કંપની

હું ઘણાં સમયથી એકલી રહું છું. કારણ એ ગયાં પછી મારો દીકરો એનાં લક્ષ્યને શોધવા નીકળી પડ્યો જેથી ઘરમાં રહી ગઈ હું એકલી. આ એકલતાની સામે લડવા માટે રોજ સાંજે બહાર નીકળી પડું છું. આજે ય નીકળી પડી મારી એજ એકલતા સાથે.

 

મારા ઘરને તાળું મારી હું લિફ્ટ તરફ ગઈ, ત્યાં બિલ્ડીંગમાં કામ કરતી એક બાઈ મળી. એની સાથે મે વાત ન કરી પણ અમે બંન્ને એક બીજાની સામે જોઈ હસ્યાં. અમારા એ હાસ્યમાં અમે ઘણીબધી વાત કરી લીધી. પછી હું બિલ્ડીંગનાં મેઇન ગેઇટ પર આવી જ્યાં બે ચોકીદાર હતાં. જેમાંથી એક કશુંક ખાઈ રહ્યો હતો, ને બીજો કશુંક બોલી રહ્યો હતો. મને તેમની વાત ખાસ સમજાઈ નહીં. બિલ્ડીંગની બહાર નિકળતાં જ મે જોયું કે રસ્તા પર સારો એવો ટ્રાફિક હતો. સામેથી આવતી ખાલી રિક્ષાનો એક ચાલક મારી સામે જોતો જોતો પસાર થયો, કદાચ એને આશા હતી કે ભાડાની, પણ એની આશા પર મે પાણી ફેરવી દીધું. એ નિરાશ થઈને આગળ ગયો જ હતો, ત્યાં બીજો રિક્ષાવાળો નીકળ્યો તેની રિક્ષા ભરેલી હતી. તેને મારી સામે જોવાની ફુરસત ન હતી. ત્યાંથી આગળ વધતાં મને થોડા ફેરિયાઓ પણ નજરમાં આવ્યાં, તેઓ કામ કરી રહ્યાં હતાં. આ ફેરિયાઓ રોજ અહીં બેસે છે તેથી જોયે હું તેમને ઓળખું છું, તેમ છતાં યે હું તેમનાંથી અજાણી છું.

 

આ ફેરિયાસ્ટેન્ડથી આગળ વધતાં મારી જમણી બાજુથી મને ઘંટારવનો આછો આછો અવાજ સંભળાયો, જે મને તેની પાસે ખેંચી ગયો. એ મંદિર હતું જલારામબાપાનું. મંદિરની બહાર ઘણી જ ચહેલપહેલ હતી. કદાચ મંદિરમાં કોઈક ઉત્સવ હશે. મે વિચાર્યું ચાલ હું યે દર્શન કરી આવું કદાચ ભગવાનનાં સંગમાં મારી એકલતાં દૂર થાય. હું અંદર ગઈ, અને પગથિયાં પાસે ચપ્પલ કાઢ્યાં ત્યાં મારી નજર મારી બહેનપણી તરફ ગઈ. હું એને જોઈ ખૂબ ખુશ થઈ. ચાલો મને સરસ કંપની મળી. એની સાથે વાત કરતાં જાણ્યું કે તેણે અને તેનાં પરિવારે આજે ભજનનો પ્રોગ્રામ બનાવ્યો છે. હું એની સાથે જોઇન્ટ થઈ ગઈ. મે પણ બધાં સાથે થોડીવાર ભજન ગાયા અને પછી ત્યાં પ્રસાદ લીધો. જેટલાં જાણીતાં મળ્યાં તેની સાથે વાતે ય કરી પછી હું મારા ચપ્પલ પહેરી મંદિરની બહાર આવી. ત્યાં મોગરાનાં ગજરાવાળી બાઈ બેઠી હતી. એની પાસેથી મે ગજરા મે લીધાં, મારા માટે નહીં, મારા ઘરમાં મારા ઠાકોરજી બેઠાં છે ને એમને માટે. અત્યારે ગરમીનાં દિવસોમાં આ મોગરાની સુગંધ એમને ઠંડી પહોંચાડશે.

 

ગજરા લઈ, હું એ રસ્તા પર ચાલતી થઈ જ્યાં રોજ સવારે શાકમાર્કેટ ભરાય છે, પણ સાંજનાં સમયે આ માર્કેટ પ્લેસ જોગર્સપાર્ક જેવો બની જાય છે. અહીં સાંજે ઘણાં બધાં લોકો ચાલતાં દેખાય છે. મે ય આજે ઘણાં ચક્કર માર્યા. આ ચક્કરો મારતાં મારતાં ઘણાં જાણીતાં લોકો યે મળ્યાં તેમાંથી અમુકની સાથે મે વાત કરી, ને અમુકને કેવળ કેમ છો કહી જવાબની રાહ ન જોતાં છોડી દીધા. એ જાણીતાં લોકોમાં બે-ત્રણ તો મારા દીકરાનાં મિત્રોની મમ્મીઓ પણ મને મળી. તેમની સાથે મે મારા દીકરા વિષે અને તેઓએ તેમનાં દીકરાઓ વિષે વાત કરી. મોડી સાંજ સુધી ત્યાં સમય પસાર કર્યા પછી હું ફરી મારા ઘર તરફ જવા નીકળી એ જ રસ્તે જે રસ્તેથી હું આવી હતી.

 

મંદિર પાસે પહોંચી ત્યારે પેલી ગજરાવાળી ન હતી. મંદિરનો પરિસર ખાલી હતો. મારી બહેનપણી અને તેનો પરિવાર જઈ ચૂક્યો હતો. મે મંદિરનાં પૂજારીને મંદિરનાં બારણાં બંધ કરતાં જોયાં, પછી હું ત્યાંથી આગળ નીકળી. રસ્તા હવે ખાલી થવા આવેલાં. અમુક ફેરિયાઓ હજુ હતાં ને અમુક નીકળી ગયેલાં. રસ્તાની દુકાનોમાં લાઇટ થઈ ગઈ હતી. રિક્ષાવાળા હવે કોઈક કોઈક જ દેખાતાં હતાં, ને જેટલાં દેખાતાં હતાં તેની રિક્ષાઓમાં સવારીઓની કંપની હતી તેથી તેમને મારી પરવા ન હતી. હું ધીરે ધીરે ચાલતી મારા બિલ્ડીંગનાં ગેઇટ પર પહોંચી. ત્યાં એક જ ચોકીદાર હતો. બીજો કદાચ કોઈક કામ કરવા ગયો હશે. બિલ્ડીંગની અંદર જતાં જ મને ત્રીજા માળવાળા પાડોશી મળી ગયાં. અમે બંને થોડી પળો માટે લિફ્ટમાં સાથે રહ્યાં. તેમને તેમનાં માળ ઉપર છોડી હું મારા માળે ગઈ. હું જેવી લિફ્ટમાંથી બહાર આવી કે તરત જ નીચેથી લિફ્ટનો રી કોલ આવ્યો, તેથી લિફ્ટ મને છોડીને બીજા સાથીને લેવા નીકળી પડી. હવે હું એકલી હતી હંમેશની જેમ. હું મારા ફ્લેટ પાસે આવી ને ઘરનો દરવાજો ખોલ્યો. પછી ઓસરીમાંથી બહારની ઓસરીની લાઇટ ચાલું કરી અંદર ગઈ ને મુખ્ય દરવાજો બંધ કર્યો, ત્યાં મારા ઘરની દીવાલો મારી સામે દોડી આવી ને મને પૂછવા લાગી…તું આવી ગઈ?? તું આવી ગઈ??? મને તારા વગર ખૂબ એકલું એકલું લાગતું હતું. …સારું થયું તું આવી ગઈ, હવે તું છો ને તેથી મને એકલું નહીં રહેવું પડે. કહી તે હસી પડી ને તેની સાથે હું યે…. હવે અમને ફરી કંપની હતી એકબીજાની….

 

©૨૦૧૯ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com 

તારીખ :-૨૩ મે ૨૦૧૯

********************************************

પ્રેરણાસ્તોત્ર:-ભારતી કનૈયા

કોઇમ્બટૂર

Posted on સપ્ટેમ્બર 28, 2019, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. Leave a comment.

Leave a comment