Monthly Archives: મે 2015

નીર તારા કેટલા નામ – Text

આકાશેથી ઝરમર કરતો પડે તો તું “વરસાદ”
આકાશ તરફ વરાળરૂપે ઊડે તો તું “બાષ્પ”
આકાશેથી ઠંડી-ગરમી સાથે જામીને જો તું પડે તો “કરો”
ને આભમાંથી જમીન પર પડીને જામ્યો તો તું “બરફ”
ફૂલ ઉપર બિંદુ બનીને બેસે તો તું “ઝાકળ”
ને ફૂલોમાંથી અર્ક રૂપે વહે તો તું “અત્તર”
ફૂલોમાં છુપાઈને રહે તો તું “રસ”
પર્વતની ગોદમાં ખેલતું રહે તો તું “ઝરણું”
ને મન મૂકી વહેવા લાગે તો તું “નદી”
વિશાળ હૃદયમાં તું સમાઈ જાય તો “દરિયો”
ને યૌવન સાથે ઉછાળા મારતો તું “મહાસાગર”
સીમાઓમાં જો તું રહે તો “જીવન”
ને સીમાઓ તોડીને નીકળે તો “પ્રલય”
આંખમાંથી સુખેદુઃખે તું નીકળે તો “આંસુ”
ને મહેનતી તનમાંથી તું નીકળે તો તું “પરસેવો”
ને અંતે ઈશ્વરના ચરણોને સ્પર્શીને વહેતો તું “ચરણામૃત” છે
ગમે તે સ્વરૂપે રહે તું નીર પણ અંતે તો તું પવિત્ર છે, પાવન છે.

ક્યા સંબંધે….?

પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. વિવિધ પ્રકારના કુઝિનની મન લલચાવતી સુગંધ ચારેકોર રેલાઈ રહી હતી, આજે પહેલીવાર પાર્ટી થઈ રહી હતી. રાજસ્થાની લોકગીતો વાતાવરણને સુમધુર સંગીતમય અને ઘોંઘાટીયું બનાવી રહ્યા હતાં. પ્રિયલના મમ્મી પાપા સુષ્મા અને તપનભાઈ ક્ષિતિજના સગાવહાલાઓને મળી રહ્યા હતાં. ક્ષિતિજની મમ્મી પલ્લવી અને પાપા શશાંકભાઈ પોતાના બધાજ સગાવહાલાઓનો પરિચય વેવાણ સુષ્માબહેન અને તપનભાઈ સાથે કરાવતા કરાવતા આગળ વધી રહ્યા હતાં. ત્યાં દૂરથી કોઈ આવ્યું. તેમને જોતાં જ પલ્લવીબેન લે હું ક્યારની તમારી જ રાહ જોતી હતી, બોલતા ઉમળકા સાથે આગળ વધી ગયા.    

                                                                               +++++++++++++++++++++++++

એ સુષ્માબેન અહીંયા આવોને …… દૂરથી પલ્લવીબહેને હાંક મારી.

એ આવી હો પલ્લવીબેન…… કહેતા સુષ્માએ હાથ ઊંચો કર્યો. ત્યાં જ પલ્લવીબહેન આગળ આવ્યા ને કહે સુષ્માબહેન મારે તમને ખાસ વ્યક્તિ સાથે મેળવવા છે તો આવો ને …….

હા….હા આ આવી…. એક મિનિટ તમારા ભાઈને કહી દઉં…? નહીં તો એ મને શોધતા રહેશે. કહેતા સુષ્માબહેન પતિ તપનભાઈ પાસે ગયા અને પલ્લવીબેન સાથે પોતે છે એમ જણાવી દીધું.

સુષ્માબેન મારે તમને જેની સાથે મેળવવા છે તે મારા પિતરાઇ ભાઈ છે, પણ એમના એ ખાસ મિત્ર છે. ને તમને ખબર છે એય તમારા જ ગામના છે.

એમ …?

કહેતા સુષ્માબહેન આગળ વધ્યાં.

સુષ્માબેન જુઓ આમને મળો આ સુદીપભાઈ ને આ મારા જયશ્રી ભાભી. કહી પલ્લવીબહેને પરિચય કરાવ્યો.

કેમ છો? હું જયશ્રી તમારા વેવાણની ખાસ બહેનપણી ને પાછી સગીયે ખરી.

ને આ મારા પતિ સુદીપ……

સુદીપ …….હં…….? હં……. કહેતા સુષ્મા થોડી આડી ફરી, ને હલો કહેવા માટે હાથ લંબાવ્યો, ને સુદીપ તરફ નજર ફેરવી. પ્રૌઢતાને આરે એ ઉભેલા પુરુષને જોઈ એ સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે ક્યાંક આ એજ તો જૂનો પરિચિત ચહેરો તો નથી ને…..? ને અણસારે ય કાંઈક એવી જ છે પણ ના….ના આટલા વરસ પછી ક્યાંથી હોય ? ને હોય તો ય શું? એવી એણે કઇ પળો ને સાચવી રાખી છે જેને એ પ્રેમથી યાદ કરે……એટ્લે કેમ છો કેમ નહીં ઔપચારિકતા પૂરી કરી ઓળખાણ કાઢી ….વાતચીત કરતાં કરતાં જાણવામાં આવ્યું કે આ એજ ક્ષણોની વ્યક્તિ છે જેને તે ઘણી જ કટુતાથી વર્ષો પહેલા પાછળ છોડી ચૂકી છે. 

તેથી વધુ સમય એજ અતીતના બારણે ગુજારવા કરતાં અહીંથી અજાણ્યા બનીને નીકળી જવું એજ બહેતર રહેશે. એમ માની સુષ્મા કહે પલ્લવીબેન લાગે છે કે તમારા ભાઈ મને બોલાવી રહ્યા છે, તમે વાત કરો હું આવી કહેતા સુષ્માબેન ત્યાંથી નીકળી ગયા.

                                                                                           +++++++++++++++++++

અનેક સગાવહાલાઓ સાથે વાતચીત કરતાં કરતાં સુષ્માનું મન પળભરમાં ૩૦ વર્ષ પાછળ ચાલ્યું ગયું હતું. મનમાં યાદોનો પવન ઘૂમરાટી લેવા લાગ્યો હતો. જ્યાં હતી ત્યાં ઊભા રહેવા માટેનો ય બોજ લાગવા લાગ્યો હતો, તેથી દૂર રહેલી ખુરશીમાં જઇ બેસી ગઇ. અને ફરી એજ અતીતની જૂની ગલિયારીમાં ફરવા નીકળી પડી. જ્યાં હતી એક નવયુવતી સુષ્મા….. નવયુવાન સુદીપને…… કેટલો બધો પ્રેમ કરતી હતી, કદાચ યૌવનમાં આવી પ્રથમ પ્રેમનો અણસાર એ સુદીપ હતો. અનેક વડીલોની તીર જેવી નજરોમાંથી બચીને એક-બીજા તરફ જોઈ લેવું, ધક ધક કરતાં હૃદયથી તે સમયને માણી લેવો, થોડી પળોનો એકાંત મળતા એકબીજા સાથે વાતો કરી લેવી. આજુબાજુમાં જ રહેવા છતાં યે એકબીજાને પત્ર લખવો, ને એક દિવસ બંને સાથે મળીને એક સુંદર બગીચો બનાવીશું એવું દીવા સ્વપ્ન પણ જોઇ લેતા. પણ આજે……એ સમયમાં એકબીજાને પ્રેમ કરતાં હતાં, તોયે આજે માર્ગ જુદા જુદા છે…….જે દિવસથી એકબીજાથી છૂટા પડ્યા તે દિવસ પછી આજે પહેલીવાર મળ્યા છે તોયે મનમાં આનંદ નથી….. આ કેમ મળ્યો એવો બસ સવાલ જ છે.

અરે સુષ્મા તું ઠીક છે ને..? કેમ અહીં બેસી ગઈ? પતિ તપનનો સ્વર સાંભળી સુષ્મા ફરી વર્તમાનમાં આવી ગઈ.

એ તો જરા હું ઊભા ઊભા થાકી ગઈ એટ્લે બેસી ગઈ.

તો હું અહીં રહું? તારી પાસે ? તપનભાઈ બોલ્યાં.

એ ના..ના તમે તમારે મિત્રો સાથે મળો હું થોડીવારમાં આવી 

તું ઠીક તો છો ને? તપનભાઈએ પૂછ્યું.

હા…હા…હું સારી છું તમે ચિંતા ન કરો સુષ્મા બોલી.

સારું કહેતા તપનભાઈ ત્યાંથી ગયા અને મિત્રોના ટોળામાં ભળી ગયા.

આ ખુરશી ખાલી છે તો હું અહીં બેસી શકું કે?

હા….હા  બેસોને …….અવાજ આવતા સુષ્માએ બાજુની ખુરશી થોડી સાઈડમાં કરી અને તે બેસનાર સામે જોયું.

સુદીપને જોતાં ચોંકી ઉઠી પણ એ ચૂપ રહી.

સુષ્મા તને એકલી બેસેલી જોતાં હું હિંમત કરીને આવ્યો, થોડી વાત કરવી છે. સુદીપ બોલ્યો.

હા કહો શું કામ છે.

સુષ્મા તારી માફી માંગવી છે આજે .

શા માટે?

વર્ષો પહેલા જે ભૂલ કરેલી તે ભૂલો માટે.

જુઓ વર્ષો વીતી ગયા છે અને તે સમયે ય પસાર થઈ ગયો છે માટે તે સમયમાં કરેલી ભૂલોની માફી આજે માંગીને તે સમયને પાછો લાવવાની ભૂલો હવે ફરી કરવી નથી, કારણ કે આજે આપણે બંને અલગ અલગ માર્ગના રાહી છીએ. માટે જે સમય વીતી ગયો છે તે ભૂલી જાવ.

સુષ્મા એકવાર મને માફી માંગી લેવા દે જેથી કરીને મારા મનને શાંતિ વળે સુદીપ બોલ્યો.

જુઓ વાતને ખેંચી ખેંચી લાંબી કરવાથી કશું વળતું નથી આપણાં બંનેની આજ જુદી છે માટે વર્તમાનમાં ખુશ રહીએ તે જ યોગ્ય છે. માટે તમે ય …….

તમે…..? સુષ્મા હું તો તારે માટે તું હતો ને?

તું એ ગઇકાલની સુષ્મા માટે હતો આજે તમારો ને મારો સંબંધ જુદો છે તો હું તમને ક્યાં સંબધે તું કારે બોલાવું?

પણ સુષ્મા…….

જુઓ આપણી આજ જુદી છે તેથી તમે તમારી આજ ને જ મહેસૂસ કરો ને તમારા જીવનસાથીના સાથને એન્જોય કરો, ને રહી મારી વાત …તો મારા ગઇકાલમાં રહેલા બ્લેકમેલરનું મારા આજમાં ક્યાંય અસ્તિત્વ નથી……કહેતા કટુતા સાથે સુષ્મા ત્યાંથી ઊભી થઈ અને દીકરી –જમાઈ તરફ ચાલી નીકળી.

બ્લેકમેલર……આટલા વર્ષો પછી યે તે મને માફ નથી કર્યો તેની ખાતરી થઈ ગઈ સુષ્મા, પણ તે મને માફ કરી દીધો હોત તો….

પણ……… હવે એ સમય પાછો નહીં આવે જે સમયમાં તમે લટાર મારવા નીકળા છો.

પાછળથી આવેલા અવાજે અને ખભા મુકાયેલ હાથને કારણે સુદીપ ચોંકીને જોવા લાગ્યો, ને પછી કહે તમે…? તમે કોણ…?

ઓહ હું તપન ……સુષ્માનો મિ……ત્ર…..મે તમારી વાત સાંભળી

એ તો…..અમે એમ જ વાતો કરતાં હતાં…..સુદીપ બોલ્યો.

હા હું જાણું છુ. પણ તમને એક વાત કહું? એ તમને “તું” નહીં કહે. કારણ કે “તું કાર”નો એ પ્રેમભર્યો અધિકાર તમે ખોઈ દીધો છે.

તમે જાણો છો?

હા…..એણે જ મને બધી વાત કરેલી…. વર્ષો પહેલા……તમે સુદીપ…જ ને .!!! ….

હા ….હું સુદીપ….., પણ તમે મને કેવી રીતે ઓળખો?

સુષ્માએ કહેલું તેથી, ને હમણાં તમારા બંને વચ્ચે વાતચીત યે સાંભળીને.

સુષ્મા એ કહ્યું  હં…….લાગે છે કે જરૂર તમે એના કોઈ ખાસ જ હશો જેથી કરીને અમારી વાત પણ તેણે તમારી સાથે કરી છે કેમ ખરું ને…?  

હં……હં….એવું જ માની લો.

તો તમને શું કીધું એણે ?

એ જ કે જ્યારે સુષ્માના મમ્મી પપ્પાએ તમારો સંબંધ એની સાથે જોડાવા ન દીધો ત્યારે તમે એને બ્લેકમેઈલ કરવાનું ચાલું કરેલું એના એજ જૂના પ્રેમ પત્રોને આધારે, એ વખતે એને પોતાના એ કાયર પ્રેમ માટે ખૂબ અફસોસ થયો તો.

પણ એ સમયે હું ગુસ્સામાં હતો. સુદીપ બોલી ઉઠ્યો.

એવો તે કેવો ગુસ્સો કે તમે જેને પ્રેમ કરતાં હતા તેને જ બ્લેકમેઈલ કરવા લાગ્યા? શું અત્યારે તમને તમારી વાઈફ પર ગુસ્સો આવે છે ત્યારે તેને ય તમે બ્લેકમેઈલ કરો છો? તપનભાઈએ પૂછ્યું.

ના, પણ……એની સાથે તો મારો સંબંધ જુદો……..

ઓહો ……એની સાથે જુદો સંબંધ છે એમને? તપનભાઈ બોલી ઉઠ્યા.

હા. સુદીપ બોલ્યો.

જો આજે તમે વાઈફ સાથેના સંબંધને ઓળખી શક્યા છો તો તે વખતે પ્રેમિકા સાથેના સંબંધને અને તેની મજબૂરી કેમ સમજી ન શક્યા? એ સમયે તમે ગુસ્સા પર કાબૂ ને મગજ સંભાળીને રાખ્યું હોત તો આજે તે “તું” કારનું રિલેશન મિત્રભાવે જળવાઈ રહ્યું હોત.

હં…….તમે આટલી બધી વાત જાણો છો ઉપરાંત તમે મને આટલું બધુ કહો છો તો તેનો અર્થ એ થયો કે સુષ્માનો સંબંધ કેવળ મારી સાથે ય નહીં, પણ તમારી સાથે હતો. શું એ સમયે સુષ્માનું તમારી સાથે ય પ્રેમ પ્રકરણ ચાલતું હતું? થોડા કટાક્ષથી સુદીપ બોલી ઉઠ્યો.

ના…….ના….. એ સમયે તો પ્રેમ પ્રકરણ નહોતું ચાલતું, પણ તમારી ને એમની વાત સાંભળ્યા પછી ચાલુ થયું.

એમ…? કેવી રીતે ? ને ક્યા સંબંધે એણે તમને બધી યે વાત કરી દીધી? ઈર્ષાથી સુદીપ તપી ઉઠ્યો.

જુઓ જે સમયે એણે મને વાત કરી હતી તે સમયે તો મારો કોઈ જ સંબંધ ન હતો, પણ આજે એ ક્ષણોને ખાતર બહુ સરસ સંબંધ છે.

એટ્લે ..? તમે શું કહેવા માંગો છો? સુદીપે પૂછ્યું.

એ ક્ષણોને કારણે અમારી મિત્રતા થઈ, ને પછી તો મને એની સાથે પ્રેમ યે થયો એટ્લે એ પ્રેમના પરિણામે એના આજમાં અને આજના સંબંધમાં સુદીપનું નામોનિશાન ક્યાંય નથી ને મે રહેવાય નથી દીધું આજે તો તેના રોમ રોમમાં હું જ કિરણ રૂપે તપુ છુ. તપનભાઈ બોલી ઉઠ્યા.

કેમ? ક્યા સંબંધે ? સુદીપે પૂછ્યું.

એના પ્રેમી પતિ હોવાના સંબંધે…….કહી તપનભાઈ ત્યાંથી ચાલી નીકળ્યા ને સુદીપ તેમને જતાં જોઈ રહ્યો.

 

સત્યઘટનાને આધારે:-

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

Purvimalkan@yahoo.com

 

 

હું’ અને ‘તું’ ……. હૃદયની એક વાત

તું જ લક્ષ્મી, તું જ સરસ્વતી, તું જ દુર્ગા અંબિકાનો અવતાર 

ઘણી ખમ્મા તને લાડલી તુંજ માં જ સમાયો છે મારો પ્રકાશ.

પ્રિય, લાડુમાં..

 

આજે તારી પાસે અને તારી સાથે ઘણી બધી વાત કરવી છે. ઘણા વર્ષો પછી હું જીવનનો હિસાબ લઈને બેઠી છુ. બેટા મારા જીવનની ઘણીયે પળો એવી આવી ત્યારે લાગ્યું કે ઘણું બધુ માઇનસ થયું, પણ જે દિવસથી તારા બાબા સાથે જોડાઈ તે દિવસથી ઘણી સુખદ પળોનો હિસાબ સરવાળામાં ફેરવાતો રહ્યો. પણ તું જાણે છે કે સુખદ પળો, આત્મીય આનંદની અનુભૂતિ અને મન, હૃદયને નિયંત્રિત કરીને સંપૂર્ણ હોવાની ભાવનાનો હિસાબ મેળવવો બહુ અઘરો છે. તેથી હું સ્વયંને નિયંત્રિત ન કરી આજે બસ એ દિવસને ફરી મહેસૂસ કરી લેવા માંગુ છું.

 

બેટા આ વખતે તું ઘરે આવી ત્યારે તારું વર્તન જોઈ મને આશ્ચર્ય થયું. પ્રત્યેક ક્ષણે તું કેવળ મારી સાથે હતી, રસોડામાં વિવિધ વાનગીઓ બનાવતી, કામકાજમાં મદદ કરતી, મારી સાથે અનેક વાતો કરતી, મારા લખાણમાં મે ક્યાં ક્યાં નવા વિષયો લીધા છે તે ઉપર ચર્ચાઓ કરતી, મિત્રો ને કોલેજની અવનવી વાતો કરતી, નન્ના તુ ચિંતા ન કર બસ તારી તબિયતનું ધ્યાન રાખ, બાબા નન્નાને ક્યાંક બહાર લઈ જાવ, નન્ના ટૂરમાં જા નવા નવા માણસોને મળ, કોઈ વાતમાં ડર નહીં રાખવાનો, બી બ્રેવ નન્ના, નન્ના લાવ તારો બ્લોગ ખોલી આપું, નન્ના લાવ તને મદદ કરું, નન્ના તું રેસ્ટ લઈ લે….નન્ના તું મારી લખેલી કવિતાઓ જોને, આ કવિતાઓ મે તારા રાઇટિંગમાંથી પ્રેરણા લઈને લખી છે…..વગેરે તારી વાતો સાંભળીને હું વિચારતી રહી કે આ મારી જ દીકરી છે? જે હંમેશા કોઈને કોઈ કારણસર મારી સાથે રૂઠતી રહેતી, લડતી રહેતી તે આજ દીકરી છે? આજે તને જોઈને લાગે છે કે ખરેખર તારામાં ઘણું બધુ બદલાઈ ગયું છે. આજે તું જવાબદાર થઈ ગઈ છો, જવાબદારી લેતા શીખી ગઈ છો તે જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે. તારામાં આવેલા આ બદલાવને જોઈને મન અનુભવવા લાગ્યું કે મોટા થયા પછી દીકરીઓ ખરેખર સમજદાર બની જાય છે. લાડુમાં તું ઘરે હતી ત્યારે આપણો આખો પરિવાર અહીં હતો. તેઓ પણ તારા આ બદલાવને સાનંદશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા હતા અને હું તેઓની પ્રત્યેક પળે બોલતી નજરોને પૂર્ણ સંતોષથી જોતી રહી. લાડુમાં આજે તમને જોઈ મને ફરી અતીતના એ જ જૂના રસ્તાઓ પર ફરવાનું મન થાય છે જ્યાં તું મને મળી હતી. પણ બેટા હું તને મળી તે પહેલા હું મોટાભાઈને મળી હતી તેથી આજે હું એ તમામ પળનો હિસાબ તને આપવા માગું છુ જે મે મારા બાળકો સાથે વિતાવી હતી. બેટા આપને ખબર છે જ્યારે મોટોભાઈ આવ્યો ત્યારે હું પ્રથમવાર સ્ત્રીમાંથી માતા બની. એક નાનકડા હાથની, સૂરજ શા બાળકની માતા બનવાનો અહેસાસ અલગ જ હતો. મોટાભાઈએ આવીને મારા હૃદયમાં પ્રથમ વાત્સલ્યનો સ્પંદન ઊભો કર્યો. આ મધુર સ્પંદનને કારણે હું અત્યંત રોમાંચિત થઈ ઉઠતી. મોટોભાઈ મારો પ્રથમ શિક્ષક બન્યો જે મને અનેક નવી નવી વાતો શીખવતો હતો. મોટોભાઈ થોડો મોટો થયો પછી મારુ કાર્ય બદલાયું. તે થોડું શીખવાડતો અને થોડું હું તેને શીખવતી. આમ અમે બંને પરસ્પરના શિક્ષકો બન્યાં. મોટોભાઈ પછી તારા દાઉભાઈનું આગમન થયું. મોટાભાઈને કારણે દાઉભાઈને સંભાળવા બહુ જ સરળ બન્યાં. પણ દાઉ વખતે કંપનીને કારણે અમે બોસ્ટન શીફટ થઈ ગયા હતાં. તેથી અહીં ફરીથી નવા વાતાવરણના નવા લેશન શરૂ થયા. એ નવું લેશન એ કે ઠંડીમાં અને સ્નોમાં બાળકનું ધ્યાન શી રીતે રાખવું. અહીં દાઉભાઈને કારણે મને મળ્યા ડો. ડેવિડ બ્રાઉન હંટર. એક એક્સિડંટને કારણે દાઉભાઈ પ્રિમેચ્યોર બેબી બનીને વહેલા આવી ગયા. ઘણા પ્રયત્ન બાદ ડો હંટરને કારણે દાઉભાઈનું જીવન પરત મળ્યું. બેટા તે સમયના દર્દ વિષે શું કહું? આજે પણ ક્યારેક તે સમય યાદ આવી જાય તો હું તેને મન પરથી ઇરેઝ કરવા પ્રયત્ન કરતી રહું છુ. પણ બેટા યાદો એ ફોસિલ્સ જેવી હોય છે તે તે સમયમાં પોતાની છાપ મૂકીને જતી રહે છે તેથી તે છાપ હંમેશા માટે રહી જાય છે અને સમય સરવા છતાં સરતો નથી. પણ આજે દાઉભાઈને જોઉં છુ ત્યારે હું કૃષ્ણનો આભાર માનું છુ. પણ તને હંમેશા લાગ્યું છે કે મને દાઉભાઈ માટે વધુ પ્રેમ છે, પણ એવું ક્યારેય હતું જ નહીં. હું મારા થકી કહીશ કે મારે માટે તારું મારા જીવનમાં હોવું એ આર્શિવાદ હતાં. આજે તારો સમય હું યાદ કરું છુ તો એજ સમય આંખ સામે આવીને ફરી ઊભો રહી જાય છે જ્યાં હું થોડીવાર માટે ઊભી હતી. જ્યાં મારી સામે ઊભા છે ફરી ડો. ડેવિડ બ્રાઉન હંટર. ડો હંટર પાસે બીજીવાર ગઈ ત્યારે તેઓ મને જોઈને ખુશ થયા, તેમણે તારા બાબાને પૂછ્યું કેમ થર્ડ બેબી માટે તમે વિચાર્યું? ઇન્ડિયનો તો નોર્મલી બે જ બાળકો કરે છે. તારા બાબા કહે અમને એક ત્રીજો ચાન્સ લેવો છે કારણ કે અમને એક દીકરી જોઈએ છે. એક દીકરી જે અમારા ઘરમાં એક તિયાની જેમ ઊડતી હોય. ડો. હંટર કહે દીકરી કે દીકરો કોઈપણ હોય પણ મને ખુશી છે કે મારો બિઝનેઝ તમે આગળ વધારવામાં મદદ કરો છો. ત્યારપછી તેઓ મારી પ્રત્યેક વિઝિટ વખતે મને કહેતા ……મિસ માલકન…. આ વખતે પણ મને લાગે છે કે તમારે દીકરો જ છે અને દીકરી લેવા માટે તમારે ફરીથી મારી પાસે આવવું પડશે. કારણ કે મારો બિઝનેઝ બંધ થાય તેવું હું ક્યારેય થવા નહીં દઉં એમ કહી પોતાનું એવું રહસ્યમય હાસ્ય લાવતા જેને હું મૂંઝવણથી જોઈ રહેતી, અને દર મુલાકાત વખતે હું તેમના હોઠો વચ્ચેથી નીકળતા દીકરી અને દીકરો…..એ બે ઉચ્ચાર વખતે હું તને શોધવા પ્રયત્ન કરતી.

 

લાંબા ઇન્તઝાર પછી સ્પ્રિંગની એક મધ્યરાત્રિએ બોસ્ટન હોસ્પિટલમાં તું મને મળી. એ દિવસનો ઠંડી હવાનો ઝોંકો ધીરેથી આવીને મારા કાનમાં કહી ગયો કે એક નાની શી પાલવી મારા આંગણમાં પણ ખીલી ચૂકી છે. એ સમાચાર સાંભળીને નાનું શું એક તુષારબિંદુ મારી આંખના ખૂણામાંથી ચૂપચાપ સરી પડ્યું. ખરેખર એ દિવસનો આનંદનો હતો અને અનન્ય હતો. લાંબી રાહ જોયા બાદ તું અમને મળી ચૂકી હતી, આથી તારા આવ્યા બાદ અમારા જીવનનો એક મહત્વનો અધ્યાય પૂર્ણ થયો હતો.

 

તારા બે ભાઈઑ પછી તારું  અમારા જીવનમાં આવવું એ અમારું સૌભાગ્ય હતું કે જે અમને પ્રભુ તરફથી મળ્યું હતું. તારા આગમન પછી ખરા અર્થમાં અમારો પરિવાર પૂર્ણ થયો હતો, તેથી તારું મહત્વ હંમેશા રહ્યું, ને એમાંયે તું તો બંને પરિવારમાંથી એક જ હતી તેથી તારું મૂલ્ય તો સૌથી વધુ હતું, અને એ આજે પણ બકરાર છે. લાડુમાં તને યાદ છે કે તું હંમેશા મને પૂછતી કે હું ઘરમાં સૌથી નાની કેમ છું અને હંમેશા નાની કેમ રહું છું? હું તને કહેતી કે because you are most important in my life. તું સૌથી ઇમ્પોર્ટન્ટ હતી તેથી તારા આવ્યા બાદ વર્ષો સુધી મારો પરિવારમાં કોઈ નવું સભ્ય આવ્યું નહીં. પણ, જ્યારે તમે ફૂલ ટાઈમ સ્કૂલ જતા થયા પછી હું મારા બચ્ચાઓના એ બાળપણને મિસ કરવા લાગી. તેથી આપના એ નાનપણની યાદ હંમેશા તાજી રાખવા માટે દેવદમનનું આપણાં ઘરમાં આગમન થયું. પણ ગુડીયા આપની જગ્યા દેવદમન ક્યારેય લઈ ન શક્યા. આપ બંને પરિવારમાં એક જ દીકરી હોવાથી આપ ઉપર મારા સિવાય ઘરના અન્ય સદસ્યોનો પ્રેમ પણ અધિક રહ્યો. પરંતુ બેટા કોઈપણ વસ્તુ વધુ અધિક મળે તો તેનું મૂલ્ય રહેતું નથી વળી જે સમયમાં જે શીખવાનું હોય તે શીખી પણ શકાતું નથી તેવી માન્યતા મારી હંમેશા રહી છે. એક શિક્ષક અને એક માની જવાબદારી હંમેશા એકસરખી હોય છે. એમાંયે માની અંદર તો શિક્ષક અને માં બંને સ્વરૂપ રહેલા છે તો હું પાછળ કેમ રહી જાઉં ? હું જે કશું મારી મમ્મી પાસેથી શીખી હતી તે બધી જ વાતોને મે મારા બચ્ચાઓને પણ શીખવી. પણ તારા ભાઈઓને સમજાવવા થોડા સરળ હતા જ્યારે અત્યંત લાડમાં રહેલી એવી તું હંમેશા એ બધી વાતોને શીખવાને બદલે છટકી જતી હતી, તે તારો પ્રોબ્લેમ એ હતો. એમાંયે તને સપોર્ટ આપનારા પણ ઘરમાં ઘણા હતા. તેથી તું મારી વાત સુણીઅનસુણી કરતી હતી. તારી આજ વાત મને અત્યંત ગુસ્સો અપાવતી  હતી, પણ એક સરખો ગુસ્સો હું ક્યારેય કરી શકી નહીં તેના બે કારણો. એક મારુ નરમ હૃદય અને બીજો અમેરિકાનો રૂલ આ બંને વચ્ચે હું બેલેન્સ જાળવી રાખતી પણ સાથે સાથે તારે માટે વરી પણ થતી કે કેમ કરીને હું તને બધી વસ્તુ શીખવું?

 

ક્યારેક મારી પેશન્સ ખલાસ થઈ જતી ત્યારે તને મારા તરફથી પનિશમેન્ટ મળતી. પણ આ પનિશમેન્ટો તારી પાસેથી થઈ મારી ઉપર જ વરસતી. ભાભી… આ લાડોને પનિશમેંટ કેમ આપી? ચાલો હવે તમે કોર્નરમાં ઊભા રહી જાવ દીવાલ તરફ મોઢું કરી, ને ખબરદાર જો આજ પછી મારી દીકરીને કોઈ સજા આપી છે તો ક્યારેક તારા દાદા…..પૂર્વી…વી મારી દીકરીને ગુસ્સો કેમ કરે છે? એકની એક દીકરી છે પણ એનું યે ધ્યાન રાખી નથી શકતી. એ….પૂર્વી..લાડલી માટે તે આ લાવ્યું કે નહીં?, તે આ શોપિંગ કરી કે નહીં? તે આ બનાવ્યું કે નહીં? બેટા આ બધા શબ્દો યાદ આવે છે ત્યારે લાગે છે કે ઉપરોક્ત બધા જ વાકયોમાં હું કે તારા ભાઈઓ ક્યાંય ન હતાં, હતી તો કેવળ તું અને તું જ. જ્યારે મારા તરફથી કોઈએ એમ ન વિચાર્યું કે તને જે ગુસ્સો મળતો હતો તેમાંયે મારો પ્રેમ જ હતો, પણ એ કોઈને દેખાતો ન હતો. દેખાતો હતો તો કેવળ મારો ગુસ્સો. આ બધામાં પરિણામ એ આવ્યું કે નાની છે, નાની છે એમ કહી તને કોઈ કામ ચીંધતા નહીં, બલ્કે તારું કામ પણ તેઓ જ કરતાં હતાં. ઘરમાં હું સર્વેને સમજાવતી રહેતી કે તારે ક્યારેકને ક્યારેક તો જવાબદારી લેવી જ પડશે. તેથી તેને અત્યારથી શીખવાડીયે ……..પણ મારી દલીલ, વિરોધ, ગુસ્સો કશું જ કામ આવતું નહીં અને અનેક કાનો સુધી મારો અવાજ જઇ પાછો ફરતો જેને કારણે તું તારી જ મસ્તીમાં રહેતી. ધીરે ધીરે મે પણ બાંધછોડ કરતાં શીખી લીધું. પણ આ બાંધછોડમાં હંમેશા એક ચિંતા રહી કે શું ભવિષ્યમાં ક્યારેય તું કોઈ જવાબદારી તારા મસ્તકે લઈ શકીશ? શું કોઈ કાર્ય તારી જવાબદારી નીચે પૂરું થશે? શું તું “જવાબદારી” એ શબ્દ નીચે આવેલ લીડરશીપને ક્યારેય સમજી શકીશ? ..

 

બેટા તારું નાનપણ અને તે સમય તો રેતની જેમ મારા હાથમાંથી સર…સર કરતાં સરતો ગયો અને એક અલ્લડ તિયાના સમયમાંથી તું નીકળવા લાગી. હું માનું છું કે મને તારા બેફિકરી સ્વભાવ માટે હંમેશા ચિંતાઓ રહી છે, પણ તેમ છતાંયે હૃદયમાં એક અજાણ્યો વિશ્વાસ પણ હતો કે જે મને વારંવાર કહેતો હતો કે ભલે બહુ લાડકોડથી તું મોટી થયેલી છે પણ સમય સાથે ચાલવાનો વિશ્વાસ અને સાચું શું છે ખોટું શું છે તેની સમજણ તારામાં રહેલી છે, જે સમય અનુસાર ચોક્કસ નજરે આવશે. આજે સમય અલગ છે. સ્કૂલ છોડીને, સિટી છોડીને તું મારાથી દૂર ગઈ. તારો એ કોલેજ નો પ્રથમ દિવસ આજેય મને યાદ છે. એ દિવસે હું વિચારી રહી હતી કે અત્યાર સુધી તો તારે માટે કામ કરનારા ઘણા હતા પણ હવે શું થશે? કદાચ એ તારી ચિંતા એ મારી સહજ ચિંતા હશે તેમ હું માનું છું. કોલેજનું પ્રથમ સેમેસ્ટર તે ફક્ત ઘર અને સિટીની બહારથી જ નહીં બલ્કે દેશની બહારથી પણ કર્યું. આ સમય દરમ્યાન તું જેટલો વખત બહાર રહી ત્યાં સુધી હું થોડી ચિંતિત અને થોડી ફ્રી રહી. ચિંતા એ હતી કે તું ઘર બહાર કેવી રીતે સર્વાઇવ કરશે અને ફ્રી તો તું હતી જ. આમ વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચે હું ઝૂલતી રહી. ૬ મહિના પછી તું જ્યારે ઘરે પરત ફરી ત્યારે તે કેવળ મને એક વાક્યમાં કહ્યું કે નન્ના આઈ ડિડ ઈટ…….આઈ ડિડ ઈટ નન્ના…….બસ તારા આ એક જ વાક્યમાં હું તારી ન કહેવાયેલી ઘણીબધી વાત સમજી ગઈ. આ ૬ મહિના એ હતા જેમણે તને ઘણી રીતે બદલી નાખી હતી. આ ૬ મહિનાએ તને મારાથી દૂર નહીં બલ્કે નજીક લાવી દીધી હતી. આ બધા જ દિવસોએ તને નાનેથી મોટી કરી નાખી. ગુડીયા આપ જાણો છો કે આપને મોટા થતાં કેવળ ૬ મહિના થયા જ્યારે હું આજે પણ મોટી નથી થઈ. આજે તું મોટી થયેલ છે અને હું નાની થયેલ છે. એનું કારણ એ કહી શકું કે આપ સૌને મોટા કરતાં કરતાં આપનું નાનપણ મારી અંદર સમાઈ ગયું તેથી સમય અનુસાર આપ સૌ તો મોટા થઈ ગયા પણ હું નાની જ રહી ગઈ. ગુડીયા તારા બધા જ ભાઈઓની જેમ આજે તું પણ તારી નવી મંઝિલ શોધવા નીકળી પડી છે, અને ઘરમાં રહી ગયા છે હું, બાબા અને ખાલીખમ્મ થયેલી દીવાલો. બેટા આ ખાલી દિવાલોએ પણ તારી ઘણીબધી યાદોને અને તારી બોલીને સંઘરી છે. ઘણીવાર એકલી એકલી દીવાલો સાથે તારી વાતો કરું છુ ત્યારે આશા થાય છે કે આ દીવાલો તારા બધા જ ટહુકાને પાછા આપી દે પણ દિવાલોય હવે મારી વાત સાંભળી સાંભળીને બહેરી થઈ ગઈ છે, તેથી આજે તું હોવા છતાં પણ અહીં નથી. હવે કોઈ નન્ના, નન્ના કહી મારી આગળપાછળ નથી ફરતું, ક્યારેય કોઈ મારાથી કે મારા ગુસ્સાથી દૂર નથી ભાગતું, કોઈ મને કોર્નર સ્ટેન્ડિંગ નથી આપતું, કોઈ મને કહેતું નથી કે લાડોને ગુસ્સો ન કરો. બેટા તું હતી ત્યારે અનેક વાત અને અનેક વસ્તુને શીખવવા માટે હું તારી પાછળ પડી રહેતી હતી પણ આજે સમય અલગ છે તેથી જ મારો વીતેલો સમય વર્તમાન બનીને મારી સામે આવ્યો છે જેમાં હવે તું મને શીખવે છે અને હું શીખું છુ. આજે માતા અને શિક્ષકનું સ્વરૂપ બદલાઈ ગયો છે તેનો આનંદ અનન્ય છે.                    

 “મારી છાયા તું જ માં સમાતી
મોટી થતાં તું હું બની જાતી”

બેટા મને કોઈ પૂછે કે તારે માટે તારી દીકરીનું હોવું એટ્લે શું? તો હું તરત જ કહું મારે માટે મારી દીકરી એટ્લે મારા અસ્તિત્વનું ઝળહળ થતું કિરણ જે મારી આજુબાજુ અનેકગણો પ્રકાશ પાથરે છે, જે મારા સ્મૃતિપટ્ટ પર વસીને પોતાની મધુર બુંદોની મીઠાશથી મારા અંતરમનમાં મહેકાવે છે તે, મારે માટે મારી દીકરી એટ્લે દરિયાનું એ મોજું જે પોતાના વ્હાલની લહેરમાં પણ ભીંજવે અને પોતાની વાછટમાં પણ ભીંજવે.

એમ…ઉછાળા મારતો હતો વ્હાલનો દરિયો આંખોમાં…

પણ આજે બિંદુ બની ટપકી પડ્યો.
                                                                                                                                                                                                                                                            એજ તારી નન્ના

સર્જનહાર ફેબ ૨૦૧૫ માં પ્રકાશિત

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

ગંગા દશહરા.

અનેક સંતોનો સંગ, પવિત્ર પાવન તટ્ટ, ભક્તિની અવિરત રસધારાનો જ્યાં મહાસંગમ થઈ રહ્યો છે તે સ્થળ ગંગાજીનો તટ્ટપ્રદેશ છે. આધિદૈવીકતીર્થ દેવી ગંગા, મોક્ષદાયિની ગંગા, માતા ગંગાએ પૃથ્વી પર અવતરણ ધારણ કર્યો હોવાથી આ દિવસ ગંગાદશહરા તરીકે ઓળખાય છે. પૃથ્વી પર આવેલ આધિદૈવીક ગંગાજી આધિભૌતિક રીતે હિમાલયની ગંગોત્રીમાંથી પ્રગટ થયા, પછી તેઓ હિમાલયની ઘાટીઓમાંથી કલ કલ નિનાદ કરી નીચે ઉતરીને મેદાની પ્રદેશોમાંથી ભારતની ભૂમિ પર વહી ભારતવર્ષની ભૂમિને પાવન કરી છે. ગંગાદશહરાનો દિવસ હિન્દુ શાસ્ત્રોમાં મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભાગવત્જીમાં કથા છે કે એક સમયે મહારાજ સગરે યજ્ઞ કર્યો. ત્યારે આ યજ્ઞનો ભાર તેમના પૌત્ર અંશુમાને ઉપાડયો. દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે મહારાજ સગર આ યજ્ઞ પછી પોતાના ઇન્દ્રાસન ઉપર બેસી જશે. આથી ઇન્દ્રએ મહારાજ સગરનો યજ્ઞ પૂર્ણ ન થાય તે હેતુથી યજ્ઞના અશ્વનું અપહરણ કરી લીધો અને પાતાળ લોકમાં જઇ કપિલ મહર્ષિ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં જઇને બાંધી દીધો. અશ્વનું અપહરણ થતાં મહારાજ સગરના સો પુત્ર આ અશ્વ શોધવા માટે નીકળ્યાં. તેઓ આખા ભૂમંડલમાં ફર્યા પણ અશ્વ ન મળ્યો. આખરે તેઓ શોધતા શોધતા પાતાળ લોકમાં કપિલ મુનીના આશ્રમે પહોંચ્યા ત્યાં આ અશ્વને બંધાયેલો અને કપિલ મુનિને ધ્યાનસ્થ બનેલા જોયા. સગરપુત્રોને લાગ્યું કે કપિલમુનિએ જ યજ્ઞના અશ્વને બાંધી દીધો છે આથી તેઓ કપિલ મુનિને ચોર સમજીને તેમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યાં. તપમાં પડતાં વિઘ્ન ને કારણે કપિલ મુનિની તપશ્ચર્યા તૂટી ગઈ આથી તેમણે ક્રોધિત ભર્યા નેત્રથી સગરપુત્રોની સામે જોયું. કપિલમુનિના અગ્નિ ઝરતાં નેત્રોમાંથી નીકળતી જ્વાળાને કારણે સગરપુત્રો ત્યાં જ બળીને ભસ્મ થયાં. જ્યારે સગર રાજાને ખબર પડી ત્યારે તેમણે પોતાના પૌત્ર અંશુમાનને ગાદી સોંપી પોતે પુત્રોની મુક્તિ માટે માતા ગંગાજીને વિનંતી કરવા તપશ્ચર્યા કરવા ગયાં. મહારાજ સગર પછી અંશુમાન ત્યાર પછી તેમના પુત્ર દિલીપ અને ત્યાર પછી મહારાજ ભગીરથે પોતાના પિતૃઓના ઉધ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો. આખરે મહારાજ ભગીરથ માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરવવામાં સફળ થયાં તેથી ગંગાજી “ભાગીરથી”ને નામે પ્રખ્યાત થયાં. પુરાણમાં કહે છે કે ભગીરથરાજાના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ કહ્યું હે રાજન આપ ગંગાનું અવતરણ પૃથ્વી પર ચાહો છો પરંતુ ગંગાનો વેગ અતિ વિશાળ છે તેથી ગંગાજીના વેગને ખાળવા માટે ભગવાન શિવને અનુગ્રહ કરવા વિનંતી કરો. બ્રહ્માજીની વાત સાંભળીને રાજા ભાગીરથે ભગવાન શિવની અનુકૃપા પ્રાપ્ત કરી. જ્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને ધારાઓ રૂપે વહાવ્યા ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લઈ પોતે “ગંગાધરણ” બન્યાં. ગંગાજીને ભગવાન શિવની જટામાં સમાયેલા જોઈ રાજા ભગીરથે ફરી ભગવાન શિવની તપશ્ચર્યા કરી અને દેવી ગંગાને મુક્ત કરવા વિનંતી કરી. મહારાજ ભગીરથની વિનંતીથી પ્રસન્ન થયેલા ભગવાન શિવે કહ્યું ગંગાજીને હું મુક્ત કર્યા. શાસ્ત્રો કહે છે કે ભગવાન શિવજીની જટામાંથી પડતાં ગંગાજી એ જ્ઞાનપ્રવાહનું સ્વરૂપ છે. ગંગાજી વિષે બીજી માન્યતા એ રહેલી છે કે જ્યારે ભગવાન શિવે કહ્યું કે ગંગાજીનો પ્રવાહ હજુ પણ પ્રબળ છે માટે આપ ભગવાન વિષ્ણુને અનુગ્રહ કરવા વિનંતી કરો. રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની તપશ્ચર્યા કરી ભગવાન વિષ્ણુએ ભગીરથ રાજાની વિનંતી સ્વીકારી ગંગાજીના પ્રબળ પ્રવાહને શાંત કરવા વચન આપ્યું. જ્યારે ભગવાન શિવે ગંગાજીને જટામાંથી મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પોતાની જંઘામાં સમાવી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે ગંગાજીને મુક્ત કર્યા હોય ગંગાજીનું નામ “જાહ્નવી” પડ્યું. અમુક વિદ્વાનોનું માનવું છે કે ગંગા જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરી ત્યારે જાહુ નામના ઋષિનો આશ્રમ નષ્ટ થઈ ગયો જેને કારણે ઋષિ ખૂબ ક્રોધે ભરાઇ ગંગાજીના જળને પોતાના ઉદરમાં સમાવી લીધાં. ગંગાજીને આ રીતે જાહુ મુનિના ઉદરમાં સમાયેલ જોઇ રાજા ભગીરથે જાહુ મુનિને સંસારની શુભતા માટે પ્રાથના કરી. ભગીરથની પ્રાર્થનાથી મહર્ષિ જાહુ ઋષિએ કાનમાંથી ગંગાનો પ્રવાહ વહેતો કર્યો. આમ ગંગાજી જાહુની જાહ્નવી નામે પણ ઓળખાય છે. ગંગાજીએ પૃથ્વી પર અવતરિત થયા પછી મહારાજ ભગીરથની પાછળ પાછળ કપિલમુનિના આશ્રમે આવીને ભગીરથ રાજાના પિતૃઓનો ઉધ્ધાર કર્યો. આ રીતે અનેક વર્ષો સુધીના કર્મયોગ પછી ભગીરથ રાજાએ જેમ ભાગીરથીને સંસારને માટે મેળવી છે તેમ ભાગીરથી પણ સંસારને અવિરત કર્મનો ઉદ્દેશ આપીને સમુદ્રમાં નામશેષ બનીને મળી જાય છે. ગંગાજીનું આ રીતે સાગરમાં મળી જવું તે એ સમર્પણનું પ્રતિક માનવામાં આવ્યું છે. નદીઓની આ જ સમર્પણની ભાવનાને જોઈને સંસારે માનવજીવનને કહ્યું કે હું, તારું, મારું વગેરેને મટાડીને આપણું જ્યારે બનશે ત્યારે સંસારના સમાજમાં ઐક્યતા આવશે. શિવપુરાણમાં કહ્યું છે કે જે જીવ ગંગાના નીરમાં ભાવનાપૂર્વક સ્નાન-પાન કરે છે તે જીવના સમસ્ત પાપોનો નાશ થાય છે, અને તે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ લેતો નથી. જે જીવો ફરી માતૃગર્ભમાં જન્મ ધારણ નથી કરતાં તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે. આથી જ જયાંથી ગંગાજી વહેતા તેવા તીર્થોને પાવન ગણવામાં આવે છે અને ગંગાજીને કિનારે જ્યાં શિવનું મંદિર હોય તેવા તીર્થોને મોક્ષસ્થાન માનવામાં આવ્યા છે. આવા મોક્ષસ્થળોમાં સૌથી વધુ કાશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વધુ થયેલો જોવા મળે છે. આથી પુરાતનકાળમાં કાશીનું મરણ અતિ પ્રખ્યાત હતું. આપણે ત્યાં પણ મૃત થયેલ દેહમાં કે મૃત્યુની સમીપ પહોંચેલા જીવોના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે છે જેથી તે જીવનો મોક્ષ થાય અને તે જીવ જન્મમરણના ફેરાઓમાંથી મુક્ત થઈ જાય.

 

સ્કંદપુરાણમાં કહ્યું છે કે ગંગાદશહરાનો આ દિવસ સવંત્સરમુખી કહેવાય છે. પુરાણો અનુસાર ગંગાદશહરાને દિવસે ગંગાસ્નાન અને દાન-પુણ્યનો મોટો મહિમા રહેલો છે, આ દિવસે શિવ મંદિરોમાં અભિષેક અને ગંગાજીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનના પાપો અને ચાર વાણીના એમ દશ પાપો હરાતા (દૂર) થતા હોવાથી આ દિવસ દશહરા તરીકે ઓળખાય છે. હરિદ્વારના વિદ્વાનો કહે છે કે તીર્થ ગંગા, માતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી માનવોના મન, બુધ્ધિ અને તન એમ ત્રણેયની શુધ્ધિ થાય છે. કારણ કે ગંગા તટે જ્યારે માનવ આવે છે ત્યારે ગંગાજીના જળમાં સ્નાન કરવાથી તન શુધ્ધ થાય છે, અહી તેમને અનેક સંતોનો સંગ મળે છે જેને કારણે તેમને નિરંતર સ્વાધ્યાય મળે છે. આ સ્વાધ્યાય તે બુધ્ધિની શુધ્ધિ માટે અનિવાર્ય છે, સંતોના સંગે રહેવાથી અને રોજ નિરંતર સ્વાધ્યાય કરવાથી માનવોનું મન જેમ શુધ્ધ થતું જાય છે તેમ માનવોમાં ભક્તિ આવતી જાય છે, કારણ કે ભક્તિ એ મનની શુધ્ધતાનું પ્રતિક છે. ગંગાજીનો મહિમા સ્કંદપુરાણ સિવાય શિવપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મપુરાણ, ભવિષ્યપુરાણ, ઉપનિષદ, સંહિતા, વેદોમાં અને નાથ સંપ્રદાયમાં પણ ગાવામાં આવ્યો છે. નાથસંપ્રદાયમાં ભર્તુહરિ કહે છે કે વિવેકી જીવો જો ગંગાના કિનારે નિવાસ કરી, ગંગાજળનું પાન કરે, તેમજ ગંગાજળ-મૂળથી પોતાની વ્યાવૃતિ કરે છે તે જીવોના અંતરમનમાંથી અહંતા મમતા છૂટી જાય છે. સંસ્કૃત વાંડ્મયમાં ગંગાજીની વ્યાખ્યા કરતાં કહે છે કે પવિત્ર અને પાવન એવી ગંગાનું સ્મરણ એ જીવોને ભગવદ્ પદની પ્રાપ્તિ કરાવે છે.

 

આધિ દૈવીક તીર્થરૂપા ગંગાજી ભલે શિવજીની જટાને પોતાનું મુખ્ય સ્થાન બનાવ્યું હોય પણ તેમના આધિભૌતિક સ્વરૂપે તેઓએ હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનું સાથે વિવાહ કર્યા અને તેજમૂર્તિ તત્વજ્ઞ એવા દેવવ્રત નામના પુત્રની ભેંટ સંસારને આપી. તે પુત્ર મહારાજ ભીષ્મને નામે ઈતિહાસમાં પ્રસિધ્ધ થયો. ગંગાજીનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ગંગોત્રી નામના ગ્લેશિયરમાં આવેલ છે. દેવપ્રયાગ નજીક ભાગીરથી અલકનંદા અને મંદાકિની મળે છે. આ બંને નદીઑના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગૌમુખ પહેલાનો પ્રવાહ તે ગુપ્ત ગંગાને નામે ગંગોત્રી ઉપર રહેલો છે પણ આજ પ્રવાહ તે ગૌમુખ નામના સ્થાનથી પ્રગટ રૂપથી દેખાય છે. તેથી ગૌમુખ ઉપર ગંગાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના ૧૯મી સદીની શરૂઆતમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ કરેલી હતી. પરંતુ સમય અનુસાર આ મંદિરને જ્યારે જીર્ણોધ્ધારની જરૂર પડી ત્યારે (વર્તમાન સમયમાં)આ મંદિર જયપુરના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ હતું તેવી માન્યતા રહેલી છે. ગૌમુખ પર રહેલ આ મંદિરમાં માતા ગંગા અને આદ્યગુરુ શંકરાચાર્યની મૂર્તિ રહેલી છે. આ મંદિરની પાસે એક વિશાળ શિલા રહેલી છે. લોકમાન્યતા છે કે આ શિલા ઉપર બેસીને મહારાજ ભગીરથે પોતાની તપશ્ચર્યા કરેલી હતી. જ્યારે બીજી માન્યતા અનુસાર આ સ્થળ ઉપર પાંડવોએ પોતાનો છેલ્લો દેવ યજ્ઞ કર્યો હતો. ગૌમુખ ખાતે રહેલું આ મંદિર અક્ષયતૃતીયાને દિવસે ખૂલે છે અને દિવાળીને દિવસે બંધ થઈ જાય છે. મંદિર બંધ થયા બાદ માતા ગંગાની પ્રતિમાને ગામમાં પરત લાવવામાં આવે છે અહીં આ પ્રતિમા આખો શિયાળો (લગભગ ૬ માસ )રહે છે. શિયાળો પૂરો થતાં પ્રતિમાને ફરી મંદિરમાં લાવી તેની પુનઃસ્થાપના કરાય છે.

 ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૪
સંદેશમાં પ્રકાશિત ૨૦૧૫ 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com