પણ મારા તરફથી કહું તો મારો એ વાંચનનો શોખ ક્યારેય ઉતર્યો નહીં અને ઉંમરની સાથે સાથે એ પણ વધતો ગયો. હા…. આ ઉંમર સાથે વાંચનમાં વિવિધતા ચોક્કસ આવવા લાગી હતી. આ દિવસ પછી ભાભુ, મોટી બા અને મમ્મી વધારે સ્ટ્રિક્ટ થઈ ગયાં. તેમણે કબાટમાંથી તે પુસ્તકો કાઢી લીધા અને પોતાના કબાટમાં મૂકી દીધા જેથી કરીને હું ફરી વાંચવા બેસી ન જાય. (પણ, બંદા તો અહીંયે સ્માર્ટ જ હતાં.) ભાભુએ જે પુસ્તકો લઈ લીધા તે તો વંચાઈ ગયા હતાં તેથી તેની પરવા ન હતી. બાકી બચેલા પુસ્તકો મે મારી રીતે સંતાડી લીધેલા. પણ આ દિવસ પછી મારી તરસ થોડી ઓછી થઈ હતી તેથી ઘરકામમાં બરાબર સાથ આપ્યો, અને બપોરે જ્યારે ઘરમાં લોકો આરામ કરતાં ત્યારે હું મારા ખજાનાને ફરી મારા હાથમાં લઈ લેતી.

વાંચનને લાગતો મારો બીજો પ્રસંગ પણ મારા ગામે જ બનેલો. હું મમ્મી અને ભાઈ સાથે થોડા દિવસ માટે ગામ ગયેલી. તે સમયે ભાભુ પોતાના મોસાળે જબલપુર ગયેલા, તેથી મને ઘરમાં પૂર્વી તું ન વાંચ એમ કહેનાર કોઈ કહેનાર ન હતું. આ સમયમાં હું મારો ઘણો ખરો સમય દુકાને કાઢતી જેથી કરીને વધુ ને વધુ હું વાંચન કરી શકું. એક સાંજે ઘરના દરવાજે હું કેરી ઘોળીને તેનો રસ પી રહી હતી. ત્યાં બાજુમાં રહેતી મારી સહેલી તેના ઘરમાંથી બહાર નીકળી તેના હાથમાં એક પુસ્તક હતું. પુસ્તક જોતાં જ મારુ મન ચંચળ થઈ ગયું. મે તેને પૂછ્યું રીટા તારા હાથમાં કઈ ચોપડી છે? “ તો તે કહે ઇતિહાસની. ઇ તો હું લેશન કરતી તી….ત્યાં કાંઇક અવાજ  આઇવો તે જોવા બાર નીકળી. મે તેને પૂછ્યુંએ તારું લેશન થઈ ગયું? તો કહે હા થઈ ગયું. હા….કાં…? શું કામ છે? મે કહ્યું કાંઇ કામ નથી મને તારી ચોપડી વાંચવા માટે આપીશ? તે કહે લે….પછી ઘરે પાછી આપી જાજે ભૂલતી નહીં. મે હકારમાં મો હલાવ્યું ને ખુશ થતાં થતાં તે ચોપડી લઈ લીધી. પછી ત્યાં જ ઉંબરમાં બેસીને કેરી ચૂસતા ચૂસતા ચોપડી ખોલીને વાંચવા લાગી. ચોપડી વાંચતાં વાંચતાં એવી તે તલ્લીન બની ગઈ કે હાથમાંની કેરી ચૂસવાનું ભૂલી ગઈ. થોડીવાર પછી મારો કેરીવાળો હાથ ખેંચાયો તો મે મારો હાથ પાછો ખેંચ્યો. ત્યાં ફરી વાર મારા હાથની કેરી કોઈએ ખેંચવા પ્રયત્ન કર્યો. તે પ્રયત્નથી મો ઊંચું કર્યા વગર હું ફરી હાથ ખેંચવા જતી હતી ત્યાં પાછળથી એક જોરદાર ધબ્બો પડ્યો તે સાથે જ મારા હાથમાંથી કેરી નીચે પડી ગઈ અને મે ઉપર જોયું તો મારા મોટી બા ત્યાં ઊભા હતાં. મે પૂછ્યું બા શું થયું? તો કહે આ કલા બરાબર કેય છે, વાંચવા બેસતી વખતે તને આજુબાજુનું કાંય ભાન નથી રેતુ, આ ગાયે બટકું ભરી લીધું હોત તો…? આંય ગામડામાં દાક્તર ક્યાંથી કાઢત? તે જ સમયે મને ખબર પડી કે કેરીવાળો હાથ ખેંચાતો ન હતો એ તો ગાય ખેંચી રહી હતી, બા ની વાતેય સાચી હતી. તે રાત્રે મને મોટા કાકા, બાપુજી (દાદા) ને મમ્મી તરફથી બહુ ગુસ્સો મળ્યો. પણ તેમના તે ગુસ્સામાંયે મારે માટે પ્રેમ જ સમાયેલો હતો પણ તે સમયે એ મારે માટે ફક્ત ગુસ્સો હતો તેથી વાંચન માટે મારો પ્રેમ ક્યારેય ઓછો ન થયો….તે તો બસ અવિરતપણે વધતો જ રહ્યો.

આજેય મારો વાંચનપ્રેમ પહેલા જેવો જ છે, પરંતુ આજે સમય અલગ છે.  પપ્પાની વાતેય સાચી પડી. જ્યારે સમય આવ્યો ત્યારે મે મારુ ઘર, પરિવાર વગેરે સંભાળી લીધું તેની સાથે વાંચન પણ છૂટી ગયું. આ દોર ઈંડિયામાં રહી ત્યાં સુધી ચાલ્યો. યુ.એસમાં મૂવ થઈ પછીયે ઘર, બાળકો, શ્વસુર પાપા, જોબ વગેરે સાથે બીઝી થઈ ગઈ. તેથી વાંચન કવચિત જ થતું, તેમાયે સાથે કોઈ ગુજરાતી પુસ્તકો પણ ન હતાં જેને વારંવાર વાંચું. આથી ઘણીવાર ઘણા લોકો આસપાસ હોવા છતાં પણ હું એકલી રહેતી, આ સમયમાં પત્ર મારી મદદે આવ્યા. અમેરિકાની નવી ધરતી, નવા મિત્રો, નવા વાતાવરણને હું મન અને હૃદયથી માણતી હતી. આ સમયે જે જે પ્રસંગો, મિત્રો, સંજોગો, વાતાવરણ મારી આંખ સામેથી પસાર થતાં તે બધા જ પ્રસંગોને હું શબ્દરૂપ આપી દેતી અને પત્રના રૂપે ઈન્ડિયા મોકલી દેતી. આ સમય એ હતો કે જ્યારે હું ઘણા અંશે એકલી હતી, તેથી મારા તમામ ભાવોને અને વિચારોને હું પત્રો દ્વારા ઈન્ડિયામાં રહેલા મારા પરિવારજનો સાથે વહેંચતી રહેતી હતી. આજે હું એમ કહી શકું છુ કે આ પત્રને કારણે મારામાં રહેલી ભાષા હંમેશા જીવંત રહી જેમણે મને ક્યારેય એકલી થવા દીધી.

જોબ કેરિયરમાંથી ફ્રી થયા બાદ ૨૦૧૧ થી મારુ લખાણ ચાલું થયું. આ સમયે  દાદીમાની પોટલીમાંથી અશોકભાઇ દેસાઇએ  મને લખવા માટે પ્રોત્સાહન આપ્યું અને મારી લેખણીને પોતાના બ્લોગમાં સમાવી લીધી. દાદીમાની પોટલીના એ બ્લોગથી શરૂ થયેલ એ નવી યાત્રા ને કારણે મને ઘણા મિત્રો મળ્યાં. આ મિત્રોએ આગ્રહપૂર્વક મારી પાસે મારો પોતાનો બ્લોગ ખોલાવ્યો. આજે એક વર્ષના અંતે છલકાતી અંતરની ઊર્મિ સાથે હું ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીને વિનંતી કરું છું કે આ બ્લોગની સફર ચાલતી રહે અને સહુ મિત્ર-પરિજનોનો સાથ, સહયોગ અને સૂચન મને મળતા રહે.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

 

 

 

 

હિંડોળાનો ઉત્સવ

જુલન કે દીન આયે ,
હિંડોરે માઈ જુલન કે દીન આયે
ગરજત ગગન, દામિની કોંધત,
રાગ મલ્હાર જમાયે ।।૧।।

કંચન ખંભ સુઢાર બનાએ ,
બીચબીચ હીરા લાએ ।
ડાંડી ચાર સુદેશ સુહાઈ ,
ચોકી હેમ જરાયે ।।૨।।

આપણાં સાહિત્યમાં હિંડોળાનાં ઘણા ભજનો કીર્તનો અને પદથી ભરેલ છે. વ્રજ સાહિત્ય કહે છે કે ફાગણ માસની હોળી અને અષાઢ શ્રાવણિયાનાં ઝૂલા હિંડોળા વગર વ્રજભૂમિ અને ભક્તજનોનાં હૈયા બંને સૂના છે. પ્રતિવર્ષ અષાઢી બીજથી શ્રાવણ વદ બીજ સુધી અર્થાત પૂરેપૂરા એક માસ સુધી હિંડોળા ઉત્સવની પરંપરા એ વૈષ્ણવજનોની ભક્તિની ભાવનાને અભિવૃધ્ધ કરે છે. કલા-કૌશલ્ય ભાવને ઉત્તેજન આપતા આ હિંડોળાનો ઉત્સવ શ્રીજી બાવાની યાદમાં ઉજવવામાં આવે છે.

વ્રજઇતિહાસ, શ્રીમદ્ ભાગવતજી, વિષ્ણુપુરાણ, બ્રહ્મ પુરાણ આ સમસ્ત સાહિત્યોએ હિંડોળાનો ઉત્સવ આનંદઘન સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કર્યો છે. અષ્ટસખાઓએ ગાયેલા પદોમાં આપણને આની આછી ઝાંખી આ રીતે મળે છે………..અષાઢ, શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે, ધરાદેવી નવપલ્લવિત, નવકુસુમિતથઇ હરિયાળી ચુંદડી ધારણ કરે છે. ગગન ગર્જના કરતાં શ્યામલ મેઘો મલ્હાર ગાય છે અને દામિની મૃદંગ વગાડે છે. નભમંડળ આછી આછી સરવાણીઑ વરસાવી હસી રહેલ છે, ઇન્દ્રનું ધનુષ્ય સપ્ત રંગોથી ખીલી ઉઠે છે.મંદ, શીતળ, સુંગધીત વાયુ વડે ભીની માટી મહેંકી રહી છે, યમુનાજળ ખળ ખળ કરતું વહી રહ્યું છે,વૃંદાવનની સઘનકુંજ-નિકુંજમાં, વન-ઉપવનોમાં અને ગિરિકંદ્રામાં ચક્રવાકનો મધુર કૈકવ, બપૈયાનો વૈભવ, મયૂરોનો કેકારવ થઈ રહ્યો છે અને વૃક્ષોની વચ્ચે છુપાયેલ કોયલ અને કોકીલાની કૂક ગુંજી રહી છે, પુષ્પથી પલ્લવિત્ત થયેલી દ્રુમવેલીઓ, પારિજાત, મલ્લિકા, કદંબ, સોનજૂહી, જૂઈ, માલતી, માધવી, બકુધાત્રી વગેરે પુષ્પો પ્રફુલ્લિત થયેલા છે, શ્રી યમુનાજીની પુલીન લહેરીઓ સ્વચ્છ સલિલાથી છલકાઇ રહેલ છે, અને આ સલિલામાં કમલિની ઝૂમી રહી છે. આ કમલિનીઑ ઉપર ભ્રમરોનો ગુંજારવથઈ રહ્યો છે. ભીની અને લીલી ધરતી પર આમ્રડાળીઑ ઝૂકી ઝૂકીને ચુંબન કરી રહેલ છે, પ્રકૃતિનાં સૌંદર્યે કદંબનાં વૃક્ષો ગર્વન્વિત થઈ રહેલા છે, સદ્યસ્નાતા સુંદરીઓથી યમુનાજીનાં પનઘટ છલકાઈ રહેલ છે, પુષ્પપલ્લવમંડિત ઝૂલા, ઝૂલાની આસપાસ ઝૂલતી લત્તા પતાઑ છલકતી પ્રકૃતિ સૃષ્ટિને સત્કારવા તૈયાર છે, ત્યારે નટેશ્વર રસેશ્વર શ્રીરાસબિહારીજી વૃષભાનનંદિની સાથે સુરંગ મોતીને  હિંડોળે ઝૂલે  છે.………

લલિત શાસ્ત્રમાં હિંડોળાનાં બે પ્રકાર કહ્યાં છે. ૨ લાકડીઑવાળો (ખંભ) હિંડોળો અને ૪ લાકડીઓવાળો હિંડોળો. સામાન્ય રીતે બે ખંભવાળા હિંડોળાઓનો ઉપયોગ સ્વામિનારાયણ સમ્પ્રદાયમાં કરવામાં આવે છે જ્યારે ચાર ખંભવાળા હિંડોળાઓનો ઉપયોગ આપણી હવેલીઓમાં કરવામાં આવે છે. વ્રજઇતિહાસમાં કહે છે કે અષાઢી બીજ પછી ગોપીજનોએ આમ્ર અને કદંબની ડાળીઓમાં લત્તાપતાઓ વડે હિંડોળો બાંધીને ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને ઝૂલાવ્યાં હતાં, જ્યારે અષાઢ શ્રાવણિયાનાં પ્રત્યેક દિવસે માતા યશોદાએ ઘરઆંગણે વિવિધ રીતે હિંડોળાઓ સજાવીને બાલકૃષ્ણને તેમાં ઝૂલાવ્યાં હતાં. માતા યશોદા અને ગોપીજનોની આજ ભાવનાને યાદ કરતાં આજે પણ હવેલીઓમાં અને વૈષ્ણવોનાં ગૃહ રૂપી હવેલીઓમાં હિંડોળાના વિવિધ મનોરથો થાય છે ત્યારે હૈયારૂપી હીરની દોરીએ શ્રી ઠાકુરજીને ઝુલાવીને ભક્તજનો અને વૈષ્ણવજનો  ભાવવિભોર બની જાય છે.આ ઉત્સવમાં વૈષ્ણવજનો ચાંદીનાં, સોનાનાં, રેશમી દોરીનાં, ગુલાબ, મોગરો, જૂઈ આદી ફૂલોનાં, શાકભાજીનાં, તેજાનાનાં (તજ, લવિગ,એલચી વગેરે…), સૂકા મેવાનાં (બદામ,કાજુ, અંજીર વગેરે), લીલા મેવાનાં( સફરજન, કેળા, રાયણ વગેરે) કમળ-કદલી અને કેળનાં, નાગવલ્લી, પિપ્પલનાં પાનનાં સોનેરી અને રૂપેરી કાપડનાં, ભરતકામ અને આભલાનાં, મોરપીંછનાં, મલમલ અને મખમલનાં, લહેરીયા અને બાંધણીનાં, મોતી અને રત્નોનાં, રંગીન કાચનાં શંખ-છીપલાનાં, કોડીનાં, રાખડીનાં, પવિત્રાનાં, કાથીદોરીનાં, નાનીમોટી ઘડૂલીઓ વડે હિંડોળાઑની સજાવટ કરે છે. હિંડોળાનાં ખંભનાં જેમ બે પ્રકાર જોવા મળે છે તેમ ઝૂલણનાં ત્રણ પ્રકાર લલિત શાસ્ત્રમાં જોવા મળે છે. જેમાં છે હિંડોળા, ઝૂલા અને પારણિયા છે. આ ત્રણેય પ્રકારનાં ઝૂલણનો ભાવ અલગ અલગ છે. જેમાં પ્રથમ છે હિંડોળા……. હિંડોળા માધુર્યભાવ માટે (રાધિકાજી સાથે કૃષ્ણ), ઝૂલા સખ્યભાવ માટે( ગોપીજનો અને કૃષ્ણ), પારણિયા વાત્સલ્ય ભાવને માટે (માતાનો ભાવ) હોય છે. હિંડોળા લાકડાનાં હોય છે જેમાં ઉપરોક્ત વસ્તુઓ દ્વારા સજાવટ કરવામાં આવે છે, ઝૂલા…….. વૃક્ષોની ડાળી પર દોલ (જાડા દોરડા) અને વિવિધ પાન-ફૂલો-ને વૃક્ષોની ડાળી વડે ગુંથેલા કે બાંધેલા હોય છે. જ્યારે અવનવા પારણાઓનો પણ ઉપયોગ બાલસ્વરૂપને ઝૂલાવવાં માટે કરાય છે. જેને આપણે સામાન્ય ભાષામાં પલના તરીકે ઓળખીએ છીએ.

અષાઢ શ્રાવણ માસના વરસાદી રીમઝીમનાં અમીછાંટણાં દરમ્યાન તન–મનને ભીંજવી જતાં આ ઉત્સવમાં હિંડોળા, ઝૂલા અને પલનાનાં દર્શનમાં વૈષ્ણવો શ્રી ઠાકોરજીને પલનામાં પ્રેમથી બિરાજીત કરે છે,અને ભક્તોનો સ્નેહ જોઈને શ્રી ઠાકુરજી પણ મંદ મંદ હાસ્ય કરી પોતાનાં બાલ્યસ્વરૂપ સાથે પાલનામાં બિરાજમાન થાય છે. ભક્તજનો આ સમયે મૃદંગ પખવાજ, ઝાંઝ, મંજીરા, તાલબદ્ધ વગાડીને પલનાનાં પદો ગાઇને ઉત્સવ કરે છે. સંધ્યાના સમયમાં સંધ્યા આરતી ઉતારવામાં આવે છે જેથી લાલન ને નજર ન લાગે આવા હિંડોળા-ઝૂલા અને પલનાનાં ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ-પ્રેરણા મળે છે.હિંડોળા અને ઝૂલા જેમ ઉપર નીચે જાય તેમ જીવન પણ ઉપર નીચે થાય છે એટલે કે જીવનમાં પણ ચડતી-પડતીઆવવાની અને જવાની છે, માટે આ ચડતી પડતી રૂપી સંજોગોમાં ભક્તજનોએ ધૈર્ય ધારણ કરી રાખવું જોઈએ. હિંડોળા, ઝૂલા અને પલનાઓનો (પારણું)  ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણકરવાનો અનુપમ અવસર છે,પરંતુ વૈષ્ણવજનો માટે હિંડોળા અને ઝૂલાનો ઉત્સવ એટલે મમતાની દોરીએ પોતાના લાડકવાયાને ઝૂલાવવાનો ઉત્સવ અથવા એમ કહો કે હિંડોળા- ઝૂલાઓનો ઉત્સવ પ્રત્યેક વૈષ્ણવ હ્લદયમાં માતૃત્વનો સંચાર કરી પ્રત્યેક ઘરનાં એકેએક યશોદા અને નંદને પોતાના લાડકવાયાને હૈયાની દોરીએ હિંચોળવાનો અને પોતાના લાલનનું સામીપ્ય લેવાનો સુંદર અવસર આપે છે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

ફૂલછાબમાં પ્રકાશિત જુલાઇ ૨૦૧૪ 

 

 

આજના આધુનિક ગુરુઓ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે. આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે. ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું, જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈ જાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં, ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે. હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે. ગુરુશિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું. અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે. એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય. જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે. ગુરુ માટે પણ કશુક એવું જ છે. બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે. તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે. આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું. વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે. આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે. ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે. ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે. આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે. જેમાં માતા, પિતા, ગુરુ, વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે. પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ? આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે. ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદર પ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે. ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી. જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદ્ગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્વૃતિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર, આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવું ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે. આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે, પણ સમય અનુસાર આજે આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.

આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર. આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે. એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ. આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે. માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે. આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.

આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે. મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ. ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ. જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.

આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે. આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.

આપણા ચોથા ગુરુ તે બાળકો છે. મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે. પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી. હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે. પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.

આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. નવા જમાનાનો આ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યના સંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે?આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ. આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે. આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.

अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य
चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
CopyRight:-ISBN-10:1500299901 
purvimalkan@yahoo.com

 

 

 

સ્મરણભક્તિનું માહાત્મ્ય

સ્મરણભક્તિનું માહાત્મ્ય

ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે છે કે જે જીવને પ્રભુ પ્રત્યે નિર્મળ પ્રેમ હોય છે તે જીવોને પ્રેમ શબ્દ સાથે, પ્રેમભાવ સાથે નાત-જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે પ્રેમ એ સ્વયંભૂ છે અને સ્વયં સ્ફુરિત છે કારણ કે પ્રેમ ભાવના છે, સંવેદના છે જેનું પ્રાગટ્ય હૃદય કેરા કૂપમાંથી થાય છે. પ્રેમીઓએ પ્રેમને છીપમાં રહેલા મોતી સાથે સરખાવેલ છે, જેણે આ મોતીને મેળવી લીધું તેનું જીવન પ્રેમમય બની જાય છે અને તે કેવળ અને કેવળ પરમાત્માનો બની જાય છે. શુકદેવજી કહે છે કે ભક્તિએ એવો રસ છે જેનું પાન કરવાથી પાન કરનારને ક્યારેય સંતોષ થતો નથી તેથી તે ભક્તિકથામૃતની સતત ઝંખના કર્યા કરે છે.

જે ભક્તિનું રસપાન કરવું ભક્તો હંમેશા લાલાયિત હોય છે તે ભક્તિના નવ પ્રકાર શાસ્ત્રો કહ્યા છે. આ નવ ભક્તિમાં ત્રીજો પ્રકાર સ્મરણ ભક્તિનો છે. 

સ્મરણભક્તિ, નામ ભક્તિને ચિત્ત, મન, અને આત્માનો વિષય માનવામાં આવ્યો છે. પ્રભુ નામને એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી હૃદયમાં અને આત્મામાં પ્રભુની છબી, પ્રભુના સ્વરૂપને અટલ, અચલ અંતઃકરણમાં સ્થાપિત કરવું. નારદમુની સુતજીને કહે છે કે જે ભક્તો પોતાના ઇષ્ટદેવનાં ચરણોમાં, તેમના મનમોહક સ્વરૂપની મૂર્તિને આર્તિપૂર્વક  પોતાના હૃદયમાં ધારણ કરી રાખે છે તેનાં ભવોભવની પીડા શમી જાય છે.

यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् ।
विमुच्यते नतस्तस्मै विषण्वे प्रभ विषण्वे ।।

પ્રભુ નામ એટ્લે પ્રભુનું ધામ, સાધનની દૃષ્ટિએ પ્રભુના નિરાળા નામોમાં કોઈ ફર્ક આવતો નાથી કારણ કે પ્રભુનું આ નામ જ આત્મા અને પરમાત્મા વચ્ચેને જોડતી કડી બને છે. એ રીતે જોઈએ તો પ્રભુનું નામ સ્મરણ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. શુકદેવજી કહે છે કે પ્રભુનું નામ એ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. પરંતુ જીવોના મુખથી લેવાતા નામને કોઈ સ્વાદ હોતો નથી પણ નામનું એક સ્વરૂપ હોય છે જેને લૌકિક અલૌકિક અંતઃચક્ષુથી ઓળખી શકાય છે. ઉપનિષદમાં કહે છે કે નામસ્મરણ લેવાથી જીવમાં રહેલ સૂક્ષ્મ મન અને આત્મામાં પરમાત્માનું સ્વરૂપ વ્યાપક અને અર્થપૂર્ણ બને છે, જે જીવોના અંત સમય સુધી તેની સાથે રહે છે. તેથી જ સંતો અને શાસ્ત્રો કહે છે કે પાણી જેમ જીવનનું મુખ્ય તત્વ છે તેમ નામસ્મરણ પણ આપણાં આત્માનું તત્વ એ રીતે બની જવું જોઈએ કે જીવનની છેલ્લી ઘડીએ કાંઇ ચાલે કે ન ચાલે પણ પ્રભુનું સ્મરણ સ્વગત જ થવું જોઈએ. ધર્મમાં કહ્યું છે કે પ્રભુનું નામ સ્મરણ લેવા માટે પણ કોઈ ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ. ધર્મની આ વાતથી ચોક્કસ આશ્ચર્ય થાય કે પ્રભુનું નામ તો સ્વતઃસિધ્ધ અને પરિપૂર્ણ છે તો આપણને પ્રભુનું નામસ્મરણ કરવા માટે ગુરુની સહાયતા શા માટે જોઈએ? શ્રી વલ્લભ કહે છે કે જ્યારે જીવ એમ માને કે હું કરું છુ, ત્યારે તે જીવમાં હુંકાર ભાવ આવી જાય છે. તેથી જીવોમાં રહેલ આ હુંકાર રૂપી મદને કાઢવા માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ. આજ કારણસર આપણે કહીએ છીએ કે શ્રી વલ્લભની કૃપા છે તો આપણે આ કાર્ય કરી શકીએ છીએ. કારણ કે ગુરુને કેવળ બે વસ્તુ પ્રિય હોય છે એક તો પ્રભુનું અનુસંધાન અને બીજું પ્રભુનું અખંડ નામસ્મરણ. વળી ગુરુનો એ સ્વભાવ પણ છે કે જે તેમને પ્રિય હોય તેજ વસ્તુનું દાન તેઓ પોતાના સેવકોને કરે છે. શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યારે જીવ અસ્પષ્ટ ભાવથી સતત પ્રભુનું નામ લીધા કરે છે ત્યારે જીવના જીવનમાં ગુરુનું આગમન થાય છે. આ જ ગુરુ જીવોને સમજાવે છે કે તારો અહંકાર, તારો હું પદ, મદ, મોહ, તૃષ્ણા વગેરેને છોડીને પ્રભુના શરણે જા કારણ કે તારા આ લોકનું અને તારા પરલોકનું શુભ પ્રભુ જ કરશે. ગુરુ આપણને પ્રભુનામ આપે છે પણ આપણે પ્રભુનામ શી રીતે લેવું જોઈએ? શ્રી હરિ સ્વયં કહે છે કે હરિચિંતન કરવા માટે એકાંત અને એકાગ્રતા જરૂરી છે. શ્રીહરિનાં પ્રથમ એકાંત શબ્દના અર્થને સમજાવો અહીં જરૂરી છે. એકાંત એટ્લે સમયનું એકાંત નહીં, તનનું એકાંત નહીં બલ્કે મનનું એકાંત હોવું જરૂરી છે. લૌકિક તન ભલે આમતેમ ફર્યા કરે પણ મનનાં એકાંતમાં પ્રભુ સ્મરણ કરવું જોઈએ. તેથી આપણી આસપાસ લૌકિક કાર્યો પણ થતાં હોય તો તેનો કોઈ ફર્ક પડતો નથી. જ્યારે બીજો શબ્દ છે એકાગ્રતા. આપણે હંમેશા ભોક્તા રૂપે રહીએ છીએ તેથી સુખદુઃખનાં વમળમાંથી આપણે નીકળી શકતા નથી, તેથી જ્યારે આપણે પાણીમાં રહેલા મીઠાની માફક પ્રભુ સ્મરણમાં મગ્ન થઈ મનની એકાગ્રતા કેળવીશું ત્યારે જ આપણે આ વમળમાંથી બહાર નીકળી શકીશું. નારદસૂત્રમાં કહે છે કે જ્યાં સુધી જીવોનો શ્વાસઉચ્છવાસ ચાલે છે ત્યાં સુધી જીવોએ પ્રભુસ્મરણ કરવા તત્પર થવું જોઈએ. શુકદેવજીએ પરિક્ષિત રાજાને કહે છે કે હે રાજન પ્રભુનું સ્મરણ કરતી વખતે જ્યારે દેહબુધ્ધિનું વિસ્મરણ થઈ જાય ત્યારે માનવું કે પ્રભુનું નામ લેવામાં જીવને સફળતા મળી છે. હે રાજન આપણે આપણે સદૈવ જોઈએ છીએ જીવ પ્રભુનું નામ કેટલી વાર લીધું તેની ગણતરી કર્યા કરે છે પણ હે રાજન શું આ રીતે ગણતરી કરવી યોગ્ય છે? આપણે ત્યાં પણ વૈષ્ણવો કહે છે કે અમે રોજ નવવાર યમુનાષ્ટકનાં પાઠ કરીએ છીએ પણ બીજી રીતે જોઈએ તો યમુનાજી તો સ્વયં માતા છે અને માતાનું નામ નવથી વધુ વખત લેવાઈ જાય તો એમાં શું ગણવા બેસવાનું? નામસ્મરણ તો વધુ ને વધુ લેવાની ટેવ રાખવી જોઈએ કારણ કે નામસ્મરણનો સતત જાપ કરવાથી પ્રભુના આનંદમય સ્વરૂપના સાનિધ્યનો લાભ મળે છે. અગ્નિપુરાણમાં કહ્યું છે કે જીવે પ્રભુસ્મરણની બાબતમાં હંમેશા અસંતોષી રહેવું જોઈએ. કારણ કે જે દિવસે જીવને થોડો પણ પ્રભુનામ લેવાનો સંતોષ થઈ જશે તે દિવસે જીવનું પ્રભુસ્મરણ કરવાનું ઓછું કરી દેશે અને પ્રભુ પ્રત્યે તેનાં સ્નેહમાં પરીવર્તન આવી જશે, માટે આપણે મનથી અસ્થાયી થઈએ તે પહેલા સ્મરણ સાધનાને આપણાં શ્વાસોશ્વાસમાં વસાવી લઈએ. ઘણીવાર એ પણ પ્રશ્ન થાય છે કે શું પ્રભુસ્મરણનો કોઈ વિકલ્પ હોય શકે કેમ? પ્રભુ શ્રી રામે કેવટને કહેલું કે મારા સ્મરણનો કેવળ એક જ વિકલ્પ છે કે મને મારા સ્વરૂપ સાથે તું તારા હૃદયમાં અને તારી જિહવા પર વસાવી લે. ગોપીજનોએ પણ આજ વાતને સિધ્ધ કરી છે. તેઓએ પણ શ્રી ઠાકુરજીને તેમના સ્વરૂપ સાથે પોતાના હૃદયમાં, અને આત્મામાં એ રીતે વસાવી લીધેલા છે કે શ્રી ઠાકુરજી તેમનાથી દૂર જ ન જઇ શકે. શ્રી ભાગવત્જીમાં કહે છે કે જ્યારે આપણે કોઈને આત્મામાં વસાવીએ છીએ તેનો અર્થ એ કે તે જીવને આપણે ઘણો પ્રેમ કરીએ છીએ, પરંતુ પ્રેમ એટ્લે શું? અને પ્રેમ કોની સાથે શક્ય બને? કવિ જયદેવજી કહે છે કે જ્યારે તું મારી સામે આવે છે ત્યારે મને મારા હોવાનું અસ્તિત્ત્વ રહેતું નથી, મારી નજરોની અંદર કેવળ તુ જ બિંદુ બનીને સમાઈ જાય છે, મારી આસપાસ કેવળ તારા જ હોવાની મને વારંવાર અનુભૂતિ થતી રહે છે તેનું નામ પ્રેમ છે. કવિ જયદેવની જેમ ભ્રમરગીતમાં રહેલી ગોપીઑ કહે છે કે અમારા આરાધ્ય યશોદાનંદન છે, તેથી યશોદાનંદનનું જ સંસ્મરણ અમારા અસ્તિત્ત્વને પૂર્ણ બનાવે છે. લલિત રસમંજરીમાં કહે છે કે નામસ્મરણ લેવાથી પ્રેમ નથી આવતો તેનાથી કેવળ અનુરાગ થાય છે, પરંતુ શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યાં અનુરાગ હોય ત્યાં જ આસક્તિ આવે છે અને સમયનુસાર આ આસક્તિ જ વ્યસનમાં ફેરવાઇ જાય છે. શ્રી હરિરાયજીચરણની વાતને યથાર્થ કરતાં ગોપીઓ કહે છે કે જ્યારે જ્યારે અમે બાલકૃષ્ણનું નામ લઈએ છીએ ત્યારે ત્યારે અમારા હૃદયમાં તેમના માટેની આસક્તિ અને અનુરાગ વધતો જાય છે. આ વધતી જતી આસક્તિને કારણે અમે તેમનું સતત સ્મરણ કરીએ છીએ, અને જે દિવસે અમે તેમનું સ્મરણ ન કરીએ તે દિવસ અમને વ્યર્થ લાગે છે. આગળ  ગોપીઓ કહે છે કે વૃંદાવન ઉપર ઉદયમાન થતા સૂર્યચંદ્ર ક્યારેક અમને દઝાડે છે અને ક્યારેક અમને ઠંડક પહુંચાડે છે ત્યારે અમારી હાલત દયનિય બની જાય છે, અને આ સ્થિતીમાં અમે જો અમારા પ્રભુનું સ્મરણ ન કરીએ તો અમે અમારા હૃદયથી જ પરવશ થઈ જઈએ છીએ. માટે કોઈપણ કાળે, કોઈપણ સમયે, કોઈપણ પરિસ્થિતિમાં શ્રી યશોદાના નંદનનું સ્મરણ કરવું તેજ અમારું કર્તવ્ય છે અને તેમનું નામ લેવાને માટે જ અમારો જન્મ થયો છે. શ્રી વલ્લભ કહે છે કે જ્યારે જીવ પૂર્ણ શરણારગતિ સાથે શ્રી પ્રભુનું સ્મરણ કરે છે ત્યારે જીવ પ્રભુના જ સ્વરૂપ તદ્રુપ થઈ જાય છે, અને જેમ છાશમાં છુપાયેલ માખણ પાણી નાખતાં જ ઉપર આવે છે તેમ જીવોમાં રહેલો પ્રભુ માટેનો પ્રેમ, સ્નેહ અને અનુરાગ ઉપર આવી જાય છે. ગોપીઓની જેમ શ્રી હરિરાયજીચરણ વલ્લભસાખીમાં કહે છે કે પ્રભુની સેવાની પ્રાપ્તિ એ જ જીવોનું ફળ છે, પ્રભુનું સ્મરણ કરવું એજ જીવોનું કર્તવ્ય છે,

પ્રભુ સ્મરણમાં સંસાર-વ્યવહાર, એજ પરમાર્થનો સાચો સાર,
મારું હિતાહિત સર્વે ઈશ્વરને હાથ, એજ આત્માની સમજણ ખાસ.

ગોપીજનો કહે છે કે શ્રીઠાકુરજીનું સ્મરણ કર્યું છે ત્યારે અમને પ્રભુ મળ્યાં છે. ગોપીજનોની વાત સાંભળીને પ્રભુ કહે છે કે જ્યારે જે ગોપીજનો કેવળ મારા થઈ ગયા છે તેમનો થઈને હું શા માટે ન રહું? આપણો આત્મા જાણે છે કે પ્રભુ જ આપણું સર્વેસર્વા છે તેમ છતાં પણ આપણે પ્રભુને ઓળખી શકતાં નથી. જે પ્રભુનું સ્મરણ સતત કરવું જોઈએ તેને બદલે આપણે જ્યારે દુઃખ અને પરેશાની હોય ત્યારે જ પ્રભુનું નામ લઈએ છીએ. ભગવાન વિષ્ણુ નારદમુનિને કહે છે કે “હે નારદ જીવો જાણે છે કે હું જ તેમનું સર્વેસર્વા છુ પણ તેમ છતાં તેઓ મને અને મારા સ્વરૂપને ઓળખી શકતાં નથી કારણ કે જીવોમાં રહેલો હું કાર ભાવ અને દેહબુધ્ધિનો અહંકાર તેમને મારાથી દૂર કરી દે છે. જીવોને માટે મને મળવાનો કેવળ એક જ ઉપાય છે તે છે મારું સ્મરણ. જીવ ચિત્તમા મને મળવાની તાલાવેલી સાથે જો મારું સ્મરણ સ્નેહથી કરશે તેમને માટે હું તેઓનો જ બનીને રહીશ, અને સદૈવ તેના હિતાહિતની ચિંતા હું જ કરીશ જેથી તેને તેના યોગક્ષેમની ચિંતા ન રહે. તેથી જ કહેવાય છે કે એકવાર પ્રભુસ્મરણનો અમૃતપ્યાલો મળી ગયો પછી બીજા અમૃતની કોઈ જરૂર છે ખરી કે?

ભક્તિ નૌકા તારે સર્વને, જે કો શરણે આવે શુચિ પાપી
અન્ય સાધન દારુ – તુંબિકા
, ગ્રહે સભય તારે કો કદાપિ
તરે કદાપિ
, બચે કામાદિ ગ્રાહથી, સામર્થ્ય નહિ અણુ તારવા સાથી
વિબુધ વિચારી જુઓ
, નિજ મન, ભક્તિ ભલી કે સાધન અન્ય….?

ભક્તિરૂપી નૌકામાં બેસેલો ગમે તેવા ગુણવાળો હોય તો પણ પોતાની સાથે બીજા પાંચને તારી શકે છે. જ્યારે તુંબડીવાળો તો કેવળ પોતાને તારે તોયે ઘણું. હે બુધ્ધિમાનો તમે જ વિચારો કે સાધન રૂપી સાધનમાર્ગ કરતાં પ્રેમભક્તિનો ઉત્તમ છે કે નહીં ??

ISBN-13: 978-1500465971
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

“સખી સાંભળ વાતલડી”

સખી સાંભળ વાતલડી

રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને

૧ )આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                             સખી સાંભળ વાતલડી
-આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે
                                             સખી સાંભળ વાતલડી-
-ગોપી બની ને “ગોવર્ધનજી” માટે સામગ્રી સિધ્ધ કરવા મન થાય
                                             સખી સાંભળ વાતલડી
-દહિંથરૂ બની ને “દેવદમનજી” ને પુષ્ટ કરાવવાનું મન થાય રે
                                             સખી સાંભળ વાતલડી
૨) આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                             સખી સાંભળ વાતલડી
 -માખણ બની ને “માખણચોર” ના હોંઠને સ્પર્શવાનું મન થાય રે
                                           સખી સાંભળ વાતલડી
-આજે ગોપ બની ને “ગોપાલ” સાથે મને ગોઠડી કરવાનું મન થાય રે
                                             સખી સાંભળ વાતલડી
-આજે ગાય બનીને “ગોવિંદ” સાથે મને વનમાં જવાનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
૩) આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
-મર્કટ બનીને “મોહન” સાથે મને ખૂબ કૂદવાંનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
-ગિરિરાજ શીલા બની “શ્યામસુંદર” ની ગાદી બનવાનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
-આજે નિકુંજ બની ને “નિકુંજનાયક” માટે ફૂલડા બનવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
૪) આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
-કમળકળી બની “કેશવરાયજી”ના હારમાં ગુંથ્થાવાનું મન થાય
                                              સખી સાંભળ વાતલડી
-વ્રજલત્તા બની “વનમાળીજી” સાથે ઝૂલા ઝૂલવાનું મન થાય રે
                                              સખી સાંભળ વાતલડી
-નવલપોયણી બની “નવલકિશોર” સાથે નૌકાવિહાર કરવા મન થાય
                                               સખી સાંભળ વાતલડી
૫) આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
-આજે મધુસુદન બની “મધુસુદનજી” ના ગુણલા ગાવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
-મોર બનીને “માધવજી” સાથે મને “રાધાજી” ને રીઝવવાનું મન થાય
                                                સખી સાંભળ વાતલડી
-રાધા બનીને “રાધારમણજી” સાથે રાસે રમવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
 ૬) આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
-મુરલી બની ને “મુરલીધર”ના અધરો ઉપર બેસવાનું મન થાય
                                               સખી સાંભળ વાતલડી
-શ્વાસ બની ને “ઘનશ્યામજી”ના ઉશ્વાસમાં સમાવવાનું મન થાય રે
                                               સખી સાંભળ વાતલડી
-આજે ગેંદ બની ને “ગિરિધારીજી” સાથે ગેડીદડે રમવાનું મન થાય રે
                                                 સખી સાંભળ વાતલડી
) આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                                 સખી સાંભળ વાતલડી
-કાજળ બની ને “કૃષ્ણકનૈયા”ની નૈનોમાં ડૂબવાનું મન થાય
                                                 સખી સાંભળ વાતલડી
-આજે વાયુ બની ને “શ્રીવિઠ્ઠલનાથજી”નો પરિશ્રમ દૂર કરવાનું મન થાય
                                                 સખી સાંભળ વાતલડી
-દાસી બની ને “દામોદરજી”ની પાછળ દોડવાનું મન થાય રે
                                                 સખી સાંભળ વાતલડી
) આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે
                                                  સખી સાંભળ વાતલડી

પૂર્વી મોદી મલકાણ યુએસ
purvimalkan@yahoo.com

વૈષ્ણવ પરિવારમાં પ્રકાશિત ૨૦૧૧