Monthly Archives: એપ્રિલ 2014

અક્ષય તૃતીયા

વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે ત્રેતાયુગમાંૠષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાંપરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો ષષ્ઠંમ અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદાયે ચિરંતન મનાતા રામભક્ત હનુમાનજી, દ્રોણ પુત્ર અશ્વસ્થામા, મહર્ષિ વેદવ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય, માર્કંડેય ઋષિની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે. આ દિવસથી અખાત્રીજથી સમસ્ત માંગલિક કાર્યની શરૂઆત થાય છે.જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ચંદ્રમાં અને નક્ષત્રોની ગતિ મુજબ તિથીઓ બને છે. જેમ જેમ ચંદ્રની કળામાં વધઘટ થાય તે જ રીતે તિથિઓમાં પણ વધઘટ થાય છે. પરંતુ વૈશાખ તૃતીયાનો દિવસ જ એક માત્ર વર્ષભરનો એક એવો દિવસ છે જેમાં કોઈ જ વધઘટ થતી નથી તેથી આ દિવસને અક્ષય તૃતીયાને નામે ઓળખવામાં આવે છે. જ્યારે કવિઓનાં મતે વીતી રહેલ વસંતૠતુ અને વૈશાખમાસની આવતી ગ્રીષ્મસંધ્યાકાળનો સમય તે અક્ષત તૃતીયા તરીકે ઓળખાય છે. અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે વિવિધ શાસ્ત્રોએ ગાયેલો છે. એક માન્યતા અનુસાર આ દિવસથી કલિયુગનો પ્રારંભ થયો હતો. આ દિવસથી ૠતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના શસ્ત્રો, અને પોતાના પશુઓનું પૂજન કરે છે. સાથે સાથે ખેતીવાડી સારા થાય પછી નવા અન્નની પૂજા પણ કરે છે,જેથી કરીને ઉન્નત અને ઉત્કર્ષ ભાવના પ્રકટ થાય છે.

અક્ષય તૃતીયાની વ્રત કથા

શાસ્ત્રોમાં આ દિવસની કથા બતાવતાં કહ્યું છે કે દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ અને સદાચારી વણિક પોતાની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તે સદાયે પરોપકારનાં કાર્યાર્થે જ મગ્ન રહેતો હતો તે કીડીઓ માટે કીડિયારું પૂરતો, પંખીઓ માટે દાણા નાખતો, ભૂખ્યા જનોને તે અન્નદાન આપતો, તરસ્યા લોકો માટે તે પરબો બંધાવતો, અને તે સદાયે સદ્કાર્યોમાં મગ્ન રહેતો પણ તેની પત્નીને પોતાના પતિની દાનવૃતિ જરાપણ ગમતી ન હતી તેથી તે રોજ કંકાસ કરતી પરંતુ ધર્મચંદ હંમેશા હસીને ચૂપ રહેતો અને પોતાના કાર્યમાં તલ્લીન રહેતો અને ચૂપ થઈ પ્રભુસ્મરણ કર્યા કરતો. એક દિવસ ભગવાન પરશુરામ ગુપ્તવેશે ફરતાં ફરતાં જ્યાં ધર્મચંદ રહેતો હતો ત્યાં આવ્યાં અને કહ્યું હે શ્રેષ્ઠનર જો તું ઈચ્છતો હોય કે તારું આપેલ દાન સદાયે અક્ષય રહે અને દાન આપતાં તારા ખાલી થયેલા ધનનાં કોઠારો સદાયે ભર્યાભાદર્યા રહે તો તારે શ્રધ્ધાપૂર્વક અક્ષયતૃતીયાનું વ્રત કરવું જોઈએ. ગુપ્તરૂપમાં રહેલાં ભગવાન પરશુરામની વાત સાંભળીને તે વણિકશ્રેષ્ઠે નિત્યનિયમ અને શ્રધ્ધાપૂર્વક વ્રત કરવાનું ચાલું કર્યું. જ્યારે વ્રત પૂર્ણ થયું ત્યારે તેણે ધામધૂમપૂર્વક વ્રતની ઉજવણી કરી. ધર્મવ્રત દ્વારા સંતુષ્ટ પામેલો તે વણિકશ્રેષ્ઠ પ્રતિવર્ષ વ્રત કરતો અને વ્રત પૂર્ણ થયાં બાદ તેની પૂર્ણાહુતિ પણ કરતો. તે વણિકનાં શ્રધ્ધાપૂર્વક કરાયેલ વ્રતને કારણે તે વણિકનાં ધન અને અનાજના કોઠારો સદાયે ભરેલા રહેતા. તે ધન અને અનાજ વડે તે વણિક ખૂબ દાન કરતો અને પોતાના પૂણ્યોમાં વધારો કરતો. સમયાંતરે એક દિવસ તે વણિક મૃત્યુ પામ્યો. પોતાના સારા કર્મોને કારણે તેણે એક રાજા તરીકે પુનઃજન્મ લીધો અને ફરી પોતાના સદ્કાર્યોમાં મગ્ન થઈ ગયો. તેનાં સદ્કાર્યોથી પ્રસન્ન થઈ બધાં જ દેવી દેવતાઓ તે રાજાના પ્રદેશમાં રહેવા લાગ્યા. દેવી દેવતાઓનાં આગમનથી તે રાજાની પ્રજા પણ પોતાના રાજાની જેમ સદ્કાર્યોમાં મગ્ન રહેતી. આમ રાજા અને પ્રજા બંને જણા પોતાની પાસે રહેલ તમામનું દાન કરી પોતાના સારા કર્મો દ્વારા જનમાનસમાં પ્રખ્યાત અને પ્રચલિત થવા લાગ્યાં અને સમયાંતરે તેઓ ભગવાન બનીને પૂજાવા લાગ્યાં. આ કથા સાર ટૂંકમાં કહેવો હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવ પોતાનાં પાસે રહેલ સર્વસ્વનું દાન કરે છે ત્યારે સમાજમાં સમાનતા આવવા લાગે છે જેને કારણે સમાજનો પ્રત્યેક જીવ સુખી થઈ પ્રગતિ કરતો રહે .

આ દિવસને આખા વર્ષ દરમ્યાન અક્ષતનું રૂપ માનવામાં આવેલ હોવાથી ભારતમાં પોતાનું લગ્નજીવન પણ હંમેશા અખંડ અને અક્ષય રહે તે હેતુસર નવયુગલો તરફથી લગ્ન કરવામાં આવે છે, જેથી તેમનો લગ્નસંસાર સદાયે સુખી રહે. દિવસ વર્ષનો વચ્ચેનો દિવસ માનવામાં આવે છે. હવામાનને જાણનારા અખાત્રીજના પવન ઉપરથી આગામી વર્ષાૠતુના સંકેત મળવે છે. અક્ષય તૃતીયાનું આ વ્રત દાનપ્રધાન વ્રત હોવાથી આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ રહેલું છે. આથી આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, અન્ન,કુંભ અને જળનું દાન અક્ષત અને અક્ષય ફળ આપનાર બની જાય છે.

પૂર્વી મોદી મલકાણ. યુ એસ.એ.
purvimalkan@yahoo.com.
કોપીરાઇટ ISBN-978-1500126087

ફૂલછાબમાં પ્રકાશિત ૨૦૧૪  

 

શિવાજી મહારાજની કર્મભૂમિ:- રાયગઢ ફોર્ટ

શિવાજી મહારાજની કર્મભૂમિ:- રાયગઢ ફોર્ટ

ભારતીય ઇતિહાસનું એક અવર્ણનીય પાત્ર, વીર,વિચક્ષણ, ધાર્મિક અને ઉદાર હૃદયના વિરલ વ્યક્તિત્વ ધરાવતું પાત્ર એટ્લે છત્રપતિ શિવાજી મહારાજ. આપણાં ઈતિહાસની એક ગૌરવપ્રદ વિભૂતિ એટ્લે જીજાબાઈના બાળારાજા. શિવાજી મહારાજના જન્મ વિષે ઈતિહાસકારોમાં વિવિધ મતમતાંતરો છે. શિવાજી મહારાજનો જન્મ ફાગણવદ ત્રીજ ૧૫૫૧ માં થયો હતો. જ્યારે બીજો મત કહે છે કે શિવાજીરાજે ભોંસલેનો જન્મ ઇ.સ.૧૬૨૭ ના એપ્રિલ માસની ૧૦ મી તારીખે થયો હતો,અને ત્રીજો મત કહે છે કે તેમનો જન્મ ૧૯૩૦ ૧૯ મી ફેબ્રુઆરીમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજીરાવ ભોંસલે હતું. શાહજીને પોતાની સપત્ની તુકાબાઇ અને તેમના બાળકો ઉપર વધુ સ્નેહ હોઇ તેમણે પોતાના પ્રથમ પત્ની જીજાબાઈ અને બાળ શિવાજીનો લગભગ ત્યાગ કરેલો હતો. તેથી એમ કહી શકાય કે શિવાજી મહારાજનું નાનપણ તેમના પિતા તરફથી ખૂબ ઉપેક્ષિત અને તિરસ્કૃત રહ્યું હતું. જે સમયે શિવાજી મહારાજ પોતાના પિતાથી દૂર હતાં તે સમયે તેમના દાદા કોંડદેવજી જીજાબાઈની મદદ આવ્યાં તેમણે જીજાબાઈની સાથે બાળશિવાજીને અથાગ સ્નેહ આપ્યો અને સાથે સાથે ઘોડેસવારી, ભાલાફેંક, પટ્ટાબાજી, તલવાર બાજી, પર્વતારોહણ, મલ્લયુધ્ધ, તરણવિદ્યા, અવનવા શાસ્ત્રોની તાલીમ, સ્વધર્મ અને સ્ત્રી સન્માન પ્રત્યેનો આદર, નેતૃત્વ, રાજનીતિ, શૌર્ય અને શૂરવીરતાના સર્વે ગુણો સાથેની શિક્ષા આપી. દાદા કોન્ડદેવજી ગયા પછી શિવાજી મહારાજના જીવનમાં ગુરુ રામદાસ આવ્યાં જેમણે શિવાજી મહારાજને માર્ગદર્શન સાથે શિક્ષા પણ આપી અને તેમનું જીવન પણ સંવાર્યુ. માતા જીજાબાઇ સ્વયં વીરાંગના અને ધર્મ ઉપર શ્રધ્ધા રાખનારી નારી હતી તેમણે બાળ શિવાને ગ્રંથોના જ્ઞાન સાથે જીવનનું જ્ઞાન આપી સમજાવ્યું કે આજે આપણો દેશ,  સમાજ, બ્રાહ્મણો, ધર્મ, ગૌ, સ્ત્રીઓ સૌ કોઈ વિદેશીઓ અને મોગલોથી ઉત્પીડીત છે તેથી સમાજ અને ધર્મને બચાવવો જરૂરી છે.

જીજામાતાની વાતને સમજીને યુવાવસ્થામાં આવતા જ શિવાજી મહારાજે પૂણેની જાગીરની આસપાસ વસતા માવળા જાતિના લોકોને સંગઠિત કરી યુધ્ધની તાલીમ આપી. તેમના હૃદયમાં સતત સ્વાધીનતાની જ્વાળાઑ રહી આ કારણે કેવળ ૧૯ વર્ષની વયે મોગલ સૈન્ય અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી ૧૬૪૪ની આસપાસ તેમણે મોગલો પાસે રહેલા સિંહગઢ, ચકન, તોરણા, પુરંદર, સૂપો, રાજગઢ, ઇન્દાપુર, કોન્ડાણ, જાવલી,પાલી, કલ્યાણ, પ્રતાપગઢ વગેરે સંખ્યાબંધ કિલ્લાઑ જીતી લઈ મોગલો વિરુધ્ધ વિજયકૂચ ચાલુ કરી. શિવાજી મહારાજના પરાક્રમો જોઈ દિલ્હી આગ્રા સુધી મોગલ શાસકો ધ્રુજી જતાં હતાં. શિવાજી મહારાજના વધતાં પ્રતાપથી આતંકિત થયેલા આદિલશાહે શિવાજી મહારાજને બંદી બનાવવાના અનેક પ્રયત્ન કર્યા પરંતુ તે તેમાં સફળ ન થયો આથી તેણે શાહજીરાવને કેદ કર્યા. શિવાજી મહારાજે ગેરીલા નીતિનો પ્રયત્ન કરી અદમ્ય સાહસ વડે પોતાના પિતાને મુક્ત કરાવ્યાં. શિવાજી મહારાજને જીવતા અથવા મરેલા લાવવાની ઈચ્છા રાખતા આદિલશાહે અફઝલખાનને મોકલ્યો. અફઝલખાને શિવાજી મહારાજને છળકપટથી મારી નાંખવા વ્યુહ રચેલો ત્યારે શિવાજી મહારાજે વાઘનખથી અફઝલખાનને મારી નાખ્યો અને મોગલો સામે ખુલ્લો પડકાર ફેંકયો.

ઇ.સ.૧૬૭૪ માં છઠ્ઠી જૂને રાયગઢમાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજાએ તેમને અનેક લોકોના મસ્તક પર છત્ર બનીને રહેલા “છત્રપતિ”ની ઉપાધિ આપી ત્યારથી તેઓ “છત્રપતિ શિવાજી”ને નામે ઈતિહાસમાં પ્રસિધ્ધ થયાં. તેમને સઈબાઇ, કાશીબાઇ, પૂતળાબાઇ, લક્ષ્મીબાઇ, સકવારબાઇ, ગુણવતબાઇ, સગુણાબાઇ, અને મૈનાબાઈ એમ ૮ રાણીઓ હતી. તેમણે પોતાના રાજયકાળ દરમ્યાન જમીનદારી પ્રથા દૂર કરી અને વિવિધ રાજ્યોને પોતાના બાહુબળથી અંકુશમાં આણ્યા,અને જીતાયેલા સમગ્ર પ્રદેશમાં તેમણે અષ્ટપ્રધાનમંડળની રચના કરી તેમના સહકાર વડે સુંદર વહીવટ કર્યો. શિવાજી મહારાજ એક કુશળ રાષ્ટ્રનિમાર્ણ કર્તા, ઉદાર, માતૃભક્ત, સહિષ્ણુ, સફળ યુગપુરૂષ હતાં. હિન્દુ પ્રજાના અને હિન્દુ ધર્મના તારણહાર એવા શિવાજી મહારાજ સામે હંમેશા દોષારોપણ થાય છે કે તેઓ મુસલમાનોની વિરુધ્ધ હતાં, પરંતુ આ બાબત પૂર્ણ રીતે સત્ય નથી. તેમની સેનામાં અનેક મુસ્લિમ સરદારો અને સૈનિકો હતાં. આ વાત પરથી સિધ્ધ થાય છે કે શિવાજી મહારાજ કટ્ટરવાદ અને ઉદ્દંડતાની વિરુધ્ધ હતાં. શિવાજી મહારાજની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, સ્વાતંત્ર્યસેનાની સ્વરાજ્યના સ્થાપક અને પર્યાય તરીકેની હોઇ તેમના નિકટના રાષ્ટ્રપુરુષો તેમની ગણના મહારાણા પ્રતાપ સાથે કરે છે. 

શિવાજી મહારાજે અનેક કિલ્લાઓ જીતેલા. પરંતુ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ મહડ રાયરી પહાડને (આજે રાયગઢ કિલ્લાને) શિવાજી મહારાજે ૧૬૭૪માં પોતાની રાજધાની અને કર્મભૂમિ બનાવી. પરંતુ અહીં આવ્યા બાદ શિવાજી મહારાજ લાંબુ ન જીવ્યા અને ૧૬૮૦માં તેઓ કેવળ ૫૦ વર્ષની ઉંમરે દેવલોક પામ્યાં. શિવાજી મહારાજે ૧૬ વર્ષની આયુથી મહારાષ્ટ્રના કિલ્લાઓ જીતવાનું ચાલુ કરેલું તે કાર્ય તેમના મૃત્યુ સુધી ચાલ્યું. પોતાના આખા જીવનકાળ દરમ્યાન શિવાજી મહારાજે ૨૬૫ કિલ્લાઓ જીતેલા. જ્યારે તેમણે મહડ રાયરીનો પહાડ જોયો ત્યારે તેમણે જોયું કે નીચેથી આ કિલ્લાને જોઈ શકાતો નથી આથી તેમણે વિચાર કર્યો કે ઉપર જ એક એવો વિશાળ કિલ્લો બનાવું જેના વડે પ્રજાને બાહરના આક્રમણથી સુરક્ષિત રાખી શકાય. આજે પણ આ કિલ્લાને નીચેથી જોઈએ તો ખબર નથી પડતી કે ટોચ ઉપર કોઈ કિલ્લાનું નામોનિશાન હોય. આ આખા કિલ્લાને પૂર્ણ રીતે જોતાં ૩ દિવસ થાય છે. પરંતુ આજે ભગ્ન અને ખંડિત થયેલો આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદોને અને અવશેષોને લઈને ઉભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોને કહી રહ્યું છે.

આ કિલ્લા ઉપર પહોંચવા માટે મહારાષ્ટ્ર સરકારે ટ્રામ બનાવી છે, અને કિલ્લા પર ચડવા માટે આજે અહીં ૧૭૩૭ પગથિયાઓ બનાવેલા છે (પણ તે સમયે ઘોડાઑ ચાલી શકે તેવો એક રસ્તો હતો.) પરંતુ આ પર્વતમાળા અત્યંત ઊંચી હોઈ પગથિયાં ચડવા હાર્ડ પડે છે ખાસ કરીને ચોમાસા દરમ્યાન આ સ્થળનું નૈસર્ગિક સૌંદર્ય ખીલી ઊઠે છે. કિલ્લા ઉપર ચડતા જ સૌ પ્રથમ વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ કિલ્લા તરફ જોઈ આ….હા થઈ જાય છે. આ કીલ્લામાં એક સમયે ૧૬ મુખ્ય ચેમ્બર્સો હતી જેમાં ૩૦૦ ખંડ હતાં. દુશ્મનોના આક્રમણ દરમ્યાન દોઢ વર્ષ સુધી ખાવા-પીવાની મુશ્કેલી ન પડે તે હેતુથી અહીં અનાજનો કોઠાર, ૧૧ કૂવાઓ અને અમુક આર્ટીફિશિયલ ટેન્ક બનાવવામાં આવી હતી જેમાં પીવાના પાણીનો સંગ્રહ થતો હતો. આ ઉપરાંત, રાણી મહેલ, રાજદરબાર, ખાસ મહેલ, બારૂદખાના, હાથીપુલા, ટૂકમટૂક, હીરાકણી દરવાજો, નગારખાના દરવાજા, મૈના દરવાજા, બઝાર વગેરે બનાવવામાં આવેલ જે આજે પણ ખંડિત હાલતમાં જોવા મળે છે. આ ખંડિત ભાગો સિવાય જોવા લાયક મુખ્ય સ્થળોમાં આજે જગદીશ્વર મંદિર, શિવાજી મહારાજની સમાધિ, અને તેમની બાજુમાં તેમના પ્રિય કુતરા વાઘ્યાની સમાધી છે, જેને જોયા વગર રાયગઢની યાત્રા અધૂરી ગણાય છે. દર વર્ષે શિવાજી મહારાજની જન્મતિથી અને પુણ્યતિથીએ આખા મહારાષ્ટ્રમાંથી અહીં અનેક સંઘો પદયાત્રા કરતાં કરતાં આવે છે ત્યારે આખાયે વાતાવરણમાં શિવાજી મહારાજના જયજયકારનો નાદ ગુંજી ઊઠે છે. એક સમયે જે સિંહથી મુઘલો ડરતા હતા તે રાયગઢ કિલ્લાને ૧૮૧૮માં બ્રિટિશરો દ્વારા જીતી લેવામાં આવ્યો ત્યારબાદ લૂંટી લેવામાં આવ્યો અને ત્યારબાદ તેનો તોપ વડે નાશ કરવામાં આવ્યો છે. (અંગ્રેજોએ જે તોપ વડે આ કિલ્લાનો નાશ કર્યો તે તોપ પણ તેઓ ત્યાંજ મૂકીને ગયા છે.) શિવસેના અને અન્ય મરાઠાઓના હૃદયમાં અનોખુ સ્થાન ધરાવતું આ સ્થળ જ્યાંથી પૂર્ણ થાય છે ત્યાંથી કોંકણનો પ્રદેશ શરૂ થાય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com.
કોપીરાઇટ ISBN-978-1500126087

Spring Is In The Air

Spring Is In The Air,

Spring Iseverywere

The flowers start to bloom

The blossoms on the trees

Fill the air with sweet perfume…

 

૬ થી ૭ મહિનાના લાંબા વિન્ટર પછી આવતી સ્પ્રિંગ એ અમેરિકન-કેનેડીયન લોકો માટે શું મહત્વ રાખે છે તે કહેવું મુશ્કેલ છે. આ સિઝન જેમ નવી ઉર્જાનું કારણ બને છે, તેમ વિન્ટરની ઠંડી ઉડાડીને અમેરિકન પ્રજાને વર્કોહોલિક પણ બનાવી દે છે. સ્પ્રિંગથી લઈ સમરના ૬ મહિના એવા હોય છે જેમાં અમેરિકન પ્રજા ઓફિસ, ઘર અને જિમમાં ફસાયેલી જોવા મળે છે. પણ જેવી સ્પ્રિંગની શરૂઆત થાય તેમ ઘર આંગણે પાછા ફરેલા વિન્ટર બર્ડની જેમ અમેરિકન લોકો સનલાઇટ મેળવવા માટે ઘરબહારના કામકાજમાં અને લાંબા થયેલા દિવસોનો આનંદ ઉઠાવવા માટે તૈયાર થઈ જાય છે. સ્પ્રિંગ…… આમ તો સ્પ્રિંગ સિઝનની વિવિધ ટેકનિકલ વ્યાખ્યાઓ છે, પરંતુ આ શબ્દ સ્થાનિક વપરાશ સ્થાનિક વાતાવરણ, સંસ્કૃતિ અને રિવાજો પ્રમાણે બદલાતો હોય છે. દુનિયાના વિવિધ દેશોમાં વિવિધ મહિનામાં સ્પ્રિંગ ઋતુની શરૂઆત થાય છે. આ પ્રમાણે જોતા ઉત્તર ગોળાર્ધમાં વસંત ઋતુ હોય તો તે વખતે દક્ષિણ ગોળાર્ધમાં પાનખર ઋતુ હોય છે. ઉત્તર-દક્ષિણ ગોળાર્ધને જોતાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયામાં સપ્ટેમ્બર, ઓકટોબર, નવેમ્બરમાં સ્પ્રિંગ સિઝન ચાલતી હોય છે. કેનેડા, અને નોર્થ પોલના દેશોમાં એપ્રિલ, મે, જૂન, જુલાઇમાં સ્પ્રિંગ ટાઈમ હોય છે, અમેરિકા, બ્રિટન અને યુરોપમાં માર્ચ, એપ્રિલ, મે મહિનામાં સ્પ્રિંગ સિઝન હોય છે. આપણે ત્યાં ભારતમાં થોડા દિવસ પૂર્વે જ આપણે રંગેચંગે જ વસંતોત્સવ ઉજવ્યો. પરંતુ અમેરિકાનો વસંત ઉત્સવ હજુ શરૂ થઈ રહ્યો છે. અમેરિકામાં વસંત અને પાનખર આ બંને સિઝન વચ્ચે એક સામ્યતા રહેલી છે. આ સામ્યતા એ છે કે આ બંને સિઝન વેટ ગણાય છે અર્થાત્ આ બંને સિઝનમાં સ્નો અથવા વરસાદના ચમકારા ચાલતા હોય છે. તેથી અમેરીકામાં માર્ચની ૨૦ તારીખથી ઓફિસયલી સ્પ્રિંગ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ બારીની બહાર જોતાં હજુ સ્પ્રિંગનો અણસાર નથી આવતો. વૃક્ષો હજુયે શીત વસ્ત્રોને ધારણ કરેલા છે, પર્ણો જન્મ હજુ થયો નથી, ફૂલ હજુ ખીલ્યા નથી તેમ છતાંયે લાંબા થયેલા દિવસો, સસલાઓ અને ખિસકોલીની દોડાદોડી, વિન્ટર દરમ્યાન સાઉથ તરફ ઊડી ગયેલા પંખીઓનું હોમલેન્ડમાં પાછું ફરવું, બ્લૂબર્ડ અને રોબિનનો ચહકાહટ, સ્નોની જગ્યાએ સતત વરસતો વરસાદ અને ઘડિયાળનો ૧ કલાક આગળ ગયેલો સમય યાદ દેવડાવે છે કે Springની શરૂઆત ઈસ્ટર્ન અમેરિકામાં થઈ ગઈ છે.

 

ઉપરોક્ત કહેલી તમામ વાતો સ્પ્રિંગના આવવાની તૈયારીને બતાવી રહ્યો છે પણ અમેરીકામાં સ્પ્રિંગ આવી ગયો છે તેની નિશાનીઓ શું? સ્પ્રિંગની સિઝનની નિશાનીઓ એ છે કે અહીં સસલા, ઉંદર, રેકુન, સ્કંક જેવા પ્રાણીઓ બચ્ચાઓને જન્મ આપે છે. અમુક પક્ષીઓ પણ ઈંડા મૂકવા માટે સેફ જગ્યાઓ શોધે છે, અને અમુક પક્ષીઓ ઈંડા મૂકે છે. સામાન્ય રીતે વૃક્ષો ઉપર સૌ પ્રથમ પાંદડા આવે ત્યાર બાદ ફૂલ અને પછી ફળ આવે છે, પણ અમેરિકાના અને જેમ નોર્થમાં જઈએ તેમ આ વૃક્ષોનું ઊંધું છે. અહીંના વૃક્ષો સ્પ્રિંગ આવતાં જ વાતાવરણ  મેગ્નોલિયા, ડોગવૂડ, સ્નોડ્રોપ, લીલી, ડચ ક્રોકસ, એઝેલિયા, ડ્યૂબેરી, આઈરિસ,રેન્યુક્યુલસ, સ્નોફ્લેક્સ, તુસ્સીલાગો ફરફરા વગેરે વૃક્ષો ફૂલોથી છલકાઇ જાય છે. આ ફૂલો ૩-૪ વીક માટે ખીલે છે. જેમાં ડોગવૂડના વૃક્ષો પર સફેદ રંગના ફૂલો ઝૂમી ઊઠે છે. એક એક ડાળખીમાં ૫ થી ૬ ફૂલો એક સાથે ગુચ્છામાં લહેરાતા હોય ત્યારે એવું લાગે છે કે સ્નો જ આ ડાળીઓ પર બેસીને નાચી રહ્યો છે. રોહડેડોનડ્રોન (ચાર પાંદડીવાળા પુષ્પો) અને એઝેલીયાના (કંઈક અંશે કાગળના ફૂલોની યાદ અપાવી જાય છે.) બુશ ગુલાબી, સફેદ, પીળા વગેરે ફૂલોથી છવાઈ જાય છે. (આપણાં હિમાલયના વેલી ઓફ ફ્લાવરમાંપણ સ્પ્રિંગ સિઝન આવતાં રોહડેડોનડ્રોન અને એઝાલીયાના ફૂલો આખી ઘાટીને રંગબેરંગી કરી દે છે.) ૩ થી ૬ પાંદડીવાળા સ્નો ડ્રોપના સફેદ ફૂલો પોતાની જ ડાળીઓ પર ખીલીને શરમાઈ જાય છે, લીલીના ફૂલો અમેરીકામાં શુભકામનાનું પ્રતિક ગણવામાં આવે છે. સ્પ્રિંગ આવતાં જ રંગબેરંગી લીલીના છોડો દબાયેલી માટીમાંથી ડોકિયું કરવા મચી પડે છે.

જેમ જેમ સમરના દિવસોની તૈયારી થવા લાગે તેમ તેમ આ ફૂલો ખરવા લાગે અને વૃક્ષો ઉપર પાંદડાઓ આવવા લાગે. આ પાંદડાઓ સપ્ટેમ્બર મહિના સુધી રહે છે ત્યારબાદ જેમ દિવસો ટૂંકા ને રાત્રિ મોટી થતી જાય તેમ તેમ પાંદડાઓ રંગબેરંગી થઈ ખરી પડે અને તે વૃક્ષોમાં બેરી કે ફ્રૂટ આવી જાય છે. જ્યારે શિયાળો જામવાં લાગે ત્યારે સાઉથમાં માઈગ્રેટ કરતાં પક્ષીઓ માટે આ ફ્રૂટ અને બેરીઓ ભોજન બને છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં તો કલબલ કરતાં ટોળાના ટોળા પંખીઓ ઘર આંગણાના મહેમાન બને છે ત્યારે તો વાતાવરણ અદ્ભુત અને અદ્વિતીય બની જાય છે. જેમ અમેરિકા, કેનેડાની સ્નો અને પાનખરની સિઝન માણવા જેવી હોય છે તેમ સ્પ્રિંગ પણ માણવા જેવી હોય છે. ખાસ કરીને આ સિઝનના પુષ્પો એ વાતાવરણને શબ્દોમાં બયાં ન કરી શકાય તેવું બનાવી દે છે.

 

આ તો ફક્ત નેચરની વાત થઈ. પણ અહીંના જનજીવન ઉપર પણ સ્પ્રિંગની અસર થવાનું ચાલુ થઈ જાય છે. આ ઋતુ આવતાં જ બાળકો ઈસ્ટર ઉજવવા તૈયાર થઈ જાય છે. આ સિઝનમાં બાળકો રોબિન, કુકૂ બર્ડના ઈસ્ટર એગ્ઝ શોધવા નીકળી પડે છે. એપ્રિલ મહિનો આવતાં જ લૉન્ડ્રીમાં જઈ લોકો પોતાના વિન્ટરવેર જેકેટ્સને ક્લીન કરવા માટે આપી દે છે જેથી નેક્સ્ટ સિઝનમાં ફ્રેશ થયેલા જેકેટ્સ પહેરવા મળે, સુપર સ્ટોર્સમાં વિન્ટર વેર સેલમાં આવી જાય છે. વિન્ટર વેરની જગ્યા સમર ડ્રેસિસ લેવા લાગે છે, બીચ ઉપર જવા માટેની વસ્તુઓ (બિગ ટોવેલ, બીચ મેટ, બીચ ચેર, વગેરે…) ટેન્ટ, આઉટ સાઈડ કૂકિંગ કરવા માટેના રેન્જ, ડેક ફર્નિચર, સમરમાં ઘર આંગણામાં ઉગાડવા માટેની ગાર્ડન સામગ્રીઓ, શાકભાજીના સીડ્સ, સાઉથમાંથી પાછા ફરતા પક્ષીઓ માટે ચણ, લોકલ શાકભાજી વગેરે મળવાનું શરૂ થઈ જાય છે. આ સિઝનમાં લોકો ટ્રાવેલિંગ સાથે મૂવિંગ પણ ઘણું કરે છે. ટ્રાવેલિંગ કરવાનું કારણ એ કે આ ઋતુમાં બાળકોને સ્પ્રિંગ વેકેશન પડે છે તેથી ડીઝનીલેન્ડ, ગ્રાન્ડ કેનીયન અને સાઉથના બીજા સ્થળોએ જવા માટે આ સિઝન ખૂબ સારી પડે છે અને નોકરી-ધંધાર્થે જેમને ઘર મૂવ કરવાનું છે તેમને શિયાળો કે સ્નો નડતાં નથી તેથી પણ સારું પડે છે. આ સિઝનમાં લોકો એકસરસાઈઝ કરવા માટે બહાર જવા લાગે છે. આમ તો અમેરિકન પ્રજા એકસરસાઈઝની શોખીન ગણાય છે પણ વિન્ટરની શરૂઆત થતાં જ જિમમાં ભરાયેલા લોકો સાઈકલિંગ, ગાર્ડનિંગ, સ્વિમિંગ, ટ્રેકિંગ, ફિશિંગ જેવી આઉટસાઈડ એક્ટિવિટીમાં જોડાઈ જાય છે. એપ્રિલ આવતાં જ રાઇડ્સ પાર્ક ખૂલી જાય છે અને નાના મોટા સૌ વિવિધ પ્રકારની રાઇડસ અને બુશ ગાર્ડનનો આનંદ લેવા મંડી પડે છે. સ્પ્રિંગ આવતાં જ લાંબા સમયથી સૂતેલા ટાઉનો આળસ ખંખેરી નવી સિઝનનું સ્વાગત કરવા ફ્રાઈડે ફેસ્ટિવલ ઉજવવા તૈયાર થઈ જાય છે. ફ્રાઈડે ફેસ્ટિવલ એ અમેરિકાના કન્ટ્રી સાઈડ એરિયાની ખૂબી માનવામાં આવે છે જે ફ્રાઈડે સાંજથી શરૂ થઈ રવિવાર સાંજ સુધી ચાલે છે. (આ ત્રણ દિવસ દરમ્યાન ફક્ત સાંજના સમયે જ શરૂ થાય છે. ) પ્રત્યેક વીક ફ્રાઈડેના દિવસે લોકો સાંજના સમયે ટાઉનના મેઇન સેન્ટરમાં એકઠા થાય છે અને મોડી રાત સુધી મ્યુઝિક, ખાણીપીણી, ફેઇસ પેંટિંગ. ટાટુ, સ્મોલ સર્કસ અને શોપિંગ સાથે ટાઉન ખોવાઈ જાય છે. એપ્રિલ એન્ડથી શરૂ થયેલો આ ફ્રાઈડે ફેસ્ટિવલ ઓક્ટોબર મહિના સુધી ચાલે છે. અમેરિકા- કેનેડામાં સ્પ્રિંગનો ગાળો ત્રણ મહિનાનો હોય છે. ત્યારપછી ત્રણ મહિનાનો સમર હોય છે જેની ઓફિસયલી શરૂઆત ૨૦ મી જૂનથી થાય છે. આ સમરના પણ ત્રણ મહિના હોય છે. સપ્ટેમ્બરની ૧૫ તારીખ પછી ફરીથી ઠંડીના દિવસો, ધીરે ધીરે લાંબી થતી રાત્રિ, હેલોવીન ઉત્સવની તૈયારી વિતી ગયેલ સ્પ્રિંગ-સમરની યાદ દેવડાવે છે ત્યારે દિવસો બદલાઈ ગયા હોવાનું ભાન કરાવે છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

 

ગુડ ફ્રાઈડે – ઈસ્ટર

ગુડ ફ્રાઈડે

એક સમયે ગોડ્સ ફ્રાઈડે તરીકે પણ અત્યારે ગુડ ફ્રાઈડે, (શુભ શુક્રવાર) તરીકે ઓળખાતો આ દિવસ ખ્રિસ્તી-ઈસાઈ સમાજનો આ એક મહત્વપૂર્ણ દિવસ છે. ભગવાન ઇસુની સમાજસેવા અને ધાર્મિક કાર્યોને કારણે અનેક લોકો ભગવાન ઈશુના અનુયાયીઓ બન્યા હતાં. આ કારણે તે સમયના દેવળના પોપ, વિદ્વાનો, રાજદ્વારી માણસો અને અધર્મી લોકોના મનમાં ઈશુ પ્રત્યે દ્વેષ, વિરોધ અને ધૃણાની ભાવના આવી ગઈ. તેમણે ઈશુના માથા ઉપર કાંટાનો તાજ પહેરાવી ક્રોસ ઉપર બાંધી તેમના હાથ-પગ ઉપર ખીલા ઠોકી દીધા અને ઈશુને જખ્મી અને લોહીલુહાણ કરી મૂક્યા. ક્રોસ ઉપર રહેલા ઈશુએ અસહનીય પરિસ્થિતીમાં પણ પરમપિતાને પ્રાર્થના કરી કે “હે પ્રભુ આ લોકો શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી માટે તેમણે કરેલા અપરાધ બદલ તેમને ક્ષમા કરજે.” પરમ પિતાના પુત્ર ઇસા મસીહાએ પોતાનું સમસ્ત જીવન માનવ કલ્યાણમાં લગાવી સમાજને પ્રેમ, ક્ષમા, એવં સહનશીલતાનો ઉપદેશ આપ્યો હતો. હોલી ફ્રાઈડે, સેડ ફ્રાઈડે, ગ્રેટ ફાઇડે, હાઇ ફ્રાઈડે, પેશન ફ્રાઈડે એમ વિવિધ નામે ઓળખાતા આ દિવસે ઇસા મસીહાએ પોતાના પ્રાણ ત્યાગેલા હોઈ ઈશુ ખ્રિસ્તને માનનારા કેટલાક લોકો શોકમગ્ન રહે છે અને જે પીડા ઈશુ ખ્રિસ્તે ભોગવેલી તેવી જ પીડાને માનસિક રીતે ભોગવી સમતા ધારણ કરે છે અને કેટલાક લોકો ચર્ચમાં જઇ પ્રાર્થના કરે છે. આ દિવસોમાં જેરુસલામસ્પેનફીલીપાઈન્સમેક્સિકોમાં કેટલાક લોકો (સ્ત્રીઓ અને પુરુષો બંને) ક્રોસમાં જડેલા ઈશુની જેમ પોતે પણ ક્રોસમાં જડાઈ ઈશુએ ભોગવેલી પીડાનો અનુભવ કરે છે. લાસ્ટયર અમેરિકાના ડાઉનીંગટાઉન (એરિઝોના) ચર્ચમાં કેટલાક લોકોએ ક્રોસમાં (વધ સ્તંભમાં) જડાવવાને બદલે ક્રોસમાં બંધાવવાનો અનુભવ લીધો હતો. હાલાકી આ રીતે તેઓ લાંબો સમય રહેતા નથી ૧૦ થી ૧૫ મિનિટ કે તેનાથી ઓછી મિનિટોમાં તેઓ ક્રોસ ઉપરથી ઉતરી જાય છે પણ ઈશુ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવવાનો આ પણ એક પ્રકાર છે. સામાન્ય રીતે અમુક ચર્ચોમાં આ પીડાદાયક અનુભવ લેવા માટે પાદરીઓનો વિરોધ કરવામાં આવતો હોય છે તેમ છતાં પ્રત્યેક ચર્ચનો આ પ્રક્રિયામાં પોતાનો નિર્ણય હોય છે. આ અનુભવ જેમણે લીધેલો છે તેઓનું કહેવું છે કે ક્રોસની આ પ્રક્રિયા તેમને લોર્ડ જીસસની વધુ નજીક લઈ જાય છે તેથી તેઓ દર વર્ષે આ પ્રક્રિયામાંથી પસાર થવા ઉત્સુક હોય છે. ક્રોસ સાથે બંધાયેલા કે જડાયેલા આધુનિક ઈશુની આ પ્રક્રિયા જોવા માટે અનેક લોકો ભેગા થાય છે.

ઈસ્ટર

ઈસ્ટર એ ઈસાઈનો સૌથી મોટો પર્વ છે. મૃત્યુના ત્રણ દિવસ પછી ઇસુ પુનઃ જીવિત થયા. ઈશુના પુનઃ જીવિત થવાથી લોકો અત્યંત આનંદિત થઈ ગયાં. આ દિવસની સ્મૃતિમાં આ પર્વ આખા વિશ્વમાં ધામધૂમથી મનાવવામાં આવે તે પૂર્વે ૪૦ દિવસ પૂર્વેથી ખ્રિસ્તી લોકો દ્વારા વિવિધ રીતે ઉજવણી શરૂ થઈ જાય છે. ખ્રિસ્તીઑ ઇસ્ટર”ની પૂર્વતૈયારી રૂપે વ્રતજપઉપવાસવગેરે કરવાની સાથે ચુસ્તપણે ધર્મનિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ દિવસો દરમ્યાન ખ્રિસ્તીઓ પોતાની ફેવરિટ વસ્તુઓથી દૂર રહેવાનો નિયમ પાળે છે, તો કેટલાક લોકો મીટ ન ખાઈ શાકાહારી બની જાય છે, વળી કેટલાક આ દિવસોમાં આલ્કોહોલિક ડ્રિંક્સ ન લેવાનો નિયમ રાખે છે. અલબત્ત ખાનપાન અને જીવન અંગેના દરેક નિયમો પ્રત્યેક ખ્રિસ્તી પરિવાર કે લોકો પર આધાર રાખે છે. ઈસ્ટર સન્ડેને દિવસે અમેરિકન લોકો સિમેટ્રીમાં જઇ ખાલી કબર બનાવે છેઈસ્ટર અને થેંક્સગિવિંગ ફક્ત આ બે પર્વો એવા છે જ્યારે અમેરિકાના બધાં જ રસ્તાઓ મોટાભાગે ખાલી રહે છે. જ્યારે ન્યૂયોર્કમાં “મેસી” સુપર સ્ટોર આ દિવસે ઈસ્ટર પરેડ કાઢે છે જેને જોવા માટે હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો ત્યાં જાય છે. યુરોપ અને અમેરિકામાં ઈસ્ટરના આ દિવસોમાં સસલાને અને બ્લેક બર્ડ તેમજ રોબિનના ઇંડાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે, તેથી સસલાના અને અંડાના શેઈપની ચોકલેટ્સ ખૂબ ખવાય છે. આ દિવસોમાં વિવિધ પક્ષીઓના એગ્ઝને બોઈલ કરી વિવિધ રંગમાં રંગવામાં આવે છે અથવા તેના પર વિવિધ રંગો વડે ડિઝાઇન કરવામાં આવે છે. ઈસ્ટરની આગળની રાત્રે પ્લાસ્ટિકના એગ્ઝમાં નાની નાની કેન્ડી, ચોક્લેટ્સ કે મિની ટોયઝ ભરી તેને બાસ્કેટમાં ભરી બાળકોના રૂમમાં, ઘરમાં કે ગાર્ડનમાં છુપાવવામાં આવે છે જેને બાળકો દ્વારા શોધવામાં આવે છે. ઈસ્ટરનો આ ઉત્સવ, ચોકલેટ્સ, અને એગ્ઝથી ભરેલ બાસ્કેટ્સ આનંદનું પ્રતિક માનવામાં આવે છે. અમેરિકાની સ્કૂલોમાં વીક ડે દરમ્યાન અને અમેરિકન પરિવારો વીકએન્ડ  દરમ્યાન ખાસ કરીને ઈસ્ટર એગ્ઝ શોધવા જવાનો પ્રોગ્રામ બનાવવામાં આવે છે. અલબત્ત આ પ્રોગ્રામમાં પ્લાસ્ટિક એગ્ઝ નહીં બલ્કે પક્ષીઓના રિયલ એગ્ઝ શોધવાનો પ્રયત્ન કરાય છે. આ ખેલનું મહત્વ એ છે કે બાળકો નેચરને વધુ નજીકથી જોઈ શકે અને વસંત દરમ્યાન આવતા નવા જીવનને પ્રેક્ટિકલ રીતે જોઈ શકે, સમજી શકે તે હેતુ સમાયેલ હોય છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com.

 

એપ્રિલ ફૂલ બનાયા

પહેલી એપ્રિલ આવે એટ્લે આપણે ત્યાં લોકોને બુધ્ધુ અને એપ્રિલ ફૂલ બનાવવાની કેટલી તૈયારીઑ ચાલે છે તે વિષે મને ખાસ જાણ નથી પણ હા, એપ્રિલ ફૂલ વિશેના એ ગીત વિષે જરૂર ખ્યાલ છે.

 

“એપ્રિલ ફૂલ બનાયા, તો ઉનકો ગુસ્સા આયા”

 

એપ્રિલ ફૂલ-મૂર્ખ દિન તરીકે ઓળખાતા આ પર્વને ઘણા બધા દેશોએ પોતાની ઓળખ આપી છે જેમાં ફ્રાન્સ, અરેબિયા, બ્રિટન, યુનાની અર્થાત ગ્રીસ વગેરે રહેલા છે. જેમાં અધિકાંશ લોકો ફ્રાન્સને જ આ પર્વનું ઉદ્ગમ સ્થાન માને છે. ફ્રાન્સમાં આ દિવસની કથા રાજા સાથે જોડે છે. કહે છે કે ફ્રાન્સના રાજા લુઈના દરબારમાં પાદરીઓ અને નાગરિકો દ્વારા મોટી સભાનું આયોજન થતું હતું. જેને નામ અપાતું હતું “ગધાસંમેલન”. આ સભામાં ભાગ લેનાર નાગરિકો પોતાની વિચિત્ર હરકતો અને વિચિત્ર પોશાક દ્વારા લૂઈ રાજાનું મનોરંજન કરતાં હતાં. જે નાગરિક પોતાની મૂર્ખતાભરી હરકતથી રાજાને ખુશ કરતા તે નાગરિકને “માસ્ટર ઓફ ફૂલ”ની ઉપાધિ આપતો અને છેવટે નાગરિકો ગધેડાનો માસ્ક પહેરી હોંચીહોંચી કરી સભા પૂર્ણ કરતાં. યુરોપમાં આ દિવસે પ્રત્યેક માલિક નોકરનો વેશ ધારણ કરી નોકર જેવુ વર્તન કરતા અને નોકરો માલિક બનીને બેસતા હતાં. ૧૮૦૦ ની સાલમાં ગધેડાઓના સ્નાનનો પર્વ એ નામે બ્રિટનમાં આ દિવસ ઓળખાતો હતો. પરંતુ ધીરે ધીરે એ નામવાળી પ્રથા નાબૂત થઈ ગઇ.

 

આ દિવસની બીજી કથાના પગેરું અરેબિયામાંથી નીકળે છે. અરેબિયામાં એક કથા છે કે એક ગરીબ શેખ પાસે એક ઉંટ હતો. આ ઉંટ તેને અતિ પ્રિય હતો એક દિવસ તે કોઈ મિત્રને મળવા રેગિસ્તાનમાં ગયો. ત્યાં તેણે પોતાના ઉંટને મિત્રના તંબૂની બહાર બાંધ્યો. તે જ્યારે મિત્ર પાસે બેસીને વાત કરતો હતો ત્યાં બહારથી કોઈ આવ્યું અને તેણે શેખને કહ્યું કે લાગે છે કે તારા ઉંટને કોઈ દોરી ગયું છે આ સાંભળી તે શેખ દોડતો દોડતો બહાર આવ્યો. બહાર આવી તેણે જોયું કે તેનો ઉંટ સહિસલામત હતો પણ તે શેખને હાંફળોફાંફળો થયેલો જોઈ આજુબાજુના સર્વે લોકો હસવા લાગ્યા આમ એપ્રિલફૂલનો દિવસ બહાર આવ્યો.

 

ત્રીજી કિવદંતી અનુસાર એપ્રિલફૂલની શરૂઆત ઈટાલીથી થયેલી. કહે છે કે ઈટાલીમાં આ દિવસની શરૂઆત એક કાર્નિવલથી થયેલી. કાર્નિવલના આ દિવસે લોકો ખૂબ શરાબ પીતા અને નશામાં ટલ્લી થઈ ખૂબ હસતા હતાં. આ દિવસે રાત્રીના સમયે લોકો ગેટ ટુ ગેધર કરતાં અને નાચી–કૂદી એન્જોય કરતાં. ઘણા લોકોની માન્યતા છે કે આ દિવસ યૂનાની સભ્યતાની દેન છે. આ સંબંધમાં એક લોકકથા છે કે એક માણસ પોતાને તીસમારખા સમજતો હતો તે માનતો હતો કે સર્વ કાર્યો કરવા તે જ કુશળ છે. તેથી તે અતિ અહંકારી બની ગયો હતો. તેના આ અહંકારને ઉતારવા માટે તેના મિત્રોએ એક દિવસ કહ્યું કે આજે સવારે ગામ બહાર રહેલ પહાડની ચોટી ઉપર એક સંત આવવાના છે તેઓ સર્વે ભક્તજનને પારસમણિ આપવાના છે જેથી કરીને સર્વે ભક્તો ઘણું બધુ ધન મેળવી શકે. તે માણસ પોતાના મિત્રોની વાત સાંભળી વિચારવા લાગ્યો કે હું સવારે તે પર્વત પર જવાને બદલે રાત્રીના સમયે જ જઈને બેસી જાઉં જેથી કરીને સૌથી પહેલા સંત મને જુએ ને સૌથી પહેલો પારસમણિ મને મળી જાય. આમ વિચારી તે માણસ રાત્રીના સમયે પહાડની ચોટી પર જઇ બેસી ગયો અને સવારની પ્રતિક્ષા કરવા લાગ્યો. બીજે દિવસે સવાર થઈ પણ તે સંત ન આવ્યા આથી તે વિચારવા લાગ્યો કે કદાચ સંતને મોડુ થઈ ગયું છે તેથી તે ત્યાં બેસી રહ્યો સવારની બપોર થઈ સાંજ થઈ રાત પડી પણ સંત ન આવ્યા બીજે દિવસની પણ સવાર પડી પણ સંત ન આવ્યા તેથી તે ચોટી પરથી ઉતરી પોતાને ઘેર આવ્યો અને મિત્રોને કહ્યું કે શા માટે તમે બધાએ મને તે પહાડની ચોટી પર દોડાવ્યો? ત્યારે તેના મિત્રો તેની મજાક કરી હસવા લાગ્યાં. આ દિવસથી યૂનાનમાં કહેવત પડી કે “પારસમણિ લેવા કાંઇ પર્વત પર ન જવાય એ તમારા નસીબમાં હોય તો ઘેર બેઠા પણ તમને મળી જાય.” અને આજ દિવસથી મૂર્ખ દિવસ ઉજવવાની પણ પ્રથા પડી.

 

૧૫૦૮ માં એક ફ્રાન્સીસી કવિએ એપ્રિલ ફૂલનો અર્થ એપ્રિલ ફિશ તરીકે ઓળખેલો હતો, ૧૫૩૯ માં અન્ય એક કવિ ડે એ પણ એપ્રિલફૂલ ડે વિષે લખેલું હતું. ૧૬૮૬ માં બ્રિટનમાં મૂર્ખોનો પવિત્ર દિન ફિસ્ટ ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.૧૬૯૮ માં બ્રિટનના “ટાવર ઓફ લંડન” માં ઘણા લોકોને કાર્ડ મોકલવામાં આવ્યાં હતા જેમાં ટાવર ઓફ લંડનનાં  સિંહોને ધોવાની સેરેમની જોવા માટે આમંત્રણ અપાયું હતું. આ આમંત્રણ કાર્ડ વાળા લોકો જ્યારે ત્યાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમની સાથે પ્રેન્ક થયો હતો. આ સદીઓ પછી એટ્લે કે ૧૮ અને ૧૯ મી સદી સુધી એપ્રિલફૂલની આ પરંપરાને આગળ વધારવામાં થોડે ઘણે અંશે ન્યૂઝપેપરો અને રેડિયોનો પણ રહેલો હતો. આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજમાં પોતાની વ્યસ્તતાની વચ્ચે ખોવાયેલ મનુષ્ય ક્ષણભર માટે મુક્ત હાસ્ય અને મનોરંજન માટે સમય ફાળવવા માંગે છે ત્યારે વર્ષનો એક દિવસ મૂર્ખ દિવસ તરીકે મનાવવા માટે માનવ મન સહજ બની જાય છે. પરંતુ માનવ મન માટે બીજાને ફૂલ બનાવવા ખૂબ સરળ છે તેથી ક્યારેક આવા જ એપ્રિલફૂલના દિવસમાં હસવામાંથી ખસવું ન થઈ જાય તે વાતનો પણ ખ્યાલ રાખવો એટલું જ જરૂરી છે અને જ્યારે સ્વયં ફૂલ બની જઈએ ત્યારે પર્યાપ્ત હસવું પણ એટલું જ જરૂરી છે કારણ કે હાસ્ય તન અને મન બંનેને સ્વસ્થ રાખે છે.

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com