Monthly Archives: જૂન 2017

ભગવદ્ પ્રાપ્તિમાં બાધક બનતાં અપરાધ

જેમ વૈદિક અને પૌરાણિક શાસ્ત્રોએ પ્રભુને પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારની ભક્તિ બતાવી છે તેમ પ્રભુનાં સાનિધ્યમાં કે મિલનમાં બાધક બનતાં અપરાધો વિષે પણ બતાવ્યું છે. આ કથનો અનુસાર ભક્તોએ સાવચેતીપૂર્વક આ અપરાધોથી દૂર રહેવું જોઈએ.

ભક્તિ રસમંજરીમાં કહ્યું છે કે ૧) પ્રત્યેક જીવોમાં પ્રભુનું જ સ્વરૂપ છે તે જાણી તેમની સેવા કરવી. ૨) સુકાઈ ગયેલા પુષ્પો પ્રભુને અર્પણ કરવા નહીં, ૩) તનને સ્વચ્છ કર્યા સિવાય પ્રભુ પાસે જવું નહીં, ૪) પ્રભુને અર્પણ કરાયેલ સામગ્રીને પગ તળે કચડવી નહીં, ૫) શ્રધ્ધાહીન વ્યક્તિઓ પાસે પ્રભુનો મહિમા ગાવો નહીં કારણ કે આવી વ્યક્તિઓ પ્રભુ મહિમાને સમજી શકતી નથી જેથી કરીને તે નીંદા તરફ વળી જાય છે, ૬) જે જીવો પ્રભુને પ્રિય એવા ભક્તોની નિંદા કરે છે તેઑ ભગવાનના અપરાધી બને છે. ૭) પ્રભુને ભોજન કરવું ખૂબ ગમે છે તેથી પોતાનાં આરાધ્યની પસંદ –નાપસંદગીનું ધ્યાન રાખી ઋતુ પ્રમાણે થતાં ફળો અને શાકભાજીનો ઉપયોગ પ્રભુની પ્રસન્નતા માટે કરવો.૮) જ્યારે પ્રભુ, ગુરુ અને ભગવદીયનાં માન-અપમાનનો પ્રશ્ન થાય ત્યારે ભક્તોએ કેવળ પોતાનાં ધર્મ અને શુભ કર્મ વિષે વિચારવું, પણ વાણી દ્વારા, વર્તન દ્વારા તેમનું અપમાન ન કરો. ૯) ભક્તે વૃક્ષથી પણ વધુ સહનશીલ અને તણખલાથી પણ વધુ નમ્ર થવું જોઈએ. ૧૦) પોતાનાં ગૃહમાં આવેલ અતિથિમાં પ્રભુનું જ સ્વરૂપ જાણવા છતાં યથાયોગ્ય તેનું સ્વાગત ન કરવાથી પ્રભુ ઉદાસીન થઈ જાય છે.

જ્યારે, વરાહપુરાણ કહે છે કે ૧) દૃષ્ટિથી દૂષિત થયેલા ખાદ્યને પ્રભુ સમક્ષ ભોગ તરીકે મૂકવો નહીં. કારણ કે દૃષ્ટિથી દૂષિત થયેલ ભોગ પ્રભુ આરોગતા નથી. ((આપણે ત્યાં પણ શ્રી ઠાકુરજીનો ભોગ બનાવતી વખતે ગુપ્તતા જાળવવામાં આવે છે અને પ્રભુને ભોગ ધરાવતી વખતે ટેરો નાખવામાં આવે છે)), ૨) બીજા દેવો પણ ભગવદ્ સ્વરૂપ જ હોવાથી તેમનું અપમાન કરવું નહીં, પણ આ ભગવદ્ સ્વરૂપ ભગવાન કૃષ્ણથી ઉપર નથી, માટે આ દેવોને કૃષ્ણની સમકક્ષ ગણવા નહીં. ૩) ભગવાન કૃષ્ણ એ પોતાનાં ગુણ, ભગ અને ઐશ્વર્યથી સમસ્ત દેવી દેવતાઓથી ઉપર છે તેથી ભક્તો માટે અને વૈષ્ણવજનો માટે કેવળ વ્રજનરેશ કૃષ્ણ જ ભગવદ્ સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. ૪) જીવોએ પોતાને પ્રભુનાં સાનિધ્યમાં લઈ જનારા ગુરુઑ પ્રત્યે ઉદાસીન ભાવ ન રાખવો કે તેમનું અપમાન ન કરવું. ૫ ) મૃતદેહ પાસે રહ્યા પછી મંદિરમાં સીધા જવું નહીં, ૬) સૂતકી હોય તો સુતકના સમસ્ત દિવસોમાં નામસ્મરણ લેવું પણ મંદિરમાં, ગુરૂજનોના ચરણસ્પર્શ કરવા જવું નહીં ( વૈદિક શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો માટે સૂતકનાં ૧૨ દિવસ, ક્ષત્રિય અને વૈશ્ય માટે ૧૫ દિવસ અને શુદ્રો માટે ૩૦ દિવસ હોય છે.)  ૭) ઋતુ ધારણ કરેલી સ્ત્રીઓએ મંદિર-હવેલી જેવી પવિત્ર જગ્યામાં જવું નહીં, ૮ ) પ્રભુ પાસે નશાયુક્ત અવૈધિક વસ્તુઓનું સેવન કરવું નહીં, ૯) પ્રભુની પ્રતિમા સામે પાન-બીડા ચાવવા નહીં, ૧૦) પ્રભુ પાસે ધુમાડો કરી જવું નહીં. ૧૧) આસન વિના બેસીને પ્રભુની સેવા કરવી નહીં, ૧૦) પ્રભુચિંતન, સ્મરણ સતત ચાલું રાખવું.

હરિવંશ પુરાણમાં કહે છે કે ૧) ઋતુ પ્રમાણે થતાં ફળોને, ઘરમાં આવતું પ્રથમ અન્ન ધાન્યને ( અખાદ્ય નહીં ) પ્રભુને ધર્યા વગર ઉપયોગમાં લાવવું નહીં. ૨) પ્રભુ અને ગુરુ સમક્ષ પીઠ ફેરવીને, ઘૂંટણ પકડીને, કે પગ પાછળ વાળીને બેસવું નહીં, ૩) ગુરુ પાસે પ્રભુની નિંદા કરવી નહીં અને પ્રભુ પાસે ગુરુની નિંદા કરવી નહીં, ૪) પ્રભુ કે ગુરુ સમક્ષ સ્વપ્રસંશા કરવી નહીં, ૫) શરીરે તેલ મર્દન કરીને પ્રભુ પાસે જવું નહીં, ૬) ભગવાનની સર્વોપરિતાનું પ્રતિપાદન કરતાં કોઈપણ શાસ્ત્રનું અપમાન કરવું નહીં. ૭) પુરુષ હોય કે સ્ત્રી હોય બંને તત્ત્વો પ્રભુના જ અંશ છે માટે તેમણે મસ્તક ઉપર તિલક અને બિંદી લગાવી સૌભાગ્યશાળી બનીને પ્રભુ સમક્ષ જવું. વિષ્ણુપુરાણ કહે છે કે ૧) અવૈષ્ણવ દ્વારા રંધાયેલું અન્ન ખાવું નહીં, ૨) અસમર્પિત થયેલા અન્નનો ત્યાગ કરવો, ૩) ભગવાનને નામે સમ ખાવા નહીં, ૪) કૃષ્ણભક્તિને ઉલ્લેખિત કરતાં વેદ, શાસ્ત્રોની નિંદા કરવી નહીં, ૫) ભગવદ્ નામ લેતા લેતા પાપાચાર કરવો નહીં. ( પ્રભુનું નામ લેતા લેતા પાપ કરવું અને પાપને દૂર કરવા ફરી પ્રભુનામનું શરણ લેવું તે અપરાધ છે. ) ૬) પ્રભુ કે ગુરુ સમક્ષ કોઈ ભિક્ષુકને દાન આપવું જોઈએ નહીં, ૭) ગજા પ્રમાણે જીવે પ્રભુનું પૂજન ચોક્કસ કરવું. ૮) પ્રભુ પાસે જઇ કેવળ એક હાથે પ્રણામ કરવા નહીં, ( જો તે વ્યક્તિ અપંગ હોય તો વાત અલગ છે પણ પૂર્ણાંગવાળા મનુષ્યોએ પોતાના સર્વે અંગ-ઉપાંગોથી વિવેકપૂર્વક પ્રભુને નમન કરવું, ૯) પ્રભુની મૂર્ત-અમૂર્ત પ્રતિમા સામે રડવું નહીં, ચીસો પાડવી નહીં કે જોર જોરથી વાતો કરવી નહીં, ૧૦) પ્રભુ કે ગુરુ સમક્ષ હસ્ત હિંસા કે મુખ હિંસા કરવી નહીં ( એટ્લે કે કઠોર વચનો ઉચ્ચારવા નહીં ), ૧૧) પ્રભુ અને ગુરુ સમક્ષ સૂવું નહીં, કે તેમની સમક્ષ જોડા પહેરીને જવું નહીં.  

ભાગવતપુરાણ કહે છે કે ૧) પ્રભુ સમક્ષ પોતાની પાસે રહેલાં ધનનો દેખાડો કરવો નહીં, ૨) પ્રભુને ચામડાની વસ્તુઓ ધરવી નહીં કે ચામડું પહેરી તેમની પાસે જવું નહીં, ૩) અસ્વચ્છ પાત્રમાં પ્રભુને ધરાવવાની વસ્તુઓ મૂકવી નહીં અને આવા અપાત્રમાં મૂકેલી વસ્તુઓ હોય તો તે પ્રભુને ધરાવવી નહીં, ૪) પ્રભુ સામે વા-છૂટ કરવી નહીં, ૫) પ્રભુની સેવા કરતાં કરતાં મળ-મૂત્ર વિસર્જન કરવા જવું નહીં, અને અનિવાર્ય સંજોગોમાં જવું જ પડે તો ફરી સ્નાન દ્વારા શુધ્ધ થઈ સેવા કરવા પધારવું, ૬) દરરોજ પ્રભુ સમક્ષ જતાં પહેલા મુખ સ્વચ્છ કરવું, ભોજન લીધા બાદ પ્રભુ કે ગુરુ સમક્ષ ઓડકાર લેવો નહીં અથવા જ્યાં સુધી અન્નનું પાચન ન થયું હોય ત્યાં સુધી પ્રભુ કે ગુરુ સમક્ષ જવું નહીં. ૭) દૂષિત થયેલાં કે અતિ ઠંડા જળ વડે પ્રભુને સ્નાન કરાવવું નહીં, ૮) પ્રભુની લીલાભાવનાનું ભૌતિક રીતે કે તેનાંથી નીચી રીતે અર્થઘટન કરવું નહીં. (આ વાક્યને અનુસરીને શુકદેવજી કહે છે કે સાત વર્ષનાં અને નવ વર્ષનાં મદન સ્વરૂપ કનૈયાએ ભલે વ્રજલીલા દરમ્યાન રાસલીલા કરી પણ આ રાસલીલામાં કેવળ અને કેવળ નિર્દોષભાવ હતો, પ્રભુની આ લીલામાં સંસારને ચલાવનાર કામદેવનું સ્વરૂપ ક્યાંય ન હતું. માટે પ્રભુની આ લીલાને કામુક ભાવે ન જોવી), ૯) ગુરુ અને ભગવદ્ ભક્તો સાથે અસદાલાપ કે નિરર્થક ચર્ચાઓ કરવી નહીં, કે તેમની સાથે વાદવિવાદમાં પડવું નહીં, ૧૦) ઘણીવાર ભગવદીયોનાં વિચાર-વાણી સાથે સહેમત ન થવાય તો પોતાની વાત શાંતિથી તેમની સામે મૂકવી અને જો તેઓ ન માને તો આપણાં હૃદય-મન અને દૃષ્ટિને જે સત્ય લાગે તે રીતે કરવું પણ કેવળ દર્શાવવા ખાતર વિવાદ વધારવો નહીં.

બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે ૧) શિવ, ગણપતિ, વિશ્વકર્મા, બ્રહ્મા આદી સમસ્ત દેવોનું સ્વરૂપ ભગવાન કૃષ્ણમાં સમાયેલું છે અને ગંગા, દુર્ગા, પાર્વતી, શચિ આદી દેવીઓનું સ્વરૂપ વ્રજસ્વામિની શ્રી રાધા અને યમુનામાં સમાયેલું છે તેથી ક્યારેક આ દેવ-દેવીઓની પૂજા અર્ચના કરવાનું મન થાય તો વ્રજસ્વામીની સહિત કૃષ્ણનું પૂજન કરવાથી અન્ય દેવદેવીઓને પૂજન કર્યાનું ફળ પણ મળી જાય છે માટે ભક્ત જીવોએ કૃષ્ણને છોડીને આમતેમ ભટકવાની જરૂર નથી. કારણ કે ભગવાન વિષ્ણુ પણ જ્યાં અધૂરા છે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભક્તોને અને ભક્તોની ભાવનાને પણ પૂર્ણ કરે છે. ૨) જીવોમાં રહેલું “ હું “ પણું એ પ્રભુ મિલન માટે બાધક છે માટે પ્રભુ માર્ગે ચાલતી વખતે જીવોએ મન-હૃદયમાંથી અહંકારયુક્ત “હું” નો ત્યાગ કરવો જરૂરી છે ((અહીં સ્વમાનયુક્ત “હું” પદની વાત નથી કરી.)) ૩) જે જીવોને પ્રભુમિલનની આસક્તિ હોય તેવા જીવોએ કર્મ અને ધર્મ માર્ગે ચાલતાં ધુતારા, કપટી, ઢોંગી લોકોનો સંગ છોડી દેવો, શ્રી સુબોધિનિજીમાં કહ્યું છે કે ભાવથી પ્રભુને પુષ્પ, પાણી કે તુલસીપત્ર પણ અર્પિત કરાય તો પણ પ્રભુ સ્વીકારે છે. પરંતુ આનો અર્થ એ ન લેવો કે પ્રભુને ફક્ત પત્ર, પાણી અને પુષ્પથી પૂજી શકાય. જે મનુષ્ય પાસે ઉત્તમ સાધન–સંપતિ છે તો તેઓએ પોતાની એ સાધન સામગ્રીનો ઉપયોગ પ્રભુસેવા કાજે કરવો. ભગવાને  કહેલ આ સૂત્ર સાર્વત્રિક છે તેથી રંકમાં રંક મનુષ્ય અને ધનિક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર તે પ્રમાણે વ્યવહાર કરી શકે છે. ૨ ) સત્સંગ અને સત્જનોનો સંગ લેવા ઇચ્છતા જીવોએ કેવળ લૌકિકને લઈને જીવન જીવતાં લોકોનો ત્યાગ કરવો કારણ કે લૌકિકનો સંગ એ છિદ્ર પડેલી નાવ જેવો હોય છે જે પોતે તો ડૂબે છે, પણ સાથે પોતાની સંગે રહેનારને પણ ડૂબાડે છે. જ્યારે પદ્મપુરાણમાં કહ્યું છે કે જો કોઈ જીવ પોતાના આરાધ્યના નામને છોડીને બીજા આરાધકના દેવનું નામ લે છે તે પ્રભુના નામનો મોટો અપરાધી બને છે આવા જીવોનો ઉધ્ધાર થવાની તક રહેતી નથી.પદ્મ પુરાણની આ જ વાતને અનુસરીને  શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ ભાવપ્રકાશમાં કહ્યું છે કે જીવોને પ્રભુને મેળવવા છે તેવા જીવોએ ભગવદપ્રાપ્તિમાં બાધક બનતાં આ તત્ત્વોથી દૂર રહેવું જોઈએ.

 

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ.
purvimalkan@yahoo.com