Monthly Archives: ડિસેમ્બર 2015

હું સારી છું કે નહીં એ નક્કી કોણ કરશે?

ટીનનો ડબ્બો ખાલી છે
એને ભરવાનો બાકી છે.

આ વિશ્વમાં સૌથી સારું કોણ છે? કદાચ કોઈ નહીં , કારણ કે દરેક વ્યક્તિ પૂર્ણ રીતે સારો નથી હોતો, પણ દરેક વ્યક્તિમાં જે થોડા થોડા ગુણો હોય છે તે જ ગુણો તેને સારો બનાવવા પ્રયત્ન કરે છે. કુરાનમાં કહ્યુ છે કે સૌથી સારો ઇન્સાન એ છે કે જે પોતાના પરિવાર સાથે સ્નેહપૂર્વક વ્યવહાર કરે છે. બાઇબલમાં કહ્યું છે કે પાપી માણસોને માફ કરી દેવાથી સારા માણસ બની શકાય છે, બહાઈ ધર્મમાં કહ્યું છે કે સૌને આદર આપવાથી સારા માણસ બની શકાય છે. બૌધ્ધિષ્ઠ ધર્મ કહે છે કે પ્રત્યેક જીવને ઈરાદાપૂર્વક પીડા ન આપવાથી સારા મનુષ્ય બની શકાય છે, આમ પ્રત્યેક ધર્મએ સારા મનુષ્ય બનવા માટે કોઈને કોઈ વ્યાખ્યા આપી છે. પણ આ વ્યાખ્યા મારે માટે લાગુ પડે છે કે નહીં તે હું નથી જાણતી. તેથી હું સ્વયંને પૂછી પૂછીને થાકી ગઈ કે શું હું સારી માણસ છું? અને કદાચ સારી હોઉં તો તે નક્કી કોણ કરશે? પણ મને કોઈ ઉત્તર મળ્યો નથી. કારણ કે સારા વ્યક્તિ બનવા માટે ખોટું ન બોલવું, જીવ હત્યા ન કરવી……વગેરે પ્રક્રિયા હોય છે તેમાંથી હું પૂર્ણ રીતે પાસ નથી થઈ. અનિવાર્ય સંજોગો અનુસાર હું ઘણીવાર ખોટું પણ બોલી છું અને ઘણીવાર જીવ-હત્યા પણ મારાથી થઈ ગઈ છે ( આ કેવળ જંતુઑ સુધીની વાત છે ) આ ઉપરાંત અનેકવાર એવું ય બન્યું છે કે મે મારા મમ્મી –પાપાની વાત નથી માની પણ, મારામાં રહેલા દુર્ગુણોને કારણે હું સારી માણસ નથી તેમ હું નથી કહી શકતી. પણ આ વિષયને કારણે વિચાર કરું છું તો ખ્યાલ આવે છે કે હજી હું અધૂરી છું. સારા માણસ બનવા માટે જીવનની કેટલીયે આંટીઘૂંટીમાંથી પસાર થઈ કેળવાવું પડે છે, રસ્તામાં મળતા પ્રત્યેક અનુભવોમાંથી કશુંક શીખવું પડે છે, સફળતા નિષ્ફળતાના પરિણામોથી ઉપર આવું પડે છે અને બધા જ કાર્યને અંતે મને બાંધતા બંધનો છોડવા પડે તે છોડી શકતી નથી તેથી હું ક્યાંક ફસાયેલી, ક્યાંક બંધાયેલી છું અને સૌથી મોટી વાત સ્વમાં ઉલઝાયેલી છું. તેથી આજે એટલું તો કહી જ શકું છું કે હું સારી છું તેમ છતા એટલી સારી નથી. કોઈને માટે હું સારી છું અને કોઈને માટે સારી નથી. જેમને હું સારી લાગુ છું તેમને માટે હું પ્રેમાળ છું અને જેમને માટે હું સારી નથી તેમને માટે અભિમાની છું, રુડ છું. પણ મારી દૃષ્ટિએ જોઉં છું તો સર્વને માટે સારા થવા માટે હું સર્જાયેલી નથી. હું કેવળ મારા માટે જ સર્જાયેલી છું તેથી સૌથી પહેલા અન્ય લોકોને માટે સારા બનતા પૂર્વે મારે મારા સ્વને માટે સારું બનવું જોઈએ અને સ્વને માટે વિચારવું જોઈએ. અમારા મિત્ર પ્રો. જેમ્સ માર્ટની કહે છે કે ગૂડ હ્યુમન બીંગ એ સોસાયટી માટે કામ કરે છે, પણ સોસાયટીને ચલાવવા માટે સૌથી પહેલા ગૂડ પર્સન બનવું જરૂરી છે. તેથી ગૂડ પર્સન બનવા માટે સૌથી પહેલા તમારે તમારી પર્સનાલીટીને મહત્વ આપવું જોઈએ. મી. જેમ્સની જેમ અમે પણ માનીએ છીએ કે સ્વ વિષે વિચારતો વ્યક્તિ એ વિશ્વનો સૌથી પહેલો સારો માણસ છે. લાસ્ટ વીકમાં આ જ વિષયના સંદર્ભમાં મે મારા પિતરાઇઓ સાથે વાત કરી તેઓએ કહ્યું પૂર્વી બીજા માટે થિંક કરવાથી, બીજાનું સારું કરવાથી આપણું આપોઆપ સારું થાય છે. પણ અમેરિકન થિંકિંગ પ્રમાણે હું તેમની વાત સાથે પૂર્ણ રીતે સહેમત થઈ શકતી નથી તેથી મારી દૃષ્ટિએ એવું લાગે છે કે જ્યારે કેવળ બીજાને માટે વિચારીએ છીએ ત્યારે આપણે સ્વયંને પાછળ છોડી દઈએ છીએ જેને કારણે આપણે ખુશ નથી રહેતા. આ અપ્રસન્નતા અસંતોષ અને અસંતોષ સ્વાર્થને જન્મ આપે છે. આ સ્વાર્થ ઘણીવાર સાચું-શું ખોટું શું તે વિચારવાની વિવેકશક્તિ ભુલાવી દે છે. વિવેક શક્તિ ભૂલાતા જ ન કરવાનું કાર્ય આપણે કરી બેસીએ છીએ ત્યારે સ્વની સાથે પરિવાર અને સમાજને પણ તેનું પરિણામ ભોગવવું પડે છે. ઘણા લોકો માને છે કે સ્વ માટે કરવું, વિચારવું એટ્લે કે સ્વાર્થી બનવું. પણ અહીં સ્વાર્થી બનવાની વાત નથી. વાત કેવળ તમારી જાતને સુધારવાની છે. આથી અમેરિકન લોકો કહે છે કે first think for your self, then think for others. આ સ્વનો વિચાર જેમ નેગેટિવ પોઈન્ટ પર લઈ જાય છે તેમ સ્વનો વિચાર પોઝિટિવ પોઈન્ટ ઉપર પણ લઈ જાય છે. સ્વનો ખ્યાલ રાખી કાર્ય કરવાથી મનમાં પ્રસન્નતા આવે છે, આ પ્રસન્નતા આપણી આસપાસના વાતાવરણને પણ ખુશનુમા બનાવે છે. વાતાવરણ ખુશનુમા તો આપણો પરિવાર પણ ખુશ રહે છે. પરિવારની ખુશી તે પરિવાર માટે કાર્ય કરવાની માટે પ્રેરણા અને ઉત્સાહ આપે છે.

અમેરિકન લેખક ડેવિડ રોસ્ટિવો કહે છે કે સ્વ માટે અને અન્ય માટે સારા બનવાની પ્રક્રિયામાં સ્વાર્થ, નિઃસ્વાર્થ, પરમાર્થ અને પુરુષાર્થ એ ચાર તત્ત્વો કામ કરે છે. જ્યારે આ ચારેય તત્ત્વો એક સાથે મળી જાય ત્યારે જે વ્યક્તિ આપણી સામે ઊભો હોય છે તે વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની સરખામણીમાં ૧૦૦ ટકા બહેતર વ્યક્તિ હોય છે. પણ તે વ્યક્તિએ સ્વયં જાણવાનું છે કે ક્યારે સ્વાર્થી બનવું અને ક્યારે નિઃસ્વાર્થી બનવું. ક્યારે પરમાર્થ કરવો અને ક્યારે પુરુષાર્થ કરવો. ડેવિડ રોસ્ટિવોની આ વાતને સમજવા માટે એક ઉદાહરણ જોઈ લઈએ. અમેરિકન વૈજ્ઞાનિક થોમસ એડિસન જ્યારે ઇલેક્ટ્રીક ઉપર રિસર્ચ કરી રહ્યા હતાં ત્યારે તેમણે વિચાર્યું કે આ ઇલેક્ટ્રીક શોધ સાથે ભલે મારૂ નામ રહે પણ હું કાર્ય બીજાને માટે કરીશ, જેથી કરીને મારી આ શોધ ઉપર અને મારી સામે બીજી કોઈ વ્યક્તિ Competitor તરીકે ઊભો ન થાય. તે સમયે એડિસનની લેબમાં કામ કરી રહેલા નિકોલા ટેસલા નામના તેમના જુનિયરે કહ્યું કે તમે શોધ કરો છો તે વર્લ્ડ માટે ચોક્કસ સારું છે, પણ તમે આ કાર્યને માટે બીજો કોઇ હરીફ ન ઊભો થાય તે માટે તમે જે પરમાર્થી વિચાર રાખો છો તે બરાબર નથી. કારણ કે આ શોધ માટે તમારા જીવનના અનેક વર્ષો કાઢ્યા છે ત્યારે તમને આ સફળતા મળી છે, જવાબમાં એડિસન નિકોલાને કહે છે કે તું સ્વાર્થની વાત કરે છે તારે પરમાર્થી બનીને વિચારવું જોઈએ કે આપણે વર્લ્ડમાં સારું નામ કમાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આથી નિકોલા કહે છે કે કેવળ બીજાને શું લાગશે, બીજા શું કહેશે, બીજા શું વિચારશે તે થિંકિંગ ઉપર કાર્ય ન થાય. આ રીતે કરવાથી બીજાને ખબર નહીં પડે કે તમે આ સમય સુધી આવવા માટે કેટલી મહેનત કરી છે. જો લોકોને એ સમયનું, એ મહેનતનુ જ મૂલ્ય નહીં ખબર નહીં હોય તો તેઓ તમારું મૂલ્ય પણ નહીં કરી શકે કેવળ આ શોધ સુધી તમારું નામ આવીને અટકી જશે. પણ એડિસન નિકોલાની એ વાત સાથે સહેમત થઈ શક્યા નહીં. તેથી સ્વને, પોતાના પ્રયત્નને, પોતે કરેલી મહેનતને, પોતાના નામને મહત્વ આપવા માટે નિકોલા ટેસલા એડિસનથી અલગ થયો, અને એડિસનના કાર્યને પ્રેરણા બનાવી પણ એડિસનની થિયેરીથી તદ્દન અલગ થિયેરીની  રચના કરી. જે આજે alterna ting current (AC) electricity supply system તરીકે ઓળખાય છે. (જેનો આપણે આજે પણ ઉપયોગ કરી રહ્યા છીએ.) એડિસનની સરખામણીમાં આજે ભલે આપણે નિકોલા ટેસલાને ભૂલી ગયા હોઈએ પણ તેના સ્વ સાથેના અભિગમે એક હકારાત્મક અભિગમને રજૂ કર્યો છે જેમાં પ્રેરણા છે, હિંમત છે, શિસ્ત છે, પ્રયત્ન છે, નિર્ણય છે, આનંદ છે, જિજ્ઞાસા છે, સ્વાર્થ છે અને સૌથી મોટી વાત આ બધાને મુખ્ય બનાવતો પુરુષાર્થ પણ છે. નિકોલા ટેસલાની વાતમાં જે અંતે રહી ગયો તે પરમાર્થ છે. એવું ન હતું કે નિકોલાએ પરમાર્થ ન કરેલો, પણ તેની એક અલગ સ્ટોરી છે તે આપણે બીજીવાર ક્યારેક લઈશું. પરંતુ આ સમગ્ર પોઈન્ટને જોઈએ તો ટૂંકમાં કહેવાનું એ કે સ્વ માટે કરવાનો અને વિચારવાનો અભિગમ એ આપણને નકારાત્મકતાથી બચાવીને સતેજ કરે છે, સુખ આપે અને આનંદ આપે છે. આ આનંદ એકલો રહેતો નથી તેથી બીજાને પણ પોતાના ઉત્સાહમાં ખેંચતો જાય છે. એક હાસ્ય અનેકના મુખ પર હાસ્ય લાવી શકે છે પણ એક દર્દ બીજાને પોતાના દર્દમાં ખેંચી શકતું નથી. હા દર્દનો અહેસાસ ચોક્કસ કરાવે છે તે પણ એ થોડા સમય માટે હોય છે તેથી થોડીપળો બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ અથવા ભૂલવા પ્રયત્ન કરીએ છીએ. સાથે એ પણ છે કે પોતાની પ્રિય વ્યક્તિઓના તે દર્દની પીડાને લઈ શકતા નથી તેથી તેનું બાહ્યન્તર દર્દને ઓછું કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ છીએ એ જ આશા એ કે તે વ્યક્તિ પોતાનું દર્દ થોડું ભૂલે. આ રીતે કરી આપણે આપણી તે વ્યક્તિની મુશ્કેલભરી પળોને મનોબળ આપીએ છીએ જેની તેને તે સમયમાં ખૂબ જરૂર હોય છે.

આ તો થઈ સ્વ, ગુણો, આનંદ અને પીડાની વચ્ચેની વાત. પણ ઘણીવાર આપણું વર્તન પણ આપણે કેવી વ્યક્તિ છીએ તેનો આભાસ કરવી દેતી હોય  છે. આ બાબત લખતી વખતે એક પ્રસંગ યાદ આવી ગયો. લાસ્ટયર રથયાત્રાનો એક રિપોર્ટ ન્યૂઝપેપર માટે કવર કરવાનો હોય હું તે મંદિરે ગયેલી. સર્વે ભક્તજનો જગન્નાથજીનો રથ આનંદપૂર્વક ખેંચી રહ્યા હતાં. જગન્નાથજીનો રથ ભારતીયો માટે તો નવો નથી પણ અમેરિકન સમાજ માટે નવો છે. તેથી તે સમયે ભીડ અને કારપાર્કિંગની વ્યવસ્થા માટે મંદિરમાં અમેરિકન સીક્યોરિટી સર્વિસના લોકો આવેલા. આ અમેરિકન પ્રજા માટે ભારતીય ઉત્સવો જોવા એ કુતૂહલ હતું તેથી તેઓ પોતાના ફોન કેમેરાથી આ ઉત્સવોના ફોટાઓ લેવા લાગ્યાં. આ સમયે હું તે જ માર્ગ પર હતી તેથી મંદિરના ટ્રસ્ટીગણમાંથી એક વ્યક્તિ આવીને મને કહે પૂર્વીબેન આપણાં ગ્રૂપનો, અને કાર્યકર્તા બહેનોનો ફોટો લઈ લો. મે કહ્યું સારું આપ ઊભા રહી જાવ હું ફોટો લઈ લઇશ. આ સાંભળી તેમણે સર્વેને એકઠા કર્યા અને ગ્રૂપ બનાવ્યું. જ્યાં હું ફોટો લેવા ગઈ ત્યાં જ તે મહાશયની નજર સિક્યોરિટીના માણસ પર ગઈ જે આ નવીન વાતાવરણને પોતાના કેમેરામાં ભરી રહ્યો હતો. તે મહાશય તરત તે વ્યક્તિ તરફ હાથ હલાવી કહેવા લાગ્યાં….એ સિકયોરિટી……. સાઈડ…… સાઈડ…….. તેમની એ ક્રિયા જોઈ મે કહ્યું ભાઈ તમે આ રીતે કેમ બોલો છો જરા વિવેકથી બોલો …..તો કહે અરે સિક્યોરિટી છે તો એની સાથે શું વિવેક… જે….તે મહાશયની આ વાત મને થોડી ખટકી ગઈ કે અરે આ ધરતી જ્યાં મેનર્સ ભરી ભરીને શીખવે છે ત્યાં આવી બોલી ? ખેર કહેવાને માટે તે મોટી આબરૂદાર વ્યક્તિ હજીયે ઈન્ડિયાની વિચારશરણીમાંથી બહાર નથી આવ્યો તેની મને જાણ થઈ ગઈ. આ પ્રસંગ એટલા માટે કહ્યો કે ઘણીવાર આપણું વર્તન પણ સામેવાળી વ્યક્તિને આપણે કેવા છીએ, કેવા વાતાવરણમાંથી આવ્યાં છીએ અને કેવા વિચારો ધરાવીએ છીએ તે વિષે જણાવી દેતું હોય છે. માટે સ્વનો વિકાસ કરવાની સાથે આપણાં વાણી વર્તનમાંયે વિકાસ કરવો જોઈએ જેથી કરીને એક બહેતર વ્યક્તિ બની સ્વ અને સમાજ સામે ઊભા રહી શકીએ.

અંતે:- સ્વનો વિકાસ કરી એક સર્જનાત્મક વ્યક્તિ બની કશુંક નવું સર્જન કરીએ. શું સારું છે, કેટલું સારું છે, તે વિચારથી પરે જઇ સ્વયંને સુધારવા પ્રયત્ન કરીએ. જેથી કરીને સુમંગલ સમાજને સુયોગ્ય બનાવવા માટે માંગલ્યનો દીપ પ્રગટાવી શકીએ. જ્ઞાન, અનુભવ રૂપી આ જીવનની પગદંડી પર ચાલતા ચાલતા કેવળ પોતાને માટે નહીં બલ્કે આસપાસના લોકો માટે પણ શુભકાર્ય કરી શકીએ.

સંવેદનાઓની આ વાત છે નિરાળી સખી,

ન સમજાય તોયે માણસ બની એક નવી શરૂઆત કરવી છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

સર્જનહારમાં પ્રકાશિત