Monthly Archives: જાન્યુઆરી 2016

જીવનની પ્રથમ પગદંડી નિષ્ફળતા

नयी नयी उम्मीदों के संग, कभी हम चले थे मंझील की और
कुछ तो थे अच्छे इरादे…और कुछ तो थे सपने अपने,
पर बताओ हमको की हमने क्या पाया और क्या खोया,
सपने तो अपने हुए नहीं, पर अपने भी अपने रहे नहीं।

એક દિવસ બહુ નજીકની સખી સાથે વાતચીત થતી હતી. વાતચીત કરતાં કરતાં તે કહે કે પૂર્વી, માણસને ઘડનાર કોણ છે? સંજોગો, સમય, કે તેના સ્વજનો ? મારી સહેલીએ મને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે થોડીવાર માટે હું મૂંઝવણમાં મુકાઇ ગઈ. તેનો પ્રશ્ન સાંભળી મે કહ્યું કે આ ત્રણેય તો આપણને ઘડે જ છે, પણ મને લાગે છે કે આ ત્રણેયની સાથે સાથે આપણી નિષ્ફળતા પણ આપણને ઘડે છે. આ સાંભળી એ કહે છે કે પૂર્વી આપણી એ નિષ્ફળતા પાછળ પણ આ ત્રણેય “સ” જ જવાબદાર છે. તેની વાત સાંભળી મે કહ્યું કે સમય અને સંજોગ તો સમજી પણ સ્વજનો શી રીતે જવાબદાર હોય? તે કહે કે પૂર્વી સ્વજનોનો ફાળો તો સૌથી વિશેષ રહેલો છે. આમ કહી તેણે કહ્યું કે પૂર્વી દરેક મા ને એનું બાળક સૌથી હોંશિયાર થાય તેવી આશા હોય. આવી આશાઓમાં મા અનાયાસે પોતાની અપેક્ષાઑ પૂર્ણ કરવા માટે અનેક ગણો ભાર પોતાના સંતાનોની ઉપર નાખી દેતી હોય છે. જેને કારણે બાળકો ઉપર પોતાના માં-બાપના સપનાઓને પૂર્ણ કરવાનો ભાર આવી જાય છે. આ ભારને કારણે બાળક પોતાના સ્વપ્નાઑ તો પૂરા કરી શકતું નથી પણ પોતાના મા-બાપ જે રીતે ઈચ્છે છે તે રીતે કામ કરતું થઈ જાય છે, અને આ જ ટ્રેડિશનલ પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. પૂર્વી હું બધા કરતાં હોંશિયાર થાઉં, અને ડોકટર બનુ તેવી મારી મમ્મીની ઈચ્છા હતી. આથી મારી મમ્મી વારંવાર મારી સરખામણી અન્ય હોંશિયાર બાળકો સાથે કરતી અને મને કહેતી જો નીતા કામકાજમાં કેટલી હોંશિયાર છે, જો વસુબેનની રાજુ જો ……એકેય કામ એવું નથી એને ન આવડતું હોય ને પાછી ભણવામાંયે કેવી તૈયાર છે. આમ વારંવાર બીજા ઉદાહરણો દ્વારા એ મારા નાના મનને ભરતી રહેતી. મારી મમ્મીની આ વાતો સાંભળી મને હંમેશા એક પ્રકારનો ગુસ્સોયે મનમાં રહેતો ને સાથે સાથે મનમાં બીક પણ રહેતી કે હમણાં મારાથી કાંઈક થશે તો તરત જ મને કહેશે કે જો આ કેવી રીતે કામ કરે છે તારા કાંઇ કામનો વેતો છે? આમ મારી મમ્મીની વારંવારની ટકોરને કારણે મારામાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ બંધાતી ગઈ. આ લઘુતા ગ્રંથિએ મારી અંદર એક પ્રકારની નિષ્ફળતા ઊભી કરેલી જેમાંથી નીકળતા મને વર્ષો લાગ્યાં. આથી જ હું માનું છુ કે સમય અને સંજોગો કરતાં યે સ્વજનો એ વધુ આપણા વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે અને આપણને સફળ કે નિષ્ફળ બનાવે છે.

આ મારી કે આપની એક સખીની વાત નથી. આપણી આજુબાજુ આવા અનેક પ્રસંગો આપણે રોજબરોજ જોઈએ છીએ. આજે જેમ જેમ કોમ્પિટિશન વધતી જાય છે તેમ તેમ આપણી આશાઑ અને અપેક્ષાઓ વધતી જાય છે. જ્યારે આ આશાઓ અને અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે મનમાં ઉદ્ભવતી મનોવ્યથાઓ આપણા મનોબળને તોડે છે જે આપણને નિષ્ફળતા તરફ દોરી જાય છે. ખાસ કરીને આ બાબત વિદ્યાર્થીઓમાં અને નવયુવાનોમાં વધુ જોવા મળે છે. આજે પરીક્ષાઓ પછી આપઘાત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા જે રીતે વધતી જાય છે તે જોતાં હંમેશા વિચાર આવે છે કે એક તો આપણી શિક્ષણ પ્રથાએ આ વિદ્યાર્થીઑ પર કેટલો બધો ભાર મૂકી દીધો છે, ઉપરથી આપણી અનેક અપેક્ષાઓને કારણે આપણાં બાળકો ક્યારે તૂટી જાય છે તેની જાણ આપણને જ રહેતી નથી. મન પર રહેલા આ ભારને કારણે જે બાળકો શરૂઆતમાં હોંશિયાર હોય તેઓ પણ ધીરે ધીરે પોતાનું ધ્યાન અભ્યાસ પરથી છોડતા જાય છે, જેનું પરિણામ આપણને પરીક્ષા પછી જોવા મળે છે. બાઇબલમાં કહે છે કે પોતાને નકામા કે બીજાથી નાના ગણવાની રીત લોકોમાં બહુ સામાન્ય રીતે રહેલી છે, માટે બહુ મોટા ધ્યેયને એક ઝટકામાં શરૂ ન કરતાં તમારા ધ્યેયની શરૂઆત નાના નાના ધ્યેય થી કરો જે તમને નિષ્ફળતાથી બચાવીને મોટા ધ્યેય તરફ જવાની ગતિ આપશે. (નીતિ વચનો ૧૧:૨, ૧૬:૧૮) એક સમયના પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર માઈકલ જોર્ડને કહેલુ કે જ્યારે હું રમવાની શરૂઆત કરતો ત્યારે મારી અંદર રહેલા એક નિષ્ફળ ખેલાડીની સાથે હું રમવાની શરૂઆત કરતો. પછી જેમ જેમ રમતમાં આગળ વધતો જતો તેમ તેમ મારા એ નિષ્ફળ ખેલાડીને એટલું પ્રોત્સાહન આપતો કે એ ખેલાડી પોતાની નિષ્ફળતાને સફળતામાં ફેરવવા માટે સ્વયંની સાથે લડી પડતો. આ તો થઈ સ્વ સાથેની વાતો પણ શું કોઈના કહેવાથી આપણે શું ક્યારેય નિષ્ફળ થઈ જઈએ છીએ? એવો સમય ઘણીવાર આવતો હોય છે કે આસપાસના લોકો અથવા આપણી વિરુધ્ધ રહેલા લોકો વારંવાર આપણને યાદ કરાવે છે કે તમે તમારા કાર્યમાં સફળ નથી થયા પણ આ વાતનો એ અર્થ ન કાઢવો કે તમે તમારા દરેક કાર્યમાં અસફળ થયા છો. મધર ટેરેસા કહેતા કે માણસને હરાવનાર સમય કે સંજોગ નહીં પણ માણસની મનમાં રહેલી ચિંતા છે જે માણસને પોતાના ઘૂંટણ ટેકવવા માટે મજબૂર કરી દે છે. મધર ટેરેસાની વાત સમજીએ તો લાગે છે કે આપણી સફળતા કે નિષ્ફળતા માટે કોઈ અન્ય નહીં પણ આપણે સ્વયં જ જવાબદાર છીએ. મારા અન્ય એક ખાસ મિત્રએ અમેરિકામાં પોતાનો એક નાનકડો બિઝનેઝ ઊભો કર્યો આ બિઝનેઝ તેમણે ૮ વર્ષ ચલાવ્યો આ આઠ વર્ષ દરમ્યાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો પણ આખરે કોઈક કારણસર તેમને એ બિઝનેઝ બંધ કરવો પડ્યો ત્યારે તેઓ ઘણા જ ઉદાસ થયાં. દિવસોને મહિનાઓ સુધી તેઓ મારી સાથે તેમના બિઝનેઝની વાત કર્યા કરતાં. આખરે એક દિવસ જૂની બધી જ વાતોને મનમાંથી ઉખેડી ફેંકી દીધી અને પછી મારી પાસે આવીને કહે મે મારો પ્રથમ બિઝનેઝ ભલે આઠ વર્ષના ટૂંકા ગાળામાં બંધ કર્યો હોય પણ હવે હું નવી લાઇન સાથે નવો ધંધો કરવા વિચારું છુ. એઓ જ્યારે વાત કરી રહ્યા હતા તે સમયે મારા પાપા એ તેમને પૂછ્યું કે હવે તું તારા આ નવા બિઝનેઝમાં સફળ જ થશે તેની ખાતરી શું? તે સાંભળી ને તેઓ કહે કે અંકલજી આ વખતે તો હું સફળ થવાનો જ છુ કારણ કે મારા જૂના બિઝનેઝમાં થયેલી ભૂલોમાંથી હું ઘણું બધુ શીખ્યો છુ અને એ સમયે પણ મને ઘણું બધુ શીખવાડ્યું છે. મારા મિત્રના એ જવાબે મને પણ જણાવ્યું કે સવાલ કેરિયરનો હોય કે જિંદગીનો…. સફળતા અને નિષ્ફળતા આપણી સાથે જોડાયેલી જ હોય છે બસ આપણે ક્યા પોઈન્ટથી જોઈએ છીએ તેના ઉપર પણ આધાર રાખે છે. આમાં સૌથી મજાની વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડે છે પણ જેમનામાં હિંમત હોય તે નિષ્ફળતાના કડવા સ્વાદને સફળતાના મીઠા સ્વાદમાં ફેરવી નાખે છે પછી તેમને કોઈ એમ નથી પૂછતું કે તમે શું ક્યારેય નિષ્ફળ થયા છો? તેઓ એમ જ પૂછે છે કે તમે ક્યારે સફળ થયા? અને સફળતા મેળવવા માટે તમે શું શું કર્યું? અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ ડો. એરિક ફ્રાન્સિસ કહે છે કે મે જીવનમાં જેટલી સફળતા મેળવી છે તેના કરતાં વિશેષ હું ફેઇલ થયો છુ. એક સમય તો મારે માટે એવો પણ હતો કે લોકો મને ફેઇલિયર તરીકે ઓળખતા હતાં. આ સમયે હું દરેક ક્ષણે વિચારતો કે આ ફેઇલિયરની લાઈફની અંદર રહેલી પ્રત્યેક ક્ષણ એવી છે જે મારે માટે અદ્ભુત છે, કારણ કે આ પ્રત્યેક ક્ષણો મારે માટે એક શિક્ષક સમાન છે જે મારે માટે સોનેરી સમય લાવનાર છે. ડો. એરિકની વાતને અનુલક્ષીને શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો જા કારણ કે જીવનમાં કરેલા બધા જ કર્મો ફળ આપે જ છે, માટે કોઈપણ કાર્યને નિષ્ફળ થયેલું ન માનો. થોડા વર્ષ અગાઉ લેખક શ્રી રજનીકુમાર પંડ્યા સાથે મુલાકાત થયેલી. તેમણે વાતચીત દરમ્યાન કહ્યું કે બેટા પ્રત્યેક વ્યક્તિઑ પોતપોતાના ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક નિષ્ફળ થયા જ હોય છે, અને નિષ્ફળ થવું જ જોઈએ કારણ કે નિષ્ફળતાનો સ્વાદ માણ્યા વગર સફળતાના સ્વાદનું મૂલ્ય સમજાતું નથી, માટે મને કોઈ એમ કહે કે હું ક્યારેય નિષ્ફળ થયો જ નથી ત્યારે હું માની લઉં છુ કે તે વ્યક્તિની દોડ અધૂરી છે. 

સફળતા અને નિષ્ફળતા અંગે આ લેખ લખતા મને અન્ય એક વાત પણ યાદ આવે છે. લાસ્ટ સપ્ટેમ્બરમાં (૨૦૧૪) મારે લાદેનબર્ગ (જર્મની) જવાનું થયેલું. તે વખતે જર્મન વૈજ્ઞાનિક કાર્લ બેન્ઝના ઘર કમ મ્યુઝિયમની મુલાકાત લેવા મળી. આ મ્યુઝિયમના એક ખૂણામાં કાર્લ બેંન્ઝની અમુક વાતોને ટાંકવામાં આવેલી. આ વાતો મને ઘણી જ સ્પર્શી ગઈ. તેમણે પ્રથમ એ કહ્યું કે “તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે સ્વ પરનો વિશ્વાસ અને તમારા કાર્ય ઉપર વિશ્વાસ મૂકી શકે તેવા કોઈ સ્વની જરૂર હોય છે. (પ્રથમ સ્વ એટ્લે આત્મવિશ્વાસ અને બીજા સ્વ એટ્લે તમને સમજી શકે તેવી વ્યક્તિ) જ્યારે આ બંને સ્વ તમારી પાસે આવી જશે ત્યારે તમે ગમે તેવી નિરાશામાંથી બહાર ઝડપથી બહાર આવી જશો.” તેમણે બીજી વાત એ જણાવેલી કે “આપણા લક્ષ્ય સુધી જો પહોંચવું હોય તો પ્રથમ પગલું વિફળતા ઉપર મૂકવું જોઈએ. કારણ કે વિફળ પગલું તમને તમારા નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફ લઈ જશે.” ત્રીજી વાત “તમારા સપનાને હાંસિલ કરવા માટે અને આવનાર તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારા મન, હૃદય અને આત્માને એટ્લે હદ સુધી તૈયાર કરો કે તમારું મન અને હૃદય એ પણ ભૂલી જાય કે તમારી હદ કઈ હતી.” ચોથી વાત એ કે “કશુક પ્રાપ્ત કરવાની તમારી જીદ તમને ચોક્કસ ઉર્જા આપી સફળ કરશે અને અવરોધોને તમારાથી દૂર કાઢશે”, અને પાંચમી વાત એ કે “હંમેશા સહજ રહી, પોતાની બુધ્ધિ પર વિશ્વાસ રાખી કાર્ય કરો, કોઇની યે નકલ ન કરો કારણ કે નકલ એ તમને તમારા વ્યક્તિત્વથી દૂર કરી દે છે.” હા કોઈને, કોઇની વાતને અને કોઈના કાર્યને તમારી પ્રેરણા ચોક્કસ બનાવો, પણ એણે જે કર્યું છે તે તમે ન કરો કારણ કે એણે એના જીવનકાર્યમાં જે ભૂલો કરી છે તે ભૂલ તમે પણ કરશો, આથી તમારા કરેલા પ્રયત્નોનું પરિણામ નક્કર નહીં આવે.  

આ અલગ અલગ મહાનુભાવોની અને મિત્રોની વાતથી મને એક વસ્તુ શીખવા મળી છે કે મનમાં રહેલ નકારની ભાવના દૂર કરવા માટે જીવનમાં એક હકારની કવિતાની જરૂર હોય છે માટે નિષ્ફળતાના ભયથી આપણાં લક્ષ્યને ક્યારેય ન ચૂકવું. સતત ધીરા ધીરા પ્રયત્નો ચાલું જ રાખવા એજ આશા સાથે કે તમારા આ નાના નાના કરેલા પ્રયત્ન ક્યારેક ને ક્યારેક તો તમને સફળતા સુધી લઈ જ જશે. મારી મમ્મી હંમેશા કહે છે કે નિષ્ફળતા એ પારસમણિ સમાન છે જે વ્યક્તિને તે મળે છે તે વ્યક્તિને તે જીવનના ઘણા નાના મોટા પાઠો શીખવતી જાય છે. જ્યારે સ્ટીમર ડૂબે છે ત્યારે સ્ટીમરનો સૌથી પહેલા સાથ છોડનારા ઉંદર હોય છે તેમ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે જ આપણે આપણી આસપાસ રહેલા સંબંધોને સારી રીતે જાણી શકીએ છીએ. માટે નિષ્ફળતાનો અને હતાશા આ સમય કેવળ આપણને લેસન જ નથી આપતો પણ આપણી આસપાસ રહેલ લોકોના મૂળ સ્વભાવનો પણ પરિચય કરાવતો જાય છે.  આથી આપણે કહી શકીએ કે નિષ્ફળતાના સમયમાં આપણે આપણાં કેટલા મિત્રો સાચા, સારા, નિષ્કપટ અને નિઃસ્વાર્થી છે અને કેટલા મિત્રો કેવળ કોઈ લાલચ-લોભને કારણે આપણી પાસ ફરી રહ્યા છે તે જાણી શકીએ છીએ.  

અંતે:-  જ્યાં સુધી આપણે સ્વયં હારતા નથી ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી કારણ કે આપણને હરાવનાર નિષ્ફળતાનું પલડુ ક્યારેય કાયમ માટે ભારી હોતું નથી. તેથી બંધ દિશા પર નજર રાખવા કરતાં જે દિશાઑ ખુલ્લી છે તેના તરફ એક નજર કરીશું તો જીત આપણાંથી અને આપણે જીતથી ક્યારેય દૂર થઈશું નહીં. _ હેલન કેલર

લહેરો સે ડર કર, નૌકા પાર નહિં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી.
નન્‍હી ચીંટી દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દિવારો પર, પર સૌ બાર ફિસલતી હૈ,
મન કા વિશ્વાસ રગો મેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગીરના, ગીરકર ચઢના, ન અખરતા હૈ,
આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી,
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી

( હરિવંશરાય બચ્ચન )

અન્ય કોઈએ મને કહેલ એક વાક્યને અહીં મૂકી રહી છું. 

 It’s never too late to start over. If you weren’t happy with yesterday, try something different today don’t stay stuck do better.

પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

purvimalkan@yahoo.com

સર્જનહારમાં પ્રકાશિત ૨૦૧૪ 

નિર્ણયનો નિર્ણય

सोच सोच के के हमने हमसफर का निर्णय किया था
पर जब हमसफर मिला तो खुद की ही सोच बदल गइ।
( સબા હમીદ નૂરાની ઇસ્લામાબાદ )

નિર્ણય….. કેવળ ૩ અક્ષરોનો બનેલો આ શબ્દ આપણી સાથે જીવનની પ્રત્યેક પળે ચાલે છે. ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું છે કે કશુક કરવું છે, કશુક નથી કરવું. કરવું છે તો શા માટે કરવું છે? અને નથી કરવું તો શા માટે નથી કરવું જે કશું આપણાં મનમાં ચાલતું હોય તે દર્શાવવા માટે આપણે નિર્ણયનો આધાર લઈએ છીએ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુએ વિવેકધૈર્યાશ્રયમાં નિર્ણય શબ્દને નીર અને નય એમ બે ભાગમાં વહેંચેલો છે. “નીર એટ્લે પાણી અને નય એટ્લે વિચાર”. પાણીની જેમ જ્યાંથી દિશા મળે ત્યાંથી વહેતો વિચાર એટ્લે કે નિર્ણય. પરંતુ નિર્ણય કોણે લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ, નિર્ણયો લેવાના કારણો શું છે, નિર્ણય લેવાની મહત્વતા શું છે તે સમજવા જેવુ છે.

નિર્ણયની બાબતમાં સ્ટીવન સ્ટોએરે કોસમોસ સિરીઝમાં એક સુંદર વાત કરી છે. બ્રહ્માંડની કોઈ અદ્ભુત વસ્તુ હોય તો તે આપણું નાનુ શું દેખાતું મગજ છે. આપણાં આ મગજ પાસે અસંખ્ય ખાનાઓ હોય છે. આપણું મગજ પોતાની રોજીંદી લાઈફમાં દિવસભરની પ્રત્યેક નાનીમોટી પ્રક્રિયાને સતત જોતું રહે છે અને મગજને જે સારું લાગે છે તે તમામ નાની મોટી પ્રક્રિયા પોતાના ખાનાઑમાં રૂપી જ્ઞાનતંતુઑમાં ભરતું રહે છે. આખા દિવસની પ્રક્રિયા પછી જ્યારે મગજને મોકો મળે છે ત્યારે તે પોતાના ખાનાઑમાં ભેગી કરેલી અનેક વાતો, દ્રશ્યોનો અને ક્રિયાઑનાં ઢગલામાંથી એક પછી એક તંતુ કાઢે છે, આપણને બતાવે છે અને જે તંતુની જો જરૂર ન લાગે તો તેને ફરી પોતાના ખાનામાં મુકી દે છે. મગજે સંઘરેલા આ તંતુઓ તે વિચારનું રૂપ ધારણ કરે છે જે આખો દિવસ આપણાં મન, મગજ સાથે ફર્યા કરે છે. આ વિચારોમાં મોટાભાગના વિચારો નિરર્થક હોય છે પણ આજ નિરર્થક વિચારોમાંથી આપણે રોજીંદી લાઈફનાં જરૂર પડતાં નિર્ણય લઈએ. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અચેતન મન નિર્ણયો લેવામાં વધુ કાર્યશીલ હોય છે. તેથી જ કદાચ આપણે કહીએ છીએ કે જરા શાંતિથી વિચારવા દે પછી હું તને આગળ કહું કે શું કરવું અને શું ન કરવું. જે વિચારો અને નિર્ણયોનો દોર આખો દિવસ આપણી આસપાસ ફર્યા કરે છે તે નિર્ણયોનાં સમય, સંજોગ અને ઈચ્છા એ ત્રણ આધાર અને સાચા અને ખોટા એ બે પ્રકાર હોય છે. જેમાં સંજોગો પરનો નિર્ણય એ સારો પણ હોય શકે છે અને ખોટો પણ હોય. સમયમાં લીધેલો નિર્ણય એ એ જ ક્ષણોને આધાર આપે છે અને ઈચ્છાનો નિર્ણય તે મુખ્યતઃ ધન, જરૂરિયાત, સંજોગ, અને સમય એ ચારેય પર આધાર રાખે છે.

આ સંજોગ અને સમયના નિર્ણયની વાત કરતાં કરતાં મને મારી સહેલીની યાદ આવે છે, તેથી તેની જ એક વાત અહીં રજૂ કરું છુ.

થોડા દિવસ પહેલા મારી મુલાકાત મારી ચાઇલ્ડહૂડ સખી ભાવના સાથે થઈ. ૨૫ વર્ષ પછી અમે અનાયાસે ન્યૂયોર્કમાં મળ્યા. પહેલા તો આટલા વર્ષોના અંતર પછી તેનું મળવું તે મારે માટે આશ્ચર્ય હતું, પણ તે આશ્ચર્ય સાથે અમને આનંદ પણ ખૂબ થયો હોઇ ઘણીબધી વાતોનો ખજાનો અમારી સામે ખૂલી ગયો. આ વાતોમાંથી જાણવા મળ્યું કે તેણે તેના શ્વસુર પાપાને ઈન્ડિયામાં ઓલ્ડ એઈજ હોમમાં રાખ્યા છે.

ઓલ્ડ એઈજ હોમ? મે પૂછ્યું.

હા ઓલ્ડ એઈજ હોમ કારણ કે પાપાને અહી આવવું નથી. તેની આ વાતથી મને આશ્ચર્ય થયું તેથી વાત આગળ વધારતા તે કહે પૂર્વી અમે તો બોલાવીએ છીએ પણ તેઓ આવવા માટે તૈયાર થતાં નથી. તેઓ કહે છે કે અમે બેંગલોર મૂવ થઈ જઈએ પણ તે અમારે માટે શકય નથી, આથી તેઓ ત્યાં જ રહે છે. મારા મમ્મીનો વર્ષો અગાઉ સ્વર્ગવાસ થઈ ગયો છે ને અમે બેય ભાઈઓ અહીં જ છીએ. હવે એવું થયું કે ૨૦૦૮ સુધી પાપા અહી રહ્યા પછી કેમેય અહીં રહેવા તૈયાર ન થતાં અમારે એમને ન છૂટકે ઈન્ડિયામાં રહેવા માટે મોકલવા પડ્યાં, એજ આશા એ કે તેઓ જ્યાં રહે ત્યાં ખુશ રહે. આ જ વિચાર સાથે તેઓ અમારા બેંગલોરના ઘરમાં એકલા રહેતા હતાં, ને પાપાનું ધ્યાન રાખવા માટે અમારી ૩૦ વર્ષ જૂની બાઈ હતી. હવે એવું થયું કે જે વર્ષો જૂનો વિશ્વાસ અમને અમારી બાઈ પર હતો તે વિશ્વાસ બાઈએ પાપાની ભૂલવાની આદત સાથે તોડી નાખ્યો. તે પોતાના જમાઈ અને દીકરીની સાથે મળીને બેન્કબેલેન્સ ખાલી કરવા લાગી હતી. જ્યારે અમારા ધ્યાનમાં આ વાત આવી કે તરત જ અમે વિચાર્યું કે પાપા એકલા રહેશે તો ભવિષ્યમાં વધુ પ્રોબ્લેમ થશે આમ વિચારી અમે પાપાને ત્યાં જ લાઈફ સ્ટાઈલ ઓલ્ડ એઈજ હોમમાં રાખ્યાં છે. ભાવનાની આ વાત તેની રીતે બરાબર હતી, પણ જો બીજા કોઈને વિચારવાનું હોય તો શું કહેશે કે જુઓ કેવા દીકરા વહુ છે, વૃધ્ધ પિતાને વૃધ્ધાશ્રમમાં મૂક્યા છે. પણ ભાવનાની દૃષ્ટિએ આ વાત વિચારીએ તો લાગે છે કે તે ભાવનાએ અને તેના પતિએ તે સમયને બરાબર પારખ્યો ન હોત તો ભવિષ્યમાં એક ક્રાઇમ ચોક્કસ થયો હોત, જેનું પરિણામ ઘણાબધા પ્રશ્નો ઊભા કરી ગયું હોત. આથી સંજોગ અને સમયને આધારિત તેઓએ જે નિર્ણય કર્યો છે તે બરાબર જ છે અને આ સંજોગોનો તેઓ પાસે કોઈ જ વિકલ્પ જ ન હતો તે તેઓ કોઈ બીજા પ્રકારનો નિર્ણય લે. ભાવનાના પ્રસંગમાંયે એવું બન્યું કે ભાવનાનો નિર્ણય જોઈ તેના સંબંધીઑ એ પણ વિરોધ કર્યો. આ વિરોધ સામે ભાવનાએ નમતું ન જોખ્યું ને પોતાના વિચારો, નિર્ણય અને વિશ્વાસમાં તે દ્રઢ રહી. મને લાગે છે કે ભાવનાનો આ એક દાખલો આપણી આસપાસ રહેલા સમાજની જ એક છબીને પ્રકાશિત કરે છે. આવી તો ઘણીયે ભાવનાઑ આપણી આજુબાજુ હશે જેમની દૃષ્ટિને આપણે સમજવા માટે પ્રયત્ન કરતાં નથી હોતાં. અમેરિકામાં રહીને હું એક વાત મુખ્યતઃ સમજી શકી છુ કે આપણી આસપાસ જે કશું થાય છે તે બધા જ નું હોવું કે ન હોવાનું એક કારણ હોય છે અને તે હોવા અને ન હોવાના કારણરૂપ આપણે જ બનતા હોઈએ છીએ. માટે આપણી વિચારશરણી અને નિર્ણય શક્તિ પર આપણે વિશ્વાસ રાખવો જ જોઈએ. બીજી રીતે જોઈએ તો સાચો હોય કે ખોટો હોય દરેક પ્રકારના નિર્ણય તે વ્યક્તિની દૃષ્ટિ અને સમય પર આધાર રાખે છે. ઉપરોક્ત પ્રસંગમાં બીજી વાત એ છે કે જે નિર્ણય ભાવનાને માટે ખરો હોય તે જરૂરી નથી કે બીજી વ્યક્તિને માટે પણ બરાબર હોય. આથી એમ કહી શકાય છે કે નિર્ણય ક્યા સમયે લેવો અને કઈ વ્યક્તિ લે છે તે વ્યક્તિગત બાબત છે. અમેરિકાના ઈતિહાસમાં પ્રમુખ રૂઝવેલ્ટનું નામ બહુ મોટું છે તેઓ હંમેશા કહેતા કે જો હું ૭૫ ટકા પણ સાચો હોઉં તો યે કસમયે મારા લીધેલા નિર્ણયોનું કોઈ મૂલ્ય રહેતું નથી જ્યારે મારો હરીફ ૫૦ ટકા પણ સાચો હોય તો તે તેનો સમયની જરૂરિયાત પ્રમાણે લીધેલો તે ૫૦ ટકાનો નિર્ણય ૧૦૦ ટકા સાચો નિર્ણય બની રહે છે, માટે નિર્ણય લેવો અને ક્યારે લેવો તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે.

આપણે સમય અને સંજોગને આધારિત નિર્ણયનો એક દાખલો જોયો તે રીતે ઈચ્છાને આધારિત પણ અમુક નિર્ણયો રહેલા છે. આ ઈચ્છા નિર્ણયનો આધાર સમય, જરૂરિયાત અને ધનશક્તિ પર રહેલ છે. દા.ત આપણે માર્કેટમાં ગયાં અને કોઈ સુંદર વસ્તુ જોઈએ તરત જ લેવાનું મન થઈ આવશે પણ પછી વિચારીએ કે શું આ વસ્તુની હાલમાં જરૂર છે? જો જરૂર ન લાગે તો મૂકી દઈએ ને વિચારીએ અત્યારે નહીં પાછળથી લઈશું આમ વિચારી આપણે તે સમયની ઈચ્છાઓ ઉપર પાબંદી લગાવી દઈએ છીએ. ખાસ કરીને આ બાબત મધ્યમવર્ગના લોકો માટે વધુ લાગે છે. જ્યારે અમુક વસ્તુઓ ભલે મોંઘી હોય પણ જરૂરિયાત છે જ તે વખતે આપણે સમય કે ધનને નથી, બસ ખરીદી લઈએ છીએ તે વખતે આપણે જરૂરિયાતને પ્રાધાન્ય આપીએ છીએ. તો કોઈવાર એવું યે થાય છે કે આ ભાવે આ વસ્તુ મળશે નહીં તેમ વિચારી આપણે ખરીદી લઈએ છીએ ત્યારે આપણે સમય, દિવસ અને ધનને આધારિત તે નિર્ણય લઈએ છીએ. આમ ભગવાન કૃષ્ણએ કહેલ વાતની જેમ આપણે પણ જીવનની પ્રત્યેક પળે સાચો કે ખોટો એમ બે પ્રકારે નિર્ણય લઈએ છીએ, જેની જવાબદારી અને તે જવાબદારીના પરિણામ માટે આપણે જ ઉત્તરદાયી હોઈએ છીએ.

નિર્ણયોના આધાર, પ્રકાર અને સમયની મર્યાદા પર આપણે જેમ નજર ફેરવી તેમ એક નજર નિર્ણયની ક્ષમતા ઉપર પણ રાખી લઈએ. આપણી આસપાસ ઘણા લોકો એવા હશે કે જેઓ પોતાના નિર્ણયો ઉપર મક્કમ નહીં રહેતા હોય. હમણાં કશું કહેશે, થોડીવાર પછી કશું બીજું કહેશે, ૩ કલાક પછી કોઈ ત્રીજા જ નિર્ણય પર તે આવશે. આમ જેઓ વારંવાર પોતાની નિર્ણયશક્તિને ફેરવે છે તેવા લોકોમાં આત્મવિશ્વાસની કમી માનવામાં આવી છે. આવા લોકો જે કોઈ કાર્ય હાથમાં લેશે તેને પૂરું કરશે કે નહીં તે નક્કી હોતું નથી. ઉપરોક્ત કહેલ વાકયમાં ટેમ્પલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. એલન બ્રાઉનની વિચારશરણી સમજવા જેવી છે. ડો.બ્રાઉનનું માનવું છે કે નિર્ણય લેવામાં ઈન્ડિયન સ્ટુડન્સ સૌથી વીક હોય છે. અહીં આવતા ઘણા વિદ્યાર્થીઓને જ્યારે સ્ટડી દરમ્યાન તેમને કોઈ પ્રકારનું ડીસીઝન લેવાનું આવે તો તેઓ ઘડિયાળના લોલકની જેમ વારંવાર વિચારતા રહે છે કે આ કરવું કે ન કરવું. જ્યારે કશું જ વિચારી ન શકે ત્યારે તેઓ ઈન્ડિયામાં પોતાના એલ્ડર્સને ફોન કરીને પૂછે છે, એટ્લે કે તેમની નિર્ણયશક્તિનો આધાર વડીલોને બનાવે છે અને જ્યારે વડીલોનો તે વર્કઆઉટ પ્લાન ફેઇલ થાય ત્યારે તેઓ પોતાના એલ્ડર્સને દોષ આપે છે. ડો. એલને કહેલ આ વાત સાથે હું ઘણી જ સહેમત છુ. પરંતુ સ્ટુડન્સોનું આ રીતે માનવું કે બિહેવ કરવું તે તેમના પોતાના કરતાં તેમની આસપાસ રહેલા સમાજને કારણે હોય છે તે વાત ડો. એલનને સમજાવવી અઘરી છે. પણ તેવું શા માટે થાય છે તે વિષે પેનસ્ટેટ યુનિવર્સીટીના પ્રો. પ્રેમ વ્હોરા કહે છે કે આપણે કોઈપણ કાર્ય શરૂ કરીએ તે પહેલા વડીલોના સૂચનને ધ્યાનમાં લેવું જ જોઈએ તેવી આપણાં ભારતીય સમાજની વ્યાખ્યા છે. તેથી આપણાં નાના-મોટા દરેક નિર્ણયોમાં આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ વડીલોની આમાન્યા ભળી જ જાય છે. આ વડીલોની વિચાર શરણી એ સમાજ ઉપર રહેલી છે જેની વચ્ચે તેઓ જીવી રહ્યા છે. તેથી નિર્ણય લેતા પહેલા જ લોકો શું કહેશે ? સમાજ શું વિચારશે? તે સમજીને નિર્ણય લઈએ છીએ, જેથી કરીને આપણી જરૂરિયાત અને પ્રાથમિકતાને ઓછું મહત્વ આપીએ છીએ. જેને કારણે એવું થાય છે કે સરખા નિર્ણયો લઈ શકતા નથી. તેથી બહેતર એ હોય છે ઈન્ડિયન સ્ટુડન્ટસ અમેરિકા ભણવા આવે તે પહેલા વડીલોની અને સમાજની માન્યતાઓમાંથી મુક્ત થઈને આવે, જેથી કરીને તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે. પ્રો.પ્રેમ વ્હોરાની જેમ મારી પણ માન્યતા કશીક એવી જ થઈ ગઈ છે કે જ્યારે બીજા લોકોના વિચારો આપણાં કાર્યમાં ભાગ બનવા લાગે ત્યારે જે નિર્ણયો લેવાય તેમાં સમજણ ઓછી હોય છે. જેનું ધાર્યું પરિણામ આવતું નથી જેથી નિરાશા વધુ જણાય છે. આ નિરાશા તે નિષ્ફળતાયુક્ત પરિણામો તરફ દોરી જાય છે જેને આપણે સરળતાથી સ્વીકારવા માટે તૈયાર થતાં નથી. આજ નિષ્ફળતા મન-મગજ ઉપર પોતાનો ડર ફેલાવી દે છે જેને કારણે બીજીવાર જ્યારે નિર્ણય કરવાનો આવે ત્યારે આત્મવિશ્વાસની કમી હોય વારંવાર વિચારતા રહીએ છીએ કે આ નિર્ણય લેવો કે ન લેવો, શું કરવું, સમજમાં નથી આવતું.

ડો. બ્રાઉન, પ્રો વ્હોરાના ડીસીઝન માટે જે થિંકિંગ છે તેનાથી અલગ જ થિંકિંગ પેન્ટાગોનમાં કામ કરતી અમેરિકન ગુજરાતી યુવતી મિસ ક્રીષ્ના કહે છે કે નિર્ણય લેવો તે પરિસ્થિતી, વાતાવરણ અને વિચાર ઉપર આધાર રાખે છે. ઈન્ડિયામાં રહેલા એલ્ડરો તે સમજતા નથી કે જ્યારે તેમના કીડ્સ ઘર બહાર ન્યૂ એન્વાયરમેન્ટમાં જશે ત્યારે તેઓ કેવી રીતે સર્વાઈવ કરશે. એલ્ડરોની આવી થિંકિંગને કારણે તેમના કિડ્સને વધારે તકલીફ સહન કરવી પડે છે. ઈન્ડિયાની કમ્પેરીઝનમાં અમેરિકન કિડ્સને નાનપણથી જ ડીસીઝનમેકર બનવાની પ્રેક્ટિસ દેવામાં આવે છે તેને કારણે તેઓ સર્ટન એઈજ પછી પોતાના નિર્ણયો પોતાની જાતે જ લે છે, અને તે નિર્ણયોમાં તેઓ પોતાના માં-બાપના સજેશનને સાંભળે છે પણ તેમનું જ સજેશન પોતાના નિર્ણયમાં શામિલ કરશે કે નહીં તે પોતે જ નક્કી કરે છે. બીજી વાત એ છે કે તમે જેવા એન્વાયરમાં રહો છો તે એન્વાયરનો પણ તમારા ડીસીઝનમાં મોટો પાર્ટ હોય છે. સારું એન્વાયર તમને સારા મિત્રો આપે છે. આ મિત્રોથી તમારી લાઈફમાં અને વર્તનમાં પ્રેમ, મેનર્સ અને હોપ આવે છે. જેને કારણે તમારામાં પોઝિટિવ થિંકિંગની સાથે ક્રિએટિવનેસ આવે છે જે તમારી લાઈફને સક્સેસફૂલ બનાવવામાં હેલ્પ કરે છે. ડીસીઝન મેકિંગની ત્રીજી બાબત એ છે કે અમેરિકામાં કિડ્સ બહુ નાની ઉંમરથી માં-બાપથી છૂટા થઈ જાય છે તેથી માં-બાપ ક્યાં રહેતા હોય અને કિડ્સ ક્યાંક રહેતા હોય તેથી અમે પ્રત્યેક નાની નાની વાતમાં અમારા પેરેંટ્સને પરેશાન ન કરતાં અમારા ડીસીઝનો યોગ્ય સમયે લઈ લઈએ તો પેરેંટ્સને પણ શાંતિ રહે છે, ને માનો કદાચ અમારું કોઈ ડીસીઝન ખોટું હોય, ને અમે તકલીફમાં હોય તો અમને ખાતરી છે કે અમારું ફેમિલી હંમેશા અમારો સાથ દેશે. આતો થઈ કેવળ વ્યક્તિગત ક્ષેત્રે નિર્ણયની વાત. પણ કોર્પોરેટ ક્ષેત્રે નિર્ણય લેવો એ ફક્ત તમારા બોલવા ઉપર કે વિચારવા ઉપર આધાર નથી રાખતો, બલ્કે તમારે બીજા શું કહે છે તે વાત શાંતિથી સાંભળી, સમજીને પછી નિર્ણય લેવો તે સૌથી વધુ ફાયદાકારક છે. કારણ કે જેમની સાથે કામ કરીએ છીએ તે ટીમ મેમ્બરોની વાત સાંભળવાથી, સમજવાથી, તેમની સાથે વિચારવિમર્શ કરવાથી ટીમ મેમ્બરોમાં વિશ્વાસ આવે છે. આ વિશ્વાસ તે ગ્લૂનું કાર્ય કરે છે જેને કારણે ટીમમેમ્બરોમાં કામ પ્રત્યે એક પ્રકારનો જુસ્સો, આનંદ ઊભો થાય છે અને ટીમવર્કની સફળતા વધી જાય છે. ટીમમેમ્બરો અંગે ફિલાડેલ્ફિયાના સોફ્ટવેર ઉદ્યોગપતિ કીટ બેન્ટલી કહે છે કે ટીમની સફળતા અને ટીમ મેમ્બરોનો સંતોષ એ તમારા પ્રત્યેક નિર્ણયોમાં હરકદમ તમારી સાથે રહે છે જેના વડે તમે ઉન્નતિના શિખર ચડો છો.

અંતે :- નવા નવા નિર્ણય સાથે નવી નવી ચૂનૌતીઑ સ્વીકારવી એટ્લે નવી ઉંમરમાં, નવી દિશામાં અને નવા અનુભવમાં એક પગલું આગળ વધવું.

પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com